Akhil Bhartiya Kutch Kadva Patidar Samaj
A central organisation of Kutch Kadva Patidar Sanatan community
Akhil Bhartiya Kutch Kadva Patidar Samaj
A central organisation of Kutch Kadva Patidar Sanatan community
॥ ૐ ॥
શ્રી કચ્છ
કડવા પાટીદાર જ્ઞાતિ સુધારક
નવયુવક મંડળ ઘાટકોપરનો વાર્ષિક રીપોર્ટ
વર્ષ ૧ લું વિક્રમ
સં. ૧૯૯૩—૯૪ ઈ.સ. ૧૯૩૭—૩૮
ઉદયની આશથી યુવકોએ મળીને બીજ વાવ્યું છે,
સુંદર મીઠાં ફળો ખાવા બનાવવા વૃક્ષ ધાર્યું છે.
અતિ ઉત્સાહ પાણી દઈ સીંચો સૌ બંધુઓ મારા,
બજાવો ફરજ પોતાની બનાવો વૃક્ષને પ્યારા.
ईश्वर स्तवन
ओं यो भूतंच भवंच सर्व यस्वधितिष्ठति
स्वर्यस्यच केवलं तस्मै ज्येष्ठाय व्रह्मणे
नमः
– अथर्ववेद || काप्डे १० प्रपाठके २३ अनु: ४ मं. १ ||
અર્થ — (योभूतंच भवंच) જે પરમાત્મા
ભૂત ભવિષ્ય અને વર્તમાન એ ત્રણે કાળ અને સર્વ જગતમાં વ્યાપી રહેલો છે તથા સર્વનો એ
અધિષ્ઠાતા અર્થાત સ્વામી છે અને જે ત્રિકાલાતીત છે તથા (स्वर्यस्यच
केवलं) જે કેવળ સુખસ્વરૂપ અને નિર્વિકાર છે. અર્થાત જેમાં દુઃખનો
લેશ માત્ર પણ આભાસ નથી અને જે આનંદઘન બ્રહ્મ છે. (तस्मै
ज्येष्ठाय) તે સર્વથી મહાન સર્વ સામર્થ્યયુક્ત (व्रह्मणे) પરમાત્માને અમે અત્યંત પ્રેમથી નમસ્કાર કરીએ છીએ.
પ્રસિધ્ધ કર્તા : મંત્રી
શ્રી ક. ક. પા. જ્ઞા. સુ. ન. યુ. મંડળ
ઘાટકોપર—જીલ્લા થાણા
તારીખ
ઈશ્વર મહિમા
(ગઝલ—કવ્વાલી ઢબ)
હો નાથ જગત્—નિયતાં, |
|
મહીમા અપાર તારો, |
યોગી—યતિ બિચારા, |
|
થાકયા કરી વિચારો— હો નાથ. |
બ્રહ્માંડ આ રચાયું, |
|
તારી મહા કળાથી |
આકાશ અમાપ કીધું, |
|
જેનો નહિ કિનારો— હો નાથ. |
લાખો ગ્રહો પ્રકાશે, |
|
તાર અતુલ બળથી, |
તું છે રવિ—શશિને, |
|
ગગને ઘુમાવનારો— હો નાથ. |
વાયુ સદા વહે છે, |
|
તારા અપાર ભયથી |
અગ્નિ તપી રહ્યો છે |
|
તે પણ પ્રતાપ તારો— હો નાથ. |
તારી સહજ કૃતિથી, |
|
પૃથ્વી પ્રચંડ પહાડો, |
પ્રકટ્યા મહા સમુદ્રો, |
|
નદીઓ વહે હઝારો— હો નાથ. |
પંખી પશુ અને કંઈ, |
|
વૃક્ષો, ફળોને ફુલથી, |
શણગારીયાં પ્રભુ તે, |
|
સૃષ્ટિ તણાં બઝારો— હો નાથ. |
એવા અજબ જગતને, |
|
પેદા કરી તું પાળે, |
અંતે અહો બને તું, |
|
સઘળું સંહારનારો— હો નાથ. |
તારી અગાધ લીલા, |
|
શકીએ જરા ન જાણી, |
પણ તુ સકળ જગતના, |
|
મનને કળી જનારો— હો નાથ. |
તારી ગતી સમજવા, |
|
તારૂ શું નામ ભજવા, |
હે તાત ! દયા કરી દે, |
|
સુમતિ ને સુવિચારો— હો નાથ. |
હે કૃપાનિધાન તારૂં, |
|
ભાવે ભજન કરીને, |
પુણ્યો રળી હરી હું, |
|
ભવને તરી જનારો— હો નાથ. |
નિવેદન
પરમકૃપાળુ પરમાત્માની આ સંસારની રચના કેટલી બધી અદ્ભુત છે
કે તેના નિયમોમાં જરાપણ પરિવર્તન થઈ શકતું નથી,
ખરેખર એમના નિયમો કેટલા બધા અટલ છે કે જેનું ઉલ્લંઘન પણ કોઈ
કરી શકતું નથી. સૂર્ય, નક્ષત્ર, તારાગણ તથા પૃથ્વિયાદી ગ્રહો પ્રભુના એ નિયમાનુસાર
અંતરિક્ષમાં ભ્રમણ કરી રહ્યા છે. ચંદ્રની કળા વધે ઘટે છે,
ફુલો ખીલે છે અને કરમાય છે,
સમુદ્રમાં ભરતી આવે છે અને ઉતરે છે,
દેશની ઉન્નતી અવન્નતી,
માનવસમાજની ચડતી અને પડતી કુદરતી નિયમાનુસાર થયા કરે છે.
એક વખત આપણો ભારતવર્ષ ઉન્નતીના શિખરે હતો,
વિદ્યા અને વિજ્ઞાનનો ભંડાર હતો. એટલું જ નહિ પણ સાર્વભોમ
આર્યોનું ચક્રવ્યતી રાજ્ય મહાભારતના સમય સુધી હતું. ત્યાર પછી આપણા ભારતની તેમજ
વૈદિક સનાતન ધર્મની પડતી દિનપ્રતિદિન થવા લાગી. મુખ્ય કારણ આપણી અંદરોઅંદરની
ફાટફુટનો લાગ જોઈ વિઘર્મીઓએ ઉપરાઉપરી ચડાઈઓ કરી ભારતની વિશેષ પાયમાલી કરી,
છતાં પણ આપણી વૈદિક સંસ્કૃતિને ધકો લાગ્યો નહતો. પણ આપણી
હિન્દુ જ્ઞાતિના કમભાગ્યે આપણા ભારત વર્ષ પર ધર્માંધ મુસલમાનોનું ધ્યાન ખેચાયું.
વારંવાર ચડાઈઓ કરી. હિન્દુઓને હરાવી હિન્દમાં ઈસ્લામી સલતનત સ્થાપી કાશ્મીરથી
કન્યાકુમારી સુધીનું સામ્રાજ્ય પ્રસરાવ્યું,
અને એ સત્તાના બળથી હિન્દુ જ્ઞાતિને બળાત્કારે મુસલમાન
બનાવવાનું, મંદિરો તોડી પ્રતિમાઓનું ખંડન કરવા તથા રાજપુત જ્ઞાતિપર
નવરોજા જેવા નિંદ રિવાજો ઈત્યાદિ ઈત્યાદિ અત્યાચારો કરતા હતા ત્યારે અડગ ટેકધારી
મહારાણા પ્રતાપ, શિખ વીર ગુરૂ ગોવિંદસીંઘ વીર દુર્વાદાસ તથા મહારાષ્ટ્રીય
વીર છત્રપતિ શિવાજી મહારાજે આપણા વૈદિક સનાતન ધર્મની રક્ષા કરી છે. ખરેખર કહ્યું
છે કે ‘શિવાજી ન હોત તો સુન્નત હોત સબકી.’ આવી રીતે જ્યારે જ્યારે ધર્મની ગ્લાની
થાય છે ત્યારે પ્રભુ કોઈને કોઈ મહાન વ્યક્તિને ધર્મની રક્ષા કરવા મોકલે છે. આજે
દેશની આઝાદીના માટે પુ. મ.ગાંધી અને પંડીત જવાહરલાલ નહેરુ જેવા દેશનેતાઓ મહાન
પ્રયત્ન કરી રહ્યા છે, તેવી જ રીતે આપણા હિન્દુ ધર્મની રક્ષા હિન્દુ મહાસભા અને
આર્યસમાજ કરી રહી છે.
ઈસ્લામની કટોકટીના તરવારના જમાનામાં અમારી પાટીદાર જ્ઞાતિ
ઈમામશાહી વૈભવી પીરાણા સતપંથની સોનેરી ઝાળમાં આજે ચાર સાડાચાર સૈકાથી સપડાયેલી છે
પણ વટલેલી નથી. અર્ધદગ્ધ પંથે માનવા છતાં પણ હિન્દુત્વનું આજ દિવસ સુધી અભિમાન
ધરાવે છે અને ધરાવતી રહેશે. આપણી જ્ઞાતિને એ પાપી પંથથી મુક્ત કરવા આપણા સુધારક
ભાઈઓ આજે ૨૦—૨૫ વરસ થયા. પ્રથમ દેહશુદ્ધિ કરાવી જ્ઞાતિથી,
માતા પિતા, કુટુંબ આદિથી ખાવા પીવાનો સદંતર વહેવાર બંધ કરીને જ્ઞાતિમાં
આવી રીતનું સ્વજ્ઞાતિથી દેહશુદ્ધિ કરાવી સનાતન ધર્માનુયાયી બનાવવાનું પ્રચાર કાર્ય
કરતા હતા. પણ એ કાર્ય વધીને પછાત પડી જવાથી ઘાટકોપર તેમજ કચ્છમાં પ્રચારકાર્યની
જરૂરત હોવાથી અમો ઘાટકોપરવાસી નવયુવકોએ દેશકાળ અને યુગધર્મને અનુસરીને આવી રીતની
સ્વજ્ઞાતિથી દેહશુદ્ધિ કરાવાનું ન માનતા જ્ઞાતિ સાથે રહી ખાવા પીવાનો વહેવાર ચાલુ
રાખીને જ્ઞાતિને એ પીરાણા પંથથી મુક્ત કરવાને માટે અજ્ઞાનતાથી માનેલા પાખંડી
પંથનું યથાશક્તિ પ્રાયશ્ચિત એટલે આજ દિવસ સુધી જે અજ્ઞાનતાથી માનેલા વિધર્મી પંથની
મંડળમાં અથવા પંચ સમક્ષ માફી માંગી ફરીથી એ પાપી પંથને ન માનવાની પ્રતિજ્ઞા કરાવી,
ગાયત્રી મંત્રદ્વારા આત્માશુદ્ધિ કરાવી જ્ઞાતિને વૈદિક
સનાતન ધર્માવલંબી બનાવવાનું પ્રચાર કાર્ય કરવાને શ્રી કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિ
સુધારક નવયુવક મંડળની સ્થાપના કરવામાં આવી છે.
લિ. કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિ સુધારક નવયુવક મંડળ
ઘાટકોપરના કાર્યવાહકો.
શ્રી કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિ સુધારક નવયુવક મંડળ
ઘાટકોપરની સ્થાપના અને તેના ઉદ્દેશ અને નિયમો
સૂર્ય કુળભૂષણ ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મના પવિત્ર દિવસે સંવત ૧૯૯૩ ના માસ
ચૈત્ર સુદ ૯ ની રાત્રે મુકામ ઘાટકોપર મધ્યે શેઠ રામજી જાદવજીની વાડીમાં પુજ્યશ્રી
પાંચ વડિલ મેઘજી લખમશી મુરબ્બી રાજારામ શામજી,
શ્રીમાન ભાઈ રતનસિંહ ખીમજી,
શ્રીમાન ભાઈ શીવદાસ કાનજી,
શ્રીમાન ભાઈ કરસન ઉકેડા,
વીર ઉત્સાહી યુવક ભાઈ રામજી ધનજી જાકરાણી તથા અમો ઘાટકોપર
માટુંગા મુંબઈ નિવાસી નવયુવકોએ મળીને નીચે લખેલા ઉદ્દેશ અને નિયમોનું બંધારણ કરી
મેમ્બરોની ચુંટણી કરીને મંડળની સ્થાપના કરી આ મંડળનું નામ શ્રી કચ્છ કડવા પાટીદાર
જ્ઞાતિ સુધારક નવયુવક મંડળ રાખવામાં આવ્યું છે. ઉપરોક્ત મંડળની વ્યવસ્થા કરવા માટે
ચુંટાયેલા મેમ્બરોમાંથી એક વ્યવસ્થાપક મંડળ નીમવામાં આવ્યું છે જેનું નામ
કાર્યવાહક કમિટી રાખવામાં આવ્યું છે.
કાર્યવાહક કમિટીના મેમ્બરોનું નામવાર લીસ્ટ.
૧ |
કરશનભાઈ ઉકેડા રૂડાણી દેશપુર મંજલ પ્રમુખ |
૨ |
માધવજીભાઈ ભીમજી ભગત ખોંભડી ઉપ—પ્રમુખ |
૩ |
મુલજીભાઈ શીવજી વાસાણી ખોંભડી મંત્રી |
૪ |
ભાણજીભાઈ રાજારામ ધોળુ માનકુવા ઉપ—મંત્રી |
૫ |
શિવજીભાઈ મેઘજી દિવાણી વીરાણી મોટી |
૬ |
મુળજીભાઈ નથુ લિંબાણી દેશલપુર મંજલ |
૭ |
શિવગણભાઈ વસ્તા રૂડાણી મંગવાણા |
૮ |
લાલજીભાઈ માવજી લિબાંણી દેશલપુર |
૯ |
ખીમજીભાઈ નારાયણ રૂડાણી વિથોણ |
૧૦ |
રામજીભાઈ નાથા પરવાડીયા કોટડા ખેડોઈ |
૧૧ |
વેલજીભાઈ મેઘજી રૂડાણી દેવીસર |
૧૨ |
અબજીભાઈ ધનજી પોકાર ધાવડા |
૧૩ |
શિવગણભાઈ કાનજી શેંગાણી રસલીયા |
૧૪ |
વિશ્રામભાઈ હીરજી ઉકાણી ગઢશીશા |
૧૫ |
કાનજીભાઈ નથુ દિવાણી વેરસલપુર |
૧૬ |
શિવગણભાઈ અર્જુન નાકરાણી કોટડા જડોધર |
૧૭ |
ખીમજીભાઈ કરસન નરસિયાણી વિથોણ |
મંડળના સલાહકારોનાં નામ
પુજ્યશ્રી પ. વડિલ મેઘજી લખમસી
પુજ્યશ્રી મુરબ્બી રાજારામ શામજી
પુજ્યશ્રી શ્રીમાન ભાઈ રતનસિંહ ખીમજી
પુજ્યશ્રી શ્રીમાન ભાઈ શિવદાસ કાનજી
નવયુવક મંડળના ઉદ્દેશ અને નિયમો.
૧. આપણી સમસ્ત જ્ઞાતિમાંથી આપણને અલગ પાડી દેનાર તેમજ હિન્દુપણામાંથી ટાળી
દેનાર પીરાણા સતપંથ જ્ઞાતિમાંથી નાબુદ કરવો,
અને કોઈપણ જોખમે અને ખર્ચે એ કાર્ય પ્રથમ હાથ ધરવું એ આ
મંડળનો મુખ્ય ઉદ્દેશ છે.
૨. બાળલગ્નના અધર્મયુક્ત અને હાનીકારક રિવાજને જ્ઞાતિમાંથી નાબુદ કરવો. તેને
ખાસ ધ્યાનમાં લઈ જ્ઞાતિ સુધારક નવયુવક મંડળમાંના સભ્યોએ બાળલગ્ન ન કરવાં અને
જ્ઞાતિમાંનો કોઈપણ ભાઈ પોતાના બાળકોને એવી અધર્મયુક્ત રીતે પરણાવતો હોય તો તેને
તેમ ન કરવા સમજાવવા દરેક પ્રયત્નો કરવા એ આ મંડળની મુખ્ય ફરજ છે.
૩. વિદ્યા એ સર્વોત્તમ શક્તિ હોવાથી તેનો બહોળો પ્રચાર જ્ઞાતિના તેમજ પોતાના
પુત્ર પુત્રીઓને પુરતી કેળવણી આપીને કરવાનો ખાસ ઉદ્દેશ ધ્યાનમાં રાખવો. એમાં આ
મંડળે પોતાની મુખ્ય ફરજ સમજશે.
૪. આપણી જ્ઞાતિમાં લગ્ન ક્રિયા તેમજ મરણ ક્રિયા વૈદિક સનાતન ધર્મના
શાસ્ત્રવિધી અનુસાર કરવા—કરાવવાના બનતા દરેક પ્રયત્નો કરવાનો આ મંડળનો ખાસ ઉદ્દેશ
છે.
૫. આ મંડળનું દરેક પ્રકારનું કામકાજ કચ્છ દેશના રહીશ હોય એવા કડવા પાટીદાર
બંધુઓના હિતાર્થે જ થશે.
નિયમો.
(૧) કચ્છ દેશના જ કડવા પાટીદાર બંધુઓ કે જેઓનો પરસ્પર ખાવા
પીવાનો વહેવાર ચાલુ છે તેઓ આ મંડળના સભ્ય થઈ શકશે અને મંડળ તરફથી નક્કી કરવામાં
આવેલી ફી આપવાથી અને મંડળના ઉદ્દેશ અને નિયમોનો અંગીકાર કરેથી સભ્ય તરીકેના દરેક
હક તેમને પ્રાપ્ત થશે.
(૨) આ મંડળની મુંબઈ પ્રદેશની મુખ્ય ઓફીસ ઘાટકોપરમાં રહેશે
અને જરૂર જણાંતા બીજી જગ્યાએ પેટા ઓફીસો ખોલવામાં આવશે.
(૩) આ મંડળનો ઉદ્દેશ બર લાવવા માટે બહુમતે ઉપયોગ થશે અને જે
જે ભાઈઓ જે જે કાર્ય માટે યોગ્ય જણાશે તેમને કમિટી દ્વારા અથવા વ્યક્તિત્વ પરત્વે
નિમણૂક કરવામાં આવશે તેમજ આ મંડળનો ઉદ્દેશ બર લાવવા અને તેનો વહીવટ કરવા સારૂ ૧૫
સભ્યોની એક વ્યવસ્થાપક કમીટી નીમવામાં આવી છે તેને આ મંડળના ઉદ્દેશના અંગે ઉત્પન્ન
થતું દરેક કાર્ય કરવાની સત્તા રહેશે ને તે માટે યોગ્ય ખર્ચ પણ કરી શકશે.
(૪) આ મંડળના મુખ્ય સલાહકાર તરીકે વધારેમાં વધારે પાંચ
મુરબ્બીઓની નિમણુક કરવી અને તેઓ મંડળના સભ્ય નહિ હોય તેવા મુરબ્બીઓને મંડળના
સલાહકાર તરીકે પસંદ કરવામાં આવશે.
(૫) ૧૮ થી ૪૫ વર્ષ સુધીની ઉમંરનો કોઈ પણ ભાઈ આ મંડળનો સભ્ય
થઈ શકશે.
(૬) આ મંડળની ખાસ સભા પંદર દિવસે ભરવામાં આવશે અને દર
મહીનાની છેલ્લી તારીખે મહીના દિવસમાં થયેલું કામકાજ અને મંડળના અંગે થયેલા ખર્ચનો
હિસાબ સેક્રેટરીએ મંડળના સભ્યોને સંભળાવવો અને તે સિવાય વ્યવસ્થાપક મંડળના સભ્યોને
સંભળાવવો અને તે સિવાય વ્યવસ્થાપક મંડળના સભ્યોને કોઈ ખાસ કારણસર સભા બોલાવવાની
જરૂર પડે તો તે બોલાવી શકશે. આવા પ્રકારની સભા બોલાવવાની ખબર કમિટીના સભ્યોને
મંડળના સેક્રેટરીએ અગાઉથી આપવી.
(૭) વ્યવસ્થાપક મંડળ પોતાની સભા જ્યારે જ્યારે જરૂર જણાશે ત્યારે
બોલાવી શકશે અને ઓછામાં ઓછા ૨/૩ જેટલા સભ્યો હાજર રહેશે તે વખતે મંડળના ઉદ્દેશને
બાધ ન આવે તેવાં જરૂર પડતાં કામકાજો કરવાની વ્યવસ્થાપક મંડળને સત્તા રહેશે.
(૮) મંડળનો ઉદ્દેશ બર લાવવા માટે અને મંડળના નિભાવ અર્થે
તેમજ મંડળની સભાઓમાં થયેલ કામકાજોના હેવાલો તેમજ જરૂર જણાતા અન્ય હેવાલો પત્રીકા
રૂપે છપાવવા અર્થે જે કંઈ પૈસાની જરૂર પડે તે માટે કોઈ ખાસ ફંડ કરવામાં નહી આવ્યું
હોય તો મંડળના સભ્યોની માસીક ફી વાળા ફંડમાંથી ખર્ચ કરવામાં આવશે.
(૯) આ મંડળની દરેક સભામાં થતા કામકાજની નોંધ વ્યવસ્થાપક
કમિટી તરફથી રાખવામાં આવશે. તે પ્રોસેડીંગ બુક ગણાશે. દરેક સભા પછી તે મોટી હોય કે
વ્યવસ્થાપકોની હોય તેના કાર્યનો હેવાલ લખાઈ ગયા બાદ તે કાર્ય જેના પ્રમુખપણા નીચે
થયું હોય તે તેના નીચે પોતાની સહી કરશે.
(૧૦) મંડળનો કોઈપણ સભ્ય મંડળના ઉદ્દેશ કે હેતુ અને નિયમોથી
વિરુદ્ધ જ્વાપણું કરી શકશે નહી અને વિરૂદ્ધ વર્તન કરનારનો સભ્ય તરીકેનો હક્ક છીનવી
લેવામાં આવશે અથવા વ્યવસ્થાપક કમિટી તેમજ મંડળના સલાહકારો સંજોગોને અનુસરી જે
ફેંસલો આપશે તેનો અમલ કરવાને વિરુદ્ધ વર્તન કરનાર સભ્ય બંધાયેલ રહેશે. તેમજ એવી
રીતે કમી થયેલ સભ્યનો મંડળની કોઈપણ પ્રકારની મીલકતમાં બીલકુલ હક્ક રહેશે નહીં.
(૧૧) આ મંડળે પસાર કરેલા નિયમો અને ઉદ્દેશો અને અમલ કરવો અને
કરાવવો એ દરેક ભાઈની ફરજ ગણાશે અને એ કાર્ય માટે જેની પદ્ધતીસર નિમણુક કરવામાં આવી
હોય તે બંધુ તેના કાર્ય માટે આ મંડળને જવાબદાર રહેશે. પરંતુ જેની પદ્ધતીસર નિમણૂક
નહી થઈ હોય તેવા કોઈ પણ પ્રકારના કાર્ય માટે આ મંડળ જવાબદાર રહેશે નહીં.
(૧૨) દર મહીનાની કોઈપણ તારીખે ઉપદેશકોને બોલાવી સભાઓ ભરીને
ધાર્મિક તેમજ સામાજીક ઉપદેશ કરાવવો અને વૈદિક સનાતન ધર્મ પ્રમાણે સંધ્યા આદિ નિત્ય
કર્મ શીખવા—કરવાં—કરાવવાં. બનતા દરેક પ્રયત્નો કરવા.
(૧૩) મંડળ તરફથી ચોપાનીયા કે હેન્ડબીલ તેમજ ચોપડીઓ છપાવી
બહાર પાડવામાં આવે તે પહેલાં સેક્રેટરીએ લખાણ વ્યવસ્થાપક કમીટી તેમજ સલાહકારો આગળ
વંચાવી પાસ કરાવવું. અને તેના નીચે વ્યવસ્થાપક કમિટીના હાજર રહેલા સભ્યોની સહી કરાવવી..
(૧૪) ઉપર પ્રમાણે વ્યવસ્થીત રીતે ચોપાનીયા વિગેરે જે કાંઈ
મંડળ તરફથી છપાવી બહાર પાડવામાં આવશે. તેમાં મંડળના દરેક સભ્યો જવાબદાર રહેશે અને
તે કામ કાયદેસરનું ગણાશે.
(૧૫) આ મંડળનું કાર્ય એ જ્ઞાતિહીતનું કાર્ય છે એમ સમજી જે જે
જ્ઞાતિઓ આ મંડળને જે જે પ્રકારે મદદ કરશે તે ઉપકાર સાથે સ્વીકારવામાં આવશે અને
મંડળ તેની નોંધ લેશે.
(૧૬) આ મંડળની આ સભા દેશકાળ તે અનુસરી જે જે વખતે જે જે
ઠરાવો પસાર કરશે તે મુજબ વર્તવાને દરેક સભ્ય બંધાયેલા રહેશે.
સુચના :—
દરેક ભાઈઓ આ મંડળના ઉદ્દેશ અને નિયમોને બરાબર જાણી સમજીને સભ્ય થયા છે એટલે આ
મંડળનો જ્ઞાતિહિત સાધવાનો ઉદ્દેશ તેમની મદદ વડે જલ્દીથી બર આવશે એવી આ મંડળને
ખાત્રી રહે છે. તેમજ જે જે સભ્યો થયા છે અને હવે પછી થવાનો છે તેઓએ મંડળ તરફથી
છપાયેલ “અંગીકરણ પત્ર” ઉપર પોતાની સહી કરી સેક્રેટરી ઉપર મોકલી આપવું અને
જ્ઞાતિહિતના કાર્યમાં જોડાવું એવી દરેક જ્ઞાતિ બંધુને વિનંતી કરવામાં આવે છે.
વ્યવસ્થાપક કમિટી.
શ્રી કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિ સુધારક નવયુવક મંડળ ઘાટકોપર.
ગત વર્ષ દરમ્યાન કરેલા કામકાજનો ટુંક અહેવાલ.
ગત વર્ષ દરમ્યાન અમારા નવયુવક મંડળે મંડળની ઓફીસમાં તથા અન્ય સ્થળે ૨૪ ચોવીસ
સભાઓ ભરીને ગાયત્રી મંત્રનો ઉપદેશ સંધ્યા—અગ્નિ હોમાદી,
કર્મકાંડ, વૈદિક મંત્રોનો સારો પ્રચાર કર્યો હતો અને ધાર્મિક વિષયનો
ઘણા ભાઈઓએ લાભ લીધો છે, આજે લગભગ મંડળના મેમ્બરો તેમજ મંડળમાં આવતા જતા તમામ ભાઈઓએ
ગાયત્રી મંત્ર કંઠસ્થ કરેલ છે.
આ મંડળે પીરાણાના કહેવાતા સતપંથને નાબુદ કરવાને માટે સભાઓમાં જુસ્સાદાર
ભાષણોથી સમજાવ્યું હતું. તેમજ દિવાળી, રામનવમી, જન્માષ્ટમી વિગેરે પર્વોની જાહેર સભાઓ બોલાવી પર્વની મહતા,
પર્વોથી થતાં સંગઠનનો બોધ એ મહાન પુરૂષના જીવન પરથી લઈ શકાય
છે. એ વિષય પર સુંદર ભાષણો અપાયાં હતાં.
અમારા નવયુવક મંડળની સ્થાપના થયા બાદ તરત જ અમોને જ્ઞાતિની અમુલ્ય સેવાનો લાભ
ગામ શ્રી નખત્રાણા મધ્યે ભગવાન શ્રી લક્ષ્મીનારાયણની પ્રતિમાનો મહાન અવસર પ્રાપ્ત
થયો હતો. તે વખતે અમારા મંડળના આઠ પ્રતિનિધી તથા અમારા મંડળના ચાર સલાહકાર વડીલો
મળીને ઘાટકોપરથી બાર—જણ ત્યાં અગાઉથી જઈ ત્યાંના કાર્યને મદદરૂપ થયા હતા.
નખત્રાણાથી આવ્યા બાદ બીજે દહાડે ગુજરાત મગનપુરામાં ભગવાન
શ્રી લક્ષ્મીનારાયણની મંદિર પ્રતિષ્ઠાના તાર મારફતે ખબર આવ્યા કે તરત જ મંડળના બે
પ્રતિનિધી તથા શ્રીમાન ભાઈ રતનસિંહ ખીમજી એમ ત્રણ જણ ઘાટકોપરથી અને મુરબ્બી
રાજારામ શામજી પરબારા કચ્છથી ત્યાં બધા ટાઈમસર પહોંચી ત્યાંના કાર્યને મદદરૂપ થયા
હતા. ત્યાંના કાર્ય કરતા સુધારક ભાઈઓએ એક મોટી જાહેર સભા બોલાવી જ્ઞાતિની ઉત્તમ
પ્રકારે સેવા બજાવી હતી. તે સભામાં મુખ્ય વક્તા ભાઈશ્રી રતનસિંહ ખીમજી મુરબ્બી
રાજારામ શામજી તથા તધા ધા. નવયુવક મંડળના મંત્રી મુળજી શીવજીએ પીરાણાના પાખંડી
ધર્મનું ખંડન જુસ્સાદાર ભાષણોથી કર્યું હતું અને ભગવાન શ્રી લક્ષ્મીનારાયણના
મંદિરની પ્રતિષ્ઠાના સંબંધમાં સુંદર રીતે હૃદયાકર્ષક ભાષણો આપેલાં અને મંદિરના
ખાતે ફંડ પણ કરવામાં આવ્યો હતો. સભામાં ભાઈશ્રી રતનસિંહ ખીમજીએ પીરાણાની ક્રિયામાં
હરવખતે વપરાતી અપવિત્ર ભ્રષ્ટ ગણાતી નુરની ગોળી કે જેનાથી આપણી બુદ્ધિનો નાશ થાય
છે. એવી એ ગોળી કરતાં બંદુકની ગોળી ખાવી ઉત્તમ છે પણ પીરાણાની કરબલાની ગોળી ખાવી
પીવી એ એક મહાન પાપ છે. એ સંબંધી ખુબ કહ્યું હતું જેથી ઘણા ભાઈઓએ તેજ વખતે
પીરાણાના પંથનું ગીતાજીના સોગંદપુર્વક પ્રાયશ્ચિત કરી ગોળી ન પીવાનું સખ્ત
પ્રતિજ્ઞાઓ કરી હતી. જે ત્યાં પધારેલા ભાઈઓને વિદિત છે. આસો વદ ૦)).
સંવત ૧૯૯૩ ની દિવાળીના પર્વ નિમીત્તે બોલાવેલ જાહેર સભાની
કાર્યવાહી તારીખ.
સભાનું પ્રમુખસ્થાન ભાઈ શ્રી શિવદાસ કાનજીને આપવામાં આવ્યું
હતું.
પ્રાર્થના વેલજીભાઈ મેઘજી બોલ્યા હતાં.
જય હું ગાઉ પ્રેમથી પ્રિય માત ઉમિયાની સદા,
બાળકો પર હો કરૂણા પ્રેમથી તારી સદા. —ટેક
જ્ઞાતિતણો ઉદ્ધાર કરવા,
એ પ્રેમ અમમાં લાવશો,
કષ્ટ કાપી સુખ આપી,
પ્રેમથી નિરખો સદા. —જય.
અમ બાળકોની દૃષ્ટિ એવી,
જ્ઞાતિને કરવા સુખી,
જય હો જ્ઞાતિ મમ જય હો જ્ઞાતિ મમ,
એ જાપને જપીએ સદા. —જય
એ જાપને જપતાં કદિ જો,
જીવ જોખમમાં પડે,
નામ જગદિશ્વરીતણું તે,
વિઘ્ન દુર કરશે સદા —જય.
વેલો કહે વહાલા વીરાઓ,
જપીએ સદા એ જાપને,
જય હો જ્ઞાતિ જય હો દેવી,
માતુ ઉમિયાની સદા —જય.
દોહરો
ઉદયની આશથી મિત્ર, મળીને બીજ વાવ્યું છે,
સુંદર મીઠાં ફળો ખાવા, બનાવા વૃક્ષ ધાર્યું છે.
અતિ ઉત્સાહ પાણી દઈ, સીંચો સૌ બંધુઓ મારા,
બજાવી ફરજ પોતાની, બનાવો વૃક્ષને પ્યારા મિત્ર દાના.
પ્રમુખનું નિવેદન.
વ્હાલા સ્વજ્ઞાતિ બંધુઓ, આપની આજની સભા જે દિવાળી પર્વ મનાવવા અને તે નિમિત્તે એકત્ર
થઈ આપણે જ્યાં સુધી પીરાણા સતપંથથી આપણી જ્ઞાતિને મુક્ત કરી શક્યા નથી ત્યાં સુધી
આપણા પ્રત્યેક પર્વોના જાહેર સભાઓમાં આપણે એ સંબંધી વિચારો ઘડવા જ્ઞાતિને છોડાવા
વાસ્તે મહાન પુરૂષાર્થ કરવો એજ આપણું પર્વને માનવું ગણાય. આપણે અત્યારે જે
પ્રાર્થનામાં બોલ્યા કે જય હો જ્ઞાતિ મમ જય હો જ્ઞાતિ મમ એ જાપને જપીએ સદા એ આપણો
મહામંત્ર છે એ વાતને લક્ષમાં રાખશો. મારી એટલી યુવકોને પ્રાર્થના છે.
મુરબ્બી રાજારામ સામજીનું ભાષણ.
વ્હાલા સ્વજ્ઞાતિ બંધુઓ તથા બહેનો, દિવાળીનું પર્વ આપણા ભારત વર્ષના ચારે ખુણામાં હિન્દુ
મુસલમાન સૌ એક સરખી રીતે હર્ષભેર ઉજવે છે. પર્વની વિશેષ મહત્તા આજરોજ ભગવાન શ્રી
રામચંદ્ર ચૌદ વરસ વનવાસ ભોગવી પાછા આવ્યા જે વખતે લોકોએ તેમના માન માટે ઘેર ઘેર
દીપકો પ્રગટાવી આગણાંમાં સાથીયા પુરી હર્ષ પ્રદર્શિત કર્યો હતો. બીજું આજે આપણા
શકપ્રવર્તક મહારાજા વિક્રમાદિત્યના વર્ષની પુર્ણાહુતી થઈ નવું વર્ષ શરૂ થવાથી પ્રત્યેક
વેપારીઓ આ દિવસે શ્રી લક્ષ્મીપુજન સરસ્વતી પુજન કરી ચોપડા બદલે છે,
અને આગળના વર્ષ માટે વિશેષ કાળજી રાખે છે તેવી જ રીતે આપણે
પણ વર્ષ દરમ્યાન કરેલા કામનો હિસાબ પ્રત્યેક વ્યક્તિએ કરવો જોઇએ અને કાર્ય જે
વિશેષ વેગવાન બનાવવું જોઇએ એવી મારી આપ યુવકોને પ્રાર્થના છે.
આજે સાત માસ થયા નવયુવકો પોતાની સુધારક તરીકેની ફરજ અદા કરી રહ્યા છે એ
યુવાનોની કિંમત ગણાય. કારણ કે જ્ઞાતિની દેશની સેવા કરવી એ એક કિંમત છે. દેશના ખાતર
જેલ જનારાની કિંમત ધર્મના માટે બલિદાન આપવાં એ એક મહાન કિંમત છે માટે બંધુઓ આપણો
મુખ્ય ધ્યેય વૈદિક સનાતન ધર્મને માનવો છે એમાં જ આપણી કિંમત છે શ્રીકૃષ્ણે ગીતામં
કહ્યું છે કે—
स्वधर्मे निर्धनं श्रेय परधर्मों भयावह મારા બંધુઓ, આપણો
પોતાનો ધર્મ ગમે તેવો ખરાબ હોય અર્થાત આપણા વૈદિક ધર્મના માટે મરી જવું એ સારૂં
છે. પણ વિધર્મને માનવો એ મહાન હાની કરતા છે માટે પરધર્મનો ત્યાગ કરી આપણે એ વૈદિક
ધર્મને માનવો છે કે ગીતામાં શ્રીકૃષ્ણે ગીતામાં કહ્યું છે કે—
यतो: अभ्युदय निश्रेयस: सीधी स्वधर्म:
જે ધર્મ આલોકમાં સુખ આપી પરલોકમાં પણ અક્ષયસુખને પ્રાપ્ત કરાવે છે એવો જે આપણો
વૈદિક ધર્મ છે તેને મનાવવા માટે જ્ઞાતિમાં પ્રચારની ઘણી જ ભારે આવશ્યકતા છે. મારી
પ્રભુના પ્રત્યે પ્રાર્થના છે કે આપના મંડળના મેમ્બરોને પરમાત્મા શક્તિશાળી બનાવે
કે જેથી જ્ઞાતિમાં પ્રચાર કાર્ય કરી અજ્ઞાન અંધકારનો નાશ કરી વૈદિક સૂર્યને
પ્રાપ્ત કરાવે.
ભાઇ રતનસિંહ ખીમજીનું ભાષણ
વ્હલા સ્વજ્ઞાતિ બંધુઓ અને પુજ્ય બહેનો,
આપણુ જે અગાઉ ઘાટકોપરમાં સુધારાનું કાર્ય થતુ હતું તે કાર્ય
પડી ભાંગવાથી ઘાટકોપર વાસી નવયુવકોથી સહન થયું નથી જેથી તેાોએ ઘાટકોપરમાં નવયુવક
મંડળની સ્થાપના કરી જ્ઞાતિ સુધારાના કાર્યને પુનઃજીવન આપ્યું છે આજે સાત મહિના
થયા. આપણે જે જ્ઞાતિની યત કિંચીત સેવા બજાવી છે જેનું પ્રત્યક્ષ પરિણામ આજે આપની
દ્રષ્ટિ આગળ છે.
આ.ન. યુ. મંડળની સ્થાપના થયા પછી નખત્રાણા તથા મગનપુરા મંદિરની પ્રતિષ્ઠા આ
નવયુવક મંડળને મદદરૂપ છે નખત્રાણામાં થયેલા ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ મંદિરની
પ્રતિષ્ઠાના રિપોર્ટ અભિપ્રાયોના કાગળો પરથી એવી આશા બંધાય છે કે હવે આપણી જ્ઞાતિ
પરથી પીરાણાના પાખંડી પંથનું કલંક થોડા દિવસમાં નીકળી કશે એવી આશા બંધાય છે કારણ
કે ગામેગામ સુધારાની ચળવળ ચાલુ છે તે હવે બંધ થવાની નથી. કારણ કે હાલના પ્રચાર
કાર્યનો સંદેશ ઘેર ઘેર ફરી વળ્યો છે. પેલાના મંડપવાળા અમાસ જેવા સુધારકો જ્ઞાતિ
ભાઈઓને સ્વજ્ઞાતિથી દેહશુદ્ધિ કરાવી. ખાવાપીવાનો વહેવાર બંધ કરીને પીરાણા પંથને
ત્યાગવાનું પ્રચાર કાર્ય કરતા હતા.
જ્ઞાતિને વટલેલી ઘણી એમનાથી ખાવાપીવાનો વહેવાર બંધ કરી હડધુત કરવાથી એ
કાર્યમાં પછાત પડી ગયા ત્યારે આ.ન.યુ.મંડળ જ્ઞાતિ સાથે રહી જ્ઞાતિના સેવક બની એમને
પ્રેમથી વિનયથી સમજાવી એમના હૃદયનો પલટો કરાવી તેમજ માનપમાનનની દરકાર કર્યા વગર
જ્ઞાતિમાં સુધારાનું કાર્ય ખરા અંતઃકરણથી કરે છે જેથી તેઓના રાત દિવસના સહવાસથી આ
કાર્યમાં ફતેહમંદ નિવડશે.
બીજું મારૂં આપને એ કહેવાનું છે કે આપ જેમ ધાર્મિક,
વૈદિક સનાતન ધર્મનો પ્રચાર કરો છો તેમ સાથે સાથે તમારે એ પણ
કરવાની જરૂરત છે કે જ્ઞાતીનો કોઈ ભાઈ બિમાર પડેલો હોય ઘરબાર વગરનો નિરાશ્રીત હોય
તેમજ બીજા કોઈ એક્સીડન્ટના દુઃખોથી સપડાયેલો હોય,
દેશથી આવીને બીમાર પડી ગયેલો હોય,
ધંધા વગર રખડી ગયેલો હોય તો તેવા પ્રસંગે તેઓને દેશમાં
પોચાડવાનું ભાડું વિગેરેની સહાયતા કરવી આપણી ફરજ છે. નીતીકારોએ કહ્યું છે કે—
परिवर्तनी आ संसारे, मृतको वान जायते,
सजातो येन जातने, ज्ञातीवंश सामोन्तीम.
ભાવાર્થ :— આ દુનિયામાં ઘણાએ માણસો જન્મે છે અને મરે છે પણ જન્મ્યો તો એ ગણાય કે જે
જ્ઞાતીની ઉન્નતી કરે. જ્ઞાતિની સેવા કરે. બીજા બધા જન્મ્યા ખરા પણ ન જન્મયા જેવા.
માટે બંધુઓ આપ જ્ઞાતિની ઉન્નતી કરવાને સુધારાી પવિત્ર વેદીમાં જપલાવો અને
જ્ઞાતીમાં વૈદિક સનાતમ ધર્મનો પ્રચાર તનમન અને ધનથી કરવાને કટિબધ થાવ. કવિએ કહ્યું
છેઃ—
જનની જણ તો ભક્ત જણ,
કાં દાતા કાં
સુર,
નહિં તો રહેજે વાંજણી,
મન ગુમાવે
નુર.
બંધુઓ ! આપણા વૈદિક સનાતન ધર્મના માટે આપણી સંસ્કૃતીને પવિત્ર રાખવા માટે
હજારો રાજપુત વીરો છે બલિદાનો આપ્યા છે. હજારો ક્ષત્રાણિ વીરાંગનાઓએ જોહાર વૃત
કર્યા છે. મહારાણા પ્રતાપ બાર બાર વર્ષ ભુખ્યા તરસ્યા જંગલોમાં ભટક્યા,
શિખ વીર ગરૂ ગોવિંદસીઘના કુમળા બચ્ચાઓ દિવાલો માં ચણાયાં પણ
ધર્મને છોડ્યો નથી માટે બંધુઓ, તમો પણ હવે કેસરીયા કરી પીરાણાના પાપી પંથનો નાશ કરવાને
તૈયાર થાવ એવી મારી નવયુવકોને હાકલ છે.
વેલજીભાઈ મેઘજીનું ભાષણ.
માન્યવર સભાપતિ તથા ઉપસ્થિત સ્વજ્ઞાતિ બંધુઓ તેમજ બહેનો,
આપણી જ્ઞાતિમાં કેળવણીની ઘણી ખામી છે તેમજ ધંધાના બોજથી કે
ગરીબાઈના કારણોથી બાળકોને કેળવણી તરફ લક્ષ હમેશાં ઓછું અપાય છે જેથી જ્ઞાતિમાં
વિદ્યાનો પ્રચાર પ્રથમ થવાની ઘણી જરૂરત છે. બંધુઓ જ્યાં સુધી બને ત્યાં સુધી
બાળકોને વિદ્યાનું દાન અપાવો કે જેથી તેઓ ભવિષ્યમાં કોઈ વાડાઓમાં ન ફસાય અને સત્ય
માર્ગ વૈદિક સનાતન ધર્મનો પ્રચાર કરવાને શક્તિવાન થાય. અમારા મંડળના નવયુવકોને પણ
કેળવણીની ઘણી જરૂરત છે, ધાર્મિક, ઇતિહાસના જ્ઞાનની પણ જરૂરત છે જેથી અમોને તે જ્ઞાન પ્રતિત
કરવા માટે અને સામાજીક પુસ્તકો લેવા માટે લાયબ્રેરી ફંડના માટે અમારા નવયુવક
મંડળની આપ સૌ ભાઈઓ મુરબ્બીઓ તથા વડીલો પ્રત્યે માંગણી છે. અમોને આશા છે કે આપ સૌ
ભાઈ અમારા મંડળને વિદ્યાનું દાન અપાવવાને આપનો શુભ હસ્ત લંબાવશો.
મંત્રી મુળજીભાઈ શિવજી.
વ્હાલા સ્વજ્ઞાતિ બંધુઓ, આપણી માતાઓએ તેમજ બહેનોએ પીરાણા જેવા કબ્રસ્તાની પંથને
માનવા છતાં પણ અમારી પુજ્ય માતાઓ શ્રીકૃષ્ણને જન્માષ્ટીના પર્વને પણ હર્ષભેર ઉજવે
છે, એટલું જ નહિં પણ એ ખાનામાં શ્રીકૃષ્ણનો જન્મ કરાવે છે. ભજન પ્રસાદ કરે છે,
રાસલીલા, દાણલીલા, ગરબા ઈત્યાદિ ગાય છે. તેમજ બીજા પણ તહેવારો ઉજવી આજ દિવસ
સુધી જાણતા કે અજાણતાં પણ આર્ય ધર્મનું રક્ષણ કર્યું છે અને કરે છે. મારી માતાઓ
પાસે વારંવાર એ માગણી છે કે આપ અમો બાળકોને મદદરૂપ થાવ. તમારી સ્ત્રીશક્તિનો
ચમત્કાર બતાવો આપના વગર આ કાર્ય કદિ પણ થવાનું નથી. માટે માતાઓ અને બહેનો,
આપ હવે આપની પીરોમાં લાગેલી અંધશ્રદ્ધા ત્યાગીને
શ્રીકૃષ્ણના સાચા ઉપાસક બનીને ઊજવેલી એમની ગોકુળાષ્ટમીને ખરી કરી બતાવવા
શ્રીકૃષ્ણને ભજાવવાના અમારા આ શુભ કાર્યને મદદ કરવા કમર કસો અને પીરાણાના પાખંડી
અર્ધદગ્ધ કબ્રસ્તાની પંથનો નાશ કરવાને દેવી દુર્ગાઓ બની પીરાણાના પ્રચારક એજન્ટોનો
નાશ કરો એટલી અમોને આપની મદદની જરૂરત છે.
ત્યારબાદ લાયબ્રેરી ફંડનો ફાળો ઉઘરાવવામાં આવ્યો હતો,
જેમાં મંડળને રૂા.૧૦૬ રોકડા અને બાકીના પુસ્તકો તથા સામાન
મળીને રૂપીયા ૧૪૯॥ ની લાયબ્રેરીના માટે સભામાં પધારેલા ભાઈઓએ મદદ આપી હતી તેના
નામો સેક્રેટરી મુળજીભાઈ શિવજીએ વાંચી સંભળાવ્યા હતા અને લાયબ્રેરી ફંડને માટે જે
ભાઈઓએ ફાળો ભર્યો હતો તેમનો આભાર માનવામાં આવ્યો હતો. ત્યારબાદ પ્રમુખ સાહેબે
ભગવાન શ્રી લક્ષ્મીનારાયણની જયગર્જના સાથે સભા બરખાસ્ત કરવામાં આવી હતી.
ગુરૂકુળ ઈશ્વર નગરના અધિષ્ઠાતા મહારાજ શ્રી ઓધવદાસ ગુરૂકુળ
ફંડ માટે
ઘાટકોપર પધારેલા જે
વખતે શ્રી કચ્છ કડવા પાટીદાર ભાઈઓની એક સભા શ્રીમાન
ભાઈ કરસન ઉકેડાના પ્રધાનપદે બોલાવી હતી,
તારીખ
૮—૧૨——૩૮ માગશર સુદ ૫
બુધવાની સભાની કાર્યવાહી.
ઠે. શ્રીમાન ભાઈ રતનસિંહ ખીમજીની વાડીમાં મુ. ઘાટકોપર
ભાઈશ્રી રતનસિંહ ખીમજી એ ઉભા થઈ મહારાજશ્રી આપણી જ્ઞાતીના પ્રત્યે સારી લાગણી
ધરાવે છે જેની યાદી નખત્રાણાના મંદિર પ્રતિષ્ઠા વખતે ગુરૂકુળના ફાળાનું કાર્ય
છોડીને ત્યાંના કાર્યને મદદ રૂપ થઈ જ્ઞાતીની ઉત્તમ પ્રકારે સેવા બજાવી હતી અને
હંમેશાં આપણી જ્ઞાતીના માટે જે વખતે બોલાવીએ છીએ તે વખતે ઉઘાડે પગે આવીને આપણા
કાર્યને મદદ કરે છે તેમ આજે પણ અહિં પધારી આપની સેવામાં ઉપસ્થિત થયા છે,
અને આપ સૌ ભાઈઓને એમનાં મધુર વચનો ઉપદેશ આપી કતાર્થ કરશે
એવી મારી મહારાજશ્રીને પ્રાર્થના છે.
પરમ પુજ્ય મહારાજશ્રી ઓધવદાસજીનું ભાષણ
મારા વ્હાલા પાટીદાર ભાઈઓ તમારી આજની સભાનું દ્રશ્ય તેમજ આપના યુવક મંડળમાં
થતા સંધ્યા અગ્નિ હોત્ર તથા વેદોના મંત્રોનું ઉચ્ચારણ ओम विश्वानी देव सविस्त: दुरीतानी परासुच यदमद्रं तन आसुव તમારા પાટીદાર યુવકોના મુખેથી સાંભળી ઘણો જ આનંદ થાય છે.
બંધુઓ હવે આપની જ્ઞાતિ જરૂર થોડા દિવસમાં પીરાણાના પંથથી મુક્ત થશે એવી આશા બંધાય
છે. હુ તમારા મંડળને યાવશ્ચચંદ્ર દિવાકરૌ પર્યન્ત દીર્ઘાયુ ભોગવો એવો આશીર્વાદ આપુ
છું. બંધુઓ આપની સેવા કરવા મારી ફરજ છે. કારણ કે હું પણ પાટીદાર જ્ઞાતિનો છું મારા
ગુરૂ લાલદાસ પાટીદાર હતા, જેથી મને પણ આપણી જ્ઞાતિની સેવા કરવી જોઈએ,
આપણી પાટીદાર જ્ઞાતિની સેવા કરવાને માટે હું મારૂં અરધુ
જીવન આપને અર્પણ કરુ છું (તાળીયો) કે જ્યારે મારી જરૂરત જણાય ત્યારે તમો મને
બોલાવશો તો હું જરૂર આપની સેવા કરવા હાજર થઈશ.
બંધુઓ આજના વિસમી સદીના જમાનામાં પ્રચાર કાર્યની ઘણી ખામી
હોવાથી યુવકોમાં ભિરૂતા છે નિર્માલ્યપણું છે અને એ ભિરૂતાથી પીરાણાના હઠાગ્રહી
મા—બાપોના અજ્ઞાનરૂપી પગ તળે દબાઈ રહ્યા છે તે માત્ર ધર્મ પરિવર્તન કરવા પુરતા જ
દબાઈ રહ્યા છે તેવા ભાઈઓને મારી પ્રાર્થના છે કે બંધુઓ તમારા મોજશોખના સાધન બાલ
રાખવા, કોટ પેરવા, બુટ પેરવા વિગેરેમાં તમો જરા પણ દબાતા નથી તેમજ મુરબ્બીઓથી
જરા પણ શરમાતા નથી પણ અફસોસ છે કે જે તમારા પર રહેલી અર્ધદગ્ધ ઈસ્લામી પંથની કાળી
ટીલીના માટે જરા પણ વિચાર કરતા નથી. યુવાનો હવે તો જાગો અને એ ઈસ્લામી પંથને
ત્યાગો. જાગ્યા ત્યાંથી સવાર ગણી તમારી યુવાનોની ફરજ અદા કરવાને સત્વર બહાર પડો.
કવિએ કહ્યું છે કે,
કાલ કરના સૌ આજ કર,
આજ કરના સો અબ;
અતકાળ પસ્તાયગો,
ફેર કરોગે કબ.
બંધુઓ કાલ પર મુલતવી રાખો નહિં, આજે જ એ પાપી પંથનું પ્રાયશ્ચિત કરી જનોઈ ધારણ કરી તમારી
આર્ય સંસ્કૃતિનું રક્ષણ કરો.
ભાઈઓ, તમારી જ્ઞાતિ ગુણવાન છે રીતરીવાજો ખર્ચાળ નથી,
ધંધો ઉત્તમ છે તમારી કમાણી પણ ખરી પરસેવાની કમાણી છે તમો
દાની ઘણા છો તમોએ લાખો કોરીઓની હુંડીઓ પીરાણે મોકલાવી કુપાત્ર દાન આપ્યું છે.
કુપાત્ર એટલા માટે કે ગૌ માતાને તમે પુજો છો તેને તેઓ ખાય છે. જે આપણી માતાને મારી
ભક્ષણ કરનાર હોય તો તેના જેવો કુપાત્ર બીજો કોણ ?
એવા મહાન માંસાહારી યુવાનોને દાન આપવું વળી એ દાનનાં
નાણાંમાંથી સુન્નત નિકાહ વિગેરે વિગેરે તમામ તેઓના ખર્ચા દરગામાંથી અપાય છે માટે
ભાઈઓ હવે તમારા ધર્માદા નાણાંનો સદુપયોગ કરો. તમારા ધર્માદા નાણાં તમારી કોમની
ભલાઈના માટે વાપરો. અનાથોને આશ્રય આપો બાળકો કેળવણી આપવા શાળાઓ બંધાવો અથવા
વિદ્યાલયોને મદદ કરવાને દાન આપો. નિરંજન ઠેકાણે પાણીનો બંદોબસ્ત કરાવો પણ હવે
ઈસ્લામી કોમની ભલાઈ માટે એક પાઈ પણ ન આપો એવી મારી પ્રાર્થના છે.
વ્હાલા વિરાઓ એ પાખડી પંથનું પ્રાયશ્ચિત કરીને તમો તમારા પછાત રહેલા વર્ગને એ
પાખંડથી મુક્ત કરવાને પ્રયત્ન કરો એમના વિચારોનું પરિવર્તન કરી વેદોક્ત મંત્રના
ઉપદેશથી એમનો આત્મ શુદ્ધિ કરાવી વૈદિક ધર્મના અનુયાયી બનાવો એમને વટલેલા ગણી
હડધુતન કરતાં એમની સાથે પ્રેમથી ખાઓ પીઓ હું તમારા શુદ્ધિશાળી કહેવરાવતા ભાઈઓ જેઓ
તે આજે બોલવા છતાં પણ આવ્યા નથી ખુદ નારાયણજીભાઈ અહીંયા છે,
છતાં પણ સભામાં હાજરી નથી એ ભાઈઓને ખુલી ચેલેન્જથી કહું છું
કે આપ સ્વજ્ઞાતિથી ખાવા પીવાથી અભડાવ છો વટલાવ છો તો એ વટાલ શું વસ્તુ છે કે
જેનાથી આપને એટલો બધો ભય રહે છે, મને એ વટાલ જરાપણ કાંઈ કરી શકતી નથી. હું એ વટલેલી જ્ઞાતિ
કહો છો તેનું પ્રેમથી ખાઉં છું છતાં મારા પર તેની અસર કાંઈપણ થતી નથી પણ ભાઈઓ એતો
નબળી આત્માઓને માટે હોય છે. શું તમે એમનું ખાવાથી પીરાણા પંથી થઈ જશો એવો ભય છે !
જેમની આત્માઓ મહાન હોય મક્કમ હોય તે કોઈનું ખાવા પીવાથી વટલાતો નથી અને તેમનો થઈ
જતો પણ નથી એ તો માત્ર હઠ છે.
બંધુઓ આપણી આભડ છેટે આપણા તેત્રીસ કરોડ હિન્દુઓ ને આજે ઘટાડીને બાવીસ કરોડની
સંખ્યામાં રાખ્યા છે ભાઈઓ આપણી હિન્દુ જ્ઞાતિ જો પતિતોને પ્રેમથી ગળે નહિ લગાડે
એમનો સહકાર નહિ કરે તો તેઓ વિધર્મી બની આપણા દુશ્મન બની જશે અને એક દિવસ એવો આવી
જશે કે હિન્દુઓનું નામ નિશાન પણ નહિ રહે માટે ભાઈઓ અત્યારે દેશ કાળ અને યુગ ધર્મ
ને અનુસરીને ખાવા પીવાના છુઆછુતના જગડાઓ છોડી હિન્દુ સંગઠન મજબુત કરો વૈદિક સનાતન
ધર્મનું રક્ષણ કરો એવી મારી આપ સૌ ભાઈઓને પ્રાર્થના છે.
અમારા સાધુઓનાં જીવન પરોપકારાર્થે હોય છે,
નીતીકારોએ કહ્યું છે કે—
परोपकाराय फलन्ती वृक्षा परोपकाराय वहन्ति नद्या,
परोपकाराय दुहन्ति गाय, परोपकाराय सतां विभुत्य.
વળી સાધુઓનાં જીવન ધર્મની સ્થાપના કરવાને માટે હોય છે.
ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું છે કે,
परित्राणाय साधुनाम, विनाशायाच दुष्कृत्तम
धर्म संस्थापर्थाय संभवामी युगे युगे
યોગીઓના જન્મનો હેતુ ધર્મની સ્થાપના કરવાને માટે હોય છે અને ધર્મની રક્ષા
વિદ્યા વડે થાય છે અને વિદ્યા ધર્મ વડે શોભે છે. વિદ્યા વગરનો માણસ પશુ સમાન ગણાય
છે. એટલા માટે કહ્યું છે કે—
विद्या धर्मेण शोभं ते विधा विन: पशु भि समान
બંધુઓ વિદ્યાને પ્રાપ્ત કરવાની કોશીષ કરો વિદ્યા જેવી કોઈ વસ્તુ નથી નીતીકારો
એ કહ્યું છે કે.
विद्या नाम नरस्य रूप मधिकं प्रच्छन्न गुप्त धनं,
विद्या भोग करी यस सुखकरी विद्या गुरु नांम गुरु.
विद्या बंन्धु जनो स्वदेश गमन विद्या परम दैवतम,
विद्या राजसु पूजितां नतु धनं विद्या विहिन: पशु।
વિદ્યા મનુષ્યનું મોટુ રૂપ છે અતિ ગુપ્ત ધન છે,
વિદ્યા ભોગ આપનારી છે. કિર્તી અને આનંદ આપનારી છે વિદ્યા
ગુરૂની પણ ગુરૂ છે વિદ્યા પરદેશમાં ભાઈની પેઠે હિત કરનારી છે. અને દેવતા પણ વિદ્યા
જ છે. રાજાઓ પણ વિદ્યાની પુજા કરે છે પણ ધનની કરતા નથી,
માટે વિદ્યા રહીત રહેવું એ પશુ જ છે એટલા માટે પશુપણુ દુર
કરવા માટે જરૂર વિદ્યા મેળવવી જોઈએ.
વળી કહ્યું છે કે,
सर्वेषां दाना नांम व्रह्मदान विशेष्यते.
બંધુઓ આપના બાળકોને વિદ્યાનું દાન આપવા ગુરૂકુળમાં મોકલો કે ત્યાંથી તે
ધાર્મિક જ્ઞાન પ્રાપ્ત કરી જ્ઞાતીમાં ધર્મનો પ્રચાર કરી શકે તમારી જ્ઞાતીમાં
વિદ્યાનો પ્રચાર થવાથી તમો કોમને જલ્દી સુધારી શકશો કારણ કે —
भिद्य ते रदय ग्रथी छीदते सर्व शंशया.
જ્યારે હૃદયની અંદર અજ્ઞાન રૂપી ગાંઠ વિધાય છે ત્યારે જ સત્ય અસત્ય સમજી શકાય
છે એવી રીતનું ધાર્મિક જ્ઞાન આપવા અમોએ ઈશ્વર નગર ગુરૂકુળની સ્થાપના કરી છે. અને એ
ગુરૂકુળના માટે મારૂં જીવન અર્પણ કરી હું ભિક્ષુ ઓધવદાસ બન્યો છું મારી આપ સૌ
ભાઈઓને પ્રાર્થના છે કે જરૂર તમો ગુરૂકુળને કાંઈને કાંઈ આપની યથાશક્તિ પ્રમાણે દાન
આપી ગુરૂકુળના પ્રેમી બનશો અને આપની જ્ઞાતિના ગુરૂકુળના આ જીવન સભ્ય કોઈ નથી માટે
મને આશા છે કે જરૂર આપ આ કાર્યને મદદ રૂપ થશો હવે હું એક ભજન સંભળાવી મારૂં ભાષણ
બંધુ કરૂં છું.
ભજન |
એવા બ્રહ્મચારી વૃતધારી, આર્યો કયાં ગયારે, |
રામ અને લક્ષ્મણ બ્રહ્મચારી, બલવીરા હનુમાન ક્યાં ગયા રે, — એવા બ્રહ્મ. |
ભિમ અને અર્જુન બલવીરા, પાક્યા ભિષ્મપિતા રણધીરા, |
કૃષ્ણ અને બલદેવ વીરા ક્યાં ગયા રે—એવા બ્રહ્મ. |
પ્રતાપ જેવા પુરણ અટંકી નૃૃપ પૃથુરાજ સોલંકી, |
ગૌબ્રાહ્મણ પ્રતિપાળ શિવાજી ક્યાં ગયા રે — એવા બ્રહ્મ. |
બાળલગ્નની રીત ઘટાડી ગુરૂકુળ આશ્રમ વાટ બતાડી |
શ્રુતીમાત જગાડી આર્યો ક્યાં ગયા રે — એવા બ્રહ્મ. |
એવા મહર્ષિ દયાનંદ દર્શનદાયક આર્યો ક્યાં ગયા રે — એવા
બ્રહ્મચારી. |
ત્યારબાદ ગુરૂકુળનો ફાળો ઉઘરાવ્યો હતો જેમાં પાટીદાર ભાઈઓએ ગુરુકુળને રૂા.૮૩૭॥
નું દાન મળ્યું હતું. જેમના નામો એમના રીપોર્ટમાં આવી ગયા છે.
ભાઈશ્રી રતનસિંહ ખીમજી
પુજ્ય મહારાજ શ્રી આપના ગુરૂકુળની અંદર પરણેલા છોકરા દાખલ ન કરી શકાય એવો જે
કાર્યવાહક કમિટીએ કાયદાને અંગે વાંધો લીધો એમના પછી એ ઠરાવ કોણે પાસ કરાવ્યો એ
બાબતમાં મને શંકા છે તેની અમો ને ચોખવટ કરી સમજાવશો. એવી મારી આપશ્રીને પ્રાર્થના
છે. એ સાંભળી ગુરૂકુળના મંત્રી મહોદયે ઉભા થઈને જણાવ્યું કે ભાઈશ્રી રતનસિંહે જે
શંકાના માટે ચોખવટ કરવાનું કહે છે તેના જવાબ આપવો મારી ફરજ છે.
બંધુઓ અમારા ગુરૂકુળની કાર્યવાહક કમિટીની મીટીંગમાં આ સવાલ કમિટીના મેમ્બરો
સુરજી વલ્લભદાસ આદી કાયદાને જાણનારા માણસોને જણાવ્યું કે આ કોમમાં બાળલગ્નની પ્રથા
હોવાથી એમનાં બાળકો પરણી જવાથી બ્રહ્મચારી ન ગણાય જેથી તેઓને દાખલ ન કરી શકાય આ
બાબતમાં લગભગ રાત્રિના બે વાગ્યા સુધી ચર્ચા ચાલી પણ પુજ્ય મહારાજશ્રીએ મત ન આપ્યો,
મહારાજશ્રીની એ જ્ઞાતિ પ્રત્યેની લાગણી જોઈ કમિટીએ કડવા
પાટીદાર કોમના બાળકોના માટે નવો ઠરાવ પાસ કરીએ ઓેને દાખલ કરી શકાય પણ અન્ય કોમના
બાળકોને માટે નહિં એ ઠરાવ સર્વાનુમતે પાસ કરાવ્યો એમના માટે મહારાજશ્રીને માન છે
બીજો કોઈ એમ કેહતો હોય કે અમે કરાવ્યું છે તો તે ખોટું છે. તમોએ જે શંકા કરી જેની
ચોખવટ મેં આપને કરી આપી છે અને જ્યારે જ્યારે તમોને અમારા ગુરૂકુળના સંબંધમાં શંકા
જેવું જણાય ત્યારે અમોને જણાવશો તો જરૂર આપની સેવામાં હાજર થઈ આપને તેની ચોખવટ કરી
આપીશ. મહારાજશ્રીને ધન્યવાદ આપું છું અને બીજું આજે આપ સૌ ભાઈઓએ અહીં પધારી અમારા
ગુરૂકુળને જે કાંઈ યથાશક્તિ દાન આપ્યું છે જે અમોને આપની ખરી કમેણીના પરસેવાથી
પકવેલા પૈસા લાખોથી વધારે અપાયું ગણાય અમારો એ આશીર્વાદ છે કે પ્રભુ આપને સદ્બુદ્ધિ
આપે એટલું કહી હું બેસી જવાની રજા લઉ છું.
ભાઈશ્રી રતનસિંહ ખીમજીનું ભાષણ
વ્હાલા સ્વજ્ઞાતિ બંધુઓ તથા અન્ય જ્ઞાતિના અહીં પધારેલા સદગૃહસ્થો અમારી
જ્ઞાતિ આજે લગભગ સાડા ચારસો વર્ષોથી જે પીરાણા સંત પંથરૂપી મહાન પાપી કબ્રસ્તાની
પંથને માને છે. જેને જાગ્રત થતાં આજે લગભગ ૨૦,
૨૫ વર્ષ થયા છતાં જે સુધારાનું કાર્ય જોઈએ તેટલું થઈ શક્યું
નથી જેનુ કારણ અમારા સુધારકો છે અમારા આદ્ય સુધારક જે તેઓ આજે હાજર હોવા છતાં આવી
જનરલ સભામાં વળી મહારાજશ્રીની હાજરીથી તો કાંઈ વાદવાંધો નથી અંગદ વેર નથી તેમજ
અન્ય ભાઈઓથી તો કાંઈ નથી. વળી સુધારકને માન—અપમાનની શું જરૂરત હોય એને છોડીને આ
સેવાના કાર્યને કરવાનું હોય છે તો પછી સુધારાની ધગશ ક્યાં છે. એ શ્રોતાઓ જાણી
શકશે. અમારી જ્ઞાતિના માટે આવા પુજ્ય મહારાજશ્રી જેવા સુધારકોની જરૂરત છે કે
જેમનાથી પાટીદાર જ્ઞાતિના બાળકો ગુરૂકુળનો લાભ ન લઈ શકે એ સહન ન થયું. કેટલી બધી
એમને લાગણી છે — દાઝ છે. એટલું જ નહિ પણ અગર જો ગુરૂકુળમાં કડવા પાટીદાર કોમનાં
બાળકો વિદ્યા પ્રાપ્ત ન કરી શકે તો એ ગુરૂકુળથી મને કાંઈ લાભ નથી. આનું નામ છે
સેવા, આનું નામ સુધારક. અને આવા સુધારકો વગર કોમની દશા સુધરતી પણ
નથી.
વ્હાલા સ્વજ્ઞાતિ બંધુઓ પુ. મહારાજશ્રી આપણી જ્ઞાતિ પ્રત્યે જે મહાન લાગણી
ધરાવે છે જેથી આપ સૌ ભાઈઓ એ મહારાજશ્રીનો આભાર માનવો જોઈએ. હું મહારાજશ્રીને
શહારદીક ધન્યવાદ આપું છું અને પ્રાર્થુ છું કે અમારી અજ્ઞાન જ્ઞાતિને હંમેશાં આપના
અમુલ્યો ઉપદેશામૃતનું પાન કરાવતા રહેશો એવી મારી યાચના છે.
પ્રમુખ સાહેબ શ્રી કરસનભાઈ ઉકેડાનું ભાષણ.
પુજ્ય મહારાજશ્રી તથા ઉપસ્થિત બંધુઓ આજની સભાનું કાર્ય પુર્ણ થઈ ગયું છે. માટે
મારે પુજ્ય મહારાજશ્રી તથા ગુરૂકુળ ઈશ્વરનગરના મંત્રી મહોદય જેમણે અહિં પધારી એમના
અમુલ્યોપદેશમૃતનું પાન કરાવ્યું છે. જેથી અમારું મંડળ એમનું હંમેશાંને માટે ઋણી છે
અને એઓશ્રીનો શહારદીક ધન્યવાદપુર્વક આભાર માનવામાં આવે છે. બીજું અમારા ઘાટકોપરથી
આવેલા સદ્ગૃહ્સ્થો તથા સ્વજ્ઞાતિ બંધુઓ તેમજ પરા વિભાગ માટુંગા મુલુંડ વિગેરેથી
જે ભાઈઓ તકલીફ સહન કરી અમારા કાર્યને દીપાવ્યું છે. જેથી તેઓ સૌ ભાઈનો આભાર
માનવામાં આવે છે વળી અમારા સલાહકાર મુરબ્બી રાજારામ સામજી તથા શ્રીમાન ભાઈ રતનસિંહ
ખીમજી જેઓ ગુરૂકુળના આ જીવન સભ્ય બની પવિત્ર કાર્યમાં જોડાયા છે અને આજની સભામાં
પધારી અમારા કાર્યને વિશેષ દીપાવ્યું છે જેથી એઓ શ્રીનો પણ આભાર માનવામાં આવે છે.
બોલો શ્રી વૈદિક સનાતન ધર્મ કી જય.
શ્રી કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિ સુધારક
ઘાટકોપર
નવયુવક મંડળે ઉજવેલો પહેલો વાર્ષિકોત્સવ
સંવત ૧૯૯૪ ના ચૈત્ર સુદ ૯ તા.૯—૪—૩૮ ની કાર્યવાહી
પ્રમુખ શ્રીમાન કરસનભાઈ ઉકેડા
મંડળના મંત્રી મુળજી શીવજીનું ભાષણ
વ્હાલા સ્વજ્ઞાતીબંધુઓ પુજ્ય વડિલો એ મુરબ્બીઓ આજે અમારા મંડળની સ્થાપના થયે
એક વર્ષ પુર્ણ થાય છે વર્ષ દરમ્યાન અમારા શ્રી ક. ક. પા. જ્ઞા. સુ. નવ યુવક મંડળે
આપણી જ્ઞાતિની જે કંઈ યતકિંચીંત સેવા બજાવી છે જે આપ સૌ ભાઈઓને વિદિત હશે જેનો
રીપોર્ટ તૈયાર છે તે આપને સંભળાવું છું.
અમારા ઘા. નવયુવક મંડળે ગત વર્ષ દરમ્યાન ૨૪ સભાઓ ઘાટકોપરમાં ભરી જ્ઞાતિમાં
પ્રચાર કામ કર્યું હતું તેમજ નખત્રાણા મગનપુરાના મંદિરની પ્રતિષ્ઠાના કાર્યને મદદ
રૂપ થયા હતા. ગત વર્ષ દરમ્યાન અમારા ઘાટકોપર નવયુવક મંડળે મંડળમાં ૫૦ પચાસ ભાઈઓનું
પ્રાયશ્ચિત કરાવી પવિત્ર ગાયત્રી મંત્રોપદેશ આપી વૈદિક ધર્માનુયાયી બનાવ્યા હતા.
ગામશ્રી લક્ષ્મીપુરના ભાઈ મનજી મેઘજી જેઓ ડબલ નેમોનીયામાંથી ટાઈફડ જબર થઈ
જવાથી તદન છેલ્લી અવસ્થાએ પહોંચ્યા હતા. જે વખતે અમારા મંડળના ભાઈઓએ એમની સારવાર
કરી હતી જે સારા થવાથી મંડળને આભારદર્શક પત્ર મોકલાવ્યો જેની નોંધ.
શ્રીમાન મંત્રી,
શ્રી કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિ સુધારક નવયુવક મંડળ ઘાટકોપર જોગ સાદર નમસ્તે,
સવિનય લખવાનું જે મને સં.૧૯૯૪ ના માસ પોષ વદ ૧૩ થી જે બિમારી થઈ બે દિવસ બાદ
તે બિમારીમાંથી ડબલ ન્યુમોનીયા ટાઈફડ થવાથી મારી હાલતની ખબર મંડળના ભાઈઓને આપતાં
ડોક્ટરોને બોલાવી ચાંપતા ઈલાજો લીધા હતા. જેથી મારી બિમારી આગળ વધી ન શકી જે વખતે
ડોકટર સાહેબ આવેલા તે વખતે મને મારા શરીરનું ભાન ન હતું. ડૉકટર સાહેબે મારા જેવા
ગરીબ માણસને કાળજીપુર્વક દવા અપાવી સખત ટ્રિટમેન્ટ કાળજી રખાવીને મને નવજીવન
બક્ષ્યું છે જેથી ડોકટર સાહેબ શ્રીમાન ધીરજલાલ ભાઈનો હું ખરા અતઃકરણથી આભાર માનું
છું અને પ્રાર્થના કરૂં છું કે, મારા જેવા ગરીબ માણસ પર જેવું રહેમ દીલ રાખો છો તેવું
હંમેશાં રાખશો. પરમાત્મા આપે દીર્ઘાયુ બક્ષે એેવી મારી પ્રાર્થના છે. વળી આપ
સાહેબે આપના મજુરીના નીકળતા બીલના રૂા.૭૯/— થતા હતા જેમાંથી મને ગરીબ જાણીને ખાલી
રૂપીયા ૩૦ ત્રીસ લઈ બાકીની મને રાહત આપી છે. જે ડૉકટર સાહેબ ધીરજલાલના કરેલા
ઉપકારનો હું હંમેશાંનો ઋણી છું અને હાર્દિક ધન્યવાદ આપું છું.
બીજું મારા માટે અમારા મકાનવાળા સુંદરવાળા શેઠે મને એક રૂમ ફ્રી વાપરવા આપેલો
જેથી તેઓને પણ હું ખરા અંતઃકરણથી આભાર માનું છું.
અને સૌથી વધારે જે આ સંસ્થાના ભાઈઓ તરફથી મારી સારવાર ચોવીસ કલાક એક સરખી
મહેનત કરીને મારા ઝાડા પીશાબ ઈત્યાદી ઉપાડીને રાત્રિના જાગરણ કરી અળસીના શેક લેપ
લગાવવા, ઘડી ઘડી તાવ માપવો નિયમસર દવા ખોરાક આપવાની કાળજીપુર્વક
સેવા બજાવી છે એટલું જ નહિ પણ હજારો રૂપીયા ખરચતાં આટલી સારવાર એક શ્રીમંતને પણ
થતી નથી તેવી મારી મંડળના ભાઈઓએ ચાકરી કરી છે. જેથી હું આ મંડળનો હંમેશાંનો ઋણી
છું. અને મંડળના સૌ ભાઈઓનનો ઉપકાર માની પ્રાર્થના કરૂં છું કે આપે મારા પર જે
ઉપકાર કર્યો છે તેવી રીતે આપ જ્ઞાતિના કોઈ પણ નિરાધાર ભાઈ આવી સ્થિતિમાં
પહોંચ્યાના ખબર મળે તો જરૂર આપ એમને સહાયતા આપશો આપનું મંડળ દીર્ઘાયુ રહો અને
જ્ઞાતિની ઉત્તમ પ્રકારે સેવા કરતું રહો તો જરૂર પીરાણારૂપી પાખંડી પાપ થોડા
દિવસમાં નાબુદ થશે.
લી. એજ ઈચ્છતો,
આપના મંડળને સમર્ણતું હૃદય,
મનજી મેઘજી પટેલ લખમીપુર.
બીજા એક ભાઈ લાલજી ગોપાળ ગઢવાળા જેઓ આંખોની બિમારીથી મીરજ ગયા ત્યારે અને પાછા
આવતાં જેમની હાલત બહુ ખરાબ હોવાથી તેઓને દેશ જવાના માટે મંડળના કાર્યવાહકોએ
રૂા.૫૦) પચાસ રૂ. ની એ ભાઈને રાહત આપી હતી.
દુઃખદ અવસાન
મંડળના એક સારા પ્રતિષ્ઠીત તેમજ ટેકીલા એક મેમ્બર ભાઈશ્રી કરમશી લધા હાલ
ટોડીઆના રહીશ જેઓના સ્વર્ગવાસ થવાની દીલગીરી જાહેર કરી નોંધ લેવામાં આવી હતી.
બીજુ નખત્રાણા મંદિરની પ્રતિષ્ઠામાં પધારેલા મંડળના પ્રતિનીધીઓ તેમજ સલાહકાર
વડિલોને માનપત્ર આપવામાં આવ્યું હતું તે વખતે મુરબ્બી શ્રી રાજા રામ શામજીએ મંડળને
૨૦) વીસ રૂપીયા દાન આપ્યું હતું જે સાભાર સ્વીકારવામાં આવ્યા હતા.
ભાઈશ્રી વાલજી કરસન જેઓ જાપાનથી આવેલા જે વખતે એમને માનપત્ર આપવામાં આવ્યું હતું
તે પ્રસંગે એ ભાઈશ્રીએ લાયબ્રેરી ફંડમાં રૂપીયા ૨)નું દાન આપ્યું હતું અને જાપાનના
મેળવેલા અનુભવથી વાકેફ કર્યા હતા.
મંડળને પ્રાપ્ત થયેલી રકમનો જમા ખર્ચનો એકંદરે આંકડો.
જ……………………………………………………ઉ………………………………………………. |
||||
૧૬૩) |
મેમ્બરોનું લવાજમ આજ દિવસ સુધીમાં પ્રાપ્ત થયું તેટલું જ |
૧૬=॥।=॥ |
મંડળનું કુલ ખર્ચ પુસ્તકોનું ભાડુ માંડવાના ખર્ચા વિગેરે
મળીને |
|
૯૬) |
લાયબ્રેરી ફંડમાં રોકડા |
|
|
|
૨૦ |
દાનના મુરબ્બી રાજારામ શામજી પાસેથી |
૧૧૧॥૦॥ |
બાકી પુરાંત જમા છે. |
|
૨૭૯। |
|
૨૭૯। |
|
|
મંડળનો ગત વર્ષનો રીપોર્ટ આપ્યા બાદ મંડળના સેક્રેટરી
મુલજીભાઈ શીવજીએ આજની સભાના પ્રમુખસ્થાન માટે મુરબ્બી શ્રી રાજારામ શામજી દરખાસ્ત
મુકી હતી જેને શિવગણભાઈ અર્જુને અનુમોદન આપતાં જણાવ્યું કે મુરબ્બીશ્રીનો પરિચય
આપવાની વિશેષ જરૂરત નથી. કારણ કે આપ સૌ ભાઈઓને વિદિતિ છે કે જ્ઞાતિના એક પ્રખર
સુધારક અને એક દાનવીર નેતા છે. જેમણે જ્ઞાતિની તન મન અને ધનથી સેવા કરી છે અને કરે
છે. જેથી આજે એ મુરબ્બીશ્રીને જે પ્રમુખની દરખાસ્ત મુકી છે જેને હું અનુમોદન આપું
છું. જેથી એઓશ્રી પ્રમુખસ્થાનને સ્વીકારી આજની આ સભાના કાર્યને નિર્વિઘ્ને પાર
પાડશે. એવી મારી એઓશ્રીને વિનંતી છે.
પ્રમુખશ્રીનું નિવેદન
વ્હાલા સ્વજ્ઞાતિ બંધુઓ અને બહેનો આજની સભાના માટે જે નવયુવક મંડળના મંત્રી
મહાશયે મારી પ્રમુખ તરીકેની દરખાસ્ત મુકી છે. જેનો હું સ્વીકાર કરું છું. હું એટલો
વિદ્વાન કે બુદ્ધિવાન નથી કે જેથી આપને વિશેષ અનુભવ કરાવી શકું હું તો જ્ઞાતિનો એક
સેવાપ્રેમી સેવક છું અને એક સેવક તરીકે જ્ઞાતિની યતકિચિંત સેવા બજાવું છું. જે
મારી ફરજ છે. એથી વિશેષ આ જ્ઞાતિના માટે મેં કાંઈ પણ કર્યું નથી. મને જે નવયુવક
મંડળ તરફથી માન આપવામાં આવ્યું છે, જેનો હું આભાર માનુ છું.
પ્રભુ પ્રાર્થના.
બોલનાર મંડળના પ્રમુખશ્રી કરસનભાઈ ઉકેડાના ચિ. બેન અમૃતકુંવર તથા પુંજાભાઈ
હીરજીના ચિ.કુમાર લખમસિહ જેઓ બન્ને બાળકો નીચે પ્રમાણેની પ્રાર્થના બોલ્યા હતા.
(સાત વરસનાં છે.)
પ્રાર્થના
પ્રભુ નમીએ પુરી પ્રીતે સ્તુતી કરીએ રૂડી રીતે, |
બનાવી તે બધી દુનિયા બનાવ્યા તે ઉંડા દરિયા. |
સૂરજને ચંદ્ર જગમગીયા સુખી કરતું સુખી કરતું. |
વળી આકાશમાં તારા ઘણે ઉચેજ ફરનારા. |
કીધાં છે તે પ્રભુ પ્યારા સુખી કરતું સુખી કરતું, |
બધાએ પાપ બાળી દે વળી બુદ્ધિ રૂપાળી દે. |
નમીએ હાથ જોડી બે સુખી કરતું સુખી કરતું. |
ત્યારબાદ ગાયત્રી મંત્ર અર્થ સહિત બોલ્યાં હતાં.
ગાયત્રી મંત્ર
ओंम भुर्भूव: स्वः तत सवितुर वरेण्यं भर्गो देवस्य
धिमहिधीयो योन: प्रयोध्यात्.
ઓમ—એ પરમેશ્વરનું સર્વોપરી નામ છે.
ભુ—પ્રાણ આપનાર
વ—દુઃખોથી બચાવનાર
સ્વઃ—સુખ સ્વરૂપ.
પરમાત્મા સત્યચિત આનંદ સ્વરૂપ છે.
તત—તે પરમાત્મા.
સવિતુ—જગતને બનાવનાર.
વરેણ્યં—ઉતજ તેજ, શ્રેષ્ઠ,
ભર્ગો—શુધ વિજ્ઞાન સ્વરૂપ.
દેવસ્ય—સર્વના આત્માને પ્રકાશ આપનાર.
ધિમહિ—અમે ધારણ કરીએ.
ધિય—બુદ્ધિને
ન—અમારી
પ્રચોદ્યાત્ — ઉત્તમ કાર્યોમાં ચલાવો.
ભાવાર્થ — હે પ્રાણ આપનાર, દુઃખોથી બચાવનાર સુખ સ્વરૂપ પરમાત્મા આપ જગતને પેદા
કરવાવાળા છો. હે સર્વના આત્માને પ્રકાશ આપનાર પ્રભુ તમારી શુદ્ધ વિજ્ઞાનસ્વરૂપ
જ્યોતિને અમો ધારણ કરીએ. હે જગદાધાર પ્રભુ આપ અમોને સદ્બુદ્ધિ આપી ઉત્તમ
કાર્યોમાં પ્રવૃત કરો.
ત્યારબાદ.
त्वमेव माताच पिता त्वमेव |
त्वमेव बंधुच सखा त्वमेव |
त्वमेव विद्याच द्रविणं त्वमेव |
त्वमेव सर्वं मम देव देवः |
બાળકોની પ્રાર્થના પુરી થવાથી પ્રમુખ સાહેબે બાળકોને ઈનામ આપ્યા બાદ નીચે પ્રમાણે
ભાષણ આપ્યું હતું.
પ્રમુખ સાહેબનું ભાષણ
બંધુઓ આજની સભાની કાર્ય પ્રણાલીકા જેમાં બાળકોએ પ્રાર્થના,
ગાયત્રી આવાહન અને વળી સંસ્કૃત શ્લોકથી જે પ્રાર્થના
કરવામાં આવી એ જોઈ મને ઘણો આનંદ થાય છે. આવી રીતનું કાર્ય મેં આપની સુધારકોની
અગાઉની એક પણ સભામાં જોયું ન હતું જેની પ્રથમ આ મંડળે શરૂઆત કરી છે તેનું માન આ
નવયુવક મંડળને છે. આ નવયુવક મંડળે વર્ષ દરમ્યાન જ્ઞાતિની ઉત્તમ પ્રકારે સેવા બજાવી
છે અને આશા છે કે આગામી વર્ષના માટે એઓ તૈયાર થઈ વિશેષ કાર્ય કરી બતાવશે એવી હું
આશા રાખું છું.
આ સભામાં પધારેલા ભાઈઓને મારે ભારપુર્વક કહેવાનું છે કે તમારા ઘરમાં બાળકોને
આવી રીતનું ધાર્મિક શિક્ષણ આપવાની ખાસ જરૂરત છે.
બીજું તમારા ઘરના પ્રત્યેક માણસોને ગાયત્રી મંત્રનો ઉપદેશ આપવો અને શીખડાવવો
જરૂરી છે એ સંબંધમાં વિશેષ હૃદયકાર્ષક ભાષણ આપ્યું હતું.
ભાઈ શ્રી રતનસિંહ ખીમજી
વ્હાલા સર્વે જ્ઞાતિ બંધુઓ, મુરબ્બીઓ, વડીલો તેમજ બહેનો, આજની આ સભા આપણો વાર્ષિકોત્સવ ઉજવવા માટે બોલાવી છે જેથી
આપણે એકત્ર થઈ મંડળએ કરેલાં કામનો રિપોર્ટ સાંભળ્યો. ગત વર્ષ દરમ્યાન શ્રી નવયુવક
મંડળે સારી પ્રગતી કરી છે જેથી મંડળના કાર્યવાહક સૌ ભાઈઓનો ધન્યવાદપુર્વક આભાર
માનવામાં આવે છે અને પ્રભુને પ્રાર્થના કરૂં છું કે મંડળના મેમ્બરોને શક્તિશાળી
બનાવે કે જેથી તેઓ જ્ઞાતિમાં પ્રચાર કરી પીરાણાના પાખંડી પથંથી જ્ઞાતિને જલ્દી
મુક્ત કરે.
બીજું આજના દિવસે આપણા ભારતવર્ષમાં લાખો વર્ષો પુર્વે એક મહાન વિભુતીનો જન્મ
થયો હતો જેને આપણે ભુલી ન જવું જોઈએ. એ મહાન વિભુતિ ને મર્યાદા પુરૂષોત્તમ શ્રી
રામચંદ્ર ભગવાન જેનો જન્મ અયોધ્યામાં સુર્યકુળભુષણ મહારાજા દશરથને ઘેર આજ રોજ થયો
હતો. એમનું આજે ભારતવર્ષના ચારે ખુણામાં લોકો ભજન કરે છે એમની પ્રતિમાને પુજે છે
અને એક બીજાને મળતા પણ રામ રામ બોલે છે એટલો તો એમનો રામ નામનો મહિમા છે એટલું જ
નહિ પણ એમને પ્રભુના અવતાર તરીકે માનીએ છીએ. એમના સમાન એક વચની,
એક પત્નિવૃતધારી બીજો કોઈ થયો નથી અને થશે નહિ. એમને
પોતાનું જીવન એક આદર્શજીવન બનાવી જનતાને બતાવ્યું છે. એમના જીવન પરથી માતાપિતાનો
પુત્ર પ્રત્યેનો ધર્મ, પુત્રની માતાપિતા પ્રત્યેની ફરજ,
બંધુ ધર્મ, સ્ત્રી પુરૂષોનો ગૃહસ્થધર્મ,
ભાતૃભાવ, મિત્રધર્મ તેમજ શત્રુધર્મ,
જે રાવણ સીતાનું હરણ કરવા છતાં એ જો સીતાને પાછા સોંપે તો
તેને ક્ષમા કરવી એટલે સુધી ક્ષમાશીલ મહાન પુરૂષોત્તમ ભગવાનનું જીવનચરિત્ર મહર્ષિ
શ્રી વાલ્મિકીએ સુંદર રીતે વર્ણવ્યું છે તથા મહાત્મા તુલસીદાસે ચોપાઈ દોહરાથી સાદી
ભાષામાં વર્ણવ્યું છે. જેને સૌ ભાઈઓએ પઠન કરી જીવનને એક આદર્શ બનાવી શકશો. મારી
પ્રત્યેક ભાઈઓને એ પ્રાર્થના છે કે આપણા ઘરમાં આપણા પુર્વજ મર્યાદા પુરૂષોત્તમ
ભગવાન રામચંદ્રના જીવનચરિત્ર વાંચવા માટે રામાયણ અને શ્રીકૃષ્ણના જીવનચરિત્ર
વાંચવા માટે મહાભારત એ બે પુસ્તકો જરૂર રાખવા જોઈએ અને ભગવાન શ્રીરામ અને કૃષ્ણની
પ્રતિમાઓ પણ ઘરમાં જરૂર હોવી જોઈએ. જ્ઞાતિમાં રામાયણ અને મહાભારતની કથાઓ કરાવી
પ્રચારકાર્ય કરવું જરૂરત છે. એ સંબંધમાં વિશેષ ભાષણ આપ્યા બાદ ભાઈ કાનજી નથુ
વેરસલપુરવાળાએ હસ્તલિખીત ભાષણ આપ્યું હતું.
ભાઈ શ્રી કાનજી નથુ વેરસલપુરવાળાનું ભાષણ.
મહેરબાન પ્રમુખ સાહેબ તથા સ્વજ્ઞાતિ બંધુઓ,
પુજ્ય માતાઓ
અને બહેનો,
મારા અગાઉ આપણી જ્ઞાતિના હિત માટે જે ભાઈઓ બોલી ગયા છે તેને હું મારા શુદ્ધ
અંતઃકરણથી ટેકો આપુ છું. બંધુઓ, આપણી જ્ઞાતિની અજ્ઞાનતા દુર કરવા માટે આપણી જ્ઞાતિના ભાઈઓ
તન, મન અને ધનનો ભોગ આપી શ્રમ ઉઠાવી રહ્યા છે જેને હું મારા શુદ્ધ અંતઃકરણથી
ધન્યવાદ આપું છું. બંધુઓ ! આ દુનિયાની અંદર જે જે ધર્મના અગર દેશસેવાના કાર્યો થયા
છે તે જ્યાં જોશો ત્યાં યુવાનોએ જ કરેલાં છે. માટે આપ દરેક યુવાન ભાઈઓને મારી
વિનંતિ છે કે જ્યાં સુધી આપણે આપણું સંગઠન નહિ કરી શકીએ અને એક બીજાને આપણે ખરા
પ્રેમથી નહિ ચાહીએ ત્યાં સુધી આપણી ઉન્નતિ થવાની નથી. હજુ આપણે આપણી જ્ઞાતિ માટે
ઘણા કાર્યો કરવાનાં બાકી છે. અને તે દરેક કાર્ય કરવા માટે પ્રથમ સંઘબળની જરૂરત છે.
જ્યાં સુધી સંઘબળ નથી ત્યાં સુધી કાર્ય થઈ શકતું નથી માટે મારી આપ દરેક ભાઈઓને
પ્રાર્થના છે કે આપણી જ્ઞાતિમાંથી પીરાણા સતપંથ જેવા પાખંડી પંથને કાઢવાને માટે
સંઘબળ એકત્રીત કરી સુધારાની વેદી પર ઝંપલાવવું જોઈએ એટલું બોલીને બેસી જવાની રજા
લઉ છું.
શિવગણભાઈ અર્જુનનું ભાષણ
માન્યવર સભાપતિ તથા પુજ્ય વડીલો તેમજ માતાઓ અને બહેનો,
મારે તો આપને વિશેષ કાંઈ પણ જણાવવું નથી મારી તો હંમેશાં
અમારા મંડળની પ્રત્યેક સભામાં એક જ યાચના છે કે આપ સૌ ભાઈઓનો પહેલો ધર્મ એ કે
ગાયત્રી મંત્રથી પતિત ન રહેવું. કારણ કે પતિતોને પાવન કરનાર આપણા આર્ય ગ્રંથોમાં
એક જ આ મંત્ર છે જેને મનુ ભગવાને સ્મૃતિમાં ઘણું લખ્યું છે. જેમને જોવું હોય તે
ત્યાં જોઈ લે અધ્યાય ૨—૩માં અને જે ભાઈઓ ન જાણતા હોય તો આ સભામાં પ્રતિજ્ઞા લઈ લે
કે અમારે જરૂર શિખવું છે, એ મારી આજે પણ યાચના છે. બંધુઓ,
મુસલમાનોમાં લગભગ ૮૦ ફીરકાઓ છે,
આપસમાં મતભેદ છે અને એ મતભેદથી શીઆ—સુન્નીના ઝઘડામાં ખુના
મરકીઓ થઈ છતાં પણ જ્યારે દીન ઈસ્લામનો અવાજ ઉપડે છે ત્યારે ધર્મ ચંદ્રકાર લીલા
રંગના ઝંડા નીચે એકત્ર થઈ જાય છે અને એમનો હક લાઈલીલ્લાહ મહમદ રસુલીલલ્લાહના એકજ
કલમાને બધાએ માને છે. તેમજ આપણા હિન્દુ સનાતન ધર્મના અનેક વડાઓ છે,
મતમતાંતરો છે, પણ બધાય પર ઝંડો ઓમનો લાલ રંગનો છે અને આપણો મહામંત્ર
પ્રત્યેક વૈદિક સનાતન ધર્મમાં ગાયત્રી મંત્ર છે. માટે મારા પ્યારા સતપંથને માનનારા
ભાઈઓ હવે તમો સતપંથને મુકી વૈદિક સનાતન ધર્મને માનવા માટે ગાયત્રીના ઉપાસક બનો.
પીરશાહના બદલે ઓમકારનો જાપ જપો. ખાનામાં જ મંદિરો બાંધી ખાનાના રૂપને ફેરવી મંદિર બનાવો.
રામાયણ, મહાભારતની કથાઓ કરી ઘેર ઘેર આનંદમંગળ વરતાવો. એટલું કહીને
બેસી જવાની હું રજા લઉં છું.
શ્રીયુત ભાઈ રતનસિંહ ખીમજીએ કાર્યવાહક કમિટિની ચુંટણી સંબંધમાં જણાવ્યું કે ગત
વર્ષ દરમ્યાન મંડળના પ્રમુખ શ્રીમાન ભાઈ કરસન ઉકેડા,
ઉપપ્રમુખ માધવજીભાઈ ભીમજી તથા મંડળના સેક્રેટરી મુળજીભાઈ
શીવજી તથા ભાણજીભાઈ રાજારામ તેમજ મંડળના કાર્યવાહકોએ જ્ઞાતિની બહુજ સારી સેવા
બજાવી છે જેથી મારા મત પ્રમાણે આગામી વર્ષના માટે એઓશ્રીને જ એમના કાંધ પર
મંડળરૂપી રથની ધુંસરી લાદવામાં આવે છે તે આપ સૌ ભાઈઓ સહમત થશો. સૌ ભાઈઓએ હાથ ઉંચા
કરી સર્વાનુમતે એ ઠરાવ વધાવી લીધો હતો.
મંડળના પ્રમુખ કરસનભાઈ ઉકેડા જેમને ગત વર્ષ દરમ્યાનન પોતાની શાંત વૃત્તિથી
પ્રત્યેક સમયે હાજર થઈ પોતાની કાર્યવાહક કમિટિને સુચના આપી સુંદર સેવા બજાવી છે
જેથી તેઓનો તથા મંડળના મંત્રી મુળજી શીવજી જેમણે મંત્રીપદ પર રહીને સંગીન સેવા
બજાવી છે જેથી તેઓશ્રીનો તથા કાર્યવાહક કમિટિનો ધન્યવાદપુર્વક આભાર માનવામાં આવે
છે.
પ્રમુખ સાહેબે ઉભા થઇ જણાવ્યું કે સભાની કાર્યવાહી પુર્ણ થઈ છે. આજની સભાનું
કાર્ય સંતોષકારક થયું છે જેમાં આપ સૌ ભાઈઓએ પધારી નવયુવક મંડળના કાર્યને દીપાવ્યું
છે જેથી મંડળ તરફથી આપ સૌ ભાઈઓનો આભાર માની પુર્ણાહુતિ કરવામાં આવે છે. બોલો શ્રી
લક્ષ્મીનારાયયણ ભગવાન કી જય, વૈદિક સનાતન ધર્મકી જય.
ઓમ શાંતિ શાંતિ શાંતિ
લિ.
શ્રી કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિ સુધારક નવયુવક મંડળ તરફથી
મંત્રી મુલજીભાઈ શીવજી વીશાણી.
શાંતિ પાઠ
ઓરૂમ્ ર્ધાઃ શાન્તિરંતરિક્ષ ૐ શાંતિ પૃથિવી શાન્તિરાપઃ
શાંતિ રોષદ્યયઃ શાંતિઃ વનસ્પતયઃ શાંતિ ર્વિશ્વેદેવાઃ
શાંતિ બ્રહ્મ શાંતિઃ સર્વ ૐ શાંતિઃ શાંતિ રેવ શાંતિઃ
સામા શાંતિ રેધિ
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ ॥
આરતી
જય જગદીશ હરે પિતા જય જગદીશ હરે |
ભક્તજનો કે સંકટ(૨) ક્ષણમેં દુર કરે—ઓં. જય. |
જો દ્યાવે ફળ પાવે દુઃખ વિનશે મનકા—પ્રભુ. (૨) |
સુખસંપત્તિ ઘર આવે (૨) કષ્ટ મિટે તનકા—ઓં. જય. |
માત પિતા તુમ મેરે શરણ ગ્રહુ કિસકી—પ્રભુ. (૨) |
તુમ બિન ઔર ન કોઈ (૨) આશ કરેં જીસકી—ઓં. જય. |
તુમ પૂરણ પરમાત્મા તુમ અંતર્યામી પ્રભુ. (૨) |
પરમ બ્રહ્મ પરમેશ્વર (૨) તુમ સબકે સ્વામી—ઓં. જય. |
તુમ કરૂણા કે સાગર તુમ પાલન કર્તા—પ્રભુ. (૨) |
મેં મુરખ અજ્ઞાની (૨) કૃપા કરો ભર્તા—ઓં. જય. |
તુમ હો એક અગોચર સબકે પ્રાણપતિ—પ્રભુ. (૨) |
કિસ વિધ મિલું દયામય (૨) તુમકો મેં કુર્મતિ—ઓં જય. |
દીન બંધુ દુઃખ હર્તા તુમ રક્ષક મેરે—પ્રભુ. (૨) |
કરૂણા હસ્ત બઢાવો (૨) શરણ પડા તેરે—ઓં. જય. |
વિષય વિકાર મિટાઓ પાપ હરો દેવા—પ્રભુ. (૨) |
શ્રદ્ધા ભક્તિ બઢાઓ (૨) સંતન
કી સેવા—ઓ. જય. |
જય કચ્છ પ્રિ. પ્રેસ. મુંબઈ ૩.