Book: Abhilekh -2, 2024 (અભિલેખ -2, 2024)

Index

17. શ્રી. ક. ક. પા. જ્ઞાતિસુધારક યુવક મંડળના કામકાજનો રિપોર્ટ - કરાચી - દિનાંક 14 થી 21-May-1932

ઉમા દેવ્યા :  કૃપાસ્તુ॥

 

 

કરાચીમાં સ્થાપાયેલ

શ્રી કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિ

સુધારક યુવક મંડળના

 

કામકાજનો

 

રીપોર્ટ

 

કરેજા કાર્ય ત્હારૂં તું, જરૂર તે તો સફળ થાશે,
ફળે જો ના હયાતીમાં, ફળો તુજ છોકરા ખાશે,
મળે જયમાળ નહિ તોએ કર્યું તે વ્યર્થ ન જાશે,
કર્યાનું દામ મેળવશે, ધપ્યો જા ભાઇ ઉલ્લાશે.

—-

ઇ.સ.૧૯૩૨

વિક્રમ સં.૧૯૮૮

છપાવી પ્રસિદ્ધ કરનાર

રતનશી શીવજી પટેલ

સેક્રેટરી,

શ્રી કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિ સુધારક યુવક મંડળ

ગાર્ડન કવાર્ટર, શ્રીચંદ વિશનદાસ રોડ, કરાચી

 

 

 

નિવેદન

          સૈકાઓ થયાં આપણી જ્ઞાતિ પીરાણા પંથના અજ્ઞાન કુંડમાં ડુબકાંઓ ખાતી હતી, પણ જ્યારથી કરાંચીમાં યુવક મંડળની સ્થાપના થઈ ત્યારથી પ્રતિદિન સ્વ જ્ઞાતિમાં સુધારાનો સૂર્ય પ્રકાશવા લાગ્યો. તે પ્રકાશના કિરણોમાં રા.રા.ભાઈશ્રી નારાણયજીભાઈના પ્રયાસથી રા.રાજાભાઈ શામજીના પ્રમુખપદે પરિષદ આરંભાઈ સુધારાના ઠરાવો પસાર કરી, સ્વ જ્ઞાતિ ભાઈઓમાંથી અજ્ઞાનતા દૂર કરી સત્ય સનાતન પવિત્ર વેદધર્મના બીજ રોપાવા શરૂ થવા લાગ્યા. તેમજ યુવકોના કાર્યથી પરિષદના મહોત્સવે અત્યંત દબદબાથી તેમજ જોરશોરથી સુધારાના ઠરાવોને મજબુત કર્યાં.

          જે જોતાં રાત્રિ મટી જેમ સૂર્યોદય થતાં નિશાચરો તેમજ ઘૂવડો ગુફાઓ શોધવા નીકળી પડે છે, તેમજ પીરાણા પંથના ઈજારદારો કાકા તેમજ સૈયદો, કચ્છના ગઢેરાઓનું શરણ લેવા મંડી પડ્યા. જ્ઞાતિના થાંભલારૂપી આગેવાનો સુધારાના મંડળો જોઈ મુંઝાણા અને હવે શું કરવું આભ તૂટ્યો ત્યાં થીગડાં કેમ દેવાય. બાપ ગઢેરો તો દીકરો મંડળનો કાર્યવાહક, બાપ હડાહડ પીરાણાનો મુખી તો બેટો સુધારાનો જબર સાથી, જ્યાં જુઓ ત્યાં દરેક કુટુંબમાં મોટો ભાઈ જબર મુખી અથવા પીરાણાનો ઉપદેશક હોય તો, નાના ભાઈ પીરાણાનો કટ્ટર વિરોધી હોય આવી સ્થિતિ આખી જ્ઞાતિમાં ઠેર ઠેર થઈ પડતાં દરેક માબાપો પોતાના દિકરાઓને અટકમાં અથવા ઘરમાં ગોંધી રાખવા લાગ્યા. પણ હંમેશાં સત્યતાનું કાર્ય આગળ ધપતું જાય છે. એ સુત્રાનુસાર જ્ઞાતિમાં દિવસાનુદિવસ સુધારાનો પ્રવાહ જોરશોરથી આગળ વધવા લાગ્યો. કેટલાંએ માબાપો પોતાના પુત્રોને યજ્ઞોપવિત્ર ધારણ કરતા જોઈ, તેઓની જનોઈને બળાત્કારે નાદિરશાહી સત્તા વાપરી તોડવા લાગ્યા. તેમજ કેટલાક તો પોતાના પુત્રોને મંડળવાળાને ત્યાં જમતા જોઈ મારપીટ કરી દુઃખો દેવા લાગ્યા. પોતાનો પુત્ર હોય કે પુત્રી હોય, ભાઈ હોય કે બેન હોય, જમાઈ હોય કે બીજા અન્યત્ર સગું હોય તે જુલમથી કદાચ એકાદ વખત દબાશે પણ જેઓના હૃદયમાં સુધારાનું બીજ રોપાઈ ગયું છે, તે હૃદયમાંથી કાઢવાને માટે પીરાણામાં એવી કોઈ શક્તિ કે તદબીર નથી કે એ બીજને છિન્ન ભિન્ન કરી શકે.

          મંડળનું કાર્ય પૂરજોશમાં કરાંચી, મુંબઈ—ઘાટકોપર, કચ્છમાં વિરાણી, દયાપર વગેરે ગામોમાં ચાલતું હતું તે જોરદાર અરસામાં કરાંચીના મંડળના ઉપપ્રમુખ ભાઈ ખેતા ડોસા પોકારનું અકાળે અવસાન થયું. જેથી મંડળના કામકાજમાં અમુક અંશે, ફરક પડવા લાગ્યો અને ગતિ મંદ પડવા લાગી, પરંતુ તરત જ મુંબઈ—ઘાટકોપરમાં પરિષદની ત્રીજી બેઠક ભરાણી જેથી મંડળમાં પુનઃ જાગૃતી આવી. ત્યાં તો સૈન્યનો સરદાર પડી જતાં જેમ સૈન્યમાં ભંગાણ પડે છે, તેમ કરાંચીના મંડળના માજી પ્રમુખ નાનજી પચાણે એકાએક આ ફાની દુનિયાનો ત્યાગ કરી, ઈશ્વરના શરણે જવા માટે પ્રયાણ કર્યું જેથી કરાંચીમાં સુધારાનો બાગ માળી વિના છિન્ન ભિન્ન અવસ્થામાં આવી પડ્યો. તે જોઈ મંડળના ભાઈઓએ વિચાર કરી રા.રા.ભાઈશ્રી નારાયણજીભાઈને તેડાવ્યા, તે આવવાથી મંડળના ભાઈઓમાં પુનઃ કામ કરવાની હિંમત આવી તેથી કેટલાએક ભાઈઓએ દેહશુદ્ધિ કરાવી અને પુનઃ મંડળની સ્થાપના કરી.

          જે અમુક દિવસ ચાલ્યું ત્યાં તો કોટડાના કણબી નાનજી માવજીની સ્ત્રી લક્ષ્મીબાઈના સંબંધમાં તકરાર થઈ (જેનો ખુલાસો રિપોર્ટમાં છે) તેથી મંડળમાં મોટે પાયે ફાટફુટ પડી અને લગભગ પાંચ વરસથી કાર્ય તદ્દન બંધ પડ્યું. જેથી સુધારાની ધગશવાળા ભાઈઓ રા.રા.નારાયણજીભાઈને તેડાવવાનો વિચાર કરતા હતા ત્યાં તો તેઓ જ તેમના ભત્રીજા ભાઈશ્રી જીવરાજ વાલજીના લગ્ન નિમિત્તે ચાલુ વરસના વૈશાખ માસમાં આવ્યા. તેજ દિવસથી દરેકના હૃદયમાં વિચાર સમજીને તેમની ભુલ કબુલ કરાવીને તા.૧૪મી મે ના રોજ સભા ભરવી નક્કી કરી. તે મુજબ તા.૧૪—૫—૩૨ને શનિવારની રાત્રે સભા ભરી, ત્યાં સૌ ભાઈઓ આવ્યા. એકમેકના હૃદયથી આપલે કરી, જુના પાંચ વરસના હિસાબ ચોખા કર્યા અને સુધારાની પુનઃ સ્થાપના થઈ તે જોઈ સર્વના હૃદયમાં આનંદ થયો.

          હવેથી પરમાત્મા મંડળના મેમ્બરોમાં સંપથી કાર્ય કરવાની બુદ્ધિ અર્પે અને રા.રા.નારાયણજીભાઈને ઈશ્વર દીર્ઘાયુષ્ય આપે કે જેથી અમારી જ્ઞાતિ પીરાણા પંથમાંથી મુક્તિ મેળવે એજ જગતનિયંતા પ્રત્યે પ્રાર્થના છે. અસ્તુ

લી. જ્ઞાતિસેવક

રતનશી શીવજી પટેલ

કચ્છ રવાપરવાળા

 

 

                             ખુશ ખબર                          ખુશ ખબર

 

છેલ્લા આઠ વર્ષથી બંધ પડેલ

પાટીદાર ઉદય”

          માસિકને ફેર સજીવન બનાવવાની ઈચ્છા ધરાવતા ભાઈઓએ પોતા તરફથી જેટલી બની શકે તેટલી આર્થિક મદદ મોકલાવવી તેમજ દરેક જ્ઞાતિ ભાઈઓએ પોતાનું નામ ગ્રાહક તરીકે નોંધાવવું. જો મદદ મળશે અને ૫૦૦ (પાંચસો) ગ્રાહકો પોતાના નામ નોંધાવશે તો તુરતમાં જ અમારા તરફથી તેને સજીવન કરવામાં આવશે. માટે જ્ઞાતિ પ્રત્યે ખરી દાઝ ધરાવનાર બંધુઓએ પોતાના નામ તથા ઠેકાણું અમોને નીચેના સરનામે લખી મોકલવાની કૃપા કરવી.

રતનશી શીવજી પટેલ

ઠે.શ્રીચંદ વિશનદાસ રોડ, ગાર્ડન કવાર્ટર,

નશરવાનજીની મીલની બાજુમાં, કરાંચી.

 

 

કરાંચીમાં સ્થપાયેલ

શ્રી કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિ સુધારક યુવક મંડળની

જાહેર સભા

 

          ગયા મે માસની તા.૧૪મીને શનિવારની રાત્રે સાડા નવ વાગે શેઠ હરચંદરાય બ્રધર્સના ગોદામવાળા મોટા કમ્પાઉન્ડમાં કચ્છી પાટીદાર ભાઈઓની એક સભા સુધારક યુવક મંડળના મેમ્બર ભાઈ વિશ્રામ પાંચા ગાંગાણી ગામ—શ્રી વિરાણીવાળાના પ્રમુખપણા નીચે ભેગી મળી હતી. પ્રથમ શરૂઆતમાં કેટલાક ભાઈઓ સુધારાની કવિતાઓ બોલ્યા પછી ભાઈ લાલજી દાના પાંચાણી નખત્રાણાવાળાએ સંગીતના સાધનો સાથે શ્રી કુળદેવી ઉમિયા માતાની સ્તુતિ કર્યા બાદ યુવક મંડળના સેક્રેટરી ભાઈ રતનશી શીવજી નાકરાણી ગામ શ્રી રવાપરવાળાએ એ દિવસની સભા બોલાવવાનું કારણ રજુ કરતાં જણાવ્યું હતું કે :—

          પ્રિય ભાઈઓ ! આજે આપણી જ્ઞાતિના આદ્ય સુધારક. આપણા સુધારકના શીરછત્ર અને પીરાણા સતપંથ જેવા અર્ધદગ્ધ પાખંડી પંથની પોલો હિન્દુ જનતા સમક્ષ ખુલ્લી કરી એ અર્ધદગ્ધ પંથમાં ફસાઈ પડેલી આપણી ભોળી જ્ઞાતિને ઉગારનાર આપણા મુરબ્બી પૂજ્ય ભાઈશ્રી નારાયણજીભાઈ તથા તેમની સાથે પધારેલા આપણા સુધારક ભાઈઓનો સત્કાર કરવા, તેમજ અત્રેની આપણા ભાઈઓની સ્થિતિથી તેઓશ્રીને વાકેફ કરવા તેમજ તેમની પાસેથી આપણી જ્ઞાતિના હિત સંબંધીના કાંઈક નવા સમાચારો જાણવા આજની આ સભા બોલાવવામાં આવેલ છે.

          ઉપર મુજબનું સંબોધન કર્યા બાદ યુવક મંડળના સેક્રેટરી ભાઈ રતનશી શીવજીએ તાળીઓના ગડગડાટ વચ્ચે રા.રા.ભાઈશ્રી નારાયણજી રામજીભાઈ તથા ઘડુલીના પટેલ પરબત ખીમા સાંખલાને હાર—તોરા પહેરાવ્યા હતા.

          ત્યારબાદ વધુ વિવેચન દ્વારા તેમણે જણાવ્યું કે રા.રા.નારાયણજીભાઈને તો તમે બધા ભાઈઓ તેમજ બહેનોને ઓળખાવવા તે સુરજને બતાવવા જેવું છે કારણ કે તેઓશ્રી આ ચોથી વખત કરાંચીમાં આવેલા છે. તે નહિ પણ તેઓશ્રી આજે ૩૦ વર્ષથી આપણી જ્ઞાતિની સેવા કરી રહ્યા છે જેથી આપણા કચ્છમાં વસતા ગામેગામના દરેક જ્ઞાતિ ભાઈઓમાં તેઓનું નામ મશહુર છે. એટલું જ નહિ પણ ગુજરાત, કાઠીયાવાડ, નિમાડ, માળવા, ખાનદેશ વગેરે દેશવાસી આપણી પાટીદાર જ્ઞાતિમાં પણ તેને સર્વ ભાઈઓ ઓળખે છે. આપણી જ્ઞાતિના યુવક મંડળો તેમજ આપણી જ્ઞાતિની પરિષદો પણ એ ભાઈશ્રીના અથાગ પરિશ્રમથી જ ઉભી થઈ છે. એ વાત તમો સૌ ભાઈઓ જાણો જ છો. આપને હું યાદ દેવરાવીશ કે જ્ઞાતિ સુધારાની હિલચાલ ચલાવવાની હિંમત આપણામાં આવી તે પણ તેઓ ભાઈશ્રીના સહવાસથી જ આવી છે. જે હિંમતથી જ કરાંચીમાં વસતા આપણા સર્વ ભાઈઓ મગરૂરી ધરાવીએ છીએ. પણ મને ખરું કહેવા દેશો કે આ મગરૂરી થવાનો પ્રસંગ ભાઈશ્રી નારાયણજીભાઈના પ્રયાસનું જ ફળ છે. એ ભાઈની પ્રથમ મુલાકાત વખતે આપણે તેઓશ્રીની સાથે વાતચીત કરવામાં પણ ડરતા હતા કારણ કે તે વખતે આપણા ઉપર આપણી જ્ઞાતિના ગઢેરાનો ભય અને ત્રાસ બહુ જ હતો, તેની બીકને લઈને આપણે બિલકુલ ડરપોક બની ગયા હતા, પરંતુ એ સર્વ ભીરૂતાને ડરપોકપણું આપણામાંથી કાઢી આપણને ખરા સુધારક બનાવનાર પણ એ જ બંધુ છે.

          એટલું જ નહિ પણ પીરાણા સતપંથ જેવા પાખંડી પંથ એટલે કે ન હિન્દુ તેમજ ન મુસલમાન એવા અર્ધદગ્ધ પંથની ફાંસાજાળમાંથી આપણને છોડાવી એ પાપી પંથને માર્ગે જતાં અટકાવી શુદ્ધ સનાતન વૈદિક ધર્મને રસ્તે ફરીથી ચડાવનાર પણ એજ બંધુ છે.

આગળ બોલતાં ભાઈ રતનશી શીવજીએ જણાવ્યું કે આપણી જ્ઞાતિમાં મુળ ઘાલી બેઠેલા પીરાણા પંથના લીધે કેટલાક નાના સડાઓ—કુરિવાજોને દુર કરવા મુરબ્બીશ્રી નારાયણજીભાઈએ જે જે તનતોડ મહેનતો અને ઝુંબેશ ઉઠાવી છે તેનો બદલો તો આપણાથી વાળી શકાય તેમ નથી જ. એમની આપણા પ્રત્યે અને આપણી જ્ઞાતિ પ્રત્યેનો પૂજ્યભાવ અને કરેલી અમૂલ્ય સેવાનો સરવાળો કે ગણતરી આપણાથી તો કરી શકાય તેમ નથી જ.

          બંધુઓ ! આજે કેટલાએ દિવસથી આપણામાં કુસંપ પડ્યો છે જેને કાઢવાને માટે આપણામાંહેના કેટલાક ભાઈઓએ મહેનત કરેલી છતાં પણ તેઓ ફળીભૂત થયા નહિ. તેનું પણ એ મુરબ્બીશ્રી જરૂરથી નિરાકરણ કરશે અને આપણને પોતપોતાની ભુલો સમજાવશે એવી હું ભાઈશ્રી નારાયણજીભાઈને પ્રાર્થના કરું છું.

          ત્યારબાદ ભાઈ લાલજી સોમજી નાકરાણી ગામ—રવાપરવાળાએ જણાવ્યું કે આજે મને ઘણો આનંદ થાય છે કે આપણા શીરછત્ર ભાઈ શ્રી નારાયણજીભાઈ તથા કેટલાક બહારગામના આપણા સુધારક બંધુઓ આ સભામાં હાજર છે. ભાઈઓ હું તમોને એક વાત પુછું છું કે આ જગતમાં કુસંપથી કોણ સુખી થયું છે? કુસંપથી પાંડવો પોતપોતામાં લડ્યા, કુસંપથી યાદવોનો નાશ થયો તેજ કુસંપથી હાલમાં આપણી જ પાયમાલી થઇ રહી છે તે તમો નજરો નજર જોઈ રહ્યા છો. છતાં પણ તેનો છેડો હજી સુધી લાવતા નથી તે ખરેખર દિલગીર થવા જેવું છે. હવે મને આશા છે કે તમો ભાઈઓ પોતાથી તો તમારા ઝઘડાનો અંત ન આવ્યો પણ આ આવેલ તકને ગુમાવતા નહિ. આ ઝઘડાનો નિવેડો લાવવા જરૂરથી નારાયણજીભાઈને વિનંતી કરશો તો મને આશા છે કે તે ભાઈશ્રી જરૂરથી એ વિનંતીને ધ્યાનમાં લઈ આપણા ઝઘડાનો અંત આણશે.

          ભાઈઓ હું તમોને વધારે કહું તે કરતાં તમો પોતે જ સમજો છો કે આજ છ છ વરસથી આપણે સુધારાનું ક્યું કામ કરી શક્યા છીએ? કુસંપથી આપણા શુદ્ધિ કરાવેલા ભાઈઓએ આત્મબળના અભાવે પીછેહઠ કરી છે અને નવા સુધારકોનો પણ આપણે આપણામાં વધારો કરી શક્યા નથી તે પણ ઘણું જ અફસોસ થવા જેવું છે. માટે હું તો તમોને વારંવાર એજ વિનંતી કરું છું કે જેમ બને તેમ તમો જલદીથી પોતામાં સંપ કરશો અને આ પાપી પંથમાંથી આપણા જ્ઞાતિ ભાઈઓને સત્વરે છોડાવશો એટલું બોલી બેસી જવાની રજા લઉં છું.

ત્યારબાદ ભાઈશ્રી શીવજી કાનજી પારસીયા ગામ—નખત્રાણાવાળાએ જણાવ્યું કે :—

મહેરબાન પ્રમુખ સાહેબ, વહાલા જ્ઞાતિબંધુઓ અને બહેનો.

          મારાથી પહેલાં સેક્રેટરી ભાઈશ્રી રતનશી શીવજી તેમજ ભાઈશ્રી લાલજી સોમજી કહી ગયા કે કુસંપને દુર કરો, કુસંપને દૂર કરો, પણ ભાઈઓ આપણામાં કુસંપ થવાનું શું કારણ છે એનું સ્પષ્ટીકરણ ન કરવાથી બહાર ગામથી આવેલા ભાઈઓને કેમ ખબર પડશે કે કુસંપ શા કારણથી થયો તેનું સ્પષ્ટીકરણ કરવાનો પ્રસંગ ઉપસ્થિત થવાથી મારે કહેવું જોઈએ કે આપણે જ્યારે સલાહ સંપ કરવા ભેગા મળ્યા છીએ ત્યારે કુસંપનું મુળ શોધવામાં ન આવે ત્યાં સુધી નિવેડો આવે જ નહિ.

          ભાઈશ્રી લાલજી સોમજીએ પોતાના ભાષણમાં કહ્યું કે આપણામાં કુસંપ થવાનું કારણ એ છે કે આપણા મંડળના ભાઈઓ શુદ્ધિ કરાવીને આત્મબળના અભાવે પીછેહઠ કરીને બેસી રહ્યા ને શુદ્ધિના કાર્યમાં વિરોધ કરતા હતા જેથી અંતરાય પડતો ગયો અને મંડળ આજે આ હાલતમાં પહોંચ્યું. આ પ્રમાણે ભાઈશ્રી લાલજી સોમજીએ ઉદ્‌ગારો કાઢ્યા અને તેવા ઉદ્‌ગારોથી જે સાચી વાત જનસમાજ સમક્ષ રજુ કરવી હતી તે થઈ શકી નહિ ને ઉલટી રીતે બોલવાથી મારે કહેવું પડે છે કે ભાઈ લાલજી સોમજી જે આક્ષેપ મુકે છે તે બિલકુલ ગેરવ્યાજબી છે.

          જ્યારે કરાંચીમાં આપણે શરૂઆતમાં મંડળ કર્યું તેથી આગળ પીરાણાના કાકાને નોટીસો આપનાર તેમજ તેમની સામે સવાલ જવાબ કરનાર કોણ હતા? મંડળ તો ત્યારબાદ થયું, તો તે વખતે આત્મબળ હતું કે નહિ તેનો વિચાર કરવો જોઈતો હતો.

          આપણે ગેઢેરા સામે લડત ઉપાડી, સભાઓ ભરી, સુધારકો કહેવાણા તેમજ પરિષદો ભરીને ઠરાવો ઘડીને આપણા ભાષણોના રિપોર્ટ છપાવ્યા, ને તેમાં આપણે સુધારક તરીકે જાહેર થયા. ને આપણે ગેઢેરાઓના નીચ કર્મ ખુલ્લાં કર્યાં તેમજ પીરાણાની પોલ પણ ખુલ્લી કરી ત્યારે જુલ્મી આગેવાનોથી ડરતા નહોતા તેનું કારણ કે આપણામાં સંગઠન હતું કે જેના લીધે કચ્છમાં આપણા મંડળની સારી છાપ પડતી હતી.

          આપણે બીજાની ભુલ જોતા હતા પણ પોતાની ભુલ તપાસીને સુધારવાની પણ જરૂર હતી અને છે. આપણા જ મંડળના ભાઈઓમાંથી કોઈ ભાઈ નાલાયકપણે વર્તતો હોય તો તેને સાચું કહેવાનું આપણામાં આત્મબળ ક્યાં હતું — ક્યાં છે.

          આપણે સુધારક કહેવાણા ને આપણું મંડળ હતું. જેથી બીજા ભાઈઓ આપણે આશરે આવ્યા તેને જ આપણે દગો દીધો. “રક્ષક મટી ભક્ષક” બન્યા. આપણા મંડળના ભાઈ નાનજી માવજી લીંબાણી ગામ—કોટડા જડોદરવાળાના ઘરમાં વિરાણીના કણબી ભીમજી લધા ગોગારીની દીકરી લક્ષ્મીબાઈ હતી. તે ભાઈ નાનજી પોતાની સ્ત્રી સહિત આપણે આશરે આવ્યા હતા. ને ભીમજી લધા પોતાની દીકરીને શરજોરીથી નાનજી માવજીના ઘરેથી લઈ ગયો ને તે ભીમજીની મદદમાં આપણા મંડળના કેટલાક ભાઈઓ હતા ને ભાઈઓનો ચોક્કસ ઈરાદો હતો કે તે બાઈ લક્ષ્મીબાઈને તેના ધણીને ન અપાવતાં કરાંચીની બીજી પરિષદના પ્રમુખ માવજી પુંજા જબુવાણી ગામ—નખત્રાણાવાળા જે સિંધ—હૈદરાબાદમાં રહે છે તે બંધુ તે સમયે વિધુર હોવાથી તેને આપવી એવી અંદરખાનેથી સલાહ હોવાથી મજકુર લક્ષ્મીબાઈ તેના ભાઈ દેવજી ભીમજી સાથે કરાંચીથી છુપી રીતે હૈદરાબાદ રવાના કરી દીધી. મંડળના અમુક આગેવાન ભાઈઓની સહાયતાથી હૈદરાબાદમાં મજકુર લક્ષ્મીબાઈ જે કરાંચી મુકામે મળેલી બીજી પરિષદના પ્રમુખ તેમજ એક વખતના સુધારક માવજી પુંજા જબુવાણી નખત્રાણાવાળાના ઘરમાં જ્ઞાતિના કાયદા વિરુદ્ધ બેઠી અને તે સુધારક ભાઈએ કાંઈપણ વિચાર કર્યા સિવાય એટલે વગર વિચાર્યે તે મજકુર બાઈને પોતાના ઘરમાં જ્ઞાતિના કાયદા વિરુદ્ધ તેમજ સુધારકને શરમાવે એવી અણછાજતી રીતે બેસાડી. તેને આપણા મંડળમાંથી કોઈપણ ભાઈએ કાંઈપણ કહ્યું નહિ એટલે કે મંડળે, એ ભીમજી લધા તથા તેના મદદગારોને તેમજ માવજી પુંજાને રૂબરૂમાં અથવા જાહેરમાં પેપરો દ્વારા કાંઈપણ ન કહ્યું. અમુક વ્યક્તિઓ જે પહેલેથી જ તેવા કામથી વિરુદ્ધ હતી તેવાઓના ઉપરે પોતાનો કાબુ મેળવવા માટે પંચ ભેગો કરીને બીજે દિવસે ખીમજીએ ખોટે ખોટો કેસ કર્યો ત્યારથી જ મંડળમાંથી સંપ તુટી ગયો અને પક્ષ પડી ગયાં. મંડળમાં આગેવાન ગણાતા માણસ અમુક સત્તાના મદમાં અંધ બની મંડળને આશરે આવેલ ભાઈની સ્ત્રીને ભગાડવામાં મદદ કરે તેવા ભાઈઓની શેહમાં તણાઈને કરેલા ઠરાવ ઉપર પાણી ફેરવીને નીચું જોવરાવનાર માણસોને સહાય કરવી ને સુધારકનો ડોળ કરીને તેવાઓને સહાયતા કરવી તે ખરેખર ઘણું જ શરમાવા જેવું છે ને શરમાવવું જોઈએ. આપણો કોણ વિશ્વાસ કરે જીવતે ધણીએ વિના કારણે વિના સમજુતીએ બીજાના ઘરમાં બેસાડી દેવરાવનારાઓ ખરેખર આપણે કચ્છના આગેવાન ગેઢેરાથી કોઈ પણ રીતે ઉતરતા નથી એ દીવા જેવું ચોખ્ખું દેખાય છે. માટે પોતાની કરેલી ભુલનું ખરા હૃદયથી પ્રાયશ્ચિત કરીને સત્યના રસ્તે ચાલવા બનતું કરવું જોઈએ અને પીરાણા પંથી ભાઈઓને બતાવી આપવું જોઈએ કે અમે સાચા સુધારક છીએ. તેમજ આપણી જ્ઞાતિની અંદર ઘુસી ગયેલ  પીરાણા સતપંથ જે ન હિન્દુ તેમજ નહિ મુસલમાન એવા અર્ધદગ્ધ પંથને કાઢવા શક્તિમાન થઈ શકીએ. આટલું બોલી મારું બોલવું પુરું કરું છું અને વધારે પડતું તેમજ કોઈને માઠું લાગે તેવું બોલાઈ જવાયું હોય અગર ભુલ થઈ ગઈ હોય તો દરગુજર કરશો આટલું બોલી બેસી જવાની રજા લઉં છું.

          તે પછી શ્રી કચ્છ કડવા પાટીદાર યુવક સંઘના સેક્રેટરી ભાઈ રામજી ધનજી નાકરાણી કોટડાવાળાએ ઉભા થઈને સભાને ઉદ્દેશીને જણાવ્યું કે :—

માન્યવર સભાપતિ પ્રિય જ્ઞાતિ ભાઈઓ અને અન્ય સદ્‌ગૃહસ્થો

          ભાઈશ્રી શીવજી કાનજી કહી ગયા કે મંડળના આગેવાનોએ પક્ષપાત રાખવાથી જ આ મંડળમાં કુસંપ થઈ ગયો તેમજ છિન્ન ભિન્ન થઈ ગયા તેથી જ મંડળનું સુધારાનું કામ અટકી ગયું.

          તે સંબંધમાં ભાઈઓ મારે જરૂરથી સત્ય કહેવું જોઈએ કે મંડળના આગેવાનો તે કોણ ! કદાચ મંડળના મેમ્બરો તેમજ કાર્યકર્તા આગેવાનોમાંથી અપવાદરૂપે એકાદ બે વ્યક્તિએ ભાઈશ્રી નાનજી માવજીની પત્ની લક્ષ્મીબાઈને ભગાડવામાં સહાયતા કરી હોય તો તેથી મંડળનું સુધારાનું કામ અટકી જાય એમ માનવું જ ભુલ ભરેલું છે. કારણ કે મંડળના અડતાલીશ મેમ્બરો અને તેમાંથી તેર મેમ્બરો વ્યવસ્થાપક કમિટિના હતા. તેમજ પ્રમુખ સેક્રેટરી અને ખજાનચી જેવા જવાબદાર કાર્યકર્તા ભાઈઓ પણ હતા. તો પછી તેમાંથી ભાગ્યે જ કોઈક જ ભાઈએ નાલાયક કામમાં મદદ કરી હોય તો બાકીના ભાઈઓએ તો સુધારાનું કામ ચાલું રાખવું જરૂરનું હતું. મંડળના પ્રમુખ શ્રી મુળજી ડોસા પોકાર મંડળના સેક્રેટરી ભાઈશ્રી રતનશી શીવજી તેમજ વ્યવસ્થાપક મંડળના મેમ્બરોમાંના એક ભાઈશ્રી શીવજી કાનજી એમ ત્રણ વ્યક્તિએ ખંત રાખી ઉત્સાહથી કામ કર્યું હોત, તેમજ મંડળના મેમ્બરોમાં ઉત્સાહ પ્રેરવા સાચા દિલથી કમર કસી બનતું કર્યું હોત તો મારી ખાત્રી હતી અને છે કે મંડળની વર્તમાન સમયમાં જેવી કફોડી સ્થિતિ જોઈએ છીએ તેવી સ્થિતિ નિહાળવાનો સમય ભાગ્યે જ પ્રાપ્ત થયો હોત. જ્યારે પોતે જ કંઈ ન કરતાં બીજાનો જ વાંક કાઢીએ તો પછી કોને કહેવાપણું રહે. પણ એ તો પત્યું થવાનું હતું તે થઈ ગયું, ગઈ ગુજરી ભુલી જવી જોઈએ અને હવેથી મંડળમાં એકતા કરી સંપ સલાહથી રચનાત્મક કાર્યક્રમ ઘડી સુધારાનું કામ આગળ ધપાવવા બનતું કરવું જોઈએ અને તે મુજબ થશે જ એમ હું માનું છું. કારણ કે સર્વ ભાઈઓના હૃદયમાં એમ થઈ ગયું છે કે કોઈ પણ ઉપાયે મંડળમાં સંપ થવો જ જોઈએ તેમજ શીવજીભાઈએ કહ્યું છે તેવા પક્ષપાત કરવાવાળા કે જેઓનો નાનજી માવજીની સ્ત્રીને ભગાડવામાં હાથ હતો અને તેવાઓનો પક્ષ કરવાવાળા ભાઈઓના દિલમાં પણ પોતાના કૃત્યને માટે પસ્તાવો થાય છે, એવું હાલના વાતાવરણથી ઉપરથી સ્પષ્ટ જણાઈ આવે છે. જેથી એમ માનવાને કારણો મળે છે કે સંપ જરૂરથી થશે જ.

          ભાઈઓ બીજાને દોષ દેવા કરતાં પોતે જ બેપરવાઈ રાખી છે એવું કબુલ કરવું તેના જેવું એક સત્ય નથી એમ હું માનું છું. મને પણ આટલા દિવસ સુધી જુદી જ સંસ્થાના નામથી કામ કરવું પડ્યું તે પણ ખાસ તમારી જ સુસ્તી તેમજ બેપરવાઈથી જ. પછી કેટલું અને કેવી રીતે કામ થયું તે તો બુદ્ધિ તેમજ શક્તિની વાત છે. પણ એક જ સંસ્થાથી કામ કરવામાં આવે તો અલબત તે કામ પ્રશંસનીય ગણાય. મંડળનું કામ સંપ સલાહથી તેમજ ઉત્સાહથી આગળ ને આગળ વધ્યું જતું હોય તો આજે જે જે જુદાઈ દેખાઈ રહી છે તે ન જ દેખાત. પ્રભુ સર્વ ભાઈઓને સદ્‌બુદ્ધિ આપે કે જેથી આપે આપણી જ્ઞાતિની અંદર પીરાણા સતપંથ કે જે ન હિન્દુ તેમજ ન મુસલમાન એવા અર્ધદગ્ધ પંથનું નિકંદન આપણી જ્ઞાતિના આદ્ય સુધારક શ્રીયુત નારાયણજીભાઈની યોગ્ય સલાહ તેમજ સમજાવટથી કરી શકીએ તેમજ બીજા કેટલાક સુધારાનું કામ આગળ ધપાવી શકીએ એજ વિનંતી.

          ત્યાર બાદ રા.રા.નારાણયજીભાઈએ વળતો જવાબ આપવા ઉભા થતાં સર્વ ભાઈઓએ તેમજ બહેનોએ તાળીઓના ગડગડાટથી અને કુળદેવી શ્રી ઉમિયા માતાની જય ગર્જનાથી વધાવી લીધા હતા. પોતાનું ભાષણ શરૂ કરતા જણાવ્યું કે :—

          તમો કરાંચીવાસી ભાઈઓએ આજે જે માનથી મારું અને બીજા ભાઈઓનું સ્વાગત કર્યું છે, તેના માટે હું અમો બધાઓના તરફથી તમો સર્વનો ઉપકાર માનું છું. ભાઈ રતનશી શીવજીએ મારા માટે જે જે માનના શબ્દો વાપર્યા છે તે મારા માટે અતિશ્યોક્તી ભરેલા અને હદ ઓળંગી જનારા ગણાય. એવા માનમરતબાને હું હજુ લાયક નથી, હું તો એક જ્ઞાતિ સેવક છું. જ્ઞાતિ સેવા એ મારું મુખ્ય ધ્યેય છે. સેવકને માન કે પ્રતિષ્ઠાની દરકાર ન જ હોય. આજે જે શબ્દો બોલી મારું માન વધાર્યું છે તેજ પ્રમાણે મેં ઘણા ભાઈઓના મોઢાથી જ્ઞાતિનું અહિત કરનાર તેમજ જ્ઞાતિનું સત્યાનાશ કાઢનાર એવા પણ કેટલાક વિશેષણો સાંભળ્યા છે. મને તો એવા માન કે અપમાનથી જરા પણ હર્ષ કે શોક થતો નથી. આપણા બધાઓ માથે જ્ઞાતિનું ઋણ છે. તેમાંથી મેં કવચીત જ પાઈ કે પઈસા જેટલું ઋણ અદા કર્યું હશે. પરંતુ એટલાથી મારે એમ નથી સમજવાનું કે હું એ ઋણમાંથી મુક્ત થયો છું. તેવી જ રીતે તમો સર્વ ભાઈઓ—બહેનોના શિર પર એ ઋણ તો છે જ. એવો વિચાર મનુષ્ય તરીકે તમારે પોતાની બુદ્ધિથી જ કરવાનો છે.

          ભાઈઓ હું આથી આગળ ત્રણ વખત આવી ગયો છું પણ મને જ્યારે અત્રે આવું છું ત્યારે લાગી આવે છે કે હજી આપણી જ્ઞાતિના પ્રારબ્ધમાં ફેર છે. કારણ કે હજુ સુધી આપણા કાર્યકર્તાઓમાં જોઈએ તેટલો સંપ સલાહ અને કાર્ય કરવાની લાયકાત આવી નથી. હું જરૂરથી માનું છું કે હજી મારા પુરૂષાર્થમાં ખામી છે. તે ન હોય તો આજે ત્રણ ત્રણ વખત તમોને સમજાવ્યા છતાં અત્યારે હું જોઉં છું તો તમો ત્યાં જ પાછા ઉભા છો.

          ભાઈઓ ! હું જ્યારે ૧૯૨૬ની સાલમાં આવ્યો હતો ત્યારે પણ તમારામાં એજ અદેખાઈ અને કુસંપ હતો. તેજ સ્થિતિ આજે પણ જોવામાં આવે છે. તો કહો ભાઈઓ મારી ભુલ થાય છે કે હું આવું છું ત્યારે તમો એકબીજાને હલકાં ઉંચા ગણવા મંડી પડો છો. જેથી મતભેદ ઉભો થાય છે તેથી જ વારે ઘડીયે આ સ્થિતિ આવે છે. તમો મંડળના કાર્યકર્તા ભાઈઓ તમારા પોતાના વચનની, પ્રતિજ્ઞાની કિંમતને સમજી શકતા નથી તેથી જ વારે ઘડીએ તમે પોતાના આપેલા વચનને કોરે મુકીને પાછા વઢવા મંડી પડો છો.

          હમણાં કેટલાક વખતથી તમો યુવક મંડળના ભાઈઓ અને દેહ શુદ્ધિ કરાવેલા ભાઈઓમાં કેટલીક બાબતોએ મતભેદ પડ્યો છે. તે તમારા જેવા ડાહ્યા અને સમજુ ભાઈઓને ન ઘટે. મતભેદ તો થાય એ શક્ય છે પરંતુ તેથી કાર્ય સિદ્ધિને નુકશાન થતું હોય તો તે આપણાથી કેમ સહ્યું જાય?

          જે વખતે આપણે સઘળા ભાઈઓ એક સાથે મળી ધર્મયુદ્ધમાં કેશરીયા કરી બહાર પડ્યા છીએ તો પછી તે વખતે માંહોમાહેના મતભેદોને લઈને કલહ કરીએ તો આપણું ધારેલું કાર્ય સિદ્ધ થઈ શકે નહિ અને પીરાણા સતપંથના પાખંડરૂપી વજ્રમય કિલ્લાને તેમજ આપણી જ્ઞાતિના કેટલાક ગુમાની ગેઢેરાઓ કે જેઓ પોતાના તુચ્છ સ્વાર્થમાં અંધ બની જ્ઞાતિની પાયમાલી કરી રહ્યા છે તેમને પણ આપણે પરાસ્ત કરી શકીએ નહી. એટલું જ નહિ પણ આપણા ગરીબ ભાઈઓ તેમજ બહેનોને પણ આપણે સ્વતંત્રતા અપાવી શકીએ નહિ માટે મારી તો એ સલાહ છે કે તમે સર્વ ખાસ ધ્યાનપૂર્વક વિચાર કરી તમારા હૃદયમાં જે કાંઈ દ્વેષનો ઝરો હોય તે કાઢી નાખી વળી પાછા એક સંપ થઈ સુધારાના કાર્યને આગળ ધપાવવા કમર કસશો એવી મારી પ્રાર્થના છે.

 

          ત્યારબાદ ઉપસંહાર કરતાં પ્રમુખશ્રી વિશ્રામ પાંચા ગાંગાણીએ જણાવ્યું કે :—

          આજની મિટિંગમાં ઘણી જ અગત્યની વાટાઘાટ થઈ છે. આપણામાં કુસંપ થવાનું કારણ ભાઈશ્રી લાલજી સોમજીએ કહ્યું કે આપણા મંડળના ભાઈઓએ શુદ્ધિ કરાવી આત્મબળના અભાવે પીછેહઠ કરી બેસી રહ્યા, તેમજ શુદ્ધિના વિરુદ્ધ કામ કરવા લાગ્યા. જેથી દિવસો દિવસ રોષ ભરાતો ગયો ને કુસંપ વધતો ગયો જેના લીધે આપણા મંડળની આજે આ હાલત થઈ છે. મારા મત પ્રમાણે તે ખરું જોતાં સત્યથી વેગળું છે.

          ભાઈ શીવજીએ કહ્યું તે વાત સત્ય છે હવે આજે આપણે ખુલ્લા હૃદયથી જે વાતો કરી છે તેથી ઉમેદ છે કે આપણામાં સંપ જરૂરથી થશે જ. આપ સર્વ ભાઈઓને મારી નમ્ર વિનંતી છે કે દરેક ભાઈએ પોતાના હૃદયમાંથી રોષ કાઢી નાખીને પોતપોતાની ભુલ સમજીને શુભ નિષ્ઠાથી તેમજ સર્વે ભાઈઓની મદદથી પડી ભાંગેલું સુધારાનું કામ ફરીથી શરૂ કરી દઈએ. જેથી આપણી કરેલી મહેનત સફળ થાય. આજની મિટિંગનું કામ લગભગ પુરું થવા આવ્યું છે અને ટાઈમ પણ વધારે થઈ ગયો છે તો પણ વિષય અગત્યનો હોવાથી કોઈ પણ ભાઈને ચાલુ વિષય ઉપરે બોલવું હોય તો તેવા ભાઈઓને બોલવાની છુટ છે. (તે વખતે ભાઈશ્રી શીવજી કાનજી પારસીયા ફરીથી બોલવા ઉભા થયા હતા તેનો સારાંશ તેઓશ્રીના ભાષણમાં આવી ગયેલ છે.)

 

ત્યારબાદ સભા વિસર્જન કરવામાં આવી હતી.

તા.૧૫—૫—૧૯૩૨ના દિવસની કાર્યવાહી

          તા.૧૪ને શનિવારની સભાથી કેટલાક ભાઈઓમાં જરૂરથી સંપ કરવાની ઘણી તાલાવેરી જાગી હતી તેથી તા.૧૫ની રાત્રે ભાઈ નારાયણ શીવજીના ઘરે જ્યાં રા.નારાયણજીભાઈ ઉતર્યા હતા ત્યાં કરાંચી યુવક મંડળના મુખ્ય કાર્યકર્તાઓની એક ખાનગી મિટિંગ બોલાવવામાં આવી હતી ત્યાં આગળ દરેક ભાઈએ પોતપોતાના વિચારો અને તેમાં પડતા મતભેદો રા.નારાયણજીભાઈને કહી સંભળાવ્યા હતા. જે ઉપરથી નારાયણજીભાઈએ એકબીજામાં પડતા મતભેદો દુર કરવા દરેકને પોતાની ભુલ કબુલ કરવા તેમજ જ્ઞાતિ હિતના કાર્યમાં હરકત ન આવે એ ઉદ્દેશ ધ્યાનમાં રાખવા દરેક ભાઈઓને પુરતી સમજુતી આપી હતી અને તેમના વિચારોને દરેક ભાઈઓએ કબુલ રાખ્યા હતા.

દરેક ભાઈઓને ઉદ્દેશીને નારાયણજીભાઈએ કહ્યું કે :—

          ભાઈઓ આપણે—આપણી પરિષદોએ તો છુટાછેડા ન કરવાનો ઠરાવ પાસ કર્યો છે છતાં પણ મેં સાંભળ્યું છે કે કરાંચીમાં સુધારાવાળા ભાઈમાં એક ભાઈની બાયડી બીજો ભાઈ લઈ જાય અને તેમાં ખાસ કાર્યકર્તા સુધારકો જ જો સહાય કરે તો તે ઘણું જ અફસોસ કરવા જેવું છે.

          ભાઈઓ ! હવેથી પોતપોતાની ભુલો દરેક ભાઈએ કબુલ કરીને તેનું પ્રાયશ્ચિત કરો કે જેથી આપણું સુધારાનું કામ આગળ ચાલે. આવું નારાયણજીભાઈનું કહેવું સાંભળીને ભાઈશ્રી અબજી મનજી સેંઘાણી ગામ નખત્રાણાવાળાએ કહ્યું કે :—

          મારી ભુલ થઈ ગઈ છે તે હવેથી તમને યોગ્ય લાગે તેમ કરો મેં પોતે જ ખીમજી શીવજીને શરણે રાખી વાત પકડાવી હતી અને તે મુજબ જ આજ દિવસ સુધી હું પણ તે વાતને વળગી રહ્યો હતો. કેટલાક દિવસથી મને મારી ભુલ સમજાણી હતી. જેથી મેં પોતે પણ સંપ કરવા વિશે કેટલાક ભાઈએને બહુ જ સમજાવ્યા છતાં પણ તેઓએ બિલકુલ માન્યું નહિ. છેવટમાં મેં એમ પણ કહ્યું કે ભાઈઓ મારી ભુલ થઈ હોય અને તમને તેમ જણાતું હોય તો તે વિષે મને માફી આપો આવું આવું કહેવા છતાં પણ સાંભળે જ કોણ? કેટલાક ભાઈઓને તો એવો વટ ચડી ગયો હતો કે કોઈ પણ રીતે ભેગા થવું જ નથી. ઉંહુનું ઓસડ ન હોય તે તો તમો પોતે પણ સમજો છો. જેથી જ આ સુધારાનું કામ અટકી પડ્યું છે. હવેથી તમે ગમે તેમ કરીને અમને બધાઓને સંતોષ થાય તેવું કરી જાઓ.

          એ પ્રમાણે ભાઈશ્રી અબજી નાનજી તેમજ બીજા કેટલાયેક ભાઈઓએ પોતાના વિચારો જણાવ્યા બાદ નારાયણજીભાઈએ બધાને કહ્યું કે તમે સર્વે ભાઈઓ કહો છો કે સંપ થવો જ જોઈએ તેમજ સુધારાનું કામ આગળ ધપવું જ જોઈએ મને એમ લાગે છે કે તમારામાં જે વટ હતો તે નીકળી ગયો છે અને પાંસરો દોર થઈ ગયા છો તો હવે એકત્તા કરવામાં વિલંબ નહિ લાગે અને ઈશ્વર સૌ સારું કરશે. ત્યારબાદ મોડી રાત્રે સૌ ભાઈઓ પોતપોતાને ઠેકાણે—ઘરે ગયા.

તા.૧૬—૫—૧૯૩૨ના દિવસની કાર્યવાહી

          શ્રી કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિ સુધારક યુવક મંડળની એક સભા તા.૧૬—૫—૩૨ની રાત્રે સાડા નવ વાગે તા.૧૪ને શનિવારે રાત્રે જે સ્થળે સભા મળી હતી તેજ ઠેકાણે એટલે શેઠ હરચંદરાય બ્રધર્સના ગોદામવાળા મોટા કમ્પાઉન્ડમાં મળી હતી. યુવક મંડળના સેક્રેટરી ભાઈ રતનશી શીવજીએ તે વખતની સભા બોલાવવાનું કારણ રજુ કરતાં જણાવ્યું કે :—

          ગઈકાલની ખાનગી ચર્ચા દરમ્યાન કેટલીક બાબતોનો લગભગ અંત આવી ગયો છે. મંડળમાં કુસંપ પડી ગયામાં જે જે ભાઈઓ કારણભુત હોય અથવા જે ભાઈઓને એમ લાગતું હોય કે અમે ખીમજીનો પક્ષ ખાસ ઈરાદાપૂર્વક અથવા અમુક કારણવસાત કર્યો હતો અને તેથી જ પક્ષ થઈ જવાથી સુધારાનું કામ પડી ભાંગ્યું છે, એવું સમજનાર ભાઈઓએ પોતપોતાની ભુલ કબુલ કરી પશ્ચાતાપરૂપી પ્રાયશ્ચિત કરવું અને આપણી સર્વની સંમતિથી ચુંટી કાઢવામાં આવે તે પ્રમુખશ્રી જે ફેંસલો આપે તે માન્ય કરવો.

          આજની સભાનો વિષય અતિ મહત્ત્વનો હોવાથી આજની સભામાં લાયક, ડાહ્યા, બુદ્ધિશાળી તેમજ દીર્ઘદૃષ્ટિવાળા ઠરેલ મગજના પ્રમુખ હોવા જોઈએ. તે માટે ખરું જોતાં આપણા સદ્‌ભાગ્યે ભાઈશ્રી નારાયણજી રામજીભાઈ જેવા આપણી જ્ઞાતિના ઉદ્ધારક વીર બંધુ આપણી સમક્ષ હાજર હોવાથી તેવા મુરબ્બી ભાઈશ્રી નારાયણજીભાઈની પ્રમુખ તરીકેની  દરખાસ્ત મુકું છું તેને આપ સર્વ ભાઈઓ એકમતે સંમતિ આપશો એવી મારી આશા છે.

          ઉપલી દરખાસ્તને ભાઈશ્રી લાલજી સોમજી નાકરાણી, રામજી ધનજી નાકરાણી તેમજ શીવજી લધા નખત્રાણાવાળાએ ટેકો આપ્યો હતો અને ત્યારબાદ શરૂઆતમાં રા.નારાણયજીભાઈએ પ્રમુખપદ સ્વીકારતાં તે દિવસની સભાનો આભાર માનતાં કહ્યું કે :—

          તમોએ આજની સભાના કામકાજ માટે મારામાં શ્રદ્ધા તેમજ વિશ્વાસ રાખી મને પ્રમુખપદ આપી જે માન આપ્યું છે તેના માટે હું તમો સર્વનો ઉપકાર માનું છું. પણ સાથે સાથે એ પણ કહીશ કે મને છુટો રાખ્યો હોત તો અલબત હું કેટલીક બાબતમાં છુટથી બોલી તેમજ સમજાવી શકત.

 

ત્યારબાદ સભાને ઉદ્દેશી પ્રમુખશ્રી નારાયણજીભાઈએ જણાવ્યું કે :—

          કેટલાંક વરસોથી મંડળમાં પક્ષ પડી જવાથી શુદ્ધિવાળા ભાઈઓમાં કેટલાક ભાઈઓની શુદ્ધિ કાયમ રહી છે કે નહિ? તેવી શંકા ઉપસ્થિત થઈ હોવાથી શુદ્ધિવાળા ભાઈઓને પુછું છું અને ખાનગી ચર્ચા દરમ્યાન પણ જણાયું છે કે ખીમજી શીવજીનો પક્ષ કરનાર અબજી મનજી તેમજ દાના કરશન અને રતનસી વીરજી ઉપરે શંકા છે કે તેઓની શુદ્ધિ બરાબર રહી છે કે નહિ?

          મુળ કારણ અહીંના ભાઈઓને પુછતાં એમ જણાય છે કે ગામ કોટડાના કણબી નાનજી માવજી લીંબાણીની ઘરવાલીને તેમનો સસરો ભીમજી મજકુર નાનજીને ઘેર મુકતો નહોતો જેના સંબંધમાં પંચ ભેગો થઈને તે વાતની ચર્ચા ચલાવતો હતો તે વખતે વિના કારણે ખીમજી ત્યાંથી કેટલાક શબ્દો કહીને ઉઠી ગયો અને બીજે દિવસે પંચના પાંચ ભાઈઓ ઉપરે ફોજદારી મુકદમો માંડ્યો (જેના પાછળથી રાજીનામાં થયેલા) તે ભાઈની પક્ષ કરનાર ભાઈઓ માતાજીના પાટ આગળ આવી પ્રતિજ્ઞાપૂર્વક સત્ય હકીકત જણાવીને કહો કે અમારી શુદ્ધિ બરાબર રહી છે. કે જેથી બાકીના ભાઈઓને વહેમ હોય તે ટળી જાય.

 

          પ્રથમ ભાઈશ્રી અબજી મનજી સેંઘાણી ગામ—નખત્રાણાવાળાએ કહ્યું કે હું પ્રતિજ્ઞાપૂર્વક કહું છું કે મેં પીરાણાપંથી ભાઈઓ તેમજ મંડળવાળા કે જેઓએ શુદ્ધિ નથી કરાવી તેવા ભાઈઓ સાથે મેં કદી પણ ભોજન વ્યવહાર કર્યો નથી, એટલે કે મેં શુદ્ધિનું બરાબર પાલન કર્યું છે.

          ત્યારબાદ ભાઈશ્રી દાના કરસન પાંચાણી નખત્રાણાવાળાએ કહ્યું કે હું પ્રતિજ્ઞાપૂર્વક કહું છું કે શુદ્ધિના સિદ્ધાંતથી જરા પણ ચસ્યો નથી હું દેશમાં બે ત્રણ વખત ગયો હતો ત્યાં પણ આપણા જ્ઞાતિભાઈઓ કે જેઓએ શુદ્ધિ નથી કરાવી તેવા ભાઈઓનું રાંધેલું હું જમ્યો નથી એવું હું સોગનપૂર્વક કહું છું. આનાથી વધારે ખાત્રી શું આપી શકું?

          ત્યારબાદ પ્રમુખ શ્રી નારાયણજીભાઈએ સભાને ઉદ્દેશીને જણાવ્યું કે આ બે ભાઈઓએ જે કહ્યું છે તેથી તમારી શંકા દુર થઈ હશે એમ મારું માનવું છે. કારણ કે આવા નિર્મળ હૃદય તેમજ ખરી ભાવનાથી પ્રતિજ્ઞાપૂર્વક સત્ય કહેતા હોય તેમાં શંકાને સ્થાન ન જ હોઈ શકે.

          જે ભાઈઓને વહેમ હતો તે ભાઈઓ બોલી ઉઠ્યા કે બસ અમારી શંકાનું સમાધાન થઈ ગયું તેમજ અમને લેશ માત્ર પણ વહેમ રહેતો નથી.

          તે પછી પ્રમુખશ્રીએ ખીમજી શીવજીના પક્ષકારો વિશે સભાને ઉદ્દેશી જણાવ્યું કે : કોઈ પણ વ્યક્તિએ અમુક ગુન્હો કર્યો હોય અને તે ગુન્હો ખુલ્લા શબ્દોમાં ખરા હૃદયથી કબુલ કરતો હોય તેમજ પોતાના કૃત્યને માટે જેને પારાવાર પસ્તાવો થતો હોય અને તે આવી પવિત્ર સભામાં જે ગુન્હા કર્યા હોય તેને માટે દિલગીરી જાહેર કરે તો તેને નાતે શું કરવું જોઈએ ! મારા મત પ્રમાણે તો તેવા ભાઈની સજા તો તેનો પશ્ચાતાપ જ છે અને તે સર્વ ભાઈઓ એકી મતે કબુલ કરે એમ હું ઈચ્છું છું.

          સભામાંથી સર્વ ભાઈઓ બોલી ઉઠ્યા કે ગુન્હેગાર ભાઈઓ પોતાના કૃત્યને માટે ખરા અંતઃકરણથી દિલગીરી જાહેર કરી માફી માગે તો તે ભાઈઓને માટે વધારે સજા ન કરતાં માફી આપવી જોઈએ.

          ત્યારબાદ ભાઈશ્રી અબજી મનજી સેંગાણી ગામ—નખત્રાણાવાળાએ કહ્યું કે મેં ખીમજી શીવજીનો પક્ષ કર્યો હતો અને તેથી જ મંડળનું સુધારાનું કામ આજ છ છ વરસ થયાં પડી ભાંગ્યું બલ્કે સુધારાના કામને ધક્કો પહોંચ્યો છે એ હું જાણું છું. તેમજ કબુલે કરું છું. તેના માટે હું દિલગીર થું, તેમજ એ મારી ગંભીર ભુલ કબુલ કરું છું અને મારી તેવી ભુલને માટે આપ સર્વે જ્ઞાતિ બંધુઓના પાસે માફી માગું છું.

તે સમયનો દેખાવ ખરેખર અલૌકિક હતો, કારણ કે તે શબ્દો પુરા થવાની સાથે જ એકબીજાના હૃદય શુદ્ધ પ્રેમમય બની ગયા. આંખોમાંથી જેમ ઘણા દિવસોએ બંધુ મિલન થાય તેમ આનંદની જ્યોત ઝળકી રહી.

          ત્યારબાદ ભાઈશ્રી દાના કરસન પાંચાણી ગામ—નખત્રાણાવાળાએ પણ પોતે ખીમજી શીવજીનો પક્ષકાર હતો એમ કબુલ કરી પોતાની એ ભુલને માટે જ્ઞાતિ ભાઈઓ મને જે સજા કરે તે મારે કબુલ છે અને આપણા મંડળમાં ખીમજી શીવજીનો ફેંસલો ન થાય ત્યાં સુધી તેમની સાથે બહિષ્કાર જેવું વર્તન રાખીશ. તેમજ મારા એ કૃત્યને માટે આપ સર્વ જ્ઞાતિભાઈઓ સમક્ષ માફી માગું છું. એ પ્રમાણે કહ્યું.

          તે પછી પ્રમુખશ્રી નારાયણજીભાઈએ સભામાં સર્વ ભાઈઓને ઉદ્દેશીને કહ્યું કે ભાઈશ્રી અબજી મનજી તેમજ દાના કરસન એ બે ભાઈઓએ સભા સમક્ષ પોતાની ભુલ કબુલ કરી માફી માગે છે અને તે પણ શુદ્ધ હૃદય તેમજ આપણી જ્ઞાતિમાં સુધારો કરવાની ખરી ભાવનાથી. તેમ છતાં તેઓના બોલવા ઉપરથી એમ પણ સમજાય છે કે મંડળના ભાઈઓ અમારી ભુલના સંબંધમાં યોગ્ય લાગે તેમ કરે. પણ મંડળનું સુધારાનું મુખ્ય કામ કે જે પીરાણા સતપંથરૂપી કાળું કલંક આપણી જ્ઞાતિ ઉપર છે તેને સત્વર નાબુદ કરવા પ્રથમના જેવું જ ઉત્સાહભેર સુધારાનું કામ ચાલુ થવું જોઈએ. તો તે વિશે મારે એમ જ કહેવું જોઈએ કે તે ભાઈઓએ પોતાની ભુલ બદલ મંડળને જેમ યોગ્ય જણાય તેમ કરે એમ કહ્યું. તેમજ તેઓએ ભુલ કબુલ કરતી વખતની તેઓની મુખાકૃતિ ઉપરથી પણ એમ સમજાય છે કે તેઓને પોતે કરેલી ભુલથી અપાર દુઃખ ઉપજે છે તેમજ અનહદ પસ્તાવો પણ થાય છે. માટે તેમનો એ પસ્તાવો તેઓનું પ્રાયશ્ચિત છે અને એ પ્રાયશ્ચિત જ તેમની સજા છે. તેથી તેઓને તેમના સર્વે ગુન્હાની આ મંડળ માફી આપે છે અને ભવિષ્યમાં આવી ગંભીર ભુલ ન થાય તે તરફ ખાસ લક્ષ રાખે.

          પછી પ્રમુખશ્રીએ સભામાં બેઠેલા સર્વે ભાઈઓને ઉદ્દેશીને કહ્યું કે આ બે ભાઈઓને તેમના ગુન્હાની માફી આપી છે તે બધાને કબુલ છે? સર્વે ભાઈઓએ કહ્યું કે કબુલ છે કબુલ છે.

          ત્યારબાદ ખીમજી શીવજીએ મંડળના કાર્યકર્તા પાંચ ભાઈઓ ઉપર ફોજદારી મુકદમો માંડ્યો હતો જે આપ સર્વ ભાઈઓ જાણો છો. તેનો બચાવ કરવા માટે જે ખર્ચ થયું છે તે ખીમજી શીવજીના પક્ષકારો સિવાયના મંડળના ભાઈઓની સંમતિથી થયું છેએમ શ્રીયુત પ્રમુખશ્રીએ સભામાં પ્રશ્ન કર્યો. તેના જવાબમાં ભાઈ રામજી ધનજી નાકરાણી કોટડાવાળાએ કહ્યું કે મુકદમામાં બચાવને માટે ખર્ચ કરવાનું મંડળના લગભગ દરેક મેમ્બરોએ કહ્યું હતું કે અત્યારે જે ખર્ચ થાય તે તમે પાંચ જણા કરો. પછી મંડળ તમોએ જે ખર્ચ કર્યું હશે તે આપશે.

          પછી પ્રમુખશ્રીએ સભાને ઉદ્દેશીને પૂછ્યું કે ભાઈ રામજી કહે છે તે વાત બરાબર છે? એટલે સર્વે ભાઈઓએ કહ્યું કે તે વાત બરાબર છે.

          ત્યારે એમ ઠર્યું કે જે ખર્ચ થયું હોય તે મંડળના પૈસામાંથી મજકુર પાંચ જણાને આપવું અને પછી ખર્ચના હિસાબનો આંકડો માંગવામાં આવતાં તેઓએ જણાવ્યું કે અત્યારે અમારી પાસે નથી ત્યારે તે ખર્ચની વાત મંડળનો હિસાબ થાય તે વખતે હાથ લેવાનું ઠર્યું ત્યારબાદ પ્રમુખશ્રી નારાયણજીભાઈએ કેટલાંક બોધદાયક વચનો કહી સભા વિસર્જન કરી હતી.

          ભાઈશ્રી રતનશી વીરજીએ પોતાની ભુલ કબુલ કરી નહિ તેમજ માફી માગી નહિ જેથી મંડળના સમુહથી જુદા રહી ગયા.

 

તા.૨૧—૫—૧૯૩૨ના દિવસની કાર્યવાહી

          તા.૧૭ થી તા.૨૦—૫—૧૯૩૨ સુધી એમ ચાર દિવસ ભાઈશ્રી જીવરાજ વાલજીના લગ્ન પ્રસંગે રોકાણ થવાથી આજ રોજે ભાઈશ્રી નારાયણજી રામજીના ઉતારે મંડળના ઘણા ખરા ભાઈઓ ભેગા થયા હતા અને મંડળના નાણાંનો હિસાબ જે ભાઈશ્રી રતનસિંહ શીવજી પાસે નાણાં વ્યાજે હતા તે તથા લવાજમ સંબંધમાં આયાત ખર્ચ થયું હતું તે સર્વ હિસાબ તપાસ્યો હતો. તે મુજબ હિસાબ ચોખ્ખા કર્યા બાદ નારાણયજીભાઈએ મંડળના ભાઈઓમાં કેટલીક ગેરસમજુતી ફેલાયેલી તે બાબતોની યોગ્ય સમજાવટ કરી તેમજ સુધારાને અંગે કેટલાંક બોધદાયક વચનો કહ્યા. બાદ સર્વ ભાઈઓ મોડી રાતે નિવૃત્તિ માટે પોતપોતાને ઘેર ગયા.

 

તા.૨૨—૫—૧૯૩૨ના દિવસની કાર્યવાહી

          તા.૨૨—૫—૧૯૩૨ના રોજ નારાયણજીભાઈને ઉતારે મંડળના સર્વે ભાઈઓ રાત્રે દસ વાગે ભેગા મળી યુવક મંડળના કાર્યકર્તાઓની ફરીથી ચુંટણી કરવા તેમજ શ્રી કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિ સુધારક યુવક મંડળના ખાસ નિયમો બંધારણ અને ધારા ધોરણો નક્કી કરવા તથા ખાસ કરીને આગળના વખતે જે વયોવૃદ્ધને જુદા રાખવામાં આવ્યા હતા તેને યુવકોની સાથે મળીને કામ કરવા માટે સાથે લેવા તથા નવેસરથી મંડળના બંધારણો બાંધવા તેમજ અનેક પ્રકારના નિયમો ધોરણસર રચવા માટે ભેગા થયા હતા.

          આગલા દિવસોએ કેટલાક ભાઈઓ હાજર નહિ હોવાથી આગળ થયેલા હિસાબ બધા ભાઈઓની જાણ માટે ફરીથી વાંચી સંભળાવવામાં આવ્યા હતા. તેમજ આગળની વખતે કેટલાક ભાઈઓની સમજથી જ્ઞાતિ મંડળના જુદા જુદા ફાંટાઓ જેવા કે જ્ઞાતિ પંચ, લાયબ્રેરી ખાતું તેમજ જ્યોતિધામ મંદિર વિગેરે વિગેરે કરવામાં આવ્યા હતા. તેમજ મોટેરાઓને જુદા રાખવામાં આવ્યા હતા, જેથી ખરું જોતાં જ્ઞાતિની સેવાનું કામ બરાબર થઈ શકતું નહોતું. એવું બધા ભાઈઓને જણાવાથી તે સર્વ ખાતા સાથે જોડી દઈ એક જ “શ્રી કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિ સુધારક યુવક મંડળ” ના નામથી કામ કરવાનું યોગ્ય જણાતાં તે નામ કાયમ રાખી અને ખાસ યુવક મંડળની નવેસર ચુંટણીનું કામ હાથ ધરવામાં આવ્યું હતું.

          તે વખતે નારાયણજીભાઈએ સર્વ ભાઈઓને ઉદ્દેશી કહ્યું કે જે ભાઈઓને મંડળના મેમ્બરો થવાની ઈચ્છા હોય તેઓએ અત્યારે જ નામ લખાવવા કારણ કે જેટલા મેમ્બરોના નામ લખાશે તે મેમ્બરોમાંથી પ્રમુખ, સેક્રેટરી, ખજાનચી વિગેરે મુખ્ય કાર્યકર્તાઓ તેમજ વ્યવસ્થાપક મંડળના મેમ્બરો પણ તેમાંથી ચુંટી કાઢવામાં આવશે. જે બહુ મતે નક્કી કરવામાં આવશે.

 

ત્યારબાદ નીચેના ભાઈઓએ મંડળના મેમ્બર તરીકે નામ લખાવ્યા હતા.

         

(૧)

અબજીભાઈ મનજી સેંઘાણી                 ગામ—નખત્રાણાવાળા

(૨)

વિશ્રામભાઈ પાંચા ગાંગાણી                  ગામ—વિરાણીવાળા

(૩)

રતનશી ભાઈ શીવજી નાકરાણી              ગામ—રવાપરવાળા

(૪)

શીવજીભાઈ કાનજી પારસીયા               ગામ—નખત્રાણાવાળા

(૫)

જેઠાભાઈ નથુ નાકરાણી                      ગામ—દેવીસરવાળા

(૬)

લાલજીભાઈ સોમજી નાકરાણી              ગામ—રવાપરવાળા

(૭)

નારાયણભાઈ શીવજી લીંબાણી              ગામ—વિરાણીવાળા

(૮)

જીવરાજભાઈ હીરજી ઉકાણી               ગામ—માનકુવાવાળા

(૯)

નારાયણભાઈ નથુ છાભૈયા                   ગામ—દેવીસરવાળા

(૧૦)

દાનાભાઈ કરસન પાંચાણી                    ગામ—નખત્રાણવાળા

(૧૧)

શામજીભાઈ વીરજી રૂડાણી                  ગામ—દેશલપર (ઉગમણા)

(૧૨)

રામજીભાઈ સોમજી નાકરાણી               ગામ—રવાપરવાળા

(૧૩)

હરજીભાઈ નથુ છાભૈયા                      ગામ—દેવીસરવાળા

(૧૪)

શીવજીભાઈ લધા નાકરાણી                  ગામ—નખત્રાણાવાળા

(૧૫)

પ્રેમજીભાઈ હરજી સાંખલા                   ગામ—દેશલપર (આથમણા)

(૧૬)

મેઘજીભાઈ કાનજી સેંઘાણી                  ગામ—મમાઈમોરાવાળા

(૧૭)

નથુભાઈ નારાયણ પાંચાણી                  ગામ—નખત્રાણાવાળા

(૧૮)

માવજીભાઈ મેઘજી નાકરાણી                ગામ—વિરાણી (કોરાવાળી)

(૧૯)

લાલજીભાઈ ભાણજી બાથાણી              ગામ—વિરાણીવાળા

(૨૦)

દેવજીભાઈ નાનજી પાંચાણી                  ગામ—નખત્રાણાવાળા

(૨૧)

નથુભાઈ વીરજી રૂડાણી                      ગામ—દેશલપર (ઉગમણા)

(૨૨)

વેલજીભાઈ રૂડા દાનાણી                     ગામ—નખત્રાણાવાળા

(૨૩)

હંસરાજભાઈ રામજી વેલાણી                ગામ—દેશલપર (આથમણી)

(૨૪)

લધાભાઈ કરસન નાકરાણી                   ગામ—વિરાણીવાળા

(૨૫)

મુળજીભાઈ પુંજા ભગત                      ગામ—નખત્રાણાવાળા

(૨૬)

લધાભાઈ હરજી નાકરાણી                   ગામ—કોટડા જડોદરવાળા

(૨૭)

વેલજીભાઈ ગોપાલ સાંખલા                 ગામ—દેશલપર (આથમણી)

(૨૮)

માવજીભાઈ પરબત ધોળુ                     ગામ—વિરાણીવાળા

(૨૯)

વેલજીભાઈ પરબત પારસીયા                ગામ—નખત્રાણાવાળા

(૩૦)

મુળજીભાઈ ડોસા પોકાર                     ગામ—નખત્રાણાવાળા

(૩૧)

વાલજીભાઈ લખુ પોકાર                      ગામ—નખત્રાણાવાળા

(૩૨)

વીરજીભાઈ લખુ પોકાર                      ગામ—નખત્રાણાવાળા

(૩૩)

ખેતાભાઈ ગોપાલ કેસરાણી                  ગામ—નખત્રાણાવાળા

(૩૪)

રતનશીભાઈ ગોપાલ કેશરાણી               ગામ—નખત્રાણાવાળા

(૩૫)

રામજીભાઈ કાનજી ધોળુ                     ગામ—વિરાણીવાળા

(૩૬)

નાગજીભાઈ ખીમજી લીંબાણી               ગામ—આણંદસરવાળા

(૩૭)

કરમશીભાઈ દેવશી છાભૈયા                  ગામ—દેવીસરવાળા

(૩૮)

ગોપાલભાઈ કરસન ચૌધરી                   ગામ—નખત્રાણાવાળા

(૩૯)

રતનશીભાઈ કરસન ચૌધરી                  ગામ—નખત્રાણાવાળા

(૪૦)

પચાણભાઈ પરબત છાભૈયા                 ગામ—કોટડા જડોદરવાળા

(૪૧)

કરસનભાઈ પરબત પારસીયા                ગામ—નખત્રાણાવાળા

(૪૨)

વિશરામભાઈ જીવરાજ પોકાર               ગામ—મંગવાણાવાળા

(૪૩)

ધનજીભાઈ હરજી ગોગારી                   ગામ—ઐયરવાળા

(૪૪)

વીરજીભાઈ રતનશી નાકરાણી               ગામ—વાલકાવાળા

(૪૫)

ભાણજીભાઈ શીવજી નાથાણી              ગામ—નખત્રાણાવાળા

(૪૬)

મનજીભાઈ જેઠા કાનજીયાણી               ગામ—વિરાણીવાળા

 

          ઉપર જણાવ્યા મુજબ છેતાલીસ મેમ્બરોમાંથી યુવક મંડળના પ્રમુખ તરીકે ભાઈશ્રી અબજી મનજી સેંગાણી નખત્રાણાવાળાને વધુમતે ચુંટવામાં આવ્યા છે અને ઉપપ્રમુખ તરીકે ભાઈશ્રી વિશ્રામ પાંચા ગાંગાણી ગામ—વિરાણીવાળાને પસંદ કરવામાં આવ્યા છે. યુવક મંડળના સેક્રેટરી તરીકે ભાઈશ્રી રતનશી શીવજી નાકરાણી ગામ—રવાપરવાળાને પસંદ કરવામાં આવ્યા છે અને જોઈન્ટ સેક્રેટરી તરીકે ભાઈશ્રી શીવજી કાનજી પારસીયા ગામ—નખત્રાણાવાળાને નિમવામાં આવ્યા છે અને ખજાનચી તરીકે શ્રીમંત ભાઈશ્રી જેઠાભાઈ નથુ નાકરાણી ગામ—દેવીસરવાળાની વધુ મતે પસંદગી કરવામાં આવી છે.

          તે ઉપરાંત યુવક મંડળના છેતાલીસ મેમ્બરોમાંથી વ્યવસ્થાપક મંડળના કાર્યકર્તાઓ તરીકે નીચે મુજબ જણાવેલા અગિયાર ભાઈઓની સર્વાનુમતે ચુંટણી કરવામાં આવી હતી.

(૧)

ભાઈશ્રી અબજીભાઈ મનજી સેંઘાણી                 ગામ—નખત્રાણાવાળા (યુવક મંડળના પ્રમુખ)

(૨)

ભાઈશ્રી વિશ્રામભાઇ પાંચા ગાંગાણી                  ગામ—વિરાણીવાળા (યુવક મંડળના ઉપપ્રમુખ)

(૩)

ભાઈશ્રી રતનશીભાઈ શીવજી નાકરાણી               ગામ—રવાપરવાળા (યુવક મંડળના સેક્રેટરી)

(૪)

ભાઈશ્રી શીવજીભાઈ કાનજીભાઈ પારસીયા          ગામ—નખત્રાણાવાળા(યુવક મંડળના જો.સેક્રેટરી)

(૫)

ભાઈશ્રી જેઠાભાઈ નથુભાઈ નાકરાણી                ગામ દેવીસરવાળા (યુવક મંડળના ખજાનચી)

(૬)

ભાઈશ્રી લાલજીભાઈ સોમજીભાઈ નાકરાણી         ગામ—રવાપરવાળા

(૭)

ભાઈશ્રી નારણભાઈ શીવજી લીંબાણી                ગામ—વિરાણીવાળા

(૮)

ભાઈશ્રી જીવરાજભાઈ હીરજી ઉકાણી               ગામ—માનકુવાવાળા

(૯)

ભાઈશ્રી નારાયણભાઈ નથુ છાભૈયા                   ગામ—દેવીસરવાળા

(૧૦)

ભાઈશ્રી દાનાભાઈ કરસન પાંચાણી                    ગામ—નખત્રાણાવાળા

(૧૧)

ભાઈશ્રી સામજીભાઈ વીરજી રૂડાણી                  ગામ—દેશલપર (ઉગમણા)

         

ત્યારબાદ શ્રી કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિ સુધારક યુવક મંડળના ધારા ધોરણ અને નિયમો શ્રી કચ્છ કડવા પાટીદાર પરિષદ ત્રીજીમાં ઠરાવરૂપે પસાર કરવામાં આવેલ હતા તેમાંથી ઈ.સ.૧૯૨૬માં કેટલાક ફેરફારો સાથે યુવક મંડળે તૈયાર કર્યા હતા તેજ ધારા ધોરણ અને નિયમો આ વખતે બહાલ રાખવામાં આવ્યા હતા જે નીચે મુજબ છે.

શ્રી કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિ સુધારક યુવક મંડળના

ઉદ્દેશ અને નિયમો

          આપણી કડવા પાટીદાર જ્ઞાતિ કચ્છ, કાઠિયાવાડ, ગુજરાત, નિમાડ, માળવા વગેરે આ દેશના જુદા જુદા ભાગોમાં વસે છે અને તે દરેક વિભાગમાં જ્ઞાતિ સ્થિતિ સુધારવા સંસ્થાઓ કે મંડળો સ્થાપી લાંબા સમયથી પ્રયત્ન કરવામાં આવે છે. આવા દરેક મંડળો સમસ્ત જ્ઞાતિની “શ્રી કડવા પાટીદાર પરિષદ” નામે જે મોટી સંસ્થા છે તેના આશ્રય નીચે રહી પોતપોતાની જરૂરિયાતની મુખ્ય સંસ્થાને જાણ કરે છે અને પરિણામે જ્ઞાતિ હિત સાધવાનો માર્ગ સરળ થાય છે. આ મુખ્ય સંસ્થાની સ્થાપના થયા પછી દેશકાલને લઈ જ્ઞાતિમાં ઘર કરી બેઠેલા અધર્મયુક્ત રીતરિવાજોનો ત્યાગ થતો આવે છે અને ઘણા કાળથી એકબીજાથી જુદા પડી ગયેલા પોતાના જ બંધુઓ સાથે ઐક્ય સાધવાનું મહત્ત્વનું કાર્ય સિદ્ધ થતું જાય છે. આ શુભ કાર્યમાં આપણા કચ્છ વિભાગે પણ કેટલેક અંશે ભાગ લીધો છે. પરંતુ સમસ્ત જ્ઞાતિથી આપણા વિભાગને અલગ પાડી દેનાર અધર્મયુક્ત પીરાણા સતપંથનો ત્યાગ કરવાનું જે મહાન કાર્ય આપણા વિભાગે કરવાનું છે. તે ઉદ્દેશ અને કાર્ય ધ્યાનમાં લઈ શ્રી કચ્છ કડવા પાટીદાર પરિષદ નામે જે સંસ્થા સ્થાપવામાં આવી છે તેને અનુસરીને તેના પેટા વિભાગ તરીકે જ આ જ્ઞાતિ સુધારક યુવક મંડળની સ્થાપના કરવામાં આવી છે. તેના ઉદ્દેશ અને નિયમો નીચે પ્રમાણે છે.

 

ઉદેશ

          (૧) આપણી સમસ્ત જ્ઞાતિથી આપણને અલગ પાડી દેનાર તેમજ હિન્દુપણામાંથી આપણને ટાળી દેનાર પીરાણા સતપંથને જ્ઞાતિમાંથી નાબુદ કરવો અને કોઈ પણ જોખમે અને ખર્ચે એ કાર્ય પ્રથમ હાથ ધરવું એ આ મંડળનો મુખ્ય ઉદ્દેશ છે.

          (૨) બાળલગ્નના અધર્મયુક્ત અને હાનીકારક રિવાજને જ્ઞાતિમાંથી સત્વરે નાબુદ કરવો તે આ મંડળનો મુખ્ય ઉદ્દેશ છે. તેને ખાસ ધ્યાનમાં લઈ જ્ઞાતિ સુધારક યુવક મંડળના મેમ્બરોમાંના કોઈએ પણ બાળલગ્ન ન કરવા અને જ્ઞાતિમાંનો કોઈ પણ ભાઈ પોતાના બાળકોને એવી રીતે બાળલગ્નથી પરણાવતો હોય તો તેને સમજાવી તેમ ન કરવાની સમજુતી આપવી એ આ મંડળના દરેક મેમ્બરોની મુખ્ય ફરજ રહેશે.

          (૩) મરણ પાછળના કારજો કરવાનો રિવાજ શાસ્ત્ર વિરુદ્ધ અયુક્ત, ખર્ચાળ અને દુર્દશાએ પહોંચાડનારો હોવાથી તેને સદંતર નાબુદ કરવા અને તેવા જમણો નહિ જમવાનો આપણી જ્ઞાતિની પરિષદે ઠરાવ કરેલ છે, તેને અનુસરીને આ મંડળના કોઈ પણ મેમ્બરે તેવા ખર્ચા નહિ કરવા, તેમજ તેમાં ભાગ પણ નહિ લેવો એ તેમની મુખ્ય ફરજ છે.

          (૪) વિદ્યા એ સર્વોત્તમ શક્તિ હોવાથી તેનો બહોળો પ્રચાર જ્ઞાતિના તેમજ પોતાના પુત્ર—પુત્રીઓને પુરતી કેળવણી આપીને કરવાનો ખાસ ઉદ્દેશ ધ્યાનમાં રાખવો, એમાં આ મંડળના મેમ્બરો પોતાની મુખ્ય ફરજ સમજશે.

          (૫) જ્ઞાતિની આર્થિક સ્થિતિ સુધારવી અને ઐક્યતા વધારવી એ ખાસ જરૂરનું છે. જેથી દરેક ભાઈએ પોતાના જ્ઞાતિ બંધુઓને બનતી દરેક પ્રકારની મદદ કરવી, તેમજ કામ ધંધામાં આગળ વધારવા તથા ખેતીવાડી વિગેરે બીજા ઉદ્યોગોની કેળવણી મેળવી એકબીજાને સહાયભુત થવું એ આ મંડળનો ખાસ ઉદ્દેશ છે.

          (૬) ઉપદેશકો રોકીને, સભાઓ અથવા મિટિંગો ભરીને, ચોપાનીયા કે પુસ્તકો પ્રસિદ્ધ કરીને જ્ઞાતિમાં જ્ઞાનનો ફેલાવો કરવો તથા આ મંડળના ઉદ્દેશો બર લાવવા માટે જ્યારે જ્યારે જરૂર જણાય ત્યારે જ્ઞાતિ બંધુઓની મદદ લઈને પગારદાર અથવા બિન પગારદાર માણસો રોકી યોગ્ય ખર્ચો કરીને આ મંડળનો મુખ્ય ઉદ્દેશ બર લાવવામાં આવશે.

          (૭) આ મંડળનું દરેક પ્રકારનું કામકાજ કચ્છ દેશના જ રહીશ હોય એવા કડવા પાટીદાર બંધુઓના હિતાર્થે જ થશે. પરંતુ એવો પણ ઉદ્દેશ છે, કે આ મંડળની સ્થિતિ સુધરતી હોય તો જ્ઞાતિ વિસ્તારના બીજા ભાગો તરફ પણ ધ્યાન આપવામાં આવશે. વળી કોઈપણ પ્રયત્ને સમસ્ત જ્ઞાતિમાં આપણા કચ્છ વિભાગનું પ્રતિનિધિત્વ સાચવી રાખવા આ મંડળ બનતા દરેક પ્રયત્નો ચાલુ રાખશે.

 

નિયમો :

          (૧) કોઈ પણ વિભાગના કડવા પાટીદાર બંધુઓ આ મંડળના મેમ્બર હોઈ શકશે અને મંડળ તરફથી નક્કી કરવામાં આવેલી આઠ આના ફી આપવાથી અને મંડળના ઉદ્દેશ અને નિયમોનો અંગીકાર કરેથી મેમ્બર તરીકેના દરેક હક તેને પ્રાપ્ત થશે.

          (૨) આ મંડળની સિંધ પ્રદેશ ખાતેની મુખ્ય ઓફીસ કરાંચીમાં રહેશે અને જરૂર જણાતાં બીજી જગ્યાએ પેટા ઓફિસો ખોલવામાં આવશે.

          (૩) આ મંડળનો ઉદ્દેશ બર લાવવા માટે બહુમતે ઉપયોગ થશે અને જે જે ભાઈઓ જે જે કાર્ય માટે યોગ્ય જણાશે તેમની કમિટિઓ દ્વારા અથવા વ્યક્તિત્વ પરત્વે નિમણુંક કરવામાં આવશે. તેમજ આ મંડળનો ઉદ્દેશ બર લાવવા અને તેનો વહીવટ કરવા સારું અગિયાર વ્યવસ્થાપકોની કમિટી નિમવામાં આવી છે, તેને આ મંડળના ઉદ્દેશના અંગે ઉત્પન્ન થતું દરેક કાર્ય કરવાની સત્તા રહેશે અને તે માટે યોગ્ય ખર્ચ પણ કરી શકશે.

          (૪) આ મંડળની ખાસ મિટિંગ દર પંદર દિવસે ભરવામાં આવશે અને દર મહિનાની છેલી તારીખે મહિના દિવસમાં થયેલું કામકાજ અને મંડળના અંગે થયેલા ખર્ચનો હિસાબ સેક્રેટરીએ મંડળના મેમ્બરોને વાંચી સંભળાવવો અને તે સિવાય વ્યવસ્થાપક મંડળના સભ્યોને કોઈ ખાસ કારણસર મિટિંગ બોલાવવાની જરૂર પડે તો તે બોલાવી શકશે. આવા પ્રકારની મિટિંગ બોલાવવાની ખબર બે દિવસ અગાઉથી મંડળના સેક્રેટરીએ દરેક મેમ્બરોને આપવી.

          (૫) વ્યવસ્થાપક મંડળ પોતાની મિટિંગ જ્યારે જ્યારે જરૂર જણાશે ત્યારે બોલાવી શકશે અને ઓછામાં ઓછા ૧—૩ જેટલા મેમ્બરો હાજર હશે તે વખતે મંડળના ઉદ્દેશને બાધ ન આવે તેવાં જરૂર પડતાં કામકાજો કરવાની વ્યવસ્થાપક મંડળને સત્તા રહેશે.

          (૬) મંડળનો ઉદ્દેશ બર લાવવા માટે અને મંડળના નિભાવ અર્થે તેમજ મંડળની મિટિંગોમાં થયેલ કામકાજના હેવાલો છપાવવા અર્થે જે કાંઈ પૈસાની જરૂર પડે તે માટે કોઈ ખાસ ફંડ કરવામાં નહિ આવ્યું હોય તો, મંડળના મેમ્બરોની માસિક ફીના આઠ આનાવાળા ફંડમાંથી ખર્ચ કરવામાં આવશે.

          (૭) આ મંડળની દરેક મિટિંગમાં થતા કામકાજની એક નોંધ વ્યવસ્થાપક કમિટિ તરફથી રાખવામાં આવશે તે પ્રોસીડીંગ બુક ગણાશે, દરેક મિટિંગ પછી તે મોટી હોય કે વ્યવસ્થાપકોની હોય તેના કાર્યનો હેવાલ લખાઈ ગયા બાદ તે કાર્ય જેના પ્રમુખપણા નીચે થયું હોય તે તેના નીચે પોતાની સહી કરશે.

          (૮) મંડળનો કોઈ પણ મેમ્બર મંડળના ઉદ્દેશ કે હેતુ અને નિયમોથી વિરુદ્ધ જવાપણું કરી શકશે નહિ અને તેવું વિરુદ્ધ વર્તન કરનારનો મેમ્બર તરીકેનો હક્ક છીનવી લેવામાં આવશે.

          (૯) આ મંડળે પસાર કરેલા મંડળના નિયમ અને ઉદ્દેશોનો અમલ કરાવવો અને કરવો એ દરેક ભાઈની ફરજ ગણાશે અને જે કાર્ય માટે જેની નિમણુંક કરવામાં આવી હોય તે બંધુ તેના કાર્ય માટે આ મંડળને જવાબદાર રહેશે. પરંતુ જેની પદ્ધતિસર નિમણુંક નહિ થઈ હોય તેવા કોઈ પણ મેમ્બરના કોઈ પ્રકારના કાર્ય માટે આ મંડળ જવાબદાર રહેશે નહિ.

          (૧૦) આ મંડળનું કાર્ય એ જ્ઞાતિહિતનું કાર્ય છે એમ સમજી જે જે વિભાગના ભાઈઓ આ મંડળને જે જે પ્રકારે મદદ કરશે તે ઉપકાર સાથે સ્વીકારવામાં આવશે, પરંતુ પરજ્ઞાતિના કોઈ પણ ગૃહસ્થ તરફની આર્થિક મદદ સ્વીકારવી કે નહિ તેનો વ્યવસ્થાપકો સમયને અનુસરીને નિર્ણય કરશે.

સૂચના :—

          દરેક ભાઈઓ આ મંડળના નિયમો અને ઉદ્દેશને બરાબર જાણી અને સમજીને મેમ્બર થયા છે, એટલે આ મંડળનો જ્ઞાતિ હિત સાધવાનો ઉદ્દેશ તેમની મદદ વડે જલ્દીથી બર આવશે. એવી આ મંડળને ખાત્રી રહે છે અને હવે પછી નવા થનારા મેમ્બરોએ આ મંડળના ઉદ્દેશ અને નિયમોને વાંચી વિચારી અને પોતાને યોગ્ય લાગે તો બાજુના પાના પરનું અંગીકરણ પત્ર ભરી સેક્રેટરી તરફ મોકલી આપવું અને જ્ઞાતિ હિતના કાર્યમાં જોડાવું, એવી દરેક જ્ઞાતિબંધુઓને વિનંતી કરવામાં આવે છે.

લી. રતનશીભાઈ શીવજીભાઈ સેક્રેટરી

હેડ ઓફિસ : શ્રીચંદ વિશનદાસ રોડ, ગાર્ડન કવાર્ટર,

કરાંચી—રણછોડ લાઇન

 

અંગીકરણ પત્ર

શ્રી કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિ સુધારક યુવક મંડળના સેક્રેટરી જોગ

હેડ ઓફિસ : ગાર્ડન કવાર્ટર

શ્રીચંદ વિશનદાસ રોડ, કરાંચી રણછોડલાઈન

          હું નીચે સહી કરનાર ….. નુખે… ઉંમર વર્ષ….. ગામ….. ઠેકાણું …….. આ ઉપરથી વિનંતી કરું છું કે, જ્ઞાતિ સુધારક યુવક મંડળના ઉદ્દેશ અને નિયમો મેં જાતે સમજીને જાણ્યા છે અને જ્ઞાતિ હિતના માટે તે ખાસ જરૂરના છે, એવી મારી ખાત્રી થઈ છે એટલે તે પાળવા અને પળાવવા હું મારાથી બનતું કરવાનો વિશ્વાસ આપી આ મંડળનો મેમ્બર થવાની માંગણી કરું છું, તે સ્વીકારવામાં આવશે એવી આશા છે સહી…. દા.પોતે.

          ઉપર પ્રમાણેના જ્ઞાતિ સુધારક યુવક મંડળના ઉદ્દેશો અને નિયમોનું બંધારણ નક્કી કર્યા બાદ, બીજી પણ કેટલીક અગત્યની વાટાઘાટો કરી, દરેક ભાઈઓએ એકબીજાના મનનું સમાધાન પ્રાપ્ત કરી હર્ષથી છુટા પડ્યા હતા.

          યુવક મંડળના ભાઈઓએ પણ સ્વતંત્ર રીતે જ્ઞાતિ સુધારકનું કામ કરી દેખાડવા માટે ભાઈશ્રી નારાયણજીભાઈને ઉત્સાહપૂર્વક વચન આપ્યું હતું તથા તેમને દરેક પ્રકારે મદદ કર્તા થઈ પડશે એમ જણાવ્યું હતું.

          તે પછી ભાઈશ્રી નારાયણજીભાઈએ ઉભા થઈને પોતાના સગા સંબંધીઓ તેમજ જ્ઞાતિ બંધુઓને કહ્યું કે મારે ઉતાવળે કચ્છ જવાનું હોવાથી હવે વધારે વખત રોકાઈ શકું તેમ નથી. હું કાલે સવારેના ૯.૨૦ના ટાઈમે રેલ્વે રસ્તેથી કચ્છ તરફ રવાના થઈશ, તેથી દરેક ભાઈને વિનંતી કરીને કહું છું કે જેવી રીતે આપ ભાઈઓએ એકબીજાની ભુલો કબુલીને સંપ કર્યો છે અને કાયદા કાનુનો ઘડ્યા છે તે મુજબ હરહંમેશાં સંપ સલાહથી કાયદા મુજબ સર્વ ભાઈઓ વર્તશો કે જેથી આપણી જ્ઞાતિનું સુધારાનું કામ આગળ વધારી શકીએ.

          તા.૨૩ના સવારના ૯.૨૦ના ટાઈમે કવેટા મેલ દ્વારા નારાયણજીભાઈ જવાના હોવાથી સીટી સ્ટેશને ઘણા ખરા સુધારક ભાઈઓ પોતાના કામ ધંધા છોડીને વિદાયગીરી આપવા ગયા હતા. તેમાંથી કેટલાક ભાઈઓ તો સદર સ્ટેશન સુધી ગયા હતા. બાદ વિદાયગીરીના શિષ્ટાચાર કરી ભારે હૃદયે ગાડી ઉપડતાં કુળદેવીની જય ગર્જના કરી છુટા પડ્યા હતા.

          જ્યારથી સુધારાની હિલચાલ શરૂ થઈ છે ત્યારથી આગેવાનો તરફથી સુધારાવાળાને સતાવવાનો પ્રયાસ ચાલુ જ હતો. જેથી સ્વમાનની કિંમત સમજવાવાળા ભાઈઓને અર્ધદગ્ધ પાખંડી પંથમાં ન હિન્દુ તેમજ ન મુસલમાન જેવી સ્થિતિમાં રહેવા કરતા શુદ્ધિ કરાવી પીરાણા—સતપંથ તેમજ જુલ્મગાર આગેવાનોના પંજામાંથી મુક્ત થવું એજ શ્રેયસ્કર છે, એવું સમજીને કચ્છમાં ઘણા ભાઈઓ દેહશુદ્ધિ પ્રાયશ્ચિત લેવા માંડ્યા છે. તે મુજબ ગામ દયાપર, પાનેલી, રવાપર, મથલ વિગેરે ગામના ભાઈઓએ દેહશુદ્ધિ પ્રાયશ્ચિત લીધેલ જેથી જુલ્મગાર આગેવાનોના પંજામાંથી મુક્ત થયા છે અને મુમના નામધારી પીરાણા પંથી કહેવાય છે તેઓના સાથે ખાવા—પીવાનું પણ બંધ કરી દીધું અને પોતે પીરની કબરો પુજતા હતા તે મુકી હિન્દુ સનાતન દેવોના ઉપાસક થયા, તે જોઈને ગામ વિરાણી કોરાવાલીના કેટલાક બંધુઓમાં જાગૃતી આવી તેથી શ્રી સત્યનારાયણનું મંદિર કરી દેહશુદ્ધિ પ્રાયશ્ચિત સંવત ૧૯૮૮ (કચ્છ સંવત)ના શ્રાવણ સુદ ૧૨ {VSA: 24-Aug-1931} ના દિવસ ગામશ્રી કોરાવારી વિરાણીમાં પીરાણાપંથી પાટીદાર ભાઈઓએ પીરાણા પંથને તિલાંજલી આપી શુદ્ધ સનાતન વૈદિક ધર્મની દીક્ષા દયાપરવાળા ત્રવાડી મણીશંકર અંબારામ કે જે પાટીદાર જ્ઞાતિના શુભેચ્છક છે તેને હસ્તે દેહશુદ્ધિ પ્રાયશ્ચિત લઈ યજ્ઞોપવિત ધારણ કર્યા છે જેના નામ નીચે મુજબ છે.

(૧)

પટેલ રામજી કેશરા ભાવાણી

 

(૨)

ચિ.પટેલ પચાણ          

તે પટેલ રામજી કેશરાના પુત્રો

(૩)

ચિ. પટેલ કાનજી

તે પટેલ રામજી કેશરાના પુત્રો

(૪)

સૌ.બેન પુરબાઈ 

તે પચાણ રામજીના ધર્મપત્ની

(૫)

ચિ.કરસન                           

તે પચાણ રામજીના પુત્ર—પુત્રીઓ

(૬)

ચિ.પરબત

તે પચાણ રામજીના પુત્ર—પુત્રીઓ

(૭)

ચિ.બાઈ વાલબાઈ        

તે પચાણ રામજીના પુત્ર—પુત્રીઓ

(૮)

ચિ.બાઈ વેલબાઈ

તે પચાણ રામજીના પુત્ર—પુત્રીઓ

(૯)

ચિ.બાઈ પાનબાઈ

તે પચાણ રામજીના પુત્ર—પુત્રીઓ

(૧૦)

સૌ.બેન જમનાબાઈ

તે કરશન પચાણના ધર્મપત્ની

(૧૧)

પટેલ કાનજી રામજી ભાવાણી

 

(૧૨)

સૌ.બેન પાનબાઈ

તે કાનજી રામજીના ધર્મપત્ની

(૧૩)

ચિ.મનજીભાઈ                     

તે કાનજી રામજીના પુત્ર—પુત્રીઓ

(૧૪)

ચિ.બાઈ કાનબાઈ                  

તે કાનજી રામજીના પુત્ર—પુત્રીઓ

(૧૫)

ચિ.બાઈ માનબાઈ

તે કાનજી રામજીના પુત્ર—પુત્રીઓ

(૧૬)

ચિ.બાઈ મરઘાંબાઈ

તે કાનજી રામજીના પુત્ર—પુત્રીઓ

(૧૭)

પટેલ લધા કેશરા મૈયાત

 

(૧૮)

ચિ.વાલજીભાઈ           

તે લધા કેશરાના પુત્ર—પુત્રીઓ

(૧૯)

ચિ.સોમજીભાઈ 

તે લધા કેશરાના પુત્ર—પુત્રીઓ

(૨૦)

ચિ.બાઈ પાનબાઈ

તે લધા કેશરાના પુત્ર—પુત્રીઓ

(૨૧)

ચિ.બાઈ પદમાબાઈ

તે લધા કેશરાના પુત્ર—પુત્રીઓ

(૨૨)

માતુશ્રી સેજબાઈ

તે લધા કેશરાની માતુશ્રી

(૨૩)

સૌ.બહેન નાનબાઈ

તે વાલજી લધાના ધર્મપત્ની

(૨૪)

ચિ.નાનજીભાઈ           

તે વાલજી લધાના પુત્રો

(૨૫)

ચિ.કરસનભાઈ  

તે વાલજી લધાના પુત્રો

(૨૬)

ચિ.નારાયણભાઈ

તે વાલજી લધાના પુત્રો

(૨૭)

પટેલ સોમજી લધા

 

(૨૮)

સૌ.બહેન નાનબાઈ

તે સોમજી લધાના ધર્મપત્ની

(૨૯)

ચિ.બાઈ ભાણબાઈ

તે સોમજી લધાની પુત્રી

(૩૦)

પટેલ વાલજી નથુ પોકાર

 

(૩૧)

સૌ.બહેન ગોમતીબાઈ

તે વાલજી નથુના ધર્મપત્ની

(૩૨)

સૌ.બહેન રાજબાઈ

તે વાલજી નથુની પુત્રી

(૩૩)

પટેલ લાલજી પુંજા ગોરાણી

 

(૩૪)

સૌ.બહેન મેઘબાઈ

તે લાલજી પુંજાના ધર્મપત્ની

(૩૫)

પટેલ વાલજી ભીમજી ભગત

 

(૩૬)

સૌ.બહેન વાલબાઈ

તે વાલજી ભીમજીના ધર્મપત્ની

(૩૭)

ચિ.દેવજીભાઈ            

તે વાલજી ભીમજીના પુત્ર—પુત્રીઓ

(૩૮)

ચિ.બાઈ રતનબાઈ

તે વાલજી ભીમજીના પુત્ર—પુત્રીઓ

(૩૯)

પટેલ નથુ નાઈયા વાસાણી

 

(૪૦)

ચિ.મનજીભાઈ તે નથુ નાઈયાનો પુત્ર

 

(૪૧)

બાઈ ધનબાઈ વિધવા

 

(૪૨)

ચિ.દેવશીભાઈ            

તે ધનબાઈના પુત્ર—પુત્રીઓ

(૪૩)

ચિ.બાઈ કાનબાઈ        

તે ધનબાઈના પુત્ર—પુત્રીઓ

(૪૪)

ચિ.બાઈ પદમાબાઈ

તે ધનબાઈના પુત્ર—પુત્રીઓ

(૪૫)

પટેલ મનજી નથુ

 

(૪૬)

સૌ.બહેન નાનબાઈ

તે મનજી નથુના ધર્મપત્ની

(૪૭)

ચિ.લાલજીભાઈ          

તે મનજી નથુના પુત્ર—પુત્રીઓ

(૪૮)

ચિ.બાઈ મરઘાંબાઈ

તે મનજી નથુના પુત્ર—પુત્રીઓ

(૪૯)

ચિ.બાઈ મુળબાઈ        

તે મનજી નથુના પુત્ર—પુત્રીઓ

(૫૦)

ચિ.બાઈ જમનાબાઈ

તે મનજી નથુના પુત્ર—પુત્રીઓ

(૫૧)

ચિ.બાઈ ગંગાબાઈ

તે મનજી નથુના પુત્ર—પુત્રીઓ

(૫૨)

પટેલ હરજી શીવજી પોકાર

 

(૫૩)

સૌ.બહેન સેજબાઈ

તે હરજી શીવજીના ધર્મપત્ની

(૫૪)

ચિ.ડાહ્યાભાઈ             

તે હરજી શીવજીના પુત્ર

(૫૫)

ચિ.ભાણજીભાઈ

તે હરજી શીવજીના પુત્ર

(૫૬)

ચિ.પચાણ ખીમા પારસીયા

 

(૫૭)

સૌ.બહેન નાથીબાઈ

તે પચાણ ખીમાની ધર્મપત્ની

(૫૮)

ચિ.હરજીભાઈ            

તે પચાણ ખીમાના પુત્ર—પુત્રીઓ

(૫૯)

ચિ.બાઈ રાજબાઈ

તે પચાણ ખીમાના પુત્ર—પુત્રીઓ

(૬૦)

ચિ.બાઈ મરઘાંબાઈ      

તે પચાણ ખીમાના પુત્ર—પુત્રીઓ

(૬૧)

ચિ.બાઈ રતનબાઈ

તે પચાણ ખીમાના પુત્ર—પુત્રીઓ

(૬૨)

ચિ.બાઈ માનબાઈ

તે પચાણ ખીમાના પુત્ર—પુત્રીઓ

(૬૩)

ચિ.બાઈ લખમાબાઈ

તે પચાણ ખીમાના પુત્ર—પુત્રીઓ

(૬૪)

પટેલ માવજી પ્રેમજી સેંઘાણી

 

(૬૫)

સૌ.બહેન રામબાઈ

તે માવજી પ્રેમજીની ધર્મપત્ની

(૬૬)

ચિ.ભાણજીભાઈ                   

તે માવજી પ્રેમજીના પુત્ર—પુત્રીઓ

(૬૭)

ચિ.બાઈ પાનબાઈ        

તે માવજી પ્રેમજીના પુત્ર—પુત્રીઓ

(૬૮)

ચિ.બાઈ કાનબાઈ

તે માવજી પ્રેમજીના પુત્ર—પુત્રીઓ

(૬૯)

ચિ.બાઈ પુરવાઈ

તે માવજી પ્રેમજીના પુત્ર—પુત્રીઓ

(૭૦)

પટેલ ખીમજી પ્રેમજી

 

(૭૧)

માતુશ્રી માનબાઈ

તે ખીમજી પ્રેમજીની માતુશ્રી

(૭૨)

પટેલ વાલજી નથુ પોકાર

 

(૭૩)

સૌ.બહેન ગોમતીબાઈ

તે વાલજી નથુની ધર્મપત્ની

(૭૪)

માતુશ્રી સોનબાઈ

તે વાલજી નથુની માતુશ્રી

(૭૫)

તેમની પુત્રી બાઈ મણીબાઈ

 

(૭૬)

પટેલ રતના જશા નુખે સામાણી ગામ—દયાપરવાળા

 

(૭૭)

સૌ.બહેન રાજબાઈ

તે રતના જશાની ધર્મપત્ની

(૭૮)

ચિ.રામજીભાઈ           

તે રતના જશાના પુત્ર—પુત્રી

(૭૯)

ચિ.બાઈ કાનબાઈ

તે રતના જશાના પુત્ર—પુત્રી

(૮૦)

પટેલ કાનજી ખેતા નુખે ભગત ગામ—દયાપરવાળા

 

(૮૧)

સૌ.બહેન પાનબાઈ

તે કાનજી ખેતાની ધર્મપત્ની

(૮૨)

ચિ.કરસનભાઈ  

તે કાનજી ખેતાના પુત્રો—પુત્રી

(૮૩)

ચિ.હંસરાજભાઈ

તે કાનજી ખેતાના પુત્રો—પુત્રી

(૮૪)

ચિ.ગોપાલભાઈ

તે કાનજી ખેતાના પુત્રો—પુત્રી

(૮૫)

ચિ.બાઈ લખમાબાઈ

તે કાનજી ખેતાના પુત્રો—પુત્રી

         

 

ઉપર મુજબના ભાઈઓએ સહકુટુબ દેહશુદ્ધિ કરાવ્યા પછી તેઓએ આગળથી બંધાવી રાખેલ શ્રી સત્યનારાયણ ભગવાનનું મંદિર તેમાં શ્રી સત્યનારાયણની મૂર્તિની પ્રતિષ્ઠાની તૈયારી કરવા માંડી તે શ્રાવણ વદી ૮ જન્માષ્ટમી {VSA: 05-Sep-1931} ના દિવસે શ્રી સત્યનારાયણ ભગવાનની મૂર્તિની પ્રતિષ્ઠાના પ્રસંગે કંકોત્રીઓ મોકલાવ્યા મુજબ બહાર ગામથી આપણી જ્ઞાતિના તેમજ અન્ય જ્ઞાતિના સજ્જનો હાજર થયા હતા. ગામ લખપતથી અમલદારોમાં મે.રા.રા.વહીવટદાર સાહેબ પ્રાણજીવન પુરૂષોત્તમભાઈ સહકુટુંબ તથા રા.રા.રવિશંકરભાઈ આમરજી અવલકારકુન તથા રા.રા. રવિશંકરભાઈ નંદરાય તથા મે.રા.રા.ફોજદાર સાહેબ દલપતરામભાઈ તથા મે.રા.રા. દાક્તર સાહેબ ગોવર્ધનદાસ બાપુભાઈ સહકુટુંબ તથા પોલીસના હવાલદાર મે.અબ્દુલાભાઈ સિવાય પટાવાળા તથા વકીલ સાહેબ રા.રા.નથુભાઈ બોર્ડીંગના માસ્તર સાહેબ શીવજીભાઈ પેરાજ પાંચ વિદ્યાર્થી—વોલેન્ટીયરો સાથે પધાર્યા હતા તે સિવાય ગામશ્રી વિરાણી, નખત્રાણા, રવાપર, પાનેલી, દયાપર, ઘડુલી, અકરી વિગેરે ગામોના જ્ઞાતિ ભાઈઓએ ખરા ઉત્સાહથી આ કામમાં ભાગ લેવાને આવ્યા હતા.

          શ્રી સત્યનારાયણ ભગવાનની મૂર્તિ પધરાવતી વખતે બહાર ગામના માણસોની સંખ્યા લગભગ ૫૦૦ થી ૬૦૦ની મળી હતી તે વખતે મંદિરના નિભાવાર્થે ભેટ તરીકે કુલ કોરી ૧૬૦૦ થઈ હતી જે ઘણા જ આનંદથી મંદિરના ફંડમાં જમા રાખવામાં આવી હતી. તે બાદ ભોજન વિગેરેનો લહાવો લઈ સર્વ ભાઇઓએ વિદાય લીધી હતી.

 

યુવાનોને હાકલ

          અંધશ્રદ્ધાના અમાપ સાગરમાં ડુબકી ખાતા ઓ વીરો ! તમારા વીરત્વના શૌર્યને જગતના ચરણમાં ધરો. આજુબાજુના સગાંવહાલાંની શેહમાં દબાઈ તમારા જોરદાર અંતરાત્માને ખૂબ રોક્યો, ઘણા દિવસ એ વડીલોની આજ્ઞા પાળી તમે તમારી જીજ્ઞાસાને મારી અને ઈચ્છાએ પાખંડી પીરાણા પંથને ઉત્તેજન આપ્યા કર્યું. પરંતુ હવે જમાનો ડરવાનો કે સંતાવવાનો નથી. મંડળની હાકલને સાથ આપી જ્ઞાતિ માટે તમારાથી યુવત્વને શોભે તેવું કાંઈ કરવાનો છે.

          ગોર બ્રહ્મા તે ઈમામશાહ વિષ્ણુ તે નરઅલી મહમદશાહ, મહેશ તે દાદો આદમ અને આદ્ય શક્તિને બીબી ફાતમાનું પદ આપી આજ દિવસ સુધી તમારા પાસેથી તમારા ભોળપણાનો લાભ લઈ તમને ખુબ ચુસ્યા મુસલમાન હોઈ હિન્દુઓનો વેષ પહેરી ધર્મ બોધ આપ્યો. પણ હવે જમાનાને અનુસરીને એ બોધ નકામો જાણી તમે તમારા સ્વધર્મ ઓળખીને તત્કાળ તિલાંજલી આપવાને કમર કસી તૈયાર થાઓ. સુરવીર પૂર્વજોના ઓ પનોતા પુત્રો ! પાંચસો વરસ પહેલાના પૂર્વજોના કાર્ય તરફ ઘડીભર જુઓ કે તેઓ કેવા ભડવીર હતા. અને કેવો નિર્મળ ધર્મ પાળી પોતાની માનવ જીવનની ફરજ અદા કરતા હતા. તેનું અનુકરણ કરો. હાલમાં જેવી રીતે આપણને પીરાણા ધર્મ પાળવાની ફરજ આપણા વડીલો પાડે છે. તેવી જ રીતે તે ધર્મમાં સડો, અનાચાર કે દાંભીકપણું તે જોવાનો અને કાઢવાનો પણ પૂરેપૂરો આપણને હક્ક છે. આપણા આજના યુવાનોને એવું શિક્ષણ મળે છે કે પીરાણા પંથી સૈયદ, કાકાઓની નિંદા ન કરવી, જુનું લોપી નવું ન કરવું પરંતુ બંધુઓ ! એ કહેવાતા ધર્માચાર્યો, પાખંડી પીરાણા ધર્મ અને વ્યભિચારી વંઠેલા બગલા ભક્તોના અનાચારોની નિંદા ન કરવી, એમ માની પૂરેપૂરું જાણવા છતાં ઢાંકપછેડો કરી પાપના ભાગીદાર બનવું એમાં શું પુણ્ય છે? એ પાપી પુરૂષો અને પાખંડી પંથ આપણને બહુ જ નુકશાન કરતા છે. આપણી અંધશ્રધ્ધાએ આપણી જ્ઞાતિને કેટલી મજબુત બેડીઓથી બાંધી લીધી છે. તેના સંબંધમાં એકાદ બે દાખલા આપણા યુવાનોને જ આપીશું તો તે અસ્થાને નહિ જ ગણાય.

          એકાદ વર્ષ ઉપર કેટલાક યુવાનોને પોતાનું સ્વરૂપ સમજાવાથી વૈદિક ધર્મ અનુસાર નિત્યકર્મ કરવા માંડ્યું, જેમા તેઓને યજ્ઞોપવિત ધારણ કરવા ઉચિત જણાતાં પીરાણાના કાર્યમાં આગેવાની ભર્યો ભાગ લેતા તેમજ ગેઢેરાઈની ઉમેદવારીમાં કામ કરનાર રવાપરવાળા માવજી વીરજી નાકરાણીના સપુત પુત્ર ભાઈ ખીમજી માવજી તેમજ હડુડ પીરાણા પંથીના ધામરૂપ ગામ ખોંભડીમાં ભક્ત નામથી પ્રખ્યાત થયેલ બગભકત ખીમાના પૌત્ર ભાઈ જેઠા રામજી તથા કરાંચીમાં પીરાણા પંથીઓના આગેવાન વીરજી મુલજી વાડીયાના ભત્રીજાભાઈ મનજી કેશરા વાડીયા વિગેરે, ભાઈઓએ યજ્ઞોપવિત ધારણ કરી, તેથી પીરાણાના લાણ ખાઉ ભાઈઓના હાંજા ગગડી ગયા અને તેઓને પીરાણાની નિંદા દેખાણી, જેથી ભાઈ ખીમજી માવજીની જનોઈને ઉતારવાની તેના મોટાભાઈ મેગજી માવજીને જનોઈ વિરુદ્ધ ઉશ્કેરણી કરવા માટે રાત્રિ દિવસ પાછળ પડ્યા. પણ મેગજીભાઈ મુજાણા કે જનોઈ કીયે પ્રકારે ઉતરાવવી, કારણ કે ખીમજીભાઈની મક્કમતા સામે તેઓ જરા પણ બોલી શકે તેમ હતું નહિ તેથી આખરે કંટાળીને તેઓએ ઘરમાંથી ખીમજીને કાઢી મુકવાનો પ્રોગ્રામ રચ્યો. પણ ખીમજી તેમ નીકળે તેવો હીજડો નહોતો, તેથી બળાત્કારથી જનોઈ ઉતરાવવી એવું ઠરાવ્યું, તેમાં પણ તેઓ ન ફાવ્યા તેથી અંતે તેમના વેવાઈ માવજી રૈયા ભાદાણી ગામ—નાગવીરીવાળાને જ શુર ચડ્યું અને આખરે જેટલી હતી તેટલી હિંમત ભેળી કરીને જનોઈ તોડી. શાબાશ છે ભાઈ માવજી તમોને કે રાક્ષસી સત્તા વાપરતાં તમે જરાએ ન અચકાયા જાણે તમો તો અલાઉદ્દીનના અવતાર જ નહો. તેમ વળી બીજા ભાઈ મનજી કેશરા ખોંભડીવાળાની જનોઈ પણ ઓરંગઝેબના અવતાર સમા કોઈ અંધ શ્રધ્ધાળુએ રાત્રે કપટથી કાપી લીધી પરંતુ ધન્ય છે. અમારા એ યુવાનોને કે તેઓએ આ બધુ જુલમ કંઠે કલેજે સહી લીધો છે અને જનોઈઓ ઉતારનારને એક શબ્દ સરખો પણ કહ્યો નહિ અને વળી પાછું પોતાનું કામ શરૂ કર્યું પરંતુ અય યુવાનો ! આવો જહાંગીરી જુલમ સાંખી લેવો એ યુવાનોનો ધર્મ નથી પરંતુ શાંતિથી જુલમને સામે થવામાં જ ધર્મ છે. યુવાનને બેસી રહેવું ઉચિત નથી પણ ફરીથી યત્ન કરવો એ એની ફરજ છે.

          આપણા જ્ઞાતિ ભાઈઓ રામાયણ, મહાભારત, ગીતાજી જેવા પવિત્ર શાસ્ત્રોના બદલે નુરનામાં, બાજનામાં, જીન્નતનામાં અને દસ અવતારો જે હિન્દુધર્મનું અપમાન કરનાર કિસ્સા કહાણીઓ તે પણ હિન્દુ ધર્મના દુશ્મન સૈયદોના બનાવેલ હોય (જેવા સૈયદ બાવો સાહેબ હાલમાં બનાવે છે) તે ઘણી રાજીખુશીથી પણ ભોળપણે વાંચે છે અને તેના જ બનાવેલા દુલદુલ ઘોડો બુસખ વિગેરેના દર્શન કરે છે પોતે ઉંચ વર્ણના હિન્દુ છે તે જાણે છે છતાં પણ સૈયદો અને આપણી જ્ઞાતિમાંથી ભાગી વટલી સાધુ બનેલા કાકાઓ અને તેમના જ એજન્ટ ભટકેલ ભગતડાઓના અપવિત્ર હાથેથી દુવાઓ ફાતીઆઓ પડી ફુંક મારી અપવિત્ર કરેલા પદાર્થો ખાવામાં જરાપણ વાંધો લેતા નથી ને શરમાતા પણ નથી એ જાણ્યા છતાં પણ અરે હે વહાલા ભાઈઓ હજી એ પીરાણા પંથને કેમ નભાવો છો તે સમજાતું નથી.

          કેટલાએક પીરાણા પંથના કાંધીયાઓ પીરાણા પંથ અર્ધદગ્ધ પાખંડી પંથ છે. એવું કહેનારને મારવા ઉઠે છે, પણ તેઓને જ કોઈ મુમના મતીયા કે ઈશમાઈલી કહે તો તેઓ જરાય શરમાતા નથી જેમને સ્વમાનની જરાય લાગણી નથી. તેવાઓને હવેથી તમારે કહી દેવું જોઈએ કે તમારું પીરાણા પંથનું રગસીયું ગાડુ તમારા જેવા બળદોથી હવે વધારે દિવસ સુધી ચાલે તેમ નથી કારણ કે યુવાનો જાગૃત થતા જાય છે, માટે અય પીરાણા પંથના પ્રપંચમાં ફસાયેલા બંધુઓ ! આપણા પૂર્વજો.

સ્વધર્મને રક્ષવા, તલવાર કરમાં ઝાલતા, સમરાંગણે અરી સૈન્યને, શુરવીરતા દેખાડતા,

નિશ્ચય અડગને ટેક, સાચી ધર્મમાંએ રાખતા, સ્વધર્મ માટે હર્ષથી, માથુ ઉતારી આપતા.

          તેના જ ઓ સંતાનો ! તમો ભલે એ પાપાત્માઓના પાપને દબાવી પાપના ભાગીદાર બનો, ભલે તમારા પૂર્વજોની કીર્તિ ઉપર પાણી ફેરવો પણ આ ઉગતા યુવાનોના રસ્તા શા માટે બંધ કરો છો, તમારા એ દાબથી હવે એ યુવાનો નહિ દબાય કે નહી રિબાય તે તમારે નક્કી માની લેવું.

          પીરાણા પંથમાંથી મુક્ત થવા ઈચ્છનારા અય યુવાનો ! હવે તો મસ્તક ઉંચું કરી, કમર કસી, તેમજ નીડર બની પીરાણા પંથના કાંધીઓને પડકાર કરી કહી દયો કે અમો ઘણા દિવસ સુધી તમારી શેહમાં દબાઈ પાયમાલ થયા તે અમે સહ્યું, પણ હવેથી જેઓને એ પાખંડી પીરાણા પંથમાંથી છુટા થવું હોય તેઓને અટકાવી તેમના હૃદયને આઘાત પહોંચાડવાનું દુષ્ટ કૃત્ય ન કરો.

          યુવાનો ! સત્ય માટે મરી ફીટવું એજ ધર્મ છે. આ પીરાણાપંથ સામેનો સંગ્રામ સત્ય સીલો છે, એમાં પાખંડીઓનું કામ નથી. એ પાખંડીઓનો પાપનો ઘડો ક્યારનો એ ફુટી ગયો છે, હવે તો એ પંથના સંચાલકોને છુટથી સત્ય હકીકત કહેવાની હિંમત હોવી જોઈએ. તેવી હિંમત આવવા માટે આવો આ મંડળમાં કે જેથી તમો એ પાખંડીઓના સામા ખુલ્લી છાતીએ ઉભવાની હિંમત કરી શકો. પ્રભુ તમને સદ્‌બુદ્ધિ આપે કે ખરું ખોટું પારખી શકો એજ અભ્યર્થના છે.

લી.રતનશી શીવજી પટેલ

         

આ રિપોર્ટ કરાંચીના વોટરકોર્સ રોડ પર આવેલ “દુર્ગા પ્રીર્ન્ટીંગ પ્રેસ ” માં

છોટાલાલ કાનજી મહેતાએ છાપ્યો.

 

 

Leave a Reply

Share this:

Like this: