Akhil Bhartiya Kutch Kadva Patidar Samaj
A central organisation of Kutch Kadva Patidar Sanatan community
Akhil Bhartiya Kutch Kadva Patidar Samaj
A central organisation of Kutch Kadva Patidar Sanatan community
|| ૐ ||
શ્રી કચ્છ કડવા પાટીદાર સુઘારક યુવક મંડળ તરફથી પ્રગટ થતું
માસિક પત્ર
પાટીદાર ઉદય
વર્ષ: ૧લું કરાચી, શ્રાવણ-સંવંત ૧૯૮૦ {VSA: Aug-1923} અંક ર જો
પાટીદાર ઉદયના આત્મા શ્રીમાન ખીમજી શીવજી પટેલ મંગવાણા વાલા
વાર્ષિક લવાજમ આગાઉથી રૂ. બે પોસ્ટેજ સાથે
છુટક નકલ આના ચાર
:
પત્રવ્યવહાર
નીચેના સરનામે કરવો :
તંત્રી તથા પ્રકાશક રતનસી શીવજી પટેલ
ગ્રાહકોને નિવેદન
પ્રિય વાંચક બંધુઓ !
પાટીદાર
ઉદયનો બીજો અંક આપની સેવામાં રજૂ થાય છે. અમો અમારાથી બનતી ત્વરાએ આ અંક તૈયાર કરી
લીધો છે છતાં પણ ધાર્યા કરતાં એકાદ અઠવાડિયું વધુ થઈ ગયું છે તે માટે વાંચક વર્ગ
ક્ષમા કરશે જ.
ચાલુ વર્ષનું લવાજમ રૂ. બે અમોને આ અંક મળતાં મળી જવું જોઈએ. કારણ કે શરૂઆતમાં
દરેક રીતે ખર્ચને પહોંચી વળવા માટે અમોને પૈસાની બહુ જ જરૂર છે. માટે અમો દરેક
ગ્રાહકને વિનંતિ કરીએ છીએ કે તેમણે અમોને અમારા કામમાં સરળતા કરવા ખાતર લવાજમ તરત
અહીં અમારી ઓફીસમાં આવી ભરી જવું. લવાજમ ભરનારને છાપેલી પહોંચ તંત્રીની સહીવાળી
મળશે તે સંભાળીને લેવી.
બહારગામના અમારા ગ્રાહકોને જણાવવાનું કે તેમણે આ બીજો અંક મળ્યા પછી મનીઓર્ડરમાં પોસ્ટ દ્વારા એ રૂ. ૨ લવાજમના
મોકલી દેવા જેથી તેમને ખર્ચમાં ફાયદો થાય તથા અમોને અમારા કામમાં અનુકૂળતા થાય.
કદાચ તેમના તરફથી ત્રીજો અંક પ્રગટ થતાં સુધી નહિ આવે તો તેમને
ત્રીજો અંક વી.પી.થી
મોકલવામાં આવશે. અને તે વી.પી. રૂ. ૨। (બે રૂપીયા ચાર આના) ભરી સ્વીકારી લેવા
વિનંતી કરવામાં આવે છે. કદાચ કોઈને તેમ કરવામાં વાંધો હોય તો તેમણે અગાઉથી અમોને
ખબર આપવી, કે જેથી અમોને નકામું કડાકુટ તથા ખર્ચમાં ઉતરવું ન પડે.
અમોને આશા છે કે અમારી આ વિનંતી પર દરેક
ગ્રાહક બંધુઓ લક્ષ્ય આપી અમારા કામને સરળ બનાવશે જ.
અમારું નવું વર્ષ સંવત ૧૯૮૦ {VSA: 1923-24}
કચ્છના નિયમ પ્રમાણે અષાઢ માસથી શરૂ થાય છે અને તે ફરી
જેઠની માસની આખરમાં પૂરું થશે. ત્યાં સુધી બાર માસના બાર અંકો અમો આપની સેવામાં
રજૂ કરીશું અને તેના બદલામાં માત્ર રૂ. ૨ જેવી નજીવી રકમ આપના માટે કંઈ ભારી નથી.
ઘણાં માણસો લવાજમ ઉપરાંત પણ મદદ કરી સહાયક વર્ગમાં પોતાનાં મુબારક નામ અમર કરાવી
શકે છે. અમોને ખાત્રી છે કે અમારા જ્ઞાતિ બંધુઓ આવા સાહસને મદદ આપી પોતાની
યથાશક્તિ ફરજ બજાવશે.
લી. વ્યવસ્થાપક,
પાટીદાર ઉદય
|| ૐ ||
પાટીદાર ઉદય
કચ્છી કડવા પાટીદાર જ્ઞાતિના લાભાર્થે પ્રગટ થતું ગુજરાતી
માસિકપત્ર
વર્ષઃ ૧લું કરાચી, શ્રાવણ-સંવંત ૧૯૮૦ {VSA: Aug-1923) અંક ર જો
વ્હાલા વાચક !
સંસાર રૂપી આ ચક્રમાં દરેક પ્રાણી જન્મે છે,
મરે છે અને ફરી પાછા એજ ગતિને પ્રાપ્ત થયા કરે છે. તમારે પણ
એજ સ્થિતિમાંથી પસાર થવું જ પડે છે. એ
સ્થિતિમાંથી મુક્ત થવા ઉન્નતિના રસ્તે ચડવા તેં અત્યાર પહેલાં કંઈ વિચાર કર્યો છે ?
દરેક મનુષ્ય પોતાના માટે દરરોજ વિચારી શકે છે કે,
હું કોણ છું, મારો કયો દેશ છે, મારી શું ફરજ છે, હું ક્યાંથી આવ્યો છું,
પાછું મારે કયાં જવું છે,
મારૂં અહીં આવવાનું સાર્થક શું શા માટે હું અહિં આવ્યો છું,
અત્યાર પહેલાં મારી સ્થિતિ શું હતી,
જમાનો કેવો ચાલે છે, કેવા
રસ્તે ચાલવાથી મારી ઉન્નતિ કે અવનતિ થશે,
કયા મનુષ્યો સત્સંગ માટે લાયક છે,
મારો ધર્મ શું છે, પ્રભુ પ્રત્યે મારી ફરજ શું છે સંસાર એ શું છે,
મારે આ સંસારરૂપી સમુદ્રમાં તરી જવા માટે ક્યો રસ્તો ઉત્તમ
છે,તેમજ આ સંસારમાં સતકર્મો કરવા માટે મારે શું કરવું જોઈએ ?
આવા દરેક સવાલ પર જો તું વિચાર કરીશ તો જરૂર તું ખરે રસ્તે
આવી તારી ઉન્નતિને તું પ્રાપ્ત કરીશ.
જ્યોતિ સ્વરૂપ જગદીશ્વરનું જય મંગલમ્
(અંતર્લાપિકા — મનહર છંદ)
વિધુત પ્રદિપ અને શશિ તારા ગણો |
શ્વબુદ્ધિ પ્રકાશ આદિ જ્યોતિના સ્વરૂપ છે. |
નાશવંત નામ એ સ્વભાવે કરી સિદ્ધ સદા, |
પ્રત્યક્ષ પ્રમાણ એની ગતિ ક્યાં એ ગુપ્ત છે. |
કાળથી વિમુખ નથી સર્વ પ્રદિપિકાઓ, |
સત્વનો પ્રભાવ એ તો અન્ય વડે વ્યક્ત છે, |
રુદ્ર કે વિભૂ શિવાત્મ નિર્ગુણાત્મ આદિ એવાં, |
પવિત્ર અનંત જેના નામો પ્રચલિત છે, |
સમતા સકળ જેની અખિલ બ્રહ્માંડ વિશે, |
રજો કે ! તમો મયી પ્રકૃતિથી વિરક્ત છે, |
વાશિષ્ટ માંગલ્ય પ્રદશ્રેય આપનાર સદા, |
ત્મધ્નહર જ્યોતિ જ્યાં પ્રકાશી એ પ્રભુત્વ છે, |
નૂતન કે પૂર્વ સર્વે અત્વયો અરૂપત્યજી, |
પવિત્ર સ્વરૂપ ઐકય થવામાં પ્રમુખ્ય છે, |
છેવટનો જ્ઞાન માર્ગ “મૌજી” જાણી વંદુ એવા, |
|
विश्वना |
અમારી કોમના યોધા
(ગઝલ)
અમોને જ્ઞાન દેનારા, અમારી કોમના યોધા. |
નિર્મળ નામ લેનારા, અમારી કોમના યોધા. |
હતા અજ્ઞાનમાં તેને, ચડાવ્યા સત્યના રાહે, |
દયાની દાઝ ધરનારા, અમારી કોમના યોધા. |
ઉઠાડ્યા ઊંઘથી અમને, નારાયણ નામને ધન્ય છે, |
જ્ઞાતિ બોધ દેનારા, અમારી કોમના યોધા. |
રડો છો કેમ ઓ ભાઈ, દુઃખો છે શું કહો તમને ? |
ખરા શબ્દો ઉચરનારા, અમારી કોમના યોધા. |
અમારી કોમની કીર્તિ, વધારી છે ખરે તેણે, |
ખરો એ બોધ દેનારા, અમારી કોમના યોધા. |
કુધારા કોમના કાઢી, સુધારા તો ઘણા કીધા, |
ગુણી થઈને ગરજનારા, અમારી કોમના યોધા. |
જુઓ તનમન અને ધનથી, કરી નીજ કોમની સેવા, |
સ્વજ્ઞાતિ હિત કરનારા, અમારી કોમના યોધા. |
તિમિર અજ્ઞાન દરીયામાં, બચાવી કોમની બેડી, |
કોમીઆ કામ કરનારા, અમારી કોમના યોધા. |
હમેશાં કોમના દુઃખથી, દુઃખોમાં ભાગ લેનારા, |
જીગરથી કામ કરનારા, અમારી કોમના યોધા. |
“તંત્રી”
કુળદેવીના સાચા પુત્રો ક્યારે થશે ?
(લેખક : મીસ્ત્રી નાનજીી પચાણ નાકરાણી નખત્રાણાવાળા)
અરે
મહાસતી ઉમાના સુપુત્રો ! આપણે તે આપણી કુળદેવીના સાચા કુળદિપક પુત્ર તરીકે પંકાવા લાયક છીએ ?
અફસોસ ! ના, બિલકુલ નહિ, પરમ શ્રેયસ્કર ભગવાન શંકરનાં શકિત મહા માયા ઉમા સતિ કયાં
અને ક્યાં આપણી આજકાલની અજ્ઞાન અવસ્થા, આપણામાં ઘુસેલા પીરાણા પંથરૂપી રાક્ષસે આપણું દ્વિજ તેજ
એવું તો ઝાખું કરી નાખ્યું છે કે બીજાને તો તે જણાવું બહુ જ મુશ્કેલ છે. આજે
દુનિયા આખી વીજળીના વેગે આગળ વધવા પ્રયત્ન આદરી રહી છે,
પોતે પોતાની શ્રેષ્ઠતા સંપાદન કરવા શીર સાટે પ્રયાસ કરી રહી
છે, તેમાં હરેક માણસ, હરેક જ્ઞાતિ, હરેક દેશ, હરેક રાજ્ય અને પ્રજા જેણે પોતપોતાનું ગૌરવ ખોયું છે. તે
પાછું મેળવવા અન્ય પ્રજાની હરોળમાં ઉભા
રહેવા મથે છે, ત્યારે આપણા દેશમાં આપણી શું સ્થિતિ છે ?!?
કહેવાતા આગેવાનો—ગેઢેરાઓ બિલકુલ અભિમાનથી બેદરકાર બની માત્ર મમતને ખાતર પોતાના
સ્વાર્થની ખાતર આપણા ગરીબ ભાઈઓને નાહક હેરાન કરી રહ્યા છે. તેમાં જો કોઈ સુધારાની
કાંઈ પણ વાત કરે તે પર તો એકદમ અનેક જુલમ કરી દબાવી દેવાની કોશીષો કરે છે. પણ તેને
કોઈ પૂછતું જ નથી.
અરે ભાઈઓ ! આપણે તેનો કાંઈક વિચાર
કરવો જોઈએ અને જો તેનો વિચાર નહિ કરીએ તો જરૂર આવા જાગતા જમાનામાં પણ આપણે
હતા ન હતા થઈ જવાના. અરે ! આગેવાનો ભલે લાખો કોરીઓ પીરાણાના નામે ભેગી કરે અને
સૈયદોને પશુઓ મારવાને, કાકાઓને મોજમજા ઉડાવવાને ભલે તે આપે પણ તમારે તો તે બાબત
કાંઈ પૂછવું જ નહિ ? અને આવી રીતે શું આપતા જ જવું ?હવે કાંઈક તો વિચાર કરો ?
તમો તમારાં વહાલાં બાલુડાંઓ—છોકરાંઓને પૈસો માગે ત્યારે ન
આપતાં આજે પૈસો નથી કાલે આપીશ વગેરે બાના કાઢીને રડાવો છો,
ને આવા ઠેકાણે હજારો કોરીઓ આપીને ધર્માદા થયું માનો છો ?
ધન્ય છે ભાઈઓ તમારા ધર્મ દાનને,
કે જે પૈસાથી અનેક પ્રાણીઓનાં પ્રાણ જાય અને લંપટ લોકો
સ્વછંદપણે વર્તી અનેક ન કરવાના કામો કરે તેને તમો ધર્મ માનો,
એ પણ આપણી બલિહારી છે.
પ્રિય ભાઈઓ ! હવે જાગો, અમો તો તમોને અનેક વખત કહી ગયા છીએ કે,
અમો તમોને નથી કહેતા કે તમો ઉતરી ગયા છો,
નથી કેતા કે તમો અન્યાય કરો છો,
તેમ નથી કહેતાં કે તમો ધર્માદાનાં નાણાં ખાઈ જાઓ છો. ભાઈઓ !
અમો તો તમોને એટલું જ કહીએ છીએ કે હવે આપણી કુળ દેવીની કુખને ન લજાવો,
અને કાંઈક તમારી નિંદ્રાનો ત્યાગ કરો. જમાનો ઓળખો,
તમારાં આપેલાં ધર્માદા નાણાંની શું વ્યવસ્થા થાય છે તે જુઓ.
બન્ધુઓ !? અમો આપને સાફ સાફ કહીએ છીએ કે પીરાણુ એ આપણને હિંદુમાંથી
વટલાવીને મુસલમાન બનાવવાનું કારખાનું છે. તેની અંદરની કહેવાતી આલગાવત્રીમાં કેટલી
સત્યતા છે તે અને પીરાણા પંથમાં પીવાતી પાવળની ગોળીમાં કેટલી પવિત્રતા છે તે આપણી
જ્ઞાતિના આધ સુધારક ભાઈ નારાયણજી રામજી વીરાણીવાળાના પરિષદના ભાષણમાં પૂરેપૂરું
કહેલું છે છતાં પણ તે નહિ વિચારતાં કાકાઓના અને સ્વાર્થી આગેવાનોના કહેવા ઉપર હજી
કુદી રહ્યા છો કે મંડળવારા પીરાણા પંથની નિંદા કરે છે,
તેને ખોટો કહે છે. તેનો જવાબ લેવો. શાબાશ ભાઈઓ ?!!
તમોએ ખુબ વિચાર કર્યો. જે કાકાઓ તમારી આંખોમાં ધુળ નાખીને અનેક લાલચો બતાવીને નાણાં
કઢાવી જાય અને મરજી પડે તેવી તેવી રીતે કોળી,
ગોલાઓના ભેગા બેસીને ખાય અને વટલે તે તમોને વટલાવે તેનું
કાંઈ પણ નહિ. તે સારા બાકી તમોને સાચી વાત કહેનાર મંડળવાળા ખરાબ !
આજે આગેવાનો ખૂન ચુસી રહ્યા છે તે તમો જોઈ રહ્યા છો,
બન્ધુઓ વિચાર કરો અને તમારી આંખે બાંધેલા પીરાણા રૂપી
પાટાઓને છોડો અને જુઓ કે પીરાણે તો આપણી બિલકુલ સત્યાનાશ વાળી છે. એ પાપી કાકાઓએ
આપણી સાથે બિલકુલ વિશ્વાસઘાત કરેલ છે, તે પોતે કણબી હોવા છતાં પણ સાચું નહિ કહેતાં અંધારામાં
રાખીને લુટ્યા છે અને હજી પણ લુંટે છે. માટે કાંઈ પણ તમો તપાસ કરો અને કાકાઓના
કાવત્રાને ઓળખો. અને આપણી કુળ દેવીના તરફ દૃષ્ટિ કરો તેના સાચા કુળદીપક પુત્ર થઈને
તેનું ઋણ અદા કરો અસ્તુ.
આપણી આશા
(લખનાર લાલજી સોમજી પટેલ રવાપરવાળા)
વહાલા
વાંચક ! આશા એ શબ્દ કેવો મીઠો અને અલૌકિક છે. વળી મનને આનંદ આપનાર છે,
જેમ સૂર્ય ઉગતાં તિમીર નિશાનો વિનાશ થાય છે,
તેમ આશાના ઉમળકાથી ખેદનો નાશ થાય છે,
તેમ મનુષ્યો પણ પોતાની તીવ્ર ઇચ્છાઓ પૂર્ણ કરવા આશાના પાસથી
બંધાય છે. જન સમૂહના મનમાં જે સંકલ્પો બંધાય છે,
તે આશાનાં જ રૂપાંતર છે. આશા પ્રેમનું તત્ત્વ છે. આશા
અમૃતથી પણ મીઠી છે. આશા જ્યારે પ્રાણીને
સુખી બનાવવા સાથે પીગળી જાય છે ત્યારે તે કૃપા કહેવાય છે. અને કૃપાથી જ મનુષ્યો
ઉન્નતિના શીખરે ચડે છે, કાંઈ પણ મળે તેના કરતાં તેની આશા ઘણી જ મધુર હોય છે. સર્વને
સંકટ સમય સરલ માર્ગ બતાવનારી અને સાચા માનવને મદદ કરનારી પોતાની આશા જ છે.
આશા રૂપી ખીણ ઘણી ઊંડી છે, તેમાં જે જન ઉતરે છે,
તે તેનો પૂરતો અનુભવ મેળવી શકે છે. પ્રવિણ સાગરના ગ્રંથમાં
કહ્યું છે કે :—
જીસકો નહીં કિંમત હરદીકી.
વો કયા જાને પ્રેમી દરદીકી.
એટલા માટે અમુલ્ય આશા પૂર્ણ કરવા પૂર્વના મહાન પુરૂષોએ કેવાં કેવાં કાર્ય
કર્યાં છે. શ્રી રામચંદ્ર ભગવાને સમુદ્રમાં પાષાણો તાર્યા તે પણ સીતાજીની આશાએ
અર્જુને મચ્છ વેધ કર્યો તે પણ દ્રોપદીની આશાએ અને સૂર્યવંશી રાજા ભગીરથે મહાન ઉગ્ર
તપ કરી વિષ્ણુ ભગવાનને પ્રસન્ન કર્યા તે પણ પતિત પાવની ગંગાજીની આશાએ જ,
તેનો દાખલો એજ કે આશા બાંધવી તો ભગીરથ પ્રયત્ન કરવો જ જોઈએ.
એ અલૌકિક વાયદા હાલના જમાનામાં ચાલુ છે. જેમ નિશાન વગરનું તાકવું નકામું છે,
તેમ આશા વગરનું જીવન નકામું છે. જેને મનમાં કાંઈ પણ સારું
કાર્ય કરી આગળ વધવાની આશા બંધાતી નથી તે દુનિયામાં આવું કાંઈ પણ કાર્ય કરી શકતો
નથી.
ભાઈઓ ! જેમ બપૈયો વરસાદના જળની આશા ધારી બેસે છે,
તે તેની આશા વૃષ્ટિ થતાં પૂર્ણ થાય છે,
તેમ હે બન્ધુઓ ! અમો પણ આપના તરફથી ઉત્તેજન મેળવવા રૂપી આશા,
સફળ કરવાની પ્રવૃત્તિમાં આગળ વધ્યા છીએ,
તો આ માસિક રૂપી ઉગતી વેલીને આપ સર્વે ભાઈઓ તન મન અને ધનથી જે જેનાથી બને તેણે તેવી મદદ
આપી પ્રફુલિત કરશો એવી અમો આપના પ્રત્યે આશા રાખીએ છીએ.
કચ્છની કામધેનુ રૂપ પાટીદાર જ્ઞાતિને પ્રાર્થના
પરમકૃપાળુ
પરમાત્માની કૃપાથી સદીઓથી માર્ગ ભૂલેલા મારા કચ્છી પાટીદાર ભાઈઓમાં આજે જ્યારે
જાગૃતિનાં ચિહનો જોઉં છું ત્યારે મારું હૃદય હર્ષથી પ્રફુલિત થાય છે. કોણ જાણે
તેમને ક્યા પ્રલોભનો અપાયા હતાં !? પોતાના પરમ પવિત્ર સનાતન વૈદિક ધર્મને છોડી તેમણે હિંસક
વૃત્તિ વાળા યવનોનાં કુટિલ માર્ગમાં શા માટે પદાર્પણ કર્યું હશે ?
વારંવાર આ પ્રશ્નો મને અને મારા જેવા કેટલાએ ભાઈઓને એટલા તો
દુઃખદ લાગ્યા છે કે દુઃખના ઉદગારો જ બહાર નીકળ્યા છે. પ્રભુની આ રમત કેવી વિચિત્ર
છે ? સિંહના બચ્ચાઓ આજે શિયાળવાના શિષ્ય મંડળમાં દાખલ થયા છે. પણ ચોવીસ કલાક રાત
રહેતી નથી. રાત્રિ પછી ભગવાન સૂર્યનારાયણ પૂર્વ દિશામાં પ્રકાશમાન થાય છે ત્યારે
નિશાચરો, ચોરો પોતાની મેળે જ છુપાઈ જાય છે. આજે કચ્છી કડવા
પાટીદારોના ભાગ્યાકાશમાં ભગવાન સૂર્યનારાયણના કિરણોએ દર્શન દીધાં છે. આજે એવા
વિરાત્માઓ ! પોતાની જ્ઞાતિનો યવનોના પંજામાંથી ઉદ્ધાર કરવાને,
બહાર આવ્યા છે. કે જેઓ નિઃસ્વાર્થપણે પોતાના માર્ગ ભૂલેલા
ભોળા ભાઈઓના તરફથી થતા અપમાનો, તેમના તરફથી અપાતાં કષ્ટો મુંગે મોંઢે સહન કર્યા કરે છે અને
આ સહન શક્તિ જ તેમના આત્મામાં જ્ઞાતિ ઉદ્ધારની આગ બાળ્યા કરે છે. ધન્ય છે ઓ !
વીરાત્માઓ ! નિઃસ્વાર્થપણે કષ્ટો સહન કરનારાંઓ ! તમારાં આ પરાક્રમો તરફ આખી આર્ય
જાતિ આતુરતા પૂર્વક જોઈ રહી છે. શું તમે હાથમાં લીધેલા કાર્યને એમને એમ મુકી દેશો ?
તમોને કષ્ટ આપનારાઓ ! તમારા સંબંધો તોડી નાખનારાઓ અને તેમને
દરેક રીતે ઉતારી પાડવાની કોશીષ કરનારા તમારા ભાઈઓ પર તમે દયા કરો. તેમને ખબર નથી
કે તમે આ બધું શા માટે સહન કરો છો ? પણ ઈશ્વર સત્યનો બેલી છે એવો દૃઢ વિશ્વાસ તમારા અંતઃકરણમાં
ધારણ કરી તમારા પવિત્ર માર્ગ પર ચાલતા જ રહો. છેવટે વિજય તમારો જ છે. એવી
શ્રદ્ધાને હૃદયમાં સ્થાન આપો.
અહીંયા પીરાણા પંથમાં ફસાઈ ગયેલા પાટીદાર ભાઈઓને હું નમ્ર ભાવે પ્રાર્થના કરું
છું કે મિત્રો ! શું તમો હિંસક વૃત્તિવાળા યવનોના શિષ્ય થવામાં આનંદ માનો છો ?
શું તમને તમારા મહાન પૂર્વજો તરફ લેશ માત્ર પણ પ્રેમ
ઉત્પન્ન થાય છે ? રામ, કૃષ્ણ, ભીમ, અર્જુન વગેરે મહાન ક્ષત્રિયોનાં સંતાનો આજે તમે કયા ધર્મનું
સેવન કરી રહ્યા છો?
હું ખરું કહું તો એ યવનોએ પોતાનો સ્વાર્થ સાધવા માટે તમને પોતાની જાળમાં ફસાવી
લીધા છે. તમારા ભોળપણાનો લાભ લઈ તેઓ હજી સુધી તમોને ભરમાવ્યા કરે છે. તમારામાં લેશ
માત્ર પણ ધાર્મિક લાગણી હોય તો આજે ને આજે એ કુમાર્ગ—પીરાણા પંથનો ત્યાગ કરો. અને
અમારી જ્ઞાતિનો ઉદ્ધાર કરવા માટે કષ્ટો સહન કરનારા તમારા ભાઈઓના હાથમાં હાથ મેળવો.
પણ આ વાત ધ્યાનમાં રાખજો કે ઉલમાંથી નીકળી ચુલામાં ન પડતાં,
એક જાળમાંથી નીકળી બીજી જાળમાં પડતા નહિ. કરોડો હિન્દુઓ જે
સિદ્ધાંતોનો સ્વીકાર કરવાની અભિલાષા ધારણ કરી રહ્યા છે. અને આપણા પૂર્વજોનો જે
પ્રાચીન ધર્મ છે તે સનાતન વૈદિક ધર્મ અથવા આર્ય ધર્મ તરફ તમે પણ દોડી આવો,
જુઓ ? પરમાત્માની કૃપાથી હવે તમારી જ્ઞાતિમાં જાગૃતિ આવવા માંડી
છે. તે સમયે વિલંબ કરતાં નહિ. વેદ ભગવાન આજ્ઞા કરે છે કે :—
હે મનુષ્યો ! તમારા વેદાનુયાયી વિદ્વાન ધર્માત્મા પૂર્વજોને પગલે ચાલો અને
પરમાત્મા પાસેથી નિરંતર એજ યાચના કર્યા કરો. પ્રભુ તમને સાત્વિક બુદ્ધિ પ્રદાન કરો
?!
ૐ
શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ
શ્રી દયાનંદ વૈદિક રાષ્ટ્રીય શાળા, કરાચી | કેશવદેવ રતેશ્વર કચ્છ—દેશલપર નિવાસી |
અંધારી રાત્રીનું ભયંકર સ્વપ્નું
આસો
માસની કાળી ચૌદશને રવિવારની ભયંકર ઘોર અંધારી મધ્ય રાતે હું શાન્તિથી મીઠી ઊંઘમાં
મારા ઘરના સુવાના ઓરડામાં સુતો હતો. તે અરસામાં મારો જમણો હાથ છાતી ઉપર ચડી જવાથી
તે ઉપર થયેલા દબાણને લઈને સમાન વાયુ ઉર્ધ્વ ગતિમાં આવી જતાં કંઠ પ્રદેશની હીતા
નામની અતિ સુક્ષ્મ નાડીમાં પ્રવેશ કરતાંની સાથે મને એ ભયંકર સ્વપ્નાનો ભાસ થયો
હતો.
જાણે જગતના મહા દુરાચાર ભરેલા કલ્પિત રીવાજોથી થતા પાપોને લઈને સાક્ષાત વાયુ
દેવના અતિશય કોપથી ભયંકર વંટોળી આની ચકરીના સાથે મારી તુટમુખ ખાટલી સહીત હું ગોથા
ખાવા લાગ્યો. તે વખતે ભારે સુસવાટો થવાથી આકાશ માર્ગે સપાટા બંધ ચાલતો હોઉં તેવું
મને ભાન થવા લાગ્યું. આંખો ઉઘાડી જોવાનો પ્રયત્ન કરું છું. તેવામાં તો ઘણે ઊંચે
ચડી એક મોટા ભવ્ય મકાનમાં મારી ખાટલી સહીત હું ઉતરી પડ્યો.
તેમાં બેઠો થઈ આસપાસ નજર કરતાં એવો તો દિવ્ય ચમત્કાર મારા જોવામાં આવ્યો કે
તેનું વર્ણન કરતાં હૃદયમાં એવો સજ્જડ આંચકો લાગે છે કે મેં જોયેલા ચમત્કાર ના
આઘાતથી મારું હૃદય ફાટી જઈ રખેને હું મૃત્યુના પાશમાં પ્રવેશ કરું !!!
એકી મુહૂર્તે હજારો સૂર્યનારાયણ એક જ વખતે ઉદય થયા હોય,
એવા અતિશય પ્રકાશ જોઈ મારી આંખો વારંવાર મીંચાઈ જવા લાગી,
પરંતુ મહા મુશ્કેલીએ આંખો ઉઘાડી જોવા લાગ્યો તો અસંખ્ય
યોનીના જીવો મહા દુઃખો ભોગવતાં જોવામાં આવ્યા,
તેમાં આપણી જ્ઞાતિના કેટલાક બહાદુર ગણાતા અને સર્વોપરી
સત્તા ભોગવી બીજાને દબાવતા તેમજ પોતાના અજ્ઞાન વર્ગને દુઃખના મહાસાગરમાં ઝુકાવી
રીબાવી નાખવાનું મહાન પાપ કર્મ કરતાં એવા મારા બન્ધુઓ,
સગાવહાલાં, નાતવાળા તેમજ ઓળખીતા અસંખ્ય વિરો;
મહાન રૌ રૌ નર્કના દુઃખની જ ભરેલી યાતના (સજા) ભોગવતા મારા
જોવામાં આવ્યા. અરેરે !!?! મેં તેમને ઓળખ્યા તેમજ તેઓએ મને પણ ઓળખ્યો તેઓની પાસે હું
દોડી જઈ તેઓનું અપાર દુઃખ મારાથી નહિ જોઈ શકવાથી હું પોકે પોકે રડવા લાગ્યો ! અને
મેં ઘણું કલ્પાત કરવા માંડ્યું ત્યારે તેઓએ પણ લાંબા સાદે રડી પડી તે કરતાં પણ
વધારે દુઃખી જણાયા. તેઓનું વર્ણન કરતાં મારી છાતી ચીરાઈ જાય છે,
હૈયું ભરાઈ આવે છે. મગજ ભમવા લાગે છે. શરીર જરજરીત થઈ જાય
છે. ઓહોહો ! અપાર દુઃખે ભયંકર નર્કમાં ગળા
સુધી તેઓને ડુબાવી દીધેલા, નાના પ્રકારના ઝેરી પ્રાણીઓ—વીંછી—સાપ,
કાનખજુરા વગેરે તેમના નેત્રો તથા મોં ઉપર ચટકા ભરતાં અને
ઉપરથી સળગતા આગનો વરસાદ પડી ચામડી બળીને તે ફાટીને અંદરથી પરૂ વહેલા લાગેલું મારી
નજરે પડ્યું. તેઓના ત્રાહે ત્રાહેના પોકારો સાંભળી કોઈ જરા પણ તેઓના ઉપર દયા કરતું
નથી, પણ વધારામાં પહેલાા કરતાં અસહ્ય દુઃખો દેવાનો તેમનો પ્રયત્ન ચાલુ જ છે. શું
કહું ? તે કહેતાં, અરે તેનું વર્ણન કરતાં મારું કાળજું ફાટી જાય છે. આવું અપાર
કષ્ટ શા માટે તેમને ભોગવવું પડતું હશે ? તેનો વિચાર કરું છું તેવામાં એક મોટો રાક્ષસી કદનો પુરૂષ
મારી સામે આવી ઉભો રહ્યો, તેને જોઈ મારા તો હાજા જ ગગડી ગયાં,
આંખે તમર આવવાથી ચકરી ખાઈ હું નીચે પડી ગયો.
આ મહાન પુરૂષે આવી મને ઠંડુ પાણી છાંટી સચેત કર્યો. એટલું જ નહિ પણ માથે હાથ
ફેરવી અભય વચન આપી ખાટલી પાસે લઈ જઈ મને કહેવા લાગ્યો કે અરે મૃત્યુ લોકના જીવા
પટેલ તું ડરીશ નહિ, આ તો યમરાજાનો દરબાર છે. મૃત્યુલોકના જીવાત્માઓનો પાપ
પૂણ્યનો આ ઠેકાણે ન્યાય થાય છે. પુણ્યવાન જીવોને પૂણ્યનો યોગ્ય બદલો મળે છે. તેમજ
પાપી જીવોને પાપના પ્રમાણમાં સજા ભોગવવી પડે છે,
આ સામેના રૌ રૌ નર્કની યાતના (સજા) ભોગવતા તારા લાગતા વળગતા
જીવાત્માઓએ એવા તો મહાન પાપ કરેલાં છે કે તેઓને લાવતાં કૃપાળુ ધર્મ રાજાએ તેમને
યોગ્ય સજા ફરમાવેલી છે, જે તું નજરે જોઈ શકે છે. થોડા વખત અગાઉ તું તેઓની પાસે જઈ
તેમનું દુઃખ જોઈ રડતો હતો. પરંતુ તેઓના અતિશય પાપ કર્મને લઈને તેઓ આ દશાને પ્રાપ્ત
થયા છે. તો પણ તેઓના પાપ કર્મોની બીજી વધારે તપાસ કરીને આ કરતાં પણ ભયંકર શિક્ષા કરવાનું હજી ધર્મરાજાએ મુલતવી રાખેલું
છે આ પ્રમાણે તે વિકરાળ પુરૂષનું બોલવું સાંભળી મારી છાતી ધડકવા લાગી અને હું
અતિશય ધ્રુજવા લાગ્યો, તેમજ ફરી મુર્છા આવી ગઈ. તે મહાન પુરૂષે મને બીજી વખત
સાવધાન કરી મહાશય યમરાજનાં દર્શન કરવા તેડી ગયો. ત્યાં જઈને હું જોઉં છું તો કરોડો
સૂર્ય નારાયણના પ્રકાશવાળું અદ્ભુત કારીગરીથી ભરેલું આખા બ્રહ્માંડના સ્થંભ રૂપ
અલૌકિક સિંહાસન જોવામાં આવ્યું. જેના ઉપર સાક્ષાત ધર્મની મૂર્તિ જ્ઞાન ધન અખંડ
આનંદ યુક્ત યમરાજ બિરાજમાન થયેલા જોતાની
સાથે જ હું તેમના પરમ રમ્ય ચર્ણાવિંદમાં પડી ગયો અને તોતડી વાણીથી વિનવવા લાગ્યો.
દયાળુ ધર્મરાજાએ વરદ હસ્ત મૂકી મને આશીર્વાદ આપી બાજુના નીચેના આસન ઉપર બેસી જવા
મને ઈશારાથી સૂચવવામાં આવતા હું બેસી જઈ ત્યાંની
અનેક પ્રકારની અલૌકીક રચના નીહાળવા લાગ્યો.
થોડીવાર થઈ તેવામાં તો મહારાજા ચિત્રગુપ્ત પધાર્યા અને સાક્ષાત ધર્મ મૂર્તિ
યમદેવને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરી પોતાના આસને બીરાજ્યા પછી ભયંકર કાળ જેવા
દૂતોને આજ્ઞા કરી કે સામેના મહા રૌ રૌ નરકમાંથી જેઓ મહા નરકની સજા ભોગવે છે. તેઓએ
મૃત્યુ લોકમાં આગેવાની ભર્યો ભાગ લઈ ડોળઘાલુ આગેવાન—ગઢેરાઓ થઈ જાણવા છતાં અજ્ઞાન
મનુષ્યોને તદ્દન અવળા માર્ગે દોરી અસંખ્ય પ્રકારનાં પાપ કર્મો કરેલા છે. એવા તે
મહા પાપી લોકોને મહારાજ યમરાજના સમક્ષ ઉભા કરો. આજ્ઞા થતાંની સાથે જ યમદૂતો દોડી
જઈ રૌ રૌ નરકમાં રીબાતા કૃતઘ્નીઓને બહાર કાઢી પરમ કૃપાળુ પરમાત્મા તુલ્ય એવા
ધર્મરાજાની સમક્ષ ઉભા કરવામાં આવ્યા.
મહાત્મા ચિત્રગુપ્ત બોલવા લાગ્યા કે મહા પાપના બોજા તળે દબાયેલા અરે ! નરાધમો
! મહા પાપીઓ ! તમો જ્યારે તમારી માતાના ગર્ભવાસમાં ઉંધા મસ્તકે ઝોલાં ખાતા હતા અને
પૂર્વના મહા પાપના યોગે ગર્ભમાં વાત, પીત, કફ, માંસ, મજ્જા, મેદ પર અને જઠરાગ્નિથી ભયંકર દુઃખ યાતના ભોગવતા થકી પોકાર
કરતા હતા, ત્યારે તે મહાન દુઃખમાંથી મુક્ત થવા ઘણી નમ્રતાથી ભરેલી અરજ
ગુજારતા હતા. બહાર નીકળ્યા પછી પ્રમાણિકપણે ચાલવાની તેમજ પરમાર્થ કરવાની સાથે
ઈશ્વર ભક્તિ કરવાની અને પવિત્ર સત્ય માર્ગે ચાલવાની અસંખ્ય કબુલાતો આપેલી છે. છતાં બહાર નીકળ્યા પછી કરેલી કબુલાતો
પૈકીની એક પણ શરત તમોએ પાળી નથી. પરંતુ ઉલટા ધન,
યૌવન, અને મોટાઈના મદમાં છકી જઇં હજારો ગરીબોને અને અનાથ
મનુષ્યોને જાણી બુજીને અવળા માર્ગે દોરી જઈ તેઓને અધમ દશામાં લાવી તેમના માથે
દુઃખના ઝાડો રોપવામાં તમે કચાશ રાખી નથી. ગમે તેવા પણ નીચ અને અધમ કાર્યો કરવામાં
તમે પાછું વાળી જોયું નથી. તેથી તમારા અધમ કૃત્યોની સવિસ્તર હકીકત તમારા જ મુખેથી
સાંભળવાની ધર્મ મૂર્તિ યમરાજની ઇચ્છા છે. અને તે અથથી ઇતિ સુધી જણાવો અને તેના
બદલામાં ભયંકર નરક યાતનાના દુઃખો ભોગવવાને તૈયાર થાઓ.
ભયંકર પાપરૂપી પુંજમાં ડુબી ગયેલા આ મહા પાપીઓએ સાક્ષાત યમરાજના દરબારમાં પોતે
કરેલા અસંખ્ય પાપોનો પ્રકાશ કરવાનો આરંભ કર્યો.
(જે આવતાં અંકમાં આપવામાં આવશે)
ખોંભડીના મુખીની આપખુદી
આપણી
જ્ઞાતિના બની બેઠેલા આગેવાનો, જ્યાં જુઓ ત્યાં પોતાની આપખુદીના કારોબારથી ત્રાસ વરસાવી
રહ્યા છે. તેમાં કુદકે અને ભુસકે આગળ વધવાનો મુખી સાહેબ અરજણ ડાહ્યા ખોંભડીવારાનો
પણ વિચાર થયો જણાય છે, જે વાચકો નીચેની હકીકત ઉપરથી જાણી શકશે.
વહાલા વાચકો ! તમોને યાદ તો હશે કે આસો માસમાં આપણી જ્ઞાતિ પરિષદની બીજી બેઠક
કરાંચીમાં જ ભરવામાં આવી હતી (જેનો રીપોર્ટ છપાઈ બહાર પડી ગયો છે) જેની અંદર આથમણા
પાંચાડાના ગામોના ભાઈઓએ ભાગ લીધો હતો અને તેના ફંડમાં નાણાં ભર્યા હતા,
જેને આ મુખી સાહેબે તેઓને આપખુદીથી નાત બહાર કીધા છે.
કહેવત છે કે “નવરો બેઠો નખ્ખોદ વાળે” તેમ મુખી અરજણ ડાહ્યાને મારા ધારવા
પ્રમાણે કાંઈ ધંધો નહિ હોવાથી તે ગરીબોને સતાવી હેરાન કરવાનો ધંધો હાથ ધરી બેઠો
હોય એમ જણાય છે. કારણ કે તેથી નામ તો પ્રસિદ્ધ થશે.
અત્રે હું મુખી અરજણ ડાહ્યાને પુછવાની રજા લઉં છું કે સાહેબ ! તમે ધર્મના
ફરમાનથી અને નાતના કયા કાયદા પ્રમાણે કયા ગઢેરાના હુકમથી (કારણ કે તમે તો ગઢેરા
નથી જ) ગરીબ ભાઈઓને નાત બહાર કીધા છે ? તે જરા મહેરબાની કરી જણાવશો,
તો આપનો મોટો આભાર થશે.
અરે ! પણ હું ભુલ્યો, અહીંયા તો કાયદા કે ધર્મ ઉપર કોણ ધ્યાન આપે છે. અહીંયા તો
કોઈ પણ પ્રકારે ખિસ્સા તર કરવાની જરૂર છે. જેમ કે :—
“કોઈ એક ચંડાળે એક નગર શેઠનું નાહક ખૂન કીધું,
કેસ ચાલતાં પુછવામાં આવ્યું કે તે આવા ભલા અને ઉદાર
વૃત્તિવાળા ગૃહસ્થનું ખુન શા માટે કર્યું ?
જવાબમાં તે બદમાશે કહ્યું કે ઇતિહાસમાં મારું નામ દાખલ કરવા
! કારણ કે કોઈ શુભ કામ કરી ઇતિહાસમાં નામ દાખલ કરવાની મારામાં આવડત નહતી,
ત્યારે ભલે ખુની ગણાઉં પણ નામ તો પ્રસિદ્ધ થશે તેમ આ મુખી
સાહેબ અરજણ ડાહ્યાને પણ સુજ્યું હોય તેમ લાગે છે !
જો મુખી સાહેબને નામ પ્રસિદ્ધ કરવા અથવા મોટી નાતમાં (પંચમાં) માન મેળવવાનો
અભખરો થયો હોય તો તે માટે મારે અત્રે બોધ રૂપે બે બોલ કહેવાની જરૂર છે. મુખી સાહેબ
! ગરીબોને હેરાન કરી સતાવીને નામ કાઢવવાથી લાંચો લઇ પૈસા પડાવવાથી ભલા શુ કાંઇ લાભ
છે ખરો કે ? મુખી સાહેબ ! આમ આંધળે ઘોડે છેક ન ચડો અભિમાન કોઈનો રહ્યો
નથી ને તમારો પણ રહેવાનો નથી માટે કાંઈક તો ભક્ત કવિ તુલસીદાસના વાક્ય ઉપર ધ્યાન
તો આપો :—
તુલસી હાય ગરીબકી,
કબ હું ખાલી ન
જાય,
મુવા ઢોર કે ચામસે,
લોહા ભસ્મ હો
જાય.
તેવી જ રીતે અરબીમાં એક કહેવત છે “અલહકકો મુર્ફત,
વલ્સમરો
હુલ્યુન” સાચી વાત
કડવી છે પણ તેના ફળ મીઠાં છે.
અરે મુખી સાહેબ ! તમોને માઠું તો લાગ્યું હશે પણ ઉપલી કહેવત મુજબ તેનાં ફળ
મીઠાં છે, માટે સાહેબ માઠું ન લગાડતાં આ સેવકની અરજ ધ્યાનમાં લઈ આપ
આપની છાતી ઉપર હાથ રાખી વિચાર કરીને આ ગરીબ કણબી ભાઈઓને નાતમાં લઈ આપની ભુલ સુધારી
મુખીપણાના હોદ્દાને શોભાવશો નહિ તો એક કહેવત મુજબ “કાલા મોહ લે જાયગા સાહેબ કે
દરબાર” એવી આશાએ ઉપલા બોલ કહી હું અત્રે વીરમું છું,
તે સાથે ચેતવણી પણ આપું છું કે જો આ આપની થયેલ ભૂલ અહીંયા
અરજી વાંચ્યા બાદ સુધારી છે. (ગરીબ ભાઈઓને નાતમાં લીધા છે) એવી આ પત્રમાં “પાટીદાર
ઉદય”માં એક માસની અંદર જો ખબર નહિ આપો તો આગળ પછીના અંકમાં જરૂર આપ કડવો અનુભવ
વાંચશો. એજ ઈશ્વર આપને સદ્બુદ્ધિ આપે !
લી. આપના જુના અને હાલના કામોને જાણનાર આપનો મિત્ર
પાટીદાર જ્ઞાતિ અને પીરાણા પંથ
(લેખક : ઠા. હીરજી વીસનજી સેજપાળ કરાંચી)
સંસારમાં
અનેક અત્યાચારો જુલ્મો બહારના અને આંતરીક હુમલાઓ છતાં પણ જે કોઈ જાતિ પોતાનું
અસ્તિત્વ ટકાવી રહી હોય તો આપણી જ સનાતન પવિત્ર આર્ય જાતિ છે. ઇતિહાસ આપણને બલ્કે
જગતને પાઠ શીખાવે છે કે અનેક પ્રલયકાળના જેવા પ્રચંડ વાવાઝોડામાં અસંખ્ય રાષ્ટ્રો
જાતિઓ, જડમૂળથી ઉખડી ગઈ છે. ક્યાં છે આજે પ્રાચીન રોમ,
મિશ્ર, ગ્રીસ, ચીન અને યુનાન ? અરે કેટલાકના તો ઇતિહાસમાં નામ કે અસ્તિત્વના ચિહ્નો
સુધ્ધાં પણ નષ્ટ થયા છે. હિન્દુ જાતિ ટકી રહી છે. તે તેના ભિન્ન ભિન્ન વિશાળ સુદૃઢ અવવ્યોના લીધે જ શક્ય છે. કે
વર્તમાન કાળમાં આ અવવ્યો પણ શિથિલ થતા જાય છે. ખેડૂતો (કણબીઓ)ના ભારત સમાજ ઉપર
અનેક ઉપકાર છે. બલ્કે જગત તેમનું ઋણી છે. ને સદાના માટે રહેશે પૃથ્વીના પાલણહાર
મહાન સામ્રાજ્ય વાદીઓ કે મુડીવાદીઓ નથી પણ શીત,
ઉષ્ણ અને વર્ષાની ઋતુઓના અનેક કષ્ટો સહી માનવ સમાજનું ઉત્તમ
ખેતી દ્વારા કલ્યાણ કરનાર ખેડૂતો એટલે કણબી ભાઈઓ જ છે.
ખરા પૃથ્વી પાલકો તો એજ છે એમને અમારા વંદન હો.
હિન્દુઓની અન્ય જાતિઓની પેઠે અમારા કણબી ભાઈઓની પણ કાળચક્રના બળે વર્તમાન
દુર્દશા થઈ છે. જોકે કેટલાક અવગુણો અન્ય ઉચ્ચ ગણાતી જાતિઓમાં પ્રવેશ પામ્યા છે,
હજી સુધી સદ્ભાગ્યે અમારા કણબી ભાઈઓમાં પ્રવેશી શક્યા નથી.
કણબીઓએ દારૂ, ચા, તમાકુ વગેરે દુર્વ્યશનોથી મુક્ત છે. (પ્રવેશ પામ્યા હશે. તો
પણ અપવાદ રૂપે જ) જ્યારે આખું હિન્દ વિદેશી વસ્ત્રોના મોહથી (મહાત્માજી સુધ્ધાં)
ઘેલું બન્યું હતું ત્યારે પણ અમારા કણબી ભાઈઓ ખાદી પહેરી પોતાના પવિત્ર દેહને
શોભાવતા હતાં. કણબી ભાઈઓમાં કેટલીક જગ્યાએ અંધશ્રદ્ધાથી પીરાણા જેવો અર્ધ ઈસ્લામી
ધર્મ ઘુસી ગયો છે. જોકે સુધારકોના પ્રયત્નોથી હવે તે દુર થવા લાગ્યો છે અમો તેને
જલદી દુર થયેલો જોવા ઉત્સુક છીએ ભાઈઓ હવે પ્હો ફાટ્યો છે તમો હિન્દુ છો હિન્દુ
જાતી તમારા જેવા ભાઈઓથી ઉજળી છે. જાગો, ઉઠો અને અંધશ્રદ્ધાના વમળમાંથી બહાર આવી બાળ લગ્ન તથા બીજી
બુરી પ્રથાને ત્યાગી શુદ્ધ હિન્દુ બની સનાતન વૈદિક ધર્મની જય જય કાર કરો પ્રભુ
તમોને સદ્બુદ્ધિ અને આત્મબળ આપો.
ૐ
શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ
ઉદય માર્ગદર્શન
(માવજી વાસણ પટેલ)
બંધુઓ !
પાનખર ઋતુમાં સખત તાપ છતાં સર્વ વનસ્પતિ નવ પલ્લવ અને નવજીવન ધારણ કરે છે,
તેમજ હાલ જગતમાં સર્વત્ર વેર,
વિરોધ, ગરીબાઈ, અધર્મ રોગ વગેરે અસંખ્ય આપત્તિઓ રૂપી અસહ્ય તાપ છતાં દરેક
દેશમાં દરેક માનવ સમુહ (નાતો, પેટા નાતો, તડો)માં વાસ્તવિક શાંતિ દાયક વ્યવસ્થાઓ માટે ઓછી વત્તી
જાગૃતિ—મથન જણાય છે. મનુષ્યમાં જીવ છે કે મુડદું છે તે શારીરિક પ્રવૃત્તિઓ ઉપરથી
જાણી શકાય છે. કેટલીક ખાસ પ્રવૃત્તિઓ બંધ જણાય તે
મુડદું ગણી તેનો સર્વથા ત્યાગ કરવાની કુદરતી ફરજ પડે છે. તેજ નિયમ પ્રમાણે
બુદ્ધિપૂર્વક યોજના—ગોઠવણ કરેલી કેટલીક પ્રવૃત્તિઓ એજ નાતો કે મંડળોનું જીવન ગણાય
છે જે નાતમાં પોતાની ઉન્નતીનું સરંક્ષણ અને જરૂરીયાત માટે વિચારપૂર્વક અને સમયના પ્રમાણમાં જરૂરી પ્રવૃત્તિ ન હોય તો
તે નાત નામ માત્ર અથવા મુડદું કહેવા લાયક
ગણાય છે અને મુડદાની પેઠે જ કુદરત તેનો ક્ષય કરે છે.
બંધુઓ ! કચ્છી કણબી જ્ઞાતિમાં સમુહ જીવન પોષક તંત્ર તરીકે કોઈ સાધન છે ?
કબુલ કરવું જ પડે છે કે નહિ,
પણ અવન્નતિ—પડતીમાં મદદ કરનારાં કારણો તો અનેક અતુટ કાર્ય
કરી રહેલાં જ છે. “ઉત્તમ ખેતી” (ઈશ્વરાધીન ફળ પ્રાપ્તિનો વિશ્વાસ રાખી સાત્ત્વિક)
કર્મ કરી નિર્વાહ ચલાવનારી સર્વથા અહિંસક પ્રજાની હાલ કેવી પરિસ્થિતિ છે આપણો સમુહ
કેવાં કેવાં કષ્ટ વેઠે છે, કેવા અન્યાયો સહન કરે છે તે સવિસ્તર કહેવાની જરૂર નથી આપ
સર્વ પૂર્ણ રીતે હાલત જાણો છો.
હાલ આપણા (ખેડૂતો — મજુરો — સર્વ ગરીબો) ના ભલા માટે આપણાં નાનકડા રજવાડાં,
સરકાર અને દેશના પરોપકારી નેતાઓ તથા જન સમાજના સુજ્ઞ સેવકો
તરફથી જુદા જુદા નાના મોટા પ્રયાસો થવા લાગ્યા છે થતાં હશે. છતાં આવા મહાજરૂરી
કાર્ય માટેના પ્રયત્નોમાં આપણો હિસ્સો સ્વપ્રયત્ન તરીકે આપવામાં પછાત નથી,
તેમ વાંચક અને શ્રોતાઓ કહેવા હિંમત કરી શકશો ?
મને કહેવા દો કે આપણે સ્વ પ્રયત્નથી આપણી ચડતી થવાના ઉપાય
હજી કર્યાં જ નથી. પડતી થવાના કારણોને મદદ આપતાં પણ આપણે હજી સુધી ડરતા નથી,
તો પછી જણનારીમાં જોર ન હોય તો સુયાણી માત્ર શું કરે ?
આ કહેવત મુજબ સફળતા ક્યાંથી મળે ?
આપણો ઉદય કેમ થાય ?
“પર આશ સદા નિરાશ” મોમાં
મૂકેલો કોળિયો પણ સ્વ પ્રયાસ વિના ગળે ઉતરે નહિ અને પાચન થયા વિના બળ આવે નહિ તો
પછી પડતીમાં પાતાળે પહોંચેલી કોમને ચડતીના શિખરે લઈ જવાના પ્રયાસો વિના મહેનતે
વિના દરકારથી અને વિના વિચારે કેમ સફળ થાય ?
સર્વાધાર પરમ પિતા પરમેશ્વરના ન્યાયમાં રચનામાં કે સૃષ્ટિના વ્યવહારમાં ભુલ કે
પક્ષપાત હોવાથી આપણી કોમ પછાત રહી એમ કહેવાની કોઈ હિંમત કરી શકે જ નહિ. કર્મના ફળ
તરીકે જ સુખ દુઃખના સંયોગો મળે છે. આપણા સમુહોની
હાલની દુઃખ રૂપ દશા આપણા કર્મોનું જ ફળ છે આપણે જગત સાથે અનેક પ્રકારે
બંધનમાં છીએ આથી દરેક મનુષ્યના સ્વતંત્ર કાર્ય ઉપરાંત કુટુંબ,
ગામ, રાજ્ય, જ્ઞાતિ, મંડળો અને જન સમુહનાં એકઠાં કર્મોનું ફળ પણ સારું કે ખરાબ
એકબીજાને સાથે ભોગવવું પડે છે, જેમ મનુષ્યને ઉત્તમ બુદ્ધિ તત્ત્વ આપી કર્મ કરવાની
સ્વતંત્રતા આપી છે તેમજ તેને શિરે અનેક પ્રકારની ફરજો રાખેલી છે. ઈશ્વરી ફરજ પૂર્ણ
બજાવવી એજ મનુષ્યત્વ ગણાય છે અને એજ વાસ્તવિક ધર્મકાર્ય અથવા મોક્ષ માર્ગ છે. પોત
પોતાની ફરજ બજાવવામાં પાછળ રહેવું, આળસ કરવી કે બેદરકાર રહેવું વગેરે જેટલી અપૂર્ણતા એટલું પાપ
અથવા અધર્મ ગણાય છે. ધર્મ સુખ દાતા અને પાપ દુઃખનું મૂળ છે સર્વ પ્રાણી સુખ ચાહે
છે. સુખનાં સાધનો ઈશ્વરી દયામય રચનાથી જ પ્રાપ્ત થાય છે,
તો પછી જેને સુખનાં સાધનો છે,
સમજવાની શક્તિ છે, બીજાને સમજાવે તેટલો માન મરતબો છે,
ખરું ખોટું વિચારવાનો માર્ગ ને સંયોગ છે તેવા ભાગ્યશાળી નર
નારીઓની બીજાને સહાય કરવાની કેટલી મોટી ફરજ છે,
તેનો વિચાર જરૂર કરવો ઘટે છે.
આપણને આપણી ફરજથી જાણીતા કરવા આપણો ઉદય ઇચ્છી તન મન ધનના ભોગે વિના સ્વાર્થે
જનહિતાર્થે ઘણા પુરૂષોએ ભોગ આપ્યો છે અને આપણને ખરો માર્ગ બતાવ્યો છે,
પણ હવે જો આપણે આપણી ફરજ બજાવવામાં ચૂક્યાં,
આપણે આપવાનો ભોગ આપતાં અચકાયાં તો પાપ ભાગી આપણે જ રહેવાના
છીએ.
નાના મોટા કોઈ પણ સમુહની સર્વ પ્રકારની ચડતી પડતીનો આધાર લાગતા વળગતા સર્વ
સાથે સંબંધ ધરાવે છે. કોઈ ઉપયોગી સુંદર ઝાડના પાંદડાં સુકાવા લાગ્યા હોય તે જોઈ
માત્ર અફસોસ કરવાથી કે તે જોયા કરવાથી લીલા રહે નહિ,
પાંદડાં લીલાં રહેવામાં તેના મૂળ,
થડ, છાલ, હવા, પાણી, જમીન, ઋતુ એ સર્વનો સંબંધ જોડાયો છે. તેમજ કીડી ઉધઈને બીજા
વિઘ્નકારક કારણો સાથે સંબંધ છે. તેમજ આપણા સમૂહની પડતી હાલત સાથેના સર્વ સંબંધો
તપાસવાની ખાસ જરૂર છે અને ત્યારે જ પડતીના કારણો ખસેડી ચડતીના ઉપાયો કરી શકાશે.
માટે સુજ્ઞ નર નારીઓ જાગે અને પોત પોતાની ફરજ સમજી લઈ જ્ઞાતિ સેવામાં તત્પર થઈ
મનુષ્ય જન્મ સાર્થક કરો આપની સેવામાં અર્પણ થયેલું “પાટીદાર ઉદય” આપને યથાશક્તિ
સત્ય માર્ગ બતાવવા બહાર પડ્યું છે. તે
ધન્યવાદને પાત્ર છે. તેનો લાભ લઈ સંબંધીઓને લાભ આપવામાં આળસ કરશો નહિ.
સમયાનુસાર કચ્છ કાઠીયાવાડ ગુજરાતની લેઉઆ કડવા કણબી પાટીદાર જ્ઞાતિ સમસ્તમાં
અનેક પ્રકારે જાગૃતિ આવેલી જણાય છે. આ સર્વ સમૂહોમાં કચ્છી બંધુઓ વધારે પછાત છે.
તેમની પરિસ્થિતિ ખાસ વિચારણીય કક્ષા પર છે એમ તો કહેવું જ પડે છે. આ સમુહના
ઉદય—ચઢતી માટે પ્રયાસ કરનાર અને ભોગ આપનાર અસાધારણ વ્યક્તિઓએ ભોગ આપવામાં અર્પૂણતા
ન રાખ્યા છતાં, સમૂહમાં જોઈતી જાગૃતિ આવી નથી અને પુરૂષાર્થી પુરૂષોના
કર્મોની કદર કરવામાં અમારો કચ્છી બન્ધુઓનો
સમૂહ પ્રમાદ વશ રહ્યો છે. પણ આશા છે કે આ વીર બંધુઓ જાગૃત થતાં અમારા બીજા સમૂહોથી
સત્વર આગળ નીકળી જશે. કારણ કે ઉત્સાહી યુવકો અને અગ્રેસરો અંતઃકરણના આગ્રહપૂર્વક
કાર્ય કરે છે અને હાલ અભણ છતાં પરંપરાથી વિશ્વાસુ અને નિખાલસ કોમને ખરો માર્ગ
સમજાતાં અમલ કરતાં વાર લાગશે નહિ અને સત્યનો જય જ સંભવે.
માનવ સમૂહની ચડતી પડતીનો સંબંધ કેળવણી ઉપર આધાર રાખે છે. શારીરિક માનસિક અને
આત્મિક કેળવણીનાં પ્રત્યક્ષ અને પરોક્ષ અંગો સંબંધે અને આપણા ખેડૂત વર્ગને હિતકારી
સર્વ વ્યવસ્થા સંબંધે યથા શક્તિ વિચાર ચાલુ રાખવા માસિકમાં તંત્રી મહાશય સ્થાન
આપતા રહેશે અને વાચક તથા શ્રોતાઓ સમયનું દાન આપી સેવકને ઉપકૃત કરશે. એવી આશા રાખું
છું.
(અપૂર્ણ)
આપણો મોહ
(લેખક : રણછોડદાસ દલસુખરામ,
અમદાવાદ)
જેનું હૃદય ધડકી રહ્યું નિજ,
પીરાણાઓના
ધડકારમાં,
એ પુનિત સુંદર હૃદય વરનું,
પ્રેમ પૂજન
થાય છે.
આપણે મોહ ઘણી જાતના તજવાના છે. પણ પીરાણા મત ઉપરનો આપણો મોહ તજવાનો જેટલો હક
છે, તેટલા બીજાને માટે આપણે તૈયાર નથી. પીરાણા નામનો એક મતપંથ છે. એ પંથનો સ્થાપક
ઈમામશાહ ઉર્ફે ઇમામુદીન હતો, તે જાતનો મુસલમાન હતો,
આજ દિવસ સુધી એ પંથ હિંદુનો સંપ્રદાય ગણાતો હતો,
પણ તેઓએ હિંદુ મુસલમાનના મતથી જુદો જ મત બનાવ્યો છે. તેના
રક્ષક ખરેખરી રીતે એની ઓલાદના કેટલાક સૈયદો છે. પણ તેઓમાંથી કોઈ પીરાણા પંથનો સેવક
નથી. તેના સેવકો હિંદુ જ છે. તેથી તેના
મહંત તરીકે એક હિંદુ રાખી લીધો છે. જેનું નામ લક્ષ્મણકાકા છે તે ગામે ગામ
સેવકોમાં ફરી શીર બંધી લાવીને કેટલાક સૈયદોનું પોષણ કરે છે. એ પંથની ત્રણ શાખા છે.
તે ગાદી નામે ઓળખાય છે. મુખ્ય ગાદી પીરાણાની ગણાય છે. તેના મહંત કાકા નામથી ઓળખાય
છે. જેનું નામ ઉપર આવી ગયું છે. તેઓને કેટલાક સેવકો ગુરૂના જેટલું માન આપે છે. પણ
તે ધર્મ રહીત પાખંડી છે. ગુરૂના જેવા આચાર વિચાર તેમનામાં નથી,
ઉદ્ધત છે, જ્ઞાતિદ્રોહી છે, ભણેલા નથી સહી પણ માંડ માંડ કરી જાણે છે. મીલ રાખે,
સટા કરે, મોટરો ભાડે ફેરવે. એ પ્રમાણે ધનહર ધંધો કરે છે. દાઢી રાખે
છે, માથે ચોટલી રાખતા નથી, માથાના વાળ મુંડાવતા નથી,
માથે ધોળી પાઘડી મુકે—પહેરે છે,
કાછડી વાળે છે. અંગરખુ ધોળું,
ખાંધે ખેસ રાખે છે. બીજી શાખા ભાભેરામમાં છે તેના મહંત ભગવી
પાઘડી માથે મુકે છે, દાઢી રાખતા નથી. ત્રીજી શાખા નાયાકાકા કરીને કહેવાય છે. તેઓ
જાતે મુમના છે, તેની પહેલાના પણ મુમનાકાકા હતા,
દાઢી રાખતા હતા. માથે ધોળી પાઘડી મુકતા હતા. પણ હાલના કાકા
ભગવી પાઘડી પહેરે છે. મુમના મુસલમાનો સાથે ખાવા પીવાનો વહેવાર રાખે છે. એ તેજ
કાકાની સાથે હિંદુ સેવકો ખાવા પીવાનો વહેવાર રાખે છે. તે સર્વમોંકાણ બીજી શાખાના
મહંત (હાલના) શ્રીયુત કાકાબાવાજીને માલુમ પડવાથી,
પીરાણાની અમી કે નુરની ગોળી* કે જે
પીવા વગર સ્વર્ગ—ઈમામશાહના વિવાહમાં મહાલવા તથા સવા લાખ વર્ષનું હુરાં પરી સાથે
રાજ્ય ભોગવવાનો અધિકાર નથી. તે સિદ્ધાંતને કોરે મુકીને નુર પીવાનું બંધ કર્યું છે.
તેમજ સેવકોના હાથનું ન ખાતાં પોતાના તરફથી રસોઈઓ રાખીને તેના જ હાથનું જમવાનું
રાખ્યુ છે. આ અજબ ફેરફાર છે.
પીરાણામાં રોઝા છે, મુખ્ય રોજો ઈમામશાહનો છે. તેને સેવકો અવતારી પુરૂષ માનીને
પૂજા કરે છે. પીરસોદરદીન, પીરકબીરદીન, પીરસાહેબદીન, પીરનસીરદીન અને પીરસમસુદીન એવા પાંચ પીરોને ગુરૂ માને છે.
જાતી ભેદ રાખતા નથી, શ્રી રામ કૃષ્ણા દિને અવતારી પુરૂષો માને છે,
પણ તેમને હિંદુ ધર્મમાં જે સ્થાન છે તેવું પીરાણાઓમાં નથી,
ગૌ રક્ષાને માને છે કેટલાક પીરાણાઓમાં માંસ,
મચ્છી, તાડી, દારૂનો નિષેધ છે, તેઓ પુનર્જન્મને માનતા નથી. મુક્તિને તો માને છે.
સેવકોમાંથી કેટલાક બાર માસની બીજ ઉપર રોજા રાખે છે. રમઝાનમાં રોજા રાખે છે,
કલમો પઢે છે. કબરને માને છે,
કલમો પઢીને મુડદાંને દાટે છે. પણ કુરાને શરીફને ધર્મ ગ્રંથ
તરીકે માનતા નથી. કેટલાક પીરાણા પંથીઓ હિંદુના જેવી ઠાઠડીને નાળીયેર બાંધે છે,
રામ રામ પોકારતા મુડદાને લઈ જાય છે,
પણ હિંદુના વેદને ધર્મશાસ્ત્ર તરીકે માનતા નથી. એ પંથના
મંદિરો ખાનાને નામે ઓળખાય છે.તેઓના પુજારી મુખીના નામે ઓળખાય છે તેઓને ગોરના
જેટલું માન છે, તેને પાય પડે છે અને તેઓ ફક્ત ૩—૪ ગુજરાતી ચોપડીઓ ભણેલા હોય
છે, પણ મોટો ભાગ તો સાવ અભણ હોય છે. (કચ્છના મુખીઓ તો કાળા અક્ષરને કુટી મારે તેવા
હોય છે.)
સુધારકો કહે છે તેમ તેઓમાં આચાર હવે મંદ થતો જાય છે. વિચારમાં તો બીજા કેટલાક
પંથના સેવકો કરતાં એ ભ્રષ્ટ છે. ખાનામાં કાંઈ નથી,
પણ મહોર નબુવંત, દુલ દુલ ઘોડો, તલવાર વગેરેને મૂર્તિ પૂજા જેટલું માન આપે છે. ઈમામશાહના
ચમત્કાર ઉપર સેવકોએ મુખ્ય આધાર રાખ્યો છે. તે વિક્રમ સંવત ૧૫૦૫ {VSAK :1448-49} ની સાલમાં ઈરાનથી ગુજરાત આવ્યા છે તેણે સેવકોના પૈસાથી
પોતાની કબર દોઢ લાખ રૂપીયા ખરચીને બંધાવી છે. સદાવૃતને નામે ધર્મને બહાને સ્વર્ગ
મળવાની લાલચે સેવકો પાસેથી શીરબંધી વિગેરે
લાગાઓ લેવામાં આવે છે. સેવકો સુન્નત કરાવતા નથી. દાઢી રાખતા નથી,
કેટલાક ચોટલી પણ રાખતા નથી. કેટલાક તો હિંદુના દેવોને પણ
માને છે. નમાજ પઢતા નથી, ખાનામાં રાત્રિના સમય ધર્મક્રિયા કરવામાં આવે છે,
ત્યાં વૈષ્ણવોના જેવી પ્રસાદી ધરવામાં આવે છે,
તે છેવટે સેવકો જમી જાય છે.
મરજાદીઓને પેઠે સેવકો નાહી, ધોહી, ને ખાનામાં જાય છે,
સૌ એકઠા મળીને પીર ઈમામુદીન ઉર્ફે ઈમામશાહને જપે છે. વૃદ્ધ
હોય કે બાળક હોય તો પણ તેની પાછળ ખર્ચ જમણમાં મિષ્ટાન કરવામાં આવે છે મરનારની પાછળ
સજ્જા દાન દેવાય છે.(લુગડા ગોદડાં વગેરે) પણ તે ખાનામાં રહે છે,
વર્ષ દિવસે કે કોઈ અનુકૂળ દિવસે તેનું લીલાઉ થાય છે. પીરાણા
પંથીઓએ પોતાના ધર્મને ગુપ્ત ધર્મ માન્યો છે,
તેઓનાં ધર્મ ગ્રંથો હિન્દુ મુસલમાનથી જુદાં જ છે,
અને તે હસ્તાક્ષરે છે તેની ભાષામાં અશુધ્ધ અને જોડેલા શબ્દો
ભાગ્યે જ જોવામાં આવે છે, આવું આ ધર્મનું રહસ્ય કચ્છ પ્રાંતમાંથી શ્રીયુત્ નારાયણજી
મીસ્ત્રી ગુજરાતમાંથી શ્રીયુત છીમાભાઈ ભગત અને બીજાઓને આભારી છે. એટલે સુધી હવે તો
પોકળ જણાયું છે કે ગાદીના મહંતો કાકાઓ સુદ્ધાં આ પંથ છોડવાને તૈયાર છે. પણ
બચાવામાં કહે છે કે, “સેવકોના પૈસા વડે હમારી લાડી,
વાડી અને ગાડી કાયમ છે,
અમો તેઓને પાપ માનીએ છીએ,
પણ જ્યાં સુધી તમો બધાએ ફરી ન બેસો ત્યાં સુધી અમારે તેઓના
મોઢે ગીત ગાવાં પડશે.”
એ પંથના પ્રવેશને તો લગભગ ૪૦૦ વર્ષ થયા છે. તે પૂર્વે પીરાણાઓમાં અગ્નિ
સંસ્કાર હતો. બ્રાહ્મણો પાસે લગ્નાદિ ક્રિયાઓ કરાવતા હતા,
જનોઈઓ ધારણ કરેલી હતી. પ્રથમ અમદાવાદના કેટલાક પાટીદારોએ એ
પંથ ગ્રહણ કીધો. તેઓમાં પક્ષ પડવાથી તેને કચ્છમાં નાસી જવું પડેલું તે આજે મુમના
કણબીમાં ખપે છે. તેઓના સહવાસથી કોળી, ગોલા, કણબીમાં પ્રવેશ પામ્યો. ગુજરાતના પાટીદારો મતીઆ તરીકે ઓળખાય
છે. હવે તો કેટલાકની શ્રદ્ધા ઉઠી ગઈ છે. પણ નાતના જુલમ તથા ઘરડાઓનાં મન રાજી રાખવા
હૃદયની વિરૂદ્ધ રાખી રહ્યા છે. એ નબળાઈઓ હવે નીકળી જવાને જ્યાં ત્યાં ચળવળ ચાલી
રહી છે. ગુજરાતમાં “પાટીદાર પ્રકાશ” નામે માસિક પત્ર કાઢવામાં આવ્યું હતું. તેમજ
વળી હાલમાં કચ્છ તરફ “પાટીદાર ઉદય” કાઢવામાં આવ્યું છે. આ બધી વિજયની નિશાની છે.
પણ જે કૂતરાઓને મીઠાઈમાં ઝેર ભેળવીને સિપાઈને હાથે ખવડાવવામાં આવે છે. તે અંદરનું
ઝેર સમજી શકતા નથી તેથી ખાઈ જાય છે, અને પોતાનું મોત કરે છે. તેવા કૂતરાઓ પૈકી પણ હવે સમજતા થયા
છે. તે એવા ઝેરની હવા સુદ્ધા પણ લેતા નથી. અને બીજાને ઉપદેશ આપે છે કે,
રખે એ ઝેર ભેળેલ મીઠાઈ હવે ખાતો એ જાગૃતિની લક્ષ્મણકાકા અને
બીજા મુખીઓને ખબર પડી ગઈ છે. એટલે તે મીઠાઈમાં ઝેરને ઠેકાણે ધન,
દોલત ભેળીને એવા નીચ એવા જ્ઞાતિ દ્રોહીના હાથે બીચારા શીકાર
થઈ પડે છે. તેવા હજી સેવકો પડેલા છે. ત્યાં સુધી સુધરતાં વાર લાગશે. લક્ષ્મણકાકાને
“ગુલામ” તરીકે ઓળખવામાં સુધારક સૈયદોએ આપણને તક આપી છે. છતાં આપણો મોહ છુટતો નથી.
આપણો આજ દિવસ સુધી પીરાણા મતને હિન્દુ ધર્મ તરીકે ઓળખાવાનો મોહ હતો,
તે પણ સુધારક સૈયદોએ જાહેરમાં મુસલમાની ધર્મ લખ્યો છે. છતાં
આપણો મોહ છુટતો નથી. તો પછી લક્ષ્મણકાકાનો તો ક્યાંથી છુટે ?
અને તેના સાથી મુખીઓ કે જેને ધન લુંટવાનો ધંધો થઈ પડ્યો છે.
તેનો મોહ તો ક્યાંથી જ છુટે ? પણ તેમાં આપણો સેવકોનો પૈસો હણાય છે આપણું નાક જતું રહે છે.
અને નકટામાં ઓળખાઈએ છીએ, આટલું આપણું વગોણું થાય છે છતાં મોહ છૂટતો નથી એટલું આપણું
પાપ છે. લક્ષ્મણકાકા કરતાં શ્રીયુત
નારાયણજી મીસ્ત્રી નાનજીભાઈ વગેરે આપણા
સુધારક વધારે પૂજ્ય છે. કે જેણે પોતાના તન
મન અને ધનનાં ભોગે આપણને જાગૃત કર્યા છે. તો શું હજી આપણે એવા જડવત્ની
ગણતરીમાં રહીશું ? અને હજી શું આપણા હૃદય નહિ પીગળે ?
એના કરતા મરવું બહેતર છે કે હિન્દુ મટી પીરાણા મુસલમાનમાં
ખપીએ કે જેના માટે આપણને તિરસ્કાર છે. લક્ષ્મણકાકાને આપણે નોટીસો આપી આપી થાક્યા,
પણ પીરાણા મત હિન્દુ છે કે મુસલમાની તે હજી સુધી નીવેડો
લાવી શક્યા નથી. તો પછી તે છોડવામાં હજી આપણે કોને પૂછવું છે ?
કવિ શામળ ભટ્ટ કહી ગયા છે કે :— “જીવતો નર ભદ્રા પામશે મુવા
પછી કોને મળે” એ વાક્યને શું લક્ષ્મણકાકા ખોટું પાડે છે ? “આપ મુવા વિના સ્વર્ગે ન જવાય” એ વાક્ય આપણા હૃદયમાં કોતરાઈ રહેશે. પણ આ તો
લાલચ એવી બુરી છે કે ખાનામાં જઈને ગુન્હો ઉતાર્યો એટલે માફ થઈ ગયો,
અને સ્વર્ગ મળ્યું. એમ જો સ્વર્ગ મળતું હોય તો પછી રાજા
હરિશ્ચંદ્ર, ને રાણી તારામતી, અને કુંવર રોહીદાસ,
ને ભક્ત પ્રહલાદને તપ કરવાની શી જરૂર હતી ?
એ બધું આપણે ઘણા વર્ષોના પીરાણાઓના સહવાસથી ભુલી ગયા. આપણી
દશા હવે એ થઈ પડી છે કે હિન્દુનું ભુલી ગયા,
મુસલમાનનું પૂરું જ્ઞાન ન મળે એ તો જે જાલ્યું તે જાલ્યું
(તેથી દશા ધોબીના કુતરાની જેમ ન ઘરના ન ઘાટના જેવી થઈ છે.) તેથી જન્મીને જેણે જીવી
જાણ્યું છે તેને ધન્ય છે. તેના મૃત્યુ પાછળ સૌની આંખમાં આસું ભરાય છે.”
લક્ષ્મણકાકા બહુ સુંદર છે. શરીરે જાડાં છે,
તેમના આભુષણોથી આપણને મોહ ઉપજે છે. પણ તેમનું હૃદય જયાં
સુધી પાક નથી, ત્યાં સુધી તે આપણે માટે નકામા છે.
ૐ
શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ
* પીરાણાની પાવળ કે નુરની ગોળી સંબંધી કે તે શેમાંથી બનાવવામાં આવે છે. તેમજ
તેનો બનાવનાર કોણ છે. તે કયા વખતથી ચાલુ કરવામાં આવી છે ?
વગેરે હકીકત કોઇ
ભાઈ અમોને લખી મોકલશે તો તે ઘણી ખુશીથી તે દાખલ કરવામાં આવશે. તંત્રી
“પાટીદાર ઉદય” માસિકમાં જાહેરખબર આપવાના ભાવ | ||||
| એક પેજ | અર્ધું પેજ | પા પેજ |
|
એક વર્ષ | ૩૬ | ૨૦ | ૧૧ |
|
છ માસ | ૨૦ | ૧૧ | ૬ |
|
ત્રણ માસ | ૧૧ | ૬ | ૩॥ |
|
એક માસ | ૪ | ૨॥ | ૧॥ |
|
ઉપર પ્રમાણે ભાવ છે, ટૂંકી જાહેર ખબર માટે ચાર લાઇનનો રૂ. ૧) એક,
એક વખતનો છે. જાહેર ખબરના નાણાં અગાઉથી લેવામાં આવશે. વધુ
ખુલાસા માટે પૂછો.
વ્યવસ્થાપક,
પાટીદાર ઉદય
ઓફીસ,
રણછોડ લાઇન,
કરાંચી
સત્ય માર્ગ સનાતન ધર્મ
(લેખક : મૌજી મહાજન)
આ નીચેનો
સંવાદ છે તેની અંદર મરઘાંબાઈ જુના વિચારના પીરાણા પંથને માનનારાં છે અને
લક્ષ્મીબાઈ તો હાલના મંડળવારા જે સુધારાવાળા કહેવાય છે તેમની સ્ત્રી છે તે બંનેનો
ભેટો થતાં તે બંને વચ્ચે સંવાદ થાય છે જે પાટીદાર ભાઈઓને અવશ્ય વાંચવા લાયક છે.
મરઘાંબાઈ — બેન તમે શું જાતે કણબી છો ?
આ જુઓને તમે જાણે કોઈ મહાજન ના હો !! એવા તમારા બધા ઢંગ
લાગે છે.
લક્ષ્મીબાઈ — હા બેન ! એ તો તમને એમ લાગતું હશે ! પણ કણબી કંઈ મહાજન ન કહેવાય
શું ?
મરઘાંબાઈ — લ્યો વળી ! કણબી તે મહાજન કહેવાતાં હશે ?
એ તો વેપારી ને વાણીયા ને બીજા કેટલાક છે તે બધા મહાજન
કહેવાય આપણે તો કણબી કહેવાઈએ. આપણે ક્યા એ બધા હિંદુ મહાજન ભેળા ભળીએ છીએ એ તો
આપણામાંથી નોખાને !
લક્ષ્મીબાઈ — એમ કેમ બહેન ! ત્યારે આપણે હિન્દુ નહિ એમ શું તમે માની બેઠા છો ?
તમારી ભુલ થાય છે
બા ! આપણે હિંદુ જ છીએ તમારી સમજ ફેર થાય છે બેન !! કેમ કે આપણી કોમમાં
થોડો વખત થયાં પીરાણા પંથ (અર્ધ મુસલમાની ધર્મની ભેળસેળ ભરેલી પોલ આપણી અજ્ઞાનતાનો
લાભ લઈ સૈયદ લોકોએ દાખલ કરી છે. આથી આપણે ન હિંદુ ન મુસલમાન એવી અર્ધદગ્ધ
સ્થિતિમાં છીએ. જ્યારથી તે માર્ગે આપણે ચાલવા લાગ્યા ત્યારથી બેન આપણે હિંદુપણું
ભુલી ગયા છીએ મહાજન કહેવાતા મટી ગયા છીએ અને લોકોમાં હાંસીપાત્ર બન્યા છીએ.
અજ્ઞાનના અંધારામાં હજી સુધી ઘુસી બેઠા તેથી દરેક રીતે આપણે પછાત રહ્યા છીએ.
મરઘાંબાઈ — તમે તો હવે લેબરીવાળાના ઘરવાળાં એટલે તમને હવે એવાં વાનાં બધાં
બોલતાં આવડે બેન ! પણ અમારે તો વાડીવાળાને ઘરવાળાને એવા તમારા ફતુર ભાસતા નથી.
આપણો ધર્મ તો છે ખાનાનો ને તમે વળી એમાં ઘાલ્યા થાળીયું ના ઝણઝણાટ ! એ કાંઈ આપણા ખાનામાં હોય ?
એ તો હિંદુના મંદિરોમાં ભલે હોય,
આપણે તો નગારું લોબાન ને પીરનું નામ ત્યાં તમે વળી ખોસી
ઘાલ્યું જ્યોતિધામ. તમે તો ખાન બાવાને ગોરના ગુનેગાર થાઓ છો બેની ! ઠાલાં વાટ
મુકીને કવાટે ન ચાલો ! જુઓને જાણે ઓળખાતાએ
નથી. જાણે હિંદુ વાણીયા જેવા મહાજનના બધા આચાર ! એ શું ?
આપણે કણબણોને એ પરવડે ! અમને તો એવી તમારી કઢંગી રીતભાત
જરાએ ગમતી નથી અમારા વાડીવાળાએ કહેતા હતા કે લેબરીવાળા તો હમણાં ભારે ઢોંગ કરવા
માંડ્યા છે. ભેળા થાય ને વળી ભવાયાની ઘોડે એક બોલીને થાકે ને બીજો ઉઠીને બોલે,
વેશના જેમ ચાળા કરીને ફતુર કરવા મંડ્યા છે.
લક્ષ્મીબાઈ — બેન ! તમારી વાત સાચી છે,
તમને અત્યારે એમ જ જણાય ! જ્યાં સુધી તમોને હજી સત્યતાનું
ભાન થયું નથી, ત્યાં સુધી અસત્યને જ વળગી રહ્યાં છો,
બા ! તમારું કહેવું પણ વ્યાજબી છે,
કેટલીક વાતે બહુ જ સમજણ લેવા જેવું છે,
કેમ કે તમે અમારાથી ચાર દીવસ મોટાં તો ખરાં તેથી અક્કલમાં
પણ અમારાથી વધતાં હોય જ, અમારે તમારી વાતને માન આપવું યોગ્ય છે. પણ બેન ! તમોને
ખાનાનો ધર્મ વધારે વહાલો છે ખરુબેન ?
મરઘા — એ તો આપણો આદ અંતનો છે તેને તે વળી મેલી દેવાય ?
લક્ષ્મીબાઈ — બા ! તમારું કહેવું તો બહુ જ સારું છે,
બેન ત્યારે તમને હિંદુ ધર્મ કરતાં મુસલમાની ધર્મ વધારે
વહાલો લાગે છે.
મરઘા — આપણે ક્યાં મુસલમાન છીએ.
લક્ષ્મી — હા બાઈ ! હું એ એમ કહું છું
કે પીરાણા મુસલમાની ધર્મ તો પસંદ કરવા જેવો હશે. પણ તમે વળી કહો છો કે આપણે
ક્યાં મુસલમાન છીએ તો પછી તમે કોણ ?
મરઘાં — તમે એમ પૂછો તે અમને કેમ ખબર પડે બાકી કાંઈ અમે મુસલમાન નથી.
લક્ષ્મીબાઈ — હા ! બાઈ જો મુસલમાન નહિ તો પછી હિંદુ,
બેમાંથી એક તો હોવું જ જોઈએ ! કેમ કે કાં તો મુસલમાન થવું
સારું અને કાં તો હિંદુ રહેવું સારું પણ આ તો (પીરાણા પંથ) બેમાંનું એકે નહિ.
મરઘાં— બહેન હિંદુ તો આપણે કહેવાઈએ કાંઈ મુસલમાન ભેળા થોડા
જ જમશું ?
લક્ષ્મી— ત્યારે બહેન ! હવે તો તમે સમજ્યાં બરાબર ઠીક કહ્યું. જુઓ બેન આપણે
હિંદુ કહેવાઈએ તો પછી ધર્મ પણ હિંદુ જ પાળવા જોઈએ,
કહો બેન કોઈ હિંદુ ધર્મમાં કલમા પડાય છે ?
મરઘાં— બેન આપણે ક્યાં અલ્લાને ભજીએ છીએ ? આપણે તો જોતપાટને પુજીએ છીએ કાંઈ મહોર નંબુવતને નથી પુજતાં !
લક્ષ્મી— સાચું બેન પાટજોત એમાં જ ઈશ્વર પૂજનનું ખરું તત્ત્વ છે. એટલે હિંદુનો
ભગવાન અને મુસલમાનનો અલ્લા બેન કાં તો બનો મુસલમાન ને ગમે તો રહો હિંદુ પણ આ ન
હિંદુ ન મુસલમાન બેન હિંદુ ધર્મ તમોને સારો લાગે ને હિંદુ રહેવાનું પસંદ કરો છો.
ત્યારે તો આપણે હિંદુ ધર્મના જ રસ્તે જ ચાલવું જોઈએનાં કહો બેન ?
મરઘાં— અમે ક્યાં એમાં ના કહીએ છીએ પણ તમે આપણો બધો પહેરવેશ ને આચાર વિચાર
પટલાવી નાખ્યો તે ઠીક નથી. જુઓ ને જાણે હોનાના (સોનાના) હાર ને રંગ રંગના હાડલા ને
ભાત ભાતના કમખા ને હોનાની (સોનાની) વળી ચુડલી હાથમાં તે શું શોભે ! આપણે તો જાડા
જોડીના હાડલાં (સાડલા) કાનમાં અકોટ નાકમાં કડું ને હાથમાં મોટા પટાની રૂપાની ચુડલી
એ વિના કણબી કેમ ઓળખાય.
લક્ષ્મી— એ તો જુઓ બેન ! તમારું કહેવું માન આપવા જેવું છે. તમારા વિચાર જુના
છે તેથી પસંદ કરવા જેવા છે પણ ! જમાના પ્રમાણે પરિવર્તન પોતાની મેળે જ થયા કરે છે.
જુઓ બેન ? આપણે બૈરાં લોકોએ પોતાના પુરૂષોની રહેણી કરણી ને સ્થિતિનો
વિચાર કરીને જ ચાલવું જોઈએ, ભલા ઠીક છે બેન ! જાડા જોડીના સાડલા એ તો તમારી વાત મહાત્મા
ગાંધીજીને અનુસરતી છે. તેથી હું તે બહુ જ પસંદ કરું છું. પણ કહો જોઈએ ! ચાંદી
કરતાં સોનું સારું કે સોના કરતાં ચાંદી સારી !
મરઘાં— એ તો સોનું સારું જ કહેવાય, લ્યો વળી એટલું એ નહિ આવડતું હોય શું ! આપણા કરાચીના
ખેતાવાળા શેઠીયાને ઘરે તો હુંડલા (સુંડલા) ભરાય એટલા સોનાના ટોલ કહેવાય છે.
લક્ષ્મી–બેન ! એ તો આપણા ઘરના ધણીની કમાઈ ઉપર આધાર છે. જેની પાસે
સોનું ઘણું હોય તે પૈસાવાળા કહેવાય, ગરીબોના ઘરમાં તો રૂપું હોય ખરું ને ?
મરઘાં— હા, એ તો એમ જ છે.
લક્ષ્મી— બેન ? જુઓ આપણા પુરૂષોએ જ્યારે ખરા હિંદુ ધર્મને સત્ય માન્યું.
અને આપણા ચાલતા અર્ધદગ્ધ ગોટાળા (પીરાણા) પંથનો ત્યાગ કર્યો ત્યારે તેમને ધંધામાં
ને આબરૂમાં ઈશ્વરે સહાયતા આપી છે, ત્યારે જ અમારે અને બીજા ઘણાઓને આવા સોનાના અને ચાંદીના
કીંમતી અલંકારોની પ્રાપ્તિ થઈ છે.
મરઘાં— બેન ? એમ છે તો અમે પણ હવે તમે કહો છો તેમ કરીશું. અમને આટલા દીવસ
ખબર નહોતી. જેવી રીતે તમોએ અમને કહ્યું તેવી રીતે અમને કોઈએ નહોતું સમજાવ્યું,
ભલા સમજ્યા વગર તે શું ખબર પડે બેન ! હવે તો હું અમારા
વાડીવાળાને કહીશ કે તમે લેબરીવાળા ભેળા ભળી જાઓ તો ઠીક. પણ લખમીબાઈ ભલા રોજને રોજ
નહાવું, ધોવું ને પછે રાંધવું ને ફરફરતાં ફતુર કરવા તે અમને કેમ
પરવડે.
લક્ષ્મી— એમાં તો ઘણીએ જાતે સગવડ છે. જુઓની બા ?
સવારનાં વહેલાં ઉઠી દાંતણ પાણી કરી પાયખાને જઈ આવી નાહી
લઈએ. પછી રસોઈનું કામ કરીએ એમાં તો બહુ જ ચોખાઈ છે. થોડા દિવસ એમ અભ્યાસ રાખવાથી
તમો પોતે જ ઈ વાતને પસંદ કરશો અત્યારે તમને જરા મુંઝવણ લાગશે પણ તેથી સુખી
થશો—માંદા નહિ પડો.
મરઘાં— પણ બેન બીજાએ ખટરાગ તમે તો ઘણાએ કરો છો તે અમારાથી કેમ બનશે.
લક્ષ્મી— બેન એ ખટરાગ ન હોય, એ તો બધી આપણા સનાતન ધર્મના અંગે અને શારીરિક રક્ષણના માટે
પાળવાના આચાર નિયમો છે. અને તે બધાં હું તમને ધીમે ધીમે બતાવીશ. તમે ઘણા ચતુર અને
હોશીયાર છો તો તે શીખવામાં તમોને જરાયે મુશ્કેલી નહીં થાય બેન,
હમણાં તો તમે આપણા મૂળ હિંદ સનાતન ધર્મને માન આપો. આપણી
કોમના જુઓ અહીં કેટલા ભાઈઓ એ રસ્તે ચાલે છે ?
તમે પણ તે રસ્તે ચાલો,
એટલે પ્રભુ બધા સારાં વાનાં કરશે.
(અપૂર્ણ)
સારી તંદુરસ્તી રાખવાનો ખરો આધાર સારા દાંત ઉપર છે. જો તમારા દાંત સડેલા, કમજોર કે ઢીલા હશે તો તમારી તંદુરસ્તી પણ ખરાબ હશે. અથવા ખરાબ થઈ જશે, સ્વદેશી દંત મંજન વાપરવા ચુકતા નહિ કારણ કે આ મંજન વાપરવાથી દાંતનું દરદ, લખો : ધી કોહીનુર કેમીકલ વર્કસ, |
આરોગ્ય ચર્ચા
લખનાર : વૈદ્ય ગોપાલજી કુંવરજી ઠક્કુર,
તંત્રી :
આરોગ્ય સિન્ધુ, કરાંચી
વહાલા ભાઈઓ !
આપણા સમાજમાં કેળવણીની બહુ જ ખામી છે. આપણે જેમ જમાનો આગળ વધે તેમ કેળવણી તથા
વહેવારમાં પણ સુધારો કરવાની જરૂર છે. આપણે જ્યારે દેશમાં વસતા હતા ત્યારે આપણા
રીતભાત વહેવાર એવી જાતનાં સાદાં હતા કે આપણે ત્યાં બીમારી જ ઘણે ભાગે નહિ થતી,
અહીં પરદેશમાં આવવાથી આપણે એવી રહેણીકરણી તથા ખોરાકના
સંબંધમાં આવ્યા કે અહીંની રીતભાતમાં જો સુધારો ન કરીએ અને ગામડાની રીત પ્રમાણે
રહેવા જઈએ તો આપણે જરૂર ઘણા દુઃખી થઇએ, આપણામાં ઘણી એક બીમારીઓ ઘર કરી બેસે,
અથવા તો ઘણી બીમારીઓમાં આપણે અકાળે મરણના શરણ થઈએ. આમ
થવાનું કારણ એ કે અહીંની આબોહવા તથા રીતભાત પ્રમાણે આપણે વર્તતા નથી. પણ જુની રીત
પ્રમાણે ગામડાની જ ઢબથી રહીએ છીએ માટે જ નુકશાની વેઠવી પડે છે. હું તમને ખાસ
જણાવીશ કે તમો જ્યારે ગામડામાં વસતા હો ત્યારે ભલે તે દેશના રીત રિવાજ મુજબ રહો
તેમાં આપણને ઘણે ભાગે હાનિ થવા સંભવ નથી પણ જો આ જમાનામાં ધંધાર્થે આપણે પરદેશ આવી
વસતા હોઈએ તો જરૂર શહેરના રીત રિવાજ પ્રમાણે રહેવાની ખાસ જરૂર છે. અહીં શહેરનું
જીવન ગામડાથી તદ્ન જુદું છે. ત્યાંની રીતભાત અને અહીંની રીતભાતમાં ઘણો જ ફરક
રહેલો છે. તે માટે હું આપને નીચેનો ખુલાસો જણાવીશ ત્યારે આપ જાણી શકશો કે અહીં
વસતા મનુષ્યો માટે ગામડાની રીત કામ ન જ લાગે.
જુઓ આપણે દેશમાં રહેતા ત્યારે ત્યાં આપણને કોઈ પણ વ્યાધિ થતી નહિ,
કદાચ ભાગ્યે જ કોઈ કારણવશાત માંદુ પડે તો સાધારણ ધરગથ્થું
દવા કરતાં આરામ થઈ જતો, તેનું કારણ ત્યાંની હવા ખુલ્લી,
આરામ પૂરતો મળે, ચિંતા નહિ, કામકાજ પણ એવી જાતનાં કે જેમાં ચિંતા ઓછી રહેતી. તેની સાથે
ત્યાંનો ખોરાક સારો પૌષ્ટિક અને સાદો હતો. જ્યારે અહીં આપણે ગામડાની રીતથી રહેતા
હોઈએ તો ઘણી વખતે અકાળે મરી જવાનો પ્રસંગ આવી પડે છે. ધારો કે આપણે ત્યાં કોઈ બાળક
બીમાર પડ્યું, અને શરદી થઈ, ત્યારે તેને થોડોક શેક,
ગરમ કપડાં જોઈતી દવા તથા તેની માતા માટે ખાનપાનની યોગ્ય
વ્યવસ્થા કરવાની ખાસ જરૂર છે, કદાચ તેમ નથી કરતા અને દેશની માફક બેફીકર રહીએ તો પછી તેની
બીમારી વધી જાય છે. પછી આપણે ગભરાઈએ છીએ અને ડોક્ટર કે વૈદ્ય પાસે જઈએ,
દવા લઈએ પણ તે બીમારી વધી જવાથી દવા ઘણે ભાગે સારી અસર પણ
કરી શકતી નથી, અથવા કરે છે તો ખાસ કરી ઘણો વખત સુધી દરેક માણસોને હેરાન
થવું પડે છે અને પૈસાની પણ ઘણી જ ખરાબી થાય છે ત્યારે કદાચ ફાયદો થાય છે,
આમ જ્યારે આપણે બેદરકાર રહીએ છીએ ત્યારે તેના પરિણામ રૂપ
આપણને હેરાનગતિ ભોગવવી પડે છે. પણ જો સાવચેત રહી પ્રથમ જ ચાંપતા ઉપાય કરીએ કે કોઈ
ડાહ્યા અનુભવી માણસની સલાહ લઈએ તો આમ હેરાન ન થવું પડે. તથા વખત અને પૈસાનો નકામો
દુરૂપયોગ પણ ન થાય.
ભાઈઓ ! તેવી જ રીતે આપણે ખોરાકમાં તથા રીતરિવાજમાં પણ અહીં પરદેશમાં આવી
પરિવર્તન કરી લેવાની જરૂર છે. હું તમોને એમ નથી કે તો કે તમો બીજા માણસોની નકલ કરો,
પણ એટલું તો જરૂર કહીશ કે જો બીજા પાસે સારું હોય તો તેની
જરૂર નકલ કરજો, જોકે પ્રથમ વિચાર કરી જોશો કે આમ નકલ કરવાથી નુકસાન તો નથી
થવાનું ને ? એનો પ્રથમ વિચાર કરી પછી ભલે સારું ગમે તેનું હોય તો તે લઈ
લેવામાં સંકોચ રાખશો નહિ. આપણું હોય ને તે બુરું હોય તો તેનો ત્યાગ કરવામાં કોઈને
પણ પુછવા ન જતાં તરત તેનો ત્યાગ કરી દેવો જોઈએ. આ વાતને આપણા વડીલો ડહાપણ અથવા સમય
સૂચકતા કહેતા હતા. ભાઈઓ હમણાનો જમાનો સુધરેલો કહેવાય છે. આપણે ભલે સુધરેલા થવા ન
માગતા હોઈએ તો પણ સુધારાવાળા શું કહે છે તથા તે શું કરે છે તે તો જરૂર જોવું જોઈએ
કદાચ આપણને વખતે તેમની રીત જોવાથી કંઈક લાભ પણ થાય,
માટે તેવી વાતનો કદી તિરસ્કાર કરવો નહિ. ઘણાંક ભાઈઓ તો અહીં
એવા પડ્યા છે કે બીમાર પડતાં તેઓ એમ જ કહે
છે કે પોતાની મેળે મટી જશે. કંઈ દવા કરવાની જરૂર નથી. આમ તેઓ તો અજ્ઞાનતાથી કહે છે
પણ સાથે બીજા ભાઈઓને મૂર્ખ બનાવે છે. તેમણે યાદ રાખવું જોઈએ કે મરવું કે બચવું એ
કંઈ મનુષ્યના હાથની વાત નથી પણ એટલું તો નક્કી છે કે તરત ઉપાય કરવાથી મરવાનો
પ્રસંગ ભાગ્યે જ આવે છે, અથવા તો તકલીફ ઘણી જ ઓછી સહન કરવી પડે છે અને તેટલો ફાયદો
પણ જો ઉપાય કરવાથી મળતો હોય તો પછી આ દુનિયામાં જે તમામ સાધનો પ્રભુએ તથા મનુષ્યોએ
આપણા માટે બનાવ્યા છે તેનો ઉપયોગ શા માટે ન કરવો ?
અમારું તો માનવું છે કે સમયને માન આપી હંમેશા ચાલવું જોઈએ.
શહેરમાં રહેતા આપણે જો ગામડાના બનશું તો ઘણી વાતે આપણને કષ્ટ સહન કરવું પડશે અને એ
કષ્ટ સાધન હોવા છતાં સહન કરીએ તો આપણી અજ્ઞાનતા અથવા તો આપણો દુરાગ્રહ જ સહન કરાવે
છે એમાં જરાએ શક નથી એના તો ઘણાએક દાખલા આપી શકાય. હું એક જ દાખલો આપી આજની વાત
પૂરી કરીશ અને ફરી બીજી વાર આપને આવા વિષયની
જ ખુલાસાવાર ઘણી એક વાતો કહેવાની છે તે કહીશ એક માણસ રસ્તે ચાલતાં કે કોઈ
પથ્થર કે હથિયારના વાગવાથી જખમી થયો. એણે મનમાં વિચાર્યું કે પોતાની મેળે મટી જશે
દવા કરવાની શી જરૂર છે ? બીજા બે ત્રણ જુના વિચારના અજ્ઞાન સાથીઓ તેને મળી ગયા,
ઘેર જઈ તેડી ગયા બે દીવસ આરામ કરો મટી જશે. એમ કહી તે
પોતાને કામે ચાલ્યા ગયા. આ જખમી ભાઈને તેમાં દરદ વધ્યું અને પીડા થવા લાગી એણે
કંઈક ઘરગથ્થું ઉપાય કર્યા. પણ ફાયદો થયો
નહિ આખરે પ થી ૭ દિવસ ઘરમાં બેઠા પછી પાછો દવાખાને ગયો,
વૈદ્યની સલાહ લઈ દવા કરી થોડાક દિવસમાં જ આરામ થઈ ગયો માત્ર ચાર પાંચ રૂપીયા ખર્ચ કરવાથી
તે પોતાને કામે ચડ્યો બંધુઓ ! વિચારો કે તેણે કેટલી નુકસાની તથા પીડા ભોગવી ?
આઠ દિવસની કમાઈ ખોઈ તથા વ્યાધી સહન કરી. પણ પહેલાંથી જ તેણે
કોઈ ડાહ્યા મનુષ્યની સલાહ લીધી હોત તો દુઃખી ન જ થાત. આવી રીતે હંમેશા સમયને માન
આપી ચાલવાની જરૂર છે. બસ હવે તો આટલેથી જ પૂરું કરીશું. બીજું વળી આગળ પર વાત.
જાણવા જોગ જ્ઞાતિ સમાચાર
પ્રભુ
એમને લાંબુ આયુષ્ય અર્પો ! આપણી જ્ઞાતિના આદ્ય સુધારક શ્રીમાન ભાઈ નારાયણજી રામજી મિસ્ત્રી મુંબઈવાળા
જેમને દાઢની નીચે દરદ થઈ તે વધી જવાથી ઓપરેશન કરાવવું પડ્યું હતું. તેઓ હવે સારી
હાલતમાં છે. તેમને લગભગ એકાદ બે અઠવાડીયા સુધી આરામ લેવાની જરૂર પડી હતી અને મોટા
તથા અનુભવી ડોકટરોની સહાયતાથી ઓપરેશનનું કામ ફતેહમંદીથી પાર પાડ્યું હતું. હવે
તેમની તબીયત સુધરતી જાય છે. એવા અમોને ત્યાંથી ખબર મળ્યા છે તે જાણી અમો ખુશી થયા
છીએ. પ્રભુ ! અમારા જ્ઞાતિ રત્ન શ્રીયુત નારાયણજીભાઈને સારી તંદુરસ્તી સાથે લાંબુ
આયુષ્ય અર્પે કે જે વડે તેઓ જ્ઞાતિની વધુ સેવા કરવા ભાગ્યશાળી થાય.
સુધારક મંડળની સભા : આજકાલ અહીંના (કરાંચીના) આપણા મંડળના સભાસદો બરોબર કામકાજ
કરતા નથી અને તેઓ રાત્રીનો સમય મંડળની લાઇબ્રેરીમાં ન ગાળતાં હોટલ વગેરે સ્થળે
રખડીને વ્યતિત કરતા હોય એમ સંભળાય છે. તેમણે એવી રીતે સમયનો દુર ઉપયોગ ન કરતાં
મંડળની સભાઓ નિયમિત ભરવા માટે મહેનત કરવાની ખાસ જરૂર છે કે જેથી આવેલી જાગૃતિ કાયમ
રહે અને વધતી જાય, ગયા માસમાં આ પત્રની ઉન્નતિ ઇચ્છવા તથા સહાયક ભાઈઓનો આભાર
માનવા તેમજ આવા પત્રનો પ્રચાર વધારે કરવાના ઉદ્દેશથી ખાસ સભા ભરવામાં આવી હતી,
તેમાં કામકાજ ઠીક થયું હતું. કેટલાક જ્ઞાતિના તથા અન્ય બંધુઓએ
સભામાં પધારી સદબોધ આપેલ હતો.
પાટીદાર ઉદયને સહાયતા અમોને જણાવતા અત્યંત આનંદ થાય છે કે આપણી જ્ઞાતિના
છુપા રત્ન શ્રીમાન નાનજીભાઈ વિશ્રામ
નેત્રાવાળા જે હાલ સિદ્ધાંતપુરમાં કોલસાનો ધંધો કરે છે તેમણે આ પત્રની ઉન્નતી થવા
માટે મદદ તરીકે રૂ. ૫૦/— પચાસ આપેલ છે અમો શ્રીમાન શેઠશ્રીનો ખરા અંતઃકરણથી આભાર
માની બીજા ભાઈઓને આની નકલ કરવા ભલામણ કરીએ છીએ. શું બીજા એવા રત્નો આપણી
જ્ઞાતિમાંથી નીકળશે કે ?
ખેદ જનક અવસાન : દેશલપુર નિવાસી પટેલ માધવજી શીવજી તા. ૨૩—૮—૨૩ ના રોજ સવારના પ્લેગની જીવલેણ
વ્યાધીથી અકાળે રામ શરણ પામ્યાના સમાચાર જાણી અમોને અત્યંત ખેદ થાય છે. સદ્ગત ભાઈ
પાક્કા સુધારાવાળાના મતને માનનારા હતા પીરાણા ધર્મ પ્રત્યે તેમને ઘણા વખતથી
તિરસ્કાર હતો. તેઓ સ્વભાવે આનંદી અને ઉદ્યોગી હતા. તેમના અવસાનથી તેમના કુટુંબને
બહુ જ હાનિ થયેલ છે. અમો સદગતના કુટુંબને અમારા અંતઃકરણથી દિલાસો આપી મરનારના
આત્માને શાંતિ ઇચ્છીએ છીએ.
વિરાણી નિવાસી પટેલ વેલજી કરશન ગયા અષાઢ વદ ૧ને રોજે એક ગુમડું થવાથી તેની
વ્યાધિને લીધે ભરયુવાનીમાં ૨૫ વર્ષની વયે રામ શરણ થવાના સમાચાર જાણી અમોને અત્યંત
ખેદ થાય છે, તેઓ પીરાણા પંથના કટ્ટર દુશ્મન હતા તેમણે નાસિક જઈ
દેહશુદ્ધિ કરાવી યજ્ઞોપવિત ધારણ કરેલ હતું. તેમને ધાર્મિક ચર્ચા સંબંધી બહુ જ
પ્રેમ હતો. તેઓએ પીરાણા ધર્મ સંબંધી થોડીક કવિતાઓ પોતાની સાદી ભાષામાં રચેલી છે તે
અમો અમારા વાચકને આગલા અંકોમાં ક્રમવાર આપતા જશું સદગત આત્માને પ્રભુ શાંતિ આપે
એવું અમો ઇચ્છીએ છીએ.
શ્રી કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિ સુધારક યુવક મંડળ તરફથી
જ્ઞાતિના લાભાર્થે પ્રગટ થતું :
પાટીદાર ઉદય
તંત્રી તથા પ્રકાશક રતનશી શીવજી પટેલ
પાટીદાર ઉદય ઓફીસ, રણછોડ લાઇન્સ, કરાંચી
વર્ષ ૧લું શ્રાવણ | ||
વિષય | લેખક | પૃષ્ઠ |
જ્યોતિ સ્વરૂપ જગદીશ્વરનું જય મંગલમ્ (કાવ્ય) | મૌજી | ૨ {221} |
અમારી કોમના યોધા (કાવ્ય) | તંત્રી | ૩ {222} |
કુળદેવીન સાચા પુત્રો કયારે થશો ? | નાનજી પચાણ મીસ્ત્રી | ૪ {223} |
આપણી આશા | લાલજી સોમજી પટેલ | ૫ {224} |
કચ્છની કામધેનુરૂપ પાટીદાર જ્ઞાતિને પ્રાર્થના | કેશવદેવ રતેશ્વર | ૬ {225} |
અંધારી રાત્રીનું ભયંકર સ્વપ્નું | તંત્રી | ૭ {226} |
ખોંભડીના મુખીની આપખુદી | જાણકાર | ૧૦ {228} |
પાટીદાર જ્ઞાતિ અને પીરાણા પંથ | હીરજી વીશનજી | ૧૧ {230} |
ઉદય માર્ગદર્શન | માવજી વાસણ પટેલ | ૧૨ {230} |
આપણો મોહ | રણછોડદાસ દલસુખરામ | ૧૪ {233} |
સત્ય માર્ગ સનાતન ધર્મ | મૌજી મહાજન | ૧૮ {236} |
આરોગ્ય ચર્ચા | વૈદ્ય ગોપાલજી ઠક્કુર | ૨૧ {239} |
જ્ઞાતિ સમાચાર | પા. ઉ. ઓફીસ | ૨૩ {241} |
એ સિવાય સુચના નિયમો જાહેર ખબર ઇત્યાદી વાર્ષિક લવાજમ રૂા. બે અગાઉથી
છુટક નકલ ચાર આના પો. સાથે
તમામ પત્રવ્યવહાર નીચેના સરનામે કરવો :
વ્યવસ્થાપક,
પાટીદાર ઉદય ઓફીસ,
રણછોડ લાઇન્સ,
કરાંચી
નોંધ : આ
પત્રમાં યોગ્ય ભાવથી જાહેર ખબરો લેવામાં આવે છે ખુલાસા માટે પેજ ૨૦ ઉપર વાંચી જોવા
પાટીદાર ઉદય માસિકના નિયમો
૦૧. આ
માસિકનો મુખ્ય હેતુ પાટીદાર જ્ઞાતિની ઉન્નતી કરવાનો છે. જેથી દરેક પાટીદાર ભાઈઓની
ફરજ છે કે તેમણે માસિકના ગ્રાહક થઈ યોગ્ય
મદદ કરવી.
૦૨. આ માસિક દરેક હિન્દુ મહીનાની સુદી ૧૫ ને દિવસે બહાર પડે છે.
૦૩. સ્વજ્ઞાતિના કે અન્ય જ્ઞાતિના કોઈ પણ પુરૂષ અગર સ્ત્રીના લેખો આ માસિકમાં
લેવામાં આવશે. પણ લેખો અંગત દ્વેશ કે સ્વાર્થથી લખાયેલા હોવા ન જોઈએ. બને ત્યાં
સુધી વિવેકની હદમાં રહી ભૂલો બતાવવી અને ભાઈચારો તથા સંપ વધે તેવા પ્રયત્નો કરવા.
૦૪. લેખો શાહીથી સારા અક્ષરે અને કાગળની એક બાજુ ઉપર લખેલા હોવા જોઈએ. લેખકની
ઇચ્છા હશે તો નામ વગરના લેખો છાપવામાં આવશે,
પણ લેખકે ખરું નામ અને પૂરું સરનામું અમારી જાણ માટે લખવું,
લેખની દરેક જોખમદારી લેખકને શીર રહેશે, નહિ છપાયેલા લેખો પાછા મોકલવા અમો બંધાતા નથી.
૦૫. કોઈ પણ લેખકના વિચાર સાથે અમારું મળતાપણું છે એમ માની ન લેવું.
૦૬. દેશ—પરદેશમાંથી આપણી જ્ઞાતિમાં વિવાહ જન્મ,
મરણ ઇત્યાદી તથા કોઈ ગૃહસ્થને વિદ્યા,
હુન્નર, અગર વેપાર અને ખેતીવાડીમાં મળેલી ફતેહના સમાચાર ઘણી જ
ખુશીથી દાખલ કરવામાં આવશે.
૦૭. કોઈ ભાઈને આ માસિક સંબંધી કાંઈ પણ ખુલાસો મેળવવો હોય તો જવાબ માટે પોસ્ટની
ટિકિટ બીડવી.
૦૮. આ માસિકમાં જ્ઞાતિ સંબંધી તથા આર્થિક ધાર્મિક અને વહેવારીક દરેક બાબતો
ચર્ચવામાં આવશે. માટે જે જે ભાઈને જે જે વિષય સંબંધમાં લખવું હોય તેણે તે તે
વિષયમાં સહેલી ભાષામાં દાખલા દલીલોથી લખવું. કે જેથી વાચક વર્ગ ઉપર સારી અસર જલદી
થાય.
૦૯. જે ભાઈ આ માસિકને મદદ આપશે તેમના મુબારક નામ તેમની ઇચ્છા હશે તો આ પત્રમાં
છાપવામાં આવશે અને વાર્ષિક રીપોર્ટમાં પણ છપાવી જાહેર કરવામાં આવશે.
૧૦. જે ભાઈ રૂ. ૫૦૦/— પાંચસો કે તેથી વધુ આ માસિકને મદદ કરશે તેમનો ફોટો
ઓફીસમાં રાખવામાં આવશે.
૧૧. આ માસિકના માટે હંમેશાં યોગ્ય લેખો લખી મોકલનાર લેખક પાસેથી લવાજમ લેવામાં
આવશે નહિ.
લી. વ્યસ્થાપક “પાટીદાર ઉદય”
બિલ્ડીંગ બાંધનારાઓ માટે
લાકડો
ચૂનો, રેતી, પથ્થર, કાંકરી વગેરે દરેક
જાતનો માલ અમો કીફાયતી ભાવે પૂરો પાડીએ છીએ તે સિવાય જો તમો અમોને બિલ્ડીંગ
બાંધવાનું કામ આપશો તો તે ઘણું જ સારું, સફાઈદાર તથા કીફાયતી ભાવથી ટૂંકી મુદતમાં તૈયાર કરી આપશું.
અમારા ભાવ ઘણા જ મધ્યમ છે.
એક વાર ખાત્રી કરો :
મીસ્ત્રી ખીમજી શીવજી પટેલ
કોન્ટ્રાકટર્સ એન્ડ સપ્લાયર્સ
રણછોડ લાઇન, કરાંચી
ખાસ તમારા લાભનું ?
૦૧. તમામ રોગોની દવા અમારે ત્યાં કરવામાં આવે છે. |
૦૨. કોઈ પણ પ્રકારની દેશી દવાઓ અમારે ત્યાં હંમેશાં તૈયાર |
૦૩. કોઈ પણ પ્રકારની વૈદ્યની સલાહ અમો મફતમાં આપીએ છીએ. |
૦૪. આરોગ્યના જ્ઞાન માટે આરોગ્ય સિન્ધુ નામનું પત્ર રૂ. એક લવાજમ ભરવાથી અમારે ત્યાંથી મળે છે. |
૦૫. નાના બાળકોની દવા અમારે ત્યાં ખાસ કાળજીપૂર્વક |
૦૬. ઘરમાં વાપરવાની ચાલુ દવાઓ અમારે ત્યાં તૈયાર મળી શકે |
વૈદ્ય ગોપાલજી કુંવરજી ઠક્કુર
આયુર્વેદ વેદ્યકની પરીક્ષામાં પાસ થયેલા.
હેડ ઓફીસ : રણછોડ લાઇન, કરાચી,
બ્રાન્ચ ઓફીસ : નાનકવાડા, જૂની જેલ રોડ, કરાચી.
………………………………………………………………………………………………………………………………
તરૂણ સાગર પ્રેસમાં ગિરિશંકર,
ગી.ત્રિવેદીએ છાપ્યું,
કેમ્પબેલ સ્ટ્રીટ, કરાચી