Book: Abhilekh -2, 2024 (અભિલેખ -2, 2024)

Index

23. શું પીરાણા સતપંથ હીન્દુ ધર્મ ઠરશે? - દિનાંક 06-Feb-1937

                                                                                                પાટીદાર પત્રિકા  નંબર ૪

શું પીરાણા સતપંથ હિન્દુ ધર્મ ઠરાશે ?

પીરાણા સતપંથી કણબી ભાઈઓને ખાસ ચેતવણી

વ્હાલા ભાઈઓ,

          તમોએ તમારા આગેવાનોને દેશમાંથી તેડાવ્યા તે એ આશાએ કે જો આગેવાનો આવે તો આ મંડળવાળાઓ જે પીરાણાની પાડી કાઢી રહ્યા છે તેને કાંઈક જવાબ દે પણ બંધુઓ ! તમો ભુલ્યા છો  તમો તમારૂં બધું બળ એકત્રીત  કરીને ગરીબ ભાઈઓને પુછ્યા સિવાય દેશમાંથી આગેવાનો તથા પીરાણેથી કાકાઓ વિગેરે તેડાવી તેઓને ગાડી—ઘોડા, મોટર, નાટક—સીનેમાઓમાં ખુબ ઘુમાવ્યા. માલ મલીદા પણ ખુબ ખવરાવ્યા અને અંતે જતી વખતે પગે પડીને ખરચીના પઈસાઓ પણ ખુબ આપ્યા. છતાંપણ તેઓ તો તમોને ધીરજ રાખવાનું કહી કહીને અંતે આજે પાંચ વરસ પહેલાના જુના પેપરના ઉતારા ખોટા સાચા ભેગા કરીને તે કાગળીયાઓ છપાવીને તમારા હાથમાં આપી ગયા જેને વાંચીને તમો માંહોમાહે ખુબ હરખાઓ છો પણ વિચચાર કરો. ઓ અમારા મુર્ખ બંધુઓ ! તમારા એ કહેવાતા આગેવાનો આવ્યા ત્યારે જ તમારી સામે સવાલ ઉભો થયો કે તમો સતપંથી “હિન્દુ છો કે મુસલમાન” તેનો જવાબ આપવાના ઠેકાણે તમારા એ આગેવાનોએ જે નનામું ચીથરીઊં છપાવ્યું તે છપાવ્યું તો ખરૂ પણ અહીં અમારી સામે તેને વેચવાની હીંમત ન ચાલી. ત્યારેજ આગબુટમાં બેસીને પછે વેચ્યાં કારણ કે તેઓ તો જાણતા જ હતા કે આ અમારું ધતીંગ છે તે જો અમો આહી હશું ને ભાઈઓને આપીશું તો તેના સંબંધમાં કોઈક સાચું કહી દેશે તો અમારૂ કાવતરૂં પકડાઈ જશે અને અમોએ જે આજ દિવસ સુધી માલ મલીદા ખાધા છે ને મોટર ગાડીની મોજો માણી છે તે ભારે પડી જશે.

          ભાઈઓ ! દુનિયા સારી પેઠે હવે જાણી ગઈ છે કે તમારા તે આગેવાનો પોતાના પીરને પગલે ચાલી આટલા દિવસ સુધી હિન્દુ જનતાને કેમ ઠગી છે પણ હવે તે તમારૂં પાપ તમોને ડંખે છે તેથી જ તમોને જે તમારી પરિસ્થિતિ જાણે છે કે તમો તથા તમારા આગેવાનો કયા ધર્મને માનનારા છો તે મંડળવાળાને તમો મો ફાટતી ગાળો આપો છો ફીકર નહિ ભાઈઓ તમારા જેવા અર્ધદગ્ધ ખીચડીઆ પંથને માનનારા બંધુઓ તરફથી બીજી કઈ સારી વસ્તુની આશા રાખી શકાય.

          કોઈપણ સમજદાર ભાઈ તમોને પુછે કે પટેલ તમો કયા ધર્મને માનો છો ? તો તમો જોરથી મોઢું ફાડીને ઝટ કહી દયો છો કે ચાલ્યો જા અમો ગમે તે ધર્મને માનતા હોઈએ તેમાં તારે શું ? ખબરદાર જો અમારા ધર્મની વાત જ કરી છે તો તને અમો છુટથી સંભળાવી દેશું (શું ગાળો.)

          ભાઈઓ પીરાણા સતપંથ હિન્દુ ધર્મ છે એવું જો સાબીત હોય તો તમારા જે આગેવાનોએ આ ચીચરીઉં છપાવ્યું છે તેને મોકલો પીરાણા કે  જ્યાં સૈયદ પુજામીયા હુશેનમીયા રહે છે. કે જે જાહેર કરે છે કે જો પીરાણાપંથ હિન્દુ ધર્મ છે એવું સાબીત કરી આપે તેને રૂપીયા  ૫૦૦૧નું ઈનામ આપવામાં આવશે. તેથી હિન્દુ ધર્મ છે એવું સાબીત કરો ને લ્યો ઈનામ.

          બંધુઓ ! તમોએ તમારા આગેવાનોને તેડાવ્યા તેથી તે આવ્યા અને જે કાગળીઓ છપાવી તમોને આપી ગયા છે. તેમાં અકોલા હિન્દુ મહાસભાના કાર્યધ્યક્ષ ડૉ. મુજે એ ત્યાં ઠરાવ કર્યો છે તે વાંચીને તમોએ માની લીધું કે પીરાણા સતપંથ હિન્દુ ધર્મ ઠર્યો છે પણ ભાઈઓ તે ઠરાવ તમારા આગેવાનો નાજ છપાવેલ કાગળીઆમાં વાંચો તો તમોને ખબર પડે.

          જુઓ તેઓ હિન્દુ અને હિન્દુ જ્યોતી તા. ૨૦—૯—૩૧ના અંકનું પાનામાં લખે છે કે જેનો ઉતારો તમારા નનામાં છપાવેલ લેખમાં તમારા એ આગેવાનોએ પણ આપ્યા છે. તે આંખ ખોલીને વાંચો.

          અખિલ ભારતીય હિન્દુ મહાસભાના અકોલાના કાર્યાધ્યક્ષ ડૉ. મુજે એ ખાન દેશના લેવા પાટીદાર જેઓ સતપંથીઓ છે તેમના સંબંધમાં નીચેનું પ્રમાણ પત્ર આપ્યું છે.

          અમારી પાસે રજુ કરવામાં આવેલા લેખિત પુરાવા ઉપરથી અમારો સ્પષ્ટ અભિપ્રાય એવો છે કે ખાનદેશની લેવા પાટીદાર જ્ઞાતિએ સ્વીકારેલો સતપંથ વેદ વિરુદ્ધ નથી માટે તેમના જ્ઞાતિ બંધુઓએ તેમની સાથેનો વિરુદ્ધ હોય તો તે મુકી દઈ તેમની સાથેનો રોટી બેટીનો પુનઃ વ્યવહાર ચાલુ રાખવો.

          આવો ચોખો ખુલાશો તે વખતે પરિષદના કાર્યકર ડૉ. મુજે તરફથી બહાર પાડવામાં આવ્યો છે છતાં પણ તમો બીલકુલ અંધ થઈને હરખાઓ છો. તેથી તમારી મુર્ખાઈની  તો હવે હદ જ આવી જાય છે.

          ભાઈઓ ! ડૉ. મુજે એ સતપંથને વેદિક ધર્મ કહ્યોને સતપંથીઓને વેદાનુયાયીઓ કહ્યા છે પણ તે તમને નહિ પણ ખાનદેશ તથા ગુજરાતી લેવા પાટીદારોને કારણ કે તેઓ પોતાના બાળકોને વેદ વિધી અનુસાર ચોરી બાંધી પરણાવે છે તથા મુડદાને પણ હિન્દુ રિવાજ મુજબ અગ્નિ સંસ્કાર કરે છે. ત્યારે તમો કચ્છવાસી પીરાણાપંથી કણબી ભાઈઓ તો તમારા બાળકોને સાફ બીસમીલ્લાહના કલમાંથી નીકાહ પઢાવો છો અને મુડદાને મુસલમાની રીવાજ મુજબ દાટી તેના ઉપર ખાસી મજાની પથ્થર કે સીમેન્ટની કબરો કરી ઉપર માનતાઓ કરો છો. અને કબ્રસ્તાનમાં બેસી લાપસીઓ રાંધીને ત્યાં ખાઓ છો. આવા રીવાજો પાળનાર કદી વેદાનુયાયી કહેવાતા હશે ? બીચારા ડૉ. મુજેને પણ તમારા ખાનદેશના સતપથીઓએ જે લેખીત પુરાવા રજુ કર્યા છે. તે મુજબ જ તેણે ઠરાવ કર્યો છે પણ જો તેના પાસે આખી બાબત પીરાણા સતપંથની રજુ કરવામાં આવે તો તે પણ એવો અભિપ્રાય આપે કે જગત જુએ.

          ભાઈઓ ! આના સંબંધમાં તો મંડળ તરફથી તમોને જે પ્રસાદી મલવા યોગ્ય હશે તે મળશે જ મારે તો તમો ભાઈઓને ખાસ ચેતાવવા પડે છે કે મહેરબાની કરી તમારા આગેવાનોના આ એક નમાલો અને નનામાં છપાવેલ ચીથરીઆ ઉપર ઘણી કુદા કુદ કરવી રહેવા દયો નહીંતો કોક અન્ય જ્ઞાતિના હિન્દુ ભાઈને ખબર પડશે તો પછી તમારુ પોકલ બધુ ખુલી જશે અને તમો વળી પાછા હડધુત થાઓ છો તેથી વિશેષ થશો.

          ભાઈઓ આ શું બધુ ખોટું છે ? તમો તમારા છોકરાઓને મુસલમાની કલમાં ફરમાનજી બીસમીસમીલ્લા હરરહેમાન નરરહીમ સતગોર ઈમામશાહ સુત નરઅલી મહમદશાહ મનારી દુવા ભણી પછી હકલાયલા ઈલ્લા મહમદ  રસુલ્લીલાહ કહી છોકરાંને કાંકણ (હથેવાળા) નથી આપતા ? તેમજ કોઈપણ માણસ નાનું કે મોટું મરી જાય જ્યારે તેને નનામી (ઠાંઠડીમાં) સુવાડતી વખતે દરૂદ કલમો પઢી પછીથી કાંધીઆઓ ઉપાડે ત્યારે શું તોબા તોબા નથી કરતા ? અને કબ્રસ્તાનમાં ખાડો ખોદી મુડદાને કબરમાં સુવાડતી વખતે શું બીસમીલ્લાનો કલમો નથી બોલતા ? વળી તેને દાટી ચાલીસ ડગલાં—પગલાં ચાલી વળી પાછા તમો એજ કલમાઓ નથી બોલતા ? તેમજ તેને ત્રીજે દિવસે તે જીવની પાછળ જારત તથા ખથમો (ત્રીજા દીવસનું જમણ શું નથી કરતા ? વળી તમો  શું રોજા નથી રાખતા ? શું તમો પીરનો ઓરસ નથી કરતા ? આ બધું શું ખોટું છે ? આટલું જ અમો પણ વેદ વીરૂધ માનીએ છીએ અને તે જ તમોને કાઢવાનું કહીએ છીએ એટલું જો કાઢી નાખો તો તમો પણ સોટચના સોના જેવા જ પુરા હિન્દુ છો. પણ જ્યાં સુધી એ ન કાઢો ત્યાં સુધી ચોખા મુસલમાન કહેવાશો. તમો પુછો કે આ ઉપરની ક્રિયા કરનાર કોઈપણ માણસ વેદધર્મી કહેવાય ? તો એક મુરખ માણસ પણ સાફ ના જ પાડી દેશે છતાં પણ ડૉ. મુજે જે ઠરાવ કર્યો છે તે તમારી હમેંશની પ્રપંચ જાળમાં ફસાઈને જ તે બીચારાને તો તમોએ જે લેખીત પુરાવા આપ્યા છે તે ઉપરથી જ તેણે જાણ્યું કે ખાનદેશ તથા ગુજરાતના લેવા પાટીદારો કરે છે. તેટલુંએ જો કરતા હોય તો હરકત નહિ પણ ઉપર મુજબ તેને ચોખું તમો કહી દયો તો તે પણ જરૂરથી વિચાર કરે કે હંસના પીછામાં આતો કાગડા છે. સાધુઓને ભગવા લુગડાં પહેરાવીને હિન્દુ જનતાને ઠગે છે તેથી તેમના દરેક પ્રકારના હિન્દુ વ્યવહાર બધું જ કરવા જોઈએ જગત ગુરૂ શંક્રાચાર્યે જ્યારે તમારૂ આ બધુ ભોપાળુ જાણ્યું ત્યારે જ ઠરાવ કર્યો કે સતપંથીઓને હિન્દુ તરીકે ન ગણવા તે  શું ગેરવ્યાજબી છે ? ના બીલકુલ નહિ જ્યાં સુધી ઉપરના રિવાજો તમોમાં ચાલુ હોય ત્યાં સુધી તે બીલકુલ વ્યાજબી જ છે. તમો ભાઈઓ ખુબ ઠગાણા છો લુટાણા છો તમો એ તમારું ધર્મ અને ઈજ્જત બહુ ગુમાવી છે તેથી તમો  તમારી આંખને ઉઘાડો અને જો ભગવાને તમોને અકલનો એક છાંટો પણ આપ્યો હોય તો મુર્ખાઈનો પસ્તાવો કરો કે જેથી આટલા દિવસ તમો હિન્દુ જનતાને છેતરી છે તેનું પાપ તેઓ અને અદલ ઈનસાફી ઈશ્વર તમોને માફ કરે આટલી જ તમોને મેં ચેતવણીરૂપે ખબર કરી છે તેથી સતપંથી મારા જ્ઞાતિ ભાઈઓ વિચાર કરશો એ થયેલી ભુલનો પસ્તાવો જાહેર કરશો. એજ.

 

નથરવાનજીની મીલની બાજુમાં હરચંદરાય

પ્લોટ નંબર ૧૫, લોરન્સ રોડ, કરાંચી        

તારીખ, ૬ઠી ફેબ્રુઆરી ૧૯૩૭               

લી. જ્ઞાતિનો અદના સેવક,

પટેલ રૈયા નાગજી ચૌધરી

ગામ નખત્રાણાવાળા.

 

 

—-

તા.ક. — મારી પત્રિકાઓ વાંચી મને દેશમાંથી કેટલાક ભાઈઓના ધન્યવાદના કાગળો આવે છે તેથી હું સર્વે ભાઈઓનો ઉપકાર માનું છું. અને સાથે કહું છું કે ધન્યવાદ મને અને આખી જ્ઞાતિના ભાઈઓને જાગ્રત કરનાર ભાઈ નારાયણજી રામજીને આપવા જોઈએ.

—-

દુર્ગા પ્રિન્ટિંગ પ્રેસ, કરાચી

 

Leave a Reply

Share this:

Like this: