Book: Abhilekh -2, 2024 (અભિલેખ -2, 2024)

Index

35. પૂછેલા પ્રશ્નો - દિનાંક 20-Jan-1968

ૐ નમો ભગવતે વાસુદેવાય ॥

 

એક સત્ય ઘટના”

ના

લેખકને

સજ્જડ જવાબ

સાથે

પૂછેલા પ્રશ્નો

સંવત  ૨૦૨૪                                                                                 ઈ.સ. ૧૯૬૮

 

 

લેખક અને પ્રકાશક

પટેલ ગોપાલજી સોમજી ભગત

ગામ કચ્છ શ્રી રવાપરવાળા

 

એક સત્ય ઘટના” ના લેખકને સજ્જડ

જવાબ સાથે પૂછેલા પ્રશ્નો

          “એક સત્ય ઘટના” એ નામે પ્રગટ થયેલ પુસ્તક તા.૫—૧૨—૬૭ ના રોજ ગામશ્રી નખત્રાણા મધ્યે શ્રી નથુભાઈ નાનજીભાઈ પટેલ પાસેથી  વાંચવા મને સદ્‌ભાગ્ય સાંપડ્યું. એ પુસ્તકમાં લખાણની તા.૨૫—૮—૧૯૬૭ છે અને છપાઈની તા.૨૫—૯—૧૯૬૭ છે અને લખાયું છપાયું તે હિંમતનગરમાં, જીલ્લો સાબરકાંઠા, લેખક : “અંતરઆત્મા”, અને નિમિત્ત : રવજીભાઈ કાનજીભાઈ પટેલ.

          ભાઈશ્રી આ પુસ્તક લખવામાં તમોએ જે તસ્દી લીધી છે, તે તસ્દી લેવાનો મુળ ઉદ્દેશ તમોએ પીરાણાપંથને પ્રોત્સાહન આપવા માટે જ હોય એમ અમોને જણાય છે.

          ભાઈશ્રી પીરાણાપંથના સ્થાપક પીર ઈમામશાહે કેટલાક હિન્દુધર્મના દેવોની નીંદા કરી ભેળસેળીઓ ન હિંદુ ન મુસલમાન એવો પીરાણા સતપંથ ધર્મ આજથી લગભગ પાંચસો વર્ષ ઉપરે ચાલુ કરી હજારો ભોળા, અભણ અને અજ્ઞાનીજનોને પોતાની ઈન્દ્રજાળમાં ફસાવી ત્રિશંકુની માફક અધ્ધર લટકતા કર્યા હોય એમ તેમના ઈતિહાસ પરથી જણાય છે.

          ભાઈશ્રી અમોએ સાંભળ્યું છે કે શ્રી રવજીભાઈ એક મહાવિદ્વાન અને ચાલાક પુરૂષ છે. અમોએ તમોને વ્યક્તિગત જાણ્યા તેમજ જોયા નથી. તમો જો તેવા વિદ્વાન અને ચાલાક હશો  તો અમારે ગૌરવ લેવા જેવું છે જે અમારી કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિમાં આવા ચાલાક અને વિદ્વાનભાઈઓ છે. પણ ભાઈશ્રી તમારી અત્યારની ચાલાકીના ચક્રોએ તમોને કઈ  દિશામાં ચકડોળે ચડાવેલા છે ? હાલના જમાનામાં રંગરાગ અને સુધરેલા પવનની પતાકાઓ કઈ દિશામાં ફરકી રહી છે, તેનો ખ્યાલ કરવા તમોને જરા પણ વખત મળ્યો હોય અમોને જણાતું નથી.

          ભાઈશ્રી આપણે ભણ્યા હોઈએ તો આપણા ભણતરને જરા ગણતરના રૂપમાં ફેરવતાં શીખવું જોઈએ. જે હું પોતે કોણ છું ? કઈ જ્ઞાતિમાં મારો જન્મ થયો છે ? મારો સનાતતન આર્ય હિંદુધર્મ શું છે ? અને હાલમાં હું કયા રસ્તે જઈ રહ્યો છું ? તેનો ખ્યાલ તમો પોતાનું હૈયું હાથ કરી પોતામાં રહેલા આત્મામાં કરો જે  પીરાણા ધર્મના સ્થાપક કોણ છે ? આ સૃષ્ટિની શરૂઆતથી ઋષિમુનીઓ કે પાછળથી પ્રગટેલા ઈમામશાહ ?

          ભાઈશ્રી આપણા ભારત વર્ષમાં યુગાન્તરથી ચાલતો આવતો એવો જે શુદ્ધ સનાતન હિંદુધર્મ જેની શરૂઆત આ સૃષ્ટિના કર્તા બ્રહ્મા પછી મહાન ઋષિમુનીઓ, બ્રાહ્મણો તેમજ સનાતન હિંદુધર્મના ધર્માચાર્યો કે જેમણે પોતાના અસલ સનાતન હિંદુધર્મને જીવતો જાગતો રાખવા માટે આજ દીન પર્યંત તનતોડ મહેનત કરી જાળવી રાખ્યો એવો જે સનાતન હિંદુ ધર્મ તેમને હિંદુઓએ ટકાવી રાખવા માટે વખત આવ્યે પોતાના તન, મન, અને ધનના બલીદાનો આપવામાં આજ દિવસ સુધી પાછી પાની કરી નથી તે જ સાચા હિંદુ  છે અને હિંદુ તરીકે તેને જ ગણવામાં આવે છે. એવા જે પૂર્વોના તથા અત્યારના હિંદુઓ કે જેઓ ભૂતકાળે વિધર્મીઓની સત્તાનો ભોગ બનતાં કેટલાંક નબળા મનના હિંદુઓને ન છૂટકે વિધર્મીઓને વશ થવું પડયું હતું છતાં પણ પોતાના અસલ હિંદુધર્મને ભૂલી ગયા ન હતા એટલે વખત આવે પોતાના અસલ હિંદુ ધર્મમાં પાછા આવી ગયા. તેમાં જેઓ ભોળા અભણ અને અજ્ઞાની હિંદુઓ હતા તેમના ભોળપણાનો લાભ લઇ સૈયદ ઇમામશાહે પોતાની પ્રપંચી પીરાઇનાં કપટી પૂષ્પોની માળાઓ ગૂંથી તે વખતના કેટલાંક ભોળા કણબીઓના ભોળા આગેવાનો તેમજ બીજાઓનાં ગળામાં નાખી પોતે રચેલી કપટરૂપી ઇન્દ્રજાળમાં ફસાવી પોતે રચેલો ન હિંદુ ન મુસલમાન એવા કલ્પીત ધર્મનો ઘંટ ગળે બંધાવી ગુજરાતમાં પોતાના સ્વજ્ઞાતિ બંધુઓથી હડધૂત કરાવી વિલે મોઢે કચ્છમાં વિદાય કર્યા એમ તેમનો ઇતિહાસ જોતાં જણાય છે. તો તેવા કલ્પીત ધર્મના ઘંટના અવાજે કાનના પડદા તોડી નાખી બહેરા બનાવી દીધા હોય તેવી રીતે કોઇનું સાંભળવા પણ તમો તૈયાર થયા જ નહિ એમ એ લખાણ ઉપરથી અનુમાન થાય છે. જે મનુષ્ય પોતાને ઉપરથી હિંદુ અને અંદરથી આચારે વિચારે મુસલમાન એવું જગતને બતાવી નાટક કરતો હોય તો તેના છૂપા છળથી જગત કયાં સુધી અંધારામાં રહેશે કે જ્યાં સુધી જાણનારને સામાનું  છળ કપટનું જ્ઞાન થાય નહિ ત્યાં સુધી.

          ભાઇશ્રી અમો તમોને પૂછવાની રજા માગીએ છીએ કે તમો જો થોડું અગર વધારે ભણયા હો તો એટલું જાણતાં જરૂર શીખો કે આપણાં પૂર્વજો આજથી લગભગ પાંચસો વર્ષ પૂર્વે પીરાણા સતપંથી હતા કે સનાતની ? જો તમારા પૂર્વજો સનાતની હતા એમ જો જણાય તો તમો પણ સનાતની જ છો એમ તમારે ન છૂટકે માનવું જ પડશે અને કદાચ જો તમોને ન સમજાય તો તમારા હુશેની બ્રાહ્મણોને જ પૂછી જોશો કે બાવા ઇમામશાહ આજથી કેટલા વર્ષ અગાઉ પ્રગટયા અને તેનો અર્ધ ઇમામી ધર્મ કયારથી ચાલુ કર્યો ? તો તમોને તેઓ પણ બતાવી આપશે એમ મારૂં માનવું છે. 

          ભાઇશ્રી તમો તમારી ચોપડીના બીજા પાનામાં લખો છો કે સનાતન ધર્મના આદર્શો શું છે ? તેની શિખામણ ત્યાં આવેલા સંત મહાત્માઓએ કે મુખ્ય મહેમાનોએ કોઇને ન આપી! ભાઇશ્રી તમારા કહેવા પ્રમાણે સનાતન ધર્મના આદર્શ મુજબ કોઇએ કોઇની પણ નીંદા કરવી નહિ એમ તમારૂં કહેવું છે. તો તે તમારી વાત બરાબર જ છે કે “કોઇની નીંદા કરવી તે સમાન પાપ નથી અને કોઇનું ભલું કરવું તે સમાન પુણ્ય નથી”  એમ દરેક ધર્મનો સિદ્ધાંત છે, તેને કોઇપણ ના પાડી શકતું નથી. પણ નીંદા એટલે શું અને નીંદા કોને કહેવાય છે તે જો આપણને બરાબર સમજાય નહિ તો આપણે એક બીજાઓનો દ્રોહ કરી બેસીએ એટલે ભાઇશ્રી નીંદા એટલે પોતાના અંગત સ્વાર્થને ખાતર જે બીજાઓનો દ્રોહ કરવો તે જ નીંદા કહેવાય છે. પણ જનસમુદાયના હીતની ખાતર કદાચ બે શબ્દો વધઘટ કહેવા પડે તો તે નીંદા કહેવાતી હોય તો પણ તે ધર્મરૂપમાં ફેરવાઇ જાય છે એમ સત્પુરૂષોનું કહેવું છે. તેવું  ક્યારે કરવાની જરૂર પડે તો જ્યાં ધર્મનો લોપ થતો હોય તેવે સમયે ધર્મનું રક્ષણ કરવા માટે અગર જ્યાં મનુષ્ય જેવા ઉત્તમ દેહીનું  વિધર્મીઓના હાથથી ભ્રષ્ટ થઈ તેના જાન માલનું નુકશાન થતું હોય ત્યારે; ગૌ, બ્રાહ્મણ, પતિવૃતા, વેદ, સાધુ તેમની નીંદા થતી હોય તેવે સમયે તેનું રક્ષણ કરવા ખાતર દરેકે દરેકે મનુષ્યનો ધર્મ છે કે  તેવે સમયે નીંદા કરીને પણ તેની રક્ષા કરવી. તેવા સમયની નીંદા તે ધર્મરૂપમાં ફેરવાઈ જાય છે એમ  શાસ્ત્રકારો કહે છે. એમાં ખોટું લગાડવું તે બરાબર કહેવાય નહિ. સત્યને ખાતર મીઠાશનો ભોગ આપવો પડે તો તે આપીને પણ કડવું સત્ય સંભળાવવું જ પડે.

          ભાઈશ્રી તમારે એટલું તો જરૂર જાણવું જોઈએ કે જ્ઞાતિ અને ધર્મ એ બે ભિન્ન બાબતો છે. ધર્મ એક મનની માન્યતા છે ત્યારે જ્ઞાતિ એક સામાજીક બાબત છે. જુઓ ? હિંદુ ધર્મમાં અનેક મતમત્તાંતરો છે. પણ તેવા હિંદુ ધર્મના મતમત્તાંતરોએ પણ આજ દીવસ સુધી હિંદુઓના નિયમો, નામ અને આચરણોને પુરેપૂરાં જાળવી રાખ્યાં છે. ત્યારે પીરાણાપંથે તો હિંદુઓના નિયમો, નામ અને આચરણોને એક કોરે રાખી, પોતાના મનમુખી નિયમો, નામ, અને આચરણોને રાખી તેનું લાલન પાલન કરતા હોય તેમ જણાય છે. ઉપરાંત હિંદુઓના નિયમો, નામ અને આચરણરૂપી અંગોને તથા ગોર બ્રાહ્મણોને વિદાયગીરી આપી હોય તેમ પણ જણાય  છે. જુઓ, હિંદુઓના નિયમો—વિષ્ણુ, શિવ, પાર્વતી ગણપતિ અને સૂર્યે એ પાંચ દેવો પુજ્યપણે માની દિનપ્રતિદિન તેમની પૂજા કરવી તે હવે નામ એટલે સનાતન એવા જે ભગવાન તેનું “ૐ નમો ભગવતે વાસુદેવાય” એ મંત્રોથી નામોચ્ચાર કરવો તે અને આચરણ એટલે લગ્ન વખતે વૈદીક રીતે હોમ હવન કરી વેદવિધિથી ચોરી ફેરા ફરવા તે અને બીજું અંત સમયે મુડદાને અગ્નિ સંસ્કાર કરવો તે એ આદી હિંદુ ધર્મના અંગો છે તે ઉત્તમ એવા બ્રાહ્મણોથી વેદાનુસારે તેવા સંસ્કારો કરવા કરાવવા વગેરે જે નિયમો છે તેનું હિંદુ ધર્મ મુજબ દરેક રીતે પાલન કરવું તેનું નામ હિંદુ ધર્મ.

          ભાઈઓ ઉપર જણાવેલ હિંદુ ધર્મના અંગોનું તમો પીરાણાપંથી ભાઈઓ કઈ રીતે પાલન કરો છો તે જણાવશો ? પીરાણાપંથીઓમાં તે માહેલા હિંદુ ધર્મના એકે અંગનું પાલન થતુ હોય તેમ અમોને જણાતુ નથી.

          ભાઈશ્રી તમોએ નખત્રાણા બોર્ડીંગ વિષે લખ્યું કે બોર્ડીંગમાં દરેક રીતે સહકારમાં સતપંથી ભાઈઓ તેમજ સનાતની ભાઈઓના સહકારથી જ બોર્ડીંગની સ્થાપના થઈ. તો તેના જવાબમાં જણાવવાનું કે ભાઈશ્રી તે તો આપણો એક સામાજીક પ્રશ્ન છે. બોર્ડીંગ એ એક આપણી સામાજીક મિલકત છે તેના સાથે કોઈના ધર્મને લાગતું વળગતું નથી. આપણે બહાર ગમે તેમ ઝગડા કરશું પણ આપણે આખરે ત્યાં ભેગા બેસીને સાથે જમવાનું છે. એ તો આપણા સમાજનું વિશાળ ઘર છે જેમાં નાના મોટા દરેક જ્ઞાતિ બંધુઓનું સમાવેશ સ્થાન છે. જેનું સંચાલન આપણે હાલમાં તેમજ ભવિષ્યમાં પણ આપણે પોતાના અંગત રાગદ્વેષ તદ્દન ભુલી જઈને જ કરીએ છીએ અને કરવાનું છે. ભાઈશ્રી તમો લખો છો કે સુધારક સનાતની આગેવાન ભાઈઓની જીભમાં મીઠાશ અને હૃદયમાં ઝેર એ પિચાશનાં લક્ષણો છે એમ જે જણાવો છો તો તેના જવાબમાં અમો તમોને પૂછવા માંગીએ છીએ કે તમોએ તમારી ચોપડીમાં બે—ત્રણ ઠેકાણે પિચાશના લક્ષણ છે એમ લખ્યું છે તે પિચાશ  એટલે  શું તે અમોને જણાવશો ? અમોને તમારો ભાવાર્થ પિચાસને બદલે પીશાચ કહેવાનો હોય તેમ જણાય છે પણ તેવું કહેતા કદાચ તમોને સનાતની ભાઈઓની બીક લાગતી હોય તેમ જણાય છે કારણ કે તેવા લક્ષણો તમારામાં છે એ પુરવાર થાય છે  કે તમો પીરાણા પંથીઓના પેટમાં પીરાણાના પીરોની જ જ્યોત પ્રગટી રહી છે અને ઉપરથી તેવા ધર્મને હિંદુ ધર્મની હરોળમાં બતાવવા જાહેર જનતાને છેતરી રહ્યા હો તેવી રીતે બતાવતા જણાઓ છો તેથી તમારા જે લખેલા લક્ષણો તે તમોને જ મુબારક હો; અમોને તેની જરૂર નથી.

          ભાઈશ્રી સનાતની ભાઈઓ કદાચ તમોને કહેતા હશે. તો  તેમાં તમારે ખોટું લગાડવા જેવું નથી એતો તમો ને નહિ પણ તમારામાં રહેલા પીરાણા ધર્મનાં તત્ત્વોને દૂર કરવા ભલામણ રૂપે તમોને ઉદ્દેશીને કહેતા હશે જે અમારા જ્ઞાતિ બંધુઓમાં જે હિંદુ ધર્મને ન શોભે એવાં તત્ત્વો પીરાણાના ધર્મ ગુરૂઓએ ઘાલી અમારા જ્ઞાતિ બંધુઓને કાયર બનાવી દીધા છે કે જેને ચાલુ જમાનાનો સુધરેલો રંગ રાગ, પરિવર્તન અને પવન તેને જાણવા તેમજ જોવાની જાગૃતિ સુદ્ધાં પણ આવતી નથી એ જાણી દુઃખ થાય  છે માટે જ તમોને કહે છે.

          ભાઈશ્રી તમારી ચોપડીના ચોથા પાનામાં તમો સનાતની ભાઈઓને ધમકી આપતા લખો છો કે શ્રી  લક્ષ્મીનારાયણના મંદિરોમાં સતપથી ભાઈઓને તેમાં પાઠ પૂજા કરવામાં સનાતની ભાઈઓ જરાપણ રોકટોક કરી  શકશે નહિ અને કરશે તો નામદાર કોંગ્રેસ સરકાર સતપંથી ભાઈઓને સંપૂર્ણ રીતે મદદ કરશે. તો તેના જવાબમાં જણાવવાનું કે નામદાર કોંગ્રેસ સરકારે સનાતન ધર્મ પાળવાવાળા ભાઈઓની સામે લડવા માટે અને સતપંથી ભાઈઓને મદદ કરવા માટે જોઈતી રકમ કેંદ્રમાંથી તમોને આપવા દિલ્હીની પાર્લામેન્ટમાં કેટલી રકમ મંજુર કરી પાસ કરાવેલ છે તે જણાવશો કે અમોને જણાય છે કે તે રકમ કદાચ ચાલુ પંચ વર્ષીય યોજનામાં જ પાસ થઈ તમો પીરાણાપંથી ભાઈઓને મળી ગઈ હોય અગર મળવાની હોય તેથી ધમકી આપતા હો તેમ  જણાય છે. અમોને ખાત્રી છે કે તેવી રકમ તમોને નામદાર કોંગ્રેસ સરકાર પાસેથી મળી નહી હોય. કદાચ મળવાની આશા રાખો તે પહેલાં ત્યાં જઈ પુરી ખાતરી કરશો જે તમો પીરાણાપંથીઓની આશા રાખેલ રકમ પીરાણાપંથીઓ માટે છે કે પછી પાકીસ્તાન સામે  પ્રજાના રક્ષણ માટેની છે તેની જો પુરેપુરી ખાતરી નહી કરો તો સમય આવ્યે હાથ ઘસતા ન રહી જવું પડે તેનો બંદોબસ્ત તમારે હમણાંથી જ કરવો જરૂરી છે એમ અમારી સલાહ છે.

          ભાઈશ્રી આવા ખોટા ધમપછાડા કર્યે કંઈ વળવાનું નથી. આપણા સનાતની ભાઈઓ તમોને તો ખૂબ જ ઈચ્છે છે. પણ તમારામાં રહેલા પીરાણા ધર્મને તો નહિં જ. સનાતની ભાઈઓ તો તમોને ખૂબ જ આવકારે છે કે ભગવાન શ્રી લક્ષ્મીનારાયણનાં જે મંદીરો છે તે આપણા માટે જ બાંધ્યા છે કે જેમાં આપણે સૌ હળીમળી ભેળા બેસી પ્રેમથી ભગવાનના ગુણગાન, કીર્તન, ભજન, આદી સત્કર્મો કરીએ. પણ તમો મંદીરોમાં આવતા જ નથી તેથી જ અમોને દુઃખ થાય છે અને જ્યાં સુધી તમો આવા પવિત્રસ્થાનોનો આશરો નહિ લ્યો ત્યાં સુધી તમારામાં રહેલું અજ્ઞાન દૂર થવાનું નથી. માટે તમો જો સાચા હો તો નિત્ય પ્રત્યે સાંજ સવાર મંદીરોમાં આવી ભગવાનનું ભજન સ્મરણ કરો તમોને કોઈ પણ ના પાડવાનું નથી જેની ખાત્રી રાખજો. સનાતની ભાઈઓ તમોને આવકારે છે કે ભાઈઓ આપણું સાચું ધર્મસ્થાન પીરાણું નહિ પણ આ સનાતન દેવનાં મંદિરો જ છે. આપણો આપસનો મૂળ બાંધો પ્રથમથી જ ધર્મ બાબતનો છે અને એ કે, તમારો વિચાર મંદિરોમાં બધાને નિમાજ પઢાવવા કોશીષ કરાવવાની છે તે બનવું અસંભવિત છે કારણ કે નિમાજ તો મસ્જીદોમાં જ પઢાય, મંદીરોમાં તો નહિં જ. તમો જાણતા હો અગર નહિ જાણતા હો છતાં પણ મારે તમોને જણાવવું છે કે જે સ્થાનમાં જે દેવની સ્થાપના હોય તે સ્થાનમાં તેજ દેવનું ભજન ઉપાસના થાય પણ તે સ્થાનમાં બીજા અન્ય દેવની ભજન ભક્તિ કે ઉપાસના થતી નથી એ સિદ્ધાંત છે.

          જેમ સોનું વસ્તુ એક જ છે પણ તેના ઘાટ પરત્વે નામો જુજવાં છે. તે જેવો ઘાટ તેવું નામ અને સ્થાન. હાથના ઘાટને પગમાં સ્થાન મળતું નથી તેમ નામ પણ મળતુ નથી પણ જ્યારે બધા ઘાટને એકરસમય બનાવો ત્યારે આખરે હેમનું હેમજ છે. તેવી રીતે જગતમાં ભગવાન તો એક જ છે પણ  તેને નામ પ્રમાણે સ્થાન મળે છે. જેમ કે રામ, કૃષ્ણ, શંકર, હનુમાન દેવીઓ આદી જે હિંદુદેવોનાં જે નામો છે તેમનાં સ્થાન મંદીરોમાં છે ત્યારે પેગમ્બરો, પીર, ફકીર, ઓલીઆ, ખલીફા, મુજાવર, મોલવીઓ, મુરીદો, ઈમામો આદી જે મુસલમાનના પૂજ્યમાનો છે તેમનાં સ્થાન મસ્જીદ, દરગાહ, રોજો, કબ્રસ્તાન, ખાનાં વગેરેમાં છે એવો એક પરંપરાથી ચાલ્યો આવતો ધાર્મિક રિવાજ છે. જે રીવાજોનું હિંદુ તેમજ મુસ્લીમ પોતપોતાના રીવાજ મુજબ હાલમાં પણ પાલન કરી રહ્યા છે.

          ભાઈશ્રી તમો તમારી ચોપડીમાં પાંચમા પાને લખો છો કે શ્રી નાનજીભાઈએ જણાવ્યું કે પીરાણાપંથી કે સતપંથી ભાઈઓ જે સતપંથને માની રહ્યા છે તેને ખંડીત કરવા એમ કહ્યું તો તેના જવાબમાં જણાવવાનું કે તમો ડાહ્યા અને સમજુ હો તો તમારે તેમની પાસેથી સમજી લેવું જોઈતું હતું કે જેથી એક બીજાના સમજની આપલે થાય પણ તમોએ તેમ કરવા કોશીષ કરી હોય તેમ જણાતું નથી. ભાઈશ્રી નાનજીભાઈએ દુઃખ વ્યક્ત કર્યું કે હાલમાં જે કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિમાંથી જે ભાઈ—બહેનો પીરાણાપંથને માને છે જે પીરાણાધર્મ તેવાં ભાઈ—બહેનોના હૃદયમાં જડ ઘાલીને બેઠા છે તે ધર્મથી ભાઈ—બહેનો ને ખંડીત કરીને જુદાં કરવાં. નહિ જ કે આપણા ભાઈઓને. તમો તો અમારા ભાઈઓ છો જેનો પુરાવો સનાતની ભાઈઓ તો શું પણ તમો પોતે જ તમારા લખાણના તાત્પર્યથી જણાવો છો કે જ્ઞાતિમાં દરેક રીતે પીરાણા પંથી ભાઈઓને મોખરે રાખી જ્ઞાતિનું સંચાલન ચાલે છે, તો તેમાં સનાતની ભાઈઓ ક્યાં ના પાડે છે ? આપણા જ્ઞાતિ  બાબતનો ઝગડો પહેલેથી જ નથી તો હવે શું થવાનો છે ? અને એ સત્ય હકીકત છે કે જ્ઞાતિનાં દરેકે દરેક શુભ કાર્યો વખત આવે આપણે એકત્ર થઈ ખંભેખંભા મેળાવી પ્રેમથી કર્યા છે, હાલમાં પણ કરીએ છીએ અને ભવિષ્યમાં પણ કરશું એ તદ્દન સત્ય હકીકત છે. કદાચ વ્યવહાર કરવામાં મમત્વને લીધે વેર થોડી વખત રહે છે પણ વેરમાં ઝેર નથી એટલે એકલું વેર ટકી શકતું નથી એટલે જ વખત આવે આપણે એક બની રહીએ છીએ એટલે જ્ઞાતિ અને ધર્મ જુદાં જુદાં છે તેનો એ પુરાવો છે. આપણો મૂળ વાંધો પ્રથમથી જ ધર્મ બાબતનો છે કે આપણા કડવા પાટીદાર જ્ઞાતિના સુપુત્રો શુદ્ધ સનાતની હોવા છતાં આપણે માથે અર્ધ ઈમામી ધર્મનું કલંક શા માટે હોવુું જોઈએ ? તો તે કલંકરૂપી કાળાશને મટાડવા આપણા સનાતની ભાઈઓ ગામડે ગામ ફરી પોતાના જ્ઞાતિ બંધુઓની ખાતર આવી કારમી મોંઘવારીમાં ભગવાન શ્રી લક્ષ્મીનારાયણનાં મંદિરો બાંધી અને તેના ઉત્સવ નિમિત્તે આપ ભાઈઓને માન ભર્યા આમંત્રણો આપી તમોને દરેક રીતે આગળ રાખી તમારામાં રહેલી ભૂલોનું ભાન કરાવવા માટે જ સંબોધે છે જે તમો હિંદુ છો તો હિંદુઓનાં નામ અને સ્થાન દીપાવો. અંધશ્રદ્ધાના અંધારામાંથી ઊઠી સનાતન ધર્મના સંપર્કમાં આવો. પીરાણાધર્મનું આદી અને અંત શું છે તેનો વિચાર કરો ? આવી રીતે કહેવાનો શ્રી નાનજીભાઈના ભાષણનો ભાવાર્થ હતો પણ તમારે તો તે વખતે જેમ કોઈના પેટમાં તેજાબ રેડાયો હોય અને તે આકળવિકળ થાય તેવી રીતે તમોને થયું હોય તેથી સાંભળવા પણ તૈયાર થયા નહિ એમ તમારા લખાણના તાત્પર્ય ઉપરથી જણાય છે.

          ભાઈશ્રી તમો લખો છો કે શ્રી નાનજીભાઈના ભાષણને ત્યાં બેઠેલા સંતમહાત્માઓ એ તથા પ્રમુખશ્રીએ રોકવાને બદલે ખૂબ ઉત્સાહથી તાલીઓના નાદથી અભિનંદન અને ધન્યવાદ આપ્યા, ત્યારે તમારા પોતાના જ ભાષણને તમો પોતે જ સાતમા પાનામાં જણાવો છો કે પ્રમુખશ્રી એ મારા ભાષણ તરફ ગુસ્સો કરી નથુભાઈને જાહેરાતમાં સૂચના આપી કે “બેસાડી દયો રવજીભાઈને ?” “બસ રવજીભાઈ સમજ્યા કે ?” એકજ જ્ઞાતિના બંને સુપુત્રો તમો તથા નાનજીભાઈ. તે નાનજીભાઈના ભાષણને ભાવભર્યો સ્વાગત અને તાલીઓના અવાજ સાથે માન ભર્યા અભિનંદન અને ધન્યવાદ ત્યારે તેના સામે તમારા ભાષણને ધિક્કાર અને અપમાન સાથે બેસી જઈ ચૂપ રહેવાનો હુકમ ? રવજીભાઈ આનું કારણ તમો સમજ્યા કે નહિ ? જો ન સમજ્યા હો તો સમજી લેવા માટે હું તમોને ચાન્સ આપું છું તે પણ દૃષ્ટાંત રૂપે જુઓ ? એક જ સરકારના બે નોકર એક પોસ્ટમેન અને બીજો પોલીસ. આ બંને નોકરોનાં વિચાર અને વર્તનમાં શું ફેર છે તે જુઓ પેલો પોસ્ટમેન જ્યારે આપણે આંગણે આવે અગર આવતો હોય ત્યારે આપણે આનંદ અનુભવીએ છીએ કે કાંઈપણ શુભ સમાચાર હશે—રાજી ખુશીના પત્રો અગર મનીઓર્ડર. એ તો રોજીંદો વ્યવહાર છે. પણ જ્યારે કોઈક સમયે પોલીસ આપણા તે જ આંગણમાં આવતો હોય ત્યારે તેમને જોતાં પ્રથમ તો આપણને હૃદયમાં થડકો પડે છે કે પોલીસ આપણા ઘરે શા માટે આવતો હશે ? પછી ભલેને દોસ્તી ખાતર અગર બીજા કોઈ કારણોસર પોતાની ફરજ બજાવવા આવતો હોય અગર આવ્યો હોય પણ તે વખતે આજબાજુનાં માણસો પણ ભેગા થઈ જાય અને તરત જ અંદરો અંદર કારણોની તપાસ ચાલુ થાય જે શું અહીત બન્યું છે. આ તો એક દૃષ્ટાંત છે પણ તેનો સિધ્ધાંત એ છે કે આપણા સનાતની ભાઈઓને પીરાણાધર્મથી જાગૃત રહેવા રૂપી શુભ સમાચારો આપવા શ્રી નાનજીભાઈ પોસ્ટમેન બનીને પહેલા વહેલા પધાર્યા તો તમારા તરફ અણગમો થયો ? ત્યારે હવે તમો જ કહો કે માનપત્ર શુભ સમાચાર લાવનાર પોસ્ટમેનને કે પીરાણાના પ્રતિકરૂપે પોલીસ જણાતા રવજીભાઈને ? તે વખતે શ્રી નાનજીભાઈ બન્યા સનાતની અને તમો બન્યા સતપંથી શ્રી નાનજીભાઈ હિંદુધર્મના હિમાયતી અને તમો કબ્રસ્તાની પાકા પીરાણાપંથી. એવું જ્યારે જાહેર સભાને જણાયું હશે ત્યારે તમો બંનેને જેવા દેવ તેવી પૂજા થઈ. તેમાં ભાઈશ્રી તમોને ખોટું લગાડવું તે વ્યાજબી ગણાય નહિં.

          ભાઈશ્રી અમારા સાંભળવામાં આવ્યું છે કે શ્રીમાન નથુભાઈ નાનજીએ તમોને સનાતન ધર્મ અને પીરાણા ધર્મ એ બે માં સાચું શું છે, તે સમજાવવા માટે તમોને બે દિવસ રોકાઈ જવાની તમારી પાસે માગણી કરી જે આપણે ભેગા બેસીને તે બાબતની ચર્ચા કરીએ તો એક બીજાની ભૂલ સમજાય, પણ તેમાં તો તમો ગભરાઈ ગયા અને રાત લઈને પૂછયા વગર ભાગવાનો તમોને સમય શોધવો પડ્યો. તો ભાઈશ્રી કદાચ જો આ વાત સાચી હોય તો તમારે માટે યોગ્ય ગણાય જ નહિ કારણ કે તમો પ્રખર પીરાણાપંથી એટલે તમારે જ્ઞાતિ ખાતર બે દીવસ રોકાઈને પણ સનાતની ભાઈઓને તમારા પીરાણાપંથી બોધથી મહાત કરીને ત્યાં સતપંથ પીરાણાધર્મનો વિજયી વાવટો ફરકાવવો હતો કે જેથી સનાતનીઓ મંદીરોને બદલે પીરાણાનાધર્મને માનતા થઈ જાત, ઉપરાંત પીરાણા સતપંથનો વાળપણ વાંકો કરી શકત નહિ તો તેમ તમોએ કાંઈ પણ કર્યું નહિ. તેથી જણાય છે કે તમો સતપંથી સનાતની ભાઈઓથી ચોક્કસ ડરી ગયા છો એમ પૂરવાર થાય છે. “વાહ રવજીભાઈ વાહ” આ તે તમારી છાતી કે છાણું ? તમારૂં હૈયું કે હાંડલું ? આમ થોડીક સનાતની ભાઈઓની ગર્જનાથી ઉભી પૂછડીએ નાસતાં શીખશો તો મોરાના પંથ હજી લાંબા છે એમ હૈયાથી હારવાનું નથી આપણે તો હજી ધર્મયુદ્ધ જાણવાનું છે. આમ કાયર બની ભાગવાનું નથી.

          ભાઈશ્રી તમો તમારી ચોપડીના ૯ મા પાનમાં જણાવો છો કે શ્રી નાનજીભાઈને શું એ ખ્યાલ નથી કે ગાંધીજી તો આ ‘સતપંથ’ ધર્મના આદર્શોને આચારમાં મૂકી ઉપદેશ આપી ગયા છે તો તેના જવાબમાં જણાવવાનું કે શ્રી નાનજીભાઈને ગાંધીજીના વિચારોની ખાત્રી હતી કે તેઓ શુદ્ધ સનાતની હતા ભાઈશ્રી અમો તમોને પૂછવા માંગીએ છીએ કે પૂજ્ય ગાંધીજી તમારે ત્યાં કઈ સાલે અને કઈ તારીખે પધારી તમારા કબ્રસ્તાની પીરાણાસતપંથ ધર્મના આદર્શો તમોને કઈ રીતે સમજાવી ગયા છે તેનો કોઈ પણ લેખ અગર સાચો પુરાવો તમારી પાસે હોય તો અમોને લેખીતવાર જાહેરાતમાં જણાવશો કે ? ભાઈશ્રી તમોએ તો કબ્રસ્તાની પીરાણાની ગોળી પીધી હશે અને કદાચ પીતા પણ હશો પણ પેલા પૂજ્ય ગાંધી બાપુને તો છેતર્યા નથી ને ? અમોને શંકા છે કે જરૂર તમો પીરાણાપંથીઓએ બીચારા મહાત્માને ધર્મમાં ધોખો દીધો હશે અને ગોળી પાઈ હશે કે  જેને પાપે જ બીચારા બાપુને સાચી ગોળીઓનો ભોગ બનવું પડ્યું હોય એમ કદાચ અનુમાન કરીએ તો તે અસ્થાને ગણાય કે નહિ ? “વાહ રવજીભાઈ વાહ” આવા પવિત્ર ગાંધી બાપુને તમારા સતપંથમાં સપડાવી સતપંથના આદર્શો પાળવાનો પરબારો ગાંધીજી દ્વારા હવાલો અપાવ્યો ને ?

          ભાઈશ્રી તમો લખો છો કે સતપંથ ધર્મની સુગ અને તેનું નામ લેતા અભડાતા એવા સનાતનીઓ સનાતનધર્મ ના જય નાદની બાગો  પોકારો છો જેમ મુલ્લાં મસ્જીદમાં અલ્લાહની બાંગ પોકારે છે તેમ. એમ દ્રષ્ટાંત પુરાવા સહીત જણાવો છો તો તેના જવાબમાં અમો તમારા પાસેથી જ જાણવા માંગીએ છીએ કે તમોને તમારા સતપંથ સાથે મુલ્લા અને મસ્જીદ એ  બંને એકદમ કેમ યાદ આવી ગયાં ? શું તમોને હિંદુ સનાતન ધર્મના જય નાદોના અવાજ તમારા કાનમાં ખટકવા લાગ્યા કે શું કે જેની અદેખાઈ રૂપી વેદનાથી જ તમોને તમારા ઈષ્ટદેવના સેવકો અને સ્થાન યાદ આવ્યાં હોય એમ અનુમાન થાય છે જગતમાં કહેવત છે કે “ઉંટ મરે ત્યારે મારવાડ તરફ મોઢું કરે” તેમ આખરે તમોએ હિંદુ પણાનું ગૌરવ ભૂલી જઈ તેવા પવિત્રસ્થાનોમાં પણ તમારી મુરાદ વડે તમારામાં રહેલાં છુપા છળો આખરે જાહેરાતમાં જણાવ્યાં હોય એમ અમોને જણાય છે. ભાઈશ્રી અમો તમોને છાની રીતે પુછીએ છીએ કે તમો પીરાણાપંથી ભાઈઓ મુલ્લાં પાસેથી બાંગોને લગતું કાંઈ પણ જ્ઞાન મેળવ્યું છે કેમ ? અને તે જ્ઞાનમાં તમો પીરાણા પંથીઓ કેટલા આગળ વધી અને મુલ્લાં જેવા બન્યા છો તે જરા જણાવશો કે ? ભાઈશ્રી અમોને તો તે વાત બીલકુલ ગળે ઉતરતી નથી પણ આજ કાલ તમારા જેવા પ્રખર પીરાણાપંથીઓ જાહેરાતમાં હિંદુ સનાતન ધર્મનાં ચેડા કરે તો પછી અમારે શું સમજવું ? એટલે જ અમો તમોને પૂછીએ છીએ કે તમો પીરાણાપંથીઓ છુપી રીતે કઈ જાતના હિંદુઓ બનવાની આશા સેવી રહ્યા છો ? જે  જણાવશો કે ?

          ભાઈશ્રી તમો લખો છો કે સ્વ. નારાણભાઈ જેવા કરોડો નારાણભાઈઓનો કે આર્યકવી જીવણભાઈઓનો કે કરોડો નાનજીભાઈઓનો રાફડો ફાટશે તો પણ પીરાણા સંપ્રદાયના સતપંથ ધર્મના સર્જનહારના માલીકનો તમારાથી એક વાળ પણ તુટવાનો નથી સમજ્યા ? તમને ખ્યાલ  છે ને ? કે હજરત પેગંબરનો વાળ કેટલો કીંમતી છે ?

          ભાઈશ્રી આવી રીતે તમો તમારી છાતીના જોરે સનાતની ભાઈઓને જાહેરમાં ધમકીઓ આપો છો. તો તેના જવાબમાં જણાવવાનું કે ભાઈશ્રી તમારા જણાવ્યા મુજબ સતપંથ પીરાણા ધર્મના સર્જનહાર તો પીરઈમામશાહ છે એમ તેના ઈતિહાસો પરથી જણાય છે તો તે બાબત અમો તમોને  પુછીએ છીએ કે તમો પીરાણાપંથીઓ પીર ઈમામશાહના અનુયાયી ગણાઓ છો તેવી રીતે સનાતની ભાઈઓ સનાતન એવા શ્રી લક્ષ્મીનારાયણ દેવના અગર  સનાતન હિંદુ ધર્મના ફાંટા રૂપ બીજા હિંદુ દેવના અનુયાયીઓ છે તે સૌ પોતપોતાના ઈષ્ટદેવની ઉપાસના ભક્તિ કર્યે જાય છે તો તમારી ભક્તિ તો હિંદુબેન અને મુસલમાનભાઈ તેમના જેવી હોય તેમ જણાય છે ભાઈશ્રી તમો એટલું તો જાણો છો કે મુસલમાનો પોતાના સગા કાકાની દીકરી જે બેન કહેવાય તેની સાથ લગ્ન વહેવાર કરે છે અને તેને એક સામાજીક રીવાજ કરી બેઠા છે તો ભાઈશ્રી હિંદુ બેનની સગાઈ મુુસલમાન ભાઈ ક્યાં સુધી રાખશે ? આ તો એક દૃૃષ્ટાંત છે પણ તેનો સિદ્ધાંત એ છે કે તમો સાચા હિંદુ થઈ એક મુસલમાન તેમજ મુસલમાનના રચેલા તદ્દન કલ્પીત એવા અર્ધ ઈમામી પંથનો રાહ લઈ તેમના સંસર્ગમાં રહેશો તો વખત આવે તમો પીરાણાપંથીઓને પોતાના જેવા નહિ બનાવો તેની ખાત્રી  શું ? વળી તેનો વાળ પણ વાંકો થવાનો નથી એવી જાતની જોરદાર ધમકીઓ સનાતની હિંદુભાઈઓ સામે જાણે તમે સાચા મુસલમાની બોલતા હો તેવી રીતે એક માતેલા આખલાની જેમ ધૂળ ઉડાડતા ત્રાડુકતા હો તેવી રીતે સામનો કરતા જણાવો છો. ભાઈશ્રી એવા પેગમ્બરી વાળનું વળતર જે પેગમ્બરી  હોય તેજ માગે, હિંદુઓ  નહિં, તમે તો તેવા પેગમ્બરી વાળનું વળતર તથા કીંમત આંકવાનો જાણે ઈજારો લીધો હોય તેવી રીતે જાહેર કરતા હો તેમ જણાય છે. ભાઈશ્રી આવો એકલતરફો મુસલમાની પક્ષ જણાવશો તો જગતના હિંદુઓ તમોને તરીકે ગણાશે કે કેમ ? તેનો વિચાર તમારે જ કરવાનો છે.

          ભાઈશ્રી તમારી ચોપડીના અઢારમા પાનામાં લખો છો  કે સતપંથીઓ પોતાની સહનશીલતા જે છોડવા માગતા નથી તો પણ તમો સુતેલા નાગને જગાડવા સાહસ કરી રહ્યા છો. તો  તેના જવાબમાં જણાવવાનું કે સુતેલા નાગો કાયમને માટે સુઈ ગયા છે  કે  કેમ ? જો કાયમને માટે સુઈ ગયા હોય તો જગાડવાનું સાહસ કરવું નકામું છે કારણ કે  તે કુદરતની સામે થવા જેવું  છે. તો તેવો સાહસ રૂપી સામનો કરવા સનાતનીઓ શક્તિમાન નથી બલ્કે પ્રભુુ સિવાય કોઈ પણ નથી.  અને તેવા નાગો કાયમ  માટે સુઈ જાય એમ  સનાતનીઓ ઈચ્છતા  પણ નથી. જો સુતેલા હશે તો સનાતનીઓ તેમને અંધશ્રધ્ધારૂપી ઘોર નિંદ્રાથી જાગૃત કરવાનુું સાહસ  જરૂર કરશે તેમાં  કાંઈપણ  શંકા નથી. જે અમારા સાચા ભાઈઓને  પીરાણાના  ધર્મગુરૂઓએ પીરાણાની ગોળી પાઈને અંધશ્રધ્ધાથી બેશુદ્ધ બનાવી  દીધા  છે તેને જાગૃતિમાં લાવવા તેમના સનાતની ભાઈઓ તનતોડ મહેનત કરી રહ્યા છે. ભાઈશ્રી તમોએ લખેલા નાગોમાંથી સનાતની ભાઈઓના ભૂતકાળના તેમજ હાલના નેતાઓએ મળી ઝેર ખેંચી ખોખા કરી દીધા  છે. ખરા સાપ તો ચાલ્યા ગયા હવે તમો બધા પીરાણાપંથીઓ લીસોટા રૂપે  રહ્યા  છો એમ જણાય  છે  તો તેને વખત આવે ફીટાડવામાં જરા  પણ  વાર લાગશે નહિ.

          ભાઈશ્રી તમારા લખાણમાં ૧૯મા પાનાના “વાહ ચેતમછંદર વાહ” તમોને પોતાને ચેતમછંદર કહેવડાવાનો ચાવલો કયારથી ચડ્યો ? તે જણાવશો કે “ચેતમછંદર” બની પીરાણાની માયા નગરીમાં ફસાણા છો તો તેનાથી તમોને છોડાવવા સનાતનીઓ ગોરખ બનીને ઉભા છે એટલે હવે તમારે ચોક્કસ સમજી લેવાનુું છે કે માયા નગરીમાં ફસાયેલા ગુરૂને ચેલા તેમનાથી જરૂર મુક્ત કરશે તેની ફીકર કરશો નહિ.

          ભાઈશ્રી તમો લખો છો કે સતપંથ ધર્મના આદર્શોમાં હિંદુ કે મુસલમાન કોમવાદના ભેદભાવ નથી આ સતપંથ ધર્મનાં ઉપદેશકોએ વેદ અને કુરાન, હિંદુ કે મુુસલમાન આવો ભેદભાવ રાખેલ નથી એમ તમારા લખાણ પરથી જણાવો છો તો તેના જવાબમાં સ્વ. નારાયણજીભાઈએ “હિંદુ ધર્મને નામે ચાલતા અર્ધદગ્ધ કબ્રસ્તાની પીરાણા સતપંથની પોલ અને સત્યનો પ્રકાશ” એ નામે પુસ્તક છપાવી સંવત ૧૯૮૨— ઈ.સ.૧૯૨૬માં બહાર પાડ્યું છે. તો તેના લખાણના તાત્પર્યમાં જણાવે છે કે પીરાણાના પીર ઈમામશાહે રચેલો સતપંથી  પીરાણા ધર્મ હિંદુધર્મ નહિ પણ ભેળસેળીઓ અર્ધદગ્ધ કબ્રસ્તાની એક મુસલમાન ધર્મ છે જેને પાળવાથી હિંદુુઓના નામ અને નિશાનને કલંક લાગે એવું છે. એવો સચોટ પુરાવો જાહેરમાં છપાવી પ્રસિધ્ધ કર્યો છે. જેને ખોટું છે એમ સાબીત કરવાને પીરાણાપંથના ધર્મગુરૂઓ કે પીરાણાપંથીઓમાંથી આજ દિવસ સુધી કોઈ પણ ઉભો થયો હોય તેવું જણાતું નથી. મોઢાથી પીરાણાપંથીઓએ બણગા  ફૂંકયા હશે “જેમ બાયલો નર બૈરી આગળ શૂરો” એવી રીતે પીરાણાના ધર્મસ્થાનોમાં બેસી ભોળા ભાઈઓને ઉંધુું ચતુું સમજાવી પોતાના પેટની પૂજાની ખાતર પોતાની ખબરદારી બતાવી હશે પણ સનાતની ભાઈઓની જેમ છડે ચોક જાહેરમાં પોતાના મહારથી ભાષણોથી તેમજ લખાણો છપાવીને પીરાણા ધર્મની ઈમારતોના પાયાને તેના મૂળમાંથી હચમચાવીને પીરાણા ધર્મગુરૂઓ તથા પીરાણાપંથીઓના સાંધેસાંધા ઢીલા કરી નાંખી પીરાણાધર્મથી અનેક ભાઈ—બહેનોને મુુક્ત કર્યા છે. તો તેવી રીતે જો પીરાણાપંથીઓ કે તેમના ધર્મગુરૂઓ જાહેરમાં આવી પીરાણા ધર્મને ભેળસેળીઓ મુસલમાન ધર્મ નહિ પણ ચોક્ખો હિંદુ ધર્મ છે એમ જાહેર કરી છપાવી પીરાણા ધર્મની જય બોલાવે તો ખરા. નહિ તો એકવાર નહિ પણ હજારવાર જુઠું છે એમ સનાતની ભાઈઓ કહે છે  અને કહેશે એમ પીરાણા પંથીઓએ માની લેવાનું છે. માટે કોઠા યુધ્ધ રચી વહેલી તકે સનાતની ભાઈઓને સંદેશાઓ મોકલો તો તેવા સંદેશાને આવકારી બીડું ઝડપવાને સનાતનીઓ તલપી રહ્યા છે તો તેની તલપો તમો સતપંથી ભાઈઓ ક્યારે છીપાવશો તેની રાહ જોઈ રહ્યા છે.

          ભાઈશ્રી કેટલીક મારી અગત્યની શંકાઓનાં નિવારણાર્થે તમારી આગળ નીચે પ્રમાણે લખેલ મુજબ સવાલોના જવાબો જે સત્ય હકીકત તમોએ જાણી  અગર જોઈ હોય તે મુજબ યથાર્થ રીતે  અમોને જણાવવા મહેરબાની કરશો.

         

(૧)

પીરાણા પંથમાં પ્રસાદીરૂપે વપરાતી ગોળી (પાવળ) તે શેમાંથી બને છે ?

(૨)

અમારા સાંભળવામાં પૂર્વે આવ્યું હતું કે પીરાણાના ગાદીપતી કાકાઓ જે હિંદુ કોમમાંથી થાય છે તેને પ્રથમ સુુન્નતની  ક્રીયા કરાવ્યા પછી તેનો ધર્મ ગાદી પર અભિષેક થાય છે તે વાત સાચી છે કે ખોટી છે તેનો ‘હા’ અગર ‘ના’  નો જવાબ.

(૩)

પીરાણા ધર્મમાં દરેક ધાર્મિક  ક્રીયાઓ કોના દ્વારા કરવામાં આવે છે અને તેની શરૂઆત કયા  મંત્રોથી થાય છે એવી બે ચાર દોવાઓના મંત્રો લખી જાહેર કરવા.

(૪)

પીરાણા ધર્મસ્થાનોમાં કયા હિંદુુદેવની પ્રતિમાઓ છે અને તેની પાઠ પૂજા કયા  મંત્રોથી થાય છે ? અને તેવી પ્રતિમાઓની પ્રાણ પ્રતિષ્ઠા કયા બ્રાહ્મણો દ્વારા થાય છે ? અને આરતી, ભજન, ધૂન થયા પછી કયા દેવની જય બોલાવાય છે ? તેમજ પીરાણા ધર્મના પુષ્ટીકારક એવા કયા શાસ્ત્રોનું તેમના અનુયાયીઓને  ધર્મબોધ અપાય છે  તે  ખુલાસાવાર જણાવશો.

(૫)

પીરાણા પંથમાં મનાતા પીરાણા ગામે પીરાણાના  ધર્મસ્થાનમાં કયા કયા દેવોની મૂર્તિઓ તથા પ્રતિમાઓ છે તેનાં  નામ સાથે સ્થાન જણાવશો.

(૬)

પીરાણાપંથીઓ મધ્યરાત્રીએ શુક્રવારી બીજ ઉજવે છે કે કેમ ?

(૭)

લગ્ન વખતે કલમા તેમજ દોવા પઢતા કે નહિ (હાલમાં સરકારે તે પ્રથા બંધ કરી હોય તેમ લાગે છે.)

(૮)

પાંચ વર્ષથી ઉપરના મૃતદેહોને સ્મશાનમાં અગ્નિસંસ્કાર થાય  છે કે પછી કબ્રસ્તાનમાં દફનાવે છે ?

(૯)

માણસ મરી ગયા પછી ત્રીજે દીવસે જારતની ક્રિયા  કરે છે કે નહિ ?

(૧૦)

જેમ હિંદુ, મુસલમાન, વગેરે કોમના ધર્મશાસ્ત્રો બજારોમાંથી તેમજ તેમના ધર્મસ્થાનો પરથી તેમજ જાહેર લાયબ્રેરીઓમાંથી વેચાતાં તેમજ વાંચવા મળે છે. તેવી રીતે પીરાણા પંથનાં ધર્મ શાસ્ત્રો કયા સ્થળે મળે છે તે જણાવશો. બજારમાંથી તેવાં પુસ્તકો જાણવા તેમજ જોવા માટે વેચાતાં તેમજ વાંચવા માટે મળતાં નથી. માટે પીરાણા ધર્મના પુસ્તકોની છપાઈ ને જાહેરાત થાય છે કે નહિ ? આવી રીતે અમારી શંકાઓનું સમાધાન આપ અમોને સંતોષભર્યું લખી છપાવી જાહેરમાં આપશો એવી આશા રાખીએ છીએ.

         

          ભાઈશ્રી અમોને એક અનેરો આનંદ તમારાથી રહેતો હોય તેવી રીતે તમો આપણા સનાતની ભાઈઓને મંદીરો બનાવવામાં મદદ કરી તેમજ સનાતન ધર્મમાં આગળ લેવામાં છૂપી રીતે તેમજ જાહેરમાં તેવા મંદીરોના ઉત્સવ સામૈયામાં દરેક રીતે આગળ પડતો ભાગ લીધે જાઓ છો એમ તમારા લખાણથી જણાવો છો. જે આપણા પીરાણાપંથી ભાઈઓની સનાતની ભાઈઓ પ્રત્યેની  સુનીતિ અને પ્રેમ લાગણી વડે સનાતન ધર્મમાં આગળ વધારી ગુજરાત  તથા  કચ્છના ગામડે ગામડે ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ આદી દેવનાં મંદીરો બનાવવામાં મદદરૂપ બની સતપંથી ભાઈઓ જાણે અગાઉથી જ તેવાં મંદિરોની ગોઠવણો કરી રાખવા માગતા હોય કે પાછળથી બાકી રહેલા પીરાણા સતપંથી ભાઈઓ જાણે એકદમ સનાતની બની  જવા માગતા હોય તેવી રીતે મંદિરોની તકલીફો દૂર કરી રહ્યા હોય તેવી રીતે તમારો ભવિષ્યનો અમારા પ્રત્યેનો ભાવ અમો અનુભવતા રહીએ તેવી રીતે અમોને જણાવો છો. તો ભાઈશ્રી તેવું તમારે કરવું હોય તો ભલે ખુશીથી કરજો પણ પાછળથી  તમો સતપંથીઓ એકદમ સનાતની બની પીરાણાના પેગમ્બરોને છુપી રીતે છેતરી સાચા હિંદુ ધર્મની હોંશને  હૈયામાં રાખી પાછળથી પીરાણા ધર્મને તલાકનામું આપો તે પહેલા પીરાણા માટે  તમારામાંથી વધારે નહિ તો છેવટે અઢી મુમનો રહે તેવો યોગ્ય બંદોબસ્ત કરીને પછી સનાતની બનો તો વધારે સારૂં ગણાય. કારણ કે ભૂતકાળથી ગુજરાત તેમજ કચ્છના ગામેગામમાં પીરાણા ધર્મના આડતીઆ અને એઠીઆ એવા મુજાવર રૂપે મુખીઓએ પીરાણા ધર્મના કાકાઓ તથા સૈયદોનાં વિલાસી જીવનનોને પોષવામાં બિચારા ગરીબ અને કંગાલ કણબીઓના પસીનાના પૈસાથી તાગડધીન્ના આજ દિવસ સુધી પોતે પણ સાથે રહીને કરતા આવ્યા હોય અને તેવાઓની એવી અખૂટ આજીવિકાઓ જ્યારે અધ્ધર ત્રાજવે તોળાઈ રહી હોય, ત્યારે હૈયામાં મરણ પામેલી ઉર્મિઓને થોડી સજીવન રાખવા માટે  તેવા  જો અઢી મુમનો હોય તો તેમનાં મોઢાં જોઈને તેઓને મન વાળવા થાય.

          ભાઈશ્રી તમો સાચા હિંદુ બનીને ધર્મમાં ધતીંગ ચલાવો છો તે જાણી અમોને દુઃખ થાય છે જે આપણી જ્ઞાતિમાંથી અમુક ભાઈઓ જ્યાં સુધી ધર્મમાં ચોકખા નથી ત્યાં સુધી આપણામાંથી ધર્મ બાબતનો અંતરાયરૂપી રોગ નીકળતો નથી. ખરી રીતે તમોને પીરાણાની પીરાઈના મોહ રાખવો જોઈએ નહિ. છતાં પણ રાખો છો એ અમોને યોગ્ય લાગતું નથી. જેમ હિંદુઓમાં પણ કેટલાક ભોળા અને અજ્ઞાનીઓ છે તેઓ જેમ પીર ફકીરની મતલબની ખાતર માનતા કરે છે તેવી રીતે તમોને યોગ્ય લાગે તો ભલે કરશો પણ તમોને એટલું  તો જરૂર જાણવાનું રહેશે કે જેમ હિંદુઓમાંથી કેટલાક પોતાના મતલબની ખાતર કાલાઘેલા બની પોતામાં રહેલી અંધશ્રધ્ધા અને અજ્ઞાનતાનુ જાહેરમાં પ્રદર્શન કરાવવા માટે મુસલમાનોના ધર્મસ્થાનો જેવાં કે દરગાહ, રોજો, કબ્રસ્તાન, ખાનાં વગેરે સ્થાનોમાં મુસલમાન ભેગા રહી તેમનાં માનેલાં પ્રસાદોની આપ લે કરતા હો તેવી રીતે કોઈપણ મુસલમાન ભાઈ અગર બેન જાહેરમાં અગર છુપી રીતે હિંદુઓના શ્રેયમાં દબાઈ હિંદુઓના દેવોની પોતાના મતલબની ખાતર કોઈ પણ હિંદુઓના ધર્મસ્થાનોમાં અજ્ઞાની હિંદુઓની જેમ પોતાના સમાજનું તથા પોતાના ધર્મનું નાક કપાવવા આવે છે કે નહિ ? એટલું જો તમો સાચા હિંદુ થઈ જાણવા માગશો તો  તમોને તમારામાં રહેલી ભૂલોનું આપોઆપ જ્ઞાન થશે  જે આપણે એક હિંદુ થઈને વિધર્મીઓના મોહમાં રહીશું તો ખરેખર આપણી જાતને ભૂલી ગયા બરોબર જણાશે. ભાઈશ્રી આપણે એક જ જ્ઞાતિ છીએ તો આપણો હિંદુુધર્મ સનાતન છે તો હિંદુ ધર્મનું નાક જાળવવા જ્ઞાતિને અનુરૂપ એવા હિંદુ દેવને માનશો તો અમારે અને તમારે સુમેળ રહેશે. જેમ આપણો સામાજીક બાબતમાં કોઈ પણ જાતનો વાંધો નથી અને ખૂબ સંપ અને એકતા છે તેવી રીતે આપણે બધા આપણી જ્ઞાતિને અનુરૂપ એવો જે હિંદુધર્મ તેનું જ પાલન કરીએ તો આપણામાં રહેલો થોડાક ધર્મ બાબતના વિવાદનો અંત આવી જાય એટલું જ નહિ પણ આપણા ભારત વર્ષમાં હાલમાં આપણી જ્ઞાતિ સંપ અને સંગઠનમાં જગતના દરેક સમાજથી મોખરે સ્થાન ધરાવે છે તો તેનો પાયો મજબુત કરવા માટે માત્ર એક જ જ્ઞાતિ અને એક જ સનાતન ધર્મ તે રૂપી વજ્રની ભૂલીમાં વજ્રની ખીંટી મારતાં આપો આપ એક બની એવી મજબુત બનશે કે કોઈની પણ તાકાત નથી કે તેવી ખીંટીનો પરાભવ કરી શકે. ભાઈશ્રી આપણી સમાજ રૂપી વજ્રની ભૂમિને વજ્રની ખીંટીની જરૂર છે તો હવે તેવી ખીંટી મારવા તમારા જેવા ભાઈઓની જરૂર છે. પાછળની સમાજને સુદૃઢ બનાવવો એ સુકાન તમારે હાથ છે. તો તમો સાચા સુકાની બની સનાતન ધર્મની સમીપ આવવા તમારા સતપંથી ભાઈઓને કયારે સંદેશાઓ મોકલો છો ? ભાઈશ્રી આપણા સમાજની ત્રણ શક્તિઓ જે ખેતર, ખળું અને સનાતન ધર્મ રૂપી ખીંટી એ ત્રણે શક્તિઓ આપણામાં મજબુત હશે તો જગતની કોઈપણ સંસ્થા કે સત્તા તેમને પરાભવ કરી શકશે નહિ એ નિર્વિવાદ છે.

          ભાઈશ્રી સ્વ. નારણજીભાઈએ સંવત ૧૯૭૯ ની સાલે પોતાના નામથી “પ્રાસ્તવીક નિબંધ” એ નામે એક નાની પુસ્તિકા છપાવીને પ્રસિદ્ધ કરેલ છે જેમાંની કેટલીક અગત્યની બાબતો સ્વ. વાલજીભાઈ જીવરાજે “કર્તવ્યે પંથે” નામના પુસ્તકમાં પાના નં.  ૭૧ થી રજુ કરી જાહેર કરેલ છે કે તે પુસ્તિકા પણ જાણવા જેવી હકીકતો પુરી પાડે છે. તે સિવાય ખાસ મહત્ત્વની બાબત તો પીરાણા સતપંથ ધર્મએ મુસલમાની ધર્મ છે તેને જો હિંદુ ધર્મ છે એમ તે વખતના મુજાવર કાકા લક્ષ્મણ કરમશી પુરવાર કરી આપે તો રૂા.૧૦૦૦૦) દશ હજાર રોકડા આપવાની નીચે પ્રમાણે ખુલ્લી ચેલેન્જ સ્વ.નારાયણજીભાઈએ કરેલી. લક્ષ્મણ કાકાને ચેલેન્જ—

લક્ષ્મણ કાકાને હું નીચે પ્રમાણે ચેલેન્જ કરું છું :—

          (૧) તમે જન્મ વખતે કદાચ કડવા પાટીદાર હશો પણ હવે કણબી કે પાટીદારની જ્ઞાતિમાંથી વટલીને ઉતરી ગયેલા છો. મુમના  સિવાયના કચ્છ કે ગુજરાતના કણબીઓ તમને કોઈ દીવસ સાથે બેસાડી જમાડે જ નહિ. એટલે તમારા કહેવા પ્રમાણે તમે કડવા લેવા કણબી હવે રહ્યા નથી.

          (૨) પીરાણા સતપંથ ધર્મએ હિંદુ ધર્મ નથી. હિંદુ ધર્મની અનેક  શાખાઓ છે તેના ધર્મગુરૂઓ પણ  છે અને તે કોઈ ઈમામશાહે—ચલાવેલા તમારા પંથને હિંદુ ધર્મ તરીકે સ્વીકારતા જ નથી.

          (૩) જે કણબીઓને તમારા ઈમામી મીશનની પૂરેપૂરી માહિતી નથી તેમને તમે પીરાણા સતપંથ એ હિંદુ ધર્મ છે એમ ખોટી રીતે મનાવો છો એ કચ્છના અમારા જ્ઞાતિભાઈઓના પૈસાનો એ મુમના પંથમાં ઉપયોગ કરો છો તે ઘણી વખત તમારૂં કાકાપણુું ટકાવી રાખવા અને કચ્છના કણબીઓને મુમના બનાવવા અને મુસલમાની રાહ ઉપર લઈ જવા અત્યાર સુધી વાપરતા આવ્યા છો.

          (૪) ઉપર જણાવેલા ત્રણે આક્ષેપો તદ્દન જુઠ્ઠા છે એવું તમે કોર્ટ મારફતે અથવા સનાતન હિંદુ ધર્મના આચાર્યો મારફતે એટલે હિંદુ ધર્મશાસ્ત્રની રાહે સાબીત કરી આપો તો હું રૂા.૧૦૦૦૦) અંકે દશ હજાર આપવો તૈયાર છું અને તે વાત તમે જો ન સાબીત કરી શકો તો રૂા.૧૦૦૦૦) દશ હજાર તમારે મને આપવા માટેની જવાબદારી માથે સ્વીકારવી જોઈએ. નહી તો હવે પછી ઉપર જણાવેલા આક્ષેપો તમને કબુલ છે. એમ અમારા સુધારકો અને અમારું મંડળ માનતું આવ્યું છે તે વાત તમને જાહેર રીતે માન્ય છે એમ દરેક જણને માનવાનું ચોક્કસ થઈ જશે.. આ ચેલેન્જનો જવાબ આ નિબંધ તમને પહોંચ્યા પછી એક મહીના સુધીમાં આપવાની તમને છૂટ છે.

આજ દિવસ સુધી ઉપરોક્ત ચેલેંજનો ખરાખોટાપણાનો કોઈપણ જવાબ કાકા અથવા પીરાણાના કબ્રસ્તાનમાંથી હરીવંશના હોંશીલા સૈયદો આપવાને બહાર પડ્યા નથી. ખરૂં હોય તોજ જવાબ આપવાની હિંમત કરે ને ? તદ્દન જુઠ્ઠુ; હજાર વાર જુઠ્ઠું !

          ભાઈશ્રી આજથી લગભગ ચુમાલીશ વર્ષ ઉપર એટલે સંવત ૧૯૮૦—ઈ.સ.૧૯૨૩માં તા.૫—૭—૧૯૨૩ ના રોજે ડીસ્ટ્રીક્ટ્‌ મેજીસ્ટ્રેટ અમદાવાદ વાળાએ કોર્ટમાં તમારા પીરાણા પંથના ધર્મગુરૂ લક્ષ્મણ કાકાની જુબાની લીધેલી છે. તે સિવાય સુરતના ફ.ક.મેજીસ્ટ્રેટ સાહેબની કોર્ટમાં તા.૧૩—૬—૧૯૧૯માં પીરાણા ધર્મ બાબતનો કેસ ચાલેલ છે તેનો કેસ વાંચી જવા તમોને ભલામણ કરીએ છીએ. આ બધું જાણવા માટે તમારે નીચે મુજબ છપાયેલ ચોપડી વાંચવી.

          પીરાણા—સતપંથનો કોર્ટમાં થયેલો ફેંસલો. સુરત શહેરની કોર્ટમાં ચાલેલો મુકદ્દમો.

          પ્રસિદ્ધ કરનાર—રણછોડદાસ દલસુખરામ ભગત. શાક બજાર—અમદાવાદ, મુદ્રક—પરાગજી ખંડુભાઈ દેસાઈ. નવયુુગ મુદ્રણાલય—સુરત. સંવત  ૧૯૮૦ આવૃત્તિ—૧ કિંમત ૦—૧—૩

          આવી રીતે જાહેરમાં પીરાણા ધર્મ કેટલો હિંદુ ધર્મ છે તેની જાણ દરેકને હોતાં કેટલાક ગમાર અને મુઢ હિંદુઓને હજી સુધી જાગૃતિ આવતી નથી તો પીરાણપંથીઓ કઈ જાતના હિંદુઓ થવાની આશા સેવી રહ્યા છે ? ભાઈશ્રી આ લેખમાં લખેલી પીરાણાપથને લગતી કેટલીક હકીકતો તથા તે અપાયેલાં વિશેષણો વગેરે જે કાંઈ લખેલાં છે તે સ્વ.નારાણજીભાઈ રામજીભાઈએ લખેલ પુસ્તક નામે “હિંદુધર્મને નામે ચાલતા અર્ધદગ્ધ કબ્રસ્તાની પીરાણા સતપંથની  પોલ અને સત્યનો પ્રકાશ” એ નામે પુસ્તકના આધારે તથા સુરત શહેરમાં ચાલેલ પીરાણા ધર્મ સંબંધો કેસની કેટલીક માહીતી મેળવીને લખેલું છે જેની પીરાણાપંથીઓ નોંધ લે.

          ભાઈશ્રી મારું આ લખાણ તમારા સાથેના મારા કોઈપણ જાતના મતભેદ વગરનું છે તેમજ તમોને હેરાન કરવા કે ઉતારી પાડવા માટે લખેલ નથી. માત્ર તમોને સમજ પાડવા માટે તમારું ધ્યાન દોરવા ખાતર લખેલું છે, જે આ મારા લખાણને તમો હંસરૂપ બની સાર ગ્રહણ કરશો. પણ અવળો અર્થ કરશો નહિ. એ મારી નમ્ર વિનંતી છે. ભાઈશ્રી જ્ઞાતિનું હિત એ મારું પોતાનું જ હિત છે એ ન્યાયી સૂત્રથી જ લખેલું છે. આશા રાખું છું કે તમારી સાચી મનોભાવના જાહેરમાં જણાવશો. પ્રમાણિક મતભેદ તો દરેકને હોય છે પરંતુ આવા વખતે અંગત મતભેદ રાખી અંગત ગુણદોષનું અવલોકન કરવું એ યોગ્ય ગણાય નહિ.

          આ પુસ્તકમાં પૂછેલા પ્રશ્નોના જવાબો તમોને આ પુસ્તક મળ્યા બાદ માસ એકની અંદર અમોને લેખિત જાહેરમાં આપશો અને જો તેમ તમો નહિ કરો તો અમો સનાતની ભાઈઓ જે પીરાણા સતપંથ ધર્મને એક ભેળસેળિયો ન હિંદુ ન મુસલમાન એવો કબ્રસ્તાની પીરાણા સતપંથ ધર્મ જે સ્વ. નારાણજીભાઈ રામજીએ પોતે લખેલ. પીરાણા પોલમાં જેવી રીતે વર્ણવ્યો છે અને તેને જે રીતે અમો માનીએ તે જ રીતે તમો પીરાણા સતપંથી ભાઈઓને પણ કબુલ એમ પુરવાર થશે જેની આથી નોંધ લેશો.

 

તા.૨૦—૧—૬૮                                                                    લિ. સેવક

                                                          પટેલ ગોપાલજી સોમજી ભગત ગામ કચ્છ શ્રી રવાપરવાળા

                  

સુધારો

પાનું

લાઈન

છપાયેલું

+સુધારવાનું

૧૬

હાલના

જે હાલના

૨૦

ફેરવમાં

ફેરવતાં

હડછૂત

હડધૂત

૧૪

સામાન

સામાના

૧૧

ધર્મેના

ધર્મના

૨૩

સ મે

સામે

૧૧

બાંધો

વાંધો

૨૨

ધન્યવાદ

ધન્યવાદ

૨૩

પ્રમુખશ્રીએ

પ્રમુખશ્રીએ

૨૪

અ તે

આ તે

૧૭

હિંદુપણાનું

હિંદુપણાનું

પીરાણાપંથઓ

પીરણાપંથીઓ

૧૦

પાનાના

પાનામાં

૧૧

૧૫

નહિ

નહિ?

૧૨

૨૬

મલલમાન

મુસલમાન

૧૨

૨૭

હિંદુઓ

હિંદુઓના

 

         

ક્ષત્રિય તણા સંતાન થઈને આમ શું કાયર થયા ?

કણબી તણા છો  કુળદીપક તો આમ  શું બુઝાઈ ગયા ?     

જાગી જગાવો જ્યોતને તો ઉજાશ અંતરમાં થશે,

ઉજાશના અવકાશથી સઘળું અંધારૂં વહી જશે.                

અંધારું  શાથી થયુંં જે  વિધર્મીઓના પાશથી

સમજણ પડશે સત્યની એ અંતરના ઉજાશથી.                

ભાન થાશે ભુલનું જે હિંદુ મારી જાત  છે.

તો હિંદુઓને ધર્મ સનાતન જે જગતમાં વિખ્યાત છે.           

જુઓ ! જગતમાં સનાતન ધર્મનો અધિકાર છે.

તેથી સનાતન ધર્મનો સદાય  જય જય કાર છે.                 

 

       ગોપાલ સોમજી ભગત

                                     

ભારત સરવીસીઝ, ફોર્ટ, મુંબઈ -૧.                    ફોન: ૨૫૩૪૦૭

 

Leave a Reply

Share this:

Like this: