પીરાણા સતપંથી પાટીદાર જ્ઞાતિ ભાઈઓને
વિનંતી પત્ર
—-
પૂજ્ય જ્ઞાતિના વડીલો,
ભાઈઓ,
માતાઓ અને
બહેનોની પવિત્ર સેવામાં
કરાંચીથી લીખતંગ અમો ઉગમણા પાંચાડાના કેટલાક પાટીદાર ભાઈઓના
સવિનય ઘટિત વાંચશો.
વિ.વિ.સાથે જ્ઞાતિના સમસ્ત નાના મોટા ભાઈઓ પાસે અમારી નમ્રતાપૂર્વક અરજ છે કે,
આપણા કચ્છ દેશમાં વરસાદના અભાવે કેટલાક વરસો દુકાળ જેવા
થવાથી ખેતીમાં પેદાશ પુરતી નહિ રહેવાથી આપણી જ્ઞાતિના અમો કેટલાક ભાઈઓ પરદેશમાં
વસીએ છીએ. જ્યાં અમો રહીએ છીએ ત્યાં બીજી ઉચ્ચ જ્ઞાતિના માણસ પણ રહે છે. તેઓ આપણા
રીતરિવાજો કે જે આપણા કેટલાક ભાઈઓ મુડદાંને દાટીએ છીએ તેના પાછળ ત્રીજે દિવસે
જારતની ક્રિયા કરીએ તથા ત્રીયું (ત્રીજા દિવસે જમણ) પણ કરીએ છીએ,
વળી તેની પાછળ દેવ વિગેરે કરીએ છીએ તે જોઈને અમોને બહુ
શરમાવે છે પણ અમો સતપંથનો તથા નાતનો કાયદો લોપી શકતા નથી. તેથી સતપંથના રીતરિવાજો
શા માટે કરવામાં આવે છે તેના ખુલાસા માટે સૈયદ બાવા સાહેબ અહેમદઅલીને મુખી કાનજી
વિરજીના નામથી પચીસ પ્રશ્નોની એક ચોપડી છપાવીને પુછ્યા તેનો જવાબ અમોને સૈયદ બાવા
સાહેબે એક કાગળીયો છપાવીને જ પતાવી દીધો છે. જે તમારી પાસે પણ આવ્યો હશે ને તમો
વાંચ્યો હશે. ન વાંચ્યો હોય તો તમો જરૂરથી વાંચી જોશો તો તમોને પણ ખાત્રી થશે કે
તેણે જવાબો લખવામાં કેટલો પોતાના દંભ દેખાડ્યો છે. પોતે વિદ્વાન છે તેથી આપણને અભણ
અને ભોટ માની ન્યાયદર્શન તથા મનુસ્મૃતિના અધુરા શ્લોકો લખી પોતે ઋષિઓ અને મલેચ્છો
બધાએના લક્ષણ એક સરખાં હોવા જોઈએ તેવું બતાવી પોતાની વિદ્યાની કિંમત કરાવી છે. વળી
તે આગળ જતાં જે લખે છે તેનો મુળ ઉદ્દેશ એજ છે કે,
જ્યાં સુધી તમો હિન્દુ અને મુસલમાનનું જુદાપણું જાણશો ત્યાં
સુધી તમોને સતપંથ સમજવામાં નહિ આવે તેથી તમારે ને મારે ખાલી માથાકૂટ કરવી નકામી
છે.
પૂજ્ય વડીલો આવો જવાબ આપી સૈયદ બાવા સાહેબે તો ખરેખર અમો સતપંથીઓની હાંસી જ
કરી છે. પોતે વિદ્વાન છે તેમ પોતે પીરાણાના પીર ઈમામશાહની ઓલાદના હોવાનો દાવો કરે
છે પણ અમોને તો આ કાગળીયાથી બિલકુલ તેની છળ પ્રપંચની નીતિ જ દેખાય છે કારણ કે જુઓ
ઈમામશાહના વંશના થઈને કેટલું ગોળમટોળ ન હિન્દુ કે ન મુસલમાન જેવું વર્તન કરી રહ્યા
છે. પણ ઈમામશાહના વંશના તો સૈયદ પુંજામીયાં હુસેનમીયાં છે કે જે સત્યવક્તા નીડર
અને બાહોશ વેપારી તરીકે પંકાય છે. તેમને જરાપણ પોતાના મતલબની પરવાહ જ નથી. પીરાણા
સતપંથ હિન્દુ ધર્મ છે એવું ગુજરાતમાંથી ગામ માનકુવાના પટેલ લધા ખેતાએ એક હેન્ડબીલ
તા.૧—૨—૩૫ ના રોજ છપાવીને સતપંથીઓને ભુલાવવાની કોશીશ કરી છે. તેના જવાબમાં
તા.૨૪—૪—૩૫ના રોજ એક ચોપાનીયું જે ફુલસ્કેપ સાઈઝના ચાર પાના ભરીને છપાવ્યું છે તે
ઘણું જ લાંબું અને ખુલાસાવાર છે પણ આ પત્રના લંબાણની બીકથી તેમાંથી ફક્ત એક જ
પેરેગ્રાફમાં જે મુદ્દાનું લખાણ છે તે આપ ભાઈઓની જાણ માટે અત્રે ઉતારવામાં આવ્યું
છે. (વધારે જાણવું હોય તો પીરાણાના સૈયદ પુંજામીયાં પાસેથી મંગાવીને વાંચી જોશો)
તે સાંભળો —
પાના બીજાની લીટી—લાઈન ૨૯થી લખે છે કે :—
પીરાણાની દરગાહ અને તેના કમ્પાઉન્ડમાં કબ્રસ્થાન છે મોટી મસ્જીદો છે,
ઈમામખાનું છે તેમ બીજી દરગાહો છે. તે સિવાય કોઈબી
હિન્દુધર્મનું મંદિર કે હિન્દુઓનું કોઈ સ્થાન કે મૂર્તિઓ નથી. તે બધી દુનિયા આગળ
મોજુદ છે. પરંતુ જે મુકરેલા છે તે ગમે તેમ કહે તેમાં કાંઈ વળે તેમ નથી. વધારેમાં
જો તમો સાચા હો તો હિન્દુસ્તાનમાં જે વખણાતા પંડિતો હોય તેમને બોલાવી અમદાવાદ અગર
બીજે ઠેકાણે એક સભા કરીને હિન્દુ ધર્મ છે તેવું સાબિત કરી આપો તો તમને રૂા.૫૦૦૧
રૂપિયા પાંચ હજારને એકનું ઈનામ આપવામાં આવશે. જો તમો જાહેર ખબર છપાવનારા સાચા હશો
તો તેમ કરવા ચુકશો તો તમે જુઠ્ઠાને તમારું પ્રપંચપણું સાબિત છે.
ઉપરના લખાણથી આપ જ્ઞાતિ વડીલોને વિચારવું જોઈએ કે તમો માંયલા કેટલાક ભગતના
ઉપનામથી ઓળખાતા ભાઈઓ અમોને હંમેશાં કહેતા ફરો છો કે અમો વિદ્વાન છીએ,
ચારવેદને જાણીએ છીએ,
ગમે તેવા પંડિતો હોય તે અમારી પાસે આવે તો પણ આ પીરાણા
સતપંથ હિન્દુ ધર્મ છે એવું અમો સાબિત કરી આપવા તૈયાર છીએ તો ભાઈઓ તમો મહેરબાની
કરીને એવા વિદ્વાન ભાઈઓને સમજાવા સૈયદ પુંજામીયાં પાસે તેડી જઈ પીરાણા સતપંથ
હિન્દુ ધર્મ છે એવું સાબિત કરાવી રૂપિયા ૫૦૦૧નું ઈનામ લઈને જાહેર જનતામાં છપાવી
બહાર પાડશો કે જેથી અમો પરદેશ વસતા ભાઈઓને બીજી હિન્દુ જ્ઞાતિઓના મહેણાં ટોણાં
ખાવા પડે છે તેથી બચીએ.
ભાઈઓ ! હમણાં જ અમોને ગુજરાતમાંથી એક આપણી જ્ઞાતિના હિતચિંતક બન્ધુ તરફથી એક
ચોપાનીયું મળ્યું છે જે તા.૧૫—૧૧—૩૬ મહાલક્ષ્મી પ્રિન્ટરી કપડવંજમાં છપાવેલ છે
તેમાં તેણે પીરાણા સતપંથના સંબંધમાં આપણને જાણવા જેવું ઘણું જ સારું લખાણ કરેલું
છે અને પીરાણાની ક્રિયાઓ અને પીરાણાની પૂજામાં વપરાતી પાવળની ગોળી કઈ કઈ ચીજમાંથી
બનાવવામાં આવે છે તે તથા બીજી ઘણી ઉપયોગી બાબતોનો ખુલાસો કરેલો છે તે આપણા પીરાણા
સતપંથી સર્વે ભાઈઓએ જરૂરથી વાંચવા જેવો છે તે મંગાવીને વાંચવાથી આપશ્રીઓને ચોખ્ખું
દેખાશે કે આપણા સતપંથી ભાઈઓમાંથી કેટલાક ભાઈઓ રમજાન મહિનાના ત્રીસે ત્રીસ રોજા
રાખે છે તેમજ મહોરમના દિવસે પણ જરૂર જેવી ક્રિયાઓ કરે છે અને આપણે બધા મુડદાંને
દાટીએ છીએ તેની ત્રીજે દિવસે જારત તથા ત્રિયાનું જમણ પણ કરીએ તેના દેવ વિગેરે કરીએ
છીએ. સવાર સાંજે દોવાઓ જે બોલીએ છીએ તે પણ મુસલમાની રીત મુજબ કલમાઓવાળી હોય છે અને
તે જ દુવાઓથી આપણા છોકરા—છોકરીઓને પરણાવીએ છીએ વિગેરે બાબતો આપણે મુસલમાની રીતે જ
કરીએ છીએ ને વળી આપણું કુળ અને જ્ઞાતિનું ભુષણ તપાસતાં કેટલાક ભાઈઓ હિન્દુઓના દરેક
દેવ મંદિરમાં જાય છે. શ્રાવણ મહિનામાં શ્રીકૃષ્ણની જન્માષ્ટમી તથા દીવાળી હોળી
વિગેરે તહેવારો પણ પાળીએ છીએ તેથી હવે અમોને વિચાર થાય છે કે આપણે કચ્છના કણબી
પીરાણા સતપંથીઓ છીએ. કોણ હિન્દુ કે મુસલમાન?
આ ઉપરની હકીકત વાંચી સાંભળીને આપ જરૂર વિચાર કરશો અને અમારી ઈચ્છા પીરાણા ધર્મ
હિન્દુ ધર્મ છે કે મુસલમાની પંથ છે તેનો ખુલાસો કરશો તે કરવામાં જો ઢીલ થશે તો હવે
અમો પરદેશમાં વસતા ભાઈઓને તમામ અડચણ વધશે,
આપ ભાઈઓ જરૂરથી જલદીથી ખુલાસો કરશો. પ્રભુ તેમ કરવાની તમોને
હિંમત અને બુદ્ધિ આપે કે જેથી જ્ઞાતિમાં સંપ અને સલાહ થાય. એજ ઈચ્છતા અમો છીએ,તમારા જ જ્ઞાતિ બંધુઓ.
ઠેકાણું :— પટેલ ખેતશી પ્રેમજી
|
વોરા ઇભરામજી સુલેમાનજીકંપાઉન્ડનાં. ૪
|
રણછોડ લાઇન, નબીબક્ષ રોડ—કરાચી
|
કરાંચી તા.૨૧—૧૨—૩૬
|
દુર્ગા પ્રીન્ટીંગ પ્રેસ — કરાંચી.