Akhil Bhartiya Kutch Kadva Patidar Samaj
A central organisation of Kutch Kadva Patidar Sanatan community
Akhil Bhartiya Kutch Kadva Patidar Samaj
A central organisation of Kutch Kadva Patidar Sanatan community
શ્રી કચ્છ કડવા પાટીદાર ભાગ્યોદય સભા
પ્રગતિના પંથે
હડમતીયામાં શ્રી લક્ષ્મીનારાયણ દેવનો
પ્રતિષ્ઠા મહોત્સવ
કચ્છ વાંઢાય (ઈશ્વરનગર)વાળા પૂજ્ય મહારાજશ્રી ઓદ્ધવદાસજી
અને
શ્રી કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિમાં કહેવાતા સુધારક ભાઈઓને
વિનંતિ.
સંવત ૧૯૯૫
ઈ.સ. ૧૯૩૯
॥ शार्दूल विक्रीड़ित छंद ॥
विद्वत्ता यदि लोकरञ्जनकरी चित्तं प्रसन्नं यदि,
वित्तं भूर्युपभोगकारकमिह स्वान्तानुरत्त्कामिया ।
रुपं काममनोहरं युवतिभिः प्रार्थ्ये वयो यौवनं,
स्वज्ञातेर भिमानहीन मखिलं व्यर्थे शुनः पुच्छवत् ॥
અર્થ : લોકોને રંજન કરનારી વિદ્વત્તા હોય, ચિત્ત પણ હંમેશાં પ્રસન્ન રહેતું હોય,
પુષ્કળ પૈસો હોય અને તે ઘણા જ ઉપભોગમાં આવતો હોય,
પોતાના મનને અનુસરનારી સ્ત્રી હોય,
તેમજ યુવતીઓ ચાહના કરે તેવું યૌવન હોય,
આ સઘળું છતાં, પણ જો જ્ઞાતિ અભિમાન ન હોય,
તો તે સઘળું કૂતરાનાં પૂંછડા સમાન વ્યર્થ છે.
છપાવી પ્રસિદ્ધ કરનાર :
શ્રી કચ્છ કડવા પાટીદાર ભાગ્યોદય સભા
ઠે. પટેલ રામજીભાઈ ધનજીભાઈની દુકાને
મુ.પો. ધનસુરા,
તાલુકો—મોડાસા,
વાયા—તલોદ,
(એ. પી. રેલવે)
પ્રત : ૫૦૦
પત્રિકા નં. ૯
“ભાગ્યોદય સભા” પ્રગતિના પંથે
कर्मण्ये वाधिकारस्ते
मा फलेषु कदाचन ।
मा
कर्मफलहेतुर्भुरमो ते संगोऽस्तव कर्मणी ॥
અર્થ : કર્મમાં જ તારો અધિકાર છે. ફળમાં કદી નહિ,
તું કર્મના ફળની
અપેક્ષા કરનાર ન થા,
તેમ અકર્મમાં પણ તું સંગ (પ્રીતિ) ન કર.
॥ ગીતા વાક્ય ॥
પરમ કૃપાળુ પરમાત્માની પૂર્ણ સહાયતાથી ‘શ્રી કચ્છ કડવા પાટીદાર ભાગ્યોદય
સભા’ની પ્રવૃત્તિ દિવસોદિવસ વધતી જ જાય
છે. તા. ૧૯—૦૯—૩૮ના રોજ મગનપુરા મુકામે ભરાયેલી મિટિંગના કામકાજથી જ્ઞાતિમાં અજબ
પરિવર્તન થયું અને ઉત્સાહ વધ્યો, પ્રચાર કામ જોશબંધ ચાલુ થયું અને તેના શુભ પરિણામે કેટલાક
ભાઈઓેએ અધર્મ યુક્ત પીરાણા સતપંથનો ત્યાગ કરી સનાતન ધર્મનો અંગીકાર કર્યો. એ
અરસામાં એટલે દીવાળી બાદ આપણા આદ્ય સુધારક મુરબ્બી નારણજીભાઈ રામજીભાઈ,
તથા મુરબ્બી વડીલ શ્રી જીવરાજભાઈ વસ્તાભાઈ માનકુવાવાળાનું
ગુજરાતમાં આગમન થયું. તેમના ઉત્સાહ પ્રેરીત વચનો સાંભળી અમારો ઉત્સાહ વધ્યો.
શુદ્ધિવાળા ભાઈઓ સાથે વધુ નિકટનો સંબંધ થાય,
એ હેતુથી ‘ભાગ્યોદય’ સભાના સભ્ય ભાઈશ્રી ખેતાભાઈ પુંજાભાઈએ
પોતાની પુત્રીનું સગપણ ભાઈશ્રી વાલજી વસ્તા વિથોણવાળાના પુત્ર સાથે કર્યું અને
લગ્ન પણ ચાલુ સાલમાં જ કરવા તેવો નિર્ણય
થયો. રા. રા. નારણજીભાઈ તથા મુરબ્બી વડીલ શ્રી જીવરાજભાઈએ તે લગ્ન વખતે હાજરી
આપવાનું વચન આપી ભાવભીની વિદાય લઈ મુંબઈ તરફ પધાર્યા.
સંવત ૧૯૯૫ના માગશર વદ ૬ {VSAK: 12-Dec-1938} ના રોજ ઘણી ધામધૂમથી લગ્ન પ્રસંગ ઉજવાયો. મુરબ્બી નારણજીભાઈ
તથા જીવરાજભાઈ પણ મુંબઈથી પધાર્યા હતા. તથા ગુજરાતના સુધારક ભાઈઓ પણ સારા
પ્રમાણમાં પધાર્યા હતા. રા. ખેતાભાઈએ દરેકનું સુંદર સ્વાગત કર્યું. મુરબ્બી
નારણજીભાઈ તથા જીવરાજભાઈ તથા અન્ય આગેવાન સુધારક ભાઈઓને ફુલહાર કર્યાં. લગ્ન
સમારંભ ઘણા જ આનંદ સાથે સમાપ્ત થયો.
તા. ૧૪—૧૨—૩૮ બુધવારના રોજ વિષ્ણુપુરા મુકામે રા. રા. પટેલ કરશનભાઈ લાલજીભાઈના
પ્રમુખપદે સભા ભરાઈ. જેમાં ભાઈશ્રી નારણજીભાઈ તથા મુરબ્બી શ્રી જીવરાજભાઈને
માનપત્ર અર્પણ કર્યું હતું. મુરબ્બી જીવરાજભાઈ,
પોતાના કુટુંબી બંધુઓની અપૂર્વ લાગણી તથા અજબ ઉત્સાહ જોઈ
ઘણા જ આનંદીત થયા હતા અને ઘણો જ આભાર માન્યો હતો. વધુમાં પીરાણા સતપંથના ભેદ
ભરમોનો પોતાનો જાતી અનુભવ સમજાવ્યો હતો. પીરાણા સતપંથથી આપણી જ્ઞાતિ કેટલી પાયમાલ
થઈ છે અને વિધર્મીઓના હાથે અજ્ઞાનતા તથા ભોળપણથી
કેટલી હલકી પંક્તિએ ઉતરી ગઈ છે, તે હકીકત ખૂબ
વિસ્તારથી સમજાવી હતી. તથા સ્વાર્થી સૈયદો અને કાકાઓથી આપણી જ્ઞાતિના ભાઈ—બહેનો
કેવી રીતે વટલે છે અને ધર્મના બહાને પોતાની ખરી પસીનાની કમાઈના પૈસા આપી પાયમાલ
થાય છે, તે સંપૂર્ણ હકીકત સમજાવી હતી. જેથી ત્યાં હાજર રહેલા સર્વ
ભાઈઓ ઉપર ઘણી જ સારી અસર થઈ હતી.
તે સિવાય વધુ વિવેચન કરતાં જીવરાજ ભાઈએ
જણાવ્યું કે પીરાણા સતપંથ ધર્મ આપણા જેવો ઉંચ ગણાતી કડવા પાટીદાર જ્ઞાતિને
કોઈ રીતે યોગ્ય નથી, છતાં ભોળા અને અજ્ઞાન જ્ઞાતિ ભાઈઓ અંધશ્રદ્ધાથી હજુ સુધી
પાપી પીરાણા સતપંથ ધર્મને વળગી રહ્યા છે, એજ કમભાગ્ય છે.
જે પીરાણા સતપંથ ધર્મ વિરૂદ્ધ આજે કેટલાંય વર્ષો થયાં પ્રચાર કાર્ય થઈ રહ્યું
છે કે, પીરાણા સતપંથ ધર્મ તદ્દન મુસલમાની ધર્મ છે. અવેદિક છે, વેદ વિરૂદ્ધ ધર્મ તરીકે કોર્ટોમાં તથા અન્ય ધર્માચાર્યો પાસે પણ પૂરવાર થયું
છે. એટલું જ નહિ, પણ ખુદ પીરાણા ધર્મના સ્થાપક હજરત પીર ઈમામ શાહના વંશના
સૈયદ પુંજામીયાં હુસેનમીયાં જે હાલ
પીરાણાના ખેર ખ્વાહ છે,
અને આગેવાન વ્યક્તિ
તરીકે પીરાણા સતપંથ અને સતપંથીઓમાં જાહેર છે,
તેમણે હજારો વખત છડેચોક જાહેર કરેલ છે કે,
પીરાણા સતપંથ ધર્મ તદ્દન મુસલમાની ધર્મ છે. અને હિંદુ ધર્મ
છે તેમ સાબીત કરનારને રૂપીયા પાંચ હજારને એકની ખુલ્લી ચેલેન્જ પણ કરી હતી. તો મારા
વહાલા ભાઈઓ ! આટલું જાણ્યા છતાં સગી આંખે જોયા છતાં પણ,
આપણે તે અર્ધદગ્ધ
મુસલમાની ધર્મને વળગી રહીએ અને આપણો મોહ ન છુટે તો અન્ય દુનિયા આપણા માટે
કેવો વિચાર બાંધે તે તમો જ કહો. કચ્છની અંદર તો આપણી જ્ઞાતિની જે ગણતરી થઈ છે તે
તો થઈ, પણ ગુજરાતમાં આવીને જો તેવી કનિષ્ટ ગણતરી થતી હોય છતાં,
આપણે સમજીને બેસી રહીએ તો તેના જેવું બીજું કયું કમભાગ્ય
કહેવાય ? જ્યાં સુધી અંધશ્રદ્ધા ઘર કરી બેઠી હોય,
ત્યાં સુધી તો ન સમજાય,
પણ જ્યારથી આપણે સમજતાં થયાં કે,
આ વસ્તુ આપણને સંઘરવા જેવી નથી,
તો પછી તે વસ્તુને તરત જ ફેંકી દેવી જોઈએ,
અને શુદ્ધ હિંદુ કડવા પાટીદાર તરીકે જગતમાં ઉજ્જવળ થઈને
રહેવું જોઈએ.
એક ધર્મને ધર્મ તરીકે માણસ પાળે અને દુનિયામાં તેની ટીકા થાય,
હાંસી થાય, અને લજ્જાસ્પદ ગણાય તો તે ધર્મ નહિ પણ અધર્મ છે એમ ચોક્કસ
માનવું અને તેનો સત્વરે ત્યાગ કરવો તેમાં જ ડહાપણ છે.
દરેક સમજુ ભાઈઓની ફરજ છે કે, આપણા અજ્ઞાન અને ભોળપણનો ભોગ બનેલા ભાઈઓને ઉપદેશ આપી
સમજાવવા બનતા દરેક પ્રયત્ન કરવા છતાં પણ અજ્ઞાન ભાઈઓની અજ્ઞાનતા દૂર ન થાય અને કોઈ
રીતે સમજે નહિ તેમ હોય, ત્યારે આપણે પણ કપાળે હાથ દઈ બેસી રહેવું અને કુદરત કરશે તે
ખરું તેમ કહેવું તેમાં કંઈ સાર નથી. મનુષ્ય માત્રને ઈશ્વરે સદબુદ્ધિ આપી છે. તો
તેનાથી સાર અસારનો વિચાર કરી યોગ્ય વસ્તુ
ગ્રહણ કરવી, અને કનિષ્ટને હાનિકર્તા હોય તેને સત્વર છોડી દેવી. અન્ય
ભાઈઓ વચ્ચે દાખલો બેસાડીને કહેવું કે, અમોએ જે અયોગ્ય હતું તેને ફેંકી દઈને શુદ્ધ થયા છીએ, તેમ તમો
પણ અમારી નજીક આવો. પાપથી સદાને માટે દૂર રહો. બાકી બીકના હાઉમાં કાંઈ માલ નથી.
માત્ર જ્યાં સુધી આપણે ઝંપલાવ્યું નથી. ત્યાં સુધી જ આપણને ડુંગર લાગે છે. નહિંતર
આત્મબળ આગળ કોઈ પણ નર પિશાચોનું કાંઈ ચાલતું નથી,
બલ્કે ગુલામ થઈને રહે છે. તેનો દાખલો આપણી નજર સમક્ષ મોજુદ
છે.
આપણા આદ્ય સુધારક ધર્મવીર નારણજીભાઈ પીરાણા સતપંથ ધર્મના અને આપણી જ્ઞાતિના
કહેવાતા સ્વાર્થી આગેવાનોના કટ્ટર વિરોધી
છે, છતાં આજે તે સર્વે લોકો તેમની વાહ, વાહ પરોક્ષ કે અપરોક્ષ રીતે બોલે છે. તેનું કારણ ફક્ત તેમની
આત્મશ્રદ્ધા અને અડગ ટેક છે અને તેના લીધે જ દુશ્મનોને પણ કબુલ કરવું પડે છે કે તે
જ એકલો મર્દ માણસ છે. બાકી પરદેશ વસતા મુંબઈ,
કરાંચીવાળા ભાઈઓને તો અમો ઓળખીએ છીએ,
તે બોલે તેથી કાંઈ થવાનું નથી.
તો ભાઈઓ તમો વિચાર કરી જોશો તો જણાશે કે,
તે બધો પ્રતાપ આત્મબળનો છે,
શુદ્ધરૂપી
તપશ્ચર્યાનો છે. તો બંધુઓ ! તમો પણ તે વીરની માફક તમારામાં રહેલી વીરતાને
યાદ કરો, સાચા વીર બનો, કે અમો શુદ્ધ કડવા પાટીદાર ઉંચ કોમ હોઈને કઈ જગ્યા પર જઈ
રહ્યા છીએ ? કે ગુજરાતમાં નીચ ગણાતી કોમો,
માંસ, દારૂ વગેરેનો વહેવાર કરનારી કોમ પણ તમારી તરફ હલકી નજરથી
જોઈ રહી છે અને તમારો છાંટો સરખો પણ લેતી નથી. તે ઉપરથી તમારા અંતર આત્માને પૂછી
જુઓ કે, તમારું સ્થાન ક્યાં સુધી નીચે ગયું છે ?
અને તે બધો પ્રતાપ તમોએ સાચો માની લીધેલ પાપી પીરાણા સતપંથ
અને તેના સંચાલકો કુટીલ કાકાઓ તથા સ્વાર્થી સૈયદો અને તેના એજન્ટો તરીકે તમોને,
ભોળવીને લુંટનાર તમારા જ ભાઈઓ માંહેના ગઢેરાઓનો છે અને
તેમની નીચતા તથા સ્વાર્થ બુદ્ધિથી જ તમો આટલી નીચ કક્ષાએ પહોંચ્યા છો. તો હવે તે
બધું જાણ્યું, જોયું માટે સમજી વિચારીને જાગ્યા ત્યારથી જ સવાર ગણીને
તમારી ઉન્નતિની શરૂઆત કરો. મારા વ્હાલા વીર બંધુઓ,
તમોને હું મારો પોતાનો જ દાખલો આપું છું કે,
પીરાણા સતપંથ ધર્મમાં મેં ખૂબ શ્રદ્ધા રાખી,
ઘણી પીરાણાની જાત્રાઓ કરી,
હજારો રૂપીયા દસોંદ વીસોંદમાં આપ્યા,
ઘણી સારી ભક્તિ કરી નુરનામા,
બાજનામાં, દુવાઓ, ગજાુલસ વગેરે પઢી કાકા અને સૈયદો તરફ ઘણો જ પૂજ્ય ભાવ
રાખ્યો અને જ્ઞાતિમાં આગેવાન ગણાતા ભાઈઓમાં વિશ્વાસ રાખી તેમના કહેવાથી છેલ્લા
છેલ્લા પીરાણાની સંસ્થાનો વહીવટ પણ ચલાવી જોયો અને ખૂબ ઉંડા ઉતરીને બારિક નિરીક્ષણ
કરતાં નિઃસ્વાર્થ અનુભવથી સમજાયું કે, આ તો આત્મકલ્યાણ કરવાના બદલે ઉલટા નરકાગારમાં જવાય છે. ઉંચ
કડવા પાટીદાર કોમમાંથી ટળીને મુમના કણબીની
ગણતરીમાં પહોંચાય છે અને અજ્ઞાન, શ્રદ્ધાળુ, ભોળી જ્ઞાતિને સ્વાર્થી લોકોના ઉભા કરેલા પ્રપંચમાં ધકેલવા
માટેના સ્વાર્થી લોકોના હથિયાર થવાય છે. આ બધું સમજતાં તે બધું પ્રપંચ શુદ્ધ
અંતઃકરણથી પશ્ચાત્તાપ અને પ્રાયશ્ચિત્ત કરીને ફેંકી દીધું છે. તો મારા જ્ઞાતિ ભાઈઓ
અને સ્વજનો મારી તમોને એજ નમ્ર અરજ છે કે,
આજથી કોઈ પણ ભાઈ અને બહેન એ પ્રપંચી પાપી પીરાણા સતપંથનો
સાથ ન કરશો.
વળી આજકાલ પીરાણાના સૈયદ બાવાસાહેબ અહેમદઅલી ખાકી,
પોતાને હજરતપીર ઈમામશાહના અગીયારમા અવતાર તરીકે ઓળખાવવાનો
પ્રયત્ન આદરી રહ્યા છે. તેમના મુડેલા મુરીદોમાં ખાસ પવિત્ર પુરૂષ તરીકે પોતાની
જાતને ઓળખાવીને પૂજાવી રહ્યા છે. અને પીરાણા
સતપંથ ધર્મ હિન્દુ ધર્મ છે, એવો ઉપદેશ કરતા ફરે છે. પણ તેમની તે પાપી પંડિતાઈ આપણી
કોમને ખૂબ જ નુકસાનરૂપ નીવડી છે. સૈયદ ખાકીના હિંદુ પીરાણા સતપંથના ખાનામાં,
ગતગંગામાં કોળી, અંધારીઆ, કાછીઆ, ગોલા, રાણા, માછી, ભરવાડો અને કણબીઓ સર્વેને એક જ પાટલે બેસાડી વર્ણાશ્રમ
ધર્મનું નખોદ વાળ્યું છે. અને આપણી જ્ઞાતિના અજ્ઞાન તથા ભોળા ભાઈઓને
ભ્રષ્ટાચારવાળી નુરની ગોળી અને ખાનાનો એંઠો પ્રસાદ ખવડાવીને લેઉવા,
કડવા બંને પક્ષથી અલગ કરી દીધા છે. અરે એટલેથી ન અટકતાં આજે
તો અન્ય હિંદુ જનતા એક હિંદુ કોમ તરીકે પણ કબૂલ કરવા આનાકાની કરે છે,
ત્યારે સૈયદ ખાકીને હજુ હિંદુપણાનો અંધાર પછેડો ઓઢીને કચ્છી
કણબીઓને મુમનામાંથી પણ ટાળીને પૂરા મુસલમાન બનાવવાનો ઈરાદો છે.માટે દરેક ભાઈઓએ
તેવા સફેદ વસ્ત્રોમાં સંતાયેલા કાળા શયતાનોથી બચતા રહેવું એજ હિતકારક છે.
તે સિવાય મારા સુધારક ભાઈઓને બે બોલ કહીશ તો અસ્થાને નહિ ગણાય કે,
આજે દરેક સુધારક કહેવાતા ભાઈઓને મારી ખરા અંતઃકરણપૂર્વક
સલાહ છે કે, સમગ્ર જ્ઞાતિના શીર ઉપર ઘર કરીને બેઠેલા પીરાણા સતપંથ રૂપી
કલંકને દૂર કરવા માટે દરેક સુધારક ભાઈઓના મનમાં કાંટારૂપે ખટકી રહ્યું છે તો સમગ્ર
જ્ઞાતિને સુધારવા માટે એક સંપ અને સંગઠનની ખાસ જરૂર છે,
પણ તે સંગઠન વાણી વિલાસનું નહિ,
મૌખિક શબ્દોનું નહિ પણ,
ખરા તન—મન— ધનનું તથા ખરા અંતઃકરણનું હોવું જોઈએ. તો દરેક
ભાઈઓને શ્રીજગદંબા ઉમિયા માતાજી સદબુદ્ધિ આપે અને એકત્ર થાય એવી મારી નમ્ર
પ્રાર્થના છે.
ઉપર પ્રમાણે વિવેચન સાંભળી સર્વે ભાઈઓના મન પર ઘણી જ સુંદર અસર થવા પામી હતી.
જેમ પિતામહ ભીષ્મે મહારાજા યુધિષ્ઠિરને ઉપદેશ કર્યો હતો,
તે જ પ્રમાણે આ વયોવૃદ્ધ વડીલશ્રીએ ગંભીર વાણીથી,
શાંત પ્રકૃતિથી આપેલ ઉપદેશ સાંભળી હાજર રહેલા ભાઈઓ કહેવા
લાગ્યા કે, જો મુરબ્બી વડીલ શ્રી જીવરાજભાઈ ગુજરાતમાં રહીને પોતાની
નિઃસ્વાર્થ સેવાનો લાભ આપી પ્રચાર કાર્ય ઉપાડી લે તો ગુજરાત વાસી ભાઈઓની ઉન્નતિ
સત્વર થવા પામે અને જ્ઞાતિનો જલદી ઉદ્ધાર
થાય.
ત્યાર બાદ કેટલીક વાટાઘાટો પછી મોડી રાત્રે સભા વિસર્જન થઈ હતી.
ગામ હડમતીયામાં શ્રી લક્ષ્મીનારાયણના મંદિરનુ બાંધકામ પૂરું થઈ રહેવા આવ્યું
હતું તેથી તે ગામના સુધારક ભાઈઓ પ્રતિષ્ઠા ક્યારે કરવી ?
તે બાબતની વાટાઘાટ કરવા આવેલા ત્યારે ભાગ્યોદય સભાના
કાર્યવાહકોએ જણાવેલું કે, હાલ કપાસની સિઝન નજદીક આવે છે. તેથી કામના રોકાણના લીધે
કેટલાક ભાઈઓ આવી શકશે નહિ. તો આપણે સીઝન પૂરી થયા બાદ પ્રતિષ્ઠાનું નક્કી રાખીએ તો
ઠીક.
મુરબ્બી નારણજીભાઈએ પણ તે જ સલાહ આપી કે હાલમાં શરદી વધારે પ્રમાણમાં હોવાને
લીધે મારી તબિયત પણ ઠીક રહેતી નથી તેથી હાલ તુરતમાં જ હું દેશમાં જવાનો છું. તેથી
હાલમાં પ્રતિષ્ઠા કરો તો મારાથી તુુરતમાં આવી પણ શકાય નહીં. માટે ઉનાળામાં વૈશાખ
માસમાં પ્રતિષ્ઠાનું રાખો તો ઘણી જ સારી વાત. વળી અહીંના કેટલાક ભાઈઓ શુદ્ધિના
કાર્ય માટે તત્પરતા બતાવી રહ્યા છે. તો આ
નિમિત્તે આપણે એક પરિષદ ભરીએ તેમાં ગુજરાતના આપણા કડવા પાટીદાર આગેવાન ભાઈઓને પણ
આમંત્રણ આપી તેડાવીએ ને પરિષદમાં જ શુદ્ધિનું શુભ કાર્ય તેમની હાજરીમાં થાય તો
ઘણું જ ઉત્તમ પરિણામ આવે. માટે તમો ઉતાવળ નહિ કરતાં વૈશાખ માસ સુધી પ્રતિષ્ઠાનું
કામ થોભાવો. વૈશાખ માસમાં પરિષદ દેવીની પધરામણીથી ઘણું જ સુંદર કામ થશે. આ પ્રમાણે
નિર્ણય કરવામાં આવ્યો ત્યાર બાદ નારણજીભાઈની શારીરિક સ્થિતિ નબળી પડવાથી તેઓશ્રી
કચ્છ તરફ વિદાય થયા અને મુરબ્બી જીવરાજભાઈ મુંબઈ તરફ રવાના થયા.
હડમતીયાવાળા ભાઈઓ બે ત્રણ ઠેકાણે મુહૂર્ત જોવડાવી આવ્યા તો મહા સુદ ૭ શુક્રવાર
{VSAK: 27-Jan-1939} નું
આવ્યું. બીજું કોઈ મુહૂર્ત સારું નહોતું આવતું તથા બીજા પણ કેટલાક સંજોગોવશાત્ તે
જ મુહૂર્ત નક્કી રાખવામાં આવ્યું અને દરેક ઠેકાણે આમંત્રણ પત્રિકાઓ મોકલવામાં આવી.
ભાઈશ્રી રતનશીભાઈ ખીમજી તથા રાજારામ શામજીભાઈને પણ ઘાટકોપર તાર મારફતે આમંત્રણો
આપવામાં આવ્યા. સંવત ૧૯૯૫ના મહા સુદ ૬ને ગુરૂવાર {VSAK: 26-Jan-1939} ના સાંજ સુધીમાં દરેક ઠેકાણેથી સુધારક ભાઈઓ આવી પહોંચ્યા.
ઈશ્વર નગર(વાંઢાય)થી પૂજ્ય મહારાજ ઓધ્ધવદાસજી પણ પધાર્યા હતા. દરેકનું ભાવભીનું
સ્વાગત કરવામાં આવ્યું.
ઘાટકોપરથી શુદ્ધિશાળી ભાઈઓમાંથી રા.રા.નારણજીભાઈ શીવજીભાઈ,
રા.નાનજીભાઈ ભાણજીભાઈ,
રામજીભાઈ રાજા, લધાભાઈ વસરામ, નાનજીભાઈ દેવજી, જીવરાજભાઈ વસ્તાભાઈ તથા વાલજીભાઈ જીવરાજ(મુંબઈ),
જીવરાજ વાલજીભાઈ (થાણા) વગેરે તથા રા.રા. રતનશીભાઈ ખીમજીભાઈ,
રા. રા. રાજારામભાઈ શામજીભાઈ,
કરશનભાઈ ઉકેડા (ઘાટકોપર મંડળના પ્રમુખ) તથા માધવજીભાઈ (ઉ.
પ્રમુખ) સવગણભાઈ વસ્તા (મુલુંડ) વગેરે બંને પાર્ટીના સુધારક ભાઈઓ પધાર્યા હતાં.
તે જ રાત્રે સભા ભરવામાં આવી. જેમાં મહારાજશ્રી ઓધ્ધવદાસજી તથા રા.રા.
નારણજીભાઈ શીવજી તથા રા. રતનશીભાઈ ખીમજી
અને અન્ય મહાશયોએ બહુ જ અસરકારક વિવેચનો કર્યા હતાં. બીજે દિવસે પણ સવાર સાંજે
સભાઓ ભરાઈ હતી. ઘાટકોપરથી પધારેલ બંને પાર્ટીઓ વચ્ચે ઘણા વખતથી મતભેદ ચાલતો હતો
તેનું આ સભામાં મહારાજ ઓધ્ધવદાસજીએ સમાધાન કર્યું હતું. તે સમાધાનના ઠરાવો નીચે
પ્રમાણે હતા.
૧. |
પીરાણા ધર્મમાં વપરાતી નુરની ગોળીનો સદંતર બહિષ્કાર કરવો. |
૨. |
સૈયદોને ગુરૂ તરીકે માનવા નહિ અને તેમની સાથે કોઈ પણ
જાતનો સંબંધ રાખવો નહિ. |
૩. |
મરણ વખતે શબને અગ્નિ સંસ્કાર કરવો. |
૪. |
લગ્ન ક્રિયા હિંદુ શાસ્ત્ર પ્રમાણે ચોરી બાંધીને કરવી. |
૫. |
પીરાણા ધર્મને તજી શુદ્ધ સનાતન ધર્મ પ્રમાણે આચાર વિચાર
તથા વર્તન કરવું વગેરે. |
ઉપર પ્રમાણે ઠરાવોનો અંગીકાર કરવા માટે ત્રણ માસની મુદત
આપવામાં આવી. ત્રણ માસની અંદર જેટલા ભાઈઓ ઉપરના ઠરાવો પાળે તેટલાનો જથ્થો એકત્ર
કરવો અને ઉપરના ઠરાવોનું ઉલ્લંઘન કરનારને મૂકી દેવા,
તેમની સાથેનો ખાવા—પીવાનો વહેવાર બંધ કરવો અને ત્રણ માસ પછી
જે ભાઈઓને શુદ્ધી કરાવવી હોય તે ખુશીથી કરાવે અગર ઉપરના ઠરાવો પાળનાર દરેકની હું
એકી સાથે શુદ્ધિ કરીશ. માટે ત્રણ માસ સુધી બંને પક્ષનાઓે કોઇએ એક બીજાની વિરુધ્ધ
કોઇ પણ જાતનો પ્રચાર કરવો નહીં ત્રણ માસ પછી જો કાંઈ ન થાય તો જેને જેમ યોગ્ય લાગે
તે પ્રમાણે કરી લેવું. અને ત્રણ માસમાં ઉપરના ઠરાવોનો પ્રચાર કરવા માટે હું મારા
શિષ્ય દયાળદાસ તથા રાજારામ શામજીભાઈ જેઓએ અત્યાર સુધી કોઈને ગુરૂ કર્યાં ન હતા.
તેમણે આ સભામાં મહાત્મા ઓદ્ધવદાસજી મહારાજને ગુરૂ કર્યાં હતા ને ગુજરાતમાં પ્રચાર
કામ માટે નીમું છું. તેઓને જો વધુ જરૂર પડે તો રતનશીભાઈને તથા નારણભાઈ શીવજીને
મદદમાં બોલાવવા.
આવી રીતે શાંતિ ભર્યું સમાધાન કરવામાં આવ્યું હતું. દરેક સભામાં વક્તાઓએ
શ્રોતાજનોના મન ઉપર ઘણી જ સુંદર છાપ પાડી હતી.
ગામ ફતેપુર શહેરના વણિક ભાઈઓએ પધારી સારી મદદ કરી હતી. તથા અન્ય ગૃહસ્થોએ પણ
ભગવાન લક્ષ્મી નારાયણને યથાશક્તિ ભેટો મૂકી હતી. આ પ્રમાણે ભગવાન શ્રી લક્ષ્મી
નારાયણની પ્રતિષ્ઠા ઘણા જ આનંદ અને ઉત્સાહ વચ્ચે થઈ હતી.
આ સભાનો રિપોર્ટ પ્રસિદ્ધ કરવા માટે હડમતીયાના સુધારક ભાઈઓને પૂછતાં તેઓએ
જણાવ્યું કે, ઘાટકોપરથી મંડળવાળા ભાઈઓ છપાવીને મોકલશે. તેથી ભાગ્યોદય સભા
તરફથી તે રિપોર્ટ છાપવાનું બંધ રાખવામાં આવ્યું. પરંતુ ઘાટકોપરથી પણ તે રિપોર્ટ
હજુ સુધી છપાઈ બહાર પડેલ નથી ફક્ત “જય કચ્છમાં” સાધારણ ટુંકાણમાં જ હડમતીયાની
હકીકત બહાર પાડી છે. વળી, જેમાં ઘાટકોપરથી પધારેલ શુદ્ધિવાળા એક પણ ભાઈનું નામ નિશાન
પણ નથી. આવી જનરલ સભાનો સવિસ્તાર અહેવાલ તાત્કાલિક છપાઈ બહાર આવ્યો હોત તો તેની ઘણી સુંદર અસર થાત. અસ્તુ.
પૂજ્ય મહાત્મા ઓધ્ધવદાસજીએ દયાળદાસ તથા શ્રીયુત્ રાજારામભાઈને પ્રચાર કામ
માટે રોકેલા પણ અમારા ધારવા પ્રમાણે જોઈએ તેવો પ્રચાર થઈ શક્યો નથી. શ્રીમાન્
રાજાભાઈને દરેક કંપે ફરી સભાઓ ભરી સનાતન ધર્મનો પ્રચાર કરવાનું કામ સોંપેલ અને
તેમણે તે સ્વીકારેલ. પણ અમુક ચાર—પાંચ ગામોમાં તે પણ તેમના સગાસંબંધીઓમાં જ ફર્યા
હતા. જે જે ગામોમાં ખાસ જરૂર જેવું હતું, અને જ્યાં વધારે પીરાણા સતપંથ ઘર કરી બેઠો છે તેવી જગ્યાએ
જવાની ખાસ જરૂર હતી. સમજુ વર્ગ તો સુધરેલો જ છે. મહારાજ દયાળદાસજી પણ ધનસુરા મુકી
ક્યાંય ગયા હોય તેમ જણાતું નથી. એકાદ બે ગામે ફરવા ગયા હોય તો ખબર નહિ.
ત્યાર બાદ થોડાક ટાઇમ ઉપર તા. ૨૫—૦૨—૧૯૩૯ના રોજે શ્રીયુત્ રાજારામભાઈએ ધનસુરા
મધે પટેલ વીરજી રામજી ધોળુના પ્રમુખ પદે એક નાની સભા પરિષદ ભરવાની સંમતિ લેવા
બોલાવી હતી. જેમાં ભાગ્યોદય સભાના એક પણ સભ્યને બોલાવવામાં આવ્યા ન હોતા. ખાસ
ધનસુરામાં વસતા ભાઈઓ તેમજ ભાગ્યોદય સભાના સેક્રેટરી રામજીભાઈ ધનજી વગેરે કોઈને પણ
આમંત્રણ ન હતું. તે સભામાં પરિષદ ભરવાનો વિચાર નક્કી કરી ઘાટકોપરથી ભાઈશ્રી રતનશી
ખીમજીને તેડાવ્યા તથા ગુજરાતના દરેક કંપાઓમાંથી બબ્બે આગેવાનોને પણ બોલાવવામાં
આવ્યા ને તા. ૦૨—૦૩—૩૯ના રોજે ફરીથી ધનસુરામાં સભા ભરાઈ. જેમાં પીરાણા પંથી ભાઈઓની
પણ હાજરી સારા પ્રમાણમાં હતી. કારણ કે તેઓ નિશ્ચય કરીને આવ્યા હતા કે,
જો આજની સભામાં પીરાણા ધર્મ વિરૂદ્ધ કોઈ બોલે તો તોફાન
કરવું. આ બાબતની સુધારક આગેવાન ભાઈઓને ખબર પડતાં સમયસૂચકતા વાપરી પીરાણા સતપંથનું
પ્રચાર કામ બંધ રાખી પરિષદના મેમ્બરોની ચૂંટણી કરવાનું કામ ચાલુ રાખ્યું. જેમાં
પરિષદના પ્રમુખ સાહેબ રા. રા. રતનશીભાઈ ખીમજી ખેતાણીની ચૂંટણી કરવામાં આવી હતી.
સ્વાગત પ્રમુખ વીરજીભાઈ રામજીભાઈ ધોળું દુધાતળવાળા નિમાયા હતા. કાનજીભાઈ દેવશી
રાયણના માળ વાળા મંત્રી, અરજણભાઈ વાલજી ધોળુ હડમતીઆ વાળા ઉપમંત્રી,
કરશન ખેતા કીડીઆમુદરા વાળા ખજાનચી,
સ્વાગત ઉપપ્રમુખ કાનજી રતના ધોળુ તથા રાજાભાઈ શામજી ધોળુ
વગેરે તથા બીજા પણ કેટલાય મેમ્બરોની ચુંટણી થઈ હતી. અજાયબીની વાત તો એ છે કે,
ભાગ્યોદય સભાના એક પણ કાર્યવાહકને મેમ્બર તરીકે ચૂંટવામાં
આવ્યા ન હતા. ફક્ત તેમના પક્ષના જ વધુ પડતા ભાઈઓની ગોઠવણી કરવામાં આવી હતી.
જેમાંના કેટલાંક ભાઈઓ તો હજુ પીરાણા પંથી જ છે.
ચૂંટણીનું કામ ચાલતું હતું તે દરમિયાન એક સતપંથી ભાઈએ જણાવ્યું કે,
આમાં અમો કાંઈ સમજતા નથી,
તમો શું સુધારો કરવા માંગો છો તે ચોખ્ખે ચોખ્ખું જણાવો જેના
જવાબમાં કહેવામાં આવ્યું કે, આ સભા તો માત્ર પરિષદના મેમ્બરોની ચૂંટણી કરવા માટે જ
ભરવામાં આવી છે. કામકાજ તથા સુધારા તો પરિષદની સભામાં થશે. અને દરેક ખુલાસા તે
વખતે થશે. માટે તમારે કોઈને જે કંઈ પૂછવું હોય તે પરિષદ ભરાય એટલે જરૂરથી આવજો.
ત્યાર બાદ કેટલીક વાટાઘાટના અંતે સભાનું કામકાજ બંધ કરવામાં આવ્યું હતું.
ગુજરાત વાસી જ્ઞાતિ ભાઈઓ પરિષદની કાગના ડોળે વાટ જોઈ રહ્યા હતા. પણ કુદરતી
સંયોગોના લીધે હાલ પરિષદ ભરવાનું મુલતવી રાખવામાં આવ્યું છે અને સાંભળ્યું છે કે,
દીવાળી બાદ પરિષદ ભરાય તેમ લાગે છે. ત્રણ માસની મુદતનો
વાયદો આમ નવ માસની મુદતના રૂપમાં ફેરવાયો છે.
આનું પરિણામ એ આવ્યું કે, કંઈક જાગતા થયેલ ભાઈઓ ફરીથી ઊંઘવા લાગ્યા ને આળસુ બન્યા.
મહારાજશ્રીના વચનના લીધે અમો પણ ત્રણ માસની મુદત દરમિયાન કોઈ પણ જાતનો પ્રચાર કરી
શક્યા નહિ અને તેથી ગુજરાતના સંતપથીઓમાં નવું જોર આવ્યું. સૈયદ બાવાસાહેબ અહેમદઅલી ખાકીના મુખ્ય શિષ્ય દેવજી લાલજી ચોપડા
મહેંદીપુરા વાળાના અધ્યક્ષપણા નીચે ગામોગામ સત્સંગના નામે નાની નાની સભાઓ ભરાવા
લાગી ને ફરીથી તાજો પીરાણા સતપંથનો બોધ જોરશોરથી ચાલુ થયો. સુખપુરા,
હાથીપુરા, બુટાલ કંપા, વજેપુર, ધનવંતપુરા, દેસાઈપુરા, મહેંદીપુરા વગેરે ઠેકાણે સત્સંગો થયા છે. મેઘપુરામાં સત્સંગ
થવાનો હતો પણ અંદર અંદર કલેશ થવાથી બંધ રહ્યો છે. ધનવંતપુરા તથા વજેપુરામાં તો ખાસ
પીરાણેથી સૈયદબાવા સાહેબ ખાકીને પણ તેડાવવામાં આવ્યા હતા. જેમાં નીચે પ્રમાણે બનાવ
બનવા પામ્યો હતો.
તા. ૩—૫—૩૯ના વજેપુરા મુકામે પટેલ જેઠા મેઘજીના ઘેર સત્સંગ હતો તેથી બહાર
ગામથી સતપંથીઓને તેડાવ્યા હતા, પીરાણેથી સૈયદ બાવા સાહેબ અહેમદઅલી ખાકી તથા રસલીઆના
કહેવાતા ભગત મનજી હરભમ પણ આવેલા હતા. તેઓ ગાડામાં બેસી ગામના ઝાંપે આવ્યા એટલે
આવેલા મહેમાનો તેમને સામૈયાં કરી ગાતા વાતા ગામમાં લાવ્યા અને જેઠા મેઘજીને ત્યાં
મુકામ આપ્યો. સાંજે સૂર્ય અસ્ત થયા પછી સૈયદ બાવા સાહેબ સાથે બધા મળી ખાનામાં ગયા
ત્યાં લોબાન થયા પછી સરદો કરી થોડો ટાઇમ રોકાઈ પાછા આવ્યા. જમી પરવારીને આંગણામાં
સત્સંગ માટે બેઠા. શરૂઆતમાં દેવજી લાલજીએ ભાષણ આપ્યું તે નીચે પ્રમાણે હતું.
સો હિન્દુઓ મકલેશ્વર મહાદેવની યાત્રાએ ગયા હતા,
ત્યાં એક મુસલમાન પ્રસાદી વહેંચતો હતો,
તે પ્રસાદી પેલા સો યાત્રાળુમાંથી નવ્વાણું જણાએ લીધી,
અને તેમાંના એક જણે મુસલમાનને જોઈ શંકા આવવાથી લીધી નહિ.
પછી દર્શન કરી જાત્રા પૂરી કરી સૌ
પોતપોતાને ઘેર પાછા આવ્યા. પછી પેલો એક જણ કે જેણે પ્રસાદી લીધી ન હતી તેણે ગામમાં
વાત કરી કે આ બધા મુસલમાનનું ખાઈને આવેલા છે તે સાંભળી પેલા નવ્વાણું જણાએ તેને
દબાવી દીધો ને ઉલ્ટું કહેવા લાગ્યા કે તેંજ એકલે ખાધી છે. તેમ ઘણા જણ હોવાથી પેલા
બિચારા એકલાને જ નાત બહાર મૂક્યો. એટલે જે નવ્વાણું જણા હતા તેનો વંશ તે આજે
હિન્દુ અઢારે વર્ણ છે. અને એક નાત બહાર હતો,
તેમાંના આપણે જે ખરા મનથી સતપંથ પાળે છે તે જ છીએ અને બીજા
નહિ.
ઉપર પ્રમાણે દેવજી લાલજીનું ભાષણ સાંભળી સર્વે ખુશી થયા અને ધન્યવાદ આપી કહેવા
લાગ્યા કે, તમારા જેવા જ્ઞાની અને બુદ્ધિશાળી પુરૂષ ન જન્મ્યાં હોત તો
પીરાણા સતપંથનો આધાર પણ ન રહ્યો હોત !
ત્યારબાદ ભજન કિર્તન થવા લાગ્યાં ને સાથે સાથે બાવાજીની પણ સેવા થવા લાગી.
બાવા સાહેબને પાણીની ઇચ્છા થતા જરમનના ગ્લાસમાં પાણી આપ્યું ત્યારે બાવા સાહેબ
બોલ્યા કે, આ ગ્લાસમાં તમો પાણી પીઓ છો માટે એઠું ગ્લાસ મારે કામ નહિ
આવે માટે માંજીને આપો એટલે ગ્લાસ સાફ કરીને પાણી આપ્યું.
ત્યારબાદ મધરાત્રિના શુમારે પૂજા કરવામાં આવીને રાંધેલો પ્રસાદ બધા સાથે
બેસીને જમ્યા બીજે દિવસે બાવા સાહેબને માન ભરી વિદાયગીરી આપી.
આ બધી હકીકતો સાંભળી ભાગ્યોદય સભાના માજી સેક્રેટરી હીરજીભાઈ વાલજી જેઓ
વજેપુરા ગામમાં હંસરાજભાઈ સોમજીને ત્યાં આવેલા હતા તેઓ રાત્રીના બનાવ વિશે
હંસરાજભાઈ સાથે વાતો કરતા હતા તેથી વહેમાઈને બે ત્રણ સતપંથી ભાઈઓ બોલાચાલી કરવા
લાગ્યા. ત્યારે હીરજીભાઈ બોલ્યા કે, ભાઈઓ આપણે હિન્દુ કડવા પાટીદાર છીએ,
તો મુસલમાનને આપણે ઘેર બોલાવી ધાર્મિક ક્રિયા આચાર કરાવીએ
તો આપણને લાંછન લાગે ત્યારે એક પીરાણા પંથી ભાઈ બોલ્યા કે,
અમો સાડી સાત
વાર મુસલમાન છીએ, મુસલમાની ધર્મ પાળશું,
સૈયદને હંમેશા
બોલાવીશું, તેના ભેગું ખાશું,
બોલો હવે શું
કહેવા માંગો છો અને તમે સનાતનવાળા બધા એક જ બાપના હો,
અને જો સગાઈ
હો તો અમને તમારા ભેગા ખવડાવશો નહિ. છતાં જો ખવડાવશો તો તમો ખાસ વર્ણશંકર છો એમ
અમે માનીશું. માટે હવેથી અમને કાંઈ પણ કહેશો નહિ. આ તકરાર ઘણી જ વધી પડી હતી.
વજેપુરા ગામમાં ઢોર ચારવા માટે એક ગોવાળ થોડા વખતથી રાખેલ છે,
તે જાતનો ઠાકરડો છે. તેણે આ બધી હકીકત જોઈ,
સાંભળી નોકરી છોડી ચાલ્યો ગયો છે. નોકરી છોડવાનું કારણ
પૂછતાં જણાવ્યું કે, તે પહેલાં લાલુ કંપા ગામે નોકર હતો,
ત્યાં પણ સૈયદ આવતા જતા જોઈ નીકળી ગયો હતો ને અહીં નોકરી
રહ્યો, તો અહીં પણ સૈયદ સાહેબની સવારી જોઈ જતો રહ્યો છે. ગમે તેવો
પણ હિન્દુ તો ખરો જ તેથી સૈયદના શિષ્યોનું કેમ ખાઈ શકે. આ ગામમાં અત્યાર સુધી
સૈયદની બિલકુલ આવ—જા નહોતી પણ આ તેમના સતપંથનું પરિણામ હતું. ગામમાં સુધારક ભાઈઓ
થોડાક છે, પરંતુ તેમનું કંઈ પણ બળ ચાલે તેમ નથી. કારણ કે આગેવાનો પાકા
સતપંથી છે તેથી સુધારકોને બહુ જ કનડગત છે. મતામતમાં સતપંથીઓ મુસલમાની રાહ પર જઈ
રહ્યા છે તેનું તેમને જરા પણ ભાન નથી.
સૈયદ બાવા સાહેબના માનીતા શિષ્ય દેવજીભાઈ જણાવશે કે,
મકલેશ્વર મહાદેવનું એવું પવિત્ર ધામ કયાં છે,
કે જ્યાં હિન્દુઓ જાત્રાએ ગયા હતા ?
વળી તેમણે આપેલ ભાષણ કયા ઇતિહાસના આધારે છે ?નવ્વાણું હિન્દુનો વંશ અઢાર જ વર્ણ કેમ થઈ ?
અને તેવું ક્યાં ઇતિહાસના કયા પ્રકરણના કયા પાને આવેલું છે તે જરા જણાવશો કે,
વળી સાચા સતપંથી નાત બહાર થયેલાનો જ વંશ હોય તો બીજા ભાઈઓએ
તેમની સાથે ખાવા—પીવાનો વહેવાર શા માટે રાખવો જોઈએ ?
જ્યારે તમારો વડવો કે જેણે મુસલમાનના હાથનો પ્રસાદ ન ખાધો
અને નાત બહાર રહ્યો ત્યારે તેનો વંશજો તમો મુસલમાનને ગુરૂ કરી તેનાથી શા માટે વટલી
રહ્યા છો ? છે કંઈ આનો જવાબ ? કે પછી તમો પણ તમારા ગુરૂ ખાકીની માફક ગપાટા શાસ્ત્ર જ
ચલાવી પોતાના હિન્દુ ભાઈઓને મુસલમાન
બનાવવા માગો છો ? માટે નકામા ઢોંગ છોડી મહાન વિશાળ હિન્દુ સનાતન ધર્મના ગ્રંથોનો જ્ઞાન દૃષ્ટિ
રાખી અભ્યાસ કરો કે જેથી તમારું કલ્યાણ થાય.
ઉપર પ્રમાણે ઠામેઠામ સતપંથનું તૂત ઉભું કરવામાં આવે છે અને તેના ઓઠા હેઠળ નવા
સતપંથીઓ મુંડાતા જાય છે. કાચા મનના સતપંથીઓને દાખલા દૃષ્ટાંતો અષ્ટમ્ પષ્ટમ્
સમજાવી વધુ મજબૂત બનાવતા જાય છે. રસલીયાના મનજી ભગત પણ પરભારા રોટલા ખાઈ શિષ્યો
મુંડવાનું કામમાં ઠીક જહેમત ઉઠાવી રહ્યા છે. કચ્છમાં શિષ્યો મુંડાવાનું કામ પૂરું થયું હશે,
અથવા ત્યાં તેમને કોઈ માનતું નહિ હશે ?
ગમે તે હો પરંતુ અત્યારે તો મફતના માલ ખાઈ ગુરૂ બનવાનો
લ્હાવો લઈ રહ્યા છે. પોતે તો હજુ શિષ્ય બનવાને પણ લાયક નથી. છતાં બીજાઓના ગુરૂ બની
મહાન પાપ વહોરી પરભવનું ભાતું બાંધી રહ્યા છે.
અમદાવાદમાં આવેલ પીરાણાની સંસ્થાનું મકાન જે કાકાના ડેલાના નામે ઓળખાય છે. તે
પીરાણાની સંસ્થાનું દેવું વધી જવાથી થોડાક માસ ઉપર રૂપીયા પચાસ હજારમાં ગીરવી
મુકવા કાઢેલ તેથી કચ્છના કણબીઓનો ઉતરવાનો હક જતો રહે તે માટે કચ્છના ગેઢેરાઓ તથા
ગુજરાતમાંથી પટેલ જસા સવજી વગેરે મળી જ્ઞાતિ ભાઈઓને આડું અવળું સમજાવી રૂપીયાપચાસ
હજાર ભેગા કરવા માટે ખૂબ કોશિષો કરી છે. ને સાંભળ્યું છે કે કચ્છમાંથી રૂપીયા
ચોવીસ હજાર લઈ આવ્યા છે. બાકીના ગુજરાત, કાઠીયાવાડ અને કાનમમાંથી ભેગા કરી મકાન ગીરવી મુકતું
અટકાવ્યું છે અને પીરાણાનો વહીવટ કરવા નીમેલા રીસીવરોને ઉઠાડી પોતાના હાથમાં વહીવટ
રહે તે માટે તેર માણસની કમિટી નિમાઈ છે. જેમા ગુજરાત તરફથી જસા સવજી તથા કાનજી
રતના ધોળુ મેમ્બર નિમાયા છે તથા બે સૈયદ, કાકા તથા કાનમના, ભાવનગરના તેમ મળી કુલ તેર માણસ નિમાયા છે. પીરાણું જતું ન
રહે તેની આ આગેવાનોને કેટલી કાળજી છે ? આમાં ફક્ત તેમનો સ્વાર્થ જ સમાયેલો છે. પોતાના સ્વાર્થ માટે
ગરીબ જ્ઞાતિ ભાઈઓના ઘરમાંથી આવા કપરા વખતમાં પણ પૈસા કઢાવી પીરાણાના ખાડામાં નાંખે
છે. એથી ધર્મશાળામાં ઉતરવું શું ખોટું કે,
જ્યાં દરેક સગવડો પૂરતી મળે છે. ડેલામાં ઉતરવામાં અગવડોનો
તો પાર જ નથી. એટલા રૂપીયામાં કોઈ નવું મકાન બાંધ્યું હોત તો શું ન બંધાત?
અથવા કોઈ ધર્મશાળા કે બોર્ડીગ બંધાવ્યું હોત તો પૂન્ય તો
થાત.
હજુ પણ જ્યાં સુધી પીરાણામાં તન, મન, ધનથી રચ્યા પચ્યા રહ્યા છે,
ત્યાં સુધી તેમના તરફથી સુધરવાની આશા રાખવી વ્યર્થ છે.
પૂજ્ય મહાત્મા ઓધ્ધવદાસજીને વિનંતી પૂર્વક જણાવીએ છીએ કે,
આપે સંગઠન વધારવા ત્રણ માસની મુદત આપેલ,
પરંતુ તેનું નિરાશાજનક પરિણામ આવ્યું. સંગઠન વધવાને બદલે
ઘટતું ગયું, જાગૃતિના બદલે પ્રમાદતા છવાઈ ગઈ. આવા સમયમાં હવે અમારે શું
રસ્તો લેવો તે કૃપા કરી જણાવશો એવી અમો
આશા રાખીએ છીએ.
શ્રીયુત્ રાજારામભાઈ આપશ્રીએ ગુજરાતમાં રહી શું પ્રચાર કર્યો તે કંઈ જણાયું
નહિ. ત્રણ માસની મુદત વીતી ગઈ પરંતુ, કંઈ નવિન પ્રકાશ ન થયો. ભાગ્યોદય સભાના એક પણ સભ્યને
પરિષદના મેમ્બરની ચુંટણીમાં સામેલ કર્યાં નહિ. શું ભાગ્યોદય સભાનો એક પણ સભ્ય
તમારી નજરમાં લાયક ન જણાયો ? અથવા ભાગ્યોદય સભા પર આપને અણગમો છે ?
આપના મનમાં એમ લાગતું હશે કે અમો નારણજીભાઈના મતને ટેકો
આપીએ છીએ તેમને જ પૂજીએ છીએ પરંતુ તેમ નથી. અમો નારણજીભાઈને નથી માનતા પણ તેમની
અડગ ટેકને માનીએ છીએ તેમના અગાધ આત્મબળને પૂજીએ છીએ કારણ કે,
આપણી જ્ઞાતિ જે હિંદુત્વ ગુમાવી બેઠી હતી તે મહાન જહેમત
ઉઠાવી ફરીથી મેળવી આપ્યું ને અમો શુદ્ધ હિંદુ કડવા પાટીદાર છીએ તેમ હિંમતપૂર્વક
બોલી શકવા ભાગ્યશાળી કર્યા. આવા તેમના મહાન ઉપકાર ભુલી કૃતઘ્ન કેમ થવાય ?
આપશ્રીએ તથા શ્રીમાન રતનશીભાઈ ખીમજીએ પણ જ્ઞાતિ પર ઓછા ઉપકાર કર્યા નથી.
જ્ઞાતિ હિત માટે આપના આત્મભોગો પણ પ્રશંસનીય
છે. તેથી આપના તરફ પણ અમારો પૂજ્ય ભાવ જ છે. પરંતુ આપ શુદ્ધિની પ્રથાને
તિરસ્કારો છો તેટલું જ અમને દુઃખ છે. શુદ્ધિશાળી ભાઈઓ અને તમારામાં જે મતભેદ હતો
તે મહારાજશ્રી ઓધ્ધવદાસજીએ દૂર કરવા ખૂબ પ્રયત્ન કર્યો,
પણ તે હાલ તો સાવ નિર્થક નીવડ્યો છે. તો હવે ફરીથી સાથે મળી
એક સંપથી પ્રચાર કાર્યને ઉપાડી લો અને દિવાળી બાદ પરિષદ ભરી જેટલા સંગઠનમાં આવે
એટલાની જ સાથે મળી શુદ્ધિ કરાવો બાકીનાને હાલમાં તો મુકી જ દો સમય આવે તેઓ પણ
સમજશે બધી જ્ઞાતિ એકી સાથે તો સુધરવાની નથી જ.
જગત વંદનીય પૂજ્ય મહાત્મા ગાંધીજીએ પણ પોતાની ભૂલ જનસમાજ આગળ જાહેર મૂકી. તો
આપણે પણ સહુએ પોતાની ભૂલો સુધારી, અંગત દ્વેષ ભાવ ભુલી જઈ,
એકબીજાનો સહકાર મેળવી જ્ઞાતિ સુધારાનું કામ ઝડપભેર હાથમાં
લ્યો. જ્યાં સુધી એક સંપથી કામ નહિ થાય ત્યાં સુધી જ્ઞાતિનો ઉદ્ધાર કદી પણ થવાનો જ નથી. આપણા
કુસંપથી વિધર્મીઓ ફાવી રહ્યા છે. માટે તે કુસંપને દેશનિકાલ કરી એક દીલથી કાર્યનો
આરંભ કરો, કે જેથી જ્ઞાતિ જલ્દી ઉન્નતિ પર આવે.
ભાગ્યોદય સભાના સભાસદ ભાઈઓને વિનંતિપૂર્વક જણાવવામાં આવે છે કે,
આપણે બીજા ઉપર આધાર રાખવો છોડી દઈ,
પોતાની હિંમતથી આગળ વધો. ગુજરાતમાં આપણને જેટલી અડચણો છે,
તેટલી પરદેશ વસતા ભાઈઓને નથી,
વળી તેઓ ધંધાદારી રહ્યા એટલે તેમને ફુરસદ પણ ન મળે તે
સ્વાભાવિક છે. બધાંય સાથે સુધરી જાય તેવી
આશા છોડી દો મુદતો ઉપર મુદતો વીતી જશે પણ
આપણો આરો નહિ જ આવે. “ધર્મના કામમાં ઢીલ શી ?”
માટે હવે પરિષદ ભરાય કે ન ભરાય પરંતુ દીવાળી બાદ આપણે એક
નિશ્ચયથી જેટલા તૈયાર થાય તેટલા શુદ્ધિ માટે તૈયાર થાઓ. જેમ જેમ આપણે ઢીલમાં કામ
રાખીએ છીએ, તેમ તેમ આપણું બળ ઘટતું જાય છે અને સ્વાર્થી ગુરૂના શયતાન
શિષ્યો વધુ ફાવતા જાય છે. અત્યારે આપણી જ્ઞાતિની નૌકા વિચાર વમળમાં ગોથાં ખાઈ રહી
છે. તેને પાર ઉતારનાર કોઈ શૂરવીર સુકાની અત્યારે રહ્યો નથી. જ્યાં જુઓ ત્યાં કુસંપ
જડ ઘાલી બેઠો છે, પ્રમાદતા છવાઈ ગઈ છે. ધર્મવીર નારણજીભાઈ લકવાની બીમારીથી થાકીને હતાશ થઈ બેઠા
છે, મુંબઈ વાસી ભાઈઓ ધંધામાં પડ્યા છે, કરાંચી વાસી સુધારકોમાં મંડળો ઝાઝાં તેથી મતભેદો પણ ઘણા થઈ
પડ્યાં છે. આવા સમયમાં આપણો સેનાધ્યક્ષ થાય તેવો વીર પુરૂષ કોઈ જણાતો નથી. તો હવે
આપણાથી જે બની શકે તે જ્ઞાતિ સેવા બજાવો.“પરાઈ આશ સદા નિરાશ” માટે સાચી ધગશવાળા ઉત્સાહી યુવકો બહાર પડો અને
શુદ્ધિરૂપી મહામંત્રથી પીરાણાનું કાળું કલંક સદાને માટે દૂર કરો હવે તો :
કરો જ્ઞાતિ તણી સેવા, સુધા સમ મિષ્ટ એ મેવા, |
પડે તેવા સહી લેવા, નથી જાગ્યા તમે સૂવા. |
ભલે ખોટા કહે મોટા, વળી મોટા બને ખોટા, |
તમે છોટાં છતાં
મોટા નથી જાગ્યા ફરી સૂવા. |
માટે બંધુઓ ! આળસને દૂર કરો અને સાવધાન થાઓ. આવા જાગતા
જમાનામાં પણ આપણે નિંદ્રામાં જ ઝોલાં ખાશું તો પછી આપણા જેવું હતભાગી બીજું કોણ ?
અત્યારે હલકામાં હલકી કોમો પણ ઉન્નતિ
પર આવી રહી છે, જ્યારે આપણે કુસંપ,
ઈર્ષા, અભિમાન અને દ્વેષમાં જ્ઞાતિ ગૌરવને ભુલી અધોગતિમાં અથડાઈ
રહ્યા છીએ. જ્યારે મુસલમાન ગણાતા પીરાણાના સૈયદો કે,
જેમણે આપણને ભોળવી ફસાવી આપણા હિંદુત્વનો નાશ કર્યો છે,
તેઓ જ જ્યારે આપણ વાસણમાં પાણી ન પીએ ત્યાર પછી આપણું સ્થાન
ક્યાં ? તેનો કંઈ વિચાર કર્યો છે ?
કે પછી તમો પણ પીરાણાની નુરની ગોળી પીનારાઓનું ખાવાથી
બુદ્ધિ ગુમાવી બેઠા છે ? પીરાણા પંથી ભાઈ તો પોકારી પોકારીને કહે છે કે,
“અમે મુસલમાની
ધર્મ પાળીશું, સૈયદને ગુરૂ કરીશું,
તો શા માટે અમારું
ખાઓ છો ? અમારું ખાશો તો વર્ણશંકર છો એમ માનશું.” વગેરે વગેરે કહે છે,
છતાં આપણાથી તેમનું ખાધા વિના ચાલતું નથી,
તેમની સાથેનો સંબંધ છૂટતો નથી ! તે ઘણી જ અફસોસની વાત છે.
હજુ તો તેઓ પીરાણા માટે મરી ફીટવા તૈયાર છે તો આપણે તેમને કેવી રીતે સુધારી શકીશું ! આપણે તેમની ટીકા પણ કરતા જઈએ
અને તેમની સાથે વહેવાર પણ રાખતા જઈએ ! તો પછી આપણામાં ને તેમનામાં તફાવત શો ?
ભલે હજારો રૂપીયા ખર્ચી મંદિરો બાંધો અને સનાતની બનો,
પણ જ્યાં સુધી પીરાણા પંથીઓ સાથે તમારો દરેક પ્રકારનો
વ્યવહાર ચાલુ રાખશો ત્યાં સુધી તમો પણ તેમના જેવા જ છો એમ અન્ય હિન્દુ સમાજ માની
રહ્યો છે એ ખાત્રીથી માનજો.
હજુ પણ પીરાણા પંથીઓ સારા છે કે, જેમને તેમના માની લીધેલા અધર્મ યુક્ત ધર્મમાં પૂર્ણ શ્રદ્ધા
છે અને આપણે તો “અતો ભ્રષ્ટ તતો ભ્રષ્ટ” જેવી સ્થિતિમાં અથડાઈએ છીએ. માટે બંધુઓ,
હવે તો કંઈક સમજો !
ઉપરનો ખોટો ડોળ કરી દુનિયાને છેતરવું છોડી દો અને શુદ્ધ અંતઃકરણથી
પ્રાયશ્ચિત કરાવી સાચા સનાતની બનો. જ્ઞાતિ ઉદ્ધારની સાચી તમન્ના હૃદયમાં જાગૃત કરી,
જ્ઞાતિ સેવાના યજ્ઞમાં ઝુકાવો,
ઘણાઓની રાહ જોવા રહેશો તો તમારો આરો કદી આવશે જ નહિ,
કારણ કે, કોઈને માતા પિતાની બીક છે. તો કોઈને સગા—સંબંધીઓની શરમ
દબાવે છે. કોઈને વહુ તેડવી છે, કોઈને દીકરા—દીકરી પરણાવવાં છે. વળી કેટલાક નબળા મનના
સુધારકો પોતાનાથી આગળ કોઈને વધવા દે તેમ નથી. આવી અનેક જાતની વીંટબણાઓ ઉભી થાય છે.
માટે બંધુઓ, એવા ખોટા સ્વાર્થ અને ખોટી શરમમાં ન પડો. ધર્મના માટે તમારી
જાતના માટે, અરે તમારી ભાવી પ્રજાના માટે ગમે તેવા સ્વાર્થનો પણ ત્યાગ
કરવો જોઈએ.
યાદ તો કરો કે,
હિન્દુ ધર્મને
ખાતર હિન્દુ સંસ્કૃતિને ખાતર વેદ ઉદ્ધારક ઋષિ દયાનંદજીએ કેટલીક વખત ઝેર પીધું. અમર
શહીદ સ્વામી શ્રદ્ધાનંદજીએ છાતીમાં ગોળી ખાધી. પંડીત લેખરામજી છરાનો ભોગ બન્યા.
અરે ગુરૂ ગોવિંદસિંહજીના બંને પુત્રો જીવતાં દીવાલમાં ચણાયા. વગેરે મહાન પુરૂષોએ હિન્દુ ધર્મને ખાતર પોતાનાં આત્મ
બલિદાન આપી અમર બન્યા. ત્યારે તમો પોતાના હિન્દુ ધર્મનો સર્વનાશ થતો તમારી સગી
આંખે જોઈને શાંત કેમ બેઠા છો ? ઉંઘવાનો જમાનો વહી ગયો છે,
તો હવે તમારે જાગવું જ જોઈએ. માટે વીર બંધુઓ ! જ્ઞાતિ
માતાના લાડીલા સુપુત્રો હવે વાર ન લગાડો. ઉઠો ! કમર કસો ! અને કેશરીયા કરી ! તમારા
હિન્દુ ધર્મને ખાતર, તમારી પૂજ્ય જ્ઞાતિ માતાને ખાતર તમારા દેહનાં પણ બલિદાન
આપવા કટિબદ્ધ થાવ ! અને તમારા પૂર્વજોની અનુપમ કિર્તીને ચમકાવી અમર નામ કરો.
મુરબ્બી વડીલ શ્રી જીવરાજભાઈના અણમોલ ઉપદેશને હૃદયમાં સ્થાન
આપો તે વયોવૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ,
ધીર પુરૂષનાં
એકેએક શબ્દો અમૂલ્ય છે. તેનું મનન કરો,
તેમનો અગાધ
અનુભવ આપણી હૃદય ચક્ષુઓને ખોલી રહ્યો છે તો હવે સવેળા ચેતો.
આપણી જ્ઞાતિનો યુવાન વર્ગ કોઈ કોઈ વખતે જાગી ઉઠે છે અને થોડા દિવની પ્રવૃત્તિ
પછી પાછો ગાઢ નિંદ્રામાં પડી જાય છે. તો તેમ ન થતાં યુવકોએ પૂરેપૂરા જાગૃત થઈ,
સંગઠીત થઈ જ્ઞાતિમાંથી અનિષ્ટ તત્ત્વોને દૂર કરવા તત્પર થશે
એવી અમો આશા રાખીએ છીએ. પરમ કૃપાળુ પરમાત્મા અમારી જ્ઞાતિ પર કૃપા દૃષ્ટિ કરી
અમારો ઉદ્ધાર જલ્દી કરશે એવી અમો પ્રાર્થના કરીએ છીએ. અસ્તુ.
શાંતિ શાંતિ શાંતિ
समाप्त
500,
– 7- 39. The Modasa P.P.- MODASA