નિવેદન
કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિ મુસ્લિમ પીર ઈમામશાહની ધર્મ પરિવર્તનની ચાલમાં પૂરી રીતે ફસાઈ અને અર્ધ મુસ્લિમ આચરણના લીધે, તેને ઊંજા વિસ્તારમાં પોતાના જ ભાઈ-ભાંડુથી હડધૂત થઇને, કચ્છમાં વસવાટ કરવા માટે મજબુર થવું પડ્યું. પોતાનો મૂળ સનાતન ધર્મ છોડીને તેઓ પીરાણા પંથી અને મુમના તરીકે ઓળખાવવા લાગ્યા. જ્ઞાતિને મુમનાના કલંકમાંથી છોડાવી પુનઃ સનાતન ધર્મમાં પરત લાવવા માટે કેટલાય નરબંકા જ્ઞાતિવીરોએ કરેલ કામગીરીને આજની નવી પેઢી અને ભવિષ્યના ઈતિહાસ ક્ષેત્રના સંશોધનકર્તાઓ માટે મૂળ દસ્તાવેજોને આ ગ્રંથમાં પ્રકાશિત કરેલ છે.
જ્ઞાતિને સનાતન ધર્મમાં પુનઃ લાવવા માટે કરાચી ખાતે 1920, 1922 અને 1924 માં મળેલ જ્ઞાતિ પરિષદની સભાના ૧૦૦ વર્ષની ઉજવણી શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ “સનાતની શતાબ્દી મહોત્સવ” તરીકે ઉજવી રહી છે. ત્યારે જ્ઞાતિ સુધારના ચળવળની સભાના રિપોર્ટ, મહત્વપૂર્ણ દસ્તાવેજો, લેખો, મિનીટ્સ અને અન્ય કામગીરીઓ, પત્રિકાઓ વગેરેને આ “અભિલેખ” યાને “Archives” દ્વારા શ્રીસમાજે તેના મૂળ સ્વરૂપે પ્રગટ કરેલ છે.
આ કામગીરી માટે શ્રીસમાજે એક “ઇતિહાસવિદ સમિતિ”ની રચના કરેલ. જેના કન્વીનરની જવાબદારી શ્રી સમાજએ મને સોપેલ, જેના થકી એક પ્રકારની નાનકડી સમાજ સેવા કરવાનો મળેલ અવસર બદ્દલ હું સમાજનો આભારી છું. આ કાર્યને આગળ ધપાવવા ઇતિહાસમાં રૂચી ધરાવતા ભારતભરના વિવિધ વિસ્તારમાં રહેતા મિત્રોને આ સમિતિમાં સામેલ કરી વિસ્તૃત ટીમ બનાવવામાં આવી. ટીમ સાથે વિવિધ વિસ્તારમાં કે જ્યાંથી સનાતની ચળવળ માટેનું સાહિત્ય પ્રાપ્ય થઇ શકે તેમ હોય ત્યાં પ્રવાસ કર્યો. ત્યાંના વડીલો, જે તે સંસ્થાના હોદ્દેદારો સાથે આ વિષયની ચર્ચાઓ કરી ઓરીજીનલ (મૂળ) સાહિત્ય સ્કેન કરી પરત પહોચાડવાની શરતે મેળવ્યું.
જુના દસ્તાવેજોમાં દિનાંકો વિક્રમ સંવત મુજબ હતી, અને એમાંય ક્યાંક કચ્છી વિક્રમ સંવત તો ક્યાંક કે ગુજરાતી વિક્રમ સંવત પ્રમાણે હતા. જેથી ભવિષ્યને ધ્યાને રાખી આ ગ્રંથમાં હાલ પ્રકચલિત સર્વમાન્ય આંતરાષ્ટ્રીય કેલેન્ડરના પ્રમાણે દિનાંક કૌંસમાં, મૂળ દિનાંક પછી, જોડેલ છે.
જેમ દેશની સ્વતંત્રતા માટે કેટલાય એકલવીરોએ સંઘર્ષ કરેલ જેની નોધ રાષ્ટ્રીય ફલક પર પ્રસિધ્ધ નથી થઇ શકેલ. તેવી જ આપણી સનાતની ચળવળના કેટલાય યોદ્ધાઓની લડતની માહિતી અમોને પ્રાપ્ત થઇ. જેને આ સાથે બીજા ઇતિહાસવિદ પુસ્તક “ઘરવાપસી પીરાણા સતપંથ થી સનાતન”માં સમાવિષ્ટ કરવાનો સ્તુત્ય પ્રયાસ કરેલ છે.
આ ગ્રંથના લખાણમાં પ્રૂફરીડીંગ અને શબ્દ સહયોગની સૌથી કપરી સાતત્ય સભર કામગીરી નિભાવનાર સાથી શ્રી સૂર્યકાંતભાઈ ધનાણીનો ખાસ આભાર વ્યક્ત કરું છું.
જુના દસ્તાવેજોને વર્ષોથી સાચવી રાખનાર સૌ સહયોગી રતનસી ખીમજી ખેતાણી પરિવાર (વિરાણી મોટી), કાન્તિલાલ મેઘજી છાભૈયા પરિવાર (કોટડા જડોદર –મુંબઈ), પ્રિ. રતિલાલ લધ્ધાભાઈ છાભૈયા (તલોદ), ડો. વસંતભાઈ અર્જણ ધોળુ (તલોદ), કોટડા જડોદર સમાજ, શ્રી અમૃતભાઈ રતનશી રામાણી અને ડો. અશોકભાઈ જયંતીલાલ ભાવાણી (ધનસુરા) અને સ્વ. પ્રેમજીભાઈ ભાણજી કેશરાણી (માનકુઆ-મુંબઈ) પરિવાર તેમજ અન્ય સહયોગી સભ્યોનો ખાસ આભાર વ્યક્ત કરું છું.
ઇષ્ટદેવ ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ અને કુળદેવી મા ઉમિયાએ જે રીતે અમને સુજવ્યું એ રીતે ઇતિહાસવિદ સમિતિએ પૂરી નિષ્ઠાથી આ કામ કરેલ છે. છતાં અનાયાસે કોઈ ભૂલચૂક રહી ગઈ હોય તો એ ભૂલચૂક સમિતિની છે, સમાજની નથી. અને એ ભૂલચૂક બદ્દલ સમિતિ વતીથી હું ક્ષમાપારથી છું.
આ કાર્યમાં સહયોગી બનનાર મારી ઇતિહાસવિદ સમિતિના સર્વે સભ્યો (જેની યાદી અલાયદી પ્રિન્ટ કરેલ છે), તેમજ ઈતિહાસને સાચવી રાખનાર સજ્જનો અને જાણકારી આપનાર સૌ વડલા સમાન વડીલોનો અને અમોને આ ઐતિહાસિક કામગીરીની જવાબદારી આપવા માટે શ્રીસમાજનો સમિતિ વતી હું આભાર વ્યક્ત કરું છું.