આંબાળા ગામમાં સનાતન ધર્મ પ્રચાર માટે મળેલ
જાહેર સભાનો અહેવાલ — દિનાંક 03-Sep-1945
સાં.૨૦૦૨ના શ્રાવણ વદ ૧૨ને સોમવાર {VSA: 03-Sep-1945} ના રોજ શ્રી આંબાળા શુભ સ્થાને શ્રી કચ્છ કડવા પાટીદાર
સનાતન સમાજની જાહેર સભા ભરવામાં આવેલ. જેમાં લગભગ ભાઈઓ તથા બહેનો મળી ૪૦૦ માણસોની
હતી. તે સભામાં થયેલ કાર્યકર્મ નીચે મુજબ છે.
૧. પ્રથમ ઈશ્વરની પ્રાર્થના. પૂજ્ય દયાળદાસજીએ
બહુજ રસથી વિવેચન સહિત ગાન ગાયું હતું.
૨. સભાની શરૂઆતમાં પા.નથુ નાનજીએ પ્રમુખ તરીકેની
દરખાસ્ત શ્રીરતડીયાના પટેલ કાનજી મુળજીની મુકી હતી. જેને ટેકો દેવા ગામ આંબાળાના
પટેલ કેશરા નાથાએ આપેલ હતો. તે બાદ પ્રમુખશ્રી કાનજીભાઈ મુળજીએ લીધા બાદ તેમના વતી
ગામ શ્રી વિરાણીના પા.રતનશીભાઈ ખીમજીએ બહુજ
અસરકારક જ્ઞાતિ હિત વિષે તથા પ્રમુખશ્રીની કેટલીક સુચના રજુ કરી હતી.
૩. તે બાદ શ્રી વાંઢાયવાળા સાધુ દયાળદાસજી ઉભા થયા
હતા. ને તેમને ધર્મ એટલે શું ? મનુષ્યની ફરજ ? મંદિર એટલે શું ? સાધુ એટલે શું ? સાધુની ફરજ શું ? જ્ઞાન ક્યારે થાય ?
હૃદય જ્યાં સુધી શુદ્ધ ન થાય ત્યાં સુધી કાર્યની નિષ્ફળતા —
મહાત્માનો દાખલો — ગુરૂ ગોવિંદસિંગજીનો દાખલો — સનાતન ધર્મ સિવાય બીજા પંથની અમુક
મુદ્દત — જન્મ ધારણ કરી શું કરવું — પર ઉપકારી થવું — અન્ન દાન ઉત્તમ છે — તેનાથી
વિશેષ વિદ્યા દાન છે. વગેરે વગેરે બહું જ ધર્મ ઉપદેશ તરીકે ને જ્ઞાતિને ઉન્નતીના
માર્ગે લાવેલા બહુ જ અસરકારક વિવેચન કર્યું હતું.( તાળીઓ)
૪. નખત્રાણાના પા.નથુ નાનજીએ આંબાળા ગામના ભાઈઓ નો
સંપ જોઈ પોતાના હૃદયનો ભાવ વ્યક્ત કર્યો હતો ને જ્ઞાતિ હિત માટે બહુ જ અસરકારક
વિવેચન કર્યું હતું. આપણી જ્ઞાતિમાં જેવી છાપ પાડવી હોય તેવી પડી શકે છે. તથા આપણી
જ્ઞાતિના જુના વિચારોવાળા ભાઈઓ આપણી જ્ઞાતિના આ શુભકાર્યમાં વિધ્નરૂપે કેટલીક
ખટપટથી તથા સનાતન ધર્મ પાળનાર ભાઈઓની વિટંબણાઓ ઉપર તથા ગામના ઝઘડામાં બહારના ભાઈઓ
આવી ઝઘડો વધારે છે તે વિષે તથા જ્ઞાતિની ઉન્નતી કેળવણીથી જ થવાની છે. વગેરે વગેરે.
( તાળીઓ)
૫. ભાઈ ખીમજી કચરા રવાપરવાળા ઉભા થયા હતા. આપણે
પાટીદાર છીએ. મુળ વસ્તુ થી ભુલા પડયા છીએ. ગુજરાત વગેરે સ્થળે તપાસવાથી આપણી કડવા
પાટીદાર એક જનરલ કોમ છીએ. આપે આ પીરાણા ધર્મ માટે આપણી મૂળ ભૂમિ ગુજરાતને છોડવું
પડ્યું ને ઈશ્વર ક્યાંથી આપણી જ્ઞાતિમાં જાગૃતી આવીને આ ૩૫ વર્ષ થયા. આ શુભ કાર્ય
હાથ ધરાયું ને જ્ઞાતિનો ઉદ્ધાર હવે જરૂર નજીક છે. વિગેરે વિગેરે. ( તાળીઓ)
૬. ભાઈ શ્રી રતનશી ખીમજી
ઉભા થયા હતા ને આ જ્ઞાતિનો દાસનો દાસ હું સેવક છું ને મારા માટે આગળમાં જે કોઈ
અતિશયોક્તિ ભરેલા શબ્દો કહ્યા છે તે કંઇ વધારે પડતા છે.જનતાનો દાખલો — આ શરીર ક્ષણ
ભંગુર છે — જનાવર પણ પોતાની ફરજ અદા કરે છે,
તો મનુષ્યની તો ફરજ છે. જ્ઞાતિના સેવા કરવામાંજ સાર્થકતા છે.
નામ દેવનો દાખલો — આપણી શુદ્ધિ છેવટ સનાતન ધર્મ ટકવાનું છે તે ઉપર મે પણ દેહ
શુદ્ધિ કરાવી ને મારી ભુલ જણાતા ગમે તે રીતે જ્ઞાતિની સેવા કેમ કરવી તેનું નક્કી
કર્યું તે ઉપર મારા કુટુંબ તથા મારી ધર્મપત્નીનો સહકાર મેળવીને આ જ્ઞાતિના કાર્ય
માટે મારું જીવન રેડ્યું તે ઉપર — આ જ્ઞાતિના આવા શુભ કાર્ય તેમજ સનાતન ધર્મ માટે
મારા મસ્તકની જરૂર પડે તો આપવા આ સેવક તૈયાર છે. તે ઉપર તથા ૧૯૬૭ના હરી ભક્તો સાથે
મારો અનુભવ તથા તેને લગતી કેટલીક વિગતો રજુ કરી હતી. તથા આ જ્ઞાતિને કોઈબી રીતે
સનાતન ધર્મ પાળતી થાય તેને લગતા કેટલાક ઇતિહાસિક દાખલાથી સમજાવીને બહુજ અસરકારક
વિવેચન કર્યું હતું. વિગેરે વિગેરે…..( તાળીઓ)
૭. તે બાદ મનજીભાઈ ખીમજી
શ્રી વિગોડીવાળા ઉભા થયા. તેમને જ્ઞાતિ ઉન્ન્તિનો માર્ગ શોધી કાઢ્યો હતો. ને
જ્ઞાતિનો ઉદ્ધાર તથા જ્ઞાતિને નામી વસ્તુ મેળવવા માટે ખાસ કેળવણી ઉપર ભાર મુક્યો
હતો ને જ્ઞાતિનું એક જનરલ ફંડ એકઠું કરવું તેના ઉપર ભાર મૂક્યો હતો. વિગેરે વિગેરે
બહુ જ અસરકારક વિવેચન કર્યું હતું. ( તાળીઓ)
૮. રતનશીભાઈ ઉભા થયા હતા
ને ટુંકું વિવેચન કર્યા બાદ જ્ઞાતિ બંધારણના ઠરાવો પા. નથુ નાનજી વાંચી સંભળાવશે.
વિગેરે વિગેરે ( તાળીઓ)
૯. ઠરાવો પા.નથુ નાનજીએ
વાંચી સંભળાવ્યા બાદ તેની ઉપર શ્રીમાન ભાઈ રતનશી ખીમજીએ તે ઠરાવોનો ઉલ્લેખ કર્યો
હતો. ને તે સિવાય જ્ઞાતિના લોકોના બહુ જ
હિત માટે ટૂંકમાં વિવેચન કર્યું હતું. તે બાદ સભાનું કાર્ય પૂર્ણ થયું ને પ્રમુખ
સાહેબે ઉપરસંહાર કર્યો હતો.
પ્રમુખશ્રીની સહી — પા.કાનજી મુળજીની સહી દા. પોતાના
વક્તાઓ —
ખીમજી કચરા
રતનશી ખીમજીની
સહી દા. પોતાના
મનજી ખીમજીની
સહી દા. પોતાના
સાધુદયાળદાસ
ગુરૂ ઓધવરામજીની સહી દા. પોતાના
પટેલ કેસરા
નાયાની સહી દા.વાલજી મુળજી
જ્ઞાતિ સેવક
પા. નથુ નાનજી દા. પોતાના
સાં. ૨૦૦૨ના શ્રાવણ વદ—૧૩ને ભોમવાર(મંગળવાર) {VSA: 04-Sep-1945} ના સવારમાં આપણી જ્ઞાતિના મુખ્ય ભાઈઓ સાથે આપણી જ્ઞાતિની
કેટલીક જાણવા જોગ વાતોના ખુલાસા થયા બાદ વિગોડીવાળા ભાઈઓમાંથી ભાઈ હરદાસ તથા
લધાભાઈ તથા મનજીભાઈ ખીમજી તથા બીજા કેટલાક ભાઈઓએ વિગોડી આવવા આગ્રહ કર્યો ને તેમનો
સંપૂર્ણ ભાવ જોઈ શ્રીમાન ભાઈ રતનશી ખીમજી તથા પા.નથુ નાનજી વિગેરે શ્રી વિગોડી
આવ્યા ને વિગોડીના કેટલાક ભાઈઓ આ સનાતન ધર્મ માટે અમો રાત દિવસ તેમની ઝંખના અમારી
ચાલુ છે ને આ પ્રચાર કાર્ય જોઈ શ્રીમાન મનજીભાઈ ખીમજી શ્રી કરાંચીવાળાએ પ્રચાર
કાર્ય જોઈ અતિશય ખુશી થયાને તેમના ઉદારભાવથી શ્રીમાન મનજીભાઈ શીવજીએ શ્રી કચ્છ
કડવા પાટીદારમાં ખાસ સનાતન ધર્મના પ્રચાર અર્થે કો.૫૫૧) (પાંચસો એકાવન)ની થેલી
શ્રી કચ્છ કડવા પાટીદારના પ્રમુખ સાહેબ રતનશીભાઈ તથા પા.નથુ નાનજીને ચરણે ધરીને આ
શુભ કાર્ય કરવા અમારો સંપૂર્ણ સહકાર તન—મન—ધનથી છે. શ્રીમાન ભાઈ મનજીભાઈએ વક્તવ્ય
કર્યું તે બાદ ગામના મુખ્ય આગેવાનોએ આ સનાતન ધર્મ અમો ભુલી ગયા છીએ તેનું
ટુંકમાં વિવેચન થયું હતું. તે બાદ અમો ભાઇ રતનશી તથા નથુ નાનજી શ્રી
મથલ તરફ રવાના થયા હતા જેને મોકલાવવા ગામના ઘણા ભાઇઓ ગામ બહાર આવ્યા હતા વિગેરે
વિગેરે…
તે બાદ અમો મથલમાં આવ્યા ત્યારે તે ગામના પા. પરબત લખુની મુલાકાત થઇ ને
તેમને ખાસ શુદ્ધ ભાવથી માગણી કરી કે ગમે તેમ થાય પણ આજ રાત્રે રોકાઓ જેથી તેમના
એવા વિવેચન થયા કે અમો એક કચ્છ કડવા પાટીદાર સનાતન ભાઇઓની એક જાહેર મિટીંગ બોલાવવી
છે તેવો તેમનો આદેશ થતાં અમો મથલ રાત્રે રોકાયા. ને રાત્રે સનાતની ભાઇઓને બોલાવ્યા
ને કેટલીક જ્ઞાતિ હીતની ચર્ચામાં શ્રીમાન રતનશીભાઇએ તથા પરબત લખુએ બહુ જ અસરકારક
વિવેચન કર્યાં હતાં ને ગામ ભાઇયો એવા નિર્ણય ઉપર આવ્યા ને કડવા પાટીદાર સમાજની
જાહેર સભા બોલાવવા નક્કી કર્યું ને તે સભા ચાલુ સાલના શ્રાવણ વદ ૦)) (અમાસ)ને
ગુરૂવાર {VSA: 06-Sep-1945} ના રોજ
યોજવી એવો નક્કી ઠરાવ થયો. તે બાદ ઘણી જ સનાત ધર્મને લગતી ચર્ચા થયા બાદ સૌ ભાઇઓ
તથા બહેનો વિખરાયા હતાં વિગેરે વિગેરે…
તે બાદ મથલથી રવાના થઇ શ્રી કોટડા ગામે શ્રી જ્ઞાતિ ખજાનચી શ્રીમાન ભાઇ ભીમજી
કેશરા લીંબાણીને કોરી ૫૫૧) પાંચસો એકાવન જ્ઞાતિના ફંડના ચોપડામાં જમા કરી અમો
નખત્રાણા તથા વીરાણી તરફ રવાના થયા વિગેરે વિગેરે.
જ્ઞાતિ સેવક
લિ. પા. નથુ નાનજી