Book: Abhilekh -2, 2024 (અભિલેખ -2, 2024)

Index

37. સણસણતો જડબાતોડ જવાબ - વર્ષ 1983

શ્રીસ્વામિનારાયણ વિજ્યતેતરામ ।

ૐ નમો ભગવતે વાસુદેવાય નમઃ ॥

 

પટેલ શામજી લખમણ નારાણપુરવાળાના નામથી છપાઈને

જાહેરમાં બહાર પાડેલી એક પાનામાં બંને બાજુ અને

અડધા પાનમાં એક બાજુ એવી રીતે દોઢ પાનામાં છપાયેલી

તારીખ ૩—૧૧—૮૨ વાળી એક પત્રિકાનો

 

સણસણતો જડબાતોડ જવાબ

 

સંવત ૨૦૩૯                                                      ઈ.સ. ૧૯૮૩

 

 

 

લેખક અને પ્રકાશક

પટેલ ગોપાલજી સોમજી ભગત

ગામ કચ્છ શ્રી રવાપરવાળા, તાલુકો નખત્રાણા, કચ્છ.

 

 

 

 

ભાઈશ્રી, તમોએ તમારા નામથી છપાવેલી દોઢ પાનાની પત્રિકાના પહેલા પેરેગ્રાફની શરૂઆતમાં જ લખો છો કે શ્રી કચ્છ કડવા પાટીદારમાંના શ્રી સ્વામીનારાયણના અનુયાયીઓને ઉદ્દેશીને જે લખ્યું છે, તેના જવાબમાં જણાવવાનું કે ભાઈશ્રી અમોએ તમોને જોયા તેમજ જાણ્યા નથી, તેમજ તમો કોણ છો તે પણ અમો જાણતા નથી. તમારા નામથી છપાયેલી પત્રિકા તમોએ પોતે જ લખીને છપાવી છે કે તમારા કોઈ વિઘ્ન સંતોષીઓએ છપાવી છે ? કે તમોને કોઈએ ભોળા હૃદયના સમજીને તમારા ભોળપણનો લાભ લેવા  કોઈકે તમોને હોળીનું નાળીયેર બનાવીને તમોને જગતમાં અળખામણા બનાવવા માટે તમોને છેતરીને વિશ્વાસઘાત તો કર્યો નથી ને ? કારણ કે જગતમાં સ્વાર્થી, લુચ્ચાં અને બદમાશ લોકો પોતાનું ધાર્યું સિદ્ધ કરવા માટે પોતાને તો જાહેરમાં બહાર પડવાની હિંમત જ ન હોય એટલે બીજી કોઈપણ વ્યક્તિને કોઈપણ જાતનાં પ્રલોભનની લાલચમાં લલચાવીને બલિદાનનો બકરો બનાવે છે એવું એવું તો તમારી સાથે બન્યું તો નથી ને ? કારણ કે અમોને તમારા લખાણ ઉપરથી જણાય છે કે આવું લખાણ તમારા પોતાના મગજથી લખાયું હોય તેવું અમોને જરા પણ જણાતું નથી. કારણ કે આવા સામાજિક ઐતિહાસિક બાબતનું જેને જરા પણ જ્ઞાન ન હોય અને તેને ઢંગધડા વગરનું લખાણ લખીને બાફી નાખે તો તેવા માણસને જગતમાં મુરખ તો ઠીક પણ મુરખાઓનો સરદાર જાણે છે અને એવા માણસો વજૂદ વગરનાં લખાણો લખીને પોતાની અક્કલનું જાહેરાતમાં લીલામ કરે છે. અને તેવા માણસો જગતમાં ગધેડા બનીને લીધાં દીધાં વગરનો ખોટો ભાર ખેંચે છે. તો તેવા માણસોમાં અક્કલ કેટલી હશે ? ભાઈશ્રી, આ તો મેં એક દૃષ્ટાંત આપેલું છે તેમાં જો ઉપર લખી હકીકત જો તમોને બંધબેસતી આવતી હોય તો તેવી પાઘડી તમારે માથે પહેરી લેવાની જરા પણ જરૂર નથી. હંમેશાં દૃષ્ટાંત વગર સિદ્ધાંત બેસતો નથી માટે લખવું પડ્યું. તમો પોતે મુરખા છો કે ગધેડા છો તેવો તમોને મારે કહેવાનો કોઈ પણ ઈરાદો નથી. તમોએ અમારું કાંઈ પણ બગાડ્યું નથી તેમજ તમો અમારા કોઈ દુશ્મન હો તેવું પણ નથી અમોને પત્રિકામાં તમારું નામ છે એટલે અમારે ન છુટકે તમારું નામ લઈને સંબોધવું પડે તે સ્વાભાવિક જ છે. અમોને માત્ર એટલું જ દુઃખ થાય છે કે તમારા જેવા નિદોર્ષ ભાઈને કોઈકે ગમે તે પ્રકારની ખોટી અગર સાચી એવી લાલચ આપીને તમોને અળખામણા કરવા કદાચ સંડોવ્યા હોય તો તેનું અમોને દુઃખ થાય છે. તમારી લખેલી પત્રિકાની પાછળના પડદા પાછળ ભૂજ મંદિરના નાત જાતની પંચાયત કરવાવાળા સાધુઓ હોય અગર અમારી કચ્છ કડવા પાટીદાર સમાજમાંના શ્રી સ્વામીનારાયણ ધર્મ પાળવાવાળામાંથી  કેટલાક સમાજદ્રોહી ભાઈઓ હોય એમ બંનેમાંથી કોઈપણ હોય અગર બંનેના સાથ સહકારથી તેમજ સલાહથી તમોએ પત્રિકા છપાવી હોય એવું અમોને  જણાય છે. કારણ કે ઉપર લખેલા બંનેમાંથી જ આવા ઐતિહાસિક બાબતનું ખોટું અને ઠગારું જ્ઞાન તમોએ મેળવ્યું હોય એવું અમોને જણાય છે. તમોને કોણે સાચી ખોટી સલાહ આપી અને તેની સાચી હકીકત શું છે તે તમો જાણો. અમો જાણતા નથી આ તો અમારી માત્ર શંકા છે.

          ભાઈશ્રી, તમારી લખેલી દોઢ પાનાની પત્રિકાના પહેલા પેરેગ્રાફમાં લખો છો કે કેટલાક સ્વામીનારાયણ સંપ્રદાયના અનુયાયી કડવા પાટીદારના ભાઈઓ તરફથી કહેવામાં આવે છે કે ભૂજ સ્વામિનારાયણ મંદિરમાં કડવા પાટીદાર જ્ઞાતિને હલકી જાતની ગણી વ્યવહાર કરવામાં આવે છે તેવું જણાવી જ્ઞાતિના ભાઈઓને ભૂજ સ્વામિનારાયણ મંદિર અને સાધુ પ્રત્યે અભાવ પેદા થાય તેવું ઉશ્કેરણીજનક વાતાવરણ પેદા કરી રહ્યા છે. એમ જણાવો છો. તો તેના જવાબમાં જણાવવાનું કે અમોને ભૂજ મંદિર અને તેમાં પધરાવેલા દેવ તેમજ મંદિરમાં રહેતા એવા ગણ્યાં ગાંઠ્યાં થોડાક જ માનવંતા પૂજ્ય સંતો કે જેના પ્રત્યે અમોને ખૂબ માન છે અને તેવા સાધુઓ અમારા પૂજ્ય અને વંદનીય છે. તો તેવા સાધુઓ કેટલા અને તેનું ઉપજે શું ? તો તેવા માત્ર થોડાક જ સાધુઓને છોડીને કે જેઓ બીજાઓ નાતજાતની પંચાત કરવાવાળા ખટપટીઆ સાધુઓ છે જેને કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિને આજે લગભગ ૮૦થી ૯૦ વર્ષ થયાં એક હલકી જાતિની ગણી જાહેરાતમાં વગોવી તેના સાથે એક હલકટભર્યું તેમજ ઓરમાયું વર્તન  આજ દિવસ સુધી પોતાની શીરજોરીના જોરે એકસરખું ચલાવી અને કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિને  હેરાન પરેશાન કરી હજારો રૂપિયાના ખોટા ખર્ચામાં ઉતારીને પાયમાલ કરી નાખ્યા છે. જેના પુરાવારૂપે તેવા સાધુઓના હસ્તલેખીત અસલ કાગળો તેમજ અસલ સહીઓવાળા કાગળો અમારી ફાઈલમાં મોજુદ છે અને હાલમાં જે ઉશ્કેરણીજનક વાતાવરણ કરી રહ્યા છે. તેઓ બીજા કોઈપણ નથી પણ ખાસ ભુજ મંદિરમાંના કેટલાક ખટપટીયા સાધુઓ જ કરી રહ્યા છે તે સાફ દીવા જેવી વાત છે. તેથી ભુજ મંદિરમાંના એવા ખટપટીયા સાધુઓ સાથે અભાવ પેદા થાય એ તો સ્વાભાવિક જ છે. અને એમાં નવાઈ જેવું કાંઈ પણ નથી. ભુજ મંદિરના ખટપટીયા સાધુઓનાં હાથનાં કર્યાં હૈયે વાગ્યાં તો તેમાં બીજાઓ શું કરે ? તેવા સાધુઓએ કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિ સાથે વિચાર, વાણી અને વર્તનથી કેવો વર્તાવ કર્યો છે તેના કાળાં કૃત્યોને લેવા તથા પાટીદાર સમાજના લગભગ બધા જ ભાઈઓ જાણે છે. હમણાં તાજેતરમાં ગામ શ્રી દયાપુરમાં સાધુપ્રેમી અને સમાજદ્રોહી એવા શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજમાંના કેટલાક ભાઈઓ અને કચ્છ કડવા પાટીદાર સમાજના સમાજ પ્રેમી ભાઈઓ વચ્ચે આપસમાં ભુજ મંદિરના કેટલાક સાધુઓએ આપસમાં એકબીજાઓમાં ઉશ્કેરણીજનક વાતાવરણ પેદા કરી કરાવીને ઝઘડા કરાવ્યા અને તેવા ઝઘડાના પરિણામે હાલમાં તેઓના ઝઘડાનો મામલો કોર્ટમાં ચાલે છે. ભુજ મંદિરમાંના કેટલાક ખટપટીયા સાધુઓએ ભૂતકાળમાં સંવત ૧૯૮૪ {Year: 1927-28} ની સાલ પછી કચ્છના ભુજ ચોવીસીના લેવા પાટીદાર સમાજમાં આપસમાં ઝઘડાના ગણેશ માંડ્યા. જેના પ્રત્યાઘાતોનો પવન તે વખતે શ્રી સ્વામીનારાયણ સંપ્રદાયમાં તેમજ વિદેશમાં ઇંગ્લાંડ, આફ્રિકા વગેરે દેશોમાં ફુંકાયો એવું તે વખતે સાંભળવામાં આવ્યું હતું. તેવા ઝઘડાઓ વર્ષો સુધી ચાલ્યા આખરે નિમિત્તે શાંત થયા અને તેવા ઝઘડાના પુરાવારૂપે ભુજમાં એક સમાજ અને એક જ સંપ્રદાયમાં બે મંદિરો થયા આ છે ભુજ મંદિરમાંના કેટલાક ખટપટીયા સાધુઓનાં કર્તવ્ય.

          ભાઈશ્રી, તમો ભુજ મંદિરના ખટપટીયા સાધુઓના ફંદામાં જો ફસાઈ જશો તો તમોને જ્યારે  કર્તવ્યનું ભાન થાશે ત્યારે તમોને પસ્તાવો થયા વગર રહેશે જ નહિ. જુઓ અમારી કચ્છ કડવા પાટીદાર સમાજમાંના કેટલાક ભાઈઓને ભુજ મંદિરના સાધુઓએ પોતાની જાળમાં ફસાવી લીધા છે અને એવા ભાઈઓ પોતાના સમાજને તરછોડીને ભુજ મંદિરના સાધુઓના પોપલા અને વેવલા બનીને સાધુઓના સાગરીતો બન્યા હોય તેવું જણાય છે. પણ તેઓ હાલમાં ભુલી ગયા લાગે છે કે ભૂતકાળે અને વર્તમાનકાળે એમ વરસોથી પાયમાલ કરીને જે મુમના તરીકેનો ઈલકાબ આપીને જાહેરમાં ફજેતી કરે છે તેનું જ્યારે તેઓને જાણ થાશે ત્યારે પસ્તાવો થયા વગર રહેશે નહિ. જો કે તેવા ભાઈઓ જાણવા છતાં હજી ઊંઘે છે. અમારા સમાજમાં એક વખતે ભૂતકાળે આગેવાન હતા તે ભાઈઓએ સમાજમાં બેસી ભુજ મંદિરના ખટપટીયા સાધુઓ સાથે કેટલો વિરોધ કરેલ છે જે ભુજ મંદિરના સાધુઓ સાથે આપણા સમાજે કોઈ પણ જાતનો વહેવાર કરવો નહિ તેમજ ભુજ મંદિરના સાધુઓને આપણા સાતે ગામમાં  ચર્ચા બંધ કરવા વગેરે જોરદાર વિરોધના કાગળો લખીને સમાજના આગેવાન ભાઈઓની સહીઓ કરી કરાવીને તેની કોપીઓ ભુજના સાધુઓ ઉપર મોકલી આપેલ છે. તેવા ભૂતકાળે આગેવાન ગણાતા ભાઈઓએ પોતાના હાથથી કાગળો લખેલ. જેની હસ્તલેખીત કોપીઓ અમારી ફાઇલોમાં મોજુદ છે તો તેવા કેટલાક ભાઈઓ હાલમાં ભુજ મંદિરના સાધુઓને રવાડે ચડ્યા છે. તેઓને જ્યારે ફરી ફટકો પડશે ત્યારે સમજશે. ભાઈશ્રી વળી તેવા ભાઈઓએ સમાજમાં બેસી કેવું વર્તન કર્યું છે તેનો પુરાવો ગામશ્રી દયાપુરના મંદિરમાં મૂર્તિઓ પધરાવવાની પ્રતિષ્ઠા નિમિત્તે યજ્ઞ કરવો તેમાં સલાહ સૂચનની આપ—લે કરવા ભુજ મંદિરમાંના સાધુઓ પાસે દયાપુર ગામના ભાઈઓ લગભગ ૬થી ૭ વખત ગયા હતા પણ ભુજ મંદિરના સાધુઓએ દરેક વખતે એક જ હઠાગ્રહ પકડ્યો કે જો લેવા અને કડવાના બેય રસોડાં જુદા થાય તો જ દયાપુરમાં યજ્ઞ થાય અને જો બે રસોડાં લેવા અને કડવાનાં જુદાં ન થાય તો યજ્ઞ થાય નહીં એનો અર્થ એ થયો કે ભુજ મંદિરના સાધુઓ હજી સુધી કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિને એક હલકી વર્ણની ગણીને લેવા અને કડવાનો એક રસોડો કરવો નહિ અને લેવા તથા કડવાને એક જ પંક્તિએ ભેગા બેસીને કોઈ પણ રીતે જમાડવા નહિ માટે બે રસોડાં કરવાં એવો જોરદાર હઠાગ્રહ કર્યો એટલે ગામ શ્રી દયાપુરના કચ્છ કડવા પાટીદાર શ્રી સ્વામીનારાયણ ધર્મ પાળવાવાળા ભાઈઓએ સાતે ગામમાં રહેતા શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ શ્રી સ્વામીનારાયણ ધર્મ પાળવાવાળા ભાઈઓને સંવત ૨૦૩૭ના માગશર વદ ૯ ને મંગળવાર તારીખ ૩૦—૧૨—૧૯૮૦ના રોજે ગામ શ્રી દયાપુર મધ્યે રાત્રે ૯ વાગ્યે શ્રી સ્વામીનારાયણ મંદિરમાં જ સભામંડપના હોલમાં એક સામાન્ય સભામાં હાજર રહેવા બોલાવ્યા. એટલે સાતે ગામના ઉપરોક્ત ધર્મ પાળવાવાળા ભાઈઓએ આવી સામાન્ય સભામાં હાજરી આપી. એટલે સમાજની સભાનું કામકાજ સમાજના પ્રમુખ સાહેબની આજ્ઞાથી શરૂ થયું. ચર્ચા વિચારણાને અંતે સમાજે સર્વાનુમતે એવું નક્કી કર્યું કે ભુજ મંદિરના સાધુઓ જો આપણી કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિને એક હલકી વર્ણની ગણીને જો બે રસોડા કરવા માગતા હોય તો આપણે તેમાં સહમત થવું નથી. અને ભુજ મંદિરના સાધુઓ જો આપણી માંગણીને સહમત ન થતા હોય તો આપણા સમાજની સ્વમાનની રૂ એ આપણા અને સાધુઓ વચ્ચે આ પ્રશ્ન ન પતે ત્યાં સુધી ભુજ મંદિરના સાધુઓના હાથની ભીની રસોઈ આપણા સમાજમાંના કોઈપણ ભાઈ અગર બેનો એ જમવી નહિ. તેમજ આપણા સમાજના કોઈપણ ભાઈઓએ ભુજ મંદિરના સાધુઓના રસોડે જમવું નહિ. એવો સમાજમાં સર્વાનુમતે ઠરાવ થયેલ તેનું માત્ર એક જ કારણ કે આપણી આ લડત ભુજ મંદિરના સાધુઓ સાથે ચાલુ છે. તો તેવા ઠરાવને ટેકો આપવા રૂપે સમાજમાં બેઠેલા એક ભાઈ ઊભા થઈને એવું બોલ્યા કે ભુજ મંદિરના સાધુઓ તેમજ ભુજ મંદિર સાથેનો વ્યવહાર સદંતર બંધ કરી આપવો. પરંતુ તેવું સમાજને ઠીક ઉચિત ન લાગતાં ફક્ત ભુજ મંદિરના સાધુઓની હાથની બનાવેલી ભીની રસોઈ આપણા સમાજમાંના કોઈ પણ ભાઈએ જમવી નહિ એવો પાકો ઠરાવ સર્વાનુમતે થયો પરંતુ તેમા કેટલાક ભાઇઓમાંથી એક ભાઇ આરંભે શૂરા બની જોરશોરથી બોલ્યા કે ફક્ત ઠરાવ કરવાથી કામ થાશે નહિ. તો આજની સમાજે કરેલા ઠરાવનું પરિપૂર્ણ પાલન કરવા આપણે સૌ ભાઈઓએ શિક્ષાપત્રી જેને ભગવાનની વાણી અને સ્વરૂપ છે તેવી શિક્ષાપત્રીના સોગંદ સાથે  પ્રતિજ્ઞા કરવી અને આજ ભગવાનના મંદિરમાં ભગવાનની સામે બેસી સોગંદ લેવા અને પ્રતિજ્ઞા કરવી કે જ્યાં સુધી ભૂજ મંદિરના સાધુઓ આપણી સમાજની માંગણીનો સ્વીકાર ન કરે ત્યાં સુધી આપણી આજની સમાજે જે ઠરાવ કરેલ છે તેને પરિપૂર્ણ પાલન કરવા માટે આપણે આજે બધા ભાઈઓએ એકી અવાજે શિક્ષાપત્રીના સોગંદ લેવા અને પ્રતિજ્ઞા કરવી કે આપણા સમાજમાંનો કોઈપણ ભાઈ આપણા સમાજના આજના ઠરાવનું જો પરિપૂર્ણ ચૂસ્તપણે જો પાલન કરે નહિ તો તેવો ભાઈ સમાજદ્રોહી ગણાશે અને સમાજ સાથે વિશ્વાસઘાત કર્યો છે તેથી વિશ્વાસઘાતી બનશે. માટે આજની સમાજની સભામાં બેઠેલા સર્વ ભાઈઓએ સમાજના આજના કરેલા ઠરાવને માન આપવા સાથે પરિપૂર્ણ પાલન કરવા સૌએ હાથ ઊંચા કરી એકી અવાજે ઠરાવને માન્ય રાખવો. એવી સોગંદવિધિ કર્યા પછી સૌ ભાઈઓ સમાજની સભાનું વિસર્જન કરી સૌ પોત પોતાને ગામે અને ઘરે ગયા.

          ભાઈશ્રી જે ભાઈએ સમાજમાં ઊભા થઈને જે સોગંદ લેવડાવ્યા અને પોતે પણ લીધા તેવા ભાઈ તો પ્રતિજ્ઞા લેતી વખતે તો એવા તો આરંભે શૂરા બન્યા કે જાણે આ ભાઈ હવે સમાજને ઉગારી લેશે કે ભુજ મંદિરના સાધુઓ સાથે મળીને ઉતારી પાડશે તેનું ભાન તેવા ભાઈને જરા પણ થયું હોય તેમ જણાયું નહિ અને આખરે તેવા ભાઈઓ પોતાની લીધેલી પ્રતિજ્ઞાને નહિ (પાળી) શકવાથી તેઓ પાછા પડ્યા. જેથી સમાજના સમાજદ્રોહી તથા વિશ્વાસઘાતી બન્યા.  જગતમાં ડાહ્યા, ત્રણ પ્રકારના છે. ડાહ્યા, દોઢડાહ્યા અને અખતર ડાહ્યા તો તેવા ભાઈઓ સમાજમાં ડાહ્યા તો રહ્યા નહિ અને પાછળના જે દોઢ ડાહ્યા અખતર ડાહ્યા એમ બે ઈલકાબો રહ્યા તો તેમાંથી પાછળના બે ઈલકાબોમાંથી જે ઠીક લાગે તે ઈલકાબ લે તેમાં અમારે જરાપણ વાંધો નથી. ભાઈશ્રી તેવા ભાઈઓ તો ભુજ મંદિરના સાધુઓ સાથે શરૂઆતની જેમ વર્તવા લાગ્યા. તેથી સમાજે વિચાર કર્યો કે આપણા ભાઈઓમાંથી જે ભાઈઓ એ ઠરાવનું પાલન નહિ કરતાં ઉલટી સમાજની એકતાને તોડે છે અને એકતાને તોડાવે છે. તો સમાજે તેવા ભાઈઓને  સમાજમાં બોલાવીને સમજાવવા જોઈએ. એટલે સમાજે ફરી તારીખ ૨૫—૦૩—૧૯૮૧ના રોજે દયાપુર મુકામે શ્રી સ્વામીનારાયણ મંદિરમાં ભેગા થવા આમંત્રણ આપ્યું. પણ તે વખતે એવું બન્યું કે જેઓ સાધુઓના સાગરીતો બની ગયા હતા તેવા નાના—મોટા બધા ભાઈઓ પોત પોતાના ગામડેથી આવી ગયા અને તેઓએ એવું નક્કી કરેલ હોવું જોઈએ કે આપણને સમાજે બોલાવ્યા છે, એટલે આપણે સમાજમાં જવું અને જો સમાજ આપણને આપણે લીધેલી પ્રતિજ્ઞા અને સમાજના ઠરાવનું પાલન કરવાનું કાંઈપણ કહે એટલે આપણે એકી અવાજે સમાજમાંથી ઉઠીને સમાજનો ત્યાગ કરી આપણા ઘર ભેગું થઈ જવું જોઈએ કે સમાજ આપણને શું કરી નાખશે તેવા ઘમંડી વિચારો સાથે કેટલાક ભાઈઓ એ સમાજનો ત્યાગ કર્યો.

          એટલે બાકીના સમાજમાં બેઠેલા સમાજ પ્રેમીભાઈઓએ વિચાર કર્યો કે જે ભાઈમાં સમાજની રજા વગર પોતાના ઘમંડી વિચારો સાથે સમાજમાંથી  ઉઠી ગયા તેવા ભાઈઓએ સમાજનું અપમાન કર્યું કહેવાય. અને સમાજના ઠરાવને ઠોકર મારી તેનું પાલન કરેલ નથી તો તેવા ભાઈઓએ સમાજ સાથે વિશ્વાસઘાત કર્યો છે જેથી સમાજદ્રોહ તરીકે સમાજમાં જાહેર થાય તે સ્વાભાવિક જ છે. હવે તેવા ભાઈઓ  પોતાના ઘમંડી વિચારોને લઈને સમાજમાંના કેટલાક નબળા મનના જે ભાઈઓ હતા તેઓને ઊંધુંચત્તું  સમજાવીને સમાજની એકતા તોડાવીને પોતાનું સંખ્યાબળ તે વધારવા લાગ્યા. જે ભાઈઓ ભૂતકાળે સમાજમાં બેસી એવા ઠરાવો કરેલા કે ભુજ મંદિરમાં જમવું નહિ.

          વળી કેટલાંક હલકા મનના એવા ભુજ સાધુઓના વેવલા અને પોપલા ભાઈઓ એમ કહે છે કે દીઠી દીઠી તમારી સમાજડી અમે તો ભુજ જાશું અને ભુજના સાધુઓનું પણ ખાશું તમારાથી  અને તમારી સમાજડીથી જે થાય તે કરી લેજો. ભાઈશ્રી આ મારા ટૂંકા લખાણનો સાર એટલો જ આવા ધર્માંધ અને ધર્મઢઢા ભાઈઓને ભુજ મંદિરના સાધુઓએ ભેઠમાં કેવા પથ્થરા ભરાવ્યા છે કે તેઓને જો સામાજીક શીખામણ આપવા જાઓ તો ઉલટા  અવળું બોલે તેવા ભાઈઓ પોતે કઈ જ્ઞાતિના છે તેની જ ખબર નથી, તો બીજું શું જાણશે તેવાઓને તો એક પેટની જ પડી છે, પણ સમાજની તો નહિ જ. ભાઈશ્રી તેવા ભાઈઓ સમાજ સાથે વિશ્વાસઘાત  કરી, સમાજદ્રોહી બની સમાજને તદન બેવફા નીવડ્યા છે.

બેવફા વિષે એક કવિએ કહ્યું છે કે :

          બેવફા થઈ એકને જાવું બીજે એ પાપ છે, એ પાપનો બદલો ભયાનક ઈશનો ઈન્સાફ છે હવે તેનો ઈન્સાફ તો ભગવાનને કરવો રહ્યો છે. અભિમાન કોઈનું રહ્યું નથી અને રહેશે પણ નહિ. ભગવાન બધાનો બેલી છે પણ એક અભિમાનીના બેલી ભગવાન થયા નથી અને થશે પણ નહિ.

          ભાઈશ્રી તમારી લખેલી દોઢ પાનાની પત્રિકાના બીજા પેરેગ્રાફમાં જણાવો છો કે તમારી જ્ઞાતિને હલકી જાણી ક્યો વહેવાર થયો ? અને થાય છે તો તેના જવાબમાં જણાવવાનું કે ભાઈશ્રી તમો કાંઈ નાનાં છોકરા તો નહિ જ હો. આપ બરાબર જાણો છો કે આજે વરસોથી ભુજ મંદિરના સાધુઓ વચ્ચે અને કચ્છ કડવા પાટીદાર સમાજના ભાઈઓ વચ્ચે પંક્તિ ભેદનો જોરદાર ઝઘડો ચાલે છે જેના ઢોલ ખૂબ જોરશોરથી હજી સુધી વાગી રહ્યા છે તેની તમોને શું હજી ખબર નથી ? શું તમો તેનાથી અજાણ છો કે જગતને બેવકૂફ બનાવો છો અને અક્કલ હોંશીયારીનો ઈજારો એક તમો એજ લીધો હોય તેવું તમો કદાચ સમજતા હશો તો તમો ભીંત ભુલ્યા છો ? ભાઈશ્રી તેનો તાજેતરનો પુરાવો ગામશ્રી દયાપુર ગામે મંદિર તૈયાર થઈ ગયું અને લગભગ ત્રણ વરસ સુધી ભગવાન પાટ ઉપર પધરાવેલા રહી ગયા તેનું મૂળ કારણ ભુજ મંદિરમાંના કેટલાક સાધુઓની હઠીલાઈથી મોડું થયું અને તેવી હઠીલાઈ અવળચંડાઈ માત્ર બે રસોડા  માટેની જ હતી તેનું કારણ કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિને હલકી જાણી એક રસોડો અને એક પંક્તિ  કરવા ન જ આપવી એજ વ્યવહારનો વાંધો છે. તેમજ ભુજ મંદિર પર તા. ૨૫—૦૨—૮૧ના રોજ દ્વિશતાબ્દી ઉત્સવ ઉપર રસોડામાં સ્વયં સેવકો માટે કેટલાકની જરૂર છે તેની માંગણી માટેનો સમાજ તરફથી પત્ર લખેલ. તેનો જવાબ ભુજ મંદિર તરફથી તા. ૦૪—૦૩—૮૧ના રોજ જાવક નંબર ૧૧૫—૮૧નો મળ્યો સમાજને તેમાં ભુજ મંદિર તરફથી જણાવેલ છે. કે તમારો પત્ર મળ્યો. રસોડામાં સ્વયં સેવકોની માંગણી બાબત. અહીંના સર્વ હરિભક્તો  તથા સંતોને પુછતાં તમોને રસોડાની સેવામાં તેમજ રસોડાની લગતી કોઈ પણ સેવામાં તમોને લેવામાં નહિ આવે. આ બાબતમાં તેમાં તમો અજાણ છો  કે બેવકૂફ બનાવો છો તે છતાં, તે પછી સમાજ ભુજ ગઇ ને સાધુને કહ્યું કે, દ્વિશતાબ્દી ઉત્સવ સમગ્ર સત્સંગનો છે તો તેમાં રસોડાની લગતી સેવામાં કેમ મનાઈ કરો છો ? તો તે ન થાય તો માઇક પર—મૌખિક—જાહેર કરી દેજો કે રસોડા બાબતમાં પંક્તિ ભેદનો સવાલ નથી કડવા લેવા એક જ પંક્તિએ બેસી પ્રસાદ લેવાના. તો પણ ભુજના સંતોએ ચોખ્ખી મનાઈ કરી કે માઇક પર એનાઉન્સ નહિ થાય તો તે છતાં તમો—લખો છો કે ભુજ મંદિરમાં તમોને કઈ જાતનો ભેદભાવ થાય છે. ભાઈશ્રી લેવા પાટીદાર સમાજના ભાઈઓ સાથે અમારે કોઈ પણ જાતના મતભેદ નથી અને ભવિષ્યમાં થવાનો પણ નથી આ તો ભુજ મંદિરના સાધુઓ તો રામ જાણે કેટલા ભવનું વેર હાલમાં કડવા પાટીદાર જ્ઞાતિ સાથે લઈ રહ્યા છો ? અને રામ જાણે શું કમાણીનો પોટલો બાંધી લેવાનો છે ? તે ભગવાન જાણે. ભાઈશ્રી ભુજ મંદિરના સાધુઓએ હજુ સુધી પોતાનાં કાળજાંને કુણાં કર્યાં નથી અને કરવાના નથી અને કદાચ કર્યાં હશે તો અમો જ્યાં સુધી નજરોનજર ન જોઈએ ત્યાં સુધી અમો માનવાના પણ નથી. જો ભુજ ચોવીશીની લેવા અને કચ્છ કડવા પાટીદાર ભાઈઓની અને લેવા પાટીદારની સાંખ્યયોગી બેનો અને કચ્છ કડવા પાટીદારની સાંખ્યયોગી બહેનોની જાહેરાતમાં એક પંક્તિ કરે અને કોઈ પણ જાતનો જરા પણ ભેદભાવ ન રાખે તો તેને અમો  નજરોનજર જોઈએ ત્યાર પછી અમો તે બાબતનો ફરીથી વિચાર કરીએ. બાકી ખૂણેખાંચાની એક જ પંક્તિને અમો માનવાના નથી. ભાઈશ્રી તમો લખો છો કે તમારી જ્ઞાતિને હલકી જાણીને ક્યો વહેવાર થયો છે અને થાય છે તો તે બાબતમાં વિશેષમાં જણાવવાનું કે ભુજ મંદિરમાંના કડવા લેવા સાધુઓની એક જ પંક્તિ છે તેવું જણાવો છો તેના જવાબમાં જણાવવાનું કે કદાચ ભુજ મંદિરમાં લેવા કડવાના સાધુઓની એક જ પંકિત તેથી તમો ફુલાઇ જતા હો તો ફુલાઇ જવાની જરા પણ જરૂર નથી તમો ભુજ મંદિરના કડવા, લેવા, સાધુઓની એક પંકિત જણાવો છો તો તેવી પંકિત લેવા અને કડવા પાટીદાર સમાજ માંથી થયેલ સાંખ્યયોગી બાઇઓની હજી સુધી શા માટે એક પંકિત થઇ નથી જેની તમોને પણ ખબર છે તો લેવા કડવાની સાંખ્યયોગી બાઇઓની એક પંકિત કયારે થાશે અને શા કારણથી હજી સુધી નથી થઇ તે જણાવશો કે ?

          ભાઇ શ્રી તમોએ ભુજ મંદિરના કડવા લેવા સાધુઓની એક જ પંકિત જણાવી. પણ લેવા કડવાની સાંખ્ય યોગી બાઈઓની એક પંક્તિનું પત્રિકામાં શા માટે જણાવ્યું નથી ? જો તમો તેનું કારણ ન જણાવો તો અમો તમોને જણાવીએ કે આ બધું છે.  ભુજ મંદિરના ખટપટીયા સાધુઓના હાડની હઠીલાઈ નહિ તો બીજું શું છે ? તે અમોને જણાવશો કે આવા ભુજ મંદિરમાંના સાધુઓના હાડના હઠીલાઓના અને અવળચંડાઈના આધારો જોઈએ તેટલા છે. ભુજ મંદિરમાંના સાધુઓએ તમોને અને તમારા જેવાઓને પોપલા અને વેવલા સમજીને તમારા હાથથી આવી દોઢ પાનાની પત્રિકાનાં પાના આ છપાવીને તમોને ખુશામતીયા તરીકે જાહેર કરે. અગર જાહેર કરતાં હોય તો તેને તમો જાણો અમો તેમાં જાણતાં નથી. ભાઈશ્રી તમોએ આવી દોઢ પાનાની પોપલી પત્રિકા છપાવીને અમારા સુતેલા સંકલ્પોને તમારી ઉશ્કેરણીજનક ઉનાઈઓથી જાગૃત કર્યા છે જેથી તેના જવાબ રૂપે અમારે ન છુટકે ખોટી રીતે (પીષ્ટ પેષણ) કાગળનાં પાનાં ચિતરવાની જરૂર પડી છે. જેથી તમોએ જ અમોને ભુજ મંદિરમાંના સાધુઓની  જેમ હવેથી હેરાન—પરેશાન કરવા રૂપ ગણેશ માંડ્યા છે તો તેવા ગણેશની ઘટીકાઓ અમારે સહન કરવાની સહાનુભૂતિમાં તમો સહમત થશો કે નહિ ? કે અમારે જ સહન કરવાની રહેશે. અમોએ તો તમારી વજૂદ વગરની પત્રિકાના જે જે જવાબો આપ્યા છે તે સો એ સો ટકા સત્ય છે તેમ તમારે  વાંચી વિચારીને ન છુટકે માની લેવું પડશે. અને તેના જવાબોની લખામણી તેમજ છપામણી ખર્ચ તદન તમારે શીર તમારી જવાબદારી છે તેની નોંધ લેશો. કદાચ તમો ભવિષ્યમાં અમોને એમ કહેશો કે અમોએ તમોનેે ક્યારે કહ્યું હતું કે તમો અમારી છપાવેલી પત્રિકાનો છપાવીને જવાબ આપો. શા માટે જવાબ આપવાની તકલીફ લીધી. એવું કદાચ  તમારું માનવું હશે તો તેના જવાબમાં અમો તમોને સાફ શબ્દોમાં જણાવીએ છીએ કે તમોએ અમોને  તમારી પત્રિકાના પહેલા પેરેગ્રાફમાં કચ્છ કડવા પાટીદાર ભાઈઓને ઉદ્દેશીને આવું ખોટું અને નાપાયાદાર લખાણ લખીને છપાવીને જાહેરાતમાં મૂકવાની તમોને શી જરૂર હતી ? હમણાં જેમ ચાલતું હતું તેમ ચાલવા દેવું જોઈતું હતું. લોકમાં કહેવાય છે કે ચોર હોય તે ઉતાવળીયો થાય તો તેવી લોકવાણીને તમારે શીર લેવાની શી જરૂર હતી ? કોઈ સૂતેલાને જગાડવો તો તેનું પરિણામ ભોગવવા  તૈયાર રહેવું જોઈએ તેમાં અમો શું કરીએ ?  

          ભાઈશ્રી તમો તમારી દોઢ પાનાની પત્રિકાના ત્રીજા પેરેગ્રાફમાં જણાવો છો કે તમારી જ્ઞાતિને શુદ્ધ પવિત્ર ગણીને સાધુ દિક્ષાનો અધિકાર આપ્યો છે તે મુજબ તમારી જ્ઞાતિના ત્યાગીઓને સાધુ દિક્ષા આપી ભુજ મંદિરમાં સન્માનપૂર્વક રાખ્યા છે. તો તેના જવાબમાં લખવાનું કે અમારી જ્ઞાતિને શુદ્ધ પવિત્ર ગણીને સાધુ દિક્ષાનો અધિકાર આપ્યો છે. તો તેવો અધિકાર કોણે આપ્યો છે ? ભૂજના સાધુઓએ કે બીજાઓએ ? ભુજ મંદિરના સાધુઓએ તો અમારી કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિને કેવી પવિત્ર ગણી છે તેનો એક સત્ય દાખલો અત્રે મારે ન છુટકે રજૂ કરવાની ફરજ પડી છે. અને તે એ કે સંવત ૨૦૧૧ના ચૈત્ર માસ {VSK: Between 25-Mar-1955 and 22-Apr-1955} ની અગાઉ ભુજના સાધુઓએ અમારી જ્ઞાતિને વરસોથી વગોવી, હલકી ગણીને ઉતારી પાડવામાં જરા પણ ખામી રાખી નથી અને તે સાધુ દિક્ષા કેમ આપવી પડી અને કોના થકી સાધુ દિક્ષા અપાઈ તેના સત્ય હકીકતનો પુરાવો મેં કાનોકાન સાંભળેલો તે અહીં હું રજૂ કરું છું. ભાઈશ્રી હું સંવત ૨૦૨૪ {Year: 1967-68} ની સાલમાં મારા પોતાના અંગત કામસર અમદાવાદમાં રહેતો હતો તે દરમિયાન અવારનવાર હું ગુજરાતની કડવા પાટીદાર જ્ઞાતિના પ્રેસિડેન્ટ એવા શેઠ શ્રીમાન શેઠ નંદુભાઈ મંછારામ પટેલના નિવાસસ્થાને શાહીબાગમાં શેઠને મળવા જતો હતો. એક વખત એવું બન્યું કે હું (ગોપાલજી) તથા મુખીશ્રી ઓઘડલાલભાઈ વેલજીભાઈ પટેલ એમ અમો બંને જણા સંવત ૨૦૨૪ના ફાગણ સુદ ૪ને રવિવાર તારીખ ૦૩—૦૩—૧૯૬૮ ના રોજ બપોર પછી ત્રણ વાગ્યાના સુમારે અમો બંને જણાઓ શેઠ શ્રી નંદુભાઈને ઘેર શેઠને મળવા ગયા. ત્યારે શેઠે અમારા ખબર—અંતર  પૂછ્યા પછી મેં (ગોપાલજીએ) શ્રી નંદુભાઈ શેઠને વિનંતીથી પૂછ્યું કે શેઠ આપણા કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિમાંથી થયેલા સાધુઓને સાધુ દિક્ષા આપવામાં વર્ષો સુધી ભૂજ મંદિરના સાધુઓએ ખુબ જ દુરાગ્રહ કર્યો પણ આખરે આપણા સાધુઓને સાધુદિક્ષા અપાવવામાં ભુજ મંદિરના સાધુઓ સંમત થયા. ખરા એ એક આપણા સદભાગ્યની વાત છે. ભુજ મંદિરના સાધુઓની સંમતિ વગર અમદાવાદના ધ.ધુ. આચાર્ય મહારાજશ્રી કોઈ રીતે સાધુ દિક્ષા આપી શકે તેવું જરાપણ અમોને જણાતું ન હતું. ધ.ધુ. આચાર્ય મહારાજશ્રી મોઢાથી ના પાડતા નહિ અને હાથથી આપતા નહિ એવું વરસો સુધી ચાલ્યું પણ આખરે સારું થયું. ત્યારે શ્રી નંદુભાઈએ મને કહ્યું કે છોકરા જ્યારથી એટલે સંવત ૧૯૯૮ {Year: 1941-42} ની સાલ પછીથી આપણા કચ્છ કડવા પાટીદાર સમાજમાંથી થયેલા સાધુઓને સાધુ દિક્ષા આપવા બાબત ભુજ મંદિરમાંના સાધુઓ જ્યારે જ્યારે અમદાવાદ આચાર્ય મહારાજશ્રી પાસે આવે ત્યારે ધ.ધૂ. આચાર્ય મહારાજશ્રી મને ઘણી વખત બોલાવતા અને કહેતા કે તમારી કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિમાંથી થયેલા સાધુઓને સાધુ દિક્ષા અપાવવામાં ભુજ મંદિરના સાધુઓ ખુબ દુરાગ્રહ કરી રહ્યા છે તો તેઓને તમો સમજાવો. ત્યારે અવાર નવાર મહારાજશ્રીના કહેવાથી ભૂજ મંદિરના સાધુઓ સાથે આપણા સમાજમાંથી થયેલા સાધુઓને દિક્ષા અપાવવા બાબત ઘણી વખત ચર્ચા થતી ત્યારે ભુજ મંદિરના સાધુઓ ઘણી વખત આવેશમાં આવી મિટિંગમાં વિનય અને વિવેક છોડીને ઉદ્ધતાઈ ભરી વાણી વાપરતા. તે જોઈ સાંભળીને મને એમ થતું કે તમારા કચ્છના સમાજ સુધારકશ્રી નારાણજીભાઈ રામજીભાઈ લીંબાણીએ ઘણી વખત મને ભુજ મંદિરના સાધુઓનું હલકટભરી વાતાવરણનું કહેતા શ્રી નારાણભાઈ કહેતા કે હું શ્રી સ્વામીનારાયણ સંપ્રદાયમાંના અગ્રેસર ગણાતાં એવા વડતાલ તથા અમદાવાદ અને તે બંને દેશોના મોટાં મોટાં મુખ્ય મંદિરો જેવા કે ગઢડા, મુળી વગેરે મોટાં મોટાં મંદિરોમાંના મંદિરોમાં અગ્રેસર ગણાતા એવા મોટા વયોવૃદ્ધ સંતો તેમજ શાસ્ત્રીઓ પુરાણીઓના સંપર્કમાં  આવેલ છું, પણ ભુજ મંદિરમાંના સાધુઓ જેવા ઈર્ષાળુ અને હઠીલા એવા સ્વભાવ ધરાવતા સાધુઓ મેં (નારાણજી ભાઈએ) ક્યાંક પણ જોયા નથી. તેઓની વાણીમાં વિનય, વિવેક અને સભાનું શિસ્ત જાળવવું એ ત્રણેનો ખૂબ અભાવ છે. તે વાત મને યાદ આવતાં જણાતું કે શ્રી નારણજીભાઈ જે કહેતા તે તદન સત્ય જ છે કારણ કે ભુજ મંદિરના સાધુઓમાં સભામાં કેમ બોલવું અને તેના શિસ્તનું પાલન કેમ કરવું તે તો બિલકુલ જાણતા નથી જ. શ્રી નંદુભાઈ કહે કે ભુજ મંદિરના  સાધુઓએ ઘણી વખત અમારી સાથે દગો રમીને  આખરે વિશ્વાસઘાત કરેલા છે. ત્યારે મેં (ગોપાલજીએ) શેઠને કહ્યું કે તમો જે નારાણજીભાઈનું નામ સુચવો છો તે જ નારણજી બાપા મારા સામાજીક ગુરૂ હતા. અને શ્રી નારાણજીભાઈ તે, સામાજિક ગુરૂ તરીકે માન્યા પછી હું (ગોપાલજી) શ્રી નારાણજી બાપાના એક સરખા સાત વરસ સુધી હું સતત સંપર્કમાં હતો એટલે શ્રી નંદુભાઈ આ મારી વાત સાંભળીને બહુ જ મારા ઉપર રાજી થયા. અને કહ્યું કે મારો અને શ્રી નારાણજીભાઈનો સામાજીક લેવલે અમો બંનેમાં ઘણો સારો મેળ હતો. પછી મને તથા શ્રી ઓઘડલાલભાઈ વેલજીભાઈને રૂબરૂમાં શેઠે વાત કરી કે છોકરા તે જ દિક્ષા બાબતે વાત કરી એટલે આપણા સાધુઓને દિક્ષા કેમ મળી છે તેની રામાયણનો ટૂંકો અહેવાલ તમોને કહું છું. ત્યાં મેં કહ્યું કે શેઠ, મને કાગળ આપો તો હું તેવા બનેલી ઐતિહાસિક બાબત લખી લઉં. એટલે શેઠે મને કાગળ આપ્યો એટલે શેઠશ્રી નંદુભાઇ બોલતા ગયા અને તેની મિનિટ હું લખતો ગયો. ત્યારે શેઠ બોલ્યા કે હું મારા નિયમ મુજબ મારી મોટરમાં બેસી અમદાવાદ મંદિરમાં ઠાકોરજીનાં દર્શન કરવા જાઉં તે મુજબ હું દેવનાં દર્શન કરી રંગમહેલમાં શ્રી ઘનશ્યામ મહારાજના દર્શન કરવા ગયો.

          ઘનશ્યામ મહારાજના દર્શન કર્યાં પછી હું આવવાની તૈયારી કરતો હતો. ત્યાં અમદાવાદ મંદિરમાંના જ એક સાધુએ આવીને મને કહ્યું કે શેઠ સભા મંડપમાં ભુજ મંદિરના સાધુઓ જે આવ્યા છે તેઓ તમારી કચ્છની કડવા પાટીદાર સમાજ માટે બહુજ ગંદુ વાતાવરણ કરે છે એટલે હું ( શ્રી નંદુભાઇ શેઠ) સભા મંડપમાં આવ્યો. ત્યાં ભુજ મંદિરના સાધુઓના ઉતારાનો દરવાજો કે જ્યાંથી સભા મંડપમાં અવાય છે તે દરવાજામાં ત્રણ જણા ભુજ મંદિરના સાધુઓમાંથી આવ્યા હતા. તેઓ ઊભા ઊભા જેમ ઠીક લાગે તેમ ગંદું વાતાવરણ કરી રહ્યા હતા. ત્યાં હું પણ બાજુમાં જઈને ઊભો રહ્યો. જો કે તે સાધુઓએ મને ઓળખ્યો હશે કે નહિ પણ તેની ગંદુ વાતાવરણ ચાલુ જ હતું. તેમાં ત્રણમાંથી એક સાધુ બોલ્યા કે કચ્છનો મુમનામાંથી થયેલા સાધુઓને અમદાવાદના આચાર્ય કેમ દિક્ષા આપે છે ? તેનો અમો ભુજના સાધુઓ જોઈ લેશું. જયાં સુધી ભુજ મંદિરમાંનો એક પણ સાધુ હયાત હશે ત્યાં સુધી કચ્છના કડવા પાટીદારમાંથી થયેલા સાધુઓને સાધુ દિક્ષા તો મળશે જ નહિ એ તો ઠીક પણ કચ્છના કડવા પાટીદારમાંથી થયેલા સાધુઓને જો સાધુ દિક્ષા અપાય તો અમો ભુજ મંદિરમાંના જેટલા સાધુઓ છીએ તેટલા બધા પોતાની છાતીમાં ડાંબ દેવરાવીએ અને ધોળાં પહેરી લઈએ એવો હલકટ ભર્યો ભુજના ભેંખોનો બકવાસ સાંભળીને મેં ત્યાં જ ઉભેલા સાધુઓને કહ્યું કે તમો તથા તમારા સાગરીતો સાધુઓ તમારી છાતીઓમાં  ડાંભ આપવાની તૈયારીમાં રહેજો. તમો સાધુ છો કે કોણ છો ? તમો એક પવિત્ર ગણાતી કચ્છની  કડવા પાટીદાર જ્ઞાતિને ઉતારી પાડવાની પ્રવૃત્તિ કરતાં તમોને શરમ આવતી કેમ નથી તમો સાધુ છો કે શેતાન છો ? તમે ભાન રાખીને બોલો તમો મને ઓળખો છો ? હું નંદુભાઈ મંછારામ પટેલ ગુજરાતની કચ્છ કડવા પાટીદાર સમાજનો પ્રેસિડેન્ટ છું. તમો ભુલી ન જતાં કે કચ્છ કડવા પાટીદાર સમાજ અને ગુજરાત પાટીદાર સમાજ બંને જ એક સમાજ છે. અમારો અને કચ્છની કડવા પાટીદાર સમાજનો આપસમાં રોટી, બેટી વહેવાર ચાલુ છે તેનું તમોને કંઈ માણસાઈનું ભાન છે કે નહિ ? તમોએ સાધુતા ગુમાવી પણ સાથે સાથે માણસાઈ  પણ ગુમાવી બેઠો હોય તેમ લાગે છે. હવે તમારામાં રહેલી ઈર્ષાનો અંત હવે નજીક આવી રહ્યો છે. એટલું કહી હું મારી મોટરમાં બેસી મારા ઘરે આવતો રહ્યો.

          ઘેર આવી આખો દિવસ તે બાબતનો વિચાર કરી રામે આપણી કડવા પાટીદાર જ્ઞાતિના જ એક પીઢ બેરીસ્ટરને ફોન કર્યો એટલે બેરીસ્ટરે સાચી સલાહ આપી એટલે અમો બંને જણા બીજે દિવસે અમદાવાદથી મોટરમાં બેસી વિરમગામ ગયા. ત્યાં વિરમગામ દરબારશ્રીજીને મળી અને ત્યાંથી બીજે દિવસે મોટરમાં બેસી અમો બંને જણા અને વિરમગામ દરબાર પોતાની મોટરમાં બેસી અમો ત્રણે જણાઓ પાટડી દરબાર પાસે ગયા. ત્યાં રાત્રે  ભેગા બેસી જમ્યા પછી અમોએ કચ્છના આપણા કડવા પાટીદાર જ્ઞાતિમાંથી થયેલા સાધુઓનેે ધ.ધુ. આચાર્ય મહારાજ શ્રી શા માટે દિક્ષા આપતા નથી. અને તેનો શા માટે આજ દિન લગી વિરોધ કરે છે તે બાબતની અમો ચારે જણા વચ્ચે ખુબ ચર્ચાઓ થઈ. ચર્ચા—વિચારણાને અંતે બેરીસ્ટર ભાઈએ કહ્યું કે આપણને ભુજ મંદિરના સાધુઓ સાથે કોઈ પણ જાતનો સંબંધ નથી. આપણે તો શ્રી સ્વામીનારાયણ સંપ્રદાયના ધ.ધુ. આચાર્યે મહારાજશ્રી પાસેથી જવાબ લેવો જોઈએ અને જો સીધી રીતે જવાબ નહિ આપે તો આપણે કાયદાનો આશરો લઈ ધ.ધુ. આચાર્ય ઉપર કાયદેસરનો દાવો કરવો. એટલે શ્રી નંદુભાઈ મંછારામ પટેલ શ્રી વિરમગામ દરબાર શ્રી પાટડી  દરબાર તથા શ્રી બેરીસ્ટર સાહેબ એમ ચારે જણાના  સલાહ સૂચનથી બેરીસ્ટરે ત્યાં જ અલ્ટીમેટનો કાગળ લખ્યો અને તે કાગળની ચાર કોપીઓ ટાઇપ કરીને તેવી ચારે કોપીઓમાં ચારે જણા એ સહીઓ કરીને રજીસ્ટરથી બીજે દિવસે એક કોપી અમદાવાદના ધ. ધુ. આચાર્ય મહારાજશ્રી ઉપરે અને બીજી કોપી રજીસ્ટરથી વડતાલના ધ.ધુ. આચાર્ય મહારાજશ્રી ઉપરે એમ બંને આચાર્યોના નામથી રજીસ્ટરથી મોકલી આપી. અને બીજી બે કોપીઓ હતી તેમાં એક કોપી પાટડી તથા વિરમગામ દરબાર એમ બંને વચ્ચે એક કોપી રાખી તેમાં તે કોપી તે વખતે શ્રી પાટડી દરબારે રાખી અને બીજી જે કોપી હતી તે એક કાગળની કોપી તેને શ્રી નંદુભાઈ શેઠે પોતે રાખી. તેમાં ધ. ધુ. આચાર્ય બંનેને જણાવ્યું હતું કે તમો હાલમાં અમદાવાદના ધ. ધુ. આચાર્ય મહારાજશ્રી અમારી કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિમાંથી  થયેલા સાધુઓને અત્યાર લગણ સત્સંગના રિવાજ મુજબ સાધુ દિક્ષા શા માટે આપતા નથી અને આપી નથી તેનું કારણ જણાવો. તમો અમદાવાદના ધ. ધુ. આચાર્ય મહારાજશ્રી તથા વડતાલના ધ.ધુ.આચાર્ય મહારાજશ્રી એમ બંને આચાર્યોને અમારી અલ્ટીમેટનો કાગળ મળ્યા પછી પંદર દિવસમાં જો જવાબ અમોને નહિ આપો તો અમો તમારી ઉપર કાયદેસરનો દાવો કરી સુપ્રીમ કોર્ટમાં તેમજ જગતગુરૂ એવા શંકરાચાર્ય પાસે તમારો સાંપ્રદાયિક દાવો રજૂ કરશું અને તેનો જે કાંઈ ખરચ થાય તે તદન તમારે શીરે છે અને તેવા દાવાઓના તમો સંપૂર્ણપણે જવાબદાર છો જેની નોંધ લેશો. આવા અલ્ટીમેટના કાગળો બંને આચાર્યોશ્રીને મળતા વેંત જ તેઓ એકદમ વિમાસણમાં મુકાઈ ગયા એટલે અમદાવાદના ધ. ધુ. આચાર્ય મહારાજશ્રી પોતાની મોટરમાં બેસી વડતાલ પોતાના મોટાભાઈ એવા ધ.ધુ. આચાર્ય મહારાજશ્રી પાસે ગયા. બંને આચાર્યોએ મળી કચ્છના કડવા પાટીદારમાંથી થયેલા સાધુઓને દિક્ષા આપવા બાબત ચર્ચા વિચારણા કરી, ચર્ચા—વિચારણાને અંતે બંને આચાર્યોએ સહમત થઈ એવું નક્કી કર્યું કે હવે આ ચારે મહાસત્તાઓ (શ્રી વિરમગામ દરબાર, શ્રી પાટડી દરબાર શ્રી બેરીસ્ટરભાઈ તથા શ્રી નંદુલાલભાઈ) સામે આપણે જરાપણ ફાવવાના નથી અને હવે જો કચ્છના કડવા પાટીદારના સાધુઓને જો દિક્ષા નહિ આપીએ તો આપણા સત્સંગમાં પણ આપણી ઊણપ દેખાશે એવો નિર્ણય કરી બંને ભાઈએ નક્કી કર્યું કે હવે આપણે ભુજ મંદિરના સાધુઓને કાગળ લખી જણાવીએ કે અમો બંને દેશના આચાર્યોએ સહમત થઈને કચ્છના કડવા પાટીદારમાંથી થયેલા સાધુઓને સત્સંગની પ્રણાલિકા મુજબ સાધુ દિક્ષા આપશું તેમાં તમો જો હા પાડશો તો પણ સાધુ દિક્ષા આપશું અને જો તમો ના પાડશો તો પણ અમો તેઓના સાધુઓને સાધુ દિક્ષા આપશું તમો ને તમારું માન જાળવવા ખાતર તમોને અમો બંને આચાર્યોએ મળીને કાગળ લખ્યો છે તેનો તમોને યોગ્ય લાગે તેમ અમારા કાગળનો અમલ કરશો.

          આવા બંને આચાર્યોના સહમત ભરેલા કાગળથી ભુજ મંદિરના સાધુઓનાં તો હાજાં ખખડી ગયાં અને ન છુટકે કાકાના લાકડે આપણા સાધુઓને દિક્ષા આપવા અપાવવા બાબત સહમત થયા એવું અમો બંને જણાએ શ્રી નંદુભાઈ શેઠના મોંઢાથી રૂબરૂમાં સાંભળેલું. ત્યારે મેં ગોપાલજી)એ શેઠ નંદુભાઈ શેઠને વિનંતીથી પૂછ્યું કે શેઠ આજે આપણા સાધુઓને દિક્ષા મળે લગભગ તેર વરસ થયાં. અમોએ તમારા મોંઢેથી તેમજ બીજાઓના મોંઢાથી આ વાત ક્યારે પણ સાંભળી નથી તો આવી વાત  આપણા સમાજના કચ્છ કડવા પાટીદાર ભાઈઓને ગળે ઉતરે નહિ. એટલે શેઠે ઊભા થઈને ચારે મહાસત્તાઓ વચ્ચે જે ચર્ચા વિચારણા થઈ હતી અને ચારે જણાઓની સહમતથી આવો અલ્ટીમેટનો કાગળ લખીને બંને આચાર્યોને મોકલ્યા તેની કોપી તથા રજીસ્ટરથી જે કોપીઓ આચાર્યોને મોકલી તેની બંને આચાર્યોની પહોંચની રસીદો (એન્કનોલેજમેન્ટ) બતાવી અને ચારે મહા સત્તાઓની  સહીઓ વાળો કાગળ મારા હાથમાં આપ્યો મેં કાગળ હાથમાં લઈને વાંચી જોયો તે બરોબર જણાયો. એટલે મને આપેલ કાગળ મેં શેઠને પાછો આપ્યો ત્યારે શ્રી નંદુભાઈએ મને કહ્યું કે હવે તમો બંને જણાઓને ખાતરી થઈ કે નહિ. ત્યારે મેં કહ્યું કે હા હવે ખરી ખાત્રી થઈ ત્યાર પછી ફરી મેં શેઠને વિનંતી કરી કે શેઠ આપણા સાધુઓને સાધુ દિક્ષા અપાવવામાં અમારા કચ્છ કડવા પાટીદાર સમાજમાંના આગેવાન શ્રી મુળજીભાઈ રામજી તથા શ્રી ધનજીભાઈ પ્રેમજી એમ બંને ભાઈઓએ અમદાવાદ, વડતાલ, અને નડીયાદ વચ્ચે ખુબ ચાલ્યા અને હજારોનો ખર્ચો ર્ક્યોં અને મેં ભુજ મંદિરના સાધુઓને તથા ધ. ધુ. આચાર્ય મહારાજશ્રીને તથા વડતાલના શાસ્ત્રીઓને જડબાતોડ કાગળો લખ્યા અને જાહેર પેપરોમાં તેનાં અવળચંડાઈ ભર્યાં કૃત્યો ખુલ્લાં કર્યા તેમજ ધ. ધુ. આચાર્ય પાસે મેં ઘણી મિટિંગો કરી એ અમારી મહેનતે અમારું કામ થયું. એમ અમોને આજ દિવસ સુધી હતું. ત્યારે નંદુભાઈ તથા શ્રી મુખી ઓઘડલાલભાઈ એ કહ્યું કે, તમારી મહેનત ઉપરાંત અમો બંને જણાઓએ  તથા ખેતસી ભગત તથા શ્રી મોરલી મનોહરદાસ સ્વામીએ પણ આવવા જવાના ધકકા ખાવામાં ખુબ પગથી પસીના વાળ્યા પણ જો આ મહાસત્તાઓએ કામ હાથમાં લઈને બંને આચાર્યોને જો અલ્ટીમેટના કાગળો ન મોકલ્યા હોત તો ભુજના સાધુઓ તથા અમદાવાદના આચાર્ય આપણા સાધુઓને સાત જન્મ સુધી દિક્ષા આપત નહિ. પણ તમો કચ્છના પાટીદારો બધા હલકા છો તેવું જગજાહેરમાં જાહેર કરી સંપ્રદાયમાં તમારું કડવા પાટીદાર તરીકે સ્થાન રહેવા આપત નહિ. તેમજ તમોને સંપ્રદાયમાં હડધુત કરીને નવેસરથી ઉતારી પાડત. આ તે આપણા ઇષ્ટદેવ શ્રી સ્વામીનારાયણ ભગવાને ચારે મહાસત્તાઓમાં  પ્રવેશ કર્યો અને તેઓને નિમિત્ત બનાવ્યા તેથી જ સાધુ દિક્ષા મળી. બાકી આપણામાંથી કોઈપણ ભાઈ એમ કહેવા માંગતો હોય અગર કહેતો હોય કે અમારી મહેનતથી સાધુ દિક્ષા મળી છે તો તે ભાઈ ભલે ખાંડ ફાંકતા રહે. તો તેવા ભાઈઓને કહેવું કે તમોએ તથા તમારા વડીલોએ ૭૦ થી ૮૦ વરસ સુધી ખૂબ મહેનત કરી પણ તેનું પરિણામ આખરે મીંડું આવ્યું અને આપણી ગુજરાતની ચાર સમાજની મહાસત્તાએ એક જ કાગળ લખ્યો તેમાં બંને આચાર્યોના હાડ નરમ કરી દીધાં ને પંદર દિવસની અંદર જ આપણા સાધુઓને સાધુ દિક્ષા આપવી પડી એ પ્રતાપ શ્રીજી મહારાજનો અને નિમિત્ત રૂપ થયા ચારે મહાસત્તાઓે જેથીે આપણા સાધુઓને સાધુ દિક્ષા મળી.

          પણ યાદ રાખજો કે આવી સાધુદિક્ષાનો પ્રશ્ન મહાસત્તા સામે ચાલી શક્યો નહિ એટલે ભુજ મંદિરના સાધુઓના હાથ હેઠા પડ્યા. અને હવે જોઈએ કે તમો કચ્છ પાટીદાર ભાઈઓની અને કચ્છની લેવા પાટીદાર સમાજના ભાઈઓનો જે પંક્તિ ભેદનો જે ઝઘડો ચાલે છે તેનો ભુજ મંદિરના  સાધુઓ તમોને ક્યારે જાહેરમાં એક પંક્તિ કરીને લેવા કડવાની સામાજિક બાબતોનો ઝઘડો તેનો અંત લાવે છે તે જોવાનો છે. કદાચ લેવા પાટીદાર ભાઈઓ સાધુઓ સામે ઉગ્ર વિરોધ કરશે ત્યારે જ તમારી પંક્તિભેદનો ઝઘડો મટશે. પણ તેમ કરવા  ભુજ મંદિરના સાધુઓ જરા પણ નમતું જોખશે એવી આશા પણ રાખશો નહિ. ભાઈશ્રી હવે અમારા કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિના સાધુઓને સાધુ દિક્ષા મળી એટલે ભુજ મંદિરના સાધુઓએ પોતાના પૈસાના જોરે અમારી કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિને શ્રી સ્વામીનારાયણ સંપ્રદાયમાં એક હલકી વર્ણની ગણી ગણાવીને ઉતારી પાડવા માટે આકાશ પાતાળ એક કરી કચ્છ, કાઠીયાવાડ અને ગુજરાતની ધરતીને ખૂંદી નાંખી. આખરે એક ઉપાય મળ્યો કે વડતાલના મંદિરમાં પીઢ ગણાતા તે વખતના વયોવૃદ્ધ શાસ્ત્રી હરજીવનદાસજીનો સંપર્ક સાધ્યો અને તે શાસ્ત્રી પાસે આવ્યશક્યં નામનું પુસ્તક છપાવીને તેમાં કચ્છના કડવા પાટીદારના સાધુઓને તેમજ કચ્છના કડવા પાટીદાર સમાજને વગોવી અને સત્તર કોમ કરતાં પણ ઉતરતી ગણાવીને છપાવીને જાહેરમાં આવ્યશકયં નિવેદન નામનું પુસ્તક પ્રસિદ્ધ કરેલ. જેની જાણ અમોને થતાં મેં (ગોપાલજી)એ વડતાલના શાસ્ત્રી હરજીવનદાસ ઉપર જડબાતોડ ભરેલો કાગળ લખ્યો.  જેની કોપી મારી ફાઇલે છે. કાગળ લખ્યા પછી અઠવાડિયામાં હું વડતાલ શાસ્ત્રી હરજીવન દાસજીને રૂબરૂમાં મળ્યો અને પૂછ્યું કે તમોએ અમારી કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિને હલકી વર્ણની ગણીને જે સત્તર કોમો કરતાં જે તમોએ તમારા પ્રસિદ્ધ થયેલ આવ્યશકયં નિવેદનમાં ઉતારી પાડી છે તો તેનો અમો તમારી પાસે કાયદેસર જવાબ માંગશું. અને તેના પુરાવાની તમો તૈયારીમાં રહેજો અને જો તમારી પાસે જો પુરાવા ન હોય તો તમોને આવી પવિત્ર જ્ઞાતિને ઉતારી પાડવાનું તમારા જેવા પીઢ શાસ્ત્રીનું કામ નથી તો તેનાં પરિણામ ભોગવવાની તૈયારીમાં રહેવું પડશે જેની નોંધ લેશો. ત્યારે શાસ્ત્રી હરજીવનદાસજીએ મને કહ્યું કે તમો કચ્છના કડવા  પટેલ કેવા છો તેની મને ખબર નથી બાકી જે નડીયાદ વગેરે ગામોમાં જે આપણા કચ્છના હરિભક્તો જે લાકડાં કાપવાનો ધંધો કરે છે તેઓને હું જાણું છું. તેઓ તો બધા સારા સત્સંગી છે. બાકી કચ્છના કડવા પાટીદાર કેવા છો તેની મને ખબર નથી. આ તો ભુજ મંદિરના મહંત શાસ્ત્રી ધર્મજીવનદાસજી તેમ જ તેના સાથે ચાર—પાંચ બીજા સાધુઓ હતા તેઓ બે દિવસ વડતાલ મંદિરમાં હતા અને બે દિવસ સુધી મારો પરિચય સાધી કલાક બે કલાક સુધી મારી પાસે બેસીને તમારી કચ્છ કડવા પાટીદાર જ્ઞાતી સત્તર કોમ કરતાં હલકી વર્ણના છે એવું મને લખાવીને તેની છપામણી તેમ જ બાઇડીંગ ખર્ચના મને દોઢા પૈસા આપવાનું કબૂલ કરીને મને રૂપિયા આપવા માંડ્યા ત્યારે મેં તે લેવા સાફ ના પાડી એટલે ભુજના સંતોએ મને (હરજીવનદાસજી)ને કહ્યું કે સ્વામી તમારા જે છપામણીના કાગળ બાઇડીંગ મજૂરી વગેરેના જે પૈસા થાય તે જમા કરજો અને બાકીના વધારાના રૂપિયા તમોને યોગ્ય લાગે ત્યાં વાપરશો.

          એમ કહી મને ભળતા પૈસા આપીને કહ્યું કે જેમ બને તેમ જલદી પ્રસિદ્ધ કરી સત્સંગ આખામાં પ્રચાર કરો તેનો જે ગાડી ભાડા વગેરે જે કાંઈ ખર્ચ થાશે તે અમો ભૂજ મંદિરમાંથી તમોને અમારા સાધુઓ સાથે જ મોકલી આપીશું જેની ચિંતા કરશો નહિ. અને જો તમોને પૈસાની વધારે જરૂર હોય તો અમારા કચ્છના હરિભક્તો જે નડીયાદમાં લાકડા વહેરવાનો ધંધો કરે છે તેઓની પાસેથી રૂપિયા લઈને તમોને આપી જશું. ત્યારે અમોએ ના પાડી. આ બધું જે કાંઈ કર્યું છે તો દોષ મારા ઉપર નથી. હું ભગવાન સાથે રાખીને કહું છું કે હું તે બાબતમાં તદન નિર્દોષ છું. મને તમારી જ્ઞાતિ બાબત કોઈ પણ પ્રકારની માહિતી નથી હવે તમોને જેમ યોગ્ય લાગે તેમ કરો. હું તો ભુજ મંદિરના સાધુઓના વિશ્વાસે રહ્યો તેમાં મારાથી ન કરવાનું મેં કર્યું છે  તો તમો મને માફ કરજો. આવું જ્યારે વયોવૃદ્ધ ગણાતા શાસ્ત્રીએ મને નિર્દોષપણું મારા સામે કબુલ  કર્યું તો પછી હું તદ્‌ન શાંત થઈ ત્યાંથી ગાડીમાં બેસી હું મુંબઈ આવ્યો. ભાઈશ્રી આ છે ભુજ મંદિરના સાધુઓનાં છુપાં કર્તવ્ય.

          ભાઈશ્રી અમારી જ્ઞાતિમાંથી થયેલા સાધુઓને કેટલાક સન્માનપૂર્વક રાખ્યા છે તે અમો બરોબર જાણીએ છીએ તે કેવી રીતે તો અમારી જ્ઞાતિમાંથી થયેલા સાધુઓને ચોરીઓ વગેરેના આક્ષેપો નાખી હડધૂત કરીને ભુજ મંદિરમાંથી તેમજ અંજારના મંદિરમાંથી ભુજ મંદિરના સાધુઓએ ભગાવ્યા છે. તેની જો ખાત્રી કરવી હોય તો કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિમાંથી થયેલા સાધુઓ જેઓ હજુ અમદાવાદ મંદિરમાં જે હયાત છે તેઓને પૂછવાથી ખાત્રી થાશે. ભાઈશ્રી તમો લખો છો કે તમારા સાધુઓને ભણાવીને વિદ્વાન બનાવીને વ્યાસપીઠ ઉપર બેસાડીને તેઓની ચંદન પુષ્પાદિકે કરીને પૂજા કરી તેની ચરણરજ માથે ચડાવે છે તો તેના જવાબમાં લખવાનુંં કે કેમ જાણે તમો અમારા સાધુઓ ઉપર ઉપકાર કરતા હો તેવી રીતનાં બણગાં ફૂંકો છો.કેમ જાણે તમો આથી પહેલાંજાણતા નહોતા તેવી વાતો કરો છો. તમો અમારા સાધુઓની પૂજા કરતા નથી પણ વ્યાસપીઠ ઉપર બિરાજેલા વ્યાસની પૂજા કરો છો તેતો આખા સંપ્રદાયની સત્સંગમાં પ્રણાલિકા છે. વ્યાસપીઠ ઉપર બિરાજેલાની નાત—જાત જોવાતી નથી. આવી સનાતન ધર્મની એક પ્રણાલિકા છે. ઋષિ—મુનિઓના વખતમાં સુત પુરાણી કથા કરતા ત્યારે તેની નાત જાત જોવાતી ન હતી તેવું આપણા પુરાણો ઉપરથી જાણવા મળે છે. નાત—જાતનું નાડું એક ભુજ મંદિરના સાધુઓને જ વળગ્યું  છે. તો આવી ગાગલી અને પોપલી વાતો કરતાં પહેલાં તમોને જરા વિચાર કરવો જોઈએ.

ભાઈશ્રી તમારી લખેલી દોઢ પાનાની  પત્રિકામાંના ચોથા પેરેગ્રાફમાં લખો છો કે તમારી જ્ઞાતિમાંથી થયેલા સાધુઓના હાથની બનાવેલી રસોઈ સંપ્રદાયના સાધુઓ અને દરેક હરિભક્તો લેવા અને કડવા ભેદભાવ રાખ્યા વગર એક જ પંક્તિએ બેસીને જમે છે તેમજ ભુજ મંદિરમાં ચાલતા રસોડામાં  અને ભુજ મંદિર તરફથી થતા નાના—મોટા ઉત્સવ સમૈયામાં તથા યજ્ઞોમાં કડવા લેવા અને બીજા સૌ હરિભક્તોને ભેદભાવ વગર એક જ પંક્તિએ બેસાડીને જમાડાય છે. તો ભાઈશ્રી તેના જવાબમાં જણાવવાનું કે સંપ્રદાયમાં કચ્છ ભુજ તેમ જ ભુજ ચોવીશીમાં જ્યાં ભુજ મંદિરના સાધુઓનું વર્ચસ્વ ચાલે છે.

          ત્યાં આજે લગભગ સાઇઠ વરસથી હું (ગોપાલજીનું) જોતો આવ્યો છું. કારણ કે તેવા સમૈયામાં મારી લગભગ હાજરી પણ હોય છે પણ હજી સુધી  કચ્છના લેવા અને કડવાની એક જ પંક્તિ થઈ હોય તેવું અમારી જાણમાં નથી. અને કદાચ ક્યાંય ખૂણે ખાંચે કડવા લેવાની એક પંક્તિ થઈ હશે તો તેવી પંક્તિ કાયદેસરની હોય તેવું નથી અને કદાચ થઈ હશે તો તેવી એક પંક્તિનો યશ લેવા પાટીદાર ભાઈઓના ફાળે જતો હોય તેમ જણાય છે. લેવા પાટીદાર સમાજના ભાઈઓ તો  અમોને ઘણું જ ઇચ્છે છે અને તેવા લેવા પાટીદારના ભાઇઓ પ્રત્યે અમોને ખૂબ માન છે પરંતુ તેવી કડવા લેવાની એક પંક્તિનું કારણ જ્યાં ભુજ મંદિરના સાધુઓનું જરા પણ વર્ચસ્વ નહિ ચાલતું હોય ત્યારે થઈ હશે. બાકી તો ભુજ મંદિરના ઈર્ષા ખોર સાધુઓએ તો તેવી એક પંક્તિ કરવા આપી નથી. અને એક પંક્તિ કરવા આપશે એવી તો આશા જ નથી. પણ કડવા પાટીદાર જ્ઞાતિને ઉતારી પાડી હડધૂત કરેલા છે. તેના પુરાવા ઘણા છે. કચ્છ બહાર સંપ્રદાયમાં એક જ પંક્તિએ જમાડાય છે તેમાં કોઈ પણ નામ જાતનું પૂછતું નથી. બાકી નાત જાતનું નાડું તો ભુજ મંદિરનાં સાધુઓના હાડમાં ઉતરેલું છે તે નીકળવું મુશ્કેલ છે. આવું તમારું હડહડતું જે જુઠું લખાણને તદન વજુદ વગરનું અને ગેરવાજબી છે. આજે વરસો થયા ભુજ મંદિરના સાધુઓ સાથે કડવા લેવાની એક પંક્તિનો જ ઝઘડો ચાલે છે તે શું તમો જાણતા નથી ? દયાપરના બે વર્ષ પહેલાનાં દાખલામાં જુઓ તો પણ જાણવા મળશે કે દયાપુરનો યજ્ઞમાં વિલંબ થયો તેમાં ભુજ મંદિરના અવળચંડા સાધુઓની અવળચંડાઈ જ હતી. અને આખરે એક પંક્તિ કરી દયાપુરના યજ્ઞનો યશ ભુજ મંદિરના સાધુઓથી લેવાણો નહિ તે તમો શું જાણતા નથી ? ભુજ મંદિરનાં તથા તેમના ઉત્સવ સમૈયામાં લેવા કડવાની એક પંક્તિ થાય છે તેવું કહેનારા તદન બેવકૂફ અને અક્કલ વગરના છે એમ અમો ને જણાય છે. ભુજ મંદિરના સાધુઓ હવે પોતાની કડવા પાટીદારો સાથે કરેલી અવળચંડાઈથી શરમાઈને અગર લેવા પાટીદાર સમાજના ભાઈઓના દબાણથી હમણાં એક પંક્તિ કરતા હશે તો તે પણ અમો જ્યાં સુધી નજરોનજર ન જોઈએ ત્યાં સુધી અમો માની શકીએ તેમ નહિ જો ભુજ મંદિરના સાધુઓ જાહેરમાં લેવા કડવાની એક પંક્તિ જગત જાણે તેવી રીતે પોતાની હઠીલાઈ છોડીને જો એક પંક્તિ કરે તો અમો જોયા પછી કબૂલ કરીએ બાકી કોઈ વજૂદ વગરનાં બણગાં ફૂંકતા હોય તો તેની અમોને જરા પણ અસર થાય તેમ નથી. આ તો તમોએ એક તૂત ઊભું કર્યું છે.

          ભાઈશ્રી જ્યારે દયાપુરમાં તારીખ ૩૦—૦૧—૧૯૮૨થી તારીખ ૦૭—૦૨—૧૯૮૨ સુધી એમ એક સરખો નવ દિવસ સુધી જ્ઞાન યજ્ઞ ચાલ્યો તેમાં કચ્છના લેવા પાટીદાર સમાજનાં કાર્યકર્તા આગેવાન ભાઈઓ તથા કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિના કાર્યકર્તા આગેવાન ભાઈઓએ તો એક બીજામાં સામાજીક ભાઈચારાની રૂએ ખભે ખભા મેળવીને એક જ રસોડે અને એક જ પંક્તિએ બેસીને યજ્ઞના પ્રસાદ રૂપી પ્રીતિ સમૂહ ભોજન એક જ પંક્તિએ બેસીને લીધું તેમાં કડવા લેવા એવો જરા પણ ભેદભાવ જણાવ્યો નહિ. અને લેવા પાટીદાર સમાજના ભાઈઓએ યજ્ઞમાં પણ દરેક કામકાજમાં આગળ પડતો ભાગ લીધો અને યજ્ઞના છેલ્લા દિવસે સેંકડો ભાઈઓ કે જેઓ ભૂતકાળે શ્રી સ્વામીનારાયણના અનુયાયી જેઓ ન હતા તેવા ભાઈઓને શ્રી સ્વામીનારાયણ ભગવાનનો ગુણ આવવાથી શ્રી સ્વામીનારાયણ ભગવાનની કંઠીઓ બાંધીને વર્તમાન ધરાવ્યાં અને તેઓ ચુસ્તપણે ગુણ ભાવથી શ્રી સ્વામીનારાયણનું ભજન કરે છે.

          તેનું મૂળ કારણ એ હતું કે શ્રી કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિના દુશ્મન એવા કચ્છ ભૂજ મંદિમાંના કેટલાક સાધુઓ અને તેવા સાધુઓના ખુશામતીયા  અને સાગરીતો એવા અમારી કચ્છ કડવા પાટીદાર  જ્ઞાતિ સાથે દગો રમીને વિશ્વાસઘાત કરેલા. એવા સમાજદ્રોહી એવા અમારી સમાજના ભાઈઓનાં પાપી પગલાંનો કદાચ પ્રવેશ થયો નહિ હોય તેથી જ દયાપુરના યજ્ઞનું કામ ન ભુતો ન ભવિષ્યતિ  એવું નિર્વિઘ્ન રીતે પાર પડી ગયું. આવાં યજ્ઞો અમારી જાણમાં છે તે મુજબ ભુજ ચોવીશીમાં ઘણા થયા છે. પણ ત્યાં ભુજ મંદિરમાંના સાધુઓનું વર્ચસ્વ હોય એટલે લેવા પાટીદારના ભાઈઓમાં આપસમાં એકબીજાને ઊંધુંચત્તું સમજાવીને અંદરોઅંદર લડાવીને કોઈપણ યજ્ઞનું કામ પરિપૂર્ણ નિર્વિઘ્નપણે પાર પડ્યું હોય તેવું અમારી જાણમાં હજી સુધી આવ્યું નથી દાખલો બીજો.

ભાઈશ્રી સંવત ૨૦૩૨ના ફાગણ વદ ૪ને શુક્રવાર તારીખ ૧૯—૦૩—૧૯૭૬માં અ. નિ. શાસ્ત્રી શ્રી નરનારાયણદાસજી કે જેઓ તે વખતે જેતલપુર  મંદિરના મહંત પદે હતા તેમણે ઉપરોક્ત મિતી અને તારીખે વિષ્ણુયાગ કર્યો અને જેમાં મુખ્ય મહેમાન તરીકે યજ્ઞમાં બેસનારા અમદાવાદના ધ.ધુ આચાર્ય મહારાજશ્રી તેજેન્દ્રપ્રસાદજી મહારાજ હતા તો તેવા યજ્ઞમાં ભુજ મંદિરમાંના સાધુઓએ ઈર્ષાને લીધે કોઈએ પણ ભાગ લીધો ન હતો. પરંતુ દર્શન  કરવા જેટલો પણ વિવેક બતાવ્યો ન હતો તેમ ભુજ ચોવીશીના લેવા પાટીદાર ભાઈઓને પણ યજ્ઞમાં  આવવા દીધા જ ન હતા. તે તદન સત્ય હકીકત છે. તેનું મૂળ કારણ ભુજ મંદિરના સાધુઓનો ઈર્ષાભાવ જે કડવા પાટીદારના સાધુ જો યજ્ઞ કરતો હોય ત્યાં આપણાથી જવાય નહિ અને જ્યાં રસોડામાં કર્તા હર્તા હોય કડવા પાટીદાર તો તેવો રસોડો અભડાવી નાખ્યો છે એટલે તે રસોડામાં આપણો લેવા પાટીદાર સમાજનો ભુજ ચોવીશીમાંનો કોઈપણ ભાઈ ત્યાં જાય નહિ. એવી જોહુકમી શીરજોરી છતાં પણ ભુજ મંદિરના સાધુઓમાંથી કોઈ છુપી રીતે સાધુ અગર લેવા પાટીદારના ભાઈઓમાંથી કોઈ જણ દર્શન કરવા આવ્યા હશે તો તેવી જાણ અમારી જાણથી બહાર છે અમો જાણતા નથી.

          પ્રિય વાંચકો જોયું કે ભુજ મંદિરમાંના સાધુઓનો ઈર્ષાનો ભારેલો અગ્નિ કેવી રીતે ભભૂકી ઉઠ્યો તે ઈર્ષાથી કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિમાંથી થયેલ સાંખ્યયોગી બાઈઓએ યજ્ઞમાં સેવારૂપી ભગવાન શ્રી બળદેવ રેવતીજી હરિકૃષ્ણ મહારાજના  અભિષેકના સેવાનો લાભ લીધો તો તેવી સાંખ્ય યોગીબાઈઓને લગભગ બે વરસ સુધી ભુજ ચોવીશીના યજ્ઞમાં આવતાં બંધ કરી ભુજ મંદિર તરફથી તેવી સાંખ્ય યોગી બાઈઓનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. તદુપરાંત કચ્છ કડવા પાટીદાર  જ્ઞાતિમાંથી થયેલ સાંખ્ય યોગી બાઈઓને લેવા પાટીદાર સમાજમાંથી થયેલ સાંખ્ય યોગી બાઈઓ  ભેગી એક રસોડે અને એક પંક્તિએ બેસી ભોજન લેવા આજ દિવસ સુધી ભુજ મંદિરના સાધુઓએ આજ્ઞા આપેલ નથી પણ જ્યારે ભુજ ચોવીશીના  યજ્ઞમાં કડવા પાટીદાર સમાજમાંથી થયેલ સાંખ્ય યોગીબાઈઓને ભુજ મંદિરના સાધુઓએ આવતા બંધ કરેલ છે તેવું લેવા પાટીદાર સમાજમાંના કેટલાક ભાઈઓને જાણ ભુજ મંદિરના સાધુઓ સાથે વિરોધ થયો હોવાથી બાઈઓને આવવાની છુટ મળી આવું પણ સાંભળવા મળ્યું હતું.

          જો લેવા કડવાના એક પંક્તિ હો તો સાંખ્ય યોગી બાઈઓ સાથે હજી સુધી ઓરમાયું વર્તન  શા માટે ચાલે છે. તેનું કારણ જણાવશો કે ? તેવી સાંખ્ય યોગી બાઈઓની લેવા કડવાની એક પંક્તિ કરાવવામાં કોઈની હજી સુધી હિંમત ચાલી નથી. તમો ભુજ મંદિરના સાધુઓને પૂછો કે તમો કઈ સદીમાં જીવી રહ્યા છો તેનું ભાન છે કે નથી ? અને જો ભાન ન હોય તો ભુજ મંદિરના સાધુઓના જે વેવલા અને પોપલા અનુયાયીઓ છે તેઓ તેવા  સાધુઓને ક્યારે ભાન કરાવશે. તેની અમો રાહ રહ્યા છીએ. આ તો દેવ તેવી પૂજા અને જેવા સાધુ તેવી સેવા ભાઈશ્રી તમારી લખેલી દોઢ પાનાંની પત્રિકાના પાંચમા પેરેગ્રાફમાં લખો છો કે ગામડાંઓમાં ભુજ મંદિરના હસ્તે મંદિરો થાય છે. તેમાં આર્થિક રીતે નબળાં ગામડાં હોય તો તે ગામના ફાળા ઉપરાંત લાખો રૂપીયાઓનો ફાળો સત્સંગ પરિવારમાંથી સાધુઓ જોળી ફેરવીને ફાળા રૂપે રૂપીયા એકઠા કરી મંદિરો બનાવી આપે છે. તેમાં કડવા લેવા એવો ભેદ રખાતો નથી એમ તમો જણાવો છો તો તેના જવાબમાં લખવાનું કે ગામડાઓમાં કે શહેરોમાં  જ્યાં જ્યાં નાનાં મોટાં મંદિરો થાય છે તો ત્યાં જે દેશમાં મંદિરો થતાં હોય ત્યાં તે જ દેશના સાધુઓ જોળી જ ફેરવીને ફાળા રૂપે પૈસા એકઠાં કરીને મંદિરો બાંધી આપે છે. અને જે હાલમાં બંધાતાં હશે તે પણ તે જ દેશના સાધુઓ ફાળા કરીને મંદિરો બાંધી આપે છે. શ્રીજી મહારાજના વખતમાં જ્યારે ગઢડાનું મંદિર બંધાતું હતું ત્યારે ખુદ સ્વામીનારાયણ ભગવાને પણ ફાળા રૂપે સત્સંગીઓ પાસેથી રૂપીયા લીધા છે. વાંચો સદગુરૂ શ્રી અક્ષરાનંદ સ્વામીની વાતો આ તો ભુજ મંદિરના સાધુઓ ફાળાઓ કરીને સત્સંગ સમાજમાં મંદિરો બાંધી આપે છે તેમાં ક્યો ઉપકાર કરે છે તે જણાવશો કે ? ભુજ મંદિરના સાધુઓ ફાળો ઉઘરાવીને મંદિરો કરી આપે છે. તેવું લખીને જણાવો છો. પણ ગામડાંઓમાંથી હજારો રૂપીયા દર વર્ષે ધર્માદા રૂપે  રૂપીયા એકઠા કરીને ભુજ મંદિરમાં આપે છે તેનું શા માટે લખતા નથી. અને તેવા ધર્માદાના હજારો રૂપીયા અમારા ગામડાઓમાંથી દર સાલે ભુજ મંદિરના સાધુઓ લઈ જાય છે. જેની આજ દિવસ સુધી કાચી અગર પાકી પહોંચ પણ આપવામાં આવતી નથી.  તેનું શું કારણ છે અને જેની પહોંચ ન અપાતી હોય તો તેવી રકમ મંદિરના ચોપડાઓમાં જમા પણ થાતી નહિ હોય તો આમાં સરકારની કરચોરી નથી તો બીજું શું છે ? આવાં કરચોરીઓનાં પાપ હવે વધારે વખત ચાલે તેમ નથી. ભાઈશ્રી તમોએ દયાપુરના મંદિરનો દાખલો આવ્યો કે સત્સંગ સમાજમાંથી લાખો રૂપીયાનો ફાળો કરાવીને મંદિર બાંધી આપ્યું. પણ જે સત્સંગીઓએ ફાળા આપેલ છે તેઓને ઉલટું સુલટું સમજાવીને દયાપુરના મંદિરમાં સીલ લગાડવામાં આવ્યાં હતાં તેનો ઉલ્લેખ કેમ કરેલો નથી તે અમોને જણાવશો કે ? તેવા કરચોરીઓનાં કાળાં નાણાં એકઠાં કરી કાળા નાણાંના જોરે ભુજ મંદિરના સાધુઓ પ્લેનોમાં મુસાફરી કરતા હોય અને ખાવા પીવામાં પણ માલ મળીદા ઉડાવતા હોય તેવું જણાય છે. અમારા રવાપર ગામમાં બે વરસ પહેલાં ભુજ મંદિરના સાધુઓ મંદિર કરવા આવ્યા હતા તે દરમીયાન તેવા સાધુઓ જમવા માટે શ્રીમંતોને પણ શરમાવે તેવી ભોજન સામગ્રીથી ભોજન થતાં અમોએ નજરોનજર સગી આંખે જોયેલું છે તેવું જોતાં અમોને ઘણી વખત આઘાત લાગતો કે આવા સાધુઓ શું ધર્મામૃત વાંચતા હશે કે નહિ ? અને કદાચ વાંચતા હશે તો વાંચીને વિચારી દેતા હોય તેમ લાગે છે. ભાઈશ્રી તેમાં અમો જરા પણ વિરુદ્ધ કરતા નથી માત્ર દુઃખ થાય છે કે જે  ત્યાગીઓ આવાં ગળ્યાં ચીકણો ખોરાક ખાતા હોય તેવા ત્યાગીઓમાં કામ, ક્રોધ, અને લોભ એ ત્રણે અવગુણો કાયમને માટે વાસ કરીને રહે છે અને તેવા ત્યાગીઓ જગતનું કલ્યાણ કરી શકતા નથી એવું અમોએ ભુજ મંદિરના સાધુઓના મોઢેંથી સાંભળેલું છે.

          તો હવે તે વાતો ક્યાં અને તેનાં વર્તન ક્યાં તેનો મેળ મળવાનો નથી. ખેર અમારે તેમાં ઊંડું ઉતરવાની જરૂર નથી જેઓ કરશે તેઓ ભરશે.  ભાઈશ્રી તેવા સાધુઓના માંખણીયા ખુશામતીઆ બની ભાટની જેમ વખાણ કરતા તમો શીખ્યા હોય તેવું જણાય છે. પણ તેવા સાધુઓને કહો ॥ બુંદશે ગઈ વો હોેજશેં આને વાલી નહિ

          હય ॥ ભાઈશ્રી ભુજના સાધુઓ જ્યારે યાત્રાએ અગર ભારતમાં યાત્રા નિમિત્તે ફરવા જાય છે તો તે વખતે ભારત ભરમાં કચ્છ કડવા પાટીદારોની સો મીલોમાંથી લાખો રૂપિયા લાવે છે તેનો તમોએ ઉલ્લેખ શા માટે કર્યો નથી. દ્વિ—શતાબ્દી વખતે ભૂજના સાધુઓએ અમારી કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિમાંથી દેશ તથા પરદેશમાંથી લાખો રૂપીયાનો ફાળો કરીને લાવ્યા છે તેનું કેમ લખતા નથી.

          ભાઈશ્રી તમારી દોઢ પાનાંની પત્રિકાના છઠ્ઠા પેરેગ્રાફમાં લખો છો કે ભૂજ સ્વામીનારાયણ સંચાલિત  વિદ્યાક્ષેત્રે સ્વામીનારાયણ વિદ્યાર્થી ભવન ચાલે છે તો તેના જવાબમાં લખવાનું કે એવા વિદ્યાક્ષેત્રો એક જ ભૂજમાં ચાલે છે કે બીજાં ઠેકાણે પણ ચાલે છે ? હિન્દુસ્તાન ભરમાં જે જે વિદ્યાર્થીઓ ભણેલા છે અને જે જે જ્ઞાન પ્રાપ્ત કરેલું હશે તે તમારી ભુજ સ્વામીનારાયણ સંચાલિત વિદ્યાક્ષેત્ર ભવનમાંથી બધા ભણીને જ પાસ થયા હોય તેમ લાગે છે.  હિન્દુસ્તાનમાં બીજા વિદ્યાક્ષેત્રો તો તમારી નજરમાં કદાચ આવતાં નહિ હોય ? જુઓ કચ્છમા નખત્રાણા તેમજ કાઠીયાવાડમાં રાજકોટ, જૂનાગઢ, અમદાવાદ, જેતલપુર, નાસીક તેમજ ગુજરાતમાં વગેરે સ્થળોએ  ઘણાં વિદ્યાક્ષેત્રો ચાલતાં હોય છે અને જ્યાં તેવાં વિદ્યાક્ષેત્રો ચાલતાં હોય ત્યાં વિદ્વાન બ્રાહ્મણો અગર સંતો જ ચલાવતા હોય છે અને તેવા વિદ્યાક્ષેત્રોમાં કોમવાર અલગ રસોડાં હોતા નથી ત્યાં એક જ રસોડે સૌ વિદ્યાર્થીઓને એક જ પંક્તિએ ભેદભાવ વગર બેસાડીને જમાડાય છે. તેમાં ભેદભાવ રાખવામાં આવતો નથી પણ તેવી પંક્તિના ભેદભાવનું ભૂત એક ભુજ મંદિરના સાધુઓમાં જ ઘુસી ગયું છે તેવા ભૂતને કાઢવા માટે જેવા તેવા સાધારણ ભુવાનું કામ નથી. ભુજમાં શરૂઆતમાં જ્યારે વિદ્યાક્ષેત્ર ચાલુ કરવામાં આવ્યું ત્યારે કડવા લેવાની પંક્તિનો ભેદભાવ ભુજ મંદિરના સાધુઓએ  રાખેલ જેથી તેવા વિદ્યાક્ષેત્રમાંથી કડવા પાટીદારના  વિદ્યાર્થીઓ વિદાયગીરી લઈ ગયા એવી સત્ય વાત  સાંભળવામાં આવી હતી. પાછળથી જ્યારે લેવા પાટીદાર સમાજના આગેવાન ભાઈઓએ જ્યારે વિરોધ કરેલો ત્યારે અત્યારે લેવા કડવાનો કદાચ ભેદભાવ નહિ હોય પણ અમો જ્યારે નજરોનજર  જોઈશું ત્યારે જ અમોને ખાત્રી આવશે.

          ભાઈશ્રી તમારી છપાવેલી દોઢ પાનાંની પત્રિકાના સાતમા પેરેગ્રાફમાં જણાવો છો, કે આવી મોંઘવારીના જમાનામાં જમવા, રહેવા, પ્રાથમિક ડૉક્ટરી સારવાર સાથે માસીક રૂ. ૩૦/— ત્રીશનું લવાજમ લઈને વિદ્યાર્થીઓને વિદ્યાર્થી ભવનમાં રખાય છે. બાકીનો વધારાનો ખર્ચો સ્વામીનારાયણ વિદ્યાર્થી ભવન સંસ્થા ભોગવે છે તો તેના જવાબમાં જણાવવાનું કે આવી કોઈ પણ સંસ્થાઓને પગ નથી પણ સંસ્થાના ચલાવનારા  ગૃહસ્થોમાંના દાનવીરો જ છે અને જેવી સંસ્થાની આવક હોય તેવી જાવક રહેતી હોય છે. જો સંસ્થામાં વધારે આવક હોય તો લવાજમ ઓછું હોય ઉપરાંત હોશીયાર વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિઓ પણ અપાતી હોય છે. અને કેટલીક  સંસ્થાની વધારે આવક હોય તો હોશીયાર વિદ્યાર્થીઓને સંસ્થા પોતાના ખર્ચે વધુ અભ્યાસ માટે (પરદેશો) વિદેશોમાં પણ ભણવા મોકલે છે તો તેનો ખર્ચ વિદ્યાર્થીઓ પાસેથી લેવામાં આવતો નથી. અમારી જ્ઞાતિ કે તમારી જ્ઞાતિના ભેદભાવનો તમાશો જગતમાં ક્યાંય પણ બતાવવામાં આવતો નથી. આ તો તમારા જેવા ભુજ મંદિરના સાધુઓના સુખવાસીયા અને માખણીયા હોય તેઓ આવું માલ વગરનું લખાણ લખીને છપાવીને જગતમાં જાહેર કરે છે.

          ભાઈશ્રી તમારી દોઢ પાનાની પત્રિકામાંના આઠમા પેરેગ્રાફમાં લખી જણાવો છો કે આવા વિદ્યાર્થીઓની સંભાળ, દેખભાળ રાખવા દિવસમાં બે વખત ભુજ મંદિરના સાધુઓ વિદ્યાર્થી ભવનમાં આવે છે. આ ઉપરાંત આ વિદ્યાર્થીઓને સવાર સાંજ સાધુઓ તરફથી ધાર્મિક સંસ્કારનું સીંચન કરાવાય છે. આ બધો વ્યવહાર પક્ષપાત રાખ્યા વગર લેવા કડવા સમભાવે થાય છે. તો તેના જવાબમાં લખવાનું કે જો ઉપર લખ્યું હોય તેવું થાતું હોય તો આનંદની વાત છે પણ તેવું સિંચન ભુજ મંદિરના જેઓ સારા સાધુઓ અને સંસ્કારી સંતો જેઓની સંખ્યા તમામ ગણી ગાંઠી છે તેઓમાંથી જ જો સારા સાધુઓના પગલાં હશે તો તેવા વિદ્યાર્થીઓને સારા સંસ્કાર મળશે. બાકી જો ભુજ મંદિરમાં ખટપટીયા અને નાત—જાતની પંચાત કરવાવાળા જો સાધુઓનાં પગલાંઓ હશે તો ઈર્ષા અને કોમવાદનું છુપું ઝેર અપાઈ ન જાય તો સારું  કારણ કે તેવા સાધુઓને જો જરા પણ વર્ચસ્વ મળ્યું તો સંસ્કારની બદલીમાં સોમલખારનાં બી ન રોપી  જાય તે ધ્યાન રાખવું. લોકમાં કહેવત છે કે મોરનાં ઈંડાંને ચીતરવાની જરૂર રહેતી નથી. હવે જો પંક્તિ  ભેદનો ભેદભાવ કાઢીને જો સારું ચાલતું હશે તો  તે લેવા પાટીદાર સમાજના સમજુ અને ડાહ્યા ભાઈઓને જ આભારી છે.

જુઓ તો ખરા કે શ્રી સ્વામીનારાયણ ભગવાનના વખતના નંદ સાધુઓએ કચ્છના સત્સંગ રૂપી બગીચાને દિન—પ્રતિદિન નવ પલ્લવ ફાલતો ફૂલતો કર્યો હતો તો તેવા સત્સંગરૂપી બગીચાને વિક્રમ સવંત ૧૯૮૪ {Year: 1927-28} ની સાલ પછી ભુજ મંદિરના સાધુઓએ ભુજ ચોવીશીમાંના લેવા પાટીદાર સમાજમાં આપસમાં એક બીજાઓને ઉંધું ચત્તું સમજાવીને આપસમાં ઝઘડાના ગણેશ માંડ્યા, એટલે તેઓના ઝઘડા કોર્ટોમાં ચાલ્યા.

          આખરે પરિણામમાં ધર્મને નામે એક જ સમાજમાં બે ફાંટાં પડ્યાં જેના પુરાવારૂપે આજે પણ બે મંદિરો મોજુદ છે અને એક જ સમાજમાં કચ્છના સંત્સંગને વેરવિખેર કરી નાંખ્યો કે જેથી એવા ઝઘડાઓનો હજી સુધી અંત આવ્યો હોય તેવું જરા પણ જણાતું નથી તેવું ઘણા વરસો સુધી ચાલ્યું એટલે ભુજ ચોવીશીમાંના લેવા પાટીદાર સમાજમાંના કેટલાક ભાઈઓએ ભુજ મંદિરનો પણ ત્યાગ કર્યો હોય તેવું સાફ જણાઈ આવે છે. ત્યાર પછી ભુજ મંદિરમાંના કેટલાક સાધુઓએ વિચાર કર્યો હશે કે કચ્છના ભુજ ચોવીશીના લેવા પાટીદારમાં બે ફાંટાં તો પાડ્યાં પણ હાલે તેમાં ચાર ફાંટા કેમ પડે ? તેનો વરસો સુધીનો ટાઇમ વિચાર કરવામાં કાઢી નાંખ્યો. આખરે એક ઉપાય સૂજી આવ્યો કે હજી આપણે બાજી તો હારી જઈએ તેવા નથી હવે આપણે આપણો દાવ પશ્ચિમ તરફના કચ્છ કડવા પાટીદારના જ્ઞાતિના ભાઈઓ જેઓ સાત ગામમાં શ્રી સ્વામીનારાયણનો ધર્મ પાળે છે તેવા રવાપર૧, ગડાની૨, આંબાળા૩, નેત્રા૪, દયાપુર૫, દોલતપુર૧ અને અંગીયા૭ એમ સાતે ગામોાં અજમાવીએ. એટલે ભુજ મંદિરમાંના કેટલાક સાધુઓએ સાતે ગામમાં રહેતા એવા કચ્છ કડવા પાટીદારના ભાઈઓમાં એક બીજાઓમાં કાનભંભેરણી કરીને પોતામાં રહેલી છુપી ઈર્ષાની ખટપટી ખુંટીઓ મારી, અને થોડે થોડે સાતે ગામોમાં અવારનવાર પોતામાં મતભેદ રહેવા લાગ્યો તેમાં જેઓ સાધુ પ્રેમી હતા તેઓએ તો ભુજ સાધુઓના કહેવાથી દિક્ષા બાબતના પ્રશ્નમાં પણ અવરોધો ઊભા કરતા આખરે દિક્ષાનો પ્રશ્ન થાળે પડ્યો પણ પંક્તિ ભેદના લેવા કડવાનો પ્રશ્ન ઉકેલની લડત ચાલુ રહી તેમાં ભુજ મંદિરના સાધુઓને સારી એવી તક મળી એટલે તકનો લાભ લેવા કેટલાક પ્રસાદીના પ્રેમમાં હતા તેવાઓને વારંવાર ભુજ બોલાવી લાડવાની લાલચમાં લપટાવ્યા. કહેવત છે કે દર્દીને જે જોઈતું હતું અને દાક્તરે બતાવ્યું તેમ પેટ મીઠાને પેટોડી આ તો પ્રથમથી જ હતા અને વળી લાડવાની લાલચનો  લોભ લાગ્યો એટલે લોભમાં લપસી પડ્યા એટલે ભુજ મંદિરમાંના સાધુઓને લાગ આવ્યો એટલે થોડે થોડે પોતાનો દાવ પોતાની ફેવરમાં આવવા લાગ્યો. 

          ભાઈશ્રી તમારી દોઢ પાનાની પત્રિકાના નવમા પેરેગ્રાફમાં લખો છો કે જ્યારે તમારી કચ્છની સમગ્ર જ્ઞાતિ ભારતીય વૈદિક સંસ્કૃતિથી વિરુદ્ધ એવા ધરમની અસર નીચે હતી ત્યારે પણ તમારી જ્ઞાતિને શુદ્ધ પવિત્ર માનીને તે ધર્મથી મુક્ત કરી અને ભારતીય વૈદિક  સંસ્કૃતિમાં લાવનાર પ્રથમ ભુજ મંદિરના સંતો હતા.  તો તેના જવાબમાં જણાવવાનું કે તે લખાણ તમારું  હડહડતું તદન જુઠું અને બીન પાયાદાર છે, જ્યારે અમારા કચ્છના કડવા પાટીદાર જ્ઞાતિના મુખી એવા શ્રી કેશરા મુખી એ તથાં તેમના કાકાઈ ભાઈ એવા શ્રી નાથા કરમશી નેત્રાવાળાએ સંવત ૧૮૬૫ {Year: 1808-09} ની સાલે ગામ શ્રી નેત્રામાં અવારનવાર આવતા એવા નંદ સાધુઓમાં મુક્તાનંદ સ્વામિના હાથથી પ્રથમ વર્તમાન ધરાવને કંઠીઓ બાંધી તે વખતે ભુજમાં શ્રીજી મહારાજ ભેગા નંદ સાધુઓ સુંદરજી સુથાર અને શ્રી ગંગારામ મલ્લને ઘેર આવતા અને તેવા સાધુઓ નેત્રા તેરા વગેરે ગામોમાં સત્સંગ કરાવતા તે વખતે ભુજ મંદિર કે તેમના સધુઓનો જન્મ પણ ન હતો એવું અમારા શ્રી કેશરા મુખીના હસ્તલેખીત કાગળોના આધાર ઉપરથી જાણવા મળે છે. ભુજ મંદિર તો સંવત ૧૮૭૯ {Year: 1822-23} ની સાલે શ્રીજી મહારાજના વખતના નંદ સ્વામીના હાથથી કરાવ્યું. તેમાં શ્રી કેશરા મુખીએ તો સારો એવો ફાળો (સોના મહોરોનો) આપ્યો છે તેવું કેશરા મુખીના હસ્તલેખીત આધારો ઉપરથી જાણવા મળે છે. જ્યાં મંદિર જ ન હતું તો ભુજ મંદિરમાંના સાધુઓ ક્યાંથી હોય ?

          ભાઈશ્રી તે વખતના નંદ પંક્તિના સાધુઓ નેત્રા વગેરે ગામમાં આવતા પણ મંદિર જેવા સ્થાનોનો અભાવ હોતાં, રાત્રે અગર દિવસે જંગલમાં અગર વાડીઓમાં જ્યાં જ્યાં મુમુક્ષો હોય ત્યાં જતા અને જ્યાં મુમુક્ષો ન હોય તેવા સ્થાનોમાં જઈને ધર્મ ઉપદેશ કરીનેનવા મુમુક્ષો બનાવતા. બાકી તમો  જે લખો છો કે ભુજ મંદિરના સાધુઓએ આવીને ઉપદેશ આપ્યો હોય તો તે વાત તદન જુઠી અને  નાપાયાદાર છે. જો તે વખતના ભુજના સાધુઓએ  જો જંગલમાં તથા વાડીઓમાં રાતવાસો કરીને જો સત્સંગ કરાવ્યો હોત તો તેની ગળહૂતીની અસર  પાછળની પેઢીના સાધુઓમાં હજી સુધી શા માટે આવી નથી ? હવે તો જંગલમાં રહેવું પડતું નથી તો પણ સાધુઓના ધર્મ મુજબ ગામડામાં ફરીને એક પણ ગામડામાં સત્સંગ કરાવ્યો હોય તેવું એક તો બતાવો ? આ તો શ્રી કેશરામુખી અને તેઓના  સાતથી આઠ સાથીદારો એ જે સાતે ગામમાં સત્સંગ જાળવી રાખ્યો તેઓની પેઢીઓ ઉતારનો જ સત્સંગ છે. તે જ ચાલ્યો આવે છે બાકી તો ભુજ મંદિરના સાધુઓ શું કપાળ સત્સંગ કરાવશે. સત્સંગ વધારવામાં તો પહેલેથી જ ભાગ લીધો નથી તો હવે શું લેશે ? કચ્છ ભુજના સાધુઓ ઈર્ષા અને પંક્તિ ભેદા ભવાડામાંથી પરવારે ત્યારે સત્સંગ—સુમેળ હોય તો જ સત્સંગને ઉત્તેજન આપે ને એ તો છિન્નભિન્ન કરીને ટુકડા કરી નાખ્યા છે તો હવે ક્યારે ભેગા થાય તેની રાહ જોઈ રહ્યા છીએ.

          ભાઈશ્રી જગતમાં ખુશામતીઓની ખાણો નથી. પણ ભુજ મંદિરના સાધુઓ પાસે તો ખુશામતીઓની રામ જાણે કેટલી મોટી અને ઊંડી ખાણ છે કે ખુશામતીઓની ખામી જ નથી આવતી.  એટલે આવાં ઢંગધંડા વગરનાં તદ્‌ન જુઠાં લખાણો લખીને ભુજ મંદિરના સાધુઓને ઓપ ચઢાવીને પરાણે ઉજળા બનાવતા હોય તેમ લાગે છે. વાઘનું કે સિંહનું ચામડું ઓઢવાથી કે ઓઢાડવાથી સિંહ કે વાઘ બની જવાતું નથી. આ તો વૈરાગ્યહીન સાધુઓ જે હોય તેવાને જ આવી નાતજાતની પંચાત ગમે. અને તેવાં કૃત્યોથી જે ભાઈઓ સત્સંગમાં જાણીતા થઈ ગયા છે તેવા ભાઈઓમાં હવે ભુજ મંદિરના સાધુઓના પંજામાં સપડાવાના નથી. ભુજ મંદિરના સાધુઓ પ્રત્યેનો અગાઉ જે ભાવ હતો તે ભાવનાને  ભુજ મંદિરના સાધુઓએ ઈર્ષા અને પંક્તિ ભેદના  ભવાડાઓ કરીને સાવ ભુંસી નાખ્યો છે હવે તેવો ભાવ આવવો મુશ્કેલ છે હંમેશા અતીની ગતી નથી ભુજ મંદિરના સાધુઓએ તુટ્યા લગણ તાણ્યું તો તેનો અંજામ એ આવ્યો કે જે સેવકો હતા તેઓને ભુજ મંદિરના સાધુઓએ હાથે કરીને શત્રુઓ બનાવ્યા. તો હાથનાં કર્યાં હૈયે વાગ્યાં તેમાં બીજાઓ શું કરે જીવ જેવાં કર્મો કરે છે તેવું તેને ફળ મળે છે. હવે તો ફુટેલા ઘડામાં પાણી રહેશે એવી તો આશા ન કરે. હવે તો સમજીને જો ભુજ મંદિરના સાધુઓ ભીનું સંકેલે તો ઠીક નહિ તો આગળ જતાં શું થાશે તે ભગવાન જાણે.

          ભાઈશ્રી તમારી લખેલી દોઢ પાનાની પત્રિકાના દશમા પેરેગ્રાફમા લખો છો તે ધર્મના બંધનરૂપ કિલ્લાને તોડી પ્રથમ તે ધર્મથી છુટા પાડનાર ગામથી નેત્રાના કેશરા ભક્ત હતા. પછી સાધુઓ  તથા કેશરા ભક્તના સહિયારા પ્રયત્નોથી સાત ગામોનાં સત્સંગ કરાવ્યો તો તેના જવાબમાં લખવાનું કે સાતે ગામોમાં સત્સંગ કરાવ્યો તેવા કેશરા ભક્ત  અને ગુજરાત, કાઠીયાવાડના શ્રીજી મહારાજના વખતના નંદ સાધુઓએ સત્સંગ કરાવ્યો પણ ભુજ મંદિરમાંના તે વખતના ગણ્યા ગાંઠયા સાધુઓ હશે તેઓ શ્રી કેશરા ભક્તના શ્રેયમાં દબાયેલા જ હોવા જોઈએ નહીં તો તે વખતે પણ ભુજ મંદિરના સાધુઓ પંક્તિ ભેદનો ભેદભાવ ચાલુ રાખત. શ્રી કેશરામુખીની હયાતીમાં ભુજ મંદિરના સાધુઓનું શ્રી કેશરામુખી સામે ઊંચું માથુ કરી જરા પણ વર્ચસ્વ હોવું જોઈતું નહિ હોય. પરંતુ જ્યારે સંવત ૧૯૩૪ ના આશો વદ ૧૪ના શુક્રવારે {VSK: 25-Oct-1878} શ્રી કેશરામુખી સ્વધામ પધાર્યા ત્યાર પછી ભુજ મંદિરના સાધુઓનું વર્ચસ્વ થોડે થોડે આ સાતે ગામડાઓમાં પગ પેશારો કરતુું થયું કારણ કે ભુજ મંદિરમાં તે વખતે લેવા પાટીદારના સાધુઓનું સંખ્યાબળ વધવા લાગ્યું તેમજ વર્ચસ્વ પણ વધવા લાગ્યું એટલે અમદાવાદના ધ.ધુ. આચાર્ય મહારાજે વિચાર્યું કે હાલમાં કચ્છમાં જવા—આવવાનું વાહનોના અભાવે બહુ જ મુશ્કેલી પડે છે એટલે તે વખતે ભુજ મંદિરમાં એક સાધુને જો દિક્ષાની ચાદર ઓઢાડવા માટે અમદાવાદ આચાર્ય પાસે આવવું પરંતુ એટલે રસ્તાની તે વખતની વાહનોના અભાવે પડતી હાડમારીને ધ્યાનમાં લઈ ધ.ધુ. આચાર્ય મહારજશ્રીએ ભુજના આગેવાન સાધુઓને આજ્ઞા આપી કે તમારે હવે નવા સાધુઓને દિક્ષાની ચાદર ઓઢાડવા માટે અમદાવાદ આવવાની જરૂર નથી. તમો અમારી આજ્ઞાથી ભુજ મંદિરના જે આગેવાન સાધુઓ હોય તે જ ચાદર ઓઢાડશે  તો અમોને કબુલ મંજૂર છે. એટલે દર્દીને જોઈતું હતું અને વૈદે બતાવ્યું એટલે ભુજ મંદિરના સાધુઓને  પોતાની સત્તામાં વધારો થવા લાગ્યો તેથી ભુજ મંદિરના સાધુઓની સત્તાનો દોર વેગવાન બનવા લાગ્યો એટલે સંવત ૧૯૪૫થી સંવત ૧૯૫૫ {Year: 1888 to1899} એમ દશ વર્ષના ગાળામાં તો કચ્છના કડવા પાટીદાર જ્ઞાતીને તો હલકી કહેવાના ગણેશ માંડી દીધા ત્યારથી આજદિન લગણ હજી કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિને એક હલકી વર્ણ તરીકે જાહેર કરી પંક્તિ ભેદના ભવાડ હજી સુધી ચાલ્યા આવે છે, આ ઉપર લખી જુની હકીકત અમારા પૂર્વજો પાસેથી સાંભળેલી અને તેવી વાતને ઐતિહાસિક બાબત સમજી લખી રાખેલી અગર જીવમાં ઉતરી જવાથી હજી સુધી પણ વિસરાતી નથી.

ભાઈશ્રી તમારી દોઢ પાનાની પત્રિકાના અગિયારમા પેરેગ્રાફમાં લખો છો કે વાત લગભગ મળતી આવે તેવી છે એમ જણાય છે. શ્રી કેશરામુખી  સ્વધામ ગયા ત્યારબાદ તેમના પુત્ર શ્રી કચરામુખી સાત ગામના સત્સંગીઓના આગેવાન બન્યા. શ્રી કચરામુખીના હસ્તલેખીત જુના ચોપડામાંથી જાણવા મળે છે કે આપણી આ નાની નાત જે હરિ ભક્તની નાત તરીકે ઓળખાવી બંને નાતોએ એક બીજાઓના ધર્મમાં માથું મારવું નહિ એવું તે વખતની ગણાતી એવી નાની નાતની જુની વહીઓમાંથી જોવા તેમજ જાણવા મળે છે.

          ત્યાર પછી તો ધર્મને નામે આપસમાં થોડા ઘણા ઝઘડાઓ ચાલતા રહ્યા. એમ થોડા વરસ ચાલ્યા પછી સંવત ૧૯૬૪ {Year: 1907-08} ની સાલમાં ગામ શ્રી વિરાણીવાળા પટેલના રાણજીભાઈ રામજીભાઈ લીંબાણી તેઓના સાથીદારો આઠે જણાઓ મળીને રાજકોટના ઔદિચ્ય બ્રાહ્મણ એવા શ્રી રામેશ્વર મહારાજના હાથથી નાશીકમાં શ્રી ગોદાવરીજીના પવિત્ર કિનારે (યજ્ઞોપવિત) જનોઈઓ ધારણ કરાવી. તેઓ જનરલ સમાજમાંથી છુટા પડયા પણ સંખ્યા બળ ન હોવાથી તેઓને ખુબ મુશ્કેલીઓ પડવા માંડી. એટલે તેઓ કચ્છ કડવા પાટીદાર સમાજમાંથી શ્રી કેશરા મુખીના વખતથી જે ભાઈઓ ધર્મ જુદા પડ્યા તેઓ ભેળા ભળ્યા અને તેઓનું સંખ્યા બળ  વધવા માંડ્યું. આવી રીતે જેમ જેમ જાગૃતિ આવવા લાગી તેમ તેમ કચ્છ કડવા પાટીદારે ઉન્નતિના આરે પહોંચવાના પ્રયત્નો કર્યાં પરંતુ તે અરસામાં જો ભુજ મંદિરના સાધુઓએ  બહાર પડીને કચ્છમાં રહેતા શ્રી કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિના ગામડાઓમાં જઈને જો સત્સંગ કરાવ્યાં હોત તો આજે લગભગ ૧૨૮ ગામોમાં સત્સંગ થયો હોત પણ ભુજ મંદિરના સાધુઓ કચ્છ કડવા પાટીદાર સમાજને ઉતારી પાડવાની પ્રવૃત્તિમાંથી નવરા થાય ત્યારે સત્સંગ કરાવેને ? પ્રિય વાંચકો વિચારો કે શ્રી સામજીભાઈની દોઢ પાનાની પત્રિકાના નવમા પેરેગ્રાફમાં જણાવે છે કે ભુજ મંદિરના સાધુઓએ તમારી જ્ઞાતિને શુદ્ધ  પવિત્ર માનીને તે ધર્મથી મુક્ત કર્યા અને તેવા સંયોગોમાં ભૂખ, તરસ, દુઃખ, અપમાન, તિરસ્કાર  સહન કરીને રાત વાસો જંગલમાં કરતા અને સવાર થતાં વાડીઓ ખેતરોમાં જઈને ઉપદેશ કરતા એવું જણાવે છે તે તદન જુઠું અને હડહડતું ખોટું છે. શ્રી કેશરા મુખીએ કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિમાં સત્સંગ કરાવીને જે સાત ગામોમાં મંદિરો કરાયાંનો ત્યાર પછી ભુજ મંદિરના સાધુઓએ કેટલા ગામોમાં  (સાત ગામ છોડીને) સત્સંગ કરાવ્યા એક તો ગામ કાઢી બતાવો ? એટલે ભુજના સાધુઓએ સત્સંગ કરાવવામાં જરા પણ પરિશ્રમ લીધો જ નથી. એ સત્ય જણાઈ આવે છે. ભાઈશ્રી, ભુજ મંદિરના સાધુઓ પાસે ખુશામતીયાઓની જરા પણ ખોટ હોય તેવું જણાતું નથી. એટલે તેવા સાધુઓ પોતાના ખુશામતીયાઓને જેટલા પગલાં ભરાવે તેટલાં પગલાં ભરે. પણ જાણતા નથી કે આવા મંદબુદ્ધિના ખુશામતીયાઓ જો રાખશું તો થોડો ઘણો હવે સત્સંગ રહ્યો છે તે પણ દિન—પ્રતિદિન અસ્તાચળે જઈ રહેશે તેવો વિચાર કરવાની ખાસ જરૂર છે. ભાઈશ્રી ક્યાં રાજા ભોજ અને ક્યાં ગાંગો તેલી કયાં લાગણી અને કયાં ઈર્ષ્યાએ બંનેનો મેળ કોઈ દિવસ જામતો નથી.

          ભાઈશ્રી તમારી દોઢ પાનાની છપાવેલી પત્રિકાના ૧૨માં બારમાં પેરેગ્રાફમાં લખો છો કે  વિરાણીવાળા શ્રીમાન નારાણજીભાઈ રામજી અને સાથીદારો અને વાંઢાયવાળા સંત ઓધવદાસજી મહારાજ તરફથી તમારી જ્ઞાતિને સુધારવાના ખુબ ખુબ પ્રયત્નો થયા છે એવું જે લખો છો તો તેના જવાબમાં જણાવવાનું કે જો તે વખતે પણ ભુજ મંદિરના સાધુઓ શ્રી નારાણજીભાઈ અગર તેઓના સાથીદારો તથા વાંઢાયવાળા સંત ઓધવદાસજી મહારાજ બંને મળીને જો કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિને સુધારવાની કોશીશ કરી હોત તો આજે કચ્છના ઘણાં ગામડાંઓમાં પણ સત્સંગ થયો હોત પણ તેવું કચ્છ કડવા પાટીદાર જ્ઞાતીને સુધારવાનું કામ કરે ભુજના સાધુઓની બલ્લા.

          ભાઈશ્રી તમારી દોઢ પાનાની છપાવેલી પત્રિકાના ૧૪ ચૌદમાં પેરેગ્રાફમાં લખો છો કે ભુજ મંદિરના વહીવટ ક્ષેત્રે પણ સત્સંગની શરૂઆતથી જ તમારી જ્ઞાતિના ભક્તોને જ ભુજ મંદિરના કોઠારીપદે નિમણૂક થતી આવી છે તો તેના જવાબમાં લખવાનું કે અમારી જ્ઞાતિના કોઠારીઓને રાખવાની પાછળ ભુજ મંદિરના સાધુઓની પાકી ચાલબાજી હતી અને તે એ કે જો કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિના  ભક્તોને જો સાધુ દિક્ષા આપશું તો થોડે થોડે કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિના સાધુઓની બહુમતી થવા માંડશે અને આપણી બાજી ઊંધી વળી જશે. માટે જ કોઠારીપદે રાખ્યા હશે પણ જ્યારથી અમો જાણીએ છીએ ત્યારથી તો ખેતશી ભક્ત કોઠારીપદે હતા પણ પાછળથી તેવા કોઠારીને ભુજ મંદિરના  સાધુઓએ ભુજ મંદિરમાંથી કેવી હેરાનગતિ કરીને કાઢ્યા તેનું તમો કેમ લખતા નથી ?

          ભાઈશ્રી, તમારી લખેલી દોઢ પાનાની પત્રિકાના ૧૫માં પંદરમાં પેરેગ્રાફમાં લખો છો કે  ઉપરોક્ત દરેક વ્યવહાર તમારી જ્ઞાતિને શુદ્ધ અને પવિત્ર જાણીને કડવા અને લેવા પટેલ સમપણે રાખીને થયો છે અને થાય છે ઉપરોક્ત દરેક કાર્ય  તમારી જ્ઞાતિની ઉન્નતિ માટે તન, મન, અને ધનના ભોગે મંદિરો સંતો તરફથી કરવામાં આવે છે. તો તેના જવાબમાં લખવાનું કે અમારી જ્ઞાતિને શુદ્ધ અને પવિત્ર જાણીને કડવા અને લેવા પટેલ સમભાવે થયો છે તો તે હકીકત તદન જુઠી અને વજુદ વગરની છે. કડવા અને લેવા પટેલ સમભાવે રાખીને વ્યવહાર હજી સુધી થયો નથી તો હવે શું થવાનો છે ? કડવા પાટીદાર જ્ઞાતિના ભાઈઓને ભુજ મંદિરના સાધુઓે એ લગભગ ૮૦ થી ૯૦ વરસ થયાં હજી સુધી શુદ્ધ અને પવિત્ર ગણ્યા જ નથી એ સત્ય હકીકત છે અને કડવા પાટીદાર જ્ઞાતિના ભાઈઓને એક હલકી વર્ણના ગણીને તેની અદ્યોગતિ માટે ભુજ મંદિરના સાધુઓએ તન, મન અને ધનના ભોગે ભુજ મંદિર અને મંદિરના સાધુઓ તરફથી તનતોડ પ્રયાસો કરવામાં આવ્યા છે શ્રી સ્વામીનારાયણ આખી સંપ્રદાયમાં પૂછો કે ભુજ મંદિરના સાધુઓએ કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિના  ભાઈઓ સાથે કેવો બેહુદો અને ઓરમાયો વર્તાવ કરેલ છે ? તે પૂછવાથી માલુમ પડશે જેના પુરાવાઓ આમાં જ અગાઉના પેરેગ્રાફોમાં અપાઈ ગયા છે તે ફરીથી વાંચી જવા વિનંતિ છે. શ્રી કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિના ભાઈઓને આટ—આટલા હેરાન કર્યા તો હવે ભુજ મંદિરમાંના કેટલાક સાધુઓની સાથે વિરુદ્ધ ન કરે તો શું વંદન કરે ? ભાઈશ્રી તે હવે બનવું મુશ્કેલ છે અમો ભુજ મંદિરના સાધુઓ સાથે વરસો સુધી તેઓના પરિચયમાં આવ્યા પણ  ભુજ મંદિરનો વ્યવહાર અને વર્તન કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિને સરવાળે નિરાશા સિવાય બીજં કાંઈપણ જણાયું નથી.

          ભાઈશ્રી તમારી દોઢ પાનાની પત્રિકાના પેરેગ્રાફમાં લખી જણાવો છો કે શ્રી સ્વામીનારાયણ ધર્મ એ સર્વજન હિતાવહ મોક્ષ માર્ગી સંપ્રદાય છે તેમાં એક કોમવાદનું સ્થાન જ નથી તો તેના જવાબમાં લખવાનું કે ભુજ મંદિર અને ભુજ મંદિરના સાધુઓને છોડીને કચ્છ બહાર સંપ્રદાયમાં જ્ઞાતીવાદ કે કોમવાદનું સ્થાન નથી પણ કચ્છમાં તેમાં પણ કચ્છ ભુજના મંદિરમાંના સાધુઓએ તો કચ્છનો સત્સંગ જ્યારથી કચ્છ ભુજ મંદિરના સાધુઓમાં એક હજુ થયો ત્યારથી કોમવાદના ગણેશ મંડાયા જેવો ભુજ મંદિરમાં અને ભુજ મંદિરમાંના સાધુઓમાં જે કોમવાદનો ભેદભાવ છે તેવો ભેદભાવ સંપ્રદાયમાં ક્યાંય પણ જોવા મળશે નહિ કારણ કે તેવા સાધુઓએ કોમવાદનો જ ઈજારો વર્ષોથી ઈર્ષાના જોરે અત્યાર લગણ ટકાવી રાખ્યો છે તેમાં જરાપણ શંકાને સ્થાન નથી. ભુજ મંદિરના સાધુઓ હવે જો કોમવાદના કોકડાને સમેટી લે તો સારી વાત છે. જ્યાં સુધી કોમવાદનો અંત ભુજ મંદિરના સાધુઓ નહિ લે ત્યાં સુધી ભુજ મંદિરના સાધુઓ પ્રત્યે કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિને અભાવ મટવાનો નથી પરંતુ હાલમાં જે અભાવ છે તેના કરતાં હજી વધવાનો છે તેની નોંધ લેશો. ભાઈશ્રી  તમારી પત્રિકા ૧૬મા પેરેગ્રાફમાં લખો છો કે જે ભાઈઓનો આ સંપ્રદાય સાથે કોઈ સંબંધ નથી અને સંપ્રદાયના અનુયાયી પણ નથી તો તેવા ભાઈઓ પણ આ વિરોધ કરતાં ભાઈઓ સાથે સમજ્યા વિચાર્યા વગર જોડાઈને સાથ આપીને વિરોધ કરે છે. તો તેના જવાબમાં લખવાનું કે ભાઈશ્રી તમો જે સંપ્રદાય કે ધર્મ તેને જ તમો સમાજ માનો છો તો તે તારી કઈ જાતની મુર્ખામી સમજણ છે ? હંમેશાં સમાજ અને સંપ્રદાયને કાંઈપણ લાગતું વળગતું નથી. સંપ્રદાયમાંનો દરેક કામ આવી શકે છે અને દરેક કોમ હોય છે પણ સમાજમાં તો એક જ સમાજના જ ભાઈઓ હોય છે તેનું તમોને ક્યારે ભાન થશે તેની અમો રાહ જોઈ રહ્યા છીએ. ભુજ મંદિરના સાધુએ તો કોમ કોમ કરીને જ કોમવાદના ઝઘડા ઊભા કર્યા છે કચ્છ કડવા પાટીદારને સંપ્રદાય સાથે કે ધર્મ સાથે કોઈ પણ જાતનો બિલકુલ ઝઘડો નથી ધર્મ તો એક મનની માન્યતા છે પણ સમાજ એ કાંઈ મનની માન્યતા નથી. તમો જ ધર્મને સમાજ માની બેઠા છો તો તમારી ડગળી ઠેકાણે છે કે નથી, તમો જગતમાં જઈને પૂછો અગર જુઓ કે ધર્મ અને સમાજ એક જ હોય છે કે જુદાં હોય છે ? આ તો તમો કેવું વિચિત્ર વર્ણન કરો છો તો તમારી અમો શું વ્યાખ્યા કરીએ ? ભાઈશ્રી ભુજ મંદિરના સાધુઓ જો તમારી  સમાજનાં ભાઈઓ સાથે અણછાજતું અવળચડું અને હલકટભર્યું વર્તન કરે તો તમારા જ સમાજના ભાઈઓ સામા પક્ષવાળા સાથે વિરોધ કરે કે નહિ. તેવા સામા પક્ષવાળા સાથે વિરોધ કરવાનોપહેલો અધિકાર છે. જો તમો ભાનભુલ્યા હો તો ભાન ઠેકાણે રાખી ભુલ્યાં ત્યાંથી ફરી ગણો તો અંત આવશે.

          ભાઈશ્રી તમારી દોઢ પાનાંની પત્રિકાના ૧૭ સત્તરમા પેરેગ્રાફમાં લખો છો કે દયાપુર મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠાનો ઉકેલ લાવવા તમારી જ્ઞાતિના આગેવાન ભાઈઓ પોતાના કીમતી સમયનો ભોગ આપીને ભુજ મંદિરમાં પધારીને ભુજ મંદિરના સાધુઓ સાથે વાટાઘાટો કરી ભુજ અને ભુજ મંદિરના સાધુઓ હસ્તે મૂર્તિ પ્રતિષ્ઠા થાય તેવો નિર્ણય લઈને પ્રશ્ન ઉકેલી આપ્યો તો તેના જવાબમાં લખવાનું કે અમારા સમાજના આગેવાન ભાઈઓ ભુજ મંદિરના સાધુઓ જેવા વિવેકહીન અને ઈર્ષાળુ નથી જે એક લેવા અને કડવાની પંક્તિ ભેદનો પ્રશ્ન વર્ષો થયાં હજી પણ ઉકેલી શક્યા નથી. ભાઈશ્રી દયાપુરના મંદિરમાંના મૂર્તિ પ્રતિષ્ઠાનો પ્રશ્નનો ઉકેલ કરવા શા માટે આવ્યા હતા તેનો તમોએ વિચાર કર્યો છે કે નહિ ? જો વિચાર ન કર્યો હોય તો વિચાર કરજો કે દયાપુરના મંદિરમાં ભગવાન પાટ ઉપર લગભગ ત્રણ વર્ષ સુધી બેસી રહ્યા પણ મૂર્તિ પ્રતિષ્ઠાનો કોઈ ઉકેલ આવ્યો નહિ અને તેવા પ્રશ્નના ઉકેલ માટે અમારા દયાપુરના કચ્છ કડવા પાટીદાર ભાઈઓમાંથી આગેવાન ભાઈઓ ભુજ મંદિરના સાધુઓ પાસે લગભગ ૬થી ૭ વખત ભુજ મંદિરમાં ચર્ચા કરવા આવેલ પરંતુ  ભુજમંદિરના સાધુઓએ પોતાની હાડની હઠીલાઈને જરાપણ હટાવી નહિ. અને વારે ઘડીએ એક જ પ્રશ્ન કરે કે જો બે રસોડા થાય તો જ મૂર્તિ પ્રતિષ્ઠાનો પ્રશ્ન ઉકલે નહિ તો નહિ જ એવો પંક્તિ ભેદના ભેદભાવનો પ્રશ્ન લઈ  આવે એટલે અમારે ન છુટકે અમારા જનરલ સમાજમાં પોકાર કરવી પડી એટલે અમારી અખિલ કચ્છ કડવા પાટીદાર સમાજના આગેવાનો ભુજ આવી ભુજ મંદિરના સાધુઓ સાથે પોતાનામાં રહેલી વિવેક અને વિનયથી ચર્ચા કરવામાં સંમત થયા ત્યારે ભુજ મંદિરના સાધુઓ સમજવા લાગ્યા કે આપણા આ સાત ગામના ભાઇઓ જેવાજ છે એટલે સાત ગામના કડવા પાટીદારો સાથે જે આપણે આપણું હલકટભર્યું અને વિવેકહીન, ઉદ્ધતાઈભર્યું અગાઉની જેમ વર્તન કરીએ છીએ તેવી રીતે રોકડો જવાબ આપી દઈએ એટલે ભુજ મંદિરના સાધુઓએ અમારી જનરલ સમાજના ભાઈઓ સાથે જરા ઉદ્ધતાઈ અને વિવેકહીન વાતોનું વર્તન કરવા લાગ્યા એટલે અમારી જનરલ સમાજના માનદ મંત્રી એવા શ્રી પ્રેમજીભાઈ પુંજાભાઈએ કહ્યું કે સ્વામી તમો અમોને શું સમજો છો તમારી સમજી લેવું જોઈએ કે આ અમારી અખિલ કચ્છ કડવા પાટીદારનો ૧૨૮ ગામની નાત આવી છે અને તેના અમો આગેવાન કાર્યકર્તા ભાઈઓ છીએ માટે જો વાત કરવી હોય તો વિવેક અને વિનયથી વાત કરો. અમો અને તમો આપસમાં આગેવાનો વાત કરતા હોઈએ ને તમારા સાધુઓમાંથી લગભગ પચાસેક સાધુઓ વચમાં આવીને બોલે તે કાંઈ બોલવાની રીત છે કે નહિ આજની આ સભાનું શિસ્ત જાળવવું એ તમારી અને અમારી બંનેની પહેલી ફરજ છે માટે તમોને જેને પૂછીએ તે જ જવાબ આપો. વચ્ચમાં બીજા કોઈ બોલશો તો શિસ્તનો ભંગ કર્યો કહેવાશે. ભાઈશ્રી અમારા સમાજના આગેવાનો તો પોતાના વિચારો સાથે વિનય અને વિવેક લઈને જ આવ્યા હતા, પણ ભુજ મંદિરના સાધુઓએ જ્યારે પોતાની હઠીલાઈ છોડી નહિ ત્યારે અમારે ન છુટકે અમારી જનરલ સમાજના આગેવાન ભાઈઓને તકલીફ આપવી પડી પણ એકંદરે સારું થયું.

          ભાઈશ્રી તમારી દોઢ પાનાની છપાવેલી પત્રિકામાંના ૧૮ અઢારમાં પેરેગ્રાફમાં લખો છો કે  સંપ્રદાયની શરૂઆતથી જ તમારી જ્ઞાતિમાં સત્સંગ છે તે સત્સંગનો વહેવાર ભુજમંદિર અને ભુજ મંદિરના સંતો સાથે આ જ દિવસ પર્યંત અણિ શુદ્ધ  ચાલ્યો આવે છે. અને એવોને એવો ચાલ્યો આવે અને સત્સંગની એકતા જળવાઈ રહે તેવી ભગવાનને પ્રાર્થના. તો તેના જવાબમાં જણાવવાનું કે સંપ્રદાયની શરૂઆતથી જ અમારી જ્ઞાતિમાં સત્સંગ છે તે વાત તદ્‌ન સાચી છે પણ તેવા સત્સંગનો વ્યવહાર ભુજ મંદિરના સાધુઓએ અમારી જ્ઞાતિ સાથે આજ દિવસ સુધી ઓરમાયો વ્યવહાર કર્યો છે જેથી અણીશુદ્ધની બદલીમાં અણીબુઠી ચાલે છે. ભુજ મંદિરના સાધુઓએ  વર્ષો સુધી પોતાનું મનગમતું ધાર્યું  કરવા ખુબ લાકડાની તલવાર ખેડી તેથી કચ્છ કડવા પાટીદારના ભાઈઓ હવે જાગૃત બન્યા ભુજ મંદિરના સાધુઓ સાથે ઘણાં વર્ષો સધી એકતા જાળવી પણ આખરે એકતાનો સૂર્ય અસ્તાચળે જઈ રહ્યો છે તો  હાલે તેવો સૂર્ય ફરી ઉગશે કે કેમ ? તેની અમો રાહ જોઈ રહ્યા છીએ.

          ભાઈશ્રી તમારી દોઢ પાનાની છપાવેલી પત્રિકામાંના ૧૯મા પેરેગ્રાફમાં લખો છો કે આ પત્ર લખવાનો હેતુ એટલો જ છે કે જે ભાઈઓને ઉપરોક્ત સાંપ્રદાયીક કાર્યની જાણ ન હોય તેને જાણ કરવા અને તે જાણીને સંપ્રદાય પ્રત્યે ગેરસમજ  ન થાય એ હેતુથી આ પત્ર લખું છું તો તેના જવાબમાં લખવાનું કે ભાઈશ્રી તમારી પત્રિકાનો હેતુ લખવાનો તમોને હમણાં જાગૃતિ આવી કે પહેલેથી હતી. ભાઈશ્રી તમોને અમોએ આજ પત્રિકાના જવાબમાં અગાઉના પેરેગ્રાફમાં જણાવ્યું છે કે ભાઈશ્રી અમારી સમાજના બધા જ ભાઈઓને સંપ્રદાય પ્રત્યે જરા પણ ગેરસમજ નથી ભલે તેઓઆ સંપ્રદાયને માનતા હોય કે ન માનતા હોય તો પણ સંપ્રદાય પ્રત્યે ગેરસમજ નથી. પણ તમો  વારે ઘડીએ સમાજ અને સંપ્રદાયને એક જ હારે ગણો છો તે તમારી નરી મુર્ખાઈ જ છે. કોઈપણ સમાજના ભાઈઓને કોઈ પણ સંપ્રદાય સાથે લેવાદેવા નથી. જેને જે જે સંપ્રદાયના રીતિરિવાજો ઠીક લાગે તો તેવી ઠીક લાગતી સંપ્રદાયનો સ્વીકાર કરે અને જેને ઠીક ન લાગે તેવા  ભાઈઓ સંપ્રદાયને ન પણ માને તમો તો વારે ઘડીએ સંપ્રદાયનો પરાણે પોપટ પઢાવો છો. તેવી તમારી પત્રિકાનો હેતુ અમો બરાબર સમજી ગયા છીએ તમો એ આવી વજુદ વગરની જે પત્રિકા છપાવી છે તેનો અમલ કોઈ પણ રીતે કરીએ તેમ નથી.

          ભાઈશ્રી અમોએ સમાજ તથા સંપ્રદાયમાં કોઈ પણ રીતે ઉશ્કેરણી જનક વાતાવરણ ન થાય  અને તેવી રીતની કોઈ પણ જાતની ઉપાધી વગર વખત પસાર થઈ જાએ એવા હેતુથી અમોએ શાંતિ  જાળવીને ચુપ બેઠા હતા. જે હાલે અમારી કચ્છ કડવા પાટીદાર સત્સંગ સમાજમાંના ભાઈઓમાં જે હાલમાં અશાંતિના વાદળ ઘેરાયેલા છે તે નિમિત્તે નીકળી જશે અને વખત આવે બધું જ શાંત થઈ જશે કે જેથી પહેલાં શાંતિ અને જે સંપ હતો તેવો જ થઈ રહેશે. આ તો પાણીમાં ધોકો પડ્યો તેથી જરા પાણી પહોળું થાય તે સ્વાભાવિક જ છે પણ આખરે તો ભેગું થઈ જવાનું જ છે. કારણ કે કોઈને પણ આપસમાં એકબીજા વગર ચાલે તેવું નથી એટલે નિમિત્તે થયું છે અને નિમિત્તે તેનો અંત આવી જશે. એવા અમારા સંકલ્પોથી જ અમો કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિના ભાઈઓએ એવી ઉશ્કેરણીજનક અને વજુદ વગરની કોઈપણ પત્રિકા અગર પુસ્તિકા છપાવી હોય તો તેનો પુરાવો છેલ્લા બે વર્ષમાં જો તમારી પાસે હોય તો જણાવો. આ તો તમોએ જ પેટ ચોળીને ખોટી ઉપાધિઓ અને ઉશ્કેરણીજનક વાતાવરણ કેમ વધુ થાય તેવું તમોએ ઈરાદાપૂર્વક કર્યું છે તે તદન સારી વાત છે. હાલમાં ખરું પૂછો તો તમારે આવી માલ વગરની પોપલી પત્રિકા છપાવવાની તમોને શું ખબર હતી ? શું તમારું ખરું ટાંકણે ખેતર સુકાઈ જતું હતું કે કેમ ? આવાં મોસમ વગરનાં ખેતરોમાં ઝેરનાં ઝાંડવા રોપી તેને પ્રત્યાઘાતનાં પાણી આપવા તેના કરતાં ભગવાને જો તમોને કાંઈ પણ થોડી ઘણી અક્કલ આપી હોય તો બીજી વખત આવી પોપલીઉં અને માલ વગરની વેવલીઉં પત્રિકા છપાવતાં પહેલાં કોઈ સમજુ અને ડાહ્યા માણસને પૂછી જોશો. કે પાછળથી તમોને પસ્તાવવું પડે નહિ આ તો તમો એ એવું કર્યું કે ધરમશીભાઈએ ધંધો કીધો અને નવું ધોતીયું ફાડીને રૂમાલ કીધો તેમાં તમોએ શું અકક્લ વાપરી છે ?

          તમોએ તો બહુ જ મોટી ગંભીર ભુલ કરી છે એમ અમોને જણાય છે કે નાની તલાવડીમાં પાણી થોડું હોય અને તેમાંથી જો હળવે રહીને પાણી ભરી લ્યો તો પાણી પીવાના કામમાં આવે પણ જો તેમાં અક્કલ વગરનાં ડોબાં (ભેસું) પડે તો પાણી એવું તો ડોળાઈ જાય કે પછી તે પાણી  તે વખતે ગમે તેટલી તરસ લાગી હોય પણ તે પાણી પીવાના કામમાં આવતું નથી. તેમ તમોએ અમારી આ નાની તળાવડીનું પાણી સાવ ડખોળી નાખ્યું છે તેનું રક્ષણ કર્યું નથી. ભાઈશ્રી પત્રિકા છપાવીને ઉશ્કેરણીજનક વાતાવરણ વધાર્યું છે તેમાં એકબીજાના ગુણદોષો ઢાંકવાને બદલે તમોએ ખુલ્લે ખુલ્લા કરવાની તમોએ અમોને આડકતરી રીતે ન છુટકે ફરજ પાડી છે. તો તેના જવાબદાર અને દોષિત તમો પોતે જ આ દોઢ પાનાની પત્રિકા લખીને છપાવનાર જ છે. અને તેનો જે કાંઈ દોષ લાગશે અગર રાજીપો મળશે તેનું પાપ અને પુણ્ય તમારે શીરે છે. અમારે તેના સાથે કાંઈ પણ લેવા દેવા નથી તેની ખાસ નોંધ લેશો.

          ભાઈશ્રી તમારી છપાવેલી દોઢ પાનાની પત્રિકાના ૨૦ વીસમા પેરેગ્રાફમાં લખી જણાવો છો કે જે ભાઈઓને કચ્છમાં સત્સંગથી કાંઈક મન દુઃખ થયું હોય તો તેના નિરાકરણ માટે ભુજ મંદિરમાં આવી સંતો સાથે બેસી શાંતિથી વિવેક અને વિનયથી ચર્ચા કરી નિરાકરણ કરવા વિનંતિ છે. તો તેના જવાબમાં જણાવવાનું કે અમોને ભુજ મંદિર તેમજ સત્સંગ તેમજ સંપ્રદાય સાથે જરાપણ વાંધો નથી અને થવાનો પણ નથી માત્ર વાંધો અમારે ભુજ મંદિરના સાધુઓ સાથે જ છે. તમો ભુજ મંદિરના સાધુઓને પહેલું પૂછી જુઓ કે તમારામાંથી વિવેક અને વિનય જે વર્ષોથી વિદાયગીરી લઈ ગયાં હતાં તે પાછાં આવ્યા છે કે કેમ ? કારણ કે અમારા કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિના અમારા પૂર્વજોએ તેમજ અમોએ લગભગ ૮૦થી ૯૦ વર્ષો સુધી ભુજ મંદિરના સાધુઓ સાથે અનેક વખતે સામાજીક ચર્ચાઓ કરવા વિનય વિવેક સાથે રાખીને ચર્ચાઓ કરેલ છે પરંતુ તેવી ચર્ચા દરમિયાન ભુજ મંદિરના સાધુઓએ એક પણ વખત વિનય અને વિવેકથી અમારી સાથે ચર્ચા કરી હોય તેવું અમોને હજી સુધી  જાણ્યામાં આવ્યું નથી. ભુજના સાધુઓ સાથે મેં (ગોપાલજીએ) પણ ઘણી વખત સામાજીક ચર્ચાઓ કરેલ પરંતુ સાધુઓએ તો વાતોમાં વિવેકથી જરા પણ વાત કરેલ નથી. હમેશાં ઉદ્ધતાઈભર્યું વર્તન અને વાતાવરણ કરેલ છે તો તેવા સાધુઓ સાથે ચર્ચા વિચારણા કરવી જરૂરી જણાતાં બે વર્ષના ગાળા દરમિયાન સાતથી આઠ વખત  રૂબરૂ સમાજ લેવલે ચર્ચા થતાં પણ સમાજ એક રસોડાની સહમતી પણ સાધુ પાસેથી થઈ નથી તો હવે બીજી શું ચર્ચા કરી ફળ મેળવવાની આશા રાખી શકીએ.

          નોંધ : આ મારી લખેલી પત્રિકામાંની હકીકત કોઈ પણ ભાઈએ પોતાની જ હકીકત છે. એમ સમજી પોતાને જણાતી હોય તો તેવી હકીકતની પાઘડી પોતાના માથા ઉપર પરાણે પહેરી લેવાની જરા પણ જરૂર નથી.

 

લિ. પટેલ ગોપાલજી સોમજી ભગત

ગામ  : કચ્છ શ્રી રવાપરવાળા.

હાલનું ઠેકાણું : પ્લોટ નં. ૧૯૩, બ્લોક નં. ૧ સ્ટેશન રોડ, વડાલા, મુંબઈ નં. ૪૦૦૦૩૧

 

 

         

         

         

         

         

         

         

         

         

         

         

 

         

         

         

         

         

          

Leave a Reply

Share this:

Like this: