પત્રિકા નંબર ૫ મો
॥ ओ३म् ॥
હૃદયોદ્ગાર
શ્રી કચ્છ કડવા પાટીદારોના આગેવાન પટેલોની સ્વાર્થી
મનોદશા યાને દુરાગ્રહનો ઢોલ ઢંઢેરો
ઓ સ્વાર્થાંધ પૂજ્ય પટેલો અને મુખીઓને નામે ઓળખાવનાર અને તેનું પુંછ પકડનાર
જ્ઞાતિ બંધુઓ મર્યાદા પુરૂષોત્તમ રામચંદ્રના વંશજોના કડવા પાટીદારોનો અને ઉચ્ચ
જાતિના હિન્દુઓના સંતાનોનો દાવો કરવાનું ભૂલી જઈ,
સનાતન આર્ય ધર્મની છાયાને બદલે મુમના,
ખાનાઈ અને પીરાણા પંથીના નામે ફસાઈ પડેલું આપણું નાવ ઈશ્વર
કૃપા અને પૂર્વજોના પુણ્ય પ્રતાપે તરી પાર ઉતરવા આવેલું છે.
પચ્ચીસેક વરસોની સુધારકો તેમજ ઉધ્ધારકોની મહા મહેનતે અજ્ઞાનતાના ઉતરેલાં પડળો
શું હજીપણ તમારી આંખે ચોટેલાં રહે છે? કે લાંબા વખતનો સ્વાર્થ અને દુરાગ્રહની હઠમાંથી છુટી શકતા
નથી?
દુનિયા આટલા પ્રયાસે પણ નહિં જાગવા શું કહે છે અને કેવા ગણે છે તે તમે જાણો છો?
જરા તમારા આત્માને જે પરબ્રહ્મ સ્વરૂપ છે તેને પૂછી તો જુઓ?
અરે! તમારો આત્મા પણ તમને રાત દિવસ ડંખતો હશે એની પણ તમને
શું પરવા નથી કે ?
. પીરાણાની સ્વાર્થી અને બનાવટી પ્રપંચ જાળમાંથી નીકળવાના અને ધર્માદાની હજારો
કોરીઓ પરધર્મીઓને નહિ ખવરાવવાના તેમજ બાપદાદાના ધર્મથી જુદા પાડનાર રીતરિવાજો
ત્યજી સનાતન હિન્દુ મહાસાગર સાથે જોડાઈ જવાના હજારો યુવકો અને સમજદાર વડિલોના
માર્ગમાં હજી પણ તમે આડખીલી રાખો છો તે કયાં સુધી ચાલશે ?
જ્ઞાતિની અવદશાના સાધનરૂપ તમને હજી પણ જ્ઞાતિનો કેટલોક અજ્ઞાત સમૂહ તમારા પાછળ
બંધાઈ રહેલો છે. તેને સુમાર્ગે દોરવાને બદલે ઉંધે માર્ગે દોરી રહ્યા છો જે આ વીસમી
સદીના જાગતા જમાનામાં નવાઈરૂપ છે.
બનાવટી કલ્પિત કલમાઓ પઢતા મુખીઓ પાસે ધર્મક્રિયા કરાવવા તેમજ કાકા સૈયદ અને
અધર્મ રિવાજ યુકત આગેવાનોની બીજી પ્રપંચજાળમાંથી છુટી બ્રાહ્મણો હસ્તક શાસ્ત્રોકત
વિધી અનુસાર ધર્મક્રિયાઓ કરાવવા તૈયાર થયેલા કુટુંબોને દબાણ કરવા અને અડચણો ઉભી
કરવા તમો દુરાગ્રહી સ્વાર્થી આગેવાનો કચ્છી સંવત ૧૯૮૯ના માસ શ્રાવણ {VSA: Between 03-Aug-1932 and 31-Aug-1932} માં નેત્રા ગામે ભેગા થઈ આપણી કડવા પાટીદારની ઉચ્ચ જ્ઞાતિને
અણછાજતા અને હિન્દુ જનસમાજમાં નીચું જોવડાવનાર અધર્મ ઠરાવો તમે વગર વિચારે ઘડયા જે
અમારી હૃદયોદ્ગાર પત્રિકા નંબર ચોથામાં આપેલ છે.
તમોને ખબર હશે જે તમો રામજી કાકાને ગાદીએ બેસાડવા પીરાણે ગયા ત્યારે પીરાણાની
અંદરની પોલ તેમજ અવ્યવસ્થા જોઈ તમે અમદાવાદ ભેગા થઈને જે કાકા પ્રાગજી અને સૈયદ
વલીમીયાં હસ્તક ઘડાયેલા એ અધર્મયુકત ઠરાવોને રદ કરી આપણી જ્ઞાતિને શોભતા હિન્દુ
રીતરિવાજ મુજબ વર્તવા અને વૈદિક સનાતન ધર્મ પાળવા છુટ આપી હતી. જે કીર્તિધ્વજ
નામની ચોપડીમાં છપાવી બહાર પાડેલ છે.
ઉપરોકત નેત્રા ગામે આ થયેલ નાદીરશાહી ઠરાવની ખબરો વચલા પાંચાડાના ગામડાઓમાં
પડતાં એકદમ બધા યુવાનો ખળભળી ઉઠયા અને અમદાવાદમાં થયેલ ઠરાવની સ્મૃતિ પોતાના ગામના
આગેવાનોને કરાવી અને એક વખત અધમ ગણી રદ કરેલા ઠરાવોને પાછા સ્થાન આપવાને માટે અને
પોતાની કરેલ સહીઓની કિંમત ન સમજવાને માટે પોતાના ગામના આગેવાનોના અપમાન કરીને અધમ
ઠરાવો પ્રત્યે તીરસ્કાર દર્શાવી ઠોકરે ઉડાવી દીધા અને તેનો પ્રત્યક્ષ દાખલો આ ચાલુ
સાલમાં થઈ ગયેલ વિવાહમાં દેખાડી આપેલ છે.
ચાલુ સાલના ગયા માસ મહામાં વચલા પાચાડામાં હિન્દુ રિવાજ પ્રમાણે ચોરીઓ બાંધી
બ્રાહ્મણો પાસે શાસ્ત્રોકત વિધી અનુસાર પોતાના છોકરાંઓના લગ્ન કરાવી હિન્દુ
જનસમાજમાં પોતાની જ્ઞાતિનું ગૌરવ વધાર્યું. આ ચોરીનું પ્રમાણ લગભગ અડધા ભાગથી પણ
વધારે હતું આ ઉપરાંત મરણ પછી દફનાવવાને બદલે અગ્નિસંસ્કાર કરવા તેમજ બીજા રિવાજો
પણ દાખલ કરી દીધા છે જે માટે તેમને ધન્યવાદ ઘટે છે.
આ ગૌરવશાહી પગલાંને અનુસરી દખણાદા પાચાડાના લગભગ દરેક ગામોમાં કેટલાક હિંમતવાન
અને સાહસિક ભાઈઓએ પણ એ ઠરાવની પરવા કર્યા વગર પોતાના છોકરાઓના હિન્દુ રિવાજ મુજબ
ચોરીઓ બાંધી બ્રાહ્મણો પાસે શાસ્ત્રોકત વિધી અનુસાર લગ્ન કરાવ્યા અને એ પાચાડામાં
પણ આગેવાનોની આપખુદી સત્તા તોડી પાડી જ્ઞાતિના ગૌરવને દીપાવ્યું છે.
આ વીર યુવાનોએ ધર્મની તેમજ જ્ઞાતિના ગૌરવની ખાતર જે અધમ આગેવાનોની જુલ્મી
સત્તાથી ન ડરતાં જે સાહસિક અને પ્રશંસનીય પગલું ભર્યું છે તે માટે તેમને ધન્યવાદ
ઘટે છે.
આ યુવાનોના સાહસિક પગલાંએ દખણાદા પાચાડાના આગેવાનોમાં ખળભળાટ પેદા કરી દીધો
અને પોતાના કરેલ ઠરાવનું અપમાન કરનાર અને પોતાની સત્તાને ન માનનાર યુવાનોને પોતાની
આપખુદી સત્તા નીચે લાવવાને તેઓ ગામ શ્રી મંગવાણે ગયા માસ અષાઢ સુદ ૯ {VSA: 12-Jul-1932} ને રોજ ભેગા થયા હતા અને ચોરી કરનાર પ્રત્યેક ભાઈઓ પાસેથી કોરી ૩૦ (ત્રીસ) દંડ
લેવાનો ઠરાવ ઘડયો. અને દંડ ન આપે તેને નાત બહાર મુકવો. આવો આ બીજો નાદીરશાહી ઠરાવ
બહાર પાડયો.
વીસમી સદીના જાગૃત યુવાનો ઉપર આવો નાદીરશાહી હુકમનો અમલ કરાવવો એ રૂકના ચણા
ચાવવા બરાબર છે.
આ તેઓના નાદીરશાહી હુકમને ન માનવા તેમજ દંડ ન આપવા ગામ શ્રી મઉ મધે ગામ શ્રી
ગઢશીશા, લુડવા, દુર્ગાપુર, વેરશલપર, દરશડી, માનકુવા, દુજાપર તેમજ મઉ આદિના ઉત્સાહી યુવાનો કચ્છી સા. ૧૯૯૦ ના
અષાઢ વદ ૬ {VSA:
23-Jul-1932} ના રોજ ભેગા
થઈ એ અધમ આગેવાનોથી છુટક છવાયા જ્ઞાતિ બંધુઓ ભોગ ન થાય માટે ઐકયતા સાધવા એક મંડળની
સ્થાપના કરી. અને તે મંડળનું કાર્ય ચલાવવા માટે સાત જણાને અગ્રેસરો તરીકે નીમ્યા
છે. તેમનાં નામ (૧) ભાઈશ્રી વીરજી ખીમજી ગામશ્રી મઉવાળા (ર) ભાઈશ્રી જીવરાજ વસ્તા
ગામશ્રી માનકુવાવાળા (૩) ભાઈશ્રી ગંગદાસ વિશ્રામ ગામશ્રી ગઢશીશાવાળા (૪) ભાઈશ્રી
રાજા વિશ્રામ વેરશલપરવાળા (પ) ભાઈશ્રી ભાણજી માવજી ગામશ્રી દુર્ગાપુરવાળા (૬)
ભાઈશ્રી રવજી લાલજી ગામશ્રી લુડવાવાળા (૭) ભાઈશ્રી રતનશી શામજી ગામશ્રી
માનકુવાવાળા
કોઈપણ જ્ઞાતિ બંધુને શુધ્ધ સનાતન ધર્મના પંથે વિચરતાં કોઈપણ પ્રકારની કોઈપણ
આગેવાન પટેલ તરફથી ખોટી દબાણ થતી હોય તેને ઉપર નામ લખ્યા મુજબ મંડળના સાત
આગેવાનોમાંથી કોઈપણને ખબર આપવા. જેથી તેમને જોઈતી સગવડો પુરી પાડી આગેવાનોની
સતામણીમાંથી બચાવવા પ્રયત્ન કરશે. આવા બીજા પણ કેટલાએક પ્રશંસનીય ઠરાવો ઘડેલા છે.
આવા ઉત્સાહી સુધારકો બની જ્ઞાતિના ગૌરવને ઉજ્જવળ કરવા ધર્મની ખાતર અધમ
આગેવાનોના ભોગ બનતા અણસમજુ જ્ઞાતિ બંધુને બચાવી રાહત આપવા અને ખરા ધર્મનું રહસ્ય
સમજાવવા જે પ્રશંસનીય પગલું ભર્યું છે તે માટે તેમને ધન્યવાદ ઘટે છે.
અમો ઈશ્વર પ્રત્યે પ્રાર્થના કરીએ છીએ કે હે જગદાધાર અમારી સનાતન ગૌરવશાળી
જ્ઞાતિના નર—નારીઓમાં તું સુમતિની પ્રેરણા કરી તેને બાપદાદાના અસલી સત્ય મારગે
ચડાવ.
પત્ર વ્યવહારનું સરનામું
|
એજ ઈચ્છતો,
|
હરચંદરાય પ્લોટ નંબર ૧૩
|
નથુરામ કાનજી પટેલ
|
લોરેન્સ રોડ, કરાંચી
|
સેક્રેટરી
|
તારીખ : ર૭—૭—૧૯૩૩
|
શ્રી કચ્છ કડવા પાટીદાર યુવક સંઘ
|
|
કરાંચી
|
—-
— દુર્ગા પ્રીન્ટીંગ પ્રેસ — કરાંચી