Book: Abhilekh 2023 (અભિલેખ 2023)

Index

૨. દાણા બંદર સભા ૨જી - દી. 11-Jan-1919

સંવત ૧૯૭પના પોષ સુદ ૧૦ શનિવાર {VSAK :11-Jan-1919}

શ્રી કચ્છ કડવા પાટીદાર યુવક મંડળની સભા

ઘાટકોપર મધ્યે

શેઠ હીરજી ગોવિંદજીની વાડીમાં મળી હતી તેનો હેવાલ

વેલજી ખીમજી ખેતાણી ગામ વીરાણીવાળાનું ભાષણ

સભા બોલાવવાનો હેતુ અને પ્રમુખની દરખાસ્ત

પ્રિય જ્ઞાતિ બંધુઓ અને બેનો, તમોએ યુવક મંડળના આમંત્રણને માન આપી સભામાં ઉલટભરી લાગણી થાય તે ધારીને સભામાં ભાગ લીધો છે તેના માટે યુવક મંડળ આપનું આભારી છે. યુવક મંડળની સ્થાપના થઈ છે ત્યાર પછીની આ આપણી ત્રીસમી સભા છે. નાની મોટી સભાઓ આપણે હંમેશા ભરીએ છીએ અને તે સભામાં ભાગ લેનાર આપણા કચ્છના બંધુઓજ મુંબઈમાં કામધંધા અર્થે વસે છે. તેઓની મુખ્ય હાજરી રહે છે. પરંતુ આજની સભાનો યાદગાર દિવસ એટલા માટે જ ગણાશે કે આપણી મહાન કડવા પાટીદાર શુભેચ્છક પરિષદ જે હંમેશા ગુજરાતના જુદા જુદા ગામોમાં ભરાય છે તે ઓણ સાલ ગયા ડીસેમ્બર મહીનાની તા. ર૮—ર૯—૩૦—૩૧ મીએ મુંબઈ ખાતે ભરાઈ હતી અને તે મહાન પરિષદમાં જુદા જુદા દેશોથી એટલે કચ્છ, કાઠીયાવાડ, ગુજરાત, માળવા, નીમાડ વિગેરે દેશોમાંથી હજારોની સંખ્યામાં આપણા ભાઈઓએ સભામાં હાજરી આપી હતી અને તે મહાન સભામાં ખાસ આપણા કચ્છથી લગભગ વીશેક જણ જ્ઞાતિ આગેવાનો પધાર્યા હતા અને આપણી મહાન પરિષદને યથાશક્તિ મદદ કરી પોતાની લાગણી જે તેઓએ બતાવી છે એજ આપણા ભાવીનું શુભ ચિન્હ  છે.કચ્છથી તે મુંબઈ સુધી પોતાનો કામધંધો છોડી અનેક સંકટો સહન કરી ખર્ચ ખાઈ જ્ઞાતિહીતના માટે આવવું તે કંઈ નાની સુની વાત નથી. બંધુઓ, કચ્છના આપણા આગેવાનો આ પ્રમાણે જ્ઞાતિહીતમાં ભાગ લે, આપણી જ્ઞાતિની દાઝ હૃદયમાં ધરે તો હું આશા રાખું છું કે કોઈપણ દેશની જ્ઞાતિ કરતાં આપણી જ્ઞાતિ ઉચ્ચ સ્થિતિમાં જલદી આવી જાય તેના માટે મને બીલકુલ સંદેહ નથી. આપણા કચ્છ દેશમાં આપણી જ્ઞાતિના ભાઈઓ ખેતીનો ધંધો કરે છે. તેઓ કેળવણીથી ઘણા જ પાછળ છે અને તેથી સારૂં ખોટું અથવા સત્ય શું છે અને આપણી જ્ઞાતિની પાયમાલી અને અધોગતિ સાથી થઈ ગઈ છે તે સમજી શકતા નથી અને જે સમજે છે તેને જ્ઞાતિના બંધન આડે આવે છે તેથી સુધારો કરી શકતા નથી.

          કચ્છથી પધારેલા ભાઈઓને આપણે ખાત્રી કરી આપવી જોઈએ કે અમો સભાઓ ભરી જ્ઞાતિહીત સિવાય નકામી કંઈ પણ કુટ કરતા નથી. પીરાણા ધર્મની જે પોલ ઉઘાડી પડી છે અને તેનો વહીવટ કરનાર પીરાણાના કાકાઓ કેવા સ્વાર્થી છે તે ગઈ સાલના ઓગષ્ટ મહીનાની પહેલી તારીખે મળેલી સભાનો રિપોર્ટ તમો સૌ ભાઈઓએ વાંચ્યા છે. તેથી તમારી ખાત્રી થઈ હશે. વિશેષમાં હું આપને કહીશ કે પીરાણાનો વહીવટ કરનાર લખમણકાકાએ એ રિપોર્ટ જ્યારથી વાંચ્યો છે ત્યારથી તેના રામજ રમી રહ્યા છે. જેમ કોઈ માણસને હડકાયું કુતરૂ કરડયું હોય તેમ ગમે તેને ગાળો દેવી અને માર પછાડરૂપી આ કચ્છમાં તેણે કરી હતી. તેના મળતીયા સ્વાર્થી પટેલોને ઉધુંચીતું સમજાવી બસ મને રૂપીયા આપો ! “હું યુવક મંડળને કેદમા નખાવીશ, આપણા ધર્મની જે ગુપ્ત હકીકત તે કેમ છપાવી, મારે એનો જવાબ લેવો છે મને રૂપીયા આપો” આવી રીતે તાલમબાજી કરી આથમણા પાંચાડામાંથી રૂા. ૪૦ હજારના આશરે સીરબંધીના અને યુવકમંડળને પકડાવવા રૂપીયા પાંચ હજાર જુદા ! ભોળા કણબીઓ સમજયા નહી કે કાકાની આ કપટજાળ છે અને વગર સમજે જ્ઞાતિ ભલે પાયમાલ થઈ જાય પણ જો પટેલોનો અને કાકાનો સ્વાર્થ સરતો હોય તો ગરીબોને રંઝાડી નાતબારની ધમકીઓ આપી. આપણા દેશના ગઢેરાઓ આપણા ગરીબ ભાઈઓની પાસેથી પૈસા કઢાવવા તેમને લેશ પણ દયા આવતી નથી. આ હકીકત હું હમણાં કચ્છમાં ગયો હતો અને મેં નજરો નજર જોઈ છે. બંધુઓ, કચ્છથી પધારેલા મુરબ્બી આગેવાનો તેમજ તમો સઘળા ભાઈઓને મારી વિનંતી છે કે કાકો લક્ષ્મણ તેને કેસ લડવો નથી. પણ એ બહાને પૈસા કઢાવવા છે અને એ પૈસાથી મોજમઝા કરવી છે, મીલો ખરીદવી છે, બગીચા બનાવવા છે અને પોતાનું ટટુ નભી રહે તેની ખાતર થોડા પૈસા સૈયદોને જીવહિંસા કરવામાં આપવાના અને કણબીઓ જે શુધ્ધ ક્ષત્રિય અને ભગવતી ઉમિયા માતાના પુત્રોને ખાસ મુસલમાન બનાવવાનો તેનો નીચ સંકેત છે. જેથી હું તમો સઘળા ભાઈઓને વિનંતી કરૂં છું કે પીરાણાના વેશધારી ભગવાં કપડાં પેરનાર કોળી ખારવા અને ગોલારાણા વિગેરે હલકી કોમનું જમનાર સ્વાર્થી કાકાને એક પૈ કોઈ આપશો નહીં, તેમજ પીરાણે જે હુંડી મોકલાય છે તેનો સદ્‌ઉપયોગ થતો નથી એ તમો સર્વ ભાઈઓના ધ્યાનમાં છે અને કચ્છમાં પણ કેટલાક ગામના આગેવાનોએ પીરાણા પૈસા મોકલવા બંધ કર્યા છે. તેમ સર્વ ઠેકાણે આપણા ભાઈઓ જયાં વસતા હોય ત્યાં પૈસા પીરાણે ન મોકલવા ભલામણ કરવી એવી હું આપ સર્વ ભાઈઓને વિનંતી કરૂં છું. તમો સઘળા બંધુઓ આ સભામાં પધાર્યા છો તેના માટે ફરીવાર હું આપનો ઉપકાર માનું છું અને આજની સભાના કામકાજની શરૂઆત કરવા કચ્છ વીરાણીના આગેવાન પટેલ વાલજી સિવદાસ નાકરાણીને હું સભાના પ્રમુખ તરીકેની દરખાસ્ત કરૂં છું અને મને સંપૂર્ણ ખાત્રી છે કે તમો સઘળા ભાઈઓ મારી દરખાસ્તને ટેકો આપશો.

          ગામ દેવીસરના ભાઈ મેઘજી ભાણજીએ ટેકો આપ્યો. વધુ ટેકો વીરાણીના કણબી રામજી રાજાએ પણ આપ્યો હતો.

પ્રમુખ પટેલ વાલજીભાઈ સીવદાસ ગામ વીરાણીવાળાનું ભાષણ

          મારા વ્હાલા જ્ઞાતિ ભાઈઓ અને બેનો, હું તમો સઘળા ભાઈઓનો ઉપકાર માનું છું. તમોએ અમો કચ્છથી જે ભાઈઓ મુંબઈમાં આપણી ગુજરાતની સભા માટે આવ્યા છે તેઓને તમોએ ઘાટકોપરમાં બોલાવી જે માન આપ્યું છે તેના માટે તમારા ઘટતા શબ્દોમાં ઉપકાર માનવા માટે શું કહેવું તે મને સુઝતું નથી. મેં મારી આ જીંદગીમાં તેમજ આપણી કચ્છની નાતમાં આગેવાનોને આ પ્રમાણે કદી માન મળ્યું હોય તેવું અમે સાંભળ્યું નથી. મને ખાત્રી થાય છે કે તમો નિસ્વાર્થપણે આપણા જ્ઞાતિ ભાઈઓની જે બુરી દશા કેમ થાય છે તેનો તમે અમને પુરેપુરો અનુભવ કરાવ્યો છે. અમે કચ્છમાં પટલાઈ કરીએ છીએ. નાતના કેસ નીવેડીએ છીએ પરંતુ તમે જેવી સત્યતાથી કામ કરો છો તેવું અમે કરતા નથી. તમારા તરફથી ઘણી વખત છાપાં દેશમાં આવે છે અને તે વાંચ્યા પછી અમોને ખાત્રી થઈ છે કે આપણો પીરાણાનો ધર્મ નથી હિન્દુમાં કે નથી મુસલમાની પણામાં. કચ્છમાં બીજા હિન્દુભાઈઓ પણ તમારાં છાપાં વાંચ્યા પછી અમોને હડધુત કરે છે અને મુમના તેમજ મુસલમાન કહી બોલાવે છે. તે બધું આપણા ધર્મમાં પોલ છે અને આપણે તેને વળગી રહ્યા છીએ તેથી સહન કરવું પડે છે. પીરાણાના ધર્મને હિન્દુ ધર્મ તો નજ કહી શકાય આવું અમોએ જાણ્યા પછી વીરાણીમાં જે આપણું ખાનું હતું તે બદલીને જ્યોતિધામનું નામથી અમોએ જાહેર કર્યું છે. પીરાણાના કાકાના માટે ભાઈ વેલજી ખીમજી જે કહી ગયા છે તે અક્ષરા અક્ષર સાચું છે. વીરાણી ગામમાં કાકો આવ્યો હતો. દશોદના પૈસા લેવા ઘણા પ્રકારના કાકે ફરેબ કર્યા પણ કંઈ વળ્યું નહીં. અમે કાકાની નીચતા પહેલેથી જ સમજી ગયા હતા. અમારા ગામના આગેવાનોને જુદી જુદી લાલચો આપી ફોડવાની તો ઘણીએ તજવીજ કરી પરંતુ કોઈપણ ભાઈઓ કાકાની લાલચમાં ફસાયા નહીં અને એક ત્રાંબીઓ પણ કાકાને આપ્યો નહીં. છેવટે નિરાશ થઈ વીરાણી ગામને શ્રાપ આપી કાકો તેમજ તેમને મળતીયા જુદા જુદા ગામોના પટેલો જે કાકા ભેળા આવ્યા હતા તે છેવટે હતાશ થઈ રાતોરાત ભાગી ગયા. કાકાની ચાલચલગત તેમજ પીરાણા ધર્મ હિન્દુ ધર્મ નથી એવું જાણીને ગામ નખત્રાણાના આગેવાનોએ પણ હુંડી પીરાણે ન મોકલવી અને ખાનાને બદલે જ્યોતિધામનું પાટીયું માર્યું છે. તમારા કાગળો તેમજ છાપાં આવવાથી કાકો દેશમાં અકળાઈ ગયો. રખેને કચ્છનો રાજા મને કયાંક જેલમાં પુરી દે એવી બીકથી માર પછાડ કરી. ભોળા ભાઈઓને ઠગીને યુવક મંડળને પકડાવવા અમદાવાદ ભેગા થઈ ગયા. પરંતુ તમને પકડાવે એવું અમને જણાતું નથી કારણકે પકડાવે શા આધારે? પોતાનીજ પંડગુવાળી હોય અને બીજાને કહેવું તે કેમ બને? અમે તો દેશમાં જાણતા હતા કે કાકો કેસ કરવાનો નથી પણ એ બહાને રૂપીયા કઢાવવામાં ફાવી ગયો અને આપણા દેશના ભોળા ભાઈઓ તેના બોલવામાં ભરોષો રાખી અંતે ફસાયા છે તે હવે તેમને સાફ જણાય છે. હમણાં ઉગમણા પાંચાડાવાળો રામજી કાકો પીરાણે ગયો છે અને કરાંચીના યુવક મંડળના દશ પ્રશ્નનો શાસ્ત્રના શ્લોકો લખી જવાબ આપ્યો છે તે અમને વિચાર થાય છે કે આપણે હિન્દુ શાસ્ત્ર જ કયાં છે ? ફરમાનજી ભીસમીલ્લા ! સિવાય વાત નહીં ત્યાં બીજા શાસ્ત્રોના વચનો ટાંકી પોતાની જે હાંસી કરાવવી એના જેવી બીજી કઈ મુરખતા હોઈ શકે ! કાકાઓ તમારા સામે કંઈ કરી શકતા નથી તેનું કારણ પણ એજ છે કે પોતે કંઈ ભણ્યા નથી. વેદ સ્મૃતિઓના આધારો બતાવવા અને એક મુસલમાની ધર્મને હિન્દુ ધર્મમાં ખપાવવું તે કેમ બને ? તેથીજ તે પાછા પડે છે અને પોતાની કિંમતના કાંકરા કરાવે છે. તમારી પહેલાંની સભાના રિપોર્ટમાં રામજી કાકાનો જે કાગળ છપાણો છે તે અમોએ તમારી પાસેથી રામજી કાકાના હાથથી લખેલો વાંચ્યો છે અને અક્ષરા અક્ષર વાત સાચી તમોએ છાપી છે. છતાં કાકો કચ્છમાં કહેતો હતો કે એ વાત ખોટી છે. અને કરાંચીના યુવક મંડળને જે તેમણે ઉડાઉ જવાબ આપ્યો છે. તેથી મને વિચાર થાય છે કે કાકો કેસ લડશે અને એ કાગળ રામજી કાકાના હાથનો લખેલો રજુ થશે ત્યારે કાકો દુનિયામાં શું મોઢું બતાવશે. આમ ઉડાઉ જવાબ દેવાનું કારણ પીરાણે લખુ કાકાએ જોડા નાખ્યા હશે તેથી જ બિચારે લખ્યું છે. કચ્છમાં પણ રામજી કાકાએ કાકાપણાને ઠીક શોભાવ્યું છે. એતો આપણી નાત સાગર જેવી તે કોઈ બોલે નહીં. છેવટે હું તમોને એટલી ભલામણ કરૂં છું કે તમો જેવી રીતે સત્ય વર્તન રાખો છો તેમાં સંપ અને ઐકયતા છે ત્યાં સુધી તમારો વિજય જ છે. તમે પૈસે ટકે સુખી છો એ તમારી નિતિનું પરિણામ છે. આજે તમોએ જેમને તેમજ કચ્છથી પધારેલા ભાઈઓને જે માન આપ્યું છે તેના માટે હું તમારો ઉપકાર માનું છું અને ભાઈ રતનશી ખીમજી ખેતાણી આપણી જ્ઞાતિહીતના માટે તેમજ આપણી અધોગતિ કેમ થઈ ગઈ છે તેનું યથાવિધિ આપણને સમજાવશે એવી તે ભાઈ પ્રત્યે વિનંતી કરૂં છું અને હું મારૂં બોલવું સમાપ્ત કરૂં છું.

ભાઈ રતનશી ખીમજી ખેતાણીનું ભાષણ

          મહેરબાન પ્રમુખ સાહેબ અને પ્રિય જ્ઞાતિ બંધુઓ અને બહેનો ! મહેરબાન પ્રમુખ સાહેબે મને બે બોલ આપણી જ્ઞાતિ હીતના બોલવા માટે જે આજ્ઞા કરી છે તેના માટે હું તેઓશ્રીનો અત્યંત આભાર માનું છું.

          શરૂઆતમાં જ મને કહી લેવા દેશો કે હું એક અદનામાં અદનો જ્ઞાતિ બાળક છું એમ ધારી મારી ભુલ ચુક તરફ દ્રષ્ટિ ન રાખતાં મારો શુભ આશય આપની ભક્તિ કરવા તરફજ છે તે ઉપર દ્રષ્ટિ રાખશો એવી હું આશા રાખું છું. વિતંડાવાદ કે ખોટી ચર્ચા કરવાનો અને તે રીતે મારી બહાદુરી બતાવવાનો મારા મનમાં લેશમાત્ર પણ ઈરાદો નથી. મારા દેશના જ્ઞાતિ બંધુઓ તરફના પ્રેમને વશ થઈ મારા અલ્પ અનુભવ મુજબ મને જે સત્ય જણાય છે તે એક બાળક પોતાના વડીલો પાસે નિષ્કપટ હૃદયથી બોલે છે તેમ આપની સમક્ષ કહી સંભળાવું એ મારા લક્ષ તરફ આપ સર્વ બંધુઓનું હું ધ્યાન ખેચું છું.

           ભાઈઓ ! ચો તરફ આપ દ્રષ્ટિ કરો અને આ દુનિયામાં શું બની રહ્યું છે તે ઉપર ધ્યાન આપો. મહાભારત ફેરફારો વીજળીના વેગે ઝપાટાબંધ અલ્પ સમયમાં થવા લાગ્યા છે એમ તમને શું નથી લાગતું ? ખરી રીતે જો કહીએ તો કહી શકાય કે અંધકારનો જમાનો જ બદલાયો છે, યુગ જ પલટાયો છે. આવા વખતે જે દેશ અથવા જ્ઞાતિ કે ધર્મ ગુરૂ જુના જમાનાની અજ્ઞાનતાભરી રૂઢીને વળગી રહી હજુએ આંખે પાટા બંધાવ્યા જ કરશે અને સુધારાના પવન સામે ચાલવાની હઠ કરશે તે શું નભી શકશે એમ આપ ધારો છો ? (બીલકુલ નહીં) જ્ઞાતિના આગેવાનો  પોતાની પટલાઈના હક માટે અને ધર્મગુરૂઓ પોતાની પ્રપંચી જાળ પાથરી જુની રીતભાત ને વળગી રહેવાનો દુરાગ્રહ કરશે. તે કોઈ દિવસ પણ ફાવી શકશે નહીં. આપણા કેટલાક અજ્ઞાન અને ભોળા બંધુઓ હજુએ પણ પીરાણા ધર્મને શ્રેષ્ઠ હિન્દુ ધર્મ તરીકે માને છે અને કહે છે કે દુનિયામાં એના જેવું કોઈ ધર્મ નથી ! હું આપને ધર્મ એટલે શું ? તે કહીશ. ધર્મ એટલે માણસને પડતી દશામાં જતો અટકાવે અને આગળ વધવામાં સહાય કરે. (તે તત્વ) એવું તમે સત પુરૂષોના મુખેથી ઘણીવાર સાંભળ્યું હશે. ધર્મગુરૂ અથવા તો ધર્મ રક્ષક તેને જ કહી શકાય કે પારકાંના દુઃખે દુઃખી થઈ તેમના માટે સુખના, નિતિના, અને સદાચારના શુભ આશય તરફ દુનિયાને સત્યના મારગે દોરે. પોતાનું જીવન દુનિયાના ભલાના માટે જ જેણે અર્પણ કર્યું હોય તેવા બ્રહ્મનિષ્ઠ અને બ્રહ્મજ્ઞાની મહાત્માઓ જ ગુરૂ થઈ શકે, નહી કે પીરાણાનો વેશધારી કાકો ધર્મ ગુરૂ બની શકે. આપણા ભોળા ભાઈઓને બીલકુલ ભાન નથી કે આપણે આપણી જ્ઞાતિમાંથી જ ઉત્પન્ન થયેલા વિધર્મી કૃત્યોવાળા ધર્મગુરૂને પનારે પડયા છીએ. જો કોઈ સૈયદ પીરાણાની ગાદી ઉપર હોત તો એવું પણ માનત કે મુસલમાન છે. જેથી મુસલમાન રાહત ઉપર આપણને લલચાવીને પણ લઈ જાએ. પણ આતો કણબીમાં જન્મીને પોતાના માતાપિતાના કુળને એટલું જ નહી પણ, આખી કચ્છની કણબીની જાતને ખાડામાં નાખી છે અને મુસલમાની કલમા પઢાવે છે, પીર સાનો જાપ જપાવે છે અને જાતના હિન્દુ કેવરાવે છે. શરમ છે કાકાને કે પાપી પેટ તો કુતરાં પણ ભરે છે છતાં પેટ ભરવાની ખાતર કહો કે દુનિયાના ખોટા અને પ્રપંચી મોહજાળમાં લપટાઈ એશઆરામ ભોગવવાની ખાતર પોતાની જ્ઞાતિ જોઈએ તો પાયમાલ થઈ જાય કે જાનમ વાસી થાએ તેની દરકાર કર્યા સિવાય પોતાનો ધર્મગુરૂ થવાનો મોભો જળવાઈ રહે તો બસ આવા સ્વાર્થી સાધુઓની પ્રપંચી જાળમાં આપણા ભોળા ભાઈઓને ધર્મના એવાં એવાં સિદ્ધાંતો સમજાવે છે કે મુસલમાન થઈ જઈએ તોય હરકત નહીં ! “હમણાં જે જુગ ચાલે છે તે યુગમાં ઈમામશાહ જે હરીવંશી બ્રાહ્મણ હતા અને તેના વંશના સૈયદો પણ હરીવંશી બ્રાહ્મણ છે. હું ઈમામશાહનો નાનો ભાઈ થાઉં આવું આવું સમજાવી કણબી જ્ઞાતિની અધમ દશા કરનાર કાકાની તો પુરેપુરી ખબર જ લેવી જોઈએ. વધુમાં તમને શું કહું, કચ્છમાંથી જ્યારે ચારે તરફથી હડધુત થવા લાગી ત્યારે કાકાએ વિચાર કર્યો કે હવે કચ્છમાં રહેવાય તેમ નથી. તેમજ યુવક મંડળનો છેલ્લો કાગળ કાકાને કારી જખમ સમાન લાગ્યો હતો અને તેથી તેણે કણબીની નાત ઉપર કોપ કરી અન્ન ખાવું બંધ કર્યુ. ફકત છ શેર દૂધ ઉપર જ પોતાનું જીવન ટકાવી કણબીઓને અલટમ સલટમ સમજાવી રૂા. પાંચ હજાર એવા બહાને કઢાવ્યા કે હું યુવક મંડળને પકડાવવાનો છું. ભોળા કણબી ભોળવાઈને કાકાને રૂા.ભેગા કરી આપ્યા ત્યાં સુધી પણ આ બગ ભગત ઠગ કાકાની પ્રપંચની અને પૈસા કઢાવવાની જાળમાં ફસાયા છીએ તે સમજી શકયા નહીં. સાચા અને સત્ય ન્યાય પરાયણ જ્ઞાતિ ભક્તોને તે બિચારો શું પકડાવતો હતો. કોર્ટમાં જાય તો કૃત્રીમ વેશ ઉઘાડો પડી જાએ. ધર્મના ધતીંગો ખુલ્લા થઈ જાય અને કદાચ દુનિયાના ભોળા લોકોને ધર્મ બહાને ભોળવીને પૈસા પ્રાપ્ત કરવાનું સાધન પણ અટકી જાય. આવી કાકાને પાકી ખાત્રી છે તેથી એ કોઈ દિવસ પણ કોર્ટને બારણે જાએ તેમ નથી. હું તમને ખાત્રી આપું છું, ભાઈઓ ! આપણે શરૂઆતમાં જે વખતે પહેલી મિટીંગ ભરી ત્યારે આપણે એવો નિર્ણય કર્યો હતો કે બનતાં સુધી આપણે પીરાણાના કાકાને અને જ્ઞાતિ આગેવાનોને આપણા બંધુઓએ જે ધર્મનો દંડ ભરવો પડે છે તેમજ પીરાણાના અર્ધદગ્ધ પંથથી છોડાવવા ખાતર કોર્ટે ન જવું અને પીરાણાના કાકાને તેમજ જ્ઞાતિ આગેવાનોને વિનંતી કરી સમજાવવું. એજ પ્રમાણે આપણે આજ દિવસ સુધી વર્તયા છીએ. આાપણા સતત પ્રયાસથી આપણી જ્ઞાતિનો મત કેળવવામાં તેમજ પીરાણાના પાખંડી ધર્મ પ્રત્યે આપણા ઘણા ભાઈઓ જાણીતા થયા છે. દુનિયાને દેખાડવાનો હિન્દુ ધર્મ અને અંદરખાનેથી ચોખ્ખા મુસલમાની ધર્મના સિદ્ધાંતો લાગુ પાડેલા છે. એવા ખીચડીયા પંથમાં હવે આપણા જ્ઞાતિ ભાઈઓ સડયા કરે એવું જો પીરાણાનો કાકો તેમજ  સ્વાર્થી જ્ઞાતિ આગેવાનો જો માની લેશે તો તેમની ગંભીર ભુલ છે એમ મારે ખાસ કહેવું જ જોઈએ. અને સાથે સાથે હું આપ સઘળા ભાઈઓને વિનંતી કરૂં છું કે કાકો તો કોઈ કાળે પણ કોર્ટ જશે નહીં. પણ આપણે આપણા ગરીબ ભાઈઓની મદદ કરવા ખાતર છેવટે કોર્ટે જવું પડે તો પણ જવું જ જોઈએ. કચ્છમાંથી હમણાં છેલ્લાં ખબરો આવ્યા છે કે કાકે કચ્છના કણબીઓને તદન લુંટી લીધા છે અને તે કાકાને સહાયતા આપણા ગઢેરામાં જે રાક્ષસ જેવા હૃદયવાળાઓ છે તેમણે મદદ કરી છે. હાલની સ્થિતિ આપણા ગરીબ ભાઈઓની છેક દયાજનક છે.ખાવા અન્ન નથી, પહેરવાં લુગડાં નથી, એટલું જ નહીં પણ ઘણા માણસો તાવની બિમારીથી મરી ગયા છે. તેમની પાછળ જોર જુલમથી ઉઠાસરાં તથા બાવની ક્રિયાઓ, કાકાનો ભરખ ભરવા માટે જ્ઞાતિના મુરખ શિરોમણીઓ ગરીબોને રંજાડીને જોર જુલમથી કરાવે છે. ન કરે તો નાત બહારની ધમકીઓ આપે છે. કચ્છમાં કણબી પ્રજા ઉપર ત્રાસ વરતી રહ્યો છે. કેટલાક ગરીબ બંધુઓની હદપાર વિનાની ગરીબાઈ જાહેર થઈ છે. મરી ગયેલાંઓને કાટ ખાપણ પણ અન્ય ભાઈઓએ આપ્યાં છે. આ પ્રમાણેની આપણી જ્ઞાતિની હાલત જોઈ તમને શું તમારી જ્ઞાતિ માટે દિલગીરી નથી થતી ? આપણી જ્ઞાતિના બાળકો ઉઘાડે શરીરે શિયાળાની ઠંડી ટાઢમાં કકળતાં હોય, ખાવાને લુખુપાકુ પેટપુર અન્ન ન મળતું હોય આવી દુર્દશા આપણી જ્ઞાતિની છે. આખા જગતને જીવાડનાર જ્ઞાતિ આજે અજ્ઞાનતામાં આ દશાએ પહોંચી છે. બંધુઓ દુઃખનો કે દિલગીરીનો પાર નથી. દુષ્કાળ પોતાનો ડોળો હજુ ગુરકાવી રહ્યો છે. પ્લેગ અને તાવની અસરથી ઘણાં જ્ઞાતિના બાળકો માતાપિતા વિનાનાં થઈ ગયાં છે. તેમજ ઘણાં વૃધ્ધો પોતાના પુત્ર વિનાનાં થઈ ગયા છે. આવા કઠણ પ્રસંગે પીરાણાના કાકાને શીરબંધી જોઈએ છે. હુંડી જોઈએ છે. તે પણ પંચોતેરની સાલ અને છોતેરની સાલની, કણબીઓએ કરજ કરીને પણ કાકાને આપવી. આ પ્રમાણેની કાકાની માગણીને શું કહેવું ? ભાઈઓ, જેને સ્વાર્થબુદ્ધિ છે તેને સારાસારનું ભાન રહેતું નથી. પીરાણાનો કાકો કચ્છનો કણબી છે છતાં તેનું હૃદય ઔરંગઝેબ અથવા અલાઉદીનના હૃદય કરતાં પણ ઘણું જ કઠોર છે. ધર્મગુરૂનું હૃદય કેટલું પવિત્ર અને દયાળુ હોવું જોઈએ. પરંતુ લખમણકાકાનું હૃદય તો એક કાળમીંઢ પથ્થર કરતાં પણ કઠણ છે. દુનિયા ભલે મરી જાએ, કણબીઓનાં છોકરા ભલે ભુખે મરે, પણ કાકાને દશોદ આપવી જ જોઈએ. ન આપે તો કાકાને મોજમજા અને એશઆરામ સાથી કરવો ? આવી અધમ વર્તણુંક રાખનાર કાકાનું ભવિષ્યમાં શું થશે તે પ્રભુ જાણે, શું તેને પરમાત્માને ઘેર ન્યાય કે ઈન્સાફ નહીં જ આપવો પડે ? બાવો ઈમામશાહ ભીસ્તમાં બધાનો ઈન્સાફ કરશે ત્યારે શું કાકાની આ ક્રુરતા માટે પોતાનો ભાઈ જાણી શું છોડી દેશે ? ભાઈઓ, આપણી જ્ઞાતિનું શ્રેય આપણે આપણા જ્ઞાતિના આગેવાનો કરશે  આમ જે માની લીધું છે તે મોટી ભુલ છે. ઘણા આગેવાનો તો કાકા કરતાં પણ નીચતામાં ચડી જાએ તેવા છે. બધી રીતે વિચાર કરી આપણા જ્ઞાતિ ભાઈઓને જો તમારે સુખી કરવા હોય તો તમે કમર કસો અને પીરાણા ધર્મની પાખંડી બેડીથી તેમને પ્રથમ છુટા કરવા જોઈએ. પીરાણા ધર્મમાં હિન્દુ ધર્મનું ખાસ અપમાન કરવામાં આવ્યું છે. તે સિવાય મુસલમાની ઈલ્મની ખોટી ખોટી લાલચો આપી છેતરપીંડી કરી પૈસા કઠાવવાના નીચ સંકેત સિવાય બીજું કંઈ છે જ નહીં. આપણી ખરી મહેનત, પરસેવાના કહો કે લોહીના ટીપાંના પૈસા પીરાણે મોકલવાથી જીવહિંસા થાય છે અને કાકાને મોજમઝા કરવા સિવાય બીજા કોઈ ઉપયોગમાં આવતા નથી. આપણે જે શુધ્ધ ક્ષત્રિય માતા ઉમિયાજીના પુત્ર અને આખા જગતને જીવાડનાર કુર્મીની અધોગતિ થવાનું કારણ પીરાણા ધર્મ સિવાય બીજું કંઈ છે જ નહીં અને તેથી છુટા થયા સિવાય આપણા ઉદયનો કોઈ માર્ગ જ નથી. તેથી હું સર્વ ભાઈઓને વિનંતી કરૂં છું કે પીરાણા ધર્મને તિલાંજલી આપવી અને ક્રુર કર્મોમાં સામેલ થનાર ગઢેરાઓની પણ પુરેપુરી ખબર કચ્છના મહારાજા સમક્ષ લેવી જ જોઈએ. નહીં તો આપણા દુઃખનો અંત આવશે નહીં. એટલી જ મારી છેવટની આપ સર્વ ભાઈઓને વિનંતી છે.

ગામ વીરાણીના પટેલ માવજીભાઈ પચાણનું ભાષણ

          મહેરબાન પ્રમુખ સાહેબ અને જ્ઞાતિ ભાઈઓ અને બેનો, અમો કચ્છથી આવેલા ભાઈઓને તમોએ જે માન આપ્યું છે. તે અમો અમારી જીંદગી પર્યત ભુલીશું નહીં. ખરી રીતે તો એ માનને લાયક તમે જ છો કારણકે જ્ઞાતિ સેવા અર્થે તન, મન અને ધનના ભોગે જે પ્રયત્ન તમે કરો છો તેવું અમે કચ્છમાં બેઠા છીએ છતાં પણ કરી શકતા નથી. અમારામાં જો જરાક પણ જ્ઞાતિનું હિત થાએ એવા વિચારો આવ્યા હોય તો તે આવવાનું ખાસ કારણ પણ તમે જ છો. જો તમે સતત પ્રયત્ન કરી જ્ઞાતિનો ઈતિહાસ તેમજ પીરાણા ધર્મ તથા કાકા અને સૈયદો સબંધી હકીકત તમારા તરફથી અમોએ જાણી ત્યારે જ અમને ભાન થયું છે કે આપણે અવળે રસ્તે દોરવાઈ ગયા છીએ. તમો યુવક મંડળના સભ્યો આપણે જ્ઞાતિના મોંઘેરા અમુલ્ય રત્નો છે. પ્રભુ તમારા કાર્યને મદદ કરશે એમ હું મારા શુદ્ધ હૃદયથી ચાહું છું.

          તમારા મંડળની જ્યારથી સ્થાપના થઈ છે અને તમારા તરફથી જ્ઞાતિ હિતના છાપાં દેશમાં આવે છે. તે વાંચ્યાથી વીરાણી ગામે તો પીરાણે એક પૈસો પણ ન મોકલવાનો તેમજ સૈયદોને કે કાકાને એક ત્રાંબીઓ પણ ન આપવાનો ઠરાવ કર્યો છે. વીરાણી ગામમાંથી દસોંદના પૈસા લેવા કાકાએ ઠગબાજી તો ઘણીએ કરી, અંદર અંદર એકબીજાને અથડામણ થાએ એવા ઉપાયો પણ કર્યા પરંતુ ગામે જે નક્કી કરેલું કે કાકાને એક ત્રાંબીઓ પણ આપવો નહીં તે છેવટ સુધી ના જ આપ્યો અને કાકો તેમજ બીજા ગઢેરા જે વીરાણી ગામના આગેવાનો તો ઘણા દિવસથી પીરાણા ધર્મને જાણે છે અને ચોખ્ખું સમજે છે કે એક હિન્દુ ધર્મનો ખાલી ડોળ છે બાકી કંઈ માલ નથી. પીરાણાના જે શાસ્ત્ર લખેલાં છે તે કોઈ મુર્ખ માણસના હાથે લખાયાં છે. લખનારે કંઈ વિચાર કર્યો નથી કે દુનિયા આ હકીકત જાણશે ત્યારે આ શાસ્ત્રને જળમાં પધરાવવાં પડશે. આવું ઘણા દિવસથી સમજતાં હતા તો પણ જ્ઞાતિ બંધનથી ડરી જઈ છુટા પડી શકતા નોતા. તે ગઈ સાલથી પીરાણા ધર્મથી છુટા પડી ગયા છે અને મરજી પ્રમાણે ધર્માદાના પૈસા પોતાના ગરીબ ભાઈઓનાં દુઃખ ટાળવામાં વાપરે છે. જેનું સારૂં પરીણામ જોઈને નખત્રાણા ગામ પણ પીરાણાના પાખંડી ધર્મથી છુટું પડી ગયું છે. તે સિવાય દેવીસર, અરલ, કોટડું વિગેરે ગામે પણ પીરાણે પૈસા ન મોકલવા અને પોતાની જ્ઞાતિ હીતમાં એ નાણાંનો સદ્‌ઉપયોગ કરવાના મક્કમ ઠરાવો કર્યા છે. જેના શુભ સમાચાર હું તમો ભાઈઓને આપું છું. તમે જે જે કાર્ય કરો છો તે જોઈને અમો ઘણાં ખુશી થયાં છીએ અને હું તમોને ખાત્રી આપું છું કે આખા કચ્છમાં એકાદ અથવા વધુ તો બે વર્ષમાં પીરાણાનો પાખંડી ધર્મ આપણા કણબી ભાઈઓમાંથી હતો ન હતો થઈ જશે. કચ્છના કણબીની આખી નાત હવે સમજણી થઈ ગઈ છે. બીજી અન્ય કોમના ભાઈઓ જે આપણી નીંદા કરે છે તે હવે સાંભળી જાએ તેમ નથી. પીરાણા ધર્મ તો કયારનુંએ ઉડી ગયું હોત, પરંતુ આપણી નાતના કેટલાક ગઢેરાઓ પૈસાના સ્વાર્થી છે, કાકો તેને લાંચો આપે છે, પાઘડીઓ બંધાવે છે. તેથી સ્વાર્થમાં અંધ થઈ નાતને આપણા આગેવાનોજ ડુબાડે છે અને સમજે છે છતાં ધર્મનું પુછડું ઝાલી રહ્યા છે. નહીં તો કયારનોએ ન હિન્દુ તેમજ ન મુસલમાન એવો ખીચડીઓ ધર્મ કેદહાડાનો સમુળગો ઉડી જ ગયો હોત. તો પણ તે હવે વધુ વખત ટકશે નહીં. હવે બધી જીણી જાડી નાત સમજણી થઈ ગઈ છે. તેથી ગઢેરાઓનું પણ ચાલશે નહીં. જેનું ખાસ કારણ એ છે ેકે જ્ઞાતિના આગેવાનો ગામ વીરાણીના મુખી, સેવજી જસા તથા પટેલ વાલજીભાઈ ચેલદાસ તેમના ભાઈ પટેલ વિશ્રામ વેલજી તથા પટેલ કાનજી દેવજી તથા પટેલ મનજી દેવજી તથા જેઠા પ્રેમજી તથા પટેલ લાલજી મનજી વિગેરે ભાઈઓ વીરાણીના આગેવાન તથા ગામ કોટડાના પટેલો તથા રવાપર, ઘડાણી, દોલતપર, દયાપર વગેરે ગામોના આગેવાનો ખર્ચ ખાઈ કચ્છથી તે મુંબઈ સુધી તમો સભાઓ ભરો તેમાં ભાગ લેવા ખાસ લાગણીથી આવ્યા છે અને તમારા કાર્ય તરફ સંપૂર્ણ પસંદગી બતાવે છે એ તમો ભાઈઓના ધ્યાન બહાર નથી. તો પછી આપણી નાત હવે જલદી સુધરી જશે અને તમને વધુ તકલીફ નહીં થાએ. એમ મારી પાક્કી ખાત્રી છે. હું તમો બધા ભાઈઓનો વિજય ઈચ્છી મારૂં બોલવું સમાપ્ત કરૂં છું.

પ્રમુખનો ઉપસંહાર

          મારા વ્હાલા જ્ઞાતિ ભાઈઓ, તમે જે શાન્તિપૂર્વક આ સભામાં કામ કર્યું છે તેમજ તમો સઘળા ભાઈઓ એકસંપથી નાતને સુધારવા પ્રયત્ન કર્યો છે એ જોઈ મને અત્યંત આનંદ થાય છે. અમો દેશમાં પ્રથમ એવો વિચાર કરતા હતા કે મુંબઈના જુવાનીયાઓ તે કેવી રીતે સભા ભરતા હશે. પરંતુ આ નજરોનજર જોવાથી મારી તેમજ ગામ વીરાણીના આગેવાનોમાંના વયોવૃધ્ધ મુખી સવજી જસા તથા પટેલ કાનજી તથા પટેલ મનજી દેવજી વિગેરે ગામના આગેવાનોની આજે તમે ખાત્રી કરી આપી છે. તમે જે જે વિચારો આજે સભામાં બતાવ્યા છે તે સાચા છે. આપણા ખેડુ ભાઈ ભણ્યા નથી. તેથી જ તમારા વિચારની કદર કરી શકતા નથી. કચ્છમાં આપણી નાતમાં ઝાઝા ભણેલા નથી એ પણ ઘણી જ ખામી છે. તમે ભણ્યા છો અને સારા સારનો વિચાર કરીને પ્રથમ તમારી ફરજ નાતને સુધારવાની તમે હાથ ધરી છે. પીરાણાનો કાકો મુજાવર કણબી છે. એના નસીબે પીરાણાની ગાદી પર આવેલ છે પરંતુ તે ઝાઝું ભણેલ નથી. તેથીજ જ્ઞાતિની અવદશા થઈ જાએ છે છતાં તેને તેનું ભાન નથી એ તેનામાં કેળવણીની ખામી છે એ ચોખે ચોખું જણાય છે. નહીં તો ધર્મનો રક્ષક કણબી હોએ અને કણબીની નાત તે વળી મુમના કણબી તરીકે લોકો બોલે તેનો જવાબ પણ કાકો આપે નહીં. તેનું કારણ કે જવાબ દેવાની પોતાનામાં પોચ નથી. બાકી રૂા. ભેળા કરવાની તેનામાં સારી આવડત છે. આપણા કચ્છ દેશમાં કાકાને કોણે તેડાવ્યા હતા તેની ખબર અમો વીરાણી ગામને છે નહીં તેમજ કાકો સેરબંધી ઉગાડતાં ઉગાડતાં યુવક મંડળને પકડાવવા અમદાવાદ ગયા છે. પરંતુ અમે તો પહેલેથી જ ખાત્રીબંધ હતા કે કાકાથી કેસ થાએ નહીં તેમજ કાકાથી જવાબ લેવાય નહીં. ટુંકામાં મારે એટલું જ કહેવાનું છે કે તમે કોઈ પ્રકારે ઉધ્ધતાઈ કરશો નહીં. આપણી નાતના કોઈ ગેઢેરાની વર્તણૂંક સારી ન હોય તો તેને તમે બોધ આપી સુધારશો પણ કોરટે જવાની હું તમને સલાહ આપતો નથી. બાકી મારી તો સંપૂર્ણ ખાત્રી છે કે હવે આપણી નાતમાં સુધારો ઘણો થયો છે અને થોડા વખતમાં આખી નાત સુધરી જશે. તેના યશભાગી તમે જુવાનીયાઓ છો. તમે આ પ્રમાણે જો સાચા હૃદયથી નાતનું ભલું જ થાય એવી જે તમને જીજ્ઞાસા અત્યારે દેખાય છે તેવી જ કાયમ રાખશો તો પરમેશ્વર તમને તમારા કાર્યને મદદ કરશે. અમો દેશથી અત્રે આવ્યા છીએ. તમારી રહેણી કરણી, આચાર વિચાર જોઈને ઘણો જ આનંદ થયો છે. હું ગામ વીરાણી તરફથી તમોને પાક્કી ખાત્રી આપું છું કે દેશ તરફથી તમોને જે કંઈ મદદ જોઇશેે તે જ્ઞાતિહીતમાં વાપરવાનો વીરાણી ગામે ઠરાવ કર્યો છે અને તેનો અમલ પણ ઘણાં ગરીબ ભાઈના હીતમાં થાય છે. તેમજ તમને પણ કંઈ મદદ જોઇશે તે જ્ઞાતિહીતના કાર્યમાં જરૂર મળશે એવી હું તમોને વીરાણી ગામ તરફથી ખાત્રી આપું છું. તમોએ જે મને તેમજ આપણા કચ્છ દેશથી પધારેલા જ્ઞાતિ આગેવાનોને ઘણું માન આપ્યું છે. તેના માટે ફરીવાર હું તમારો આભાર માનું છું અને આજનું સભાનું કામ સારી રીતે પરીપૂર્ણ થયું છે એમ હું જાહેર કરૂં છું.

—————————————-      —————————————-


દરેક ભાઈઓ જરૂર વાંચો જ્ઞાતિની સંસ્થાઓ અને સભાઓ

યુવક મંડળો.

          ૧. કચ્છ દેશના પીરાણાપંથીઓનું એક યુવક મંડળ મુંબઈમાં સ્થપાયું છે. તેનો ઉદ્દેશ કચ્છના કડવા કણબીની મોટી નાત કે જે પીરાણાપંથી છે. તે ધર્મ આપણી જ્ઞાતિને નીચ જોવડાવનારો છે. તેનો ત્યાગ કરી આપણા અસલ આર્ય સનાતન ધર્મે નાતને વાળવા પ્રયત્ન કરવો અને તેમ કરી કડવા કણબીની સમગ્ર નાત કે જે ગુજરાત, કાઠીયાવાડ, નિમાડ, માળવા વગેરે સ્થળે છે. તેમની સાથે બંધ થઈ ગયેલો સબંધ તાજો કરવો અને જ્ઞાતિની દરેક પ્રકારે ઉન્નતિ કરવામાં એકબીજા ભાઈઓએ મદદગાર થવું. ખાસ કરી કચ્છની જ જ્ઞાતિના સ્વધર્મ વર્ધકમંડળના પગલે ચાલવું. આ મંડળમાં જોડાવા ઈચ્છનાર દરેક બંધુએ સભાના પ્રમુખ સાથે પત્ર વ્યવહાર કરવો.

          ર. આપણી સમગ્ર કડવા કણબીની નાતનું એક યુવક મંડળની શાખા જે મુંબઈમાં છે અને ગુજરાતમાં દરેક સ્થળે ઘણી શાખાઓ ખોલાય છે તે મંડળનું નામ ‘શ્રી કડવા પાટીદાર સુધારક યુવક મંડળ ’ એવું રાખવામાં આવ્યું છે. તેની મુખ્ય શાખાના જનરલ સેક્રેટરી — પટેલ છબીલદાસ છોટાલાલ છે અને તેની ઓફીસનું સરનામું સત્યનારાયણ પ્રિન્ટીંગ પ્રેસ, સીવીલ હોસ્પીટલ સામે, અમદાવાદ. આ સમગ્ર જ્ઞાતિના યુવક મંડળના શેઠ દુર્ગાપ્રસાદ શંભુપ્રસાદ લશ્કરી પ્રમુખ છે. મુંબઈની પેટાશાખાના મીસ્ત્રી લધાભાઈ વીરજી જો.સેક્રેટરી છે. આ મંડળનો  ઉદ્દેશ સમગ્ર જ્ઞાતિના ધાર્મિક, નૈતિક અને દરેક પ્રકારની ઉન્નતિ સાધવાનો છે. કડવા પાટીદાર જ્ઞાતિના દરેક યુવકોની ફરજ છે કે તે મંડળમાં જોડાવું અને નામને દીપાવવું.

          શ્રી કડવા પાટીદાર પરિષદ :— ઘણાં વર્ષો થયાં દેશના જુદા જુદા ભાગમાં વસેલી કડવા પાટીદાર જ્ઞાતિની સામાજીક, ધાર્મિક, માનસિક, સાંસારિક પ્રકારની ઉન્નતિ કરવા આ સંસ્થા પ્રયત્ન કરે છે. તેની હયાતીથી જ્ઞાતિમાં સારી જાગૃતિ આવી છે અને જ્ઞાતિમાં પેસી ગયેલા કેટલાક અધર્મયુકત રિવાજો તેના પ્રયત્ન વડે ઓછા થતાં જાય છે. કચ્છ, ગુજરાત, કાઠીયાવાડ, નિમાડ, માળવા વગેરે સ્થળના દરેક બંધુઓ આ સભામાં જોડાયા છે તેની દર વર્ષે એક બેઠક થાય છે. કચ્છના જનોઈધારી સ્વધર્મ વર્ધકમંડળના ભાઈઓનું આ સમસ્ત નાતની મોટી સભામાં સારો લાગવગ અને માન છે. ઘણાં નામાંકિત પુરૂષો આ સભાના પ્રમુખ થઈ ગયા છે. હાલના તેના પ્રમુખ વિરમગામવાળા દરબાર શ્રી લાલસિંહજીભાઈ છે. આ સભા અથવા આપણી કડવા કણબીની નાત તરફથી “કડવા વિજય” નામનું માસિક બાર વર્ષથી પ્રસિદ્ધ થાય છે અને જ્ઞાતિમાં ઘણું માનભરી રીતે પ્રસિદ્ધ છે. તેનું વાર્ષિક લવાજમ ફકત સવા રૂપિયો રાખવામાં આવ્યું છે. જે તેના ખર્ચ કરતાં પણ ઓછું છે. આ માસિક વાંચવાથી જ્ઞાતિની તમામ હકીકત ઘેર બેઠા જાણી શકાય છે. કડવા કણબી નામ ધરાવાની ઈચ્છાવાળા દરેક ભાઈએ તેના ગ્રાહક થઈ ખાસ મંગાવાની જરૂર છે. જ્ઞાતિના દરેક બંધુ તરફથી છપાવાની હકીકત તેમાં છપાય છે અને છપાયેલી હોય તે જાણી જ્ઞાતિના આગેવાનો શું કામ કરે છે તે જાણી શકાય છે. તેના ગ્રાહક થવા માટે નીચેના સરનામે લખવું

૩૦૩, વાડીગામ

અમદાવાદ       

મગનભાઈ જી. એન્જીનીઅર,

તંત્રી — કડવા વિજય

<<

>>

Leave a Reply

Share this:

Like this: