Book: Abhilekh -2, 2024 (અભિલેખ -2, 2024)

Index

10.6 - પાટીદાર ઉદય - અંક 7 અને 8 - વિ. સં. ક. 1980 પોષ અને મહા (Jan and Feb-1924)

|| ૐ ||

શ્રી કચ્છ કડવા પાટીદાર સુધારક યુવક મંડળ તરફથી પ્રગટ થતું માસિક પત્ર

પાટીદાર ઉદય

વર્ષઃ ૧લું કરાચી, પોષ મહા-સંવંત ૧૯૮૦ {VSA: Jan, Feb-1924} અંક ૭-૮ મો

તમે તમારા પગ ઉપર ઉભા રહેતા શીખો. પોતાની મદદ જાતે કરવાની છે. બીજાની મદદની વાટ જોઇ બેસી રહેતા નહિં.

આજે જ કાર્યનો આરંભ કરો, ઉન્નતિના માર્ગમાં તોજ તમે આગળ વધી શકશો. તમે કર્તવ્ય શાળી હશો તો મદદ તમોને ગમે ત્યાંથી આવી મળશે, કર્તવ્યમાં જ મંડયા રહો પરિણામે તમારો વિજય જ છે.

          આત્મબળથી મનુષ્ય ધારે તે કરી શકવા સમર્થ થાય છે. તે દરેકને પ્રાપ્ત છે, જેટલા પ્રમાણમાં મનુષ્ય તેનો અવિસ્કાર કરે છે, તેટલા પ્રમાણમાં સુખ તેને પ્રાપ્ત થાય છે.

          જાગ્રત થા ! ઉત્થાન પામ ! અને જ્યાં સુધી લક્ષ્ય સ્થાન પર પહોંચે નહિ ત્યાં સુધી શાંત ન થા !

          વાર્ષિક લાવજમ અગાઉથી રૂા. ૨ બે પોસ્ટેજ સાથે.

 છુટક નકલ આના ચાર

 

                                                          તંત્રી અને પ્રકાશક

                                                          રતનશી શીવજી પટેલ

                                                          પાટીદાર ઉદય ઓફીસ, રણછોડ લાઇન—કરાચી

અનુક્રમણિકા

 

વિષય  

લેખક

પૃષ્ટ

૧.

વ્હાલ વીરા ઉભા રહે !

 

{347}

૨.

હરિગીત છંદ

પુંજાભાઈ ખેતસીંહ પટેલ નખત્રાણાવાળા

{349}

૩.

કર્તવ્ય  

વિશ્વજ્યોતિ

{350}

૪.

એક ખેડૂતની કરૂણાજનક કહાણી

 

{351}

૫.

ખેડુતને ખરી ખંતથી

 

{354}

૬.

કેળવણી

લી. ખીમજીભાઈ કચરા મૈયાત (કચ્છ, રવાપર વાળા)

{354}

૭.

બાળલગ્ન

લાલજી સોમજી પટેલ રવાપુરવાળા

૧૧ {356}

૮.

આપણી અપૂર્ણતા

રણછોડદાસ ભગત

૧૪ {359}

૯.

જાહેર વિનંતિ

ઉત્તરસંડા—ડાહ્યાબાઈ દેસાઈભાઈ પટેલ

૧૯ {363}

૧૦.

કુદરત અને મનુષ્ય

 

૨૦ {364}

૧૧.

ભલાઇનો નમુનો

જુદા જુદા પત્રો માંથી

૨૧ {366}

૧૨.

એક પત્રકારે માંગેલી માફી

મંત્રી

૨૪ {369}

                                     

                                                                  

                                               

                                               

સુચના

આ માસિકના વાંચનારની મમદારીઓ ભારે છે. માસીક નવરાશની વખતે વિનોદ ખાતર વાંચવા કે જ્ઞાતિનું છે તે જાણી મંગાવી ખુણામાં નાખી દેવા મંગાવવાનું નથી, પણ દરેક ગ્રાહકે તેમાં આવતા લેખો પુરેપુરા ધ્યાનથી વાંચી તે ઉપર મનન કરી જે વાત ઠીક લાગે તે બીજાઓને ઠરાવવા પ્રયત્ન કરવાના છે, એટલુંજ નહિ પણ જ્ઞાતિના જે ભાઈઓ સાધન સંપન્ન હોય કે ગરીબ હોય અને તેમને માસીક તરફ પ્રેમ ન હોય તેવા ભાઈઓને માસીકના શુદ્ધ હેતુથી વાકેફ કરી તેમને ગ્રાહક થવા લલચાવવા જોઈએ. અમારૂં દ્રઢતાપૂર્વક માનવું છે કે દરેક જ્ઞાતિ ભાઈઓ અમારી ઉપરની સુચનાઓ તરફ ધ્યાન આપી, માસીકને પગભર કરવા તેના ગ્રાહકો વધારવાનું કામ માથે લે, તથા માસીકમાં આવતા વિષયો તરફ માસીકના વાંચનારાઓનું ધ્યાન ખેંચે તો ટુંક મુદતમાંજ આ માસીકને ગ્રાહકો સબંધી બુમ મારવાનું કારણજ ન રહે.

          આપણે બધા જાણીએ છીએ કે  આપણી જ્ઞાતિમાં અજ્ઞાનતા ભારે છે. આપણી વસ્તી બહોળી હોવા છતાં આપણે એકબીજાથી એટલા બધા છુટા છવાયા વહેંચાઈ ગયા છીએ કે આપણી સમગ્ર જ્ઞાતિનું હીત અહિત ભેગા મળીને વિચારવાનો આપણને અવકાશ જ

નથી, આપણી આવી દશામાં આપણી અજ્ઞાનતાનું ભાન ઘેર ઘેર કરવા ઈચ્છતા હોઈએ તો આપણી ફરજ છે કે જ્ઞાતિ ઉન્નતીના વિચારો દરમાસે ઘેર ઘેર પહોંચાડે તેવા જ્ઞાતિના આ એકના એક સાધનને ઘેર ઘેર દાખલ કરવુંજ જોઈએ. આપણાજ જેવી પછાત જ્ઞાતિઓમાં આવા સાહસો કરવામાં આવ્યા પણ ગ્રાહકોના અભાવે તેને બંધ કરવા પડયાં. આપણી જ્ઞાતિનું જીગરથી ભલું ઈભ્છનાર કેટલાક ભાઈઓના આશ્રયથી આ માસીક જે જ્ઞાતિ સેવા કરે છે, તેને જ્ઞાતિના દરેકે દરેક ભાઈએ આશ્રય આપી પોષવાની જરૂર છે. સુંદરમાં સુંદર વાડી પણ જળ પાનાર માળી ખેડુ વિના કરમાય સુકાય છે. આ માસીક પણ એના ગુણને ગ્રહણ કરનાર ગ્રાહકો નહી મળે તો કરમાશેજ. એટલા માટે અમારા ગ્રાહકોને અમો આગ્રહપૂર્વક વિનવણી કરીએ છીએ કે  દરેકે આ માસીકના હેતુ પોતાના લાગતા વળગતાને સમજાવી માસીકના ગ્રાહકો વધારવા ખાસ પ્રયત્ન કરવા તેમ કરતા અવકા કાઢનારા દરેકને મળશે તે અમારી જાણમાં છે. તેવાઓને અમારે જણાવવાનું કે આપણાં (અવકા) કાઢવા સહેલા છે પણ ખાપણથી અલગ રહે છે ! તે જરા જણાવશો.

          અત્યારે દેશમાં એકતાનો મંત્ર જોરથી ફુંકાઈ રહ્યો છે, હિન્દુ, મુસલમાન, પારસી, ખ્રીસ્તી કે યહુદી ગમે તે કોમમાં જનમ્યો હોય તો પણ જે આ દેશના અન્ન, જળ અને હવાથી પોતાનું શરીરપોસી રહ્યો હોય તે દરેકે અત્યારે પોતાના સામાન્ય મતભેદને બાજુએ મુકી બધા એકજ દેશના જાયા છીએ. તેથી ભાઈ તરીકેનો પ્રેમ એકબીજા તરફ બતાવી એક બીજાના સુખ દુઃખમાં રસ લેતા થઈ જોડાઈ જવા તૈયાર રહેવું જોઈએ. આ રીતનું જોડાણ કરવાના મહા પ્રયાસો ચોમેર ચાલુ થયા છે, તેમ ઘણે ભાગે તે સફળ પણ થયા છે. જો આ વખતે આપણી જ્ઞાતિના આગેવાનોનો દિવસ ન ફર્યો હોય. સાદી અકલનો ઉપયોગ કરવાની શક્તિ ન ગુમાવી હોય તો આપણી જ્ઞાતિમાં ઝગડા જગાવનારા પીરાણા પંથનો પાયો નાબુદ કરીને જ્ઞાતિમાં પડી જતા ભંગાણને અટકાવવું જોઈએ. અને આખી જ્ઞાતિના સમસ્ત ભાઈઓએ (નહી કે એકલા આગેવાનો એજ) એક જગ્યાએ ભેગા મળીને એક સંપી કરવી જોઈએ અને હાલમાં ચાલતા રીવાજો ઉપર વિચાર કરવો જોઈએ અને જે જે રીવાજ આપણે અડચણ કરતા હોય તે રદ કરીને તેની જગ્યાએ નવા દાખલ કરવા જોઈએ.

          આપણી જ્ઞાતિના પ્રત્યેક પુરુષ આપણો ભાઈ છે તે આદર્શ ને સાચવી ન શકયા ત્યારે આપણા આજ આ હાલ થયા છે. જેથી આપણે ચોવીસે કલાક કમાઈએ છીએ છતાં પણ સુખની ઘડી દેખતા નથી.

          આપણામાં અત્યારે પ્રમાણીક માણસની જીત નથી જે સાચું કહે તેનેજ આપણે મારવા માંડીએ છીએ અને ઠગી ખાનારાઓ અને આખી જ્ઞાતિને ખાડામાં ઓરનારાઓનેજ આપણે માન આપીએ છીએ. તો હવે આપણે તેમ નહી કરતાં સાચી સુચનાઓને સ્વિકારવી જોઈએ. દરેક ભાઈ અમારી આ સુચનાને ધ્યાનમાં રાખીને સમજી જશે. પ્રભુ અમારા દરેક જ્ઞાતિ ભાઈઓને સદ્‌બુદ્ધિ આપે કે જેથી જ્ઞાતિ ઉન્નતિનો ધોરી રસ્તો તે દેખે.

તંત્રી

 

ૐ ॥

પાટીદાર ઉદય

કચ્છી કડવા પાટીદાર જ્ઞાતિના લાભાર્થે પ્રગટ થતું ગુજરાતી માસિકપત્ર

વર્ષ: ૧લું કરાચી. પોષ-મહા સંવંત ૧૯૮૦ {VSA: Jan, Feb-1924} અંક ૭-૮ મો

 

વ્હાલા વીરા ઉભો રહે !

          ઉભો રહે ! વહાલા વીરા ઉભો રહે ! એ મોહ જાળથી લચી પચી રહેલી દુનિયાની નાશવંત ઘટમાળમાંથી એક ડોકીયું આ તરફ કર ! ઈશ્વરી સંદેશને ભુલી જતાં સર્વ પ્રકારે પાયમાલ થયેલી તારી ગરીબ જ્ઞાતિ પર એક કૃપા ભરી દૃષ્ટિ ફેંક ! સંસાર યાત્રા ખેડવા જતાં અન્ય રસ્તે ચઢી ગયેલા ઓ વ્હાલા વીર થોભ! એ તો કંટક વનની વાડ છે.એ તો  તારા દૈવી જીવનો લુંટારો છે તારા જ શસ્ત્રો વડે અધોગતિને આહ્‌વાન થાય છે.    

+      +      +      +      +      +      +      +      +      +

          તું ક્યાંથી આવ્યો ? શા સારું આવ્યો ? કઈ શરતોનો સ્વીકાર કરીને આવ્યો ? આંખ ઉઘાડ મનને સ્થિર કર ! ક્યાં ઊભો છે ? તારા સ્થાનથી દુરને દુર જવામાં તને કોણ ધકેલે છે ?તારી આસપાસ આદુરાચરણોનું ટોળું કેમ મોઢું ફાડી જાણે યાહોમ કરવાની તૈયારી કરતું હોય એમ ઊભું છે ? દૈવી અને પાશવ વૃત્તિના  ભોગ થયેલા માનવ પ્રાણી પાશવ વૃત્તિની જ મિત્રાચારીના વ્યાપારનું સરવૈયું તપાસ્યું છે ! તારાં કર્તવ્ય ધર્મથી વિરૂદ્ધ થઈ જતાં ઓ વીરા તારા અને તારી જ્ઞાતિના જીવનના હક આજે છડે ચોક ચગદાઈ જાય છે. એ જોઈ તારા કર્તવ્યનું સુકાન બદલવાની ફરજ તને નથી સમજાતી ?

          આજે કુદકે અને ભૂસકે વધતી જતી દુનિયાની પુંઠ જ તું પથારીમાં પડ્યો પડ્યો કેમ જોયાં કરે છે ? ભારત વર્ષની પ્રજા આજે વ્યાપારઉદ્યોગ, કેળવણી, કળા અને ગૃહ જીવનની રચનાઓ ચીવટથી સુંદર રીતે યોજી રહી છે. ત્યારે તું તે મુગ્ધ બનીને આશ્રયના સાગરમાં કેમ પડી ગયો છે ? સ્વ ધંધા માથે છીણી મુકાય છે, અન્ય ધંધા તરીકે કે નોકરીની ગુલામી સ્વીકારી  માંડ માંડ ગાડું ગબડાવે છે. અને એ રીતે દેશની આબાદીમાં અમુક સ્થાન ભોગવતી તારી કળા પગ દળે ચગદાઈ જતી જોઈ તારા હૃદયે કદી અરેકાર અનુભવ્યો છે ? તારી જ્ઞાતિના સ્ત્રી સમાજની અવદશાનો તો છેડો જ નથી. લગ્નની ઉચ્ચ ભાવના અને સ્વીકારેલી સંસારની જવાબદારીનું કોકડું વાળી એક ખુણામાં ફેંકી દેવાયું છે. ગૃહસ્થાશ્રમના સ્વર્ગીય આ દેશની જગ્યાએ આજે ક્લેશ, કંકાસ, કુસંપ અને એવી અનેક જાતની બદીઓનું જ દર્શન કેમ થયા કરે છે ? આપણે હાથે ઉછરતી ભાવી પ્રજા આજે નિસ્તેજ અને ગુલામી જ સ્વીકારવાનું પસંદ કરતી કેમ જણાય છે ? લગ્ન એ આજે આવી પડેલી ઘોંસરી કેમ મનાય છે ? સંતતી પેદા કરવી જીવનનો પ્રાધાન્ય હેતુ કેમ ગણાતો હશે ? સંસાર યાત્રાની  છેલ્લી હરોળમાં પણ તારું સ્થાન કેમ નથી ? યુવાન વર્ગ આજે અવનવા ઉત્સાહમાં તનમનાટ કરવાને બદલે વિધવિધ ચિંતાના ભારથી બંધાયેલ કેમ માલુમ પડે છે ? શું ઈશ્વરે હક અને સત્તાની વહેંચણી કરતા તને અન્યાય આપ્યો છે ? ના બિલકુલ નહિ.

          ડાહ્યા અને બુદ્ધિના ઈજારદાર આગેવાનો પણ આમાં જેવી તેવી ભુલ નથી કરતા. તેમને તો આજે સત્તા અને અહંપણાનો ચઢેલો મદ લોક કલ્યાણનો વિચાર સરખો પણ નથી કરવા દેતો.  જ્હાન્નમમાં જાઓ એ જ્ઞાતિ, પુત્રો એ પ્રગતિમાં, એમને તો અનેક ચિંતાઓથી ઘેરાયેલાં પોતાના ભાઈ બહેનો પર સત્તા જોઈએ છીએ, એમના જીવન વહેવારની સત્તા એમના હાથમાં જોઈએ છીએ, એ સ્થિતિમાં ફેરફાર કરવાનો પ્રશ્ન પણ જેવો તેવો નથી. એમની પાસે રહેલી ઉપયોગી શક્તિઓનું વહન આ દિશામાં કરાવવાનું બીડું ઝડપવામાં પણ બુદ્ધિને કુશળતા અને તાલીમની જરૂર છે.

          આજે તારી ભાગ્યદેવી ચોધાર આંસુએ રડે છે, પોતાના પ્રાણ પ્રિય બાળકોની નામર્દાઈ પર પારાવાર દુઃખ અનુભવે છે, તારા જીવનનો બુઝાતો  દીવો ક્યાં અંધકારમાં ફેંકી દેશે એનો વિચાર કરવામાં બુદ્ધિ કામે નથી લાગતી. તારાં ભાઈ—બહેનોની વફાદારી ભુલી જવાતાં ઈશ્વરી વફાદારી પણ તારામાંથી નાશ પામી છે, તને ભુલેલાને એ કલ્યાણનો માર્ગ કોણ બતાવે ?

          વીરા એ વ્યાપી રહેલા અંધકારને શી રીતે  ચીરીશ ? નીતી અને ધર્મના શિથીલ થઇ ગયેલા પાયાને મજબુત શી રીતે બનાવીશ ? તમાચો મારી મોઢું લાલ રાખવાની ખોટી નીતિની જગ્યાએ સાચી લાલી વદન પર ક્યારે લાવીશ ? કંટાળામય લાગતા જીવનમાં રસ, સૌંદર્ય અને પ્રભુતાનું મિશ્રણ શી રીતે કરીશ ? આ પ્રશ્નોના જવાબ તું આપી શકે બીજો ?

          મનને સ્થિર કર ! આત્માને જગાડ ! પ્રભુના દ્વારે આવીને કહે કે મારે તને વફાદાર થવું છે. મારાં ભાઈ બહેનોની સાચી દુવા હાથ કરવી છે. તું મને મદદગાર નહીં થાય ?

 

 

(હરિગીત છંદ)

(રચનાર : પુંજાભાઈ ખેતસીંહ પટેલ નખત્રાણાવાળા)

પ્રિય બંધુ પાટીદાર આ,

વિનંતી જરા ઉરમાં ધરો,

 

કરીને પ્રફુલીત મન,

સુણવા કર્ણને તત્પર કરો

(૧)

બાળક બિચારા આપણા,

તે પારણે પરણી જતાં,

 

નિર્માલ્ય અંગો એમનાં,

બળ બુદ્ધિ હીણ એથી થતાં

(૨)

આ બાળ લગ્ન રિવાજથી,

હાની જુઓને થાય છે

 

એ મુળથી ટાળો વૃથા,

સૌ વ્યક્તિમાં બોલાય છે

(૩)

તો તે વિષે કંઈ લક્ષથી,

જ્ઞાતિ રિવાજો બદલવા

 

પ્રિય બંધુઓ આગળ વધો,

અતિ ક્રૂર મારગ કાપવા

(૪)

સદ્દ વિદ્યા ભણવાનો સમો,

નિર્થક સહુ વહી જાય છે

 

એ બાળ લગ્ને લ્હાય મોટી,

અંતરે સળગાય છે

(૫)

આ શરીરને શોભાવનાર,

તત્ત્વ હીંણુ થઈ જાય છે

 

કુમળાં બિચારા બાળકોને,

રોગ કૈંક ભરાય છે

(૬)

કોઈ કહે મમ બાળ બહુએ,

તાવથી પીડાય છે,

 

વ્યાધિ વધી છે પેટમાં,

નવ અન્ન પૂરું ખાય છે

(૭)

વળી કો કહે મુજ છોકરો,

નિસ્તેજ કેમ દેખાય છે

 

કંઈ ભૂત વળગ્યું કે,

વ્હેમ એવો ખાય છે

(૮)

જોશી ભુવા જોગીઓની,

રાખ રક્ષાઓ થવા

 

આ કોમ અંધશ્રદ્ધાળુ આજે,

વ્યર્થ જાતા રઝળવા

(૯)

છે કંઈ નહિ એ મંહિ,

શાને તમો ભરમાઓ છો

 

આ નાનપણના લગ્ન કરતાં,

કાં નહિ શરમાઓ છો

(૧૦)

નીજ બાળકોનાં દુઃખ હંમેશાં,

શું તમે જોતા નથી

 

નીજ હૃદય રાખી વજ્ર સમ,

કરતાં એ અચકાતા નથી

(૧૧)

પણ આજથી લઈ દૃઢ તો

બાળ લગ્ન તજી દીઓ

 

પરણ્યા વિના રાખો ભલે,

પણ રૂઢી તજતાં ના બીઓ

(૧૨)

જાલીમ હૃદયના રાક્ષસો,

દુઃખ કંઈ અરે નહિ થાય છે

 

આ બાળ લગ્ન રીવાજથી,

આયું નિર્થક વહી જાય છે

(૧૩)

બંધુ હવે સમજી જજો,

ને સારું થવાનું હું કહું

 

આળસ તજી દયોને હવે,

નીજ શ્રેય કરવાને સહુ

(૧૪)

નિજ જ્ઞાતિનો સેવક છું કહે,

આ અરજ મારી એક છે

 

બાળલગ્નો બંધ કરવાની,

ગ્રહો વ્હેલી ટેકને

(૧૫)

 

 

કર્તવ્ય

          પ્રિય પાઠક ! જાગૃત થા, તારા કર્તવ્યને તું વિચાર આજ સુધી ઘોર નિંદ્રામાં પડી તે ઘણું ઘણું ગુમાવ્યું છે. શીર ઉપર અનેક પ્રકારનાં દુઃખોને સહ્યા છે. તેનાથી ત્રાસ પામી મદદને માટે બુમો પાડી છે. અંધકારમાં અથડાઈ ગોથા ખાધાં છે હવે તો નેત્રને ઉઘાડ ! નિંદ્રાને પરિત્યાગ ! બહાર દૃષ્ટિ  કરીને જો ? સમય તારે અનુકુળ છે, તું સમયને અનુકુળ નથી સર્વ પર તારી સત્તા પ્રવર્તે છે.

પ્રિય પાઠક ! તારી સત્તાનો તું ઉપયોગ કર, એ સત્તાના બળ વળે કરી તું ત્રિભુવનને  વશ વરતાવી શકીશ દશ દિકપાળોને ગર્જાવી શકીશ. અનંત સમુદ્રને ખળભળાવી શકીશ, પાતાળને સ્વર્ગમાં પણ તારો ધ્વનિ તું સંભળાવી શકીશ, તારું સામર્થ્ય તારી સત્તા, અમર્યાદ છે હાથે કરીને કૂવામાં રહેલા દેડકાની માફક મર્યાદીત  ન કરીશ.

          પ્રિય પાઠક ! તારામાં ચિદ્‌જ્યોતિ વિલસી રહી છે, તેની પ્રતિ તું જો એ જ્યોતિનો પ્રકાશ  સર્વત્ર ઝળહળાવ જગતને બતાવી આપ કે તું બીકણ નથી. તોપોનો ગડગડાટ અને બંદુકોની ગોળીના સણસણાટની મધ્યમાં પણ તું વિરત્વને ધારી શકે છે. આત્મા અમર છે, નાશ સ્થુળ દેહનો છે ત્યારે તારે શા માટે ગભરાવું, તારા આત્માનું બળ અનુપમ છે તેમાં દૈવી અંશ સમાયલો છે, શસ્ત્ર અસ્ત્ર રૂપી આસુરી બળની ઉપર અવશ્ય તે વિજય મેળવી શકે છે દેવી બળ એ તો તારો વારસો જ છે.

          પ્રિય પાઠક ! જો પાછું વાળી જો, જે સુખને તું રાત્રી દિવસ શોધે છે જેની પ્રાપ્તિને અર્થે  તારા સઘળા પ્રયત્નો છે, જેને અર્થે તું તલસે છેતે સુખ અને શાંતિ અન્ય ક્યાંય પણ નથી તે તો તારી પાસે છે. મારાં આ વાક્ય ન સમજાય તો પુનઃ પુનઃ વાંચ તેનું મનન કર સઘળું રહસ્ય તારી મતીમાં સમજી શકીશ.

          તું જાતે જ સુખ સ્વરૂપ છે, તું પોતે જ આનંદ સ્વરૂપ છે, તું જાતે જ મુક્ત સ્વરૂપ છે. જે જોઈએ તે તારામાં છે. તારા સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કર શાંત બની તારા આત્માથી અભિમુખ થા, તારું એક જ એ પરમ કર્તવ્ય છે.

(વિશ્વજ્યોતિ)

 

 

 

 

મગજને ઠંડક આપી બાલ વધારનાર, શુદ્ધ સ્વદેશી વૈઘજી કે.ઠક્કુર

બાલવર્ધક તેલ

આ તેલ વાપરવાથી મગજને તથા નેત્રને ઠંકડ આપે છે. બાલ કાળા તથા તેજસ્વી બનાવી લાંબા અને સુંવાળા થાય છે. હંમેશાં વાપરી શકાય તેવું ઉત્તમ છે. કિંમત બા. ૧ મોટીના આના ચાર પોસ્ટેજ જુદું.

 

તમામ જાતની દેશી દવાઓ હંમેશાં તૈયાર રહે છે. મોટું સુચીપત્ર મંગાવી જુઓ.

બનાવનાર : ધી કોહીનુર કેમીકલ વર્કસ, નાનકવાડા—કરાંચી

 

 

એક ખેડૂતની કરૂણા જનક કહાણી

યાને

વેપારીનો દોર

(અનુસંધાન અંક ૬ના પાના ૩૧ {340} થી)

          તેને બદલે શેઠે રાજી થઈ ઘઉંના ખળાનું કહ્યું, તેથી પટેલ રાજી થયા, અને હળવેથી બોલ્યા કે કાંઈ દાણા આપશો કે ? શેઠ કહે ભલે લઈ જાઓ, હમણાં વીસ માણા જુવાર લઈ જાઓ પછી બીજી લઈ જજો અને બધાનું એકી સાથે ખાતું પાડશું, આપણે હમણાં કાંઈ ઉતાવળ છે ?

          પટેલ તો આવું સાંભળી આનંદમાં આવ્યા શેઠે દાવો બાંધવાનું કહીને પટેલને દુઃખ લગાડ્યું હતું તે બધું ભુલી ગયા, અને બહુ આનંદમાં આવી શેઠની વાહ વાહ કરવા લાગ્યા. પછી પટેલ વીસ માણા જુવાર લઈને ઘેર ગયા અને કોશ વરત વગેરે તૈયાર કરીને ઘઉંના ઓરવણાં (કોરવણ) જોડ્યાં અને નીરાંતથી ઘઉં વાવવાની તૈયારી કરવા લાગ્યા થોડા દિવસમાં ઘઉં વાવી રહ્યા સીમમાંથી કડબ કાટો ભેગો કર્યો. સીમમાં તલ ચણા ઠીક હતા. દીવાળીઓ કપાસ વીણાયા પણ કપાસ સારા થયા નહિ. તેથી રૂડા પટેલને ભાગે વીસ મણ કપાસ આવ્યો તેમાંથી બી વગેરેનો ગયો, તેમાંથી રૂ કરાવવા કપાસ રાખ્યો. થોડો કપાસ રહ્યો તે વેચ્યો તે છુટમુટ અને સાથીના મસારા (પગાર)માં પૈસા વપરાઈ ગયા અને દાણાં પણ ખુટી ગયાં.

          રૂડા પટેલની ઉપજ બધી લેણામાં ગઈ છતાં હવે શું ખાવું તે વિચાર થઈ આવ્યો પોતાનો શેઠ આપશે કે કેમ ? તેમ ચિંતા થવા લાગી. પોતાને ઘઉંના કોશ જોડવા હતા. પણ દાણા વિના શું કરવું ? આ ચિંતાએ ઘર કર્યું કોઈ દાડીઓ (મજુર) મળે તો કોશ હાંકવા મોકલું. આમ વિચાર કરી ગામમાં દાડીઆ (મજુર)ને ગોતવા ચાલ્યા. પણ દાડીઓ આવવા કોઈ હા પાડે નહિ પટેલ પાસે ખાવા દાણા નથી, તેથી તે મજુરી આપતાં વાર લગાડે, આમ વિચારી કોઈ દાડીએ આવવાને સમત થયું નહિ તેથી કોશ છોડી મુકયો અને શેઠ દાદાની સેવામાં હાજર થયા.

પટેલ જઈને શેઠને ઘેર બેઠા શેઠે જાણ્યું કે આજે કાંઈક કામે આવેલ હશે, તેથી પોતે અનાજની ગુણો ફેરવવા લાગ્યા, પટેલને તો શેઠને ભલું મનાવવું હતું, તેથી શેઠના પાસેથી કામ લઈ પોતે ગુણો ફેરવવા લાગ્યા, બધી ગુણોની થપ્પી કરાવી ત્યાર પછી કહ્યું કે પટેલ ! ભેંસ તરસી છે તમે આંહી બેસો તો પાઈ આવું.

          પટેલ—“હું પાઈ આવું તમે શું જાતાતા.”

          ઠીક ત્યારે જાઓ અને ભેગાભેગું કોટમાંથી ખડ કાઢી નીરતા (નાખતા) આવજો પટેલ ભેંસને પાઈ આવ્યા, કોઢમાંથી ખડ કાઢી નીરણ કરી પાછા આવ્યા, અને શેઠની સામું જોઈ બેઠા.

શેઠ તો ચોપડા લઈ બેઠા. પટેલના સામું પણ જુવે નહિ પટેલ મુંઝાણા અને બોલ્યા કે, શેઠ ! આજે કોશ છોડીને ઘેર રહ્યો છું ઘઉંમાં પાણીની તાણ છે પણ અણછુટકે કોશ છોડ્યો છે.

બોલો ! શું કામ છે ? શેઠે જરા સામું જોઈ  મોઢું મરકાવી કહ્યું.

કામ તો બીજું શું હોય ! “દાણા નથી” પટેલે દયામણા ચહેરે કહ્યું.

          જુઓ તમને હવે દઈ દઈને હું ડુલી ગયો, તમારા પાસે ઘઉં લેણા છે તે, નોંધી દીધા પછી જુવાર લઈ ગયા. પણ તેની નોંધ કરાવવા આવ્યા નહિ તમારે ગરજ હોય તો પાધારા ચાલો ગરજ મટી એટલે થયું.

          હું ક્યાં ના પાડું છું નોંધી દેવાની ! તે દિવસે પણ નોંધ કરવાનું મેં કહ્યું હતું. પણ તમે નોંધ લીધી નહિ, તેથી મારો ઉપાય શો ? અત્યારે નોંધી લ્યો.

શેઠે ચોપડો કાઢ્યો, બે કળશીને શુણ તાલીશ માણા ઘઉં તમારી પાસે લેણાં છે તે ઉપરાંત વીસ માણા જુવાર લઈ ગયા છો તેના દોઢા લેખે ત્રીસ માણાઘઉં થયા.

જે થશે તે આપશું, આ વખતે બે કોશના ઘઉં છે, વળી તમારું જાજું લેણું નથી તેથી પતી જાશે પટેલે કહ્યું.

બે કોશના ઘઉં કેટલા થશે શેઠે જરા ધીરા પડી પૂછ્યું.

બારેક કળશી થશે પટેલે જવાબ આપ્યો.

ઘઉં  પાકતા સુધી તમારે કેટલા દાણા જોશે?

પટેલ—ઘઉં પાકે ત્યાં સુધી બે કળસી દાણા જોશે.

શેઠ કહે ઠીક ત્યારે આમ કરો, બે કળસીને સુણતાલીસ માણાં છે, તેમાં ત્રીસમાણાં ઉમેરીએ એટલે બે કળસીને સીત્તોતેર માણા થાય, બે કળસી જુવાર લઈ જાજો અને બધાં થઈને પાંચ કળસીને સીત્તોતેર માણા નોંધી દીયો.

          પટેલને એમ હતું કે થોડા દાણા પણ આપતા આનાકાની કરશે. ત્યાં તો સામટા આપવાનું કહ્યું તેથી રાજી થયા, પાંચ કળશી સીત્તોતેર માણાનું ખાતું પાડી આપ્યું અને જુવાર ભરી જવા તૈયાર થયા.

          જુવાર અંગારા અને બુરાંવાળી હતી તેના સાથે કાંકરા પણ ઘણા હતા તેથી પટેલ કહે શેઠ ! આ તો મોળી જુવાર છે. સારી હોય તો આપોને !

          શેઠ કહે બીજી જુવાર મારા પાસે નથી. જોઈતી હોય તો આ છે તે લઈ જાઓ. નહિ તો બીજેથી લ્યો.

          પટેલ છાનામાના થઈ ગયા શું કરે ? બીજી સારી જુવાર દુકાનમાં તો ઘણી હતી પણ જો રકજક કરીશ તો તો ના પાડશે. એવા ડરથી જેવી આપી તેવી લઈ ગયો, ઘરે તેની સ્ત્રીએ કહ્યું કે, “આવી જુવારને બદલે ગળોઢું જેવા ઘઉં આપવા પડશે તે પણ દોઢા લેખે” જારમાં કાંઈ નથી અરધું તો કજોહણ નીકળશે, પટેલે નીઃસાસો  નાખ્યો શું કરવું. જ્યાં સુધી કરમની કઠણાઈ હોય, ત્યાં સુધી જેવું આપે તેવું ખાવું આમ કહી વાડીએ ગયા. અને પટલાણીએ ઘંટી માંડી.

          દાણાની ચિંતા મટી હવે નિરાંતે કોશ હાંકીને ઘઉં પકવીશું આવા વિચારમાં પટેલ આનંદમાં આવ્યા, ત્યાં કર્મ સંજોગે બળદે પાછી મુકી અને સારો બળદ હતો તેનો પગ ભાંગ્યો, બે કોશના ઘઉં હતા તેમાં એક કોશ છુટી પડ્યો, હવે બીજો બળદ ન લાવે તો કોશ ચાલે તેમ નહોતું, તેથી વળી શેઠ પાસે ગયા, રોકડા રૂપીયા આપવાની પ્રથમ તો શેઠે ના પાડી પણ ઘણી આનાકાનીએ ત્રીસ રૂપીયાના કળશીના ભાવથી ઘઉં માંડવાનું કહ્યું. પટેલને ઓછે ભાવે ઘઉં આપવા (ઝળપવા)  પાલવે તેમ નહોતું, પણ બીજો ઉપાય ન હોતો, એટલે અઢી કળશી ઘઉં મંડાવી પોણોસો રૂપીયા લીધાં અને બધા મળી સવા આઠ કળશી ઘઉં નોંધી લીધા, કરાર એવો કર્યો કે જો ન અપાય તો પાળે પાળે દોઢા વધે.

          બનાવ એવો બન્યો કે ઘઉંમાં ગેરૂ આવ્યો એટલે સમુળગા આઠજ કળસી થયા તેમાં રાજભાગના બે કળસી ગયા, પચાસ માણા ખળા જાતના ગયા. બાકી રહ્યા સાડા પાંચ કળસી તે બધા વેપારીને ભરી દીધા, બાકી અઢી કળસી દેવા રહ્યા. વેપારી પાસેથી કળસી જુવાર લીધી, તેના પચાસ રૂપીયા ભાવ કર્યો અને તે પણ ચાર મહીને સવાયા આપવા એવો કરાર કર્યો. અષાઢ મહીનો આવ્યો બીયામણ વગેરે લેવા પટેલ ગયા, ત્યારે સમજણ કરવા કહ્યું શેઠે તેથી સમજણ કરવા બેઠા.

          અઢી કળસી ઘઉંના છાછટીઆનું પાળું ચડ્યું, તેથી પોણા ચાર કળસી થયા, તેનો દર કળસીનો પાણોસો રૂપીયાનો ભાવ ગણ્યો એટલે છુટ મુકતાં બસેંને એકાસી રૂપિયા થયા, તેમાં જુવાર કણસી એકના પચાસના સવાયા સાઢી બાસઠ ઉમેરી કરીને ત્રણસેં ને તેતાલીસ નક્કી કર્યા. બી અને ખાવાના દાણા વગેરે થઈને ચારસેંનો મેળ કર્યો. કપાસનું મંડાણ થાય ત્યારે પાછા આપવા ત્યાં સુધી ઉછીના ઉધારા રાખવા એમ નક્કી થવાથી પટેલ રાજી થયા, આવડી મોટી રકમ મહીનો દોઢ મહીનો ઉછીની (ઉધારી) રહેવા દે છે તેથી તેનો ઉપકાર માનવા લાગ્યા. શેઠે કહ્યું ઈતો હું તમને જાળવું છું બીજે જઈતો જો જો બીજા ગળું કરે તેવા છે, આ તો તમારા સાથે નાતો થયો, એટલે ધીર્યા વિના છુટકો નથી નહિ તો આમાં કમાણી નથી પટેલ ઉપકાર માની ઘેર ગયા.

          ભાદરવા મહીનાના પંદર દિવસ ગયા શેઠે ઉઘરાણી કરવા માંડી કે પૈસા આપો પટેલ કહે અત્યારે ક્યાંથી આપવા ? શેઠ કહે કપાસ મંડાવી (ઝળપી)ને આપો, આટલા દિવસ ઉછીના (ઉધારા રાખ્યા તે મારો ગુનો ?) પટેલ શરમાઈ ગયા. શેઠને કપાસ માંડવા કહ્યું પ્રથમ તો શેઠે આનાકાની કરી. પછી ચાર રૂપીયાના ભાવથી ૧૦૦ મણ કપાસ માંડી લીધો, તે ઉપરાંત દાણા અને લુગડા લતાં અને પરચુરણ વગેરે થઈને બીજો ૨૫) મણ માંડ્યો.

          પાંચસેં રૂપિયામાં સવાસો મણ કપાસ માંડી લીધો કપાસની મૌસમ આવી પચાસ મણ કપાસ  તુટ્યો, આ વખતે મણના આઠ રૂપિયા ભાવ હતો, તેથી ચારસે રૂપિયા ઠરાવી તેના સવાયા હુતાસણી (હોળી)એ પાંચસેં દેવા કર્યાં. જુવાર વગેરે ખાવા રાખી તલ ચણા બીજા પરચુરણમાં ગયા. સાથીનો પગાર વગેરે જાતાં ઘઉં પણ થોડા જ રહ્યા. પટેલ મુંઝાણાં આ કરજ (દેવા)માંથી શી રીતે નીકળાશે ? આમ વિચાર કરી ચારસેં રૂપિયામાં ચાર બળદ આપ્યા. કાંઈક ઘઉં આપ્યા, ગાડું એક આપ્યું, આમ કરીને શેઠનું લેણું ચુકતું કર્યું.

          પટેલની બધી ઉપજ શેઠને ત્યાં જાતી સારા દાણા નીપજાવી, ઓખા (હલકા) દાણા ખાવા પડતાં, શેઠની ઓશીયાળનો પાર નહોતો સુખેથી કામ થતું નહિ રાત્રી દીવસ ચિંતા થયા કરતી, હવે નિરાંત વળી, ગામડું છોડી શહેરમાં ગયા, ત્યાં મીલમાં કામ કરવા લાગ્યા પગારે પગારે રૂપીયા આવવા માંડ્યા. તેથી ખેતીનો તિરસ્કાર કરવા લાગ્યા, અને શહેરનો સ્વાદ ચાખવા લાગ્યા.  વેપારી બંધુઓ તમારી આવી લેણ દેણથી ઘણા ખેડૂતો ખેતી છોડી મીલ મજૂરો બન્યા છે. તેથી ખેતીને કેટલું નુકસાન થયું છે ? તેનો વિચાર કરશો ? પરમાત્મા અમારા વેપારીને સદ્‌બુદ્ધિ આપે અસ્તુ !

 

 

ખેડૂતને ખરી ખંતથી

મોં માગી મદદો આપજો

 

(હરિગીત)

(૧)

કદી રંક કિંવા રાયકે ચાકર યદિ ઠાકર બનો,

શીરો જમણ કે જાર વળી ખાવા મળે વનના ફળો,

પણ ના વિસરજો બાપ સૌ પૃથ્વી ખેડે જે હળો,

(તે) ખેડૂતને ખરી ખંતથી મોં માંગી મદદો આપજો

(૨)

દિવાન કદી ફોજદાર કે યદિ ગ્રામના મુખી બનો,

વસુલાતી અધિકારી બનો કે, કલાર્ક પણ તેના બનો,

પાવર જરી નહિ રાખજો સત્તા તણા મદની મહીં,

(પણ) ખેડૂતને ખરી ખંતથી મોં માંગી મદદો આપજો.

(૩)

મદદો દીયો કે નવ દીયો પણ લુંટી ખાશો ના જરી

ખેડૂતના હૈયા તણી કદિ હાયને વરશો નહિ

ધનથી નહિ તો વાણી કે કંઈ દેહથી ખુશ રાખજો,

(જરૂર) ખેડૂતને ખરી ખંતથી, મોં માગી મદદો આપજો

          ખેતીવાડી વિજ્ઞાન ઉપરથી ૧. કલાર્ક—કારકુન—નોકર ૨. પાવર—ખોટી સત્તા અહંકાર ૩. હાય—નિઃશાસા

 

 

કેળવણી

 

          મારા પ્રિય પાટીદાર બંધુઓ ! વર્તમાન સમયમાં જ્યાં ત્યાં માત્ર કેળવણી જ મનુષ્ય માત્રને  આગળ લાવનાર છે. કેળવણી શું ચીજ છે. તેનો કેવો પ્રભાવ છે. તેનામાં કેટલા ગુણ સમાયેલા છે ? એ વાતથી દુનિયામાં કોઈ ભાગ્યે જ અજાણ્યું હશે અને જો અજાણ્યા હોય તો તે માત્ર આપણા જ્ઞાતિ બંધુઓ જ.

          આપ જાણો છો કે એક પથ્થર જેવી નિર્જીવ ચીજને કારીગર કેળવે છે અને કારીગર ઘાટ કાઢે છે, ત્યારે તેની કિંમત અંકાય છે. માટે તેવી નિર્જીવ વસ્તુને પણ કેળવણીથી કેવી સારી કિંમત ઉપજે છે, અને હરીફાઈ પણ થાય છે. નિર્જીવ વસ્તુને પણ કેળવવાથી આટલો ફાયદો થાય છે, તો મનુષ્ય જેવું અમુલ્ય રત્ન કે જે કાદવ કીચડમાં દટાઈ ગયેલું હોય તેને ઉત્તમ કેળવણી આપવાથી કેટલો તફાવત પડે ? તે સમજવા તથા તેની કિંમત કરવાનું કામ આપણા જ્ઞાતિ બંધુઓના હસ્તગત ધરું છું. શરમની વાત છે કે આટલી બધી આપણી બહોળી કોમ છે, છતાં પૈસામાં તથા કળા કૌશલ્યમાં તથા વિદ્યામાં તદ્‌ન પછાત ! અરે લખવાથી મારી કલમ અટકે છે, મારો હાથ કંપે છે, મારું હૈયું ભરાઈ આવે છે, કે જેને આપણે તદન હલકી કોમ ગણીએ છીએ, જેને આપણે અડકતા અભડાઈએ છીએ તેવી જે અત્યંજ કોમ તે પણ પોતાનું શ્રેય શામાં છે, તથા પોતાની સ્થિતિ કેમ અદ્યમ દશાને પ્રાપ્ત થઈ વગેરે હકીકતોનું ભાન પોતાને કરવા કેટલી બધી ચળવળ  કરી રહ્યા છે ? છતાં પણ આપણી આવી મોટી કોમ છતાં આપણી ખરી સ્થિતિનું ભાન થતું નથી એ નવાઈ જેવી બાબત છે.

          સુજ્ઞબંધુઓ ! આટલા દિવસો ઊંઘમાં કાઢ્યા હજુ પણ ઘોર નિંદ્રામાં સુતા છો અરે બંધુઓ આટલી બધી તમારી ગાઢ નિંદ્રા ક્યારે ઉડશે ! અરે મારા વહાલા ભાઈઓ આટલી બધી આળસ  ક્યારે દુર થશે ? ખરેખર આટલું આળસ જ આપણી અવદશાનું મુળ છે ભાઈઓ તમો તમારા વ્હાલાં બચ્ચાને બાળપણથી  લાડ લડાવી સારો ખોરાક ખવડાવી પીવરાવી ઉછેરો છો તે મોટા થઈ તમને મદદ રૂપ થવાની આશા રાખો છો. તેથી જ તમારાં કુમળા બચ્ચાં ઉપર તમોએ ઉપકાર કર્યો એમ જાહેર કરી તેનો બદલો મેળવવા તમારા અજ્ઞાન બચ્ચા ઉપર દાવો ધરાવો છો, અરે મને કહેવા દો કે તમો તમારા વ્હાલા બચ્ચાના ઉપકારી નથી પણ દુશ્મન છો, તમો પાળી પોષી મોટા કરતા નથી પણ તેમની આ અમૂલ્ય જીંદગીમાંથી પોતાનું ખરું રહસ્ય શામાં છે તે વાતથી તદ્‌ન અંધારામાં રાખી વખત બરબાદ કરો છો, અરે બંધુઓ તેટલું જ નહિ પણ આખરે પસ્તાવામાં નાંખો છો, ચોધારે આંસુડે રોવાનો ને પરીણામે આ અમુલ્ય જીંદગીને ખારી ઝેર જેવી બનાવવાનો વખત નજીક લાવતા જાઓ છો, તો કહો કે તમો તમારાં વ્હાલા બચ્ચાંને પાળી પોષી મોટા કરો છો કે તેમની જીંદગી બરબાદ કરો છોબંધુઓ ! યાદ રાખો કે મનુષ્ય તો શું પણ માટી જેવી નજીવી વસ્તુને કેળવી તેનો શોધખોળ કરી એવી કિંમતી બનાવે છે કે તે માટી રૂપાંતર થઈ આપણા હાથમાં આવે છે. ત્યારે તેની ખરી હકીકત સમજવા જેટલી પણ આપણામાં શકિત હોતી નથી. ને તેના આપણે મોં માંગ્યા દામ આપીએ છીએ.

          ભાઈઓ તમો એટલું તો જાણો છો કે ઇંગ્લેન્ડ, અમેરીકા, અને જર્મની વગેરે દેશો કે જે  આપણે જોયા પણ નથી, છતાં પણ હર હંમેશ આપણી નજરે ફરે છે ને દિવસમાં હર ઘડી યાદ કરવા પડે છે, તે દેશોની કારીગરી વિના આપણાથી એક ઘડી ભર રહી શકાતું નથી કારણ કે એ દેશો વિદ્યા, કળા, કૌશલ્યમાં તેમજ સુધારામાં બહુ જ આગળ પડતા છે ને તેને લીધે જ તે આખા ઇન્ડિયામાં ઘેર ઘેર ગવાઈ રહ્યા છે. ભાઈઓ મને કહેતાં શરમ આવે છે કે જે દિવસથી પાટીદાર જ્ઞાતિ ઉત્પન્ન થઈ તે દિવસથી આજ સુધી કંઈ પણ ફેરફાર વગરની જ છે, જો કે સમય બદલાય છે. છતાં આપણી સ્થિતિ ન બદલાઈ સ્થિતિ તો શું પણ ધંધો શરૂ કર્યો હશે ત્યાંથી આજ સુધી જેવી ને તેવી સ્થિતિ આજ પર્યંત કાયમ જ છે. શરમની વાત છે કે દરેક વસ્તુની સ્થિતિ સમયે સમયે બદલાય છે, વખત ઓળખે છે. છતાં આપણે કંઈ બદલાયા નહિ શાના બદલાય ? કોની બુદ્ધિથી બદલાય ? કહો કે આપણા ધંધામાં પણ આપણે પછાત પડી ગયા પણ શું કરે ? બાર સુધી ભણ્યા ન હોય, તે સરાફની પેઢીમાં મુનીમની જગ્યા કોણ આપે ? જો કાગળ વાચતાં જ ન આવડે તો સરકાર પણ હાઇકોર્ટના જજની જગ્યા શી રીતે આપી શકે ? પાટીદારનું નસીબ પથરે” એ કહેવત આજે સાચી કરવાની હોય એમ ભાસે છે, અરે આ શું આપણી ઓછી અવદશા છે ? ઓછું કંગાલપણું છે ? મારા કેટલાક બંધુઓ એમ વિચાર કરતા હશે કે આપણા છોકરાને ભણાવી ક્યાં બેરીસ્ટર—એટ—લો બનાવવા છે ? પણ હું એમ કહું છું કે “ખિસકોલીને સાકરના સ્વાદની ક્યાંથી ખબર હોય” જો તમો ધારો તો તમારા બચ્ચાં બેરીસ્ટર—એટ—લો તો શું ? પણ એથીએ વધારે ડિગ્રી મેળવવા હિંમતવાન થાય પણ મા બાપ જ દુશ્મનની ગરજ સારે તો પછી બીજો કોણ મિત્રની ગરજ સારે તેમ છે ? મારા વહાલા બંધુઓ, હું ઘણા શહેરોમાં જોઉં છું તો આપણી જ્ઞાતિની વસ્તી (ખેતીને ધંધાને તિલાંજલિ આપી આવેલા) કરાંચીમાં મળી આવે છે. તેમાંથી એકાદ તો શોધી આપો કે જે વકીલ, બેરીસ્ટર, મામલતદાર અગર જજની પદવી ભોગવતો હોય અરે એવડી મોટી પદવી તો શું પણ મ્યુનિસિપાલિટી જેવી સમાજની શાખામાં એક મેમ્બર તો બતાવો ? અરે એક મેટ્રીક કે બી. એ. સુધી કેળવણી પામેલો બતાવો ? ખરે શરમની વાત છે કે જો હું ન ભુલતો હોઉં તો મારા જાણવામાં કોઈ નહિ હોય અને કદાચ દેવયોગે એકાદ જણ નીકળે તો મારો તો શું પણ આપણી આખી કોમના સદભાગ્ય, ભાઈઓ ખેર, ડિગ્રીવાળા તો તમે વખતે ન બન્યા તો ઠીક પણ હવે તમારા બચ્ચાંને બનાવજો એમ પણ કહેશો કે આટલી વસ્તીમાંથી કરાંચીમાં કે મુંબઈમાં ફલાણા ભાઈ કચ્છી પાટીદારની દુકાન અથવા પેઢી છે, ખરે કોઈ જ નહિ અરે ? તો આટલી બધી વસ્તી ભેગી થઈ છે. તે શું ધંધો કરતા હશે કાંઈ જ નહિ માત્ર કરવતનો તથા પથ્થરનો તથા મજુરનો બીજો કંઈ જ નહિ અરે ઓ મ્હારા જ્ઞાતિ બંધુઓ આ લખતાં જ્ઞાતિ મારી આંખે અશ્રૃ ઝરે છે, કે મારી વ્હાલી  જ્ઞાતિ ક્યાં સુધી અધમ દશાના પંજામાં સપડાયેલી રહેશે ? અરે ! ઓ ઈશ્વર ! ઓ !! જગતપિતા આનું પરિણામ ક્યારે સારું આવશે ? કે હું નજરે જોઈ મારા બળતા હૃદયને શાંત કરું.

          મારા બન્ધુઓ !! મન આજે આથી વિશેષ લખવા ઉત્સુક બન્યું છે, પણ તે પછી લખીશ. ભાઈઓ ! હું વક્તા નથી તેમ કવિ પણ નથી પણ માત્ર આપણી અવદશાનું હું ઘણા દિવસથી દિગ્દર્શન કરું છું તેથી આજે મને આવો અમૂલ્ય ટાઇમ સરસ જોગવાઈ મળવાથી લખું છું.

લી. ખીમજીભાઈ કચરા મૈયાત (કચ્છ, રવાપર વાળા)

 

 

બાળ લગ્ન

(લેખક : લાલજી સોમજી પટેલ રવાપરવાળા)

          બન્ધુઓ ! બાળ લગ્ન સંબંધીના ભવેડાઓ. અરે ! કજોડાની ભુગળ વિનાની ભવાઈઓ તમે ઘરે ઘર જોઈ હશે. અરે ! જેના દુઃખના   ચિતારો આપણી પાટીદાર જ્ઞાતિમાં કેટલાંએક ભાઈ અને બહેનોને પરણ્યા છતાં પણ વૈધવ્ય સ્થિતિ ગુજારવી પડે છે. એટલે એ વિષય ઉપર વધુ લખવું એ સોના ઉપર ગલેટ ચડાવવા બરોબર છે. પણ એ વિષય ઘણો જ અગત્યનો હોવાથી મારા બંધુઓ!! તો એ રાક્ષસી રૂઢીની જાળમાં એટલે સુધી ફસાયા છે કે જેનો ન્યાય કરવાને કેટલાક વખતે આડા કાન કરવા પડે છે તો એ વિષય ઉપર કંઈક લખીશ તો તે અયોગ્ય અથવા તો અસ્થાને નહિ જ ગણાય.

          બન્ધુઓ ! બાળકને આપણે રમવાના રમકડાં ગણીએ છીએ. મુર્ખ મા બાપો તેની કિંમત સમજ્યા જ નહિ. જ્યારે નાના બાળકો રમત કરે છે, ત્યારે માટીના ઘર બનાવે છે, લાકડાના ઢીંગલા ઢીંગલીને કપડાં પહેરાવી તેમના લગ્ન કરે છે પોતે તેમના મા બાપ બને છે, અને નાના ચુલા બનાવી તે ઉપર લાકડાના તપેલાં ચઢાવી લાપશી રાંધવાનો ડોળ કરે છે, પછી વિવાહની ધામધુમ કરે છે. પોતે વેવાઈ થાય છે અને ઢીંગલાને માટીના ઘોડા ઉપર બેસાડી વરઘોડો કાઢે છે અને ગીતો ગાય છે આ દૃશ્ય જોનાર મોટા માણસને હસવું આવે છે. તેમને લાગે છે કે આ બાળકો મિથ્યા ખેલ કરે છે. ઢીંગલા ઢીંગલીના કદી વિવાહ થાય ? હમણાં જ તેઓ વેવાઈ થયા છે અને થોડા વખતમાં કલેહ (કજીઆ) કરશે. વર વહુના મા—બાપ બનેલા બાળકો લગ્ન વિશે શું સમજે ! વગેરે કલ્પનાઓ કરી તેઓ મશ્કરી કરે છે, પણ મને કહેવા દો કે આપણે પણ તેમના જેવા જ લગ્ન કરીએ છીએ ? નહીં રે નહિ ! આપણે તો તેના કરતાં પણ વધારે મૂર્ખતા વાપરીએ છીએ. છોકરાઓ તો અલ્પ સમયના માટે જ રમત દાખલ આ ખેલ રચે છે. ત્યારે આપણે ખરા પુત્ર પુત્રીઓના મા બાપો તો જીંદગી પર્યંતના બંધનમાં નાખવાને પણ છતી આંખે આંધળા થઈ લાકડે માંકડું વળગાડી બળતી હોળીમાં હોમી દઈએ છીએ. પાંચ કે છ વર્ષના બાળકો શું સમજે કે લગ્ન એટલે શું ? પતિની શી ફરજો છે ? કે પત્નીનો શો ધર્મ છે ? કે લગ્નનો શો હેતુ છે ? લગ્નમાં કેટલું જોખમ છે ? અને પતિની શી જવાબદારી છે ?

          બન્ધુઓ ! જે પોતાના પેટનું પૂરું કરી શકતો નથી તે પોતાની પછવાડે આવેલી અર્ધાંગનાનું શું લીલું કરશે ? ખરેખર બાળકમાં શું છે ? તે આપણે સમજ્યા નથી, આવા લગ્નથી બાળકની શક્તિ વિકસવાને બદલે તે સંકોચ પામે          છે ગુલાબની કળી ખીલ્યા સિવાય જો તેને તોડી અગ્નિ પાસે રાખવામાં આવે તો તે જેમ કરમાઈ જાય અને તેની શક્તિનો નાશ થાય છે તેજ પ્રમાણે બાળકની અંદર રહેલી અગાધ શક્તિ બાળ લગ્ન રૂપી અધમ રીવાજથી નષ્ટ થાય છે.

          ભાઈઓ ! ખરેખર તમારી ભુલ થાય છે, જે શક્તિ મુસલમાનોના જુલમથી મુક્ત કરનાર વીર શીવાજીમાં હતી, તે શક્તિ ગુપ્તપણે વડના બીજની શક્તિની જેમ બાળકોમાં ગુપ્તપણે રહી છે. જે મનોબળ મહાત્મા ગાંધીજીમાં અત્યારે તમને પ્રત્યક્ષ થાય છે, તે જ મનો બળથી અદભુત શક્તિએ બાળકોમાં પ્રચ્છન્ન રૂપે રહેલી છે અને જે વક્તૃત્વ શક્તિ અત્યારે તમને આપણા આદ્ય સુધારક ભાઈ  નારણજીમાં દેખાય છે તે જ શક્તિ બાળકોમાં ગુપ્તપણે સમાયેલી છે, જે ઉચ્ચ વિચારની ઉત્તમોત્તમ દશા દેશ ભક્ત લાલા લજપતરાયમાં તમે જુઓ છો, તેજ વિચારની અત્યો—તમ શક્તિ બાળકોના હૃદયના ઉંડામાં ઉંડા  ભાગમાં રહેલી છે, જે દેશ દાઝ શ્રીયુત બાળ ગંગાધર તીલકમાં હતી તેવી જ દેશ દાઝ આ બાળ રૂપે પધારેલાં મહાત્માઓમાં નિવાસ સ્થાન ભોગવે છે.

          વીરાઓ ! જાગો ! જાગો ! ચેતો ! ચેતો ! પ્રમાદનો ત્યાગ કરો ! આળસને દુર કરો આંખને ઉઘાડો !! અધોગતિના મુળ રૂપ બાળ લગ્નનો જડ મુળથી નાશ કરો ! અને ઉન્નતિનો ખરો પાયો એક બ્રહ્મચર્ય ઉપર ચણો.

          અરે ! અન્ય દેશોની ઉન્નતિ જોઈ શું વિસ્મય પામો છો !!! જુઓ જાપાનની શુરવીરતા, ધૈર્યતા, સહનશીલતા અને કળા કૌશલ્યતા નિહાળી શું ચકીત થાઓ છો. તમારા બાળકોમાં જાપાનીઓ કરતાં અધિક પ્રમાણમાં શુરવીરતા અને સહનશીલતા સમાયેલી છે. પણ માત્ર તે પ્રગટ થાય તેટલા માટે તેને કેળવણી આપો, બાળ લગ્નથી તેની શક્તિનો રોધ ન કરો. અમેરીકાની શોધ ખોળથી શું આશ્ચર્ય પામો છો ! અરે ! એ પ્રજાઓના પૂર્વના ઇતિહાસ વાંચો, જાપાન, અમેરીકા અને યુરોપની થોડા સૈકા પૂર્વની સ્થિતિ નિહાળો, તમને આર્ય દેશ કરતાં અધમ અરે નીચ જણાશે તે માત્ર કેળવણી, ઉદ્યોગ, મનોબળ ઇત્યાદી સત્‌ સાધનોનું જ ચિત્ર છે. તમારા સંતાનો બાળકોમાં તે ગુપ્તપણે રહેલાં છે, તેમને બહાર આવવા માર્ગ આપો, બાળ લગ્ન રૂપી આડી દીવાલ બાંધીને તમો તેનો રોધ કરો છો ? જેમ એક ક્યારામાં પાણી જવા ન પામે તેના માટે તેનું મોઢું બંધ કરવામાં આવે છે, તેજ પ્રમાણે તમારા બાળકોમાં ઉપરોક્ત સદગુણો જવા ન પામે તેને માટે બાળ લગ્ન રૂપી આડી દીવાલ વાળો છો.

          બન્ધુઓ ! હવે એ માટી દુરવાળો અને બાળક રત્નના હૃદય ખુલ્લાં મુકો નેપોલિયન બોનાપાર્ટ,ગેરીબાલ્ડી, સોક્રેટિસ, મેઝોનીથીઓડોરપારકર અને માર્ટિન લ્યુથર કોણ હતાં ? તેઓ એક વખત માટીમાં રમનાર બાળકો હતા. જ્યારે તેઓ ઘોડીઆમાં ઝુલતા હતા ત્યારે એવી કલ્પના ભાગ્યે જ તેમના કોઈએ કરી હશે કે, એક દિવસ તેઓ દેશ તેમજ ધર્મનો ઉદ્ધાર કરતા પુરૂષો હશે.

          યુરોપને ધ્રુજાવનાર નેપોલિયન બોનાપાર્ટનું જીવન વૃત્તાંત વાંચો. ઈટાલીને સ્વતંત્ર કરનાર દેશ ભક્ત ગેરી બાલ્ડીની શક્તિનો ખ્યાલ કરો, સત્યને ખાતર ઝેરને પીનાર વીર સોક્રેટિસની દૃઢતા જુઓ. ગુલામી વહેવારને અટકાવનાર થીઓડોર પારકરની સાહસિકની તપાસ કરો, અને પોપોની સત્તાને શિથિલ કરનાર માર્ટીન લ્યુથરની સત્તાનું મનન કરો.

          નવાઈ જેવું એટલું જ લાગે છે કે આપણે કુંભારને ત્યાં ઘડો લેવા માટે જઈએ છીએ તો તેને પાંચ પચીસ વાર ટકોરાં મારી ફુટેલો નથી એવી ચોક્કસ કર્યા બાદ આપણે લઈએ છીએ તો બજારમાં શાકભાજી લેવા જઇએ તો તેને તપાસી વાસી અને પાકું ન આવે તેના માટે કાળજી લઈએ છીએ. અરે ! દરજીને કપડાં સીવવા આપો છો તો તે વખતે હાથનું, છાતીનું, નીચાણનું માપ બરોબર કાળજીથી આપો છો અને તૈયાર થયા પછી પણ તેને પહેરી બેસતું આવે ત્યારે જ પસંદ કરો છો. પણ આપણી સંતતીને માટે આખી જીંદગીનું સુખદ સ્થિતિ ભોગવવાનું સાધન વહોરવા માટે લેશ પણ કાળજી ન આપતા લાકડે માંકડું જોડી દઈએ છીએ, એ શું મા બાપોને ઓછું શરમ ઉપજાવે એવું છે ? કહેવા દો કે મા—બાપો બાળકોના “રક્ષક” નહીં પણ “ભક્ષક” છે જો રક્ષક હો તો તમારા બાળકોને પરણાવવા પહેલા એક વિદ્યા વીર બનાવવાને ઉત્તમ પ્રકારની કેળવણી આપો અને પછી યોગ્ય વયનો એટલે વીસ વરસનો બાળક થયે  સુશિક્ષિત અને સદ્દગુણી બાર વર્ષની બાળા સાથે લગ્ન કરાવો, કે જેથી હાલ ધરોધર વર વહુ વચ્ચે કુસંપ થઈ રહ્યો છે. તે મટી આનંદમય જીવન વ્યતિત કરે. બાળ લગ્નથી આપણી જ્ઞાતિ અરે ! આખા ભારત વર્ષની અધમ દશા થઈ છે. એમ કહીશ તો તે અયોગ્ય નહિ જ ગણાય, જુઓ ! અમેરિકાની પ્રજાને સરખાવો તેની સાથે આપણી નિર્માલ્ય નિસ્તેજ અને ઢીંગલા જેવી ઠીંગણી પ્રજા કહેતાં હૃદય ભેંદાય છે કે જ્યારે અમેરીકામાં જન્મતા જ બાળકો ૨૦ રતલના જન્મે છે. ત્યારે કમભાગ્યે અફસોસની સાથે જણાવવું પડે છે કે ભારત વર્ષમાં નોળીઆના જેટલાં વજનમાં પ્રજા ઉત્પન્ન થાય છે. તમે કદાચ એમ કહેશો કે એ તો પરમેશ્વરની કરામત છે, એમાં આપણે શું કરીએ ?! પણ જેવા અન્યાય અને પક્ષપાત તમારામાં છે, તેવો અન્યાય અને પક્ષપાત તે મહાન પિતા પરમેશ્વરમાં નથી. તે તો માણસ માત્રને પછી ભલે તે ગોરો હોય કે કાળો હોય, અમેરીકન હો કે બંગાળી હોય ગમે તે હોય તે તો તમને દરેકને સુખદ સ્થિતિમાં આવેલા જોવા ઇચ્છે છે, પણ માણસો પોતાના નિયમાનુસાર કર્મો અને નિતી થી ઉલટા કર્મો કરે છે, અર્થાત્‌  પોતાના હાથે જ પોતાન પગમાં  કુહાડો મારી દુઃખ ભોગવે છે. તે દયાળુ પિતા એવા અન્યાયી નથી કે અમેરીકાને સશક્ત અને બાહોશ વીર્યવાન પ્રજા આપે અને ભારત વાસીઓને નોળીયા જેવી પ્રજા આપે મને તો એમાં પણ શંકા થાય છે કે જો હજુ આપણી ભુલને ન છોડી બાળ લગ્ન કર્યાં જ કરીશું તો વેંતીઆ માણસની દંતકથા જે ચાલે છે કે તે પાતાળમાં રહે છે અને બહાર નીકળે તો આ પૃથ્વીનો પવન લાગતાં જ મરણ પામે છે, તેમજ તમારા બાળકો જન્મતાં જ આ સૃષ્ટિની હવા લાગતાં જ મરણને શરણ થશે.

          શું તમારા બાળકોમાંથી નેપોલિયન અને ગેરીબાલ્ડી નહીં નીકળે ? શું થીઓડોરપારકર અને માર્ટિનલ્યુથર જેવા ખરાં હિંમતવાન, વીર્યવાન, ધૈર્યવાન પુરૂષો નથી જોતા ? બન્ધુઓ વિચાર કરો !! એક નહિ પણ અનેક એવા અને એથી પણ અધિક શક્તિ ધરાવનાર બુદ્ધિમાન દેશભક્તો હું તમારા બાળકોમાં જોઉં છું. માત્ર શક્તિનો વિકાસ થાય તેવાં સાધનો તેમની સન્મુખ તૈયાર રાખો તો મને ખાતરી છે કે તમારા બાળકોમાંથી પણ એવા વીર પુરૂષો પેદા થશે કે જે અધમ રૂઢીઓનું જડમૂળથી નીકંદન કરી સત્સાધનોનો પ્રચાર કરશે. બાળ લગ્નો બંધ કરશો તો તમે ન ધારો તેવા વક્તાઓ તમારા સંતાનોમાંથી પેદા થશે.

          વ્હાલા ભાઈઓ ! મોટા મોટા વિચારો કરવાથી અને કાગળ ઉપર ઠરાવ કરવાથી કાંઈ પણ આપણો દિવસ વળે એમ નથી. જ્યાં સુધી આપણા વિચારો અમલમાં મુકાશે નહિ ત્યાં સુધી હું હિંમતથી કહીશ કે તે ઠરાવો નકામાં જ છે.

 

 

આપણી અપૂર્ણતા (!)

          આપણો ધર્મ સતપંથી ! આપણા ધર્મનું સ્થાન પીરાણા તે અમદાવાદ શહેરથી સાત માઇલ ઉપર છે. આપણા ધર્મના સ્થાનને આપણે જંબુદીય ઈમામપુરી તથા હીમપુર પણ કહીએ છીએ, વાત સાચી આજે કળીયુગમાં ધર્મનું સ્થાન આ છે ! બીજા બધાં નકામા છે ! હવે કળીયુગ ક્યારથી શરૂ થયો તે તપાસીએ.

          “અમદાવાદ શહેર વસ્યાને લગભગ ૫૫૦ વર્ષ થયા. અહમદશાહ બાદશાહે જ્યારે આ શહેર વસાવ્યું ત્યારે તેમાં કોઈ પણ હિંદુને વસવા દેવામાં નહોતો આવ્યો માત્ર આ શહેર ખાસ મુસલમાનોને જ માટે વસાવવામાં આવ્યું હતું અને તેમાં સાંભળવા પ્રમાણે માત્ર એક જ હિંદુ કુટુંબને રહેવા દેવામાં આવ્યું હતું. અમદાવાદ વસ્યા પછી લગભગ ૨૦૦ વર્ષે હિંદુઓનો તેમાં વસવાટ થયો હતો. એટલે ૩૦૦—૩૫૦ વર્ષ ઉપર જ તેમાં હિંદુઓ આવી વસ્યા હતા. શરૂઆતમાં હિંદુઓ ફ્ક્ત ગરીબ વર્ગના જ લોકો આવી વસ્યા હતા. આગળના અંકમાં જણાવ્યા પ્રમાણે ૨—૩ વર્ષ સુધી વરસાદ વરસેલો નહિ તેથી આ ગરીબ પાટીદારોએ તેને મહાપુરૂષ જાણીને તેમને વિનંતી કરીને વરસાદ માંગ્યો ત્યારે તેમણે કહ્યું કે “અબી વર્ષાદ આયેગા” પછી તુરત વર્ષાદ થયો. તેથી પાટીદારોએ તેને ગુરૂ કર્યા. પાટીદારોને કહ્યું કે ગામથી દુર મારે વાસ્તે એક જગા બંધાવી આપો. તેથી ગીરમથા ગામની સીમમાં એક ઝુંપડી બંધાવી આપી. “ત્યારથી આપણા ધર્મનું સ્થાન આ પીરાણા થઈ પડ્યું, તેને આજે બહુ બહુ તો ૪૦૦ વર્ષ થયાં હશે. એથી વધારે ગણીએ તો ૬૦૦ વર્ષ, પણ તેથી વધુ તો નહીં જ.” તો ત્યાંથી કળીયુગ શરૂ થયો કે ? તે પૂર્વે ? અને તે પૂર્વે કળીયુગ હતો તો, કળીયુગમાં તો કોઈ બીજો ખુદા અવતર્યો હોવો જોઈએ ! આ વાતની આપણે હજી સુધી શોધ કરી નથી અને પછી આ કલ્પીત પંથને બાપદાદાનો ધર્મ માની લઈ પાળતા આવ્યા. તેમ ચાલીએ ! તો શું આપણા બાપદાદાઓનો ધર્મ આપણે ગુમાવ્યો કે આપણામાંથી જેઓ નીકળી જઈને સત્યનારાયણની કથા કરાવે. ઓમ્‌નો મંત્ર ભણે તેણે ગુમાવ્યો ? આ પ્રથમ આપણી અપૂર્ણતા છે !

          આપણે હિંદુપણાનું અભિમાન ધરાવીએ !  હિંદુ ધર્મ હોવાનો દાવો કરીએ !! પણ આપણા જેવા જેઓ હિંદુઓ છે, તેના ધર્મના સિદ્ધાંતોનો અને આપણા ધર્મના ફરમાનોમાં કયા ભુલ થાય છે !!! તે તપાસવા માટે આપણું શાસ્ત્ર ના પાડે છે ! તો પછી આ વાતમાં જ પોકળપણું સાબીત થાય છે, ખરી રીતે આપણા ધર્મનું નામ ઈસ્માઈલી પંથ છે. અને તે બનાવનારનો મુળ સિદ્ધાંત હિંદુમાંથી અલગ બનાવી દેવા તે મતની નકલ ગુજરાતમાં ૩૦૦ વર્ષથી થઈ લાગે છે. સ્થાપક સૈયદ ઈમામુદીન ઉર્ફે ઈમામશાહ હતા, તે આપણા  ખુદા ! રોઝે કયામતને દિને આપણા પુણ્ય પાપનો હિસાબ તે લેશે !!! પણ તેનો ધર્મ કહે છે કે, “કયામત ક્યારે થશે, એ ખુદા સિવાય કોઈ જાણતું નથી” વળી આપણે ઈમામુદીન સૈયદ ને ખુદા માનીએ છીએ, “પણ એલેક હું સાક્ષી આપું છું કે, ખુદા વગર કોઈ પુજ્ય નથી. તે એકલો છે, તેનો કોઈ ભાગ્યો નથી. અને હું સાક્ષી આપું છું કે, હઝરત મોહમંદ (સલ) તેના બંદા છેતેના રસુલ છે.” “વળી ઈમામુદીનના દીકરા મહમદશાહ એ બેનું નામ અમર રાખવા માટે આપણને ૧૦૮ મણકાની માળા આપી છે અને છેલ્લે એક મોટો મણકો કલમાનો.”

          માળામાં જપવાનો મંત્ર “પીરશાહ” અર્થાત્‌ ઈમામુદીન અને તેના દીકરા મહમદ શાહનો સમાવેશ કીધો છે ?!! ત્યારે એ સૈયદો કોનો જાપ જપ્યા હતા ? તે પણ આપણે તપાસ કરી નથી !!  એ બીજી આપણી અપૂર્ણતા છે. વળી આપણા મતમાં બ્રાહ્મણને માનવાની ના પાડી છે !! પણ બારમા, તેરમાએ તો તેની જરૂર ચાર દિવસે અને બારમા તેરમાએ મિષ્ટાન !!! પછી કહો આપણે આ મત શું કામ તજીએ ! આપણા ધર્મની જગ્યાનું નામ ખાનું ! એવા કોઈ હિંદુના  ધર્મની જગ્યાને ખાનું કહે છે તેની પણ આપણે હજી સુધી શોધખોળ કરી નથી !!! એ આપણે ત્રીજી અપૂર્ણતા છે ! એવા ખાનામાં કોઈ ગામે ૪—૫ પણ હોય છે. ત્યાં દરેક ખાનામાં ૩૩ કરોડી દેવતા આવે છે. હવે બીજને દિવસે બધે જ એક જ સમયે પૂજા થાય છે તો દરેક ખાનામાં કેટ કેટલા દેવ જતા હશે !! તે પણ આપણે ગણતરી રાખતા નથી !! આ આપણી ચોથી અપૂર્ણતા છે. આમ આપણા મતમાં ઢગલે ઢગલા ભૂલો ચાલે છે. છતાં આપણે માનીએ કે આપણો જ સતપંથ  બાકીના બધા દની તે કોઈ માની શકે આપણે જ કોઈનું માનતા નથી ?!

          આપણા મતનો રચનાર મુળ પુરૂષ નુર સતગોર ઉર્ફે નુરૂદન લગભગ ૬૦૦ વર્ષ ઉપર થઈ ગયા તે ઉપરથી નકલ થઈ મતીઆ જે ઈસ્માઈલી પીર સદરૂદીને હિન્દુઓને બલકે ભાટીઆઓને વટલાવી ખોજા બનાવ્યા. તેના પૌત્ર હઝરત ઈમામશાહ સૈયદે મુલતાનથી ગુજરાતનાં અમદાવાદ શહેરમાં આવી ઘણા હિન્દુઓને (ઉંચ—નીચ) આ મતથી મુસલમાન બનાવ્યા.

          આપણો મત ફેલાવવામાં બે મુખ્ય નિયમ રાખવામાં આવેલા છે.

          ૧. પોતાના ધર્મના વિચારો છુપા રાખવા.

          ૨. જેઓને પોતાના ધર્મમાં લાવવા માંગતા હોય તેના ધર્મનો મોટો ભાગ પોતાનો કહી કબુલ  રાખવા.

 

          એ નિયમ મુજબ આ પીરોએ હિન્દુના ધર્મોનો ઘણો બારીક અભ્યાસ કર્યો. પોતાનું નામ સહદેવ, ઉર્ફે હરિશ્ચંદ્ર રાખ્યું. હિન્દુ ધર્મના બધા અવતારો કબુલ રાખી છેલ્લો કલંકી અવતાર તે હઝરત અલ્લીનો છે એવી રીતનો ઉપદેશ આપ્યો. આ પ્રમાણે પારકા ધર્મમાં ભળી જઈ, પોતાને હિન્દુ કહેવડાવી ! આ પણ હિન્દુઓને ભ્રમમાં નાંખી !!! વટાલ્યા છે !!! એવી રીતે લગભગ ૮૦ જાતો ફસાયેલી છે જોકે આપણે (પીરાણા) બીજી બધી રીતે હિન્દુના રીતરીવાજ તથા વેદ ધર્મને વળગી રહ્યા છે તો પણ આપણી અજ્ઞાનતાને  લીધે પીરાણાના રોજા, તથા ઈમામોને પૂજીએ છીએ. આપણા સંપ્રદાયમાં સૈયદ એટલે ઈમામશાહના વંશજો ધર્મ ગુરૂનો દરજ્જો ભોગવે છે આપણો ધર્મ કહે છે કે એ વખતમાં સૈયદોને ઝકાત આપવી દરૂસ્ત છે. પણ તેઓનો ધર્મ કહે છે કે “એ તેઓની ભુલ છે. કારણ કે રસુલુલ્લાહ ફરમાવે છે કે ઝકાતનો માલ તે મેલ છે. તો તે મેલ તેની પાસે હાજતથી વધારે ઘરમાં વાસણ અથવા કપડાં મળીને રૂ. ૫૨) બાવનની કીંમતનો હોય અને રોકડ કાંઈ નહિ હોય, તો પણ તે પૈસાવાળાની ગણતરીમાં છે. એટલે તેણે દસોંદ (ઝકાત) લેવી અને તેને દેવી દુરસ્ત નથી.” વળી આપણા મતમાં મૂર્તિ પૂજાનું ખંડન છે, છતાં કબરને મૂર્તિના જેવો કારભાર કરીએ છીએ ! પણ તેઓનો ધર્મ કહે છે કે “કબરોને જોઈને પોતાની મોત યાદ કરે, આ કબરવાળા આપણી માફક ચાલતા ફરતા હતા, ઘરબારવાળા હતા, આખર તે સર્વ મુકી મરી ગયા. માત્ર સારા કામો જ તેઓની સાથે જ ગયા છે. તેઓનું દેહ કેવું સાફ હતું આખર માટી થયું છે, આવા ગુણ કબરને માટે હોવા છતાં જે કબર પર હરામ કામો થતાં હોય, તે કબર પર ઓરતોને જવું હરામ છે.” (હનફીયેના કાયદા પ્રમાણે ગુ.મો.) વળી મુડદાઓની કબર પર દીવા બાળવા હરામ છે.  તે વિષે હઝરત (સલ) શું કહે છે તે જોઈએ. “ઈબને હજરનીજના ઝેર પુષ્ટ ૧૨૯માં છે.” જરા સરખો દીવો પણ કબર પર બાળવો હરામ છે. કબર પર દીવો બાળવાથી પેંગબરની લાનત ઓરવી છે. આગળ જતાં જણાવે છે કે : કબ્રસ્તાનમાં કોઈ ચીજ ખાય નહિ, પીએ નહિ, સુએ નહિ તે જગ્યાાં અગ્નિ સળગાવે નહિ, કબર પર ગીલાફ ઓઢાવે નહિ વગેરે (ગુ. મો.)

          આપણને જાગૃત કરવામાં તેમને* એમ લાગ્યું કે, “જો અમે અમારા પીરાણા ભાઈઓને તેના અજાણપણાનું ભાન કરાવીએ તો, તેમાં અમે પ્રભુ સેવા કરીએ છીએ અને તે સેવા અમે પસંદ કરી છે.” તેથી તેમના ઉપર આપણી ઈતરાજી વધી છે અને તેમને આપણે ન્યાત બહાર કરીએ, ધર્મ બહાર કરીએ ગાળો ભાંડીએ, તેટલેથી પણ સંતોષ ન માનીએ તો મારી નાંખવાની ધમકીઓ આપીએ, આ બધું ધર્મ વિરૂદ્ધ છે, એક જાતની હિંસા છે, આપણે આપણો સ્વાર્થ ઢાંકવા ખાતર બધાના કાન તેઓની વિરૂદ્ધ ખોટી રીતે ભંભેરીએ, (તેવા આગેવાનો આપણામાંથી જેઓ નવરા છે, મુખી સૈયદો કારભારી છે) એ પણ હિંસા છે તેઓ આપણને વિનંતી કરે છે કે, “તમે અહિંસાને મુખ્ય અંગ માનતા હો તો અમે કાલે આ ચળવળ છોડી દઈએ વળી તેઓ આપણને ભુલો બતાવે છે કે, આપણામાં વ્યસન અને વિષયને માટે એક જ નિયમ રાખેલો છે એ ગુનાને માટે અમુક રોકડ ભેટ ધરવાથી માફ થઈ જાય છે ! પણ કાકા અને સૈયદો, કોની આગળ ગુનો ઉતારે છે ? તે આપણે શંકા સમાધાન કોની આગળ કરવું !! મતલબ કે પૈસા હરણ સિવાય કોઈ પણ સામાજીક સેવા નથી.” તે વાત તેઓની સાચી છે એમ આપણું હૃદય તો કબુલ કરે છે. તો હૃદય વિરૂદ્ધ  અસત્ય વાતને નીભાવી લેવી તેના જેવી હિંસા એકે નથી. આપણા પૈકીના કહે છે કે આપણે એકલા શું કરીએ ? એકલ દોકલને ન્યાત બહાર મુકી દે ! તેવાઓને આપણે વિનંતી કરવાનો હક છે, ચાલતા રીવાજ ગમે તેવા ખરાબ હોય તો પણ તે વિરૂદ્ધ ખંડન ન થાય. અલબત આ તેઓની નબળાઈ બતાવે છે. તેઓનું આત્મિક બળ ઓછું છે સંસાર ભરની અંદર જે જે હાનિકારક રીવાજો દાખલ થવા પામ્યા છે તેનો મુળ કર્તા એક જ હોવો જોઈએ. તેના ઇતિહાસ લખાતા નથી પણ લાભદાયક રીત રીવાજોને દાખલ કરનારના અથવા સદાચારને ફેલાવનારના તો ઇતિહાસ અથવા જીવનચરિત્રો લખાયેલાં છે તેવા ઇતિહાસો ઉપરથી જણાઈ આવે છે કે, તેના ર્ક્તા પણ એક જ હતો. ઈશ્વર નિમિત્તે યજ્ઞમાં પશુ, પક્ષી અને મનુષ્યોના ભોગ આપનારા બ્રહ્મરાક્ષસોની સામે થઈ, યજ્ઞ યાગનો નાશ કરાવી, નિરિશ્વર વાદને ફેલાવનાર બૌદ્ધ સ્વામી એકલા જ હતા, બૌદ્ધ સ્વામીના જીવ અને પ્રકૃતિવાદનું ખંડન કરી, કેવળ બ્રાહ્મવાદનું મંડન કરનાર બાળ બ્રહ્મચારી સ્વામી શંકરાચાર્ય એકલા જ હતા હિન્દુ મુસલમાનનો ભેદ તજાવી ઐક્ય કરાવનાર.

          ગુરૂ નાનક સાહેબ એકલા જ હતા. યવનોનો દુષ્ટાચાર હઠાવી આર્ય નામનો નાશ થતો અટકાવનાર શુરવીર શિવાજી એકલા જ હતા. અનેક જાતિનાં ભેદનાં ઝઘડાને દુર કરાવી અને અનેક ઈશ્વરને તજાવી, ચાર જાતિ, એક જ ઈશ્વર અને વેદ એજ આર્ય ધર્મનો પાયો છે. એવા સિદ્ધાંત આગળ ધરનાર સ્વામી દયાનંદ સરસ્વતી મહારાજ એકલા જ હતા. આધુનિક જમાનાના મહાત્મા ગાંધીજી પણ એકલાએ જ ઉપાધી ઉપાડી લીધી છે, આપણામાંથી મહાશય નારણજી મિસ્ત્રીએ પણ એકલાએ જ પીરાણા પંથ નાબુદ કરવા કમર બાંધી છે. “બંધુઓ અમે સુધારક છીએ, એવો અમારો દાવો નથી. અમે કોઈના ઉપર ઉપકાર કરતા નથી. અમે જે કરીએ છીએ, તે અમારા અંગત લાભને માટે છે. તેમજ અમે જ્ઞાતિ હીતને માટે કરીએ છીએ, એવું જો કોઈ અમારામાંથી કહેતો હોય તો તેની ભુલ છે. પ્રથમ હીત તો અમારું જ સમાયેલું છે.” ટૂંકમાં સદવર્તનની સામે કોઈનો અવાજ નથી. સદવર્તન  એજ ભાઈ, નીજ જ્ઞાતિ, એજ મિત્ર અને એજ   છોકરાં છે, સિવાય બીજું અહીં જ છે. સદગુણ કરતાં દોલત અથવા બીજી વસ્તુ વધારે વહાલી ગણે, તે તેઓમાં કાંઈ નહિ હોવા છતાં છેવટ પોતાને મ્હોટા માને તો તેઓ ઠપકાને પાત્ર છે.

          આપણે જાણીને ખુશી થયા કે : પીરાણાઓ શુદ્ધ થતાં જાય છે, એજ વિજયની નિશાની છે, આપણામાં અજ્ઞાનતાને કારણે જ મમત છોડી શકતા નથી. આ મતથી આપણે વધારે વહેમી, ઉદ્ધત, અને પાપ કરતાં નિડર બન્યા. એટલું જ નહિ, પણ ગુનાહ ઉતરી જાય છે, એ સિદ્ધાંતથી અમે મરદપણાનો હક ગુમાવી બેઠા. એક વાત જ જણાવવાની રહી છે. કેટલાક પીરોના નામ પર બકરો,મરઘો, પાળીને નિયાઝ કરે છે.” એવી વાતોથી પીર નારાજ થાય છે અને લોક ઘણા ગુનેગાર થાય છે. એટલું જ નહિ પણ એવા પશુઓનું માંસ ખાવું કેટલાક ઓલમાઓએ હરામ કહ્યું છે. વળી કબરોને સિજદો કરવો હરામ છે. અને તેને ચોતરફ કુરબાન થવું તેની માનતા માનવી, તેની રોશની કરવી અને તેઓથી દુવા માંગવી ઘણું બુરું છે, તેના નામની બેડીઓ પહેરવી નાણાં નાંખવાં પણ બુરાં છે, માથામાં તેઓનાં નામની વાળની ચોટલી રાખવી, પણ ઘણી બુરી છે, એ રસમો જાહીલોની છે.” એવું કુરાનમાં ના પાડેલી હોવા છતાં અમારામાંથી કેટલાક આ રીવાજોનો કારભાર કરે છે. વળી એક વાત બીજી પણ અમારામાં ખામી ભરેલી છે, તેને માટે તેનો ધર્મ કહે છે કે : મુલ્લા અલી કારી (રહ) રહ શરહ એનુલ ઇલમમાં લખે છે. “કબરને, તાબુતને અને કબરની દીવાલને હાથ અડકે નહિ, કેમ કે જ્યારે નબી (સલ)ની કબર જેવીને માટે મના થઈ તો બીજાઓની કબરોનો શો હાલ” આટલી બધી અજ્ઞાનતા અમારામાં હોવા છતાં, અમને અમારો મત મુસલમાન કોઈ કહે તો તીવ્ર લાગણી ઉત્પન્ન થાય છે, એજ અમારામાં હિન્દુપણાનું લોહી હોવાના ચિહ્‌નો છે.

          વળી અમારા સતપંથ ધર્મે હિન્દુ મુસલમાન સાથે કુસંપ રખાવ્યો છે, તેને માટે એક શાસ્ત્ર ભાખ્યું છે કે, “હિન્દુ અંધા, મુસલમાન કાણાં, દોની બીચમેં સતપંથ સમાણા ”!!! એવું માનનારા અમે વધુમાં વધુ ૪૦—૫૦ હજાર હશે. અમારા ધર્મનો બીજો નમુનો એ છે કે : આપણા ધર્મમાં (સતપંથ) અવતાર લીધા સિવાય કોઈની મુકિત નથી” !!! ત્રીજો નિયમ  એ છે જે “આપણા ધર્મની કોઈને વાતો કરે તો પાપ લાગે”!!!

          આ બધા સંજોગોમાં અમારું માનવું એમ છે કે : ભલે અમે હિન્દુ, ઈસ્લામના ધર્મને ખરાબ માનીએ ! પણ અમારે મહાત્મા ગાંધીજીનો સિદ્ધાંત તો કબુલ કરવો જ પડશે કે “સ્વર્ગમાં સ્થાન પામવા જેવા પવિત્ર ન હોઈએ તો દુનિયામાં ફરી અવતરવું જ પડે.” અમારો જ ધર્મ સાચો એમ કહી અમારા ધર્મગુરૂઓએ વાડા બાંધી વિચારને સંકુચિત બનાવ્યો છે, એટલું જ નથી, પણ વહેવાર પણ તેવો જ બનાવી મુક્યો છે કે જ્યાં અમારી મર્યાદા સચવાતી નથી. વગેરે ધાર્મિક હિંસા છે, મનુષ્યનિ દૃષ્ટિ શુભ હોય તો તેની નજરે કદી અશુભના દર્શન થાય નહિ, મનુષ્ય અમુક ધર્મમાં જન્મ લેવાથી કોઈ ધાર્મિક કહેવાતો નથી. ભ્રાતૃ ભાવના વિચાર હિન્દુ ઈસ્લામમાં ધર્મની દૃષ્ટિએ એક છે, જ્યાં ઈશ્વર પોતાના પ્રાણી માત્ર સંતાન છે, અને તેથી આપણે બધા ભાઈઓ છીએ. એવું માનનારને દેવળ કે મંદીરમાં પણ જવાની જરૂર નથી, ધારે તો પોતાના ઘરના કોઈ એકાંત ખુણામાં બેસીને પણ તે જગતમાં પણ ભાતૃ ભાવની ભાવનાને પોષી શકે છે, છેલ્લામાં છેલ્લું અમારું માનવું એમ છે કે, જ્યાં “યાં ખુદા મારું બુરું કરે તો તેનું બુરું કરજે, હું કોઈનું બુરું કરું તો માફ કરજો” ! એવું જે ધર્મમાં મનાતું હોય તો તેનાથી અલગા રહેવું જ જોઈએ એમ માની અમે પીરાણા—સતપંથનો ત્યાગ કરીએ તો તેમાં ખોટું શું ?

ૐ શાન્તિઃ ૐ શાન્તિઃ ૐ શાન્તિઃ

રણછોડદાસ ભગત

(* આપણા માટે તન, મન, ધનનો ભોગ આપનાર વિગેરે)

 

 

જાહેર વિનંતિ

          પીરાણા મત માનનારા ભાઈઓ આથી કાંઈ ધડો લેશે કે ? બાણું (૯૨)ને નામે ઓળખાતી માનધાતા નળબદા સર્વે કોળી ભાઈઓ જોગ.

          અમે બાણું પૈકી ઇચ્છાપુર વિભાગના સાત ગામના કોળી લોકો એક બાઈના છુટાછેડા કરવા  બદલ ઇચ્છાપુર ગામે ભેગા થયા હતા તે સમય “કચ્છી પીરાણા ભાઈઓએ” જે પીરાણા પંથી રિપોર્ટ તા. ૧૮—૧૯—૧૮નો બહાર પાડ્યો છે જે સાંભળતા તે મત હિંદુ લોકોને માનવા લાયક નથી અને તેટલા જ ખાતર અઠવા, ભીમપુરમાં એ મતના કોળી અનુયાયીઓ સાથે વૈષ્ણવ મત પાળનારા કોળી લોકો એ કોઈ પણ જાતનો સંબંધ નહિ રાખવા ઠરાવો કરી ઉપર સહીઓ કરી છે, છતાં આપના ખાસ લક્ષ્ય ઉપર લાવવા એ મતના ટુંક મુદ્દાઓ નીચે ટાંક્યા છે, તે ઉપરથી જણાશે કે પીરાણાઓ (હિંદુ) સાથે સંબંધ નહીં રાખવા જોઈએ. સબબ એ મતના સિદ્ધાંતો મુસલમાની છે અને તે માન્ય છે. “તેથી અમે સાત ગામના લોકો ખાવા—પીવા વહેવાર રાખે છે તે હવે બંધ કરવામાં આવ્યો છે.” માટે આ વાત ગામના પૈકી જે તે તોડશે તેની પાસેથી રૂ. ૫૧) એકાવન દંડ લેવામાં આવશે, આ પ્રમાણેનો અમે ઠરાવ કીધો છે, તે સર્વના લક્ષ ઉપર આવે તેટલા ખાતર પ્રસિદ્ધમાં મુક્યો છે, એ મતવાળા જે પીરાણા મત પાળે છે, તે (સનાતની હિંદુ) ધર્મ આમ સાબીત કરે તો આગળ ચાલતું હતું તેવું ચાલવામાં વાંધો નથી.

પીરાણા મતના મુદ્દાઓ

૧. એ મતના સ્થાપક સદરીદીન છે અને તમને મુસલમાન સરદારે મોકલ્યા છે.

૨. એ મતવાળા કલમો પઢે છે, અને દુવા પઢે છે.

૩. એ લોકોની ઘટપાટની પૂજા ઉપરથી જણાય છે કે એ લોકો મુખ્ય પ્રધાનપણે ઈમામશાહને માને છે. ઈમામશાહ મુસલમાન છે.

૪. જેમ હિંદુ લોકો બ્રાહ્મણને માને છે, તેમ એ લોકો સૈયદોને માને છે, દાન પણ સૈયદોને આપે છે. સૈયદ એ મુસલમાન છે.

૫. ફરમાનજી, બીસમલ્લા, હર રહેમાનનર  રહીમ, સતગોર પાત્ર ઈમામશાહ નરઅલી મહમદશાહ સતગોર પીર કબીર દીન, સતગોર પીર સાહેબદીન સગોરપીર સમસદીન નરઅલી નામ નબી નુર સતગોર તમારી દુવા.

૬. જમાતખાનામાં દુવા પઢે છે, સતગોર ઈમામશાહ નરઅલી મહમદશાહ હકેલાએ લાહે લલાહે મહમદુર રસુસ્લાહેં.

૭. તે સિવાય આ લોકો નાદેઅલી, નુરનામું, બાજનામું, રતન નામું તેમજ તૈયબનો કલમો પઢે છે, તે સિવાય રોઝા પાળે છે, ચાંદરાત માને છે.

આ બધું જોતાં એ લોકો હિંદુ ધર્મ પાળતા નથી આમ અમને માલુમ પડ્યું છે તેથી અમે ઠરાવ કીધો છે.

લી. સેવકો.

ઇચ્છાપુર, કવાસ, મલગામા, સેવાગા, છામા, બરબોધન, પાલણપોર, પાલના પંચના પટેલો.

 

 

કુદરત અને મનુષ્ય

          હે પ્રભુ ! ત્હારી કૃતિ ન્યારી છે, ત્હારું  કામ અકલિત અને અમાપ છે. મનુષ્યોનાં ખિન્ન હૃદયો ત્હારા અવર્ણનીય અને સુશોભિત કામો નિહાળી શાંતિ પામે છે. ત્હારાં કામો કેટલીકવાર અમારા નશ્વ દેહોને રંજાડે છે અને રમાડે છેપૃથ્વીના વિશાળ પટ ઉપર સ્વચ્છ પાણીવાળી વહેતી નદીઓ જન સમુદાયને આહાહા ! કેટલું બધું સુખ આપે છે ! શું માનવ જાતિ ત્હારા ઉપકાર નીચે દબાએલી નથી ? શું ત્હારું કામ એક પળ પણ ભુલાય તેમ છે ? ત્હેં પ્રાણીઓને જોઈતું પાણી ખાવાને ખોરાક જીવવાને જીવન વાયુબાળવાને બળતણ અને ઘણીએ અમુલ્ય વસ્તુઓ  મનુષ્ય જાતિને બક્ષી છે. શું આ ત્હારા કરેલાં કામો ત્હારી અસ્તિત્વની સાક્ષી નથી પુરતાં ? પૂરે છે, પરંતુ મ્હારા અક્કલહીન અને તેજોહીન બંધુઓને ત્હારાં કૃત્યોની કયાં કદર છે ? તેઓ તો પોતાના અધમ કૃત્યોએ પવિત્ર આત્માના રહેવાના ધામને વણસાડે છે અને ભાવિ પ્રજાને  વાસ્તે વારસામાં દુઃખની મુડી મુકતા જાય છે. કુદરત હર હંમેશ માનવ જાતિને નીતિના પાઠો  પઢાવે છે, તે છતાં ક્યાં છે મનુષ્યોનાં હૃદય કુદરતની શીખામણો જીલવાને તૈયાર કુદરત એ ઈશ્વરી કામ છે માટે કુદરતને ચ્હાવી એ ઈશ્વરને  ચ્હાવા બરાબર છે. શું કુદરત માનવ જાતિને નવાં  સ્વરૂપ ધારણ કરવાનું નથી શીખવતી ? એ તો હંમેશાં નવિન પાઠો પઢાવે છે. પરંતુ મનુષ્યો કેયાં સમજે છે તારા પઢાએલા પાઠોને.

          વૃક્ષો, વેલા, અને વરસાદ દ્વારા કુદરત પ્રત્યેકને પ્રાણી પ્રત્યે પરોપકાર વૃત્તિ શીખવે છે માટે ઓ સત્તાધારીઓ અને શ્રીમંતાઈથી તર બનેલા ધનિકો ! ત્હમારી મોટાઈ ફક્ત ઐહિક  સુખો માળવાને માટે નથી પરંતુ પારકાના ભલા માટે અને સદકામો કરી ઈશ્વરની સમીપ જવાને માટે છે.

          હે બુદ્ધિવાળા ઉત્તમ મનુષ્યો ! જ્યારે બુદ્ધિ વિનાના કુદરતી કામો પારકાના ભલા માટે સદા કામ કરી રહ્યા છે, ત્યારે શું તમો સ્વાર્થી અને લોભી થઈને તમારી મનસા દેહને આ દુનિયામાં એક જંગલી પશુ કરતાં પણ ક્ષુલ્લક ગણશો કુદરત અને મનુષ્ય એકબીજા સાથે જોડાયેલા છે. કુદરત તમારા માટે બધું કરે છે, ત્યારે શું તમો કુદરત સામે તમારા કામો થોડીવાર બંધ રાખી જરાએ નહિ જુઓ ધન્ય છે ? આપણી જન્મભૂમિને કે જે આપણને દરેક જોઈતી વસ્તુઓ પૂરી પાડે છે. ઉત્તમ અને દરેક જાતની હવા જોઈતું પાણી ઘણી જાતની ધાતુઓ દરેક જાતની વનસ્પતિ અને ખોરાક ઉત્તરની પ્રજાઓના જુલમી હુમલામાંથી રક્ષણ કરતી આપણી ઈશ્વરના પવિત્ર ધામવાળી હિમગીરીની ઉચ્ચ ટેકરીઓ આવેલી છે તે છતાં ક્યાં છે આ સર્વને માટે તેના પુત્ર પુત્રીઓને અભિમાન.

          જે રાષ્ટ્ર કુદરતના અર્પેલા કામોનો ઉપયોગ નથી કરતું તે રાષ્ટ્ર પડે છે અને રહે છે દુઃખમાં અને પરવશતામાં આપણા કૃત્યો અનુસાર કુદરત ફરે છે, કુદરતના ફેરફારને નહીં નીંદતા, નિંદજો તમારી જાતને જે બેવફા છે ઈશ્વરના સર્જેલા કામો પ્રત્યે.

          હે મનુષ્ય ! તું કુદરતના કર્તાને ઓળખ અને કર જેમ કુદરત શીખવાડે તેમ પ્રભુતાના કામો જો તું ત્હારા જીવન નાવને આનંદ ધામમાં લઈ જવાને માંગતો હોય.

          કુદરતના પક્ષીઓ પ્રાતઃકાળે પોતાના મધુર સ્વરે વૃક્ષોની ઘટામાં અને નભમંડળે ભમીને મધુર ગાન કરીને આનંદ આપે છે તો શું તમોને તે પક્ષીઓ નથી કહેતા કે મનુષ્યો ! બનો નિર્ભય અને રહો સુખ શાંતિમાં અને સંતોષમાં જેમ અમો રહીએ છીએ તેમ પરંતુ બધિર કર્ણવાળા આપણે ક્યાં ઉતારીએ છીએ ને અવાચ પક્ષીઓના સદ્‌બોધને  આપણા હૃદય સાગરે.

          મનુષ્યને કુદરત પોષે છે જ્યાં સુધી તે જાય છે કુદરતના દોરેલા માર્ગે અને મનુષ્યની પડતી ત્યારે કે જ્યારે તે ત્યજી દે છે કુદરતના કાનુનોને પછીથી તે પોતાના અવિચારી કામોને માટે સદૈવ પસ્તાય છે.

          હજુ આપણા અધમ કૃત્યો સામું કુદરત જોતી નથી કારણ કે તેનામાં દયાનો અંશ છે. પરંતુ જ્યારે કુદરત કોપશે ત્યારે આપણી હસ્તીને માટે મોટો સવાલ થઈ પડશે માટે મ્હારા બંધુઓ!  ચાલો પ્રભુતાના પંથે અને નિહાળો કુદરતના કામો અને ઉતારો કુદરતનો સદબોધ તમારા હૃદય મંદિરમાં અને પછી ભણાવો નીતિ પાઠો તમારા સ્વદેશીઓને જો તમો સુખી થવાને માંગતા હો.

          હે પ્રભુ ! તું અમારા હૃદયોને વિકસાવ જેથી અમો તારા બાળકો ઝીલીએ ત્હારા સદ્દબોધને અને અહોનિશ તારું જ ગાન ગાઈ પવિત્ર જીવન ગાળી કરીએ આ મર્ત્ય ભૂમિને છેલ્લા પ્રણામ આજ અમારી અંતર પ્રાર્થના હો. ઇત્યોમ.

ઉત્તરસંડા—ડાહ્યાબાઈ દેસાઈભાઈ પટેલ

 

 

ભલાઈનો નમુનો

          અધિપતિરાજ ! આપે તો ખુબ કરી પાટીદાર ઉદયનો ૭ મો અંક પણ પ્રગટ કરવા ને તૈયાર થયા છો ? પણ ? સંભાળજો બાપા ! વખત બહુ જ બારીક આવ્યો છે. હો ? ક્યાંક ફસાઈ ન પડતા જુઓને પેલા બિચારા ભક્તરાજ શીવજી માકાણી પણ હમણાં ફસાઈ પડ્યા છે. તેણે લગીરેક ગુનો કર્યો ફક્ત બીજા ભાઈ બાયડીને સાધુડી બનાવવાનો.

          ધર્મ કરતાં ધાડ ઉઠે જુઓને ધર્માત્મા ભક્ત શીવજી માકાણી બીચારો ધર્મ કરતા કેમ ફસાઈ પડ્યો. ધર્મ કરવું તેમાંય શું ગુનો કહેવાતો હશે હોય બાપલા ? કળીજુગ છે.

          તેણે પોતે તો સંસારનો ત્યાગ કર્યો પણ બીચારાને હજુએ નામ રાખવાનું તો ખરું ને ! તેથી તેણે એક મોટું ધર્માદાનું કામ કર્યું તે એકે મીરા બાઈનો અવતાર બાઈ જમનાબાઈ જે નેત્રાવાલા ભાઈ અખઈના ધર્મપત્ની થાય છે. તેને પણ તેણે ભાન કરાવ્યું અને સંસાર છોડાવી માથું મુંડાવ્યું ધન્ય છે, શીવજી ભગત તમોને.

          આજ કાલ કાંઈ અદેખાઈ થોડી વરતાઈ રહી છે. જ્યાં જુઓ ત્યાં અદેખાઈ અદેખાઈ ઈર્ષાના વાજાં વાગી રહ્યા છે.

જાણવા જોગ ખબરો

માછલીઓનો વરસાદ

          ખબર પત્રી લખી જણાવે છે કે ખેરપુર રાજ્યના તાલુકા મીરવાં ગામ તાલપુરમાં માછલીઓનો મુશળધાર વરસાદ વરસ્યો હતો. માછલીઓ એક આંખવાળી હતી. લોકોએ ખોરાક માટે ટોપલાના ટોપલા ભરી લીધા હતાં.

હિંદુ તા. ૧૨—૧—૨૪

પુરૂષને પેટે જન્મેલા બે બાળકો

          ૧૯૨૩ના ૨૫મી ઑક્ટોબરે સર્વીયાના એક ગામડાના રહીશે બેલગ્રેડમાં આવી દાક્તર પાસે પોતાના દરદની ફરીયાદ કરી. દાક્ટરે તેનું પેટ ચીર્યું તો ડાબી બાજુએથી બે બચ્ચાં નીકળ્યાં, જેમાંનું એક ૨૫ સેન્ટીમેન્ટનું અને બીજું તેથી સહેજ નાનું છે. મોટાના મોંમાં ચાર દાંત હતા. દાક્તર એવું અનુમાન કરે છે કે સદરહુ ઈસમ જ્યારે ગર્ભમાં હશે, ત્યારે જ આ બાળકો તેની સાથે જોડાયેલા હોવા જોઈએ. માણસ મરી ગયેલ છે. અજમેરમાં હીજડાના પેટે થયાની યાદગીરી હજુ કાયમ છે. પણ યુરોપમાં તો હવે મર્દોએ પહેલ કરી જણાય છે.

હિતેચ્છુ તા. ૨—૧—૨૪, બુધવાર 

દોઢ ફુટ ઉંચાઈનો ઠીંગણો માણસ

          અત્યારે વીસમી સદીમાં એક ઠીંગણો (વામનજી) બેલ્જીઅમના એન્ટવર્પમાં રહેતો મેજર ગ્રેહામ છે, તેની ઉંચાઈ અઢાર ઇંચ અને વજન સતર શેર.

હિતેચ્છુ તા. ૨—૧—૨૪ બુધવાર

          મરદનું સરેાશ વજન ૧૪૦ રતલ હોય છે તેના હાડકાની સંખ્યા ૨૪૦ હોય છે.

          મીસ ઓપલ વ્હાઇટ લે નામની જાણીતી સ્ત્રી લેખકે છ વરસની ઉંમરથી લખવા માંડ્યું હતું. એનો બાપ કઠીઆરો હતો તેણે તેનું બધું લખાણ એકવાર ગુસ્સામાં ફાડી નાખ્યું. આજે એજ ૨૩ વરસની જુવાન બાળાએ પોતાની લેખન શક્તિથી ભલભલા વાઈકાઉન્ટ ગ્રે જેવાને પણ મુગ્ધ કરી નાખ્યાં છે.

આપણી ઊંચાઈ હમેશા રાત્રે જ વધે છે :—આપણી કોલેજો

          ત્રીસ કરોડની વસ્તીના હિન્દમાં ૧૩૦ કોલેજો છે ૮.૫ કરોડની વસ્તીવાળા અમેરીકામાં ૫૦૦ કોલેજો છે.

હિન્દુસ્તાનમાં કુલ ચોપાનીયા, પેપરો વગેરે મળી ૧૮૦૦ છે. અમેરીકામાં ૨૩૫૦ તો ફક્ત દૈનિકો જ છે. ચોપાનીયા અને અઠવાડીકો તો ૪૦૦૦૦ છે.

          ઓટાવા આગળ નવી રૂપાની ખાણો જડી છે. લોકોનો ત્યાં ઘસારો ચાલુ છે. સોનું દેખી મુનીવર ચળે તો રૂપું દેખી માણસ તો ચળે જ ને?

          તહેરાનમાં ખુબ વરસાદ પડ્યાથી ભારે ખુવારી થઈ છે. સ્વર્ગમાં વસતી ખુટી હોવી જોઈએ, નહિ તો આટલા બધાને ત્યાં નોતરાય નહિ.

ટેલીફોનથી ચિઠ્ઠી

          અનેક વેળા ટેલીફોનથી આપણે જેની સામે વાત કરવા ધારીએ છીએ તે વ્યક્તિ ઘેર હોતી નથી. તે વેળા ભારે પંચાત પડે છે. કામ ખુબ જરૂરનું હોય આવે વખતે કેલીફોરનિયાની એક શોધકે યોજેલી યુક્તિ બહુ કામ લાગે તેવી છે. તેણે ટેલીફોન અને ટેલિગ્રાફનું સાંધણ કર્યું છે. આપણને જે કહેવાનું હોય તે બોલવાથી (પેલું ટેલિગ્રાફ યંત્ર તેની સાથે લાગુ કરેલું હોય છે તેના વડે) ત્યાં લખાઈ જાય છે. અને પેલી વ્યક્તિ બહારથી પાછી ફરે ત્યારે તેને ખબર પડે છે.

તોપ તા. ૧૦—૨—૨૪ રવિવાર ઉતારો

ચાર બાળકોનો એકી સાથે જન્મ !

કાઠીયાવાડમાં લીલીયા નામે ગામમાં ત્યાંના એક બાઈને એક જ વખતે બે જીવતાં બાળકો તથા બે મુવેલાં બાળકોનો જન્મ થયો છે. આવા બનાવ ઘણી જગ્યાએ કોઈ કોઈ વખતે બનતા સંભળાય છે. (કા. ટા.)

બનાવટી ગાય

          અમેરીકામાં હેન્રી ફોર્ડ નામના એક શોધકે ધાતુ—લોખંડ વગેરેમાંથી એક બનાવટી ગાય બનાવવાની શરૂઆત કરી છે. તે કહે છે કે આ ગાય બીજી ગાયોની માફક ઘાસ વગેરે ખાશે તથા દૂધ પણ સાચી ગાયોની માફક આપશે. આવી ગાયો દૂધ આપશે તો પછી તમને જીવતી ગાયોની દૂધ માટે જરૂર નહિ જ રહે ! (ચિ. જ.)

દરરોજ બે મણ દુઝતી ગાય

          લખનૌની લશ્કરી ડેરાના મેનેજર જણાવે છે કે ત્યાં એક એડના નામની ગાય છે. તેણે પાંચમા વેતરમાં ૩૬૦ દીવસની અંદર ૧૫,૩૨૪ રતલ દુધ આપ્યું હતું, અને તે જ ગાયે પેલા વેતરમા ૪૩૮ દીવસમાં ૬૫૨૧ રતલ દુધ આપેલ હતું. છેલ્લી વખતે ૭ દિવસમાં ૬૨૨ રતલ અને ૩૦ દિવસમાં ૨૩૮૮ રતલ દુધ આપેલ છે. આ ઉપરથી જણાય છે કે ગાયોને સારી રીતે ખવરાવાને ચાકરી કરવામાં અને તેની કતલ થતી અટકે તો ભારત વર્ષમાં ઘી, દુધ અને છાશની પાછી અસલના જેવી જ લહેર થાય ખરી ખરેખર ! ગાયને જો પોતાના કુટુંબનું પ્રાણી ગણી સંભાળ રાખવામાં આવે તો આપણા ઉડી ગયેલા તેજ બળ અને આરોગ્ય એ સર્વ પાછા પ્રાપ્ત થાય.

આપણી ઉંમર

          હિન્દના પ્રત્યેક માણસની સરેરાશ ઉંમર પ્રમાણ ૧૯૨૧ની સાલની ગણતરી મુજબ ૨૨ વરસનું જણાય છે. જ્યારે અમેરીકામાં દરેક મનુષ્યની વય ૫૬ વરસની ગણાય છે. હિંદમાં મનુષ્યની ઉંમરનું પ્રમાણ ઘટતું જાય છે ત્યારે અમેરીકામાં દીન પ્રતીદિન વધતું જાય છે.

હિતેચ્છુ

 

જ્ઞાતિ સમાચાર

સિન્ધ હૈદ્રાબાદના ખબરો.

          ગયા જાન્યુઆરી માસમાં અહીં કરાંચીવાળા ભાઈ રતનશી શીવજી જેઓ પાટીદાર ઉદયના તંત્રી છે તેઓ પોતાના અંગત કામકાજ માટે અહીં પધારેલા હતા. ગામમાં વસતા પાટીદાર ભાઈઓને આ વાતની ખબર પડતાં કેટલાંક ભાઈઓ તેમને મળવા માટે ભાઈ માવજી પુંજા મીસ્ત્રીને ત્યાં ડેપ્યુટેશનના રૂપમાં ગયા હતા. ત્યાં ધાર્મિક ચર્ચા કેટલોક વખત થયા બાદ તેમના વિચારો અમોને ઠીક જણાતાં, તેમની સલાહ તથા અહીંના સ્થાનિક ભાઈઓના ઉત્સાહથી અહીં એક કચ્છ કડવા પાટીદાર સુધારક મંડળની શાખા ખોલવામાં આવી છે અને તેનું કામકાજ ચાલુ રાખવામાં આવેલ છે. દર શનિવારે એક સભા મળે છે, જેમાં સુધારા કરવા બાબત ચાલું ચર્ચા કરવામાં આવે છે. તદુપરાંત તેમની હાજરીમાં આપણી જ્ઞાતિની સેવા માટે પ્રગટ થતા પાટીદાર ઉદય પત્રને ટેકો આપવા ફરી બીજી વખત એક સભા ભરવામાં આવી હતી. તે વખતે ઘણાંક ઉત્સાહી ભાઈઓની મદદથી એ પત્રના આશરે વીસેક ગ્રાહક તેજ વખતે નોંધાયા હતાં, તદુપરાંત મદદ તરીકે ત્યાંના મંડળના પ્રમુખ ભાઈશ્રી નાનજી પુંજાભાઈએ રૂ.૧૦ આપ્યા છે તે સિવાય રૂ.૧૦ ભાઈ મુળજી દેવજી તરફથી મળ્યા હતા. રૂ. ૫ ભાઈ નારાણ કરશન તરફથી મળ્યા હતા. આ પ્રમાણે આપણા ઉગતા એક પત્રને મદદ આપનાર ભાઈઓનો તથા ગ્રાહક મહાશયોનો તે જ વખતે આભાર માનવામાં આવ્યો હતો અને ફરી પણ આવી જ રીતે મદદ કરવાનું કહી ભાઈશ્રી રતનશી ભાઈએ પણ સર્વ હૈદ્રાબાદ વાસી પાટીદાર ભાઈઓનો આભાર માની લીધા બાદ તેમના માનમાં એક પાર્ટી કરવામાં આવી હતી તેમાં આશરે દોઢસો સુધી ભાઈઓની હાજરી હતી. તે વખતે ઘણી જ ખુશાલીમાં દરેક ભાઈઓએ ચાહપાણી લીધા બાદ મેળાવળો વિસર્જન કરવામાં આવ્યો હતો. આવા પ્રસંગે બહાર ગામથી આવેલા અતિથી મહેમાનની સરભરા કરવામાં દરેક ભાઈઓએ જે ઉત્સાહ બતાવ્યો હતો તે ખરેખર વખાણવા લાયક હતો.

 

 

એક પત્રકારે માંગેલી માફી

          અહીં કરાંચીના એક કોમીક પત્રકાર જોશી મોરારજી સુંદરજી* લ્હેરૂ એ થોડા વખત પહેલાં અમારા ઉપર રિવ્યુ માટે પોતાના પેપરનો એક અંક મુક્યો હતો તે અંક સાથે એક હેન્ડબીલમાં અહીંના જાણીતા દેશી વૈદ ગોપાલજી કુંવરજી ઠક્કુર વિરૂદ્ધ  કેટલાક અઘટીત આક્ષેપો ખરાબ ભાષામાં લખેલા હતા, તે વખતે તો અમોને રિવ્યુ લેવાનું યોગ્ય ન લાગ્યું. કારણ કે સદરહુ વૈદરાજને અમો સારી રીતે ઓળખીએ છીએ અને તેમના હેન્ડબીલનું લખાણ અમોને તદન બીન પાયાદાર જોવામાં આવ્યું. થોડા વખત બાદ સદરહુ વૈદરાજે મજકુર જોશી ઉપર કેસ માંડતા અમોને સાક્ષીમાં પણ જવું પડ્યું હતું. ત્યાં અમારી સમક્ષ તે જોશી શ્રી ઉપર ફોજદારી કાયદાની કલમ ૫૦૦ પ્રમાણે આરોપ મુકવામાં આવ્યો હતો. તેના થોડા વખત પછી ઘરમેળે પતાવટ થતાં નીચે પ્રમાણે માફી પત્ર જાહેર થયું છે, જેની એક નકલ અમોને પણ મળી છે, જે અમો અમારા વાંચકોની જાણ માટે આ નીચે સદાબરો ઉતારી લઈએ છીએ.

હેન્ડબીલની નકલ

          હું નીચે સહી કરનાર મેં વૈદ ગોપાલજી કુંવરજીની વિરૂદ્ધ જે જે બાબતો અને આક્ષેપો નીચે જણાવેલ લેખોમાં કરેલા છે. તે સર્વ વિના શરતે પાછા ખેંચી લઉં છું.

          (૧) તા. ૨૭—૯—૧૯૨૨ની રોજનો લેખ “વૈદ ગોપાલજી કુંવરજી ઠક્કુર—અખતરો અને ચમત્કાર” મથાળાવાળો જે તા. ૧૭—૧૨—૧૯૨૨ના રોજ મારા પત્ર “સારસ્વત દર્પણ”માં પ્રસિદ્ધ થયો હતો અને જે મેં કરાચીમાં હેન્ડબીલો વહેંચી પ્રસિદ્ધ કર્યો હતો.

          (૨) તા. ૩૦—૮—૧૯૨૩ની રોજનો લેખ “ડોસાણીના દીલોજાન દોસ્ત—વૈદ ગોપાલજી કુંવરજી ઠક્કુરને ખુલ્લા પ્રશ્નો અને જન સમાજને જાહેર ચેતવણી”ના મથાળા વાળો જે લેખ હેન્ડબીલો વહેંચી છપાવેલ અને પ્રસિદ્ધ કર્યો હતો.

          તેમજ હું સર્વ બાબતો અને આક્ષેપો લખવા અને પ્રસિદ્ધ કરવા માટે અતિશય દીલગીર છું અને જે હવે મને બીનપાયેદાર માલુમ પડે છે.

કરાંચી તા. ૩૧—૧—૧૯૨૪

મોરારજી વિશનજી લ્હેરુ, તંત્રી સારસ્વત દર્પણ

* એક સુધારો: – “એક પત્રકારે માગેલી માફી” આ લેખની બીજી લાઇનમાં મોરારજી સુંદરજી ભૂલથી છપાયેલ છે, તેની બદલીમાં મોરારજી વિશનજી વાંચવું છે.  (Original પેજ ૨૨ પર થી)


 

 

મદદ કરો !         મદદ કરો !         મદદ કરો !

 

તમારા દાનનાં ઝરણો વહે માર્ગ અવળે તે.

કમી કરવા બદલ બીજાં નવા દુઃખો ઉમેરે તે

હવે તે દાનના ઝરણો અનુકૂળ ક્ષેત્રમાં વાળો

જમાનો જેમ બદલાયો સુધારો દાનનો ધારો.

 

ગરીબ જ્ઞાતિ ભાઈઓની હાલત જોઈને તમારું હૃદય કંપી ઉઠતું હોય

તમારા દેશ પરદેશ વસતાં ભાંડુઓના સમાચાર જાણવા હોય

તમે તમારી જ્ઞાતિમાંથી કોહેલા રિવાજા કાઢવા હોય,

તમારે આગેવાન ગેઢેરાઓના ત્રાસથી જુલમથી બચવું હોય,

તમારે પીરાણા પંથની  પ્રપંચી જાળમાંથી છુટવું હોય

અને તમારી ભાવિ પ્રજાને છોડાવી સુખી કરવી હોય

 

તો

પાટીદાર ઉદય”ના ગ્રાહક થાઓ અને તે ખરીદો. ખરીદીને તેમાં આવતા

લેખોને વાંચો વિચારો અને મદદ કરો.

 

તમારે જ્યારે કોઈ પણ દાન કરવું હોય ત્યારે આ પાટીદાર ઉદયને

ભૂલતા નહિ.

નાની મોટી દરેક રકમનો સ્વીકાર થાય છે તે તેના નીભાવવા

અર્થે જ ખર્ચાય છે.

 

માટે

          કોઈ પણ ધર્માદા કાઢેલી રકમ ખર્ચતી વખતે પુણ્ય દાન કે ધર્મ કરતી વખતે લગ્ન ખુશાલીના પ્રસંગે કે વડીલોના સ્મરણ ચિન્હ તરીકે જુજ રકમ પણ પાટીદાર ઉદય”ના ફંડમાં મોકલવી ચુકશો નહિ.

 

આજે જ લખો :

વ્યવસ્થાપક, પાટીદાર ઉદય ઓફીસ, રણછોડ લાઇન્સ, કરાચી.

આ પત્ર “તરૂણ સાગર” પ્રેસમાં ગિરિજાશંકર બી. ત્રિવેદીએ છાપ્યું

ન્યુ સ્મોલકોઝ કોર્ટની સામે કેમ્પબેલ સ્ટ્રીટ કરાચી

 

Share this:

Like this: