Akhil Bhartiya Kutch Kadva Patidar Samaj
A central organisation of Kutch Kadva Patidar Sanatan community
Akhil Bhartiya Kutch Kadva Patidar Samaj
A central organisation of Kutch Kadva Patidar Sanatan community
|| ૐ ||
શ્રી કચ્છ કડવા પાટીદાર સુધારક યુવક મંડળ તરફથી પ્રગટ થતું માસિક પત્ર
પાટીદાર ઉદય
વર્ષઃ ૧લું કરાચી, ભાદરવો-સંવત ૧૯૮૦ {VSA: Sep-1923) અંક ૩ જો
પાટીદાર ઉદયના આત્મા શ્રીમાન ખીમજી શીવજી પટેલ મંગવાણા વાલા
વાર્ષિક લવાજમ આગાઉથી રૂ. બે પોસ્ટેજ સાથે
છુટક નકલ આના ચાર
: પત્રવ્યવહાર નીચેના સરનામે કરવો :
તંત્રી તથા પ્રકાશક રતનસી શીવજી પટેલ
પાટીદાર ઉદય ઓફીસ, રણછોડ લાઇન કરાંચી
લવાજમ સંબંધી ખુલાસો
પાટીદાર ઉદયના ગ્રાહકોમાંથી જે ભાઈઓનાં લવાજમ આવી ગયા છે તેમને અમારો અંક નિયમસર મોકલવામાં આવશે. પણ હજુ સુધી કેટલાંક ભાઈઓનાં લવાજમ નથી આવ્યાં તેમને વિનંતિ પૂર્વક જણાવવામાં આવે છે કે તેમણે કૃપા કરી દિવાળી પહેલાં લવાજમ મોકલી આપવું અથવા વી. પી.થી વસુલ કરવા અમોને ઓર્ડર આપવો વી. પી. મંગાવવાથી આશરે ચાર આના ખર્ચ વધુ લાગશે અને અંક પણ મોડો મળશે માટે મ. ઓ. દ્વારા રવાના કરવું એ ઉભયને માટે સારું છે. તેથી બાકી રહેલ લવાજમ માટે અમારી પ્રાર્થના પર લક્ષ આપી ગ્રાહક મહાશયો તુરતમાં લવાજમ મોકલી આપશો એવી આશા છે.
જેમનાં લવાજમ અમોને
દિવાળી પહેલાં નહિ આવી જાય તેમને ૪થો અંક કે જે ખાસ અંક તરીકે કાઢવાનો અમારો વિચાર છે તે અંક પર તેમનો હક રહેશે નહિ. આ અંકમાં કેટલીક સંગ્રહી રાખવા લાયક હકીકતો ઉપરાંત ઘણાં એક વિદ્વાન જ્ઞાતિ બન્ધુ તથા અન્ય ભાઈઓનાં સારા સારા લેખોનો મોટો સંગ્રહ આવશે જેથી આ અંક દરેક ગ્રાહકોને બહુ જ ઉપયોગી થઈ પડવા સંભવ છે. તો આશા છે કે ગ્રાહક બન્ધુઓ આ ખાસ અંકનો લાભ લેવા ચુકશો નહિ. ખાસ અંકની કોપીઓ ગ્રાહક સંખ્યા પૂરતી જ છપાવવાની છે. માટે જેઓ આ પત્રના હજી સુધી ગ્રાહક ન થયા હોય તેમણે તુરતમાં નામ નોંધાવવા. નહિ તો પછીથી નિરાશ થવું પડશે.
મહાત્માની અમૂલ્ય પ્રસાદીનો આશીર્વાદ
અમારે ત્યાં હાલમાં થોડાક વખતથી એક દવા વેચવા માટે રાખવામાં આવેલી છે. તે દવા એક મહાન પુરૂષના અનુભવથી તૈયાર કરવામાં આવે છે. તે ખાસ કરી કોઈ પણ જાતના તાવ માટે રામબાણ છે. માત્ર એક જ વખત દવા લેવાથી કોઈ પણ પ્રકારનો તાવ ઉતરી જાય છે. જો ફાયદો ન થાય એવું સાબીત કરી આપશો તો પૈસા પાછા આપવામાં આવશે. બહારગામવાળાઓને દવા વી.પી.થી મોકલવામાં આવે છે. ચાર ખોરાક જેટલી દવાની કિંમત રૂ. ૧ અને એક જ વખતની દવાની માત્રા લેનારને પાંચ આના પડશે
ઠે. પાટીદાર ઉદય ઓફીસ
રણછોડ લાઇન, કરાંચી
|| ૐ ||
પાટીદાર સંદેશ
કચ્છી કડવા પાટીદાર જ્ઞાતિના લાભાર્થે પ્રગટ થતું ગુજરાતી માસિકપત્ર
વર્ષઃ ૧લું કરાચી, ભાદરવા-સંવત ૧૯૮૦ {VSA: Sep-1923} અંક ૩ જો
હવે જાગશો ?
ભાઈ ! રમણિય પ્રાતઃકાળ થયો છે ? નેત્રોને ઉઘાડો અને આળસ અને નિંદ્રાનો ત્યાગ કરો અને તમારા કર્તવ્યમાં લાગો.
ભાઈ ! આજ સુધી બહુ બહુ ઊંઘ્યા, સર્વસ્વ ગુમાવ્યું. પોતાના સ્વરૂપને પણ ન જાણ્યું, હવે તો ઉઠો ? તમને પોતાને જાણો ?
મોહમાં પડ્યા, ક્રોધથી સડ્યા, દુઃખથી રડ્યા, કુસંપમાં લડ્યા, પણ જીવનના રહસ્યને ન જાણ્યું તેને એળે ખોયું. ભાઈ ! હવે તો ટટાર થાઓ ?
હવે જાગશો ? ભુલ્યા પ્રયત્નના માર્ગો, ભુલ્યા ધર્મ અને ભુલ્યા કર્મ, આજ સુધી કાંઈ જ ન કર્યું, ન તો કોઈને સુખ આપ્યું કે ન તો જાતે લીધું, ઉઠો ટટાર થાઓ, આજનો જ સમય તમારે અનુકૂળ છે.
હવે જાગશો ? વર્ષ વહી જાય છે, આયુષ્યમાંથી તે ઓછાં થાય છે, છતાં હજી શું ઊંઘો છો ? કાળનો ભરોસો કોઈને નથી. પ્રાપ્ત કર્તવ્યને અધુરા મુકી અચાનક તેના કબજે થવું પડશે. જ્યારે આવું છે ત્યારે તો કાંઈ વિચાર કરો !
હવે જાગશો ? સમય જાગૃતિનો છે, તમારા નેત્રોની સમક્ષ થઈ રહેલા પરિવર્તનને તો જુઓ ? આખી સૃષ્ટિ પરિવર્તન મય છે. જ્યાં વિકાસ નહિ. ત્યાં મૃત્યુ છે રોજ રોજ વિકાસ પામો, વિકાસને તમારા જીવનનો મહામંત્ર બનાવો.
હવે જાગશો ? પારકી આશ સદા નિરાશ” એ કહેવતને લક્ષમાં રાખો, કોઈ કાંઈ તમને આપી જવાનું નથી. તમારા પોતાનાં જ પ્રયત્ન વિના તમારો ઉદ્ધાર નથી. સ્વાશ્રયી થાઓ, પોતાના બળ ઉપર ઝઝુમીએ એજ સાચું બળ છે. એમાં જ શક્તિ છે. એમાં જ સ્વાતંત્ર છે, એ બળ પ્રાપ્ત ન હોય તો પ્રથમ તે મેળવવા યત્ન કરો કારણ કે એ મળતાં જ બીજું સઘળું તમને મળી રહેશે.
હવે જાગશો ? ઘાંચીના ઘરના બળદની માફક આજ સુધીના વ્યવહારો કર્યા. સવારના ઉઠ્યા આમ તેમ ફર્યા સમય થયો કે ખાધું અને વેપાર કે નોકરીએ ગયા. રાત થતાં આવી ખાઈને સુઈ ગયા. તેમાં તમારું વાસ્તવ હિત શું સુધાર્યું ? આધ્યાત્મિક ભૂમિકામાં તમે કેટલા આગળ વધ્યા ?મનોબળ કેટલું વધાર્યું ? ચારિત્રને ઉચ્ચ કરવા શું પ્રયત્ન કર્યો ? પારકાના દોષ જોવાની ટેવને કેટલી ભુલ્યા ? પરમાત્માનું નામ સ્મરણ કેટલી વખત કર્યું ? બન્ધુઓ ! વિચાર કરો શાન્ત ચિત્તે હૃદયમાં ઉંડાણપૂર્વક વિચારો, જુઓ ! સર્વનો જવાબ શૂન્યમાં જ આવશે ? તમારી આ સ્થિતિ શું તમને શોભાપ્રદ છે ? કદી નહિ તમે મનુષ્ય છો, મનુષ્યનાએ લક્ષણ ન જ હોય ? એ તો પશુ જીવન છે ભાઈ ? તેની ગણનામાં તમે ન રહેતા મનુષ્યપણામાં આવશો. આગળ વધવું વિકાસને અનુભવવો એ તો મનુષ્યનો જ ધર્મ છે. વધારે આગળ વધી જણાવીએ તો મનુષ્યનું મનુષ્યત્વ જ એમાં રહેલું છે. તમે તેને પ્રાપ્ત કરવા ક્યારે જાગશો ?
“વિશ્વ જ્યોતિ ઉપરથી”
કર્યું શું કામ જ્ઞાતિનું
પીરાણા પંથમાં રહીને, કર્યું શું કામ જ્ઞાતિનું, |
અંધારામાં સદા રહીને, કર્યું શું કામ જ્ઞાતિનું, |
ન ઈસ્લામી ધર્મને સમજ્યા, ન કીધી રામની સેવા, |
વચે રહીને સદા લટક્યા, કર્યું શું કામ જ્ઞાતિનું, |
પરણાવી જન્મથી દીધાં, કુમારીકા લગ્ન તો કીધાં, |
નીસાસા બાળના લીધા, કર્યું શું કામ જ્ઞાતિનું, |
ન શીખાવ્યા પુત્ર ને બાળા, ન કાઢી કોમની શાળા, |
રહ્યા ભોળાઈમાં ભોળા, કર્યું શું કામ જ્ઞાતિનું, |
ન સમજ્યા નાત પોતાની, ન સમજ્યા જાત પોતાની |
ન સમજ્યા કુખ માતાની, કર્યું શું કામ જ્ઞાતિનું, |
ન કુરાનને કદી સમજ્યા, ન ગીતા વેદને ભણ્યા, |
રહી બે કોમથી અળગા, કર્યું શું કામ જ્ઞાતિનું, |
ન પેગમ્બર કીધા પ્રસન, ન કીધા દેવના દર્શન, |
ન પોતે ઓળખ્યા કૃષ્ણ, કર્યું શું કામ જ્ઞાતિનું, |
ઉઠો ભાઈઓ ઉઠો વહેલાં, કરો કંઈ કોમની સેવા, |
આજે આવ્યો “કરીમ” કહેવા કર્યું શું કામ જ્ઞાતિનું, |
“કરીમ”
પીરાણા પંથીઓને અપીલ
વહાલા ભાઈઓ તમો જાણો છો કે પીરાણા ધર્મ માટે દરેકને ભિન્ન ભિન્ન વિચાર ઉત્પન્ન થાય છે. પ્રત્યક્ષ રીતે જોતાં ને વિચાર કરતાં એમ લાગે છે કે એ નક્કી હિન્દુ ધર્મ છે તેમ કહી શકાય નહિ અને જો મુસલમાની છે તો પછી મુસલમાન લોકોના નિયમ પ્રમાણે આપણે વર્તતા નથી કેવો ભેદ ભરેલો વિચાર ઉત્પન્ન થાય છે ? અરે આ બાબત સમજવા કોઈને ઈશ્વરે બુદ્ધિ નહિ આપી હોય ? મારા ધારવા પ્રમાણે સર્વે કોઈ સમજી શકે છે. પણ કોઈ બોલી શકતું નથી કારણ કે ખરે ખરું કહેવાને કોઈ ઉભો થાય, તો તેને આગેવાનો તરફથી નાત બહાર કરવાની શિક્ષા જ થાય છે. જેથી ઘણા ખરા સમજે છે પણ બોલી શકતા નથી એ કેવો જુલમ ? સમજે છે છતાં પણ કોઈ સુધારો કરી શકતા નથી. તે માત્ર નાતના આગેવાનોનો જુલમ (ગેરવાજબી દબાણ) છે, તો પછી આ અંધારું કેટલા દિવસ ચાલશે ? તે સમજી શકાતું નથી.
આપ વિચારો કે આપણને કોઈ પૂછે કે તમે કોણ છો ? તો કહેશું કે કણબી છીએ. પાછો તે સવાલ કરે કે કેવા કણબી ? તેના જવાબને માટે આપણને વિચાર કરવો પડશે. તે પછી રહીને કહેશું કે અમો લેઉઆ કણબી છીએ. ત્યારે તે ફરીથી સવાલ કરશે કે તમે તો બાર વર્ષે લગ્ન કરો છો તે ધારો લેઉઆ નો તો નથી ? ત્યારે વળી પાછા મુંઝાઈને કહેશું કે અમે કડવા છીએ, સામો ધણી વળી પૂછે કે તમારી શાખા તથા ગોત્ર શું છે ? તેમજ તમો શું ધર્મ પાળો છો ? એમ પૂછે છે ત્યારે તેનો કાંઈ પણ જવાબ આપણે આપી શકતા નથી. તેથી તે ઠેકાણે મશ્કરી જેવું થાય છે. ત્યારે શરમ છોડી કદી આપણે ખરે ખરું કહીએ કે અમે મુમના કણબી છીએ તો તુરત પેલો માણસ કહેશે કે તમો તો મુસલમાની ધર્મ પાળો છો અને ખાનાને માનો છો. ને હિંદુ છીએ એવો ખોટો વાદ કેમ કરો છો ? ત્યારે પણ શરમાવા જેવું થાય છે.
વહાલા ભાઈઓ ! જો વિચાર કરીએ છીએ તો પરદેશમાં આ પીરાણા પંથ ધર્મ સાચવવા કેટલુંએ સંકટ સહન કરવું પડે છે. જેનું વર્ણન થઈ શકે તેમ નથી. નાતના રિવાજ પ્રમાણે ધર્મ પાળવાથી કેટલી અડચણ ભોગવવી પડે છે તે ધ્યાનમાં લેશો. હું તમોને એક કરાચીનો દાખલો આપું તે સાંભળો ને કાંઈક વિચાર કરી સુધારો કરો.
દર ગુરૂવારે કે નાના મોટા દિવસે થાળ* કરીને ખાનામાં જવું પડે છે. જે ખાનાની જગ્યા એક નાનકડા કંપાઉન્ડમાં છે અને તેમાં બીજા મુસલમાનોના ઘર હોવાથી ત્યાં થાળ લઈ જતા ઘણી અડચણ પડે છે. કદી થાળ તો જેમ તેમ ત્યાં પહોંચાડીએ છીએ, પણ પાછી જે વખતે પૂજા ખલાસ થાય છે. અને લાણ (પ્રસાદ) વહેંચાઈ રહે છે, જ્યારે સ્ત્રીઓ છોકરાં તેડીને લાણ લઈ ઘેર જાય છે. ત્યારે માણસોનો ભરાવો વધારે હોવાથી અને કંપાઉન્ડ નાનું તેથી તેમાં ચાલવાની શેરી પણ સાંકડી છે. અને તે લાચારીથી સર્વે માણસોએ જ નાની શેરીમાંથી લાણ લઈ વચમાં મુસલમાનોના ખાટલા પડેલા હોય છે જેના ઉપર તે લોકો સુતેલા હોય તો પણ તેને અડીને ઘેર જાય છે. તેનો અભડાવવાનો ખ્યાલ રહેતો નથી. (કદી ઘડી ભર આપણે એમ પણ માની લઈએ કે આપણું માનેલું પીરાણા પંથ પણ ઈસમાયલી ધર્મ છે તેથી તેમાં અભડાવવાનું હતું જ ક્યાં) તો તે પણ હંમેશા કેમ ચાલે કારણ કે પાડોશમાં વાણીયા બ્રાહ્મણ આદિ રહે છે તે દેખી જાય અને કહે કે આ તમે શું કરો છો ? તો તે વખતે કાંઈ જવાબ અપાય નહિ (કદી મંડળવાળા કહે તો આપણે તેને ઠોલીયા કહીને છુટીએ, પણ બ્રાહ્મણ વાણીયાને તેમ કેમ કહેવાય ?)ને મનમાં મુંઝાવું પડે, આમ છાનુંમાનું વર્તવું એ કેવી અડચણ ? ધર્મ સાચવતાં પણ આટલી અડચણ ભોગવવી પડે એ તો નવાઈ જેવું લાગે છે.
આવી સાંકડ હોવા છતાં પણ પીરાણેથી સૈયદો અવાર નવાર આવ્યા જ કરે છે તેથી તે વખતે તો એવી મુસીબત ભોગવવી પડે છે કે કહેવાની વાત જ નહિ, જો સૈયદોને મારા જેવા ભાઈઓ હિંમત કરીને ઉતરવા ન આપે તો આપણી જ્ઞાતિના કેટલાક ભાઈઓ અમોને ગુરૂ દ્રોહી કહે છે અને નાત બહાર કરવાની ધમકીઓ આપે છે અને જો તેમને ખાનામાં બેસાડીએ છીએ તો બીજા પડખામાં રહેતા અન્ય જ્ઞાતિના માણસો અમારું અપમાન કરે છે જેમ કરીએ તેમ દુઃખ છે, આ બીના જોઈ એક નવીન અને કુદરતી લાગણી ઉત્પન્ન થાય છે. વેદ, પુરાણ અને મનુસ્મૃતિ આદિ ગ્રંથોમાં કહેલું છે કે જે કામ કરવું તેમાં બીજાથી બીવું કે ચોરી રાખવી તેનું નામ જ પાપ છે તો પછી પીરાણા પંથની ક્રિયા કરતાં, પીરાણાપંથ પાળતાં પાપમાં ઉતરવું પડે છે. (રખેને કોઈ જાણી જશે કે આ ઈસમાયલી ધર્મ પાળે છે તો ખોટું દેખાશે ને હિન્દુઓ આપણને હલકી પંક્તિમાં ગણશે. એમ સૌ કોઈ સમજે છે, પણ એ દુઃખ કોઈ કાઢતું નથી કેવી મુર્ખાઈ ભરેલી વાત છે ?)
આટલું દુઃખ વેઠ્યા છતાં જો મુસલમાની ધર્મ પ્રિય હોય તો પછી અમો હિન્દુ છીએ, અને હિન્દુ ધર્મ પાળીએ છીએ, એવો વાદ પણ શા માટે ? અને જો આપણે હિન્દુ છીએ ને હિન્દુ ધર્મ પાળવા વિચાર હોય તો પછી ઈસમાયલી માર્ગ શા માટે જોઈએ ? અને આપણા આગલા ભોળા લોકોએ કરેલી ભુલો શા માટે સુધારવી ન જોઈએ ? મુરબ્બીઓ ! જરા વિચાર કરો કે મુસલમાની ધર્મ પાળતાં હિન્દુ થવું તે ક્યાંથી બને ? તેમ ખરેખર મુસલમાન ધર્મ પાળતા હોઈએ તો મુસલમાન તો અંદેશો ન કરે ! આમાં તો મુસલમાનોનોએ ઠપકો ને હિન્દુ લોકો પણ નિંદા કરવામાં બાકી રાખતા નથી, તેથી જ આપણે આજે ક્યાંય પણ બેસીએ છીએ ત્યાં શરમાવવા સિવાય કાંઈ રહેતું નથી. કારણ કે આપણે ધર્મ ભ્રષ્ટ જેવા છીએ.
જ્ઞાતિ ભાઈઓ અને વડીલો ! આપણે આ સંસારમાં હિંદુ છીએ કે મુસલમાન છીએ એ બાબતનો વિચારવા લાયક એક દાખલો બનેલો છે. જે આપ ભાઈઓને ધ્યાનમાં તો હશે. થોડા વર્ષ પહેલાં શેઠ કાવસજી ડુબાસના એક બંગલાનું કામ ચાલતું હતું તે વખતે ત્યાં લાકડા વેરવાના મજુરી કામનો કોન્ટ્રાક્ટ મારી ભુલ ન થતી હોય તો આપણા મુખી સાહેબ દેવશી હરભમનો હતો તે ત્યાં સુતારનું કામ આપણા કચ્છી ગુર્જર સુતાર કરતા હતા ત્યાં કોઈ કાઠીયાવાડથી નવો આવેલો સુતાર કામે આવ્યો તે કામ કરતાં તરસ લાગી ત્યારે જ્યાં આપણા ભાઈઓ વેરતા હતા ત્યાં ગયો અને પૂછ્યું કે પટેલ તમે કેવા કણબી છો ? ત્યારે જોડીવારા ભાઈએ જવાબ દીધો કે અમે લેવા કણબી છીએ તે સાંભળીને પેલા સુતારે પાણી પીધું અને કામે લાગવા મંડ્યો ત્યાં તેની જોડીમાં કામ કરનાર સુતારે પૂછ્યું કે તે પાણી ક્યાંથી પીધું ? તેણે જવાબ દીધો કે પટેલના કુંજામાંથી. તે સાંભળીને બીજા સુતારે કહ્યું કે એ કણબી તો પીરાણા પંથી છે. તેથી તેના કુંજાનું પાણી પીને તું અભડાણો તે સાંભળીને પેલા પાણી પીનાર સુતારે તો અફીણ હંમેશાં ખાતો હતો તેથી તેણે ખીસામાંથી દાબડી કાઢીને પોતાના ભાતાના ડાબડામાં અફીણને ગાળ્યું અને તેનું પાણી કરી પીવા લાગ્યો જ્યારે અર્ધું પીધું ત્યારે તેના સાથી સુતાર રામજી ભીમાશરીઆને ખબર પડી તેથી તેણે તે દાબર તેના હાથમાંથી લઈ લીધો અને કહ્યું કે ગાંડા આમ શા માટે કરે છે ? તે કહે મારે હવે જીવીને શું કરવું છે. હું જ્યારે અભડાઈ ગયો ને નાતથી જુદો થયો ત્યારે હવે મારે જીવીને શું કરવું આથી મરવું સારું છે. તે સુતારે તેને લીંબુ વગેરે દવાઓ પાઈને કહ્યું કે તું દેહશુદ્ધિ પ્રાયશ્ચિત કરાવી નાંખ તેથી તેણે હવાબંદર જઈ દેહશુદ્ધિ કરાવી પવિત્ર થયો.
કહો ભાઈઓ આ કેટલી શરમની વાત છે. જે ગુર્જર સુતારોની પંગતે બેસી આપણે જમનારા તેનું ખાલી પાણી પીવાથી સુતાર પ્રાણ ત્યાગ કરવાને તૈયાર થાય. આ શું પ્રતાપ પીરાણા પંથનો નથી ? માટે હવે વહાલા વડીલો અને ભાઈઓ તમે વિચાર કરો કે દેશમાં બેઠેલા જ્ઞાતિ ભાઈઓને ત્યાં કશી અડચણ નથી કારણ કે તે બીચારા રાત—દહાડો ખેડને ધંધે રોકાવાથી તેને સારું અગર બુરું કોણ કહે ? અને સમજે તે સહન કરીને બેસી રહે, જો કોઈ સુધારવા માટે મત આપે તો તેને દંડ કરે ને નાત બહાર મૂકે, અને કહે કે તમો તો બીજો બાપ કરો છો, બાપ દાદાનો ધર્મ તે કેમ મુકાય. ગમે તેવું છે તો પણ તમારે તે પાળવું પડશે જ. અમે પાળીએ છીએ તેમજ તમો પણ પાળો કોઈ પણ રીતે આગળ વધવા પગ ભરાશે નહિ.
ઘણા ખરા હિંદુના ધર્મ આપણે જોઈશું, અથવા મુસલમાન ધર્મ વિશે આપણે પૂછીશું તો પણ હિંદુ અને મુસલમાનની સાથે વર્તણુંક હોય જ નહિ અને સ્પષ્ટ સમજાય છે કે પીરાણા પંથમાં આ સઘળું ગેરવાજબીપણું જોવામાં આવે છે. નહિ તો હિંદુ ધર્મ મુસલમાની ધર્મ સાથે ભેગું થાય નહિ. એમાં કંઇ પણ સંદેહ નથી એમ વિવેકી જનને લાગ્યા સિવાય રહેશે નહિં તેથી હવે હું વધારે નથી લખતો પણ આપને હજી એક વાતની યાદ દેવરાવું છું કે ભાઈઓ શ્રાદ્ધના દિવસો નજીક આવે છે તેથી તે વખતે આપણા પીરાણા પંથના રીવાજ મુજબ “કાગ વાસ” નહિ નાખતા સર્વે ભાઈઓ શ્રાદ્ધની થાળો ખાનામાં જ લઈ જશે અને ત્યાં આગળ ભીડ પણ ઘણી થશે તેમાં પંદર દિવસ લાગલાગટ આવું જ ચાલુ રહેશે તો તે વખતે ભાઈ અભડાવવાના કેટલા દાખલા બનશે માટે મારી એક સલાહ લ્યો તો તે મહેરબાની કરીને ખાનામાં આવતી થાળું ને બંધ કરો તે શ્રાદ્ધ તમારી નિયાણીઓ દીકરીઓ, બેનો, તથા બીજા નાનાં નાનાં છોકરાઓને જમાડી દીઓ તો સારું થાય. મારી આ અરજ ઉપર આપણી પીરાણા પંથી જ્ઞાતિના આગેવાનો જરૂર વિચાર કરશે અને પોતાની જ્ઞાતિને અભડાતી વટલાતી બચાવશે. કદી આમ કરવાથી જો કાંઈ પાપ થશે તો પાપની હિસ્સા પાડીને સર્વે આગેવાન ભાઈઓ વહેંચી લેશો જેની અંદર આ સેવકને હીસે જે પાપ યા પુણ્ય જે આવે તે આપશો તો તે આ સેવક શીર ઉપર ચડાવવાને તૈયાર છે. મારી આ અપીલ વાંચી આપણી જ્ઞાતિના લાણખાઉ ભાઈઓને તો બહુ જ માઠું લાગશે કારણ કે બીચારે કેટલાએ દિવસથી માળા ફેરવી હશે કે શ્રાદ્ધના દીવસોમાં ખૂબ લાણ—પ્રસાદ મળશે તે ખાશું પણ આ અપીલ સાંભળીને તેઓનાં મોંઢા એકદમ ઉતરી જશે પણ હું તે ભાઈઓને વિનંતિ કરું છું કે ભાઈઓ મહેરબાની કરીને તમો જેને ઘેર વીસી જમતા હો ત્યાં જ બાજરાના રોટલા બનાવીને ખાઈ લેશો પણ ખાનાની લાણ ખાવાનો મોહ હવે મુકી અને જ્ઞાતિને ઉતરતી જતી અટકાવો જુઓ આપણે હિંદુ છીએ તે ઠીકરાના—માટીના વાટકામાં લાણ—રાંધેલો પ્રસાદ ખાઈને મોંઢું પૂરું સાફ ન કરતાં એકદમ બહાર નીકળીએ છીએ અને ગમે તેને અડીએ છીએ છતાં જરા પણ અભડાવવાનો ભય નથી રાખતા તો તે શું ગોળીનો પ્રતાપ નથી ? માટે હવે લાણ ખાવી અને ગોળી પીવી બંધ કરીને પોતાની જ્ઞાતિને ડુબતી બચાવો પીરાણા પંથનો ત્યાગ કરો અને ગરીબ ભાઈઓનો આશીર્વાદ લ્યો અસ્તુ.
લી. આપનો સેવક
એક પીરાણા પંથી
* થાળ એટલે રાંધેલું અનાજ
* થાળ એટલે ચોખા રાંધી તેમાં છાંટો ઘીનો તથા થોડાક ગોળ કે ખાંડ નાખીને તથા બાજરા કે ઘઉંના રોટલા ઘડીને તેને ચોળી તેમાં પાણી, ઘી, ગોળનું શાએતર થોડાક નાખીને થાળીમાં ઘાલી ખાનામાં લઈ આવવું તેને થાળ કહેવાય છે. લેખક.
ગાડરીઓ પ્રવાહ
જે મનુષ્ય અથવા જ્ઞાતિમાં પોતાની અકલ હોશીયારીથી સમજી બુજીને કાંઈ કામ કરવાની શક્તિ હોતી નથી, પણ બીજાઓનું આંધળું અનુકરણ કરવાની જ ટેવ હોય છે. તેઓને ગાડરીઓ પ્રવાહ કહેવામાં આવે છે. કારણ કે ગાડર—રીઢડામાં એ ખાસ આદત હોય છે કે, ટોળામાંનું એકાદ મેંઢું—ઘેટું બે એં એં એં કરતું ચાલવા માંડે, કે તુરત આખું ટોળું તેની પાછળ નીચાં માથાં કરી પહેલ કરનાર ઘેટાનું અનુકરણ કરે છે, તે જોતાં પણ નથી કે અમો ક્યાં જઈએ છીએ જેઓમાં આવી ખસલત—આદત હોય તેઓને ઘેટાંની ઉપમા બરોબર બંધ બેસતી ગણાય છે. દાખલા તરીકે આપણી જ્ઞાતિમાંના તેવા ભાઈઓ કે જેઓ શુદ્ધ સનાતન વૈદીક ધર્મના આચાર વિચારો પાળવા લાગ્યા છે. તેઓ પોતાના જુના વિચારના ભાઈઓને કે જેઓ હિંદુ સનાતન ધર્મ મુકી અર્ધદગ્ધ પીરાણા પંથના અમુક માણસને પોતાનો કર્તા માની તેની પૂજા કરે છે અને નીચમાં નીચ મનુષ્યનું જ પુછડું પકડી પોતાના જંગલીપણાની મજબુત સાબીતી આપે છે. વળી પોતે પાળતા પંથની સત્યતા કોઈ પણ વ્યાજબી દલીલથી સિદ્ધ કરી શકતા નથી. પરંતુ “બાવો કહે તે સત” એવા ભૂત જેવા વિચારો ધરાવનારાઓને ઉપર લખ્યા સુધારાવાળા સનાતની ભાઈઓ મેંઢાં—ઘેંટાની ઉપમા આપે છે. કારણ કે તેઓ બીચારાઓ અજ્ઞાની અને અભણ હોવાને લીધે આપ મતલબીઆઓ અને ખાલી ધર્મને બહાને શિકાર મારનારા શિકારીઓના તેઓ ભોગ થઈ પડ્યા છે.
જેમ વરૂ—ચરાખ—પોતાને હાથ લાગેલા શિકારનું લોહી ચુસી ખોંખું ફેંકી દે છે, તેમ આ વરૂ આગેવાનો પોતાની કપટ જાળમાં પંજામાં સપડાયેલામાંથી તેઓનું મનુષ્યત્વ ચુસી—ખેંચી લે છે અને ફક્ત માટીનું પૂતળું જ બાકી રાખે છે. લાકડાના પુતળાને જેમ દોરી સંચારથી નચાવાય છે, તેમ આ મનુષ્ય રૂપી માટીના પુતળાને જેમ મરજી પડે તેમ નચાવે છે. તેઓના આગેવાન બની તેઓની સ્ત્રીઓના શિયળ લુંટે છે. પોતાની વહાલી પ્રજા છોકરાઓ કે જેના હિતાહિતનો વિચાર કરવો એ માવિત્રોની ખાસ ફરજ છે. તેમાં પણ આ “માન ન માન મેં તેરા મેમાન”ની જેમ બની બેઠેલા આગેવાનો પોતાની મમતમાં તેઓની ઇચ્છા અનુસાર બાળકોનું હિત કરવા દેતા નથી “બાપને દીકરા સાથે દુશ્મની અને દીકરાને બાપ સાથે દુશ્મની કરતાં એ “અંધામાં કાણીઆ રાજા” જેની ઘોડે બેઠેલા આગેવાનો શીખડાવે છે.
મનુષ્યત્વથી નિરાળા ગરીબ બીચારા ઘેટાંઓ જેવા તેના ગુણ દોષ વિશે કશુંએ પૂછી શકતા નથી તેઓની ગતી બીજાઓનું આંધળું અનુકરણ કરવામાં જ અટકેલી છે.
આવા શિકાર થયેલાઓ ઉપર ગમે તેવા કઠણ દીલવાળાને દયા ઉપજ્યા સિવાય રહે નહિ એ સ્વાભાવિક છે. તેઓને સારી સમજણ આપી તેવા મહા જુલ્મીઓના પંજામાંથી છોડાવી સીધા રસ્તા પર લાવવા એ સર્વ કોઈનો ધર્મ છે તેના ઉલટું કેટલાંક ભાઈઓ તે બીચારાઓ તરફ તિરસ્કારની નજરેથી જુએ છે, મુમના મુમના કહી તેઓને ચીડાવી “પડ્યા પર પાટું”ની કહેવત આ બાને પોતાને લાગુ પાડે છે. જે જોઈ અમોને બહુ જ લાગી આવે છે. આપણા સુધારાવાળા ભાઈઓમાં તે બદી વિશેષ પ્રમાણમાં જોવામાં આવે છે.
મજકુર ભાઈઓને તેમ નહિ કરવાની ભલામણ કરીએ છીએ તો છેડાઈ પડી વળતો જવાબ આપે છે કે, “હા, હા, જોયું તમારું ડહાપણ ! તેઓ વળી અમારાથી ક્યારે ઓછા ઉતરે છે જે અમો તેઓ ઉપર દયા ભાવ દાખવીએ—રાખીએ.” “કુતરા” જેવા તેઓના કહેવાતા આગેવાનોની ઉશ્કેરણીથી તેઓ અમારા ઉપર શું ગુજારવું બાકી રાખે છે. આમ કહેનારા ભાઈઓને અમે પુછીશું કે, “વારૂ કોઈ કુતરો આવી તમોને બચકું ભરે તો શું તમારી ફરજ પણ એ છે કે તમો તે કુતરાને સજા કરી વળતો બદલો લ્યો. કોઈ અજ્ઞાની તમોને ભુંડી ગાળો દે તો વળતી તેને તેવી જ ગાળો દેવી એ શું સભ્યતા કહેવાઈ શકાશે ?
ઓ બંધુઓ ! પ્રભુ રામ કૃષ્ણની દયા, ક્ષમા, નમ્રતા, ઉદારપણું વગેરે સદગુણોના આજે એકી અવાજે આખી દુનિયા વખાણ કરે છે. આપણે તેઓના જ વંશજો છીએ પણ તે આપણો દાવો સત્ય ત્યારે કહી શકાય કે, આપણે તેના વચનો ઉપર પૂરેપૂરો અમલ કરતા હોઈએ.
માટે હે ભાઈઓ ! ક્ષમા જેવા અમુલ્ય રત્નને જતો ન કરો અને આપણા અજ્ઞાન ભાઈઓ ઉપર દયા રાખતા શીખો, કે જેથી પરમાત્મા તમારા ઉપર રાજી થાય, હકીકતમાં નરમાશ એ એક અમુલ્ય મોતી છે. કહેવત છે કે “નમ્યો તે સૌને ગમ્યો” લોહ ચુંબકમાં લોઢાને પોતા તરફ ખેંચવાની જેમ આકર્ષણ શક્તિ છે તેમ મનુષ્યમાં નરમાશ અને ક્ષમા એ સામાને પોતા તરફ ખેંચવાની ખરેખર આકર્ષણ શક્તિ છે.
એક દાખલો છે કે એક મહાત્માને એક અજ્ઞાન કજીયાખોર માણસ સાથે મુલાકાત થઈ, તે માણસે મહાત્માને કંઈ વાત પુછી મહાત્માએ તેનો ખરો જવાબ આપ્યો પણ પેલા નીચ માણસને તે પસંદ ન પડવાથી, અનેક ન છાજતા શબ્દોથી ગાળો આપવા લાગ્યો. પણ મહાત્મા તો નરમાશથી તેને સમજુતી જ આપતા રહ્યા, તે અક્કલનો આંધળો વિશેષ ઉશ્કેરાઈ જઈ અનેક અપશબ્દો કહેવા લાગ્યો, તેટલામાં કોઈ સારો માણસ ત્યાં આવી ચડ્યો, અને મહાત્માને કહેવા લાગ્યો કે “હે મહારાજ તે બેવકૂફ તરફ જેમ તમો નરમાશથી વરતો છો તેમ તેમ તે ઉપર ચડતો જાય છે, તમારે તેની શી દરકાર છે ? એ એક સંભળાવે તો તમો બે સંભળાવી દીઓ ! મહાત્માએ હસીને જવાબ આપ્યો કે ભલા માણસ કુલડીમાં જે ચીજ હોય છે. તે બહાર ટપકે છે. તેનામાં જે ગુણો છે તે તે બતાવે છે અને હું મારા ગુણો બતાવું છું. તેના શબ્દોથી હું કાંઈ બેવકૂફ બની જવાનો નથી. “પણ મારી વર્તણુંકથી તે સભ્યતા શીખશે.”
મહાત્માનાં આ વચનોથી તે નીચ કજીઆ ખોર માણસને કોઇ એવી અસર થઇ કે તેણે ખરાબ ચાલ હંમેશના માટે છોડી દીધી.
માટે ભાઇઓ ! જો તમો પણ આપણી જ્ઞાતિના અજ્ઞાનીઓને સુધારવા માગતા હો તો તેઓના અનેક અપશબ્દો અને અન્યાયો સહન કરવાને માટે તૈયાર રહો. તેઓની ભુલ ભરેલી હીલચાલથી તમારે તમારી ધીરજ ગુમાવી દેવી ન જોઇએ. તેમ કરશો ત્યારેજ તમારા કામમાં ફળીભુત થશો. પરમાત્મા સર્વેને સદ્બુદ્ધિ આપે કે જેથી અમો અમારી ખરી ફરજ સમજતા થઇએ.
ૐ શાન્તિ શાન્તિ શાન્તિ
ધાર્મિક પ્રચાર
બધા ધર્મના અનુયાયીઓ હંમેશાં એવી ઇચ્છા ધરાવતા હોય છે કે, અમારા મતનો પ્રચાર થાય. કેવળ હિન્દુઓ એ જ આવી ઇચ્છા કરી નથી. તેનું પરિણામ એ આવ્યું છે કે વિધર્મિઓએ એક ઠેકાણે ગોંધાઈ રહેલી હિન્દુ જાતીને પોતાના મતમાં લેવા અનેક છળ પ્રપંચો કર્યા છે. પીરાણા પંથ પણ આવી જ કપટ લીલાનું ફળ છે. કયાં ભગવાન કૃષ્ણ ચંદ્રના સંતાનો અને ક્યાં તેમના આ યવન ગુરૂઓ ? એ ગમે તેમ હોય તો પણ જે ધર્મના ઉપદેશકો આચાર્યો કે વિદ્વાનો લોકોની પાસેથી ધાર્મિક જીવનને બદલે ધનની આશા રાખે અથવા શુદ્ર માનની આશા રાખે તેવા ગુરૂઓ અથવા આચાર્યો જે ધર્મનો ઉપદેશ કરે છે. તે ધર્મ કોઈ કાળે પણ શાન્તીદાયક અથવા સત્ય માર્ગે લઈ જનારો હોઈ જ ન શકે ! જ્યારે પીરાણાના સૈયદો અને કાકાઓ દશોંદ લઈ લોકોને સ્વર્ગ અપાવવાની ઇચ્છા કરે, ત્યારે તે ધર્મની અને તેના પ્રચારકોની પ્રમાણિક્તા માટે શંકા ઉત્પન્ન થયા વગર કેમ રહે ? જ્યાં જ્યાં અવિદ્યા છે ત્યાં સત્ય ધર્મનો પ્રચાર થવામાં ઘણી અડચણો હોય છે. અવિદ્વાન લોકોમાં જ સ્વાર્થીઓનું ટટ્ટુ ચાલી જાય છે. મારા કચ્છી પાટીદાર ભાઈઓને હું પૂછું છું કે આ ઈરાની સૈયદોમાં તમે શું વિશેષ જોયું છે ? તમોને તેઓએ તમારા આર્ય ધર્મથી વિમુખ કર્યા સવાય બીજું કશું શીખવ્યું છે ? તમને જે ચમત્કારો વિશે કહેવામાં આવે છે, તેવા મદારીના ખેલો તો હમણાંએ થયા કરે છે. શું એવા મદારીઓ ધર્મોપદેશક થઈ શકે ખરા ? અહીં હું પાટીદાર ભાઈઓને ખાસ પ્રાર્થના કરું છું કે તેઓએ ગીતા ઉપનિષદાદિ ધર્મ શાસ્ત્રોનું અધ્યયન કરવું ત્યાર પછી તેમને આર્ય ધર્મની મહત્તા સમજાશે.
ધર્મની રક્ષાને નામે જે લોકો પોતાના સુધારક ભાઈઓને વિના કારણે પજવ્યા કરે છે. તેઓને હું કહું છું કે મિત્રો ! તમારી આવી નિષ્ઠુરતા જ તેમના આત્મામાં વધારે ઓજ ઉત્પન્ન કરશે. સૈયદોના શિષ્યો ! તમે એમ સમજતા નહિ કે આ સુધારક ભાઈઓ થોડી સંખ્યામાં છે, તેથી તમો તમારી ઇચ્છા પ્રમાણે તેમને પજવી શકશો ! આખી વેદાંનુ યાયી આર્ય જાતિ તેમની સાથે છે. જો તમે આજ સમજતા હો તો વધારે સારું ! નહિ તો આવતી કાલે તો માણસ એજ સાક્ષી આપશે કે તમે આવીને તમારા ગર્વિષ્ટ માથાં આ સનાતન ધર્મીઓ આગળ નમાવ્યા છે ! સ્વાર્થ સાધુ સૈયદો અને કાકાઓને પણ હું કહી દઉં છું કે આ પ્રદિપ્ત થયેલા અગ્નિ આગળ તમારી કપટ વિદ્યા ચાલવાની નથી. કૃપા કરીને આ અમારા ભોળા ભાઇઓ ઉપરથી તમારા હાથ ઉપાડી લ્યો. જુઓ જ્યાં જ્યાં સુધારકોએ આગળ પગલાં ભર્યાં છે. ત્યાં ત્યાંથી તમારે ઉભી પુંછડીએ નાશી જવું પડ્યું છે. વાર વાર તમારું અપમાન થાય છે છતાં તમારી સ્વાર્થ સાધવાની વૃત્તિ જતી નથી.
મારા સુધારક ભાઈઓ તો એક દિવસ પણ તમારા જેવા યવનોને ગુરૂઓ અથવા ઉપદેશકો માનવાને તૈયાર નથી.તમારી આંખો આગળજ કેટલાએ અમારા ભાઇઓએ તમારી સ્વાર્થી જાળમાંથી મુક્તિ મેળવી છે. તમને જો તમારી સત્યતા વિશે અભિમાન હોય તો સુધારકોના ગામોમાં વિરાણી, નખત્રાણામાં તમારા પીરાણા પંથનો ઉપદેશ કરી જુઓ !
સદીઓથી ધર્મ ભ્રષ્ટ થયેલી આર્ય જાતી આજે પોતાના સનાતન વૈદિક ધર્મ તરફ આવતી જાય છે, એ જાણી કોને હર્ષ ન થાય ! તેથી જ કહેવાય છે કે :
અહો આ આર્ય ભુમિના |
અમિત પુણ્યો ઉદય થાશે ? |
સમાજો આર્યની જેથી |
મહા પાપો પ્રલય થાશે. |
કેશવદેવ રતનેશ્વર.
શ્રી લક્ષ્મણ કાકા (!)*
આપણે રા. લક્ષમણકાકાનું પુજન કરી રહ્યાં છીએ, તેનું રહસ્ય જાણવું જરૂરનું હોવાથી આ ઠેકાણે લખવાનું ઉચીત ધાર્યું છે. આપણા “પીરાણાવાળા સંપ્રદાયમાં સૈયદ એટલે ઈમામશાહ ઉર્ફે ઈમામુદીનના વંશજો ધર્મગુરૂનો દરજ્જો ભોગવે છે.” તેમને ઠેકાણે આપણે “કાકા”ઓને તે ધર્મગુરૂઓનું માન આપી રહ્યા છીએ ! એની અંદર પાંખડ સમાયેલું છે. આગળના અંકમાં જણાવ્યા પ્રમાણે કાકાઓનું કાર્ય સેવકોમાં ફરી શીરબંધી ઉઘરાવી લાવવાનું છે અને તે “સૈયદોના પોષણ તથા રોજાની મરામત ઉસ્તવારી વગેરેમાં ખર્ચાય છે.” શુદ્ધ સૈયદોએ એ કાકાનો અર્થ “ગુલામ” કર્યો છે. આટલું જાણ્યા પછી પણ આપણે તેને ધર્મગુરૂઓના જેટલું માન આપી રહ્યા છીએ તેણે કાકાઓએ આપણે માટે આટલો બધો કઇ જાતનો ભોગ આપી દીધો છે ? તે ન તપાસતાં આગળની પ્રથા પ્રમાણે ચલાવ્યા જઈએ છીએ એ આ મનુષ્ય દેહ ધારી પ્રાણીઓને શરમ ભરેલું છે, આપણે પીરાણામતને હિન્દુ મત હોવાનો દાવો કરી રહ્યા છીએ, ત્યારે સૈયદોને જો ધર્મગુરૂ તરીકે આપણે જાહેરમાં માન આપીએ તો બીજી હિન્દુ નાતોમાં આપણી પ્રતિષ્ઠાનો ભંગ થાય છે. તેનો વિચાર કરીને સ્વાર્થી મુખીઓએ એવો તોડ કાઢ્યો કે હિન્દુ સેવકોમાં “કાકાઓ”ને મોકલવા તે વખતેથી આગળની રૂઢી ફરી ગઈ. સૈયદ ઈમામશાહ હિન્દુ સેવકોમાં ધર્મગુરૂનો દરજ્જો ભોગવતા હતા. કાકાઓને મુખીઓનો દરજ્જો હતો, અને મુખીઓ પુજારીનો દરજ્જો ભોગવતા હતા. જે હિન્દુ સેવકો પીર ઈમામશાહની ધર્મગુરૂ તરીકે પુજા કરતા હતા, તેઓએ બીજી હિન્દુ જ્ઞાતિઓનો ડર ન રાખ્યો. અને પછી ચેષ્ટા થતા જાહેરમાં વટલી ગયા. એવી રીતે “વટલેલી લગભગ એંસી નાતો છે.” એમ કહેવામાં આવે છે. આપણો પંથ ગુપ્તી (ગુપ્ત રીતે મુસલમાન અને બહારથી હિન્દુ) કહેવાય છે અને સૈયદ ઈમામશાહની વંશના સૈયદો, મુસલમાનો પ્રગટી (ખુલ્લી રીતે મુસલમાની ધર્મ પાળનારા) કહેવાય છે. “ખરું જોતાં ધર્મના ઉપદેશને લીધે મુસલમાન ધર્મમાં ભળેલા નથી.”
સુલતાન અહમદશાહ પહેલા અને મહમદ બેગડાના જુલમ તથા ત્રાસથી જે રજપૂતો વટલ્યા તે મોલે સલામ કસબાતી (ગરાસીઆ) કહેવાયા. કપીલ બ્રાહ્મણો વટલ્યા તે મલેક કહેવાયા? સૈયદ ઈમામશાહે જે હજુ પ્રગટ થવાના છે તેના નામનો પંથ ચલાવ્યો હતો પોતે જ મહેંદી હોવાનો દાવો કર્યો હતો. (ઈ.સ. ૧૪૯૧) એ પંથને પણ હિન્દુ ધર્મમાંથી નીકળી જઈ ઈસમાયલી બની ટેકો આપનારા નીકળ્યા. પોતે ચમત્કારી હોવાનો દાવો કરતા હતા. (મરેલાને જીવતદાન. આંધળાને આંખ, મુંગાને વાચા, આપી શકવાનો વગેરે વગેરે કહેવાય છે. પણ ખરું કે ખોટું તો પરમેશ્વર જાણે ઇતિહાસીક પુરાવા મળતા નથી.)
આ રીતભાત સુન્ની બાદશાહોને ગમતી ન હોવાથી તેમને ઠપકો આપવા માટે બાદશાહના હુકમથી કાજીએ તેડાવેલા. (ઈ.સ. ૧૬૯૧) તેમને મળવા જતાં શાહજીનું મોત થયું. કોઈ કહે છે કે ઠપકો ન ખમાવાથી ઝેર ખાધું, કોઈ કહે છે કે રાજના માણસે ખવરાવ્યું પરંતુ ગમે તે હો પણ કમોતે એનું મોત થયું એ તો નક્કી જ છે.
મુસલમાની ધર્મના સ્થાપક સૈયદ ઈમામશાહના ગુરૂ હજરત મહમંદ (સ.)નું ફરમાન છે કે “ધર્મ સંબંધી દબાણ કરવાનું નથી.” (પ્રકરણ ૨. ૨૫૬). તેઓ (મહમદ સાહેબ) પોતાને ખુદાના રસુલ એટલે કાસદ કહેવરાવતા હતા અને તેના તરફથી મળેલો સંદેશો પહોંચાડવો. એટલી જ પોતાની ફરજ સમજતા હતા. તેના શિષ્યો પોતે (સૈયદ ઈમામશાહે) પરમેશ્વર હોવાનો દાવો કરી જેઓ અભણ અજ્ઞાની હતા. તે વર્ગને ફસાવી દીધા. તેમાં પોતાને માન, પૈસા, અને અભિમાનનું ઝેર પોતાની આંખમાંથી ઝરતું હતું. તે પ્રસિદ્ધ સૈયદ ઈમામશાહના ચેલા લક્ષમણ કાકામાં જોવામાં આવે છે.
હવે જોવાનું આપણે એટલું જ છે કે ગુરૂનાં વચન માનવાં કે તેના શિષ્યોનાં ? આટલી વાત જણાવવાની હું રજા લઉં છુ કે “સૈયદ ઈમામશાહના ગુરૂ હઝરત મહંમદે પોતે “કાસદ” હોવાનો દાવો કર્યો અને તેના શિષ્યે (સૈયદ ઈમામશાહે) પોતે પરમેશ્વર હોવાનો દાવો કર્યો. તેના પછીના કાકાઓએ ધર્મગુરૂ હોવાનો દાવો કર્યો. તો હવે મુળ ધર્મગુરૂ કોણ ? હજરત મહમંદ કે લક્ષમણકાકા ?
આ પ્રમાણે તપાસતા સાફ સાફ જણાય છે કે “આપણે મુસલમાન હોઇએ તો હઝરત મહમદને ગુરૂ માનો અને જો હિન્દુ હોઇએ તો પરમેશ્વરને ગુરૂ માનો, બેઉ ના સિદ્ધાંત એક જ પ્રવર્તક છે કે ?
“પરમેશ્વરની છે પ્રજા આ સઘળો સંસાર”
હિન્દુ અને મુસલમાન બેઉ તેનાં સંતાનો છે. તેનો ધર્મ એક જ છે. તો પછી નાહક શું કામ હાય, હાય, આપણે કરવી જોઈએ ? આપણે તો સૈયદ ઈમામશાહને પરમેશ્વર તરીકે માનીએ છીએ પણ તેમણે તો પીરાણાના જ શાસ્ત્રોમાં ફરમાન કાઢેલું છે કે “હું કોઈને તારવાનો નથી, મેં કોઈને પાર ઉતાર્યા નથી, સૌ સોના કર્મના આધારે પાર પામશે.” આમ છે તો પણ આપણે આ સિદ્ધાંતને કોરે મુકી દઈને એટલી બધી લાલચમાં લપટાયા છીએ કે, લક્ષમણકાકા અને સૈયદોને તે દરજ્જો આપી આપીને આપણી આંખ આગળ આપણી વહુ બેટીઓને પગે પાડીએ છીએ અને તેના આશીર્વાદ મેળવીએ છીએ.
સ્ત્રીઓનો ધર્મ પતિની સેવા કરવાનો છે. પતિ—ધણી પુરૂષનો ધર્મ પરમેશ્વરની સેવા કરવાનો છે. સેવાનો અર્થ માળા જપવાનો નથી. તેના ફરમાનો—હુકમો પાળવાનો છે. ઘડી ભર એમ આપણે માની લઈએ કે :—
એક ડોસાને બે દીકરા હતા. એક છોકરો હાથમાં માળા લઈને પિતા પિતા કર્યા કરે અને બીજો દીકરો બાપ કહે તેમ કરે—બાપ કહે તેમ કામ બજાવ્યા કરે. હવે એ બેમાંથી કયો પુત્ર—છોકરો આપણે પ્રિય માનીશું ? બેશક જે પિતાનું કામ બજાવે તેજ પિતા રૂપી પ્રભુની આજ્ઞા બજાવવા—પાળવા વગર આપણે સ્વર્ગમાં જવાની શ્રદ્ધા રાખી ને “ઘરનાં છોકરાં ઘંટી ચાટે અને સાધુડા—સૈયદોને સેવું” આપી રહ્યા છીએ. કેટલી ભુલ, પ્રભુએ આપેલી મનુષ્ય દેહની બક્ષીસનો આમ ઉપયોગ કરશું તો પછી પાછા કેરામાં પડ્યા સમજજો. ભક્ત મહાત્માઓ કહી ગયા છે કે :—
ગંગા કે સાગરમાં નાહી, |
કરે વ્રત તપ ભારી, |
જ્ઞાન વિના સો જન્મે, |
પણ મોક્ષ ન પામે નરનારી |
લક્ષ્મણ કાકાએ દાઢી વધારવામાં પોતાનો વખત ગુમાવ્યો છે, તેટલો જ જ્ઞાન વધારવામાં ખપાવ્યો હોત તો એક પહેલા વર્ગના સાધુની ગણતરીમાં ગણાત. તેમાં એનો દોષ નથી હિંદુસ્તાનમાં હિંદુઓ ઉપર છપ્પન લાખ સાધુઓ બોજા રૂપ છે તેમાં લક્ષમણકાકા પણ આવી ગયા છે. જ્યારે આપણે ચેલાઓ સાધુઓ પાસેથી જ્ઞાનનું કામ લેતા થઈશું, તે ઘડીએ જ મઠો મંદિરો સ્થાપેલા (સાધુઓના એશ આરામના સાધનો) તડોતડ તૂટી પડશે તે દિવસ ધન્ય હશે કે ફ્ક્ત એક જ પરમાત્માની પૂજા થશે. જ્યાં સુધી નબળાઈની નિશાની રૂપ સાધુ કહેવાતાઓની આપણે પૂજા કરી રહ્યા છીએ ત્યાં સુધી સ્વર્ગ હજી પાછળ છે.
મેં સાંભળ્યું છે કે કચ્છ પ્રાંતની ૪—૫ લાખની વસ્તીમાં એક આની ભાગ પીરાણા પંથના મોહમાં ફસાયેલા છે.” તેઓને ખબર નથી કે “એક કુવાના દેડકાની પેઠે આપણે આખી પૃથ્વી તેમાં દેખીએ છીએ.” પણ જો બહાર નીકળીને તપાસીએ તો તેનાં કરતાં તો તળાવ મોટું છે. તો સમુદ્રની સીમા જુઓ તો આંખ કહ્યું ન કરે. આપણને ખબર હોવી જોઈએ કે સૈયદ ઈમામશાહ એક ફકીર સ્થિતિનો માણસ હતો. પોતાની ચાલાકીથી અને આપણી અજ્ઞાનતાનો લાભ લઈને આપણને પૈસાથી ચુસી ચુસીને આપણને ખોખરા ફકીર જેવા કરી મુક્યા ને પોતે સંસારી થઈ રહ્યો. આપણી પેઠે છોકરાં છૈયાવાળો થયો. ને બળી મૂવા પછી પણ પોતાની ઓલાદ (સૈયદો)ને વારસો મુકતો ગયો. જે આપણે આંખ મીચીને હજી પણ પૈસા આપી રહ્યા છીએ.
જેને પોતાના કર્મ ઉપર ભરોસો છે, તેના ગુના તો માફ થઈ શકતા જ નથી એવો જેને સંક્લ્પ છે તેને અમી—પાવળની ગોળી પીવા ઉપર ઈંટ અને ચુનાથી બનાવેલી કબર ઉપર વિશ્વાસ નથી. આપણે મુવા બાદ આપણી કબરને ચુના અને ઈંટથી ચણી લેવામાં આવે, ઉપર ફુલો ચઢે, પણ ઈશ્વરના દરબારમાં તે કબર ઉપર પાણી પણ ન છંટાય.
“જે ઈસમાયલી પંથના પીર શદરૂદીને હિંદુઓને બલકે લોહાણા—ભાટીઆઓને વટલાવી ખોજા બનાવ્યા. તેના પુત્ર કુતુબુદ્દીન ઉર્ફે કબીરૂદીનના પુત્ર હઝરત ઈમામશાહે મુલતાનથી ગુજરાતમાં આવીને ઘણા હિંદુઓને (ઉચ્ચ નીચ) મુસલમાન બનાવ્યા. એ અમદાવાદ પાસે પીરાણા ગામમાં રહેતા હતા અને એની કબર ગીરમથામાં છે મતીઆ કે ખોજાઓ તથા મુમનાઓના ધર્મ સંબંધી મત તથા આચાર વિચારો કેટલેક ભાગે મળતા આવે છે.
મીરાં તે અહમદીના લેખકનો મત એવો છે કે આ મુમના, મતીઆ, અથવા આઠીયા પંથમાંથી એક શાખા તરીકે ખોજા થયેલા મતીઆ કણબીમાંથી (જલાલપુર, બારડોલી તરફના) વટલેલા, અને કેટલાક અમદાવાદ તરફના કાછીઆઓ જોકે બીજી બધી રીતે હિંદુ રીત રીવાજ તથા ધર્મને વળગી રહ્યા છે. તો પણ તે પીરાણાના રોજા તથા ઈમામશાહ સૈયદની કબરને પૂજે છે અને પોતાના મુડદાને બાળતી વખત જમણા હાથના અંગુઠાની પાસેની આંગળીનું ટેરવું કાપી લઈ એ રોજાની નજદીકમાં દાટવાને માટે રાખી મુકે છે.
બાકરઅલી નામના પીરાણાના સૈયદ ઈ.સ. ૧૮૪૩—૪૪માં ગુજરી ગયા, તેમણે પણ ગુપ્ત રીતે ઈસમાયલી—મુસલમાન અને બહારથી હિંદુ રહે તેમજ શિક્ષણ રહેવા દીધું. પણ સદ્ભાગ્યે આપણા ઉપર પ્રભુની કૃપાથી તેજ સૈયદ ઈમામશાહના કેટલાક શુદ્ધ સંતાનો(સૈયદો)ને સદમતિ આવી છે. “કે પીરાણા મત—પંથ તો મુસલમાની છે.” તેમનો આ જગ્યાએ આભાર માનવો ઘટે છે કે આપણને જાગૃત કર્યા છે. તે વાત ગત અંકમાં હું મારા લેખ (આપણો મોહ) માં આપી ગયો છું છતાં આ લેખમાં બીજી વારથી કહું છું કે જે સૈયદોને ધન, અભિમાન અને માનનો મોહ નથી, તેઓ બેશક ખરેખરી શુદ્ધ વાત બતાવી દે અને પીરાણાંઓને જાગૃત કરે. તેઓ આપણા મિત્ર તરીકે માનવા યોગ્ય છે. લક્ષ્મણ કાકાએ આ વાતથી આપણને અંધકારમાં રહેવા દીધેલા. એના જેવો જ્ઞાતિ દ્રોહી—ધર્મદ્રોહી કોણ હોઈ શકે ? જો એને પોતાની આબરૂનું ભાન હોય, તો પછી “કાકાને ગુલામ” કહ્યા પછી પણ ગાદીનો મોહ રાખી શકે ? કોઈ પણ સાંખી શકે જ નહિ એ તો લક્ષમણ કાકાને જ શોભે. પણ એક દિવસ એવો આવશે કે જ્યારે આપણે પીરાણા પંથને અને કાકા—સૈયદોને તજી દઈશું. પ્રભુ આપણા પીરાણાપંથી ભાઈઓને સત્વર સદ્બુદ્ધિ આપો કે જે ખરો વૈદિક ધર્મ હતો તેને પુન ગ્રહણ કરે.
શાકબજાર—અમદાવાદ તા. ૧૨—૦૯—૨૩ |
|
લી. આપનો સેવક રણછોડદાસ દલસુખરામ ભગત |
* આ લેખની સાથે અમારું મળતાપણું છે એમ માની ન લેવું.
સત્ય માર્ગ સનાતન ધર્મ
(લેખક : મૌજી મહાજન)
( ગયા અંકના પાને ૨૦થી ચાલુ )
મરઘાંબાઈ— ભલા તમારું નામ તો છે લખમાંબાઈ ને તમને કહે છે બધાએ લક્ષ્મીબાઈ તે એવું તો અમે આપણી નાતમાં કયાંયએ નામ નથી સાંભળ્યું.
લક્ષ્મીબાઈ— હા ! બેન તમારું કહેવું ખરું છે, પણ એ બંને નામમાંથી તમને કર્યું નામ સારૂં લાગે છે, બા ?
મરઘાં— લ્યો ! વળી સારૂં નરસું તે એમાં હું શું જાણું ? પણ લક્ષ્મી નામ તો આપણને ન પરવડે બોન ! જુઓને ઈતો જાણે બધાંએ અવર (બીજી) નાતનાં નામ તે આપણે કણબણોને કેમ હારાં લાગે ?
લક્ષ્મી— સારાં શા માટે ન લાગે બેન ? આપણા શાસ્ત્રો કથાઓમાં તમો સાંભળશો તો શ્રી વિષ્ણુ ભગવાનના સ્ત્રીનું નામ લક્ષ્મી દેવી એટલે તે નામનો તો આપણી સઘળી હિન્દુ જ્ઞાતિઓમાં પ્રચાર છે. અને તેનું કારણ એવું છે કે એવાં દેવ દેવીઓનાં નામ આપણને કલ્યાણ કારક છે. તેમના સત્ય વર્તન પ્રમાણે આપણે સુનીતિએ વરતવાનું છે. ખાલી તેમના પવિત્ર નામો ધારણ કરી અન્ય રસ્તે ચાલવાનું નથી. બેન ! એમાં તો આપણે ઘણી રીતે સમજણ લેવા જેવું છે. હાલમાં આપણી જ્ઞાતિમા એવું બધું ભુલી જવાયું છે, અને તેનું કારણ પણ એજ કે મુળ આપણે આપણા સત્ય માર્ગ સનાતન ધર્મને તજી દઈ અર્ધદગ્ધ પીરાણા પંથમાં પડી ગયા, એટલે ધીમે ધીમે આપણામાંથી સત્યતાના સંસ્કારો પણ ટળી ગયા, ત્યારે બા !! હવે આપણને એ સંબંધી ભાન થયં છે, તો આપણે આપણા નિતી ધર્મ સંબંધી ઘણું જાણવાનું છે જુઓ બેન !! હું તમને એટલું જ પૂછું છું કે, તમારા આ પીરાણા ધર્મના ગ્રંથો—શાસ્ત્રોમાં કે પીરાણા પંથની કથા ઇતિહાસોમાં કોઈ સતી સ્ત્રીઓનાં ચરિત્ર તમો સાંભળ્યા છે ? આપણે સ્ત્રી જાતિના શું શું ધર્મ છે ? આપણે પતિ પ્રત્યેની શી શી ફરજો અદા કરવાની છે ? આપણું ગૃહસ્થાશ્રમ આપણે કેવી રીતે ચલાવવું જોઈએ ? આપણા જીવન સાર્થકનાં આપણને શા શા સાધનોની જરૂર છે ? બાળકોની તંદુરસ્તી જાળવી તેમને કેળવણી આપણે કેવી રીતે આપવાની છે. એ વગેરે કંઈ પણ તમે તમારા પીરાણા પંથનાં પોથાંઓમાંથી કોઈવાર પણ સાંભળ્યું કે જાણ્યું છે ? જુઓ આપણા હિન્દુ ધર્મના પુસ્તકોમાં તો એવાં એવાં અનેક ચરિત્રો, આખ્યાનો મળી આવે છે. તેનો આપણે સાર ગ્રહણ કરી તે રસ્તે ચાલીએ તો આપણે પણ એ દેવીઓના બરોબર થઈ પૂજ્ય ગણાતાં થઈએ. તમે જોશો તો બેન આપણા હિન્દુ ધર્મના કેટલાંક બૈરાંઓ અને નાના નાના બાળકોને એવા સંસ્કારો પડેલા છે કે તેઓ શુદ્ધ સનાતન ધર્મને રસ્તે નિતીમય વાર્તાઓ કહે નિતીમય બોલવું અને નીતિને રસ્તે ચાલવાનું શીખે પણ બેન ! તમારા પીરાણા પાખંડી પંથમાં તો વધારેમાં વધારે ફરમાનજી બીસમીલ્લાહ અને લાહેલાહ સિવાય કહો જોઈએ કાંઈ સાંભળ્યું છે ?
મરઘાં— લ્યો ! એમાં તે વળી શું જાણવાનું હતું એ તો બધુંએ અમને આવડે છે. આપણે બાયડીઓનું કામ તે વળી બીજું શું હોય ? ભાયડાને રાંધી ખવરાવવું ને વાડીએ કે ખેતરે ભતાર લઈ જવું, ને ચોપાનાં છાણ વાસીદાં કરવાં, ને ગાયો ને ભેંસું હારૂં ચરો લઈ આવવો, ને વળી બહુ જ તો સીમમાંથી ઈંધણાંની ભારી કરી આવવી તે વગર બીજી આ વાતુમાં તો અમે જરાય નથી હમજતાં. આવળી ફંદને ફતુરનું તે પીરાણા ધર્મમાં કાંઈ લખ્યું હોય ? તેમ વળી આપણને એટલી નવરાશે ક્યાંથી હોય કે હાંભળવાએ બેહીએ, અમે તો જમારાત (ગુરૂવારની રાત) નાં ખાને થાળ લઈ જઈએ છીએ ત્યારે ત્યાં હાંભળીએ છીએ કે :—
સર્વે બાઈ ભાઈ એક એક દોકડો મુકીને દર્શન કરજો. આજ કળજુગમાં આજ દર્શન હાચાં છે. જુઓ માંહે ધલધલ ઘોડો બીજો સિંહને ત્રીજું ત્રધારું ખાંડું છે, જે ખાંડુ શાહોજી હાથમાં લેશે ધલધલ ઘોડા માથે ચડશે તઈએ કલજુગ ભરાશે, તેથી એ નિશાન આપણા શાહોજીએ આપણને આગળથી વતાડ્યાં છે. તેથી બધાએ દર્શન કરવા જોઈએ. જો દોકડો રોકડો ન હોય તો જાર (જુવાર) બાજરો, ઘઉં કે જવ જે ધાન ઘરમાં હોય તે લઈ આવીને પણ દર્શન જરૂર કરવાં જોઈએ. જેથી આપણો સતગુરૂ ઈમામશાહ રાજી થશે ને આપણા બધાઓનો ઓધાર, ને આપણે જે ગુનાઓથી ચોર કર્યા હશે તે બધાએ છોડશે.
લક્ષ્મી— વહારે બેન ! મરઘાબાઈ !! ત્યારે તો તમને બધુંએ આવડે છે. વહારે ઈમામશાહ તને પણ શાબાશ છે, કે કેવાં બીચારાં મેઢાં જેવા માણસોને ભણાવી મુક્યાં છે. અરે ! બેન !! એ તમારે ધલધલ ઘોડે અને ત્રધારે ખાંડે તો તમોને આજે પાયમાલ કરી મુક્યા છે, જુઓને આજે આખી સૃષ્ટિમાં તમારી જેમ હડધુત કોઈ થાય છે ? જ્યાં જાઓ ત્યાં મુમના, મતીઆ, અરે ઈસમાયલી વટલેલા વગેરે વાતું વગર બીજી કોઈ વાત તમો સાંભળો છો ? જ્યાં જુઓ ત્યાં તમારા પીરાણા પંથની જ મોકાણ છે. ઘરે દરબારે જ્યાં જુઓ ત્યાં એજ તમારા પીરાણા પંથની જ પીંજણ પીંજાઈ રહી છે. તો પણ હજી બાઈ તમે કાંઈ આંખ ઉઘાડો છો ?
બેન ! જરાક વિચાર તો કરો ? તમારા પાસામાં રહેતાં મહાજનોના કોઈ માણસને પુછી તો જુઓ, કે તમારું પીરાણા ધર્મ કેવું છે ? અને તેમાં ધલધલ ઘોડો ને ખાંડુ (તલવાર) તેમજ તમારા પાવળની ગોળીએ તો તમારી દુર્દશા કરી છે બેન !?
મરઘાં—બોન લખમાં બાઈ ! તમે કો રહ્યાં તે તો બંધુએ હું એ હમજું રહી અમારા ભાણીઆનો બાપ એક દી ઘરે રહ્યા હતા, તઈએ કેતા હતા કે હવે આપણે પણ સૈયદને વરહોંદી (વરસોદી)* દેવી ન જોઈએ અને કાકાઓને પણ પીરાણે પૈસા મુકવા ન જોઈએ એમ ખાનામાં મુખી વાત કરતા હતા, કે આપણા પરદેશવાળા મંડળવાળા છાપા કાઢે છે. તેમાં લખે રહ્યા કે સૈયદો અને કાકાઓ આપણો ધર્માદાનો બધો પૈસો કોર્ટોમાં વાપરે રહ્યા. કેસ હલાવી વકીલોના ઘર ભરે રહ્યા આપણે જે સદાવ્રતનું કહીએ છીએ ધેગું ચડવાની વાતો કરીએ છીએ તેનું તો મુખીઓ ખાનામાં જમારાતે વાત કરતા હતા કે હવે કળજુગ તો બધા માંહે વ્યાપી ગયો છે. કાકાએ પગ મુકી દીધા, ને ઊંધા ધંધા કરવા મંડ્યા છે. તેમ સૈયદોએ તો હવે બિલકુલ જરાએ માજા રાખી નથી. જ્યાં જુઓ ત્યાં હડકુતો થઈ રહ્યા છે, તેથી પીરાણે પૈસો મુકવામાં હવે જરાએ સાર નથી. પણ શું કરીએ ઓ બધી કોમ હૈયા હમજે તેમ નથી.
લક્ષ્મી—લ્યો ! બાઈ ?! હવે કોણ ખોટું છાપાવાળા કે તમારા કાકા કે સૈયદો કહો જોઈએ બેન ?
મરઘાં— મુકોને કરશે તે ભરશે, એમાં આપણે શું, આપણે તો ધર્માદા દઈએ રહ્યા પછે ભલે ગમે ત્યાં ફગાવે તેમાં આપણને શું ?લ્યો બાઈ હવે હું જાઉં રહી. હજી પાણી ભરવું છે, હજવારી (ઝાડું) કાઢવી છે. તે કાઢશું ત્યાં હુદી દિવસ પણ આથમી જશે.
લક્ષ્મી—બેસોને જવાય છે. બેન મરઘાં બાઈ આહીં તો તમને કાંક વિસામો મળે છે પણ દેશમાં તો ઘણું કામ કરવું પડતું હશે કેમ ?
મરઘાં—બાઈ દેશની તો વાતે શું કરીએ હવારમાં પરો (પોહો) ફુટે કે ન ફુટે ત્યાં તો ઉઠવું પડે તે ઉઠીને ઘેંટી માંડવી તે પાંચ છ પાલી ધાન દળી લઉં ત્યાં હુદી તો ઓણી કોર મુઆં છોરાં ઉઠે તે તો રો કકળ કરી મુકે. તેને હમજાવી ધવરાવીને ચોપાંને ખાણ મુકું, ગાય, ભેંહને દોહું (તો એ છાંય તો અમારો વરહોદીઓ કરે છે), પણ તેના ઠામણાં ઠીકરાં ધોવાં પડે નાં ! ત્યાં બીચારા માણસ છાય લેવા આવે તેને છાંય દેવી તે દઉં ત્યાં હુદી ગાયુ છોડવાનું ટાણું થાય તેને અઢાવું, ત્યાં હુદી શીરામ ભરવાનું ટાણું થાય તે ભરી તૈયાર કરૂં.
લક્ષ્મી— વાહ રે બેન ?! એટલું બધું કામ કે બે ઘડી બેસવાની એ ફુરસદ ન મળે ? ઘણી કામગીરીને લીધે તમોને દાંતણ પાણીનીએ ઘડીની ફુરસદ નહીં મળતી હોય કેમ ?
મરઘાં— અરે દાંતણ કરવા તે વળી ઘડી પા ઘડી નવરાંતે બેસી શકાય ? એ તો મોંઢામાં દાંતણ કંઈ ચાવ્યું ન ચાવ્યું ને કઈ એક તો એમ જ પાણીનો કળસીઓ લીધો હાથમાં ને કર્યા બે કોગળા એટલે પત્યું કામ. કંઈ એક તો તેટલી વારમાં વળી બે ત્રણ બીજાંએ કામો પતાવી લઉં છું જો નવરાંતે દાંતણ કરવા બેહું તો દી એમ જ ચડી જાય. તેથી કામથી પરવારીને કંઈએ વાડીએ જવું. ઇયાં તો કેટલીક વાતે ઘણુએ હારૂં છે.
લક્ષ્મી— એમ છે ! ત્યારે તો બેન તમને કાંઈક શાન્તિ વિસામો મળે છે ખરો ! વાહ ! વાહ ! હવે તમો ઘરનું કામકાજ પણ બહુ જ શાન્તપણે કરી શકતા હશો ? ભલા બેન ! દેશ કરતાં આંહી તમોને દરેક રીતે સારું લાગે છે કેમ ?
મરઘાં— ઇયા તો ઠીક છે આપણા કમાવા વાળાને જ્યાં ધંધો હોય ત્યાં આપણે પણ રહેવું જ જોઈએ ના ?
લક્ષ્મી— ધન્ય છે બાઈ એજ સંસ્કારોના લીધે તમો પણ સુખી થવાના છો, આપણા સનાતન હિન્દુ ધર્મનો મુખ્ય પાયો જ પતિ વૃત છે. આપણો સ્ત્રી વર્ગનો મુખ્ય ધર્મ એજ છે કે પતિના સુખે સુખી ને પતિના દુઃખે દુઃખી. તેમની રહેણીકરણી પર જ આપણાં વર્તનની જરૂર છે. તેમની સગવડે જ આપણી બધી સગવડ તેમની આજ્ઞામાં રહી હમેશાં તેમના દરેક કાર્યમાં અનુકૂળતા આપવી એમાં જ આપણા ધર્મનું સાર્થક સમાયેલું છે બેન !
(અપૂર્ણ)
* વરહોંદી / વરસોદી એટલે જેણે સૈયદોને ગુરૂ કર્યા હોય તેણે દર વર્ષે ઘરના માણસ દીઠ સવા રૂપીયો આપવો તે.
“પાટીદાર ઉદય” માસિકમાં જાહેરખબર આપવાના ભાવ |
|||
|
એક પેજ |
અર્ધું પેજ |
પા પેજ |
એક વર્ષ |
૩૬ |
૨૦ |
૧૧ |
છ માસ |
૨૦ |
૧૧ |
૬ |
ત્રણ માસ |
૧૧ |
૬ |
૩॥ |
એક માસ |
૪ |
૨॥ |
૧॥ |
ઉપર પ્રમાણે ભાવ છે, ટૂંકી જાહેર ખબર માટે ચાર લાઇનનો રૂા. ૧ એક, એક વખતનો છે. જાહેર ખબરના નાણાં અગાઉથી લેવામાં આવશે. વધુ ખુલાસા માટે પૂછો. વ્યવસ્થાપક, પાટીદાર ઉદય ઓફીસ, રણછોડ લાઇન, કરાંચી
|
ગેઢેરાઈ અમારી છે.
લેખક : શીવજી કાનજી પારસીયા
બળો કાં જોઈને અમને, |
ગેઢેરાઈ અમારી છે; |
|
ડરીશું ના અમો તમથી, |
ગેઢેરાઈ અમારી છે |
…૧ |
અમારા રોમ રોમે હાં |
ગેઢેરાઈ તણી છાપો; |
|
ફીટાડી ના કદી શકશો, |
ગેઢેરાઈ અમારી છે |
…૨ |
અમારી ખાસ આજ્ઞાને, |
ખુશીથી સૌ સ્વીકારી લ્યો; |
|
નહીં માનો તો પસ્તાશો, |
ગેઢેરાઈ અમારી છે |
…૩ |
કરીશું ન્યાત બહારે ને, |
વળી સગપણ તોડીશું; |
|
લડીશું પંચના પૈસેથી, |
ગેઢેરાઈ અમારી છે |
…૪ |
કરાવા છુટકા તે તો, |
અમારો ખાસ ધંધો છે; |
|
તજીએ જીવ જાતાં ના, |
ગેઢેરાઈ અમારી છે |
…૫ |
અગર ખાવા જો નહિ મળશે, |
કદાપી મોચડાં જડશે; |
|
મુબારક હો ગેઢેરાઈ |
ગેઢેરાઈ અમારી છે |
…૬ |
અમારા વંશજોને પણ, |
દઈશું વારસા નામું; |
|
ગેઢેરાઈ ગરજ શાની, |
ગેઢેરાઈ અમારી છે |
…૭ |
સભાઓ નોટીસો પરીષદ, |
ઠરાવોની નથી પરવા; |
|
હુકમને હુંડી@ અમ હાથે, |
ગેઢેરાઈ અમારી છે |
…૮ |
અમારા પેટમાં પૈસો, |
પીરાણાની હુંડી નો છે; |
|
અમોને માન આપે સૌ |
ગેઢેરાઈ અમારી છે |
…૯ |
તમોથી શું થવાનું છે, |
જબર સત્તા અમારી છે; |
|
અમોથી સૌ રહ્યા ધ્રુજી, |
ગેઢેરાઈ અમારી છે |
…૧૦ |
સુધારો થાય પળમાં પણ, |
અમારા પેટ ખોટાં છે; |
|
તમારી વાત સાચી હાં ! |
ગેઢેરાઈ અમારી છે |
…૧૧ |
તમારૂં સાચવી બેસો, |
અમોને હાં ! વગોવોનાં; |
|
ગરીબોને સતાવા દયો, |
ગેઢેરાઈ અમારી છે |
…૧૨ |
જ્ઞાતિનું લોહી પીવાને, |
અમોએ જન્મ લીધો છે; |
|
અમોને એજ સારું છે, |
ગેઢેરાઈ અમારી છે |
…૧૩ |
મરીને જવાબ દેવો છે, |
પીરાણા પોલં પોલ ને; |
|
કરોડો બાર+ કરવા છે, |
ગેઢેરાઈ અમારી છે |
…૧૪ |
અમારી આપ ખુદીને |
તમે ખુલ્લી ઘણી પાડી; |
|
હવે તો ચૂપ થઈ રહીશું |
ગેઢેરાઈ અમારી છે |
…૧૫ |
* ગેઢેરાઈનો હક્ક @ હુંડી એટલે ધર્માદાના નાણાં + કરોડોબાર એટલે પીર સોદરદીન આખરને દહાડે બાર કરોડનું ભારણું ભરશે (સ્વર્ગ કે નર્કનું તે તો તે જાણે)
પાટીદાર જ્ઞાતિના એક રત્નનું અકાળે અવસાન
અમોને લખતાં અત્યંત દીલગીરી થાય છે કે ગયા શ્રાવણ માસની વદ, ૧૪ની કાળી રાત્રે આપણી જ્ઞાતિના પૂર્ણ ભક્ત અને સુધારક મંડળના સાચા સલાહકાર તેમજ કચ્છ કડવા પાટીદાર સુધારક યુવક મંડળના ઉપપ્રમુખ, કચ્છ નખત્રાણા નિવાસી ભાઈ ખેતા ડોસા પોકારનું મહાદુષ્ટ પ્લેગના રોગથી અકાળે મૃત્યુ થયું છે. આ ખબર સાંભળતાં સુધારક ભાઈઓમાં અરે ! કરાંચી નિવાસી આખી પાટીદાર જ્ઞાતિ અને અન્ય જ્ઞાતિનાં માણસોમાં ભારે દીલગીરી ફેલાઈ ગઈ હતી. તેથી તે દિવસે સર્વ સુધારક ભાઈઓએ પોતાના કામ ધંધા બંધ કરી સ્વર્ગસ્થના શબને છેલ્લી મંજીલે પહોંચાડવાને માટે તેમના ઘેર ભેગા થયા હતા. તેઓશ્રીના શબને સ્મશાન યાત્રાએ લઈ જતી વખતે સવાસોથી દોઢસો માણસો સ્મશાન સુધી સાથે આવ્યા હતા ત્યાં તે શબને અગ્નિદાહ કરતી વખતે ભારે દીલગીરી જાહેર કરી હતી.
મરહુમ આપણી જ્ઞાતિના એક ચુસ્ત સુધારક હતા. દેશાટન કરી સારું જ્ઞાન અને પથ્થરના શિલ્પી કામનો સારો હુનર હાથ કર્યો હતો. તેઓશ્રીએ આજ લગભગ ત્રણ ચાર વર્ષથી હાથે કામ કરવું મૂકી દઈને કરાચીના પ્રખ્યાત મિલિટરી કોન્ટ્રાક્ટર શેઠ શીવજી ગણેશના પાસે મિસ્ત્રી તરીકેની નોકરી કરતા, શેઠશ્રી પાસેથી એક સારા કોન્ટ્રાક્ટર જેટલું જ્ઞાન મેળવ્યું હતું, તેથી તે હાલ છ સાત માસથી ખાસ ભાગીદાર કુાં. કરી પોતાના નામ ઉપર કોન્ટ્રાક્ટના કામો લેવા લાગ્યા હતા (જેમાંના બે ત્રણ કામો હાલમાં ચાલે છે) અમો સર્વને આશા હતી કે આ માણસ થોડા દીવસમાં બાહોશ કોન્ટ્રાક્ટર થઈ જશે. પણ તે વિધાતાને નહીં ગમવાથી અને આપણી જ્ઞાતિના સુધારકોનાં નસીબમાં ઓછપ હોવાથી કાળચક્રના પવનથી આ દીવો હોલવાઈ ગયો.
ગયા વીવાને વખતે અમોએ તેમના પાસે હસતાં હસતાં વાત કરી હતી કે આપણે કચ્છમાં બધા ભાઈઓ ભેગા થઈશું. તેથી જો તે વખતે પરિષદ ભરીએ તો કેમ ? આટલી અમારી વાત સાંભળતાં જ એ વીર નરના હૃદયમાં એક નવીન જાતનો આનંદ પેદા થયો અને કરાંચી મુંબઈવાસી તેમજ હૈદ્રાબાદ વગેરે પરદેશમાં વસતા આપણા સુધારક ભાઈઓ સાથે વાટાઘાટ કરીને સૌને એકમત કરી કચ્છમાં પરિષદ ભરવાનું નક્કી કર્યું હતું અને અત્રે તૈયારી કરવાને તે વખતના સુધારક મંડળના સેક્રેટરી ભાઈ શીવજી કાનજીને કહી પણ દીધું હતું કે તમો કચ્છમાં પરિષદ ભરવાને માટે તૈયારી કરો. જેથી અત્રે ભાઈ શીવજીએ સર્વે ભાઈઓને તૈયાર કર્યા હતા અને બહુ જ ઉત્સાહથી અમો સર્વે કચ્છમાં ગયા હતા. પણ પ્રભુની અવકૃપાથી વીવાના મામેરાને સામૈયા કરતાં ત્યાં દારૂ સળગવાથી તેમાં તેમના કુટુંબના માણસોને ઈજા થઈ હતી. જેથી સર્વથી વધારે તેમના ચિરજીંવીને અને તેમને થઈ હતી. જેથી તે દાઝવાથી તેમના એકના એક પુત્રનું મરણ થયું હતું, તો પણ પુત્ર વિયોગને નહિ સંભારતા અને પોતાના શરીરે અતિશય પીડા હોવા છતાં પણ મુખેથી હંમેશાં એજ ઝંખના હતી કે “પરિષદની તારીખ કઈ નક્કી કરી છે” ? અહાહા ! આ તેમના બોલ જે વખતે અમો યાદ કરીએ છીએ તે વખતે અમારી આંખોમાંથી દડદડ આંસુ વહેવા લાગે છે કે કેટલી તેમની જ્ઞાતિ ભક્તિ અને કેટલી તેમની હિંમત !! ધન્ય હો આવા વીર નરને.
અમો ત્યાંથી કરાંચી આવ્યા ત્યાં તો પાછળથી તેમની એકની એક પુત્રીના પણ મરણ સમાચાર આવ્યા. અમો તે સાંભળીને અતિશય દિલગીર થયા, પણ તેઓશ્રીએ બિલકુલ ઓછું ન આણતાં એકદમ હિંમતમાં રહીને આગેવાન થઈને જ્ઞાતિ સુધારવાનું કામ કરવા માંડ્યું. જેમાં “પાટીદાર ઉદય” માસિક પત્ર કાઢવાની સલાહ પણ તેઓ શ્રી એ જ અમોને આપી હતી અને ભાઈ શ્રી ખીમજી શીવજીની સાથે મસલત કરીને ઉદય ના માટે મદદ પણ તેઓ શ્રીએજ મેળવી આપી. જેનો એક અંક બહાર પડે તેટલામાં તો તેમનાં ધર્મપત્ની બાઈ હીરબાઈનો પણ સ્વર્ગવાસ થયો. (જેના ખબર આગળના અંકમાં આવી ગયા છે) હવે તેમના ઉપર પૂરેપૂરી આફત આવી પડી. સ્નેહી વર્ગ તેમને કોઈ વખતે કહેતા કે “ઘણું ખોટું થયું” આ સાંભળી તેઓ શ્રી એટલો જ જવાબ દેતા કે “નારાયણની મરજી એમાં આપણાથી શું થાય?”
આવું દુઃખ હોવા છતાં પણ તેઓએ તેને બિલકુલ કોઈ વખતે યાદ કર્યું ન હતું પણ હિંમતથી જ્ઞાતિ સુધારાના કામમાં હવેથી પૂર્ણ વખત આપવા લાગ્યા હતા. તેઓ શ્રી બહુ જ મળતાવડા સ્વભાવના અને માયાળુ હતા, હમેશાં અમોને જ્ઞાતિ સંબંધી સુધારાની સલાહ આપતા હતા.
અહાહા !!! આ વીરનરની અમો કેટલી વાતું યાદ કરીએ ધન્ય છે તેમની હિંમતને “પ્રભુ અમારી જ્ઞાતિમાં ભક્તો પેદા કરે તો આવા જ કરજે” પોતાનું ઘર ભંગ થયું, સંતાનો વગરના થયા, તો પણ તેમના મુખ ઉપર ક્યારે પણ ઉદાસીનતા જોવામાં આવી નહોતી, તે હંમેશા આનંદથી રહેતા, ને મુખથી કહેતા કે :
ભલું થયું ભાંગી જંજાળ,
સુખે સુધારીશું જ્ઞાતિબાળ
તો પણ ઈશ્વરને ન ગમ્યું અને અંતે શ્રાવણ સુદ ૧૪ની ઘોર રાત્રીના દોઢ વાગ્યે પોતાના કુટુંબીઓ અને સ્નેહી મંડળને રોતા મૂકી આ ફાની દુનિયામાંથી ચાલ્યા ગયા છે. પ્રભુ તેમના અમર આત્માને શાંતિ આપો, અને તેમના કુટુંબીઓને તેમનો વિયોગ સહન કરવાની શક્તિ આપો. એવી પ્રભુ પ્રત્યે અમારી પ્રાર્થના છે !
હા ! વજ્રપાત ! ભાઈ ખેતાભાઈ ડોસા પોકાર !
ઓ પરમાત્મન્ તમે આ શો ગજબ કર્યો ? આવો અણધાર્યો વજ્રપાત કડવા પાટીદાર કુળ ભૂષણ, ઉત્સાહી વીર નર, આ સંસારથી વિદાય થઈ આપના ચરણોમાં વાસ કરે છે.
ઓ પરમાત્મન્ જેની અહીં જરૂર છે. તેથી આપને ત્યાં પણ જરૂર છે.
મરનાર સ્વજ્ઞાતિ હીતચિંતક સ્નેહ પૂર્ણ એક યુવાન નર આજ સંસારરૂપી સમુદ્રની મુસાફરી પૂરી કરી, કાળચક્રના શરણે થઈ દેશ વિદેશના પરિવાર ભાઈ, ભત્રીજા, સ્નેહી મિત્ર મંડળને દુઃખના સાગરમાં ડુબાડી સંસારથી વિદાય થયો છે. તેમના ધર્મપત્નીનું અવસાન પણ નજીકમાં આજ વર્ષમાં થયું છે (જેની નોંધ પાટીદાર ઉદયમાં આવી ગઈ છે.)
મરનારની દીલગીરી સર્વ કોઈ ખેદ પૂર્વક કરે છે. તેના સમાગમમાં આવી ગયેલા પ્રત્યેક આ વજ્રપાતના બનાવથી હે રામ ! હે રામ !!! તારી મરજી પોકારી બળજોર નથી એમ સ્વમુખે વદી રહ્યા છે વદી, રહેશે ?
મરનાર યુવાન. ભણેલ વક્તા, તથા જ્ઞાતિ માટે સદૈવ લાગણી ધરાવનાર ફીકર રાખનારો શાહુકારોની નિસ્બત ધરાવનાર, સુખી જિંદગી ગાળી પરમાત્માને શરણ થયો છે.
ગત્ કડવા પાટીદાર પરિષદમાં તથા નખત્રાણાની સભામાં જહેમત ઉઠાવી જ્ઞાતિકીય વિષયમાં રસપૂર્વક ભાગ લીધો હતો. ઓ ! પરમાત્મા દેવ તેના આત્માને જ્ઞાતિકીય ભાવના પુનર્જન્મમાં પણ આપશો એવી પ્રાર્થના છે.
છેવટે પરમ દયાળુ સર્વાધાર સર્વ શક્તિમાન જગદીશ્વર મૃત આત્માને શાન્તિ બક્ષવાની સંગાથે પાછળના દુઃખીત પરિવારને આ વજ્રપાત સમાન વ્યથા સહન કરવાની શક્તિ અર્પો એજ અભ્યર્થના સાથે વિરમતો.
હું છું મૃત આત્માનો મિત્ર.
રામજી વિ. વાલજી
શરદી, ખાંસી, છાતીનો દુઃખાવો, સળેખમ, માથાનો દુઃખાવો, કમરનું શૂળ, સંધિવા, ખરજવું, ચામડીની ચળ વગેરે માટે અક્સીર કોહીનુર પેન બામ લગાડવાથી તમામ દર્દો મટે છે. દરેક ઘરમાં આ દવાની ખાસ જરૂર છે. તાત્કાલીક અસર કરનાર તથા મુસાફરીમાં ખાસ રાખવા લાયક છે. બનાવનાર : ધી કોહીનુર કેમીકલ વકર્સ, ઠે. નાનકવાડા તથા રણછોડ લાઇન, કરાચી. |
ઘાટકોપરમાં શ્રી કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિ સુધારક
યુવક મંડળની શોકદર્શક
જાહેર સભા
સ્વર્ગસ્થ જ્ઞાતિ બંધુ કરાચીમાં સ્થપાયેલ શ્રી કચ્છ કડવા પાટીદાર યુવક મંડળના કાર્યવાહક તથા શ્રી કચ્છ દેશના કડવા પાટીદાર જ્ઞાતિની કરાચીમાં મળેલી બીજી પરિષદના સ્વાગત મંડળના પ્રમુખ રા. રા. ખેતાભાઈ ડોસા પોકાર ગામ નખત્રાણાવાળાના અકાળે સ્વર્ગવાસ થવા માટે દીલગીરી દર્શાવવા ઘાટકોપરમાં વસતા કચ્છી કડવા પાટીદાર બંધુઓની એક જાહેર સભા તા. ૧૮—૯—૧૯૨૩ના દીવસે શેઠ ઉમરશી રાયશીના કંમ્પાઉન્ડમાં રા. નારાયણજી રામજીભાઈના રહેવાના મકાને મળી હતી. સભાનું પ્રમુખ સ્થાન રા. રા. રતનશીભાઈ કરશન ગામ ગઢશીશા વાળાને આપવામાં આવ્યું હતું.
શરૂઆતમાં સભાના પ્રમુખ રા. રતનશીભાઈ કરશને મર્હુમ ખેતાભાઈ ડોસા પોકાર જ્ઞાતિ સુધારાના ચુસ્ત હિમાયતી હતા. એટલું જ નહિ પરંતુ ખેતાભાઈએ તેમજ તેઓના કુટુંબે પીરાણા કબ્રસ્તાની પંથને કેટલાંએ વર્ષો થયાં તિલાંજલી આપી છે અને તેઓ ખરા સનાતન વૈદીક ધર્મના ઉપાસક હતા. સ્વર્ગસ્થે ઉદાર સ્વભાવ અને ઉત્તમ ચારિત્રથી આપણી જ્ઞાતિની અનેક પ્રકારની અમુલ્ય સેવા બજાવી છે વગેરે લંબાણથી વિવેચન કરી અને તેમની જ્ઞાતિ સેવાની પીછાણ કરાવી હતી.
ત્યાર બાદ નીચલો ઠરાવ સભા સમક્ષ જ્ઞાતિ ભક્ત ભાઈશ્રી નારાયણજી રામજી ભાઈ ગામ વિરાણીવાળાએ રજુ કર્યો હતો અને તે સભાએ સ્વર્ગસ્થ બંધુના માનની ખાતર ઉભા થઈને પસાર કર્યો હતો.
ઠરાવ
કચ્છ દેશની કડવા પાટીદાર જ્ઞાતિમાં પ્રખ્યાત થયેલા જ્ઞાતિ હિત ચિંતક કર્મવીર જ્ઞાતિ ભક્ત ભાઈશ્રી ખેતાભાઈ ડોસા પોકારના યુવાવસ્થામાં થયેલા અતિ શોકજનક સ્વર્ગવાસ માટે કચ્છી બંધુઓની જ્ઞાતિ સુધારક યુવક મંડળની આ સભા પોતાના સાચા હૃદયથી અત્યંત દીલગીરી જાહેર કરે છે અને સ્વર્ગસ્થ બંધુના કુટુંબ પ્રત્યે અંતઃકરણની દીલસોજી જાહેર કરી મર્હુમના આત્માને ઈશ્વર શાન્તિ આપે તેવી પરમ કૃપાળુ પરમાત્મા પ્રત્યે પ્રાર્થના કરે છે.
ત્યારબાદ ભાઈશ્રી નારાયણજી રામજીભાઈએ સ્વર્ગવાસી બન્ધુના ગુણગાનનું વિશેષ વર્ણન કરી કેટલીક જાણવા જોગ બાબતોના માટે સભાનું નીચે પ્રમાણે ધ્યાન ખેચ્યું હતું.
પ્રિય જ્ઞાતિ બન્ધુઓ ! આજે આપણે બધાને હૃદયભેદક દીલગીરીના માઠા સમચાાર સાંભળી શોકના પ્રબળ અગ્નિથી આપણા હૃદયમાં લાય લાગી રહી છે, ચક્ષુઓમાં અશ્રુઓ વહે જાય છે, આપણા ગાત્ર શિથિલ બન્યાં છે, બુદ્ધિ શુન્યવત્ થઈ ગઈ છે, પણ કરવું શું ? પરમાત્માની ઇચ્છાને આધિન થયા સિવાય મનુષ્ય માત્રનો અન્ય ઉપાય નથી પ્રારબ્ધ જે સંયોગોમાં લાવી મુકે તેની ઇચ્છાએ કે અનિઇચ્છાએ સ્વીકાર કરવો જ પડે છે. આપણી જ્ઞાતિની સ્થિતિ હજુ ડામાડોળ જેવી સ્થિતિમાં છે. જુલમી આગેવાનો આપણા યુવક મંડળના ભાઈઓ ઉપર પોતાના જુલમી હથિયારો વડે પ્રહાર કરે જ જાય છે. આવા કટોકટીના પ્રસંગે એક વીર બહાદુર આપણા નાયકના સ્વર્ગવાસના સમાચારથી આપણા હૃદય કકળી ઉઠે છે. આવા દુઃખદાયક પ્રસંગો આપણા પ્રારબ્ધમાં નિર્માણ થયા હશે તેને કોણ મિથ્યા કરી શકે ? માટે મારા વીર બન્ધુઓ તમારા મન અને હૃદય પથ્થર સમાન મજબુત બનાવી પ્રારબ્ધને આધિન બની આપણી ફરજો બજાવવા સિવાય આપણને બીજો કોઈ રસ્તો જ નથી.
મારા તે પ્રિય સ્નેહી બાળમિત્ર ભાઈશ્રી ખેતાભાઈ ડોસા પોકારના સ્વર્ગવાસથી કચ્છના કડવા પાટીદાર જ્ઞાતિને જે ખોટ થઈ છે તે કોઈ રીતે પૂરી શકાય નહિ તેવી છે.
પરમાત્માની લીલા તો જુવો બે વર્ષની અંદર પ્રથમ ખેતા ભાઈના ચિરંજીવીનો સ્વર્ગવાસ પછી પુત્રીનો અને થોડા મહીના પહેલાં તેમના સુશીલ ધર્મપત્ની સતિ સાધવીનો સ્વર્ગવાસ અને આપણે આપણા કર્મ વીર બન્ધુ ખેતાભાઈના સ્વર્ગવાસ નિમિત્તે દિલગીરી દર્શાવવા ભેગા મળ્યા છીએ. દેવની ગતિ વિચિત્ર છે. ખેતાભાઈ એક દેખાતા ગૃહસ્થાશ્રમી તથા અંતરના વિરાગી નિઃસ્વાર્થ પરમાર્થીક જીવન ગાળનાર કર્મયોગીને પરમાત્માએ આપણા વચ્ચેથી બોલાવી લીધા વિધીની વિચિત્ર ઘટનાનો કોણ પાર પામી શકે છે. સ્વર્ગવાસી બન્ધુ સ્વભાવે નમ્ર સમયસુચક હિંમતવાનને દૃઢ મનના હતા. તેઓ કોઈ પણ કાર્યનો આરંભ પૂર્ણ વિચાર કર્યા સિવાય કરતાં જ નહિ અને જે કાર્ય હાથ ધરતા તેને તે પૂરું થતાં સુધી ખંતપૂર્વક વળગી રહેતા બીજા ભાઈઓને પોતાની સાથે મેળવી લઈ તેમના પાસેથી કામ લેવાની તેમની શક્તિ અજબ પ્રકારની હતી બે વર્ષ થયાં તેમના ઉપરે પોતાના કુટુંબના જે કારી જખમો એક પછી એક ચાલુ જ હતા. બાર વર્ષનો એક નો એક સુકુમાર બાળક ગત થયો એકની એક જ દીકરીને પણ પરમાત્માએ પોતાના દરબારમાં બોલાવી લીધી છેવટે પોતાના સુખ દુઃખની ભાગીદાર સાથી ધર્મપરાયણ સતિ સ્ત્રીના દીલાસાનું સુખ પણ પરમાત્માએ ખુંચવી લીધું તો પણ એ ભાઈએ પોતાની હિંમત હારી ન્હોતી કદી પણ ઉદાસીનતા સેવી ન્હોતી પ્રથમની માફક જ ઉત્સાહ પૂર્વક જ્ઞાતિ સેવામાં અગ્ર ભાગ લેતા હતા. કરાંચી નિવાસી આપણા જ્ઞાતિ સુધારક બન્ધુઓને ખેતાભાઈની ખોટ જણાશે મર્હુમના વિચારો આપણામાના ઘણા ભાઈઓએ કરાચીમાં આપણી બીજી પરિષદની બેઠક મળી ત્યારે જાણ્યા છે. તેમની ઉદાર વૃત્તિ હૃદયનું નીખાલસપણું અને ગમે તેવા ભાઈઓને પણ સાચે સાચું કહી દેવાનો તેમનો સ્વભાવ ખરેખર મનન કરવા યોગ્ય છે.
આપણી જ્ઞાતિના સુધારાનું કાર્ય હાલમાં કરાંચીમાં મુખ્ય કરીને વિશેષ થાય છે. ત્યાંના યુવકોના ઉત્સાહનો ધોધ હજુ જેવોને તેવો ચાલુ જ છે. કેટલાક ભાઈઓના સાહસના પરિણામે ભાઈશ્રી રતનશી શીવજી ગામ રવાપરવાળાએ જ્ઞાતિ સેવા અર્થે પાટીદાર ઉદય નામનું માસિક બે મહિના થયાં કરાંચીમાં પ્રગટ કરે છે તેને મર્હુમ ખેતાભાઈનો મોટો આશ્રય હતો તે હાલ ગત થયો છે. માટે હું આપ સર્વ ભાઈઓને વિનંતી કરું છું કે આપ ભાઈઓને મર્હુમ ખેતાભાઈ તરફ લાગણી કે માન હોય તો તે માનની ખાતર પાટીદાર ઉદય માસિકને તન, મન અને ધનની મદદના ભોગે સજીવન રાખશો અને તેથી જ આપણી જ્ઞાતિ સ્થિતિ આપણે સુધારી શકીશું. આપણી જ્ઞાતિનો ઉદય એજ સ્વર્ગ વાસી બન્ધુની અંતિમ ઇચ્છા. એ ઇચ્છા પાર પાડવાને આપણે બધા કાચા સુતરના તાતણે બંધાયેલા છીએ છેવટે પરમાત્માને પ્રાર્થના કરું છું કે મારો બાળ સ્નેહી પ્રિય મિત્રના આત્માને પ્રભુ શાંતિ આપે.
ત્યારબાદ ઘાટકોપર યુવક મંડળના સેક્રેટરી ભાઈ શ્રી રતનશી ખીમજી ખેતાણીએ મર્હુમના ઉત્તમ ચારિત્ર્યની પ્રશંસા કરતાં જાહેર કર્યું કે ખેતાભાઈ ડોસા પોકાર મારા સગા હતા પરંતુ સગા સંબંધીઓ કરતાં પણ વિશેષ તેઓ મારા અંગત મિત્ર પણ હતાં. કરાંચીની મારી બે વખતની મુસાફરીમાં કરાંચીમાના આપણા યુવક મંડળના સભ્યો અને કાર્ય વાહકોમાં ખેતાભાઈ ડોસા પોકારના જેવા બુદ્ધિશાળી, પ્રભાવશાળી અને સત્ય વક્તા જેવા બીજા ભાઈઓ ભાગ્યે જ હશે. પહેલી પરિષદ વખતે કાંઈ કારણસર તેઓ તટસ્થ હતા. પરંતુ જ્યારે પૂજ્ય શ્રી નારાયણજી ભાઈ અને મારી રૂબરૂમાં તેઓના મનનું સમાધાન કરવામાં આવ્યું હતું. ત્યારથી તે સ્વર્ગવાસી થયા ત્યાં સુધી તેમનામાં કોઈ પ્રકારની ભિન્નતા મેં જોઈ નથી અડગપણે કોઈ પણ વિરોધીની દરકાર કર્યા સિવાય જ્ઞાતિ સેવાનું કાર્ય નિર્ભય પણે કરતા જ હતા. કરાંચી માના યુવક મંડળના તે એક સ્થંભ રૂપ હતા તેમના સ્વર્ગવાસથી આપણા જ્ઞાતિ સુધારક યુવક મંડળોને ભારે ખોટ થઈ છે. મર્હુમનો આત્મા સ્વર્ગમાં પણ આપણી જ્ઞાતિની અધોગતિ નિહાળતો જ હશે. એ અધોગતિ ટળી જાએ અને સ્વર્ગવાસી બન્ધુના હૃદયની અંતિમ ઇચ્છા કચ્છના કડવા પાટીદારોનો ઉદય થયેલો જોવાની હતી. તે પાટીદાર ઉદય માસિકથી થાય કે પછી બીજા ગમે તે પ્રયત્ને આપણી જ્ઞાતિ બીજી અન્ય જ્ઞાતિઓમાં ઉચ્ચ સ્થાનને પામે તેવું કરવાને કમર કસીને આપણી જ્ઞાતિ નો જલદીથી ઉદય થાય એવું કરીએ કે જેથી સ્વર્ગમાં પણ તે બન્ધુના આત્માને શાંતિ મળે આપણે મર્હુમના ગુણોનું કે શોક નું વર્ણન કરે કશું વળવાનું નથી. ખેતા ભાઈના માટે જો આપણને માન હોય તો તેમની ખાલી પડેલી જગ્યા પૂરવા આપણે બધાએ મળીને પુરૂષાર્થ કરવો જ જોઈએ અને ભાઈશ્રી રતનસી શીવજીને પાટીદાર ઉદય નામના આપણા માસિકના માટે આપણે દરેક રીતે અનુકૂળ થઈ તેમનો રસ્તો ખુલ્લો કરવો જોઈએ. છેવટે પ્રભુ પાસે મારી પ્રાર્થના છે કે મર્હુમના કુટુંબને જે કારી જખમ થયો છે. ખેતાભાઈના વિયોગનું દુઃખ ન સહન થઈ શકે તેવું છે. તથા સ્વર્ગવાસી બન્ધુના સગાં મિત્રો અને યુવક મંડળના ભાઈઓ તેમજ મર્હુમના વખાણનારાઓના હૃદયમાં આ કારમું દુઃખ સહન કરવાની પરમાત્મા શક્તિ આપે.
ત્યાર બાદ ભાઈશ્રી વિશ્રામ દેવજી તથા ભાઈશ્રી વાલજી, રામજી તથા અન્ય ભાઈઓએ પણ સ્વર્ગવાસી બન્ધુના માટે દિલગીરી બતાવી હતી અને ત્યાર બાદ મહેરબાન પ્રમુખ સાહેબે પધારેલા જ્ઞાતિ બન્ધુઓનો ઉપકાર માની સભા બરખાસ્ત કરી હતી.
પાટીદાર ઉદયને મળેલી મદદ
૫૦/— મી. નાનજી વિશ્રામ નેત્રાવાલા તરફથી મળ્યાં (જેની પહોંચ ગયા અંકમાં આવી ગઈ છે.) |
૪/— મી. માવજી પુજા જબુવાણી તરફથી મળ્યાં છે. |
—— ૫૪/—
|
આવી જ રીતે દરેકે દરેક ભાઈઓ પોતાનો ઉદાર હાથ આ બાજુ લંબાવી આ બાળક માસિકને મદદ આપશે તો તેનો ઉપકાર માનવામાં આવશે. |
પાટીદાર ઉદયના લવાજમની પહોંચ |
૨ સ્વ. ખેતા ડોસા નખત્રાણાવાળા |
૨ પા. શીવજી લધા નખત્રાણાવાળા |
૨ પા. પૂંજા ખેતા નખત્રાણાવાળા |
૨ પા. વેલજી પરબત નખત્રાણાવાળા |
૨ પા. ડાયા લખુ નખત્રાણાવાળા |
૨ પા. વીરજી લખુ નખત્રાણાવાળા |
૨ પા. કરસન ખેતા નખત્રાણાવાળા |
૨ પા. કાનજી હરજી નખત્રાણાવાળા |
૨ પા. ભાણજી લાલજી વિરાણાવાળા |
૨ પા. મનજી વસ્તા કોટડા (જડોદર) |
૨ પા. રામજી ધનજી |
૨ પા. ડૉ. કે. બી. પટેલ |
૨ પા. અરજણ નારાણ વિરાણીવાળા |
૨ પા. મેગજી સામજી દેશલપરવાળા |
૨ પા. પેથા જશા નખત્રાણાવાળા |
૨ પા. વિશ્રામ પાંચા વિરાણીવાળા |
૨ પા. વેલજી ગોપાલ દેશલપરવાળા |
૨ પા. તેજા પરબત કોટડા (જડોદર) |
૨ પા. લાલજી સોમજી રવાપરવાળા |
૨ પા. રામજી સોમજી રવાપરવાળા |
૨ પા. રતનશી વીરજી દેશલપર ઉગમણી |
૨ પા. શામજી વીરજી દેશલપુર ઉગમણી |
૨ પા. મનજી ખીમા આણંદસરવાળા |
૨ પા. શામજી હરજી ખેડોઈવાળા |
૨ પા. ઠા. જાદવજી વાગજી મથલવાળા |
૨ મી. નારણ માસ્તર ભાઠા—સુરત |
૨ મી. જીવરાજ વાલજી ઘાટકોપર |
૨ પા. રતનશી ડુંગરશી તેરા કચ્છ |
૨ પા. માવજી પુંજા હૈદ્રાબાદ—સિંધ |
૨ પા. કાનજી પચાણ હૈદ્રાબાદ—સિંધ |
૨ પા. વીસરામ પુંજા હૈદ્રાબાદ—સિંધ |
૨ પા. હરીભાઈ દેવા ભાઠા—સુરત |
૨ પા. હંસરાજ વીરજી હૈદ્રાબાદ—દક્ષિણ |
સુધારીને વાંચવુ
છાપનારની રહી ગયેલી ભૂલ
ગયા એટલે ૨ જા અંકમાં ૨ જા પેજ ઉપર આવેલ કવિતામાં લીટી પહેલીમાં આઠ અક્ષર પછી સૂર્ય, લીટી પાંચમીમાં દશ અક્ષર પછી એ, લીટી છઠ્ઠીમાં અક્ષર આઠ પછી નો, લીટી તેરમીમાં અક્ષર આઠ પછી અન્વયો. એ પ્રમાણે સુધારીને પછી વાંચવાથી શુદ્ધ જણાશે. એમ તેના લેખક અમોને જણાવે છે.
પાટીદાર ઉદય માસિકના નિયમો
૦૧. આ માસિકનો મુખ્ય હેતુ પાટીદાર જ્ઞાતિની ઉન્નતી કરવાનો છે. જેથી દરેક પાટીદાર ભાઈઓની ફરજ છે કે તેમણે માસિકના ગ્રાહક થઈ યોગ્ય મદદ કરવી.
૦૨. આ માસિક દરેક હિન્દુ મહીનાની સુદી ૧૫ ને દિવસે બહાર પડે છે.
૦૩. સ્વજ્ઞાતિના કે અન્ય જ્ઞાતિના કોઈ પણ પુરૂષ અગર સ્ત્રીના લેખો આ માસિકમાં લેવામાં આવશે. પણ લેખો અંગત દ્વેશ કે સ્વાર્થથી લખાયેલા હોવા ન જોઈએ. બને ત્યાં સુધી વિવેકની હદમાં રહી ભૂલો બતાવવી અને ભાઈચારો તથા સંપ વધે તેવા પ્રયત્નો કરવા.
૦૪. લેખો શાહીથી સારા અક્ષરે અને કાગળની એક બાજુ ઉપર લખેલા હોવા જોઈએ. લેખકની ઇચ્છા હશે તો નામ વગરના લેખો છાપવામાં આવશે, પણ લેખકે ખરું નામ અને પૂરું સરનામું અમારી જાણ માટે લખવું, લેખની દરેક જોખમદારી લેખકને શીર રહેશે, નહિ છપાયેલા લેખો પાછા મોકલવા અમો બંધાતા નથી.
૦૫. કોઈ પણ લેખકના વિચાર સાથે અમારું મળતાપણું છે એમ માની ન લેવું.
૦૬. દેશ—પરદેશમાંથી આપણી જ્ઞાતિમાં વિવાહ જન્મ, મરણ ઇત્યાદી તથા કોઈ ગૃહસ્થને વિદ્યા, હુન્નર, અગર વેપાર અને ખેતીવાડીમાં મળેલી ફતેહના સમાચાર ઘણી જ ખુશીથી દાખલ કરવામાં આવશે.
૦૭. કોઈ ભાઈને આ માસિક સંબંધી કાંઈ પણ ખુલાસો મેળવવો હોય તો જવાબ માટે પોસ્ટની ટિકિટ બીડવી.
૦૮. આ માસિકમાં જ્ઞાતિ સંબંધી તથા આર્થિક ધાર્મિક અને વહેવારીક દરેક બાબતો ચર્ચવામાં આવશે. માટે જે જે ભાઈને જે જે વિષય સંબંધમાં લખવું હોય તેણે તે તે વિષયમાં સહેલી ભાષામાં દાખલા દલીલોથી લખવું. કે જેથી વાચક વર્ગ ઉપર સારી અસર જલદી થાય.
૦૯. જે ભાઈ આ માસિકને મદદ આપશે તેમના મુબારક નામ તેમની ઇચ્છા હશે તો આ પત્રમાં છાપવામાં આવશે અને વાર્ષિક રીપોર્ટમાં પણ છપાવી જાહેર કરવામાં આવશે.
૧૦. જે ભાઈ રૂ. ૫૦૦/— પાંચસો કે તેથી વધુ આ માસિકને મદદ કરશે તેમનો ફોટો ઓફીસમાં રાખવામાં આવશે.
૧૧. આ માસિકના માટે હંમેશાં યોગ્ય લેખો લખી મોકલનાર લેખક પાસેથી લવાજમ લેવામાં આવશે નહિ.
લી. વ્યસ્થાપક “પાટીદાર ઉદય”
બિલ્ડીંગ બાંધનારાઓ માટે
લાકડો ચૂનો, રેતી, પથ્થર, કાંકરી વગેરે દરેક જાતનો માલ અમો કીફાયતી ભાવે પૂરો પાડીએ છીએ તે સિવાય જો તમો અમોને બિલ્ડીંગ બાંધવાનું કામ આપશો તો તે ઘણું જ સારું, સફાઈદાર તથા કીફાયતી ભાવથી ટૂંકી મુદતમાં તૈયાર કરી આપશું. અમારા ભાવ ઘણા જ મધ્યમ છે.
એક વાર ખાત્રી કરો :
મીસ્ત્રી ખીમજી શીવજી પટેલ
કોન્ટ્રાકટર્સ એન્ડ સપ્લાયર્સ
રણછોડ લાઇન, કરાંચી
ખાસ તમારા લાભનું ?
૦૧. તમામ રોગોની દવા અમારે ત્યાં કરવામાં આવે છે. |
૦૨. કોઈ પણ પ્રકારની દેશી દવાઓ અમારે ત્યાં હંમેશાં તૈયાર મળી શકે છે. |
૦૩. કોઈ પણ પ્રકારની વૈદ્યની સલાહ અમો મફતમાં આપીએ છીએ. |
૦૪. આરોગ્યના જ્ઞાન માટે આરોગ્ય સિન્ધુ નામનું પત્ર રૂ. એક લવાજમ ભરવાથી અમારે ત્યાંથી મળે છે. |
૦૫. નાના બાળકોની દવા અમારે ત્યાં ખાસ કાળજીપૂર્વક કરવામાં આવશે. |
૦૬. ઘરમાં વાપરવાની ચાલુ દવાઓ અમારે ત્યાં તૈયાર મળી શકે છે. આમાંથી કોઈ પણ પ્રકારનું કામ હોય તો મળો |
વૈદ્ય ગોપાલજી કુંવરજી ઠક્કુર
આયુર્વેદ વેદ્યકની પરીક્ષામાં પાસ થયેલા.
હેડ ઓફીસ : રણછોડ લાઇન, કરાચી,
બ્રાન્ચ ઓફીસ : નાનકવાડા, જૂની જેલ રોડ, કરાચી.
““““““““““““““““““““““““““““““““““““““““““““““““““““““““““““““““
આ પત્ર તરૂણ સાગર પ્રેસમાં ગિરિજાશંકર બી. ત્રિવેદીએ છાપ્યું.
ન્યુ સ્મોલ કોઝ કોર્ટની સામે, કેમ્પબેલ સ્ટ્રીટ, કરાચી