Akhil Bhartiya Kutch Kadva Patidar Samaj
A central organisation of Kutch Kadva Patidar Sanatan community
Akhil Bhartiya Kutch Kadva Patidar Samaj
A central organisation of Kutch Kadva Patidar Sanatan community
સૈયદ બાવા સાહેબ અહમદઅલી (ખાકી)એ
સતપંથીઓને આપેલ સધીયારા સબબે
સતપંથીઓના સધીયારાને સપાટો
—-
લેખક અને પ્રકાશક
પટેલ નારાયણજી રામજીભાઈ કોન્ટ્રાક્ટર
મુ. ઘાટકોપર (જીલ્લે થાણા)
—-
સંવત ૧૯૮૩ ઈ.સ.૧૯૨૭
—-
મુદ્રણસ્થાન : આદિત્ય મુદ્રણાલય,
રાયખડ રોડ—અમદાવાદ.
મુદ્રક : ગજાનન વિશ્વનાથ પાઠક
ખુલાસો
આ એ લેખ સતપંથી સેવકો કે પીરાણાના કોઈ પણ સૈયદોની લાગણી દુઃખાવાના હેતુથી નથી
લખ્યો, કારણ કે તેઓ સીધા અને સરળ છે. પીરાણા સતપંથની ખોલવામાં આવતી
પોલ સંબંધી તેમનો કોઈપણ પ્રકારનો હઠ કે દુરાગ્રહ કરતા નથી. એટલું જ નહિ પણ કેટલાક
સૈયદોએ તો અમને ચોખ્ખું લખી જણાવ્યું છે કે,
પીરાણા સતપંથના સ્થાપક સૈયદ ઈમામશાહે હિન્દુઓને ઠગ્યા સિવાય
સીધો ઈસ્લામ ધર્મનો માર્ગ બતાવ્યો છે ત્યારે સૈયદ બાવા સાહેબ અહમદઅલી (ખાકી) કે
જેઓ પોતે બાપદાદે મુસલમાન હોવા છતાં પોતાને મચ્છ,
કૃચ્છ, વરાહ (સુવર) વંશી, બુદ્ધવંશી, હરિવંશી અને હાલમાં વળી ચંદ્રવંશનું પૂછડું પકડી ભોળા અને
અજ્ઞાન હિન્દુઓને યુક્તિપ્રયુક્તિઓ વડે ફસાવી,
વટલાવી, હિન્દુ ધર્મ કર્મથી પતિત કરી,
મુસલમાન બનાવવા માટે સતપંથની સંધ્યા,
સતપંથી કર્મપ્રયોગ,
સતપંથી ગાયત્રી વિગેરેના વિશેષણો લગાડી બનાવટી ઉટપટાંગ
શાસ્ત્રો રચી તેમજ પીરાણા સતપંથના પાખંડી અર્ધદગ્ધ પંથને વેદ અને વેદાંત મતને
અનુસરનારો હિન્દુધર્મ છે એમ કહી અખિલ હિન્દુ જનતાની આંખમાં ધોળે દિવસે ધૂળ
નાંખવાનો પ્રયત્ન કરનાર એ સૈયદ ખાકીની લેખનશૈલીને જ આભારી છે. ખાકીના લેખની ભાવના
તેમની શબ્દરચના અને વિચારોની છાજતી શૈલીમાં જવાબ આપવા જતાં અમારાથી હાસ્ય,
ઉપહાસ્ય અને અનુઠા ઉદ્ગારો કલમમાંથી કુદરતી રીતે જ નીકળી
પડે છે.
સૈયદ બાવા સાહેબ અહમદલી (ખાકી) એ
સતપંથીઓને આપેલ સધિયારા સબબે
સતપંથીઓના સધિયારાને સપાટો
૧. સૈયદ બહાદુર મી.ખાકી પોતાના લેખની શરૂઆત કરતાં લખે છે કે — “સતપંથ વિરુદ્ધ
લખનારા સઘળા ભાઈઓ એક જ પ્રકારના લેખો લખી રહ્યા છે. તેનો જવાબ એ જ કે,
લેખોના કેટલા પ્રકાર મી.ખાકીએ શોધી કાઢ્યા છે?
જે બિના જૂઠી હોય તેના પ્રમાણો અને દૃષ્ટાંતો આપી તેને ખોટી
સિદ્ધ કરી આપવાનું નિશાન સઘળા સત્ય શોધકોનું એક જ હોય છે. તેનો પ્રકાર પણ એક જ
હોય. મી.ખાકીના “પીરાણા સતપંથ”ની કુટિલતા અને પ્રપંચજાળ પણ એજ એક જ પ્રકારે આજે
અનેક સૈકાઓથી ચાલી રહેલી છે. ત્યારે તેના વિરુદ્ધની દલીલો આપવાના તે શું પાંચ સાત
જુદા જુદા રંગબેરંગી પ્રકારો થતા હશે? વળી મી.ખાકી લખે છે કે,
“તેની સુચનાઓ તરત અપાતી રહી
છે.” અમો હરિવંશના હોંશીલા સૈયદ ખાકીને પુછીએ છીએ કે,
એવી સુચનાઓ કોણે આપી?
ક્યારે આપી? મી. ખાકી પોતાના અસંબદ્ધ બબડાટના ચીથરીઆઓમાં દર વખત લખે છે
કે — “મી. નારણ રામજી, નારણ ગોપાલ, યુવક મંડળ, વિગેરેને સામટો જવાબ આપવાના લેખમાં જોશો. જવાબ તો હજુ
મી.ખાકીના પેટમાં જ છે ! કેમકે તે હજુ છપાયો જ ક્યાં છે ! વળી એ જવાબ છપાવવાના
પૈસાની સતપંથીઓ પાસે ભીખ માગવાની બહાદુરી તો જારી હોવા છતાં આજ દિવસ સુધી એ રકમનો
પત્તો ખાધો હોય એમ લાગતું નથી, કેમકે સદરહુ જવાબનો હજુ સુધી જન્મ પણ નથી થયો?
અમારી તો ખાત્રી છે કે,
મી.ખાકીમાં એ નગદ સત્યનો જવાબ આપવાનું પાણી કે તાકાત જ નથી.
અમે પોતે મી.ખાકીને પૈસા આપી એ જવાબ છપાવી આપવાની માંગણી જાહેર લેખો દ્વારા કરેલી
છતાં જવાબ નદારત ! ત્યારે હવે મી.ખાકી તે શું મોઢું લઈને સુચનાનું હંમ્બગ આગળ ધરી
જવાબ આપવાની ફરજમાંથી છટકી જવાના ફોકટ ફાંફા મારી રહ્યા છે?
જવાબ આપવાના અખાડાને લઈ પોતાના સેવકોમાં અળખામણા થઈ પડવાથી
ખોટો ડોળ કરી સૂચનાઓ તરતોતરત અપાતી રહી છે. એવી તોપો મારવાની નવી કળા અજમાવી રહ્યા
છે. મી.ખાકી ! તમે એ સુચનાઓ સ્વપ્નામાં, જંગલમાં કે સૈયદ ઈમામશાહની કબરને આપી?
રાતની ઠંડી હવામાં દિવાલોને કે દુનિયાની ચારે દિશાઓને તો
નથી આપી, તેની મી.ખાકી જગતને જાહેરાત કરશે કે?”
૨. ત્યારબાદ મી.ખાકી લખે છે કે, સતપંથ વૈદિક ધર્મ છે. તેને શરણે આવી વેદાજ્ઞા સમજવા અને
પાળવા શીખો. જ્ઞાતિયુદ્ધમાં ના ફાવ્યા તો વીરા ! ધર્મયુદ્ધમાં કેમ ફાવશો?
સતપંથીઓ તો પુરાણ પુરૂષોત્તમ નારાયણ—અલ્લાહ ખુદાને માને છે
વિગેરે.
મી.ખાકી ! તમારો સતપંથ કોઈ પણ વેદ વેદાન્ત કે હિન્દુશાસ્ત્રોને માનનારો
હિન્દુધર્મ નથી, એમ હજારો લેખો ભાષણો અન્ સતપંથીની પોલ જેવા મહાભારત
પુસ્તકોથી ઢંઢેરો વગાડી અમે દેખાડી આપ્યું છે. તમારો એ પીરાણા સતપંથ અર્ધદગ્ધ,
ખીચડીઓ, કબ્રસ્તાનની કપોળ કલ્પિત પ્રપંચ ભંડાર અને વિશ્વધર્મનો
વિરોધી એક કુટીલમાં કુટીલ કલિપંથ છે અને ન્યાયાસનની પવિત્ર ગાદીએથી પણ એ વસ્તુ
સિદ્ધ થઈ ચુકી છે. વેદ કે હિન્દુધર્મના નામનિશાન સાથે પણ તેને કોઈ પ્રકારનું
લાગતું વળગતું નથી. માત્ર અજ્ઞાન લોકોને ઠગવા માટે હિન્દુ દેવોના નામો અને વેદના
નામની દુહાઈ આપી છે. એવા ભોળા અને અજ્ઞાન હિન્દુઓને વટલાવી ઉભય લોક ભ્રષ્ટ કરી,
મામદાહિન્દુ બનાવી,
તેમના હિન્દુત્વનું મુળ કાપવા માટે અને વૈદિક ધર્મના અમર
આત્મા ઉપર કુટિલતાની ક્રુર કરવત ચલાવવા માટે જ કેટલાક તમારા જેવા આપમતલબી અને ઠગ
ઈસલામી ધર્મપ્રચારક દાઈઓએ તમારા એ કહેવાતા સતપંથના નામનું ધતિંગ ચલાવેલું છે.
દુનિયામાં કોઈ પણ ધર્મ એટલી હદ સુધી નીચ નથી કે તેનો સ્થાપક અને પ્રવર્તક એક જુદા
જ ધર્મનો હોય અને ઉપદેશ કાંઈ બીજા જ ધર્મનો અપાતો હોય,
આવી રીતે ધર્મ ખીચડો બાફી પોતાના અજ્ઞાન ભોળા સેવકોને ગળે
પોતે અલગ રહી અવનવી ફાંસીની જાદુઈ દોરી ભેરવતો હોય,
આ ખુબી તો એક પીરાણા સતપંથમાં જ જોઈ ! વળી તેના સ્થાપક
તમારા લખવા અને કહેવા પ્રમાણે તમારા બાપદાદાઓ કે જેઓ આગાખાની ઈમામોના પગારદાર
નોકર—ઉપદેશક દાઈઓ હતા. તમારા તે સૈયદો બધા જાતે બાપદાદે મુસલમાન હોઈ તમારા કહેવાતા
સતપંથી હિન્દુ સેવકોને જાળમાં લઈ ક્રમે ક્રમે મુસલમાન બનાવવા માટે સતપંથ નામની
પાખંડજાળ બિછાવી છે તેમાં કંઈ શક નથી. એવા ભોળા હિન્દુઓને વટલાવી,
દશોંદ, વિશોંદની લૂંટ ચલાવી તેમની પસીનાની કમાઈ હજમ કરવા માટે આજે
સૈકાઓથી એ સતપંથી સેવકોથી વસેલા ગામોમાં સ્થાપેલાં કસાઈખાનાઓ જેવા ખાનાઓ જગવિખ્યાત
છે ! ખરેખર એ ખરાબીના ખાનાં તે ખાનાં જ છે ! જો યોગ્ય તુલના કરવામાં આવે તો,
ભૂતખાનાં, પ્રેતખાનાં, જેલખાનાં, પાયખાનાં કે પિશાબખાનાંઓ કરતાં પણ પીરાણા સતપંથના એ ખાનાંઓ
વિશેષ ભયંકર અને જાળમાં પકડાયેલા શિકારોની બૂરી હાલત કરનારા છે ! ઉપર જણાવેલા
ખાનામાંના કેટલાંએક ખાનાઓ શરીરનો નકામો કચરો લઈને જ સંતોષ માને છે. પરંતુ પીરાણા
સતપંથના પાખંડી પાપખાનાંઓ તો, દશોંદ, વિશોંદ, દંડ, ભેટ અને એવા અનેક તરેહના લાગા લગવા જેવા અનેક જાતના
રક્તશોષક યંત્રો ગોઠવી એ પંથના અજ્ઞાન સેવકો કે જેઓ પેટના બચ્ચાં જેવા જ ગણાય,
તેમને એ યંત્રો વડે છળભેદ વડે નીચોવી નીચોવી,
હાડ ચામ કે માંસ પણ બાકી ન રહે,
એવી રીતે તન, મન, ધન, જીવન સર્વસ્વને ખાઈ જનારા તેમનું સત્વ ચુસી લેનારા એ ખાનાંઓ
છે. એ ખાનાંઓમાં અર્ધદગ્ધ કપોળ કલ્પિત મામદાહિન્દુ સાહી પાખંડ ધર્મના પાઠો
પઢાવવામાં આવે છે. હિન્દુઈસ્લામી મિક્ચરવાળી દુવાઓ અને કલમાનું કચુંબર શીખવાડવામાં
આવે છે અને આસ્તે આસ્તે ફુંકી ફુંકી ફોલી ખાનારા ઉંદરોની પેઠે અજ્ઞાન હિન્દુ
સતપંથીઓને યુક્તિપ્રયુક્તિઓથી વટલાવી હિન્દુ ધર્મ કર્મથી રહિત બનાવી,
અર્ધદગ્ધ અધકચરા મુસલમાનો બનાવાય છે ! એ ખાનાંઓમાં કહેવાતા
હિન્દુ સતપંથી સેવકોના હિન્દુત્વને રહેંસી નાખી એ ખીચડીયા પંથની એલેલટપુ અર્ધદગ્ધ
ઈસ્લામી ક્રિયાઓના નાટકો ભજવાય છે ! અન્ય ધર્મીઓની નીચ નિંદા કુથળી કરવામાં આવે
છે. એટલું જ નહિ પણ તન, મન અને આત્માને ભ્રષ્ટ કરનારી નાપાક કહેવાતી અમી અને નુરની
ગોળીઓ ગુંટી પીવરાવવામાં આવે છે. ફરમાનજી બીસ્મિલ્લાના કલમા અને હેજંદા અને
પીરશાહના જાપોની જપમાળા જપાય છે. આથી પણ આગળ વધીને હડહડતા જૂઠાણાથી ભરેલા પીરાણા
સતપંથના બનાવટી શાસ્ત્રોમાં હિન્દુધર્મનો નાશ કરવા માટે ગોઠવેલા બુદ્ધાવતારમાં
બુદ્ધના ઉપદેશથી ધર્માત્મા પાંડવોના હાથે ગૌહત્યા કરાવી પાપો ટાળવાની અધમ વાતો સમજાવી
ગાયો મારવાનો બોધ અપાય છે. એવી એવી અનેક યુક્તિપ્રયુક્તિઓ વડે પાતાલ ભેદી
પ્રપંચજાળ ગોઠવીને સનાતન હિન્દુધર્મનું હડહડતું અપમાન અને ખૂન થાય છે ! ટુંકમાં
હિન્દુધર્મનું જડમૂળથી નિકંદન કાઢવા માટે જ પીરાણા સતપંથનો જન્મ થયો છે. એવા ભયંકર
દુરાચારવર્ધક ક્રુર અને ઘાતક પંથનો વિશાળ ઈતિહાસ અમે રજુ કર્યો હોવા છતાં હજી પણ
એવું બેશરમ રીતે લખી મી.ખાકીએ સતપંથને વૈદિક ધર્મ છે એમ કહી તેને શરણે આવવાની મને
અમૂલ્ય સુચના કરે છે. પણ મી.ખાકી ભૂલી જાય છે કે મારો ધર્મ તો એ પાખંડી પંથનો આ
દુનિયામાંથી સદંતર નાશ કરવાનો જ છે અને તેના સંચાલકો તમારા જેવા પ્રપંચી પાખંડીઓ,
જેઓ હિન્દુ સમાજનો ભયંકર દ્રોહ કરનારા દુરાત્માઓ છે તેમને
ઠેકાણે લાવવાના માટે હિન્દુધર્મનો અને જગતની જનતાની સેવા કરવા માટે મેં સેવક ધર્મ
અંગિકાર કર્યો છે, એવું અનેક વખત લખી જણાવવા છતાં મને પીરાણા સતપંથ પાળવાનો
ઉપદેશ આપી એ પાખંડી પંથને વૈદિક ધર્મ કહેવાની નીચતા કુટિલતા અને દ્યૃષ્ટતા કરતાં
શરમ પણ થતી નથી ! નકટાને નાક જ હોય ક્યાંથી કે તે કપાવાનો ભય રહે?
વળી લખે છે કે “જ્ઞાતિયુદ્ધમાં ન ફાવ્યા તો ધર્મયુદ્ધમાં
શું કરશો? મી.ખાકી ! કોને જ્ઞાતિ સાથે યુદ્ધ છે તે જણાવશો કે?
અમારી જ્ઞાતિ તો સાગર જેવી શીતળ અને ગંગા જેવી પવિત્ર ઉદાર
હૃદયવાળી ક્ષત્રિય જ્ઞાતિ છે. મારા તેમજ જ્ઞાતિ સુધારકોના શુભ પ્રયાસો વડે તમારા
પીરાણા સતપંથના પાખંડી મતને દિવસે દિવસે તે છોડતી જાય છે. એથી જ તમારા હૃદયમાં
ચીરા પાડતી ચરેરાટી પેદા થઈ છે ! અને તેનું કારણ ધર્મદાઝ નથી,
પણ પૈસા અને મતલબની હાની જ છે. છપનીઆ જેવા દુષ્કાળના ખરાબ
વખતમાં જ્યારે કચ્છ દેશમાં રૂપિયાનો ભાવ છ કોરી હતો,
ત્યારે કચ્છમાંથી પંચાવન હજાર રૂપિયા પીરાણે આવતા હતા
અત્યારે રૂપિયાનો ભાવ માત્ર દોઢ કોરી છે ! ત્યારે માંડ માંડ દસ બાર હજાર રૂપિયા
પીરાણે આવે છે ! એ ઘટાડો શાથી થયો? તમારી હાયવોયની ચાવી ત્યાં જ છે. મી.ખાકી ખુદાની ખાતર ખરું
કહો, જ્ઞાતિ સાથે જો અમારે યુદ્ધ હોય, અને અમારી જ્ઞાતિ અમારું સાંભળતી કે માનતી ના હોય,
તો તમારો આ ખાડો કેમ પડ્યો?
કચ્છમાં અમારી જ્ઞાતિમાં પીરાણા સતપંથીઓની કેટલી સંખ્યા હવે
બાકી રહી છે અને દિવસ ઉગતાં કેટલી ઓછી થાય છે,
તેનો હિસાબ તમે પોતે જ ઉપરની રકમની ત્રિરાશી લગાવીને કરી
લેજો ! ઉપરના વાક્યોની પૃષ્ટિમાં તમારા પોતાના જ લખાણો જૂઓ,
તમારો એ પાખંડી સતપંથ તુટતો જાય છે,
તેની હાય બળતરામાં તમે પોતે જ,
લખેલા અને છપાવેલા સતપંથી કર્મપ્રયોગ નામના પુસ્તકના ચોથા
પાનામાં નવ લીટીઓ છોડીને તમે લખ્યું છે કે,
“સતપંથીઓનો ઘણો ભાગ પ્રમાદી અને પાખંડી બન્યો. અન્ય ધર્મીઓ
આપણી ને ધર્મની નિંદા અને હાંસીએ લાગ્યા ! અજ્ઞાન બીકણો દેખાદેખીના રોગમાં સપડાઈ
સંગતના પ્રભાવે કુટેવોમાં ગુંથાઈ સતપંથથી સો ગાઉ વેગળા ખસી ગયા. કાંઈ પૂર્વના
પુણ્યના બળે આપણે હજુએ સતપંથી કહેવરાવવા મથી રહ્યા છીએ.”
આ વાક્યો સાંઈમૌલા તમારા પોતાના જ છે માટે તમે જ ન્યાય કરજો કે,
અમારી જ્ઞાતિમાં યુદ્ધ ચાલે છે કે,
સમાનતાની દૃષ્ટિએ જ્ઞાતિનું હિત સચવાય એવા મંગળ દિવસો ઉજવાય
છે? યુદ્ધ તો તમારી સાથે જ અને તે પણ સંતોષકારક રીતે ખેલાય છે. મી.ખાકી અમારે તો
જ્ઞાતિ સાથે યુદ્ધ થયું નથી, અને થવાનું પણ નથી,
પરંતુ તમારે પીરાણાના એકલા માલિક થવા માટે જે ખાનગી મંડળ
સ્થાપી પૈસા ભેગા કરી પાખંડનું થાણું એકહથ્થું કરવું હતું તેનું શું થયું?
આવી સ્વાર્થી ખટપટો ઉભી કરવાથી જ તમને તમારી જ્ઞાતિએ કેવા
વધાવી લીધા છે તે હવે ક્યાં અજાણ્યું રહ્યું છે ! તમામ હિન્દુજનતા હિન્દુ જ્ઞાતિઓ
અને હિન્દુ ધર્મ કર્મનો ભયંકર દ્રોહ કરવો,
હિન્દુઓને વટલાવી ઉંધે રસ્તે ચડાવી મુસલમાન કરવા,
એ તો તમે કુફરેશીકત હોવાથી તમે તમારો ખાસ ધર્મ જ માની લીધો
છે ! એટલે હિન્દુ જ્ઞાતિઓ તો તમારી સાથે વિરુદ્ધ કરે એ સ્વાભાવિક છે,
પરંતુ તમે તમારી પોતાની જ્ઞાતિમાં આવી તમારી નીચ ચાલબાજી
કેવા ભૂંડા ભમરાળા અને અળખામણા થઈ પડ્યા છો,
એ વાત કેમ ભૂલી જાઓ છો ! તમોએ છપાવેલ નવમો મોટો બુદ્ધાવતાર
એ નામના પુસ્તકમાં “સજ્જનોને બે બોલ” એ મથાળાવાળા અગ્ર લેખમાં પાને ચોથે ચૌદ લીટીઓ
મુકીને તમારા સૈયદ ભાઈઓ અને પીરાણાના હિલાયત કાકાઓને સંબોધીને તમે લખ્યું છે કે —
“ધર્મના નામે નાણાં કઢાવવાના મિશનો બાંધીને,
તેથી આવતાં નાણાંઓ ઘોડા આદિની શરતોનો જુગાર રમી શયતાની
કાર્ય કરનારાઓ, પછી પોતે પીર ઈમામ વગેરે કહેવરાવે છે. હિલાયત કાકાના માટે
તમે મોઘમમાં લખેલું કે — સાધુ થયેલા પણ સટ્ટાસાટાં,
વેપાર, જીન, શેર, મિલોમાં પડી ચંડાળવૃત્તિ પોષવા રાંડો રાખીને,
મોજમઝા શોખ વધારે છે ! નાણાવટી બની ધર્મનું ખાઈ બેન
દીકરીઓની લાજ ઉપર તરાપો મારે છે ! આ શબ્દો તમારા પોતાના જ છે. તે અમે તમને આગળ પણ
લખી જણાવેલા છે. ઉપલા શબ્દો તમે તમારા બનાવટી બુદ્ધાવતારમાં પ્રસિદ્ધ કરવાથી તમારી
જમાતે તમને જમાત બહાર કરેલા એ વખતના લક્ષ્મણ કાકાએ તમારા અને તમારી માના
પીરાણામાંથી મળતા ખેરીયાતના ખીચડાના હકો બંધ કરેલા અને તેથી તમોએ તમારી નબળાઈ
બતાવી ગુનો કબુલ કરી ઉપરના ફકરાઓ સદંતર પુસ્તકમાંથી કાઢી નાખી બુકો ફાડીને ફરી
બંધાવી ! આટલી આટલી બહાદુરીભરી બીના તમારા માટે બની રહેલી છે છતાં હજુ પણ તમને શાન
નથી આવી? વળી પીરાણાના સૈયદ ગુરૂમંડળ તરફથી તમારા લેખોની વિરુદ્ધ
અનેક હેન્ડબીલો છપાયેલા પ્રસિદ્ધ છે અને એ મંડળ પણ હયાત છે ત્યાં તમારી નામોશીની
નોબતો દિનરાત વાગી રહી છે માટે હવે તો તમારા અંતઃકરણને જ પુછો કે જ્ઞાતિમાં યુદ્ધ
કોને ચાલે છે? મને કે તમને. કમળાવાળો બીજાને પીળા દેખે એવી તમારી ગત થયેલી
જણાય છે. વળી મી.ખાકી મને પૂછે છે કે ધર્મયુદ્ધમાં શું કરશો?
તેના જવાબમાં એટલું જ જણાવવાનું કે તમારા જેવા પાખંડીઓની
શુદ્ધ ઠેકાણે લાવી તમારા પાખંડના મૂળ ઉખેડીને તમને સાચા મુસલમાન થવાની અથવા તો
મૂર્તિપૂજક હિન્દુ થવાની ફરજ પાડશું તેમજ દુનિયાની જગત જનતા સમક્ષ તમારા કુકર્મો
જાહેર કરી અખિલ જગતને જણાવશું કે તમે કેવા ક્રુર અને ભયંકર હિંસક પ્રાણી છો !
સતપંથીઓ કોઈ હિન્દુ દેવોને માનતા જ નથી, તેમ અલ્લાહ કે ખુદાને પણ માનવાનું હજુ શીખ્યા નથી,
પરંતુ અધર લટકતા તમારા બાપદાદાઓ તમને તમારી આલ ઓલાદ અને
કબરો સાથે જ માથાં ફોડવાનું શીખવી ગયા છે. તેથી એકલસુરા અને પાખંડે પુરા તો તમે જ
છો. તમારો પાખંડી સતપંથ અને એ પ્રપંચ પંથને પાળનારાઓ જ એકલસુરા ગણાય. હિન્દુ
જનતાને તો તેત્રીસ કોટી દેવો છે. અનેક શાસ્ત્રો છે. વેદો દર્શનશાસ્ત્રો અને પુરાણો
છે. અનાદિકાળથી અમે તેને માનીએ છીએ. તેથી એકશૂરા અમે નહિ પણ તમે પોતે જ છો. એની
ખાત્રી જગતની વાત તો પછી તમારી પોતાની જાત તમને આપી રહી છે.”
૩. મી.ખાકી લખે છે કે — “નારણભાઈ આપે કુશળતા તો ગાળો ભાંડવામાં સારી મેળવી છે. ગમે
તે યુક્તિએ ગાળો ભાંડી હોંશ પૂર્ણ કરી લો મજૂરો રાખી ગાળો ભાંડી લો.” વિગેરેના
જવાબમાં જણાવવાનું કે, નીચ મતલબ સાધવાને દુશ્મનાવટ કરવાનું હડહડતું ગાળો ભાંડવાનું,
અખિલ વિશ્વના વિવિધ ધર્મોની નિંદા કરવાનું જગતમાં પાપપ્રપંચ
જૂઠાણું ફેલાવવાનું તમારા જીવનનું મહા કાર્ય જ છે. એનો તો ઈજારો તમારા બાપદાદાઓથી
તમને વારસામાં જ મળેલો છે. તમારા પોતાના પાપકર્મોનું આળ બીજાના માથે મુકતાં તમે
ક્યે દહાડે શરમાયા છો? હિન્દુઓને અંધા અને મુસલમાન કાણા દોનુંકી બીચમેં સતપંથ
સમાણાના શિરપાવથી શરૂઆત કરી તમારા દરેકે દરેક પીરાણા સતપંથના પાખંડી પુસ્તકોમાં
બીજા બધા ધર્મ પાળનારાઓને નરકમાં ધકેલી બહેસ્તની પચાસ હુરાઓ અને કુમળા છોકરાઓના
ભોગવિલાસનો તમારો ઈજારો તમારા આદ ઈમામશાહનો મોજુદ છે. એ સિવાય દશતરી ગાવંત્રી,
બુદ્ધાઅવતાર, નકલંકી અવતાર તથા તમારા સતપંથની તમામ ક્રિયાઓમાં દુરાચાર
અસત્યને નિંદાનું હળાહળ ઝેર સમાયેલું છે તેની તુલના કરો પછી બીજાની વાત કરતા હો તો
સારું ! હિન્દુ ધર્મનો હિન્દુ જ્ઞાતિઓનો નાશ કરીને મુસલમાન બનાવવાના કાર્યમાં તમને
મજુરો રાખવાની હોંશ હોય તો મળો હસન નિઝામીને અથવા તો તબલીગ મંડળના કાર્યવાહક બનો,
કે પછી પરમ પુજ્ય સ્વામીશ્રી શ્રદ્ધાનંદજીનું ખૂન કરનાર
ક્રુર પશુ જેવા નીચ ગુંડાને, કે તમારી હોંશ પુરી થાઓ. તમને ગાળો આપીએ તેના કરતાં તમને
જગતની આંખ આગળ તમારા ખરા સ્વરૂપમાં ઉઘાડા પાડી પહોંચી વળવાની અમારામાં સંપૂર્ણ
શક્તિ છે. ગાળો તો નામરદ હીચકારા ને બાયલાઓ જ આપે છે. વીરપુરૂષોનું ભૂષણ કંઈ ગાળો
ભાંડવામાં નથી. એ ધંધો તો તમારા જેવા સૈયદ ફકીરોને જ સોંપ્યો છે. હા એટલું ખરું કે
છાણના દેવને કપાસીયાની આંખો છાજે એ ન્યાયે તમારી જેવી લેખન શૈલીને જેવો શોભે તેવો
અમારો રોકડો જવાબ એ કંઈ ગાળો આપી ન કહેવાય?
૪. મી.ખાકી પોતાની હડહડતું જૂઠું લખવાની હંમેશની ટેવને લઈને
એકની એક વાત અનેકવાર આગળ ધરે છે. તે લખે છે કે — “સતપંથીનો એક જ બ્રહ્મ ને આદ્ય નારાણ અલ્લાહ ખુદાને માને
છે.” તેના જવાબમાં એટલું જ જણાવવાનું કે સતપંથીઓ અલ્લાહ ખુદા માનતા હોય તે બનવા
જોગ છે, પરંતુ તેની સાથે તમને તેમ જ તમારા બાપદાદાની પીરાણામાં
ખોડેલી કબરોને ખાસ માને છે. પરંતુ તેઓ હિન્દુશાસ્ત્રોને બિલકુલ માનતા નથી,
એટલું જ નહિ પણ તેના શત્રુની ગરજ સારી રહ્યા છે,
એમાં તો કંઈ શક નથી?
આ હકીકત આ લેખમાં તેમજ અનેક પ્રસંગે આગળ અમે લખી ચૂક્યા
છીએ.
૫. મી.ખાકી આગળ જણાવે છે કે — “વિદ્યાભ્યાસ, શાસ્ત્રાદિનો અનુભવ,
અતિહાસિકાદિ માહેતગારી આપની જોવાઈ ગઈ. દોઢ ચોપડીનો અભ્યાસ
આપના દોઢ ડહાપણે દેખાડી દીધો. ધર્મની ચર્ચા શાસ્ત્રાધારે કરાય છે. વિગેરેના
જવાબમાં જણાવવાનું કે શાસ્ત્રાદિનો અનુભવ અને ઈતિહાસિક માહેતગારી તો ખાકીજી ! એજ
દોઢ ચોપડીના અભ્યાસે “પીરાણા સતપંથની પોલ” જેવા મહાભારત પાંચસો સાઠ પાનાના
પુસ્તકમાં તમે જોઈ અનુભવીને વિચારી લીધી છે. આજે તમારા પીરાણા સતપંથને કચ્છમાંથી
દેશવટો મળવાના ડંકા વાગી રહ્યા હોય, તો તે દોઢ ચોપડીને જ ખાસ આભારી છે. તમારા હૃદયના ઉદ્ગારોમાં
જ ઝળકી રહેલા વિચારોને વાંચી જરા તુલના તો કરો વીરા ! ભૂલી કેમ જાઓ છો?
હવે આપણને નામના જ સતપંથી કહેવરાવીએ છીએ. એ લખત હૃદયના
સંબોધન તમે જ સતપંથીઓને કરેલાં તે દોઢ ચોપડીના જ ઉજ્જવળ પ્રતાપ છે. પીરાણામાં
ગંગાજી ફુટી નીકળવાનો તમે ચલાવેલો ગપગોળો જેના જવાબમાં સણસણતા સપાટા તમને સહેવા
પડ્યા એ પણ દોઢ ચોપડીનો જ પ્રતાપ. મી.ખાકી આગળ લખે છે કે “સતપંથીઓએ આપેલાં
શાસ્ત્રોક્ત પ્રમાણોનો જવાબ આપી શકાતો નથી.” અરે ભાઈ ખાકી ! પીરાણા સતપંથના તે વળી
શાસ્ત્રો હોતાં હશે? જે પંથમાં કૂડ, કપટ, ચાંચીયાશ્રી ચાલબાજી,
છેતરપીંડી અને પાખંડોનો મહાસાગર ભર્યો છે,
એવા પ્રપંચી પંથના પાખંડી પુસ્તકોને પવિત્ર અને આત્મોદ્ધારક
શાસ્ત્રોનું નામ જ આપી શકાય નહિ. એને તો જગતની જનતાના જીવતા આત્માની કત્લ કરનારો
હત્યાકાંડ જ કહી શકાય. વેદ શાસ્ત્રો તો અમારાં જ છે અને તેને અમે મસ્તક નમાવી
શ્રદ્ધાથી માનીએ છીએ, પરંતુ તમે તો તેના પાક્કા હડહડતા દુશ્મન છો. તમે જાતના
કુફરેશીકન તેમજ આધા હિન્દુ આધા મુસલમાન, તેથી વેદનું નામ ખટપટીયા ખાકીજી તમારા મોઢે દૂષિત થાય છે.
માટે ફરીથી એનું નામ લખવાની ભૂલ કરશો નહિ એવી તમને ખાસ ગંભીર સૂચના આપવામાં આવે
છે.
૬. વળી મી.ખાકી લખે છે કે — “આસ્થાવાન સજ્જનો વૈદિક આજ્ઞાધિન રહીને જ ધર્મની માર્મિકતા
ખરાપણા સાથે શોધી લે છે.” આ વાત તદ્દન સાચી છે,
પરંતુ વેદને અને તમને શું લાગે વળગે છે?
એ કંઈ જણાવશો કે? અમે તો અમારા અનાદિ વેદ ધર્મની માર્મિકતા બરાબર સમજીએ છીએ
અને અનુસરીએ છીએ, પરંતુ તમે કુરાને શરીફને માનો છો કે વેદને,
તે જણાવશો કે? તમે કુટિલ કુફરેશીકન છો,
મૂર્તિભંજક અને વિશ્વમાંના બધા ધર્મો અને જાતીઓનો દ્રોહ
કરનારા છો. એ વાત જગજાહેર હોવા છતાં અમારા પવિત્ર વેદો ઉપર તમને કેમ મોહ થયો છે?
તે જણાવવાની બહાદુરી બતાવશો કે?
મી.ખાકી તમારી ખટપટને ખલક જાણી ચૂકી છે. હિન્દુઓને છેતરી
મુસલમાનના ગુલામ બનાવવા માટે બેઈમાન થઈ, વેદના નામનું શરણ લઈ,
વેદધર્મીઓમાં ફાટફુટ પડાવવા વેદમાં અમુક ખામીઓ છે ને તેમાં
આમ લખ્યું છે એવું જૂઠું જૂઠું અડાવી
નકામા ધાર્મિક ઝઘડાઓ કોણે ઉભા કર્યાં છે? તેનો જવાબ આપી શકશો કે?
વેર લેવાના બાના શોધી નાસ્તિકોની સહાય લઈ,
ધર્મને બહાને વેરઝેર વધારવાના નીચ પ્રયત્નો કોણ કરી રહ્યું
છે? એ આજે તો દુનિયાની આલમની આંખ સામે તમારા અપૂર્વ જ્ઞાન બળે દીપી રહ્યું છે તેને
કહી બતાવવાની પણ કશી જરૂર રહી નથી.
૭. ત્યાર પછીના પેરેગ્રાફમાં મી.ખાકી લખે છે કે — “સતપંથ શાસ્ત્ર એ વિશે તો આપને એટલું નામ જ આવડે છે,
એથી જ્ઞાન હોત તો સતપંથને શત્રુ માનનારાના લેખોનો ભેળો
કચુંબર કર્યો જ ન હોત. તમારે જેમ તેમ કરી નિંદા કરવી હતી. સતપંથ શાસ્ત્રોથી તો
હોંશ પૂર્ણ ન થઈ. જેથી ભોળાઓને ભરમાવવા આવી કુટિલ નીતિ અખત્યાર કરી. જ્યારે તમો
બાહ્ય સ્થિતિથી પણ અજાણ છો, તો આંતરિક ભેદોનું ભાન ક્યાંથી રાખતા હશો?
વિગેરે ફડફડાટના જવાબમાં સ્પષ્ટ જણાવવાનું કે,
સતપંથનું માત્ર મને નામ જ જો આવડતું હોત તો પીરાણા સતપંથના
પાખંડનો પ્રકાશ કરી પાંચસો સાઠ પાનાની પોલ શી રીતે લખી શકત?
તમારા પાખંડી પંથની કોઈ સત્ય ટીકા કરે,
તેને નિંદા કહેવાને તમે મુખત્યાર છો. પણ એ પંથ કેટલો બધો
અત્યાચારી અને ઘોર પાતકી છે. તેના ઉદ્ગારો તમારા પોતાના મોંઢાથી પણ નીકળી રહ્યા
છે, તમે પોતે જ લખો છો કે — “બાહ્ય સ્થિતિથી અજાણ છો,
તો આંતરિક ભેદોનું ભાન ક્યાંથી હશે?
ભાઈ ખાકી ! જેટલી સ્થિતિ તમારી કુટિલ લીલાની મારા હાથમાં
આવી છે, તેટલી પણ કાળજાં કંપાવી નાખે તેવી ક્રુર અને ઘાતક છે,
તો પછી, આંતરિક લીલા તો તમારી કેટલી બધી ભયંકર હશે,
એ તમે ખુલ્લી કરો તો જ જગત જાણી શકે ! તમારા સૈયદ ઈમામશાહના
સંદલમાં તમો મ્લેછોનો પ્રસાદ હિન્દુ સતપંથીઓને જમાડો છો અને હિન્દુઓને વટલાવી કલમો
પડવાનું તમે શીખવો છો, ત્યારે તમારી એ નાપાક લીલા મેં નજરે જો કે જોઈ નથી,
પરંતુ તે ખરેખર ભયંકર છે,
એમ હાલ સતપંથથી છૂટાછેડા કરી ચૂકેલા અને ખરા વેદધર્મને ઓળખી
તેને શરણે આવનારા ભાઈઓ ખુલ્લી રીતે કહી રહ્યા છે. એ સિવાય વળી આંતરિક ભેદોમાં
કેવાં કેવાં ભયંકર કારસ્થાનો તમે રચતા હશો,
તે તો તમે તથા અંતર્યામી પરમાત્મા જાણે ! હું પણ એ તમારા
આંતરિક ભેદોનું રહસ્ય જાણી લેવાની શોધમાં જ છું,
અને એ તમારી આંતરિક લીલાનો ભેદભરેલી ખુબીઓનો ભેદ પણ થોડા જ
વખતમાં ઉકેલીશ એટલે તમને જરૂર શાંતિ થઈ જશે,
આગળ વધતા મી.ખાકી લખે છે કે — “સતપંથમાં પ્રસાદી જેને
નુર—અમૃત—અમી કહે છે, તે દિવ્ય પુરૂષના ચરણનું ચરણામૃત છે.” ભાઈ ખાકી?
આજકાલના તમારા ખીચડીયાઉ સૈયદોમાં કે ઈમામશાહના વંશમાં એવો
તે ક્યો દિવ્ય પુરૂષ હયાતી ભોગવીને ડોકીયાં કરી રહ્યો છે,
કે જેના ચરણનું ચરણામૃત તમે તમારા આંખે અંધ થયેલા સતપંથી
સેવકોને પીવડાવી રહ્યા છો? તમે પોતે તમારા સગા મોઢાથી તમારા મૂર્ખ સતપંથીઓને જણાવો છો,
કે હું એક જ દિવ્ય પુરૂષ બાકી રહ્યો છું. પરંતુ તમારા સૈયદ
ભાઈઓ તો તમને મૂર્ખશિરોમણી સમજે છે. ઘણા ઘણા સતપંથીઓ તેમજ સૈયદો તમને ખટપટીયા અને
ખુશામતી ટટ્ટુના મીઠાં વિશેષણો લગાડી રહ્યા છે. તમારા સતપંથીઓની માન્યતા પ્રમાણે
તો દિવ્ય પુરૂષ સૈયદ ઈમામશાહ તેમજ નરમહમદશાહ કહેવાય તે તો આજે અનેક સૈકાઓથી
કબ્રનશીબ થઈ મરી મટ્યા છે, તો પછી ચરણામૃત કોનું પાવ છો?
તે જગતને ચોખેચોખ્ખું જણાવી,
તમારી સત્યતાની સાબિતી આપવાની તમારી ખાસ ફરજ છે અને તમારા
ઉલ્લેખથી એ ફરજ આજે ફરીથી ઊભી થાય છે, તેની ખાસ નોંધ લેશો,
કલીયુગના સતપંથમાં તો વીર્યના પાવળનો વારો છે,
એવું અનેક ઠેકાણે છપાયેલા સતપંથના પુસ્તકોમાં ફરમાન છે.
કેમકે તમારા સતપંથના પાવળની માન્યતા નીચે પ્રમાણે છે અને તમારા સતપંથના પુસ્તકોના
લેખકો સ્પષ્ટ લખી બતાવે છે. કર્તાયુગમાં આંસુનું,
ત્રેતાયુગમાં પરસેવાનું,
દ્વાપરયુગમાં સાધુના મેલનું અને કલીયુગમાં વીર્યનું. તેમજ
કોળી પાવાળના માટે સતયુગમાં હાથીના માંસનું,
ત્રેતાયુગમાં ઘોડાના,
દ્વાપરયુગમાં ગાયના,
કલીયુગમાં બકરાના માંસનું,
એમ જે લખી બતાવ્યું છે તે ક્યાં પુસ્તકમાં છે?
એમ મી.ખાકી પૂછે છે,
તો તેમણે ખોજાવૃત્તાંત અને ખોજાં તવારીખ નામની ઉત્પત્તિના
શાસ્ત્રોના પ્રખર ગ્રંથો વાંચી જવા તો તેની સ્પષ્ટ માહિતી મળી રહેશે. મી.ખાકી !
તમે કક્કો પણ ઘુંટ્યો હોય એમ લાગતું નથી. કાં તો તમે દેખીતી આંખે અંધાપાનો ઢોંગ
કરો છો, નહિતર નુરનો સિદ્ધો જ અર્થ વીર્ય થઈ શકે છે. તમારા
પુસ્તકોમાં ઠેકાણે ઠેકાણે લખ્યું છે કે, સદરદીનના નુરમાંથી કબીરદીન થયા અને કબીરદીનના નુરમાંથી
ઈમામશાહ પાક્યા. નુરનો અર્થ બીજ — તેજ અને વીર્ય થાય છે. તમારા એ અમૃતને તમે અમીની
ગોળી પણ કહો છો. અમી એટલે થુંક એવો સિધ્ધો અર્થ સૌ કોઈ જાણે છે. છતાંય અમોએ તો કોઈ
દિવસ એવું નથી લખ્યું કે, પીરાણા સતપંથમાં વપરાતી અમી અને નુરની ગોળીઓ વીર્યની બને
છે. ઈમામશાહની કબરને ધોઈ બનાવો, કે પછી તમે થુંકીને બનાવો ગમે તેમ બનાવો અને તમારી નાપાક
લીલા ચલાવો છતાં એ ગોળીઓ હિન્દુઓનાં હિન્દુત્વને નાશ કરનારી અને હિન્દુસતપંથી
સેવકોને ત્રિલોક ભ્રષ્ટ કરનારી છે, એમાં તો જરા પણ શક નથી. એ અપવિત્ર ગોળીઓ સતપંથીઓને ત્યાં
બાળક જન્મે ત્યારથી એ બાળક એકવીસ દિવસનું થાય ત્યાં સુધી,
તેમજ દરરોજ ખાનામાં ત્રણ વખત સતપંથીઓએ પીવી જોઈએ,
જન્મ—મરણ, લગ્ન જેવા સઘળા પ્રસંગોમાં જ્યાં જુવો ત્યાં એ ગોળીઓ
પીરાણાના સતપંથી જીવનના આંતરિક રહસ્યોનો ભેદ ભર્યો ઈતિહાસ ઉપજાવી રહી છે. તમારા
લખવા પ્રમાણે તમારા પાખંડી ધર્મનો ભેદ ભરેલો ભરમ એ પણ એ નામચીન ગોળીઓ જ છે.
બંદુકની ગોળી કરતાં પણ એ ગોળીઓ કાતીલ છે એવું જગતની જનતાએ જાણી લેવું ઘટે.
૮. હવે મી.ખાકી લખે છે કે “શ્રી પીર સમસ જગવંદનીય મહા દિવ્ય શક્તિમાન પૂજ્ય પુરૂષ
હતા, જેને સજ્જનો એકે અવાજે વખાણી રહ્યા છે. તેવા મહાન જ્યોતિ પુરૂષને તો મૂંઢ
નાસ્તિકો જ નિંદે આવા પવિત્ર પુરૂષોના ચરિત્રો જગતને ધડો લેવા યોગ્ય જ હોય છે.
એમાં જગતનું કલ્યાણ સમાયેલું છે.” વિગેરે.
મી.ખાકી ! પીર સમસ ભલે તમારે મન સારા માણસ અને ખુદાના અવતાર હતા અને કદાચ આખી
મુસલમાન કોમ ભલે તેને વખાણતી હોય, પરંતુ તેમનો મુખ્ય ધર્મ તો હિન્દુઓને વટલાવી મુસલમાન કરવા
પૂરતો જ તમારે મન સારો હતો. તેઓ મૌલાના કાસમશાહના વખતના ભાડુતી ઉપદેશક દાઈ હતા અને
હિન્દુઓને વટલાવી મુસલમાન કરવા માટે તેઓએ ભારે ચાલાકી ચલાવેલી છે. એ વાત ઈતિહાસ
પ્રસિદ્ધ છે. મી.ખાકી તો પીર સમસને શ્રીકૃષ્ણનો અવતાર મનાવે છે ! શેઠ સગાળશાહ અને
ચેલૈયાનું દૃષ્ટાંત આપી શ્રીકૃષ્ણ પ્રપભુની દૈવી શક્તિ વડે ચેલૈયાને મારી પાછો
સજીવન કરવાની વાત આગળ ધરીને પીર સમસ સાથે તે જોડીને લખે છે કે,
“એવા ખાસ પરાક્રમો કરનારા
પુનઃ યવનરૂપે આવી પોતાની મૂળ ટેવ ફરી અજમાવે.” એટલે પીર સમસ માણસનું માંસ ખાવાનું
કહે, તેમાં કૃષ્ણની વાત સાચી અને સમસની વાત ખોટી શી રીતે ઠરે?
આ પ્રમાણે મી.ખાકી લખીને પીર સમસને શ્રીકૃષ્ણ બનાવવા જતાં
પોતે જ બની જાય છે અને પીર સમસને પણ બનાવે છે. શ્રીકૃષ્ણ પ્રભુ સોળે કળા પરિપૂર્ણ
સર્વ ગુણ સંપન્ન સાક્ષાત ઈશ્વરાવતાર હતા, ત્યારે તમારો કહેવારો પીર તો એક ભાડુતી દાઈ હતો. શ્રીકૃષ્ણ
પ્રભુએ તો અખિલ જગતનો ઉદ્ધાર કર્યો છે, ત્યારે તમારા પીરે જગતની હિન્દુજનતાનું જડમૂળથી નખ્ખોદ વાળી
હિન્દુજનતાને અર્ધદગ્ધ ઈસ્લામ તરફ વાળવાને ખટપટો રચી છે. આ તમારી પક્ષપાતી
પ્રપંચની વાત તમારા નિત્યકર્મને ભલે ટેકો આપે પીર સમસ્ત જગતને વંદનીય કદી હતા નહિં
અને થશે પણ નહિ તેમનું ચારિત્ર ધડો લેવા જોગ તમને જણાતું હશે,
પરંતુ જગતની જનતાને તો બિલકુલ નહિ. ખાકીજી ! પત્થર ફોડનારા
પહેલવાનો તમારા જેવા લોખંડી જનુની જડવાદી જીવોના પ્રપંચોને પણ ફોડીને તેમની સુધ
ઠેકાણે લાવી શકે છે ! હિન્દુજનતા ઉપર અધમ ઈર્ષાની આગ વર્ષાવી,
ઈસ્લામનું ભલું તમે કદી નહિ જ કરી શકો. નાલાયકીની બજારમાં
ભલે તેજી કરો એથી ઝેરનો જ વધારો થાય છે તેનું જરા તો ધ્યાન રાખો ! જડ પાપના પથ્થર
ફોડા ભલે છીએ પરંતુ કોઈના આત્માની કત્લ કરનારા તમારા જેવા પાખંડી કસાઈ નથી. એ વાત
તમે સમજી જાઓ, તો તમારા માટે સારું છે. તમારા સતપંથના માટે સારું છે અને
તમારા ભાવી પ્રજાને માટે પણ ઘણું સારું છે.
૯. મી.ખાકીએ પોતાની નાલાયકીનું પ્રદર્શન કરાવવા,
આગલી પાછલી બીજી અનેક દાઝો કાઢવા માટે,
તેમજ અમોએ મી.ખાકીને એક વખત પૂછેલું કે તમોએ છપાવેલ ભાભારામ
સુબોધમાં તમો હરીવંશથી સીધી લીટીએ ઉતરી આવ્યાનું જે લખો છો,
તે તમે જાતે મુસલમાન હોવા છતાં હિન્દુના હરીના વંશમાં ક્યા
પુરૂષનું પુત્રપદ તમારા પૂર્વજોએ પહેલવહેલું શોભાવ્યું હતું,
કે તમો પોતાને હરીવંશના કહેવડાવો છો?
આનો જવાબ આડો કે સિધ્ધો કંઈ પણ ન આપતાં પોતાના જોખમે અને
હિસાબે થયેલા વર્ણશંકર મી.ખાકીએ પોતાની બુદ્ધિબળનું દેવાળું કાઢી વેર લેવાની લાલચે,
મને એ સંબોધીને લખે છે કે — “નારણભાઈ વંશ વિશેની આપની
વિમાસણ તે તો પુરી કરી શકતા નથી ! અમારી જ્ઞાતિને મી.ખાકી લેવા પાટીદાર જ્ઞાતિ
ઠરાવીને લખે છે કે, તમો લેવા પાટીદાર છો. છતાં કડવા પાટીદારો તરીકે ઓળખવવામાં
જ્ઞાતિ સાથેનો વિરુદ્ધ બતાવી જ્ઞાતિને છિન્નભિન્ન કરવા માટે નવો કુકટ રચ્યો છે.”
મી.ખાકીની નાલાયકી એટલેથી જ અટકતી નથી પરંતુ આગળ વધીને કુર્મીય ક્ષત્રિય
ઉત્પત્તિના પ્રમાણિક ઈતિહાસના સમર્થ લેખક કડવા પાટીદાર જ્ઞાતિના ભુષણરૂપ સુધારક
સજ્જન ધર્મવીર સદ્ગત બંધુ પુરૂષોત્તમદાસ લલ્લુભાઈ વિરમગામવાળાએ લખેલા ઈતિહાસમાં
કુર્મ રૂષીએ કડવા પાટીદારોના મૂળ પુરૂષ છે,
એમ વેદો અને પુરાણોના પ્રમાણોથી સિદ્ધ કર્યું છે. આ વાતને
આંખે અંધ થયેલા ખાકીજીએ ઈતિહાસના લેખક તરીકે મને જ ખાસ ઓળખાવી પોતાની મૂર્ખતાનું
પ્રદર્શન કરાવતાં લખે છે કે — તમે રૂષિપણું ગુમાવ્યું,
ચંદ્રવંશ કે સૂર્યવંશનું પૂંછડું હાથ ન આવ્યું. ક્ષત્રિય
મટી ગયા છો અને હવે તો કડવા થઈ ગયા ! વાહ ખાકી તમારી સભ્યતા અને ખાનદાની તો તમારા
લેખની લાયકીમાં જ ઝળકી રહે છે ! તેનો કંઈક જવાબ તો આપવો જ જોઈએ. પરંતુ એક બાયલા
નામર્દ કે જે પડદા પાછળ રહી પથરો ફેંકનારા અને પ્રપંચ ખેલનારાને તે શું લખવું?
છતાં મી.ખાકી તમે હજી પણ માણસ થવા ઈચ્છતા હો કે પ્રયત્ન
કરતા હો તો, સાફ સાફ જાણી લેજો કે અમારા દરેકેદરેક હિન્દુ ગોત્ર,
બ્રાહ્મણોમાંથી જ છે તે પુરાણ પ્રસિદ્ધ અને જગજાહેર છે,
અમારા માટે કહેવાય છે કે પરમ પુરૂષોત્તમ મર્યાદા ભગવાન શ્રી
રામચંદ્રજીના લવ અને કુશ બંનેથી લેવા અને કડવા પાટીદારો ઉત્પન્ન થયા અને એમજ ઓળખાય
છે છતાં એ હરીવંશના હોંશીલા ભાઈ ખાકી, અત્યારે પણ લેવા અને કડવા બંને સમાન જ્ઞાતિઓ લેખાય છે તે
કંઈક તપાસી લ્યો પછી બકવાદ કરો. એ બંને વિભાગોમાં કોઈ ઉતરતું કે ચડતું નથી. કદાચ
તમારા કહેવા પ્રમાણે અમે લેવા પાટીદાર હોઈએ,
તોય અમારે કંઈ ગુમાવવાનું નથી,
અમારો દરજ્જો કંઈ ઓછો થતો નથી,
કે અમારી આબરૂને કંઈ નુકશાન લાગતું નથી,
પરંતુ મી.ખાકી તમો કંઈ અમારા ભાટ ચારણ કે વઈવંચા ગોર
બ્રાહ્મણ નથી કે અમારી વંશાવળી તમે સિદ્ધ કરી આપો અમે કડવા પાટીદારો છીએ એ તો
અમારી જ્ઞાતિના બે પાંચ વર્ષના બાળકો પણ જાણે છે — અમારી જ્ઞાતિની સભાઓ અને ગંજાવર
પરિષદોના છપાયેલા રિપોર્ટો સેંકડોના હિસાબે પ્રગટ થયા છે. તેમાં અમે લેવા પાટીદાર
હોત, તો અમારો કોઈ જ્ઞાતિ ભાઈ જરૂર વાંધો લેતો. પોતાની જાત અને ધર્મ છુપાવવાનો ધંધો
સતપંથ સિવાય બીજું કોઈ કરતું નથી. અમારી જ્ઞાતિ કડવા પાટીદાર છે તેના વહીવંચા
તૈયાર છે. વંશ પરંપરાથી ચાલતી આવેલી જ્ઞાતિ રૂઢીની પ્રણાલિકા તરીકે બારે વર્ષે એક
જ તિથીએ મહિના બબ્બે મહિનાના બાળકોના લગ્નની હસવા લાયક પ્રથા હજુ અમારી કચ્છની
જ્ઞાતિ નિભાવી રહી છે. એટલું જ નહી પણ કચ્છમાં હજારોની સંખ્યામાં લેવા પાટીદારો
રહે છે, તેમની સાથે કશો પણ સંબંધ નથી. અમો કડવા પાટીદારો છીએ,
તેની ખાત્રી માટે તમારા પીરાણા સતપંથના સ્તંભ જેવા ગણાતા
અમારી કચ્છની જ્ઞાતિના આગેવાનોએ ગઈ સાલે જ કચ્છના કડવા પાટીદારોનો કીર્તિધ્વજ નામે
રિપોર્ટ બહાર પાડ્યો છે. રામજીકાકાને ગાદીએ બેસાડવા માટે આવેલા ત્યારે પીરાણામાં
હિન્દુઓમાંથી વટલીને મુમના થયેલા મુસલમાનો ત્યાં આવતા સતપંથી સંઘને રાંધી ખવરાવે
છે અને વટલાવી ભ્રષ્ટ કરે છે. એમ જાણ થવાથી અમદાવાદમાં જ ત્યાં આવેલા કચ્છના
સતપંથી આગેવાન પાટીદારોએ ભેગા થઈને પીરાણાના સૈયદોને કચ્છમાં કણબી જ્ઞાતિને બોધ
કરવા અને તેમની પાસેથી ભીખ માગવા હવેથી આવવા ન દેવા અને મુસલમાની રીતરિવાજો
જ્ઞાતિમાં પીરાણા સતપંથને લઈને પેસી ગયા છે,
તેમને કાઢી નાખવા માટે નીચે પ્રમાણેના આઠ ઠરાવો કરેલા છે,
જે તમારી જાણમાં જ છે છતાં જગતની જાણ માટે અત્રે ફરીથી લખી
બતાવવામાં આવે છે, એથી તમારી પ્રપંચલીલા ઉપર સારો પ્રકાશ પાડી શકશે,
તેમાં જરા પણ સંશય નથી.
કચ્છના કડવા પાટીદાર ભાઈઓનો કીર્તિધ્વજ !
યાને
સંવત ૧૮૩૨ {Year: 1775-76} ની સાલમાં થયેલા નિંદ્ય ઠરાવનું નિકંદન !
પીરાણામાં નવા કાકાને ગાદીએ બેસાડવા નિમિત્તે કચ્છ દેશથી
આવેલા કણબી જ્ઞાતિના આગેવાનોએ જ્ઞાતિના હિત માટે કરેલા ઠરાવો.
સંવત ૧૯૮૨ના
પોષ સુદી સાતમને મંગળવાર તા.૨૨ માહે ડીસેમ્બર સને ૧૯૨૫
૧. અમો કચ્છના કડવા પાટીદાર જ્ઞાતિ સમસ્તના આગેવાનો અમદાવાદ મુકામે ભેગા થઈને
નીચે પ્રમાણે ઠરાવ કરીએ છીએ કે, આપણી જ્ઞાતિમાં આજે કેટલાક વર્ષો થયાં,
આપણને ન શોભે તેવા રીતરિવાજો આપણી અજ્ઞાનતા તથા ભોળા
સ્વભાવને લઈને ઘુસી ગયા છે. જેથી આપણને વખતોવખત ઘણું સોસવું તથા શરમાવું પડે છે
અને હિન્દુ જનતાના વ્યવહારમાં પણ આપણને ઘણો મતભેદ પડે છે. તેથી આજના દેખાતા
જમાનાને અનુસરી, તેમાં યોગ્ય ફેરફારો કરવા જોઈએ,
જેથી જગતમાં હાંશીને પાત્ર થતા બચીએ,
તથા આખી દુનિયામાં સર્વની સાથે દરેક જાતના વ્યવહારમાં ભળતા
રહી શકીએ.
૨. આપણી જ્ઞાતિએ સતપંથ ધર્મનો સંવત ૧૫૯૨ના કારતક સુદ ૨ને શુક્રવારે {VSAK: 07-Nov-1535} સ્વીકાર કર્યો હતો.
પરંતુ ત્યારપછી બસો ચાલીસ (૨૪૦) વર્ષ પછી એટલે સંવત ૧૮૩૨ {Year: 1775-76} ની સાલ સુધીના સઘળા રીતરિવાજો બરાબર હતા. પરંતુ નખત્રાણા મુકામે આખી જ્ઞાતિના
આગેવાનો તથા કાકા પ્રાગજી અને વલીમીયાં સૈયદે જે ઠરાવ સં.૧૮૩૨ના પોષ વદ ૧૩ {VSAK: 19-Jan-1776} ના દિને કરેલ છે, તે ઠરાવને અમો આજ દિને આખી જ્ઞાતિના આગેવાનો ભેગા થઈને રદ
કરીએ છીએ અને અસલના જુના રીતરિવાજો પાછા ચાલુ કરવાને આખી જ્ઞાતિને છૂટ આપીએ છીએ.
૩. આપણી જ્ઞાતિમાં લગ્નક્રિયા ચોરીથી શાસ્ત્રવિધિ પ્રમાણે
કરવાની તેમજ મરણ—ક્રિયા પણ શાસ્ત્રાર્થવિધિ પ્રમાણે જ કરવી એવો ઠરાવ કરીએ છીએ.
૪. મરણની ક્રિયા અગ્નિદાહથી કરવી,
તેમજ હર કોઈ પ્રકારે કરવાની છુટ આપીએ છીએ.
૫. આજ રોજે આપણે ઠરાવ કરીએ છીએ કે, સૈયદોને આપણે કચ્છમાં આવતા બંધ કરીએ છીએ. અને જો કોઈ સૈયદો
કચ્છમાં આવે તો આપણી જ્ઞાતિના કોઈ પણ ભાઈએ તેનો સ્વીકાર કરવો નહિ અને તેમને આશરો
પણ આપવો નહિ.
૬. આપણી જ્ઞાતિના ધર્મ પાળનારાઓએ સનાતન ધર્મની આજ્ઞા પ્રમાણે વર્તવું અને
બરાબર આચારવિચાર પાળવા તથા સંધ્યાકર્મ વિગેરે નિત્યકર્મ કરવા.
૭. આપણી જ્ઞાતિમાં ધર્મસંબંધી તથા વહેવાર સંબંધી બોલવા ચાલવા તથા આચારવિચાર
પાળવા તથા પહેરવા ઓઢવા વિગેરે બધી બાબતોમાં અયોગ્ય રીવાજો છે,
તેને કાઢીને યોગ્ય રીવાજો કરવા,
તેવો ઠરાવ કરીએ છીએ.
૮. અનાદિકાળથી સરખો ચાલી આવેલ આપણા સનાતન ધર્મને કાંઈ પણ ઊણપ નહિ આવે,
તેવા યોગ્ય ફેરફારો કરવા.
ઉપરના સઘળા ઠરાવો અમો નીચે સહી કરનારાઓ સમસ્ત જ્ઞાતિના આગેવાનોએ એકમતે ભેગા
બેસીને સર્વની રાજીખુશીથી કર્યા છે. તે જ્ઞાતિના સર્વ નાના મોટા દરેક ભાઇઓને કબૂલ
છે.
ઉપરના સઘળા ઠરાવો નીચે જુદા જુદા ગામોના પાંત્રીસ આગેવાનોએ સહીઓ કરી છે તે
મી.ખાકી તમારી જાણમાં છે જ.
આ ઉપરથી વાંચનારી વિચારવાન આલમ સ્પષ્ટ જાણી શકશે કે,
મી.ખાકીએ માત્ર દ્વેષ બુદ્ધિથી જ અમને વંશની વિમાસણ છે,
એવું લખીને પોતાની જ ફજેતી કરાવવાનું અમને આહવાન કરેલું છે.
સાચી વાત તો એ છે કે મી.ખાકીને પોતાને જ ખબર નથી કે,
તેમના પોતાના મૂળ પુરૂષ કોણ છે અને તે ક્યા વંશને દીપાવે છે?
સમગ્ર હિન્દુ જ્ઞાતિઓને છળ બળ પાપ પ્રપંચ અને કુટિલ યુક્તિ
પ્રયુક્તિઓ વડે વટલાવી મુસલમાન બનાવવા માટે તથા તેમના ધનધાન્ય તેમજ જીવન સર્વસ્વને
ધૂળમાં મેળવવા માટે જ મી.ખાકીના કહેવાતા એ પ્રપંચી પૂર્વજોએ એવા એવા તો અનેક
ગપાષ્ટકોથી ભરેલાં ઉટપટાંગ કહેવાતાં શાસ્ત્રો રચેલાં છે. તેમાંના દશતરી ગાવંત્રી
નામના શાસ્ત્રમાં મી.ખાકીના વંશનું વૃક્ષ સમાયેલું છે,
જે મી.ખાકીએ પોતે જ છપાવેલું છે. તેમની ઉત્પત્તિની હસવા
લાયક એક નોંધ તેમજ હિન્દુઓને વટલાવી મુસલમાન બનાવનારા સૈયદ ઈમામશાહને હિન્દુ
શાસ્ત્રોનું કેટલું જ્ઞાન હતું, એ વાત પ્રકાશમાં આવે એવા હેતુથી માત્ર સાર રૂપે જ ટુંકામાં
તેમણે પોતાની ગોઠવેલી વંશાવળી અહીં આપી છે,
તે આ પ્રમાણે છે. હિન્દુઓના પેલા અવતારથી શરૂઆત કરીને લખે
છે કે, પરમ રૂષીની સ્ત્રી શંખાવતીના પુત્ર તે મચ્છ ભગવાન થયા. તે
મચ્છના દીકરા મનાઈતના ઉગ્રસેનના અજુવતના બ્રહ્મસ્પતિના અસુમિત્રના ત્રીકમ રૂષીએ
ત્રીકમ રૂષીની સ્ત્રી કમળાવતીના પેટે જન્મ્યા તે કુર્મ ભગવાન. કુર્મના પુત્ર
વસરતના દકાઈતના કાજમના પરજાપતના ડાઢમ રૂષી ડાઢમરૂષીની સ્ત્રી પદમાવતીના પેટે
જન્મ્યા તે વરાહ ભગવાન વરાહના પુત્ર દેહરના રૂપકના ખલિપત્યના ગૌતમના અમરિષ અમરિષની
સ્ત્રી ચંદ્રાવલીના પેટે જન્મ્યા તે નૃસિંહ ભગવાન. શ્રી નૃસિંહના દીકરા મનાઈએતના
વંશ વઢણના વીર લોચનના કાસમ રૂષીની સ્ત્રી લીલાવતીના પેટે જન્મ્યા તે શ્રી વામન
ભગવાન શ્રી વામનના દીકરા માનધાતાના પૃથ્વીજયના અસરતના જમદગ્નિની સ્ત્રી રેણુકાના
પુત્ર તે પરશુરામ પરશુરામના પુત્ર રઘુના નધુના જેજાઈતના કેવલીકના અજેપાળના દશરથના
પુત્ર શ્રી રામ. રામના પુત્ર લવના પદ્મના પરિક્ષિતના વિરપાળના વાસુદેવના પુત્ર તે
કૃષ્ણ ભગવાન કૃષ્ણના પુત્ર પ્રદ્યુમનના શેષથાનન બુદ્ધસ્થાનના વેણીવચ્છરાજના
સિંહરાજના પુત્ર તે શ્રી બુદ્ધાબુદ્ધના પુત્ર શીશના સામ સુલકાન ઈસ્લામ હારૂન આદમ
નીઝાર મીઝાર ઈલિયાસ મિલ્યાસ મુલકાન કાઝમ કાહેર કાયમ ગાલિબ એલબ કાયમ મુરાદ મુનાફ
હાસમ મુતલિબ અબુતાલિબના વંશમાં શાહ શ્રી મુરતજાઅલીના ઈમામ હસન ઈમામ હુસેનના
ઝયનુલ્આબેદીન ઈમામ મહમદબાકર ઈમામ જાફર સાદિક ઈમામ ઈસમાઈલ ઈમામ નુરસદગોર સૈયદ
ઈસમાઈલ સાહાની સૈયદ નુરમહમદ સૈયદ ઈમામોદીન સૈયદ મુશા ફિરોદીન સૈયદ જમાલદીન સૈયદ
સાદિકદીન સૈયદ મહેરદીન સૈયદ હાદી સૈયદ સલાઉદીન સૈયદ ફાજલશાહ સૈયદ હાશમશાહ સૈયદ
મહમદશાહ સૈયદ અહમદશાહ સૈયદ નાશીરશાહ સૈયદ મુશાએકશાહ સૈયદ માહાબુ સૈયદ મુસ્તગ સૈયદ
મહિયોદીન સૈયદ મોમીનશાહ સૈયદ ખાલકશાહ સૈયદ નીઝારશાહ સૈયદ ઈસ્લામશાહ સૈયદ અલાઉદીન
સૈયદ સમસદીન સૈયદ નસીરદીન સૈયદ સાહેબદીન સૈયદ સદરૂદીન સૈયદ કબીરૂદીન સૈયદ
સતગોરપાત્ર બ્રહ્મા ઈંદ્ર ઈમામશાહ તેના પુત્ર તે આદ વિષ્ણું નિરંજન નરઅલી મહમદશાહા
હકલાએ લાહા ઈલ્લાહો મહમદુર્રસુલિલાહે —
૧૦. મી.ખાકી પોતાની બધી ભુલો સુધારીને હવે શ્રીકૃષ્ણનના દશતરી ગાવંત્રીવાળા
વંશના બુદ્ધને છોડીને, ચંદ્રના પુત્ર બુદ્ધથી સંબંધ જોડી પોતાની વંશાવળી
દીપાવવામાં ઓર વધારો કરી રહ્યા છે ! એ તેમની વધુ મૂર્ખતાનો નમુનો દેખાઈ આવે છે,
હરીવંશના હોંશીલા થઈ એ હોંશ પુરી કરી. હરીવંશનું પૂંછડું
છોડીને હવે ઈતિહાસ પ્રસિદ્ધ ચંદ્રના પુત્ર બુદ્ધથી સંબંધ જોડી પોતાની ખ્યાતી
વધારવામાં કુશળતા ભરેલા આવેશથી આગળ વધેલા મી.ખાકીના વંશની જોડમેળનો ઈતિહાસ
ઈતિહાસના જાણકારોની આંખ આગળ રહેવા દઈ તેનો ઈન્સાફ વાંચકવર્ગને જ સોંપી અંગત
ટીકાનું આ પ્રકરણ અત્રે સમાપ્ત કરવામાં આવે છે.
૧૧—૧૨. સતપંથના પાખંડી પંથને માટે મી.ખાકી લખે છે કે,
“વેદોક્ત ધર્મ હોવાથી સતપંથ
નામ યોજાયેલ છે. તે માટે ઘણી વખત પ્રમાણો બહાર આવી ગયાં છે. હિંદના મહાન
ધર્માચાર્યોની સેવામાં અર્પાયેલ છે, તે વિશે કોઈએ પણ ઈનકાર કર્યો નથી.” અમે હાલના તાજા
ચંદ્રવંશી થયેલા મી.ખાકીને પૂછીએ છીએ કે, સતપંથ વેદોક્ત ધર્મ છે અને ધર્માચાર્યોએ તેના પ્રમાણપત્રો
આપ્યાં છે. તો તેનો એકાદ આછો પાતળો નમૂનો પણ ટાંકી બતાવીને તમારી સત્યતાની જગતને
તમારે જરૂર ખાત્રી કરી દેવી જોઈએ. નહિ તો પછી અમે તમને પાખંડી,
વિશ્વધર્મોનો વિરોધી,
અર્ધદગ્ધ ખીચડીયા પંથ તરીકે જગતમાં જાહેર કરેલો છે,
તે સાચું ઠરશે માટે આદિશંકરાચાર્ય,
રામાનુજાચાર્ય અથવા કોઈ પણ હિન્દુ સંપ્રદાયના પૂજ્ય
આચાર્યનું એક નામનું પણ સર્ટીફીકેટ કે પ્રમાણપત્ર તમારી સત્યતાની ખાતર તમારે જાહેર
કરવું જ જોઈએ નહિ તો પછી તમારી નફટાઈની બજારમાં વધુ તેજી આવતી રહી છે તેમાં ઓર
વધારો થઈ જાય છે. એમ જગતે જાણી જ લેવું પડશે,
તે સાથે સાથે અમે તમને જણાવવાની રજા લઈએ છીએ,
કે તમારા સગા ભાઈઓ કે જેઓ હાલે પીરાણામાં કરતાકારવતા અને
માલીક છે, તેઓની ફકીરીયા ટોળી સૈયદ ગુરૂમંડળ તરીકે ઓળખાય છે,
તેમણે ગુજરાતી પંચમાં,
પીરાણા સતપંથ એ દીને મહમદી ધર્મ છે. એમ તેમણે જાહેર સિદ્ધ
કરેલું છે. તે ખોટું કે તમો મુસલમાન હોવા છતાં તમારા પાખંડી પંથને વેદ ધર્મ
ઠરાવવાના પછાડા મારો છો તે ખોટું? આ વાતનો તમો સાચા ચંદ્રવંશી બુદ્ધના વંશધર હશો તો જરૂર
ખુલાશો કરશો. નહિ તો વર્ણશંકરતાનું જરૂર સર્ટીફીકેટ તમને મળશે જ.
૧૩. મી.ખાકી પોતાના લેખની શરૂઆતમાં પહેલી અને લેખને અંતે છપાયેલી છેલ્લી
સૂચનામાં લખે છે કે — “પીરાણેથી તમો આદિના લેખોના પ્રત્યુત્તરો (સૂચનાઓ દર વખત
અપાય છે, છતાં સ્પષ્ટ જૂઠું ધપાવી રહ્યા છો. કાકાઓ સૈયદો મુંગે મોંઢે
બેસી રહ્યા છે. વાહરે ! નારણભાઈ જુઠનીએ હદ હોય છે. શાબાસ બોલે જાઓ.” વાહરે ખાકીજી
બહાદુર ! હજુ હું છાતી ઠોકીને કહું છું કે,
તમોએ અમારા એક પણ લેખનો જવાબ નથી જ આપ્યો. લક્ષ્મણ કાકાને
“પ્રાસ્તાવિક નિબંધ”માં દસ હજાર રૂા.ની
અમોએ કરેલી ચેલેન્જ હજુ ઉભી જ છે. છતાં એક અક્ષર પણ નથી ઉચ્ચારી શક્યા ! એટલું જ
નહિ પણ તમે પોતે મહાન સાક્ષર તરીકે પોતાને ઓળખાવો છો,
તે પણ ખુલ્લી રીતે લખો છો કે,
“આ જવાબ નથી,
પણ સૂચના છે.” જવાબ હવે છપાશે. એ તમારા તરફના જવાબની અમો
વરસાદની પેઠે રાહ જોઈએ છીએ, છતાં તમે અમને જવાબ આપેલો હોય તો તે પ્રસિદ્ધ કરી જાહેર
જનતા સમક્ષ ખુલ્લો મૂકો અને તમારી સત્યતા સાબિત કરો. તેમ નહિ કરો તો તમે જૂઠા છો,
એ વાત તો સર્વ માન્ય થઈ જશે. ભાઈ ખાકી સૂચના તે શું અમારા
લેખની પહોંચ સ્વીકારી તમને લેખ પહોંચ્યો છે તેને કહો છો કે બીજાને જવાબ જણાવશો તો
બહાદુરી દીપી નીકળશે !
૧૪. છેલ્લે મી.ખાકી સતપંથનો સધિયારો નામનો પોતાનો લેભાગુ લેખ પૂર્ણ કરતી વખતે
પરમાત્મા પાસે વિનંતી કરે છે કે, “સતપંથની ઉત્તમતા, સતપંથનું સ્વરૂપ જાણવા મને ભલામણ કરે છે.” હું પણ તેટલી જ
વિનયથી મી.ખાકી, કે જેની સાથે મને અંગત કંઈ પણ વેર ઝેર નથી,
માત્ર તેઓ નીચ પ્રપંચો કરી હિન્દુ જ્ઞાતિઓ અને તેમાં પણ
મુખ્યત્વે અમારી પાટીદાર જ્ઞાતિને ધૃતિ, ઠગીને પૈસા ખાઈ હરામનું હજમ કરી રહ્યા છે અને તેમને
મુસલમાની રસ્તે ચડાવવાના નીચ પ્રયાસો રચી રહ્યા છે અને તેમને ઈસલામની દુહાઈ આપી
તમારા ખૂદા કે હિન્દુઓ જેને પરમાત્મા તરીકે ઓળખે છે તે સર્વનો માલિક અને પિતા
બિચારા ખસ્તે હાલ ખાકીને સદ્બુદ્ધિ આપે અને એવાં કાળાં ધોળાં કરતાં તે અટકી જાય
અને એક જ અલ્લાહના પાક દિલથી પ્યારા થાય, એવું શુદ્ધ હૃદયથી ઈચ્છું છું. અથવા તો તેમને જો હિન્દુ
ધર્મ ઉપર ખરેખરો પ્રેમ હોય, વેદ અને વેદાન્તના ઉદાર મત ઉપર સાચો સદ્ભાવ હોય,
તો શ્રી કાશીક્ષેત્રમાં જઈ દયાળુ હિન્દુ પંડિતો પાસેથી
પ્રાયશ્ચિત કરાવી પવિત્ર ગંગામાં નાઈ શ્રી કાશીવિશ્વનાથ ભગવાનના લીંગને મસ્તક
નમાવી સાચા હૃદયથી તેમના દર્શન કરી પાવન થવું. કદાચ કાશીના જૂના વિચારના હિન્દુ
પંડિતો મી.ખાકી મુસલમાન હોવાથી પ્રાયશ્ચિત વિધી ન કરે તો તેમના માટે બીજો રસ્તો એ
છે કે તેમણે હિન્દુ મહાસભા પાસે વિનંતી કરી,
પોતાના પાપ કર્મોનો પૂરો પશ્ચાતાપ કરી દેહશુદ્ધિ કરાવી
હિન્દુ આર્યધર્મમાં મળી જઈને પોતાના આત્માનો ઉદ્ધાર કરે એવું ઈચ્છું છું. કેમકે
અત્યારે મી.ખાકીના માટે ઘણો સારો સમય છે. હિન્દુ સમાજ અત્યારે ખાસ ઉદાર અને વિશાળ
હૃદયથી જેઓ ખાસ મુસલમાનો છે, તેમાં પણ ખાસ મૌલવીઓ છે,
તેમની પણ શુદ્ધિ કરી રહ્યા છે ! તો મી.ખાકી પોતાના ઉલ્લેખ
મુજબ બુદ્ધવંશી હરીવંશી અથવા તો તેમણે છેલ્લે બતાવ્યા મુજબ ચંદ્રવંશી છે. તો પછી
તેમની શુદ્ધિ કરાવવામાં જરાપણ હરકત આવશે નહિ પરમાત્મા તેમને સદ્બુદ્ધિ અર્પે અને
અમારા હિન્દુભાઈઓના લિસ્ટમાં એમના મુબારક નામનો ઉમેરો થાય,
એવી અંતરની પ્રેમભરી ઉમંગની લાગણી સાથે મારી વિનંતી છે.
લી.મી.ખાકીનો શુભેચ્છક
સન્મિત્ર |
પટેલ નારાયણજી રામજીભાઈ
કોન્ટ્રાક્ટર |
કચ્છ વિરાણીવાળા |