Book: Abhilekh 2023 (અભિલેખ 2023)​

Index

૧. દાણા બંદર સભા ૧ લઈ - દી. 01-Aug-1918

કચ્છ દેશના પીરાણાપંથી

કડવા કણબી જ્ઞાતિની મુંબઈમાં મળેલી જાહેર સભાના

કામકાજનો રિપોર્ટ

મુંબઈના પીરાણાપંથી યુવકોનું એક મંડળ સ્થપાયું છે. જે દર અઠવાડીયે એકઠા થઈ જ્ઞાતિના ફાયદાના વિચારો કરે છે. આપણી મોટી સભાની પહેલાની તેમની સભામાં કેટલાક લાયક ભાઈઓ દેશની નાત ઉપર મોકલવાના ઠરાવો ઘડીને લાવેલા પણ તે ઠરાવો અને ભાષણો એક જાહેર સભા ભરી દેશની નાતના આગેવાનો ઉપર મોકલવાની જરૂર હોવાથી મુંબઈમાં રહેતા આપણા ભાઈઓની એક જાહેર સભા બોલાવી હતી. અને તે તા. ૧—૮—૧૯૧૮ ના રોજ મુંબઈ દાણાબંદર વછાતના માળામાં મળી હતી. સભાનો વખત રાતના ૭ વાગ્યાનો રાખવામાં આવ્યો હતો છતાં ૫ વાગ્યાથી સઘળા ભાઈઓ આવવા લાગ્યા હતા. તેમનો સત્કાર કરવામાં આવતો હતો. સભાનો વખત થતાં શરૂઆતમાં તેમાં શ્રી ઉમિયા માતાની સ્તુતિ સંગીતનાં સાધનો સાથે નીચે પ્રમાણે કરવામાં આવી હતી.

મંગલાચરણ (કલ્યાણની સાખી.)

સુખદાતા સતિ પાર્વતી, દુઃસહ દુઃખ હરનાર,

સુખસંપતિ દો ભગવતી, વરદાઈ છો ઉદાર;

વક જન રંજન સદા, સુખદુઃખના આધાર,

અમર સમરતાં સહાય હો, નમું હું વારંવાર.

(અનંત એકજ છે અવિનાશી— એ રાગ)

સફળ કૃતિ કર માતુ હે મ્હારી,

સુમતિ પ્રેરક સદાયે દયાળી;                 સફળ.

જ્ઞાતિ હિત ચિત સ્થિર કરી સ્થાપો,

ઈચ્છું ભવાની કૃપાએ ત્હારી.                સફળ.

અધમ ઉદ્ધારક જ્ઞાતિ કે ગંગા,

ઉભય શિવા નહિ અન્ય હિતકારી.        સફળ.

દ્રઢીભૂત છે એ મંત્રજ મ્હારો,

સાધક તેનો અમર સુખાળી.                 સફળ.

         

ઉપર પ્રમાણે કુળદેવીની સ્તુતિ કર્યા બાદ કામકાજની શરૂઆત કરતાં સઘળા ભાઈઓને ઉદ્દેશી સ્વાગત કમિટીના પ્રમુખ તરફથી નીચે પ્રમાણે એક ભાષણ કરવામાં આવ્યું હતું.

સ્વાગત કમિટીના ચેરમેન —

                ભાઈ મેઘજી ભાણજી — દેવીસરવાળાનું ભાષણ

પરમ પ્રિય જ્ઞાતિ બંધુઓ અને બહેનો — તમો આજે સઘળા યુવક મંડળના આમંત્રણને માન આપી અત્રે પધાર્યા છો તે માટે હું તથા યુવક મંડળ આપનું આભારી છે.

આજે હું સ્પષ્ટ રીતે જોઈ શકું છું કે આપણી જ્ઞાતિ ઉન્નતિ અર્થે આપનું અહીં પધારવાનું થયું છે તે જરૂર યશસ્વી નીવડશે. તમારા મુખારવિંદ ઉપર જ્ઞાતિ હિતની અપૂર્વ આકાંક્ષા તેમજ તમારૂં તેજસ્વી વદન જોઇ હું મને પોતાને ભાગ્યશાળી માનુ છું. આવા અપૂર્વ મેળાવડામાં હું આજે યુવક મંડળ તરફથી તમો સઘળા બંધુઓને અભિનંદન આપું છું. તમારી ઈચ્છા પરિપૂર્ણ થાઓ એવી આપણી કુળદેવી ઉમિયા માતાને હું પ્રાર્થના કરૂં છું.

બંધુઓ હમણાંનો સમય જાગૃતિનો છે. દરેક જ્ઞાતિ પોતાના જ્ઞાતિ બંધુઓના હિત માટે પ્રયાસ કરી રહી છે, ત્યારે આપણી જ્ઞાતિના આગેવાન પટેલો તેમજ અગ્રેસરો આપણી જ્ઞાતિની કેમ વધુ પાયમાલી થાય એવા પ્રપંચો રચી રહ્યા છે. આપણે આજ દિવસ સુધી જ્ઞાતિ આગેવાનોનો જુલમી ત્રાસ મુંગે મોંઢે સહન કર્યો છે પરંતુ હવે એ જુલમ આપણાથી સહન થઈ શકે તેમ નથી. આગેવાનોએ આજ દિવસ સુધીમાં આપણી કચ્છની જ્ઞાતિને છેક હલકી પાયરીએ લાવી મૂકી છે અને તે હલકી પાયરી માટે હું આપને કહીશ કે આપણે શુદ્ધ ક્ષત્રિય દ્વિજ હોવા છતાં બીજી અન્ય કોમોમાં આપણે ન હિંદુ તેમજ ન મુસલમાનની ગણત્રીમાં ખપીએ છીએ એવા અનેક લેખો તેમજ પુસ્તકોમાં આપણી જ્ઞાતિની નિંદા થાય છે. જ્ઞાતિ આગેવાનોનાં ખીસાં ભરાય છે એટલે આપણી કણબીની જ્ઞાતિ જોઈએ તો શુદ્ર કરતાં પણ હલકી થઈ જાય તેની પણ તેઓ પરવા રાખતા નથી તે સિવાય જ્ઞાતિમાં એવા ત્રાસદાયક ન્યાય ચુકવે છે કે એક માણસને જાતમાંથી સમુળગો ઉખેડી નાંખવો હોય તો પણ તેની તેઓ દરકાર કરતા નથી એટલું જ નહીં પણ એવી જબરદસ્ત ગરીબ કણબીઓને વગર ગુન્હે સજા કરે છે કે તે માણસ જાતથી સહન થઈ શકે નહીં. આવા જુલમી ત્રાસો તો આપણે સહન કરતા આવ્યા છીએ છતાં બાકી હતું તે હમણાં પીરાણાવાળો કાકો લક્ષ્મણ કરમશી દેશમાં આવેલ છે અને તેને પડખે નેત્રા વિગેરે ગામોના આપખુદી પટેલીઆઓ કે જેને સૈયદો વગર ચાલતું નથી તેઓ કાકાને મદદ કરી ગરીબ કણબી ભાઈઓ પાસેથી જોર જુલમથી ફરજીયાત ભેટ તરીકેનો દંડ વસુલ કરવામાં મદદગાર થાય છે. બંધુઓ કચ્છમાં દુષ્કાળ છે. બબ્બે વખત પીરાણાનો કાકો કચ્છના કણબી પાટીદારોને લુંટી ગયો છે અને આ ત્રીજી વખતનો તેમનો પ્રપંચ અને સ્વાર્થીપણું છે. કચ્છમાં જઈ આપખુદી પટેલીઆઓને લાંચી અને ગરીબ કણબી ભાઈઓના ઉપર ત્રાસ વરતાવે છે તે તમે સઘળા જાણો છો. ભાઈ આમ આંખ મીંચામણાં કરે કશું વળનાર નથી. તમો સઘળા વીર ક્ષત્રિય બંધુ હોવા છતાં તમે તમારા ગરીબ બંધુઓને આવા રાક્ષસી વિચારવાળા આગેવાનો તેમજ સ્વાર્થી ધર્મગુરૂ કાકાથી નહીં બચાવી શકો ? (જરૂર જરૂર બચાવીશું. અમારા પ્રાણની પણ દરકાર કર્યા સિવાય અમારા બંધુઓની વારે ધાશું—તાળીઓ) બંધુઓ જો તમો આટલો બધો ઉત્સાહ ધરાવો છો તો મને સંપૂર્ણ ખાતરી છે કે તમારી અડગ ટેક આગળ જુલમી આગેવાનો નરમ ઘેંસ જેવા — અરે ગરીબ ગાય જેવા થઈ જશે. પીરાણાના કાકાના પોગળો દિવસો દિવસ ખુલ્લાં થતાં જાય છે, અને મને તો ચોખ્ખું સાફ સમજાય છે કે પીરાણાની ગાદી ઉપર અભણ અને અજ્ઞાન માણસની નિમણૂંક જ ભુલ ભરેલી થઈ છે. આટલું બોલી હું આપણા કચ્છના કણબી ભાઈઓને આ સભામાં અત્રે બીરાજેલા બંધુઓને આપણા જ્ઞાતિ આગેવાનોના જુલમ તથા આપણે જે પીરાણાનો ધર્મ પાળીએ છીએ તે કેવા પ્રકારનો હિંદુ ધર્મ છે તેમજ પીરાણાનો કાકો લક્ષ્મણ કરમશી જે હાલ ગાદી ઉપર છે તે ધર્માદાનાં નાણાંનો કેવો વહીવટ કરે છે વગેરે ચારિત્ર આપણને જાણવાની ઘણીજ જરૂર છે માટે આજની આપણી આ મહાન સભા જે આપણી જ્ઞાતિની ઉન્નતિની આશારૂપ છે એવી સભાના પ્રમુખ તરીકે કોઈ સારા વિદ્વાન બુદ્ધિશાળી તેમજ વીર બંધુની યોજના થવાની જરૂર છે. બંધુઓ હું કહીશ કે આપણા યુવક મંડળ તરફથી જ્ઞાતિહિતની મિટીંગો પણ ઘણી વખત ભરી છે પરંતુ મુંબઈમાં વસતા આપણા સમસ્ત જ્ઞાતિ બંધુઓની આજના જેવી હાજરી કોઈ વખતે પણ થઈ નહોતી. એટલાજ માટે આજની સભાના પ્રમુખ તરીકે આપણા બંધુઓમાંના યુવક મંડળના ખાસ આગેવાન તરીકે ઓળખાતા તેમજ આપણી જ્ઞાતિનો તેમજ પીરાણા ધર્મનો અભ્યાસ કરેલો તેમજ જ્ઞાતિની મિટીંગોમાં વિદ્વતાભરી વાણીથી આપણને ઉત્સાહપૂર્વક જ્ઞાતિ હિતનું ભાન કરાવનાર મહાશય શ્રીયુત ભાઈ રતનશી ખીમજીભાઈ ખેતાણી કચ્છ વિરાણી નિવાસી વીર બંધુને હું આજની સભાના પ્રમુખ તરીકે નિમવાની મારા શુદ્ધ હૃદયથી દરખાસ્ત કરૂં છું, આશા છે કે તમો સઘળા બંધુઓ એક મત થઈ કબુલ કરશો.

ઉપરના ઠરાવને કોટડાવાળા ભાઈ હંસરાજ નારણ તથા ગામ નખત્રાણાના ભાઈ કાનજી પચાણ જબુવાણીએ ટેકો આપવાથી પસાર થયો હતો અને ભાઈ રતનશી ખીમજી ખેતાણીએ પ્રમુખસ્થાન લીધું હતું, ત્યાર બાદ ગામ દેવીસરવાળા ભાઈ મેઘજી ભાણજીએ તેમને હાર તોરા અર્પણ કર્યાં હતા ત્યાર બાદ પ્રમુખ ભાઈ રતનશીએ નીચે પ્રમાણે સભા સમક્ષ ભાષણ કર્યું હતું.

સભાના પ્રમુખ—

                ભાઈ રતનશી ખીમજી — વીરાણીવાળાનું ભાષણ

પ્રિય જ્ઞાતિ બંધુઓ અને બહેનો,

આપણી જ્ઞાતિની આ સભા અને આપણે એકત્ર થઈ એક સંપથી જ્ઞાતિહિતના વિચાર માટે ભેગું થવું એ સમગ્ર જ્ઞાતિના અભ્યુદયની શુભ નિશાની છે. આવા સદ્‌વિચારો આપણા વડીલોને તેમજ આપણને કોઈ દિવસ ઉદ્‌ભવ્યા નહોતા, પરંતુ આપણી જ્ઞાતિમાં ઉમિયા માતાના સપુત્ર બંધુઓ કે જેઓ કેટલાંક વર્ષ થયાં આપણી જ્ઞાતિના રીત રિવાજો તેમજ આપણી જ્ઞાતિના અગ્રેસરોના મુર્ખાઈ ભરેલા ત્રાસોથી જેઓ છૂટા થયા છે અને સ્વતંત્રતાથી જ્ઞાતિ હિતમાં જેઓએ પોતાનું હિત માનેલું છે, એવા વીર બંધુઓના સહવાસથી આપણામાં જાગૃતિ આવી છે એટલુંજ નહીં પણ આપણે આપણી ભૂલો જોઈ શક્યા છીએ એ સઘળો તેઓનો જ પ્રતાપ છે. દેવી ભગવતી ઉમિયા માતાએ પાંચ બંધુઓને ચિરંજીવી રાખે અને આપણી જ્ઞાતિનું આરંભેલું કાર્ય તેઓના હાથે નિર્વિઘ્ને સંપૂર્ણ રીતે પાર પડે એવી ભગવતી પાસે મારી પ્રાર્થના છે. બંધુઓ ! હું મારા કાર્યની શરૂઆત કરૂં છું. તમને મારે જણાવવું જોઈએ કે આપણે શુદ્ધ કડવા કણબી હોવા છતાં આજ દિવસ સુધી આપણે આપણી જ્ઞાતિ હિતના વિચારો કર્યાં નથી. તેમજ વિચારો કરવાને આપણે શક્તિવાન ન હતા એમ કહીએ તો પણ ચાલે, કારણ કે કચ્છ દેશમાં આપણી જ્ઞાતિના અગ્રેસરોનો એવો આપખુદી અમલ આપણા ઉપર છે કે કોઈ ઉંચું માથું કરી શકે જ નહીં. આપ સર્વે જાણો છો છતાં હું આપને કહીશ કે આપણી જ્ઞાતિમાં સુધારા વધારાની કોઈ વાત કરે તો નાતના આગેવાનો તુરતજ નાત બહાર કરે. આવા જુલમથી આજ દિવસ સુધી આગેવાન પટેલીઆઓની બીકથી — આપણે તેમજ આપણા બંધુઓ સમજીએ છીએ છતાં કશું કરી શકતા નથી. હું પ્રથમ કહી ગયો તે પાંચ વીર બંધુઓએ ઉપવિત (જનોઈ) ધારણ કરી શુદ્ધ વૈદિક ધર્મ અંગીકાર કર્યો, જેથી તેના ઉપર આપણી જ્ઞાતિના આગેવાનો તેમજ આપણે પણ તેઓને દુઃખ દેવામાં બાકી રાખી નહોતી જેનું બધુ વિવેચન ન કરતાં હું ટુંકમાંજ કહીશ કે તેઓએ ધીરજથી અને સહનશીલતાથી એ દુઃખો સહન કર્યા, એટલુંજ નહીં પણ તેઓએ આપણી જ્ઞાતિ હિતના માટે મહાભારત પ્રયાસ કરી આપણે કોણ છીએ, કેવા કણબી છીએ, આપણે અસલ ક્યાંના વતની હતા, કેવા કારણ અને સંયોગે આપણા વડીલો કચ્છ દેશ તરફ આવ્યા, એટલુંજ નહીં પણ આપણે પીરાણાનો ધર્મ અંગીકાર કર્યો ત્યારથી તે આજ દિવસ સુધીની આપણી સ્થિતિમાં કેવું રૂપાંતર થઈ ગયું છે એ સઘળું તેઓએ સ્પષ્ટપણે શુદ્ધ અને સાચી રીતે બતાવી આપ્યું છે. તેઓના ઉપકારમાં હું, તમે અને આખી કચ્છની કણબી જ્ઞાતિ છીએ. એવા ધર્મ પરાયણ વીર બંધુઓનો જેટલો ઉપકાર માનીએ તેટલો થોડો છે. દુનિયામાં જુદી જુદી દરેક જ્ઞાતિઓમાં વખતને અનુસરતા સુધારા વધારા થતા આવ્યા છે અને તે આપણે જોઈએ છીએ, પરંતુ કચ્છની કણબી જ્ઞાતિમાં આજ દિવસ સુધીમાં એક પણ સારો સુધારો થયો નથી અને કોઈ બંધુને સુધારો કરવા ઈચ્છા થાય તો તુરતજ તેને દાબી દેવામાં આવે છે, વિશેષમાં આપણી જ્ઞાતિમાં વિદ્યાભ્યાસ તથા કેળવણીની ખામીને લઈને જ્ઞાતિ બંધનમાં જકડાયેલા રહીએ છીએ, જ્ઞાતિ આગેવાનો તો સુધારો ન કરવા દેવામાં કેવળ સ્વાર્થ જુએ છે અને એ સ્વાર્થ નભી રહે તેની ખાતર આપણી જ્ઞાતિ જોઈએ તો હિંદુ મટી મુસલમાનીમાં પણ આવી જાય તેની પણ તેઓ દરકાર કરતા નથી.

બંધુઓ ! આજે આપણી સભા મળવાનું ખાસ કારણ તમે જાણો છો છતાં હું આપને કહીશ કે કચ્છમાં હાલ પીરાણાની ગાદીના અધ્યક્ષ લક્ષમણ કાકા દેશમાં ગયા છે અને તેને તે દેશમાં જવાનું મુખ્ય કારણ આપણે અને ગામના આગેવાનો સમજીએ છીએ, કે પીરાણે પૈસા મોકલવાથી ધર્મને બદલે કર્મ બંધન થાય છે. તેનું કારણ સૈયદો કે જેને આપણે બ્રાહ્મણ તરીકે માનવાનું આપણા ધર્મગુરૂઓ તથા જ્ઞાતિ આગેવાનો કહેતા આવ્યા છે. પરંતુ કુદરતની કૃપાને લઈને અજ્ઞાન કણબીઓ હવે સમજતા થયા છે કે મુસલમાન કોઈ દિવસ હિંદુ બ્રાહ્મણ કહેવાય નહીં. સૈયદો જીવ હિંસા કરે છે તેઓ બીજા મુસલમાનો સાથે વહેવાર રાખે છે, તેમજ પીરાણાની ગાદીના અધ્યક્ષ જો કે પાટીદાર છે પરંતુ તેઓ અન્ય ભગવાઓનું ખાય છે અને છેવટ સમજાય છે કે પીરાણા ધર્મ અર્ધ દગ્ધ જેવું છે. પીરાણાના કાકાઓ પૈસાનો સદ્‌ઉપયોગ કરતા નથી ગાદીપતિ લક્ષ્મણ કાકો અમદાવાદની મીલોના શેરના સટ્ટા કરે છે. આવા અનેક કારણોને લઈ પાંચ ગામના આગેવાનોએ ગઈ સાલ પીરાણે ધર્માદા તરીકે જતા પૈસા અટકાવ્યા છે, તેની પતાવટ કરવા લક્ષમણ કાકો કચ્છ ગયા છે એવા સમાચાર આપણને પ્રથમ મળ્યા હતા, પરંતુ હમણાં એવા ખબર મળ્યા છે કે કાકાએ કચ્છ દેશમાં કણબી આગેવાન પટેલોને પોતાના પક્ષમાં લીધા છે અને જોર જુલમથી દરેક કણબી એટલે માણસ દીઠ એક રૂપિયો શીરબંધી લેવી એવું નક્કી પણ થયું છે અને તેની શરૂઆત એ નામથી થઈ ચુકી છે, એવા પ્રકારના સમાચાર આપણને મળ્યા છે. દેશમાં આગેવાનોનો જુલમ કે કાકા ધર્મગુરૂનો જુલમ કહો પરંતુ મારે ઘણીજ દીલગીરી સાથે કહેવું જોઈએ છે કે આવા દુષ્કાળના વરસમાં આપણા ગરીબ ખેડૂત બંધુઓ તથા મજુરી કરનાર બંધુઓની કેવી માઠી દશા છે ! તેવા વખતમાં જ્યારે કચ્છમાં રૂપિયાનો ભાવ સવા બે કોરી છે ત્યારે કાકાના શીરબંધીના રૂપિયાનો ભાવ ત્રણ કોરી ! જ્ઞાતિ આગેવાનોએ ઠરાવી છે. આવા દુઃખદાયી સમાચારથી આપ સર્વે દિલગીર છો તે હું સર્વ જોઈ શકું છું અને ફરીથી પણ હું કહીશ કે આ પ્રમાણે કાકો ત્રીજી વખત શીરબંધી ઉઘરાવવા આવ્યા છે. આજ દિવસ સુધી આપણે આ કાકાના પ્રથમના ગાદીપતિએ કચ્છમાંથી જ્યારે તેઓ ગાદી ઉપર આવે છે ત્યારે એકજ વખત શીરબંધી ઉઘરાવી છે, પરંતુ આવા ભયાનક દુષ્કાળના વખતમાં ગરીબોને કરજદાર કરી લાખો કોરીઓ કાકાને તેમજ સૈયદોને મોજમજા કરવા અપાવવી એ જ્ઞાતિ આગેવાનોનો દેખીતો જુલમ છે. એટલું જ નહિં પણ તેઓનો પણ તે સ્વાર્થ છે એવું સ્પષ્ટ સમજાય છે જેના માટે વધારે વિવેચનની જરૂર નથી. તે સિવાય હું આપને પીરાણા ધર્મ સંબંધી પણ થોડુ ંકહેવા માગું છું અને તે આપ લક્ષ દઈ સાંભળશો એવી આશા છે. આપને યોગ્ય લાગે તે પ્રમાણે તેનો સવાલ (જવાબ) કરશો તો પણ મારી બુદ્ધિ અનુસાર આપને હું જે જાણતો હોઈશ તે પ્રમાણે કહી બતાવીશ. હું પણ આપણા ભોળા અને ભલા દીલના કણબીભાઈઓની માફક પીરાણા સતપંથને ઉત્તમ હિંદુ ધર્મ છે એમ માનતો હતો પણ જ્યારથી મને સમજ પડી કે હિંદુ ધર્મમાં કલમો શી ? મરી જનારને દાટવું શું ? લગ્ન વખતે દુવા પડવી ! એ બધા નિયમો મુસલમાની છે છતાં આપણો ઉત્તમ ધર્મ સતપંથ સિવાય બીજી વાત કરવી નહીં આવા જ્ઞાતિ આગેવાનોના જુલમ અને દાબથી હું પણ આજ દિવસ સુધી મારા મનના વિચારો ક્યાંય પણ બહાર કાઢતો નહોતો, પરંતુ આજના પ્રસંગે તમે બધા એક મત થયા છો અને મને આગ્રહપૂર્વક પીરાણા ધર્મની હકીકત કહેવા આગ્રહ કરો છો તો કહું છું. હું જે આપને કહીશ તે મારા પ્રતિના વિચારો નથી પરંતુ જગજાહેર વ્યાખ્યાનો દ્વારા પ્રસિદ્ધ થયેલા લેખો ઉપરથી કહીશ. વિક્રમના ૧૬ મા સતકમાં ઈસ્લામ શાહ નામના ઈસ્માઈલી સરદારે પીર શદરૂદીન નામના દાઈ (ઉપદેશક) ને મોકલ્યો હતો. સીંધમાં મુસલમાનોની વસ્તી વધી ગઈ હતી, છુટા છવાયા વેપારી હિન્દુ ધર્મ પાળતા હતા. પીર સદરૂદીને તેમને માટે હિન્દુ અને શીયાનો ભેળસેળીઆ પંથ ઉભો કર્યો. હિન્દુઓનો વિષ્ણુનો અવતાર તે પોતાના ધર્મની માન્યતામાં દશમો અવતાર અલનો છે એમ તેણે બતાવ્યું. મુસલમાનોમાં ધંધા કરનાર હિન્દુને પોતાના અજ્ઞાન કાળમાં આવા ધર્મમાં પલટાવાનું સહેલું લાગ્યું. તેઓ હિન્દુના હિન્દુ અને મુસલમાનના મુસલમાન એ બેઉ રીતે તેઓના મનનું સમાધાન થયું અને તેઓ આ મતમાં ભળ્યા. સિંધમાંથી કચ્છ અને કાઠીયાવાડમાં આવતાં ત્યાં માર્ગીપંથ અને માતાપંથનો લોકોમાં વધારે ફેલાવો થયેલો જોયો. ત્યારે પીર સદરૂદીને એ પંથોની કેટલીક ક્રિયાઓ જેવી કે ઘટપાટ વગેરે પોતાના પંથમાં સામેલ કરી અને હિંદુઓને તેમના પંથમાં ઢળી આવવું સહેલું થઈ પડે એવી વ્યવસ્થા કરી. એવા કાળની અજ્ઞાન લોક સ્થિતિમાં આવા પંથવાળાનું ફાવી જવું સહેલું હતું. પીર સદરૂદ્દીને હિન્દુઓને લલચાવવાને પોતાનાં ત્રણ નામ રાખ્યાં હતાં —

(૧) પીર સદરૂદ્દીન. (૨) સત ગોર સહદેવ (૩) હરીચંદ. અને પોતે સ્વામી સંત અને ગુરૂ એવા નામનાં વિશેષણો પોતાને લગાડ્યાં હતાં. ગુરુકૃપા વડે જ એ જ્ઞાન મળી શકે છે અને મોક્ષનો ખરેખરો માર્ગ તે આજ માર્ગ છે એવું એ પંથમાં ભળેલા દરેક માણસને સારી રીતે ઠસાવવામાં આળ્યું હતું.

ઘટપાટની ક્રિયા —

સત્‌ગુરૂ સહદેવે, બ્રહ્મા ઉવાચ ! પ્રથમ કૃતયુગ મધે સાહેબના ચાર રૂપ ઉતર દેશે પાંચ ક્રોડીશું રાજા પ્રહ્‌લાદ ઘટપાટ સ્થાપંતા, સોનાના ઘટ, સોનાના પાટ, કુંજરજાગ કરતવા. સોનાનું મુલદેવતા અને એણેથી રાજા પ્રહ્‌લાદ સીજંતા, અમર અમરા પુરી પોચંતા. ત્રેતાયુગમાં સાહેબનાં ત્રણ રૂપ પૂર્વદિશે સાત ક્રોડી શું રાજા હરચંદ, તારારાણી, કુંવર રોહીદાસ, ઘટપાટ સ્થાપંતાં. રૂપાના ઘટ રૂપાના પાટ અશ્વજાગ કરતવા. રૂપાનું મુલ દેતવા એેણે ફળેથી રાજા હરિચંદ, તારારાણી, રોહીદાસ સીજંતા તે અમર અમરાપુરી પોચંતા. દ્વાપર યુગમાં સાહેબના દોય રૂપ, દખણ દિશે નવ ક્રોડીશું રાજા યુધિષ્ઠિર, પાંચ પાંડવો, માતા કુંતા, સતી દ્રોપદી ઘટપાટ સ્થાપંતા, ત્રાંબાના ઘટ, ત્રાંબાનાપાટ, ગૌજાગ કરતવા, ત્રાંબાના દાન દેવતા, તેને ફળેથી નવ ક્રોડીશું રાજા યુધિષ્ઠિર પાંચ પાંડવો માતા કુંતા—સતી—દ્રોપદી સીજંતા અમર અમરાપુરી પહોંચતાં. આજ કળયુગમાં સાહેબનું એકરૂપ પશ્ચિમદિશે બાર ક્રોડીશું પીરસદરુદીન, માટીના ઘટ, માટીના પાટ, અજા જાગ કરતવા, અજાનું મુલ તે સજા દાનદેતવા. એણે ફળેથી બારક્રોડીશું પીરસદરુદીન સીજંતા અમર અમરાપુરી પહોંચંતા આ છેલ્લી સંઘ તતફળ વેલા મધે અનંત ક્રોડીશું, પીર હસન, કબીર દીનવર સ્વામી, રાજો આવશે, રખીઆ મુમનાને તારશે, સોનાનાં કંકણ કરી રાખશે, રખીઆને ઉગારશે, શદરુદીન શુક્રીત પીરખાંડ ગુરૂ મુખ દેતવા, એણે ફળેથી અનંત ક્રોડીશું પીરહસન કબીર દીન સીજંતા અમર અમરાપુરી પહોંચંતા અન્નદાન ગુરૂમુખે દેતવા હક સચ્ચા ! હેજંદા ! કાયમપાયા ફરમાનશા. પીરજો.

એ પ્રમાણે બાવા ઈમામશાના દાદાએ ઘટપાટની સ્થાપના કરી છે, એટલું જ નહિ પણ પીર સદરુદીને પોતાની જાળમાં ઘણા એક લોકો આવી ગયા પછી તેમને દ્રઢ કરવાને વાસ્તે એવાં એવાં ભજનો ગોઠવ્યાં છે કે હિન્દુ અને મુસલમાન બેઉના કરતાં તેઓને ઉંચા બનાવ્યા છે અને સ્વર્ગનો હક્ક એમને જ છે એમ બતાવ્યું છે, તેના થોડાક નમુના નીચે મુજબ છે.

 

જ્ઞાન !!

રોવે રોવે હિન્દુડા, દુજા મુસલમાના,

રોવે  બાંભણ જોશીડા, વાંચન પોથ પુરાણાં.

રોવેમુલ્લા કાજીઅડા, જીકો પઢણ કુરાણા.

રોવે કુડા સુનીસંગ, સચે સાહ ન સીભાણા.

રોવે જંદા જોગીડા, જીકો મરત મશાણા.

રોવે રોવે સંસારી, તે સઘળો રોવે,

એક ન રોવે જીન્ને શાહપીર પાયા.

 

બીજાં જ્ઞાનો !

હઝ નિમાજ રોજા ધરે, કુડી ક્રિયાએ કામ ન સરે,

ત્રણ વેદ ન ધાઈએ મુનીવરભાઈ, તમે કાંરે ખુવો પુરવ જનમની કમાઈ.

તે સિવાય કૃષ્ણને માનનારાઓને સદરુદીને કરેલો બોધ.

જીરે કરશન પહેરલ પીતામ્બર ધોતી, જીરે આજ કલમે કે ભાને ટોપી,

જીરે કરશન ચાલતા તે ટીલડી કાઢી, જીરે આજ કલમે વધારી છે દાઢી.

 

પીરાણા ઘટપાટ શાસ્ત્ર—

અલી ઈમામશાહ જ્ઞાન બોલીઆ, અને સાંભળો મુનીવર ભાઈ,

જો પ્રગટ ટાણે આવી મળો, તો સાચી તમારી કમાઈ.

ભાઈ પ્રગટ ટાણું જે કહીેએ, અને ઘટપાટની વેળા જોવાય,

તેત્રીસ ક્રોડી દેવ આવી મલ્યા, ત્યાં સાહેબ પુરશે વાસ,

તાંહાં જાખા મેધા કે નર આવી મળે, આવે કરણ કલફના કરોડ,

તે ઠેકાણે આવશો તો સાચી તમારી કમાઈ.

અહીં સાચે ઈમાને જે કોઈ આવશે અને સાચા મુનીવર સોય.

તેના ઈકોતેરસો સરગે સિધારશે, તેને રાહમાં ન રોકે કોય,

ભાઈ લોક લજ્યા નવ રાખીએ, લાજે વણસે જીવોનાં કામ,

ભાઈ સગાં કુટુંબ બેની બાંધવા, તે નહીં આવે જીવોની સંગાથ.

જે કોઈ બાવન ઘાટરે ઉતરી ગયા, અને પોંચ્યા તે સર્ગ દુવાર,

તે હરખે અમરાપુર મહાલશે, તેતો સહે નહીં પામે લગાર,

જો શરનાં સાટારે કીજીએ, અજે સુખ ગણેરાં થાય,

રાજા હરીચંદ જેવાં ફળ પામીએ વીરા તેથી અદકેરા લખાય,

આ દુનિયા દોલત એક પળ છે, લોભે લાગા ભૂલી નવ જાઓ,

જો હાથમાંથી હીરો હારશો, પછી આગળ ક્યાં થકી પાઓ,

ચાર યુગ ગયારે તમને ઢુંઢતા, અને હજુના લાગો છેહ,

કોલ પ્રમાણે દીધી વાચા પાળજો અને અથરવેદ આણી દેહ,

ભાઈ કલમો પઢોરે તમે સતનો અને ખરી દશોંદ દેઓને આજ,

જે દશમે તે ગોર નર આવીઆ, મુનીવર ભાઈઓનાં કરવારે કાજ,

તમે ચેતી શકાય તો ચેતજો અને વેળા તે વહી વહી જાય,

હાથે આવીઆરે ફલ રાખજો ફળી ફળી એ ફલ નહિ થાય.

ત્રણ યુગ મારે ત્રણ ટોળ બાંધીઆં અને ચોથે પ્રગટ હોય.

આજ જગમાં દીન જગાવીઆ, અલ્લીમેદી વિના નહિ કોઈ,

ભાઈ સતપંથ સેવોરે સત ભાવ શું તમને મળીને સતગોર પીર,

જેણે દરશન કીધાંરે ગત તીરથનાં તેનો વૈકુંઠ પોતેરે જીવ,

તેને આપ સમાન સાહેબ ઓકરે, અને બાંધશે કાંટારે તોલ,

ખરી કસોટી કરાવશે તો હીરા પામસો મુલ અમુલ,

અમીરસની વેળા મોટી કહીએ અને કાયર ન થાઓ મુનિવર ભાઈ,

આજે મહાદન વેળાની સંપજ છે તમને મુક્તિનો રાહ બતાએ,

ચાલીશ ઈમામ પુરા થયા અને અવતાર દશમો લખીઓ,

અસુરા દાણવને સણગારશે અને રૂખેસરોને કરાવશે રાજ,

સાહેબ પુજાનાં ફળ પામશો તે જાણશો નિરધાર,

અથરવેદમાં એમ ભાંખીયો, મુનિવર રોકી જેઓ તમ કાજ,

જો મન મંડાણ કીજીએ તો વૈકુંઠ પામીએ ઠામ,

ભણે ગોર ઈમામશાહ સુણો મુનીવરભાઈ વેદ વિચારીને ચાલો,

ભરમે ભંડારો કીજીએ, તો સહી અમરાપર મ્હાલો.

 

ઉપર પ્રમાણે ઘટપાટની ક્રિયા થાય છે. બંધુઓ ! આપ જોઈ શક્યા હશો કે પીરાણા સત્‌પંથ ધર્મમાં કેવા પકારનું હિન્દુપણું છે ! માત્ર ભોળા લોકોને ભોળવી દસોંદ લેવી અને તે સિવાય આપણા શુદ્ધ સનાતન ધર્મની એ સત્‌પંથમાં બદનક્ષી કરવામાં આવી છે, એટલુંજ નહીં પણ તમે જો દશમો નકલંકી અવતાર જે આપણા ખાનામાં વંચાય છે તે જો તમો સાંભળો તો તમને ગપગોળાની એવી તો ખબર પડશે કે આ એ ધર્મની રચના કેટલીક મુર્ખાઈ ભરી તેમજ એક બીજા ધર્મમાં, અથડામણ કરે તેવી છે. એ સંબંધે હમણાં થોડા દિવસ થયા વીરાણીવાળા સ્વધર્મ મંડળના એક મુખ્ય આગેવાન ભાઈ નારણજીભાઈ રામજીભાઈએ પટેલ ફકીરદાસ ગોપાળદાસને તેના લેખનો જવાબ આપ્યો છે તે વાંચ્યાથી આપ જાણી શકશો. તે સિવાય એ ધર્મમાં પાંડવો હતા તે પાંડવોએ મહાભારતની લડાઈનું પાપ ઉતારવા પાંચ પાંડવોએ ગાય !! કાપીને સતીને માથે લેવડાવીને હસ્તીનાપુર નગરીના ચૌટામાં ફર્યા તેથી સર્વ પાપ ઉતરી ગયા !

પાંચે પાંડવે મલી ગૌવધ ! કીધી, અને મસ્તક ચામડાં સતીએ લીધાં.

હસ્તીનાપુર નગરીનાં ચોરાશી ચૌટાં, તે ચૌટે ચૌટે પાંડવો ફર્યા.

જાણી જોઈને ત્યાંના લોકો નિંદા જો કરી, તો મુરખ રહ્યા હાથ ઘસતા.

 

તેવી જ રીતે એક બીજુ જ્ઞાન, મહા સત્યવાદી મહારાજા હરીશ્ચંદ્રના માટે પણ છે, તે એવી રીતે કે ‘‘હરિશ્ચંદ્રની સ્ત્રી તારામતી રોજ પતિને સુતા મૂકી ! સત્‌પંથની ઘટપાટની ક્રિયામાં હાજર થતી. એક દિવસ મોડું થયું એટલે પુંજા થઈ ગઈ.  પછી તારામતી ગઈ એટલે જમાતે પૂછ્યું કે કેમ મોડું થયું ? રાણી બોલ્યાં કે રાજા સુતા હતા તે જાગી ઉઠ્યા, તેને ફરી સુવાડતાં વાર લાગી. પછી તારામતીનો હંસલો ઘોડો કાપીને તેની પ્રસાદી જમાતની હથેલીમાં આપી અને પછી નુર છાંટીને બેઠો કીધો. પછી પાછાં ઘોડા ઉપર બેસી તારામતી પોતાના દ્વારે આવીને છાનાંમાનાં સુઈ ગયાં.’’ બંધુઓ ! આ એ વાત તદ્‌ન હડહડતી જુઠી છે, શુદ્ધ આર્ય સનાતન ધર્મનું જબરજસ્ત અપમાન કરનારી બીના છે. સત્યવાદી મહારાજા હરિશ્ચંદ્ર તેમજ તેમની સતી રાણી તારામતી જે પતિભક્તિના પ્રતાપે પોતાના ધણીના વચનના કરજમાં એક નીચને ત્યાં વેચાયાં હતાં, એવાં મહારાણી તે પતિને ઉંઘતા મૂકી આવા નીચ ધર્મમાં ભળે ? સત્‌પંથમાં જીવ હિંસા થાય છે !

ઉપર જણાવ્યા પ્રમાણે સત્‌પંથે સત્યવાદી ધર્માત્મા ધર્મ અને પાંડવોના હાથે ગાય !! કપાવ્યાનું તેમજ સતીરાણી તારામતીના ઘોડાને કાપી પ્રસાદી ! લેવી આતે કયા પ્રકારનું હિંદુધર્મ કહેવાય ? બંધુઓ, સમજો સમજો હવે તો હદ વળી ગઈ છે, આપણા વડીલોએ ગમે તેવી ભૂલો કરી હોય, અને તેઓ ભોળા હતા તેનો લાભ આ પ્રમાણે વિધર્મીઓએ લીધો છે, પરંતુ આપણે હવે આંખ ઉઘાડી જુઓ કે આપણે કેવા પ્રકારનો ધર્મ પાળીએ છીએ ? એટલુંજ નહીં પણ ભોળા લોકોને હિંદુપણામાંથી મુસલમાની રાહત ઉપર લઈ જવા કેવા કેવા પ્રપંચ તેમ ઠગબાજીઓ રચવામાં આવી છે તે હું આપને કહીશ.

હેજી દુનિયામાં જેની માટી બળે, ભાઈ તેનાં મોઢાં કાળાં થાય.

સત્‌પંથ વિના સરવે ખોટાં કહીએ, અને ખોટા તે સરવે ધામ.

પણ આલ ઈમામમેની સેવીએ, તો પહોંચીએ બહેસ્ત મુકામ.

 

આપણા વડીલો જે અગ્નિસંસ્કાર કરતા હતા તેને ઉપર પ્રમાણે કાળાં મોઢાં ! થવાનો બોધ આપવામાં આવ્યો છે અને તેમને એક પ્રકારે અંધશ્રદ્ધાપૂર્વક ઠસાવવામાં આવ્યું છે કે સત્‌પંથ વિના બીજા સઘળા પંથો ખોટા છે ! બંધુઓ મારી આંખ ઉઘડી છે અને હું સત્યતા પૂર્વક કહું છું કે બધા ધર્મો સાચા છે. માત્ર એકજ સત્‌પંથ ધર્મ હડહડતો જુઠો છે. જેણે પૈસા પ્રાપ્ત કરવા હિંદુ મુસલમાન ધર્મનો ખીચડો બનાવ્યો છે. જે ધર્મમાં હિંદુઓના ધર્માત્મા પુરૂષોની જુઠી કહાણી લખી ને મહાત્માઓના પવિત્ર જીવનને કલંકિત રીતે આલેખ્યાં છે તેટલુંજ નહીં પણ મુસલમાની ધર્મને પણ એ સત્‌પંથ ધર્મે ધીક્કારી કાઢ્યું છે તે એટલા ઉપરથી સિદ્ધ થાય છે કે “હજ નિમાજ રોજા ધરે કુડી ક્રિયાએ કામ ન સરે. રોવે રોવે હિન્દુડા દુજા મુસલમાના, રોવે મુલ્લાં કાજીડા, જીકો પઢણ કુરાણા.’’ કુરાને શરીફના વિચારો પણ એ ધર્મે માન્ય કર્યાં નથી. બંધુઓ ! કેટલી બધી અંધાધુધી સત્‌પંથમાં ચલાવી છે તે તમે જોઈ શક્યા હશો. હવે હું આપને પીરાણા ધર્મ કેવા પ્રકારનું હિંદુધર્મ છે તેના થોડાક જ ફકરા આપને કહી સંભળાવીશ.

ફરમાનજી બીસમલ્લા, હર રહેમાન નર રહીમ સત્‌ગોર પાત્ર બ્રહ્મા,

ઈંદ્ર ઈમામશાહ આદ વિષ્ણું નરીજન નરઅલી મહમદશાહ.

          “‘સત્‌ગોર પીર સદરદીન, સત્‌મોર પીર કબીરદીન, સત્‌ગોર પીર સાહેબદીન, સત્‌ગોર પીર નસીરદીન, સત્‌ગોર પીર સમસદીન, નરઅલી નીરંજન નામ નબીનુર સતગોર તમારી દુવા.”

ખાનામાં પગે લાગવાની દુવા !

આદ નારાયણને હેજંદા, બ્રહ્મા વિષ્ણુ માહેશ્વરને હેજંદા, આદ્ય શક્તિ લક્ષ્મીને હેજંદા, સાત ફીરસતાને હેજંદા, બાવા આદમ, મામા હવાને હેજંદા, હક સામુર તુજા અલીને હેજંદા, બીબી ફાતમાને હેજંદા, સતર સહશ્ર હુસેની કુલ કાયમના પરિવારને હેજંદા, ધરતી આસમાનને હેજંદા, પવન પાણીને હેજંદા, ચંદ્ર સુરજને હેજંદા, નવ લખ તારાને હેજંદા, બાર મેઘને હેજંદા, નવ કુલ નાગને હેજંદા, સાત સમુદ્રને હેજંદા, નવસો નવાણું નદીઓને હેજંદા, સાત વાર સત્તાવીશ નક્ષત્રને હેજંદા, પંદર તીથિ અને બાર કરણને હેજંદા, નવ ગ્રહેને હેજંદા, સાત દ્વીપને હેજંદા, નવખંડ પૃથ્વીને હેજંદા, ચોવીશ મુલકને હેજંદા, અષ્ટકુલ પર્વતને હેજંદા, અઢાર ભાર વનસ્પતિને હેજંદા, ચાર વેદ તાર કીતાબને હેજંદા, અગ્નિ તેજ અન્નદેવને હેજંદા, આદ ઉતમના દેવને હેજંદા, ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમને હેજંદા, નવ નાથને ચોરાશી સિધ ને હેજંદા, અઠાસી સહશ્ર ઋષિઓને હેજંદા, એક લાખ એંસી હજાર પીર પેગંબરને હેજંદા, નવાણુ ક્રોડી જાખાને હેજંદા, છપ્પન કોટી મેઘાને હેજંદા, બત્રીસ ક્રોડી કેનરને હેજંદા, સાત ક્રોડી હરિશ્ચંદ્રને હેજંદા, બાર કોડી કમળા કુંવરને હેજંદા, કુલ રૂખેસર ગત ગંગાને હેજંદા, મુખી મુસાફરને હેજંદા, ચૌદ ભવના દેવ લોકને હેજંદા, કરણ કલફના અનંત ક્રોડીને હેજંદા, નબી નુર સત્‌ ગોર નર સલામસાહ અમારા ગુન્હા બક્ષો; સત્‌પંથના માર્ગમાં ભર્યા પુર્યા રાખો, લક્ષ ચોરાશીનો ફેરો ટાળો તેત્રીસ ક્રોડીના મેળા આપો, જંબુદ્વીપના ધણી સત્‌ગોર ઈમામશાહ નર અલી મહમદશાહ હક લાએ લાહે લલાહે મહમદુર રસુલ્લાહે.

હું આપને પ્રથમ કહી ગયો તે પ્રમાણે આ દુવાનો દરેક ઠેકાણે ઉપયોગ થાય છે અને તે ઉપરથી નક્કી સમજાય છે કે પીરાણા ધર્મ ન હિંદુ ધર્મ છે તેમજ ન મુસલમાની ધર્મ છે. એ ધર્મનાં બીજાં પણ પુસ્તકો હાથનાં લખેલાં ઘણાં છે. એકવીશ પરીની વાત આવે છે તે પણ એવાજ ગપગોળા વાળી છે. બંધુઓ ! પીરાણાધર્મ સંબંધે ઘણું કહેવાનું છે પરંતુ અહીં મારે હજુ બીજા વિષય ઉપર બોલવાનું છે જેથી આ પ્રકરણ બંધ કરૂં છું.

પીરાણાની ગાદીના અધ્યક્ષ લક્ષ્મણકાકાને માટે થોડી હકીકત હું આપને કહીશ. મારે દીલગીરી સાથે કહેવું પડે છે કે પીરાણા ધર્મની ગાદીના અધિપતિ લક્ષમણકાકા હોવા છતાં તેઓએ આજ દિવસ સુધી કોઈ પણ દુનિયાની નજર આગળ પ્રશંસાને પાત્ર એક પણ કાર્ય કર્યું નથી. એમના વખતમાં સુધારાની ચળવળનો જમાનો પસાર થાય છે, છતાં તે જમાનાનો લાભ કાકાએ તેમના ધર્મના અનુયાયીઓને આપ્યો નથી. માત્ર પૈસો સંગ્રહ કરવામાં જ ખબરદારી રાખી છે, પરંતુ તે પૈસાનો સદ્‌ઉપયોગ કર્યો નથી, એમ હું આપને ખાસ ભાર મૂકીને કહું છું. ધર્મગુરૂ હોવા છતાં ખાસ તેણે વહેપારી જેવું જીવન ગાળ્યું છે અને એ તેમની વહેપારી બુદ્ધિને લઈ ઘણા તેમના ધર્મના અનુયાયીઓ નારાજ પણ થયા છે, જેનો એક ખાસ દાખલો હું તમને કહી સંભળાવીશ. આપણા કચ્છના પાટીદારોએ પણ કાકો મીલના શેરોનો સટ્ટો કરે છે તેવો વાંધો ઉઠાવ્યો હતો, પરંતુ તે સિવાય ગુજરાતમાં પણ તેમના અનુયાયીઓ વારંવાર અવાજ ઉઠાવતા. વખતો વખત મિટીંગો ભરી ઠરાવો કર્યા છે તેજ પ્રમાણે છેલ્લી સુરત જીલ્લાના સોળ ગામની એક ગંજાવર મિટીંગ સુરત બોળીઆ મુખીને જમાતખાને મળી હતી તેમાં ઠરાવ કરવામાં આવ્યો હતો કે જો લક્ષ્મણકાકો મીલશેર વેચી ન નાંખે તો એમને દશોંદનાં નાણાં ન આપવાં તેમજ પધરામણી પણ ન કરવી. તે પ્રમાણે ગઈ સાલમાં લક્ષ્મણકાકા પોતાના દરબાર સહિત જમાતમાં ફરવા નીકળ્યા હતા, તેમાં બીજા ગામોની જમાતો પૈકી પોતે કરેલા ઠરાવ પ્રમાણે ફક્ત ભીમપુર, ડુમસ ગામની જમાતે લક્ષ્મણકાકાની પધરામણી કરી નહીં. તેમજ દશોંદનાં નાણાં પણ આપ્યાં નહીં. તે વચન પાળવા માટે તેમને ધન્યવાદ ઘટે છે અને વધુ ધન્યવાદને પાત્ર એ કાર્ય કીધું છે કે લક્ષ્મણકાકાએ પોતાની જમાતમાં એવી રીતનાં કાર્ડ મારફતે સરક્યુલરો ફેલાવ્યાં કે સાધલી ગામે જે મીલ હતી તે રૂપિયા બાવીસ હજારમાં વેચી નાંખી છે. તે ઉપર વિશ્વાસ લાવી ભીમપુરની જમાતના દશોંદનાં નાણાં આપવા તૈયાર થઈ ગયા હતા. પણ એક મહાશયને તે બાબતની ખાત્રી માટે તજવીજ કરતાં જણાયું કે તે વેચવાની વાત ખોટી છે. પરમાત્મા ! ધર્મ ગુરૂઓ જેવા ગણાતા, સદ્‌બોધ આપનારા જગતમાં પ્રસિદ્ધ ગણાય છે તેવા મહાત્માઓ આ પ્રમાણે ઠગબાજી રચે, સ્વાર્થ ખાતર લોભરૂપી પાપનો હિસાબ પણ ન રાખે. બંધુઓ ! હું જે હકીકત તમને કહી ગયો છું તે સાચી છે છતાં પણ અંધશ્રધ્ધાળુ ભાઇઓ પોતાની અજ્ઞાનતાની ઉંઘ ઉડાડી પોતાની ખરી મહેનતના પૈસા કાકાને વેપાર કરવા અથવા મોજ મજા કરવા ન આપતાં પોતાની જ્ઞાતિના હિતમાં વાપરશે એવી હું આશા રાખું છું. તે સિવાય કાકાશ્રીના બીજા ગુણ દોષો તરફ મારે કશું કહેવાનું નથી. કાકાશ્રીને પરમાત્મા સદ્‌બુદ્ધિ આપે અને જે ધર્માદા નાણાં તેઓના કબજામાં છે તે નાણાંમાંથી—નથી તેમને બૈરી છોકરાં કે તેમના ભરણ પોષણ માટે તેમને એ મુડી રાખી જવાની છે—ધર્માદા નાણાં છે અને એ નાણાંનો જે એવો વહીવટ કરે છે તે જો સારે રસ્તે દુનિયાને ઉપયોગી થાય તેમ વાપરશે તો પરમ કૃપાળુ પરમાત્મા તેમને પણ એ સત્‌ કર્મનો બદલો આપ્યા સિવાય નહીં રહે એટલુંજ કહી કાકા સાહેબના માટે, જે મારૂં બોલવું થયું છે તે હું પુરૂં કરૂં છું.

તમોએ મને જ્ઞાતિહિતના માટે બોલવાની આજ્ઞા કરી છે તેથી હું પણ મારા સાચા હૃદયના ઉદ્‌ગારો આપને કહી બતાવીશ. બંધુઓ ! આપણી કચ્છની જ્ઞાતિને જે પીરાણા ધર્મનું કલંક છે તેમજ આપણે કાકા વગેરેની હકીકત જોઈ ગયા પરંતુ આપણા દેશમાં આપણી જ્ઞાતિના આગેવાનોનો જુલમ પણ કંઈ જેવો તેવો નથી. હું જ્યારે જ્યારે વિચાર કરૂં છું ત્યારે આપણા જ્ઞાતિ આગેવાનોની મુગલાઈ સત્તાથી આપણા જ્ઞાતિ બંધુઓની પાયમાલી થઈ છે અને થાય છે તે ચીતારો મારા હૃદયમાં ત્રાદૃશ્ય ખડા થાય છે. બંધુઓ ! આપ સહુ કોઈ જાણો છો કે, આપણે તેમજ આપણા બંધુઓ કચ્છ છોડી મુંબઈ, કરાંચી, કલકત્તા અને આફ્રિકા સુધી પોતાનું તેમજ પોતાના બાળ બચ્ચાનું ભરણ પોષણ કરવા ધંધાર્થે પરદેશ વેઠે છે. ભગવતી કુળદેવી, ઉમિયા માતાની કૃપાદૃષ્ટિથી ધંધા રોજગારમા ંસારી રીતે પૈસા પ્રાપ્ત કરે છે, અને લક્ષ્મી દેવીની કૃપાથી તેઓ આચાર વિચાર પણ ઉત્તમ પ્રકારના પાળે છે, જેને શ્રીદેવીની કૃપા થાય છે તે પોતાની સ્ત્રી તેમજ બાળકોને સોના રૂપાના દર દાગીના તેમજ સારાં લુગડાંલત્તાં પહેરાવે છે, પરંતુ એ દોલત, એ દાગીના અને લુગડાંલતાં પહેરી કચ્છની અંદર (દેશમાં) જ્યારે જાય છે ત્યારે માંડવીના કિનારે ઉતરતાંજ તે સઘળાં ઉતારી નાંખવામાં આવે છે ! કારણ કે કચ્છના આગેવાનોનો જુલમ ! તેઓના મગજમાં ઘણો તાજો જ હોય છે, જે કોઈ સારાં કપડાં તેમજ દાગીના પહેરી પોતાના ગામમાં જાય તો જ્ઞાતિ આગેવાનો તેને એ સઘળુ ત્યાગી દેવા હુકમ કરે છે, અને જો તે ના માને તો તેઓને નાત બહાર કરે છે ! આવા સેંકડો દાખલાઓ તો મને યાદ છે એટલું જ નહીં પણ કોઈ બંધુ પરમાત્માની કૃપાથી તીર્થયાત્રાએ જાય અને ત્યાં પવિત્ર ગંગા, યમુના, સરસ્વતી ઈત્યાદિ નદીઓમાં નાહી આવે તોપણ કચ્છમાં જાય ત્યારે તેને પવિત્ર કરવા માટે પીરાણાધર્મની અમીની ગોળી ! પીએ ત્યારે પાવન થયો ગણાય !! જે કોઈને એવી શંકા થાય કે હું તીર્થયાત્રા કરી આવ્યો છું અને એ ગોળી નથી પીવી તો તેને નાત બહારની સજા થાય ! બંધુઓ ! આ જુલ્મી સત્તા તમને સાધારણ જણાય છે ? જ્ઞાતિ આગેવાનો તદ્‌ન સ્વાર્થી છે—અધર્મને પોષનારા છે તેની કોઈથી ના કહી શકાય તેમ નથી. તેઓ છડેચોક લાંચ રૂશ્વતો લઈ ગમે તેવું સાચું ખોટું કામ કરતાં અચકાતા નથી. જ્ઞાતિ આગેવાનોના ભયંકર જુલમી ત્રાસના દાખલા જો હું તમને આપું તો આખી રાત નીકળી જાય તેમ છે, પરંતુ મને કહેતાં શરમ થાય છે કે નાતના આગેવાનોની આપણા ગરીબ બંધુઓ પ્રત્યે જે દુષ્ટ લાગણી અને સ્વાર્થીપણું છે તેના લીધે તેઓ પણ કદી ઉંચે આવી શકે તેમ નથી. પરમાત્મા તેમને પણ સદ્‌બુધ્ધિ આપે. નાતની પટલાઈ કરનાર પટેલીઆઓ કેવા દયાળુ પરોપકારી અને નીતિવાન હોવા જોઈએ તેનું તો તેઓને કશું ભાનજ નથી. જો કે બધા પટેલીઆઓ તેવા નહીં હોય પરંતુ ઘણે ભાગે તો મને તો નીચજ જોવામાં આવે છે, એટલું જ નહીં પણ કેટલાક તો અંદર એવા માણસો છે કે પોતે ભક્ત તરીકે ઓળખાવે છે અને તેઓનાં કુકર્મો એવાં નીચ અને નાલાયક છે કે આ સભામાં મારાથી તે બોલી પણ શકાય નહીં. ધર્મના ધતીંગોથી કેટલાક નીચ નર પિશાચોએ અનેક અબળાઓની લાજ લૂંટી છે અને તેઓને અનીતિના રસ્તે દોર્યાં છે છતાં પોતે ભક્ત તરીકે ઓળખાવે છે ! પ્રભુ તેવાને પણ સુબુદ્ધિ આપે. મેં આપની પાસે આપી જ્ઞાતિના આગેવાનોની તેમજ પીરાણા ધર્મની અને પીરાણા ધર્મના ધર્મગુરૂ લક્ષ્મણકાકા વગેરેની કર્મ કથા કહી છે.

હું આપની પાસે જે જે બોલ્યો છું તે અતિશયોક્તિ ભરેલું સમજશો નહીં. પરંતુ હું આપને ખાત્રી આપું છું કે જેટલું બોલ્યો છું તે અનુભવ સિદ્ધ બોલ્યો છું, અને આપ સમજી શક્યા હશો કે આપણી જ્ઞાતિ કઈ દશાએ પહોંચી છે. આપણી જ્ઞાતિમાં કેટલો બધો અધર્મ યુક્ત સડો છે? ભગવતી ઉમિયા માતા તમને તેમજ મને સદ્‌બુદ્ધિ આપે અને આપણી જ્ઞાતિની જે દુરદશા થઈ ગઈ છે તે સુધારવા માટે આપણને બળ, શક્તિ આપે એવી ઉમિયા માતા પ્રત્યે મારી પ્રાર્થના છે. બંધુઓ ! તમો બધા એક સંપથી અત્રે એકત્ર થયા છો અને કાળજીથી તમોએ મારૂં ભાષણ ધ્યાન રાખી એક ચિત્તે સાંભળ્યું છે અને મને તમોએ જે પ્રમુખપદ આપી અમૂલ્ય માન આપ્યું છે તે માટે હું ફરીવાર તમારો આભાર માનું છું અને આશા રાખું છું કે જે વિચારો અહીં દર્શાવવામાં આવ્યા છે તે વિચારોનું તમે સારી રીતે મનન કરશો, અને આપણી જ્ઞાતિમાં જે જે ધર્મ બાબતે તેમજ જ્ઞાતિના અગ્રેસરોની આપખુદી સત્તાથી આપણા ઘણા બંધુઓ હવે ત્રાસી ગયા છે તેને મદદ કરવા આપ કટીબદ્ધ થાઓ એવી હું આશા રાખું છું. વળી આજે તમો શ્રમ વેઠી અત્રે ભેગા થયા છો તે સાર્થક કરશો એવી ઉમેદની સાથે હું મારૂં બોલવાનું બંધ કરૂં છું. અને સાથે સાથે આપણી કુળદેવી ઉમિયા માતાને પ્રાર્થના કરૂં છું કે તારા અજ્ઞાન બાળકોને તું સદ્‌બુદ્ધિ આપવા કૃપાવંત થા ! અસ્તુ.

ઉપર મુજબ પ્રમુખનું ભાષણ ખલાસ થયા પછી સભાએ જે ઠરાવો કરીને દેશના આગેવાનો ઉપર મોકલવાના હતા તે ઠરાવો આગલી સભામાં તૈયાર કરી લાવવાનું કેટલાકને સોંપવામાં આવ્યું હતું તે દરેકમાં સુધારા વધારા કરવા જણાય તો તે કરીને સભા સમક્ષ રજુ કરવા માટે નીચે પ્રમાણે ભાઈઓની એક સબજેક્ટ કમિટી નીમાઈ હતી.

૧.

કણબી રતનશી ખીમજી ખેતાણી 
ગામ વીરાણીવાળા સભાના પ્રમુખ.

૧૫.

લખુ કાનજી સેંધાણી — ગઢશીશા.

 

૧૬.

અરજણ ધનજી રંગાણી — ગઢશીશા.

૨.

મેઘજી ભાણજી, રૂડાણી દેવીસરવાળા.

૧૭.

કાનજી રતના સેંધાણી — ગઢશીશા.

૩.

મનજી, કાનજી રંગાણી મમાઈમોરાવાળા.

૧૮.

અરજણ માવજી નાકરાણી — સાંયરા.

૪.

હંસરાજ નારણ રૂડાણી — કોટડાવાળા.

૧૯.

હીરજી ખીમજી સેંધાણી — ગઢસીસા.

૫.

કાનજી પચાણ જબુવાણી — નખત્રાણાવાળા.

૨૦.

હંસરાજ રતના રંગાણી — મમાઈમોરા.

૬.

ધનજી લધા પારસીઆ — ભેરૈયાવાળા.

૨૧.

માવજી શ્યામજી લીંબાણી — દેશલપર

૭.

દેવશી પ્રેમજી વેલાણી  — ભેરૈયાવાળા.

૨૨.

વીસરામ ધનજી સેંઘાણી — દેશલપર.

૮.

પરબત દાનાભાઈ ભાદાણી — ઐયરવાળા.

૨૩.

નારણ વાલજી સેંઘાણી — મમાઈમોરા.

૯.

વાલજી હરજી, રંગાણી — ગઢશીશા.

૨૪.

માવજી રામજી લીંબાણી — દરશડી.

૧૦.

જીવરાજ ખીમજી ખેતાણી — વીરાણી.

૨૫.

સામજી રતના સેંઘાણી — ગઢશીશા.

૧૧.

વેલજી ખીમજી ખેતાણી — વીરાણી.

૨૬.

રામજી લાલજી રામજીઆણી ગઢશીશા.

૧૨.

રાજા લધા વાસાણી — વીરાણી.

૨૭.

પેથા કચરા સાંખલા — વીભાપર.

૧૩.

જેઠા શીવજી, વાસાણી — વીરાણી.

૨૮.

લાલજી ગોપાલ સેંઘાણી — ગઢશીશા.

૧૪.

ખીમજી કાનજી, સેંધાણી — ગઢશીશા.

૨૯.

નારાયણ જીવરાજ પજવાણી — ખોંભડી.

 

ઉપર પ્રમાણે મેમ્બરોની કમિટી ઠરાવો તપાસવામાં રોકાઈ હતી અને બાકીના સભાસદો ચા પાણી લેવા ઉઠ્યા હતા. રાતના નવ વાગયાના અરસામાં સબજેક્ટ કમિટીના મેમ્બરો સભામાં ભાગ લેવા આવ્યા હતા અને તે કમિટીએ પસાર કરેલા ઠરાવો તે જ મિટીંગમાં પસાર કરવાના હોવાથી સભાના દરેક મેમ્બરો આવી જતાં પ્રમુખ સાહેબે સભાના કામકાજની શરૂઆત કરવાની સુચના કરી હતી. નીચે પ્રમાણેનો ૧ લો ઠરાવ પ્રમુખ સાહેબે રજુ કર્યો હતો અને તાળીઓના અવાજ વચ્ચે સર્વાનુમતે પસાર થયેલો પ્રમુખ સાહેબે જાહેર કર્યો હતો.

અમો મુંબઈમાં વસતા કચ્છની કણબી જ્ઞાતિની પ્રજા મહારાવશ્રી ખેંગારજી સવાઈ બહાદુર જી.સી.આઈ.ઈ. ના રાજ્યમાં રહી નિર્ભયપણે સુખશાંતિ અને આબાદીથી સુખ ભોગવીએ છીએ. તેના માટે અમો મહારાવશ્રી તથા તેમના કુટુંબ સહપરિવારનું દીર્ઘાયુષ્ય ઈચ્છીએ છીએ.’’

નીચે પ્રમાણેનો બીજો ઠરાવ ભાઈ વેલજી ખીમજી ખેતાણી — ગામ વીરાણી વાળાએ રજુ કર્યો તે—

ઠરાવ બીજો—   “પીરાણા ધર્મ સંબંધી અનેક જણાઓએ લેખો લખી તેમજ પુસ્તકો છપાવી એ ધર્મ અર્ધદગ્ધ પંથ છે એમ સાબિત કર્યું છે, પરંતુ તેના રક્ષણ અર્થે આપણા ધર્મગુરૂ લક્ષ્મણકાકા તથા અન્ય કાકાઓ પીરાણા ધર્મનો બીલકુલ બચાવ કરી શકતા નથી. દુનિયામાં બીજા માણસોની સાથે પ્રસંગ પડતાં પીરાણા ધર્મની ટીકાથી ઘણુંજ શરમાવું પડે છે. આપણે હિંદુ હોવા છતાં ન હિંદુમાં તેમજ ન મુસલમાનીપણામાં લેખાઈએ છીએ એ આપણી જાતને માટે ઘણું જ શરમ ભરેલું છે તેથી આ સભા એવો ઠરાવ કરે છે, કે જે ધર્મ પાળવાથી હિંદુપણું મટી જતું હોય એવા ધર્મનો સત્વર ત્યાગ કરવાની સુચના કરવાનો સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવે છે.’’

ઉપર પ્રમાણેનો ઠરાવ રજુ કરતાં તેમણે જણાવ્યું કે—

મહેરબાન પ્રમુખ સાહેબ અને જ્ઞાતિ બંધુઓ અને બહેનો ! હું આજે આપની સમક્ષ આપણી સભાએ જે બીજો ઠરાવ પસાર કરવાનો છે તે વાંચી ગયો છું; તે વિષે થોડું બોલવા ઈચ્છું છું. આશા છે કે આપ સર્વ ભાઈઓએ મે. પ્રમુખ સાહેબનું ભાષણ એકચિત્તે સાંભળ્યું છે તેવી જ રીતે આ સેવકના પણ બે શબ્દો શાંતિપૂર્વક સાંભળશો.

ભાઈઓ ! પીરાણા ધર્મ બીલકુલ હિંદુ ધર્મ તો છે જ નહીં એમ આખો જનસમાજ કહે છે. તેમજ પ્રમુખ સાહેબના ભાષણથી આજ આપણને વધુ જાણવાનું મળ્યું છે છતાં એ ધર્મ સત્‌પંથ તરીકે ઓળખાવે છે, છતાં એના ધર્મકોષમાં ગુપ્ત ધર્મ છે ! ભાઈઓ આપ સહેજ સમજી શકશો કે ધર્મ કોઈ દિવસ ગુપ્ત હોય જ નહીં. આપણા ભોળા બંધુઓને ભોળવવા તેમજ પીરાણાપંથી અન્ય સેવકોને પોતાની જાળમાં ફસાવવાનો આ નીચ મંત્ર છે. સ્વાર્થ સાધવાનો સીધો પ્રપંચ છે. જે ધર્મને આજ દિવસ સુધી દુનિયામાં ગુપ્ત રાખવામાં આવ્યો છે અને એ ધર્મના સેવકોને ખાસ કહેવામાં આવે છે કે, પીરાણા સત્‌પંથની બીજા અન્યપંથ વાળાઓને કંઈપણ વાત કરવી નહીં ! એ સઘળું શું સુચવે છે ? તે આપ સમજી શક્યા હશો. કચ્છના કણબીઓની આવી અધમ દશા શાથી આવી તેના માટે જો તમો મને પુછતા હો તો હું કહીશ કે પીરાણાનો ધર્મ જે હિંદુ તેમજ મુસલમાન એવા અર્ધદગ્ધ પણા જેવું છે તે આપણા વડીલો ભોળા હતા અને ભોળવાઈને એવા ધર્મનો સ્વીકાર કર્યો જેથી શરૂઆતમાં જ તેમને પોતાના કુટુંબ કબીલો તજવાં પડ્યાં, તેટલુંજ નહીં પણ ગુજરાત દેશને પણ છેલ્લી સલામ ભરવી પડી અને કચ્છ દેશમાં આવવું પડ્યું. આ શરૂઆતમાં ફળ મળ્યું છે અને ત્યાર પછી પીરાણા ધર્મના ફળ રૂપે આપણે આસ્તે આસ્તે હિંદુ ધર્મથી ઉતરતા ગયા અને આજે તો આપણામાં એટલો મોટો ફેર પડી ગયો છે કે આપણને દુનિયાને કણબી તરીકે ઓળખાવતાં પણ શરમ થાય છે. બંધુઓ ! આ સઘળું શાથી થયું તે તમે સમજો તો સહેજમાં સમજાય તેવું છે. પીરાણાના જેવું ધર્મ અને આપણા ખરી મહેનતના પૈસા સદ્‌માર્ગે વાપરવાને બદલે કર્મબંધન લાગે એવી જગાએ વપરાવવાથી આપણી બુદ્ધિ નષ્ટ થઈ ગઈ છે, આપણા દેશમાં પીરાણા ધર્મને પ્રશંસા કરનાર તેમજ કણબીઓને અવળે રસ્તે દોરનાર પીરાણા ધર્મ તેમજ પીરાણા ધર્મના અધ્યક્ષ કાકાઓ તેમજ સૈયદો છે, કારણ કે તેઓને પાકો પૈસા મેળવવાનો સ્વાર્થ છે. બંધુઓ ! મને ઘણી દીલગીરી થાય છે કે, કાકાઓ તેમજ સૈયદોને તો પૈસા પ્રાપ્ત કરવાનો સ્વાર્થ છે તેથી અવળે રસ્તે દોરવા તે પ્રયત્ન કરે છે, પરંતુ હમણાં થોડાજ દિવસો થયાં આપણા કચ્છમાં કણબીઓમાં પણ એવા અસુરો જાગ્યા છે કે તેઓની વાત યાદ કરતાંમાં મારાં રૂંવે રૂંવાં ઉભાં થાય છે. કણબી ભાઈઓની વધુ પાયમાલી કણબી આગેવાન પટેલીઆઓએ કરી છે એમ મારૂં કહેવું નથી પરંતુ મારૂં કહેવું એમ છે કે, હાલમાં ભગત તરીકે ઓળખાતી એક ચંડાળ ચોકડી નામે એક પ્રસિદ્ધ ભગત મંડળી છે જેઓ ખભે કળસીઆ લટકાવી ગામોગામ ફરે છે અને મહેમાનગીરી તરીકે ચરે છે તેવા જાતિદ્રોહી નર પિશાચોની હું તમને શું વાત કહું ! વીથોણના ખાનામાં ત્રણ પાંચાડાની નાત સંવત ૧૯૭૨ {Year: 1915-16} ની સાલે ભેગી થઈ હતી તે પ્રસંગે ગામ ખોભડીના ખીમા જીવરાજ ભક્ત તરીકે ઓળખાતા અથર્વેદી એક મૂર્તિની સાથે મારે વાદવિવાદ થયો હતો, ત્યારે જ મને ખબર પડી કે કણબીની નાતને અવળે રસ્તે દોરનાર આવા પરાક્રમી અધમ પુરૂષોની હયાતી છે ખરી. એ ભક્તની સાથે જે સંવાદ થયો એ હું તમને કહેવા બેસું તો ઘણો ટાઈમ જાય તેમ છે. પરંતુ તેના મુખ્ય બોધનો ભાવાર્થ એ હતો કે કલમો પડવો ઘરમાં ત્રાંબા પિત્તળના વાસણો રાખવા નહીં અને સૈયદ જે હરીવંશી બ્રાહ્મણ છે ! તેને માનવો અને લગભગ મુસલમાની બધા નિયમો પ્રમાણે વર્તવું તો જ આપણું કલ્યાણ છે ! આવી અધમ વાત એક શુદ્ધ ક્ષત્રિય કણબી વીર કદી સાંખી શકે જ નહી. તેવી જ રીતે હું તથા બીજા અન્ય બંધુઓએ આ વાત સાંભળી તે જ વખતે જ્ઞાતિમાં જાહેર કર્યું કે આ ભગત આવો બોધ આપે છે તેનું કેમ ? તેજ વખતે તે ભક્તની ખરેખરી ખબર લેવામાં આવી હતી. બંધુઓ ! આવા ભક્તોનો ધંધો શો છે તે હું આપને જણાવીશ. ભોળા લોકો જે પરચાની વાતો કરી ભોળવે છે અને પોતાના શિષ્ય બનાવે છે, તેઓની પાસેથી પૈસા કઢાવે છે તે સિવાય બીજા ભક્તો ધનજી દડગો ગોડીઓના તેમજ રસલીઆના મનજી પટેલ અને મહુનો ખીમો પટેલ અને સ્વર્ગવાસી માનકુવાના અખઈમુખી આ લોકો નાતને મુસલમાની રાહત ઉપર લઈ જવા ઓછી મહેનત કરતા નથી, એટલું જ નહીં પણ મેં કહ્યા તે ભક્તોમાં એકાદ બે મૂર્તિઓ તો એવા નીચ અને હલકા ધંધા કરે છે કે ભોળાં બૈરાંઓને—છોકરાં ના થતાં હોય તેવાંને, એમ સમજાવે છે કે ભગતનો હાથ લ્યો ! અને ભગતના પગ ઝાલો ! તો તમને છોકરાં થશે ! આવી રીતે તેઓને અવળે કુકર્મ રસ્તે દોરે છે.

ભાઈઓ ! આવા નીચ ધંધા કરનારા અને નાતમાં ભક્ત તરીકે ઓળખાવનારા નર પિશાચોની પુરતી ખબર લેવી જોઈએ, તેઓનાં છિદ્રો ઉધાડાં પાડી દુનિયાના લોકોને જાણીતા કરવા જોઈએ, નહીં તો આવા કુકર્મી ગીધોની હયાતિ આપણી જ્ઞાતિને ભાર રૂપ છે. તેઓનાં એટલાં બધાં પાપોની મને ખબર છે કે તે મને બોલતાં પણ શરમ થાય છે, આવા કપટના ભરેલા પાપી સેતાનો આપણા પીરાણા  ધર્મના અધ્યક્ષ કાકાના સાચા સ્નેહી તેમજ તેઓના સન્મિત્ર થાય છે ! આપ જોઈ શક્યા હશો કે પીરાણા ધર્મ કેવા કેવા પ્રપંચી માણસોથી સ્વાર્થની ખાતરી નભી રહ્યો છે. જો એ ધર્મ સત્યધર્મ હોય, હિંદુ ધર્મ હોય, તો શા માટે પીરાણા ધર્મની ટીકા કરનારને જવાબ આપી શકતા નથી ? આપણા બંધુઓ માંહેલા કે જેઓ આજથી લગભગ દશ વર્ષ પહેલાં પીરાણા ધર્મને તીલાંજલી આપી શુદ્ધ વૈદિક ધર્મ પાળે છે, તે બંધુઓએ પીરાણા ધર્મની પોલ ઉઘાડી પાડી છે, તેઓને કશો જવાબ આપી શક્યા નથી. તેમજ થોડા દિવસો થયાં આર્ય પ્રકાશ નામના પેપરમાં પેટ ભરીને પીરાણા ધર્મની ટીકા કરનાર મહાશય છીમાભાઈ કે જેણે પીરાણા ધર્મને ફજેતીના ફાળકે ચઢાવ્યો છે તેટલું જ નહીં પણ જે જે પીરાણા ધર્મની પોલ છે તે ખુલ્લે ખુલ્લી કરી છે, છતાં અંધશ્રદ્ધાળુ ભક્ત મંડળી તેમજ પીરાણાના કાકાઓ તેમજ સૈયદો કોઈ પણ પીરાણા ધર્મનું રક્ષણ કરી શક્યા નથી, એથી ચોક્કસ ખાતરી થાય છે કે પીરાણા ધર્મમાં લખ્યું છે કે બીજા અન્ય પંથો ખોટા છે અને આ પીરાણા સત્‌પંથ એકજ સાચો હિંદુધર્મ છે તે આપ બંધુઓને ખાતરી થઈ હશે કે બીજા બધા ધર્મો સત્ય છે પરંતુ માત્ર એક જ પીરાણા ધર્મજ તદ્દ્‌ન હિંદઓના માટે જુઠો અને પ્રપંચી ધર્મ છે જે બીજા ધર્મની નિંદા કરે છે તે પોતે જ જુઠો છે એમ સાબિત થાય છે. મહેરબાન પ્રમુખ સાહેબે આજે આપણને પીરાણા ધર્મનું રહસ્ય ખૂબ સમજાવ્યું છે, માટે મારે હવે તે ધર્મની બાબતમાં કશું બોલવા જેવું રહ્યું નથી.

બંધુઓ ! જ્ઞાતિની દાઝ ઘણા વખતથી મારા હૃદયમાં ભરી છે, આજે હું આપની પાસે થોડી ખાલી કરૂં છું, તથા ક્રોધના આવેશમાં હું આવી જતો હોઉં તો મને ક્ષમા કરશો. ભાઈઓ આળસ છોડી દ્યો. કમર કસો અને આપણી જ્ઞાતિ સેવા કરવામાં તત્પર થઈ જાઓ. તમારી જાતને જ્ઞાતિ સેવાના ઋણથી મુક્ત કરો, સંસારમાં સપુત કહેવરાવો. બંધુઓ ! એક વાત યાદ રાખજો કે જ્ઞાતિસેવાનું વૃત સાધારણ નથી. એ વૃત પાર પાડવાનું કામ તલવારની ધાર ઉપર ચાલવા સમાન છે. ઈર્ષ્યાળુ લોકો તમારી નિંદા કરશે, મશ્કરી કરશે તમને બનાવશે પણ તમારો સરળ સિદ્ધાંત એ હોવો જોઈએ કે અમારી નિંદા થાય કે સ્તુતિ થાય, ચ્હાયતો આજેજ મૃત્યુ થાય કે અમો સેંકડો વરસ જીવીએ, ચ્હાયતો લક્ષ્મી મળે કે આખું જીવન દરિદ્રતામાં જાય પણ અમે જે વૃત ધારણ કર્યું છે તેમાં કદી પણ પાછા હઠશું નહીં. અમો સઘળું જ્ઞાતિહિત અર્થે ગુમાવીને પશ્ચાતાપ કરીશું નહીં. આવા દ્રઢ મનથી સંકલ્પ કરશો તોજ વિશ્વાસથી માનજો કે તમને જરૂર વિજય મળશે, તમારો ઉદ્યમ સફળ થશે જ્યાં સુધી આવાં ઋણ અને ફરજો અદા કરવામાં નહીં આવે ત્યાં સુધી આપણી જ્ઞાતિના ઉપર પીરાણા ધર્મના કલંક તેમજ જ્ઞાતિ આગેવાનોના જુલમથી આપણી જ્ઞાતિના બંધુઓને તમે મુક્ત કરી શકશો નહીં. હું આપને આગળ વધીને કહીશ કે,

હરીગીત છંદની ચાલ

છોને અનેકાનેક તલવારો જજુમે શીર પરે,

છોને બુરાઈ માનીને મિત્રો બધા વેરી બને;

છોને દયા હીણ દુશ્મનો બહુ જુલ્મી લશ્કર મોકલે,

તોયે ડરે ના જે જ્ઞાતિહિત સત્ય સ્નેહે અનુસરે.

પતિતપાવની ગંગાસ્વરૂપ જ્ઞાતિના પ્રિય બંધુઓ, હું આપની કૃપા દ્રષ્ટિથી આજે મારા હૃદયના માર્મિક ભાવો જે આપની પાસે ખુલ્લા કરી શક્યો છું, આપણી જ્ઞાતિ જે અધર્મ રૂપી ધર્મમાં ફસાયેલી છે, આપણા અજ્ઞાન અને ભોળા બંધુઓના ઉપર તાગડધિન્ના કરનાર જ્ઞાતિ આગેવાનોની આપણે કેટલી બધી તાબેદારી ભોગવીએ છીએ, તે તમો સઘળા જાણો છો. આજે તમો આપણા પ્રમુખ સાહેબનું માન્ય ભાષણ તેમજ આ સેવકના ભાંગ્યા તુટ્યા શબ્દો પણ તે જ્ઞાતિદાઝથી ભરેલા—દેખીતા ઝેર જેવા પરંતુ તેનું પાન કરે અમૃત જેવા મીષ્ટ અને સ્વાદિષ્ટ—મારા શુદ્ધ ભાવના હૃદયથી મેં આપને કહ્યા છે. બંધુઓ ! આપણે સઘળા એક સંપથી જો આપણું જ્ઞાતિ હીતનું કાર્ય કરવા તત્પર થઈશું તો ચોક્કસ આપણો વિજય જ છે. ભગવતી ઉમિયા માતા ! તમારા જેવા સુપુત્રોને વિજયમાળા પહેરાવવા આતુર થઈને ઉભાં છે, માત્ર આપણી બેદરદારી આપણા વિજયમાં વિઘ્નરૂપ છે, છેવટે ઉમિયા માતાની પ્રાર્થના કરી હું કહીશ કે—

જરૂર વિજય છે આપણો ટુંક સમયની માંહ્ય,

જ્ઞાતિ ઉન્નતિ કાર્યમાં ઈશ્વર કરશે સહાય.

આટલું કહી હું મારૂં બોલવું બંધ કરૂં છું, ભાઈઓ ! જ્ઞાતિ હીતને લઈ બે કડવા બોલો હું બોલ્યો હોઉં તો મને ક્ષમા કરશો. આપનો કિંમતી વખત મેં ઘણો રોક્યો છે, તેના માટે પણ હું ફરીથી આપ મારા પ્રાણાત્મ બંધુઓની ક્ષમા યાચીશ.

ઉપરના ઠરાવને અનુમોદન આપતાં ભાઈ મેઘજી ભાણજી ગામ દેવીસર વાળાએ જણાવ્યું કે,

ભાઈ વેલજી ખીમજીએ જે આપણી સમક્ષ ઠરાવ રજુ કર્યો છે તેેને હું ટેકો દેવાને માટે ઉભો થયો છું. બંધુઓ ! પીરાણા ધર્મ એ હિન્દુ ધર્મ નથી એતો જગપ્રસિદ્ધ વાત છે, છતાં આપણા વડીલોએ તેનો સ્વીકાર કેમ કર્યો તેના માટે હું આપને થોડુક કહીશ. આપણા પૂર્વજો ભોળા હતા અને ચમત્કારની વાતોથી ભોળવાયા હતા, ચમત્કાર પણ ખરા છે કે ખોટા છે તે પણ તેઓ જોઈ શક્યા નહોતા. માત્ર નામની જ અંધશ્રદ્ધા હતી. વડીલો ભોળવાયા હતા તેમ નહીં પણ હું તથા મારા પિતાશ્રી પણ બહાર દુનિયાની નજર આગળ હિંદુ ધર્મનો ડોળ કરતા હતા પરંતુ અંદરખાનેથી પીરાણા ધર્મના એલમો પઢતા હતા, નાદલી નુરનામું, બાજનામું, તેમજ રતનનામું, તૈયભનો કલમો કે જેની ખાસીયતોમાં એવા એવા લાડવા પીરસવામાં આવ્યા છે કે ગમે તેવા જોખમે પણ એ એલમ પઢવાની ઈચ્છા થાય. રતન નામની વિધિ એવી છે કે જો કોઈ માણસ એ એલમ પઢે તો તેની શક્તિ એટલે સુધી થઈ જાય કે એક મોટા પર્વતને ફુંક મારે તો તે ફાટી જાય ! ચોરે ચોરી કરી હોય અને તે ઈલમ પઢે એટલે ચોર અંધો થઈ જાય અને એની મેળે ચોરીની કબુલાત આપે ! દુનિયામાં શ્રીમંત આબરૂદાર તરીકે તે માણસ એના પ્રતાપે થઈ શકે તેમજ આખી દુનિયા તેને વશ થઈ રહે. તેવીજ રીતે નુરનામુ તેમજ બાજનામાના પણ એવાજ ચમત્કાર છે. પરંતુ અમે તો ઘણા દિવસ સુધી એ ક્રિયા કરી પણ કાંઈ વળ્યું નહી. અરે એ જો ચમત્કાર સાચા હોય તો, નામદાર સરકારને જર્મની સામે લડાઈમાં જલદી ફતેહ મળવાની ખાતર, સૈયદો તેમજ કાકાઓ એ એલમ બરોબર નિયમીત રીતે કરે છે તો તેમને કેમ સહાય કરતા નથી ? મુંબઈમાં શીવરીનો ડુંગર તેમજ ડુંગરી ઉપરનો ડુંગર તોડવામાં લાખો રૂપિયા ખર્ચ થયું તો એવા ઈલ્મથી ફુંક મારી એ ડુંગર તૂટતા હોય તો શું ખોટું ? ભાઈઓ ! આ બધી લાલચોની ગપ્પો છે. ખુદ પીરાણામાં ચમત્કાર તરીકે પગમાં બેડીઓ પહેરે છે અને તે સાચા માણસની બેડી પગમાંથી નીકળી જાય છે, આવું જે ભોળા માણસોને સમજાવામાં આવ્યું છે તે તદ્‌ન ગપ છે, તે સિવાય ચમત્કારની બધી વાતો તદ્‌ન ખોટી છે. આપણા દેશમાં પીરાણા ધર્મની પ્રશંસા કરનારની ભાઈ વેલજી ખીમજી કહી ગયા તે ભક્ત મંડળી તેમાં પણ રસલીઆના મનજી પટેલ, મહુનો ખીમો પટેલ, નેત્રાનો કરમશી ગેઢેરો, ઘડાણીનો દેવજી મુખી વગેરે લોકો પીરાણા ધર્મને એટલે દરજ્જે વખાણીને છે કે અમારી સાથે કોઈ વિદ્વાન બ્રાહ્મણ કાશીનો ભણેલો હોય તે પણ આપણા ધર્મ પાસે હારી જાય, હું પણ કહું છું કે તેમના જેવા જડ બુદ્ધિવાળા મુરખાની જડવાદમાં કયો માણસ હારી ન જાય તેમને પીરાણા ધર્મ હિન્દુધર્મ છે એમ સાબિત કરશું કહે છે, તો હમણા જ ભાઈ નારણજી રામજી વીરાણીવાળા જનોઈઆએ પટેલ ફકીરભાઈને એક જવાબ લખ્યો હતો તેમના સાથે પીરાણાવાળા કેમ વાદવિવાદ કરી પોતાનો ધર્મ જે હવે તદ્‌ન ડુબવા માંડ્યો છે અને પોલંમપોલ જેવો દેખાય છે તેનો ભાંગ્યો તુટ્યો પણ બચાવ કરી શકતો નથી ? શું બચાવ કરે ! જે પગ વગરની વાત હોય તે ક્યાં સુધી ટકી રહે. એ તે ધર્મના બંધારણવાળાએ અયોગ્ય યોજના કરી હતી કે ધર્મની વાત જ ક્યાંય બહાર પાડવી નહીં ! જેથી ગુપ્ત રીતે આ ધર્મ ફેલાવવામાં આવ્યો છે, તેથી જ આટલા દિવસ તેની હયાતિ રહી શકી છે. ભાઈઓ ! આપણા હિંદુધર્મનાં પુસ્તકોમાં પણ શક પડતી જે વાતો અલંકારી—પાછળથી ઉમેરેલી હોય તેને પણ લોકો માનવા ના કહે છે, તો આ ધર્મ તદ્‌ન કલ્પિત રીતે ઉભો કરેલો છે, ભગવાન વેદ વ્યાસ, સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર, ધર્માત્મા પાંડવો ભક્ત પ્રહ્‌લાદ વગેરે આ પીરાણા ધર્મ પાળતા હતા !! વગેરે પ્રકારની હડહડતી જુઠી અને જીવહિંસાની વાતો જે પીરાણા ધર્મમાં કરી છે તેને ખુલ્લી રીતે કોણ માને ? ક્યાં રાજા ભોજ અને ક્યાં ગાંગો તેલી ! તદ્‌ન ખોટી રચના મોહજાળમાં ફસાવવા રચવામાં આવી છે. હવે એ અંધશ્રધ્ધાનો જમાનો નથી, હવે તો લોકોને બે આંખોને બદલે ચાર આંખો થઈ છે. સારૂં નરશું જોઈ શકે છે, આખા કચ્છમાં પીરાણા ધર્મને આજ દિવસ સુધી કોઈ બરાબર જાણતું નહોતું તે છચોક કણબીઓ તેમજ બીજા અન્ય ભાઈઓ એ ધર્મ હિંદુઓના માટે કઢંગો તેમજ કલ્પિત અને જુઠાણથી ભરેલો છે એમ કહે છે. માટે ભાઈઓ તમે કટીબદ્ધ થાઓ. આપણે જે શુદ્ધ કડવા કણબી ક્ષત્રિય છીએ તેને આવો અધર્મ શોભે જ નહીં. ભગવાન રામચંદ્રના સંતાનો વેદધર્મ સિવાય આવા પાખંડી ધર્મમાં ફસાયા હોય તેને સત્વર બહાર કાઢવા આપણે ભગીરથ પ્રયાસ કરવાની જરૂર છે. ભલે આપણને દુઃખ થાય કે ગમે તેટલાં સંકટો આવે તો પણ આપણા બંધુઓને સન્માર્ગે લઈ જવાની જે આપણી પવિત્ર ફરજ છે તે આપણે અદા કરવી જ જોઈએ અને હું આપને નમ્રતાપૂર્વક વિનંતી કરૂં છું કે કોઈના દાબ્યા દબાવાની જરૂર નથી. તમારી જાતને જ કલંક લાગ્યું છે, તેને જેમ બને તેમ જલદી ધોઈ નાંખવા પ્રયત્ન કરશો.

ઉપરના ઠરાવને ટેકો આપતાં ગામ દેશલપુરના ભાઈ મનજી શામજી લીંબાણીએ જણાવ્યું કે,

ભાઈઓ ! તમો બધા એકઠા થઈ આપણી જ્ઞાતિના ઉદ્ધાર અર્થે જે જે વિવેચન કરો છો એ સાંભળી આજે મારૂં હૈયું હરખથી ઉભરાઈ જાય છે. મને મુંબઈ આવે લગભગ પંદરેક વરસ થયાં હશે ત્યારથી તે આજ દિવસ સુધી આપણા પીરાણા ધર્મના માટે ઘણા શેઠીઆએ મારૂં નાક કાપ્યું છે. મને ઘણોએ ગુસ્સો આવે પણ તેઓને હું કાંઈ જવાબ આપી શકું નહીં કારણ કે શેઠીઆઓ મશ્કરીમાં હંમેશાં મને કહે છે કે, અહા કુણમી મીણી ગાલીએ સારા અને ઉત્તમ અયો પણ આજો ધર્મ ન હિંદુ તીંન મુસલમાન મરે તડે દટાજો અને પેણે તડે ધોવા પડો.” આવા માર્મિક શબ્દોથી મારૂં શરીર વિંધાઈ જતું. પણ હું લાચારીથી તેઓને કાંઈ કહી શકતો નહીં અને કહેતો કે હુંતો અમારા ભાઈ જનોયું વાળા જેવો છું, આમ ખોટું બોલતો એટલુંજ નહીં પણ મારા જે લોહીની સગાઈવાળા ભાઈ નારણ રામજી કે જેણે આપણી નાતની ભલાની ખાતર પીરાણાનો ધર્મ ત્યાગી પીરાણા ધર્મ કેવું છે તેનું આપણને ભાન કરાવ્યું છે તે મારા ભાઈઓની પ્રત્યે હું કેટલો બધો ક્રુર થયો હતો તે તો મને જ ખબર છે, કારણ કે તેઓ વૈદિક ધર્મ પાળે, આપણા પીરાણા ધર્મની ટીકા કરે તેથી જ બીજા લોકો પણ આપણને જોડા નાંખે. તેથી જ હું ભાઈ નારણ તથા તેમના મંડળના નેતાઓ તરફ હંમેશા અણગમો લાવતો હતો. મનમાં તો સમજતો કે, પીરાણા ધર્મ હિંદુઓને માટે ઠીક નથી. આપણે શુદ્ધ આર્ય હિંદુ હોવા છતાં પીરાણાના ધર્મને માનીએ છીએ એ ઠીક નથી. પણ, નાતની બીકને લઈ કાંઈ કરી શકાય નહી. તેથી આજ દિવસ સુધી હું પીરાણા ધર્મને ફરજીયાત રીતે માનું છું. સગા સંબંધી તેમજ કુટુંબીજનો મારી વાત માને નહીં એમ ધારી મેં મારી જીંદગી આજ દિવસ સુધી એળે ગુમાવી છે. બંધુઓ ! આજે હું તમો સઘળાને જોઈ સંતોષ થાઉં છું. તમારા વીરતા ભરેલાં ભાષણો સાંભળી તેમજ તમારા હૃદયમાંથી નીકળતા શુદ્ધ અને પવિત્ર જ્ઞાતિ ઉન્નતિના વિચારકો જોઈ મને ખાતરી થાય છે; કે હવે પીરાણાના ધર્મનું જે કલંક આપણી નાત ઉપર છે તે થોડા દિવસમાં નાશ પામશે. બંધુઓ ! મને એકાદ બે ભાઈએ સંબોધીને કહ્યું છે કે માવજીભાઈ હજુ મનના મેલા છે ! પરંતુ તે ભાઈ કદાચ એમ કહે તો હું તેમને કહીશ કે મેં આજ દિવસ સુધી આપણી જ્ઞાતિના યુવાનોમાં આવો રંગ જોયો નહોતો, તેમજ આપણા દેશના આગેવાનોને હું ઓળખું છું તેથીજ મને ખાતરી થતી નહોતી કે ધર્મ મૂકી દેતાં અગવડ પડશે તો આપણું શું થશે. આવા વિચારો મને હંમેશાં આવતા તેથીજ હું મારા વિચારો મોળા બતાવતો હતો. પરંતુ હું આજે તમો સઘળા ભાઈઓની સમક્ષ ભીષ્મ પ્રતિજ્ઞા કરૂં છું કે તમો સઘળા એક સંપે થયા છો અને મને ખાતરી થાય છે કે તમો સઘળા વીર પુરૂષ છો તેથી તમારા વિચારની સાથે તન, મન અને ધનના ભોગે હું બંધાઉં છું અને આજથી હું છચોક દુનિયાની નજર આગળ કદાચ પીરાણા ધર્મનો હું વિરોધી છું એમ જણાઈશ તો પણ હું તેને માન સમજીશ. મારા જે મુરબ્બી ભાઈઓનો મેં દ્રોહ કર્યો છે, તે દયાળુ છે, મારા અપરાધ માફ કરશે અને મને તેઓ પોતાનો છું અને પોતાનો કરી લેશે એવી પ્રાર્થના કરીશ અને તમોને સઘળા ભાઇઓને ભલામણ કરવાની જરૂર નથી છતાં કહીશ કે તમે જો એકબીજામાં ઈર્ષા ઉત્પન્ન નહીં કરો અને જેનાથી જે કામ થાય તે કરે પણ જ્ઞાતિના હિત તરફ તમારૂં જે ધ્યાન છે તે કાયમ હશે તો મને તો તમારો કાલે જ ઉદય થયો દેખાય છે.

આ ઠરાવને વિશેષ અનુમોદન આપતાં ભાઈ નારણભાઈ જીવરાજ પજવાણી ગામ ખોંભડીવાળાએ જણાવ્યું કે—

ભાઈ વેલજી ખીમજીએ જે બીજો ઠરાવ રજુ કર્યો છે તેને મારો સંપૂર્ણ ટેકો છે. હું કહીશ કે, કાકા દેશમાં પધારવાથી અને ફરજીયાત કાકાને જમણ તથા ભેટ કરવાથી તેઓએ શીરબંધીમાં ૩ કોરી કાકો લે છે એમ ઠરાવ્યું છે પરંતુ ખર્ચ તો જુદુ ! હું તથા મારા પિતાશ્રી બે જણને કાકાની શીરબંધી તેમજ જમણનું ખર્ચ ૧૯) ઓગણીસ કોરી આવ્યું છે ! એટલે એક જણને ભાગે ૯॥ કોરી થઈ. એ તો અમારૂં ગામ ખોંભડી કણબીઓની સારી વસ્તીવાળું છે બાકી જ્યાં આપણી ઓછી વસ્તી છે ત્યાં તો એક એક ઘર દીઠ ૩૬) કોરી ખર્ચ આવ્યાના ખબર મળ્યા છે ! આ હિસાબે તો કચ્છમાં કાકો આવવાથી બે અઢી લાખ કોરીના આશરે નાણું ઢસડી જશે—કણબીની નાતમાંથી એક લાખ રૂપિયા ઓછા થાય. હું તથા મારા પિતાશ્રી તેમજ અમારૂં આખું કુટુંબ પીરાણા ધર્મ પ્રત્યે આસ્તિક હતું, પરંતુ જ્યારથી યુવક મંડળની મિટીંગો ભરાતી મેં જોઈ, તેમજ મારા યુવાન બંધુઓમાં જ્ઞાતિની દુર્દશા થઈ ગઈ છે તે સંબંધીનાં જ્યારે મેં ભાષણો સાંભળ્યાં છે ત્યારથી મારી વૃત્તિમાં ફેરફાર થયો છે, હું પણ આજ દિવસ સુધી નુરનામું તેમજ બાજનામું, રતનનામું અને તૈયભનો કલમો પઢતો હતો અને ભાઈ મેઘજી ભાણજી કહી ગયા તેવી જ આસ્થાથી અમો એ ક્રિયા કર્મ કરતા હતા. ભાઈઓ ! જે પીરાણા ધર્મના ખાસ ભક્તો છે તે તો હજુ મોર નબુઅતની પુજા કરે છે, જેમાં એક વાઘ ચીતરેલો છે તેનું મોઢું માણસના જેવું અને હાથમાં તલવાર છે તેની પૂજા કરે છે. એ બધું મુસલમાની રાહત ઉપર લઈ જવાનું ચોક્કસ દેખાય છે. મને તો હવે આકાશ જેવી ઉઘાડી અને સૂર્ય જેવડી મોટી ભૂલ આપણી તેમજ આપણા વડીલોએ પીરાણાનો મત સ્વીકાર્યામા ંજ જણાય છે. ભાઈઓ ! સૈયદો તેમજ કાકાઓએ તો આપણી જ્ઞાતિને ખાસ અધર્મના રસ્તે ચઢાવી દીધી છે, કાકાઓ જાતે કણબી હોવા છતાં પોતાના જ્ઞાતિ બંધુઓનું ભલુ ઈચ્છવાના બદલે સ્વાર્થ સાવધાની ખાતર આપણને પણ ધર્મની બાબતમાં ઠગે છે. મે આપણા સત્સંગી હરિભક્તો તેમજ પીરાણાપંથી ભાઈઓનો સંવાદ સાંભળ્યો છે, તેમાં પીરાણા માટે તેમજ કાકાઓના માટે નીચે પ્રમાણે કહેવત જગત જાહેર કહેવાય છે—

હરિભક્ત કેશરો—કહે છે માધાને ભાઈ ! કેવા પીરાણાના પા’ડ ?

માધો—ખભે ખડીઆને માથે ભાર.

          જગ્યા તો ઘણી જોવા જેવી જે જોઈએ તે માં’ય.

          કાકાનું ન મળે ઠેકાણું પછે ક્યાં જઈએ ઘાંયે ?

કેશરો—ધ્રાં દીધાની ધોક નથી મનની મનમાં રાખો,

          એજ દસોંદનાં દોકડા તે એજ ખાડામાં નાંખો.

માધો—ખાડાની તો ખબર નથી, કેટલાક છે ઊંડા ?

          દસોંદ ખાઈને દાખડો ન કરે એ બધાથી ભૂંડા.

કેશરો—ભુંડા છે તો ભઈ નહીં એ છે આપણા ગોર,

          નરકે જવું તો નિશ્ચય કીધું છે આપણે કેડે ને એ મો’ર.

આ પ્રમાણે તો ઘણા દિવસથી પીરાણા પ્રત્યે લોકો સમજ્યા છે, પરંતુ પીરાણા ધર્મના રહસ્યમાં એવા સારા મજાના લાડવા પીરસવામાં આવ્યા છે કે માણસો મોહ જાળમાં ફસાયા સિવાય રહે જ નહીં. તેવી જ રીતે આપણે તેમજ આપણા વડીલો પણ ફસાયા હતા જે દશ વરસ પહેલાં સ્વધર્મ વર્ધક મંડળના નેતાઓએ આપણી આંખ ઉઘાડવા પ્રયત્ન કરેલ પણ તે વખતે આપણે ઈર્ષ્યા ભાવથી તેઓની વાત સ્વીકારી નહીં, નહીં તો આજે દશ વરસમાં તો ઘણો જ અવનવો ફેરફાર થઈ ગયો હોત. ઠીક છે, તો પણ ફીકર કરવા જેવું નથી. હજુ બહુ વખત ગયો નથી, આપણા યુવાનીઆએ કમર કસી છે, આપણે સત્ય રસ્તા ઉપર આવ્યા છીએ. અત્યારે આગમચ અન્ય જ્ઞાતિઓ તરફથી આપણને સહાયતાનાં વચનો તેમજ આશીર્વાદો મળ્યા છે તેમ મને તો ખાતરી જ છે કે આપણી જ્ઞાતિનો ઉદય આપણા જ હાથે ભગવતી ઉમિયા માતાને કરાવવા ઈચ્છા થઈ છે તો જગત જનની આદ્ય શક્તિની ઈચ્છાને આધીન થવું અને તે આપણને જે બુદ્ધિ વડે સત્ય રસ્તે દોરે, તેમ દોરવાઈ આપણી જ્ઞાતિની ઉપર જે કલંક છે તે ધોઈ નાંખવા કટીબધ્ધ થવું એજ આપ મુરબ્બી બંધુઓ પ્રત્યે આ સેવકની વિનંતી છે. આ સેવક એક બીજી પણ આપની સમક્ષ અરજ કરે છે કે મારા લાયક જે કાંઈ કામ મને સોંપશો તે વિશ્વાસનો ભંગ કર્યા સિવાય હું મારા પ્રાણના જોખમે પણ કરવા તૈયાર રહીશ. જ્ઞાતિ સેવાને જ હું મારૂં કર્તવ્ય સમજીશ આટલું બોલી હું આપનો કીંમતી વખત રોકીશ નહીં.

ઉપર પ્રમાણે ઠરાવને અનુમોદનો અપાયા બાદ સભામાં તે સર્વાનુમતે પસાર થયો હતો અને ત્યાર બાદ નીચે પ્રમાણેનો ઠરાવ ગામ કોટડાના ભાઈ હંસરાજ નારણ દુડાણીએ રજુ કર્યો હતો તે.

ઠરાવ ૩ જો—    “પીરાણાની ગાદી ઉપર લક્ષ્મણ કાકો જ્યારથી આવ્યા છે ત્યારથી તેમની રહેણી કરણી હિન્દુ ધર્મનો સુધારો વધારો કંઈ કર્યો નથી, તેમજ પીરાણાની જાગીરના પૈસાનો પણ તેઓએ સદ્‌ઉપયોગ કર્યો નથી. પૈસાની મોટી રકમ ઘણી ખરી મીલોના શેરોના સટા વગેરેમાં વાપરી છે જેથી ભવિષ્યમાં કોઈક વખતે મોટી નુકસાનીમાં ઉતારવા સંભવ છે માટે પીરાણાની જાગીરનો વહીવટ કોઈ સારા અનુભવી વિદ્વાનના હાથમાં સોંપવો જોઈએ એમ આ સભાનું માનવું છે અને તેથી કોઈ વિદ્વાન માણસની પૈસા સંભાળવા નિમણૂંક કરવી એવો આ સભા સર્વાનુમતે ઠરાવ કરે છે.’’

ઉપરનો ઠરાવ રજુ કરતાં તેમણે જણાવ્યું કેઃ—

મહેરબાન પ્રમુખ સાહેબ તથા જ્ઞાતિબંધુઓ અને બહેનો.

હું જે ઠરાવ રજુ કરવા ઉભો થયો છું તે મેં આપને વાંચી સંભળાવ્યો છે. મારા કરતાં આગળના બોલનારા બંધુઓ વિદ્વાન છે તેઓએ આપણી સમક્ષ વીરતા ભરેલાં અને જ્ઞાતિના હિતનાં ભાષણ કર્યાં છે.

બંધુઓ ! આ ઠરાવ ઉપર બોલવા હું ઉભો થયો છું તે મારી શક્તિ ઉપરનું કામ છે તોપણ જ્ઞાતિ સેવા છે તેમ ધારી, હૃદયમાં હિત લાવી, બોલવા ઉભો થયો છું. મારે પીરાણાની ગાદીના અધ્યક્ષ લક્ષ્મણકાકા તેમજ અન્ય કાકાઓના સંબંધમાં બોલવાનું છે. મારી વિનંતી છે કે હું મારા જે અનુભવની વાત છે તે ઠરાવ ઉપર બોલું છું તે આપ એકચિત્તે સાંભળશો તેવી આશા રાખું છું.

ભાઈઓ ! કાકા એટલે બાપના ભાઈ એવો અર્થ થાય છે. કયા બાપના ભાઈ થાય, તેની મને ખબર નથી, તો પણ અનુમાનથી કહીશ કે ઈમામશાહને આપણો બાપ ! તથા ગુરૂ, માન્યા ! તેવી જ રીતે પીરાણાની ગાદી ઉપર જે આવે તે ઈમામશાના નાના ભાઈ થઈને ગાદીએ બેસે, જેથી ઈમામશાહ બાપાના નાના ભાઈ. એટલે કાકા અને આપણા વડીલોએ જેને કાકા તેમ જે ગુરૂ તરીકે માને એવા પીરાણાની ગાદીના અધ્યક્ષ હાલમાં લક્ષ્મણ કરમશી નામે કાકા છે. બંધુઓ ! તમે એમ જાણતા હશો કે પીરાણાના જે કાકાઓ થાય છે તેઓને દુનિયા ઉપર વૈરાગ્ય આવવાથી થાય છે ! એમ માનશો નહીં. હું મારા અનુભવની વાત કરૂં છું કે કાકાઓ કોણ થઈ શકે ! મારા વડીલશ્રી પણ નાનપણમાં કહેતા કે તું અકર્મી છે, કંઈ કામ ધંધો કરતો નથી તેથી તારા છોકરાંના પેટ કેમ ભરીશ ? ત્યારે હું કહેતો કે હરીની જેમ પેટ ભરે છે તેમ હું પણ કામ ધંધો કરી મારાં છોકરાનાં પેટ ભરીશ. તો પણ બાપા ગુસ્સે થઈ કહેતા કે અકર્મી કાકો થા, અને પીરાણે જઇને બેસ કે છોકરાની ઉપાધી જ મટે. બંધુઓ ! આવા વડીલશ્રીના મારા ઉપરના કટાક્ષભર્યા જેવા શબ્દો પણ તે નિર્દોષ હતા, પરંતુ તેઓશ્રી બોલતા તે વાત મને હમણા સત્ય દેખાય છે. કારણ કે ગામ વિરાણીમોટીના રહીશ, કણબી લધા નારણ બાથાણી રૂપેણ નાનપણમાં રેઢીઆળ જેવો હતો અને ચોરી કરતો કામધંધો કંઈ ના સુઝયો એટલે પીરાણે વગર મહેનતે ખાવા મળે જેથી કાકો થયો. નાનપણથી હરામીપણું અને ચોરી છીનાળામાં કાબેલ હતો. ગાદીપતિ લક્ષ્મણકાકાની મહેરબાની મેળવવામાં તે ફતેહ થયો અને છેવટે કાકાશ્રીનો હજુરીયો પણ તે થઈ શક્યો હતો. તે સિવાય હમણાં થોડા વર્ષો થયાં ગામ વીથોણના કણબી અરજણ પબા સુરાણી જે મુંબઈમાં દાણા બંદરમાં મજુરી કરતો તેને પણ કામ કરવું ગોઠતું નહીં, તેની ઘરવાળી રામબાઈ બીચારી દળણા દળી તેનું તેમજ તેનાં છોકરાનું પેટ ભરતી. ભાઈ સાહેબ તો શોખીન હોવાથી બૈરાના દળણાના પૈસા તેમજ વીસીઆત તરીકે બીજા આપણા ભાઈઓ તેમને ઘેર જમતા તેને વીશીમાંથી થોડા પૈસા વળતા તેના ઉપર જ તાગડધિન્ના કરતા ! તે ભાઈશ્રી પાંચા અરજણ પબા એક વખત પીરાણે ગયા અને ત્યાં જોયું તો ઠીક લાગ્યું જેથી કાકાસાહેબને જણાવ્યું કે મારે કાકો થવું છે, સંસાર ઉપરથી વૈરાગ્ય આવ્યો છે, મૂળ જ્ઞાની ખરા (લોફરપણામાં) એટલે કાકાશ્રીએ તેમને પણ કાકા બનાવી દીધા, જે હાલ પીરાણામાં મુખીનું કામ કરે છે. ભાઈઓ ! મારે આજ તમારી પાસે પીરાણાની ગાદીના અધ્યક્ષ લક્ષ્મણકાકાનું પણ ચરિત્ર કહેવા ઈચ્છા થાય છે. આપ કોઈ ખોટું લગાડશો નહીં. હું જુઠુ બોલતો હોઉ તો મને બે જોડા મારી લેજો. પરંતુ મારી સત્ય વાત હોય તો તમે તુલના કરજો કે એક ધર્મગુરૂ તરીકે જીવન ગાળનાર માણસની કેટલી ઉચ્ચ અને પવિત્ર તેમજ વિદ્વતાભરી જીંદગી હોવી જોઈએ, તેના બદલે ધર્મગુરૂઓ તદ્‌ન અભણ અને અજ્ઞાની સાથે કેટલાકતો તદ્‌ન લોફર જેવા હોય છે, પ્રથમ મેં આપને લધાકાકાની હકીકત કહી, તે કાકા શ્રી પીરાણામાં પણ પોતાનો પરચો બતાવતા રહ્યા હતા અને મારા સાંભળવા પ્રમાણે બીજા અન્ય કાકાઓ તેમજ સૈયદોએ વાંધો લેવાથી—છેવટે લક્ષ્મણ કાકાને ફરજ પડી અને પોતાના માનીતા શિષ્ય કે ભવિષ્યમાં લક્ષ્મણકાકા પછી લધોકાકો જ ગાદીએ આવશે એવો લક્ષ્મણ કાકાનો તેના ઉપર પ્યાર હતો છતા તેને કાઢી મુકવો પડ્યો છે. ગાદીપતિ લક્ષ્મણ કાકો ગામના છે અને તેઓની છેલ્લી કારકિર્દીમાં પોતે કચ્છના માંડવી તાલુકાના પોલડીઆ ગામની પાંજરાપોળમાં જનાવરોનાં છાણ વાસીદા કરવાના કામમાં હતા. તેઓના તે વખતના સોબતી ગામ ગઢશીશાના કણબી વાલજી હીરજી તથા તેમના ભાઈ ભીમજી હીરજી રંગાણી તથા રાજપરના કણબી રતના કરશન છાભૈયા જેઓ ચોંપાઓને સંભાળવાના કામમાં હતા તે વખતે પણ કાકાશ્રીને મેં તમને કહ્યા તેમના દોસ્તદારો કામકાજમાં મદદ કરતા. તે વખતે તો કાકાશ્રી બીલકુલ ભણેલ પણ નહોતા. કાકાશ્રીને જંગલમાં રહેવું તેમજ બળદીઆઓનાં પુછડાં મોડવાનું કામ કઠણ લાગવાથી વૈરાગ્ય આવી ગયો અને પીરાણામાં આવીને કાકા થયા. તેમના નસીબે ગાદીપતિ થવાનું લખ્યું હશે જેથી તે પણ થયું ! અને આજે આપણી કચ્છની નાત તેમને જોઈએ તો ભણ્યા હોય યા ન ભણ્યા હોય, કોઈ શાસ્ત્ર જાણતા હોય યા ન જાણતા હોય, તેની દરકાર કર્યા સિવાય આપણા ગઢેરાઓએ પુજ્ય કરીને માન્યા છે તો આપણને પણ જખ મારીને માનવું પડે છે તે તમો જાણો છો. હમણાં કાકો કચ્છમાં ગયા છે. આપણા બંધુઓને શ્રદ્ધાથી કે જોરજુલમથી પોતે ગાદીપતિ છે એવા અભિમાનથી પૈસા પડાવી લાવે અને તે પૈસાથી કાકો ગમે તેમ વર્તે કે મીલોના શેરના સટ્ટા કરે ! પણ જ્યાં સુધી તમો સઘળા એક મત અને સંપ નહીં કરી શકો ત્યાં સુધી તમો કાકાને કશું કરી શકશો નહીં. કારણ કે કાકાને પડખે સ્વાર્થી, આપણે માની લીધેલા આપણા ગેઢેરા તેમજ પીરાણા ધર્મના રક્ષક ભાઈ વેલજી કહી ગયા તે ભક્તો છે. ભાઈઓ ! હું આપણી સભામાં હમેશાં આવું છું અને જે જે વાતો સાંભળું છું તથા આપણા ભાઈઓનાં પીરાણા ધર્મ પ્રત્યે અંકુરો બુઠા થઈ ગયેલા જોઉં છું. પરંતુ જ્યાં સુધી ભેઠ બાંધી આપણે એક સંપે કામ કરીશું નહીં ત્યાં સુધી આપણા વિજયની મને શંકા રહે છે, કારણ કે આપણા ઘણાએ ભાઈઓ આરંભ સુરા થઈ વાતો કરે પણ જ્યારે કચ્છમાં જાય ત્યારે આપણા ગેઢેરપા દમ ભરાવે એટલે છાના માના થઈ જાય, એટલુંજ નહીં પણ દંડ સુદ્ધાંત આપવો પડે છે. દાખલા તરીકે કહીશ કે રવાપુર ગામના રહીશ ભાઈ રતનશી શીવજી નાકરાણી જેઓ ડાહ્યા અને ભણેલા છે તે ભાઈને આપણી જ્ઞાતિની દાઝ પણ છે, તેને કણબીઓની અજ્ઞાનતા મટાડવા એક હેન્ડબીલ દ્વારા ખબર આપી હતી કે આપણી જ્ઞાતિ—કેળવણીથી પછાત છે, આપણા કેટલાએક આચાર વિચાર સુધારવા જોઈએ. તે ઉપર રતનશીભાઈને ચોપડી છપાવવા વિચાર છે એમ લખ્યું હતું, અને તે આપણા કચ્છના આગેવાનોને ખબર પડી કે તુરત જ નાત બહારની ધમકી આપી રતનશીના બાપને ૨૫ કોરી દંડ કર્યો, અને ચોપડી ના છપાય તેની ખાતર ૫૦૦) કોરીનો મચકરો લખાવી લીધો ! ભાઇઓ, તમે જાણો છો કે રતનશીએ ચોપડી છપાવવામાં નાતને શું નુકશાન થતું હતું, કે નાતના આગેવાનોએ દંડ કર્યો અને મચરકો લખાવી લીધો ? તેનું કારણ એટલુંજ કે કોઈને સુધારવા દેવા નહીં અને સુધારાની વાત નાતમાં ફેલાવવા દેવી નહીં. કારણ કે આપણા ભાઈઓ સમજણા થાય તો આપણા આગેવાનોની પટેલાઈની પરવા કરે નહીં તેથી જ આવી ઉત્તમ પાળ ગેઢેરાઓ બાંધતા જ રહે છે. માટે ભાઈઓ ગેઢેરાઓની જુલમી સત્તા તેમજ કાકાની મેં આપણને હકીકત કહી એવા વિદ્વાન છે, પીરાણાની જાગીરનો પેદાશનો મોટો ફાળો કચ્છના કણબીઓ આપે છે, અને પૈસા સારે ઠેકાણે ધર્માદામાં વપરાય તેનો વહીવટ કરવા કાકાને સોંપીએ છીએ, પરંતુ આજ દિવસ સુધી તેઓનો વહીવટ સારો જણાયો નથી. ધર્મગુરૂનો કાકો દાવો કરે છે અને પોતે હંમેશાં વેપારી જીવન ગાળે છે. મીલો વેચાતી લેવી, શેરના સટ્ટા કરવા ! આવી કાકાને કોણે રજા આપી છે ? કોઈએ આપી છે ? (કોઈએ આપી નથી.) માત્ર આપખુદીથી તેઓ આવી વર્તણૂક રાખે છે, માટે કચ્છના આપણા ભાઈઓને જાણીતા કરી પૈસાનો વહીવટ કાકાના હાથથી છોડાવવો જોઈએ. બીજા હિંદુ ધર્મના સાધુઓ તો પૈસાને હાથ પણ અડકાડતા નથી. કાકાને વાડી ગાડી મોજશોખ કરવા જોઈએ એ બીલકુલ ધર્મ ગુરૂનું લક્ષણ નથી તેનો એકદમ વાંધો ઉઠાવી બંદોબસ્ત કરવા આ સભાને અરજ કરૂં છું, અને આશા રાખું છું, કે તેનો જલદીથી અમલ કરવા આપ બંધુઓ તૈયાર થશો. આટલું બોલી હું આપ બંધુઓનો કીંમતી વખત વધુ ન રોકતાં મારૂં બોલવું બંધ કરૂં છું અને બેસી જવાની રજા લઉં છું.

ત્યારબાદ નીચે પ્રમાણેનો ચોથો ઠરાવ વીરાણીવાળા ભાઈ જીવરાજ ખીમજી ખેતાણીએ રજુ કર્યો હતો.

ઠરાવ ૪થો :     “કચ્છના આગેવાન પટેલીયાઓએ કાકો જે દેશમાં શીરબંધી ઉઘરાવે છે તે બંધ કરીને અને સૈયદો જે ખાસ મુસલમાન છે અને તે જીવહિંસા કરે છે તે આપણા ગુરૂ હોઈ શકેજ નહિ તે કોઈ કાળે બ્રાહ્મણ ગણાય જ નહિ માટે તેમને એક પૈસો પણ આપવો નહિ તેમજ તેઓને આપણા દેશમાં આવતા જો કે બંધ કર્યા છે તો પણ કરાંચી વગેરે જ્યાં કણબીઓ રહે છે ત્યાં માગવા જાય છે માટે આખી જ્ઞાતિમાં એવો ઠરાવ કરવો જોઈએ કે સૈયદોને એક પૈસો પણ આપવો નહિ એવો ઠરાવ સર્વાનુમતે પસાર કરવામાં આવે છે.” 

સદરહુ ઠરાવ રજુ કરતાં તેમણે જણાવ્યું કે :—

સતપંથ સંબંધી ટૂંક વિવેચન અથવા સત્યનું શોધન” તેના લેખક અને પ્રકાશક—સૈયદ બાવા સાહેબ અહમદ અલી.(ખાકી) આ નામનું એક પુસ્તક સંવત ૧૯૭૨ {Year 1915-16} ની સાલે એઓએ પ્રગટ કર્યું છે તે પુસ્તક સંબંધી કેટલીક હકીકતો જાણવાની જરૂર છે તેથી હું કહીશ. શરૂઆતમાં પરમાત્મા આદિ નારાયણના સ્વરૂપનું વર્ણન કરી પ્રાર્થના કરી છે. ત્યાર પછી સતપંથના મહાપુરૂષો થઈ ગયા તેનાં નામો આપ્યાં છે અને ત્યાર પછી સ્વામી દયાનંદ સરસ્વતીના ઉપર જુઠા આક્ષેપો કર્યાં છે. ત્યાર પછી ખુશામતની ખાતર બાયબલની થોડીક હકીકત લખી છે અને વેદોમાં સાકાર રૂપે ઈશ્વરને માન્યાના દાખલા તરીકે ચાર વેદોનાં પ્રમાણ બતાવ્યાં છે. દેવાયત પંડીતે ઘણાં વરસો અગાઉ પોતાની સ્ત્રી દેવળદેને સાકાર ભગવાન શ્રી રામચંદ્રજી રૂપે ઈમામશાહ અને હનુમાનજી રૂપે હજુરી—હાજરબેગની ! થોડીક કથા કહી છે. આગળ જતાં મનુસ્મૃતિ તેમજ વેદોના મંત્રોનું તેમ સત્‌પંથનું થોડું થોડું વિવેચન કર્યું છે, ત્યાર પછી મુખી હરીભાઈ દેવાએ આર્ય પ્રકાશમાં લેખો લખ્યા છે તેનો બળાપો કાઢ્યો છે. વચમાં વચમાં ગીતા, વેદો, તેમજ સ્મૃતિઓના આધાર ટાંકી ટાંકી પોતાનો કક્કો કેમ ખરો થાય એ પણ પ્રયત્નો કર્યાં છે. ત્યાર પછી વીરાણી નખત્રાણાવાળા અમુકને પડદા બીબી તરીકે ચીતરી તેઓના લખેલા કાગળોને ખોટા કરી બતાવવાના પ્રયત્નો કર્યા છે. મહાશય છીમાભાઈ ભુલાભાઈને પણ ભુલી જવામાં આવ્યા નથી. કાવત્રું પકડાઈ ગયું એ તેમનો છેલ્લો ઉદ્દેશ છે. આટલી હકીકતોના સમાવેશ વાળું પુસ્તક આપ સર્વભાઈઓએ વાંચવું જોઈએ. હું આપને કહીશ કે બાવા સાહેબ જાતે મુસલમાન સૈયદવંશી જેઓ કુરાને શરીફને માનનારા અને માને છે છતાં પોતાની આજીવિકા ખાતર તેઓના વડીલોએ એક ધર્મનું ધતીંગ ઉભું કરી ભોળા લોકોને ભરમાવી પોતાના કુટુંબનું પોષણ કરવા ગુપ્તધર્મ નામે સતપંથ ઉભો કરેલો. ભાઇઓ આગળના જમાનામાં લોકો ભોળા હતા, અને ભોળવાયા તેમજ હજુ પણ લોકો ભોળવાઈને એ ધર્મને વળગી રહે તેની ખાતર બાવા સાહેબે વેદ, સ્મૃતિ તેમજ પુરાણોના દાખલાઓ આપી પોતાના બનાવટી ધર્મનું રક્ષણ કરવા મહેનત કરી છે. બંધુઓ સુધારાના સમયમાં સત્ય સૂર્યનો પ્રકાશ જે જોઈ શકે છે તે મલીન તેમજ કલંકિત અંધકારને કદી નહિ જુએ. જ્યારે બાવા સાહેબ વેદ તેમજ સ્મૃતિઓને સપ્રમાણ કહે છે તો તે અમારે કબુલ છે. આપણો સાચો અને સીધો એજ ધર્મ છે. બાવા ઈમામશાહ તથા કબીરદીનના ગમે તેવાં વાક્યો સાચાં હોય કે જુઠાં હોય તેની આપણને કંઈ જરૂર નથી, આપણે શુદ્ધ આર્ય હોવા છતાં કલમો પઢી શકીએ નહીં, કબરસ્થાનોમાં જઈ કબરને પુજીએ એ આપણે શુદ્ધ આર્યોનો ધર્મ નથી, તેથી જ આપણે ભેળસેળીઆ ધર્મનો ત્યાગ કરીએ છીએ, એટલું જ નહી પણ અમારા વડીલો ભોળા હતા અને એ પ્રપંચમાં છેતરાયા છે ને તેનું કલંક અમોને પણ લાગ્યું છે પરંતુ અમો એ કલંકથી પવિત્ર થવા, અથવા તેનું પ્રાયશ્ચિત કરવા માટે અમારા સઘળા આર્યબંધુઓને જેવી રીતે સત્‌પંથના સંચાલકે પોતાના પક્ષમાં લેવા સાચા ખોટા લાભો તેમજ પરચાની વાતો કરી પોતાના પંથમાં લીધા હતા તેવી જ રીતે અમો અમારા આર્યબંધુઓને શુદ્ધ આર્યના ધર્મ શાસ્ત્રોનો બોધ તેમજ જે સત્‌પંથમાં સંડોવાયા છે તેને સત્‌પંથની કેટલીક ખોટી ઘટનાઓથી જાણીતા કરી  ભગવાન વેદવ્યાસ, ધર્માત્મા પાંડવો તેમજ ભક્ત પ્રહ્‌લાદ અને સત્યવાદી સુર્યવંશી મહારાજા હરિશ્ચંદ્રની જે ખોટી કથાઓ સત્‌પંથમાં દાખલ કરવામાં આવી છે, તેનાથી જાણીતા કરવા એજ અમારૂં કર્તવ્ય છે એમ અમે માનીશું. બંધુઓ ! આપણને પીરાણાના સૈયદોએ અવળે રસ્તે દોરવામાં બાકી રાખ્યા નથી. સૈયદો માંસ મદિરા ખાય છે તેઓ એક ખાસ મુસલમાની કોમના છે. તે આર્ય ક્ષત્રિયબંધુઓના ગુરૂ હોઈ શકેજ નહીં. જે માણસો પોતાનો કુરાને શરીફનો ધર્મત્યાગી—મતલબની ખાતર વેદો તેમજ સ્મૃતિઓના શ્લોકો ટાંકી—પોતાના ધર્મની હાંસી કરાવનાર થાય તે કેવા વિદ્વાન છે તે તેઓના લેખ ઉપરથી જ સિદ્ધ થાય છે. આપણા દેશના ભોળા કણબીભાઈઓને તેમજ બહેનોને સૈયદોએ પોતાની પ્રપંચ જાળમાં ફસાવ્યા છે. પોતે હરીવંશી સૈયદ છે અને પોતાને હુશેની બ્રાહ્મણ તરીકે ઓળખાવે છે ! આવી હડહડતી જુઠાઈ તેમજ ઠગાઈના દાખલા એક નહીં પણ અનેક બન્યા છે અને મને તો એટલે સુધી ખબર મળ્યા છે કે ભોળાભાઈઓ તેમજ બહેનોને તેઓ વટલાવવાને પણ ચુક્યા નથી. આવી થોડી ઘણી ખબરો બહાર આવી છે અને તેથીજ કચ્છના કણબીઓએ સૈયદોને આવતા અટકાવવાનો ઠરાવ કર્યો છે. છતાં બાવાસાહેબ એમદઅલીએ પોતાની લખેલી બુકમાં એવું લખ્યું છે કે કચ્છના કણબીઓએ સૈયદોને કચ્છમાં આવવાનાં આમંત્રણો કર્યા છે ! એ બીના તદ્‌ન ખોટી છે. કચ્છના કણબીઓને ચોખ્ખું જણાયું છે કે સૈયદો ખાસ મુસલમાન છે અને કણબી ક્ષત્રિયના ગુરૂ હોઈ શકે જ નહીં. જેથી કચ્છના કણબીઓ ખુલ્લે ખુલ્લું કહે છે કે સૈયદો અમને જોઈતા નથી. પીરાણા મુસલમાની મત જેવું જણાય છે જેથી એ ધર્મ અમોને લાયક નથી. હિન્દુ આર્યોને હિન્દુ ધર્મજ હોવો જોઈએ. પીરાણા ધર્મમાં બીજા ખાસ ધર્મ સાથે અથડામણી થાય એવા અનેક ખોટા ગપાટા મારેલા છે જેથી બાવા એમદઅલીએ પોતાની લખેલી બુકમાં વિદ્વતાનો ડોળ તેમજ પોતાના ધર્મને હિન્દુ ધર્મ તરીકે ઓળખાવવા વેદ તેમજ સ્મૃતિઓ અને ગીતાના શ્લોકો ટાંકી કેવળ પોતાની હાંસી કરાવી છે. મને તેઓના લેખ ઉપર ઘણીજ દયા આવે છે. પોતે ખુદ મુસલમીન હોવા છતાં પોતાની આજીવિકા નભી રહે તેની ખાતર કેટલો બધો પ્રપંચ કરવો પડ્યો છે. શુદ્ધ આર્યનું તત્વ બતાવનાર તેમજ ધર્મોનાં ધતીંગો ખુલ્લાં પાડી દેશોદેશમાં સામાજીક ચૈતન્ય ફુકનાર સ્વામી દયાનંદ સરસ્વતીની ખોટી ટીકા કરવા પણ બાવા સાહેબ ચુક્યા નથી. બંધુઓ ! આવા સ્વાર્થી બગ ભગતોથી ચેતતા રહેવા હું આપને ભલામણ કરૂં છું. જો કે આપને ભલામણ કરવાની કશી જરૂર નથી. તોપણ આપણા બંધુઓમાં હજુ કેટલાક દેશમાં સૈયદોના શિષ્ય છે તેને આ વાત કદી રૂચશે નહીં, પણ તમો સઘળા બંધુઓ તેઓના ભલાની ખાતર સૈયદોનાં ધતીંગો તેઓની પાસે ખુલ્લાં કરી તેમને સમજાવવાની ખાસ જરૂર છે. બંધુઓ ! સૈયદ સંબંધી હકીકતની ખાસ જરૂર હતી અને તેથીજ મેં આપનો કિંમતી વખત રોક્યો છે તેના માટે હું આપની ક્ષમા માગું છું અને તમો સઘળા વીરબંધુઓનો વિજય ઈચ્છી હું બેસી જવા રજા લઉં છું.

ઉપર પ્રમાણેનો ઠરાવ પસાર થયા બાદ મકનજીભાઈ કાનજી રંગાણી ગામ મમાઈમોરાવાળાએ નીચે પ્રમાણેનો ઠરાવ રજુ કર્યો.

ઠરાવ ૫ મો—    “સર્વાનુમતે કરેલા ચાર ઠરાવો તથા ઉપર લખેલી સર્વ હકીકતનો જવાબ કચ્છના આગેવાન પટેલીઆઓ તરફથી જો પંદર દિવસની અંદર આપણને મળે નહિ તો આપણે સહીઓ કરનારાઓએ એકમતે કચ્છના નામદાર મહારાવશ્રીની હજુરમાં એવા પ્રકારની અરજી કરવી કે કચ્છમાંથી દર સાલ લાખો કોરીઓ વિના પ્રયોજને ધર્મના બહાને ઘસડાઈ જાય છે તેનું મૂળ કારણ કણબી આગેવાન પટેલીઆઓ જ (ગઢેરાઓ) છે અને તેઓની પાસેથી આ દાદ કોરટ મારફતે મેળવવી અને તેના જવાબદાર તરીકે કણબી આગેવાનો (ગઢેરાઓ)નેજ ગણવામાં આવશે એવો આ સભા સર્વાનુમતે ઠરાવ કરે છે અને તે સર્વાનુમતે પસાર કરવામાં આવે છે.’’ સદરહુ ઠરાવ રજુ કરતાં તેમણે જણાવ્યું કે—મહેરબાન પ્રમુખ સાહેબ, પ્રિય જ્ઞાતિ બંધુઓ અને બ્હેનો,

આ પાંચમા ઠરાવ ઉપર મારે બોલવાનું છે. હું ઘણીવાર આપણી સભામાં તેમજ બીજી અન્ય સભાઓમાં ગયો છું પરંતુ જાહેર રીતે હું કદી બોલ્યો નથી માટે મારા બોલવામાં આપને ભૂલચૂક જણાય તો ક્ષમા કરશો. ભાઈઓ કાકો દેશમાં આવેલ છે. તેને આવા દુષ્કાળના વખતમાં કોણે તેડાવ્યા છે તે તમે જાણો છો ? ન જાણતા હો તો હું કહીશ કે અમુક ગામવાળાએ હુંડીના પૈસા પીરાણે ન મોકલ્યા તે માટે પતાવટ કરવા આવેલ છે એમ આપણે સાંભળ્યું હતું અને તે પતાવટો હજુ પુરી થઈ નથી અને કાકે શીરબંધુનું લાકડું નવું બેસાડ્યું. તે તમે જાણો છો પરંતુ ખરી રીતે તમે હજી જાણતા નથી. કાકા પોતાના સ્વાર્થની ખાતર લાકડું ઘાલી દે પણ નાતના આગેવાનો જો વિચાર કરે કે બે વખત પ્રથમ શીરબંધી આપી છે અને હમણાં કંઈ કારણ નહીં ને શીરબંધી શાની આપવી, આમ જો વિચાર કરે તો કોઈને દુઃખ થાય નહીં. પણ ભાઈઓ તમને ખબર નથી ક્યાં ? નાતના આગેવાનોને શીરબંધી આપવી પડે છે એ તો કાકાને કદી પચાસ કે સો કોરીની ભેટ ધરે તોય તેના ઘરનો એક તાંબીઓ સરખો જાય નહીં. માણસોને દેખાડવાને ફલાણા પટેલે આટલી કોરી કાકાને ભેટ કરી, એ કોરીઓ કાકોજ આપે ! અને કાકોજ લે ! એમાં પટેલીઆઓને મફતનો જશ લેવો તે કોણ ના લે. આમાં મરો તો આપણા જેવા ગરીબોનો છે. હું તમને કહીશ કે પટેલીઆને તો ‘‘બગલાને ડોળે લાભ’’ જેવું છે. આપણેજ આપણા હીતા હીતનો વિચાર કરવો જોઈએ. આપણે જ જ્યારે પટેલો તેમજ ગઢેરાઓનું માન રાખીએ છીએ ત્યારે જ તેઓ આપણી કાંધ ઉપર ચઢી બેસે છે, આપણી નાતના આગેવાનોના ન્યાયની તમને શું વાત કહું! આપણા ઉપર ખરેખર તેમનો જુલમ છે. આવું સમજીએ છીએ છતાં આપણે કંઈ કરી શકતા નથી એ એક ઘણી જ અફસોસની વાત છે, તદ્‌ન વગર ગુન્હે નાતના આગેવાનો જોર જુલમથી દંડ કરે છે તેના થોડાએક દાખલા હું આપને આપીશ. સને ૧૯૦૯ના જુલાઈ માસની તા. ૧૫ ના ‘‘કચ્છ કેશરી’’ નામના પેપરમાં “કચ્છી કડવા કણબીઓનાં મંડળોને વિનંતી” એ મથાળાના લેખ ઉપરથી થોડા દાખલા હું આપને કહીશ. પ્રિય બંધુઓ ! તમને શંકા થતી હશે કે નાતના આગેવાન પટેલીઆઓ તથા વૃદ્ધો શું અન્યાય કરે છે ? તો તેના જવાબમાં હું કહીશ કે તેઓ લાંચરૂશ્વત ખાઈ એક હિન્દુ કોમને ન છાજતું. કામ કરવા ચૂક્યા નથી દેરવટું કરાવતાં આપણા ગઢેરાઓને શરમ ન આવી કે મોટાભાઈની વહુ જે માતા સમાન ગણાય તે નાના ભાઈને પરણાવી દીધી ! લાંચરૂશ્વત ખાઈને આખી નાતને કલંકીત કરી નાંખી. ભાઈઓ ! આ કામ તમને શરમ ભરેલું તેમજ નીચું જોવડાવનારૂં નથી લાગતું ? આવું હલકું કામ આપણા ગઢેરાઓના પુંછડાએ કર્યું હતું. તે આખી નાતને ખબર છે અને તે સંબંધે ગામ વીરાણાના કણબી ભાઈઓએ બીનાથી વિરૂદ્ધ હતા અને છેવટે આખી નાતને લાગ્યું કે આ કામ ખોટું થયું. દેયરવટાનો સંબંધ તોડાવી નાંખ્યો અને એ કામમાં મદદ કરનારનો દંડ કરવામાં આવ્યો હતો. એવો જાલીમ જુલમ આખી નાતને નીચું જોવડાવનારો કરવાને પણ આપણા આગેવાનો ચુક્યા નથી. તે સિવાય કચ્છના કણબીઓમાં સુધરેલા અને પરોપકારી મીસ્ત્રી ડાહ્યા ઘોળું કે જેની દેશ પરદેશમાં કીર્તિ પ્રસરી રહી છે તેવા સુજ્ઞભાઈને વગર કસુરે નાત બહાર કરી દુઃખ દેવામાં કસુર રાખી નથી. મીસ્ત્રી ડાહ્યા ધોળુંનો કસુર માત્ર એટલો જ કે મુંબઈમાં કણબીની જ્ઞાતિએ ઉજાણી કરવા વિચાર કરેલ અને તે ઉજાણી ધર્માદાના પૈસાથી કરવી, વધુ મતે તે વાત મંજુર થઈ પરંતુ મી. ડાહ્યા ભાણજી તથા તેમના મતને મળનાર કણબી જીવરાજ તથા તેમના ભાઈ દેવશી તથા કણબી અરજણ તથા નાનજી ભાણજી વગેરે ભાઈઓનો મત એમ થયો કે ઉજાણી ભલે કરે, પણ ધર્માદાના પૈસાથી નહીં કરવી જોઈએ, તો માણસ દીઠ ફોડ નાંખો અથવા શક્તિ પ્રમાણે પૈસા ભરે તેવો ખરડો કરો અને તે પૈસાથી ઉજાણી કરો. પરંતુ અમારો મત તો ધર્માદાના પૈસાથી ઉજાણી કરી ખાવાનો નથી. જેથી મુંબાઈની નાતે તેમને ઉજાણીમાં ભાગના લીધો તેથી નાત બહાર કર્યા. આવો હડહડતો અન્યાય થવાથી મી. ડાહ્યાભાઈ ભાણજી તથા તેમના મતને મળેલા બીજા ભાઈઓએ આપણી નાતની મોટી કોરટમાં પોતાને મળેલી અન્યાયની ફરિયાદ કરવા દેશમાં ગયા. ત્યાં પણ જ્ઞાતિ શિરોમણી આગેવાન ન્યાયાધિશોએ મુંબઈની નાતે જે ફેંસલો આપ્યો છે તે વ્યાજબી છે એમ જણાવી દીધું ! જેથી પછી અપીલ કરવાનો અધિકાર રહ્યો નહીં. થોડા દિવસ તો ન્યાય માટે દીલગીર થઈ રાહ જોઈ, પરંતુ તેઓને નાત બહાર કરી વધુ કનડગત કરવાથી એવા વીર પુરૂષ પણ જ્ઞાતિ જુલમ ન સહન કરવાથી અંતે ધર્માદા પૈસાનું ન જમ્યા તેના માટે૨૫૦) કોરી દંડ આપી માફી માગી છુટકારો લીધો !! તે સિવાય વીરાણીના રહીશ કણબી વિશ્રામ પાંચા ગાંગાણી કે જેઓ આપણી જ્ઞાતિમાં સારો ભણેલા વિદ્વાન છે, તેઓ કરાંચીમાં સલાટનું કામ કરતા અને રાત્રે પંચીકરણ વગેરે ભણવા જતા તે નાતથી ખમી શકાયું નહીં. કારણ કે પીરાણા ધર્મમાં રહી શુદ્ધ હિંદુ ધર્મનાં પુસ્તકો ભણવા જવાં એ નાતના ધોરણથી વિરૂદ્ધ છે ! તેથી વિશ્રામ પાંચાને જવાબ આપ્યો કે જો તું રાત્રે ક્યાંઈ બહાર જઈશ તેમજ બીજાં પીરાણા ધર્મ સિવાયના પુસ્તકો વાંચીશ કે ભણીશ તો તને નાત બહાર મુકવામાં આવશે ! નાત બહારની બીકથી તે બિચારા ભાઈએ અભ્યાસ પડતો મુક્યો તેટલું જ નહીં પણ તેને એવી ફરજ પાડવામાં આવી કે તું ભણેલ છે માટે પીરાણા ધર્મનાં પુસ્તકો તારે દરરોજ કણબીભાઈઓને વાંચી સંભળાવવાં ! એ પણ શરત નાત બહારની બીકે કબુલ કરવી પડી. તે સિવાય ભાઈ વિશ્રામ પાંચા ગાંગાણી ઉપર એક બીજી પણ જુલમી સત્તા વાપરવામાં આવી હતી તે એ કે કરાંચીમાં સૈયદો માગવા જાય છે ત્યારે દરેક કણબીને ઘેર એક એક દિવસ જમવાનું હોય છે, તે પ્રમાણે વિશ્રામને પણ ફરજ પાડવામાં આવી હતી. ભાઈ વિશ્રામે તો કહ્યું કે ભાઈઓ ‘‘હું જ્યાં રહું છું ત્યાં બીજા અન્ય હિન્દુભાઈઓ રહે છે જેથી સૈયદોને હું જમાડીશ તો તેઓ મારી ટીકા કરશે માટે તેને જમવાના જે પૈસા થાય તે હું આપું પણ મારે ઘેર નહીં.’’ આવી વિનંતી કરી પણ તે વિનંતીનો સ્વીકાર થયો નહીં અને ઉલટો ફરજીયાત હુકમ કરવામાં આવ્યો કે તારા ઘરમાં બેસાડી સૈયદોને જમાડવા જ પડશે, જો તું નહી જમાડે તો નાત બહાર કરશું ! તે પણ બીચારાએ નાત બહારની બીકથી સૈયદોને પરાણે પણ જમાડ્યા. ભાઈઓ નાતના ન્યાય અને જુલમી સત્તાઓ કેવી છે તે તમો જાણો છે. તે સિવાય તમને હું એક બીજો પણ દાખલો આપું છું કે લધા નાગજી છાભૈયા ગામ નખત્રાણાવાળાએ પોતાના દીકરાનો સંબંધ વીરાણીના કણબી જસા ખેતાની દીકરી વેરે કર્યો હતો, તે નાતને પસંદ ના આવવાથી નાતે ફરજ પાડી કે એ સંબંધ તોડી નાંખો ! પરંતુ લધા નાગજી કંઈ વિશ્રામ પાંચા જેવો નબળા મનનો નહોતો, અને જરા મમતમાં રહ્યા એટલે ત્રણ પાંચાડાની નાત નખત્રાણામાં ભેગી થઈ અને લગભગ સોએક માણસોએ લધા નાગજીના ઘર ઉપર દરોડો પાડ્યો !! જેથી લધા નાગજીએ પોતાનાં ઘર બંધ કરી મેલ્યાં. લધા નાગજીએ પોતાનો છોકરો તેમજ વહુને પોતાના રહેવાની મેડી ઉપર ચઢાવી મૂક્યાં હતાં જેથી નાતના આગેવાનના જાસુસોએ મેડીના દરવાજા ઉઘાડવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે ઉઘડ્યા નહીં જેથી દિવાલ તોડી ધોળે દહાડે છોકરાને તથા વહુને ઉપાડી ગયા ! અને આખી નાતના આગેવાનો વિરાણી ભેગા થયા. લધા નાગજીને પણ કેદ કર્યો અને લધા નાગજીના છોકરાને ગધેડે બેસાડી આખા વીરાણી ગામમાં ફેરવ્યો! આવું અપમાન ભરેલું નીચામાં નીચું કૃત્ય નાતના આગેવાનો કરવાને ચૂક્યા નથી. બંધુઓ ! તમે આમ કેમ ઠરી ગયા છો ? અરે આવાં આવાં ભયંકર કામો તો આપણા આગેવાનોના મનને રમત છે. બંધુઓ ! હું તો કહું છું કે આગેવાનોનાં પુન્યો હવે ખવાઈ રહ્યાં છે, નહીં તો આવો જુલમ કોઈ નાતમાં તમે સાંભળ્યો છે ? અરે ! એટલું જ નહી પણ લધા નાગજી પાસેથી ૩૫૦૦ કોરી દંડ લીધો ! અને એવો એક દસ્તાવેજ કરાવી લીધો કે તારે નખત્રાણે આ બાબતની ફરિયાદ કરવી નહીં. આ તે નાતનો ન્યાય કહેવાય કે શું ? તે મને તો સમજ પડતી નથી અને લધા નાગજીના છોકરાની વહુનો છુટકો કરી તે છોકરી તેના માબાપને પણ સોંપી નહીં અને ન્યાતના આગેવાનોને ઠીક લાગ્યું ત્યાં વરાવી દીધી. ભાઈઓ ! આવા ન્યાતના આગેવાનોના જુલમથી કચ્છની કણબી પ્રજા ત્રાસી ગઈ છે, પણ એક ન્યાત બહારની બીકથી નાતના આગેવાનો પાસે ઉંચુ મુખ કરી શકતી નથી, કોને ખબર કે નાતના આગેવાનો શું કરી નાંખશે ! આપણે કચ્છમાં રહીએ છીએ. કચ્છના નામદાર મહારાજે પ્રજાને ન્યાય મળે તેની ખાતર કોર્ટો સ્થાપી છે, પરંતુ આપણા કણબી ભાઈઓને એનો લાભ લેવો સર્જાયું નથી એ ઘણી જ અફસોસની વાત છે. બંધુઓ ! આપણી આખી નાતની પાયમાલી આગેવાનોના હાથે જ થાય છે. હમણાં ગરીબોનાં ગળાં કાપી કાકાને પૈસા તેમજ સૈયદોને પૈસા અપાવવામાં આગેવાનો જ મુખ્ય ફરજ પાડે છે. જેથી આપણા ભાઈઓ કશું બોલી શકતા નથી. આપણી જ્ઞાતિની કેવી દશા થાય છે તે મેં આપને કહી છે. તમારામાં જો વીરત્વ હોય અને તમારા જ્ઞાતિભાઈઓને સુખી કરવા ચાહતા હો તો તમે એક સંપ કરી નામદાર મહારાજશ્રીની રૂબરૂ આ હકીકતો જાહેર કરો તો જ તમારો ઉદ્ધાર થશે, નહીંતો આપણી જ્ઞાતિના આગેવાનો હજુ આપણને પણ શું કરશે તે હું કહી શકતો નથી. બંધુઓ ! તમે આટલાં બધાં ભાષણો સાંભળ્યા છે અને તમારા જ્ઞાતિ હીત માટે હૃદય તલપી રહ્યાં છે તે પ્રત્યક્ષ દેખાય છે તેવાં જ જો હમેશાં રહેશે તો જ તમો તમારી જ્ઞાતિનું હીત કરી શકશો, એટલું બોલી હું બેસી જવાની રજા માગું છું.

ઉપરના ઠરાવને ટેકો આપતાં ગામ નખત્રાણાવાળા ભાઈ કાનજી પચાણ જબુઆણીએ જણાવ્યું કેઃ—

હું પાંચમા ઠરાવના ઉપર ભાઈ મનજી કાનજીએ ભાષણ કરેલ તેને સંપૂર્ણ રીતે ટેકો આપું છું અને બોલવા ઉભો થયો છું. પરંતુ આપણી જ્ઞાતિના ધર્મની તેમજ આપણા આગેવાનોના જુલમની હકીકતો સાંભળી મારીતો મતી પણ ભ્રમિત થઈ ગઈ છે અને મને સીધો અને સરળ રસ્તો એક જ દેખાય છે કે આપણે અત્રે આપણા જ્ઞાતિ ભાઈઓના માટે પેટ બાળીએ છીએ પરંતુ આપણા જ્ઞાતિના આગેવાનોને એની જરા પણ દરકાર નથી. મેં હમણાં જ એવું એક ભાઈના મોઢે સાંભળ્યું છે કે મુંબઈના યુવક મંડળે એક ફંડ ભેગું કરી નાતને સુધારવા પૈસા એકઠા કર્યાં છે તે કચ્છના આપણા આગેવાનોને ખબર છે, તેઓ આપણને એવો સંદેશો મોકલે છે કે એ પૈસા અત્રે મોકલી આપો તો અમે લહેર કરીએ’’ બંધુઓ ! તેમને જરાપણ શરમ નથી આવતી કે આવા સમાચારો આપણને મોકલાવે છે ? ભાઈઓ ! હું પણ આપણા દેશના એક આગેવાન ગઢેરાઈ કરનારનો દીકરો છું. નાતમાં કેવા ન્યાય થાય છે તે પણ જાણું છું પણ સાથે સાથે આપણને પાકો ભરોસો છે કે આપણી નાત—કાળીગાની ભારી ટુંકાં લુગડાંમાં બાંધીએ તો બંધાય નહીં અને જરૂર માંહેથી નીકળી જાય તેવી છે. કુદરતીની જ આપણા ભાઈઓ ઉપર અકૃપા છે નહીં તો નાત તદ્‌ન વગર ગુન્હે આપણને હેરાન કરે તેને આપણે કહી શકીએ નહી એ કાંઈ ઓછી દીલગીરીની વાત નથી ? ભાઈઓ ! મને તો સાફ જણાય છે કે આવડાં દુઃખો આપણી જ્ઞાતિના આગેવાનોનો જુલમ, તેમજ પીરાણા ધર્મ જે ચોખ્ખું હિંદુઓના માટે અધર્મ છે, તેમજ પીરાણાનો કાકો જે ધોળે દિવસે કચ્છના કણબી ભાઈઓને લૂંટે છે, તે સઘળાંની દાદ જ્ઞાતિના આગેવાનો તમને દેશે નહીં, તેમજ બીજા આપણા બંધુઓ કંઈ કરી શકે તેમ મને લાગતું નથી. તેમજ મારોતો પાકો વિચાર છે કે કચ્છના મહારાવશ્રીના વહાલા પુત્રો ખેડુત કણબીઓજ છે માટે તે દયાળુ પિતાની પાસે આપણા સર્વે દુઃખો જાહેર કરો તોજ આપણા દુઃખની દાદ મળી શકશે. એક દયાળુ પિતા પોતાના ખેડુત બાળકોને આવા દુકાળના વખતમાં ધોળે દિવસે લૂંટનાર તેમજ લુંટાવનારની પણ પાકી ખબર લેશે, એવો મને ચોક્કસ સાચો ભરોસો છે. કચ્છની પ્રજા દુકાળના વખતમાં દુઃખી ન થાય તે માટે આપણા શિરતાજ મહારાજનો પોતાના રાજ્યમાં એવો સખત કાયદો છે કે કચ્છમાંથી અનાજ તેમજ ઘાસ કોઈએ પરદેશ મોકલવો નહી એ વાત જગજાહેર છે. તો તે દયાળુ દેવ આપણા કણબી ભાઈઓ પાસેથી અરે તેલટુંજ નહીં પણ કચ્છ રાજ્યમાંથી લાખો કોરીઓ વિના પ્રયોજને જતી અટકાવશે નહીં તે તમે કેમ માનો છો ? મારીતો ખાત્રી છે કે મહારાજા પોતાની પ્રજાના ભલા માટે અનાજ અને ઘાસ બીજા મુલકમાં જતાં અટકાવે છે તો રોકડ નાણું તદ્‌ન ફોકટ જતું શા માટે નહી અટકાવે ? માટે કણબી ભાઈઓ ! બીજાં હજારો કામ છોડી મારી તો તમને એજ વિનંતી છે કે મહારાજાની સમક્ષ આપણે ખાસ અરજ ગુજારવી જોઈએ. તમે આજે જે આપણા કણબી આગેવાનોને પત્ર તથા આપણી સભાના ઠરાવો લખી મોકલો છો અને આ બંદોબસ્તના માટે પંદર દિવસ રાહ જોવાનું રાખો છો એ પણ મને ઠીક લાગતું નથી. તો પણ હું તમો સઘળાંના મતથી વિરૂદ્ધ નથી. મને તો ખાતરી છે કે નાતના આગેવાનો તમારો પત્ર ઘસીને પી જશે. એ તમારી દરકાર કરે તેવા નથી. તમો સઘળા બંધુઓને ઠીક લાગે તેમ કરશો પરંતુ છેવટે મહારાજાશ્રીને અરજ કરવા સિવાય છુટકો નથી આવી મારી માન્યતા છે છતાં પણ હું ભગવતી ઉમિયાને પ્રાર્થના કરૂં છું કે આપણને ત્રાસ ના થાય અને કચ્છી કણબી આગેવાનોનાં હૃદય પવિત્ર થાય, આપણી જ્ઞાતિની દાઝ હૈયે ધરે એવી ઉમિયા માતા પ્રત્યે મારી પ્રાર્થના છે.

ત્યારબાદ નીચેનો ૬ઠો ઠરાવ ભાઈ હંસરાજ નારણ રૂડાણી ગામ કોટડા વાળાએ રજુ કર્યો હતો અને તેને ભાઈ મેઘજી, તથા માવજીભાઈ શામજી વગેરેએ ટેકો આપ્યા બાદ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો.

ઠરાવ ૬ ઠો.     “આ સભા મહેરબાન પ્રમુખ સાહેબે આજે આપણી આ પહેલી સભાના પ્રમુખપદે બીરાજી આપણને જે જે હકીકતો આપણી જ્ઞાતિના રીત રિવાજ તેમજ જ્ઞાતિ આગેવાનોની મુગલાઈ સત્તાથી આપણી જ્ઞાતિની જે દુર્દશા થાય છે તે તેમજ પીરાણાના ધર્મ કેવા પ્રકારનું હિન્દુ ધર્મ છે તેનું વિસ્તારથી વિવેચન કરી આપણને ખાસ ભાન કરાવ્યું છે તેમજ પીરાણા ધર્મની ગાદીના અધ્યક્ષ લક્ષ્મણકાકા તથા બીજા કાકાઓની વર્તણૂક વિષે પણ જે ઈશારો કર્યો છે તે આપણને ખાસ જાણવા લાયક છે, પ્રમુખ સાહેબે પોતાના અનુભવનો આપણને ખાસ લાભ આપ્યો છે તેથી આ સભા મહેરબાન પ્રમુખ સાહેબનો આભાર માને છે અને સાથે સાથે આ સભા તેમને વિનંતી કરે છે કે આજની સભાના ઠરાવો તેમજ જ્ઞાતિ આગેવાનોને લખેલો પત્ર બંને એક સાથે છપાવી કચ્છના પાટીદાર બંધુઓને ઉપયોગી હોવાથી કચ્છમાં જ્યાં જ્યાં કણબીની વસ્તી હોય ત્યાં આ રિપોર્ટ મોકલી આપવાની મહેરબાન પ્રમુખ સાહેબને સર્વાનુમતે સત્તા આપે છે.

ઉપર પ્રમાણે પસાર કરવાના ઠરાવો સભામાં સર્વાનુમતે પસાર થઈ રહ્યા બાદ સઘળા ભાઈઓ પીરાણા ધર્મને ત્યાગી દઈ શુદ્ધ સનાતન ધર્મે વહન કરવા તૈયાર થઈ ગયા હોય એવો સભાનો દેખાવ થઈ રહ્યો હતો. વખત ઘણો થઈ જવાથી છુટક ભાષણો કરવાનો વખત નહોતો એટલે કામકાજ પૂર્ણ કરતાં પ્રમુખ સાહેબે જણાવ્યું કેઃ—

મારા વ્હાલા ભાઈઓ ! તમે આ સભામાં હાજરી આપી સર્વાનુમતે જે કામ કર્યું છે તે માટે હું તમારો ઉપકાર માનું છું. આપણી નાતમાં અત્યાર સુધી જે અધર્મ ફેલાઈ રહ્યો હતો તેને દુર કરવા તમે મારા સઘળા ભાઈઓ તૈયાર થઈ ગયા. લાગો છો તે જ્યારે આપણા દેશના ગઢેરાઓ જાણશે ત્યારે તેનો ત્રાસ વર્તાવા, આપણા ઉપર જુલમ ગુજારવા તેઓ કાટથી ખવાઈ ગયેલી બુઠી તલવારો આપણા ઉપર ચલાવવા તૈયાર થઈ જશે, પણ મારા ભાઈઓ ! હું સઘળાને વિનંતી કરૂં છું કે જે પ્રમાણે અત્યારે એક સંપથી આ ઠરાવો કરીને તેમને મોકલી આપવા તૈયાર થયા છો તેવી જ રીતે તેમનાં બુઠાં કાતાંના ઘા ઝીલવા એક સાથે તમે ખડા રહેશો તો તેમની તાકાત નથી કે તેઓ આપણા સામું પણ જોઈ શકે, સત્યનું તેજ એવું છે કે તેને જોતાં જ આંખમાં પાણી આવી જાય છે અને આંખો વીંચાઈ જાય છે. જેમ આપે સૂર્યની સામે જોઈ શકતા નથી તે પ્રમાણે આપણે જે સત્ય સનાતન ધર્મે ચાલવા તૈયાર થયા છીએ તે ધર્મનું તેજ જ્યારે આપણા દરેકમાં તેમને જણાશે ત્યારે આપણા સામું જોઈ શકવાના નથી અને જુલમ વર્તાવનારા આગેવાન પટેલીઆઓ ધર્મના તેજમાં અંજાઈ જનારા છે. તેઓ આપણા વડીલો છે એમ હું કબુલ કરૂં છું છતાં ધર્મને બહાને જેઓ આપણને અધર્મને વળગી રહેવાની ફરજ પાડે અને આપણે જે શુદ્ધ ક્ષત્રિય છીએ તેમને મુસલમાન જેવા બનાવી રાખવા ત્રાસ અને જુલમ વર્તાવે. તો સત્યની ખાતર—ધર્મની ખાતર ગમે તેવા વડીલની આજ્ઞાની પણ દરકાર નહીં કરતાં ધર્મને વળગી રહેવું એજ આપણી ફરજ છે. જે ગેઢેરા અગર મા બાપ હિન્દુ મટાડી દઈ આપણને મુસલમાન જેવા બનાવી દેવા આપણને ફરજ પાડે તેઓ આપણા મા બાપ નથી પણ દુશ્મન છે એમ તમે માનશો અને તેમની સાથેના પ્રસંગમાંથી છુટા પડી જવાની તમને જરૂર પડે તો પણ સત્ય ધર્મને ખાતર તમે તેમને છોડી દેશો તો પ્રભુ તમને જરૂર સહાય કરશે.

આપણે શુદ્ધ ક્ષત્રિય છીએ, સનાતન ધર્મનું રક્ષણ કરવું એજ પ્રથમ તો આપણો ધર્મ છે. હાલના જમાનામાં આપણને અધર્મે ચઢાવનારને મારી કાપી નાંખીએ તેવી આપણી પાસે સત્તા નથી અને તેમ કરવાનું હું તમને કહેતો નથી પણ સઘળા ભાઈઓ પ્રત્યે મારી એજ અરજ છે કે જેઓ આપણને પીરાણા ધર્મ જેવા અર્ધદગ્ધ પંથે ચલાવવા લલચાવે અગર બોધ આપે તેવા કોઈની વાત સાંભળવી નહિ અને તેમને ચોખ્ખુ કહી દેવું કે અમે તો સનાતન વેદ ધર્મ પ્રમાણે ચાલીશું, અને વિદ્વાન બ્રાહ્મણો કહે તે પ્રકારે શાસ્ત્રને અનુસરી વર્તીશું. ભાઈઓ ! હું તમને છેવટે એક જ વાત કહું છું કે, નુરનામુ, બાજનામું કે તૈયભના કલમા તે ચોખ્ખી રીતે હિન્દુને મુસલમાની જેવા ધર્મમાં લલચાવીને, ભોળવીને લઈ જનારાં પુસ્તકો છે. દશોંદો લેવાની ખાતર એ બધી તજવીજ થઈ છે, આપણો ઉદ્ધાર કરી સ્વર્ગમાં લઈ જવા માટે નહિ ! આગેવાનોનો ત્રાસ શીરબંધીઓ ઉઘરાવા માટે છે, તેઓ આપણાં દુઃખ ટાળવા પટલાઈ કે આગેવાની કરતા નથી, આપણે દરેક રીતે આગળ પડતા થઈએ અને આપણી જે અધમ દશા થઈ છે, લોકો આપણાં નાક કાપે છે, તેમાંથી આપણો બચાવ થાય તેવો પ્રયત્ન કોઈ આગેવાનો કરતા નથી. પણ આપણે હંમેશાં દબાયેલા જ રહીએ અને કસાઈઓ આગળ જેમ ઘેટાં શીર ઝુકાવી રાખે છે તેમ શીર ઝુકાવી રાખી તેમના ત્રાસ અને ઈજ્જત ગુમાવનારા તેમના ઝટકા આપણા ઉપર પડે તે મુંગે મોઢે સહન કરીએ એટલા માટે તેઓ આપણા ઉપર આગેવાની અગર પટલાઈ કરવા માગે છે. આગેવાનો અગર ગઢેરાઓ પોતાનો ધર્મ સમજી તેમની જે ફરજ આપણને સુખી કરવા માટે છે તેને વિચારશે તો આપણે તેમને જરૂર માન આપીશું. પણ ભાઈઓ ! હું કહું છું કે જ્યાં સુધી તેઓ હજી આપણા ઉપર ત્રાસ વરતાવાનો છેલ્લો ઈલાજ નહી કરી જુએ ત્યાં સુધી તેઓને સંતોષ થવાનો નથી. હું આપને છેલ્લી વિનંતી કરૂં છું કે તેમના ત્રાસ સામે આપણે એક સંપથી ઊભા રહી તેને પહોંચી વળવા પ્રયત્ન કરવો અને તેમ કરવામાં જે જે પ્રકારની મદદની જરૂર આપણને દેશમાં અગર મુંબઈમાંથી જોઈશે તે મળી રહેશે એવી મારી ખાત્રી છે. આપણા જનોઇધારી ભાઇઓ અને ગુજરાતના આપણી નાતના કેટલાક આગેવાન આપણા પાટીદાર ભાઈઓ સાથે મારે ઘણીવાર વાતચીત થઈ છે, તેઓએ આપણને દરેક પ્રસંગે જોઈતી મદદ આપવા મને કહ્યું છે, તો ભાઈઓ ! મારી આપને એજ વિનંતી છે કે સત્ય ધર્મને માર્ગે ચાલવા આજે તમે જે તૈયારી કરી છે તે માર્ગમાંથી પાછા ફરશો નહિ તો આપણી કુળદેવી ઉમિયા માતા જરૂર આપણને સહાય કરશે. આપણે ધર્મને મુકી અધર્મે ચડી ગયા છીએ માટે જ આપણી તે માતા વ્હારે આવી નહોતી. હું તમને ચોક્કસ કહું છું કે હમણાં તે ભગવતીએ આપણે કરેલી આજીજી અને માગણી સાંભળી છે અને હાથમાં ત્રિશૂળધારી સિંહ ઉપર બેસી આપણી પડખે આવી ઊભી છે, આપણાં હૃદય કેવાં છે તે જુએ છે. તો દરેક ભાઈઓ ! જે શુદ્ધ મને તેની સ્તુતિ કરી છે તેવી સવાર—સાંજ રોજ કરશો એવી હું વિનંતી કરૂં છું અને છેવટે તમે સઘળા ભાઈઓે મને જે માન આપ્યું છે, અને સભાનું કામ એક મતે કરીને ડહાપણ ભરેલી રીતે સત્ય ધર્મે ચાલવા તૈયાર થયા છો તે માટે હું આપનો ઉપકાર માનું છું અને આજની સભાનું કામ પુરૂં થયેલું અને સભા બરખાસ્ત થયેલી જાહેર કરૂં છું.

સભાનું કામકાજ ખલાસ થતાં શ્રી ઉમિયા માતાની સ્તુતિ કરનારી નીચે મુજબની કવિતા સંગીતનાં સાધનો સાથે ગાવામાં આવી હતી. અને તે પૂર્ણ થતાં પ્રમુખ સાહેબની પાસે સોપારી કરી સભાનો મેળાવડો વિસર્જન થયો હતો.                               

સ્તુતિ

જય પરમ પુનિત જ્ઞાતિ મારી,

નમુ ચરણ કમળ તુજ શીરધારી. ટેક.

નીજ સુખની ના પરવા કરતી,

નિર્દોષ પ્રયોગો આચરતી,

સત્ય સંપત્તિ ભારતમાં ભરતી.    જય

હતી પાવન પૂર્વની શું કરણી,

ખટ શાસ્ત્રે જે નીજ મુખ વરણી,

થઈ અધર્મ કુચાલે એ કરણી.     જય.

તુજ દર્શ કરી તન મન વારૂ,

હીત ચીત રહે નિશદિન તારૂ,

વર અમર એ ઘો હરી ઉચારૂ.     જય.

કચ્છ દેશના પીરાણા પંથી કડવા કણબી જ્ઞાતિભાઈઓની મુંબઈમાં તા. ૧—૮—૧૯૧૮ ના રોજે મળેલી સભા અને તે સભામાં પસાર કરેલા ઠરાવોને અનુમોદન આપનારા જુદા જુદા ગામોથી

અભિપ્રાયના આવેલા પત્રો

ગામ નખત્રાણાથી.

રા. રા. શ્રીયુત. શેઠ વેલજી માધવજી પલીવાડ લખી જણાવે છે કે,

સૌજન્યાદી શ્રેષ્ઠ ગુણ સમ્પન્ન શ્રી કચ્છી કણબી જ્ઞાતિના શ્રી મુંબઈ ખાતે મળેલી સભાના પ્રમુખ પ્રત્યે.

ઘણી જ ખુશાલી સાથે જણાવવાનું કે કચ્છી પીરાણાપંથીઓ કડવા કણબીમાંની કોમના પટેલીઆઓ તથા ચૌધરીઓ સિવાય મુખીઓ વિગેરેને આપે શ્રી મુંબઈમાં મળેલી દાણાબંદર વછાતના માળામાં તા. ૧—૮—૧૮ ગુરૂવારના રોજે જેના ઠરાવોની નકલો કોપી પાંચ મોકલી તે વાંચી પારાવાર અત્યાનંદ પ્રાપ્ત થયો છે. તેની સાથે વિશેષમાં સંતોષ એ ઉપજ્યો છે, કે કણબીની આવી કેળવણીથી તદ્‌ન પછાત કોમમાં એકાએક આવો અસાધારણ સુધારો પસાર કરનારની જાહેર હિંમતને અમે ધન્યવાદ આપીએ છીએ વળી આવા સુધારાના હિમાયતીઓને આપની સર્વે કોમના મનુષ્યો એક અવાજે અનુમોદન આપી આપની પ્રત્યે માનની નજરે જોશે એમ આશા રાખીએ છીએ. અસ્તુ.

મજકુર ઠરાવો વાંચી એક એવો વિચાર ઉદ્‌ભવ્યો કે આપની દરેક પ્રકારની આવતી ઉપજ ખાનામાં રાખવામાં આવે છે. એ બરાબર છે કીન્તુ તેના હિસાબનો. નામો. રોજમેળ વિગરેેે નોંધ. નહી રહેવાના અભાવે તે રકમની વ્યવસ્થા કરનારાઓ એટલે જેઓને ગેઢેરા કહેવામાં આવે છે તેવાઓમાંથી વખતો વખત એ પોલનો લાભ લઈ ઉચાપત કરી જાય છે, તે વાત પર લક્ષ આપવામાં આવશે, તો સહેજમાં જાણી શકાય તેવી પાધરી ખુલ્લી વાત છે કારણ હરહંમેશના ખાનારાઓ. એમના ઘણાજ હેરાઉ છે, તેમ તેઓને કોઈની દરકાર નથી એટલુંજ નહી પણ. આવી મોટી રકમનો હિસાબ નહી જેથી તેઓ તદ્‌ન બેધડક અને બે પરવા રહે છે તો પછી અમારા મત પ્રમાણે એક સભા ભરી એવો પણ ઠરાવ પસાર કરો કે દરેક ખાનામાં આવતી રકમનો રોજમેળ યાને નામુ રાખવું. તેને તપાસવા જ્યારે જ્યારે સુધારકોમાના મેમ્બરોને, તપાસવા યોગ્ય જણાશે ત્યારે ત્યારે તપાસી શકશે, એવો ઠરાવ પસાર થવા ઘણી અગત્યના છે. સબબ એમાં તમારી જ્ઞાતિના જનસમાજનું હિત અને કલ્યાણ સમાયેલું છે, તેથી હાલની સ્થિતિએ જોતાં મોટી રકમનો વધારો થઈ પડશે ને તેમાંથી આપ ધારશો તે સુધારા અર્થે તેનું યોગ્ય વ્યય થઈ શકશે.  એજ….

લી. સુ. સ્નેહાધીન વેલજી માધવજી જોશી.—પલીવાડ

 

ગામ વીરાણીના આગેવાન કણબી ભાઈઓએ—મુંબઈમાં મળેલી સભાને અનુમોદન આપનારો પત્ર નીચે મુજબ લખ્યો છે.

સ્વસ્તિ શ્રી મુંબઈ બંદર મહાશુભસ્થાને પુજ્ય સકલ ગુણ જાણ. સદા નીતિના પાળનાર તથા શુદ્ધ ધર્મના ઉપદેશ કરનાર સભાના પ્રમુખ ભાઈ રતનશી ખીમજી ગામ વીરાણીવાળા તથા ઠરાવ નીચે સહીઓ કરનાર સર્વે ભાઈઓની ચિરણજીવી હોજો. એતાનશ્રી ગામ વીરાણીથી લી. મુખી શેવજી જસા તથા પટેલ લાલજી સેવજી તથા ધનજીમાના તથા રાજા પબા તથા કચરા વીરજી તથા ભગત રાજા પબા તથા પટેલ ડાઈ આખેતા તથા લખુ ભીમજી તથા મનજી વેશ્રામ તથા કાનજી વીરજી તથા માવજી પચાણ તથા ડાહ્યા ભાણજી તથા વાલજી જીવા તથા દેવજી ધનજી તથા વાલજી સેવદાસ તથા દેવજી મુળજી તથા પ્રેમજી દેવજી તથા સવગણ કરમશી તથા કાનજી દેવજી તથા વીરજી ધનજી તથા રામજી રતના તથા જીણા જાડા આપના ગામના જ્ઞાતિ બંધુઓ તથા ગામ દેવીસરના આપણા જ્ઞાતિબંધુઓ તથા ગામ અરલના આપણા જ્ઞાતિ બંધુઓ જીણા જાડા સર્વે ભાઈઓના રામરામ વાંચશો. વિનંતી સાથે લખવાનું કે આપણી સભા તરફથી છાપાં નાત સુધારવા વાસ્તે છપાવેલ તે અમને પોતાં છે તેમાં લખેલ હકીકત વાંચીને ખુશી થયા. જેમ તમે નાતનો સુધારો કરવા ચાહો છો તેમ હજી પણ પાછી પેની દેશો નહીં. અમો તે બાબતમાં અમો તમારી સાથે છીએ બાકી તમારાં છાપાં આવવાથી આજ રોજે ગામ અંગીએ પાંચાડો વચલો આજ સાંજે ભેગો થશે ત્યાં હકીકત થશે તે બીના બીજા કાગળમાં લખશું તે વીશે ચિંતા રાખશો નહીં અમે વધારે તમને લખતા નથી.  થોડા શબ્દોમાં જાજું કરી જાણજો ચડવું તો પછી ડરવું નહીં. હાલ એજ અત્રે કંઈ નવી જુની થશે તો લખી જણાવશું. મીતી શ્રાવણ સુદ ૯ વાર ગુરૂવાર સંવત ૧૯૭૫ {VSA: 15-Aug-1918}ના દા. કણબી લધા વિશ્રામના. ગામના જ્ઞાતિ ભાઈઓ સર્વેના કેવાથી પત્ર લખ્યો છે ભુલચુક સુધારી વાંચશો.

 

ગામ શ્રી નખત્રાણાથી

શ્રીયુત શેઠ હરીદાસ દામજીભાઈ લખી જણાવે છે કે—

ૐ દેશના પીરાણા પંથી મહાશયો. ઓગણત્રીસ જણાઓ જેમણે શ્રાવણ સુદ ૩ {VSA: 09-Aug-1918}ના રોજ પોતાની જ્ઞાતિમાં ધર્મની હાનિ તથા તેના પ્રસંગે પૈસાની બરબાદી થતી અટકાવવા પ્રયત્ન કર્યો તે મહાશયો જોગ.        મુંબઈ બંદર.

તમારા તરફથી પીરાણા ધર્મ સંબંધી હકીકત. તથા શીરબંધીથી પૈસા ફરસ્તે જતા અટકાવવા માટે. પાંચ કલમોનો ઠરાવ કરી તે પત્રની ચાર કોપી મને મુકી છે તે પોતીની છે તેના માટે સંતોષથી આનંદ થયો છે. તમારો પ્રયાસ ઘણો જ સ્તુતિ પાત્ર તેમજ તમારી જ્ઞાતિના શ્રેય રૂપ છે. મજકુર ચાર કોપીનો સદ્‌ઉપયોગ કર્યો છે. તે જણાવી બે શબ્દ જણાવવા ઈચ્છા થવાથી નીચે પ્રમાણે ધ્યાનમાં લેશો.

ઓગણત્રીસ જણ ઘણા છો. ચાર જણ હોય તો પણ બસ છે તો આટલી સંખ્યા ઘણી કહેવાય. તમારા સત્ય પ્રયાસથી તમે જરૂર ફળીભૂત થશો. આળસ્યને વશ ન થતાં આરંભેલો પ્રયાસ ચાલુ રાખશો અને કોઈ રીતે પાછી પાની કરશો નહીં.

ખુદાવિંદ શ્રી હજુર સાહેબને શા માટે અરજી તારથી અરજ કરવા ચાલુ કરો. મહારાજા. આવા અધર્મના રસ્તા માટે ગઢેરાઓને તેની જોહુકમી માટે અટકાવશે જ. દુનિયામાં કોઈ કાર્ય અશક્ય નથી સર્વે શક્ય છે તો એ રહસ્યને સમજી સંપમાં રહી પ્રયાસ હિમતથી ચાલુ રાખશો તો યશસ્વી સાથ. તમારા મનુષ્ય અવતારનો સાર્થક કરી શકશો. નીગ્રહી મનુષ્યોનું આત્મબળ અને ઉત્તમ મનુષ્યના કર્તવ્ય માટે કહું છું કે—

જનની જણતો હરિ ભક્ત જણ કાં દાતા કાં સુર

નહીતો રે જે વાંઝણી રખે ગુમાવે નુર.

સત્ય માર્ગ પસાર કરતાં કરાવતાં આફતો કદાચિત આવી પડે તો પણ સત્ય અંતે જય અપાવી ઉત્તમ ગુણ કર્મ સાથે મનુષ્ય અવતારની સરળતાની શ્રેણી પર લાવે છે.

શ્રાવણ સુદી ૮ ગુરૂ સંવત ૧૯૭૫.{VSA: 15-Aug-1918}

                                                                   લી. હું છું. તમારા પ્રયાસ માટે શુભેચ્છક ભાવનાવાળો.

                                                                             હરીદાસ દામજી ઠક્કરના નમસ્તે વાંચશોજી.

 

ગામ શ્રી ભેરૈયાથી પીરાણા ધર્મના એક કાકા રામજી લખમણ લખી જણાવે છે કઃ—

મુંબઈમાં જે સભા મળી હતી. અને ૨૯ જણાના નામથી સહીઓવાળો લેખ અમને પોતો છે. તે વિશે અમને લખવાનું એટલું જ છે કે સર્વે હકીકત સત છે ને ખરી છે. સુધારાની પણ જરૂરીયાત છે પણ ફક્ત છેલો બોલ જે પાંચમી કલમમાં લખ્યો છે તે ભારે પડતા છે. કારણ કે જે ઠેકાણે રાજ સત્તા બતાવી છે તો અસુરી સત્તા છે માટે રાજસતાના ઠેકાણે દેવી સતા બતાવતી હતી. ઈશ્વરી સત્તા મુકવાની હતી. આત્માનું કલ્યાણ દેવી સત્તાથી થાય છે જે જે કામ થાય છે તે ઉતાવળથી થતાં નથી. સબુરી રાખવી સતકામ તથા સત ઉપાસનાથી જ્ઞાતીના જે જે રીવાજોને બંધારણો છે તે આ જગતની જોગતી તથા ગોઠવણ છે માટે કેવળ પરમાત્માના સ્વરૂપને ઓળખવું જગતના બંધારણની જરૂર નથી જેને જે ગમ્યું તે ખરૂં. ધર્મ તો મનની માન્યતાનો છે માટે જે તમો સૈયદો બાબત લખો છો તે ખરી વાત છે ને ને સુધારાની જરૂરીયાત છે. બીજું જે લખ્યું છે જે પીરાણાની ગાદી ઉપર વિદ્વાન માણસ જોઈએ તે પણ ખરૂં છે કારણ કે સેવકોને ઉપદેશ કરવો તથા પોતાના આત્માનું કલ્યાણ કરવું તે વિદ્વાન સિવાય બને નહીં માટે જે પૈસો પીરાણે ધર્માદા જાય છે તે ખરે સત રસ્તે વપરાવ કરવો તે પણ વાત સત ખરી છે ને તે સુધારાની પણ જરૂરિયાત છે. વિદ્યા અભ્યાસની પણ જરૂરીયાત છે માટે ગરીબોને ધર્મને બહાને ત્રાસ ન કરવો તે પણ વાત મુદે ખરી છે ને સત છે. માટે કોઈ બી આત્માને દુઃખ દેવું નહીં, સુખ થાએ તે કામ કરવું તે આપણું કર્તવ્ય છે. માટે મુખ્ય ધર્મ શું ચીજ છે જે આત્માનું ભલું કરવું, હવે આપણી જ્ઞાતીમાં સુધારો થવા માંડ્યો તે થશે જ. પણ સાધારણ પગલું ભરજો, ધીમે ધીમે ઉતાવળ ન કરવી. આસ્તે કામ લેવું, આવી મારી તમને ભલામણ છે. મને કાગળ લખો તો દેશલપરના સરનામે લખજો. ભુલચુક સુધારી વાંચશો. ગુણવાનને ઘણું શું લખીએ થોડે લખ્યું ઘણું કરી જાણજો. સંવત ૧૯૭૪ ના શ્રાવણ વદ ૨ {VSK: 24-Aug-1918} નો લખેલ છે.

                                                                             દા. કાકા રામજી લખમણના છે.

 

સ્વસ્તિ શ્રી મુંબઈ બંદર મહાશુભસ્થાને સર્વે શુભ ઉપમા જોગ કચ્છના પીરાણા પંથી કડવા કણબીની જ્ઞાતિના પ્રમુખ કણબી રતનશી ખીમજી તથા સમસ્ત ભાઈઓની ચીરણજીવી સદાએ ઘણી હોજો એતાનશ્રી : કરાંચી બંદરથી લી. કણબી નાનજી પચાણ નાકરાણી ગામ નખત્રાણાવાળા તથા ડાયા લખુ રૂડાણી તથા અબજી મનજી સેંગાણી તથા લખુ ડોસા પોકાર તથા કાનજી રામજી પારસીઆ નખત્રાણાના તથા ગામ વીરાણીના વિશ્રામ પાંચા ગાંગાણી તથા ખીમા પરબત ધોળુ ગામ વીરાણીના તથા ગામ કોટડાના કણબી લધા હરજી નાકરાણી તથા હરજી લધા રામાણી ગામ લુડવાના તથા માધા સવજી દેશલપરના તથા રતના વીરજી રૂડાણી દેશલપરના વિગેરે સર્વે ભાઈઓના રામ રામ વાંચશો બાદ લખવાનું કે તમારા તા. ૧—૮—૧૮ ના કરેલા ઠરાવની નકલ અમોને પોતી છે જે વાંચી આપે મહાભારત પ્રયાસ કર્યો છે તેને ધન્યવાદ આપીએ છીએ. તમોએ મહાભારત પ્રયાસ કરી કચ્છન ીનાત પાસે જે જે જવાબ માગો છો તે બરોબર છે. આપ હવે કેવે પાઈએ કામ લેવાના છો તે બાબતનો ખુલાસાવાર પત્ર લખી અમોને વાકેફ કરો તો તે પ્રમાણે અમો પણ અત્રે પ્રયાસ કરીએ તે બાબતનો ખુલાસો વળતી ટપાલે તરત લખશો તો અમારાથી બનતી મદદ કરશું હાલ એજ.

દા. હરજી લધા રામાણી. ગામ લુડવાના સર્વ ભાઈઓના મતથી લખ્યો છે.

 

તે સિવાય ગામ ગઢશીશાથી તથા ગામ દેવીસરથી તથા સુરત ભાઠાથી નારાણ માસ્તર તથા ગામ વીરાણીથી રામજી રાજા તથા બીજા બંધુઓના સંતોષકારક અને સભાના ઠરાવને અનુમોદન આપનારા પત્રો મળ્યા છે. તે સિવાય અમારા યુવક મંડળ તરફ શુભ ભાવના રાખનારા નાગલપુરના કણબી ડાયા ભાણજી ધોળુ તથા ગામ માનકુવાના કણબી રાજા શામજી ધોળુના તરફ આ સભા તેમજ યુવક મંડળ તેમનું કેટલેક દરજે આભારી છે.

સભાના કાર્ય તરફ પત્ર દ્વારા દિલસોજી બતાવનાર દરેક બંધુઓનો સભા તરફથી હું આભાર માનું છું. તે સાથે દરેક જ્ઞાતિબંધુઓ અને જ્ઞાતિ આગેવાનો તરફ મારી વિનંતી છે કે હવે હદ થઈ છે, બીજી જ્ઞાતિના માણસોમાં આપણ જે નાલેશી થાય છે તે થતી અટકે અને આપણા શુદ્ધ સનાતન ધર્મે ચાલવા જ્ઞાતિ બંધુઓને ફરજ પડે એવા પ્રયાસ આગેવાનો કરશે તો જ્ઞાતિના ઈતિહાસમાં તેમનાં નામ અમર થશે ને આપણી જ્ઞાતિની અધમ દશા મટી ઉન્નતિ થશે. જ્ઞાતિના આગેવાનો અગર પીરાણા ધર્મ કે તેમના સૈયદો કે કાકાની નાલેશી કરવાનો સભાનો ઉદ્દેશ નથી પરંતુ પોતાના જ્ઞાતિ બંધુઓ સ્વધર્મે ચાલે એટલા પુરતો જ ઉદ્દેશ છે અને તેમની જાણ અને ઉપયોગ માટે જ સભાના ઠરાવ પ્રમાણે આ રિપોર્ટ છપાવી પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે

                                                                                      લી. જ્ઞાતિ સેવક :—

                                                                                      રતનશી ખીમજી સભાના પ્રમુખ

 

 

જ્ઞાતિને ઉપયોગી પુસ્તકો

કડવાવિજય” માસિક— જ્ઞાતિની ખરી સ્થિતિ જાણવી હોય, તમને તમારી લાગણી હોય અને ઉન્નતિ ઈચ્છતા હો તો તેના માર્ગમાં પથરાયેલા કાંટા વીણી કાઢવાનું જ્ઞાન લેવા ગ્રાહક થઈ લવાજમના રૂા. ૧—૪—૦ મોકલી આપો.

કણબી ક્ષત્રિય ઉત્પત્તિ અને ઈતિહાસ—સદ્‌ગત જ્ઞાતિભક્ત ભાઈ પુરૂષોત્તમદાસ રચિત જ્ઞાતિના ઈતિહાસનું આ પુસ્તક દરેક વિદ્વાન અને સાધારણ ભણેલાએ ઘરમાં રાખવાની જરૂર છે. જ્ઞાતિનાં જુદાં જુદાં કુટુંબો કયા દેશકાળને લઈ કયાં કયાં વિસ્તર્યાં છે તે જાણવાનું આ ઉત્તમ સાધન છે, છેલ્લાં ૫૦ વર્ષથી જ્ઞાતિ ઉન્નતિનો જે પ્રયત્ન થાય છે તેનો પણ ઈતિહાસ છે અને ૩૮ પ્રતિષ્ઠિત પુરૂષોની છબીઓ અને તેમનું જીવનચરિત્ર પણ તેમાં લખાયું છે. પડતર કિંમત કરતાં અર્ધા મૂલ્યે આપવાની લેખકની યોજના જ્ઞાતિભક્તિના અચૂક પુરાવા સમાન છે. પુસ્તક દળદાર હોવાથી ટપાલખર્ચ લગભગ ૦—૬—૦ આવે છે. પુસ્તકની કિંમત રૂા. ૦—૧૦—૦.

માધાના પિતાનું પ્રેત ભોજન—મરણ પાછળકરવામાં આવતાં ખર્ચોથી જ્ઞાતિની સ્થિતિ ગરીબ થઈ ગઈ છે અને ગામના આગેવાન પટેલો અને સંબંધીઓ મરનારના કુટુંબ પ્રત્યે ત્રાસ વર્તાવી સ્થિતિ પલટાવી દે છે તેનું સાચું અને સચોટ ભાષણ અને ગાયનો સાથેનું પુસ્તક કિં. ૦—૨—૦.

મહાલક્ષ્મીનું મહાકષ્ટ યાને બાળલગ્નના બળાપા—ભાગ ૧ લામાં લાંબી મુદતે આવતાં લગ્ન વધાવવાની ધાંધલ, નકામો ખર્ચ અને સગાઈઓ કરવા અને તોડવામાં થતો કુટુંબ ક્લેશ ઉપરાંત કન્યાને સાસરે વળાવતા અગાઉ આઠ દશ વર્ષ વેઠવો પડતો વેવાઈ વેવાણના ત્રાસનો આબેહૂબ ચિતાર. તથા ભાગ ૨ જામાં દીકરીને સાસરે વોળાવતા થતી કનડગત, કજોડાનું ફળ અને ખાનદાન માબાપની દિકરીઓ ઉપર કેટલાંક નાદાન કૂળવાન કુટુંબોનો ત્રાસ, કરકરીઆવર બમણા ત્રમણા લેવા છતાં દાણા નહીં પુરવાની ધૃષ્ટતા, ખાનદાન દીકરીઓ મરતાં સુધી પત્નીધર્મ છોડતી નથી અને છેવટે આપઘાતના પ્રસંગો કેમ આવે છે તેનો હૃદયભેદક અને અશ્રુ વહેવડાવતો ચિતાર. બંને ભાગની કીં.૦—૪—૦.

આખ્યાનનાં ત્રણે પુસ્તકો સુપ્રસિદ્ધ દેશાઈ અમરસિંહજીનાં લખેલાં છે તેમણે સમાજને અર્પણ કર્યા છે. જ્ઞાતિભક્તો પોતાના ખર્ચે સમાજને છપાવી આપે છે. તેની ઉત્પન્ન ઉપદેશક ફંડ ખાતે જાય છે. ઉપરનાં પુસ્તકો માટે લખો :— “કડવા વિજય” ઓફીસ વિરમગામ.

યુવક મંડળની પત્રિકાઓ—પહેલી “‘મહાત્મા ગાંધીજીના બ્રહ્મચર્ય સંબંધી અમુલ્ય વિચારો’’ કિંમત બે પૈસા. બીજી “સ્ત્રી શિક્ષણ ઉપર ભાષણ” શ્રી નિમાડે કડવા પાટીદાર સભામાં અપાયેલાં જ્ઞાતિની બાળાઓનાં ત્રણ ભાષણ, આઠ વર્ષની બાળાના ઉમદા વિચારો, ત્રીજી “એક તીથિનાં લગ્ન અથવા આપણી પડતીના કારણો.”

લેખક—કડવા વિજયની તંત્રી મગનભાઈ. મંગાવનારે ૦—૧—૯ ની ટીકીટો મોકલી આપવી.

                   શ્રી કડવા પાટીદાર સુ. યુવક મંડળના સેક્રેટરી,

                   ઠે. સત્યનારાયણ પ્રિ. પ્રેસ—સીવીલ હોસ્પિટલ પાસે, અમદાવાદ.

 

 

દરેક ભાઈઓ જરૂર વાંચો !

જ્ઞાતિની સંસ્થાઓ અને સભાઓ

 

યુવક મંડળો

૧. કચ્છ દેશના પીરાણા પંથીઓનું એક યુવક મંડળ મુંબઈમાં સ્થપાયું છે તેનાં ઉદ્દેશ કચ્છના કડવા કણબીની મોટી નાત કે જે પીરાણાપંથી છે તે ધર્મ આપણી જ્ઞાતિને નીચુ જોવડાવનારો છે. તેનો ત્યાગ કરી આપણા અસલ આર્ય સનાતન ધર્મે નાતને વાળવા પ્રયત્ન કરવો અને તેમ કરી કડવા કણબીની સમગ્ર નાત કે જે ગુજરાત, કાઠીઆવાડ, નિમાડ માળિયા વગેરે સ્થળે છે તેમની સાથે બંધ થઈ ગયેલો સંબંધ તાજો કરવો અને જ્ઞાતિની દરેક પ્રકારે ઉન્નતિ કરવામાં એક બીજા ભાઈઓને મદદગાર થવું. ખાસ કરી કચ્છની જ જ્ઞાતિના સ્વધર્મ વર્ધક મંડળના પગલે ચાલવું. આ મંડળમાં જોડાવા ઈચ્છનાર દરેક બંધુએ સભાના પ્રમુખ સાથે પત્ર વ્યવહાર કરવો.

૨. આપણી સમગ્ર કડવા કણબીની નાતનું એક યુવક મંડળની શાખા જે મુંબઈમાં છે અને ગુજરાતમાં દરેક સ્થળે ઘણી શાખાઓ ખોલાય છે તે મંડળનું નામ ‘‘શ્રી કડવા પાટીદાર સુધારક યુવક મંડળ’’ એવું રાખવામાં આવ્યું છે. તેની મુખ્ય શાખાના જનરલ સેક્રેટરી—પટેલ છબીલદાસ છોટાલાલ છે અને તેની આફીસનું સરનામું સત્યનારાયણ પ્રીન્ટીંગ પ્રેસ, સીવીલ હોસ્પિટલ સામે, અમદાવાદ. આ સમગ્ર જ્ઞાતિના યુવક મંડળના શેઠ દુર્ગાપ્રસાદ શંભુપ્રસાદ લશ્કરી પ્રમુખ છે. મુંબઈની પેટાશાખાના મીસ્ત્રી લધાભાઈ વીરજી જોઈન્ટ સેક્રેટરી છે. આ મંડળનો ઉદ્દેશ સમગ્ર જ્ઞાતિની ધાર્મિક, નૈતિક અને દરેક પ્રકારની ઉન્નતિ સાધવાનો છે. કડવા પાટીદાર જ્ઞાતિના દરેક યુવકોની ફરજ છે કે તે મંડળમાં જોડાવું અને નામને દીપાવવું.

શ્રી કડવા પાટીદાર શુભેચ્છક સમાજઃ— ઘણા વર્ષો થયાં દેશના જુદા જુદા ભાગમાં વસેલી કડવા પાટીદાર જ્ઞાતિની સામાજિક, ધાર્મિક, માનસિક, સાંસારિક પ્રકારની ઉન્નતિ કરવા આ સંસ્થા પ્રયત્ન કરે છે. તેની હયાતીથીં જ્ઞાતિમાં સારી જાગ્રતિ આવી છે અને જ્ઞાતિમાં પેસી ગયેલા કેટલાક અધર્મ યુક્ત રિવાજો તેના પ્રયત્ન વડે ઓછા થતા જાય છે. કચ્છ, ગુજરાત, કાઠીઆવાડ, નિમાડ, માળવા વગેરે સ્થળના દરેક બંધુઓ આ સભામાં જોડાયા છે, તેની દર વર્ષે એક બેઠક થાય છે. કચ્છના જનોઈઓ ધારી સ્વધર્મ વર્ધકમંડળના ભાઈઓનું આ સમસ્ત નાતની મોટી સભામાં સારો લાગવગ અને માન છે. ઘણા નામાંકિત પુરૂષો આ સભાના પ્રમુખ થઈ ગયા છે. હાલના તેના પ્રમુખ વિરમગામવાળા દરબાર શ્રી લાલસિંહજીભાઈ છે. આ સભા અથવા આપણી કડવા કણબીની નાત તરફથી “કડવા વિજય” નામનું માસિક બાર વર્ષથી પ્રસિદ્ધ થાય છે અને જ્ઞાતિમાં ઘણું માનભરી રીતે પ્રસિદ્ધ છે. તેનું વાર્ષિક લવાજમ ફક્ત સવા રૂપિયો રાખવામાં આવ્યું છે, જે તેના ખર્ચ કરતાં પણ ઓછુ છે. આ માસિક વાંચવાથી જ્ઞાતિની તમામ હકીકત ઘેર બેઠે જાણી શકાય છે. કડવા કણબી નામ ધરાવાતી ઈચ્છાવાળા દરેક ભાઈએ તેના ગ્રાહક થઈ ખાસ મંગાવાની જરૂર છે. જ્ઞાતિના દરેક બંધુ તરફથી છપાવાની હકીકત તેમાં છપાય છે અને છપાયેલી હોય તે જાણી જ્ઞાતિના આગેવાનો શું કામ કરે છે તે જાણી શકાય છે તેના ગ્રાહક થવા માટે નીચેના સરનામે લખવું.

૩૦૩, વાડીગામ                                                            મગનભાઈ જી. એન્જિનીઅર

અમદાવાદ                                                                  તંત્રી – કડવા વિજય

          

Leave a Reply

Share this:

Like this: