Book: Abhilekh -2, 2024 (અભિલેખ -2, 2024)

Index

10.5 - પાટીદાર ઉદય - અંક 5 અને 6 - વિ. સં. ક. 1980 કારતક અને માગસર (Nov and Dec-1923)

 

ૐ ॥

શ્રી કચ્છ કડવા પાટીદાર સુધારક યુવક મંડળ તરફથી પ્રગટ થતું માસિક પત્ર

પાટીદાર ઉદય

વર્ષઃ ૧લું કરાચી, કારતક માગશર ૧૯૮૦ {VSA: Nov, Dec1923) અંક ૫-૬ ઠો

 

यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत।

अभ्युत्थानमधर्मस्य तदाडत्मानं सृजाम्यहम्‌॥

 

परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम्‌।

धर्मसंस्थापनार्थाय संभवामि युगे युगे॥

 

હે ભારત! જ્યારે જ્યારે ધર્મની પડતી થાય છે, ત્યારે ત્યારે હું દેહ ધારણ કરું છું. સત પુરૂષોના સંરક્ષણ અર્થે, દુષ્ટોના વિનાશ અર્થે અને ધર્મનું દઢ રીતે સ્થાપન કરવા અર્થે હું યુગે યુગે અવતાર લઉં છું.

 

० भ ० अ ० ४ श्लोक ७-८.

 

 

વાર્ષિક લવાજમ અગાઉથી રૂ. ૨ બે પોસ્ટેજ સાથે.

છુટક નકલ આના ચાર

—-

તંત્રી અને પ્રકાશક :

રતનશી શીવજી પટેલ પાટીદાર ઉદય ઓફીસ,

રણછોડ લાઇન, કરાચી.

 

શ્રી કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિ સુધારક યુવક મંડળ તરફથી જ્ઞાતિના લાભાર્થે પ્રગટ થતું

પાટીદાર ઉદય

તંત્રી તથા પ્રકાશક : રતનસી શીવજી પટેલ

 

વિષય

લેખક

પૃષ્ટ

આપણો ઉદય            

તંત્રી

{311}

અમારો નિશ્ચય            

ભાવસાર શુભેચ્છક

{312}

અમારી મુંઝવણ          

તંત્રી

{313}

જ્ઞાતિ બંધુઓને વિનંતી             

રા. મૌજી મહાજન

{314}

તું પોતે સુધર    

મી. વિશ્રામ પાંચા

{315}

આપણા ગુરૂનો ચમત્કાર           

રા. રણછોડદાસ

{318}

સુધારાનું પહેલું પગથીયું            

રા. કેશવદેવ

૧૧ {320}

સત્ય માર્ગ સનાતન ધર્મ            

રા. મૌજી મહાજન

૧૨ {321}

ઉદય માર્ગદર્શન           

રા.માવજી વાસણ પટેલ

૧૫ {325}

આરોગ્ય રક્ષક ઉપદેશ માળા       

વૈદ્ય ગો. કું. ઠક્કુર

૧૭ {327}

દુનિયાઈ બનાવનો ભાવી વર્તારો    

ગડગડાટ પત્ર ઉપરથી     

૧૯ {328}

પીરાણા પંથની દશતંરી ગાવંત્રી              

રા.નારાયણજી રામજી

૨૦ {329}

એક ખેડૂતની કરૂણાજનક કહાણી 

ખેતીવાડી વિજ્ઞાન ઉપરથી

૨૯ {338}

ખેડૂતોની દાદ કોણ સાંભળે છે     

ખેતીવાડી વિજ્ઞાન ઉપરથી

૩૨ {340}

 

એ સિવાય સુચના નિયમો જાહેર ખબર ઇત્યાદી વાર્ષિક લવાજમ રૂ. બે અગાઉથી.

 

છુટક નકલ ચાર આના પો. સાથે

તમામ પત્ર વ્યવહાર નીચેના સરનામે કરવો

 

 

વ્યવસ્થાપક,

પાટીદાર ઉદય ઓફીસ,

રણછોડ લાઇન્સ, કરાચી.

 

|| ૐ ||

પાટીદાર ઉદય

કચ્છી કડવા પાટીદાર જ્ઞાતિના લાભાર્થે પ્રગટ થતું ગુજરાતી માસિકપત્ર

વર્ષઃ ૧લું કરાચી, કારતક માગશર ૧૯૮૦ {VSA: Nov, Dec1923) અંક ૫-૮ ઠો

 

આપણો ઉદય

          આપણો ઉદય શામાં રહેલો છે. એ પ્રશ્ન દરેક વ્યક્તિને આવે એ ઇચ્છવા જોગ છે.

          પરંતુ જ્યાં સુધી એ સવાલનો આપણે કંઈ પણ વિચારપૂર્વક નીવેડો નહિ કરશું ત્યાં સુધી આપણા પ્રયત્નો કંઈ પણ ફળીભુત થવાનાં નથી!

          દરેક મનુષ્ય પોતાનો ઉદય ચાહે છે અને તેને લગતા તે ઉપાયો પણ યોજે છે તો તે જરૂર ઉદય કરવા શક્તિમાન પણ બને છે.

          પાટીદાર ભાઈઓ માટે તો મુખ્ય જરૂર છે સંપની, જ્યાં સંપ નથી ત્યાં સુખ કે ઉન્નતિની આશા શી રખાય ?

          એ સિવાય પ્રથમ આપણે ધર્મ સંબંધી પણ હજી કંઈ નિર્ણય પર આવ્યા નથી. જ્યાં સુધી આપણે રસ્તો નક્કી નહિ કરીશું ત્યાં સુધી આપણી કૂચ મફતમાં અથવા ફાયદા વગરની છે. કારણ કે આપણું ધ્યેય હજી નક્કી નથી મુંબઈનું અને કરાચીનું મંડળ જ્યાં સુધી આપણું ધ્યેય નક્કી નહિ કરે ત્યાં સુધી કરવા ધારેલા સુધારા પણ કંઈ અસર કરી શકે તેમ નથી.

          માટે પાટીદાર ભાઈઓ ! ઉઠો ! અને જાગૃત થાઓ ! દુનિયા આખી પોતાની ઉન્નતિ માટે કુચ કરી રહી છે તેમ આપણે પણ આપણું ધ્યેય નક્કી કરી ઈશ્વરને શરણે પડી આપણી કુચ શરૂ કરો, અનેક આફતો જ્યાં સુધી નહિ વેઠશું ત્યાં સુધી ધારેલા મથકે નહિ પહોંચી શકાશે ! એ યાદ રાખશો.

 

 

અમારો નિશ્ચય*

ગઝલ

સહીશું કષ્ટ દુર્ઘટ જે,

અમારી જ્ઞાતિ હિત માટે,

ધરીશું નહિ જરી પરવા,

અમારો એજ નિશ્ચય છે.

ભલે દ્વેષી કરે દ્વેષો,

નથી તેની જરી પરવા,

સુધારક જ્ઞાતિના થઈશું,

અમારો એજ નિશ્ચય છે.

ભલે આપે તિરસ્કારો,

લહીશું પ્રેમથી ગોદે,

વદીશું વેણ જે સાચાં,

અમારો એજ નિશ્ચય છે.

કરાવા ઐક્ય જ્ઞાતિમાં,

કરીશું જે હશે કહેવું,

બજાવીશું ખરી ફરજો,

અમારો એજ નિશ્ચય છે.

કુધારા કોમના કાઢી,

સુધારા સ્થાપવા માટે,

દહીશું આત્મ ભોગો,

અમારો એજ નિશ્ચય છે.

હૃદય રાખ્યું અમે ખુલ્લું

સહેવા “વાગ” બાણોને,

સહીશું સ્નેહથી સર્વે,

અમારો એજ નિશ્ચય છે.

ફુંકીશું કર્ણમાં શંખો,

સુણાવા જ્ઞાનના નાદો,

જગાવા આત્મની જ્યોતી,.

અમારો એજ નિશ્ચય છે

અમારા એજ ઉદગારો,

સુધારા સ્થાપવા માટે,

તિલાંજલી દઈ કુધારાને

અમારો એજ નિશ્ચય છે.

ખીલવવા બાળ કેળવણી,

ગજવશું જ્ઞાનના ઘોષો,

કરાવવા ઐક્યતા મથશું

અમારો એજ નિશ્ચય છે.

ધરીને જ્ઞાનની કફની,

ધરાવી અન્ય ભ્રાતાને,

ભજવશું ભેખ ભાવોથી,

અમારો એજ નિશ્ચય છે.

કર ઓ નાથ કેશવના,

કરૂણાળુ માયા દૃષ્ટિ,

ધરી કર ઉન્નતિમાળા,

અમારો એજ નિશ્ચય છે.

 

(* ભાવસાર શુભેચ્છક પુ. ૨ અં. ૧.)

 

 

 

અમારી મુંઝવણ

          પાટીદાર ઉદયનો જન્મ થયે આજે પૂરા છ માસ થઈ ચુક્યા છે અમોએ તેટલા વખતમાં આપ ગ્રાહક બન્ધુઓના કર કમળમાં ચાર અંક દિવાળી સુધી પહોંચતા કરી આપ્યા છે. ત્યાર પછીના બે અંક પ્રગટ થવા જોઈએ, તે આ સાથેના બે અંક ભેગા પ્રગટ થતાં કુલે છ અંક પૂરા થાય છે. અમોને ઘણા એક ગ્રાહકો તરફથી પત્રો આવ્યા છે અને તેઓ એમ પૂછે છે કે શું માસિક બંધ કર્યું ? યા શા કારણે ઢીલ કરી છે. તે સર્વે પત્રોનો અહીં સામટો જવાબ આપીએ છીએ કે પત્ર બંધ કરવાનું કંઈ કારણ નથી તેમ અમારાથી બની શકે તેટલા ભોગે તેને કાયમ ચલાવશું એવો અમારો નિશ્ચય છે, અનેક સાંસારિક મુશ્કેલીઓનું વાતાવરણ અમોને પણ ભોગવવું પડે છે, તેથી કરી આ પત્રને પણ લાભ હાનિ થાય.

          પ્રથમ અમારી પોતાની તબીયત સારી નહોતી તે જરા સ્વસ્થ થતાં અમારા ધંધા રોજગારની ખટપટમાં જરૂર એક માસ નીકળી ગયો, એ કામ પૂરું કરતાં અમોએ તરત જ લખાણ તૈયાર કરી આપ્યું તેને આજે એક માસ થવા આવતાં તે કામ પૂરું થાય છે અને એકી સાથે આ બે અંકો અમારા ગ્રાહકોની સેવામાં હાજર કરી પાછી સાતમા અંકની તૈયારી થાય છે. નાણાં ભીડના આ કટોકટીના સમયમાં આવા ખર્ચાળ કામ માટે પણ મુશ્કેલી તો નડે ખરી ! અને તેવી અનેક મુશ્કેલીઓ હોવા છતાં ઈશ્વર આ પત્રને આપ જ્ઞાતિ બંધુઓની સેવા માટે તૈયાર કરી આપે છે તેથી એમનો મોટો ઉપકાર ગણવો જોઇએ. કારણ કે અમો એવા શ્રીમંત નથી કે એવી મોટી ખોટ ખમી આવા સાહસો ખેડી શકીએ. પરંતુ અલબત અમારાી બને તેટલો ભોગ આપી વિના સ્વાર્થે અમો આ કામ કરવા ઇચ્છા રાખીએ છીએ. અને પ્રભુમાં અમોને સંપૂર્ણ વિશ્વાસ છે કે તે અમારાં આવાં દરેક કામમાં સહાયતા આપશે જ.

          અંતમાં હવે એ તમારા ગ્રાહકો પ્રત્યે પ્રાર્થના કરીએ છીએ કે આવી અમારી અનેક મુંઝવણોને લઈને પત્ર મોડું પ્રગટ થાય છે, તેમજ આ બે અંકોના પૃષ્ટોમાં પૃષ્ટ સંખ્યા ઓછી પણ થઈ છે તે દરગુજર ચલાવી લેશો અમો તેનો બદલો હવે પછીના અંકમાં આપી દેશું તે માટે ધીરજ રાખવી અને બીજી પણ અમો અમારા શુભેચ્છકો તથા ગ્રાહકો પ્રત્યે પ્રાર્થના કરીએ છીએ કે તેમણે પોતાનું લવાજમ ભરી આપી અમોને મદદગાર બનવું સાથે દરેક ગ્રાહકે એક એક ગ્રાહક અમોને વધારી આપી આ પત્રને વિશેષ બળવાન બનાવવું આ કામ અમારું નથી પણ જ્ઞાતિ બંધુઓ—ગ્રાહક મનુષ્યોનું છે. તે જો પોતાનો અમુલ્ય સમય રોકી આ કામ કરવા ધ્યાન પર લે તો અમારા કાર્યમાં  આવતી કેટલીક મુશ્કેલીઓ પોતાની મેળે જ દુર થઈ જાય.

          અંતમાં પરમ કૃપાળુ પરમાત્મા પ્રત્યે પ્રાર્થના છે કે તેઓ અમને અમારા કાર્યમાં હમેશાં સરળતા કરી આપે એજ અભ્યર્થના.

તંત્રી

 

 

 

જ્ઞાતિ બંધુઓને આ પત્રને મદદ આપવા માટે વિનંતી

વસંત તિલકા વૃત્ત

જ્ઞાતિ તણું હિત ચહો, મન મોદ આણી,

જ્ઞાતિ સુધારક બનો, અહો ભાગ્ય જાણી,

જ્ઞાતિ વિશે ઉચરશો, નવ દ્વેષ વાણી,

જ્ઞાતિ ભગીરથી સમાન, લહો પ્રમાણી.

 

ગઝલ.

અમોએ કાર્ય આરંભ્યું, થવા જ્ઞાતિ તણી સેવા.

અમોએ હામ ભીડી છે, થવા જ્ઞાતિ તણી સેવા.

ઉદય જ્ઞાતિ તણો થાવા, અમોએ એજ ધાર્યું છે

તથાપી સહાયતા જોઈએ, થવા જ્ઞાતિ તણી સેવા.

મદદ આ પત્રને આપો અમારા વીર બંધુઓ,

તમારા ખાસ કર્તવ્યો, થવા જ્ઞાતિ તણી સેવા.

તમારા નામ દીપાવો, સ્વજ્ઞાતિને સુધારીને,

બનાવો શ્વેત કીર્તિને, થવા જ્ઞાતિ તણી સેવા.

તમારી કાર્યવાહીથી બચત ધનની બચાવીને,

(પાટીદાર) ઉદયને સહાયતા આપો, થવા જ્ઞાતિ તણી સેવા

વિના પાંખે ન પંખીની ગતિ થાયે ગગન વાટે

અમારી એહ દિલગીરી, થવા જ્ઞાતિ તણી સેવા.

જુઓ આ પત્રની કેવી દશા ભાવી જરા ભાળો

પ્રભુની પૂર્ણ ભક્તિથી કરો જ્ઞાતિ તણી સેવા.

 

મૌજી મહાજન”

 

 

તું પોતે સુધર

(લેખક : મી. વિશ્રામ પાંચા ગાંગાણી)

          મને તંત્રીશ્રી તરફથી લેખ લખવા ફરમાન થયું છે. મને ખબર નથી કે મારે શું લખવું મારામાં લખવાને લાયકાત શી છે. પણ આપણા માસિક તેમજ આ ઉત્સાહી ભાઈ પ્રત્યે મારો અંતરનો ભાવ છે. એટલે હું ના કેમ પાડી શકું હું શરૂઆતમાં જણાવી દઉં કે મારી ઇચ્છા મારા હૃદયમાં વલોવાતા વિચારો ભાવો આપી દેવાની છે. બને તેટલી સહેલી, સરલ—અલંકાર કે ઉપમા વગરની ભાષા વાપરવા પ્રયત્ન કરીશ. હું શરૂઆતમાં જાણું છું કે હું આપણી જ્ઞાતિના અભણ ભાઈઓ અને બેનો તેમજ બાળકો સમજી શકે તેવું લખું તો જ સરવાળે લાભ થાય આ દિશામાં હું બને તેટલો પ્રયત્ન કરીશ.

          આજે આપણે નવા યુગમાં પ્રવેશ કરીએ છીએ એટલે જે વિચારોને આપણે આપણા પોતાના કરી દીધેલા જે રસ્તે આપણે જતા હતા તે બધા ખોટા વિચારો હતાં તે રસ્તો ખોટો હતો એવું આપણને લાગ્યું છે. એક રીતે આજે આપણને સમ્યક જ્ઞાન—ખરું જ્ઞાન જાણવું તે થયું એમ ગણાય આપણે હજુ પણ જુના રસ્તાને છોડી શક્યા નથી, એટલે આપણે એવા વખતમાં પસાર થઈએ છીએ કે જ્યારે આપણા વિચારો પરિપક્વ હોતા નથી, તેથી જે વિચારો હું દર્શાવું છું તે આજે ખરા લાગે કાલે ખોટા પડે. આપણા જીવન પર જરા વિચાર કરી જોઈએ તો સહેજ વિચાર કરતાં તરત જ જણાશે કે ઘણું એ જે ખરું ધારતા હતા તે ખોટું માલુમ પડ્યું છે. ઘણીએ વાર આપણે ખરું ધારેલું કાર્ય થોડો સમય પસાર થયા પછી થોડા અનુભવ પછી ખોટું લાગે છે. તેથી હું આજે લખું તે કાલે ન લખું એમ પણ બને પરંતુ કાગળ ઉપર જે આજે લખાય તે હમેશનું. ઘણું ખરું હોય ઉપર તો આપણે એક બનવા જોગ બાબત વર્ણવી જે મારું લખેલું વાંચે એ પોતે વિચારે ખરું હોય તે લે. ખોટું ફેંકી દે મને ઉપદેશ પણ આપે, મારી ભુલો સુધારે, આટલી પ્રસ્તાવના મારા લખાણ કરવા પહેલાં મારે કરવાની જરૂર મેં જોઈ એટલે કરવી પડી. વાંચક ! મને સમજવા પ્રયત્ન કરજો.

          આપણી જ્ઞાતિનું સારું કેવી રીતે થાય તેનો વિચાર આપણે કરીએ છીએ, જેટલા લેખો આપણા માસિકમાં લખાય છે. તે લગભગ એજ ચર્ચે છે. તે લગભગ એજ  છે કે આપણી જ્ઞાતિમાં ફલાણી ફલાણી જગ્યાએ સડા છે. તેને કાઢવા જોઈએ તેના ઉપાયો ફલાણા ફલાણા છે. માસિકનો હેતુ પણ લગભગ એવો જ છે. જ્ઞાતિમાં સડા છે. તે તો દેખીતું જ છે. પ્રશ્ન એ છે કે તેનું મુળ શું ? જ્ઞાતિ એટલે અમુક વ્યક્તિઓનો જથ્થો ઘણા પુરૂષ અને સ્ત્રી મળીને જ્ઞાતિ થાય છે. ઘણી જ્ઞાતિઓ મળીને આપણું રાષ્ટ્ર થાય છે. આજે જેટલો પશ્ન આપણી જ્ઞાતિની સુધારણાનો વિકટ છે તેટલો જ વિકટ રાષ્ટ્ર પ્રજાની સુધારણાનો છે બધે એક જ ઉપાય છે. સોનાની લગડીને કસોટી  લગાવી એ અને જે કિંમત અંકાય તેટલી જ એક રતિ ભર સોનાને કસોટીએ ચડાવીએ તો અંકાય આજે આપણે રાંક પ્રજા છીએ આપણી જ્ઞાતિ તેનો ભાગ છે તે પણ રાંક હોય તેમાં શી નવાઈ ! તેના ઉપાય શા ? સોનાને શોધવા માટે આપણે દેવતામાં નાખીએ આપણી જ્ઞાતિને કુળ જાતની ભઠ્ઠીની જરૂર છે, જેવી ભઠ્ઠીની જરૂર આપણા રાષ્ટ્રને છે, તેવી જ આપણી જ્ઞાતિને છે. તેવી જ વ્યક્તિને. આજ સુધી આપણે બીજા ઉપર આધાર રાખતા હતા આપણું ઘર બીજા સુધારી દેશે એવું ધારતા હતા. આજે આપણે જાણી લીધું છે કે આપણે જાતે જ બધું સુધારી દેવું પડશે બહારની કોઈ પણ મદદથી આપણે ટટાર ઉભા થવાના નથી દિશા ભુલ થઈ હતી આપણા સુકાની ભાઈ નારાયણજી રામજીએ સમજાવ્યું કે, “તમે ભીંત ભુલ્યા છો” આપણે ખરે ખર જ આડે માર્ગે જતા હતા હવે આપણને ભાન આવ્યું એટલે હવે જ્ઞાતિ સુધારણાનો પ્રશ્ન ઉકેલવો સહેલો થયો, સહેલો એટલે ઘોરી માર્ગ આપણે જાણ્યો એ દૃષ્ટિએ જેટલું પુણ્ય તેટલું જ ફળ જેટલું આપણે જીવનમાં ઉતારીએ એટલો જ આપણે રસ્તો કાપીએ. આપણી જ્ઞાતિ સુધારણા કરવા જતાં—કરવાનો વિચાર કરતાં આપણને તરત જ યાદ આવે છે કે.

          ભાઈ તું જાતે સુધર દરેક જ્ઞાતિ સુધારવાને તેની વ્યક્તિઓ સંભાળી લે તેથી તું તારા અંતરાત્માને પુછ કે— “હું કેટલો સુધર્યો ?” મોટો વિચાર ન કરવા બેસ કે આપણી જ્ઞાતિ કેવી રીતે સુધરશે તું સુધર એટલે તારી જ્ઞાતિ સુધરશે. પ્રકાશ અંધકારનું હરણ કરે છે સુવાસ જ્ઞાતિમાં ફેલાવ તારા શુદ્ધ જીવનથી વાતાવરણ પવિત્ર કર. સમજ કે એક ગાંધીએ ફક્ત પોતાના ચારિત્રના તેજથી હિંદનો ચહેરો બદલી નાંખ્યો. જ્ઞાતિ સુધારણાના બણગાં ફુંકવામાં કામ કર ફળની આશા ન રાખ. તારી તપશ્ચર્યાના પ્રમાણમાં ફળ હંમેશા દેખાય કે ન દેખાય પણ મળી જ રહે છે.

          વાચક ! એમ ન માનતો કે લેખક ઉપદેશ દેવા નીકળ્યો છે. લેખક એટલો અંધ નથી કે ઉપદેશ આપવાને લાયક પોતાને સમજે એટલો તે દંભી નથી કે જ્ઞાતિ સુધારણાની બાબત ચર્ચવા લેખો લખવા બેસે લેખક એમ પણ માનતો નથી કે તેના લખાણથી લોકો સુધરી જશે જ્ઞાતિ ઉંચે આવી જશે, લેખો લખ્યા એટલે કલ્યાણ થયું. વ્યાખ્યાનો (ભાષણો) કર્યા એટલે ભાગ્ય ઉઘડી ગયું એવું તે ધારતો નથી. તો પ્રશ્ન સ્વભાવિક એ થાય કે આ બધું શું ? તેનો જવાબ છે તે ખરા હૃદયના ઉદ્‌ગાર છે લેખો લખવાનો ઉદ્દેશ વિચાર વિનિમય આપલેનો છે હૃદયમાં જે ઉદ્‌ભવે તે લોકોમાં એક અથવા બીજી રીતે જાણ્યે—અજાણ્યે ભણેલા, અભણ, સ્ત્રી, પુરૂષ, નાના મોટામાં બધામાં ઉદ્‌ભવે છે. કારણ એક ઝરામાંથી બધું ઝરે છે તો લેખક કંઈ પણ કરી શકે તો પ્રેરણા કરી શકે કોઈના મનના વિચારો શબ્દોમાં—સરલ અને સહેલી ભાષામાં ઉતારી શકે, આટલું થાય તો પણ બસ છે.

          પણ આ તો બીજી જગ્યાએ દોરાયા. આપણે ઉપર જોઈ ગયા કે જ્ઞાતિ સુધારણાનો માર્ગ પોતાની સુધારણા—આત્મશુદ્ધિમાં છે આત્મ શુદ્ધિ એ ભાવના છે આત્મશુદ્ધિ તે વિશાળ અને કેટલીક વખત ન સમજાય એવી ભાવના છે. આવા ગુઢ વિષયનો આપણે વિચાર કરવાનો છે પરંતુ તે કટકે કટકે જાઇએ તો જ સમજાય અને તો તે વ્યવહારરૂપ પકડી શકે કોઈ એમ પણ ફરીયાદ કરે કે આત્મ શુદ્ધિ એ ઘણો આદર્શ છે જરૂર પરંતુ જે સીડીની ઉપર જવા દશ પગથીયા ચઢવા માગે છે તે થોડે પણ જઈ શકે. આત્મ શુદ્ધિની બાબત પણ આવી જ છે. તેથી ભડકી જવાનું નથી દરેક ચીજ વ્યવહારુ છે. કોણ એવું આઠ માસ ઉપર ધારતું હતું કે દયાપર ગામમાં એકદમ ૧૫૦ માણસો દેહશુદ્ધિ કરાવશે ? શું હજુ પણ એવા કેટલાક નથી પડ્યા કે જે દુનિયાએ જોયું તે અવ્યવહારુ છે. એવું કહે છે, આવી વાતો કરનાર ભાઈઓથી ભડકવાની જરૂર નથી. આજથી જ જો આપણે આપણા મનને પૂછતા થઈ જઈએ તો ધીમે ધીમે આપણે આગળ વધી શકીશું. જો આપણે રાત્રે સુતી વખતે પોતાને પ્રશ્ન પૂછીએ કે આજે મેં શી પ્રવૃત્તિ કરી ? તેથી હું કેટલું ચડ્યો કે પડ્યોપડ્યો તે શાથી ? વિઘ્ન ક્યાં આવ્યા ? જેણે આપણને પાડ્યા તેને કેવી રીતે દુર કરાય આપણે વધારે સંયમી કેવી રીતે થઈએ ? આજ રસ્તો આત્મ શુદ્ધિનો છે.

          લેખકે પોતે અને દરેક જ્ઞાતિની વ્યક્તિએ ભલે તે સ્ત્રી હો કે પુરુષ ભણેલો હો કે અભણ બધાએ આ પ્રશ્ન પોતાને કરવાનો છે. આજ સોનેરી કુચી છે જેનાથી જ્ઞાતિ સુધારણા પ્રજા સુધારણા થશે જે ચરિત્રમાં ઊંચે ચઢે છે. તે જ નહિ કે લેખો મોટા મોટા લખનાર અથવા લાંબા ભાષણો કરનાર ખરો જ્ઞાતિનો સેવક છે. શુભેચ્છક છે. પ્રજા સેવક છે, દેશ ભક્ત છે, એકવાર મને એક મિત્ર જોડે વાત થઈ તે પોતાની જ્ઞાતિ સુધારણા કરવાની ઉત્કંઠા ઇચ્છા ધરાવનાર છે. તેમણે તેમની જ્ઞાતિના વિદ્યાર્થીઓને લખવા એક નિબંધ આપેલો “જ્ઞાતિ સુધારણા અને તેના રસ્તાઓ” તેને લેખકે (મેં) કહ્યું ભાઈ ! નિબંધ લખવાથી રીવાજો સ્થાપવાથી ઠરાવો પસાર કરવાથી કાંઈ પણ બની શક્યું હોય તો હિંદનો ક્યારનો ઉદ્ધાર થઈ ગયો હોત. તમારી જ્ઞાતિમાં એવી થોડી વ્યક્તિ ઉત્પન્ન કરો કે જેઓ એટલી ઉંચી કોટીએ પહોંચે કે જ્ઞાતિ સુધારણા માટે પ્રાણ અર્પવા તૈયાર થાય ખરા સુધારકો થાય. મહાત્મા ગાંધીએ એકવાર કહ્યું હતું કે એક જ સત્યાગ્રહી હિંદને સ્વરાજ્ય અપાવે આનું ખરું રહસ્ય સમજાય તો ઘણીએ ભુલો કરતા આપણે બચી જઈએ. ખોટે રસ્તેથી પ્રભુ આપણને અંધકારથી અજવાળામાં લઈ જાય સુધારાનો સાચો આદર્શ તરફ પ્રયાણ કરવા બળ આપે આમાં જ  આપણું આપણી જ્ઞાતિનું આપણી પ્રજાનું અને જગતનું કલ્યાણ છે.

 

 

શું તમો ગુજરાતી ભણેલા છો ?

          કદાચ આ સવાલનો જવાબ તમો હકારમાં આપશો તો તમારે તમારા શરીરનું રક્ષણ કરવાની પ્રથમ જરૂર છે. શરીરનું રક્ષણ કરવા માટે આરોગ્યતા સંબંધી પુસ્તકો તથા માસિકો વાંચવાં જોઈએ.

શુદ્ધ અને સરળ ગુજરાતી ભાષામાં પ્રગટ થતું વૈધક માસિક પત્ર

આરોગ્ય સિન્ધુ

          બે વર્ષ થયાં આ પત્ર નિયમિત રીતે કરાચીમાંથી પ્રગટ થાય છે. તેમાં વૈધક તથા આરોગ્યના ઘરગથ્થું ટુચકા ઘણાં જ ઉત્તમ આવે છે. તમો વાંચો અને તેમાંથી લાભ મેળવી નિરોગી રહો, તેનું વાર્ષિક લવાજમ માત્ર રૂ. ૨ છે. તમો ગ્રાહક હો તો આજે જ તમારું નામ એક કાર્ડ લખી  રજીસ્ટર કરાવો.

વૈધ ગોપાલજી કુંવરજી ઠક્કુર.

અધિપતિ તથા માલેક : “આરોગ્ય સિન્ધુ”, રણછોડ લાઇન, કરાંચી.

 

 

આપણા ગુરૂનો ચમત્કાર (!)+

          “વિક્રમ સંવત ૧૫૦૫ {VSAK: 1448-49} ની સાલમાં ઈરાનથી સૈયદ ઈમામુદીન ઉર્ફે ઈમામશાહ ગુજરાતમાં આવ્યા ને જરમથા (ગીરમથા) ગામની ભાગોળે ટેકરા ઉપર મુકામ કર્યો. એવામાં બે, ત્રણ વર્ષ સુધી વરસાદ વર્ષેલો નહિ. તેથી ગામના પાટીદારો એ તેને મહાપુરૂષ જાણીને તેમને વિનંતી કરીને વરસાદ માંગ્યો. ત્યારે તેણે કહ્યું કે, અબી વરસાદ આયેગા” પછી તુરત વરસાદ થયો. તેથી પાટીદારોએ તેને ગુરૂ કર્યાં. પાટીદારોને કહ્યું કે ગામથી દૂર મારે વાસ્તે એક જગ્યા બંધાવી આપો તેથી તે ઠેકાણે ઝુંપડી બંધાવી આપી એવામાં અમદાવાદનો બાદશાહ (મહમદબેગડો) શિકાર કરવા વાસ્તે આવેલો. તેણે તેમની પરીક્ષા લેવા સારું દૂધમાં ઝેર નાખીને પાયું તો તેથી ઈમામુદીનને ઈજા થઈ નહિ. વળી બાદશાહે બિલાડીનું માંસ રંધાવીને તેની આગળ મુક્યું ત્યારે ઈમામુદીને કહ્યું કે, “આઓ બચ્ચા કાયકું મરી પડી હૈ” તેટલામાં બિલાડી જીવતી થઈને  તેની પાસે ગઈ. વળી બાદશાહે માંસની રકાબી મોકલી કહ્યું કે આમાં ગુલાબના ફુલ તમારે વાસ્તે મોકલ્યાં છે. એમ કહીને મેજ ઉપર રકાબી મુકી ઈમામુદીને રૂમાલ ઉઘાડ્યો એટલે તેનાં ખરેખરા ફુલ થઈ ગયાં. તે સૌને વહેંચી દીધાં.”  એ બીના આપણે નજરે જોઈ નથી. પણ દંતકથા ચાલતી આવેલી તે પ્રમાણે ઉપલા ચમત્કારો જ્યાંને ત્યાં રજૂ કરવામાં આવે છે. એક જ ગામમાં એક જ ઘરમાં રહેનારો માણસ જે પ્રમાણે ઘર કુકડો બની રહે છે. તેની નજર હંમેશા સંકુચિત રહેવાથી તેનું મન કદી પણ ખીલેલું હોતું નથી. તે જ પ્રમાણે આપણે આપણા કહેવાતા ગુરૂ સિવાય દુનિયામાં કોઈએ ચમત્કાર કરેલા નથી એમ માની રહેલા છીએ. પણ જે અરસામાં સૈયદ ઈમામુદીને ચમત્કાર દેખાડ્યાનો કહેવાતો દાવો કરવામાં આવે છે તે જ સમયમાં એટલે પંદરમી સદીમાં ડો. જોન ફોસ્ટ નામનો એક માણસ વીટન બર્ગ (જર્મનીનાં શહેરમાં હતો.) તેણે પ્રથમ પુસ્તકો છાપવાની કળા શોધી કાઢી અને ધાર્મિક પુસ્તકની ઘણી પ્રતો છાપી નાંખી અને તે જાણે હાથે લખેલી જ છે. એમ બતાવીને તે પ્રતો પેરીસમાં મોંઘા મુલે વેચવા લાગ્યો. પેરીસના મોટા મોટા, વિદ્વાન લોકો સમજી શક્યા નહીં કે આ એકલો માણસ આટલી બધી પ્રતો આટલી જલદી કેવી રીતે લખી શકે છે. આની અંદર કાંઈક જાદુઈ કરામત કિંવા શેતાની અથવા ભૂતપિશાચની કરામત હોવી જોઈએ. એવો શક ગયો. એવો તેના ઉપર આરોપ મુકીને કોર્ટમાં તેનો કેસ ચાલ્યો. ભૂત પિશાચોની સાથે સંબંધ રાખવો. કિંવા જાદુની લાકડીથી ચમત્કાર કરવો એ ધાર્મિક દૃષ્ટિએ ભયંકર ગુનો હોઈ છુમંતર કરનારા જાદુગરને દેહાંત શિક્ષા—જીવતો બાળવાની ફાંસીને લાકડે લટકાવવાની તે વખતનાં સુધરેલા યુરોપમાં કાયદો હતો હવે ડો. જોનફોસ્ટે વિચાર કર્યો કે જો છાપવાની યુક્તિ આ લોકોને નહિ સમજાવું તો મને ચમત્કારી જાણીને ફાંસીને લાકડે લટકાવશે. એવી ધાસ્તી લાગવાથી છેવટે તેણે પોતાની છાપવાની કળા પેરીસનાં પંડીતોને તથા સરકારી અધિકારીઓને ખુલ્લી રીતે સમજાવી અને તેમાં ભૂત કે પિશાચનો કાંઈ હાથ નથી એવી અમલદારોને ખાતરી થવાથી તે બિચારો બચ્યો. ડો. ફોસ્ટની આટલી જ હકીકત હતી. પરંતુ જર્મનીમાં તેનું કથન અત્યંત વિચિત્ર સ્વરૂપ રીતે પ્રાપ્ત થયું. એમ લાગે છે અને તેટલા ઉપરથી તો એક “શેતાનનો રાજકીય ઇતિહાસ” નામનો ગ્રંથ રચ્યો છે. તેમાં તેનું ઉપરાણું લઈને ચમત્કારી પુરૂષ આવું સર્ટિફિકેટ આપી દીધું છે ! અને પછીના સ્વાર્થી લોકોએ એટલા બધા ચમત્કારો વર્ણવેલા છે કે ભૂત પિશાચો તેને તાબે હોવાથી તે ગમે ત્યારે ગમે તે ઠેકાણે અચાનક પ્રગટ થઈ શકે છે. કોઈ કહેતા કે તે ગમે તેવા ચમત્કાર બતાવવાનાં ખોટાં વચનો આપીને અને હાથ ચાલાકીની રમતો કરીને તે જંગલી ગામડીઆ લોકોને છેતરે છે. પછી તેણે આખી દુનિયામાં ફરવાની ઇચ્છા કરી. પ્રથમ શેતાનને તન, મન, ધનને આત્મા અર્પણ કરનારા માનવી પ્રાણીને મૃત્યુ પછી જે નર્કમાં ખદબદતાં પડ્યાં રહેવું પડે છે તે નરક લોકનું મરણ પહેલાં દર્શન કરવાની અને સ્વર્ગલોકનો દરવાજા સુધી સ્વર્ગલોકનો રસ્તો કેવો હોય છે. એ જોવાની તેની ઇચ્છા થઈ એ ઇચ્છા તેણે પોતાના મિત્રને જણાવી તે પોતે જ અંતરિક્ષમાં સંચરનારો, પાંખવાળો વેગવાન ઘોડો બન્યો અને ડો. ફોસ્ટને પોતાના ઉપર સવાર થવાનું કહીને આઠ દિવસમાં તેને સારી દુનીયાની સવારી કરાવી. આઠ દિવસમાં આખી દુનીયાની જંગી સફર પૂરી કરીને જે ભયંકર લોકનું તેનું અસ્પષ્ટ દર્શન કરાવ્યું. આ પ્રમાણે તે ક્ષણિક મોજમજામાં આનંદ માનનારો ફોસ્ટ શારીરિક સુખોમાં મશગુલ થઈ ગયો તે પોતે આ પ્રમાણે એશઆરામમાં રહેતો હતો, અને જાતજાતનાં ચમત્કાર કરીને સાધારણ લોકોને આશ્ચર્ય કરતો કિંવા ડરાવતો. એક વખત એક મારવાડી શાહુકાર પાસે જઈને મને કરજે પૈસા આપી શકે ? એમ ડો. ફોસ્ટે  તેની પાસે માંગણી કરી તે વખતે તેનો વેષ ભટકતા ભીખારીનો જેવો હતો. ફોસ્ટનો એ પ્રશ્ન સાંભળીને તેનો મેનેજર બોલ્યો. તને પૈસા કરજે શા આધાર ઉપર આપવા ? ફોસ્ટે ઉત્તર આપ્યો મારા હાથ પગ હજી મજબુત છે ગમે તેમ કરીને તને તારા પૈસા પાછા આપીશ શાહુકારે કહ્યું કે કંઈ વસ્તુ ઘરાણે મુક્યા સિવાય હું કોઇને પૈસા આપતો નથી. તું તારો એકાદો હાથ પગ કાપીને ઘરાણે મુકે તો હું તને પૈસા આપું. તરત જ ડો. ફોસ્ટે પોતાનો પગ કરવત વતી કાપ્યો અને “લે આ મારો કાપેલો પગ અને દે પૈસા !” એવી તેણે હઠ ધરી  આસપાસ સાક્ષીદારો તો હતા જ ફોસ્ટનો કાપેલો પગ લઈને તેને સહેજે પૈસા આપવાની ફરજ પડી. આ પ્રમાણે મારવાડી વૃત્તિવાળા શાહુકારને સુદ્ધાં હાથ બરાબર બતાવ્યો (પગ કાપી દઈને તેની પાસેથી પૈસા લીધા) વળી ફોસ્ટને જ્યોતિષ વિદ્યા આવડતી હોવાથી પચાંગ તૈયાર કરતો અને છાપીને વેચતો તે બધા દાખલાઓ મળતા આવતા કે અમુક દિવસે વરસાદ આવશે કે બરફ પડશે એમ તેના પચાંગમાં લખેલું હોય તો બરોબર તે પ્રમાણે થતું ખરું. પડનારું ભવિષ્ય તે જ્યોતિષ કિંવા ગણિતની મદદથી જણાવતો ન હોઈ ચમત્કાર બધું કરે છે એવું તેના ઉપર આળ હોવાથી તે પંચાગોનો ભાવિક ખ્રિસ્તી લોકો ઉપયોગ કરતા નહીં. ડો. ફોસ્ટને એક શ્રદ્ધાળુ અને ભાવિક પાદરીએ ગાળો દીધી અને ભૂતપિશાચોને તું પોતાનો દેહ વેચીને ગમે તેવા ચમત્કાર બતાવી અઘોર પાપ કરીને તું લોકોને ઠગે છે એમ તેના મોંઢા ઉપર કહીને બીજા માણસોની વચ્ચે તેની આબરૂ લીધી એટલે ફોસ્ટે ગુસ્સે થઈને તેના મિત્રની મદદ વતી તે પાદરીનાં ઘરમાં ભૂત વળગાડ્યું. પેલો પાદરી રાત્રે ઊંઘી જતો એટલે તેની ઓરડીમાં જઈને એ ભૂત જાત જાતનાં અટકચાળાં કરીને તેને ત્રાસ દેતું. પણ પેલો પાદરી ખરો પુણ્યશીલ અને ધાર્મિક વૃત્તિનો હોવાથી તેને કંઈ બીક લાગી નહીં અને ઉલટું તે ભૂત એવા ચાળા કરવા લાગે એટલે તે પાદરી એને ધર્મોપદેશ કરીને પરમેશ્વરની ભક્તિ કરવાનો અને પિશાચ વૃત્તિનો ત્યાગ કરવાનો ઉપદેશ કરતો. છેવટે તે ફોસ્ટને જ એવા પાપી કૃત્ય માટે બીક લાગી. “આવા પ્રકારની જાતજાતની લીલાઓનું અનેક ગ્રંથકારોએ વર્ણન કર્યું છે. તે બધું વર્ણન કરવામાં માલ નથી. આખર ફોસ્ટ જે ઘરમાં રહેતો હતો તે ઘરની આસપાસ ખુબ તોફાન થયું. મધ્ય રાત્રે પવન સુસવાટા ભેર ફુંકાવા લાગ્યો. આકાશમાં ખૂબ ગડગડાટ થયો. વીજળી ચમકવા લાગી. એટલામાં ફોસ્ટને શેતાને ઉંચક્યો અને તેના ટાટીઆ પકડીને તેનું માથું આ ભીંત ઉપરથી સામી ભીંત ઉપર એમ ઝાપટ્યું “મ્હને મારી નાખે છે, દોડો દોડો” એમ ફોસ્ટ બુમો પાડવા લાગ્યો. તેના ઘરમાં સુતેલા વિદ્યાર્થીઓ જાગ્યા, પણ બીકનું માર્યું કોઈ બહાર આવી શક્યું નહિ. છેવટે માથું ફોડીને અને ગળું મચડીને શેતાને ડો. ફોસ્ટને ઠાર કર્યો અને તેનો આત્મા લઈને શેતાન ચાલ્યો ગયો. અઘોર પંથને નાદે લાગેલા ફોસ્ટને આ ભયંકર રીતે શોચનીય મૃત્યુ આવ્યું, ડો. ફોસ્ટની અને ગુરૂ ઈમામશાહની પાછળ કોઈ શેતાન પીશાચ ભૂત કે જાદુની પાછળ લાગે માટે આપણા ભાઈઓને સદુપદેશ કરવા માટે બેઉનાં ચમત્કારોના મુકાબલા લખ્યા છે, એ બધું સ્વાર્થી લોકોએ પેટને ખાતર લીલાઓ લખીને આપણને ભરમાવ્યા છે. ઈ.સ.ના સોળમા સૈકામાં જ્યારે રોમનો પોપ પોતાની મોજમજા અને એશઆરામ ચાલુ રાખવા મોક્ષની પ્રાપ્તિ માટેની ચિઠ્ઠીઓ વેચવા લાગ્યો. ત્યારે અધર્મ પ્રચાર થતો અટકાવીને  ખ્રીસ્તી ધર્મને આગમાંથી તાવી કાઢવા સારું, માર્ટીન લ્યુથરને બહાર પડવું પડ્યું એવા કૃત્યો કેટલાક પેટ સ્વાર્થી સૈયદો આપણા માટે રચે છે. તેનું પોકળ ખુલ્લું આપણને જણાય તેટલા ખાતર પ્રભુને પ્રાર્થના છે કે આપણને સદબુદ્ધિ આપે. ડો. ફોસ્ટના ચમત્કારો આપણા કહેવાતા ગુરૂ કરતાં ચઢીઆતા છે. છતાં કોઈ તેનો ધર્મ કે સેવકો નથી. તે જાતે પોતાની યુવાન અવસ્થામાં એશઆરામ ભોગવી ગયો. પણ આખરે તેનું કમોતે મોત થયું ત્યારે તેનો ચમત્કાર જો ખરો હતો તો તે જીવતો રહ્યો હોત પણ આખરે સાથે કાંઈ લઈ નથી ગયો તે પ્રમાણે ડો. ફોસ્ટની શીખામણ માનીને કોઈ અવળે રસ્તે ન દોરવાય એ આપણે માટે તક છે. હજી સમય નથી ગયો. જો આપણને આપણી ભુલ સમજાય તો આપણો આત્મા એજ આપણો દોષ છે. કે દુશ્મન છે. હાલ તો એજ.

રણછોડદાસ ભગત

(+ હાથ ચાલાકીની કળા એનું બીજું નામ ચમત્કાર)

 

 

સુધારાનું પહેલું પગથિયું

          અત્યારે જયાં જુઓ ત્યાંથી ઉન્નતિ, સુધારો વગેરે શબ્દો આપણા સાંભળવામાં આવે છે. કેટલાક ઉન્નતિ થવાનું મુખ્ય કારણ લક્ષ્મી માને છે કેટલાક વિદ્યાને માને છે એમ દરેક માણસ પોતાની ઇચ્છા પ્રમાણે ઉન્નતિના ઉંચા શિખર પર જવાનો માર્ગ બતાવે છે. પણ આપણે જરા વિચાર કરી જોઇશું તો આપણને તરત જણાઇ આવશે કે વિદ્યા અને લક્ષ્મી કરતાં પણ જે જરૂર ચીજ આપણને જોઇએ છીએ તે બ્રહ્મચર્ય છે. આપણે ધનવાન હોઇએ પણ અબ્રહ્મચર્યને લીધે આપણું શરીર નિર્બળ હોય કે રોગી હોય તો આપણી પાસેની લક્ષ્મી આપણેને સંતોષ કે સુખ આપી શકે નહીં તેવી જ રીતે આપણે ગમે તેટલા વિદ્વાન હોઇએ તો પણ આપણામાં જાહેર હિંમત કે આત્મિક બળ આવી શકે નહિં આથી બીજી વસ્તુઓને પ્રાપ્ત કરવાં પહેલા બ્રહ્મચર્યને પ્રાપ્ત કરવું અગત્યની આવશ્યકતા છે. આપણા સમજવામાં બ્રહ્મચર્યનો સર્વથા અભાવ હોવાથી આપણે આગળ વધી શકતા નથી આ ઉપરથી કેટલાક ભાઇઓને એમ શંકા થશે કે આ બ્રહ્મચર્ય કયાં મળી શકે છે! હું તેમનેએક ખાસ પ્રાર્થના કરું છું કે મિત્રો બ્રહ્મચર્ય અને એવી જ બીજી બાબતો વિષે તમે જાણવાની જીજ્ઞાસા ધરાવતા હો તો આર્ય સમાજના મહાન સંસ્થા પક આદિત્ય બ્રહ્મચારી ભગવાન દયાનંદ સરસ્વતીનું બનાવેલું સત્યાર્થ પ્રકાશ નામનું પુસ્તક અવશ્ય વાંચવું.

          આપણે પોતે તો અબ્રહ્મચર્યના ખાડામાં પડયા હોઇએ છીએ છતાં આપણાં સંતાનોને પણ એ ખાડામાં નાંખ્યા કરીએ છીએ નાની ઉંમરમાં તેમને પરણાવી આપણે તેમની ઉન્નતિના મુળીયા કાપી નાંખીયે છીએ. અમારા કેટલાક ભોળા ભાઇઓને આ વાંચી હસવું આવશે અને તેઓ તરત બોલી ઉઠશે કે આટલા વર્ષોથી કરતા આવ્યાં છીએ તે વખતે તો કોઇ બોલ્યું નથી અને હમણા આ દોઢડાહ્યો આવ્યો છે.?

          ભાઇઓ ! જરા ધીરા થાઓ ! અને વિચાર કરો કે કાચી ઉંમરમાં છોકરાઓનો વિવાહ કરી આપણે દુઃખી થયા છીએ આપણે આપણું રાજ્ય ખોયું છે ધર્મ પણ ખોયો છે અને વિદ્યા, લક્ષ્મી તથા કિર્તી એ બધાં રીસાઇગયાં છે તમે કહેશો કે એમ કેમ બને ? જુઓ ! કાચા વીર્યનો ઉપયોગ થવાથી શરીર નબળું પડી જાય છે. મગજ શકિત બુઠી થઇ જાય છે અને આત્મામાં ઓજ પણ રહેતું નથી. જયાં આ ત્રણ ચીજો ન હોય ત્યાં વિદ્યા, લક્ષ્મી વગેરે કયાંથી આવી શકે ? પશુઓ એટલે ગાયો, ભેંસો ઘોડીઓ વગેરે તરફ નજર કરીએ તો જણાશે કે તેઓ નાની ઉંમરમાં સંતાન ઉત્પન્ન કરવાની ઇચ્છા પણ કરશે નહીં આપણે દેશમાં જયારે ગાયનું સંતાન સારૂં થાય એમ ઇચ્છતા હોઇએ ત્યારે સારા બળવાન સાંઢ પાસે લઇ જઇએ છીએ ભેંસો અને ઘોડીઓ માટે પણ એમ જ કરીએ છીએ ત્યારે આપણા જ સંતાનોને આપણે કાચી ઉંમરમાં શા માટે પરણાવીએ છીએ ?

          આપણા છોકરાં છોકરીઓને જો આપણે વિદ્યા ભણાવી પુખ્ત ઉંમરે પરણાવીએ તો તેમનાં સંતાનો કેવાં દૃઢ અને મજબુત થાય આપણા ધર્મશાસ્ત્રો તો બ્રહ્મચર્યને ઉન્નતિનું બારણું કહે છે. જો આપણે ઉન્નતિ કરવા માગતા હોઈએ તો બ્રહ્મચર્યનું પાલન કરવું અને કરાવવું ઘણું જરૂરનું છે. જ્યાં સુધી આપણે તેમ નહિ કરીએ ત્યાં સુધી ઉન્નતિ થવાની આશા રાખવી એ મુર્ખતા છે. જે મા બાપો પોતાના સંતાનોને નાની ઉંમરમાં પરણાવી દે છે. તેઓ પોતાના સંતાનોનું આયુષ્ય ઓછું કરી નાખે છે. તેના શરીરમાં વીર્ય હોતું નથી તેનાથી શરદી કે ગરમી કાંઈ પણ સહન થઈ શકતી નથી. હંમેશા તેને ચિંતાઓનાં વાદળાથી દબાઈ રહેવું પડે છે.

          તેથી મિત્રો જો તમે તમારી પોતાની તમારા કુટુંબની તમારી જ્ઞાતિની કે તમારા દેશની ઉન્નતિ કરવા માંગતા હો તો બ્રહ્મચર્યનું પાલન કરો અને કરાવો, નાની ઉંમરનાં છોકરાં છોકરીઓનાં વિવાહ ન કરો તેમને મોટા થતાં સુધી વિદ્યા ભણાવો પછી જુઓ કે તમારી ઉન્નતિ થાય છે કે નહિ ?

          વેદમાં કહ્યું છે કે : ब्रह्मचर्येण तपसा देवा मृत्यु मुपाघ्नत: ! અર્થાત્‌ બ્રહ્મચર્ય વડે દેવતાઓએ મૃત્યુને જીત્યો હતો. તેથી ઉન્નતિને ચાહનારા મારા પાટીદાર ભાઈઓ ! તમે બીજું કાંઈ પણ કરો ત્યાર પહેલાં તમારાં સંતાનોને બ્રહ્મચારી અને બ્રહ્મચારીણી બનાવો.

          પરમાત્મા હંમેશાં બ્રહ્મચારીઓનો સહાયક છે તે પરમાત્મા તમારી પણ સહાયતા કરો એવી પ્રાર્થના સહિત.

કેશવદેવ રતેશ્વર

 

 

સત્ય માર્ગ સનાતન ધર્મ

(લેખક : મૌજી મહાજન)

(ત્રીજા અંકના પાના ૧૬થી ચાલુ)

          મરઘાંબાઈ— આ લ્યો ! હવારમાં એક તો ટાઢ વાયે ને ટાઢા પાણીએ નાવું એ ભલા કેમ થઈ શકે ? રસોડામાં વળી નાયા વિના જઈએ તો કહેશે કે રસોડાને તે અડાતું હશે આવા બધાં રોદડાં ઈતે કેમ પરવડે ?

          લક્ષ્મીબાઈ— આવો મરઘાંબાઈ આવો બેસો, કેવાં રોદડાં લઈ આવ્યાં.

          મરઘાંબાઈ— બીજું શું હોય જુઓને હવે શિયાળાની મોસમને, તેનાં વળી કરાંચીની ટાઢ આપણા દેશમાં કંઈ એવી ટાઢ ન હોય તેમ નાહવાનીએ ચિંતા નહોય ભલા લખમીબાઈ આવી ટાઢમાં કેમ નહવાય.

          લક્ષ્મીબાઈ— હા, ખરું છે બેન આપણાં દેશ કરતાં આઈ ટાઢ હમેશાં વધારે રહે છે. પણ શરીરને માફક આવે તો ગરમ પાણીએ નહાવામાં ટાઢ ઓછી વાય છે. વળી પાછું આપણે  તો નહાઈ કરાવીને રસોઈનું કામ કરવાનું હોય તો પછી ગરમી આગળ ટાઢ કમતી થઈ જાય.

          મરઘાંબાઈ— હા ? ઈતો હું એ હમજુ રી. પણ મુઆં રોજનાં રોજ એમ નાહવાં ધોવાનું તો અમથી કાંઈ નહિ થાય તમારા લેબરી વાળાનાં બધા એવા જ ફતુરને ફાંદા બેન એવા દુઃખ અમથી તો નહિ વેઠાય, તમે જાણોને તમારું ધરમ જાણે અમારે તો ખાનાં બાવા ખાહાં મજાનાં કે બીજા ઢોંગ ધતુરાં તો ન મળે.

          લક્ષ્મીબાઈ— હરી ! હરી ! બ્હેન વળી પાછા એજ વાત પર આવી ગયાં મરઘાંબાઈ ફકત નહાવાની બાબતમાં જ કંટાળી ગયા અરે ! વાહ રે બેન ! એમ તે કંટાળી જવાતું હશે કે ? આપણે સ્ત્રી વર્ગને તો બિલકુલ શાંત સ્વભાવ રાખી દરેક કાર્યમાં બહુ જ નમ્રપણે વર્તવાનું છે જુઓને આપણે પ્રભાતે વ્હેલાં ઉઠીએ છીએ ત્યારે આપણે એટલી બધી દેશની પેઠે આંઈ એવી શું ઉતાવળ હોય છે. સારી રીતે દાંતણ પાણી કરવા નિરાંતે નહાવું રસોઈ પાણી વગેરે ઘરનું કામ કરી આપણા પુરૂષ અને કુટુંબનાં સર્વને જમવાનું આપી પછીથી બીજા કામો કરવા આવી સરખી રીતે અને ઘણી જ શાંત પ્રકૃતિ વડે જો તેમ કરવાને હંમેશાં આપણે પ્રવર્તીએ તો તેવી આપણની હમેશને માટે ટેવ જ પડી જાય છે એટલે પછીથી આપણને કંઈ પણ કંટાળવા જેવું રહેતું નથી. બ્હેન જુઓ વળી ન્હાવામાં કેટલી બધી પવિત્રતા છે. દરરોજ સહવારે ન્હાવાથી કેટલી જાતના ફાયદા થાય છે તે હું તમોને કહું છું પહેલાં તો આપણે પાયખાને ગયા હોઈએ અને પછી ભલેને તેના માટે જુદા જ કપડાં આપણે પહેરવા માટે રાખેલા હોય તો પણ બ્હેન એ દેશની પેઠે તો આંઈ થોડુંક છે કે ક્યાંઈ જંગલમાં જવાનું બની શકે ? તો પછી આપણે એવા મળ ત્યાગ કરવાના અપવિત્ર સ્થાનમાં ગયા હોઈએ એટલે આપણા મનને જ પહેલે કેવું ગંદુ ગંદુ જણાય. પોતાની મેળેજ આપણી વૃત્તિ નહાવા તરફ ખેંચાય ત્યાં સુધી એટલે કે નહાવાથી પેલાં કોઈ વસ્તુને અડવાનું આપણું પોતાનું જ મન અટકી જાય કહો જોઈએ મરઘાંબાઈ તમને પણ એવું થાય છે કે નહિ વારું ?

          મરઘાં— અરર ! બ્હેન લખમીબાઈ એની તો વાતે મેલી દયો બાઈ ઇતો સવારમાં ઉઠીને પીટ્યાં ગંધખાનામાં જવું પડે તયેં તો અમારું મુવું મને મુંજાઈ જાય. પણ શું કરીએ દેશની ગોડે આંઈ બાર ખુલાસાવાળી જગ્યા ન મળે એટલે પછી તો ગયા વિના ઉપાય શું ! પણ આ તો ટાઢમાં નાવાનું રોજને રોજ તમારી વાતે ખરી બાઈ એવાં છટારામાંથી નીકળીએ એટલે નાયા વિના ચાલે પણ નહિ અને ટાઢમાં નવાય પણ નહિ ! એવાં એવાં અમને ગણાએ દુઃખ થઈ પડ્યા છે બાઈ અમે તો હવે દેશ જતાં રેશું અમારા ભાણીયાના બાપને હું તો કઈશ કે કાં તો બધાંએ દેશ હાલો અને કાંતો મને જ એકલી દેશ મુકી આવો અમથી આવી આવી રોજની પંચાત નથી વેઠાતી ભલા માજનની ગોડે આપણાથી કેમ થાય. તે પણ વળી રોજનાં રોજ ભલા એક બે દીનું હોય તો પણ ઠીક કેવાય જેમ તેમ સુખે દુઃખે પતાવાય હવે તો હું જાઉંરી લખમીબાઈ તમે આવજો.

          લક્ષ્મી— અરે ! બેસો ! બેસો ! ભલાબાઈ આ તો તમે ભારે કરી જુઓની બેન એમ તે જવાતું હશે ? કે ? હું તમને એક હાલ ટાઢની મોસમમાં સહેલો રસ્તો બતાવું તેમ તમે કરો મરઘાંબાઈ વળી જ્યારે ટાઢ કમતી થાય ત્યારે વળી બરોબર દરરોજની ટેવ રાખજો હાલમાં તો જ્યારે શનાસે જવું પડે ત્યારે એક શનાસને માટે અલગ રાખેલું કપડું તમારે પેરી લેવું. હવે ત્યાં જઈ આવીને હાથ પગ બરોબર રીતે ધોઈ નાખવા કપડું પાછું બદલી નાંખવું એટલે હાલમાં કદાચ તેમ પણ ચાલી શકશે પણ જો જો હો ? ટાઢ ઘટે એટલે પાછી નાવાની ટેવ જરૂર રાખતાં ભુલી જતાં નહિ કદાચ બની શકે તો આમ જ થવું જોઈએ. એક લોઢાની સગડી પર ઘરની બાર ચાલીમાં પાણીનો કળશો ગરમ થવા રાખી દેવો.  શનાસે જઈ આવીને ઝટ ગરમ પાણીએ નાઈ લેવું. મરઘાંબાઈ બે દિવસ તમે એમ કરી તો જુઓ હું ધારું છું કે એ રીત તમને અનુકુળ આવશે કેમ કે ? નહાવાથી આપણા શરીરને માટે ઘણી જાતે ફાયદા છે.

          મરઘાંબાઈ— તે તો અમારા ભાણીયાના બાપને પણ દેશમાં એવું કાંઈ જાજું નાતા નોતું આવડતું આંઈઆ આવ્યા પછીથી તો એવા હળી ગયા છે કે વેલા ઉઠીને પોતીઉ ઉપાડતાં કને જાય તે એવી ટાઢમાં એ નાઈ આવીને ટાઢ ન પડે ને ઉલટાં કહે છે કે નલનાં પાણી કેવાં ઉના હોય કે ટાઢે ઉડી જાય લ્યો બાઈ વળી એમ પણ કરીએ પણ લખમીબાઈ અમને તો ટાઢ હગડે મેલતી નથી ને એમને તો હવે ટેવ જ પડી ગઈ.

          લક્ષ્મીબાઈ— હા ? બરોબર છે આપણે પણ એવી જ રીતે ટેવ પાડવી જોઈએ પહેલાં બે દિવસ એવું જણાએ ખરું પણ એટલું આપણું મન નબળું મનને જરા મજબુત બનાવીએ એટલે પછી થયું ટેવ પડી તો પછી થયું મરઘાબાઈ તમો દેશમાં કેમ વહેલાં પરોડે ઉઠીને બારના કામકાજ કરો છો ત્યારે ટાઢ નથી વાતી ક્યારેક તો વળી માવઠાનાં વરસાદ થયા હોયને પ્રભાતે વહેલાં વાડી કે ખેત્રે જવું હોય ત્યારે કેવું હોય છે અને આંઈ કેમ આટલાં બધાં નરમ થયા છો બિલકુલ નહિ બાઈ તમો હિંમત રાખીને દરરોજ નાવાનું ચાલુ જ રાખો નહાવાથી ટાઢ ઓછી જ થવાની ટાઢ વાય છે એમ કહી બેસી રહેવું એ આપણી નબળાઈ અને આળસુપણાનાં લક્ષણ છે. માટે મારું કહ્યું તમે કરો તો ઘણી જ સારી વાત છે. જુઓ આપણી કોમના આંહી રહેતા આપણાં લાઇબ્રેરીવાળાં અને મંડળવાળા સનાતનીઓ સર્વેને  પુરૂષોને બૈરાઓને અને છોકરાઓને સુધા બધાને હવે નહાવા વગેરે પવિત્રતા રાખવાની તથા નિત્ય નિયમ સંધ્યા ગાયત્રી ઇત્યાદી સત્કર્મોની ટેવ પડી ગઈ છે કે ? એ સઘળું તો હવે એક જાતનું નિત્ય કરવાનું કાર્ય માત્ર થઈ પડ્યું છે.

          મરઘાંબાઈ— તે ગાવંત્રી તો આપણાં ખાનાપંથી બધી બધાએને આવડેરી તમે તો લખમીબાઈ કોરીયા તેને આપણાં ખાનાં બાવાના પીરાણાં પંથમાં મળું એક જ હે. બાઈ તમે વળી આવા મંડળનાં ને લેબરીના શીહારુ ફેન ફતુર ફરોરહયાં. અમથા વળી એક ટળીને બીજું થવું બાકી ફેર ફક્ત નાવાનાને આ તમારા ઠાકર સેવાના વાના તમે કરોરીયાં તે વળી એટલું વધુ કરો રહ્યાં બીજું શું અહ ? તેમાં વળી લેબરીવાળા તરી જશે ને ખાનાં વાળાં બુડી જશે. ઠાલાં વગવાં મેલોને.

          લક્ષ્મીબાઈ— ધન્ય ? મરઘાંબાઈ તમારી બુદ્ધિ તે આવી જ રહેવાની કે કાંઈ સુધરવા માટે આગળ વધવાની બ્હેન ગાવંત્રી તે શું એનો કંઈ અર્થ તમે જાણો છો અને ગાયત્રી તે શું એ કાંઈ ભાન છે ? તમારા મુખી વગેરે જ તમારી ગાવત્રીનાં શબ્દને ગોખી રાખી તેને ગાયા કરે છે તેમને પણ તે વિશે કાંઈ સમજણ છે ? એવું તમે ક્યારેક અનુભવી જો જો બાઈ તેમને ક્યારેક પુછી જોતો ખરાં કે આ ગાવંત્રી તે શું અને શા કામમાં આવે છે, ખાવામાં કે પેરવા ઓઢવામાં જરા પતો તો મેળવજો બાઈ શું જવાબ મળે છે વળી ખાનું ખાનું કર્યા કરો છો ને ખાનું એટલે શું પીરાણું એટલે શું એ વિશે પણ તમારે પુરતી રીતે વાકેફ થવાની જરૂર છે તમોને આવા અશુદ્ધ સંસ્કારો જ્યાં સુધી છે ત્યાં સુધી તમારી બુદ્ધિની શુદ્ધિ નથી થવાની મરઘાંબાઈ જુઓને હું તમને સંશયમાં કહું છું જરા કાન દઈને સાંભળો જુઓ ? બા.

          મરઘાંબાઈ— તે હમણાં મને નવરાશ નથી રાંધણાં ટાણું થયું છે ને પછી મોડું થઈ જાય તો વળી ભોગ મળે ઈ તરામાં ફાંદા હધાએ હમજુરી હારાં હારાં લુગડાને મલુક હેના રૂપાનાં ટોલ તમે જા જાં બધા પેરીયાં તે રૂપાળા લાગવા હારૂ તે અમને હંધીએ ખબર છે તે હવે અમે એવાં રૂપાળાં ન લાગાં તો ગોયરીયો ને વળી રોજને રોજ તમારાં ઈનાંઈ ટાયલાં હાંભળવાં તમે તો નવરા લાગોરીયાં બાઈ અમને વાહે ઘણીએ પંચાત પડી છે ભલા તમને બીજું શું કામ હોય ?

          લક્ષ્મીબાઈ— મરઘાંબાઈ તમોને શું ? આવી વાતોમાં ગમત નથી આવતી ખરું ના ત્યારે હવે ખોટું ન લગાડતાં હો ! બા ? કાલે તમે આવજો આપણ બીજી વાતો કરીશું. હો ! બ્હેન જો જો હો ! મરઘાબાઈ કચવાતાં નહિ. મારે તો બહેન નવરાં બેઠે એવી જરા ટેવ પડી ગઇ છે કે કંઇને કંઇ તમ જેવા પાસે બે ઉપદેશની વાતો કરવી પણ તમને જ્યારે એ વાત હજુ સુધી થોડી પસંદ છે તો આવતીકાલે તમને જેમાં જરા ગમત અને સમજણ આવશે એવી વાતો કહીશ બા. પણ આવવું જરૂર હો ભુલી જતાં નહિ.

          મરઘાંબાઈ— તે કાંઈ અમને ઓંજું બોંજુ નથી લાગતું ભલેને તમે કેતાં જાઓ. અમારા હારા હારું કોરીયાં તેમાંઅમને ઓજું જરાએ ન લાગે બાકી મારું મન જ મુંવું એવું છે કે જાજી ઉં વાતું થાય તેમાં પછે મુળગી હું તો મુંજાઈ જાઉં.

          લક્ષ્મીબાઈ— ધન્ય છે મરઘાંબાઈ મારી વાતોનો તમે ઠીક અર્થ કર્યો એટલે હું ધારું છું કે બહેન તમને મારો ઉપદેશ પછી ભલે બેદી મોડાં કે વેલાં પણ અસર કરશે ? અને તેમાં તમારું હિત સમાયલું છે બહેન મારે એમાં નિઃસ્વાર્થપણું છે તમોને ઈશ્વર તમારા ગૃહસ્થાશ્રમમાં સફળતા આપે. જગતમાં વંદનિય બનો એમાં અમોને આનંદ બહેન ભલે જાઓ તમોને અત્યારે કામ હશે તો કાલે વ્હેલાં પરવારીને આવજો.

          મરઘાંબાઈ— હોવે ! લક્ષ્મીબાઈ તમે આવજો કયેંક તો અમારે ઘરે તમે પણ આવતા જાઓ હું તો હરરોજ દોડતી આવું રી જુઓ ને કેટલાએ દી થયાં તમે એક દીએ આવ્યાં હો અમારે ઘરે ? (અપૂર્ણ)

 

 

ઉદય માર્ગદર્શન”

(૩)

(માવજી વાસણ પટેલ)

          પ્રિય વાંચકો તમે વંશ પરંપરાથી ખરા ખેડૂતો છો વાવણી પહેલાં જ બીજ—જમીન—ઋતુનો વિચાર ખરો ખેડૂત જ કરે. બધો વિચાર કરીને વાવણી કરે, છતાં સમય પ્રમાણે છોડનો ઉગાવો ન જોવામાં આવે તો તે વખતે કેટલો ઉચાટ અને દિલગીરી ઉત્પન્ન થાય તે આપના અનુભવની વાત છે. આ ઉદાહરણ આપણા આ જ્ઞાતિ સુધાર રૂપ ખેતીને પણ બધી રીતે લાગુ પડે છે.

          આપ સર્વ સમજો છો કે સભાઓ ભરીને—ભાષણો કરીને—લેખો લખીને અને સર્વ પ્રકારે ચર્ચાઓ કરીને જ્ઞાતિનો ઉદય થવા, યુવકો અને હિતેચ્છુઓ કેટલો પ્રયાસ કરે છે ? હવે આ માનસ ખેતીમાં જો સદ્‌વિચાર અને શુભ પ્રયાસ રૂપી છોડ ઉગેલો જ્ઞાતિમાં સેવકોમાં જોવામાં ન આવે તો કેટલો અફસોસ થાય તેનો આપ પ્રતિપળ વિચાર કરતાં હશો જ.

          દિવસો—મહીનાઓ અને વર્ષોની મહેનતના પ્રમાણમાં જ્ઞાતિ રૂપી છોડ ફળ્યો—ફાલ્યો—જાગ્યો કે નહિ તે નિરંતર જોતા—જાણતા રહેવાની સર્વ જ્ઞાતિ જનોની મોટી ફરજ છે.

          ઉદય—અસ્ત, ઉન્નતિ—અવન્નતિ, એ શબ્દોના અર્થ સમજાવવાની હવે જરૂર ન હોય. આટલા પ્રયાસથી સર્વના સમજવામાં આવ્યું જ હશે કે “પાટીદાર ઉદય”નો હેતુ કેવો સ્તુત્ય છે અને તે સમજી સમજાવી સફળ કરવાની કેટલી બધી જરૂર છે.

          જ્યાં પહોંચવું હોય ત્યાંનો માર્ગ સંપૂર્ણ રીતે જાણી,ધ્યાન આપી તે માર્ગે ચાલવામાં આવે તો ધારેલા સ્થળે પહોંચાય છે. માર્ગ ભુલ ભરેલો હોય, કે ધ્યાન ન આપી અન્ય માર્ગે પકડ્યો હોય તો ધારેલે ઠેકાણે સુખ રૂપ પહોંચાય નહિ. જ્યારે આપણે તો આખા જ્ઞાતિ સમુહને બહુ જ ભુલા પડેલા રસ્તાથી ખરે માર્ગે ચઢાવી બહુ દૂર પડી ગયેલા સ્થળે પહોંચવું છે. એટલે આપણા થોડા—નજીવાં સાધનો અને શક્તિ વડે જ દુનિયાના ચાલુ જમાનામાં બહુ પછાત હાલતમાંથી આપણી આર્ય ભૂમિનાં ગૌરવશાળી ક્ષત્રિય વૈશ્ય કોમનાં ખરા સ્વરૂપે પહોંચવા હામ ભીડી છે ત્યારે તો જરા પણ આળસ કરવી ચાલે તેમ નથી. આપણા હિતના અને અહિતના શબ્દે શબ્દનો વિચાર કરી ચાલીએ તો જ સફળતા પ્રાપ્ત થાય.

          સર્વ ભાઈઓ અને બહેનો જાણો છો કે ભયંકર દુકાળમાં મહામુશ્કેલીએ મળી આવેલું બીયારણ, વાવણી વખતે બેદરકાર રહી, નદી નાળાનાં તણાઈ જવા દઈ વાવણીનો સમય ગુમાવે તેનું નવું વર્ષ કેટલું ભયંકર થઈ પડે ? એજ આપણે આજે આપણા ઉત્સાહી બંધુઓ સેવા ભાવે તન—મન—ધનના ભોગે જે હિતકર માર્ગ શોધી સમજી બતાવી રહ્યા છે તેને અભિમાનથી, મમત્વથી—દ્વેષ ભાવથી કે મુર્ખતાથી નિષ્ફળ બનાવી મુકશો—બની જવા દેશો તો ઈશ્વર કૃપાએ બહાર પડેલો આ સમુહ હતોત્સાહી—નિરાશ બની જઈ, ધારેલી ઉન્નતિનો લાભ ન મળતાં હંમેશ બુરી દશા થતી રહેવાની નિઃસ્વાર્થપણાથી અને સેવા ભાવથી  બતાવેલો હિતેચ્છુઓનો રસ્તો જો વિચાર કરશો તો ભલું કરનારાઓ જ જોઈ શકશો. આપની આગળ રજૂ થતાં વિચારો કંઈ રંક લેખકો અને સેવકોના મન ઘડિત નથી. નિઃસ્વાર્થી મહાત્માઓ અને અનુભવી અગ્રેસરોના દેશહિત અને જનહિતના સાચા સિદ્ધાંતો મુજબ વિચારેલી ભલામણો અને યાચનાઓ છે. છતાં આપણો સમુહ બેદરકાર જ  રહ્યો તો ખરેખર મોટી ભુલ કરો છો એમ જાણજો.

          પાટીદાર— કણબી ખેડૂત જ્ઞાતિનાં દિલ ઉદાર અને દાની ગણવામાં આવે છે. દુર્બળ હાલતોમાં પણ યાચકને નિરાશ ન કરવો એવી આપણી કોમની ખાસ વૃત્તિ ગણાય છે. હાલ જ્યારે આપની પાસે આપની જ અવાચક કોમનાં બાળકો જ્ઞાતિ હિત માટે આ બધી યાચનાઓ કરે છે ત્યાં તો આપની કોમની ઉદારતામાં ઉણપ જણાવા દેવી જોઈએ જ નહિ.

          “કોમનો ઉદય ક્યારે થયો ગણાય. શા  શા ઉપાયોથી કોમની ચઢતી થાય, કેવી અધોગતિએ કોમ પહોંચી છે.” વગેરે બાબતો ખરા ને જરૂરી રુપમાં તમારી આગળ અનુભવીઓ એ આજ સુધીમાં આ ચોપાનીયામાં બતાવેલી છે. જેમ સૂર્યનો ઉદય થતાં અંધકાર દૂર થઈ સર્વ દિશાઓ સ્પષ્ટ દેખાય છે. સર્વ પદાર્થોનું શુદ્ધ જ્ઞાન થાય છે. તેમ આ “પાટીદાર ઉદય” વાંચનાર અને સાંભળનારને પોતાની જ્ઞાતિની ખરી હાલતનું ભાન કરાવવા પ્રકાશે છે. એજ હેતુને સાર્થક કરવા મારા ચાલુ “ઉદય માર્ગદર્શન” લેખ યથાશક્તિ જ્ઞાતિના ઉદયના માર્ગનું દિગ્દર્શન કરાવવામાં મદદ રૂપ થતો હશે તો હું આભારી થઈશ.

          આવા સર્વ પ્રયત્નોથી આપના જ્ઞાતિ રૂપી સૂર્યનો ઉદય થાય છે કે તે સૂર્યદેવ તો હજી જ્યાંના ત્યાં જ હઠ ધરી બેઠા છે ને પ્રયાસ કરનારા સૂર્ય દેવનો રથ ખેંચવા મથેલા રેતીમાં વાવે છે, તેની સાબિતી તો જ્ઞાતિ સમુહનાં અંતઃકરણો અને કામોથી જાણવાનું ભવિષ્ય પર રહેલું છે.

          ઈશ્વર પર સર્વ વિશ્વાસ રાખી ફળવંતી જમીનમાં નાખેલાં બીજ જમીન છુપાવી રાખતી જ નથી, તો અમારી ઉચ્ચતાનો દાવો નહિ ભુલેલી કોમના દાના અગ્રેસરોનાં માનસ ક્ષેત્રોમાં સોંપેલાં આ ચોપાનીયાના યાચનાઓ રૂપી બીજોની થાપણ આપનાં ઉદાર દિલોમાં ઓળવાઈ જાય એવો ભય હાલ તો કોઈને રહેતો નહિ જ હોય.

          જ્ઞાતિ હિતનો દાવો ધરાવનારાઓ એ પોતાના સર્વ વિચારો અને ધારણાઓ પ્રમાણે જ્ઞાતિએ ચાલવું એવો ઈજારો રાખેલો નથી. માટે બંધુઓ જાગો, વાંચો, વિચારો ને અયોગ્ય માર્ગ જાણવામાં આવે વિચારો અધુરા કે ખોટા જણાય તેની દલીલ તથા પ્રતિવાદ કરવાનો સર્વને સંપૂર્ણ હક્ક છે. આ “પાટીદાર ઉદય”ના પ્રકાશક બંધુ આપની સર્વ દલીલો વિરૂદ્ધતાઓને પણ છપાવી જાહેર કરશે. લેખકો પોતાના વિચારો માટે જવાબો આપશે. માટે બંધુઓ આપનામાં જીવન હજી છે એમ સાબિત કરવા બહાર પડો. સાચી જ માનેલી બીનાનો અમલ કરતા થાઓ. શંકાઓના ખુલાસા માગો અસત્ય હોય તેને નિર્ભય પણે તોડો અને જ્ઞાતિ હિત કરો.    (અપૂર્ણ)

 

આરોગ્ય રક્ષક ઉપદેશ માળા

મણકો ૧ લો

લેખક : વૈધરાજ ગોપાલજી કુંવરજી ઠક્કુર

૧. હંમેશા સવારે વહેલા ઉઠવું અને રાત્રે વહેલાં સુવું.

૨. પ્રાતઃકાળમાં સુર્યોદય પહેલાં દરરોજ પાણી પીવાથી શરીરને ફાયદો થાય છે.

૩. મળ ત્યાગવા  બની શકે તો દુર જંગલમાં જવું.

૪. દાંત હંમેશાં સાફ રાખો કંઈ પણ પદાર્થ ખવાય કે તરત જ મોંઢું ધોઈ નાખવું.

૫. દિવસમાં બે ત્રણ વખત દરરોજ આંખો ઉપર ઠંડુ પાણી છાટવાથી સારો ફાયદો થાય છે.

૬. નહાવા માટે બનતાં સુધી ઠંડું પાણી જ વાપરો અને તે છુટથી વાપરવું જોઈએ.

૭. નહાયા પછી સુકા ટુવાલથી શરીરને સાફ રાખો.

૮. માથામાં, પગના તળીયામાં તથ આખા શરીરે તેલ ઘસાવવાની ટેવ રાખો.

૯. ભુલે ચૂકે પણ કાન ખોતરતાં નહિ.

૧૦. બહુ બોલવા કરતાં થોડું બોલો અને વધુ સાંભળવાની ટેવ રાખો.

૧૧. દિવસના તમામ કલાકોમાં કામ કરો પણ રાત્રે તેવી જ રીતે આરામ મેળવો.

૧૨. રાત્રે સુતા પહેલાં હંમેશાં પ્રભુનું સ્મરણ કરવાનું ચુકતા નહિ.

૧૩. જમ્યા પછી રાત્રે સુવાનું વખત થાય તેની વચ્ચે ઓછામાં ઓછા ત્રણ કલાક રાખો.

૧૪. રાત્રીનું ભોજન હલકું રાખો અને તેમાં પણ ખાસ કરી પ્રવાહી પદાર્થો વધુ લેતા નહિ.

૧૫. દરરોજ કુદરતી દેખાવ અને બાગબગીચા તરફ ફરવાની ટેવ રાખો.

૧૬. આંખને માટે હરીયાળી જમીન યા તો લીલા રંગના પદાર્થો જોવા ફાયદાકારક છે.

૧૭. જુલાબની દવા બનતાં સુધી નજ લ્યો કબજીયાત હોય તો રાત્રે સુતી વખતે થોડું દુધ પીવું ચાલુ રાખો.

૧૮. ખોરાક હંમેશાં શાંતિથી અને ધીમેથી ચાવી ચાવીને ખાવાની આદત રાખો.

૧૯. બહુ જ ગરમ હોય તેવો તેમજ વાસી થઈ ગયો હોય તેવો ઠંડો ખોરાક લેવાનું બંધ રાખો.

૨૦. પોતાની ખાવાની ઇચ્છા હોય તેનાથી થોડુંક ઓછું ખાવાની ટેવ પાડો. બીજાના કહેવા પર ધ્યાન આપતાં

          પહેલાં તમારી હોજરીને પૂછો.

૨૧. જમતાં જમતાં વચ્ચે થોડુંક પાણી પીઓ, તેથી ખોરાક જલ્દી પચે છે.

૨૨. ખાઈ કરી કસરત કરવી નહિ. પણ થોડોક વખત આરામ કરો.

૨૩. દરરોજ ખુલ્લી હવા લેવાની ટેવ રાખો.

૨૪. કસરત કરવાથી શરીરનું લોહી ઠીક ફરે છે, પસીના વાટે મેલ બહાર નીકળી જાય છે. તેથી હંમેશા કસરત

          કરો.

૨૫. હંમેશા મિજાજ હસમુખો રાખો તેથી તંદુરસ્તી સારી રહે છે.

૨૬. સુતી વખતે મોંઢુ ખુલ્લું રાખી સુઓ. ખુલ્લી હવાથી ઊંઘ સારી આવે છે.

૨૭. વાંચતી વખતે ચોપડી આંખથી તે દૂર રહે અને તેનું પ્રમાણ આશરે દશ ઈંચ રહે તેમ રાખો.

૨૮. બહુ જ ઝીણાં અક્ષરોવાળું વાંચન રાત્રે ઘણો વખત સુધી વાંચતા નહિ. ઝાંખો દીવો હોય ત્યાં વાંચવું નહિ.

૨૯. શરીરને દરરોજ હવાથી, ગરમીથી, તથા પાણીથી એમ જુદી જુદી રીતે સ્નાન કરવા દો.

૩૦. પ્રાણાયામ કરવાની ટેવ રાખો તેનાથી હૃદય બળવાન અને ફેફસાં સાફ થાય છે.

૩૧. ખાધાં ઉપર ફરી ખાધાથી મનુષ્ય બીમાર પડે છે. તેમ કરતાં નહિ.

૩૨. ખાધા પછી તરત જ સ્નાન કરવું નહિ.

૩૩. માથા પર ગરમ પાણી નાંખવું નહિ.

૩૪. બતીની સામે ઘણી વખત જોવું નહિ.

૩૫. ખાવાનો ખરો વખત ખરી ભૂખ લાગે ત્યારે જ થયો સમજવો.

૩૬. દરેક કામમાં નિયમિત બનો.

૩૭. દુષ્ટ મનુષ્યોની સોબતમાં ન રહો.

૩૮. શાસ્ત્રનું વાંચન કરો ને તેવું વર્તન રાખો.

 

 

દુનીઆઈ બનાવનો ભાવી વર્તારો

          સને ૧૯૨૪માં યુરોપ આદી ચારે ખંડોમાં મહાન યાદવાસ્થળી જાગશે.

બ્રિટીશ સરકાર વિરૂદ્ધ તેમના કેટલાક મિત્ર રાજ્યો તેમજ દુનીયાના ઘણા રાજ્યો પડશે અને અંદર ફાટફુટ પડી મહાયુદ્ધ જાગશે અને તેથી હજારો માણસોનો નાશ થશે.

          હિંદની નિઃશસ્ત્ર પ્રજાને ભારે જોખમો ખેડવા પડશે. ધાડ, લુંટ, આગ, પવન, વરસાદ, રોગ વગેરે કારણોથી મહા દુઃખો વેઠવા પડશે રાજ્યો પતોાની પ્રજાને બહુ ત્રાસ આપશે અને તેથી પ્રજામાં અસંતોષ ફેલાશે જેથી પ્રજા રાજ્યનીસામે ખળભળાટ મચાવશે. સને ૧૯૨૪ના માર્ચની તા. ૨૨મીએ લગભગ પંચમહાલ જીલ્લામાં બંડ જાગશે અને અસહકારીઓના હાથથી મહાત્મા ગાંધીજી મુક્ત થશે. મહાત્મા ગાંધીજીનો અહિંસાત્મક અસહકાર લોકો છોડી દેશે.

          સને ૧૯૨૪ના સપ્ટેમ્બર મહીનાથી આખી દુનીયા યુદ્ધના વાદળ તળે ધરાશે અને હિંદમાં પણ યુદ્ધ જેવું જાગશે. બંગાળ, મહારાષ્ટ્ર, પંજાબ અને ગુજરાત ઉપર વાદળ ઘેરાશે. કાઠીયાવાડ, ચરોતર જીલ્લો પણ બહાર પડશે. ઓક્ટોબર માસમાં હિંદના કેટલાક બંદરોવાળા શહેરોનો કેટલોક ભાગ નો નાશ થશે. હિંદના ભારે બળવામાં ભાગ લેવા નવેમ્બર માસમાં અમુક સરકાર હિંદની વ્હારે ચઢી આવશે. જેથી બ્રિટીશ સરકાર કદાચ ભયમાં આવી પડશે. વળી એ અરસામાં ગુજરાતમાંથી ભીલો તથા તીરકામઠાંવાળા વિચિત્ર ભાગ ભજવશે.  તેમ કેટલાક ગુપ્ત રહેલા યોગીષ્ટો તેમ મહાત્માઓ હિંદની વ્હારે થશે. આવા કેટલાક સબળ સબબોને લીધે બ્રિટીશ સરકાર સુલેહ કરશે અને સ્વરાજ્ય આપવામાં ઘણી મોટી છુટો આપશે. દરેક વેપાર રોજગાર ભયમાં આવી પડશે, અને મોટે ભાગે ઘણા લોકો દેવાળા કાઢશે. મીલો જીનો કારખાના વગેરે નુકસાનમાં આવશે સાધુઓ સન્યાસીઓ, બાવાઓ, જોગીઓ, ફકીરો, ભીખારીઓ વગેરેને ટુકડા રોટલાનાં પણ ફાંફાં પડશે. વળી તેઓનામાં રહેલું માન મરતબો નાશ પામશે. પરદેશી માલની ભરેલી વખારો કુદરતી રીતે નાશ પામશે. કેટલીક બેન્કો, કંપનીઓ અને ધર્મના સ્થાનોની તિજોરીઓ તળીઆ ઝાટક થશે. સ્ત્રીઓના માથે ઘણું સંકટ પડશે. છેવટે હિંદને સંપૂર્ણ સ્વરાજ્ય સને ૧૯૨૫ના માર્ચ માસમાં મળશે. સને ૧૯૨૪ના મે માસમાં પેગંબર જેવા શક્તિશાળો એટલે દૈવી શક્તિવાળો એક માણસ બહાર પડશે.

          સને ૧૯૨૪ના એપ્રીલ મે માસમાં પવન ઘણો જ ફુંકાશે તેમ આગની ઉત્પત્તિ પણ ઘણી થશે સને ૧૯૨૪ના જાન્યુઆરી અને ફેબ્રુઆરી માસમાં ભારે માવઠાં ભારે વરસાદ જેવા થશે.

          અને જીવજંતુના, બરફના, કરાના, અનાજના દાણા જેવા વિચિત્ર પ્રકારના વરસાદ થશે. વરસાદ કેટલીક જગ્યાએ ચોમાસામાં મુદલે થશે નહીં અને કેટલીક જગ્યાએ સામટો થશે પણ એક બે દિવસ જ એટલે આ વર્ષમાં ચોમાસુ દેશમાં મોટા ભાગે નિષ્ફળ જશે અને તેથી દુકાળ કહેવાશે. દરેક અનાજના ભાવ વધશે અને કેટલીક જગ્યાએ અનાજ મળવું પણ મુશ્કેલ થશે. ઢોરોમાં ઉપદ્રવ થશે તેથી ઘણા ઢોરોનો નાશ થશે. મનુષ્યમાં રોગોના ઉપદ્રવ થશે અને તેમાં સ્ત્રીઓ અને છોકરાઓનાં મરણ વધારે થશે. મે માસ પછી જે સ્ત્રીઓ  ગર્ભ ધારણ કરશે તે સ્ત્રીઓને વિશેષ કરીને જોડલાં છોકરાં અવતરશે મહાત્મા ગાંધીજી અને મૌલાના મહમદઅલીને શરીરે પીડાકારી ઘણી થશે. સોનાનો ભાવ વધીને ૩૩—૩૪ સુધી જશે. ચાંદીનો ભાવ વધીને સો તોલાના ૧૦૮ થી ૧૧૦ સુધી જશે. ભરૂચ કોટનનો ભાવ ઉંચામાં ઉંચો ૮૨૫ સુધી જશે અને નીચામાં નીચો ભાવ આસપાસ ૩૯૬ થશે. ઘી, તેલ વગેરે રસકસ મોંઘું થશે. શેરોના ભાવ એકદમ મંદી થશે. ઝવેરાતના ભાવોમાં મંદી થશે.

સને ૧૯૨૪ની સાલ દરેક રીતે દરેકને ખરાબ છે.

લી શા. મંગળદાસ હેમચંદ પરોપકારી

તા. ૧૬.૧૨—૨૩ ઠે. દેસાઈ પોળ, સુરત.

(ગડગડાટ પત્ર ઉપરથી તા. ૨૪—૧૨—૨૩)

 

 

પીરાણા પંથની દશતરી ગાવંત્રી

          શ્રી કચ્છ કડવા પાટીદાર પરિષદની કરાચી મુકામે થયેલી બીજી બેઠકમાં શ્રીયુત મીસ્ત્રી નારાયણજી રામજી વીરાણીવાળાએ પીરાણાના ઠરાવ ઉપર આપેલું ભાષણ

(ગયા અંકના પાના નં. ૨૨થી ચાલુ)

સ્વર્ગના વાયદાની હુંડી

          દશોંદ ભરીને ખરીદો !

          સૈયદ ઈમામશાહે હિન્દુઓને ફસાવવા પોતાના રચેલા બનાવટી સતપંથમાં આવનારને અપરંપાર લાલચો આપી છે. ઈમામશાહ કહે છે પીરાણા કબ્રસ્તાની ધર્મનાં બનાવટી પુસ્તકોમાં જે હિન્દુ ધર્મ કર્મનું સત્યાનાશ વાળવાના કલમાઓ છે તે પઢો અને મુસલમાનની ક્રિયા કર્મથી શણગારવામાં આવેલા ખીચડીઆ પંથને પાળો અને તમે તમારી કમાણીનો દશમો ભાગ મારા વંશના સૈયદોને આપતા રહેશો તો સ્વર્ગમાં પીરાણા કબ્રસ્તાની પંથને માનનારા મુમનને જગતનું સવા લાખ વર્ષ સુધી રાજ્ય કરવાનું મળશે અને રાજ્ય સુખ ભોગવ્યા પછી સ્વર્ગમાં હંમેશના માટે સોના રૂપાની ઈંટો અને કેશર કસ્તુરીની ગારથી બનેલા રત્નજડીત ચળકાટ મારતા પાચસો માઇલનાં ઘેરાવામાં આવેલા આલીશાન મહેલો બાગ—બગીચાઓ સહીત મળશે કે જેની અંદર શરાબ (દારૂ), દૂધ, મધ અને અમૃતના વહેતા ઝરાઓ અને સોના રૂપા તથા અગણીત હીરાથી જડીત થયેલા હોજો કુંવારાઓના સાથે અને ચકચકીત કરી નાખે એવી સ્વર્ગની પચાસ હુરાઓ (અપ્સરાઓ) પ્રથમથી જ તૈયાર કરી રાખેલા પાંચસો છોકરાઓ અને પાંચસો નુરી ફીરસ્તાઓ સેવામાં હાજર ! અને તે સિવાય અનેક પ્રકારની અચરજ પમાડનારી હજારો જાતની કિંમતી જણસો મુવા પછી ઈમામશાહના સેવકોને જરૂર મળશે. એવો વાયદાનો સોદો કરીને પ્રથમથી પીરાણા કબ્રસ્તાની ધર્મને માનનારા પોતાના મુમન શિષ્યો પાસેથી કમાણીનો દશમો ભાગ લઈ લેવો અને ઈમામશાહની કબરની તેમજ ઈમામશાહના વંશના મુસલમાન સૈયદોની પીરાણા ધર્મી મુમનભાઈએ પુજા કરવી. આવો રોજને રોજનો ચાલુ બોધ ત્યાં પછી મુમનભાઈઓ સૈયદોની સેવા કરવામાં અને તેના બોલેલા બોલો ઉપાડી લેવામાં સેની વાર કરે ? જન્નતનામામાં સૈયદ ઈમામશાહે  પોતાના શિષ્યોને સંબોધીને કહ્યું કે હે મુમનભાઈઓ, “પીરાણા સતપંથ વિના તે ખોટા કહીએ અને ખોટાં તે સર્વ ધામ, જો ફક્ત આલ ઈમામની સેવીએ તો પોચીએ ભેસ્ત મુકામ.” ફક્ત ઈમામશાહના વંશની ઓલાદના સૈયદોના પગ પુંજીએ, તેમનું એઠું ખાઈએ અને દસોંદ (ખાવા ન હોય તો પણ કરજ કરીને પણ) ભરતા રહીએ તો ભેસ્ત મુકામ કહેતાં સ્વર્ગમાં જવાય ! આવા ઉપદેશો સંભળાવીને રાત્રી દીવસ સૈયદો અને સૈયદોના એજન્ટ કાકાઓ અને કચ્છના કણબી  જ્ઞાતિના જુલમગાર આગેવાનો અનેક પ્રકારના પ્રપંચો કરી ભોળા અને અજ્ઞાન હિન્દુ ભાઈઓને ભરમાવીને પોતાનું પાપી પેટ ભરે જાય છે.

          સૈયદ ઈમામશાહે તેમજ તેના વંશના સૈયદોએ પીરાણા પંથી સેવકોને સ્વર્ગની જુઠી લાલચો આપી પૈસા કઢાવવા. દસોદના લાગાના કર વિશે ભારે ભાર મેલીને બોધ કર્યો છે અને હમણાંના સૈયદો પણ એજ બોધ કરે છે. ઈમામશાહે પોતાના સેવકોને દશોંદ દેવા માટે મુમન ચેતામણીમાં કરેલી સૂચનાઓ એવી છે કે :—

એજી લક્ષ ચોરાસી તો છુટીએ, જો રહીએ આપણા સતગુરૂ કે ફરમાન માંહે,

દસોંદ દીજે સતગુરૂ મુખે, તો વાસો હોવે અમરાપુરી માંહે.

એજી અમરાપરી છે આગળે, તેનાં સુખ કહ્યાં નવ જાય,

સતગુરૂએ કેતાં ઈમામશાહે દીઠી તેવી કહી છે. ત્યાં હુરમ લાયક માંહે.

એજી અનંત મેવા છે તે મહેલમાં તે ઘરની શોભા છે ત્યાંય,

મોમન રખીસર તે મહેલમાં લીણા લાડ કરશે ત્યાંય.

એજી એવાં ઘર તે જીવ પામશે જે ચાલસે  આપણા સતપંથ માંયે

ખરા દસોંદી સુફીતવંતા તેની શાખ છે એલમ માંય માટે—ચેતો.

x                        x                       x                       x

વળી ઈમામશાહે દશોંદ માટે કહ્યું છે કે :—

એજી એ ઘર દસોંદ જ દીજીએ, તે માંહે આળસ ન કરીએ લગાર,

અનેક જીવ આગે ઓધર્યાં તેણે ઓળખીઓ  પોતાનો ભરથાર,

એજી દસોંદ જ વિના નહીં છુટસો સાંભળો મુનીવરો કહું છું વારંવાર.

x                       x                       x                       x

દશોંદમાં મુમન ન સમજે તેટલા માટે ઈમામશાહે ખુલાસો કર્યો છે :—

એજી દસોંદ તે કમાણીની દશમી પાંતી કહીએ તે તો આલે એ નરજીશું અહાર,

ચાલીઓ તે પીર મુખે આલીએ, એ છે મુમન તણો ખાસ વહેવાર,

એજી દશોંદ દેતાં જે જીવ ડોલાવશે તેનું હાલમાલ નહીં રહે પરિવાર !!!

ક્રિયા હીણા જીવ નહીં તરે, સતગુરૂ ઈમામશાહ કહે છે પુકાર.

એજી કલજુગની સંગ છે દોહલી, એ મુમનભાઈ તમે રહેજો હુશીઆર,

દસોંદ દેજો આ સતગુરૂ મુખે (કહેતાં ઈમામશાહને) તેથી ઉતરો પેલે પાર.

એજી દશોંદ નહીં દેશે સતગુરૂ મુખે તે તો કાયર થાશે ને ખાસેરે માર.

તેના હૈડામાંથી અગ્નિ ઉઠશે તારે જીવડો તે કરશે રે પુકાર ! ચેતનહારા તમે ચેતજો.

+                   +                   +                   +

એજી મહારે પદાર્થ સરીખો આ માનખો તેને સદગુરૂજીએ ધર્મ દીધો સંભાળ,

તે માંહે સાચા મુનીવર આપણા તેને શામી રાજો લેશે ઉગાર.

(ખાસ કરીને તો) એજી તે માંહે ખરા દસોંદી જે સુફીતવંતા તેણે તો બાંધી પુરની પાર.

તે જ્ઞાન વિચારી ચાલશે તેને કળયુગ નહીં લોપસે લગાર.

+                   +                   +                   +

ખરી દશોંદ તેને આલીએ તે તો ખટ્યાની રે સંભાર.

એજી તે સતગુરૂની પાંતી અળગી કરો અને બાકીનો કરો પોતાનો આહાર.

+                   +                  +                   +

તે માંહે થાશે બરકત ઘણી (ભુખની !) તેનો સેસો મ આણજો લગાર

ભાઈરે દશોંદ આપણને દીધા વિના નહીં ચાલશે, એ ગુરૂનર લોભી નહીં રે લગાર !

+                   +                   +                   +

એજી દશોંદ તે દશમી પાંતી કહીએ તે દેજો નરઅલીજીને અહાર.

ચાળીઓ અમારો આલજો એ પીર મુરીદનો છે વેવાર.

+                   +                   +                   +

એજી સતગુરૂના વાયકે તે સાચા ચાલજો દેજો સતગુરૂ મુખે દશોંદનો અહાર.

ચાળીઓ તે પીર મુખે આપજો અને કરજો તે સુકીત અપાર.

+                   +                   +                   +

એજી ખરા દસોંદી સુકીતવંતા તે તો આવશે અમારે દુવાર (પીરાણામાં)

આખરની વેળા જ્યારે આવશે ત્યારે ઉતરશે પહેલે પાર.

                                      +                   +                   +                   +

ઈમામશાહે ભાર દઈને પોતાના શિષ્ય મુમનોને કહે છે કે :—

એજી ઈમામશાહનો વંશ સૈયદો જેવાને સુપાત્રે દાન દેતાં ઓછું આણસે —

અને બીજે પાંખડે રાખસે વેવાર,

તેને શ્રી સત ગોરજી (ઈમામશાહ) પોતાનો નહિ કરે તે તો જાસે નરકને દોવાર.

+                   +                   +                   +

એજી જે સૈયદ જેવા સુપાત્ર દાન દેતા ઓછું આણસે અને ચારે ચરબટે તે રહેસે હુશીયાર

પણ ભાઈ મુમનો સતપંથ વિના ધર્મ છે જેટલાં તે તો સર્વે મીથ્યા સાર

એજી જેણે સતગુરૂએ ધર્મ દઈને ઈમામશાહનો વંશ સૈયદ દેખાડીઆ !

પ્રગટ હાજર જામું પાત્ર અવતાર.

બીજા સંસારથી ગુપ્ત જ રહીએ એક સતગુરૂ  સૈયદ મુખે રાખીએ વિચાર.

 

          બન્ધુઓ ! આ કબ્રસ્તાની પંથે ચડેલા પોતાના શિષ્યોને તેમની શ્રદ્ધા જોઈ જોઈને ફુંકી ફુંકીને ફોલી ખાવાની યુક્તિ રચી છે તે સાથે કંઈ સામ ભેદનો પણ ઉપયોગ કર્યો છે. દસોંદ દેવામાં જરા પણ મન કચવાય તો ઈમામશાહ કહે છે કે, એ મુમનનો હાલ માલને પરિવાર પણ નહિ રહે એટલે તેનું નખોદ જસે ! હૈડામાંથી અગ્નિ ઉઠશે ! બીજી આજ્ઞાઓ પાળે છતાં દસોંદ ન ભરે તો ક્રિયા હીન કહેવાય એટલે તે તરસે નહિ એવું ઈમામશાહ પોકારીને કહે છે. ઈમામશાહને પોતાને જ નહિ પણ તેના પરિવાર સૈયદોને પણ દસોંદ આપવી ! જુઓ તો ખરા પોતાની પાછળ પેઢીની પેઢી સુધીના સૈયદોને પેટની પણ તે બીચારા જીવને કેટલી ચિંતા થઈ હતી. તેને તો ખબર હતી જ કે આગળ જતાં બધું પોગળ ઉઘાડું થશે એટલે કહી રાખ્યું છે કે બીજા સંસારી માણસો અને તેમના ધર્મ કર્મ કે વહેવારમાં જોડાવું નહિ ! માત્ર સૈયદોના મુખનો જ વહેવાર રાખવો ! બિચારા અંધ શ્રદ્ધાળુ અને અજ્ઞાન લોકો આ ઉપદેશ સાંભળી  સૈયદોના મુખની પ્રસાદીને જ ઉત્તમ માનતા આવ્યા ! કહો ભાઈઓ આ કેટલી દિલગીર થવા જેવી અને નીચું ઘાલવા જેવી બાબત છે ? સૈયદોના મુખનો  વહેવાર રાખનારાને કોઇ હિન્દુભાઇ પાસે પણ ઉભવા દે ખરો! વળી ઈમામશાહ કહે છે કે સૈયદોને દાન દેતાં જે ઓછું આણશે અને બીજા પાખંડ બીજા ધર્મો સાથે વહેવાર રાખશે તે નર્કે જાશે ! જુઓ તો ખરા જાણે હિન્દુપણામાંથી ભ્રષ્ટ થયેલાને જ ભીસ્વ મુકામે લઈ જવાની પેટન્ટ મેળવીને ઈમામશાહ ન આવ્યો હોય તેમ મુમનાઓને ગળે ઘુટડાં ઉતારે છે. વળી હમણાંના સૈયદો, પોતાના દાદા ઈમામશાહે રચેલાં શાસ્ત્રના આધારે વાયદાની હુંડીઓ લખી દશોંદના નાણાં ઉપાડે જાય છે અને કહે છે કે તમો પીરાણા સતપંથીઓ જો તમારી કમાઈનો દશમો ભાગ (દશોદં) રાજી ખુશીથી આપતા રહેશો તો તમારા માટે મુક્તિ અને સ્વર્ગના દરવાજા હંમેશાં માટે ખુલ્લા છે !

બાવાની કાંકણની લાગવગ કયાં સુધી પહોંચે છે ?

          જે સતપંથીઓ દશોંદના લાગા ભરતા હશે તેમનાં પાપ કે ગુનાનું પુછાણું જ્યારે આખરના દહાડે થશે ત્યારે ધર્મ અને પાપનો હિસાબ પીરાણા કબ્રસ્તાનમાં ઈમામશાહની બેઠક નગીના ગોમતી ઉપર ખુદા તાલાની હજુરમાં થશે અને જેટલા પીરાણા ધર્મી છે અને બાવાના જેને કાંકણ છે. અને જે મરતી વખતે દટાણા છે એવા મુમનોની સિફારીશ ખુદાતાલાની હજુરમાં પીર કબીરદીન ઉભા થઈને કરશે અને પોતાના શિષ્યોને મુકતી અથવા સ્વર્ગમાં દાખલ કરાવશે એટલું જ નહિ પણ પીરાણા ધર્મીના પાપ અને પુણ્ય જ્યારે કાંટા ઉપર તોળાશે ત્યારે ખુદા તાલાની રૂબરૂમાં કોઈ મુમન ભાઈના ગુના ઘણા હશે તો પણ, પીર કબીરદીન ધર્મના પલ્લાને દબાવી તે પાપ કરતા પુણ્ય ઘણું છે એમ કરી બતા વશે ! ખુદાતાલા તેને જોઇ હસીને કબીરદીનના સામું જોઇ મોઢું બીજી તરફ ફેરવશે, એટલે કબીરદીન પોતે તેમજ પોતાના વંશજોએ ખાધેલ દશોંદની હુંડી પાકતી હોવાથી તેને સ્વર્ગમાં ધકેલી દેશે. માટે સ્વર્ગ કે મોક્ષની ઇચ્છા અથવા ઉમેદવારી  કરનારે સૈયદોને સંતોષવા અને તેને ખુશી કરવા તેનું એઠું ખાવું વગેરે. સૈયદોની દરેક ઇચ્છાને આધીન થનારા પીરાણા પંથી મુમન જોઈએ તેટલા ગુના કરે, પાપ કરે કે અનેક પ્રકારના અન્યાયો કરે તેના માટે મુવા પછી ધર્મરાજ કે યમ ભગવાન એનું નામ સરખું પણ લઈ શકે નહિ. કારણ કે બાવો ઈમામશાહ અને કબીરદીન ત્યાં ખુદાતાલાની હજુરમાં સિફારીશ કરવા તૈયાર જ ઉભા છે ! આવા કળીકાળમાં મુક્તિ અને સ્વર્ગે પહોંચવાનું કાર્ય એટલું બધું ઈમામશાહ તો મરી ગયા છે પરંતુ તેના વંશના સૈયદોથી પણ થઈ શકે તેવું સહેલું છે ! અને તે એ કે ફક્ત પોતાની કમાઈનો દશમો ભાગ સૈયદોને આપો એટલે જાણે ડરબીની લોટરીવાળી મોટી સોરટી લાગીં જ એમ માની લેજો ! એટલું જ નહિ પણ સ્વર્ગમાં સવા લાખ વર્ષ રાજ્ય ભોગવવાનું અને વળી સ્વર્ગની અપ્સરાઓ સાથે અમનચમન કરવાનું જુદું. તેમાં વળી સ્વર્ગની અપ્સરાઓ સાથે રંગ રાગ ભોગવવાને નશો કરવો જોઈએ એટલે સ્વર્ગમાં દારૂના હોજ ભરેલા પણ તૈયાર !

          બન્ધુઓ ! આવા સ્વર્ગની તમે ઇચ્છા રાખો છો ? જે સ્વર્ગમાં દારૂના હોજ ભર્યાં હોય ત્યાં જઈને તમે શું કરશો ? જ્યાં દારૂના નિસા અને વ્યભિચાર થતા હોય એ તે સ્વર્ગ કહેવાય કે નર્ક ? અરે, કેટલી અફસોસની વાત છે કે આ ખીચડીઓ પંથ કે જે તમને હિંદુઓને મુમના બનાવી દેવા ખાતર ઉભો કર્યો છે, તેમાં જે અનેક  જુઠી બનાવટી અને અધર્મથી ભરેલી વાતો કરવામાં આવી છે તે પણ તમે સમજી શકતા નથી ! તે પંથના ચાલાકો અંદર ખાનેથી અસાધારણ હિંમત અને હદ ઉપરાંતની નીચતા વાપરી તમને ફસાવા માટે ખોટી ખોટી લાલચુ આપી રહ્યા છે અને તમારા પવિત્ર આર્યધર્મનું ખંડન કરી તમને અજ્ઞાન અને ભોટ સમજી વટલાવી રહ્યા છે. વળી પોતાનું પાપી પેટ ભરવાની ખાતર પરમેશ્વરના ઘરની કપોળ કલ્પીત વાતો તમને સમજાવી રહ્યા છે તમને ખોટી આશાઓ આપી રહ્યા છે તે તમે હજી પણ સમજી શકતા નથી એ તે તમારી બાળક બુદ્ધિ કેવા પ્રકારની કહેવાય ! જો આ સ્થિતિમાં પણ આપણે ન સમજી જઈએ તો પછી ક્યારે સમજવાના પુરા મુમનાજ થઈ રહેશો ત્યારે ન તો તમને કોઈ હિન્દુ સાથ દેશે કે ન તો કોઈ મુસલમાનભાઈ તમને પેસવા દેશે. ઝાલ્યું ન છોડવાની હઠીલાઈ હવે મુકી દો, આ કુટીલ કારસ્તાનથી ભરેલા પંથને તિલાંજલી આપો અને એકવાર તો આંખો ઉઘાડીને જુઓ કે તમે હિન્દુ રહ્યા છો કે મુમના બન્યા છો ? મારા પ્રિય ભાઈઓ ! તમે એ કબ્રસ્તાની પંથની ક્રિયા કર્મ કરશો, ફરમાનજી બિસમિલ્લાના કલમા પઢશો, મડદાંને દફનાવી દેશો લગ્ન પ્રસંગે ધોઆઓ પઢસો, રાંધેલું અનાજ ખાનામાં લઈ જઈને ખાશો, કબ્રસ્તાનમાં પણ સાથે બેસી બિસમિલ્લા બોલશો અને સૈયદોથી વટલશો ! છતાં અમે હિંદુ છીએ ! એવું તમે કહી શકશો ખરાં કે ? જેના પૂર્વજોએ ગુજરાતની પવિત્ર ભૂમિને યવનોના હાથમાંથી બચાવી હિન્દુ ધર્મનું જીવ સાટે રક્ષણ કર્યું છે. તેના તમે પુત્રો આજે એ કબ્રસ્તાની ધર્મને ખાતર જીવો છો ? એ કેટલી ગજબ નીચતા કહેવાય. તમારા જેવી ઉચ્ચ આર્યકોમને એ પીરાણાના કબ્રસ્તાન સાથે સંબંધ હોઈ શકે ખરો ! અને, જો તમે રાખવા માંગતા હો તો તમે એ પણ વિચાર કરી લેજો કે તમે કંઈ નાતમાં રહેશો ?

કબ્રસ્તાની પંથની પોલંપોલ

          પીરાણા પંથમાં કે તેના ગંગુઆ કૂવામાં ન તો તીર્થ છે કે નતો પવિત્રતા છે. એમ કહેવામાં આવે છે કે બાવા ઈમામશાહની કબરમાંથી અમી નીકળે છે એવો મહાન ચમત્કાર છે ! એ ચમત્કારને નામે આપ નમસ્કાર કરતા હો તો તમારી મોટી ભુલ છે. એ તદન બનાવટી વાત છે. કળીયુગમાં ભોળા અને અજ્ઞાન લોકોને છેતરવાની આ એક યુક્તિ છે, આપને હું ખાત્રીપૂર્વક કહું છું કે એ તદન બનાવટી વાત છે. તે સિવાય પીરાણા પંથીઓમાં એવી પણ એક માન્યતા છે કે સત્ય અસત્યની પરીક્ષા કરવા માટે પીરાણાના રોજામાં લોખંડની બેડીઓ લોકો પહેરે છે. જે સાચો હોય તેની ઉઘડી જાયે અને જુઠા માણસની ઉઘડતી નથી ! આ વાત પણ ઉપર જણાવ્યા જેવી તદ્‌ન પ્રપંચી છે. એ કંઈ ખરી બેડીઓ નથી પણ લોખંડના વાળા હોય છે અને તે યુક્તિસર પહેરાવવામાં આવે છે. જેની બેડીઓ ઉઘાડવી હોય તેની ઉઘડે અને જેને વધુ ખુવાર કરવો હોય તેવા માણસની ન ઉઘડે એવો પ્રપંચ બેડી પહેરાવનાર કરી શકે છે. છતાં પણ હું તો સાચી વાત ત્યારે માનું કે, સૈયદો જે પવિત્ર કહેવાય છે તેને અથવા ટીલાયત લખુ કાકાને અથવા તો હડુડ પીરાણા પંથીને મારા હાથે બેડીઓ પહેરાવું અને બેડીઓ ઉઘડી જાય ત્યારે ખરી વાત કહેવાય, બાકી તો આ ચોખો ઠગબાજીનો ધંધો છે અને આવા જ છળકપટ કરવાથી આ પીરાણા પંથની માઠી દશા આવી છે. તે સિવાય પીરાણા પંથીઓમાં એવી માન્યતા છે કે, મરી જનારના ગુના છોડાવીએ અને લગભગ ૧૦૦ કોરીની ઉઠોતરી કરીએ તો ગમે તેવા ગુના કર્યા હોય તો પણ તેનું પુછાણું નથી ! આ કેવળ ધર્માન્ધતા છે. તે સિવાય પીરાણા ધર્મની જે રચના ઈમામશાહે કરી છે તેમાં મુખ્ય કરીને એવો ઘાટ રાખ્યો છે કે અમીની ગોળી એજ પીરાણા ધર્મ ! આ ગોળી પીરાણા ધર્મની ક્રિયા કરતી વખતે વપરાય છે. છોકરાંને નીમતી વખતે એટલે પીરાણાના વાડામાં ઘાલવા માટે તેમજ લગ્ન અને મરણ વખતે અને પરદેશથી કોઈ માણસ દેશમાં જાય ત્યારે (અ)પવિત્ર કરવા માટે આ ગોળી ગળીને પાવામાં આવે છે. સુતક સ્નાનમાં પણ ગોળીનો ઉપયોગ થાય છે. પરંતુ આ ગોળી શાની બનાવવામાં આવે છે એની હજી સુધી કોઈ પીરાણા પંથીએ શોધ કરી નથી એ મોટી દિલગીરીની વાત છે. એ ગોળીથી પીરાણા પંથી હિંદુને વટલાવવામાં આવે છે અને તે યવન સૈયદોના હાથે આ ગોળી બને છે. ઘણા કાકાઓને પૂછ્યું તો તે પણ એવો જ જવાબ આપે કે અમને ખબર નથી. ઘણા કણબી ભક્તો પીરાણા ધર્મમાં અંધ થયેલા છે, જાણે આજે જ મુસલમાન થઈ જઈએ એવા જ્ઞાતિ દ્રોહી હિંદુ ધર્મદોહીને પૂછતાં પણ ગોળી શાની બને છે એ વાત કોઈ જાણતા નથી. આ ગોળી શાની બને તે મેં ખુબ તપાસ કરાવી કેટલાક સંપ્રમાણોથી સિદ્ધ કરી ખાત્રીપૂર્વક જાણ્યું છે કે હિન્દુઓને નષ્ટ ભ્રષ્ટ કરવા માટે જ આ ગોળીનો ઉપયોગ છે અને તે જો કોઈ પીરાણાપંથી ન પીએ તો તેને બળજબરીથી  ખાસ પાવામાં આવે છે. અને તે છતાં પણ હઠાગ્રહ  કરે અને જો કોઈ ગોળી કહેતાં અમી અને અમી કહેતાં સૈયદોની થુંક ? ન પીએ તો તેને નાત બહાર કરવામાં આવે છે ! જેના સેંકડો નહીં બલકે હજારો દાખલાઓ તમારી પાસે મોજુદ છે. આ ગોળી પ્રકરણ મેં પીરાણા ધર્મની પોલ નામની બુકમાં લખ્યું છે. પરંતુ અહીં ટૂંકમાં જણાવું છું કે  ગોળીનો ઉપયોગ એ માત્ર હિન્દુઓને વટલાવી તેમની બુદ્ધિ ભ્રષ્ટ કરવા માટેનો એક તાંત્રિક પ્રયોગ છે. પીરાણા ધર્મી કોઈ પણ માણસ, દેશ છોડી પરદેશ જાય અગર તીરથ જાત્રા કરી ગંગા ગોદાવરી કે હરદ્વાર અને સેતુબંધ રામેશ્વરની જાત્રા કરી પાછો દેશમાં જાય ત્યારે એ માણસ પીરાણા ધર્મથી વિમુખ થયો છે એમ પીરાણા ધર્મની માન્યતા હોવાથી તે ભાઈને પાવન કરવા ખાનામાં અમીની ગોળી પીવી પડે છે ત્યારબાદ મુખી તેને પવિત્ર કરી છાંટ નાંખે છે ! તેની ધોવા પઢતાં મુખી જે કલમો પઢે છે તે સાંભળો !

          “ફરમાનજી—બીસમીલ્લાહ, હરરહેમાન, નરરહીમ, સતગોર પાત્ર બ્રહ્મા એંદર ઈમામશાહ નરઅલી તે મહમદશાહ નબી નુર સતગોર તમારી દોવા, અથ વેદ કાયમ પાયા, અવલ આખર દેદાર આપો. ઈમાન સલામત રાખો, સત સબુરી આપો, કરોડ કરોડ ગુના કાપો, ખોળે તે છુટે ડરે સો તરે નુર નકસેકી પીર શાહા નુર જે રખેસર પીએ, જે રખેસર પીએ તે જીવ અનંત કરોડીની સોબતે મળે. સતગોર ઈમામશાહ નરઅલી મહમદશાહ, હકલી એલાહા ઈકલલા હો મહમદર રસુલલા હે.”

          ભાઈઓ ! આ પ્રયોગમાં હિંદુપણાની ક્યાં છાંટ સરખી પણ તમને દેખાય છે, અરે ! તમને હિંદુ રહેવા દેવાનો ઈરાદો જ ક્યાં છે ! કદાચ તમે હિંદુ છો એમ સમજી જાત્રાઓ કરો કે હિંદુઓ સાથે મુસાફરી કરીને ઘેર આવો કે તરત જ સૈયદોના થુંકની ગોળી પાવા મુખો તૈયાર જહોય ! તમારે પીવી જ પડે ! મતલબ કે તમે મુસલમાન ઠર્યા એટલે જીવો ત્યાં સુધી તમારે તો માત્ર સૈયદોના મુખનો જ વહેવાર રાખવાનો અને તમારે ઘેર છોકરાઓ જન્મે તેમને પણ કાંકણદોરા એ બાવાના જ ! જુઓ તો ખરા, દેખાય છે ક્યાંઈ તમારી ગુલામી દશાનો છેડો ? છે ક્યાંઈ તમને હિંદુ રહેવા દેશની ભાવના ? વળી તમારા બાળકોને એ ખાનાનું ભૂત કેમ વળગે છે. જ્યારે તમારે ઘેર બાળક જન્મે છે ત્યારે તે બાળક દિવસ નવ અથવા પંદર વીસનું અને મોટામાં મોટું ચાલીસ દીવસનું થાય ત્યારે તો તેને ફરજીયાત ખાનામાં લઈ જઈને પીરાણા ધર્મી તરીકે નીમાવું પડે છે અને તમે બાળકોના ખાનામાં મુખી પાસે લઈ જાઓ છો એટલે મુખી બાળકને નીમે છે અને કાંકણ બાંધે છે ત્યારે તે કેવા પ્રકારની ક્રિયા કરે છે, હિંદુને લગતી કે મુમનાસાઈ ! તમને કદાચ યાદ નહીં હોય પણ :

 

મુખી કાંકણ બાંધતા બોલે છે કે :—

          “ફરમાનજી—બીસ્મીલ્લા—હરરહેમાન, નરરહીમ, સતગોર બ્રહ્મા એેંદર ઈમામશાહ નરઅલી મહમદશાહ નબી નુર સતગોર તમારી દોવા. આદ નરીજન ધધુકાર, જીવ ઉપનોકરો નીસતાર. જીવ ઉપના સરજનહાર બ્રહ્મા  વાચા, વીસ નવ વાચા, શ્રી મહેશ્વર વાચા, શ્રીમચ્છની વાચા શ્રીકોરંભની વાચા, શ્રી વારાહની વાચા, શ્રી નરસીંહની વાચા, શ્રીવામનની વાચા, શ્રીફરસરામની વાચા, શ્રી રામનીવાચા, શ્રી કરશનની વાચા, શ્રી બુધનો વાચા, નકલંકીની વાચા, હક મોહોલા સાહા મુરતજાઅલી નબી નુર સતગોર નર અસલામશાહ, વારાના મરદ સત ગોર સલાઉ દીન, સતગોર પીર સમસદીન, પીર નસીરદીન, પીર સાહેબદીન, પીર સોદરદીન, પીર કબીરદીન, પીર ઈમામશાહ, નરઅલી મહદમસાહા, સીત્ર, સીત્ર, હોસેની કુલકાએમનો પરવાર જાંબુ દીપે ભરતખંડે કુવારકાં ક્ષેત્રમાં હુવા દશમા અવતાર, નરીજન નકલંકી, નારાયેણ પાત્ર બ્રહ્મા, નરહરી અથરવેદની કાંડી ભણીને જીવના કાંકણ બાંધીએ તો જીવની કાયા નુરાણી થાએ, તે જીવ અમરાપર જાએ તે જીવ ફેરાથી છુટે અમરાપર આસણ જઈ બેઠો. મનમકો અમર ગજસકો તમારો એ જીવને કમળા કુંવરની સોબતમાં રાખો ત્રેત્રીસ કરોડની મેળા આપો, ચાંદા સુરજ તારા પવન, પાણી, જમીન, આકાશ, એસટ કળપર બત, નવકુળ નાગ ચારકમ મેઘ, ચારખાણ ચાર વારણ ચાર વેદ. ચાર કેતાબ, ત્રેત્રીસ કરોડની પૂરી સાંખ, ત્રીલોકની દીધી વાચા સ્વામી તમારી નીમ કાંકણે. તમારે કરમેં તમારે ઘરમેં એ જીવને સતપંથના મારગમાંહે રાખો, ગોર નરનાં દેદાર આપો એ જીવના ગુના બકસો અમારાપરમાં વાસ આપો, એ જીવ જગો જગ તમારો છે. એ જીવની ચિંતા તમને છે. એ જીવને પાક પાવન કરો સતગોર ઈમામશાહ નરઅલી મહમદશાહ હકલા એલાહા ઈલલા હો મહદમર રસુલેલા હો.”

          બન્ધુઓ ! આ કાંકણ દોરા બાંધવાનો કલમો તમે સાંભળી ગયા તેમાં હિન્દુ મુસલમાની ભાષાનો ભુંડો ખીચડો રાંધ્યો છે અને બાળકને શરૂઆતથી જ એ ખીચડાની ગરથુથી અપાય છે એ વાત પણ તમે જાણો છો જ જ્યાં જાઓ ત્યાં ફરમાનજી બિસમિલ્લા અને છેવટે મહમદ અસુલેલાહો ! વહેવારની હોય કે ધર્મની ક્રિયા હોય જ્યાંને ત્યાં એજ વાત અને એજ સંસ્કાર પછી પીરાણા પંથમાં તમને હીન્દુપણું ક્યાં ભરાઈ રહેલું દેખાય છે ? ક્યાંઈ નથી, એ કબ્રસ્તાની પંથના મીસ્ત્રીઓએ એવી રચના કરી છે કે જ્યાં જુઓ ત્યાં ફરમાનજી બિસમિલ્લા સિવાય તમને બીજું દેખાય જ નહિ, તમે હિન્દુ અને વળી કડવા પાટીદાર એટલે નાતના રીવાજ પ્રમાણે કદાચ દશે વર્ષે વિવાહ કરતા હશો પણ ચોરીને અને ચિતાને તો તમે દેશવટો દીધો છે. લગ્નમાં પણ શું છે ! તમારે બ્રાહ્મણની તો જરૂર ક્યાંથી ? કારણ મુખી જ વિધિ કરે છે એટલે લગ્ન અથવા તો પુનઃ લગ્ન વખતે વરકન્યાને કાંકણ બાંધે છે, હસ્તમેળાપ પણ તે જ વખતે કરે છે અને શું બોલે છે તે સાંભળો ? “ફરમાનજી—બીસમીલ્લાહ હર રહેમાન નરરહીમ સતગોર પાત્ર બ્રહ્મા એંદર ઈમામશાહ આદ વીસનવ નરીજન નરઅલી મહમદશાહ સતગોર પીર કબીરદીન, સતગોર પીર સદરદીન, સતગોર પીર સાહેબદીન, સતગોર પીર નસરદીન, સતગોર પીર સમસદીન સતગોર પીર સલાઉદીન સતગોર પીર ઈમામશાહ નર અસલામશાહા નરઅલી નરીજનનામ નબીનુર સતગોર તમારી દોવા ! નર વાચા રોદ્ર શકતી વાચા બ્રહ્મા વાચા  વીસનવ વાચા માહેશ્વર વાચા ફરમાન નારાયણનું સતવાચા દતવાચા વેદવાચા આદે આલ સતપંથી વાચા નવખંડ પ્રથમની વાચા ચોવીસ ગુલકની વાચા એ સકળ પરવતની વાચા નવકુળ નાગની વાચા સળ પરવતની વાચા નવકુળ નાગની વાચા ચારકુળ મેઘની વાચા સાત સાહેરની વાચા નવસે નવાણું નદીઉની વાચા, ચારખાણ ચારવાણની વાચા, ચાર વેદ ચાર કેતાબની વાચા અઢાર ભાર વનસ્પતિની વાચા ચંદા સુરજની વાચા અજ્ઞીતેજ અનદેવની વાચા ધંધુકાર કલફની વાચા જડ બંધણ જુગની વાચા ઈક છેદાની વાચા દયા ક્ષેમાની વાચા સતી જતીની વાચા સત સંતો કરેણીની વાચા અડસઢ તીરથની વાચા અઠાસી સહસ્ત્ર રૂષીની વાચા નવનાથને ચોરાસી સિંહની વાચા એક લાખ એસી હજાર પીર પેગમ્બરની વાચા નવાણું કરોડી જાખાની વાચા છપન કરોડી મેઘની વાચા બત્રીસ કરોડી કેનરની વાચા પાંચ કરોડી પ્રહલાદની વાચા સાત કરોડી હરીચંદની વાચા નવ કરોડી જજેસ્ટળની વાચા બાર કરોડી કમળા કુંવરની વાચા અનંત કરોડીના પીર હસનશાહની વાચા ચોસઠ લાખ દેવીઉની વાચા સહસ્ત્ર હોસેની કોલ કાયમની પરીવારની વાચા આદે ઉનાદે અહુકારે ધર્મ સ્થાપી  સતગોરે કીધો વિસ્તાર આદ સતપંથની સ્થાપના કરીને વેદ વીસે તો આવ્યા હરીથાપના કરીને દેખાડયાં ધર્મ રખેસર જીવુનાં ઉતારવા કરમ પેલા સરજ્યા વેદને વાણ પછે સરજ્યા ચારે ખાણ, જે જીવ સતપંથમાં મળ્યા તેને આવા ગમનનો ફેરો ટળ્યો ફરમાન તમારું સત, દત, વાચા, તમે ફરીયાદ વિનંતી અમો સતગોર ઈમામશાહ નરઅલી મહમદશાહ હકલા એલાહા ઇલલ્લા હો મહદર રસુલલ્લા હૈ.”

          મારા વહાલા ભાઈઓ ! હું તમને ખાસ ભલામણ કરું છું કે હિંદુ શાસ્ત્રોની આજ્ઞા પ્રમાણે  જ્યાં લગ્ન અથવા પુનઃર્લગ્નની ક્રિયાઓ થતી હોય ત્યાં ખાસ જજો એટલે હિંદુ ધર્મની પવિત્રતા તમને જરૂર સમજાશે. તમે વિચાર કરી જુઓ કે આ સંસારમાં સ્ત્રીને પુરૂષ એક બીજા સાથે જોડાય છે અને વહેવાર ચલાવે છે એ કાર્ય કેટલું મુદ્દાનું છે, તમારા જીવનની એજ મુખ્ય વસ્તુ છે એ તમે નથી જોઈ શકતા ત્યારે જીવનના આધાર રૂપ  ક્રિયામાં કેટલી પવિત્રતા અને સ્ત્રી પુરૂષોના હૃદય ઉપર છાપ પાડનારી કેટલી ઉચ્ચ ધર્મભાવના હોવી  જોઈએ ? ક્યાં ખાનાનો મુખી, ક્યાં તમે સાંભળી ગયા તે ગયાષ્ટક વાર્તા જેવી ધોઆ અને ક્યાં   સપ્તપદીના મંત્રો વડે પ્રતિજ્ઞા લેતાં હિન્દુ સ્ત્રી પુરૂષોની લગ્ન વિધિ ! તમારી ધોઆ પડવાની વિધિ જોનાર તમને હિન્દુમાં ગણશે ખરો ? નહીં જ છતાં કેટલાંક આંધળાઓને એ ખીચડીઆ પંથની ધોઆઓમાં પણ ચમત્કાર દેખાય છે એ કેટલી અફસોસની વાત છે ! વળી એ અર્ધદગ્ધ પંથના કેટલાક ધુતારા ભક્તો જે પરચા બતાવે છે અને ભોળા લોકોને ઠગી પોતાના નિર્વાહ ચલાવે છે તેમની પોલતો પીરાણા પંથની પોલમાં સારી રીતે ખુલ્લી પાડવામાં આવશે.

          ભાઈઓ ! તમને એ વાત સમજાતી નથી કે આપણા જેવી ઉચ્ચ હિંદુ કોમને સૈયદો કે જેઓ મુસલમાન છે તેમની સાથે સંબંધ જ ન  હોઈ શકે ? છતાં આપણા પૈકીના કેટલાક તો તેમને પોતાના ગુરૂ—ગોર—માની લઈ આંધળા બની તેમના મુખની પ્રસાદીની ઇચ્છા રાખે છે, તેઓનું રાંધેલું ખાવામાં એક જાતની મહત્તા માની લે છે એ કેટલી શરમની વાત છે ! શું એવા શિષ્ય થનારા વટલેલ માણસોને તમે આપણી નાતમાં ભેળવવા રાજી છો ? ઘણા ભાઈઓ એ વાત કહે છે કે શિષ્ય થનારા વટલે છે છતાં તમે એ લોકોને નાત બહાર ન કરી શકો એ તમારી કેટલી પરાધીનતા સુચવે છે ? તમે એ સઘળું સહન કરો તો તમારામાં અને તેમનામાં પણ કંઇ ફરક રહે નહિ તેમજ સૈયદો પણ અજ્ઞાન ભાઈઓ અને બહેનોને વટલાવવાનું ચાલુ જ રાખે એટલે તમે ન હિંદુ ન મુસલમાન  ! એ પ્રકારે હિન્દુ ધર્મનું સત્યાનાશ વાળવાનાં ઈમામશાહની ઉમેદ બર આવે અને તમે એના વાડામાં એવી કઢંગી રીતે પુરાઈ જાઓ કે તમને તેમાંથી બહાર કાઢવાની અને પોતાના માથે બેસાડવાની કોઈ હિંદુ ભાઈને ઇચ્છા પણ થાય નહીં. સૈયદોને હવે ખાત્રી થઈ ગઈ છે કે તેઓનો ફરેબ લાંબો વખત ચાલશે નહિ. પરંતુ ફરીથી હિંદુ જ્ઞાતિમાં ભળી શકે નહિ. એવા જો તમને એ બનાવી શકે તો જ તેમનું ટટું નભે ! એટલે પોતાના વાડાને ફરતો મજબુત કિલ્લો બાંધવાની તેમને જરૂર દેખાય છે અને તે કિલ્લો ક્યો ? તે કિલ્લો અથવા ગઢ એટલે જગજાહેર એવું ઠરાવી દેવું કે “કચ્છના કણબી તો અમારું ખાય છે ! વટલેલ છે, મુમના છે.” જે વાડામાં અત્યાર સુધી તમે અજ્ઞાનપણે પુરાઈ રહ્યા છો તેમાંથી મુક્ત થવા જો પ્રયત્ન કરો તો તમારી સામે ઉગામવાનું તેમની પાસે જે હથિયાર છે તે પણ એ જ છે. અને એ જ હથિયાર ઉપર મુસ્તાક રહી આજ સુધી તે લોકો તમને લુંટી ખાતા આવ્યા છે એ વાત તમે બરોબર સમજો એ તમને મારી ખાસ વિનંતી છે.

(ચાલુ)

 

 

* એક ખેડૂતની કરૂણાજનક કહાણી

યાને

વેપારીનો દોર

(૧)

          અષાઢ મહીનો આવ્યો સર્વત્ર વાવણીનો વરસાદ થયો. ખેડૂતોનાં મન આનંદમાં તરબોળ થયા રૂડો પટેલ હાથમાં હોકો લઈ તેમાંથી ધીમી ધીમી ફુંકો ખેંચતા ચાલ્યા રસ્તામાં કોઈ સામું મળતું તેને કહેતા કે વાવણીઆનું મુરત ક્યારે છે ? બ્રાહ્મણ પાસે જોવરાવ્યું છે ? તમે બધા તો જટ વાવણીઆ (પોખના દંતાળ) જોડશો પણ મારે તો હજી બિયારણનું ઠેકાણું નથી. આમ કહેતાં વાણીઆની દુકાન ઉપર પગ મુકતા જ હોકામાંથી ફુંક ખેંચીને બોલ્યો કે,

કેમ શેઠ કાંઈ  બિયારણ (બીજ) આપશો કે ? વાવણી થઈ ગઈ છે. અમારે બિયારણ જોશે.”

          વાણીઓ—“બિયારણ (બીજ) જોશે તો આપશું, પણ આ સાલ એવો રીવાજ કાઢ્યો છે કે કપાસની માંડણી થાય ત્યારે જે પૈસા થાય તે આપી દેવા, ખળાં આવે ત્યાં સુધી ખમવાનું નથી જો વિચાર હોય તો લઈ જાઓ.”

          રૂડો પટેલ—“એમ હોય ! કપાસ ખપે પૈસા આપશું અને કઢારો કરશો (લખશો) તે ખળામાં આપશું આમ મારી નાખવાની વાત કરોમાં.”

          વાણીઓ—“ના એમ નહિ બને મારે તો કપાસ માંડણીમાં જ જોઈએ, તમને ન પાલવતું હોય તો બીજેથી લ્યો મારે આપવાનું નથી.”

          રૂડાને કોઈ આપે એમ હતું નહિ.તેથી દયામણે મોઢે હા પાડી અને બોલ્યો કે ત્યારે એમ ! જે લેશો તે દેશું. મારે જાજું જોતું નથી વીસ માણા જુવાર, બે માણા બાજરો પાંચ માણા કોરડ બે માણા મગ અને બે મણ કપાસીયા એટલું જોશું તે આપો.

          વાણીઓ—મારે ઓણ આપવાનો વિચાર તો નથી પણ તમારે ને અમારે જુનો નાતો છે એટલે મોં શરમે ના પાડાય નહિ. તેથી આપ્યા વિના છુટકો નથી. માટે લઈ જાઓ અને ખાતું પાડી આપો.

          પટેલે ખાતું પાડવાની હા પાડી. વાણીઓ હિસાબ ગણવા લાગ્યો કે સોળ પંચા બયાસી તેમાં બે છુટના મુક્યા બાકી રહ્યા એંસી એમ આંગળીઓના વેઢા ગણતો જાય અને પછી બોલ્યો કે ભાભા ! સાંભળો વીશ માણા જુવારના પચીસ રૂપીયા બે માણા બાજરાના ત્રણ રૂપીયા બે માણા મગનાં પાંચ રૂપીયા અને પાંચ માણા કોરડના સવા છ રૂપીયા આ બધા મળીને પચીશ રૂપીયા થયા. વળી કપાસીયાનો કપાસ બરોબર એટલે થોડોક વધારે આપો તો ખુશી નહિ તો બરોબર આપજો અને આ બીજા રૂપીયા ભાદરવા મહીનામાં આપજો. આમ કહી બીજા ભણેલાને બોલાવી ખાતું લખાવી લીધું અને પટેલને કહેવા લાગ્યો કે ભાભા ! તમારી વાડીમાં કપાસ સારો થાશે માટે પહેલો કપાસ વાવજો દિવાળીઓ કપાસ વહેલો વવાય તેમ સારું. વળી કપાસ થયો હોય તો વેવાર સચવાય વેવારને કાંઈ હાથ પગ છે ? દીધે લીધે વેવાર વધે જુઓ તમને બી આપ્યું તે પતી જાય તો વળી પાંચ પચીસ ધીરવાનું મન થાય માટે વેવારમાં તારું જેવું રેવું આવી રીતે વેપારીએ શીખામણ દીધી, એટલે પટેલ બીજ લઇ ઘરે આવ્યા અને બધાની સાથે વાવવા લાગ્યા.

          વાવણી પૂરી થઈ બેલીઉ (વીખેડું) જુતી મોલ ઢુઢાઈ ગયા (વીખેડાઈ ગયા) વરસાદ સારો  હોવાથી મોલ સારા થયા ખડ બહુ જ થયું તેથી નિંદામણની જરૂર પડી તેથી રૂડો પટેલ પાછા વાણીયાને ઘેર આવ્યા અને બોલ્યા કે “શેઠ ! આપણે બાજરો ને કપાસ સારા છે હો ? ઓણ તો ઉપજ સારી આવશે તમારું આગલું ને પાછલું બધું દેવાઈ જશે. આમ આડીઅવળી વાતો કરીને બોલ્યા કે આપણે નીંદવાની જરૂર પડશે જો નહીં નીંદાવ્યા તો ખડ બહુ થયું છે. તે મોલને થાવા દેશે નહિ. માટે વીસ રૂપીયા આપો તો નીંદાવાય.”

          વાણીઓ— બીજા રૂપિયાનો વાયદો હવે નજીક આવ્યો છે, પંદર દિવસની વાર છે માટે બધું ભેગું કરી નાખો (ભેળું ખાતું લખી આપો) તો એકંદર થાય આવું સાંભળી પટેલ કહે કે તેમ કરીએ, વાણીઓ કહે ત્યારે સાંભળો હું તમને રસ્તો કરી આપું. અત્યારે કપાસના ભાવ મોળા છે, પણ તૈયાર થયે ભાવ ચડશે માટે કપાસ મંડાવવો નહિ પણ તમારી પાસે ચાલીસ રૂપીયા છે તેના સવાયા અને આજ વીસ લઈ જાઓ તેના સવાયા એટલે ચાલીસના પચાસ અને વીસના પચીસ મળી પોણો સો રૂપીયા થયા. આ રૂપીયા કારતક સુદ ૨ બીજ ઉપર આપજો આમ કહી ખાતું પાડી દીધું.

          પટેલે મજુર રાખી મોલ નીંદાવ્યો અને આસો મહિનો આવ્યો એટલે કોશ, વરત, વરતડીની જરૂર પડી તેથી વળી પટેલ વાણીયા પાસે આવ્યા અને કહ્યું કે શેઠ ! કોશ, વરત જોશે માટે કોશ વરતના રૂપીયા આપો. “દસ રૂપીયા કોશના બે વરતના અને બે વરતડીના અને એક રૂપીયો તેલનો જોશે તો પંદર રૂપીયા આપો.” આવું પટેલનું સાંભળી વાણીઓ કહે કે “ભલે ! પંદર એ અને પાંચના દાણા.” એમ વીસ લઈ જાઓ અને તેના સવાયા રૂપીયા કારતક સુદ ૨ બીજી ઉપર આપજો પહેલાં પોણો સો થયા છે અને તેનું ખાતું છે તે નીચે કપાસનું ખાતું પાડી આપો. એટલે સો રૂપીયા થશે તે કારતક સુદ ૨ બીજે આપવા જ પડશે. જો નહિ આપો તો સવાયા ચડશે.”

          પટેલ— દિવાળીને મહીનો બાકી છે તો મહીનાના સવાયા ?

          વાણીઓ— “હા, જરૂર હોય તો લ્યો તમે તો મહીને સવાયા કહો છો પણ પંદર દિવસમાં પણ સવાયા કરીએ છીએ, સાત વખત ગરજ હોય તે જ લઈ જાય.” આવું સાંભળી લાચાર થઈ પટેલે સવાયા લખી આપ્યા.

          દિવાળી આવી જુવાર બાજરાનાં ખળાં તૈયાર થયાં. વાણીઆનો વાયદો આવ્યો ત્યારે પટેલ પાસે ઉઘરાણી કરવા માંડી, એટલે પટેલે કહ્યું કે “થોડા દિવસ ખમો તો બાજરો વગેરે વેંચીને આપું પણ વાણીઓ ઉતાવળ કરવા લાગ્યો અને કહેવા લાગ્યો કે જ્યારે લેવું હતું ત્યારે ઉતાવળા થયા હતા અને દેવા વખતે આવા જવાબ આપો છો તો ફરી ને આપશે કોણ ? આમ કહીને જોર બતાવવા લાગ્યો. ત્યારે પટેલ આ”થી બોલ્યા કે શેઠ ! હું હજી ખળામાંથી ઘરે લાવ્યો નથી જો તમારી મરજી હશે તો ખળામાં દાણા છે તે આજ સાંજે ખળું ભરાશે ત્યારે તમે જેમ કહેશો તેમ કરીશ, આમ કહી રૂડો પટેલ પોતાનું કામ કરવા લાગ્યો. સાંજ પડી એટલે શેઠ દરબારના કામદાર  હોવાથી ખળું ભરવા આવ્યા. જુવાર પાંચ કળસી થઈ બાજરો અઢી કળસી થયો તેમાંથી એક કળસી જુવાર વાઢવાના મજુરમાં ગઈ ચાર કળસી રહી તેમાંથી દરબારી લાગાની પચીસ માણા, પચીસ માણા ઝાંપાની તથા બીજા લાગાની પચીસ માણા લીધી પછી એક વખત પટેલથી કાંઈ ગુનો થયો હશે તેના પચીસ માણા દંડની લીધી વળી પગી મુખી અને બીજાને દરબારે અપાવી. કામદારે ખોળો પાથર્યો એક કામદાર અને ધીરધાર કરનાર શેઠ પોતે હોવાથી દસ માણા પટેલે આપી તો પણ રીજ્યા નહિ તેથી બે માણા વધુ આપી આવી રીતે પચીસ માણા જુવાર ગઈ. દરબાર ચીડાયા હતા તેથી પડધારો (તળ) મુક્યું નહિ. કેમ કે કામદારે કહ્યું કે બુરીમાં દાણા રાખ્યા છે. પીછામાં પણ દાણા છે, આવું સાંભળતાં દરબારનો મીજાજ ગયો કેમ કે આ વખતે દરબારનું અફીણ ઉતરી ગયું હતું તેથી  પડધારો (તળ) મુક્યું નહિ અને દોઢ કળસી રાજ ભાગની લીધી અને દોઢ કળસી ખેડૂત રૂડા પટેલને આપી. બાજરાનું ખળું  પણ એવી ભર્યું તેમાંથી પટેલને બધું આપતાં એક કળસી બાજરો આવ્યો બધું થઈને પટેલને દોઢ કળસી જુવારને એક કળસી બાજરો આ રીતે અઢી  કળસી દાણા આવ્યા એટલે શેઠ બોલ્યા કે પટેલ હવે ચોખ કરો, ત્યારે પટેલે કહ્યું કે તમો કહો તેમ ચોખ કરું ત્યારે શેઠે કહ્યું કે તમારા પાસે સો રૂપીયા લેણા છે તેમાં જુવાર બાજરો આપો.પટેલ કહે કળસી બાજરો અને કળસી જુવાર લઈ જાઓ, હારો જુવાર રહેશે તે ખાવા રાખીશ. શેઠ કહે તેમ નહિ બધા દાણા આપો, અને આવતી કાલે જોઈએ તેટલા દાણા લઈ જજો. તમે આમ કરશો તો ફરીને કોઈ આપશે નહિ આમ કહી શેઠ અસભ્યતાનો પરિચય કરાવવા લાગ્યા. એટલે કંટાળીને પટેલે કહ્યું કે લઈ જાઓ. એટલે બધા દાણા ગાડામાં ભરાવી શેઠને ઘેર મોકલાવ્યા એટલે શેઠ બોલ્યા કે જુઓ જુવાર દોઢ કળસી છે તેના રૂપીયા ત્રીસ થયા અને બાજરાના પચીસ થયા આ બધા મળીને પંચાવન રૂપીયા જમા થશે હવે બાકી રૂપીયા પીસ્તાળીસ રહયા તેને શું કરવું છે ? ત્યારે પટેલ કહે કે બાકી રહ્યા તે તલ ચણામાં આપશું શેઠ કહે ત્યાં સુધી હું ખમીશ નહિ. મારે દાવો—ફરીયાદ કરવી પડશે. ફરીયાદની વાત સાંભળતા કોર્ટ નજરે આવી પટેલ થરથર ધ્રુજવા લાગ્યો તેથી આંખમાં આંસુ લાવીને પાઘડી ઉતારી બોલ્યો કે તમે ઉઠીને મને હેરાન કરશો આ તો ઓછું પાક્યું તેથી તેનો ઉપાય શો ? તલને ચણામાં ચુકતું કરીશું. આવું સાંભળી શેઠ કહે ઠીક ફેરવી આપો ત્યારે તો પટેલ રાજી થયા અને નોર કરવાનું કહ્યું પણ ઘઉંનું બીજ જોશે તેમ  કહ્યું. ત્યારે શેઠ કહે કે હું તમને એક રસ્તો બતાવું તેમ કરશો ? પટેલ કહે તમે કહો તેમ કરું. ત્યારે શેઠ કહે કે તમારે ઘઉં કેટલા વાવવાના જોશે ? પટેલ કહે પચાસ માણા ત્યારે એમ કરો ઘઉં એક કળસીના તેત્રીસ રૂપીયા ભાવ છે તમારા પાસે પીસ્તાળીસ રૂપીયા બાકી છે. તેના એક કળસીને પાંત્રીસ માણા ઘઉં આપજો અને ઓણસાલ ઘઉંના બીજનો ભાવ સવાબે ગણો છે તેથી પચાસ માણાના એક કળસીને બાર માણા થયા બધાને થઇને બે કળશી ને સુણતાલીસ માણા ઘઉં જોખી આપો. પટેલને તલ ચણામાં દેવાનું હતું.

(અપૂર્ણ)

(* ખેતીવાડી વિજ્ઞાન ઉપરથી)

 

 

ખેડૂતોની દાદ કોણ સાંભળે છે !

છૈયા છાશ વિનાનાં ઝુરે, તે દુઝાણે સુકું ખાય,

 

અમલદારને હાજર કરવું, + પળી દૂધ જે દેતી જાય,

 

તે પણ ધુળ પરે જેમ લીપણ પાડ નહિ કે નહિ તે દાન,

 

કોણ દાદ સુણે કણબીની ? હુકમને નહિ આંખો કાન…

ટેક….

અનાવૃષ્ટીથી કદીક અમને નીરણની પણ પુરણ ભીડ,

 

ભોગ જોગથી કોક વખત પણ ત્રાસ પમાડે પુરણ તીડ,

 

બળદો ભુખ્યા હોય ભલે પણ ઘોડી સારું લીલાં પાન…

કોણ દાદ…

ભૂખ્યા તરસ્યા તાપે વરસ્યા કે ઠંડીમાં કરતા કામ,

 

તન તોડી મહેનત કરવી સુખના સ્વપનાનું નહિ નામ,

 

જાર તણા પણ કો દીન સાંસા ઢગલા મોઢે કરતા ધાન…

કોણ દાદા…

ભુપતિના ભંડાર મહીં પણ હળપતિઓના લોભે લાભ,

 

તોપણ કોય ન ટાળે ત્રુટ્યો ખેડૂત શીર જે દુઃખનો આભ

 

અંધ બની હુદા મદથી કો થપડ ચઢાવે પકડી કાન…

કોણ દાદ…

વેઠ તણી પણ પુરણ પીડા સારે નરસો અવસર હોય,

 

લણી હોય વાવણી હોય પણ વેઠ કદી મીથ્યા ન હોય,

 

કહો ગુલામી કર નહિ તો આ વેઠ તણું શું બીજું નામ ?…

કોણ દાદ…

અભણ અને અજ્ઞાનપણાથી તે લેખણ ઘર લુંટીને ખાય,

 

સાચો ખોટો કોણ તપાસે ? ગરીબ ખેડૂત માર્યો જાય,

 

ગરજ પડવાથી કરજ કરે જે કરજે પુરણ પામે હાણ…

કોણ દાદ…

અમલદારને હાથ અમારા જીવન દોરી જાણો આપ,

 

જો રૂઠે તો જાણો પેલા ભવનાં મળીયાં પુરણ પાપ,

 

કદી ચડે કોરટમાં તોપણ મોટે મોઢે મોટાં દાન…

કોણ દાદ…

લખે લેખ પાનામાં કંઈ વળી કઈ જન ધરતાં દીલમાં દાઝ

 

બેરા આગળ શંખ વગાડયો અંધ કર દરપણ સમ આજ,

 

થાય બધું દુઃખ થાય અમોને કહો કોણ દે છે ત્યાં કાન ?…

કોણ દાદ…

અલ્પ મતિ જો હોય કદી તો, અલ્પ વિચાર કરોને ઉર,

 

ખેતી સમ આ જગમાં કોની દીસે, સત્ય જરૂર ?

 

અરિસિંહ અંતર સાખ પુરે તો, કર ઝટપટ ખેડૂત પર ધ્યાન,

 

કોણ દાદ સુણે કણબીની, હુકમને નહિ આંખો કાન. …

કોણ દાદ…

 

+ પિળી = પાશેર;  ૨ ભણેલો વર્ગ = વ્યાપારી અમલદાર વગેરે

 

 

પાટીદાર ઉદય માસિકના નિયમો

 

          ૦૧. આ માસિકનો મુખ્ય હેતુ પાટીદાર જ્ઞાતિની ઉન્નતી કરવાનો છે. જેથી દરેક પાટીદાર ભાઈઓની ફરજ છે કે તેમણે માસિકના ગ્રાહક થઈ યોગ્ય  મદદ કરવી.

          ૦૨. આ માસિક દરેક હિન્દુ મહીનાની સુદી ૨ બીજ ને દિવસે બહાર પડે છે.

          ૦૩. સ્વજ્ઞાતિના કે અન્ય જ્ઞાતિના કોઈ પણ પુરૂષ અગર સ્ત્રીના લેખો આ માસિકમાં લેવામાં આવશે. પણ લેખો અંગત દ્વેશ કે સ્વાર્થથી લખાયેલા હોવા ન જોઈએ. બને ત્યાં સુધી વિવેકની હદમાં રહી ભૂલો બતાવવી અને ભાઈચારો તથા સંપ વધે તેવા પ્રયત્નો કરવા.

          ૦૪. લેખો શાહીથી સારા અક્ષરે અને કાગળની એક બાજુ ઉપર લખેલા હોવા જોઈએ. લેખકની ઇચ્છા હશે તો નામ વગરના લેખો છાપવામાં આવશે, પણ લેખકે ખરું નામ અને પૂરું સરનામું અમારી જાણ માટે લખવું, લેખની દરેક જોખમદારી લેખકને શીર રહેશે. નહિ છપાયેલા લેખો પાછા મોકલવા અમો બંધાતા નથી.

          ૦૫. કોઈ પણ લેખકના વિચાર સાથે અમારું મળતાપણું છે એમ માની ન લેવું.

          ૦૬. દેશ—પરદેશમાંથી આપણી જ્ઞાતિમાં વિવાહ જન્મ, મરણ ઇત્યાદી તથા કોઈ ગ્રહસ્થને વિદ્યા, હુન્નર, અગર વેપાર અને ખેતીવાડીમાં મળેલી ફતેહના સમાચાર ઘણી જ ખુશીથી દાખલ કરવામાં આવશે.

          ૦૭. કોઈ ભાઈને આ માસિક સંબંધી કાંઈ પણ ખુલાસો મેળવવો હોય તો જવાબ માટે પોસ્ટની ટિકિટ બીડવી.

          ૦૮. આ માસિકમાં જ્ઞાતિ સંબંધી તથા આર્થિક ધાર્મિક અને વહેવારીક દરેક બાબતો ચર્ચવામાં આવશે. માટે જે જે ભાઈને જે જે વિષય સંબંધમાં લખવું હોય તેણે તે તે વિષયમાં સહેલી ભાષામાં દાખલા દલીલોથી લખવું. કે જેથી વાચક વર્ગ ઉપર સારી અસર જલદી થાય.

          ૦૯. જે ભાઈ આ માસિકને મદદ આપશે તેમના મુબારક નામ તેમની ઇચ્છા હશે તો આ પત્રમાં છાપવામાં આવશે અને વાર્ષિક રીપોર્ટમાં પણ છપાવી જાહેર કરવામાં આવશે.

          ૧૦. જે ભાઈ રૂ. ૫૦૦/— પાંચસો કે તેથી વધુ આ માસિકને મદદ કરશે તેમનો ફોટો ઓફીસમાં રાખવામાં આવશે.

          ૧૧. આ માસિકના માટે હંમેશાં યોગ્ય લેખો લખી મોકલનાર લેખક પાસેથી લવાજમ લેવામાં આવશે નહિ.

લી. વ્યસ્થાપક “પાટીદાર ઉદય”

 

 

 

 

મદદ કરો!          મદદ કરો!!          મદદ કરો!!!

તમારા દાનનાં ઝરણો વહે છે માંગ અવળે તે.

કમી કરવા બદલ બીજાં નવા દુઃખો ઉમેરે તે

હવે તે દાનના ઝરણા અનુકૂળ ક્ષેત્રમાં વાળો

જમાનો જેમ બદલાયો સુધારો દાનનો ધારો.

 

ગરીબ જ્ઞાતિ ભાઈઓની હાલત જોઈને તમારું હૃદય કંપી ઉઠતું હોય

તમારા દેશ પરદેશ વસતાં ભાંડુઓના સમાચાર જાણવા હોય,

તમારે તમારી જ્ઞાતિમાંથી કોહેલા રિવજો કાઢવા હય,

તમારે આગેવાન ગેઢેરાઓના ત્રાસથી જુલમથી બચવું હોય,

તમારે પીરાણા પંથની  પ્રપંચી જાળમાંથી છુટવું હોય

અને તમારી ભાવિ પ્રજાને છોડાવી સુખી કરવી હોય

 

તો

પાટીદાર ઉદય”ના ગ્રાહક થાઓ અને તે ખરીદો. ખરીદીને તેમાં આવતા લેખોને વાંચો વિચારો અને મનન કરો.

તમારે જ્યારે કોઈ પણ દાન કરવું હોય ત્યારે આ પાટીદાર ઉદયને ભૂલતા નહિ.

નાની મોટી દરેક રકમનો સ્વીકાર થાય છે તે તેના નીભાવવા અર્થે જ ખર્ચાય છે.

 

માટે

કોઈ પણ ધર્માદા કાઢેલી રકમ ખર્ચતી વખતે પુણ્ય દાન કે ધર્મ કરતી વખતે

લગ્ન ખુશાલીના પ્રસંગે કે વડીલોના સ્મરણ ચિન્હ તરીકે જુજ રકમ પણ

પાટીદાર ઉદય”ના ફંડમાં મોકલવા ચુકશો નહિ.

 

આજે જ લખો :

વ્યવસ્થાપક, પાટીદાર ઉદય ઓફીસ, રણછોડ લાઇન્સ, કરાચી.

 

 

આ પત્ર “તરૂણ સાગર” પ્રેસમાં ગિરિજાશંકર બી. ત્રિવેદીએ છાપ્યું ન્યુ સ્મોલકોઝ કોર્ટના સામે કેમ્પબેલ સ્ટ્રીટ કરાચી

Share this:

Like this: