24. કાકા રવજી લક્ષ્મણને ખાસ ચેતવણી - દિનાંક 02-Jan-1937
પીરાણા સતપંથી કણબી ભાઈઓ તથા મંગવાણાના પટેલ હીરા ખીમા
અને રસલીયાના ભગત મનજી હરભમ તેમજ પીરાણાના પુજારી
કાકા રવજી લક્ષ્મણને ખાસ ચેતવણી
આજે જ્યાં જુઓ ત્યાં પીરાણા પંથની જ પીંજણ પીંજાઈ રહી છે અને એજ સતપંથને માનનાર કણબી ભાઈઓમાં ખૂબ જાગૃતી આવતી જાય છે. જેને લઈને ગામ ખેડોઈ કોટડાવાળા ભાઈઓએ એક “શ્રી કચ્છ કડવા પાટીદાર સેવા મંડળ”ને નામે મંડળ પણ ઉભું કર્યું છે તેમજ ગામ લુડવા, દરશડી, રાજપર, વીરાણી વિગેરે ગામોના ભાઈઓ પણ તેઓની સાથે મળીને પીરાણા સતપંથના શાસ્ત્રોને ખૂબ જોવા મંડી પડ્યા છે. તેમાંથી તેઓએ પચીસ પ્રશ્નોની બુક છપાવી સૈયદ બાવા સાહેબ અહેમદઅલી ખાકી પાસે તેના જવાબો પણ માગ્યા છે. તેમજ તેઓએ વિનંતી પત્રના નામે એક કાગળ પણ છપાવ્યો છે તેમાં તે ભાઈઓ લખે છે કે “આપણે પીરાણા સતપંથને માનનાર કણબી ભાઈઓ છીએ, તે કોણ? હિન્દુ કે મુસલમાન.” તેવો સવાલ પુછી કચ્છમાંથી કરાંચીમાં આવેલા આગેવાનો તથા જ્ઞાતિ પાસે જવાબ માંગ્યો છે, પણ આજ દિવસ સુધી અમારી જાણમાં નથી કે તેઓએ શું નિર્ણય કર્યો છે. “હિન્દુ કે મુસલમાન”, તેથી તે સંબંધમાં અમો સેવા મંડળના ભાઈઓને કહીએ છીએ કે ભાઈઓ, એ આવનાર આગેવાનો બિચારા શું ખુલાસો કરશે. ખુલાસો તો તમોએ સૈયદ પુંજામીયાં હુસેનમીયાંનો વાંચી લીધો છે તેથી હવે જો તમારે મુસલમાન બનવું હોય તો સતપંથી રહો, ને જો હિન્દુ જ રહેવું હોય તો તમારે કોઈને પણ પુછ્યા સિવાય તે ધર્મનો ત્યાગ જ જોઈએ.
અમો કચ્છમાંથી આવેલા આગેવાનોને તથા કરાંચીમાં પીરાણા સતપંથની હુરાઓના ખાસ ઉમેદવારો તેમજ ભાઈ વીરજી પચાણ તથા દાના પ્રેમજી વિગેરે સતપંથી ભાઈઓને જરૂરથી ચેતવીએ છીએ કે આ બાબતનો તમારે હમણાં જ ગમે તે ભોગે પણ ફેંસલો કરવો જોઈએ. જો તમોને મુસલમાની કલમા પસંદ હોય અને ઈમામ હુસેન હુસેનને જ તમારા વડીલો અને પૂજ્ય માનવા હોય તો હવે તમો એક મિનિટ પણ ઢીલ કરશો તે તમારે માટે નકામી છે. તેથી થાઓ તૈયાર અને તેડાવો સૈયદ પુંજામીયા હુસેનમીયાંને કે જે તમારી ઈસલામના કાયદા મુજબ ક્રિયા કરી વરઘોડે ચડાવી દે અને જો તમારે રામના વંશ જ રહેવું હોય તો હવે પીરાણાપંથ તેમજ તે પંથના સૈયદો અને વટલેલ કાકાઓની સંગત મૂકી ખાસ હિન્દુ સનાતની મોટા પંડિતોને બોલાવી તેના શરણે જઈને માફી માંગો કે જેથી તમારા ઉપર જે આ અર્ધદગ્ધ ખીચડીયા પીરાણા સતપંથનું આળ છે તે ઉતરી જાય અને તમો જે ગુજરાત તથા કાઠીયાવાડી સાગર નાતથી, તજાયેલા ભાઈઓને પવિત્ર જ્ઞાતિ ગંગામાં ભેળી દે તેથી તમો પાછા તે જ જ્ઞાતિ ભાઈઓને શરણે જાઓ તો પાછા તમો રઘુવંશી રામના વંશજ તરીકે લેખાશો. આપણી તે જ્ઞાતિના ભાઈઓ ઘણા દયાળુ છે તેઓ જરૂરથી તમારી અરજીને સ્વીકારી પાછા પોતાની ગોદમાં લઈ લેશે. પણ તે નહિ કરતાં હજી પણ જો તમો એ જ પીરાણાપંથનું પૂછડું ઝાલીને કલમાઓ પડ્યા કરશો તો જરૂરથી હિન્દુ સમાજમાંથી તમારું નામ નિશાન પણ નીકળી જવામાં વાર નહિ લાગે.
આજ દિવસ સુધી સતપંથી ભાઈઓએ જે કાંઈ લખ્યું છે તે વાંચીને અમો ધારતા હતા કે હવે કરાંચીવાસી ભાઈઓ જરૂરથી કાંઈકપણ ફેરફાર કરશે તેથી આપણે બેઠાબેઠા જોયા કરવું પણ તમારું વર્તન દેખીને અમોથી અમારી ફરજ બજાવવાનું રહી શકાતું નથી તેથી જ અમો કરાંચીમાં આવેલા મંગવાણાના પટેલ હીરા ખીમા તથા ગામ રસલીયાના વેદીયા ભગત મનજી હરભમ તથા પીરાણાથી આવેલા ભગવાધારી કાકા રવજીને ખાસ ચેતાવીએ છીએ કે ભાઈઓ તમોએ આજ દિવસ સુધી જ્ઞાતિના જ પૈસાથી ખૂબ માલ મલીદા ખાધા છે અને મોજો પણ ઘણી માણી છે તેથી ખરી અણીના વખતે જરૂરથી તમો પીરાણાપંથી ભાઈઓને હિન્દુ જનતાથી ટળી જતા અટકાવશો, અને ખાસ સૈયદ બાવો સાહેબ જે તમોને આજ દિવસ સુધી ઉંધે રસ્તે દોરી રહ્યો છે કે, “પીરાણાપંથ હિન્દુ ધર્મ છે” તેને સૈયદ પુંજામીયા હુસેનમીયાં જે સાચું કહી રહ્યો છે તેની પાસે તેડી જઈ બધી વાતની સફાઈ કરી તેની ઈસલામના કાયદા મુજબ તબલગની ક્રિયાઓ કરાવો કે તે બિચારો પોતાના દાદાઓના બતાવેલા સ્વર્ગમાં પોંચવાનો હક્કદાર બને અને તમો પીરાણાપંથનો ત્યાગ કરી શુદ્ધ સનાતન ધર્મની દિક્ષા લ્યો. આ બે વાતમાં તમોને જે વાત પસંદ હોય તે જલ્દીથી સ્વીકારી લેશો.
આટલું કહ્યાં છતાં પણ જો તમો કાંઈપણ ખુલાસો નહિ કરો તો ચોખ્ખું જણાઈ આવશે કે તમો અહીં ફક્ત તમારો સ્વાર્થ સાધવાં અને અજ્ઞાન ભાઈઓમાંથી પીરાણા સતપંથની અંધશ્રદ્ધા તૂટી ન જાય અને તમારો હંમેશનો હરામી હક્ક (ગોઠીયાં કરવાનો અને પાપી પેટ ભરવાનો) માર્યો ન જાય એટલા માટે જ મોટાઈનો ડોળ કરીને આવ્યા છો. એવું સર્વ જ્ઞાતિ ભાઈને તથા જાહેર જનતા સમક્ષ સાબિત થશે ને તમારા કપાળમાં જ્ઞાતિના દ્રોહનું કાળું કલંક ચોટી જ રહેશે. અસ્તુ