Akhil Bhartiya Kutch Kadva Patidar Samaj
A central organisation of Kutch Kadva Patidar Sanatan community
Akhil Bhartiya Kutch Kadva Patidar Samaj
A central organisation of Kutch Kadva Patidar Sanatan community
“ सत्यान्नास्ति परोधर्मः”
પીરાણા સતપંથની પોલ
સંબંધી
સૈયદ બાવાસાહેબ અહેમદઅલી
ખાકીને જવાબ
— પ્રકાશક —
મીસ્ત્રી નારાયણજી રામજી કોન્ટ્રાક્ટર
(કચ્છ વીરાણીવાળા) હાલ ઘાટકોપર (થાણા)
—-
સુરત બરાનપુરી ભાગળ, ભાજીવાળી પોળમાં આવેલા
શ્રી “અનાવિલ બંધુ” પ્રી. પ્રેસમાં
ગોવિંદજી ડાહ્યાભાઈ નાયકે છાપ્યું
—-
— મૂલ્ય —
વાંચન, વિચાર અને સત્યનું શોધન
હિન્દુ જાતિ અને હિન્દુ ધર્મની દુર્દશા
(પીરાણા સતપંથ સંબંધી “સનાતન ધર્મ કેસરી” અઠવાડિક પત્રની માર્મિક ચર્ચા)
—-
“परियन्ति मूढा अन्धेनैव नीयमाना यथान्धाः!” – कठोपनिषद
શ્રુતિ ભગવતી કહે છે કે, “હૃદયચક્ષુ વગરના મૂર્ખ લોકો, ભ્રમિત ચિત્તે સંસારમાં એવી જ રીતે ભટકે છે કે જેવી રીતે અન્ધે બતાવેલા રસ્તા પર અંધજનોની હાર—કતાર ચાલી જતી હોય !” – કઠોપનિષદ
“West is west and east is east, And they shall never meet!”
Rudyard Kipling
આજે ભારતનો વિશાળ જનતાસિંધુ વ્યાકુળ બની રહ્યો છે ! રક્ષણ વગરનો, સહાય વગરનો, આધાર વગરનો અથવા કોઈ દિવ્યદેશી શુદ્ધ સ્નેહી માર્ગદર્શક વગરનો એ મહાન જનસમુદાય આજે ઘોર અંધકારમાં જ ગોથાં ખાય છે ! કોઈ તેને હાથ ઝાલીને દોરનાર નથી, કોઈ તેને સીધો માર્ગ બતાવનાર નથી. તેના દુઃખથી દુઃખી થઈ, તેના હૃદય સાથે હૃદય મિલાવી, કોઈ તેને અંતરના ઉમળકાભર્યાં આશ્વાસન આપનાર નથી ! કેમ જાણે ઈશ્વર પણ આજે તેને છેક વિસરી જ ગયો હોય ! નહીં તો આજે હજારો વર્ષો થયાં, કંઈક શતકો વીત્યાં, એ બિચારા હતભાગી હિન્દવાસી અને ધણી વગરના ઢોર જેવી ઘોર સ્થિતિમાં ચોમેરથી ટપલાં ખાતાં અને પરાધીનતાની ઝૂંસરી વેઠતાં વનવનની કાઠી જેવી દુર્દશા શા માટે ભોગવવી પડે? અનેક સદીયો થયાં તેઓ બીજાના દોરવ્યા દોરવાય છે, ગાડરીયા પ્રવાહની પેઠે, બીજાની પાછળ ઘસડાતા જાય છે ! કંઈક સૈકાંઓ થયાં તેઓ સ્વત્વ અને સ્વતંત્ર વિચારશક્તિ ગુમાવીને, પરકીય ધર્મ અને રાજ્ય બંધારણના કૃતદાસ બની રહ્યા છે ! જે કોઈ હસ્તે મ્હોઢે મીઠી મીઠી વાણી બોલીને, મૃગજળ જેવી ખોટી લાલચો બતાવીને, તેમને જે દિશામાં ખેંચી જવા માંગે, તે દિશામાં આસાનીથી તેઓ ખેંચાઈ જાય છે ! અને ‘બાબા વાક્ય’ પ્રમાણમ્ માનનારા એ ભોળા લોકો તેમની પાછળ પાછળ અથડાતા—કૂટાતા, અનેક આફતો વેઠવા છતાં અંધશ્રદ્ધાથી આંખો મીંચીને મુંગે મ્હોઢે ઘસડાતા જાય છે. મૃગજળ જેવા ઝાંઝવાના નીરને મીઠા પાણીનો ઝરો સમજી ગ્રીષ્મ ઋતુના પ્રચંડ તાપ વચ્ચે આગ જેવા રેતાળ પ્રદેશમાં તૃષા છીપાવવા માટે બળતાં ઝળતાં આંધળીયાં કરીને પ્રાણ ગુમાવનારા અબુદ્ધ હરણોની પેઠે, તેઓ મતલબી લોકોએ ગોઠવેલી જીવલેણ કપટજાળમાં ગુંચવાઈને, ઉંધે રસ્તે ચડી, વગર મોતે માર્યા જાય છે ! અથવા છેલ્લી ઘડીએ પાપીનો ભેદ ફૂટી જતાં, લોહીના આંસુઓ વરસાવતા અને પશ્ચાતાપનો ભોગ બનતા હાથ ઘસીને બેસી રહે છે !
બીજી કોમો કરતાં પણ હિન્દુ જાતિ અને હિન્દુ ધર્મની સ્થિતિ તો હાલ અસહ્ય દુઃખરૂપ થઈ પડી છે.
નિવેદક — વસંત |
પ્રકાશક : “સનાતન ધર્મ કેસરી” |
પીરાણા “સતપંથ”નાં ભયંકર કારસ્તાન?
તેની હિન્દુભાઈઓને ધર્મભ્રષ્ટ કરનારી ભેદી અને છુપી હિલચાલ !
આજે તો હિન્દુજાતિ પૂર્વના મહા પાપે જગભાભીની સ્થિતિમાં આવી પડી છે. આ જગતમાં અનાથ નધણીયાતી સ્ત્રીની સૌ કોઈ જેમ ફાવે તેમ છેડ કરે છે, એ પ્રમાણે આજકાલ નાટક, સિનેમા, ફારસ, ભવાઈ, વારતા, નવલકથા અને પરધર્મીઓના નાના મોટાં અનેક પુસ્તકોમાં હિન્દુધર્મ અને દેવદેવીઓની પણ લોકો જેમ ફાવે તેમ ફજેતી અને ઠેકડીઓ કરે છે —
તેમાં પણ ધર્મઢોંગી સતપંથને નામે ચાલતા કેટલાક બનાવટી પંથો તો હિન્દુઓના પરમપવિત્ર દેવ—દેવીઓની અનેક વરસોથી ફાવે તેમ નિંદા અને ઠઠ્ઠા કરે છે, એ પાખંડીઓ પોતે અને પોતાના પ્રપંચી પૂર્વજોને શિવ, વિષ્ણુ અને બ્રહ્માના અવતારો બતાવી—મનાવી રહ્યા છે, સઘળા હિન્દુ, પારસી, જૈન, શિખ અને બૌદ્ધોએ પણ પરમપવિત્ર માનેલી એવી ગાય માતાનો વધ કરવો, એ આ જુગમાં મહાન પુણ્યનું કામ છે, એમ પોતાના બુદ્ધ—અવતારમાં પાંડવોને સાક્ષાત્ બુદ્ધ ભગવાને બોધ કરેલો હોવાનું બતાવીને, પાંડવોને હાથે રૌ રૌ નરકમાં ધકેલનારો ગૌવધ કરાવેલો છે.
હિન્દુઓએ માનેલા ઈશ્વરના બધા અવતારોને ખોટા જણાવી, છેલ્લો દસમો અલિનો અવતાર થયો છે, એજ ખરો માનવાલાયક છે અને હાજરાહજુર ઈશ્વર તો એક અમારા ઈમામ જ છે, એવી હડહડતી પ્રપંચજાળ ગોઠવીને અનેક યુક્તિ—પ્રયુક્તિથી તેઓ હિન્દુઓને વટલાવી ધર્મભ્રષ્ટ અને કર્મભ્રષ્ટ કરે છે. અમદાવાદમાં, તેની પાસે પીરાણામાં, સુરતમાં, રાંદેરમાં, સુરત પાસેના માંગરોળ ગામમાં, નવસારીમાં, આણંદમાં વગેરે અનેક ઠેકાણે ગુજરાતમાં, તેમજ કાઠીયાવાડ, કચ્છ, સિંધ, પંજાબ વગેરે હિંદના ઘણા દેશોમાં તેમના ભવ્ય કારખાનાં અને કારસ્તાનો ચાલી રહ્યા છે. અનેક પેટવડીયા અને પગારદાર દાઈઓ તરીકે ફકીરોને દરવેશોને રાખી, મિશનરી તરીકે ભયંકર ષડ્યંત્રો ગોઠવીને, પોતાનો ઠગાઈનો ધંધો તેઓ ગામેગામ ધમધોકાર ચલાવી રહ્યા છે. એ દાઈઓ અજાણ્યા—ભોળા અભણ લોકોનો શિકાર શોધતા જ ફરે છે. ભીલ, કોળી, કાછીયા, કાળીપરજના લોકો, ઢેડ, અત્યંજ વિગેરે હલકી વરણના હજારો લોકો, તેમની એ કુટિલજાળના ભોગ થઈને સહેલાઈથી ફસાઈ રહ્યા છે, કેમકે હિન્દુઓમાંથી તો કોઈ તેમને સીધો રસ્તો બતાવનાર કે ખરો ધર્મોપદેશ કરનાર નથી — અરે ! વખતસર ચેતવણી આપીને આવા પ્રપંચીઓના પાશમાંથી તેમને કોઈ બચાવી લેનાર પણ નથી ! એટલે એ બિચારા ભોળા લોકો તો એ દાઈ અને દલાલોને ફિરસ્તા જેવા જ સમજી લે છે અને જાણે બેહેસ્ત (સ્વર્ગ)નો પરવાનો પણ તેમની મારફતે જ મળવાનો હોય. એમ સાચું—ખોટું, દિવસ—રાત, કંઈ જોયા તપાસ્યા વિના જ મીયાંજીના કહેવાથી ચાંદે ચાંદ માની લે છે ! એ દાઈઓ અને દરવેશો તેમને ચેલા મુંડે છે, દશોંદને નામે તેમની પાસેથી પૈસા ઓકાવે છે, નૂર અને અમીના ભ્રષ્ટ ગોળીઓ ખવરાવી તેમની દેહ વટલાવે છે અને દશંતરી ગાવંતરી કે દુવાને નામે કલમા અને ફરમાનજી પઢાવી, તેમની દેખતી આંખોમાં ધૂળ છાંટીને તેમને જગજાહેર મામદા હિન્દુ બનાવે છે !
સદરહુ સૈયદ બાવામીયાં અહમદઅલી ખાકી, તેમજ પીરાણા સતપંથી બીજા પણ સૈયદો અને લખમણકાકા વગેરે બધાએ પાખંડી પંથના આગેવાનોને પણ અમે અહીં જાહેર ચેલેન્જ કરીએ છીએ કે, જો તમારો “સતપંથ” એ કોઈપણ જાણીતા હિન્દુ—મુસલમાન—બૌદ્ધ—ખ્રિસ્તી વિગેરે જાહેર ધર્મની શાખા હોય, તો તમે મેદાનમાં બહાર આવીને તે સાબિત કરો, નહીં તો અમે તમારી અને તમારા ઢોંગી સતપંથની જાળમાં ફસાયેલા હજારો ભોળા હિન્દુઓને ચેતાવવાની અમારી ખાસ ફરજ સમજીએ છીએ કે, તમારો સતપંથ, નથી હિન્દુ અને નથી કોઈ મુસલમાન ધર્મની શાખા ! પણ એ તો ભોળા લોકોને ધૂતી અને લૂંટી ખાવાને માટે એક કલ્પિત ઉભું કરેલું તૂત અને મતલબી બજરબટ્ટુ લોકોએ ચલાવેલું બનાવટી ધતીંગ જ છે અને તે આજના ન્યાયી સરકારી રાજ્યમાં તેમજ વિદ્યા અને વિજ્ઞાનથી પ્રકાશિત સુધરેલા જમાનામાં કદિપણ ચાલવાનું નથી. તમારા “સતપંથ”ના છુપા જ્ઞાનો અને શાસ્ત્રો જોતાં, તેમાના હડહડતાં જુઠાણા તેમજ પાપકર્મોના પોલ તરત ઉઘાડી પડી જાય છે અને તેનું તારણ કરીને અને આ નીચેના છ મુદ્દાઓ તમારી આંખો સામે અમે ટાંકી બતાવીએ છીએ. તે બધા તમારા પોતાના આચાર, વિચાર, વ્યવહાર અને શાસ્ત્રો તેમજ જ્ઞાનોના જોયેલા, જાણેલા અને ખાત્રીપૂર્વક ટાંકેલા ખરા મુદ્દાઓ છે — તેમાંનો કોઈ ખોટો હોય, તો પ્રકાશમાં આવી, સિદ્ધ કરી તમારી બહાદુરી બતાવો.
અનેક શાસ્ત્રીય, ઐતિહાસિક, સતપંથી અને પ્રત્યક્ષ પ્રમાણોથી એ સ્પષ્ટ સિદ્ધ થાય છે કે :—
(૧) પીરાણા સતપંથ એ કોઈ હિન્દુધર્મની શાખા નથી. તેમજ કોઈ ઈસ્લામી ધર્મની શાખા પણ નથી. એ પંથનો મૂળ સ્થાપક ઈમામશાહ સીયા ઈસ્માઈલી, નિજારી શાખાના ઈરાની ઈમામનો એક પગારદાર દાઈ એટલે મિશનરી હતો, પણ તેણે પોતાના સ્વાર્થ અને લોભની ખાતર એ વખતના ચાલુ સતપંથમાં કેટલાક મનમાન્યતા કપોળ કલ્પિત ફેરફારો કરીને પોતાનો નવો બિન આધાર ખીચડીયા નવો પંથ સ્થાપ્યો છે.
(૨) ઈસલામી ધર્મ, અવતારવાદને, દેવદેવીઓને અથવા ઘટ—પાટ જોત જેવી કોઈ પણ ક્રિયાને માનતો નથી અને તે માનનારને તેઓ કાફીર, નાસ્તિક અને ઈસ્લામના વિરોધી ગણે છે. એટલે એ નિયમાનુસાર “સતપંથ” કોઈ ઈસ્લામી ધર્મ નથી.
(૩) સતપંથમાં ચાલતાં જ્ઞાનો અને ધર્મ—પુસ્તકોમાં જે હકીકતો અને લખાણો આપેલાં છે, તેમનો હિન્દુ ધર્મ, કે શાસ્ત્રો સાથે કંઈ પણ સંબંધ નથી અને એ બધાં લખાણો પરસ્પર વિરોધી વિચારોથી અને બનાવટી હકીકતોથી ભરેલાં છે. એટલે તેમને હિન્દુ ધર્મ સાથે કંઈ પણ લાગતું વળગતું નથી.
(૪) સતપંથના હસ્તલિખિત પુસ્તકોમાં ભોળા—અજ્ઞાન લોકોને આંજી નાખી, લલચાવી, પોતાના નકટા પંથમાં ખેંચવા માટે જે જે ચમત્કારો અને અદ્ભુત પરચાઓ આપેલા છે, તે બધા અસંભવિત ગપ્પગોળા અને જૂઠા, કલ્પિત જોડી કાઢેલા ટુચકાઓ છે. કોઈ દેશ કે કોમના કોઈ પણ ઈતિહાસમાં તેમની સત્યતાનો કંઈ પણ પુરાવો મળતો નથી. તેમજ મૂર્ખ માણસો પણ ન માને, એવી હસવા લાયક ગપ્પાનો તે એક તરકટી ખજાનો જ છે.
(૫) એ ‘સતપંથ’ ચલાવનાર ઈમામશાહના વંશના સૈયદો પોતે જ કોઈ સતપંથના જ્ઞાનો કે ગ્રંથોને માનતા નથી. તેમજ હિન્દુ દેવના અવતારોને પણ માનતા નથી. તેઓ તો કુરાનને માને છે અને સતપંથમાં મનાઈ કરેલી કાંદા, તમાકુ, માસાદિ ચીજોનો સરેબાજાર ઉપયોગ કરે છે.
(૬) સતપંથ પ્રવર્તકો પોતે જ પ્રપંચી અને જુઠા છે, તેમજ તેમના હસ્તલિખિત પુસ્તકો, પુરાણો, જ્ઞાનો અને લખાણો પણ બધાં જુઠાં છે, એટલા માટે જ તેઓ પોતાના સેવકોને વારંવાર તાકીદ કરે છે કે, આ પંથની હકીકત કોઈને કહેવી નહી અને ધર્મક્રિયાઓ તેમજ ભક્તિ કોઈ ન જાણે એવી છૂપી રીતે જ કરવી. વળી પરધર્મીઓને પોતાના ખાનામાં આવવા પણ ન દેવા તેમજ ધર્મના પુસ્તકો વિગેરે તેમને કદિપણ બતાવવા નહી ! તેમના જ્ઞાનમાં અનેક ઠેકાણે એ બાબતની ખાસ ભલામણ કરવામાં આવે છે.
દૃષ્ટાંત તરીકે :—
“સતપંથનો પડદો જે કોઈ ખોલે, તેનો જીવડો દોજખે જાશે જીરે !”
એટલે એક વખત તેમની કપટ જાળમાં ફસાયેલો, કોઈ ઠેકાણે એ પંથનો ભેદ ખોલી શકતો નથી.
જે ધર્મ ન્યાય અને નીતિના ધોરણસર બંધાયો હોય, તેને કદિપણ ગુપ્ત રીતે પડદા પાછળ માનવા કે ફેલાવવામાં આવતો નથી. પણ ચાર્વાક કે વામમાર્ગ જેવો દુરાચાર ફેલાવનારો હોય, અને પ્રપંચના પાટીયાં ગોઠવીને બનાવટી ઉભો કરેલો હોય, તેમને જ ચોરની પેઠે રાત્રિના અંધારામાં પાળવા તેમજ ફેલાવવામાં આવે છે. જો સતપંથીઓમાં સત્યતા કે બહાદુરી હોત, તો તેઓએ આજ સુધી પ્રકાશમાં આવીને પોતાના પંથની સત્યતા ન બતાવી હોત?
(૭) સતપંથની નેમ, ફક્ત એક પોતાના ઈમામની જ ખોટી બડાઈ ગાઈને, હિન્દુ, મુસલમાન, બૌદ્ધ, જૈન વિગેરે દુનિયાના બીજા તમામ ધર્મોની હાંસી અને નિંદા કરવાની છે, તેમજ જગતના બીજા બધા મત—સંપ્રદાયો જૂઠા અને નરકે લઈ જનારા છે. સ્વર્ગનો ઈજારો તો એક અમારા સતપંથે જ રાખેલો છે, એવું ઠસાવી સેવકોને ચોખી રીતે ધૂતી તેમજ લૂંટી ખાવાની જ તેમની બુરી નિષ્ઠા છે. આ છ મુદ્દા તેમના પોતાના પ્રમાણસર આપેલા છે.
પ્રમાણો : જુઓ તેમના ગીનાનમાંથી જ થોડા નમુના અહીં તપાસી જોઈએ.
“હિન્દુ અંધા ઔર મુસલમાન કાણા, દોનો કી બિચમેં સતપંથ સમાણા.”
હિન્દુઓ આંધળા છે અને મુસલમાનો કાણા છે એટલે ચોખું છે કે સતપંથ નથી હિન્દુ અને નથી મુસલમાન, એ તો તેમની પોતાની વાણી અને કબુલાત ઉપરથી જ સિદ્ધ થઈ જાય છે —
હવે બધા ધર્મોની તેઓ કેવી નીચ નિંદા કરે છે, તે જુઓ :—
“સતપંથી જ્ઞાનમાં ગાય છે” :—
“રોવે રોવે હિન્દુડા, રોવે મુલ્લાં કાજીડા, રોવે બ્રાહ્મણ જોશીડા, વાંચન પોથાં પુરાણા,
રોવે જંદા જોગીડા, જીકો મરણ મસાણા, રોવે રોવે સંસારી, તે સઘળા રોવે,
એક ન રોવે જેને શાહ પીર પાયા !”
બીજા બધા ધર્મપંથવાળા રૂવે અને એક સતપંથી ભેસ્ત (!)માં ખાજાં ને ખાંડ ખાય, એ ઈજારો ક્યા ખુદાએ તેમને ક્યે દહાડે આપ્યો છે?
બીજે સ્થળે હિન્દુઓના મુખ્ય ત્રણ દેવ, બ્રહ્મા, વિષ્ણુ, મહેશની તેમજ મુસલમાનોના બાવા આદમ, નબી મહમદ અને અલી ઈમામને અલાહના અને દેવોના અવતારો મનાવી પાક કુરાને શરીફનું પણ હડહડતું અપમાન કરેલું છે. એ બાબતનાં ‘ગીનાન’ માં સતપંથીઓ ગાય છે —
“જીરે ભાઈ ! આજ કળયુગમાં ઈશ્વર આદમ નામ ભણાયા,
ગુરૂ બ્રહ્મા તે નબી મહમ્મદ કહાવ્યા ! હોજી રે ભાઈ !
જીરે ભાઈ ! પુરૂષોત્તમ વિષ્ણુજી, અલીરૂપે નામ ભણાયા !
તેણે નામે રખીસરે ધ્યાયાં, હોજી રે ભાઈ !”
આમાં અલીને સાક્ષાત ઈશ્વર—વિષ્ણુનો અવતાર અને હજરત મહમ્મદને તો ફક્ત બ્રહ્માનો અવતાર ઠોકી બેસાડી, એક તરફ હિન્દુઓને અને બીજી તરફથી મુસલમાનોને ઠગ્યા અને બનાવ્યા છે માત્ર એટલેથી જ પુરું થતું નથી. તેમના શાસ્ત્રમાં તો એવી હડહડતી નિંદા કરવામાં આવી છે કે તે વાંચી સાંભળીને કોઈ સાચો હિન્દુ, જૈન કે મુસલમાન પણ તે સહન કરી શકશે નહીં જ. જુઓ થોડા નમુના સતપંથીઓના નવમા બુદ્ધા અવતારમાં ઈમામશાહ લખે છે કે —
“બ્રાહ્મણમાંથી બ્રહ્મા ગયા, તે ગુરૂ બ્રહ્માજીનું રૂપ તે નબી મહમ્મદ થયા.”
અડસઠ તીરથની જાત્રાએ જાએ અને નીત નીત ગંગામાં નાએ,
આજ પથ્થર મૂર્તિની પૂજા કરે, તે ચંડાળ પાક શીરી તે થાએ ?
સઘળા મૂર્તિપૂજકોને આમ ચંડાળ કહીને ગાળો દેવી, એ લખનારની પોતાની જ નીચતા જણાવે છે. ખાળકુંડીમાં તો મેલાંની જ વાસ આવે, ત્યાં બીજું શું હોય? વળી એ પાપી પુસ્તકમાં ભગવાન બુદ્ધદેવ, પાંડવો અને ધર્મરાજાને કહે છે કે :—
“પાપ ઉતારવું હોય તો ઈમાન રાખો અને ગાયને વરોધો, તો જ તમે વૈકુંઠમાં જાશો.”
“ત્યારે પાંચે પાંડવે સ્વામી બુદ્ધનું કહેવું કબુલ કર્યું અને ગાયને કાપ્યાનો વિચાર નક્કી કર્યો. એટલે પાંડવો કામધેનું ગાયને લાવ્યા અને પાંચે મળીને ગૌવધ કીધો ! ગાયનું માથું રાજા ધર્મે લીધું અને ચાર પગને ચારે ભાઈઓએ માથે ઉપાડ્યા. ગાયનું ચામડું સતી દ્રૌપદીએ ઓઢ્યું ! એટલે બુદ્ધે કહ્યું કે, તમે હસ્તિનાપુરની બજારમાં નીકળો — ગાયનું લોહી વહે જાય છે અને પાંડવો મુખે બુદ્ધનું નામ જપે જાય છે.”
એથી પાંડવોના મુગટ સોનાના થયા ! એથી લોકોને અચંબો થયો. એથી પહેલાં બ્રાહ્મણો ગાય કાપી હતી ત્યાં ગયા અને ગાયની જે આંતરડી પડી હતી તે ઉપાડી લાવ્યા અને તેની જનોઈ કરીને ગળામાં ઘાલી તેથી ભાઈઓ ! આજ કલીયુગમાં બ્રાહ્મણની જનોઈ તે ગાયની આંતરડી છે, એમ જાણો. બાકી બ્રાહ્મણની વેળા તો વઈ ગઈ” કેવા નીચ અને હડહડતા પાખંડી અને બનાવટી અધર્મના એ લખનારા હોવા જોઈએ? અફસોસ છે કે, હિન્દુ, જૈન, પારસી વગેરે કોઈપણ ધાર્મિક લાગણીવાળો સમર્થ પુરૂષ, આવા ઘોર અધર્મનો આજ સુધી જવાબ લેનારો જાગ્યો નથી અને આજ સુધી એ લોકો આવો ભયંકર પાપાચાર જગજાહેર ચલાવી રહ્યા છે ! માત્ર એટલું જ નહીં પણ હજારો હિન્દુઓ પણ છુપી રીતે આ મહા નારકી પંથમાં ભળીને સેવકો તરીકે તેને માને છે. આ પ્રમાણે હિન્દુ ધર્મનો ભયંકર દ્રોહ કર્યા પછી પોતાનો ખોટો મહિમા વધારવા માટે ઈમામશાહ લખે છે કે —
“બુદ્ધ ભગવાને કહ્યું કે કળયુગમાં હું ગુપ્ત વેશે રહીશ.” પાંડવોએ પૂછ્યું :— “તમારા ગુપ્ત આવાસનું ઠેકાણું કહો.” બુદ્ધે કહ્યું કે પશ્ચિમ દિશામાં આરબ દેશ, ત્યાં હું દસમો મનુષ્ય અવતાર લઈશ અને ભરતખંડમાં ઈમામપુરી કેતાં પીરાણામાં ગુરૂ બ્રહ્મારૂપે ગુપ્ત રહીશ. વળી તેના જ ટેકામાં ઈમામશાહ “મુમના ચેતવણી” નામની પોતાની કવિતાની પોથીમાં લખે છે કે :—
એજી અલિતે અલ્લાહ કરી માનશે, તેનો પીર તે નબી મહમ્મદ અવતાર,
જે નબીજીની આલમાંહી ઉતરશે, તે પીર મુસલ્લે સાર, ચેતો.
એજી આલ નબીજીની સહી કરી માનશે, અલી મહમ્મદના આલ ઉપર ધરી પ્યાર,
એજી તેના ઈમાન અમે રાખશું, જ્યારે વરતશે કલજુગ કલી કાળ. ચેતો.
તેને પોતાના કરી રાખશું, આગળ મહા દિનમાંહી ઉતારશું પાર
અલી તે માનજો અલાહ કરી, તે મુખ ખરી દશોંદ દેજો સાર. ચેતો.
આલીયો અમારો આલજો, પીર મુરીદનો એ છે વહેવાર,
અમારે ફરમાને તમે ચાલજો, તો તમારા વધશે પુત્રને પરિવાર. ચેતો.
આ સતપંથ મળીને બાહેર જાશે, ને કરશે જૂઠી નિંદાને ચડાવશે આળ.
અને દશોંદ દેતાં ઓછું આણશે, તેના જીવ તે થર નહીં રહેશે લગાર. ચેતો.
આ સતપંથ ગુપત આરાધવો, તે પંથનો પડદો ફાસ ન કરવો લગાર. ચેતો.
આમાં ઠગાઈ અને બદમાશીની હદ જ કરી છે ને? પોતે સાક્ષાત્ ઈશ્વરનો અવતાર બની બેઠા અને પોતાની આલ—ઓલાદને માટે પણ ત્રાંબાને પતરેં દશોંદનો હક્ક નક્કી કરતા ગયા ! પુત્ર પરિવાર વધારવાનો, સ્વર્ગમાં દાખલ કરવાનો, પ્રલય વખતે ઉદ્ધાર કરવાનો તો એ ઠગ સાંઈમૌલાઓએ ઈજારો જ રાખ્યો છે ! એટલે તેમના વંશ વારસોને પણ પસીનાની ખરી કમાઈનું માખણ સદાય ચટાડ્યા કરો ! તો સોનાના સ્વર્ગની ચાવી તમને જ મળશે, વળી જો દશોંદ ન ચુકાવી તો પાયમાલી ! ખબરદાર ! જો એ પંથનો પડદો ખોલ્યો, ક્યાંય વાત કરી અથવા નિંદા ચુગલીથી આળ ચડાવી, તો તમારા બાર જ વાગી જશે ! મીયાંજી ! જો બિલાડીને કહ્યે જ છીકાં તૂટી જતાં હોય, તો પછી તપસ્વીનો કોણ ભાવ જ પૂછે? આવાં તે કેટલાં પાખંડ લખી બતાવવાં અને તેમની કુટિલતાના કેટલા ગીત ગાવા? તેનો કંઈ પાર આવે એમ જ નથી. એકાએક લખાણ, પરચો અને ચમત્કાર આવી જ લુચ્ચાઈ, જુઠ્ઠાઈ અને હરામખોરીથી ભરેલો છે. એમના ધ્યાનો, જ્ઞાનો, પૂજાપાઠના છુમંત્રો અને ફરમાનજી—કલમા તેમજ દુવામાં સઘળે ઠેકાણે તેમની ઠગાઈ ઉઘાડી પડી જાય છે અને હિન્દુઓને વટલાવી, મુસલમાનોને વગોવી, બંનેને પરસ્પર અથડાવી, પોતાની પાપી પીપુડી બજાવી ખાવાનો તેમનો હેતુ સ્પષ્ટ દેખાઈ આવે છે. એ બાબતનો સવિસ્તર ઈતિહાસ શ્રી નારાયણજી રામજીભાઈનો છપાય છે, તે વાંચવાની ખાસ ભલામણ સાથે —
વિનીત સેવક, વસંત
હિન્દુઓને વટલાવનારા પીરાણા—સતપંથીઓની
નવી પ્રપંચી ઈન્દ્રજાળનો ભેદભરમ
વ્હાલા કડવા પાટીદાર બંધુઓ તથા સ્વધર્મપ્રેમી સર્વ હિન્દુભાઈઓની સેવામાં —
સવિનય નિવેદન કે આજથી આશરે બેએક માસ અગાઉ પીરાણા સતપંથીઓના અવનવા ઢોંગ અને પ્રપંચો ઉઘાડા પાડનારું એક હેન્ડબીલ વહેંચવામાં આવ્યું હતું અને એ કળિયુગી ખીચડીયા પંથના આગેવાનો ભોળી અને અજ્ઞાન હિન્દુજાતિઓને કેવી રીતે કુટિલ કળાઓથી લલચાવી વટલાવીને ધર્મભ્રષ્ટ કરે છે તથા ધર્મની સાથે ધનનું પણ હરણ કરે છે, એ તો અમારી પાટીદાર પરિષદની તેમજ યુવક મંડળની જાહેર ચળવળથી ગુજરાતી પ્રજાને સારી રીતે વિદિત થઈ જ ચૂક્યું છે. પણ આજકાલ જ્યારથી શુદ્ધિ અને હિન્દુ મહાસભાની પ્રવૃત્તિઓ વિશેષ પ્રકાશમાં આવી છે, ત્યારથી એ કબ્રસ્તાની પંથવાળાઓને બેવડું ઝનૂન ચડ્યું છે અને તેઓ પોતાના કાવાદાવા તેમજ છલપ્રપંચોમાં વધારે બહાદુરી બતાવવા લાગ્યા છે. છતાં પણ તેમના એ બધા પાખંડો અને પોગળ ઉઘાડા પાડવાના મારા અનેક લેખો, ભાષણો અથવા જાહેર વિરોધોમાંથી એકેનો જવાબ દેવાની કોઈ પણ પીરાણાપંથીમાં આજસુધી તાકાત નહોતી. આજે સત્તર સતર વરસથી હું તેમની પાછળ પડ્યો છું અને આડકતરી રીતે તેઓ પણ મારી પાછળ પડ્યા છે. મને નુકશાન પહોંચાડવાની અનેક જાતની ધમકીઓ તેમજ લાલચો પણ અપાઈ ચૂકી છે — પણ હું મારા પાટીદાર ભાઈઓને સેંકડોની સંખ્યામાં તેમની સત્યનાશી પ્રપંચજાળમાંથી છોડાવીને શુદ્ધ હિન્દુધર્મમાં લાવું છું, ત્યારે અજ્ઞાનના અંધારાથી ઘેરાયેલા અમારા કચ્છ દેશના ગેઢેરા આગેવાનોની મારફતે તેઓ એ જ ભાઈઓ ઉપર દબાણ અને જુલમ ચલાવી, તેમને પાછી પોતાના (અ) સતપંથની ફાંસા દોરી ઘાલવાના પ્રાણતોડ પ્રયાસો કરી રહ્યા છે ! મુખીઓ અને આગેવાનોને મફતનો માલ ખાવાનો મળે છે, એટલે તેમના તો લોભે લક્ષણ જાય, એમાં નવાઈ નથી, પરંતુ ઈશ્વર હંમેશા સત્યના પક્ષમાં જ હોય છે, એથી તેમના સામટા પ્રયાસોથી પણ અમારા પવિત્ર કાર્યને આજ સુધી તો ઈશ્વર કૃપાએ કંઈ પણ હાનિ કે ધક્કો પહોંચ્યો નથી અને જાહેરમાં તેઓ પોતાનો કશો બચાવ કરવા પણ આજ સુધી બહાર પડી શક્યા નથી ! પરંતુ હાલમાં આશરે એકાદ મહિના અગાઉ એક સૈયદ બાવા સાહેબ અહમદઅલી ખાકી નામનો સતપંથી સૈયદ, જેને રજક, રોટલો અને ઓટલો પણ એ પીરાણા સતપંથીને પ્રતાપે જ મળે છે, તેમણે એક હેન્ડબીલ બહાર પાડીને મને અણઘટતા શબ્દોથી ગાળો ભાંડવાની જ બહાદુરી બતાવી છે. તેઓ પોતાના એ હેન્ડબીલમાં મારા એક પણ આક્ષેપનો સીધો ઉત્તર આપવાની તો તાકાત જ નથી ધરાવતા, પણ તેમના એક પુસ્તકમાંથી મેં જે ઉતારાઓ ટાંકેલા હતા, તે એમનો પોતાનો નથી — એવું હડહડતું જૂઠું લખી છપાવવાની તેઓ હાલ વીરતા બતાવી રહ્યા છે ! અને એમના એ જૂઠાણાનો જો રદીયો આપવામાં નહીં આવે, તો વખતે ભોળા લોકોને ઉંધુંચત્તું સમજાવી, તેમને વટલાવવાના પોતાના પાપકાર્યમાં તેઓ વધારે ફાવી જાય, એ માટે તેમના પ્રપંચોનો પડદો ઉઘાડો પાડવાના ખાસ હેતુથી તેમજ ભોળા હિન્દુભાઈઓને તેમની બાજીની ખાસ ચેતવણી આપવા માટે, આ મારું ખુલાસાપત્ર આપની સેવામાં હાજર કરું છું, તેને લક્ષમાં ઉતારી, સ્વધર્મની રક્ષા માટે યોગ્ય ઉપાયો લઈ, મને તેમજ હિન્દુપ્રજાને આભારી કરશોજી.
લી.આપ સર્વનો વિનીત સેવક, |
પટેલ નારાયણજી રામજીભાઈ કોન્ટ્રેક્ટર |
કચ્છ વિરાણીવાળા — હાલ—ઘાટકોપર—મુંબઈ |
એક સતપંથી શઠ સૈયદની શબ્દજાળ !
ખાય તેનું ખોદે અને પૂજે તેમને ખૂંદે, એવા એક ગુણચોર કળજુગી પીરાણા સતપંથી સાંઈમૌલા (?)ની હિંમત ભરેલી હરામખોરી !
સૈયદ બાવાસાહેબ અહમદઅલી ખાકીનો ખાલી ખખડાટ !
——— અને ———
જુઠાણાંથી સત્યને ધોઈ નાખવાના તેમના ફોકટ ફાંફા !
ગંદી ગંધાતી ગટર જેવા પેલા ગંગવા કૂવામાંથી આજે સતર વરસે દેડકાંની પેઠે ડોકું બહાર કાઢીને, એક ખેરીયાતનો ખીચડો ખાનારા ધર્મઢોંગી સૈયદ, પોતાને હાથે જ પોતાના લેખને ગરદન મારવાને કેવી બહાદુરીથી બહાર પડ્યા છે, તેનો એક રસીક ઈતિહાસ ! તથા —
એમનાં હડહડતાં જુઠાણાંને એક જાહેર ચેલેન્જ !
આશરે બેએક મહિના અગાઉ અમોએ ખાસ હેન્ડબીલો છપાવીને પીરાણાની પોલો ખોલીને, તેની નકલો એક સાપ્તાહિક પત્રમાં અને છૂટક વહેંચાવી હતી અને ગંગાજી પ્રગટવાની જાળ બાબતની અમારા ભોળા અને અંધશ્રદ્ધાળુ કડવા પાટીદારોને સમયસરની અમે ખાસ ચેતવણી આપી હતી કે, “પીરાણામાં ગંગાજી ફાટી નીકળ્યાં છે !” એવો એક ગપ્પગોળો ચલાવીને કેટલાક સ્વાર્થ સાધુ, મફત માલકુટ્ટુ પીરાણા સતપંથી સૈયદો અને કાકાએ સાથે મળીને આપણી જ્ઞાતિના તેમજ બીજા હિન્દુ જાતિના આપણા હજારો ભાઈઓને ધૂતી ખાવાની એક નવી જાળ બિછાવી છે, માટે એ પ્રપંચી ઈન્દ્રજાળથી સાવચેત રહેજો ! એજ હેન્ડબીલમાં પીરાણા સંસ્થાનના એક સૈયદ બાવાસાહેબ અહમદઅલી ખાકીએ પોતાની છપાવેલી ‘બુદ્ધાવતાર’ નામની ચોપડીમાંથી તેના પોતાના શબ્દોના ઉતારામાં જ ધર્મઢોંગી અને મતલબી લક્ષ્મણકાકા તથા સૈયદોને લક્ષીને તેણે જે સખ્ત ટીકા કરી હતી, તે અમે ટાંકી બતાવી હતી. પણ એ લખાણની જાણ થતાં જ કાકા તથા કેટલાક સૈયદોએ સદરહુ સૈયદ બાવા સાહેબ ખાકીને સારી રીતે ધમકી, પુષ્પાંજલિ વગેરેનો પ્રસાદ ચખાડ્યો, તેમજ એ સૈયદ અને તેના માતાજીની ખોરાકીનો જન્મસિદ્ધ હક્ક ડુબાવવાની પણ શિક્ષા કરવામાં આવી, એથી મીયાંજીએ ફેરવી બાંધી ! પોતાની ચોપડીના કેટલાક લખાણો કેન્સલ કરવાની પણ કબુલાત આપીને, થૂકેલું ચાટવાની અને બોલેલું પાછું ગળી જવાની તેણે હાલમાં મહાન બહાદુરી બતાવી છે!
સૈયદ બાવા સાહેબને બે હિતવચનો
સૈયદ બાવા મિયાંજી ! હવે તો બહુ થયું ! ઘણાં સૈકાઓ સુધી તમે અને તમારા બાપદાદાઓએ પારકાં ધન અને ધર્મનું હરણ કરીને તથા પાપે પેટ ભરીને, પોતાના અમૂલ્ય મનુષ્ય જીવનને કપટબાજીથી સફળ કરી લીધું છે, પણ હવે તો દુનિયા જાગતી જાય છે ! દેખતી આંખે, દીવો હાથમાં લઈને કુવે પડનારાની સંખ્યા હવે તો દિવસ ઉગતાં ઓછી જ થતી જાય છે ! હવે તો કોઈક જ હૈયાકુટો તમારી ફુંકી ફુંકીને કાતરી ખાનારી પોલીસી અને જૂઠી બાજીની સાણસાજાળમાં સપડાઈને જાતે જ પોતાને ગળે ફાંસો ઘાલવાને તૈયાર થશે, કેમકે દિવસ ઉગતાં તમારા એ અર્ધદગ્ધ મામદાહિન્દુ ખીચડીયા પંથમાંથી લાલચના અને લોભના ભોગે શિકાર બનેલા સેંકડો ભોળા હિન્દુ લોકો પાછા છૂટા પડીને પુનઃ પવિત્ર વેદધર્મનો અંગીકાર કરતા જાય છે અને તેમને લલચાવી—સમજાવી પોતાની જાળમાં જાળવી રાખવાના તમારા બધા પ્રયાસો હવે પાણીમાં જ જાય છે ! ઉપરાંત તમારા પંથના પોગળ માટે વખતો વખત અમે પણ જાહેરમાં ચેલેન્જો કરી, તેનો જવાબ સરખો આપવાનું, તમારા સેંકડો સૈયદો, કાકાઓ કે હજારો સેવક સેવડાંઓમાંથી તો કોઈપણ આજ સુધી પાણી બતાવી શક્યો જ નથી, એજ સ્પષ્ટ બતાવી આપે છે કે, અમોએ જણાવેલા બધા આક્ષેપો અક્ષરશઃ ખરા છે અને તેનો કંઈ ખોટો કે સાચો ખુલાસો કરવાની પણ પીરાણા સતપંથીઓમાંથી કોઈની તાકાત નથી, કહો ત્યારે મહાન ધૂર્તબાજ કોણ? સામાન્યજનોને ઠગવાના કાળા કાવત્રા કોણ કરે છે? અમે કે તમે? તમને તો એ ધૂર્તબાજી અને ઠગાઈના કાવત્રાં કર્યા વગર પેટ ભરવાનો બીજો રસ્તો જ નથી અને અમે તો તમારા એ પાખંડ, ઠગાઈ, પાપ, કાવત્રાં અને પોલોને ઉઘાડા પાડીને, ધોળે દહાડે લૂંટ ચલાવનારા ધર્મ લૂંટારાઓના હાથમાંથી અમારા ભોળા હિન્દુ ભાઈઓને બચાવવા માટે અમારી પસીનાની ખરી કમાઈનો તન, મન, ધનનો હજારોની રકમોનો અને અમૂલ્ય વખત તથા બુદ્ધિશક્તિનો પણ ભોગ આપીને જ્ઞાતિ સેવા અને ધર્મ સેવા આજે વરસોથી કરી રહ્યા છીએ અને તમારા પાખંડ તથા તમારો પાપમાર્ગ અમારી જાતિમાંથી છેક નાબુદ ન થાય, ત્યાં સુધી શહીદ (ધર્મ માટે ઝૂઝનારા) તરીકે અમારી જિંદગીનો ભોગ આપવાની ભીષ્મ પ્રતિજ્ઞા પણ કરી બેઠા છીએ, એ સત્ય તમોને જગ જાહેર જણાવી તેમજ છપાવી—ચર્ચી—સભાઓમાં તેના પોકારો ઉઠાવીને વરસો થયા અમે જગતને પણ બતાવી રહ્યા છીએ, છતાં જો તમારામાં એક છાંટો પણ સચ્ચાઈનો હોય, તો હજી બહાર કેમ નથી આવતા? ઘુવડની પેઠે પીરાણાના ખુણામાં જ ચુડીઓ પેરીને રડતી સુરતે બેસી શા માટે રહ્યા છો? અમે તો હજારોના ઈનામો છપાવ્યાં, છતાંય કોઈ ખુશામતી ટટ્ટુને પણ ખોટો કે ખરો જવાબ દેવાનેય તમે કેમ તૈયાર નથી કરી શક્યા? જો સચ્ચાઈ હોય, તો બહાર પડાયને? હવે કોણ જૂઠું બોલે છે અને લખે છે, તેમજ અનેક જાતના પાપ, પ્રપંચ તેમજ કાવત્રાં કોણ ચલાવે છે, તેની જગત્ સમક્ષ આપણે પરસ્પરના સમાધાન ખાતર ખાત્રી કરીએ.
(પીરાણામાં ગંગાજી પ્રગટ થવાની એક નવી જાળ પાથરવા બાબત હકીકતની પહેલવહેલી જ્યારે અમને જાણ થઈ, ત્યારે અમારા તરફથી લોકોને સાવચેત કરવા માટે છપાવીને મફત વહેંચવામાં આવેલી જાહેર ખબરની નકલ)
પ્રપંચીઓના પાપ !
અને
“કલિ મહારાજની પોપલીલા !”
પીરાણામાં ગંગાજી પ્રગટ થવાનું હાલ ઉભું થયેલું એક નવું ધતીંગ !
“સતપંથ”ના નામે ઓળખાતા ‘ન હિન્દુ ન મુસલમાન’ એવા એ અર્ધદગ્ધ કબ્રસ્તાની કુટિલ પંથની આજકાલ પડતી થતી જોઈને, તેના મુજાવર લક્ષ્મણ કાકાએ પાથરેલી એક નવી — ન મનાય તેવી પ્રપંચ જાળ !
કચ્છના કડવા પાટીદાર તેમજ અન્ય હિન્દુભાઈઓને ખાસ ચેતવણી !
આ સંસ્કૃતિ, વિજ્ઞાન અને સુધારાના જમાનામાં જગતની સઘળી પ્રજાઓ જ્યારે મક્કમ પગલે પોતાની પ્રગતિ કરી રહી છે, મહાન હિન્દુ સમાજની અનેક જ્ઞાતિઓ પણ જ્યારે સ્વદેશ અને સ્વધર્મના સેવાવ્રત સ્વીકારીને પોતાની ઉન્નતિના પ્રબલ પ્રયાસો આદરી રહી છે, ત્યારે આવા પ્રકાશિત જમાનામાં પણ પોતાના પાપી પેટને ખાતર કેટલાક પ્રપંચી લોકો હજુ સુધી પોતાના પાપમાર્ગને છોડતા નથી અને ભોળા હિન્દુઓને ઠગવાની અનેક યુક્તિઓ અજમાવી રહ્યા છે, એ ખરેખર કુટિલ કલિકાલનું જ મહાત્મ્ય છે ! પણ એવા ઠગોને હાથે ધોળે દહાડે હિન્દુ ભાઈઓ દેખતી આંખે આંધળા બની પોતાની સ્વેચ્છાથી લૂંટાય, એ પણ અજ્ઞાનનું કેવું પ્રબલ મહાત્મ્ય ગણાય?
અમદાવાદ પાસેના પીરાણામાં ચાલતા “સતપંથ” સંબંધી ઘણું ઘણું લખાયું છે. હિન્દુઓને અનેક છળ—પ્રપંચોથી વટલાવી મુમના એટલે મામદા હિન્દુ (નહીં હિન્દુ નહીં મુસલમાન) બનાવવાના ખાસ ઈજારદાર એ ખીચડીયા પંથના મુજાવર લક્ષ્મણ કાકાએ જ્યારે જોયું, કે પોતાના ધંધાને સુધારકોના પ્રયત્નોથી બહુ ધક્કો પહોંચ્યો છે અને અંધશ્રદ્ધાની અંધારી ઉતરી જવાથી સંખ્યાબંધ શિષ્યો અને સેવકો તેમાંથી છુટા થતા જાય છે, ત્યારે કંઈક ચમત્કાર બતાવીને નમસ્કાર કરાવવા માટે હમણાં એક નવું ધતીંગ ગોઠવીને તેમણે બહાર પાડ્યું છે ! પોતાના રેવડી — ગંડેરીવાળા, પ્રસાદ ચાટુ કેટલાક સેવકો મારફતે હાલ લક્ષ્મણ કાકાએ એવી અફવા ફેલાવી છે કે, પીરાણામાં તો ગંગાજી પ્રગટ થયાં છે ! અને પીરાણા પંથીઓને પાવન કરવા માટે આ જાત્રાના માસમાં તો એ ગંગાજી ખૂબ નાચી કુદીને પોતાનો પ્રભાવ બતાવશે ! (અને પાપને કે પછી મૂર્ખાઓના પૈસાને પણ ધોઈ જ નાખશે ! ) આવો એક અજબ ગપગોળો ચલાવ્યો છે !
“એ ગંગાજીના દર્શન અને સ્નાનથી પાવન થઈને સેવકો બાગે બહેસ્તનો (સ્વર્ગનો) ઈજારો મેળવી શકશે, માટે સઘળા સેવકોએ આ સોનેરી તકનો લાભ ગુમાવવો નહીં !” (બેહેસ્તનો તો જાણે ઈજારો જ લીધો હોય ને !)
આ પ્રમાણે ભોળા હિન્દુઓને ભરમાવવાની આ નવી ગંગાજળ (!) ગોઠવીને લોકોને છેતરી ખાવાનું હાલ આ નવું પાખંડ ઉભું કર્યું છે. હમણા જ અમને એક સ્નેહીના પત્ર દ્વારા ખબર મળી છે કે, જે વાતો હાલ એ બાબત ફેલાવવામાં આવે છે, તેની કપટ રચના આ પ્રકારે જોવામાં આવી છે :—
સૈયદ મીરૂના વાડામાં ગંગાજી ફૂટી નીકળ્યાં !
પીરાણા મુકામે સૈયદ મીરૂબાવાના મકાનની આથમણી અને દક્ષિણાદિ તરફના ખુણામાં એક જુનો અવાવરુ વાડો હતો. એ વાડાની જમીન ફાડીને ગંગા માતાજી પ્રગટ થયાં છે ! અને તેમાંથી ધક ધક કરતો પાણીનો પ્રવાહ વહેવા લાગ્યો છે અને તે પાણીમાં છોકરાંઓ તો નાહ્યાં પણ ખરાં ! પાણી બહુ જ નિર્મળ હતું અને વળી એ ગંગાજળના વધારાના ચમત્કારમાં જણાવે છે કે, જેવી રીતે દીવાની જ્યોત બળે છે, એવી રીતે એ પાણીથી ચોવીસ કલાક સુધી તો જ્યોતિ જાગી ! અને જાત્રાના વખતમાં તેનો હજી એથી પણ વધારે ચમત્કાર નજરે પડશે ! આવી રીતેના ચમત્કારિક ગંગાજીના કાગળો પીરાણાના મુજાવર અને સિદ્ધ સાધકોએ દેશોદેશ લખાવ્યા છે, જેથી તરત દર્શન કરવા અને દશોંદની દક્ષિણા ધરવાને પરદેશી ભોળા સેવકો દોડ્યા આવે છે, તેથી એ કાવત્રાંબાજોની ધારણા કંઈક અંશે સફળ પણ થવા લાગી છે. મૂળ તો એ અર્ધદગ્ધ પંથમાં ભળેલા લોકો છેક જ અજ્ઞાન, કણબી, કોળી, કાછીયા, ગોલારાણા, ભીલ, મોચી, ઘાંચી વિગેરે કાળા અક્ષરને કૂટી મારે તેવા અને ધર્મ ઘેલછાવાળા, તેમને આવી આવી ચમત્કારની વાતો સંભળાવવામાં આવે, એટલે મર્કટને મદિરાપાન જેવું જ પરિણામ આવે, તેમાં શું નવાઈ? એકબીજા ભાઈ લખે છે કે, “આ ગંગાજીના સમાચાર સાંભળીને સુરત, ભરૂચ, અમદાવાદ, ગુજરાત, કચ્છ, કાઠીયાવાડ, કરાંચી અને સિંધ—હૈદરાબાદ જેવા નજીક અને દૂરના ભાગોમાંથી પણ અજ્ઞાન અને કાચા મગજના સેંકડો ભોળા ભગતડાંઓના ટોળાં, પીરાણાની જાત્રાએ આવવા લાગ્યાં છે અને પીરાણાના સૈયદોને તેમજ તેમના મુખ્ય મુજાવર સાધુ લખમણ કાકાને ત્યાં હાલ સારો તડાકો પડવા લાગ્યો છે ! દર સાલ દશોંદના ધોરણથી જે ટંકશાળ પડતી, તેમાં ગંગાજીને પ્રતાપે વીસ—પચીસ હજારનો આ સાલ જરૂર વધારો થશે.” વળી બીજા એક ભાઈ લખે છે કે “આ વાત સાંભળીને હું પણ તપાસ કરવા પીરાણે ગયેલો, પરંતુ મેં તો ગંગાજી કે ગોમતીજી કાંઈ ન જોયાં ! વાડાની પાસેની થોડી જમીન માત્ર ભિનાશવાળી નજરે પડી. વખતે ગંગાજી મારા જેવાથી શરમાઈને છૂપાઈ ગયાં તો નહીં હોય !” છતાં પણ ભક્તોની શ્રદ્ધા ખુટતી નથી, એ નવાઈ છે ને ! પાંડવોને હાથે ગાયની કતલ કરાવનારા અને સૈયદોના મુખની પ્રસાદી પીવરાવનારા કબ્રસ્તાની પીરાણામાં તો મુંબઈની ગંધાતી ગટર પણ પગ મૂકતાં ભ્રષ્ટ થવાના ભયથી અચકાય, ત્યાં શંકરના શિર ઉપર બિરાજતી અને કાશી ક્ષેત્રમાં વસનારી પવિત્ર ગંગાજી તે ફૂટી નીકળે કે? એ વાત તો સસલાને શીંગડાં અથવા તો વાંઝણી કે વિધવાને છોકરાં થવા જેવી જ જણાય છે. અમને તો લાગે છે કે, આસપાસ ભરી રાખેલા કોઈ છૂપા હોજને કે ઢોરોના હવાડાને ખુલ્લો મુકી દઈને આ ગંગાજીનો નાટક દેખાડવામાં આવ્યો હોય, તો કોણ જાણે !
પીરાણા પંથની કેટલીક પોલો !
કચ્છી કડવા પાટીદાર યુવકોનો પ્રાણતોડ પ્રયાસથી પીરાણાની પોલો હવે તો બહુ જ પ્રકાશમાં આવી ગઈ છે. કાકાનો અને સૈયદોનો ભિક્ષાભંડાર ફૂટી જવા લાગ્યો છે અને મુવા પછી સતપંથી મુમનાઓને બેહેસ્તની બાદશાહી તથા પચાસ પચાસ હુરીઓના રંગભોગની લાલચે પણ હવે ભોળા પાટીદારો કે બીજા સેવકોને પૂરેપૂરા ઠગી શકાતા ન હોવાથી, પીરાણા પંથ પ્રચારકોએ આ એક નવો જ પાસો ગોઠવ્યો છે ! એથી અમે સવેળા અમારા પાટીદાર તથા અન્ય હિન્દુ ભાઈઓને આથી ગંભીર ચેતવણી આપીએ છીએ કે, ગંગાજીમાં નહિ પણ પૈસાની પાયમાલીમાં ન્હાવાને પીરાણે જઈ દેહ વટલાવી ગોલા, ઘાંચી, મોચી, કોળી, કાછીયા તો ઠીક પણ ગોભક્ષક સૈયદોનું પણ એઠું ખાઈને ધર્મ ગુમાવી, ઉભયભ્રષ્ટ થવાની આ પ્રપંચજાળમાં હવે મરતાં પણ તમે ફસાતા નહીં ! અમારી વધારે તપાસ ચાલુ છે અને એ બાબતનું સત્ય અમે પ્રજા આગળ શોધીને રજુ કરશું, કેમકે ખોટા પ્રપંચો તે કેટલાક દિવસ ચાલશે? પાપ તો પાતાળ ચીરીને પણ છેવટે પ્રગટ થયા વગર નહી જ રહેશે, એ નક્કી સમજજો.
પીરાણા પંથ આવા ધતીંગો અને ગોઠવેલી જાલ—બાજીઓ ઉપરજ રચાયેલો છે. ઈમામશાહે પોતે પણ એવા અનેક પ્રપંચ ભરેલા પરચાઓ લખી પ્રસિદ્ધ કરાવી, ભોળા અને અભણ હિન્દુઓને ફસાવવાના તથા વટલાવવાના અને ધૂતી ખાવાના મહાભારત પ્રયત્નો કર્યા હતા, એ આગલા જમાનાની વાતોને દૂર મૂકીને આપણે આજની પરિસ્થિતિ તપાસીએ, તો પણ પાપી પેટને માટે કેટલાક સૈયદો અને કચ્છી કણબી જાતિના કેટલાક કુટિલ આગેવાનો પીરાણાની એ બધી પોલો જાણવા છતાં, કાકાના એજન્ટ તરીકે કેવી પ્રપંચજાળો ગોઠવી રહ્યા છે અને ભોળા લોકોને આવા આવા કલ્પિત ચમત્કારો સંભળાવીને કેવી રીતે ઠગે છે, તેના અહીં અમે ફક્ત થોડાક દાખલા જ આપીએ છીએ.
કેટલાક બનાવટી પરચા !
પીરાણા પંથની પૂજાનું ચિન્હ મહોર—નબુવત છે. એક સૈયદ નજરફઅલીએ કચ્છી અજ્ઞાન પાટીદારોને ભમાવી, ફોસલાવી ખાવા માટે પોતે ઈશ્વરના દશમા કલંકી અવતારનો ઢોંગી વેશ ધારણ કર્યો. નબુવતની મહોરની એક ડાઈ (છાપ) તૈયાર કરાવી અને તે કોઈ વખતે છાતી પર, કોઈ વખતે સાથળમાં કે કોઈવાર પોતાના વાંસામાં એ છાપ લગાવી, સેવકોને બતાવીને પોતે કલંકી અવતાર હોવાનો દાવો કરતો અને કચ્છના ભોળા સેવકોને ધૂતી ખાતો હતો. એ ઠગાઈ પકડી પાડી બીજા સૈયદોએ તેને નાત બહાર મૂક્યો અને પાછળથી સખ્ત દંડ લીધો ત્યારે જ તેને પાછો પોતાની જમાતમાં દાખલ કર્યો હતો.
સૈયદો દશોંદ અને ભીખ ઉઘરાવતી વખતે, તેમજ સેવકોને ગુરૂ મંત્ર આપતી વખતે પાણીમાં કપુર બાળી, હવામાં ફોસ્ફરસ સળગાવી, જયોત પ્રગટાવવાનો ચમત્કાર બતાવે છે. પોતાના મોંમાંથી અત્તર જેવા કંઈ સુગંધી પદાર્થો રાખીને તેનું નુર બનાવી, ગેબમાંથી મેવા મીઠાઈ પણ મંગાવી દે છે ! એવા અનેક ઠગાઈ ભર્યા જાદુઈ ચમત્કારો બતાવીને આજ સુધી કચ્છી કણબી તેમજ બીજા સેવકોને તેઓ ઠગી ખાતા હતા. પણ પરદેશ જઈને પાવરધા થયેલા કેટલાક પાટીદાર યુવકોએ પ્રપંચીઓનું એ પોગળ ફોડી નાંખ્યું. બનાવટી લોખંડની બેડીઓ, જાદુઈ ખેલો કરનારા જેવી વાપરે છે, તેવીનો ઉપયોગ કરીને કરમશી કાકા નામનો એક મુજાવર જ્યારે ગાદીએ બેઠો, ત્યારે પોતાની મેળે બેડીઓ ખોલવાનું ચમત્કારિક પરાક્રમ કરીને તેણે કચ્છી ભોળા પાટીદારોને ઠગ્યા હતા !
હાલના મુજાવર લક્ષ્મણ કાકાએ પણ ગાદીએ બેસતી વખતે એવી જ અજબ ચમત્કારોની કેટલીક તોપો ગોઠવીને જીત મેળવી હતી.
“અમદાવાદમાં હડતાળ છે અને સીધું સામાન કાંઈ મળતું નથી” એવું જણાવીને, આગળથી કરેલી છુપી ગોઠવણ પ્રમાણે ‘ઈમામશાહે વાણીયાનું રૂપ લઈને ઘી, ગોળ અનાજની પોઠો મોકલાવી દીધી છે !’ એવો ગપાટો ચલાવ્યો હતો. અને ભાડુતી વાણીયા મારફતે સીધુ મોકલાવી પોતાના ભોળા સેવકોમાં આબરૂ વધારી હતી અને મજાહ તો એ છે કે એ ચમત્કાર પાછો લક્ષ્મણ કાકાએ પોતે જ છપાવી જાહેર કર્યો છે !
“જેના ગુરૂ આંધળા તેના ચેલા ભીત !” એ કહેવત પ્રમાણે સૈયદો અને કાકાને પગલે ચાલી કેટલાક ઠગ કચ્છી આગેવાનો અને કણબીઓ પણ હાલમાં ચમત્કાર કરતાં શીખ્યા છે ! અને અજ્ઞાન ગરીબ ભોળા પાટીદારોને આંખે પાટા બાંધી તેમને સાચા મનાવી ઠગી રહ્યા છે ! જરા એમની ઠગ લીલા તો જુઓ ! કચ્છ વિથોણનો એક પાટીદાર આકાશમાંથી દુલદુલ ઘોડો ઉતારે છે ! કેટલાક નીચે આગેવાનો રાતે કબ્રસ્તાનમાં ઈમામશાહના દર્શન કરાવે છે ! કેટલાક વળી છોકરાં ન થતાં હોય, તેમને છોકરાં આપવાનો દાવો કરીને, ધોળે દહાડે વ્યભિચાર અને હડહડતા અનાચારો આદરી રહ્યા છે. એવા એવા મહાપાપોને પણ ભોળી કણબી કોમ હજુ સુધી નિભાવી રહી છે, એ કેટલી બધી દુઃખ અને ખેદની વાત છે?
આવા ભૂખ બારસ ભગતોડ જાણે કેમ કુદરત અને ઈશ્વરને પણ પોતાને તાબે કરી બેઠા હોય, તેમ કેવા કેવા અસંભવિત ચમત્કારો બતાવી જગતને ઠગે છે ! કેટલાક કુટિલ દલાલો તો લક્ષમણ કાકા પણ ઈશ્વરનો જ અવતાર છે, એમ જણાવીને લોકોને આંધળા બનાવે છે ! વળી એ કાકાનો બળદ પણ ખાસ દેવનો અવતાર પેદા થયો હતો, એમ કહીને રવાપરમાં એ બળદ જ્યારે મરી ગયો, ત્યારે તેનો ઠાઠમાઠથી જનાજો કાઢીને કણબીઓ પાસે તેનું મુડદું ઉંચકાવીને, એક મોટું સરઘસ કાઢ્યું હતું ! ઠગાઈ અને પ્રપંચોની હદ પણ તેઓ કૂદી જ ગયા ને !
આવા આવા તો અગણિત ધતીંગ અને બનાવટી ચમત્કારો, એ પીરાણાનું ભૂતાવળ હજી સુધી ચલાવી રહ્યું છે અને ભોળા કણબી અને બીજા સેવકોને તેઓ ફોલી ખાય છે. તેમજ વટલાવીને ઉભય લોકથી ભ્રષ્ટ બનાવી રહ્યું છે અને દર સાલ એ પ્રપંચ—જાળમાં ફસાયેલા ભોળા હિન્દુઓ હજુ સુધી લાખો રૂપિયાનો ભોગ આપીને અજાણતાં પોતાના ધર્મ અને ધનને ડુબાવે છે.
પીરાણાની બે ચમત્કારિક બાજીઓ તો હજી પણ જાહેર રીતે ચાલુ જ છે. લોખંડની બેડીઓ પહેરાવે અને સાચો હોય, તો પોતાની મેળે ખુલી જાય અને ખોટો હોય તો ન ખુલે ! આ બાજી મારફતે જેના તરફથી સારી લાંચ મળે, એની બેડીઓ તરત ખુલે છે અને બીજાની એટલે જેની બેડીઓ ખોલવી ન હોય, તેમની નથી ખુલતી !
વટલાવનારી અમીની ગોળીઓ
વળી ઈમામશાહની કબરમાંથી નૂર પેદા થવાનો એક બીજો ચમત્કાર પણ ચાલુ છે. સુગંધી અત્તર વિગેરે કબરના કાણામાં ભરીને નુરની જ્યોત જગાવે છે અને એ કબરની માટી, મેલ, ધૂળ વગેરે મેળવીને અમીની ગોળીઓ પ્રસાદને માટે બનાવવામાં આવે છે અને તે ફરજિયાત બધા સેવકોને ખવરાવે છે. અમે જાહેર ચેલેન્જ કરીને ઘણી વખત છપાવ્યું છે કે, એ બંને બાબતો જુઠી, ધતીંગ અને હિન્દુ ભાઈઓને કપટથી ફસાવી વટલાવનારી છે, છતાં આજ સુધી પીરાણા તરફથી કોઈ પણ તેનો બચાવ કરવાને બહાર પડ્યું નથી — લખમણ કાકા તો પોતાના સ્વાર્થને માટે આ પ્રપંચની આવી રીતે જાળ પાથરે, પણ પાટીદારો છતી આંખે તેમાં અંધ બનીને ફસાય, એ કેટલી બધી દિલગીરીની વાત છે? શું સમજુ પાટીદાર ભાઈઓની ફરજ નથી કે આ પ્રપંચ ઉઘાડો પાડી પોતાના હજારો ભોળા બંધુઓને પ્રપંચીઓની આવી કપટજાળમાંથી બચાવવાને માટે કંઈપણ એવા પ્રયત્નો ન કરે?
જે ભાઈઓ અજ્ઞાન અને ભોળપણના લીધે ફસાય, તેમના તરફ અભાવ ન રાખતાં, તેમની તો દયા જ ખાવી ઘટે અને તેમને વેળાસર એ પાપના ફાંસામાંથી બચાવી લઈને આપણી શુદ્ધ ક્ષત્રિય પાટીદાર જાતિને પાછી ઉંચી સ્થિતિમાં લાવવી જોઈએ. એ આપણા સમજુ સુધરેલા અને સારી સ્થિતિ ભોગવતા સઘળા પાટીદાર ભાઈઓની મુખ્ય ફરજ છે. મે લખમણ કાકાના તેમજ પીરાણાના પ્રપંચો ખુલ્લા પાડીને એક વરસ અગાઉ “એક પ્રસ્તાવિક નિબંધ” પ્રસિદ્ધ કર્યો છે, જેમાં જાહેર ચેલેન્જ છાપીને પીરાણાપંથ હિન્દુ ધર્મ તરીકે સાચો ઠરે તો, સાચો ઠરાવનારને દસ હજાર રૂપિયાનું ઈનામ આપવાની શરત કરેલી છે, છતાં આજ સુધી તેનો જવાબ આપવાની પણ કોઈ પીરાણાપંથી હિંમત કરી શક્યો નથી. એજ સ્પષ્ટ સાબિત કરી આપે છે કે, એ પંથ પોલંપોલ અને તદ્દન ધતીંગ જ છે.
વળી સૈયદ બાવા સાહેબ અહેમદઅલી ખાકી નામના એક સૈયદે પણ એવા નીચ સૈયદો અને કપટી કાકા સાધુઓની ખુબ ઝાટકણી કહાડીને તેમના પાપી પ્રપંચો ઉઘાડા પાડ્યા છે. તે પોતાની એક બુકમાં લખે છે કે, “એ સાધુ થયેલાઓ પણ સટ્ટા, સાટાં, વેપાર, જીન, શેર, મિલોના પ્રપંચમાં પડી, ચંડાળવૃત્તિ પોષવાને રાંડો રાખી, મોજમજાહ કરે છે અને પાપી શોખ માણે છે — ધરમનું ખાઈ સેવકોની બહેન દીકરીઓની લાજ ઉપર તરાપ મારે છે અને ધર્મને પૈસે જ્યાં જ્યાં આવાં પાપી કામો થાય, ત્યાં નિર્લજ્જ બનીને પૈસા આપનારા અજ્ઞાની ધર્મીઓ એ જોયા જ કરે એ જ ધર્મના નાશનું મહાન કારણ છે.”
કુટિલ સૈયદો અને સાધુ કાકાઓ માટે બળતાં હૃદયથી એક સૈયદના પોતાના જ આ શબ્દો વાંચીને, સુજ્ઞ કણબી ભાઈઓ ! હવે તો તમારી આંખો ઉઘાડો. અમારું હૃદય આપણી કોમની આ દશા જોઈને ચિરાઈ જાય છે. આંખના આંસુ દિવસ રાત સૂકાતા નથી. છતાં તમને તો કંઈ જ લાગતું નથી — ભગવાન તમારા ઉપર દયા કરે અને તમે પણ અમારા ઉપર દયા કરીને સુધરો, નહીં તો આપણી જાતિનો છેક જ નાશ થઈ જશે એ નક્કી જાણજો, એથી વિશેષ તે હું શું લખી શકું?
લી.સ્વજ્ઞાતિ હિતચિંતક સેવક, |
પટેલ નારાયણજી રામજીભાઈ કોન્ટ્રાક્ટર |
કચ્છ વિરાણીવાળા, હાલ—ઘાટકોપર(થાણા)—મુંબઈ. |
અમારા સદરહુ લેખના જવાબમાં સૈયદ મી. ખાકીએ છપાવેલું ચીથરીયું
મહાન ધૂર્ત બાજની પોલ
સામાન્યજનોને ઠગવાનાં કાવત્રાનો જવાબ
સૂર્યથી અંજાઈ સૂર્યની સત્તા નહિ સમજનારા રાતના રાજાઓ રાતે કલોલ કરે છે. ઉમંગે મલકાઈ સૂર્યને શ્રાપો આપે છે. “કદી નહિ જ ઉગે” એ આશાએ બણગાં ફુંકી પોતાના સ્વજનોને ભોળવવા કાઢી મીઠી નિંદાએ હાંસી કરે છે. સૂર્ય તેઓની કાંઈ દરકાર ન કરતાં પોતાનો કર્મ—વ્યુહ સાચવ્યા જ કરે છે.
સતપંથથી અજાણ કંટ્રાક્ટર મી.નારણ રામજીભાઈ એક હોંશિયાર લેખક અને સુધારક તરીકે સ્વજનોમાં સારું માન પામવા જ્ઞાતિ અને કુળમાં કલહ ઉપજાવી પ્રખ્યાત થયા છે. તેઓએ ફક્ત ઈર્ષાના આકર્ષણે ઘણી જ ન થઈ તકરારોના લેખો અવારનવાર એક જ વિષયના છપાવ્યા છે. તેના જવાબો અપાઈ ગયેલા, છતાં પોતાની પાપી પીંજણ મૂકતા નથી. યુક્તિ પ્રયુક્તિએ વાચાળ શક્તિ અજમાવવા સરળ, શુદ્ધ લેખો અને વાતાવરણને ઉલટાવી દ્વેષાગ્નિ પ્રજ્વલિત કરવાના પ્રયત્નો અજમાવ્યા કરે છે. ભોળા લોકો એ મિત્રના ભોગ થએ અથડાય છે, પાછા છુટી ટૂટી નિરાલા થઈ જાય છે. છતાં પોતાની નીચ યુક્તિઓનો છેહ આવવા દેતા નથી.
હાલમાં તેઓએ “પ્રપંચીઓના પાપ” એવા હેડીંગનું એક હસ્ત—પત્રક સરળ વરણનને ઉથલાવી કોમમાં દ્વેષાગ્નિ સળગાવવા ભગીરથ પ્રયત્ન કર્યો છે. તે લેખની છેવટે હમારા લેખ વતિના ઉલ્લેખો જૂઠો પ્રહાર (આક્ષેપ) કર્યો છે. પવિત્ર સતપંથી પુણ્યશાળી સૈયદો અને કાકાઓને ઉતારી પાડવાની નીચ યુક્તિ મારા લેખના બાને પ્રગટ કરવા મથ્યા છે. એ જ એમની કપટી યુક્તિની સીમા છે. મારા લેખની મતલબ એવી છે કે “ધૂર્તો, દગલબાજો, કુકર્મીઓ એવા સાધુઓ જેના હેન્ડબીલો, ફિલમો, નાટકો થયા કરે છે, તેવાઓ સતપંથની નિંદા કરી, સતપંથને શત્રુ માનનારા મહાશયોના ઘરમાં ઉતારા કરી રહે છે. તેઓની બેન દીકરીઓની લાજ ઉપર તરાપો મારે છે. તેમાં રાંડેલીઓના ગર્ભપાત થાય છે. જેના કેસો ભૂજાદિ કોર્ટોમાં ચાલ્યા છે. તેમજ મેઘવાળ જેવી વર્ણના સાધુઓને ઘરમાં રાખી શિષ્ય થઈ વટલે છે, નોતીયારને ગુરૂ કરી ચરણ ધોઈ પીએ છે. તેવાઓને આધિન થઈ પોતાની લાજને નાણાં સોંપે છે. જ્યાં એવા વંઠેલ ધર્મી પોતાને ઉત્તમ ધર્મી કહેવરાવતા હોય ! ને તેવા કુકર્મને જોયા કરે ! એજ એમના ધર્મના નાશનું કારણ છે, તેઓને સતપંથ સૂજે જ નહિ. તેઓ સૈયદો અને કાકાઓની ને શિષ્યોની નિંદા કર્યા કરે” તેવા સાધુઓને ઉદ્દેશીને મારો લેખ હતો. તેમાં ‘સૈયદો’ કે ‘કાકા’ એવો કોઈ શબ્દ જ આવ્યો નથી, છતાં નારાણજીભાઈને દ્વેષાગ્નિ અને મિથ્યા લવરીએ અંધ બનાવી, અમારા નામથી લેખ લેવા ઉશ્કેર્યા છે. એ કુડા લેખનો કોઈએ વિશ્વાસ કરવો નહિ. મારે કોઈપણ વ્યક્તિના વિષયમાં કોઈ પણ લેખની અગત્ય છે જ નહિ. એ સર્વ નારણ રામજીભાઈના ફાંફા છે.
(નારણજી રામજી અને સતપંથને શત્રુ માનનારા મહાશયોના લેખો સંબંધી જવાબોનો એક લેખ અમોએ લખી તૈયાર કરેલો છે. સતપંથીઓ તે છપાવરાવશે તો અમે તે મફત મહેનત કરી તેઓની સેવા કરી આપીશું. આ લેખ ફક્ત નારાણજીભાઈના જૂઠાણાની ઉઘાડનો છે. આખા લેખનો જવાબ નથી. જવાબ અવકાશે પ્રગટ કરીશું.) હાલ એજ. તા.૨—૪—૨૫ લી.સતપંથનો સેવક,
સૈયદ બાવાસાહેબ અહમદઅલી, ખાકી |
મુ.પીરાણી પો.ગીરમથા ડી.અહમદાબાદ. |
સૈયદ ખાકીના એ હેન્ડબીલનો ખુલાસો
મી.ખાકી ! તમો કહો છો કે “અમારા લેખવતીના ઉલ્લેખો જૂઠો પ્રહાર કર્યો છે.” આ શું તમો સાચું લખો છો? કંઈક તો ખુદાનો ડર રાખો. જુઓ ખાત્રી કરો. તમારા હાલમાં જ પ્રસિદ્ધ કરેલા “નવમો મોટો શ્રી બુદ્ધ અવતાર” ભાગ—૧ લો એ નામના પુસ્તકમાં “સજ્જનોને બે બોલ” એ મથાળાંવાળા અગ્રલેખમાં પુસ્તક પાને ચોથે, ચૌદ લીટીઓ મુકીને પછી ફુલસ્ટોપમાં તમે લખો છો કે —
“ધર્મના નામે નાણાં કઢાવવાના મિશનો બાંધીને તેથી આવતાં નાણાએ ઘોડા આદિની શરતોનો જુગાર રમી, શયતાની કાર્ય કરનારાઓ પછી પોતે તો પીર, ઈમામ વગેરે કહેવરાવે છે. સાધુ થયેલા પણ સટ્ટા, સાટા, વેપાર, જીન, શેર, મીલોમાં પડી ચંડાળવૃત્તિ પોષવા રાંડો રાખીને મોજમજાહ શોખ વધારે છે. નાણાવટી બની ધર્મનું ખાઈ બેન દીકરીઓની લાજ ઉપર તરાપો મારે છે ! ધર્મને પૈસે જ્યાં એવા કાર્ય થાયે અને તે નિર્લજ બની પૈસા આપનારા ધર્મીઓ જોયા કરે, એજ ધર્મના નાશનું કારણ છે.” આ તમારા પોતાના પુસ્તકમાં તમે જાતે લખી છપાવીને પ્રસિદ્ધ કરેલા તમારા જ શબ્દો છે કે, તમારા કોઈ લાગતા વળગતાએ પાછળથી ઘુસાડી દીધેલા છે? ત્યાર પછી એ જ “બુદ્ધ અવતાર” ને પાને અગિયારમે સાત લીટીઓ છોડીને તમે લખો છો કે :—
“જેઓ પોતાને મોટા, પૂજ્ય, સાધુ, ગોર, પીર, ફકીરાદિ વિશેષણોમાં ગોઠવી પૂજાવરાવવાનો ઢોંગ કરે છે અને શાસ્ત્રોએ કહેલી ક્રિયાઓ પાળતા નથી, તેમને પહેલા નંબરના ઠગ કે ચંડાળ કહી એથી બીહતા રહેવું અને તેનો સંગ કદી પણ ન જ કરવો. પોતાના બાળ બચ્ચાંઓને તેથી અળગા રાખવા, નહિં તો તેનો ચેપ લાગવાથી સતપંથીઓ પણ આળશુ, પ્રમાદી, બની દુષ્ટ ચંડાળ થઈ જવાના જ ! એવા ધૂર્તોના હાથમાં ધર્મને નામે કે પુન—ખેરાત—ધર્મ—દાન વગેરે કોઈ પણ રીતે કરી પૈ, પૈસો જવા ના જ દેવો.” સતપંથી સૈયદમીયાં ! આ તમારા પોતાના જ શબ્દો ફરી એકવાર આંખો ઉઘાડીને વાંચી જુઓ. એ તમારા છુપી રીતે પાળવામાં આવતા — બહારથી હિન્દુ અને ભીતરથી મુસલમાન બનાવનારા, હિન્દુ મુસલમાન બંનેને ગાળો ભાંડનારા, કબ્રસ્તાની સતપંથના સેવકો અને મુરીદો માટે જ લખાયેલા ખાસ ધર્મશાસ્ત્રના પુસ્તકમાં તમે જાતે લખેલા આ ખાસ તમારા શબ્દો તમે કોને માટે લખ્યા છે ? એ તમારા આત્માને જ પૂછી જુઓ, પછી જૂઠું બોલો ! એ પુસ્તક તમારા સતપંથીઓમાં જ ખાસ વેચવા માટે તમોએ છપાવ્યું છે. જે આવું પુસ્તક તમારા વડીલે બનાવેલું હડહડતાં જુઠાણા, પ્રપંચ અને ધર્મ—નિંદાના ઝેરથી જ ભરેલું છે એ પુસ્તકને તમારા સતપંથીઓ સિવાય બીજું કોઈ તો લેતું, વાંચતું કે અડકતું પણ નથી, તેમજ સતપંથીઓ, તમારા સૈયદો, કાકાઓ કે ઢોંગી સાધુઓ સિવાય બીજા કોઈ પણ હિન્દુ બ્રાહ્મણ કે સાધુઓને તમારી પ્રપંચી સમજાવટથી આંગણે પણ ઉભા રહેવા દેતા નથી, એવા અંધશ્રદ્ધાળુ અને અજ્ઞાની સેવક—સેવડાઓની આંખે પ્રપંચના પાટા બાંધવાને ખાસ પ્રગટ કરેલા પુસ્તકમાં ઉપરનો તમારો પોતાનો લેખ, તમોએ માત્ર તમારી જાતના જ બીજા સૈયદભાઈઓ અને તમારા પંથના કાકાઓના ઈર્ષા—દ્વેષથી ઉશ્કેરાઈને ખાસ તેમને માટે જ લખેલો છે — પણ પછી જ્યારે તમારી લુચ્ચાઈથી ચમકેલા કાકા અને તમારા સૈયદભાઈઓના તરફથી તમને સખત ધમકીઓ અપાઈ અને દબાણ થવા લાગ્યું, ત્યારે તમે હવે થૂંકીને ચાટવા તૈયાર થયા છો.
માત્ર એટલું જ નહીં પણ અમારા હેન્ડબીલની એક પણ દલીલનો રીતસર જવાબ આપવાને બદલે “મહાન્ ધૂર્તબાજની પોલ અને સામાન્ય જનોને ઠગવાના કાવત્રાંનો જવાબ !” આવા બદનક્ષી ભર્યા નીચ હેડીંગનું ઉપર જણાવેલું ચીથરીયું છપાવી, પીરાણા—પ્રપંચના પોલના ફાટેલા આભને જૂઠાઈ અને ઠગાઈના થીંગડાં મારવાની તમે ફોકટ મહેનત કરી રહ્યા છો, પણ સત્યના સૂર્ય સામે ધૂળ નાખનારું ઘુવડ પોતે જ દિવસના આંધળું બની જાય છે, એની તમને ક્યાં ખબર છે? એ તો અજ્ઞાનના અંધારીયામાં ભલે ગુમાનથી ઘૂ—ઘૂ કરીને બે ઘડી આમતેમ તરફડીયા મારે, પણ પાપ જ્યારે છાપરે ચડીને પોકાર કરવા લાગશે ત્યારે પેટભરાઓની તાકાત નથી, કે તેને તેઓ કોઈ પણ રીતે છૂપાવીને ઢાંકીને બચાવી શકે !
અમારા લેખો તે દીવા જેવું સ્પષ્ટ બતાવી આપે છે કે, પીરાણા સતપંથ તેમજ તેના મુરશીદો અને મુરીદોમાં કેવા પાપ અને પાખંડ ચાલી રહ્યા છે? અને તેમાં અજ્ઞાની, અંધશ્રદ્ધાળુ ભોળા લોકો ગાડરીયા પ્રવાહની પેઠે ભેસ્તની લાલચે અથડાઈ—પટકાઈ તમારો ભોગ બનીને કેવી રીતે ધન તેમજ ધર્મને લૂંટાવી રહ્યા છે? પણ હવે એ પાપનો ઘડો પૂરેપૂરો ભરાઈ રહ્યો છે. પીરાણા પાખંડના પુણ્યો હવે પરવારી ચૂક્યા છે અને સૈયદ સાંઈમૌલા ! તમે પણ વખતસર ચેતીને પ્રમાણિકપણે રોટલો રળી ખાવાની હવે કોઈ બીજી હીકમત શોધી રાખજો, નહીં તો જે વખત જાય છે, તેમાં તમને પણ ભૂખે મરવાનો જ વખત આવશે. પીરાણા પંથની ડુગડુગી હવે આ પ્રકાશિત જમાનામાં વધારે વખત ચાલવાની નથી. પોપાંબાઈના રાજ્ય તો ચાલ્યાં જ ગયા છે, એ ચોક્કસ સમજજો. અમે તો એજ ઈચ્છીએ છીએ કે, તમને કોઈ પણ રીતે આ લેખથી પાનો ચડે અને તમે જો તમારા કબ્રસ્તાની પંથમાં સચ્ચાઈનો જરા એક છાંટો પણ હોય, તો તે પુરવાર કરવાને અને જગતને એ તમારી સચ્ચાઈ અને પવિત્રતા જાહેર રીતે બતાવી દેવાને માટે મેદાનમાં બહાર આવો. આજે વરસો થયા તમારા અનેક પુસ્તકોમાં તમે પ્રગટ કરો છો કે, ‘સતપંથની સમજ નામે બુક (જેમાં નારણ ગોપાળ, નારાયણજી રામજી, યુવક મંડળ, રણછોડ આદિનો સામટો જવાબ છે.) એ પુસ્તક અમારી પાસે વરસો થયાં છપાવવાને તૈયાર છે’ અને વળી હમણાંના હેન્ડબીલમાં પણ છેલ્લે તમો લખો છો કે, (નારાયણજી રામજી અને સતપંથને શત્રુ માનનારા મહાશયોના લેખો સંબંધી જવાબોનો એક લેખ, અમોએ લખી તૈયાર કરેલો છે. સતપંથીઓ તે છપાવરાવશે તો અમો તેની મફત મહેનત કરી તેઓની સેવા કરી આપીશું.)
જો એ લેખ તમારી પાસે તૈયાર જ હોય, તો આજ સુધી છપાવતા કેમ નથી? આટલાં બધા પ્રપંચી પુસ્તકો છપાવીને સેવકોના હજારો રૂપિયા કાતરી ખાઓ છો, છતાં એટલો જવાબ છપાવવા જેટલી શું તમારી શક્તિ નથી?
વળી દશોંદ ભરીને સ્વર્ગના વાયદાની હૂંડી લખી આપનારા તમારા ખીચડીયા પંથના શાસ્ત્રમાં તમારા ઈમામશાહ તેમજ તમો પણ જણાવો છો કે, “સતપંથ માનનારને સવા લાખ વરસ સુધીનું રાજ્ય મળશે અને પછી સ્વર્ગમાં સોનારૂપાંની ઈંટો અને કેસર—કસ્તુરીની સુવાસિત ગારથી બનાવેલા રત્ન જડિત ચળકાટ મારતા પાંચસો માઈલના ઘેરાવામાં આવેલા ભવ્ય અને આલીશાન મહેલો, બાગબંગલા અને બગીચાઓ સહિત મળશે ! જેની અંદર શરાબ (દારૂ), દૂધ, મધ અને અમૃતના વહેતા ઝરાઓ અને સોના—રૂપા—હીરા—માણેક જડિત હોજો, ફુવારાઓ સાથે ચકચકિત મકાનો મળશે ! એટલું જ નહિ પણ ઘણી જ સુંદર પચાસ હુરીઓ (અપ્સરાઓ) અને તેની સાથે સેવા ઉઠાવનારા પાંચસો છોકરાઓ તથા પાંચસો નુરી ફિરસ્તાઓ અગાઉથી જ ત્યાં હાજર રહેશે ! એ સિવાય અનેક પ્રકારની હેરત પમાડનારી અમૂલ્ય જણસો અને મનમાન્યા ભોગવિલાસો પણ ત્યાં સતપંથના સેવકોને મળશે !” બાવામીયાં ! જ્યારે તમારા સેવકોને તમો આટલી બધી ભેસ્તની સાહેબી નિવાજી નાંખવાને તૈયાર થયા છો, ત્યારે એક નાનો સરખો લેખ છપાવવાને માટે સતપંથીઓને શા માટે અરજ કરો છો? પોતાના ધર્મના રક્ષણ માટે તમારા સતપંથી સેવકોમાંથી પણ તમને કોઈ એટલી પાંચ પચીસ રૂપિયાની ભીખ શુદ્ધાં નથી આપતો?
વળી તમે સૈયદો અને કાકાઓએ સામસામે કોર્ટે ચડીને ધર્મના લાખો રૂપિયા, જરા પણ આંચકો ખાધા વગર બરબાદ કરવાના પગલા લીધા, પણ તમારા ધર્મના બચાવ માટે અને બીજાના આક્ષેપોનો જવાબ આપવા માટે તો આવી એક નજીવી રકમ પણ તમોને આજ સુધી મળતી નથી?
અમને તો લાગે છે કે, જવાબ આપવાની આ એક સૂકી ગપજ તમે ઉડાવ્યા કરો છો અને સાચી દલીલોનો જરાપણ જવાબ આપવાની તમારામાં કશી તાકાત જ નથી. છતાંય જો ફક્ત છપાવવાના ખર્ચને માટે જ અટકી બેઠા હો, તો અમે તમારો એ ખુલાસો અને જવાબ અમારે પોતાને ખર્ચે છપાવી આપવા તૈયાર છીએ, અથવા કેટલો ખર્ચ થશે તે જણાવો, તો તેનો બંદોબસ્ત કરી આપીએ. તમે એટલા માટે જ મુંઝાઓ છો શું? સૈયદ બાવામીયાં ! તમારા જાતભાઈ કેટલાક સૈયદો પોતે જ કહે છે કે “અમારો પીરાણા સતપંથ તો દીન મહમ્મદી એટલે ઈસલામી ધર્મ છે અને બાવામીયાં, તો મતલબી છે અને પેટને ખાતર જ ઓગણીશમું પુરાણ લખીને બનાવટી ચોપડીઓ પ્રગટ કરી, લોકોને ખોટો ધોખો આપે છે અને કાકા તેમજ સતપંથીઓની ખોટી ખુશામત કરીને તેમને ધૂતી ખાવા માટે જ આવી પ્રપંચબાજી ખેલી હાજીહા કરી રહ્યા છે.” તેનો તમે શું જવાબ આપો છો?
તમારા પુસ્તકના એ ફકરાઓ તો આબાદ તમારી જાતના સૈયદો તેમજ લક્ષ્મણ કાકા જેવા મામદા હિન્દુ મુજાવરોને જ લાગુ પડે છે, તેમાં જરા પણ શક નથી, પરંતુ હવે તેમને “પવિત્ર, સતપંથી પુણ્યશાળી સૈયદો અને કાકાઓ” કહેવાને બહાર પડ્યા છો, તો મને બતાવશો કે તમારા જ પુસ્તકમાં એ વિશેષણો ક્યાં લખેલા છે? તમે આ હેન્ડબીલમાં છાપેલા વાક્યો અને મૂળ પુસ્તકના અમે ટાંકેલા વાક્યો જરા ખુદાને ખાતર તો મેળવી જુઓ ! આવું હડહડતું જૂઠાણું ચલાવીને તો તમો પોતે ધર્મસંકટમાં સપડાયા અને પીરાણાના સૈયદો તેમજ કાકાઓને નગ્ન સત્ય કહેવા જતાં પોતાની થયેલી ખાખાવીખીથી ગભરાઈને હવે ફેરવી બાંધવાને ખોટો બચાવ કરવા ઉભા થયા છો, પણ એથી કંઈ તમે તમારા સૈયદો અને કાકાઓની આંખમાં ધૂળ નહીં જ નાખી શકશો. “પ્રપંચીઓના પાપ અને કલિ મહારાજની લીલા” વાળા લેખનો સીધો જવાબ આપવાને બદલે ‘મહાન્ ધૂર્તબાજની પોલ’ના હેડીંગથી લેખ લખવામાં પણ તમોએ મારેલાં ખોટાં હવાતીયા અને ફાંફા છેક ઉઘાડાં પડી જાય છે.
સનાતન આર્ય—હિન્દુધર્મના સૂર્યની મહાન્ સત્તા અને તેનો પુણ્યશાળી પ્રભાવ નહીં સમજનારા સૈયદ બાવા સાહેબ ! રાતના ઘૂ ઘૂ રાણાની માફક તમે પોતાના અજ્ઞાન અને ભોળા હિન્દુ સેવકોમાં ભલે તોપ ઠોકી મલકાઈને કહો કે, અત્યારે તો સતપંથનો વારો છે પણ એવા ખોટાં બણગાં ફૂંકીને વેદો તથા શ્રુતિ સ્મૃતિઓનો અર્થો પલટાવી, પોતાના વડીલે ઉભા કરેલા અર્ધદગ્ધ ખીચડી પંથની હાલતો એવી રીતે હિન્દુઓમાં તથા ઈસ્લામીઓમાં પણ તમે હાંસી જ કરાવી રહ્યા છો.
મી.ખાકી, તમો જણાવો છો કે મી.નારાણયજી રામજી સતપંથથી અજાણ છે. પણ ખાકી ! હું તમને ખાત્રી આપું છું કે, તમારા સતપંથને હું બરોબર પીછાણું છું. તમારા કરતાં પણ એ પંથના પ્રપંચો, ભેદો અને રહસ્યોને હું વધારે જાણું છું. એ સતપંથ તમારા વડીલોએ હિન્દુઓને દગાથી વટલાવીને મુસલમાન બનાવવા માટે જ ઉભો કર્યો છે. અભણ અને ભોળા કણબી, કાછીયા, કોળી, ગોલા જેવા હિન્દુઓને ફસાવવાની તેમાં અનેક યુક્તિઓ રચેલી છે. હાલના તમો તેના વંશના સૈયદો પણ તમારા વડીલના પગલે ચાલી, હિન્દુઓને વટલાવવાના અનેક પ્રપંચો અને કાવાદાવા ખેલી રહ્યા છો, જેની પોલો અનેક વખત અમારા તરફથી જાહેર રીતે ખુલ્લી પાડવામાં આવી છે અને હજી દરેક પ્રસંગે ખોલવામાં આવે છે, તે તમો સારી રીતે સમજો છો.
વળી મી.ખાકી તમે છેક જુઠું જ લખો છો કે, “એવા લેખોનો જવાબ અપાઈ ગયો છે !” હું છાતી ઠોકીને કહું છું કે, આજ સુધી મારા કોઈ પણ લેખનો એક પણ જવાબ આપ્યો જ નથી. એટલું જ નહીં પણ મારો છેલ્લો જાહેર લેખ “પ્રપંચીઓના પાપ અને કલિમહારાજની લીલા !” હેડીંગવાળા હાલના તાજા લેખનો જવાબ પણ તમે નથી આપી શકતા ! આ તો તમારા ઉપર જ્યારે અંગત ભયંકર આફત આવી પડી છે, ત્યારે તે ટાળવાને માટે તમે પહેલવહેલું જ રદ્દી પતાડકું છપાવીને ખોટા બચાવનાં ફોકટ ફાંફા જ માર્યાં છે. અમે ઉપરના ભાગમાં ટાંકેલા તમારા પોતાના જ શબ્દનો અર્થ પલટાવી હવે તમે સૈયદો તેમજ કાકાઓનો છેક જ જુઠ્ઠો અને લૂલો, બચાવ કરવા બનાવટી દેખાવ કર્યો છે, પરંતુ એ દેખાવ કરવા જતાં તમો છેક જ ભાન ભૂલીને તેમને વધારે ઉઘાડા પાડી રહ્યા છો.તમે લખો છો કે — “સતપંથને શત્રુ માનનારા મહાશયના ઘરમાં ઉતારા કરીને કુટીલ સાધુ રહેતા હોય, તેઓની બેન—દીકરીઓના ઉપર તરાપ મારતા હોય, તેમને માટે મેં લખ્યું છે. ને તેની અમે નિંદા કરી છે”. તે વાતને સતપંથના શત્રુને તથા તમારા સદરહુ પુસ્તકને શું સંબંધ છે? સતપંથીઓ બીજા તે કોને માને છે? કચ્છમાં ઘોડા ઈત્યાદિની શરતોનો જુગાર છે જ નહીં. તેમજ સાધુ, પીર કે ફકીર થયેલા પણ સટ્ટા, શેર, મીલ, જીનના વેપારો કરનારા કચ્છમાં કોઈ પીર કે ફકીરો જ નથી. ત્યાં કોઈ મીલ નથી. ત્યાં શેરોને સટો નથી. એ બધું તો તમારા કાકાઓ જ કરતા હતા અને તે માટે તમે કોર્ટે પણ ચઢ્યા હતા. એ બધી તમારી વાતોને હવે પલટાવીને લખવાની તમારી ચાલાકીથી કોણ ઠગાશે? સૈયદજી ! તમારી ચતુરાઈ તો ચૂલે ચઢી ગઈ છે ! એ તમારા લેખને કોઈ માને કે ના માને, તેની સાથે પણ મને તો કંઈ લેવાદેવા નથી, હું તો ફક્ત તમારા અંતરાત્માને જ પૂછું છું કે, જો તમે ઈર્ષાથી તમારા ધર્મ ભાઈઓ માટે જ લખ્યું નહોતું, તો કાકા અને સૈયદોએ તમારો એ લેખ હાલ રદ શા માટે કરાવ્યો? તમારા અને તમારી માજીના હક્કો શા માટે બંધ કર્યા હતા? એ બધો તો તમારા સદરહુ અદેખાઈ ભર્યા લેખોનો જ પ્રતાપ હતો કે નહીં? સૈયદો અને કાકાઓની વચમાં તમારી સ્થિતિ પાછળથી સૂડી વચ્ચે સોપારીના જેવી થઈ ગઈ હતી કે નહીં? અમને તમારી બહુ દયા આવે છે ! એક તરફ તમો દુઃખે પાપે પૈસા પેદા કરીને પેટ ભરો છો, તેમાં વચ્ચે એકાદ વખત કાકા અને સૈયદોને માટે ખરેખરું વાજબી કહ્યું, તે માટે તો તમે તમારા તરફ કંઈક ભાવ પેદા થયો હતો, પરંતુ પાછળથી તમારી આટલી બધી નામર્દાઈ અને ખુશામત વૃત્તિ જોઈને હવે તો મને ભારે દિલગીરી તેમજ દુઃખજ પેદા થાય છે.
હાથીના ચાવવા અને દેખાડવાના દાંતો જુદા હોય છે તે પ્રમાણે તમે પણ જાતે મુસલમાન હોઈને પોતાને ‘સતપંથના સેવક’ લખો છો અને હિન્દુ દેવતાઓની સ્તુતિ અને પૂજા કરો છો એ બાબતમાં અનેક નાના મોટા પુસ્તકો પણ છપાવી, તેમની આઠ આઠ ગણી કિંમતો રાખીને, ભોળા સતપંથીઓને ધૂતી ખાઓ છો. એ બાજી માત્ર પેટ અને પૈસા માટે જ કે બીજા કોઈ હેતુથી ખેલી રહ્યા છો? દીન મહમદી મુસલમાન હોઈને તમે — મોક્ષ દ્વાર, સતપંથીની સંધ્યા, બુદ્ધ અવતાર મોટો, સંતવાણી, ભાભારામ સુબોધ, નાંયાકાકાનો સંવાદ, સત્યનું શોધન, ભક્તની શોધ, પરછા, અરજી, સતપંથી આજ્ઞાપત્ર, સતપંથીઓનું કર્મ, સતપંથીઓનું પૂજન, અથરવેદ, ઉપનિષદ અને ગાયત્રી વગેરે હિન્દુધર્મ અને હિન્દુ દેવતાના નામો, પૂજા, પાઠ ગોઠવીને તમે પુસ્તકો છપાવ્યા છે અને હજારો રૂપિયા તેમાંથી મેળવીને ગડપ કરો છો. એ ધૂર્તબાજી, પોલ અને કાવત્રું નહીં તો બીજું શું? એ બધા પુસ્તકોમાં તમે જે હિન્દુધર્મ, ઈસલામી ધર્મ, જૈનધર્મ, બુદ્ધધર્મ વગેરે દુનિયાના અનેક પવિત્ર ધર્મોની હડહડતી નિંદા અને બદનક્ષી કરેલી છે. તેનો અમોએ અનેક વખત જવાબ પણ માંગ્યો છે અને એ હડહડતાં ભયંકર જૂઠાણાંનો રોમાંચક ઈતિહાસ અમે તૈયાર કર્યો છે, તે પણ પ્રભુની કૃપાથી થોડા જ વખતમાં તમારા કલ્યાણ માટે જ છપાઈ પ્રગટ થશે. એટલે તમને તેમજ જગતને સંપૂર્ણ ખાત્રી થઈ જશે કે, કાવત્રાંબાજ કોણ છે? ખરા ધૂર્ત તે કોણ છે? અને જગતમાં પ્રપંચો તે કોણ ખેલે છે? અરે ! એક પાપી પેટને ખાતર આવી નીચ પ્રપંચજાળ બિછાવીને શા માટે પોતાના અને બીજાના બંને લોક બગાડો છો? મિ.ખાકી ! પ્રભુને ખાતર, ખુદાને ખાતર હવે તો સત્યનો પ્રમાણિક માર્ગ પકડો. સમજુને તો ઈશારો જ બસ હોય ! માટે હજી પણ ચેતીને સીધે રસ્તે ચાલશો?
લી.તમારો શુભચિંતક |
પટેલ નારાયણજી રામજીભાઈ કોન્ટ્રેક્ટર |
કચ્છ—વિરાણીવાળા — હાલ—ઘાટકોપર (થાણા) મુંબઈ |
પીરાણા “સતપંથ”નો રસીક અને રહસ્યભર્યો
મહાભારત ભેદી ઈતિહાસ !
હિન્દુભાઈઓને છળવા તેમજ વટલાવવાનું એક મહાન પ્રપંચી અને ભયંકર કારસ્તાન !
પ્રિય હિન્દુભાઈઓ ! આ વાંચો, ચેતો અને જાગૃત થાઓ !
પીરાણા સતપંથની પોલ !
કહેવાતા પીરાણા સતપંથ, સુફી પંથ, જ્યોતિપંથ, ઈસમાઈલી ઈમામી, નિજારીપંથ વગેરે અનેક ઈમામશાહી કબ્રસ્તાની અર્ધદગ્ધ ખીચડીયા પંથોનો ભેદી અને છૂપો ઈતિહાસ !
અનેક વરસોની મહેનત, શોધખોળ છૂપા ગુપ્તપંથી પુસ્તકોના સાધન અને હજારોના ખર્ચે તૈયાર કરેલો એક અમૂલ્ય તેમજ ભેદભરેલો મહાન અદ્ભુત ગ્રંથ !
કોઈ અદ્ભુત વારતા, નવલકથા, નાટક, કાવ્ય કે ઈતિહાસના રસિક વૃત્તાંતો કરતાં પણ વધારે રસીક અને ભેદી બનાવોથી ભરપૂર અજાયબી ભરેલો ઈતિહાસ !
સત્યઘટના, લિખિત પુરાવા, અનેક શાસ્ત્રો અને કોર્ટના અનેક પ્રમાણો તેમજ જાતિ અનુભવથી તૈયાર કરેલું સુંદર સચિત્ર નવીન—
વિચિત્ર પીરાણા સતપંથ પુરાણ !
જ્યારથી મહમદ ગીઝનીએ હિંદ ઉપર ચડાઈ કરીને, હિન્દુ મંદિરો, મૂર્તિઓ તેમજ આર્યધર્મના નાશને માટે અત્યાચારની તલવાર ઉઠાવી, ત્યારથી આજ સુધી એટલે લગભગ એક હજાર વરસો સુધી હિન્દુધર્મના અંતરજગતમાં કેટલાક મતલબી સૈયદો, ફકીરો અને નામધારી પીરોએ કેવા કેવા પ્રપંચ, યુક્તિ, પ્રયુક્તિ અને દાવ—પેચથી, શામ—દામ—દંડ—ભેદથી ચારધારી છલ—નીતિથી હિન્દુધર્મ અને હિન્દુ જાતિને નષ્ટ કરીને પોતાનો બનાવટી કપોળ કલ્પિત પોકળ પંથ ફેલાવવાના ચમત્કારોની વાતો ગોઠવી દીધી છે તેમજ સ્વર્ગ—ભેસ્તની લાલચો આપીને ભોળા લોકોને લૂંટી ખાવા માટે ઠામ ઠામ કેવા ઠગાઈના થાણાં જમાવી, પોતાનો પાપી પેશો ચલાવવાના ગજબ જેવા મહાન ષડયંત્રો ગોઠવેલા છે. તેનો રોમાંચક અને શબ્દે શબ્દ સાચો ભેદી ઈતિહાસ વાંચવો હોય, તો આ એક જ પુસ્તક ખરીદો.
ઈશ્વરી અવતારોની બનાવટી કથા !
એ સતપંથ કે નવીન હિન્દુધર્મને નામે વૈદિકધર્મનું એક કપોળ કલ્પિત રૂપ ધારણ કરી અરેબિયન નાઈટસના કિસ્સા જેવું ગપગોળાનું બનાવટી ખોખું ઉભું કરીને, તેમાં હિન્દુ દેવદેવીઓ તથા બુદ્ધ દેવને અને ઈસલામી ઈમામોને એક સાથે સંડોવી ગોઠવી દઈને, નુરસતગોર, ઈમામશાહ, ત્રિકમ ઠક્કર, પીર સદરુદીન, કબીરદીન વગેરે પ્રપંચી પાત્રોએ રચેલી અદ્ભુત ઈન્દ્રજાળ ! અમીની ગોળી, ઠાકોરજીનો પ્રસાદ, પાવન કરનારો છાંટો, ભેસ્તની હુંડી — સ્વર્ગની રજાચીઠ્ઠી, પીરાણાની જાત્રા, ગંગવો કુવો અને કાકા તેમજ મુખીઓની રસભરી અલબેલી રાસલીલા ! વગેરે વાંચી વાંચીને પેટ ભરીને હસો.
નકલંકી અવતારની એક અદ્ભુત નવી રચના !
“હિન્દુ પુરાણોમાં જણાવેલો ઈશ્વરનો દસમો અવતાર, જે કલિયુગ પુરો થયે નકલંક થવાનો જણાવેલો છે. એ તો અરબસ્તાનમાં ઈમામરૂપે પેદા થઈ પણ ચૂક્યો છે ! બ્રહ્મા, વિષ્ણુ અને શંકરે તો આ વખતે મ્લેચ્છના ઘરમાં અવતારો લઈને નવી લીલા કરેલી છે !” એવી ઠગાઈનો એક રસીલો હેવાલ !
સતપંથી સૈયદો અને કાકાઓની જાદુઈ કપટજાળ !
પંજાબ—સિંધ—કચ્છ—ગુજરાત—ઉત્તરહિંદમાં ઠેકઠેકાણે ખાના અને જમાતો સ્થાપીને, જાહેર અને ગુપ્ત રીતે સેવકોની ગતગંગા વહેવડાવી, ઘટ પાટ—ગાયત્રી અને કલમા—નિમાજ તથા હેજંદાના નવરંગી કચુંબરનો ખીચડો બનાવી, લાખો હિન્દુ ભાઈઓની આંખે પ્રપંચના પાટાઓ લગાવીને, કેવી રીતે તેમને વટલાવવા તેમજ ઠગવામાં આવે છે અને દશોંદ, વીશોંદ, ખુમ્સ, ખેરિયાત વગેરે બહાને લાગા—લગવા—કર અને જકાતના બનાવટી લાકડાંઓ ઘૂસાડી તેમને ખોટી લાલચે કેવી રીતે નીચોવી નીચોવીને પાયમાલ કરવામાં આવે છે, તેના અદ્ભુત પ્રસંગો, પ્રમાણો અને પરચાઓ વાંચો !
સૈકાઓ સુધી રાત્રે ઘટપાટ બિછાવી ભજવાતાં આ પ્રપંચ નાટકનું, અંધારી દીવાલો વચ્ચે દટાઈ રહેલું સતપંથનું હજારો રૂપિયા ખર્ચતાં પણ મળી ન શકે એવું, સંપૂર્ણ સાહિત્ય !
મહોર, નબુવત, રોજા અને દલદલ ઘોડાના સુંદર સપ્તરંગી ચિત્રો અને તેમનો ભેદી ઈતિહાસ !
નુરમાનું—બાજનામું—રતનનામું—નાદેઅલી, પીરશાહનો પાઠ, તૈયબનો કલમો, દશ અવતાર, ક્રિયાઓ, ઘટ—પાટ, બુદ્ધાવતાર, મૂલબંધ, દશંતરી ગાવંતરી, બનાવટી સંધ્યા વગેરે અનેક ગોઠવી કહાડેલાં વિચિત્ર ગ્રંથોના ચોકઠાંથી ઉભા કરેલા પીરાણા સતપંથ, પ્રણામીપંથ, આગાખાની, ચિસતીયા, સુફી, જ્યોતિપંથ, નકલંકી, ગુપ્તપંથ, સુફીપંથ, વામ માર્ગ વગેરે અનેક છુપા ધર્મોનો સીલસીલાબંધ મહાભારત ઐતિહાસિક મહત્ત્વવાળો ભેદી ગ્રંથ !
આ એક જ ગ્રંથ વાંચવાથી હિન્દુ ધર્મને અનેક રીતે હાનિ પહોંચાડનારા અને ભોળા હિન્દુ ભાઈઓને મહાન પ્રપંચોથી ફોસલાવી, લલચાવી—પ્રપંચજાળમાં પકડી, વટાળીને ભ્રષ્ટ કરી ધન—ધર્મ—જાતિ તેમજ સન્માનનું પણ હરણ કરી લઈને હિન્દુધર્મના દુશ્મન બનાવનારા, કરપીણ કારખાનાઓની ભયંકર કુટિલ કળાઓનો તાદૃૃશ્ય ચિતાર તમારી આંખો સામે ખડો થશે !
દુનિયાની સપાટી ઉપર અનેક ધર્મીઓને ઠગાઈથી વટલાવવા માટે કેટલાંક મહાન ભેજાંમાંથી ઉપજાવેલું એક પ્રત્યક્ષ બહેસ્ત (ભેસ્ત) તેના ભેદભરમો અને રસીલા ભોગવિલાસના પ્રપંચ પડદાઓ !
ઉપરના બધા ધર્મોની ઉત્પત્તિ અને આજ સુધીની સ્થિતિ તથા જન્મથી મરણ પર્યંત એ ધર્મના સેવકો અને અનુયાયીઓને કરવાની ક્રિયાઓ તેમજ જગતને ઉંધે રસ્તે ચડાવવાની યુક્તિઓ હિન્દુઓને ધર્મદ્રોહી, દેવદ્રોહી અને દેશદ્રોહી બનાવનારી એક ભીષણ જાળ ! ખાનાં કે રૂહની કત્લગાહ ! તેના તથા અદ્ભુત પરચાઓના રદીઆ અને સતપંથની ખામીઓ વિગેરે અનેક કલિલીલાઓનો આ મહાન્ અદ્ભુત ચિત્રપટ જુઓ !
સતપંથી કાકા અને મુખીઓના જુલમ—દુરાચાર તેમજ પ્રપંચોનું પોગળ, જે વાંચી વાંચીને તમો જરૂર અજબ બની જશો.
આ પુસ્તકનું કદ રોયલ આઠ પેજી (મોટા પાના) લગભગ ચારસો થશે.
ગ્લેઝડ ચીકણા કાગળ, સુંદર ચિત્રો, જંતર—મંતર અને વંશાવળીના કોઠાઓ, પાકું સોનેરી પુઠું અને સવિસ્તાર ભૂમિકા તેમજ અનુક્રમણિકા સહિતઆ મહાન ગ્રંથ હજારોના ખર્ચે તૈયાર કરેલો હોવા છતાં, ધર્મ સેવા અને જાતિ સેવાના હેતુથી તેની પડતર કિંમત ફક્ત રૂા.૩ ત્રણ જ રાખવામાં આવી છે.
થોડા જ વખતમાં બહાર પડશે ! અગાઉથી ગ્રાહકો થઇ પૈસા ભરનારને પોસ્ટ વી.પી.ખર્ચ માફ. જલ્દી નામ નોંધાવો.ગ્રાહક પુરતાં જ પુસ્તકો છપાતાં હોવાથી, પછી વખતે નહીં મળી શકે, તો પસ્તાવું પડશે.
લખો — પટેલ નારાયણજી રામજીભાઈ કોન્ટ્રેક્ટર |
કચ્છ વિરાણીવાળા — હાલ—ઘાટકોપર (જીલ્લો થાણા) |