Akhil Bhartiya Kutch Kadva Patidar Samaj
A central organisation of Kutch Kadva Patidar Sanatan community
Akhil Bhartiya Kutch Kadva Patidar Samaj
A central organisation of Kutch Kadva Patidar Sanatan community
પત્રિકા નં: ૧
– પહેલી
મેં પીરાણા સતપંથ શા માટે ત્યાગ કર્યો?
પીરાણા પંથીઓને વિજ્ઞપ્તિ
આજે લગભગ સાત આઠ વરસ થયા અમો દેશમાં (કચ્છ) આવ્યા છીએ. તે પછી હું જાહેર
મેળાવડામાં “પીરાણા સતપંથ ધર્મ” સંબંધી કાંઈ બોલ્યો નથી. પણ પીરાણા ધર્મના
શાસ્ત્રોનો મારો અભ્યાસ જેવોને તેવો જ ચાલુ છે. તે જોઈ હમણાં મારા પરમ સ્નેહી એક
ભાઈએ કહ્યું કે “ભાઈ હું જ્યારે જોઉં છું ત્યારે તમારા હાથમાં પીરાણા ધર્મનું જ
પુસ્તક હોય છે. આટલો બધો તમને “પીરાણા ધર્મ” પ્રત્યે પ્રેમ છે છતાં પણ તમોએ
“પીરાણા સતપંથ ધર્મ”નો શા માટે ત્યાગ કર્યો?”
આ સાંભળી મને ઘણો આનંદ થયો. તેમને તેમના સવાલનો જવાબ આપીશ.
પણ હાલ તુરતમાં તેમને જાણવા પુરતું તો મારે કાંઈક લખવું જોઈએ એમ મારા અંતરાત્મામાં
મને થયું. જેથી થોડુંક જ આ નીચે જણાવ્યું છે અને પુરતો જવાબ લખવો પણ ચાલુ છે.
વ્હાલા ભાઈ, તમો જે “પીરાણા ધર્મ પાળી રહ્યા છો તે શું છે?
તે દર્મ છે કે ધતિંગ?
જો કહો કે ધર્મ છે,
તો તે હિન્દુ ધર્મ છે કે મુસલમાન?
અગર તો તમે મુસલમાન બનવાની ઈચ્છા રાખો છો કે હિન્દુ રહેવાની?
તેની તમને જાણ થવા માટે આ લખવું પડ્યું છે. “પીરાણા સતપંથ
ધર્મ”ના સિદ્ધાંતો તથા રિવાજો ટુંકામાં સત્ય હકીકત બહાર લાવવા ખાતર આ મેં બતાવી છે
કે જેથી તમે સીધે રસ્તે જાઓ છો કે ઉલટે તેની તમને ખબર પડે — જાણ થાય અને તમે
હિન્દુ છો કે મુસલમાન તેનું પણ ભાન થાય. એટલા જ માટે જે કંઈ હકીકત મારા અનુભવમાં
આવી છે તેમાંથી થોડીક જણાવું છું.”
આ પંથ ચાલુ કરનાર “પીર સમ્સ” છે જેને તમે ‘સમસદ્દીન’ ના નામે બોલાવો છો તે પીર
સમ્સદીન પછી પીર “નસીરદ્દીન” ત્યાર પછી પીર “સાહેબદીન” પછી પીર “સદરૂદીન” તેમના
પછી તેના દિકરા પીર “કબીરદ્દીન”ને છેવટે તેમના દિકરા તમારા સતગોર “ઈમામશાહ” કે જેઓ
ઈરાનમાં જઈ કાસ્પીઅન સમુદ્રના કિનારે આલમોતના કિલ્લામાંનું સ્વર્ગ કે જે સતપંથીઓના
સ્વર્ગ તરીકે ઓળખાતું હતું (જે બનાવટી સ્વર્ગનું બ્યાન તમારા ગોર ઈમામશાહે
જીન્નતનામાં નામના શાસ્ત્રમાં કર્યું છે) તે જીન્નત તથા તેની ધર્મ પ્રચાર કરવાની
પદ્ધતિ જોઈ આવ્યા પછી વિચાર કરી તેની યુક્તિ અને પદ્ધતિ મુજબ ગુજરાતમાં આવી
“અટુણા” નામે ગામમાં પહોંચેલ સતપંથની જાળ બિછાવવાની શરૂઆત કરી અને ત્યાંથી આગળ વધી
અમદાવાદ પાસે “ગીરમથા” ગામમાં મુકામ રાખી ત્યાંના ભોળા લોકોને પોતાની જાળમાં
સપડાવવા માંડ્યા. તેમાં “નવસારી”ના લેવા કણબીઓના યાત્રાળુ સંઘને જાળમાં લીધા પછી
તો તેનું તૂત આગળ ચાલવા માંડ્યું. તેમાં હજારો ભોળા હિન્દુ પંખીડાના ગળામાં
સતપંથના ગુરૂ ગંટાળે ધન હરણ કરવાની જાળ નાખી.
તેમ કરવામાં અમદાવાદના બાદશાહ મહમદ બેગડાએ આ સૈયદને ખૂબ મદદ કરી. એક વાડી
(ખેતર) આપી તેને મકાનો બંધાવી આપ્યા. હિન્દુ લોકોને તેમનો હિન્દુ ધર્મ છોડાવી
પોતાના દિનમાં (મુસલમાની ધર્મમાં) લેવા રચેલી જાળમાં ઘણા અજ્ઞાત ભોળા હિન્દુઓ
ફસાવા લાગ્યા. તેમ તમારા પૂર્વજો પણ ફસાયાં અને ઈમામશાહના કહેવા મુજબ મુસલમાની
ધર્મની રીતભાત પાળવા લાગ્યા. જેથી ત્યાંના તેના જ્ઞાતિભાઈઓ તે જે વૈદિક સનાતન ધર્મ
પાળતા હતા તેમણે તેઓને નાત બહાર મૂક્યા. આ નાત બહાર થનારાઓના ઘર થોડાં હોવાથી બહુ
શરમાવા લાગ્યા તેથી ઈમામશાહ પાસે ગયા અને પોતાની વિતક વાત કહી. ત્યારે ઈમામશાહ તથા
બાદશાહે ગોઠવણ કરી કચ્છમાં મોકલવાનો વિચાર કર્યો. કચ્છ રાજ્યને તો જોઈતું હતું અને
વૈદે બતાવ્યા જેવું થયું. એક તો ગુજરાતના કાબેલ ખેડુતો વિના મહેનતે મળે છે અને
દેશની વસ્તીમાં પણ વધારો થાય છે તેમજ બાદશાહનું પણ માન જળવાય છે એમ માની તેઓને
આશ્રય આપ્યો અને જે જમીન પસંદ આવે તેમાં ગામ વસાવવાની સગવડતા કરી આપી જેથી
કચ્છમાં આવી ગામો વસાવી રહેવા લાગ્યા.
અહીંયા મૂળથી જ “પીરાણા પંથી” તરીકે જાહેર થવાથી ટીકા પણ થઈ નહી તેથી દિનપ્રતિદિન
આપણા પંથનો વધારો થવા લાગ્યો. પીરાણાના સૈયદો તથા કાકાઓ આવજાવ કરવા લાગ્યા. તેનું
પરિણામ એ આવ્યું કે પોતાની વિશાળ પાટીદાર જ્ઞાતિથી અલગ થઈ ગુજરાત જેવી રમણીય
ભૂમિનો ત્યાગ કરી કચ્છ જેવા શુષ્ક પ્રદેશમાં નિવાસ કરવો પડ્યો. છતાં પણ હિન્દુ
તરીકેના મુખ્ય ચિન્હો “ચોરી અને કાયમ રહ્યા હતાં પરંતુ સૈકાઓ પછી એટલે સંવત ૧૮૩૨ની
સાલમાં વિવાહ વખતે પીરાણાનો મુજાવર કાબેલ કાકો પ્રાગજી તથા સૈયદ વલીમીયાં આવ્યા.
તેમણે લગ્ન કરાવનાર ગોર દયાશંકર ભગવાનજી સાથે તકરાર કરાવી બધા ગામના ભેગા કરી
ઉપદેશ આપ્યો કે બાવા ઈમામશાહના ધર્મના અનુયાયીઓના લગ્ન બ્રાહ્મણ કરી શકશે નહિ પણ
દરેક ગામનો મુખી હોય તે દુવા પઢી લગ્ન કરાવી લે અને મરણ પછી અગ્નિસંસ્કાર ન કરવો
પણ દફન કરવું. તે દિવસથી લગ્નની તથા મરણ પછીના સંસ્કાર હતા તે પણ બંધ થયા અને ગોર
બ્રાહ્મણ તથા ભાટને તમારી જ્ઞાતિમાંથી રજા આપી પુરણ મુમનની પદવી આપી અને પોતે
સૈયદો તથા કાકાપૂજ્ય બન્યા.”
પછી તો વડીલોના ભોળા સ્વભાવને લઈને ગામેગામ ખાનાની જગ્યા બંધાવી તેમાં બેસી
ઉપદેશના રૂપે ખોટી લાલચો બતાવી હિન્દુ
ધર્મના કટ્ટર શત્રુ કલરપરસ્તી સૈયદો ગુરૂ બન્યા અને ધર્મ ધૂતારા કાકાઓને એજન્ટ
બનાવ્યા. હુરાઓના આશક તથા સ્વર્ગના શોખીન એવા મુખીઓ અને ભગતડાઓને તેઓએ મોટા ભા
બતાવીને સૈયદોની વંશાવળીના કલ્પીત કલમાઓ અને બનાવટી દુવાઓ બોલાવી અને મસાણી માટીની
ગંદી ગોળીનું પાણી કરી એક જ વાટકીમાં એઠું જુઠું પાવળ પાવા માંડ્યું. રોજા રખાવ્યા,
શુક્રવારી બીજો પળાવી,
હિન્દુ ધર્મ વિરુદ્ધ લગ્નમાં દુવા પઢીને પતાવવા લાગ્યા.
તેમજ મરણ વખતે પણ એજ દુવાઓ અને દરૂદ પઢીને ધરતીમાં દફનાવવાનું શરૂ કરાવ્યું.
મધરાતની પૂજાઓ કરાવી ગતગંગા વહેવડાવી ઘટપાટ—ગાયત્રી અને કલમા નિમાજ હેજંદાના
નવરચિત કચુંબરનો ખીચડો બનાવી, નુરનામા, બાજનામા અને તૈયબના કલમા પઢાવી,
કબરો ઉપર રાંધેલો પ્રસાદ ચડાવી,
મસાણમાં જ ખાવાની હદ સુધી કેટલાક ભાઈઓને પહોંચાડ્યા.
વળી લુંટવામાં પણ હદ બહારના દશોંદ, વિશોંદ, ખુમસ, ખેરિઆત વિગેરેના બહાને લાગા—લગવા કરે,
જકાતના બનાવટી લાકડાં ગુસાડ્યાં.
મહોર નબુવંત, દુલદુલ ઘોડો, નુરીબરાખ અને રોજાના ચિત્રવિચિત્ર નવરંગી ચિત્રો ચીતરીને
ખૂબ નમાવ્યા.
આમ દિવસોદિવસ તેઓના નાટકો વધતાં જાય છે,
તો પણ કોઈની આંખ ખુલી નહીં,
ત્યારે પરમકૃપાળુ પરમાત્માઓ પોતાના પતિત થયેલા આર્યપુત્રો
પર પરમ સ્નેહભરી દયાદૃષ્ટિ કરી. હિન્દુ ધર્મનો નાશ થતો અટકાવવા પવિત્ર જ્ઞાતિના
માતાના ઉદરે ધર્મવીર, નરકેસરી વિરપુત્ર ઉત્પન્ન કર્યો,
જેના સિંહનાદે જ્ઞાતિબંધુઓની કુંભકરણ જેવી અઘોર નિંદ્રા
ઉડાડી જાગૃત કર્યાં.
તેના જ પ્રતાપે આજ આપણી જ્ઞાતિમાં જાગૃતિ આવી તેથી ગામેગામના મારા જેવા કેટલાએ
ભાઈઓએ પોતાની ભુલ સુધારી “પીરાણા સતપંથ”નો ત્યાગ કરી દેહશુદ્ધિ પ્રાયશ્ચિત કરાવી
પાવન થઈ, શ્રી વિષ્ણુનારાયણના મંદિરો બંધાવી તેમાં શ્રી
વિષ્ણુનારાયણની મૂર્તિઓ પધરાવી પોતાના પાપની માફી માગી રહ્યા છે. તે તમો તમારી સગી
આંખોથી જુઓ છો.
છેવટમાં મારી નમ્ર અરજ
વ્હાલા ભાઈ, મારી તમો પ્રત્યે માત્ર એટલી જ અરજ છે કે તમો હઠ,
ધર્માન્ધતા તથા જુદાઈ વિગેરેને તજી મારી અરજના હેતુને સમજો,
મેં જે કાંઈ આ લખ્યું છે તે તમારાં જ શાસ્ત્રો અને વર્તણુંક
ઉપરથી જ લખ્યું છે. આ લખવાનો મારો હેતુ માત્ર એ છે કે તમો અસલ્લ તથા નકલમાં,
સાચા તથા જુઠામાં અને ભલા તથા બુરામાં વિચાર કરી શકો અને તમારા તે ધર્મની મૂળ હકીકત અને
તેના ઉત્પન્ન કરનારાઓના ગુપ્ત મુદ્દાઓ સ્પષ્ટ રીતે જાહેર થઈ જાય. કે જેથી તમો
બારીક તપાસ તથા વિચારથી જોઈ શકો કે તમે જે કરો છો તે ક્યાં સુધી પરમાત્મા કે તેના
વચનરૂપી વેદ પ્રમાણે બરાબર છે? કેમ કે તેમ ન થવા પામે કે આ તરફના ન રહ્યા તેમ પેલી તરફના
પણ ન રહ્યા. તેટલા માટે મુખ્ય હકીકત ખુલ્લી કરી તમારી પાસે રજુ કરી છે.
હવે તમારી ફરજ છે કે તમે વિચાર કરો. પ્રથમ તથા છેવટને જુઓ. ખરા પવિત્ર વૈદિક
સનાતન ધર્મના અને બીજા ધર્મના પુસ્તકોનો દીર્ઘદૃષ્ટિથી અભ્યાસ કરીને મુકાબલો કરી
જુઓ કે જેને તમે સતધર્મ માની તથા સમજી બેઠા છો તે શું ખરેખર સત્ય છે?
આ બધું જાણી સમજી મેં ખૂબ વિચાર કર્યો તો મને સાફ દેખાયું કે “પીરાણા સતપંથ
ધર્મ” અને તેના નિયમો અમારા જેવી પવિત્ર પાટીદાર જ્ઞાતિને કોઈ રીતે શોભી શકે તેવી
નથી એમ ચોખ્ખું જણાઈ આવ્યું. તેથી જ “મેં પીરાણા સતપંથ ધર્મનો ત્યાગ કર્યો છે.”
તેમજ તમોને કહું છું કે જો તમે સર્વ રીતે પાટીદાર જેવી ઉચ્ચ જ્ઞાતિમાં ગણના કરાવવા
માંગતા હો તો આજે જ કાકા અને સૈયદોને છેવટની સલામ કરી તેમની ગુલામીની ધુંસરી એકદમ
ફેંકી દઈ, સનાતન વેદધર્મ અંગીકાર કરી લેશો. અધિક શું લખું જેને આંખ
હશે તે વાંચશે, કાન હશે તે સાંભળશે,
બુદ્ધિ હશે તે વિચારશે અને સમજ હશે તે “પીરાણા સતપંથ”નો
ત્યાગ કરશે.
લી. પાટીદાર જ્ઞાતિનો અદના સેવક |
રતનશી શીવજી પટેલ |
રવાપર, તાલુકો — નખત્રાણા (કચ્છ) |
રચનાર તા. ૦૧-૦૯-૧૯૫૫
ઓરિયન્ટલ પ્રી. પ્રેસ, ભુજ – કચ્છ