Akhil Bhartiya Kutch Kadva Patidar Samaj
A central organisation of Kutch Kadva Patidar Sanatan community
Akhil Bhartiya Kutch Kadva Patidar Samaj
A central organisation of Kutch Kadva Patidar Sanatan community
॥ ૐ ॥
શ્રી કચ્છ કડવા પાટીદાર સુધારક યુવક મંડળ તરફથી પ્રગટ થતું માસિક પત્ર
પાટીદાર ઉદય
વર્ષઃ૧લું કરાચી, ફાગણ-ચૈત્ર-વૈશાખ વિ.સં.૧૯૮૦ {VSA: Mar, Apr, May-1924} અંક ૯-૧૦-૧૧
ઈશ્વરી સંદેશ
ગઝલ
કરેજા કાર્ય ત્હારું તું, જરૃર તે તો સફળ થાશે,
ફલે જો ના હયાતીમાં, ફલો તુજ છોકરા ખાશે,
મળે જયમાલ નહીં તોએ, કર્યું તે વ્યર્થ ન જાશે,
કર્યાનું દામ મેળવશે, ધપ્યો જા ભાઈ ઉલ્લાશે.
જડ આચારને, જડ વિચારને, જડ જ્ઞાનને ખોળે માથું મુકી બહુ ઉઘ્યા, હવે તો જાગવું જોઈશે,
ઉઠવું જોઈશે, સત્યને, ભગવાનને, અંતરને પામવું જોઈશે. પડદા તોડી નાંખીને સાચી સ્થિતિ
અનુભવવી પડશે એ વિના બીજી ગતિ નથી જાણવું જોઈશે. જે એ પંથ કાંઈ સહેલો નથી, બહુ કઠણ
છે. તીખી કરેલી છરાની ધાર ઉપર ચાલવા જેવો કઠણ છે, એમ ઋષિ જનો કહે છે. છતાં એ પંથે પડવું
જોઈશે એ સિવાય બીજો આરો નથી, બીજી ગતિ નથી, ના નથી નથી જ.
ઉપનિષદ-
વાર્ષિક લવાજમ અગાઉથી રૂ. ૨ બે પોસ્ટેજ સાથે.
છુટક નકલ આના ચાર.
તંત્રી અને પ્રકાશક
રતનશી શીવજી પટેલ
પાટીદાર ઉદય ઓફીસ, રણછોડ લાઇન – કરાચી.
અનુક્રમણિકા
વિષય | લેખક | પૃષ્ટ |
૧. ભુલભુલામણીનું ચક્કર | ઈમામશાહીથી મુક્ત થયેલો મુમનો | ૧ {373} |
૨. આપણી પરિષદ અને અમે | તંત્રી | ૩ {375} |
૩. આપણી પરિષદ | તંત્રી | ૪ {376} |
૪. જ્ઞાતિ પરિષદ વિષે કાંઈક | નારણજી માસ્તર | ૨૬ {397} |
૫. શ્રી તૃતીય પાટીદાર પરિષદમાં લીધેલી |
| ૩૧ {402} |
પ્રતિજ્ઞાને પાળી પીરાણા પંથનો કરેલો ત્યાગ તંત્રી |
|
|
અમારો અંક
આ વખતનો અમારો અંક તેના નિયમિતપણાથી મોટો અને મોડો છે. તે મોટો હોવાના કારણમાં અમારો ખુલાસો આપ સર્વે જ્ઞાતિ બંધુઓની સમક્ષ વિદિત કરતાં અમે જણાવીશું કે અમારી કેટલીક રોકાણો અને આર્થિક સહાયતાના પૂરતા અભાવે ફાગણ, ચૈત્ર, વૈશાખ, માસના અંકો ખોરંભે પડી ગયા હતા. જેનો બદલો એકી વખતે વાળવા સાથે અને આપણી જ્ઞાતિ પરિષદનો સંપૂર્ણ હેવાલ એક ખાસ અંક દ્વારા આપ સર્વે સન્મુખ રજૂ કરવાનો અમારો ઈરાદો હતો. જે બધાનો સળંગ આ આજના અંકથી વળી ગયેલો આપ જોઈ શકશો.
આ માસિક પત્રની નાણા સંબંધી હાલત તદ્ન તંગ હોવાથી તેના નિયમિતપણામાં બાધ આવે એ દેખીતું જ છે અને તે જ કારણો વશાત આ અંક મોડો નીકળવા પામ્યો છે જે માટે અમે અમારા કદરદાન સદગૃહસ્થો અને જ્ઞાતિ બંધુઓ પાસે ક્ષમા યાચીએ છીએ.
અંતિમમાં એટલું વધુ ઉમેરીએ છીએ કે આ પત્રનો પહેલા વર્ષનો છેલ્લો અંક હવે થોડા દિવસમાં પ્રગટ થશે. માટે ગ્રાહક બન્ધુઓએ જેણે પૂરા થતા વર્ષનું લવાજમ હજી સુધી મુક્યું નથી તેઓએ મહેરબાની કરીને આ અંક મળતાંની સાથે મોકલી આપવા કૃપા કરવી અને જે જે બન્ધુને નવા વર્ષના ગ્રાહક તરીકે ન રહેવા મરજી હોય તેણે અમોને લખી મોકલવું કારણ કે બીજા વર્ષનો પહેલો અંક જેઓના લવાજમ નહિ મળ્યા હોય તેમને વી.પી.થી મોકલવામાં આવશે. તો તેઓએ સ્વીકારી લેવી. અગર આગળથી ખબર આપવી. કે જેથી અમારે નાહક ખર્ચમાં ઉતરવું ન પડે. કારણ કે પત્રની નાણાં સંબંધની સ્થિતિ બિલકુલ કફોડી છે માટે આ પત્રને નીભાવવા અને આપણી જ્ઞાતિમાં પેઠેલા અંધશ્રદ્ધાના સડાને દુર કરવા આ માસિક પત્ર ઉચ્ચત્તર સ્થિતિએ પહોંચે એવા ઈરાદાથી આપ આપની બનતી સહાય આપવા કૃપા કરશો. એવી અમારી વિનંતી છે.
વ્યવસ્થાપક “પાટીદાર ઉદય”
|| ૐ ||
પાટીદાર ઉદય
કચ્છી કડવા પાટીદાર જ્ઞાતિના લાભાર્થે પ્રગટ થતું ગુજરાતી માસિકપત્ર
વર્ષઃ૧લું કરાચી, ફાગણ-ચૈત્ર-વૈશાખ વિ.સં.૧૯૮૦ {VSA: Mar, Apr, May–1924} અંક ૯-૧૦-૧૧
ભૂલભૂલામણીનું ચક્કર ! *
(લખનાર : ઈમામશાહીથી મુક્ત થયેલો મુમનો)
લોભી ગુરૂ લાલચુ ચેલા, દોનોં નરકમેં ઠેલંઠેલા
સૃષ્ટિ નિયમે સત્ય જે, તેજ સત્ય કહેવાય,
બાકી સર્વે કલ્પના નક્કી કૂડમાં જાય.
વર્ષો થયા અમારા પીરાણા બંધુઓ સતપંથની ભ્રમજાળમાં ગોથા ખાયા કરે છે ! વરસાદની મૌસમમાં જેમ દેડકા વધી પડે છે, તેમ પાટીદાર, કાછીયા, કુંભાર, ગોલઙ, ઘાંચી વગેરે નાતના હિંદુઓ, અજ્ઞાન, અભણ અને અક્ક્લહીણ થતાં, આ દેશમાં અનેક સતપંથોનો રાફડો ફાટ્યો. તેમાં સતપંથના ધતીંગનો પણ એક ઉમેરો થયો. દુનિયા ખાધેલ પહોંચેલ બુટ્ટી હજરત ઈમામશાહે અથર્વવેદના ઓઠા હેઠળ લોકોને રૂચતી વાતો કહીને તથા જાદુગરના જેવા ખેલ તમાશા અને ચમત્કાર બતાવીને, હિંદુઓના ગળામાં મુસલમાનીનો ઘંટ એવી ચાલાકીથી બાંધી દીધો કે, આ સતપંથના ફાસામાં સેંકડો ભોળા હિંદુ પંખીડા ફસાઈ પડ્યાં. ઈશ્વરનો અવતાર થવો એ વેદ અને કુરાનથી વિરૂદ્ધની વાત હોવા છતાં ઈમામશાહ એ ઈશ્વરનો સૌથી શ્રેષ્ઠ અવતાર છે એવું પકડેલું પૂછડું કોઈથી છોડાતું નથી. મુમના બનીને મુડદાંને દાટવાની કુપ્રથા જે સાયન્સ, આરોગ્યશાસ્ત્ર અને અથર્વવેદથી તદ્ન વિરૂદ્ધ છે તેને સનાતન ધર્મ માની લીધો છે. આકેલા સાંઢ જેવા કાકાઓ અને કબરપસ્ત સૈયદોને ધર્મગુરૂ તરીકેનો વંશપરંપરાનો ઈજારો આપી દીધો છે. અઘોરી બાવાઓની માફક મસાણમાં ઉજાણીઓ ઉડાવવા માંડી છે. વિવાહમાં પવિત્ર વેદમંત્રો અને ચોરી હવનને બદલે નિકાહથી નાડા બાંધી લેવાનું પસંદ કર્યું છે. સુન્નતનું લફરું ઘુસાડી ઈશ્વરથી ડાહ્યા થવાનું ડહાપણ ડહોળ્યું છે. બૈરાઓને માસિક અટકાવ પાળતાં બંધ કરી વામ માર્ગીઓના કાન કાપ્યા છે. મરેલાનું સ્નાન સુતક કાઢી નાખી કાશ્મીરના કોકશાસ્ત્રીઓને મ્હાત કર્યા છે. આ બધાનું પરિણામ એ થયું કે, બોલે ચાલે, ખાવેપીવે અને પહેરવેશે હિંદુ જેવા દેખાવા છતાં ચોખંડીઆટ લોકોમાં પીરાણીઓની ગણતરી થતી નથી. રખડતા ભીખારીઓ અને ભીલ વાઘરી જેવા પણ પીરાણા અને મુમનાના પાણીનો છાંટો લેતા બીએ છે. સત્યાનાશી સૈયદોએ બનાવેલી અમીની ગોળીઓ ખાવા છતાં પણ કોઈની દેહશુદ્ધિ થઈ નહિ ! પીરના રોજાઓને સોના રૂપાનાં બારણાં કરાવી આપવા છતાં પણ કોઈની મુર્ખતા ટળી નહિ !! સતપંથના ગુરૂઘંટાળે પાંડવો પાસે ગોહત્યા કરાવી તેમને વૈકુંઠમાં મોકલ્યા છતાં, પીરાણાઓ હજુ કાળમીઢ પથ્થર જેવા દુનિયામાં હડધુત થયા કરે છે !!! અર્ધદગ્ધ પીરાણા પંથની કંઠી બાંધનારાઓને નરસિંહા અવતાર પેઠે માણસમાં ગણવા કે પશુમાં ગણવા તેની સમજણ કોઈને પડતી નથી. ગાયને બદલે ભેંસનું દાન કરવાનો મમત કરનારની પાડા જેવી સ્થુળ બુદ્ધિનાં શાં વખાણ કરીએ ? સ્વાર્થી સૈયદો અને સટોરીઆ લક્ષમણકાકા, સતપંથની જુગજુગની જોડી કાઢેલી બનાવટી વાતો કહે, તેને સાચી માનનારને શું કહેવું ? શાહપીરને શરણે જવાથી સ્વર્ગમાં હીરા માણેકથી મઢેલા મહેલો અને ૫૦ હુરાંઓ મળવાની લાલચથી મ્હોડાની લાળ ટપકવા માંડે છે. ભયંકર પાપો માફ થવાની ખોટી આશા કેમે કરી છુટી શકતી નથી. હિંદુ દેવો અને પીરોના નામની ખીચડીઓ દુવાથી ધાવણાં બાળકોને કાંકણ બાંધવાનું પુણ્ય માની લીધું છે. અજ્ઞાનતાના ઘનઘોર વાદળ પાસે જ્ઞાનનો પ્રકાશ ક્યાંથી પડે ? પીરાણાઓ શુદ્ધ હિંદુઓ કેવી રીતે રહી શકે ? ભાઈઓ ! તમે બહુ ભરમાયા બહુ ભોળવાયાં અને બહુ ઠગાયા. હવે જરા આંખ ઉઘાડો અને જુઓ કે આ જ્ઞાનના જમાનામાં તમારી આજુબાજુ શું થઈ રહ્યું છે ? ઈસ્લામનો અજગર તમને અણિશુદ્ધ ગળી જઈ ડકાર લેવા બંધ કરે, તે પહેલાં વેળાસર જાગૃત થઈને તપાસો, કે સતપંથમાં કહેલી વાતો સૃષ્ટિનિયમ અને શાસ્ત્ર પ્રમાણે ખરી છે, કે કેવળ કપોલકલ્પિત ગપોડાં માત્ર છે ? આ સ્વતંત્રતાના યુગમાં કાકા એટલે ગુલામની ગુલામી ક્યાં સુધી કરશો ? સૈયદો પાછળ તન, મન, અને ધનથી ક્યાં સુધી ખરાબ થશો ? જરદા પુલાવ અને ગુડાકુ ક્યાં સુધી પૂરા પાડશો ? જો તમારે અસલ જેવા શુદ્ધ હિંદુ બનવું હોય, જો તમારે લાગેલું લાંછન ધોઈ નાંખવું હોય, જો તમારે અહિંસક બનવું હોય, જો તમને સત્ય તરફ પ્રેમ હોય, જો તમે કલમાની કારમી ચીસોથી કંટાળી ગયા હો જો તમે પીરોને સેજદો કરતાં થાકી ગયા હો, જો તમે જંતર મંતર અને દોરા ધાગાથી ધરાઈ ગયા હો, જો તમારે નિમાજ અને રોજાના ભૂતવળગાડથી છુટવું હોય, જો તમારે તમારા સંતાનોને મજબૂત, સ્વતંત્ર અને શિક્ષિત બનાવવા હોય, એટલું નહિ પણ જો તમે હરેક પ્રકારે સુખી થઈ શાંતિ મેળવવા ઇચ્છતા હો, સંસારને સ્વર્ગધામ બનાવવા માંગતા હો તો આજે જ કાકા અને સૈયદોને છેવટની સલામ કરી તેમની ગુલામીનું જુસરું એકદમ ફેંકી દેજો. અધિક શું લખીએ ? જેને આંખ હશે તે વાંચશે, કાન હશે તે સાંભળશે અને બુદ્ધિ હશે તે વિચારશે. ઇત્યોમ.
(* બિહાર ગામથી આવેલા એક હસ્ત પત્રક ઉપરથી.)
આપણી પરિષદ અને અમે
આ સાલના એપ્રિલ મહીનાની ૧૮મી તારીખ અને શુક્રવારનો દિવસ આપણી જ્ઞાતિના ઇતિહાસમાં સોનેરી અક્ષરે કોતરાઈ રહેશે.
આ દિવસ એજ હતો કે જે દીને આપણા હીતના આખી ન્યાતના હિતના અને આપણા વંશવેલાના અનેક હિતકારક કાર્યો કરવાને આપણી જ્ઞાતિનો સમુદાય મુંબઈ ખાતે ઘાટકોપર મુકામે એક પરિષદ અથવા તો “નાત”ના રૂપમાં એકઠો થયો હતો, આ દિવસોનો સોનેરી સૂર્ય તેના પૂર્ણ પ્રકાશમાં પ્રકાશિત હતો અને તેથી અમે હિંમતથી એટલું કહી શકીએ કે તે જ દિવસની સોનેરી ઝળકતી યાદમાં થયેલા કામકાજો, ધારાધોરણો, ઠરાવો અને બીજા કેટલાક આપણા હીતના કામોનો અમલ આપણે આપણાથી બનતી ઉતાવળે કરવા મથીએ.
આ અનુપમ અને ઉજળા દિવસની યાદ અમે અને આપણું આ પાટીદાર ઉદય તેના જીવન પ્રવાહમાં કદાપિ કાળે પણ નહિ ભુલે અને તે પ્રત્યે આપણી સમસ્ત જ્ઞાતિનું લક્ષ્ય ખેંચાયે એવા એક ઉદ્દેશી આ પાટીદાર ઉદયને પૂર્ણ રીતે શણગારવામાં આવ્યું છે એ તમારી જ્ઞાતિ સમસ્તની સેવાનો એક અંશ ગણી લઈ વધાવી લેશો એવી આશા સાથે અમો આગળ લંબાવીશું.
પરિષદના સ્વાગત મંડળના સરનશીન અને પરિષદના પ્રમુખે જ્ઞાતિની દાઝ દીલમાં ધરી આપણી અધમ અવસ્થાનો જે કાંઈ થોડો ઘણો ચિતાર આપણી સામે ચીતર્યો છે તે ઉપર અલ્પ દૃષ્ટિ રાખવી એ કોઈ પણ રીતે યોગ્ય નહિ કહેવાય. પરંતુ પરિષદની ગણનાનો વિચાર કરી તેમાં થયેલા ધારાધોરણો અને ઠરાવોનો અમલ જો આપણે દીર્ઘ દૃષ્ટિથી કરીએ તો આપણી જ્ઞાતિને અવનત દશામાંથી બહાર કાઢવાનું પૂણ્ય મેળવી શકીયે અને અધર્મમાં રહી અંધ પ્રયાણ કરતા આપણા જ્ઞાતિ ભાઈઓમાંના કેટલાક સભ્યોને સત્ય માર્ગે દોરી શકીએ એમ કરવાથી દેશ, જ્ઞાતિ અને આપણા ઉછરતા સંતાનોની આબાદી બતાવી શકવાને આપણે સમર્થ રહીશું.
અંતમાં વધુ વિવેચન મુલતવી રાખી આજના અંકમાં આપણી પરિષદના હેવાલ ઉપર અમે સમસ્ત જ્ઞાતિ બંધુઓનું ધ્યાન ખેંચીશું એટલું જ નહિ પરંતુ તે મુજબ અમલ કરવાનું વિનવી પ્રભુ પાસે એટલું જ માંગીશું કે પરધર્મમાં વટલી ગયેલા અમારા અજ્ઞાન ભાઈઓને હે પ્રભુ ! સત્ય માર્ગ અને સ્વધર્મ શિખવે એવી અમારી અંતિમ યાચના છે.
આપણી પરિષદ
વીર હાલક સાંભળો—અધર્મથી બચો અને સત્ય માર્ગે પ્રયાણ કરો
આપણી પરિષદ મુંબઈમાં ઘાટકોપર મુકામે એપ્રીલ મહિનામાં ભેગી મળી હતી. જેમાં થયેલ કામકાજ નિર્વિઘ્ને પસાર થયું છે અને હવે આપણે બીજી જ્ઞાતિઓને પેઠે જાગૃત થવાની જરૂર જોતાં એટલું કહી શકાય કે આવી આવી પરિષદોમાં સર્વાનુમતે જે જે ઠરાવો થાય છે, ધારા ધોરણો ઘડાય છે તેને પાળવાને આપણે હૃદયપૂર્વક તૈયાર રહેવું જોઈએ.
આ પરિષદનો હેવાલ અમે ટૂંકમાં નીચે રજુ કરીએ છીએ અને આશા રાખીએ છીએ કે હવે આપણે વધુ વખત ઉંઘમાં નહિ રહેતાં કર્મ અને ધર્મને ઓળખી લેશું અને સનાતન વૈદિક ધર્મની શુદ્ધિ પવિત્રતા સાથે તેમાં રહેલી ઈશ્વરની કરૂણા અને કુદરતની ગતિને ઓળખી લઈશું.
ઘાટકોપર ખાતેના ખુલ્લા મેદાનમાં આપણી આ પરીષદની બેઠકોની શરૂઆત થઈ હતી. ગામે ગામથી આવેલા આપણા ભાઈઓ માટે ઉતારાની અને બીજી દરરોજની જરૂરી સગવડોનો પૂર્ણ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. બધા ભાઈઓનો હર્ષ માયો સમાતો ન હોતો અને તેઓ બધા જાણે આજે ઈશ્વરનો મહિમા નીરખવા અથવા તો ઈંદ્ર મહારાજને ભેટવા આવ્યા હોય એવો દેખાવ નજરે પડતો હતો. આનંદમાં ને આનંદમાં બધા દિવસો વ્યતીત થઈ ગયા અને ભેગા થનાર ભાઈઓએ અને સ્વાગત મંડળના સરનશીને જુદાં જુદાં વ્યાખ્યાનોની હારમાળા કે પુષ્પહારો આપણી સામે સુગંધ દેતા મુકી ગયા છે. આપણી ફરજ છે કે આ ધારા ધોરણો રૂપી મધુર અને સુવાસિક ફુલડાં ચુંટી ચુંટી સુંઘી એ અને બીજા જ્ઞાતિ બંધુઓને, બહેનોને અને માતાઓને તેમજ આપણાં ઉછરતાં બાળકોને તે સુંદર સુવાસ લેવડાવીએ તો આપણા કાર્યની સાફલ્યતા ગણી શકાય.
પરિષદના દિવસની કાગને ડોળે વાટ જોતાં આપણા ભાઈઓ સમીપ આ દિવસો આવ્યા અને તેમાં થયેલા ઠરાવોની નોંધ જ્યારે તેઓના જાણવામાં આવી ત્યારે અને તે પહેલાં જ પરિષદના મંડપમાં આપણા ભાઈઓએ આપણામાં ઘર ઘાલી બેઠેલાં પેલા પીરાણા પંથના તંતને તોડી નાંખી સ્વધર્મને ઓળખવા ઉભા થયા. છાતી કાઢી હિંમત ધરી જાહેરમાં તેઓ બોલી ઉઠ્યા કે, “અલબત્ત, અલબત્ત ! અમારો સનાતન ધર્મ અમને સમજાયો છે, અમે અજ્ઞાનતાથી એક બાજુએ દોરવાઈ ગયા છીએ પણ અમારી તે અજ્ઞાનતા—અરે અમારી તે ભુલ અમને હવે સંપૂર્ણપણે સમજાય છે. અમે પ્રતિજ્ઞાપૂર્વક કહીએ છીએ કે અમે દેહશુદ્ધિ પ્રાયશ્ચિત લઈ અમારા સ્વધર્મ તરીકે સનાતન વૈદિક ધર્મને અમે આજથી સ્વીકારીશું અને અન્ય ભાઈઓને તેમ સમજાવી ઉન્નત કરીશું.”
અહાહા ! અહોભાગ્ય આપણા અને જ્ઞાતિના કે આવા અનુપમ દિવસે જ આપણે પ્રતિજ્ઞા લીધી.
બાદ જ્ઞાતિ સમસ્તે પાળવાના પરિષદે અમુક ઠરાવો કર્યા. તે ઉપર વિવેચનો થયાં અને આપણા હૃદયને વીંધી નાખે એવાં પંડીત કાર્તાતિક તથા નરહરી અને પારાશર અને ભાઈ ગણાત્રા (વસંત)એ અનેક દાખલાઓ આપણી સમક્ષ રજુ કરવાથી આપણને ધર્મ ઝનુન ઉત્પન્ન થયું ? કોણ કહેશે કે આ ધર્મ ભાવના નથી ? કોણ કહેશે કે આપણે આપણી ઉન્નતિ ઓળખી નથી ? પરમાત્માની કૃપાથી સર્વ શાંત થયું અને ઠરાવો એક પછી એક ઘણા જ આનંદ અને ઉમંગ વચ્ચે પસાર થયા. હવે માત્ર તેનો અમલ થવાની જ ખોટી છે. જેમ કરવાની પહેલ આપણા કરાચી શહેરમાં વસતા ૧૬ કુટુંબોના લગભગ ૬૦ આસામીઓએ કીધી છે જેની નામવાર ટીપ આજના આ અંકમાં આપ સર્વે જોઈ શકશો. એ જાણી અત્યંત આનંદ અને જયજયકાર થાય છે.
પરિષદમાં પસાર થયેલા ઠરાવો
પસાર કરવામાં આવેલા ઠરાવો નીચે મુજબ છે :—
ઠરાવ ૧લો
ગૌ બ્રાહ્મણ પ્રતીપાલ નોધારાધાર ધર્મધુરંધર અખંડ પ્રૌઢ પ્રતાપ મહારાજાધીરાજ મીરઝાં મહારાવ શ્રી સર ખેંગારજી સવાઈ બહાદુર જી. સી. આઈ. ઈ.નું આ પરીષદ અંતઃકરણપૂર્વક સહકુટુંબ દીર્ધાયુષ્ય ઇચ્છે છે.
ઠરાવ ૨જો
પીરાણા સતપંથ આપણને સમસ્ત જ્ઞાતિથી અલગ પાડી દેનાર હોવાથી તેમજ તે પંથ આપણને હિંદુપણામાંથી ટાળી દેનારો છે એવી પરીષદને ખાત્રી થવાથી આ પીરાણા સતપંથને આપણી જ્ઞાતિમાંથી નાબુદ કરવાના દરેક ચાંપતા ઉપાયો લેવા તેમજ કોઈએ દશોંદ કે વીશોંદના લાગા ભરવા નહિ તેમજ પીરાણાની અમી કે નુરની ગોળી પીવી નહિ. અને કાકા તેમજ સૈયદોનો પગ પેસારો આપણી જ્ઞાતિમાંથી જલદી દુર થાય તેવા ઉપાયો યોજવા. વળી સ્વજ્ઞાતિ બંધુઓ દેહશુદ્ધ પ્રાયશ્ચિત લઈ જેમ બને તેમ જલ્દી સનાતન વૈદીક ધર્મ તરફ પ્રવૃત્તિ કરે એવા ઉપાય તાત્કાલીક યોજવા એ આ પરીષદના દરેક મેમ્બર પોતાની ફરજ સમજે છે અને દેહશુદ્ધ પ્રાયશ્ચિત લઈ પીરાણા સતપંથને તજી દેનારને દરેક પ્રકારની મદદ કરવાનો આ પરીષદ ઠરાવ કરે છે.
ઠરાવ ૩જો
“આ પરીષદને ખાત્રી થઈ છે કે આપણી જ્ઞાતિના કહેવાતા આગેવાનો પીરાણાના બહાને દશોંદ અને વીશોંદ જેવા લાગા ઉઘરાવી તે પૈકીની મોટી રકમ ખાઈ જાય છે અને ધર્મની છુટનો કાયદો (Freedom of Religion Act) કચ્છ દેશને લાગુ છતાં જે આપણા જ્ઞાતિ બંધુઓ પીરાણાનો ધર્મ છોડી હિંદુ સનાતન ધર્મ પાળવા પોતાની તીવ્ર ઇચ્છા ધરાવતા હોય તેમના ઉપર અને તેમના સગાંવહાલાં અને લાગતા વળગતાઓ ઉપર ત્રાસ કરી પોતાની કહેવાતી પટલાઈની સત્તાનો ગેરકાયદેસર ઉપયોગ કરી તેમને જ્ઞાતિ બહાર મુકી તેમની પાસેથી સખત દંડ લઈ તે રૂપીયા પણ ખાઈ જાય છે જેથી ઉપર જણાવ્યા પ્રમાણે જે નાણાં વિશ્વાસઘાતથી ખાઈ જવામાં આવે છે તેમજ ઉપર જણાવેલા ધર્મની છુટના કાયદાનો ભંગ કરવામાં આવે છે તે થતો અટકાવવા માટે તેમજ અત્યાર સુધીમાં એવાં જે જે કૃત્યો કરવામાં આવ્યા હોય તેની કાયદેસર તજવીજ કરી તેમાં ઘટતું કરવા માટે ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ નોધારાધાર ધર્મધુરંધર પ્રૌઢ પ્રતાપ મહારાજા ધીરાજ મીરઝા મહારાવ શ્રી સર ખેંગારજી સવાઈ બહાદુર જી. સી. આઇ. ઇ.નું મુબારક લક્ષ ખેંચવા આ પરીષદ ઠરાવ કરે છે.
ઠરાવ ૪થો
બાળ લગ્નના અધર્મ યુક્ત અને હાનિકારક રીવાજને સત્વરે નાબુદ કરવા આ પરીષદ ઠરાવ કરે છે અને દરેક બંધુને આગ્રહપૂર્વક ભલામણ કરે છે કે શાસ્ત્રોક્ત રીતે અને ચોરી બાંધીને વેદ વિધિ અનુસાર યોગ્ય ઉંમરે આવેલાં જ છોકરાંઓને પરણાવવા.
ઠરાવ ૫મો
વિદ્યા એ સર્વોત્તમ શક્તિ હોવાથી તે પ્રાપ્ત કરવા કરાવવા અને જ્ઞાતિના પુત્ર પુત્રીઓને કેળવણી આપવા આ પરીષદ દરેક ભાઈને વિનંતી કરે છે અને જે જે સ્થળે જ્ઞાતિના ફંડો અને જ્ઞાતિના પૈસા હોય તેનો જ્ઞાતિમાં કેળવણી અર્થે સત્વરે ઉપયોગ કરવાની આ પરીષદ આગેવાનોને સુચના કરવાનો ઠરાવ કરે છે.
ઠરાવ ૬ઠો
મરણ પાછળના કારજો શાસ્ત્ર વિરૂદ્ધ અયુક્ત ખર્ચાળ અને દુર્દશાએ પહોંચાડનાર હોવાથી તેને સદંતર નાબુદ કરવા અને તેવાં જમણો નહીં જમવાનો આ પરીષદ ઠરાવ કરે છે.
ઠરાવ ૭મો
આપણી હિન્દુ ગણાતી જ્ઞાતીઓમાં મુડદાને અગ્નિદાહ દેવાનો રીવાજ પ્રચલિત છે અને આપણી જ્ઞાતિ હિંદુ હોવા છતાં આપણા કચ્છ અને કરાંચીમાં રહેનારા કેટલાક પીરાણાપંથી ભાઈઓ અગ્નિસંસ્કાર કરવાને બદલે મુડદાને દફનાવી દે છે તે રીવાજ અયોગ્ય અને શાસ્ત્ર વિરૂદ્ધ હોવાથી કોઈ બંધુએ મુડદાંને દાટવું નહિ તેમજ દાટવાનાં કાર્યમાં ભાગ પણ લેવો નહિ અને મુડદાંને અગ્નિસંસ્કાર કરવો એવો આ પરીષદ ઠરાવ કરે છે.
ઠરાવ ૮મો
છુટાછેડા એટલે છુટકાના રીવાજને નામે ચાલતા અતી શરમ ભરેલા અને અયોગ્ય રીવાજ તરફ આ પરીષદ તિરસ્કારની દૃષ્ટિએ જુએ છે અને તેને સદંતર નાબુદ કરવા આ સભા દરેક જ્ઞાતિ ભાઈને આગ્રહપૂર્વક ભલામણ કરે છે.
ઠરાવ ૯મો
આપણી આ પરીષદનું નામ, તેનો ઉદ્દેશ અને બંધારણ નીચે પ્રમાણે રાખવામાં આવ્યું છે તથા નીચે જણાવેલા ભાઈઓની કાર્યવાહકો તરીકે નિમણુંક કરવાનો આ પરીષદ ઠરાવ કરે છે.
શ્રી કચ્છ કડવા પાટીદાર પરીષદ ઉદ્દેશ અને નિયમો
આપણી કડવા પાટીદાર જ્ઞાતી કચ્છ, કાઠીયાવાડ, ગુજરાત, નીમાડ, માળવા વગેરે આ દેશના જુદા જુદા ભાગોમાં વસે છે અને તે દરેક વિભાગમાં જ્ઞાતિ સ્થિતિ સુધારવા સંસ્થાઓ કે મંડળો સ્થાપી લાંબા સમયથી પ્રયત્ન કરવામાં આવે છે. આવા દરેક મંડળો સમસ્ત જ્ઞાતિની “શ્રી કડવા પાટીદાર પરીષદ” નામે જે મોટી સંસ્થા છે તેના આશ્રય નીચે રહી પોતપોતાની જરૂરીયાતની મુખ્ય સંસ્થાને જાણ કરે છે અને પરીણામે જ્ઞાતીહીત સાધવાનો માર્ગ સરળ થાય છે. આ મુખ્ય સંસ્થાની સ્થાપના પછી દેશકાળને લઈ જ્ઞાતિમાં ઘર કરી બેઠેલા અધર્મ યુક્ત રીવાજોનો ત્યાગ થતો આવે છે અને ઘણા કાળથી એકબીજાથી જુદા પડી ગયેલા પોતાના જ બંધુઓ સાથે ઐકય સાધવાનું મહત્ત્વનું કાર્ય સિદ્ધ થતું જાય છે. આ શુભ કાર્યમાં આપણા કચ્છ વિભાગે પણ કેટલેક અંશે ભાગ લીધો છે, પરંતુ સમસ્ત જ્ઞાતિથી આપણા વિભાગને અલગ પાડી દેનાર અધર્મ યુક્ત પીરાણા સતપંથનો ત્યાગ કરવાનું જે મહાન કાર્ય આપણા વિભાગે કરવાનું છે તે ઉદ્દેશ અને કાર્ય ધ્યાનમાં લઈ “શ્રી કચ્છ કડવા પાટીદાર પરીષદ” નામે આ સંસ્થા સ્થાપવામાં આવી છે જેનો ઉદ્દેશ અને નીયમો નીચે પ્રમાણે છે :—
ઉદ્દેશ :—
૧. આપણી સમસ્ત જ્ઞાતિથી આપણને અલગ પાડી દેનાર તેમજ હિંદુપણામાંથી આપણને ટાળી દેનાર પીરાણા સતપંથને જ્ઞાતિમાંથી સત્વર નાબુદ કરવો અને કોઈ પણ જોખમે અને ખરચે એ કાર્ય પ્રથમ હાથ ધરવું એ આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ છે.
૨. આપણને સમસ્ત જ્ઞાતિથી અલગ પાડી દેનારા અથવા જે સનાતન હિંદુ ધર્મ શાસ્ત્રોથી વિરૂદ્ધ હોય તેવા જ્ઞાતિ રીવાજો નાબુદ કરી સમસ્ત જ્ઞાતિ સાથે તે સંબંધ વધારે સચવાય તેવા ઉપાયો યોજવા.
૩. જ્ઞાતીની આર્થિક સ્થિતિ સુધારવા અને ઐક્ય સાધવા માટે ખાસ જરૂરનું છે કે દરેક ભાઈએ પોતાના જ્ઞાતિ બંધુને બનતી મદદ કરવી તેમજ જ્ઞાતિમાં વિદ્યા વધારવી, ખેતીવાડી સુધારવી વળી દેશની અન્ય જ્ઞાતિઓની હરીફાઈમાં આપણી કોમ પછાત રહી જાય નહીં તે માટે જે કંઈ કરવું યોગ્ય જણાય તે કરવું.
૪. ઉપદેશકો રોકીને, સભાઓ ભરીએ ચોપાનીયા કે પુસ્તકો પ્રસિદ્ધ કરીને જ્ઞાતિમાં જ્ઞાનનો ફેલાવો કરવો તેમજ સંસ્થાના ઉદ્દેશો બર લાવવા માટે જ્યારે જ્યારે જરૂર જણાય ત્યારે જ્ઞાતિ બંધુઓની મદદ લઈને કીંવા રાજદરબારે અરજો કરીને પણ દાદ મેળવવાનું કાર્ય જ્ઞાતિ હીતાર્થે કરશે અને સંસ્થાનના કાર્ય માટે પગારદાર અથવા બીન પગારદાર માણસો રાખીને તેમજ યોગ્ય ખરચો કરીને પણ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ બર લાવવામાં આવશે.
૫. સંસ્થાનું દરેક પ્રકારનું કામકાજ કચ્છ દેશના જ રહીશ હોય એવા કડવા પાટીદાર બંધુના હીતાર્થે જ થશે પરંતુ એવો પણ ઉદ્દેશ છે કે આ સંસ્થાની સ્થિતિ સુધરતી હોય તો જ્ઞાતિ વિસ્તારમાં બીજા ભાગો તરફ પણ ધ્યાન આપવામાં આવશે. વળી કોઈપણ પ્રયત્ને સમસ્ત જ્ઞાતિનાં આપણા વિભાગનું પ્રતિનિધિત્વ સાચવી રાખવા આ સંસ્થા બનતા દરેક પ્રયત્નો ચાલુ રાખશે.
નિયમો :—
૧. કોઈ પણ વિભાગના કડવા પાટીદાર બંધુઓ આ સંસ્થાના મેમ્બર થઈ શકશે અને સભા તરફથી નક્કી કરવામાં આવેલી ફી આપવાથી અને સંસ્થાના ઉદ્દેશ અને નીયમોનો અંગીકાર કર્યેથી મેમ્બર તરીકે દરેક હક તેને પ્રાપ્ત થશે.
૨. સંસ્થાની મુખ્ય ઓફીસ મુંબઈ ખાતે રહેશે જરૂર જણાતાં બીજી જગ્યાએ પેટા ઓફીસો ખોલવામાં આવશે.
૩. સંસ્થાનો ઉદ્દેશ બર લાવવા માટે બહુમતીનો ઉપયોગ થશે અને જે જે ભાઈઓ જે જે કાર્ય માટે યોગ્ય જણાશે તેમની કમીટીઓ દ્વારા અથવા તો વ્યક્તિ પ્રત્યે નીમણુંક કરવામાં આવશે. સંસ્થાનો ઉદ્દેશ બર લાવવા અને તેનો વહીવટ કરવા સારું એક વ્યવસ્થાપક મંડળ નીમવામાં આવશે અને તે મંડળને સંસ્થાના ઉદ્દેશના અંગે ઉત્પન્ન થતું દરેક કાર્ય કરવાની સત્તા રહેશે અને તે માટે ખરચ પણ કરી શકશે.
૪. આ સંસ્થાની બેઠક દર વરસે ભરવામાં આવશે અને તે દરમ્યાન વ્યવસ્થાપક મંડળને કોઈ ખાસ સભા બોલાવવાની જરૂર પડે તો તે બોલાવી શકશે. સભા બોલાવવાની ખબર દરેક મેમ્બરને ઓછામાં ઓછા ૧૫ દીવસ અગાઉથી આપવામાં આવશે.
૫. વ્યવસ્થાપક મંડળ પોતાની સભા જ્યારે જ્યારે જરૂર જણાશે ત્યારે બોલાવી શકશે અને ઓછામાં ઓછા ૧/૩ જેટલા મેમ્બરો હાજર હશે તે વખતે સંસ્થાના ઉદ્દેશ વિરૂદ્ધ જતા ન હોય તેવા જરૂર પડતા પેટા નીયમો ઘડવાની તે મંડળને સત્તા રહેશે.
૬. સંસ્થાનો ઉદ્દેશ બર લાવવા માટે સંસ્થાના નિભાવ અર્થે અથવા સભામાં પસાર થયેલા ઠરાવોના અમલ અર્થે જે કાર્ય કરવાનું પ્રાપ્ત થશે તે માટે કોઈ ખાસ ફંડ કરવામાં નહિ આવ્યું હોય તો સંસ્થાના સામાન્ય ફંડના નાણામાંથી તે માટે ખર્ચ કરવામાં આવશે. સંસ્થાના નાણાં અને હીસાબ તેમજ રજીસ્ટરો કે ચોપડા વગેરે રાખવાનો વહીવટ સંસ્થા અગર તેવી સત્તાવાળી કમીટી જે જે વખતે જેવા જેવા ઠરાવો કરશે તેને અનુસરીને રહેશે અને તે તપાસવાનો કોઈ પણ મેમ્બરને સંપૂર્ણ હક રહેશે.
૭. સભાનો સ્તુત્ય હેતુ બર લાવવા માટે જે કોઈ વિઘ્ન રૂપ જણાય તેનો યોગ્ય રીતે નીકાલ લાવવાની વ્યવસ્થાપક કમીટીને સંપૂર્ણ સત્તા રહેશે અથવા તે કમીટી તે કાર્ય માટે પદ્ધતિસર જેની નીમણુંક કરે તેણે કરેલું કાર્ય સંસ્થા તરફથી ઠરેલું ગણાશે.
૮. દરેક સભામાં થતા કામકાજની એક નોંધ વ્યવસ્થાપક કમીટી તરફથી રાખવામાં આવશે. તે પ્રીસાઇડિંગ બુક ગણાશે. દરેક સભા પછી તે મોટી હોય કે વ્યવસ્થાપકોની હોય તેના કાર્યનો હેવાલ લખાઈ ગયા બાદ તે કાર્ય જેના અધ્યક્ષપણા નીચે થયું હોય તે તેના નીચે પોતાની સહી કરશે.
૯. કોઈ પણ મેમ્બર સંસ્થાના ઉદ્દેશ કે હેતુ અને નિયમોથી વિરૂદ્ધ જવાપણું બને તેવો કોઈ પ્રકારનો હક અથવા વર્તન કરી શકશે નહિ.
૧૦. સંસ્થાએ પસાર કરેલા ઠરાવોનો અમલ કરાવવો અને કરવો એ દરેક ભાઈની ફરજ ગણાશે અને જે કાર્ય માટે જેની નીમણુંક કરવામાં આવી હોય તે બંધુ તેના કાર્ય માટે સંસ્થાને જવાબદાર રહેશે. પરંતુ જેની પદ્ધતિસર નીમણુંક નહીં થઈ હોય તેવા કોઈ મેમ્બરના કોઈ પ્રકારના કાર્ય માટે સંસ્થા જવાબદાર રહેશે નહિ.
૧૧. આ સંસ્થાનું કાર્ય એ જ્ઞાતિહિતનું કાર્ય છે. એમ સમજી જે જે વિભાગના ભાઈઓ આ સંસ્થાને જે જે પ્રકારે મદદ કરશે તે ઉપકાર સાથે સ્વીકારવામાં આવશે, પરંતુ પરજ્ઞાતિના કોઈ પણ ગૃહસ્થ તરફની આર્થિક મદદ સ્વીકારવી કે નહિ તેનો વ્યવસ્થાપકો સમયને અનુસરી નિર્ણય કરશે.
સુચના
દરેક ભાઈઓ આ સંસ્થાના નિયમો અને ઉદ્દેશને બરોબર જાણીને અને સમજીને મેમ્બર થયા છે એટલે સંસ્થાનો જ્ઞાતીહીત સાચવવાનો ઉદ્દેશ તેમની મદદ વડે જલદીથી બર આવશે એવી સંસ્થાને ખાત્રી રહે તેટલા માટે નીચેનું અંગીકરણ પત્ર ભરી આપી સંસ્થા તરફ મોકલી આપવું અને જ્ઞાતીહીતના કાર્યમાં જોડાવું એવી દરેક જ્ઞાતિ બંધુઓને વિનંતી કરવામાં આવે છે.
વ્યવસ્થાપક મંડળના મેમ્બરોના નામ મેં પ્રમુખ સાહેબ દેસાઈ ચંદુલાલ મણીલાલ, મિસ્ત્રી નારાયણજી રામજીભાઈ ઘાટકોપર, ભાઈ રતનશી ખીમજી ઘાટકોપર, ભાઈ રતનશી શીવજી કરાંચી, વિશ્રામભાઈ દેવજી ઘાટકોપર, વાલજીભાઈ રામજીભાઈ ઘાટકોપર, વિશ્રામભાઈ પાંચા ગાગાણી કરાંચી, ખીમજીભાઈ શીવજી કરાચી, નાયાભાઈ શીવજી ઘાટકોપર, રતનશીભાઈ કરસન ઘાટકોપર, નાનજીભાઈ વિશ્રામ નેત્રા, (સિદ્ધાંતપુર, સિન્ધ).
રા. નારાયણજી રામજીભાઈ જનરલ સેક્રેટરી
અંગીકરણ પત્ર
શ્રી કચ્છ કડવા પાટીદાર પરીષદ મુખ્ય ઓફીસ મુંબઈ ઘાટકોપર, જોગ હું નીચે સહી કરનાર ……નુખે….ઉંમર વર્ષ….ગામ…ઠેકાણું આ ઉપરથી અરજ કરું છું કે સંસ્થાના ઉદ્દેશ અને નિયમો મેં જાતે સમજીને જાણ્યા છે અને જ્ઞાતિહીતના માટે તે ખાસ જરૂરના છે એવી મારી ખાત્રી થઈ છે એટલે તે પાળવા અને પળાવવા હું મારાથી બનતું કરવાનો વિશ્વાસ આપી આ સંસ્થાનો મેમ્બર થવાની માંગણી કરું છું તે સ્વીકારવામાં આવશે એવી આશા છે. સહી…અંગુઠાની છાપ.
ઠરાવ ૧૦ મો
આ પરીષદનો ઉદ્દેશ બર લાવવા માટે પસાર કરેલા ઠરાવો અને તેના અંગે ઉપરથી થતું દરેક પ્રકારનું કામકાજ કરવાની તથા તે માટે ખર્ચ કરવાની આ પરીષદ પ્રમુખ સાહેબ તથા ભાઈશ્રી નારાયણજી રામજીભાઈ જનરલ સેક્રેટરીને સત્તા આપવામાં આવે છે.
ઠરાવ ૧૧ મો
સ્વ. જ્ઞાતિબંધુ ભાઈ ખેતા ડોસા પોકાર તથા આપણી જ્ઞાતિ પ્રત્યે લાગણી ધરાવનાર રા. મનસુખલાલ રવજીભાઈ મહેતાના ખેદજનક અવસાન માટે આ પરીષદ અંતઃકરણપૂર્વક દીલગીરી જાહેર કરે છે અને તેમના આત્માને ઈશ્વર શાશ્વત શાંતિ આપે તે માટે આ પરીષદ અંતઃકરણ પૂર્વક પ્રાર્થના કરે છે.
ઠરાવ ૧૨ મો
આ પરીષદનો ઉદ્દેશ બર લાવવા અને તેને શોભાવવાના કાર્યમાં અમદાવાદ, વિરમગામ, સરઢલ, રૂપાલ, કડી, કલોલ, પાટડી, સુરત, ભાટપુર, ભાઠા અને કાઠીયાવાડના દુર જેવા સ્થળોથી પધારી જે ભાઈઓએ ભાગ લીધો છે તેમનો અંતઃકરણપૂર્વક આભાર માનવાનો ઠરાવ કરે છે.
ઠરાવ ૧૩ મો
શેઠ સાહેબ વેલજીભાઈ શીવજીએ પરીષદના કાર્યમાં સહાયભૂત થઈ પોતાની વાડી પરીષદના કાર્ય માટે વાપરવા આપી છે તે માટે આ પરીષદ તે સાહેબનો અંતઃકરણપૂર્વક આભાર માનવાનો ઠરાવ કરે છે.
ઠરાવ ૧૪ મો
આ પરીષદના કાર્યને દીપાવવા સ્વયં સેવકોએ અને તેના કેપ્ટનોએ શ્રમ લઈ જે જ્ઞાતિ સેવા ઉઠાવી છે અને બહાર ગામથી આવનારા ભાઈઓના ઉતારા અને ભોજન કાર્યમાં તથા સભા મંડપ વગેરેની ઉત્તમ વ્યવસ્થા રાખવા માટે રા. રતનશીભાઈ કરસનદાસ તથા રા. વાલજીભાઈ રામજીભાઈને ધન્યવાદ આપવાનો આ પરીષદ ઠરાવ કરે છે.
ઠરાવ ૧૫ મો
સનાતન વૈદીક ધર્મના સ્તંભરૂપ “જ્યોતીરવીભુષણ”, “મહોપદેશક”, “વિદ્યા ભાષ્કર” પંડીત કારતાંતીક તથા શાસ્ત્રી નરહરીજી તથા ક્ષત્રિય કુળ દીપક સાક્ષરવર્ય ભાઈશ્રી વસંત અને ગઢસીસાવાળા (કચ્છ) પંડીત પરાશરજી એ પધારી અતિ શ્રમ લઈ પોતાના અમુલ્ય વખતનો ભોગ આપી આપણી જ્ઞાતિને સ્વધર્મ તરફ દોરવા માટે આપણને જે અમુલ્ય ઉપદેશ આપ્યો છે તે માટે આ પરીષદ તેમનો અંતઃકરણપૂર્વક આભાર માને છે.
ઠરાવ ૧૬ મો
રા.રા. ભાઈશ્રી ચંદુલાલભાઈ મણીલાલે અનેક અગવડો વેઠી આ પરીષદનું પ્રમુખપદ સ્વીકારી બેઠકનું કાર્ય ઉત્તમ રીતે બજાવ્યું છે તે માટે આ પરીષદ તેમનો અંતઃકરણપૂર્વક આભાર માને છે અને તેમણે સ્વીકારેલી જ્ઞાતિ સેવા બજાવવા માટે પ્રભુ તેમને બળ બુદ્ધિ અને દીર્ઘાયુષ્ય બક્ષે એવી પ્રભુ પ્રત્યે પ્રાર્થના કરે છે.
ઉપરોક્ત ઠરાવો આપણા હિતાર્થ માટે અવશ્યના છે અને તે મુજબ વર્તવાથી આપણી જ્ઞાતિનું ભલુ થશે ઉપરાંત આપણામાં જે અજ્ઞાનતાએ વાસ કીધો છે તે સર્વાંશે નષ્ટ થશે.
પીરાણા પંથના ધતીંગ તરફ આપણી જ્ઞાતિ ભોળવાઈ ગઈ છે એમાંથી બચવા આપણે દરેક કોશિષ કરવી જોઈએ છે અને તેમ કરી આપણા સ્વધર્મ—હિંદુ ધર્મનું સંરક્ષણ કરવાની આપણી ફરજ છે એવું અત્રે ઉમેરીએ છીએ અને આશા રાખીએ છીએ કે આપણાં જ્ઞાતિ બંધુઓ તેનું યથાર્થ પરિપાલન કરવા જ્ઞાતિ સેવા બજાવવા બહાર આવશે અંતમાં પરિષદમાં અને બીજી રીતે ભાષણો અને ઉપદેશ દ્વારા આપણું ભલું ઇચ્છતા અને ઉપદેશ કરતા પંડિત કાર્તાતિક તથા શ્રીયુત નરહરી તથા પારાશર અને ભાઈ ગણાત્રા (વસંતે) જે જે સેવા બજાવી છે તે માટે અમો તેઓ બધાનો એક સામટો આભાર માનીએ છીએ અને ભવિષ્યમાં તેઓશ્રી આપણને અમુલ્ય બોધ આપી સાચા રસ્તે દોરવાની પરમાત્મા તેમને બુદ્ધિ બળ, અને સામર્થ્ય વધુને વધુ અર્પે એવી શ્રી પરમાત્મા પ્રત્યે અમારી પ્રાર્થના છે.
ઠરાવો પ્રત્યે બોલતાં જ્ઞાતિહીત ચિંતક અને પરિષદના પ્રમુખ તથા સ્વાગત મંડળનાં સરનશીને નિમ્ન યુક્ત ભાષણો પોતાની મધુર વાણીમાં કર્યાં હતાં.
સ્વાગત મંડળના પ્રમુખ શ્રીયુત વિશ્રામભાઈ દેવજી પટેલ વીરાણીવાળાનું ભાષણ
પતીતપાવની ગંગા સ્વરૂપ જ્ઞાતિના પ્રિય બંધુઓ ! દેશપ્રેમી ભાઈઓ !! પુજ્ય માતાઓ અને વંદનીય બહેનો !!! આપ ભાઈઓ અને બહેનો તેમજ દેશપ્રેમી અન્ય જ્ઞાતીના બંધુઓ આપણી જ્ઞાતિની ઉન્નતિ અર્થે જુદા જુદા સ્થળો જેવાં કે કચ્છ—કરાંચી—ગુજરાત અને સિંધ પ્રદેશ માંહેલા હૈદરાબાદ સિદ્ધાંતપુર વગેરે ઠેકાણેથી અતિશ્રમ વેઠી ભારત વર્ષના મુગટ રૂપ ગણાતા મુંબઈ શહેરના એક અંગરૂપ ઘાટકોપરમાં આપણી જ્ઞાતિની ત્રીજી પરીષદને ફતેહમંદ બનાવવા માટે અતીશ્રમ વેઠી પધાર્યા છો એ જાણી મને ભારે આનંદ થાય છે. શિષ્ટાચારના સિદ્ધાંત પ્રમાણે અતીથી સત્કારના નીતિમય નિયમ પ્રમાણે, આપ પધારેલા બંધુઓ અમારા મોંઘેરા મહેમાનોનો સત્કાર કરવાનું કામ અત્રેના અમારા જ્ઞાતિ ભાઈઓએ મને સોંપ્યું છે, જેથી હું મારી જાતને અહોભાગ્યશાળી માનું અને પધારેલા દરેક ભાઈઓ તેમજ બહેનોનો ઉપકાર માનું છું.
જ્ઞાતિ બંધુઓને આવકાર
દેશ—પરદેશથી પધારેલા ભાઈઓને અભિનંદન આપવાનું કાર્ય હું એવું ઇચ્છતો હતો કે તે સ્વાગત કમીટીએ મારા કરતાં કોઈ વધારે લાયક ભાઈને સોંપવું જોઈતું હતું. પરંતુ અત્રેના બધા ભાઈઓની ઇચ્છાથી આ આનંદમય કાર્ય બજાવવા માટે મારી જ પસંદગી કરી છે. ત્યારે એ કાર્ય હું અત્યંત આનંદીત થઈને બજાવવા તૈયાર થયો છું. ભુતકાળના આપણી જ્ઞાતિ ઉન્નતિના અંધકારમય સમય તરફ મારી દૃષ્ટિ ફેરવું છું તો મને મારી શક્તિની અલ્પતાનું ભાન થાય છે. આજથી ચાર વર્ષ પહેલાં સને ૧૯૨૦ના ઓગસ્ટની તારીખ આઠમીએ આપણી જ્ઞાતિની પહેલી પરિષદ મળેલી તે પરિષદના બાહોશ અને સામાજીક પ્રશ્નોને પૂરતી રીતે જાણનાર સ્વાગત કમીટીના પ્રમુખ ભાઈશ્રી નાનજી પચાણ નાકરાણી તરફથી વિદ્વતાપૂર્ણ શબ્દોથી આપનું થયેલું સ્વાગત અને ત્યાર પછી સને ૧૯૨૨ના ઑક્ટોબર માસની તા. ૭મીએ આપણી જ્ઞાતિની દ્વિતીય પરીષદના સ્વાગત મંડળના પ્રમુખ માન્યવર ભાઈશ્રી ખેતાભાઈ ડોસા પોકાર ગામ નખત્રાણાવાળા તરફથી એક સારા વિદ્વાનને શોભે તેવું આપનું થયેલું સ્વાગત એ તમો પધારેલા ઘણા ભાઈઓ તેમજ બહેનો જાણો છો. ઉપરોક્ત પ્રસંગોએ જેમ યોગ્યતા સન્માન અને નીયમો જળવાયા છે તેમજ આ પ્રસંગે પણ થવું જોઈએ પરંતુ તે ભાઈઓની વિશાળ બુદ્ધિ અને સાધનોની દૂર પાસે અમારાથી કંઈ બની શક્યું નથી. તો પણ હાલના જમાનાને અનુસરીને તમારાં સુખ સાધનો માટે જે કંઈ ગોઠવણો કરવામાં આવી છે તેમાં ન્યુનાધીકતા રહી ગઈ હશે તો તમો સજ્જનો મનમાં ઓછું નહીં આણતાં સંતોષ માનશો એવી આશા છે.
આપણી જ્ઞાતી ઉન્નતિના આ મહાન કાર્યમાં સફળતા મળવાના ઉદ્દેશથી આપે અત્રે પધારવા રસ્તાઓની હાડમારીઓનાં દુઃખો ભોગવી જે શ્રમ અને તસ્દી લઈ અમારા આમંત્રણને માન આપી આપ પધાર્યા છો તેના માટે હું આપને ધન્યવાદ આપ્યા વિના રહી શકતો નથી. આપે અત્રે પધારવામાં જો પોતાનું કર્તવ્ય અને ફરજ માની હોય તો આ કાર્યની સાફલ્યતા ઉલટ અને ફતેહમાં જરા પણ શંકા નથી. આ આપણી જ્ઞાતિના તૃતીય મહોત્સવમાં આ ભવ્ય જ્ઞાતિના મેળાવડામાં આપની આજની હાજરી અને ઉમંગ એવી પૂરેપૂરી દૂર આપે છે કે કચ્છના કડવા પાટીદાર જ્ઞાતિના અભ્યુદયનો આ અચુક પુરાવો છે.
અત્રે એકત્ર થવાનો સબબ શો ?
પ્રિય જ્ઞાતિ બંધુઓ અને દેશપ્રેમી ભાઈઓ આપણે જે અત્રે ભેગા થયા છીએ તે મુંબઈ શહેરની કે તેનાં પરાંઓની રમણીયતા જોવા નહિ તેમજ હુન્નર ઉદ્યોગ કે કળાની ખીલવણી અર્થે પણ આપનું ખાસ ભેગું થવું એમ પણ નથી. પરંતુ ભેગા થવાનું ખાસ કારણ તો એ છે કે આપણી કડવા પાટીદાર જ્ઞાતિમાં કેટલાક નઠારા રીતરીવાજો ઘર કરી બેઠા છે તેને નિર્મુળ કરવા. તેમાં પણ કચ્છ તરફના કડવા પાટીદાર ભાઈઓ જે ધાર્મિક અધોગતી ભોગવે છે તેને સતમાર્ગે દોરવા માટે જ આ પ્રયત્ન છે, અને એ પ્રયત્ન સફળ કરવા માટે આપણી જ્ઞાતિના આપણા ગુજરાતી બંધુઓએ જે મહાન અને કિંમતી વખતનો ભોગ આપી આપણા હીતમાં તેઓએ પોતાનું હીત માન્યું છે. એવા ભાઈઓની સલાહથી તેઓના બુદ્ધિ બળથી આપણે આપણી કચ્છની જ્ઞાતિની અધમ દશા મટાડી શકીશું એવો મને વિશ્વાસ સંપૂર્ણ છે. આજે દુનિયામાં જે મોટી ઉથલપાથલ થઈ રહી છે, પ્રજા પ્રજા વચ્ચે હરીફાઈઓ ચાલી રહી છે. તેવા પ્રસંગે આપણે માંહોમાંહે લડ્યા કરશું તો આપણું સ્થાન ક્યાં હશે ? હાલમાં પણ આપણી સ્થિતિ કેવી કઢંગી અને લજ્જસ્પદ છે તેને સુધારવા પ્રયત્ન નહીં કરીએ તો છેક જ છેલ્લી પાયરીએ આપણું સ્થાન શોભશે. માટે ઘાટકોપરના ભાઈઓએ આપને આમંત્રણ કર્યું છે, તેની યાદ દેવરાવવાની ભાગ્યે જ જરૂર છે. આપણી જ્ઞાતિની સભાનો આ અપૂર્વ અવસર છે અને દરેક વિભાગોમાંથી આપણા બંધુઓ પધારેલા છે એટલે એકબીજાના વિચારો જાણી જ્ઞાતિમાં સુધારો કરવાનું સુલભ થઈ પડશે અને આપણું કાર્ય ઉત્તમ રીતે સાધી શકાશે. મુંબઈ ઘાટકોપરના વતનીઓ તરફથી મારે આપને જે કંઈ કહેવાનું છે તે હું હમણાં ટૂંકમાં જ કહીશ જેનો આપ દીલસોજી પૂર્વક વિચાર કરશો તો આપનો ઉચ્ચ હેતુ અવશ્ય પાર પડશે જ. આપણી પ્રગતિ છેલ્લા સોળ વરસથી આપણી જ્ઞાતિ સ્થિતિ સુધારવા તરફ આપણે ખાસ લક્ષ આપ્યું છે અને તેના પરીણામે ઘણા વર્ષોથી ચાલ્યા આવતા બાળ લગ્નનો હાનિકારક રીવાજ આપણે કેટલેક અંશે સુધારી શક્યા છીએ. મોટી ઉંમરના દીકરા દીકરીઓના લગ્ન હજુ થોડાક જ થયા છે. તદઉપરાંત લગ્ન જેવી અતી ઉત્તમ ધાર્મિક ક્રીયા પીરાણાના પાખંડી મતના આધારે કચ્છ તરફ કરવામાં આવે છે તે ફક્ત ગયા લગનસરામાં જ્ઞાતી સુધારકોની તનતોડ મહેનતના પરીણામે ચારસો લગ્ન વેદવિધી અનુસાર થયા છે. એ ફતેહ પણ ઘણી મોટી છે જે પ્રમાણે જ્ઞાતિ હીત સાધવાને ઉમંગ ભર જુવાનીયાઓ હાલમાં જે પ્રમાણે મહેનત કરી રહ્યા છે તે જ પ્રમાણે ચાલુ રાખશે તો આવતા લગ્નસરામાં આપણી જ્ઞાતિના બાળકોના લગ્ન વેદવીધી અનુસાર તમામનાં થશે. કુદરત મદદગાર છે. કચ્છના કહેવાતા જુલમી આગેવાનો પોતાના સ્વાર્થ માટે પીરાણા પંથ અને બાળલગ્ન જેવી અશાસ્ત્રોક્ત રૂઢીઓને પોષી રહ્યા છે તે હવે તેમનાથી રાખી રહે તેમ નથી. દુનિયાની તમામ પ્રજા બાળ લગ્નને ધિક્કારે છે પરંતુ તે બાળ લગ્ન બાર અને ચૌદ વરસના છોકરાઓનાં લગ્નના માટે કહે છે. આપણામાં તો બાળ લગ્ન પણ શાના કહેવાય. ચાલીસ દીવસના છોકરાઓના લગ્ન કરી નાખતા શરમાતા નથી. ત્યાં બીજી જ્ઞાતિઓ દશ અને બાર વરસના લગ્ન કરી શરમાય છે તે માટે આપણે કેટલા પછાત છીએ તેનો વિચાર તમો ભાઈઓ સભામાં કરશો.
બાળ લગ્નનાં કજોડાં
બાળ લગ્નના પ્રતાપે કજોડાં થાય છે ચાલીસ દિવસના છોકરાઓના જ્યાં લગ્ન થાય ત્યાં ઉંમરનું પ્રમાણ કન્યા કરતાં વર ઓછામાં ઓછો પાંચ વર્ષ મોટો હોવો જોઈએ એ ક્યાંથી બને ? અરે તે સિવાય કચ્છમાં તો ઘણે ભાગે કન્યાઓ જ મોટી હોય છે અને તે લગ્નનું ટાકણું ન ટળી જાય એટલા માટે વર કરતાં કન્યા બે ત્રણ વર્ષ મોટી હોય. એવા દરેક લગ્ને સેંકડો લગ્ન થાય છે અને તેનાં પરીણામો કેવાં નઠારાં આવે છે તે આપણે આપણી સગી આંખે જોઈએ છીએ. એવા લગ્નોને બાળો જલાવી દીઓ તો જ આપણી જ્ઞાતિનું ભલું થશે એ નાલાયક બાળ લગ્નના પ્રતાપે કજોડાં થાય, કજીયા કંકાસ વધે અને છેવટે દૂર કરવાના પ્રસંગો કંપારી છુટે તેવા પ્રમાણમાં થાય છે. આ વાતો દરેક સભાઓમાં પરીષદોમાં રસપૂર્વક ચર્ચાઈ છે પરંતુ તેના કરતાં સંગીનપણે તેના ઉપાયો લેવાનો સરળ રસ્તો આપ સર્વે ભાઈઓની સંમતીથી પરીષદમાં ચર્ચાશે એવી હું આશા રાખું છું.
કન્યા વિક્રયની ક્રૂર પ્રથા
કન્યા વિક્રય જેવી ક્રૂર અને ઘાતક પ્રથા જો કે કચ્છ તરફ આપણી જ્ઞાતિમાં નથી તો પણ કોઈ બેનના કમભાગ્યે રંડાપો પ્રાપ્ત થતાં તે કન્યાના માબાપો તો એક ત્રાંબીઓ પણ લઈ ન શકે પરંતુ વિક્રાળ કાળ જેવા આપણી જ્ઞાતિના ગઢેરાઓ તો આવા પ્રસંગો શોધતા રહેતા જ હોય. કન્યાના માબાપો સ્વતંત્ર રીતે લગ્ન કરી શકતા નથી અને જો કરે તો આગેવાનો કહેવાને તૈયાર જ બેઠા છે. કે તમે કાંઈક છાનો કોટણપો કર્યો છે માટે આ સંબંધ નહિ થાય. અંતે તો આગેવાનોના ખીસ્સાં ભરાય એવા ભાઈઓને જ બૈરાંઓ મળી શકે. અછતના પ્રમાણમાં વસ્તુ માત્રના ભાવ વધે છે એ જગતની બજારોનો એક સામાન્ય કાયદો છે પણ કાયદો પશુઓની કિંમત વધારવા ઘટાડવાનાં વહેવાર સુધી જ આવીને અટક્યો હોત તો ઘણું સારું હતું. પરંતુ કળીકાળમાં માનવ જાતિમાં પણ સ્ત્રી કે પુરૂષોની અછતના પ્રમાણમાં કિંમત વધવા ઘટવા લાગી છે એ એક ઘણું જ ખેદકારક પરીણામ નીપજ્યું છે. સારાં ખાનદાન કુટુંબો પૈસે ટકે સુખી હોય તેને તો કન્યા રંડાએલી કે છુટકાવાળી થોડા ખર્ચે પણ મળી રહે છે. પરંતુ ગરીબ ભાઈઓને હજાર અને પંદરસો કોરીઓ આપે પણ કન્યાઓ મળતી નથી. આપણા દયાળુ ગઢેરાઓ ઘણી વખતે કન્યાઓને કબજે કરી તેનું જાહેર લીલામથી પણ પૈસા ઉત્પન્ન કરે છે. જેનો દાખલો ડજા પર વાળીબાનો હજુ કેસ ચાલે છે તે અને રામજી રતના અકરીવાળાની સ્ત્રીને આગેવાનોએ બારસો કોરીમાં બળજબરીથી વેચી હતી. છોકરીના માબાપોથી કંઈ બોલી શકાય જ નહીં. આ પ્રમાણેનો કચ્છ તરફ કન્યા વિક્રય થાય છે આ સંબંધે સુધારક ભાઈઓ ખાસ મહેનત કરી આગેવાનોથી જે માબાપો ન ડરે અને પોતાની મરજી પ્રમાણે પોતાની દીકરીઓ સુખી થાય ત્યાં આપે તો ગઢેરાઓનું કંઈ પણ ચાલે નહિ અને આપણી જ્ઞાતિમાં જેમ ઢોરોના જાહેર લીલામ થાય છે તેમ આગેવાનો જે હમણાં કરી રહ્યા છે તે તરત અટકી જાય. આ સંબંધે આ પરીષદમાં વાટાઘાટ થશે અને ઠરાવો પણ થશે. તે ઠરાવો ઉપર બોલનારા ભાઈઓ કંઈક વિશેષ અજવાળું પાડશે કે જેથી જ્ઞાતિને શરમાવનારો કન્યા વિક્રયનો નામનો જ માત્ર અપવાદ છે તે દૂર થશે.
છુટાછેડાનો રીવાજ
દૂર કરવાનો રીવાજ આપણી જ્ઞાતિમાં છે અને તે કચ્છમાં પણ છે. પરંતુ તે ખાસ કયા કારણોને લઈને જ કરવામાં આવે છે, તે સિવાય અપવાદ રૂપે બળજબરીથી જે દૂર થયા છે, પ્રથમ સ્ત્રીના માબાપો પરવાનગી આપો તો જ થાય છે. જ્ઞાતિના રીત રીવાજોમાં આ એક બાબત અપવાદ રૂપે વખાણવા લાયક છે. એ જેમ આપણી જ્ઞાતિને અધોગતીની ઊંડી ખીણ તરફ ઘસેડી જતાં બાળલગ્ન અને તે બાળલગ્નની પેટા શાખામાંથી થતાં કજોડાં દૂર કન્યા વિક્રયથી જ્ઞાતિની જે પાયમાલી થઈ રહી છે.
અધોગતિનું બીજું કારણ—મરણ પાછળના જમણ
આપણી જ્ઞાતિની અધોગતિ થવામાં બીજું પણ એક કારણ ખાસ સમાયેલું છે અને તે એકે મરણ પાછળના પ્રેત ભોજનો હિંદુ શાસ્ત્રમાંનું એક પણ શાસ્ત્ર કે પુરાણોમાં કોઈ જગ્યાએ શોધ્યું મળતું નથી કે મરી જનારની પાછળ મિષ્ટાનો ઉડાડવાં, આ પ્રથા લગભગ દરેક જ્ઞાતિમાં છે અને તે શાથી આ રિવાજે ઘર કર્યું છે ? તે બધી વાતો સભામાં ચર્ચાશે. હું તો માત્ર એટલું જ કહેવા માગું છું કે આપણી જ્ઞાતિને ગરીબ અને તદન કંગાળ જેવી સ્થિતિમાં લાવી મુકનાર રીવાજ કીંવા રૂઢી જે મરણ પાછળના જે ઉંડા ખર્ચોએ જ કરી મુકી છે. મારા દેખતાં મને સાભરે તેમ આપણી જ્ઞાતિના ઘણાં કુટુંબો સુખી હાલતમાં હતાં પરંતુ પોતાના વડીલોની પાછળ પોતાની પ્રતિષ્ઠા જાળવવા ગામોને જમાડવામાં ખરાબ ખસ્ત થઈ ગયા છે, એટલું જ નહિ પણ પોતાના ગરાસ ચાસ રાચરંચીલું દર દાગીનો સઘળું આવા જ કામોમાં ગીરો મુકાયા છે અને છેવટે મજુરી જેવો હલકો ધંધો કરવા જેવી સ્થિતિમાં આવી ગયા છે માટે આ સંબંધે પરીષદમાં યોગ્ય રીતે સમજાવવામાં આવશે તો આ જ્ઞાતિની જે આર્થિક સ્થિતિની પાયમાલી થઈ રહી છે તેને નવું જીવન મળશે. આપણી જ્ઞાતિ કેળવણીના અભાવે કણબી પશુ ન માનવી આ ઈલ્કાબને ધારણ કરી રહી છે તે માત્ર કચ્છના પાટીદારોને જ લાગુ પડે છે.
પીરાણા પાખંડી મતની બદી
કચ્છના કણબી જ્ઞાતિના કહેવાતા આગેવાનોએ તો નક્કી જ કર્યું છે કે કણબીનો દીકરો જો ભણ્યો તો વીરાણીવાળા નારાયણ રામજીના જેવો થશે. પીરાણા ધર્મને તેમજ આગેવાનોને નીંદશે માટે જેમ બને તેમ છોકરાઓને અભણ રાખવા તે સિવાય પીરાણા સતપંથના મુંજાવર કાકાઓ અને એ પંથના ચલાવનારાઓની ઉંડી ઉંડી એ પણ ભાવના છે કે જો કણબીનો દીકરો ભણશે તો બીજા હિંદુ શાસ્ત્રો વાંચશે તો આ પીરાણા પાખંડી મતમાંથી નીકળી જશે. તે સિવાય કચ્છની અન્ય કોમોનો પણ થોડો દોષ છે. તેઓની પણ વખતે એવી પોલીસી હોય કે કણબીઓ જો ભણશે તો તેઓ હિસાબ રાખતા શીખશે એટલે વેપારીઓ તેને મુંડી નહિ શકે આવા અનેક કારણો છે, પરંતુ કચ્છમાં કણબી જ્ઞાતિના માટે વાંચવું અને લખવું એટલે ગુજરાતી પાંચ ચોપડી સુધીના અભ્યાસનાં આજથી વીસ વર્ષ પહેલાં ફક્ત વીસ હજારની જ્ઞાતિમાં દશ ભાઈઓ જ હતા. તેમાં આપણી જ્ઞાતિના શુભેચ્છક ભાઈ નારાયણજી રામજી પણ આવી જાય છે. આ પ્રમાણે જ્યાં કેળવણીનો પ્રચાર હોય ત્યાં અજ્ઞાનતા જડતા અને આળસુપણા સિવાય બીજું શું હોય ? હું કેળવણીની વાત કરું છું આ વિષય તો કોઈ સમર્થ વિદ્વાનના મુખે શોભે હું તો અમારી જ્ઞાતિની અધમ દશા માટે અમારા તરફની હકીકત આ પ્રમાણે છે તે કહી રહ્યો છું. અલબત હમણાં દશેક વર્ષ પછી કણબી જ્ઞાતિના બાળકો વિદ્યાભ્યાસ કરવા વધારે પ્રમાણમાં જાય છે, પરંતુ એ કેળવણી ઉંચામાં ઉંચી ડિગ્રી તો ગુજરાતી પાંચ ચોપડીથી વધુ નહિ. અપવાદ રૂપે એકાદ બે ભાઈઓ અંગ્રેજી ચાર કે પાંચ ચોપડી સુધી પહોંચ્યા છે. આવી અમારી દયા જનક સ્થિતિ ઉપર દયા કરવા અમને સમજાવવા આ સભામાં બેઠેલા વિદ્વાનોને મારી નમ્રતાપૂર્વક વિનંતી છે, કેળવણી એ ભણવું એમાં જ એકલો સમાવેશ થતો નથી. માનસિક કેળવણી, શારીરીક કેળવણી, ધાર્મિક કેળવણી આ બધી કેળવણી જરૂર છે. માનસીક કેળવણીના અભાવે આપણી જ્ઞાતિના ડાહ્યા પુરૂષોમાં ખપતા એવા ભાઈઓ પણ અજ્ઞાન મૂરખ અને મુંઢ આગેવાનથી ડરીને પોતા ઉપર ઘાતકી જુલમો ગુજારે છે, તે મુંગે મોંઢે સહન કરી રહ્યા છે, એ ઘણું જ શોચનીય છે. માનસિક કેળવણીના અંગરૂપ શારીરિક કેળવણીની પણ ઘણી જ જરૂર છે. શરીર નબળું હોય તો મન નબળું થાય છે. નબળા શરીરવાળો કાંઈ પણ કરી શકતો નથી.
ધાર્મિક કેળવણીનો અભાવ
ધાર્મિક કેળવણીના અભાવે આપણે આપણી જાત—કુરમી ક્ષત્રીય હોવા છતાં એક યવનને દૂર કર્યા અર્ધદગ્ધ પીરાણાના પંથને સતપંથ માન્યો, પ્રહલાદ, હરિશ્ચંદ્ર અને ધર્માવતાર પાંડવો પણ પીરાણા સતપંથ માનતા હતા એવું માની લીધું. પાંડવોના હાથે ગાય મારવાની વાત આપણે સાચી માની એટલું જ નહિ પણ હિંદુ જ્ઞાતિનો પ્રચલિત રીવાજ લગ્ન અને મરણ પ્રસંગે ચોરી અને ચીતાને આપણે ભૂલી ગયા. બ્રાહ્મણો પાસે લગ્ન કરાવવાથી પાપ થાય, કારણ કે બ્રાહ્મણમાંથી બ્રહ્મા ગયા તે આજ બ્રહ્માજીનું રૂપ ને નબીમામદ પેદા થયા, એમ માની લીધું. મરણ પ્રસંગે અગ્નિ સંસ્કારને બદલે દફનાવી દેવાનું દૂર કર્યું. મુસલમાની કલમાઓ પઢતાં આપણે શરમાયા નહિ, આવી અધમતા આપણામાં જે આવી ગઈ છે તે માત્ર ધાર્મિક કેળવણીની ખામીને લઈને જ કેળવણીનો વિષય એ મહા મહાન વિષય છે, એનો બોધ વિદ્વાનો કરી શકે. મેં તો તમને આપણી સ્થિતિ કેળવણીના અભાવે કેવી થઈ ગઈ છે તે જ કહ્યું કેળવણીના માટે આ સભામાં પધારેલા વિદ્વાન ભાઈઓ આપણને સમજાવશે અને તેથી ઘણું જાણવાનું મળશે. કચ્છના કડવા પાટીદારમાં કહેવાતા આગેવાનો સંબંધે મારે બે બોલ કહેવાના છે અને તે એ કે કણબી જ્ઞાતિમાં પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માટે ગરીબ ભાઈઓ તેમજ બહેનોને રંજાડીને પૈસા પ્રાપ્ત કરવાનું એક સાધન તેઓ જે માની બેઠાં છે, તેઓએ હવે એ નીચ વૃત્તિઓ તજવી જોઈએ, આ જમાનામાં તો હવે નહિ ચાલે. હજુ પણ ચેતાય તો સારું. આગેવાનોના જુલમોના ભાષણો કરાંચી પરીષદ બીજીમાં જે થયાં છે તે બધાં સાચાં છે અને આગેવાનોના માટે કલંકરૂપ છે, માણસાઈપણું તજી દઈ અજ્ઞાનતામાં આમાનુષીક કાર્યો કરનાર કોઈ રાજા મહારાજા કે શહેનશાહની રાજગાદી પણ ટકી નથી તો તમો એક સાધારણ માણસો પોતાના જ ભાઈઓ ઉપર નિર્દયતાથી જુલમ ગુજારો છો, તે પ્રભુ અથવા અન્ય કોમો કેમ સહન કરશે, જ્ઞાતિ સુધારકો આગેવાનોના નફટાઈ ભરેલા ચારીત્રો ગાવામાં હદ ઓળંગી ગયા છે, સભ્યતાની ખામી દેખાય છે. પરંતુ જ્યારે આગેવાનોનાં કુટીલ કારસ્તાનો જોતાં સુધારક ભાઈઓને પણ શું કહેવું હવે બહુ થયું છે. સમય વિચારી બંધુ પ્રેમને યાદ કરી એકબીજા તરફ સ્નેહની નજરે જોતાં શીખાય તો સારું નહિ તો અધર્મી કાર્યોનો અંત હવે આવવાનો જ છે અને તેમાં પણ કહેવાતા જુલમી આગેવાનોની સખત હાર થવાની. ઘડીઓ ગણાય છે માટે આગેવાનોને મારી નમ્રતાપૂર્વક વિનંતી છે કે હવે જમાનાને માન આપી પોતાની ભુલો દૂર કરવામાં ડહાપણ સમાયેલું છે, પ્રભુ તમને સદબુદ્ધિ આપે.
કચ્છની કડવા જ્ઞાતિ પર કાળું કલંક
મારે જે કંઈ કહેવાનું હતું મેં કહ્યું છે. આપનો બહુ જ કીમતી વખત લીધો છે છતાં એક વાત હજુ કહેવાની બાકી રહી જાય છે અને તે વાત એ છે કે કચ્છના કડવા પાટીદાર જ્ઞાતિના શીરે એક કાળું કલંક એ પીરાણા સતપંથને જ્ઞાતિએ ધર્મ માની લીધો છે તે છે, અન્ય જ્ઞાતિના બંધુઓની સમક્ષ મારે આ કથા કહેતા ભારે શરમ થાય છે. છતાં પીરાણાના પાખંડી અર્ધદગ્ધ પંથને ધર્મ સમજી જે અમારા જ્ઞાતિ ભાઈઓ માની બેઠા છે. તેઓને શરમ થતી નથી એ અફસોસની વાત છે.
પીરાણા પંથ સંબંધે આપણી જ્ઞાતિના ભાઈઓ તેમજ આજની પરિષદના સેક્રેટરી ભાઈ નારાયણજી રામજીભાઈએ ઘણું કહ્યું છે અને ઘણા પુસ્તકો લખાયા છે અને એકાદ મહીના પહેલાં જે તેઓના તરફથી એક પ્રાસ્તાવિક નિબંધ બહાર પડ્યો છે. તેમાં હવે બાકી રહ્યું નથી, છતાં આ સભામાં પણ હું આશા રાખું છું કે તેઓ ભાઈશ્રી આપણી અજ્ઞાનતા દૂર કરવા ઘણું અજવાળું પાડી આપણને સમજાવશે તે સિવાય ભાઈશ્રી નારાયણજીભાઈ પીરાણાના અર્ધદગ્ધ પંથના પોલની બુક બહાર પાડવાના છે, મને તો નવાઈ એ લાગે છે કે પીરાણાના અર્ધદગ્ધ પંથની આટલી બધી પોલો બહાર આવ્યા પછી હવે બાકી શું રહ્યું છે ? જેટલું બહાર આવ્યું છે તે જોતા એક પોતાને સાચો હિંદુ કહેવરાવનારો માણસ એક પળવાર પણ પીરાણા પંથનું કાળું કલંક કેમ રાખી શકે ? છતાં હજુ કચ્છની કણબી જ્ઞાતિના પીરાણા પંથને સંગ્રહી રાખનારા બહાદુરોના કંઈ ટોટા નથી પડ્યા, ભાઈ નારણજી રામજીભાઈની પ્રતિજ્ઞા છે કે મારી હૈયાતીમાં પીરાણાના પાખંડી મતની કણબી જ્ઞાતિમાંથી જડ કાઢી નાખીશ અને તેમ કરતાં જો એ જડ ન નીકળી તો પુનર્જન્મ ધારણ કરીને પણ એ પાંખડી મતનું જ્ઞાતિમાંથી નિકંદન કરવાનો એ ભાઈના પ્રયાસને આપણે જેટલો ધન્યવાદ આપીએ તેટલો ઓછો છે, આવા વીર બહાદુરો જ્ઞાતિમાંથી અધર્મનો નાશ કરવા તન, મન, અને ધનના ભોગો આપી રહ્યા છે, છતાં આપણી જ્ઞાતિના ઘણા ભાઈઓ સમજે છે છતાં પોતાના મનની નબળાઈ છોડી શકતા નથી અને હિંદુ સમાજમાં ભારે અપમાન સહન કરે છે, છતાં વળગી રહ્યા છે, એવા ભાઈઓની મને દયા આવે છે. સભામાં પધારેલ વિદ્વાનો તેવા ભાઈઓને ખાસ સમજાવશે અને પરમાત્મા તેઓને સદબુદ્ધિ આપે એમ હું ઇચ્છું છું. પીરાણાના પાખંડી મત ઉપર ભાઈ નારણજીભાઈએ તેમજ અન્ય ભાઈઓએ ભારે તૈયારી કરેલી છે. એટલે આ વાત હું અત્યારે બંધ કરું છું.
ભાઈશ્રી નારણજી રામજીના ભાષણોથી તથા લેખોથી તેમજ અન્ય જ્ઞાતિ ભાઈઓનાં ભાષણોથી વિચારીને ગયા આઠ મહીનાની અંદર થોડા થોડા વખતના અંતરે ગામ દયાપર પાનેલી રવાપર ઘાટકોપર અને માટુંગા વગેરે સ્થળે રહેતા ત્રણસો કુટુંબો પીરાણાના પાખંડી મતનું કાળું કલંક ધોઈ નાંખી શુદ્ધ સનાતન હીંદુ ધર્મની દીક્ષા લીધી છે, જેમાંના ઘણા ભાઈઓ આ સભામાં હાજર છે, તેવા દરેક ભાઈઓને હું મારા તરફથી તેમજ સ્વાગત મંડળ તરફથી ખાસ ધન્યવાદ આપું છું પ્રભુ તેઓના ઉત્તમ કાર્યને મદદરૂપ થાય એવી પ્રાર્થના કરું છું તે સિવાય જેટલા ભાઈઓ જે પીરાણા પાખંડી મતને બિલકુલ માનતા નથી છતાં કેટલાક સંયોગો કુટુંબ કલેશના તથા જ્ઞાતિના આગેવાનોના જુલમની બીકથી રહી ગયા છે. તેઓને મારી વિનંતી છે કે બીવા જેવું કાંઈ નથી. જન સમાજમાં ઉંચું મોંઢું કરી ફરવાનું તમને ગમે છે, માટે એ કલંક હવે વધુ વાર રાખવું એ શોભાસ્પદ નથી. તરતમાં જ દેહશુદ્ધિ પ્રાયશ્ચિત લેવા હું વિનંતી કરું છું.
ઉપસંહાર
પ્રિય જ્ઞાતિ ભાઈઓ દેશપ્રેમી બંધુઓ અને બહેનોને જણાવવાનું કે ઘાટકોપરમાં પરીષદ મેળવવાને અમો ઘણા દિવસથી પ્રયત્ન કરતા હતા. પરંતુ વખત અનુકૂળ નહોતો આવતો જોકે અત્યારે પણ જેવો જોઈએ તેવો વખત અનુકૂળ નથી કારણ કે કામ ધંધાની તમામ માઠાર છે. પૈસાનો પણ પૂરો અભાવ છે, છતાં ઘાટકોપરમાં જ્યાં સુધી પરીષદ ન ભરાય ત્યાં સુધી ઘાટકોપરવાસી ભાઈઓને ભારે શરમ જેવું લાગતું હતું. પરંતુ તમો સૌ ભાઈઓના પ્રતાપે કુળદેવી ઉમીયા માતાની ઇચ્છાથી આજે અમે અમારું કર્તવ્ય બજાવવા ભાગ્યશાળી થયા છીએ. આજનો દિવસ અપૂર્વ આનંદનો છે, જ્ઞાતિ હીતને માટે વિચાર કરવાને આ ગામમાં અમને જ્ઞાતિ પરીષદ મેળવવા પ્રથમ પ્રસંગ પ્રાપ્ત થયો છે. ઘાટકોપરવાસી ભાઈઓએ જ્ઞાતિનું હિત એ પોતાનું હીત માન્યું છે, જેથી હું સભાને ખાતરી આપું છું કે જ્ઞાતિ હિતના કાર્યમાં અમો પછાત રહેશું નહિ. જ્ઞાતિ ઉન્નતીના કાર્યોમાં અમારાથી બનતી કોશીશો કરી છે, અને કરીશું. જ્ઞાતિના હીતાર્થે આ પરીષદ મળી છે, તેનું અવશ્ય રૂડું પરીણામ આવશે, આ પરીષદમાં પણ સૌ ભાઈઓ તન, મન અને ધનથી જ્ઞાતિ સેવાનું અમુલ્ય ફળ પ્રાપ્ત થાય એવા જ્ઞાતિ હીતના કાર્યો આ સભામાં હાથ ધરવામાં આવશે એવી મારી નમ્ર પ્રાર્થના છે આ સભામાં જે બહેનોએ પધારી અમને આભારી કર્યાં છે, તેઓને બે બોલ મારે કહેવાના છે અને તે એ કે જ્ઞાતિ હીતના કાર્યોમાં તમારી મદદની ખાસ જરૂર છે, એક હાથથી તાળી પડતી નથી, બે પૈડાં સિવાય ગાડી ચાલી શકે નહિ, ઘણા ભાઈઓની એ ફરીયાદ છે કે પીરાણા ધર્મને તજવામાં ઘર કલેશ થાય છે. માટે તમારે તમારા સ્વામીની ઇચ્છાનુસાર ધર્મ કાર્યમાં તમારી સંપૂર્ણ મદદ વીના તે ન થાય. અમો દયાપર ગામે ગયા હતા ત્યાં પુરૂષ વર્ગ કરતાં બહેનોનો ઉત્સાહ અમે વધુ જોયો અને એ ઉત્સાહના પરીણામે દયાપર ગામે આજે કણબી જ્ઞાતિનું નામ અમર કર્યું છે, રામકૃષ્ણાદી અવતારો, મહારાજા પ્રતાપસિંહજી, શીવાજી, મહાત્મા ગાંધી, તિલક મહારાજ એવા એવા અનેક નર રત્નોને જન્મ આપનારી માતાઓ પણ તમારા જેવી જ હતી.
સીતા દમયંતી અને સાવિત્રી જેવી સતિઓ પણ માતાના પેટે જ અવતરી હતી. આપણી જ જ્ઞાતિનાં સરોજની નાયડુ (મદ્રાસ તરફ કણબી જ્ઞાતિને નાયડુની ઉપમા અપાય છે,) એ પણ તમારી જ બેન છે. આગળનાં દાખલાઓ ન લેતાં આ એક દાખલો અત્યારનો જુઓ. ભારતની દેવકન્યા સમાન શ્રીમતી સરોજની નાયડુ દેશના માટે શું શું કાર્ય કરી રહ્યાં છે, આફ્રિકાની ગોરી પ્રજાને હચમચાવી રહી છે. એ પણ આપણી જ્ઞાતિની જ બેન છે, તો તમે બીજું કાંઈ ન કરી શકો તો પણ આપણી જ્ઞાતિના હીતમાં પોતાના પતિને સહાનુભૂતિ આપ્યા સિવાય કેમ ચાલે તમો તો શક્તિનો અવતાર છો તમો ધારો તે કરી શકો. માટે જ મારી નમ્ર વિનંતી ધ્યાનમાં લેશો અને જ્ઞાતિના ઉદયમાં તમારો પણ હિસ્સો જ હોવો જોઈએ જે ભુલશો નહિ. છેવટે અન્ય જ્ઞાતિના ગૃહસ્થો વિદ્વાનો પંડીતોએ ભારી કૃપા દૃષ્ટિ કરી અમારી દુઃખી જ્ઞાતિની દાઝ હૃદયમાં ધરી અમારા દુઃખમાં ભાગ લેવા પધાર્યા છો. તેનો ઉપકાર હું શી રીતે વાળું તમને તો મારા નમસ્કાર છે, નમ્રતાપૂર્વક વિનંતી કરું છું કે જેવી રીતે આજે આપ પધાર્યા છો, તેવી જ રીતે અમારી જ્ઞાતિનું કાર્ય ચાલે ત્યાં સુધી બાકીના બે દીવસોએ પધારીને તમારી વીદ્રતાની પ્રસાદી અમારા જ્ઞાતિ ભાઈઓને આપવા કૃપા કરશો એટલું જ નહિ પણ અમારી જ્ઞાતિ અજ્ઞાનતા અંધકારમાં ગોથા ખાય છે, તેનો હાથ પકડી સત્યના સૂર્યના દર્શન કરાવવા તમારાથી બને તેટલું કરી અમને અમારી જ્ઞાતિ સુધારવામાં મદદમાં કરશો એ મારી પ્રાર્થના છે.
સભામાં પધારેલા દરેક ભાઈઓ તથા બહેનોએ મારું ભાષણ શાંતિપૂર્વક સાંભળ્યું છે, એટલું જ નહિ પણ અમારા આમંત્રણને માન આપી આપે ખાસ તસ્દી લઈ અમારા જ્ઞાતિ હીતના કાર્યને દીપાવવા અમને અનુકૂળતા કરી અમારી ઉપર મોટો ઉપકાર કર્યો છે. તેના માટે અમો તમારા હંમેશના ઋણી રહેશું. આટલું બોલી મારું ભાષણ પૂરું કરું છું અને પરીષદના કાર્યમાં જોડાવાને દરેક ભાઈઓ તેમજ બહેનોને વિનંતી કરું છું.
સ્વાગત કમીટીના પ્રમુખનું ભાષણ સમાપ્ત થયા પછી પરિષદના સેક્રેટરી ભાઈ નારાયણજી રામજીએ પરિષદના પ્રમુખ મહાશય હવેથી પોતાનું ભાષણ શરૂ કરશે તે તમો એક ચિતથી સાંભળશો એવું જાણ કરતાં સભાના સર્વ માણસોએ તાળીઓના ગડગડાટ સાથે ઉભા થઈ પરિષદના પ્રમુખ મહાશયને માન આપ્યું હતું અને શેઠ ચંદુલાલ મણીલાલ દેસાઈએ પોતાનું વિદ્વતા ભર્યું વ્યાખ્યાન શરૂ કરેલ જે નીચે મુજબ છે.
પરીષદના પ્રમુખ શેઠ ચંદુલાલ મણિલાલ દેસાઈનું ભાષણ
પ્રિય જ્ઞાતિ બંધુઓ, સદગૃહસ્થો, માતા અને પૂજ્ય બહેનો, મોહમયી મુંબઈનગરીના એક અંગરૂપ ગણાતા ઘાટકોપરમાં શ્રી કચ્છ કડવા પાટીદાર પરીષદના ત્રીજા મહોત્સવના પ્રમુખપણાનું અપૂર્વ અને અનુપમ માન આ સેવકને આપવાની આપ સર્વે ભાઈઓએ કૃપા કરી છે તે માટે હું તમારો અત્યંત આભારી છું.
પ્રમુખપદની દરખાસ્ત મુકનાર શ્રીયુત નારાયણજી રામજીભાઈએ મને ઉદ્દેશીને જે માનપ્રદ શબ્દો ઉચ્ચાર્યાં છે, એટલું જ નહિ પણ જે મહાન વિશેષણો વાપર્યા છે, તે મારી મિથ્યાભિમાની વૃત્તિને ઉત્તેજીત કરનારાં છે, એટલું જ નહિ પણ એ સર્વ અતિશયોક્તિ ભરેલાં છે, મારા તરફના તેઓના સ્નેહના પક્ષપાતને લઈ મારાં જે વખાણ કર્યાં છે. તેના માટે તેમનો અને બીજા ભાઈઓએ જે પ્રમુખપદ માટે ટેકો આપ્યો છે, તેઓ સર્વેનો ઉપકાર માનું છું.
ઈશ્વર કૃપાથી આપણી બહોળી જ્ઞાતિમાં તેવાં અનેક નરરત્નો આપણી જ્ઞાતિમાં બીરાજે છે કે જેની આગળ હું અલ્પ સમાન છું. આ સભાની અંદર પણ મારા કરતાં વિદ્વાન બુદ્ધિવાન, નીતિવાન, વિનયવાન, પરોપકારી, કાર્ય કુશળ અને બીજા અનેક ઉત્તમ સદ્દગુણોથી ભરપૂર સમગ્ર જ્ઞાતિ સમુહને શોભાવે તેઓમાંના કોઈ ભાઈની આ ઉચ્ચ સ્થાને યોજના થઈ હોત તો વ્યવહાર દૃષ્ટિની યોગ્યતા વધારે જળવાત અને કાર્ય સિદ્ધિનો માર્ગ વધારે સરળ થાત.
પ્રિય જ્ઞાતિ બંધુઓ, આવડી મોટી ગંજાવર સભાના પ્રમુખપણાની જિમ્મેદારી કંઈ નાનીસુની નથી, મારા જેવા સાધારણ માણસના ગજા ઉપરનું કામ છે. છતાં આપ સર્વે મુરબ્બી ભાઈઓની આજ્ઞાને માન આપી એ ભાર ઉપાડવાનો સ્વીકાર કરવાનું મેં સાહસ કર્યું છે, તે એવી ઉમેદથી કે, આપણી જ્ઞાતિની પરિષદના કાર્યવાહકો, વિદ્વાનો તથા અન્ય સર્વે ભાઇઓ મારા દોષને તથા અપૂર્ણતાઓને સુધારી લઈ શુદ્ધ અંતઃકરણથી અને ભાતૃભાવથી મારી સહાયતામાં રહેશે એવી આપને પ્રાર્થના કરું છું. સ્વજ્ઞાતિ પ્રત્યેનો સેવાભાવ તો મેં લાંબા સમયથી સ્વીકાર્યો છે અને આજના પ્રસંગથી એ બંધન અધિક બળવાન બને છે. આપે સોંપેલું કાર્ય વિકટ છે, પણ મારી અલ્પ શક્તિ પ્રમાણે બનતી સેવા કરીશ.
આપણો ઇતિહાસ શું દેખાડે છે.
વ્હાલા ભાઈઓ અને બહેનો દેશના જુદા જુદા ભાગોમાંથી તસ્દી લઈ અને સંકટો સહન કરી પૈસાનો ભોગ આપી આપણે અત્રે એકત્ર થયા છીએ, એ ઉપરથી એ અનુમાન થાય છે કે આપણે અત્રે એકઠા થવું ઘણું જરૂરી છે. કોઈ પણ કાર્ય જરૂરીયાત વગર કોઈ કરતું નથી, આ સભા મંડપમાં આપણને હાજરી આપવાથી જે આનંદ થાય છે તે જાણે દૈવી આનંદ ન હોય એવું મને સમજાય છે, કોઈ દુઃખી માણસના દુઃખનું આપણા હાથે નિવારણ થતાં હૃદયમાં જે આનંદ થાય અને તેનું અંતઃકરણ આપણા તરફ જે માયા ભરી દૃષ્ટિ ખેંચાતું હોય તે ભાવથી આજે આપણા અંતઃકરણો એક બીજા બંધુઓના દર્શનથી આનંદીત થાય છે, સ્વ જ્ઞાતિના હીતમાં આપણું પણ હીત સમાયલું છે, તેથી એ ઉદ્દેશ હંમેશા યાદ રાખીને જ્ઞાતિ હિતના કાર્યમાં પ્રવૃત્તિ કરવી જોઈએ. અહીં આ આપણે એક જ ગામ કે પરગણાના હીત માટે મળ્યા નથી, પરંતુ આપણી જ્ઞાતિ કચ્છ, કાઠીયાવાડ, ગુજરાત, માળવા નીમાડ જેવા દુર દુર દેશોમાં આપણે રહીએ છીએ છતાં એક જ કુટુંબનો આપણો આ પરિવાર છે, તે કોઈ કાળે ભુલવું જોઇએ નહીં. ઘણો કાળ થઈ જવાથી દેશ ચાલ મુજબ આપણા પહેરવેશ અને બોલવામાં એકબીજાથી જુદાપણુ લાગે છે, પરંતુ આપણા મુખ્ય રીવાજો ધર્મ કુળ અને અસલ સ્થળો જોતાં આપણે એક જ જ્ઞાતિના બંધુઓ છીએ એ સમજાયા સિવાય રહેતું નથી. તેના અનેક ઇતિહાસિક દાખલાઓ આજે પણ મોજુદ છે, આપણા વડીલોએ ગામો વસાવ્યાની તેમજ આપણી પ્રાચીન જાહોજલાલી ભરેલી સ્થિતિ જેને જાણવી હોય તેમણે આપણી જ્ઞાતિના નરરત્ન સ્વર્ગસ્થ કર્મવીર બંધુ ભાઈશ્રી પુરૂષોત્તમભાઈ લલ્લુભાઈ એ રચેલાં શ્રી “કણબી ક્ષત્રિય ઉત્પત્તિ અને ઇતિહાસ” નામના પુસ્તકનો અભ્યાસ કરવો કણબી ક્ષત્રિય ઉત્પતી અને ઇતિહાસ નામનું પુસ્તક આપણી જ્ઞાતિના માટે “રામાયણ અને મહાભારત” ની ઉપયોગિતા જેવું છે. આપણી જ્ઞાતિનો સાચો ઇતિહાસ તેમાં સમાયેલો છે, માટે એ પુસ્તક જ્ઞાતિના દરેક ભાઈએ અવશ્ય વાંચવું અને મનન કરવું જ જોઈએ એ ઇતિહાસમાં આપણી કચ્છ તરફની કડવા પાટીદાર જ્ઞાતિનો પણ ઇતિહાસ છે અને એ ઇતિહાસિક દૃષ્ટિએ આપણો જ્ઞાતિ સંબંધ જે જળવાઈ રહ્યો છે, તે જાણી મને ભારે આનંદ થાય છે. સંવત ૧૫૮૦ {VSAK: 1532} ની સાલથી તે સંવત ૧૮૩૨ {VSAK: 1776} ની સાલ સુધી ગુજરાતના જુદા જુદા ગામોમાંથી કચ્છ તરફ પાટીદારો ગયાનો ઉલ્લેખ કુરમી ક્ષત્રિય ઉત્પતિમાં છે અને એ વાત બરોબર બંધબેસતી આવે છે, કચ્છની રેતાળ અને ડુંગરાળી ભૂમિને નંદનવન સમાન બનાવનાર તમારા જ વડીલો છે અને જુદા જુદા ગામો વસાવી, આબાદ સ્થિતિમાં ત્યાં તમારી પટલાઈ હજુ ચાલુ છે, દેશ કાળના પરિવર્તનથી અજ્ઞાનતામાં આપણી જ્ઞાતિમાં જે અધર્મ યુક્ત રીત રીવાજોએ ઘર કર્યું છે, તેને નિર્મુળ કરવા દેશના જુદા જુદા ભાગોમાં પ્રવૃત્તિઓ ચાલુ છે અને તે જ પ્રમાણે કચ્છમાં પણ જ્ઞાતિ સુધારકોએ એજ હિંમત ઉઠાવી છે, આ બધી અજ્ઞાનતાઓ આપણામાં જે આવી ગઈ છે, તે કેળવણીના અભાવે.
કોમની કેળવણી સંબંધી કંગાળ હાલત
ગુજરાત, કાઠીયાવાડ અને નીમાડ, માળવામાં આપણી જ્ઞાતિ વસે છે, ત્યાં કેળવણીનું જે પ્રમાણ છે, તેથી કચ્છમાં આપણી જ્ઞાતિનું કેળવણી પ્રમાણ તદન કંગાળ હાલતમાં છે, મને ભારે અજાયબી થાય છે કે હિંદુસ્તાન દેશ માંહે નાના મોટા સાતસો રજવાડા છે, કચ્છનું રાજ્ય એ મહારાજ્યની ગણતરીમાં છે, કચ્છ રાજ્ય એ સ્વતંત્ર રાજ્ય છે, બ્રીટીશ સરકારની ઝાઝી દખલગીરી ત્યાં નથી, ચલણી નાણું રાજાના સિક્કામાં ચાલે છે. હથિયારોની ત્યાં તદન છુટ છે, ખેતીવાડી કરવાવાળા ભાઈઓની વીઘોટીનો ત્રાસ નથી, ઉત્પન્નમાંથી અમુક રાજ્ય ભાગ તરીકે અપાય છે, ઉપજ ન હોય તો કશું આપવાનું નથી. રાજ્યમાં નીમકવેરો બિલકુલ નથી, તે સિવાય કચ્છના મહારાવશ્રીએ અનાજનો એક પણ દાણો પરદેશમાં ન જાય તેનો સખત બંદોબસ્ત કાયદાથી કરેલો છે, એટલે એ દેશની પ્રજાને દુકાળના વર્ષોમાં પણ મોંઘવારી નડતી નથી, આવાં બધાં સાધનો જે રાજ્યમાં હોય તે રાજ્યની પ્રજાની ઉન્નતી કેમ ન સંભવે ? છતાં કચ્છમાં કેળવણીની ખામી ભારે દેખાય છે. અને એ કેળવણીના અભાવે આપણી કણબી જ્ઞાતિને જડવત બનાવી મુકી છે, તે તેનું એક મુખ્ય કારણ છે.
આગેવાનોના જુલમોની કથા
મેં કચ્છી પાટીદાર ભાઈઓની ઘણી મીટીંગોમાં ભાગ લીધો છે અને તે મીટીંગોમાં કચ્છી કણબી જ્ઞાતિના આગેવાનોના જુલમોની કથા અને પીરાણા સતપંથની વાતો ઘણે ભાગે વધુ ચર્ચાય છે, એ મારા અનુભવમાં છે. તે સિવાય કચ્છ કડવા પાટીદાર પરીષદ પહેલી અને બીજીના રીપોર્ટો વાંચ્યા પછી મને અનેક પ્રકારના વિચારો થાય છે આપણી કડવા પાટીદાર જ્ઞાતિ દેશના જુદા જુદા ભાગોમાં વિસ્તાર પામેલી છે અને દરેક ઠેકાણે નાત જાતને લગતી તકરારો જ્ઞાતિના સમજુ પુરૂષો મારફત પતાવવાનો રીવાજ ઘણો જ પ્રાચીન થઈ ગયો છે, તે જેટલો ઇષ્ટ છે, તેટલો જ હાલમાં તો ખાસ કરીને કચ્છ દેશમાં આગેવાનોના સ્વાર્થી અને અન્યાયી દોરનો ભોગ થઈ પડ્યો છે. કચ્છના આગેવાનોની જુલમી સત્તા અને અધમતાના ઇતિહાસો કહેવા બેસીએ તો કેટલાએ પુસ્તકો લખાય પરંતુ આપણું કર્તવ્ય અજ્ઞાન અને અધર્મી સ્વાર્થી માણસોની કાળી બાજુ ચીતરવામાં જ સમાયેલું નથી, પરંતુ તેઓને સુધારવા માટે જે જે ઉપાયો લેવા ઘટે તે લેવા દરેક બંધુઓને મારી તો સલાહ એ છે કે તમારા માહેના જ્ઞાતિ સુધારક ભાઈએ આગેવાનોના જુલમની ફરીયાદ કોર્ટ મારફતે નહિ પણ ખુદ મહારાજાની રૂબરૂ જણાવવી જોઈએ.
કચ્છના રાવ પાસે ડેપ્યુટેશન મોકલવાની હીમાયત્
કચ્છના મહારાજશ્રી પોતાની પ્રજાની પાયમાલી પ્રજાના હાથે કેમ થવા પામે તે માટે આ સંબંધે તમારામાંથી થોડા ભાઈઓનું ડેપ્યુટેશન મહારાજા હજુર પાસે જવું જોઈએ અને ધીરજથી તમારી બધી વાતો તેમને યોગ્ય રીતે સમજાવવી જોઈએ મારી પાકી ખાત્રી છે કે તમને એટલે કચ્છના કડવા પાટીદાર જ્ઞાતિ, જ્ઞાતિના આગેવાનોથી ગુલામી દશા ભોગવે છે. તેથી જરૂર મુક્ત થઈ શકે, દરેક જ્ઞાતિમાં આગેવાનો હોય છે, તેમને પટલાઈનો મોહ પણ રહે છે, જ્ઞાતિ ભાઈઓ ઉપર જોર જુલમ પણ કરે છે. પરંતુ કચ્છના પટેલોની માફક નહિ પૈસાના સ્વાર્થની ખાતર અમારા તરફના પટેલો આવો જુલમ કરે તો એક દિવસ પણ તેઓની પટલાઈ ચાલે નહિ.
દરેક માણસે પોતાના પગ પર ઉભા રહેતા શીખવું જોઈએ
કચ્છના કણબી જ્ઞાતિના પટેલોના ઈતિહાસ વાંચી હૃદયમાં કંપારી છુટે છે અને તેની સાથે સાથે કચ્છના કડવા પાટીદારોની ભીરૂતા, નીરમાલ્યતા અને મુરખાઈપણાની પણ હદ આવી જાય છે, કરાચીમાં મળેલી બીજી પરીષદના રીપોર્ટમાં જે હેવાલ પ્રગટ થયો છે તે ઉપરથી તો એમ જ કહેવાય કે આ પ્રજા હજુ તદન અજ્ઞાન અને જડ જ છે. દરેક માણસે પોતાના પગ ઉપર ઉભા રહેતા શીખવું જોઈએ, આત્મ બળથી મનુષ્ય ધારે તે કરી શકવા સમર્થ થાય છે, તેના દાખલામાં હું જણાવીશ કે ભાઈશ્રી નારાયણજી રામજીભાઈ તરફથી થોડા વખત પહેલાં એક “પ્રાસ્તાવિક નિબંધ” બહાર પડેલ છે, તેમાં કેટલાંક કુટુંબોએ પીરાણા પંથ અને આગેવાનોના જુલમને ન ગણકારતાં પોતાની સ્વતંત્રતા સિદ્ધ કરી છે, તેજ પ્રમાણે દરેક માણસો જો વરતે તો આજે આપણા ઉપર કોઈ જુલમ કરી શકે તેમ નથી, તે સિવાય પીરાણાના પાખંડી મતના પંથે ચાલીને આજે કચ્છના પાટીદાર ભાઈઓની કેવી અધમ દશા થઈ ગઈ છે, તે સર્વ કોઈના ધ્યાનમાં છે, પ્રાસ્તાવિક નિબંધમાં તેમજ સ્વાગત કમિટીના પ્રમુખના ભાષણમાં એ સંબંધે ઈશારો કરવામાં આવ્યો છે. આપણી ભાવનાઓ ભ્રષ્ટ કાં થઈ ?
સૈયદ ઈમામશાહના પંથના માર્ગે ચઢવાથી આપણી ભાવનાઓ નષ્ટ ભ્રષ્ટ થઈ ગઈ છે, કેટલાક રીત રીવાજોમાં પણ અધમતાએ વાસ કર્યો છે, જ્યાં કાચું સોનું પાકે એવા રસાળ ગુજરાત પ્રદેશનો ત્યાગ કરી કચ્છમાં આપણી જ્ઞાતિને જવાનું મૂળ કારણ પણ પીરાણા મતનો સ્વીકાર કરવાથી જ થયું છે. અધર્મ યુક્ત અધમ પંથને વળગી રહેવાની લાલસા વધતી ગઈ, જેના પરીણામે જીવન ખારાં ઝેર જેવાં થઈ ગયાં ધન ગયું, માન ગયું, વિદ્યા ગઈ જેના લીધે બુદ્ધિ ગઈ અને સારું સમજવાની શક્તિનો પણ લોપ થઈ ગયો, અધર્મરૂપી ઝેરી ભાવનાઓ પેઢી દર પેઢી ઉતરતી આવી. અફસોસ બંધુઓ, એ સ્થિતિનું જેને ભાન થાય તે તો જરૂર પોતાના ભાઈઓની દયાજનક સ્થિતિ ઉપર આંસુ પાડ્યા સિવાય રહે જ નહિ પરંતુ એ આંસુ અને હૃદયના ઉભરા કયા ધર્મથી પોસાતા હૃદયોમાં આવે. એ વાત કોણ સમજી શકે. અરે સમજવા પણ કોને ? સમજવા માટેની વિચાર શક્તિ અને બુદ્ધિ જોઈએ તે ક્યાંથી લાવવી ? તે શક્તિ બક્ષનારી વિદ્યાદેવી અને આપણે કેટલી પેઢીઓનું અંતર તે મહાદેવી સરસ્વતી આપણા ઉપર પ્રસન્ન કેમ થાય, આપણે તો —
મરાઠી સાખી
ધર્મ કર્મને ધોઈ નાંખ્યા |
ગાડર સમ ઝુકાવી, |
ઉપરથી ઉપહાસ્ય કરાવી, |
ગાંઠનું ગરથ ગુમાવી આવી, |
રસમય થકી ભાવી ભુંસયું |
શરમ જરી નાવી—આવી રસમ, |
અધમ દશા માટે અફસોસ
કચ્છના કડવા પાટીદાર ભાઈઓની અધમ દશાના માટે અફસોસ પણ કેટલો કરીએ આંખે પાટા બાંધી ઈમામશાહને ઈન્દ્ર માની લીધો અમરાપુર મહાલવાની અજ્ઞાન લાલસા એ પાંચે પાંડવ મલી ગૌવધ કીધાની અને સતિ પાંચાળીએ મરતક ચામડાં લીધાની વાત પણ સાચી માની લીધી ફરમાનજી બીસમીલ્લાના કલમા પઢતાં પણ શરમાયા નહિ. દશોંદના દોકડા ભરી ભરી તુટી ગયા અને બેસ્ત મુકામે પહોંચ્યા પહેલાં તો પરદેશના ઝાડ જોવા પડયાં કરવત ખેંચવાની સ્થિતિ પ્રાપ્ત થઈ બીજું શું થાય. જ્યારે સગાં કુટુંબ બહેન, ભાઈ વગેરેના હીતનો વિચાર આવે નહિ અને અમરાપર પહોંચવાના ખોટા લોભ લોક લજ્જાનો ખ્યાલ પણ મટી જાય અને પાખંડી પીરાણા મતના ઉપદેશની ગોળીઓ જેમને ગળી લાગે તેમની સ્થિતિ બીજી કઈ રીતે વધારે સારી હોવાનું સંભવે પરંતુ એ ધર્મને પોષવાના લાગાઓ ભરવા ઉપરાંત જગતની દૃષ્ટિએ હલકા દેખાવાનું અને નાક કપાવવાનું દુઃખ જે ભાઈઓના કર્મે આવી પડે તે પણ જ્યારે ફરજીયાત જેવું તેને થઈ પડવાનું દુઃખ પ્રાપ્ત થાય. તેની કઈ દશા ? પાટીદારનું જેનામાં પાણી હોય તે તો જરૂર પોતે જાતે તેમાંથી છુટવા અને બીજાઓને પણ છોડાવવા પ્રયત્ન કરે જ, તેમ કરવાનો એને જન્મ સિદ્ધ હક પ્રાપ્ત થયેલો હોય છે, અને એ વાતનો કોઈનાથી ઈન્કાર પણ થઈ શકે તેમ નથી, માટે સભામાં બેઠેલા તમામ ભાઈઓ અને બહેનોને મારી નમ્ર વિનંતી છે કે આપણી કડવા પાટીદાર જ્ઞાતિ તેમાં પણ કચ્છ વિભાગમાં, પીરાણા પંથનું જે પાખંડ આપણી જ્ઞાતિમાં ઘુસી ગયું છે, તેને સત્વર નાબુદ કરવા પોતાનાથી બનતો પ્રયત્ન અવશ્ય કરવો, આજ દિવસ સુધી કચ્છના ભાઈઓએ જ આ પ્રવૃત્તિ ચાલુ રાખી છે, પરંતુ અમારા તરફથી પણ હવે તે સંબંધે યોગ્ય બંદોબસ્ત કરવાના ઉપાયો હું અમારા ગુજરાતી ભાઈઓને મળીને કરીશ, આ કાર્ય હિંદુ સમગ્ર જ્ઞાતિએ ઉપાડી લેવાની ખાસ જરૂર છે.
ગુપ્ત પંથનો સડો
મને લાગે છે કે આપણે ઘણા જ મોડાં જાગ્યાં છીએ. અપવાદ રૂપે ગુજરાતમાં કેટલીક હિન્દુ ગણાતી જ્ઞાતિઓમાં આ પંથ છુપી રીતે માનવામાં આવે છે, અને તે પંથને ગુપ્ત પંથ પણ કહેવામાં આવે છે. તેથી જ આ ગુપ્ત પંથનો સડો આગળ વધ્યો છે, આ પંથના યોજકોએ હિન્દુઓને વટલાવીને મુસલમાન કરવા માટે જ આ ગુપ્ત પંથની યોજના કરી છે, તેનો તો દરેક હિન્દુ ભાઈઓએ સાચા હૃદયથી તનતોડ મહેનત કરી એવા ગુપ્ત પાખંડી મતની હિન્દુ સમાજમાંથી જડ કાઢી નાખવી જોઈએ છે. આ વિષયમાં મારે ખાસ કહેવાનું હતું અને તે મારાથી જેટલું કહેવાયું છે, તે તમો સૌ ભાઈઓએ તેમજ બહેનોએ સાંભળ્યું છે, માટે તેનો સત્વર ઉપાય કરવા હું તમોને વિનંતી કરું છું.
બાળ લગ્નની નાશકારક રૂઢી
તે સિવાય આપણી સમસ્ત કડવા પાટીદાર જ્ઞાતિમાં જે બાળલગ્ન કરવાથી આપણી અધોગતિ થઈ રહી છે, તે તમો સર્વ ભાઈઓ જાણો છો, અમારા તરફ ગુજરાતમાં પણ વર કન્યાની લાયકાત જોઈ યોગ્ય ઉંમરે લગ્ન કરવાની પ્રથા શરૂ થઈ ગઈ છે, અને લગ્નો થયા છે, એક જ તીથીએ લગ્ન કરવાની પ્રથા કેવા સંયોગોમાં આપણામાં પેસી ગઈ છે. તે સંબંધે ઘણા મતમતાંતરો છે. પરંતુ તે ગમે તે કારણે આ રૂઢી આપણામાં પ્રચલીત છે, પરંતુ હવે એ જૂના વહેમોને સુધારક ભાઈઓ મચક આપતા નથી, મારા સાંભળવા પ્રમાણે કચ્છમાં પણ આપણી જ્ઞાતિમાં બાળ લગ્નો અને એક જ તીથીએ લગ્ન થાય છે. અને એ બાળ લગ્નની નાશકારક રૂઢીએ આપણી જે પાયમાલી કરી છે તે તમો સર્વ ભાઈઓના ખ્યાલમાં છે, મને જાણીને ભારે આનંદ થાય છે, કે કચ્છમાં પણ ઘણા ભાઈઓ પોતાના છોકરાઓને એક જ તીથીના લગ્ને પરણાવતા, અનુકૂળ તીથીઓએ અને યોગ્ય ઉંમરે લગ્ન કરવાની વાતો બહાર આવી છે, તમારા માંહેલા ભાઈશ્રી નાયાભાઈ શીવજી ગામ વિરાણીવાળા પોતાની દીકરી ચૌદ પંદર વર્ષની બેન દેવકુંવરના લગ્ન આવતા વૈશાખ માસમાં કરવાના છે, આ શુભ સાહસોથી જુની અને હાનીકારક રૂઢી અશાસ્ત્રોક્ત રૂઢીઓનો જલદી અંત આવશે એ ચોક્કસ જ છે. બાળ લગ્નના સંબંધમાંના દરેક ઠેકાણે સારી પ્રવૃત્તિ ચાલી રહી છે, જેથી આશા છે કે આપણી જ્ઞાતિને ભારે કલંક રૂપ તેમજ હાનીકારક આ રૂઢી હવે નાશ પામવાની જ. બાળલગ્નના પરીણામે કજોડાંનો સંબંધ સંસારને ઝેર રૂપ બનાવે અને તેના પરીણામે છુટાછેડા એટલે છુટકો કરવાનો રીવાજ આપણામાં પડી ગયો છે, તે જો બાળલગ્ન અટકાવે અને યોગ્ય ઉંમરના બાળકોની લાયકાત જોઈ સંબંધો કરવાની આપણે કાળજી રાખીશું તો છુટાછેડા જેવા નામોશી ભર્યા રીવાજનો અંત જ આવેલો જ પડ્યો છે, કન્યા વિક્રય આપણી જ્ઞાતિમાં અપવાદ રૂપે કોઈક જગ્યાએ હશે કચ્છમાં કન્યા વિક્રય થાય છે ગુજરાતમાં પણ અપવાદ રૂપે થતાં હશે, કાઠીયાવાડમાં કન્યા વિક્રય વધારે પ્રમાણમાં થાય છે, એ ભારે નીચું જોવડાવનારું આપણી જ્ઞાતિના શીરે કંલક છે, ગમે તે વિભાગમાં એ અધમ રીવાજ ચાલુ હોય તેનું પણ કલંક તો આપણને લાગે માટે તેનો તાત્કાલીક ઉપાય કરવો જ જોઈએ.
કન્યા વિક્રય કરવો એ ક્રૂરતાનું કામ છે
કન્યા વિક્રય જેવું બીજું કોઈ પાપ નથી. પોતાના શરીર અને લોહીમાંથી ઉત્પન્ન થયેલી કન્યાને વેચનારો પિતા સર્વ પાપીઓમાં મહાપાપી છે. બંધુઓ કન્યા અને ગાય જ્યાં દોરો ત્યાં જાય એ કહેવત પ્રમાણે બિચારી બાળક અજ્ઞાન અને વડીલોની આજ્ઞાને માથે ચડાવનારી કન્યા જ્યારે તેના પેદા કરનાર માતા પિતાના સ્વાર્થનો ભોગ થઈ પડે, ત્યારે પછી જણીને તરત પોતાના બચ્ચાંને ખાઈ જનારી નાગણમાં અને એવાં માતા પીતામાં શો તફાવત રહ્યો. દરેક મનુષ્યનો એ ધર્મ છે કે પોતાનાં બચ્ચાઓને પાળી પોષી યોગ્ય ઉંમરે ઘર સંસાર ચલાવવાને શક્તિવાન બનાવવાં એવો જે ઉત્તમ ધર્મ માતા પિતાનો કહેવાય તે ધર્મ તજીને પોતાના ઉદરથી ઉત્પન્ન થયેલી કન્યાનો વિનાશ કરવા લાગે. પિતા અને માતા જ જ્યારે કસાઈ બનીને કન્યાના ગળામાં લોભ અને સ્વાર્થની ખાતર ફાંસો નાંખે. રક્ષક જ્યારે ભક્ષક થાય, અને વાડ જ્યારે વેલાને ખાય ત્યારે તેમને આધારે રહેલાં બિચારાં ગરીબ બચ્ચાઓનું શું થાએ. ખરેખર કળીયુગમાં અને તે પણ હિંદુ સમાજમાં આ કેવા પ્રકારનું ઘોર કર્મ કહેવાય. પ્રભુ સર્વને સદબુદ્ધિ આપે અને હિંદુ જન સમાજ આવાં નીચ કર્તવ્યો કરતા અટકે એવી મારી પ્રભુ પ્રત્યે પ્રાર્થના છે.
પ્રિય જ્ઞાતિ ભાઈઓ, આપણી જ્ઞાતીમાં જ્ઞાતીની અધોગતી કરનારી અનેક રૂઢીઓ અને રીવાજો છે. તેમાં પણ આપણી જ્ઞાતીની આર્થિક સ્થિતિને ગંભીર નુકસાન પહોંચાડનાર તો મરણ પાછળના અશાસ્ત્રોક્ત જમણો જ છે. જોકે આ રીવાજ બધી જ્ઞાતિઓમાં છે, છતાં પણ આપણી જ્ઞાતિએ આ રીવાજને ઘણું જ વધુ પડતું માન આપવાથી આપણી આર્થિક સ્થિતિની ભયંકર હાલત થઈ ગઈ છે.
મરણ પાછળના જમણવારો
બંધુઓ આપણો ભાઈ, બાપ કે આપણને જન્મ આપનારી માતા, ગુજરી જાય કે જેના મોઢાનું દર્શન આપણે ફરીથી કરવા પામતા નથી, તેમજ આપણા ઘર સંસારનો બોજો ઉપાડનારી આપણી ગૃહિણી કીંવા ધર્મપત્ની આપણને છોડી જાય, અગર હંમેશના માટે પત્નીનો ત્યાગ કરી તેને એકલી નીરાધાર દુઃખદાયક સ્થિતિમાં છોડી તેનો પતિ સ્વર્ગે સિધાવે. એ પ્રસંગને આપણે ક્યા પ્રકારનો ગણી શકીએ. એવા પ્રસંગે ઘઉં, ઘી, અને સાકરના પદાર્થો વડે બનાવેલા મિષ્ટાન ભોજનો જમાય ખરાં ? આ કૃત્ય તદ્દન અધર્મયુક્ત અને માણસ જેવા પ્રાણીને માટે તો લાયક નથી જ. એટલા માટે આપ તેને તિલાંજલિ આપી તેવાં જમણો નહિ કરવા અને નહિ ખાવા પ્રતિજ્ઞા કરશો તો આપણે ઉઠાવેલા પરીશ્રમનું કાંઈક સાર્થક થયું ગણાશે. અમારી તરફ છેલ્લાં પંદર વર્ષથી અમે આ પ્રકારના પ્રેત ભોજનો જ્ઞાતિમાંથી અટકાવવા પ્રયત્ન કરીએ છીએ, તમારા પૈકીના કેટલાંકે “માંધાના પિતાનું પ્રેત ભોજન” નામે આખ્યાન અમારા વિદ્વાન બંધુ દેસાઈ અમરસીંહજી કરતા હતા તે તમોએ સાંભળ્યું હશે, અમારા તરફ ગુજરાતમાં આ આખ્યાનની સારી અસર થઈ છે, આપણા હિંદુ શાસ્ત્રોમાં મરનારની પાછળ શ્રાદ્ધ ક્રિયા તેમજ પુણ્યદાન કરવાનો વિધિ કહ્યો છે અને તેજ પ્રમાણે દશા એકાદશા શ્રાધાદીક ક્રિયાઓ તો અવશ્ય કરવી જ જોઈએ. પરંતુ મરણ નિમિત્તે જમણો કરવાનું ક્યાંય લખ્યું નથી, પરંતુ ચડસા ચડસીમાં કુટુંબ, નાત અને ગામના ગામો જમાડવાની જે દેખાદેખી પ્રથા વધતી ગઈ, જેના પરીણામે ગામ ગરાસ અને ખેતીવાડી, રાચરચીલાં વેચીને પણ એ અવસર ફરજીયાત કરવાના લીધે આપણી હાલત ખરાબ થઈ ગઈ છે. કચ્છમાં તેમજ ગુજરાતમાં અને બીજા દેશોમાં આ હાનીકારક રીવાજે આપણી આર્થીક સ્થિતિનું ભારે નખોદ વાળ્યું છે, તમો બધા બારીકાઈથી વિચાર કરશો તો તમને સ્પષ્ટ જણાશે કે આપણો દેશ છોડી પરદેશ આવ્યા છીએ તેનું મૂળ કારણ પ્રેત ભોજનનો પ્રતાપ છે, આપણા વડીલોએ મરણ પાછળ એવાં ભારી કારજો કરવાથી ગરીબી હાલતમાં આવી ગયેલા અને તે ગરીબી આપણને વારસામાં મળતી રહી છે, તેનું આ પરીણામ છે.
કુધારાને લીધે થયેલી પાયમાલી
તમારામાંના ઘણા ભાઈઓએ મરણ પાછળ આવા અઘટીત ખર્ચો ન કરવાના અને તેમાં ભાગ ન લેવાના સોગન લીધા છે. તેમ તમો બધા વિચારીને કરશો તો આપણી જ્ઞાતિની આર્થિક સ્થિતિ સુધરવામાં જરા પણ વાર લાગશે નહિ. આટલું જણાવ્યા પછી મારે તમને એક અગત્યની વાત કહેવાની છે, તે એ છે કે આપણામાં આટલા બધા કુધારા પેસી ગયા અને તે આપણી પાયમાલી કરી રહ્યા છે, છતાં આપણે જે સમજી શકતા નથી અથવા સમજીએ છીએ છતાં તે તરફ ધ્યાન આપતા નથી તેનું મુખ્ય કારણ આપણામાં કેળવણીની ઘણી જ ખામી છે. કેળવણીએનો અર્થ નિશાળમાં ભણ્યા એટલે કેળવણી લીધી એવી આપણી માન્યતા હોય તો તેમાં ભુલ થાય છે. હું તેની વ્યાખ્યા કંઈક બીજી જ ઢબે કહેવા માગું છું. કેળવણી એટલે આ લોક અને પરલોક બંનેને સુખરૂપ કરવા માટે જે જ્ઞાન મદદગાર થઈ પડે તે જ સાચી કેળવણી અને તે જ સુવિધા મનાય, ત્યારે જ આપણે ચારે પુરૂષાર્થને પ્રાપ્ત કરી શકીએ, હવે ગમે તે જાતની તે ગમે તેવી કેળવણી પ્રાપ્ત કરવા માટે આપણે પ્રથમ તો ભાષા જ્ઞાનની જરૂર છે, ને તે સંપાદન કરવા નિશાળમાં ભણવું જોઈએ, નીશાળથી ભણી ઉઠ્યા પછી વ્યવહારીક કેળવણીની ખાસ જરૂર છે, સારી રીતે ભણેલાં જો કે બી. એ. કે એમ. એ. થયો હોય પરંતુ વ્યવહારીક કેળવણીના અભાવે તેને કેટલાક લોકો વેદીઓ છે એમ કહેવામાં આવે છે, ભણી ગણીને વેદીઆનું અપમાનની ડિગ્રી ન મળે તેના માટે જન સમાજના વહીવટથી વાકેફ થવું જોઈએ.
સ્ત્રી અને પુરૂષોએ પોતપોતાનો ધર્મ સમજી ઘરસંસાર ચલાવવો જોઈએ. પુરૂષોએ પોતાનો ધર્મ પત્ની પ્રત્યે પ્રેમાળ રહેવું જોઈએ અને સ્ત્રીએ પતિ પ્રત્યે પરમ પૂજ્ય ભાવ રાખી પરમેશ્વર માની વર્તતા શીખવું જોઈએ અને આ કેળવણી બાળવયમાંથી જ પુત્ર પુત્રીઓને માતાપિતાએ ઘરમાં જ આપવી જોઈએ, આવી રીતની ગૃહ કેળવણી જેના પર બીજી વિદ્યા અને જન સ્વભાવનો આધાર બાંધવાનો છે, તેનો તો આજ કાલ આપણામાંથી તદ્દન લોપ થઈ ગયો છે. આવી વ્યવહારિક કેળવણીની ખામીથી આપણા કુટુંબમાં સગાંસંબંધીઓમાં કુસંપના વૃક્ષો ઉભા કરે છે. માટે આ ગૃહ કેળવણી પર ખાસ ધ્યાન આપવા તમો સર્વ ભાઈઓને હું વિનંતી કરું છું વ્યવહારીક, માનસીક, શારીરિક, અને ધાર્મિક કેળવણી આ બધી જાતની કેળવણીની દરેક મનુષ્ય માત્રને જાણવાની ખાસ જરૂર છે. કેળવણીના અભાવે આપણે બાળ લગ્ન કરીએ છીએ, બાળ લગ્નના પ્રતાપે જ કજોડાં થાય છે. તેથી જ છુટાછેડા કરવાનો આપણામાં રીવાજ પડી ગયો છે. જ્યાં છુટાછેડા કરવાનો રીવાજ હોય તો કન્યાવીક્રય સંભવે જ કેળવણીના અભાવે ગજા ઉપરાંત મરણ પાછળના કારજો કરી આપણે આર્થિક સ્થિતિની પાયમાલી કરી રહ્યા છીએ વધું શું કહ્યું ! કેળવણીની ખામીને લઈ આપણી ક્ષત્રીય ગણાતી જ્ઞાતિના ભાઈઓ ઈમામશાહ સૈયદનો બતાવેલો પીરાણા સતપંથ જે તદ્દન અર્ધદગ્ધ મુસલમાની તે પંથને હિન્દુ ધર્મ સમજી માનવા લાગ્યા એ શું બતાવે છે આપણી મુર્ખતાનો અદભુત નમુનો ધાર્મિક કેળવણીની મોટી ખામી, દેવોને પણ દુર્લભ એવો આર્યોનો ઉત્તમ આ હિંદુસ્તાન દેશ તેમાં બાવીસ કરોડ હિંદુઓ વસે છે તે હિંદુ જ્ઞાતિની પવિત્રતા માટે મોટાં અડસઠ તીર્થ સ્થળો પવિત્ર થઈને પરમાત્માના સ્વરૂપમાં લય થવાના જ્ઞાન માર્ગના માટે ચાર વેદ, છ શાસ્ત્ર અઢાર પુરાણ, શ્રૃતિ સ્મૃતિઓ તદઉપરાંત ઉપવાસ કરવા માટે તેત્રીસ કોટી દેવતાઓ ભગવાનના અનેક અવતારી સ્વરૂપો શક્તિ, દેવી ઇત્યાદીમાં જેને હીંદુ ધર્મ ન દેખાયો અને સૈયદ ઈમામશાહે બતાવેલા પીરાણા સંતપથના મુસલમાની કબ્રસ્તાની પંથને હિન્દુ ધર્મ સમજી માનનારા અજ્ઞાન હિન્દુ ભાઈઓની અજ્ઞાનતા એ સિદ્ધ કરે છે. કે તેઓમાં ધાર્મિક કેળવણીની ભારે ખામી છે. કેળવણીનો વિષય એ મહાન વિષય છે. એના ઉપર જેટલું બોલીએ એટલું થોડું છે સભામાં એ બધી વાતો ચર્ચાશે.
પીરાણા પંથનું કલંક
હું મારા કચ્છી પાટીદાર બંધુઓમાંના કેટલાક ભાઈઓના સમાગમમાં ઘણી વખત આવ્યો છું. તેઓની નિખાલસતા અને ભાતૃ ભાવના માટે મને ઘણું માન છે. વ્યવહારીક તેમજ ધાર્મિક કેળવણીવાળા ઘણા ભાઈઓ મારા સમાગમમાં આવ્યા છે. તેવા ભાઈઓની અંતિમ ઇચ્છા ધાર્મિક કેળવણીનો ફેલાવો કરી અજ્ઞાન ભાઈઓને સમજાવી, પીરાણા પંથનું કલંક જ્ઞાતીના ભાઈઓ ઉપરથી દૂર કરવા તનતોડ મહેનત કરી રહ્યા છે. આ પરિષદ મેળાવવાનો મુખ્ય આશય પણ તેજ છે, એવા ભાઈઓને પરમકૃપાળુ પરમાત્મા જરૂર વિજય આપશે જ એવી મને સંપૂર્ણ શ્રદ્ધા છે.
પ્રિય બંધુઓ, મારે જે કહેવાનું હતું તે મેં મારી સમજ પ્રમાણે આપને કહ્યું છે. આપનો ઉપકાર માની છેવટના બે શબ્દો કહેવાની રજા લઉં છું.
છેવટના બે બોલ
આ નાશંવાન શરીરનો કંઈ ઘડીએ નાશ થશે તે કાંઈ કહી શકાતું નથી તો પણ અનેક પ્રકારની સંસારની જે ઉપાધીઓમાં આપણે રચ્યા પચ્યા રહ્યા છીએ છતાં એ બધાનો ત્યાગ કરી આ શરીરને એક દિવસ જવાનું છે, સાથે કાંઈ પણ આવવાનું નથી માત્ર આપણા હાથે કરેલાં સારાં કામ, ધારણ કરેલો ધર્મ, પ્રાપ્ત કરેલું પુણ્ય આપણું સાથી થાય છે. આવા નાશવંત સંસારમાં પરમ કલ્યાણકારી ધર્મ અને યશને સીધી કરનારી જ્ઞાતિ સેવાને આપ બંધુઓ ભુલ્યા નથી, ભવિષ્યમાં કદી પણ ભૂલશો નહિ એવી મારી પ્રાર્થના છે. તમે જે પ્રવૃત્તિ જ્ઞાતિ સેવાના માટે ચલાવી રહ્યા છો તેને ચાલુ જ રાખશો, જેણે જન્મીને પોતાના કુટુંબ કે જ્ઞાતિનું ભલું નથી કર્યું તેની જીંદગીમાં અને પશુઓની જીંદગીમાં કાંઈ ફેર નથી. પોતાના જ્ઞાતિ ભાઈઓનાં દુઃખ જોઈને જેને હૃદયમાં બળતરા થતી નથી, આંખમાં આંસુ અને અંતરમાં જેને ખેદ નથી થતો એવા લાગણી શૂન્ય હૃદયમાં અને પથ્થરમાં કંઈ ફરક નથી. માટે મારા પ્રિય જ્ઞાતિ બંધુઓ મારી તમને એજ ભલામણ છે કે જે પુરૂષાર્થ તમે અત્યારે કરી રહ્યા છો તે જ પ્રમાણે ચાલુ રાખશો તો થોડા વખતમાં આપણી જ્ઞાતિનો ઉદય અવશ્ય થશે જ એવી મને સંપૂર્ણ શ્રદ્ધા છે. આટલું કહી હું મારું બોલવું પૂરું કરું છું અને તમોએ મારું કહેવું શ્રદ્ધાપૂર્વક સાંભળ્યું છે, એેના માટે મને ભારે આનંદ થાય છે.
એટલું જ નહિ પણ તમોએ જે મને અનુપમ ભારે માન આપ્યું છે. તેના માટે ફરીવાર હું આપ સઘળા ભાઈઓ તેમજ બહેનોનો અંતઃકરણ પૂર્વક આભાર માનું છું.
શાન્તિ શાન્તિ.
અમારા જ્ઞાતિ બંધુઓ આ ભાષણો દ્વારા જાણી શકશો કે આપણી જ્ઞાતિને ઉન્નત કરવાને આપણા બંધુઓ કેટલો શ્રમ અને મહેનત વેઠી રહ્યાં છે. તો આપણી પણ ફરજ છે કે તેઓનાં આ શુભ કાર્યમાં સહાય કરવા તન, મન અને ધનથી બહાર પડવું આવશ્યકનું છે.
— તંત્રી, “પાટીદાર ઉદય”
જ્ઞાતિ પરિષદ વિશે કાંઈક
(પાટીદાર ઉદય માટે લખનાર : નારણજી માસ્તર)
આવી પરીષદમાં મને બોલાવી, બોલવાની તક આપી હતી તેમનો આભાર માનું છું તમારી જ્ઞાતી સાથે મને ધર્મનો સંબંધ છે તેટલાં જ વિષય ઉપર બોલવાનો મારો સ્વાર્થ છે, દરેક જ્ઞાતી પોતાની ઉન્નતિ અર્થે મહેનત લે તે પ્રમાણે તમે પણ તમારું શ્રેય કરવા ભેગા થયા તેની હું પ્રશંસા કરું છું તમારી પાટીદાર જ્ઞાતીનો મુખ્ય ધંધો ખેતી છે, પાટીદારો એ રાજાના આધાર રૂપ છે, હિંદુસ્તાનનું હૃદય છે. હિંદુસ્તાનનું જીવન છે. હિંદુસ્તાન એક ગામડીઓ દેશ છે. તેમાં સાડા આઠ લાખ ગામડાઓ આવેલા છે. પાટીદાર જ્ઞાતિને નામે ૪૫ પેટા જાતો છે. તેઓ આમ જુદી જુદી પરીષદ ભરે અને વિચાર કરે તો તે સમય અને પૈસાની બરબાદી કેટલી થશે ? માટે બધા વિભાગના પાટીદારોએ ઐક્ય કરવું અને તેઓની વચ્ચે જે કૃત્રિમ ભેદો ઉભા થયા છે, તે દુર કરવા તે આ પરીષદનો મોટામાં મોટો વિષય ગણે તો તે ખોટું નહિ કહેવાય. કોઈક સ્થળના પાટીદારો (દાખલા તરીકે ચરોતરના) ઐક્યતામાં આગળ વધ્યા હશે, તો કોઈક વિભાગના ઘણા ઓછા પછાત હશે, પણ આવી પરીષદમાં ઊંચી કેળવણી પામેલા અને બિલકુલ અભણ પાટીદારો એમ બને પણ એકબીજાની સાથે ભેગા થઈ આખી કોમના હીતની ચર્ચા કરી શકે છે, જેથી તેવાઓને ખાત્રી થશે કે આ પરીષદ માત્ર ફક્ત કચ્છી પાટીદાર માટે નથી પણ સાર્વ દૈશિક પાટીદારોને માટે છે. પરીષદનો સંદેશ ફળીભુત થાય તેને માટે આપ સઘળાઓની સહાયની આવશ્યક્તા છે, આવા પરોપકારનાં કામમાં તમે સઘળાઓ મદદ કરવા પાછી પાની નહિ કરો. તેવી અભિલાષા છે. આપણે ફક્ત ભેગા થઈને અને થોડા ઘણા ઠરાવો પસાર કરી વીખરાઈ જઈએ, તેથી કાંઈ આપણું ભલું નથી પણ પરીષદના ઠરાવો અમલમાં મુકવા અને મુકાવવા બારે માસ કમર કસી મચ્યા રહીએ તો જ આપણું બહેતર કરી શકીએ છીએ. આપણા ગામોમાંથી કોમના કુસંપો પોતાના કૃત્રિમ ભેદોને ભુલી જઈ એક મોટી અને મજબૂત મંડળી બની શકે આ ઉદ્દેશને પાર પાડવા સતત પ્રયત્નની જરૂર છે અને તેવો પ્રયાસ કરવા આપણે પછાત નહિ પડીએ. તેવી શુભ ધારણાને આપણે હૃદયમાં સ્થાન આપવું જોઈએ, ખેતી એ આપણા લોકોનો મુખ્ય ધંધો છે, શહેર અને કસ્બામાં વસતા આપણા ભાઈઓ ખેતીને બદલે વેપાર રોજગાર કરે છે, કેળવણી પામેલા કેટલાંક નોકરી ચાકરીમાં છે, પણ આવા લોકોની સંખ્યા પ્રમાણમાં ઘણી થોડી છે, વસ્તીનો મોટો ભાગ સેકંડે ૮૦ ટકા, જમીનદાર—ખેડૂત તરીકે માત્ર જમીનની પેદાશ ઉપર પોતાની આજીવિકા માટે આધાર રાખે છે, એકાદ વર્ષ કમી વરસાદને લીધે અગર બીજા કારણથી પાક બરોબર થતો નથી તેથી માઠી અસર આપણા ઉપર જ નહિ પણ આખા દેશના વેપાર વગેરે તમામ લોકો ઉપર થાય છે, આપણા લોકો મહેનતુ, કસબી, સહનશીલતાવાળા છે, પરંતુ આપણી તથા આપણી ખેતીની સ્થિતિ તરફ નજર કરીએ છીએ તો તે અપંગ છે, પ્રાચીન કાળમાં જે પ્રકારનાં હળ તથા બીજાં ઓજારો વપરાતા હતાં તે જ વપરાય છે. અને ઢોરનાં છાણ, મુત્ર પણ તે જ ખાતર તરીકે લેવાય છે, પણ પૂરેપૂરું ખાતર તરીકે ન વપરાતાં ગરીબાઈ માટે તેનાં છાણાં, અડાયાં, વેચવામાં બાળવામાં જતું રહે છે, જ્ઞાતિનો મોટો ભાગ અભણ, વહેમી, અને અજ્ઞાન છે, તે એક શત્રુ છે તે એક કુંડાળામાંથી બહાર નીકળવાને નજર કરતો નથી અને તેને લીધે કરજદાર બની ઘણે ભાગે આપણી પાસે આપણી પેદાશ ન રહેતા તેનો મોટો ભાગ દેવામાં ઘસેડાઈ જાય છે. જે મહેનતુ ખેડૂત, ઘણો શ્રમ લઈ ઘઉં, બાજરી પેદા કરે છે. તેને ખાવા માત્ર ઘોંસજ (રાબ) મળે છે. જે ખેડૂતને ઘેર દૂધ, દહીં, ઘી વગેરે થાય છે. તેને તથા તેના છોકરાને છાશ પણ પૂરી મળતી નથી. જે કપાસ કરે છે, તેને પહેરવા માટે પૂરતાં વસ્ત્ર પણ મળતાં નથી તેમની ખેતીનો પાક પાધરો શાહુકારને ત્યાં જાય છે, અને બી સરખું પણ આપણી પાસે રહેતું નથી તે પણ જરૂર વખતે શાહુકારને ત્યાંથી લાવવું પડે છે, આટલું બધું સંકટ હોવા છતાં અનેક પ્રકારના ખોટા રસ્તા પકડી એકબીજાનું નુકસાન કરવા તરફ આપણા લોકોની પ્રવૃત્તિ વિશેષ થયેલી લાગશે. દ્રવ્યનો સંગ્રહ કરવાનો આપણા ખેડૂતો સમજ્યા જ નથી, સારું પાકે યા શાહુકાર આપે તો લગ્ન, મરણ, પ્રસંગે સૌથી જુદો ખર્ચ કરી મિષ્ટાનમાં વાપરે છે, પણ ભવિષ્યનો કાંઈ વિચાર ન કરતા ભાટ, ભાંડ ભવૈયા વગેરેને બહોળે દીલે પેણગી દેવામાં આવે છે, મુત્સદીઓ ખેડૂતો તથા શીલ્પીઓ માટે દરકાર કરતા નથી. આપણને ગંદા ગણી અળગા રહે છે, પણ ખરી માણસ જાત ત્યાંથી શરૂ થાય છે, તેઓ ખોટા દેવોની પૂજામાં નૈવેદ્ય બગાડે છે, મોતી સમુદ્રને તળીએ છે. ઉપરતો કચરો જ છે, ગરીબોનું ભલું કરવા માટે ન્યાય ખાતર કહેવું જોઈએ કે મહાત્મા ગાંધીજીએ પોતે ગરીબાઈ માંગી લઈને ગરીબોની સેવા કરવામાં પોતાનું જીવ્યું સફળ માને છે. જો આપણે તેમની પાસેથી સેવા લેવી હોય તો તેમના સિદ્ધાંતને તેમનાં કાર્યને જુઓ. દાખલા તરીકે કહીશ કે આપણે તો આ કળીયુગમાં સૈયદોને દાન આપવાનું ઉત્તમ ગણ્યું છે, પીરશાહનો જાપ જપવાનો શ્રેષ્ઠ માન્યો છે. ચાર દિવસે મરણ પાછળ મિષ્ટાન ખવરાવવું તેમાં જ બધી સેવા કરી દીધી માનવામાં આવે છે. એવા આચારોને હિંદુ ધર્મીઓ કોણ કહી શકે કે આપણે હિંદુ છીએ હિંદમાં તો જુદા જુદા વિરોધી માન્યતાઓ, વહેમો, ભાવનાઓ, પંથો વગેરેનો શંભુ મેળો જ છે. તેની અંદર પીરાણા (વૈભવી પંથનો) પણ સમાવેશ થાય છે. તેવાઓને પોષનારા તમે કચ્છી પાટીદારો છો. બીજી જ્ઞાતીઓ કરતાં દાન ધર્મની બાબતમાં કોઈ રીતે ઉતરતી હોય એમ જણાતું નથી પણ ખામી માત્ર કુપાત્રે દાન થાય છે. જેથી તેનો કાંઈ જ ફાયદો મળી શકતો નથી, ઉલટા આપણા પરસેવાથી કમાયેલા પૈસા પાણીમાં જાય છે, આળસુ, તગડા અને નીરૂદ્યમી બાવા અને માંગણોને માલપુડા દૂધપાક આદી મિષ્ટ ભોજન ખવરાવવાથી આળસને ઉત્તેજન મળે છે. અને હરામખોર વધે છે, જનસમાજના માણસોમાંથી બીજાને તેમના જેવા આળસુ અને હરામખોર થવાનું મન થાય છે, અમારા પવિત્ર શાસ્ત્રો બુમો પાડીને કહે છે કે જનસમાજન જ્ઞાનમાં વધારો થાય એવાં કામોમાં પૈસાનું શ્રેષ્ઠ દાન થયેલું ગણાય છે, આપણે જાગૃત થવું જોઈએ છે, હાનિકારક રૂઢી રીવાજોને ધર્મ માનવામાં આવે છે. તે બંધ થવા જોઈએ તેમજ કુપાત્ર થતાં દાન અટકાવવાં જોઈએ, તમારી જ્ઞાતિમાં ન્યાતીલાઓના કહેવાતા જુલમ અને ત્રાસથી ગરીબોને ભારે સોસવું પડે છે, તે સતપંથ ધર્મની નિશાની ન ગણી શકાય. અહિંસા ન માની શકાય આ બાબતમાં લક્ષ્મણકાકા કારણભૂત છે, જોખમદાર છે કારણ કે તે પીરાણા ધર્મનો આગેવાન હોવાનો દાવો કરે છે અને તે જ્યારે આવું આવું જોયા કરે તે શું તેમના અજાણપણામાં માની શકશે ? પણ જેણે ગરીબોને સહાય કરી નથી, તેને બીજા જન ચાહતા નથી અને જે તે :—
“તુલસી હાય ગરીબ કી, કબુ ન ખાલી જાય”
“મુવે ઢોર કે ચામસે, લોહા ભસ્મ હો જાય”
પ્રમાણે ગરીબોની હાયમાં જ દાઝયા કરે છે એવા મનુષ્યને જન સમુહ વારંવાર પોકારી પોકારીને ધિક્કારે છે તેને આપણે સાધુ માની પોષીએ વહુ, બેટીઓને પાયે પાડીએ ! આશીર્વાદ લઈએ ! દીલગીર થવા જેવું છે. આ કાર્યમાં ભાગ લેનારાઓ તેના અભ્યાસી ન હશે તો અનુભવી થવું જોઈએ તેણે વિદ્યાર્થી બનવું જોઈએ, શિક્ષક થઈને ફરે તે ન ચાલે તે પોતાના બાળકને બતાવવું, કચ્છના ઝનૂની પીરાણા પાટીદારોને હું વિનંતી કરીને કહું છું, આગ્રહ પૂર્વક કહું છું કે, જો તમારામાં વિદ્યાનો પ્રતાપ હોય, જો તમારામાં ધનનું જોર હોય, જો તમારામાં બ્રહ્મચર્યનું બળ હોય તો આ પીરાણા વૈભવી પંથ તમે ન જ નિભાવી શકો, પણ તેમાં તમે બાયલા છો. એમ હું હિંમતપૂર્વક કહું છું પ્રાર્થનાની જગ્યાને ધર્મશાળાને બદલે ખાનું કહેવામાં આવે, સવારમાં પૂજા કરવાને ઠેકાણે રાતનાં ચોરની પેઠે ગુપ્ત રીતે તે ક્રિયા કરવામાં આવે, તેને તમારા સિવાય કોણ કહે કે :— એને હિંદુ ધર્મ કહી શકાય. જે જગ્યાએ તેત્રીસ કરોડ દેવની આરાધના થાય એવું લક્ષ્મણ કાકા કહે છે, તે પ્રમાણેના ઠેકાણાને અન્ન આરોગવાનું સ્થાન એવું ક્યા હિન્દુ ધર્મવાળામાં કરવામાં આવે છે. છેક જ અંધારું છે, તેને અજવાળું કેમ કહેવાય ? પીરાણા સંતપથમાં આરબી શબ્દો ઘણાં છે. હિંદુ ધર્મમાં હોય તો સંસ્કૃત શબ્દો હોવા જોઈએ, તેમ કશું દેખાતું નથી. તો પછી પીરાણા હિંદુ ધર્મ કેમ કહેશો. છપ્પન લાખ બાવા પાછળ દર વર્ષે ૨૫ કરોડનો ફક્ત ખાધા ખર્ચનો ધુમાડો થાય છે જે રકમ તેમના જેવાઓને ફોગટની આપી તેઓને એદી બનાવવાના કામને ઉતેજન આપવામાં થાય છે પાટીદાર વર્ગ ફક્ત ગુજરાત, કાઠીયાવાડ, અને કચ્છમાં જ છે. એમ નથી, ઉત્તર અને દક્ષિણમાં પણ વસે છે. લગભગ ૨૦ લાખને બદલે બે કરોડ ગણવામાં છે. વસ્તુ સ્થિતિ આ પ્રમાણે હોવાથી આપણે હવેના જમાના એકબીજાને ભાઈ તરીકે ગણાવા જોઈએ અને આવા મેળાવડાં જેમ બને તેમ વિશેષ કરવા જોઈએ કે જેથી એકઠા મળી શકીએ અને વિચારોની આપલેમાં આપણા સાંસારીક દુષ્ટ રીવાજોને તજી દઈ શકીએ. એ મેળાવડો તો ફક્ત સમુદ્રમાં સોય જેવો છે, જ્યાં અંધશ્રદ્ધાથી સૈયદોને બ્રાહ્મણ માનવામાં આવે, અને તેને બ્રાહ્મણના જેવું દાન આપવામાં આવે, તો સુધારો કેટલો અધૂરો છે તેની નિશાની છે. માટે આપણે આપણી સાંસારીક સ્થિતિ સુધારવી અને વિદ્યામાં વૃદ્ધિ કરવી જોઈએ, આપણે જે કોઈ મોટી માગણી કરવાને લલચાઈએ તેને લાયક આપણે પહેલાં થવું જોઈએ, જ્યાં સુધી આપણે હિંદુઓ જુદી જુદી નાતો અને જાતોથી વિભક્ત થયેલા જ ચાલુ રહીશું અને નાતોની જુલ્મી બંધારણો રૂપી આડને આપણે તોડીને બહાર ન નીકળશું તો ક્યાં જઈને અટકશું તે કહી શકાતું નથી. આખા હિન્દુસ્તાનના હિતેચ્છુઓ એમ ઇચ્છે છે કે હિંદુ જાતીઓનાં જે હજારો ટુકડા થયેલા છે તે સઘળાં સંધાઈ જવા જોઈએ. અને તેની એક આખી પ્રજા થવી જોઈએ, હિંદુ જાતિનાં જે આટલા બધા વિભાગો બની ગયા છે તે તે છેલ્લા ૨૦૦૦ વર્ષના સમયમાં બન્યું છે તેથી એ પણ ખુલ્લું છે કે તેમાં એકતા કરવી એ પણ ધીમું જ થશે, પણ તે દ્વઢ રીતે થવું જોઈએ. પહેલ વહેલાં તો સઘળા બ્રાહ્મણોએ આપસઆપસમાં રોટી અને બેટી વ્યવહાર કરીને એકત્ર થવું જોઈએ તે પ્રમાણે બીજાઓ જે આત્મિક બળમાં વધે તો વહેલો સુધારો કરી બતાવશે તે ધન્યવાદને પાત્ર છે, દરેક મનુષ્યે પોતે પોતાને જ ઉન્નત કરવો જોઈએ, પોતાને કદી નીચો પાડવો નહિ કારણ પોતે જ પોતાનો મિત્ર છે, પોતે જ પોતાનો દુશ્મન પણ છે, તેથી જ કરીને આપણે જો પછાત છીએ તો તે માટે આપણે જ જોખમદાર છીએ. આપણે આપણી જ્ઞાતીને ઉન્નતિને શિખરે ચઢાવવી હોય તો આપણા પ્રયત્નથી તેમ થઈ શકશે આપણા કમનસીબ માટે આપણે જોખમદાર છીએ અને બીજા કોઈ જ નહિ મનુષ્ય પોતાના કર્મ બળે જ નાનો મોટો થઈ શકે છે, આપણું અજ્ઞાન આપણી અવિદ્યા અને આપણા હાનિહારક રીત રીવાજો એજ આપણને અવનતિમાં લાવી મૂક્યા છે, માટે આ કલંકમાંથી મુક્ત થવું જોઈએ છે, નામના સાધુ નામના સૈયદોને, સુપાત્ર ગણી દાન દેવામાં ક્યું પુણ્ય ? તે બીજા પાટીદારોથી મુકાબલો કરે, શાસ્ત્રમાં દરેક દરદની દવા ફરમાવી છે, પણ મુર્ખતાની દવા ક્યાંય મળતી નથી “મહાત્મા ગાંધીજી કહે છે જે સ્વર્ગમાં સ્થાન પામવા જેવા પવિત્ર ન હોઈએ તો દુનિયામાં ફરી અવતરવું પડે” તો પછી આપણે તો ધર્મ એ શબ્દ માત્રથી સ્વર્ગ પામવા માંગીએ છીએ, પીરાણા (વૈભવી) પંથની નાસ્તીનું મુખ્ય કારણ એ છે જે જેણે આપણને ધર્મ બતાવ્યો તે ધર્મ તેના સંતાનો સૈયદો પાળતા નથી અને આપણી પાસે મનાવે અને આવક ખાવા માંગે એ પાપ ઝાઝા દિવસ ટકે નહિ. જો અહિંસાને મહાત્માજી ન માને આપણને અહિંસા મનાવેતો તે છાપ આપણા ઉપર પડતી નથી પણ આપણે એટલા બધા બેદરકાર બની ગયા છીએ કે આપણે પીરાણા સતપંથની ખરી શોધ જ કરતા નથી કરે તેનું માનતા નથી શ્રી લક્ષ્મણકાકાએ તો કહ્યું છે કે “સતપંથી લોકો રામનવમી, એકાદશી, ગોકળ આઠમ વગેરે હિંદુના તહેવારો પાળે છે, અપવાસ કરે છે. પણ તે તહેવારો પાળનારાઓને સ્થાનિક બહેસ્ત નથી. બહેસ્તનું સુખ ભોગવે પણ તે અમુક વર્ષ પછી પાછા મૃત્યુલોકમાં અવતરે છે અને તેવું પીરાણા સતપંથ અથર્વવેદ કહે છે, વળી પીરાણા અથરવેદ કહે છે કે તે તહેવારો તો “સત્યયુગમાં એકાદશી રવીવારી પાળવામાં આવતી હતી ત્રેતાયુગમાં ચૌદશ મંગળવારી અને દ્વાપર યુગમાં અમાવાસી સોમવારી પાળવામાં આવતી હતી અને આજ કળીયુગમાં તો બીજ શુક્રવારી પાળવામાં આવે તો જ બહેસ્તઃ સતપંથના ગુરૂ ઈમામશાહ છે, એવું લક્ષ્મણ કાકા કહે છે તે ખરું કે ? આપણું પીરાણા અર્થવેદ શાસ્ત્ર ઈશ્વરનો અવતાર કહે તે ખરું ? હિરણ્યકશ્યપ જ્યારે પોતાનો જાપ જપાવવા માંડ્યો. પોતે ખુદા મનાવવા લાગ્યા, ત્યારે તેનો પુત્ર પ્રહલાદ સામો થયો અને રાક્ષસ કહીને વગોવ્યો અનેક દુઃખો તેને સોંસવા પડતાં તેવું જો તમે ઈમામશાહને માટે માનતા હો તો કોણ જાણે મનુષ્ય સ્વભાવ જ એવો છે જે ચીલામાં પોતાના વ્યવહારનું ગબડતું હોય તો તેમાંથી તેને બહાર કાઢી અન્ય ઇષ્ટ માર્ગ તરફ વાળવાનું મન થતું નથી વળી પ્રચલીત હાનિકારક રૂઢીઓના બંધનોને તોડીને આ યુગના ધર્મો પ્રમાણે વર્તવા જેટલા આત્મબળ અને કર્તવ્ય બુદ્ધિની પ્રતિતી આપણા જનસમાજમાં બહુ વિશાળ છે.
ઠરાવ બીજો
પીરાણા મતથી અળગા
નુરની ગોળીમાં ભ્રષ્ટાચાર છે, એવું સિદ્ધ કરવા પુરાવા જોઈએ ! પણ હવે સૈયદોનો ધર્મ એટલો રહેલો છે. જાહેરમાં તો નહિ, પણ ગુપ્ત રીતે વટલે તેટલો ધર્મ થાય તોએ બહુ છે !! પણ એ સાબીતી આપણે ક્યાં શોધીએ ? આપણા હિન્દુ સ્મશાને જઈએ તો નાહ્યા સિવાય કોઈ ચીજને અડકાય નહિ તો પછી ઈમામશાહના રોજામાં બેસી ખાવું સુવું ને કપડાં સાથે ભક્તી કરવી ? એ ક્યાં હિંદુ ધર્મની નિશાની છે ! સૈયદો આપણે ત્યાં પગ પેસારો રાખે તેને બ્રાહ્મણમાં માનવામાં આવે એ કેવું નીચ છે !!!
આખર વખતે રોજામાં આગાખાન પગ મૂકે તો તે સોનાનો થવાનો છે, એવું શાસ્ત્ર કહે છે. તો પછી તેને સોનાના કમાડ બનાવવાં લક્ષ્મણ કાકાએ ફંડ કરેલું તેમાં પૈસો આપવામાં ક્યું પુણ્ય છે. એટલું હવે સિદ્ધ છે કે સૈયદો કાકા, કારભારીઓએ પીરાણા પંથ માનવાની જરૂર નથી. પણ રાખવાની જરૂર છે. જુએ છે, કચ્છ પ્રાંતમાં ૮૦ ગામો પૈકી ૨૩૮૬૩ માણસો પીરાણા પંથી છે, તેને ધર્મ ઉપર આવેશ કરવો એ માટે ઓછા પ્રયાસની જરૂર નથી. સદભાગ્યે હજુ સુધી કોઈ પણ પીરાણી મુસલમાન થયો નથી માટે ખાનાને મંદિર બનાવો, પીરની બાધા રાખવાથી જો વાંઝણી બાયડીને પુત્ર થયો હોય અને તે પીર ન માને તો તે પુત્ર મરી જશે. એ બીકથી હૃદય વિરૂદ્ધ પણ પીરને માન્યા કરે. તે પ્રમાણે જે મુખી પીરાણા પંથ માન્યા પછી જો છોડી દે તો તેને માટે પણ ધાક મુકેલી છે કે “એ બંદા મૃત્યુલોકને વિશે મોમન હતા. તે સર્વ આચાર પાળતા વેદ, શાસ્ત્ર શીખીને સંભાળીને વીસારી મેલ્યા તેને જુઠા કરીને જાણ્યા જેથી બહેરાને બોબડા થયા છે તે રોજે કયામતને દિને માર ખાશે પચાસ હજાર વર્ષનો એક દીવસ થશે. સાડા ત્રણ દિવસ લગી અજાપ ભોગવશે તે વેદ, કુરાન માહે લખ્યું છે, તે તમે જાણો છો, તમને સાહેબે ઈમામશાહે ફરમાવ્યું છે. તે માટે ચેતીને ચાલજો. આવો ડરનો સતપંથ છે, તો મુકવાનું શું જરૂરીયાત છે. પીરાણા મતમાં ચમત્કાર ઉપર આધાર રાખવામાં આવે છે, તે પર ભરોસો થાય નહિ કારણ કે ધર્મ વધારવા સારું જુઠું બોલવું પાપ નથી. ત્યારે તે ચમત્કારો પણ ધર્મ વધારવાને માટે લખ્યા હોય તે બનવા યોગ્ય છે. પીર ઈમામશાહનો ધર્મ કહે છે કે અલ્લાહ સિવાય કોઈ પૂજ્ય નથી, તે એકલો તેનો કોઈ ભાગીદાર નથી.” તો પછી હિરણ્યકશ્યપની પેઠે પોતે આપણી પાસે ખુદા બનાવે તો પછી આપણે તો તેની સાથે ભક્ત પ્રહલાદની પેઠે અસહકાર જ પાલવે પછી બાપ દીકરો હોય તો તે સિદ્ધાંતની વિરૂદ્ધ જુદા પડવું પડે માટે એટલું સમજીને કેટલાક પાટીદારોમાંથી (કચ્છ) દેહ શુદ્ધ પ્રાયશ્ચિત કરાવીને છુટા પડ્યા, તે ધન્યવાદને પાત્ર છે. પરમાત્મા આપને બળ આપે કે જેથી સ્વાર્થી પીરાણાઓને આત્મીક બળ આપવા નસીબવંત નીવડો.
ૐ શાન્તિઃ ૐ શાન્તિઃ ૐ શાન્તિઃ
જોઈએ છીએ
જ્ઞાતી સમાચાર લખી મોકલનાર ખબરપત્રીઓ હકીકત સાથે લખો :
વ્યવસ્થાપક, પાટીદાર ઉદય ઓફીસ,
રણછોડ લાઇન—કરાંચી
શ્રી તૃતિય પાટીદાર પરિષદમાં લીધેલી પ્રતિજ્ઞાને
પાળી પીરાણા પંથનો કરેલો ત્યાગ
પરિષદનું કામ સંપૂર્ણ થતાં જ કરાંચી વાળા સુપ્રસિદ્ધ કોન્ટ્રાક્ટર ભાઈ ખીમજી શીવજી મિસ્ત્રીએ ઉભા થઈ પરીષદના સેક્રેટરી ભાઈ નારણજી રામજીને કહ્યું કે અમોએ જે પીરાણા પંથનો ત્યાગ કરવાની પ્રતિજ્ઞા લીધી છે. તે અમારે આ મંડપમાંજ તેને પુરણ કરવી છે. જેથી અમારે અત્રેજ શુદ્ધિ કરાવવી છે તે સાંભળી ભાઈશ્રી નારણજીએ પ્રમુખ મહાશય આગળ અરજ કરવાથી તેણે પંડીત કારતાંતિક વગેરેની સલાહ લઈ ગઢશીશાના પ્રખ્યાત પંડીત પારાશર (જેણે શા. ૧૯૭૯ના પ્રથમ જેઠ સુદિમાં {VSAK: 21-May-1923} ગામ દયાપરમાં લગભગ ૧૬૯ માણસની શુધ્ધિ કરાવી હતી) તે હુકમ કર્યો તેથી બીજે દિવસે પંડીતશ્રી મુંબઈમાં રહેતા હોવા છતાં પણ સાડા દશ વાગે ઘાટકોપર પહોંચી ગયા હતા. અને ત્યાં આપણા ભાઈઓએ શુદ્ધિના માટે સર્વ સામગ્રી તૈયાર કરી રાખેલ તેથી તેણે શુદ્ધિ કરાવવાનું કામ ચાલુ કર્યું તે વખતે જેટલા ભાઈઓ બેસવાના હતા તે બેસી ગયા અને કામ શરૂ થયું તે જોઈ ગામ વિરાણીવાળા ભાઈ કરમશી માવજી અખીયાણી (નાકરાણી)ના ધર્મપત્નીથી ન રહેવાયું તેથી તેણે પોતાના મનમાં નિશ્ચય કરી દીધો કે મારો ધણી અને મારો સસરો આજે જ આની સાથે શુદ્ધિ કરાવે તો જ મારે અન્ન પાણી લેવું અને બીજાને રાંધીને ખવરાવવું પ્રભુ ભક્તોની વહારે હંમેશા તૈયાર છે, તેથી તે બાઈએ એક માણસ મોકલી પોતાનો ધણી તથા સસરો જ્યાં કામ કરતા હતા ત્યાંથી બોલાવી મંગાવ્યા અને પોતાની લીધેલી પ્રતિજ્ઞા તેને સંભળાવી દીધી તે સાંભળીને કઠોર હૃદયના ભાઈ કરમશી માવજીનું પણ મન પીગળી ગયું અને તેણે પણ બીજા ભાઈઓની સાથે બેસીને પોતાની ગૃહ લક્ષ્મીની પ્રતિજ્ઞા પૂર્ણ કરવા શુદ્ધિ કરાવી, પ્રભુ અમારી જ્ઞાતિમાં આવી જ દેવીઓ પેદા કરે ત્યાં પરિષદના કામથી પરવારીને કરાચીવાસી ભાઈઓ કરાચીમાં આવ્યા ત્યાં આવીને પોતાની લીધેલી પ્રતિજ્ઞા પોતાના કુટુંબીઓને સંભળાવી અને નિશ્ચય કર્યો કે આપણે જલદીથી હવે શુદ્ધિ કરાવવી જોઈએ તે માટે પ્રતિજ્ઞાવાળા ભાઈઓ ભેગા થયા અને સલાહ કરી કે આપણે આપણી જ્ઞાતિને ભોજન આપવું અને સારા પંડીતના હાથેથી શુદ્ધિ કરાવવી આવો નિશ્ચય કરીને દેવીસરવાળા જોશી રતનશી માધવજીને કોઈ સારાં પંડીતને તેડી લાવવા કહ્યું જેથી વઢવાણવાળા શુક્લ કાળીદાસ ભલુરામને તેડીને શાં. ૧૯૮૦ના માસ વૈશાખ સુદી ૩ અક્ષય ત્રીજ {VSAK: 07-May-1924} ના દિવસે પોતાના રહેવાના મોટા કંપાઉન્ડમાં મંડપ બાંધીને દેહશુદ્ધિ કરાવી હતી જેઓના નામ નીચે મુજબ.
પ્રાયશ્ચિત કરાવી શુદ્ધ થયેલા ભાઈઓની નામાંવલી
કુટુંબ—૧ |
૧. પટેલ રતનશી શીવજી નાકરાણી રવાપર વાલા તંત્રી “પાટીદાર ઉદય” |
૨. સૌ. મેગબાઈ પટેલ રતનશી શીવજીના ધર્મપત્ની |
૩. ચી. વીરજી રતનશી (રતનશી શીવજીના પુત્ર) |
કુટુંબ—૨ |
૪. પટેલ લાલજી શોમજી નાકરાણી રવાપરવાળા |
૫. સૌ. વાલબાઈ પટેલ લાલજી શોમજીના ધર્મપત્ની |
કુટુંબ—૩ |
૬. પટેલ રામજી શોમજી નાકરાણી રવાપરવાળા |
૭. સૌ. કેશરબાઈ પટેલ રામજી શોમજીના ધર્મપત્ની |
૮. બેન ગોમતીબાઈ (પટેલ રામજી શોમજીના પુત્રી) |
કુટુંબ—૪ |
૯. પટેલ નથુ ધનજી નાકરાણી રવાપરવાળા |
૧૦. સૌ. નાનબાઈ પટેલ નથુ ધનજીના ધર્મપત્ની |
૧૧. ચી. દાના પટેલ નથુના પુત્ર |
૧૨. પરમાબાઈ પટેલ નથુના પુત્રી |
કુટુંબ—૫ |
૧૩. પટેલ મુળજી ડોસા પોકાર નખત્રાણાવાળા |
૧૪. સૌ. દેવકીબાઈ તે મુળજી ડોસાના ધર્મપત્ની |
૧૫. ચી. નાનજી પટેલ મુળજી ડોસાના પુત્ર |
૧૬. બેન નાનબાઈ મુળજી ડોસાના પુત્રી |
૧૭. બેન નર્મદાબાઈ મુળજી ડોસાના પુત્રી |
કુટુંબ—૬ |
૧૮. પટેલ વાલજી લખુ પોકાર નખત્રાણાવાળા |
૧૯. સૌ. જમનાબાઈ તે વાલજી લખુની પત્ની |
૨૦. ચી. રાજાભાઈ તે વાલજી લખુના પુત્ર |
૨૧. ચી. વિશ્રામભાઈ તે વાલજી લખુના પુત્ર |
૨૨. ચી. ચીચીબાઈ વાલજી લખુના પુત્રી |
૨૩. ચી. તુલસીબાઈ વાલજી લખુના પુત્રી |
કુટુંબ—૭ |
૨૪. પટેલ વીરજી લખુ પોકાર નખત્રાણાવાળા |
૨૫. સૌ. ધનબાઈ પટેલ વીરજી લખુના ધર્મપત્ની |
૨૬. બેન ડાહીબાઈ પટેલ વીરજી લખુના પુત્રી |
૨૭. બેન લક્ષ્મીબાઈ પટેલ વીરજી લખુના પુત્રી |
કુટુંબ—૮ |
૨૮. પટેલ ગોપાલ પેથા પોકાર નખત્રાણાવાળા |
૨૯. સૌ લક્ષ્મીબાઈ ગોપાલ પેથાના ધર્મપત્ની |
૩૦. ચી. લાલજી પેથા, ગોપાલ પેથાના લઘુબંધુ |
૩૧. શીવજી પેથા ગોપાલ પેથાના લઘુબંધુ |
કુટુંબ—૯ |
૩૨. પટેલ શીવજી લધા નાકરાણી નખત્રાણાવાળા |
૩૩. સૌ. દેવકીબાઈ લધા નાકરાણીની ધર્મપત્ની |
૩૪. ચી. જેઠાલાલ લધા નાકરાણીના પુત્ર |
કુટુંબ—૧૦ |
૩૫. પટેલ નારણજી લધા નાકરાણી નખત્રાણાવાળા |
૩૬. ગોમતીબાઈ તે નારણજી લધાના ધર્મપત્ની |
૩૭. ચી. નરસિંહ તે નારણજીના પુત્ર |
૩૮. અર્જુન તે નારણજીના પુત્ર |
કુટુંબ—૧૧ |
૩૯. પટેલ વિશ્રામ પાંચા પોકાર (ગાંગાણી) વિરાણીવાળા |
૪૦. સૌ. લક્ષ્મીબાઈ વિશ્રામ પાંચાના ધર્મપત્ની |
૪૧. ચી. લાલજી ઉર્ફે બાબુલાલ વિશ્રામ પાંચાના પુત્ર |
૪૨. બેન લાલબાઈ ઉર્ફે બાબુલાલ વિશ્રામ પાંચાની પુત્રી |
કુટુંબ—૧૨ |
૪૩. પટેલ મેઘજી શામજી શાંખલા વિરાણીવાળા |
૪૪. સૌ. કુંવરબાઈ મેઘજી શામજીના ધર્મપત્ની |
૪૫. ચી. શીવદાસ મેઘજી શામજીના પુત્ર |
૪૬. ચી. શીવજી મેઘજી શામજીના પુત્ર |
૪૭. બેન રામબાઈ મેઘજી શામજીની પુત્રી |
કુટુંબ—૧૩ |
૪૮. પટેલ દેવજી ભીમજી ગોગારી વિરાણીવાલા |
૪૯. સૌ. જશુબાઈ તે દેવજી ભીમજીના ધર્મપત્ની |
૫૦. ચી. તુલસીદાસ તે દેવજી ભીમજીના પુત્ર |
કુટુંબ—૧૪ |
૫૧. પટેલ મુરજી ભીમજી ગોગારી વિરાણીવાળા |
૫૨. સૌ હીરબાઈ મુરજી ભીમજીના ધર્મપત્ની |
કુટુંબ—૧૫ |
૫૩. પટેલ ડાયા ગોપાલ ગોગારી વિરાણીવાળા |
કુટુંબ—૧૬ |
૫૪. પટેલ રામજી રઈયા વિરાણીવાળા |
૫૫. વિધવા કુંવરબાઈ રઈયા તેના પૂજ્ય માતૃશ્રી |
ઉપર મુજબના ભાઈઓએ દેહશુદ્ધિ કરાવી છે. પ્રભુ અમારા પાછળ રહેલાં ભાઈઓને હીંમત આપે કે તેઓ હવે તૈયાર થઈ પાપી પીરાણા પંથ અને તેમાં પીવાતી પાવળની ગોળીનો જલ્દી ત્યાગ કરે અસ્તુ.
સાભાર સ્વીકાર
એક પ્રાસ્તાવિક નિબંધ અમોને આપણી જ્ઞાતિના આદ્ય સુધારક ભાઈ નારાયણજી રામજી વિરાણીવાળા તરફથી મળ્યું છે. જે અમો ઉપકાર સાથે સ્વીકારીએ છીએ, અને તેના માટેનો અમારો અભિપ્રાય તેમજ બીજા ભાઈઓ તરફથી અમોને છાપવા માટે મળેલા અભિપ્રાયો અમો આવતા અંકમાં આપશું વાચક બંધુઓ અમોને ક્ષમા કરશો કે પરીષદની હકીકત લાંબી હોવાથી તે અમોએ બહુ જ ટુંકી કરેલ છતાં પણ જગા અમો બચાવી શક્યા નથી તેથી તે અતિ ઉપયોગી બાબત હોવા છતાં પણ અમો લાચારીથી આપી શક્યા નથી.
ખેતીવાડી વિજ્ઞાન પુસ્તક ૧૨મું અંક ૧૦મો અમોને દુલેરાય સી. અંજારીયા ધરમપુર જીલ્લો સુરત વાર્ષિક લવાજમ રૂ. ૨—૮—૦.
પાટીદાર પુસ્તક ૧લું અંક ૮મો અમોને તેમના પ્રકાશક ભાઈ નરસિંહભાઈ ઈશ્વરભાઈ પટેલ આણંદ તરફથી મળ્યો છે જેની અંદરની બાબતો ખાસ વાંચવાને માટે તેના ગ્રાહક બની દરેક બાબતની સહાય કરવાની અમો અમારા પાટીદાર ભાઈઓને ભલામણ કરીએ છીએ. વાર્ષિક લવાજમ રૂ. ૨.
“પાટીદાર ઉદય”માં જાહેરખબર છાપવાના ભાવ એક પેજ અર્ધું પેજ પા પેજ એક વર્ષ ૩૬ ૨૦ ૧૧ છ માસ ૨૦ ૧૧ ૬ ત્રણ માસ ૧૧ ૬ ૩॥ એક માસ ૪ ૨॥ ૧॥
ઉપર પ્રમાણે ભાવ છે, ટૂંકી જાહેરખબર માટે ચાર લાઇનનો રૂ. ૧ એક, એક વખતનો છે. જાહેરખબરના નાણાં અગાઉથી લેવામાં આવશે. વધુ ખુલાસા માટે પૂછો.
વ્યવસ્થાપક, પાટીદાર ઉદય ઓફીસ, રણછોડ લાઇન, કરાંચી
|
મદદ કરો ! મદદ કરો ! મદદ કરો !
તમારા દાનનાં ઝરણો વહે માર્ગ અવળે તે.
કમી કરવા બદલ બીજાં નવા દુઃખો ઉમેરે તે
હવે તે દાનના ઝરણો અનુકૂળ ક્ષેત્રમાં વાળો
જમાનો જેમ બદલાયો સુધારો દાનનો ધારો.
ગરીબ જ્ઞાતિ ભાઈઓની હાલત જોઈને તમારું હૃદય કંપી ઉઠતું હોય
તમારા દેશ પરદેશ વસતાં ભાંડુઓના સમાચાર જાણવા હોય,
તમે તમારી જ્ઞાતિમાંથી કોહેલા રિવાજા કાઢવા હોય,
તમારે આગેવાન ગેઢેરાઓના ત્રાસથી જુલમથી બચવું હોય,
તમારે પીરાણા પંથની પ્રપંચી જાળમાંથી છુટવું હોય
અને તમારી ભાવિ પ્રજાને છોડાવી સુખી કરવી હોય
તો
“પાટીદાર ઉદય”ના ગ્રાહક થાઓ અને તે ખરીદો. ખરીદીને તેમાં
આવતા લેખોને વાંચો વિચારો અને મદદ કરો.
તમારે જ્યારે કોઈ પણ દાન કરવું હોય ત્યારે આ પાટીદાર ઉદયને ભૂલતા નહિ.
નાની મોટી દરેક રકમનો સ્વીકાર થાય છે તે તેના નીભાવવા અર્થે જ ખર્ચાય છે.
માટે
કોઈ પણ ધર્માદા કાઢેલી રકમ ખર્ચતી વખતે પુણ્ય દાન કે ધર્મ કરતી વખતે
લગ્ન ખુશાલીના પ્રસંગે કે વડીલોના સ્મરણ ચિન્હ તરીકે જુજ રકમ પણ
“પાટીદાર ઉદય”ના ફંડમાં મોકલવી ચુકશો નહિ.
આજે જ લખો :
વ્યવસ્થાપક, પાટીદાર ઉદય ઓફીસ, રણછોડ લાઇન્સ, કરાચી.
આ પત્ર “તરૂણ સાગર” પ્રેસમાં ગિરિજાશંકર બી. ત્રિવેદીએ છાપ્યું ન્યુ સ્મોલકોઝ કોર્ટની સામે કેમ્પબેલ સ્ટ્રીટ કરાચી