ગુજરાતમાં સૌથી વધારે પ્રભાવશાળી અને મહત્વનો સમાજ પાટીદારોનો છે. જો ગુજરાતમાંથી પાટીદારોને બાદ કરવામાં આવે તો લગભગ એકડા વિનાનાં મીંડા જેવી સ્થિતિ થઇ જાય. આ પાટીદારોમાં પણ ઘણા વિભાગો છે. એમાં લેવા અને કડવા આ બે મુખ્ય છે. પણ આ બંનેમાં પણ કચ્છના પાટીદારો સવિશેષ મહત્વ ધરાવે છે. કચ્છના પાટીદારોએ ભારતભરમાં, એમ કહો કે વિશ્વભરમાં, જેટલું માઇગ્રેશન (સ્થળાંતર) કર્યું છે એટલું કદાચ બીજા કોઇએ નહિ કર્યું હોય. એટલે કચ્છ કડવા પાટીદારો ભારતના ખુણે ખુણે જોવા મળશે. તેમણે અદ્ભુત સાહસ અને વિપુલ પરિશ્રમ કરીને જયાં ગયા, જયાં વસ્યા, ત્યાં પોતાનું આગવું મહત્વ સ્થાપિત કર્યું છે.
પણ આ કચ્છ કડવા પાટીદારોમાં કોઇ કાળે એવું બન્યું કે કેટલાક ધરો વિધર્મ (સતપંથ) તરફ દોરવાઇ ગયા. જો કે વિધર્મ તરફ દોરવાઇને પણ તેમણે પોતાની સાંસ્કૃતિક અને સામાજીક સ્થિતિને સાચવી રાખી. સમય જતાં જયારે સમાજના આગેવાનોને ભાન થયું કે આપણા કેટલાક ભાઇઓ ગેરમાર્ગે દોરવાઇ રહ્યા છે,એટલે એમણે એક પ્રચંડ ઝુંબેશ શરૂ કરી. એ ઝુંબેશના પરિણામે ઘણા ખરા ભાઇઓ સમજી વિચારીને મુળ હતા ત્યાં પાછા ફરી ગયા છે. તે બધા અભિનંદને પાત્ર છે.
આપણો મૂળ સનાતન ધર્મ છે અને સનાતન ધર્મની પરંપરામાં લક્ષ્મીનારાયણ દેવ આપણા ઉપાસ્ય દેવ છે તથા ઉમિયા મા આપણી સૌની કુળદેવી છે. જેમ જેમ આ ભાવના દ્ઢ થતી ગઇ,તેમ તેમ કડવા પટેલો વધુને વધુ સંપીને એકતા કરનારા બન્યા છે. સંપ અને એક્તા હોય એટલે આપોઆપ સુખ આવે. ત્યારે કચ્છ કડવા પાટીદાર સૌથી વધુ સુખી ગણાય છે. આવી સ્થિતિમાં જે થોડા ઘણા હજી પણ ગેરમાર્ગે દોરવાયેલ બાકી રહી ગયા છે, તે બધાને સમજાવી બુઝાવીને ફરી પાછા પોતાના મુળ સનાતનધર્મમાં લાવવા માટે આગેવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આવા પ્રયત્નોને વધુમાં વધુ સફળતા મળે અને કચ્છ કડવા પાટીદારો વર્ષો પહેલાં જેમ એક હતા તેમ ફરી પાછા એક થઇ જાય એવી હું માતા ઉમિયાને તથા લક્ષ્મીનારાયણ દેવને પ્રાર્થના કરૂં છું.