મને કેટલાક ભાઈઓના તરફથી કહેવામાં આવે છે કે તમો કાંઈકપણ લખો પણ મને તો ઉગમણાં
પાંચાડાવાળા પીરાણાપંથી સતપંથી પાટીદાર ભાઈઓનો વિનંતી પત્ર જે તા.૨૧—૧૨—૩૬ના રોજ
બહાર પાડવામાં આવ્યો છે, તે વાંચીને એક જ વિચાર આવે છે કે પીરાણાપંથી કણબી જ્ઞાતિના
આગેવાનોને તો “પાડાના પુંછડે પાણી ઢોળો તોયે શું અને ન ઢોળો તોયે શું” જુઓને આજે
કેટલાય દિવસથી સુધારકો તેઓને કેવી કેવી ઉપમાઓ આપી રહ્યા છે છતાં પણ તેઓ તો જાણે
કાંઈપણ જાણતા જ ન હોય તેમ હજીપણ પીરાણાપંથ હિન્દુ ધર્મ છે એવું જ લોકોને મનાવી
રહ્યા છે.
કચ્છમાંથી જે ગેઢેરાઓ આવ્યા છે તેઓએ સાંભળવા મુજબ એક પેપર—લેખ જે ભગત મનજી
હરભમભગત ના ઘરે રહી ગયો છે તે મંગાવ્યો છે તેથી તેના સંબંધમાં મારાથી હમણાં તો
કાંઈ બોલાય તેમ નથી તે આવે અને જાહેરમાં થાય ત્યારે વાત. પણ હમણાં તો મને ઉપરવાળો
વિનંતી પત્ર વાંચીને ઉગમણા પાંચાડાના સતપંથી ભાઈઓ ઉપર ખૂબ હસવું જ આવે છે. કારણ કે
આજે આખી દુનિયામાં ઢંઢેરો પીટાઈ રહ્યો છે કે પીરાણાપંથ મુસલમાની પંથ છે તેથી આપણને
વટલાવે છે છતાં પણ હજુ આગેવાનોને પૂછે છે કે આપણે પીરાણાપંથી છીએ કોણ હિન્દુ કે
મુસલમાન? ભાઈઓ કોઈપણ મુરખ માણસને પણ પૂછી જુઓ કે જે ધર્મમાં
બીસમીલ્લાહર રહેમાન નરરહીમ સતગોર પાત્ર બ્રહ્મા તે ઈદર ઈમામશાહ સુત નરઅલી મહમદશાહ
અને હક લાયલા ઈલ્લા મહમદ રસુલીલ્લા વિગેરે કલમો પડતા હોય અને જે ધર્મના ધર્મ ગુરૂઓ
સૈયદો હોય તેમજ તેના અનુયાયીઓ મડદાંને દાટતા હોય તેની પાછળ જારત વિગેરે ક્રિયાઓ
કરતા હોય તેમજ પોતાના છોકરાંઓને વેદવિધિ અનુસાર ચોરી બાંધીને નહીં પણ ઈજ
બીસમીલ્લાના કલમામાંથી નીકાહ પડાવતા હોય તેમજ રમજાન મહિનાના રોજા વિગેરે જરૂરી
ક્રિયાઓ પણ કરતા હોય. ઉઠતે અલ્લાહ બેસતે અલ્લા એમ દરેક કામની વખતે પણ બીસમીલ્લા
બોલતા હોય તે ધર્મ હિન્દુ ધર્મ છે એમ કહેવાય?
તો તે પણ તમોને જરૂરથી ચોખું સમજાવી દેશે કે તે તો સાફ છે
કે તે પીરાણાપંથ મુસલમાનીપંથ છે તેથી બંધુઓ ! તમો હજી પણ ઈશ્વરનો ઉપકાર માનો કે તે
ચંડાળોએ તમોને અભક્ષાભક્ષ નથી કરાવ્યો તેથી આજ દિવસ સુધી હિન્દુપણાનું તમારું
અભિમાન રહ્યું છે. ખેર જાગ્યા ત્યારથી સવાર ગણોને એ સતપંથીઓની સંગત મૂકો તો પણ બસ
છે.
સાંભળવા મુજબ અહીં આવેલા મંગવાણાની પટેલ હીરા ખીમાએ પીરાણે સૈયદોના ઘરે
અનેકવાર માજીમાઓની રાંધેલી સેવું ખૂબ ખાધીઉં છે તેમજ સાથે તેમના ઘરની કઢી પણ ખૂબ
તાણી તાણીને પીધી છે જો આ વાત સાચી હોય તો પટેલ હીરા ખીમા તથા તેમને ઘરમાં બેસીને
જમાડનારા ભાઈઓને ધન્યવાદને સાથે ધિક્કાર જ આપવો જોઈએ. પણ એ વાત બનવી અસંભવિત જેવી
છે. ખેર તે તો બિચારા પોતાના મતલબને જ પીટે છે. “વર મરો કન્યા મરો પણ ગોરનું
તરભાણું ભરો” તેમજ “ફટ ચો બુડ ચો પણ હેમ ભાણેમેં વેઝ” તે મુજબ જ એક જ સિદ્ધાંતને
માની લીધો છે. કરાંચીમાં આવ્યા છે તે પણ તમારી પાસે જરૂરથી કાંઈને કાંઈ આસરો લેવા
ને જ કારણે તેમના કરતુકના સંબંધી એક વાત ઉડી છે કે કોઈ બાબત ઉપરથી રોહાના
ઠાકોરશ્રી હમીરસિંહજી સાહેબે તેઓને રજા આપી છે કે ગમે ત્યાં જા (આ વાતમાં સત્ય
કેટલું છે તેનો પટેલશ્રી પોતે ખુલ્લું કરે તો જણાય બાકી હમણા તો અનેક ગોળાઓ ઉડે
છે) તેથી તે તમારી પાસે કાંઈક ખર્ચ પાણીનો તથા રહેવાનો આસરો લેવાને આવ્યા છે તેવી
હમણાં ખૂબ ચર્ચાઓ થાય છે.
મનજી હરભમ ભગત રસલીયાવાળો આવેલ છે તે બિચારો વૃદ્ધ માણસ છે તેથી તેમને તો
મારાથી વધારે કહેવાય જ નહિ પણ હું તેમને એક વાત યાદ દેવરાવીશ કે તેઓશ્રીએ તથા
તેમના સંગતી મુખી દેવશી લધા રવાપરવાળા વિગેરે આઠ જણે આપણી જ્ઞાતિના માટે આઠ કાયદાઓ
સાં.૧૯૬૫ થી ૭૦ {Year: 1908-09 to 1913-14} લગભગમાં ઘડ્યા છે જે હજીપણ રવાપરના ખાનાના ચોપડામાં મોજુદ હશે તે કાયદાઓમાં ને
મંડળવાળા ભાઈઓ જે કાયદા કહે છે તેમાં ફેર કેટલો છે તેમજ સાં.૧૯૭૭ {Year: 1920-21} ની સાલમાં ત્રણ પાંચાડાની નાત વિથોણ ગામે ભેગી થઈ હતી
ત્યારે ખાનામાં ઉભા થઈને ભગતશ્રીએ એક દુવા વાંચી હતી જે છોકરાઓને કાંકણ બાંધવાની
તેની આગળનો ભાગ જે બીસમીલા હર રહેમાન તથા નીચેનો ભાગ હક લાયલાના કલમાનો મુકી શા
માટે દીધો હતો તે વખતે તો તેઓ જવાબમાં બોલ્યા હતા કે આ આપણને શોભતું નથી. આવું
કહેનાર ભગતશ્રી હમણાં જે ચેલાઓ મુંડે છે તેને “કેવળ ઈમામ” આ નામનો ગુરૂ શબ્દ આપતા
હોય તો પછી દળી દળીને કુલડીમાં ઉઘરાવ્યા જેવું થાય. હું ભગત મનજીને કહીશ કે ભગત
બાપા ! તમારી હવે છેલ્લી અવસ્થા છે તેથી કાંઈક પણ જ્ઞાતિનું ભલું થાય અને જ્ઞાતિ આ
પાપી પંથમાંથી છુટી જાય તો તેના આશિષથી તમારી છેલ્લી ઘડી સોહેલી થાય એવું કરો તો ઠીક
કહેવાય.
પીરાણાના પૂજારી કાકા રવજીએ તો હું કાંઈ કહું તે કરતાં કાકાશ્રી પોતે કાંઈક
વિચારે તો વધારે સારું કારણ કે પોતે કુર્મી ક્ષત્રિયના બાળ થઈને મુસલમાની પીર
ઈમામશાહના નામનો ભેખ લઈ બેઠા છે તે પણ લજાવે નહિ તો સારું કારણ કે સાધુ થઈને ગપા
મારવા તે તેને ન શોભે. જુઓને કાકાશ્રી આવ્યા કે વાત કરી કે પીરાણામાંથી પીરની કબર
ઉપરથી તોરણોની ચોરી થવા માંડી પણ ચોર પકડાણો નહિ.
પાંચ તોરણ ચોરી ગયા પછી છઠ્ઠું તોરણ લેવા આવ્યો એટલે તે અંધો થઈ ગયો શું આ
નાની શુની ગપ કહેવાય? પાંચ તોરણ ચોર્યા તે વખતે પીર ઈમામશાહ કે નરઅલી મહમદશાહ
પીરાણાની દરગાહની ગાયું ચારવા ગયા હશે પણ માજી બીબી ફાતમા તો ત્યાં રસોઈ કરવાને
ઘરની રખેવાળી કરવા ત્યાં જ રહ્યા હશે જ છતાં પણ તેણે પણ શું ચોર ન દીઠો?
આવી આવી વાતું કરેથી પીરાણાનો મહાતમ હવે વધવાનો નથી.
કાકાશ્રી તે ગપનો અને અંધશ્રદ્ધાનો જમાનો હવે ગયો. હવે તો આ વાત કરવાથી કરાંચીની
બજારમાં તમારી સાધુપણાની કિંમત કેટલી થઈ છે તે તો જુઓ. હવે તો વિસમી સદીનો જમાનો
છે તે જાગતો છે. તેમાં તમારી ગપોળ કથાને કાગળની બેડીથી બાવે માણસોને તાર્યા એ વાત
મનાય એમ નથી તેથી ચેતીને બોલતા જાઓ નકા વધારે ન કરતા ટાઢામાં સંકેલો તો સારું
કહેવાય.
હવે હું પીરાણા પંથી સતપંથી કણબી ભાઈઓને કહું છું કે તમો હવે તો ખૂબ ધરાઈ ગયા
હશો તમો તો કેટલીયે આશા રાખી હશે કે આગેવાનો આવ્યા ને કાકો આવે એટલે અમો
મંડળવાળાને સીધા કરીએ પણ તેના બદલામાં તો તમારું જ સોયલું અને ઝાપટેલ પાધરું થઈ
રહ્યું ને સવાલ ઉભો થયો કે પીરાણાપંથી છે કોણ?
હિન્દુ કે મુસલમાન. તેથી ભાઈઓ આવેલા મહેમાનોને ઝટ વિદાય આપો
નહિ તો કરાંચીમાં ક્યાંય પણ તમારો ધડો થશે નહિ. તેથી ન ઘરના કે ન ઘાટના થશો. એટલે
ન હિન્દુ ન મુસલમાન એવી રીતે બેય બાજુથી તગડાશો એ જ તમારા જાણવા જોગું જ અત્રે
લખ્યું છે, વધારે તો તમારો મંગાવેલ લેખ આવશે ને તમો જાહેર કરશો ત્યારે
વાત. હાલતો ભાઈઓ રામ રામ છે.