Akhil Bhartiya Kutch Kadva Patidar Samaj
A central organisation of Kutch Kadva Patidar Sanatan community
Akhil Bhartiya Kutch Kadva Patidar Samaj
A central organisation of Kutch Kadva Patidar Sanatan community
॥ ॐ ॥
શ્રી કચ્છ કડવા પાટીદાર સુધારક યુવક મંડળ તરફથી પ્રગટ થતું
માસિક પત્ર
પાટીદાર ઉદય
વર્ષઃ ૧લું કરાચી, અષાઢ-સંવત ૧૯૮૦ {VSA Jul-1923} અંક ૧લો
પાટીદાર ઉદયના આત્મા શ્રીમાન ખીમજી શીવજી પટેલ મંગવાણા વાલા
વાર્ષિક લવાજમ આગાઉથી રૂ. બે પોસ્ટેજ સાથે
છુટક નકલ આના ચાર
:
પત્રવ્યવહાર
નીચેના સરનામે કરવો :
તંત્રી તથા પ્રકાશક રતનસી શીવજી પટેલ
પાટીદાર ઉદય ઓફીસ,
રણછોડ લાઇન
કરાંચી
પાટીદાર ઉદય માસિકના નિયમો
૦૧. આ
માસિકનો મુખ્ય હેતુ પાટીદાર જ્ઞાતિની ઉન્નતિ કરવાનો છે. જેથી દરેક પાટીદાર ભાઈઓની
ફરજ છે કે તેમણે માસિકના ગ્રાહક થઈ યોગ્ય
મદદ કરવી.
૦૨. આ માસિક દરેક હિન્દુ મહિનાની સુદી ૧૫ ને દિવસે બહાર પડે છે.
૦૩. સ્વજ્ઞાતિના કે અન્ય જ્ઞાતિના કોઈ પણ પુરૂષ અગર સ્ત્રીના લેખો આ માસિકમાં
લેવામાં આવશે. પણ લેખો અંગત દ્વેષ કે સ્વાર્થથી લખાયેલા હોવા ન જોઈએ. બને ત્યાં
સુધી વિવેકની હદમાં રહી ભૂલો બતાવવી અને ભાઈચારો તથા સંપ વધે તેવા પ્રયત્નો કરવા.
૦૪. લેખો શાહીથી સારા અક્ષરે અને કાગળની એક બાજુ ઉપર લખેલા હોવા જોઈએ. લેખકની
ઇચ્છા હશે તો નામ વગરના લેખો છાપવામાં
આવશે, પણ લેખકે ખરું નામ અને પૂરું સરનામું અમારી જાણ માટે લખવું,
લેખની દરેક જોખમદારી લેખકને શીર રહેશે ;
નહિ છપાયેલા લેખો પાછા મોકલવા અમો બંધાતા નથી.
૦૫. કોઈ પણ લેખકના વિચાર સાથે અમારું મળતાપણું છે એમ માની ન લેવું.
૦૬. દેશ—પરદેશમાંથી આપણી જ્ઞાતિમાં વિવાહ જન્મ,
મરણ ઇત્યાદી તથા કોઈ ગૃહસ્થને વિદ્યા,
હુન્નર, અગર વેપાર અને ખેતીવાડીમાં મળેલી ફતેહના સમાચાર ઘણી જ
ખુશીથી દાખલ કરવામાં આવશે.
૦૭. કોઈ ભાઈને આ માસિક સંબંધી કાંઈ પણ ખુલાસો મેળવવો હોય તો જવાબ માટે પોસ્ટની
ટીકીટ બીડવી.
૦૮. આ માસિકમાં જ્ઞાતિ સંબંધી તથા આર્થિક ધાર્મિક અને વહેવારીક દરેક બાબતો
ચર્ચવામાં આવશે. માટે જે જે ભાઈને જે જે વિષય સંબંધમાં લખવું હોય તેણે તે તે
વિષયમાં સહેલી ભાષામાં દાખલા દલીલોથી લખવું. કે જેથી વાચક વર્ગ ઉપર સારી અસર જલદી
થાય.
૦૯. જે ભાઈ આ માસિકને મદદ આપશે તેમના મુબારક નામ તેમની ઇચ્છા હશે તેણે આ
પત્રમાં છાપવામાં આવશે અને વાર્ષિક રિપોર્ટમાં પણ છપાવી જાહેર કરવામાં આવશે.
૧૦. જે ભાઈ રૂ. ૫૦૦/— પાંચસો કે તેથી વધુ આ માસિકને મદદ કરશે તેમનો ફોટો આ
માસિકના મુખપૃષ્ઠ પર લેવામાં આવશે અને ઓફીસમાં તેમનો ફોટો રાખવામાં આવશે.
૧૧. આ માસિકના માટે હંમેશાં યોગ્ય લેખો લખી મોકલનાર લેખક પાસેથી લવાજમ લેવામાં
આવશે નહિ.
લી. વ્યવસ્થાપક “પાટીદાર ઉદય”
|| ૐ ||
પાટીદાર ઉદય
કચ્છી કડવા પાટીદાર જ્ઞાતિના લાભાર્થે પ્રગટ થતું ગુજરાતી
માસિકપત્ર
વર્ષ: ૧લું કરાચી, અષાઢ-સંવત ૧૯૮૦ {VSA: Jul-1923} અંક ૧લો
પ્રભુ પ્રાર્થના
असतो मासद् गमय । तमसोमां ज्योतिर्गमय ।
मृत्यो मांडमृतं
गमय । आ विरावी भएधिरुदयते
दक्षिणं मूखं तेनमा
पाहि नित्यम्
હે સત્યનિધાન પ્રભો! અસત્માંથી અમને સત્યમાં લઈ જાઓ,
અંધકારમાંથી અમને જ્યોતિમાં લઈ જાઓ,
હે પ્રભો ! તું જ્યોતિર્મય છે,
તારું ધામ અંધકાર રહીત છે,
હે અમૃત સ્વરૂપ ! મૃત્યુમાંથી અમને અમૃતમાં લઈ જાઓ,
હે સ્વયં પ્રકાશ ! તું આપો આપ અમારા ચક્ષુ સમિપ પ્રકાશિત
થા. હે પ્રભો ! છેવટે અમો એટલું જ માંગીએ છીએ કે તારા સુંદર સ્વરૂપના પ્રતાપે
અમારું નિરંતર રક્ષણ કર.
“ઉપનિષદ”
અમારી કોમમાં ક્યાં છે ?
(ગઝલ)
સદાએ સુખ કરનારા, અમારી કોમમાં ક્યાં છે ? |
દીનનાં દુઃખ હરનારા, અમારી કોમમાં ક્યાં છે ? |
રખડતાં ને રીબાતાં કોમનાં, છે બાળકો તેની, |
દીલેથી દાઝ લેનારા અમારી કોમમાં ક્યાં છે ? |
“રડે છે કેમ બાપુ”, કહે શું દુઃખ છે તુજને |
શબ્દો એ ઉચ્ચારનારા, અમારી કોમમાં ક્યાં છે ? |
ખરેખર કોમની કીર્તી માંહે કીર્તી અમારી છે, |
અહોનિશ એજ કહેનારા અમારી કોમમાં ક્યાં છે ? |
કુધારા કોમના કાઢી સુધારા સ્થાપવા માટે, |
ગુણી થઈને ગરજનારા, અમારી કોમમાં ક્યાં |
કલમ બાજો વધારીને અતિ આનંદની સાથે |
સદા સાહિત્ય ચાહનારા, અમારી કોમમાં ક્યાં છે ? |
અરેરે ! કોમની કીસ્તી, ખરાબે ખાય છે ટક્કર, |
સુકાની તેહના સારા અમારી કોમમાં ક્યાં છે ? |
“શયદા”
“ઉદય”
અમારા
ઘણા જ્ઞાતિ ભાઈઓને વિચાર થાય છે કે ઉદય એટલે શું ?
પ્રાતઃકાળમાં સૂર્યનું પૂર્વ દિશામાં પ્રકાશવું તે,
સૂર્યનો ઉદય, રાત્રીના આરંભમાં ચંદ્રનું પ્રગટવું એ ચંદ્રનો ઉદય,ચોમાસામાં દેડકાં કે અળશીયાનું પ્રગટવું તે ઉદય નથી. જેના
પ્રગટવા અથવા પ્રકાશવાથી જગતને કોઈ પણ અંશમાં અધિક હીતકર લાભ થાય છે, તેને જ ઉદય થયો કહેવાય છે.
પરમાત્માના અનુગ્રહથી આજે આ માસિક નો ઉદય થાય છે ત્યારે શું તે સૂર્ય કે ચંદ્ર
જેવું જ્ઞાતિનું હીત કરશે ? આ પ્રશ્નનો ઉત્તર હાલ કેવી રીતે અપાય ?
ભવિષ્ય જ તેનો ઉત્તર આપવાને સમર્થ થશે.
જ્ઞાતિનો ઉદય શું સૂર્ય કે ચંદ્રના ઉદય કરતાં જગતમાં ઓછા મહત્ત્વનો વિષય છે ?
અને જ્યારે તે અત્યંત મહત્ત્વનો વિષય છે તો તે ઉદયને કરનાર
કારણોને જણાવનાર આ પત્રનો ઉદય પણ જો તે પોતાનું કર્તવ્ય યથાર્થ રીતે કરે તો તે શું
ઓછું મહત્ત્વનું છે ?
પાટીદાર જ્ઞાતિના ઉદયની ઇચ્છા કોને નથી ?
પરંતુ એકલી ઇચ્છા મનુષ્યના મનને જરા રંજીત કરવા સિવાય અન્ય
શું કરી શકે છે ? કશું જ નહિ !
પ્રયત્ન અને તે પણ યથાર્થ, તીવ્ર પ્રયત્ન જ જ્ઞાતિ કે દેશનો અથવા કોઈ પણ પ્રકારના ઉદયમાં કારણ રૂપ છે એ પ્રયત્નનું સ્વરૂપ જાણવું
એ ઓછા મહત્ત્વનો વિષય નથી.
જ્ઞાતિનો ઉદય કેવી રીતે થાય છે ?આ પ્રશ્નના ઉત્તરમાં આપણે પણ એ પ્રશ્નપૂછીશું કે સૂર્યનો
ઉદય કેવી રીતે થાય છે ? ચંદ્રનો ઉદય શી રીતે થાય છે ?
જેવી રીતે તે થાય છે,
તેવી જ રીતે જ્ઞાતિનો પણ ઉદય થાય છે. સૂર્ય કે ચંદ્રના
ઉદયમાં જગમાં બાહ્ય ક્ષોભ કશો જ થતો નથી તેના ઉદયમાં અથડાઅથડી ચડશા ચડશી થતી નથી
ડંડાબાજીઓ ઉપડતી નથી, બહારનો જાણવા જેવો કશો ક્ષોભ થતો નથી પ્રકૃતિ ગત આંતર કારણો જ તેનો શાંત પણે ઉદય કરે છે.
જ્ઞાતિના ઉદયમાં પણ તેવું જ છે કેવળ બહારનો દેખાવ,
બહારની ધમાધમ, બહારનાં ભાષણો, બહારના ઠરાવો, બહારનાં લખાણો, બહારના હુલ્લડો કશો જ વાસ્તવિક ઉદય કરતાં નથી જે ભાષણો
મનુષ્યની ઉપર ઉપરની જરા જાગૃતિ આણે છે, ઉપર ઉપરનો જરા ગરમાવો પ્રગટાવે છે,
તે ભાષણો જ્ઞાતિનો વાસ્તવિક ઉદય નથી,
સાધતા. જે લેખો વાંચનારને ઘાસના તાપણાની પેઠે ઉષ્મા લાવી
ઓલવાઈ જાય છે. થોડો વખત ગરમી લાવી પછી કાયમને માટે શાંત કરી દેનાર તીવ્ર
(તીખાશવાળા) માત્રા જેવા જે લેખો છે તે જ્ઞાતિ કે દેશનો,
વાસ્તવિક ઉધાર નથી કરતાં. પ્રકૃતિનો આંતર પ્રયત્ન જ સૂરજ
સરખા પ્રખર તેજસ્વી બિંબને પ્રગટાવે છે, તે જ પ્રમાણે માણસના આંતર બળવાન સત્ય પ્રયત્નો જ જ્ઞાતિના
ઉદયને શાંતપણે પ્રગટાવે છે, જે જે કાળે જે જે દેશનો જ્ઞાતિનો ઉદય થાય છે,
તે તે કાળે કોઈ પણ સ્થળે બાહ્ય ક્ષોભ જે તે પ્રકારના ઉદયને
કરનાર થયો હતો, એમ કોઈ પણ જ્ઞાતિનો કે દેશનો ઇતિહાસ સાક્ષી પૂરી શકે એમ છે ?
જે ઈલાજ માણસના અંતરમાં જાગૃતિ આણે છે. માણસમાં રહેલા ઉદયને જાગૃત કરનાર સાચા
કારણોને બહાર જાગૃતિ કરે છે, તેજ પ્રયત્ન જ્ઞાતિના ઉદયને સાધે છે.
મનુષ્યમાં પ્રગટાવેલો બહારનો ક્ષોભ અથવા જાગૃતિ થોડા વખતમાં જ સમી જાય છેઅને
તેની સાથે તે મનુષ્યને જ ઊલટો દુર્બળ કરી મૂકે છે.
કેવળ બહારથી ઉપજેલા ક્ષોભ અથવા જાગૃતિથી થયેલ કેટલીક સ્થિતિ જેવી કે નાના નાના
તડાઓ, પાંચાડાઓ અને ઝઘડાઓ વગેરેએ શાં પરિણામો પ્રગટાવ્યાં છે ?
એજ કે અલ્પ સમયમાં તે ગમી ગયા છે તેની સાથે સત્તાવાન
આગેવાનોનું બળ જણાતાં તરત તે વિલાઈ ગયા છે અને પરીણામે તેનું સેવન કરનાર મનુષ્યનું
જ તેણે અહિત સાધ્યું છે. આંતર બળ વિના બહારની ધમાધમ કશા જ ઉપયોગની ખરેખર થઈ પડતી
નથી. જે મનુષ્યમાં ઉદય કરનાર સાચાં કારણને પ્રગટાવે છે,
તે વસ્તુ પછી તે ગમે તેવી હલકી ઉપરની નિર્જીવ સરખી જણાતી
હોય, તો પણ ઉપયોગની છે એની આજે જ્ઞાતિમાં
જરૂર છે, બે શબ્દનું તે ભાષણ હોય કે ચાર અક્ષરનો જ તે લેખ હોય તો પણ
તે અત્યંત મૂલ્યવાન છે. બાણ છોડીને સામું નિશાન વિંધવા માટે ઝીણું બાણનું અણીયું જ
બસ છે.
સાહસિક વાચક આ વાંચીને તુરત શંકા કરતા જણાય છે કે જ્ઞાતિના ઉદયમાં જ્યારે
મનુષ્યમાં સાચા આંતર ક્ષોભની જ જરૂર છે, ત્યારે આ પત્રની આજકાલનો વિચાર કરતાં ઘણાની પ્રવૃત્તિ તો
નિરઉપયોગી જ છે ને ? ઉત્તર ના અને હા.
આ માસિક મનુષ્યના અંતરમાં જ્ઞાતિના કે દેશના ઉદયના કોઈ પણ સાચા કારણની એક ઝીણી
પણ ચિનગારી (જ્યોત) પ્રગટાવી શકશે, તો આ પ્રવૃત્તિ નિરૂપયોગી નથી જ. અને જો તેવું તે કશું જ ન
કરતાં માત્ર બહારના ક્ષોભને પ્રગટાવનારાં તતુંડાં જ ફુંક્યાં કરશે તો અવશ્ય આ
માસિકનાં પાનાઓ કચરાની ટોપલીમાં નાખવા સિવાય કંઈ ઉપયોગના નથી.
આમ છતાં એ આ ઉપરથી એમ સમજવાનું નથી કે જ્ઞાતિ જનોના અંતરમાં જ્ઞાતિના ઉદય
માટેના સાચા કારણોને પ્રગટાવવાની જવાબદારી કેવળ અમારા ઉપર જ છે,
અને જ્ઞાતિ જન માથે કશી જ જવાબદારી નથી. પાટીદારોએ પાટીદાર
ઉદયનાં સાચાં કારણને એકાગ્રતાથી શ્રવણ કરવાની અને પછી તે પ્રમાણે અનુસરવાની બધી
જવાબદારી તેમને શીરે છે. લેખકોએ અથવા વક્તાઓએ સાચા કારણો જણાવવાની જરૂર છે. તેમ
વાચકો તથા શ્રોતાઓએ તે સમજવાની પણ તેટલી જ જરૂર છે. પ્રિય વાચક ! અમારા કાર્યોને
અંગે તમો જેટલી આતુરતાથી પ્રશ્ન પૂછો છો તેટલી જ આતુરતાથી તમારી જવાબદારી માટે તમે
તમને પોતાને પ્રશ્ન પૂછો છો ખરા ? તમારાં કામો પ્રતિ તમો દૃષ્ટી પાછી વાળો છો ખરા ?
અવશ્ય યુદ્ધમાં સૈનીકોના અણુ અણુમાં સુર ઉત્પન્ન કરવાનું
અત્યંત અગત્યનું તથા મહત્ત્વનું કાર્ય રણવાધ (વાજીંત્રો) વગાડનારાનું છે,
તે જ પ્રમાણે અમારું લેખકોનું કાર્ય પણ અતિ મહત્ત્વનું છે
પરંતુ વાંચનાર સૈનિકો તે શ્રવણ કરવાને પૂરેપૂરા તત્પર રહે છે ! અમારા વાદ્ય પ્રતિ
તેમણે પોતાની કર્ણ શક્તિને વાળી છે ખરી !
આ સ્થળે પાટીદાર જ્ઞાતિના એક મહત્ત્વના સાચા કારણને આપણે અનાયાસે પ્રગટ કરીએ
છીએ અને તે સહાયકારી કર્તવ્ય જ્ઞાતિ જેમ એક મનુષ્ય નથી,
પણ મનુષ્ય સમુહની છે,
તેમ જ્ઞાતિ ઉદયનું કર્તવ્ય એક માણસનું નથી,
પણ મનુષ્ય સમુહનું છે,
પ્રત્યેક સમયમાં એક જ કર્તવ્ય હોતું નથી,
પણ સ્થિતિ અનુસાર ભિન્ન ભિન્ન કર્તવ્ય હોય છે. તમો જો
સત્યનું કથન કહેવાની સ્થિતિમાં હો તો તમારું કર્તવ્ય તેને પૂર્ણ રીતે
શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરવાનું અને તેમાંના સત્યને અમારા જીવનમાં ગ્રહણ કરીને તેને
અનુસરવાનું છે અને જ્યારે અમો સત્યનું કથન કરતા હોઈએ ત્યારે શાંતિથી શ્રવણ કરીને
તેને અનુસરવાનું કામ પણ તમારું છે.
ૐ શાન્તિ… શાન્તિ… શાન્તિ…
ખાવા છે ખાંડ ચોખા ?
કેમ !
અધિપતિરાજ ! છો તો મજામાંને ? ધ્યાન રાખજો હો, ઢીલા થતા નહિ. તમોએ તો મોટું સાહસ કર્યું છે. તમારી જ્ઞાતિ
તો સાવ અજ્ઞાનતાના અંધારામાં સડે છે. તેને બહાર લાવવા તમોએ અને તમારા યુવક મંડળે
જે સાહસ કર્યું છે તે જોઈ હું તમોને ધન્યવાદ જ આપું છું. પણ ભાઈ ! હિંમત રાખી મેદાનમાં લડાઈ કરશો તો જ
બહાદુરીથી તમારા પટેલીઆ પાછા હટશે નહિ તો યાદ રાખશો કે તમારે પાછા હઠવું પડશે !!!
મને હમણાં ખબર મળ્યા છે કે ખોંભડીમાં
કડવા ભાઈઓના પટેલીઆ ભેગા થયા હતા, તેમને ઘણાં દિવસ થયાં ખાંડ ચોખા ખાવાનો શોખ થયો હતો,
તે ત્યાં ભેગા થઈને ખૂબ પીઠે ખાધા પછી તેના પૈસા વસુલ કરવા
માટે એક બિચારા ગરીબ ભાઈનું ઘર તોડ્યું ! તેની બૈરી સાથે તેના ફરજિયાત છુટા છેડા
કરી આઠસો કોરી લીધી !!! આમ તમારે ખાંડ ચોખા ખાવા હોય તો તમો પણ બની જાઓ ગધેડા અરે
ભુલ્યા ભાઈ નહિં ગેઢેરા ! અને ઉડાવો મફતનો માલ કરો બીજાના માલ પાયમાલ ! તો તમારા થાય કોઈક દાડે ભુંડા હાલ !!!
હમણાં તો પીરાણા ધર્મવાળાની દરેક ઠેકાણે ફતેહ થયાના સમાચાર સંભળાય છે. હાલ
થોડાક વખત પર કરાંચીમાં વસતા પીરાણા મતવાળા કડવા ભાઈઓમાં કરશન મુળજી ઘડાણીવાલાનો
એકનો એક પુત્ર તેની ઉંમર વર્ષ દસની હતી તે ગુજરી ગયો,
ખેર ! ઘણી જ દિલગીરીના પ્રસંગમાં તેણે પોતાના વિચારો સુધારાવાળાને મળતા કર્યાં. કે આ કામ પાછળ કંઈ
જમણ આદી કરવું નહિ. પણ પેલા મફતનું ખાનારા હરામના મલીદા ઉઠાવનારા પટેલોનું
મંડળ તે વાતથી સખત વાંધો ઉઠાવવા લાગ્યું
અને અંતે ફરજ પાડી તે પણ તેણે આવા ભયંકર શોકજનક
બનાવ પાછળ મીઠો કંસાર કરાવી ખાધો અને પોતાની ફતેહનો વાવટો ઉડાવ્યો !!!!?
વાહ ! આવી ફતેહ તે કેટલા દિવસ સુધી હજી થવાની હશે ?
સુધારક ભાઈઓ પણ હવે સમજતા થયા છે તેમના ઘરમાં પણ સુસંસ્કારોની સારી અસર હવે
થવા લાગી છે એ વાતના પુરાવામાં હું તમોને એક યાદગાર બનાવ જણાવીશ તે એ કે કરાચીમાં
વસ્તા ભાઈ ખેતા ડોસાના ધર્મપત્ની શ્રીમતિ હીરાબહેન,
ઘણા લાંબા વખતની બીમારીથી હમણાં થોડાક વખત પર સ્વર્ગવાસ
પામ્યા, આવા માઠા દિલગીરીના બનાવ પહેલાં તે બાઈને એમજ લાગ્યું કે
હવે મારું શરીર રહે તેમ નથી. એટલે તેમણે પોતાની પાછળ શું વ્યવસ્થા કરવી તે તેમના
ઘરના માણસોને જણાવી દીધું હતું. આખરે પ્રસંગ આવ્યો ત્યારે તેમના કહેવા મુજબ ભાઈ
ખેતા ડોસાએ તેમના આત્માની શાંતિ માટે લાડુ શીરાનું ભોજન નહિ કરતાં માત્ર પક્ષીઓને
તથા અવાચક પ્રાણીઓને મદદ માટે રૂ.૨૦ તથા રૂ.૨૦૦ હરદ્વારમાં શુભ કાર્યમાં ખર્ચવા
માટે તથા લાયક બ્રાહ્મણને જે ગીતાનો પાઠ કરતો હોય તેને યોગ્ય દાન આપવું,
એ સિવાય પણ બીજી ધર્મકાર્યમાં વપરાય એવી જીણી જીણી ઘણી મદદ
આપી છે. પોતે બાઈ ગીતાનો હમેશાં પાઠ કરતાં પીરાણા મુસલમાની ધર્મ પ્રત્યે તેમને સખત
તિરસ્કાર હતો. પોતાના વિચારો સુશીલ તથા
સાદા હતા જેને પરીણામે તેઓ ખોટા વિચારોમાં ન દોરાતાં શુભ રસ્તે ઉપરની વ્યવસ્થા કરી
શક્યા છે. આમ જ્યારે બધે ઠેકાણે થાય ત્યારે પ્રેત ભોજન બંધ પડે !
અધિપતિરાજ ! હમણાં તો એક વળી નવું
ફારશ પેદા થયું છે, તે તમોએ તો વાંચ્યું જ હશે. કારણ કે તમો તો એક માસીકના
તંત્રી ખરાને એટલે આવી વાત તમારા ખ્યાલ બહાર તો ન જ હોય,
પણ બીજા વાંચક ભાઈઓ આ વાત જાણી શકે એટલે મારે ખુલાસો
જણાવવાની જરૂર તો રહે છે. ખરી હકીકત આમ છે કે સૈયદ લોકોએ અમદાવાદના ગુજરાતી પંચ
નામના પત્રમાં એક નોટીસ છપાવી છે તેમાં તેઓ જણાવે છે કે,
અમો સર્વ પીરાણા ધર્મ પાળનારાઓને જણાવી દઇએ છીએ કે પીરાણા
ધર્મ એ સાવ તદ્દન મુસલમાની ધર્મ છે. તો કોઈ પણ એથી વિરૂદ્ધ એટલે એ ધર્મ હિંદુ છે એમ કહેશે કે તેવી રીતે સમજાવવાની કાકા
વગેરે ગોઠવણ કરે છે તે તમામ જુઠું અને ગલત છે. એ તો બરોબર મુસલમાની ધર્મ છે. આવા
ભાવાર્થવાળી તેમની ચેતવણી ખરેખર આપણા ભાઈઓ માટે તો બહુ જ કામની છે. કારણ કે કડવા
ભાઈઓ હજી આ ધર્મને હિંદુ ધર્મ માની બેઠા છે ! જે કોઈ આ વાતને હવે અંધારામાં રાખી
હાથે કરી મુસલમાન થવા માંગતા હોય તેણે એવા મતને આધીન થવું,
નહિ તો હવે કોઈને પૂછ્યા સિવાય તેનાથી રજા લઈ મુકત થવું એજ
ખરો ઉપાય છે. કેમ વાંચક ! ત્હારો શું વિચાર થયો ?
શું હિંદુ રહીશ કે મુસલમાન થઈશ ?
થોડા વખત અગાઉ એક બે કડવા ભાઈઓએ જેમનું નામ છે પટેલ પેથા રામજી તથા જીવરાજ
વસ્તા ! જેમણે એક પીરાણા સતપંથ હિંદુ ધર્મ વિજય પતાકા નામનું એક ટ્રેક્ટ
છપાવી પ્રગટ કરેલ હતું,
તેમાં તેમણે પીરાણા ધર્મને હિંદુ ધર્મ બનાવી દીધો છે. બરાબર
સાબિત કરે છે કે પીરાણા ધર્મ મુસલમાની ધર્મ નથી. હવે ઉપરની વાત જ્યારે તેમના ધર્મ
ગુરૂઓએ જાહેર કરી ત્યારે શું સારાંશ નીકળે છે કે કોણ ખરા,
ગુરૂ કે તેમના ચેલા ! આપણને તો એમ જ લાગે છે કે ગુરૂએ
કહ્યું તે ખરું છે ! પણ ચેલા તો ખાલી બક્યા કરે છે અને એમ બક્તાં બકતાં તેઓ પોતાની
વાત સમાજને શીખવવા માગે છે, પણ સમાજના બધા માણસો કાંઈ આંધળા નથી કે આવી દીવા જેવી વાતને
કે પીરાણા ધર્મ મુસલમાની છે તેને હિંદુ ધર્મ માની લ્યે કદી પણ તેમજ નહિ બને,
હવે તો પટેલ જીવરાજ વસ્તા તથા પેથા રામજીએ પોતાનું બોલવું
સિદ્ધ કરવા સૈયદોને ઉપરની નોટીસનો તરતમાં જવાબ આપવો જોઈએ,
નહિ તો તેમની પોલ બહાર દેખાઈ આવશે અને સત્ય છે તે સમાજ જાણી
લેશે ?
લી.
નાઠી.
અમારો ઉદ્દેશ
હાલના
જમાનામાં દુનિયાના દરેક મનુષ્યો પોતાની ઉન્નતિ કર્યે જાય છે. જ્યાં જોઈશું ત્યાં
આપણને એ જ જોવામાં આવશે કે દરેક સમાજ દરેક દેશ દરેક વ્યક્તિ પોતાની ઉન્નતિ કરવાને
હંમેશાં પ્રયત્ન કર્યા કરે છે. એવા સમયે આપણી
પાટીદાર જ્ઞાતિ પણ યત્કિંચિત્ ઉન્નતિનો રસ્તો શોધી કાઢી પોતાની સમાજમાં
શું ખામીઓ છે તે જો દુર કરે તો તે દરેક રીતે વ્યાજબી જ છે. જોકે આપણી જ્ઞાતિમાં તો
ઘણી એક ખામીઓ સુધારવા જેવી છે પણ તેમાં એ મુખ્ય ભાગે અજ્ઞાનતા—વિદ્યાની ખામી છે તે
સુધારવાની મુખ્ય જરૂર છે ઘણાં જ લાંબા સમયથી કેટલાંક લુચ્ચા અને સ્વાર્થી લોકોના
મોહથી આપણી સમાજ ખરો રસ્તો ભુલી અવળે માર્ગે દોરાઈ ગઈ છે તેમાંથી બચાવવા યાને
પીરાણા પંથ રૂપી — મુસલમાની ધર્મમાંથી મુક્ત થઈ ખરા હિંદુપણાનું ભાન કરવાની પ્રથમે
જરૂર છે. એ સિવાય જુના રીતરિવાજો કે જે સમાજને છેક અધોગતિએ મુકી દે છે તેમાંથી પણ
બહાર આવી નીતિ તથા ન્યાય પરાયણ રસ્તે ચાલવાની ખાસ જરૂર છે. આવા મુખ્ય સુધારા માટે
આપણી સમાજમાં કોઈ પત્ર હજી સુધી હતું નહિ અને એ ખોટ ઘણાં જ સમયથી દરેક સુધરેલા
જ્ઞાતિ બંધુને જણાતી જ હતી. પણ સંજોગો જ્યારે અનુકૂળ થાય ત્યારે જ આવી ખામી દૂર
થાય એમ હોવાથી તે કાર્ય હજી સુધી થઈ શક્યું ન હતું. હાલમાં અમોએ એ ખોટ દુર કરી
સમાજમાં સુલેહ શાંતિ તથા નીતિ અને સુરસ્તાનો પ્રચાર કરવા માટે તેમજ પાપી અને નીચ
મનુષ્યોને સમાજને લુંટી ખાતાં અટકાવવા અને તેવા અજ્ઞાન ગરીબ ભાઈઓને ખરી સલાહ આપવા
માટે અમોએ સાહસ કરી આ પાટીદાર ઉદય નામનું પત્ર શરૂ કરેલ છે. અમારી ઇચ્છા એ પત્ર
દ્વારા સમાજમાં જ્ઞાન, નીતિ તથા સંપનો પ્રચાર કરી અનીતિ તથા પાપી મનુષ્યોના જુલમ
ખુલ્લા કરી તેમને યોગ્ય દંડ અપાવવા બનતી કોશીશ કરવાનો છે. પ્રભુ અમોને આવા સદ્કાર્યમાં
હંમેશાં મદદ આપી આ કામોમા આગળ વધવા દરેક શક્તિ આપે એવી અમારી તેમના પ્રત્યે
પ્રાર્થના છે.
વળી આવા પત્રને ટકાવવા માટે અમારા જ્ઞાતિ બંધુઓ જો દરેક રીતે પોતાથી બનતી મદદ
આપે તો જ આવા કાર્યમાં ફતેહમંદ પરિણામ આવે. કારણ કે પત્રને ચલાવવા હરેક પ્રકારની
મદદની જરૂર છે. જેમ કે પૈસાની તથા લેખ ઇત્યાદિકની મદદ મુખ્ય મળવી જોઈએ,
તથા સારા વિચારો સમાજમાં ફેલાવીને પણ આવા પત્રને મદદ કરવાની
ખાસ જરૂર છે.
અમો તો અમારા જ્ઞાતિ બંધુઓ પાસેથી વધુ આશા રાખીએ છીએ ખરા,
પણ હાલે શરૂઆતમાં આવા પત્રને નિભાવવા માટે સાધારણ નામનું
લવાજમ ભરી ગ્રાહક થઈ તેનો વધુ પ્રચાર કરવા દરેક સજ્જન જ્ઞાતિ બંધુ પાસે અમારી
યાચના છે અને તે યાચનાનો દરેક સમજુ ભાઈ સ્વીકાર કરશો જ. કારણ કે સાલ ભરમાં માત્ર
બે એક રૂપીયા ભરીને પણ તેઓ એક પ્રકારની સમાજ સેવા કરે છે એવું તેઓ જો સમજી શકે તો
પણ બસ છે, નીતિનો અને જ્ઞાનનો પ્રચાર થતો હોય ત્યાં સમજુ પુરૂષો હજારો
રૂપીયા ખર્ચવા પણ તૈયાર રહે છે. ત્યારે માત્ર લવાજમ પત્રના બદલામાં આપવું એ કાંઈ
ભારે વાત જ નથી. કેટલાંક શ્રીમંતો છે તેમની તો ચોખ્ખે ચોખ્ખી ફરજ છે કે તેમણે
આર્થિક મદદ આપી આવા સાહસને આગળ વધારવા દરેક કોશીશ કરવી. અમોને આશા છે કે અમારા
શ્રીમાન ભાઈઓ આ વાત જરૂર લક્ષમાં લેશે જ.
પાટીદાર ઉદય જેવા જ્ઞાતિ સેવા કરવા માટે નવા નીકળતા પત્રને મુખ્યે કરી શ્રીમાન
ભાઈ ખીમજી શીવજી પટેલની સહાયતા ન મળી હોત તો તેનો જન્મ આ વખતે થાત કે કેમ ?
તે શંકાજન્ય વાત હતી. તેમના જેવા સુધરેલ વિચારવાળા તથા ઉદાર
વૃત્તિ વાળા સજ્જનો આપણી જ્ઞાતિમાં હજારો પાકવાની જરૂર છે. કે જેથી આવા કાર્યમાં
ઘણી જ સરળતા થાય, તેઓ હમેશાં જ્ઞાતિ સેવા જેવા પવિત્ર કાર્ય માટે તન મન અને
ધનથી બનતી મદદ આપી સારો દાખલો બેસાડે છે. તેની બીજા ભાઈઓએ જરૂર નકલ કરવી ઘટે. વળી
અમોને આ કાર્ય કરવામાં હંમેશાં બનતી મદદ આપનાર અમારા જુના સુધારક ભાઈશ્રી નારાયણજી
રામજી મીસ્ત્રીનો પણ અમારે આભાર માનવાની ખાસ જરૂર છે. કેમ કે તેમની લાગણી આવા કામો
માટે હમેશાં તીવ્ર રહે છે. અને તેમની જ મદદ અને સહાયતાથી અમો આ સાહસ ખેડવા તૈયાર
થયા છીએ. અમો આશા રાખીએ છીએ કે તેઓ પોતાનું વચન પાળી અમોને હંમેશાં તન મન અને ધનથી
દરેક મદદ કરતા રહેશે. એ સિવાય આપને એક ખરા સ્વરૂપમાં મુકવા,
પોતાના અમુલ્ય સમયનો ભોગ આપી,
ખરી સલાહ તથા સૂચનાઓ આપી દરેક લેખ તપાસી ગોઠવી સુધારી બનતી
લખાણ વગેરેમાં મદદ આપનાર અમારા જુની સ્નેહી વૈદ્યરાજ ગોપાલજી કુંવરજી ઠક્કુરનો પણ
આ તકે અમો આભાર માનીએ છીએ. તેમના ઉત્સાહિત વિચારો તથા અનુભવી સલાહ વગર આ પત્ર
આટલું તુરતમાં પ્રગટ થઈ શકતે નહિ એ વાત તો નિર્વિવાદ જ છે. છેવટે અમોને આ કાર્યમાં
જે કોઈએ કોઈ પણ પ્રકારની મદદ આપી છે તે સર્વનો ફરીને આભાર માનવામાં આવે છે.
ઇતિ
શિવમ્,
તંત્રી
જ્ઞાતિ સેવાની પ્રતિજ્ઞા
(લેખક : કે. એન. પટેલ)
વહાલા જ્ઞાતિ ભાઈઓ ! આ દુનિયાનું ઉત્પતિ તત્ત્વ તો આપ સારી રીતે નહિ જાણતા હશો,
કદી તેના બધા નિયમો તમો પૂરી રીતે નહિ જાણતા હો પરંતુ એ
તત્ત્વનું અનુસરણ શી રીતે થાય છે, તે આપ સર્વ જાણે—અજાણે પણ અનુભવતા હશો. વિશ્વની એ ખુબી છે
કે અવનવા મહાન તત્ત્વો અને સિદ્ધાંતો, કે જેના શુદ્ધ સ્વરૂપને જાણવા માટે વિજ્ઞાન વેતાઓ કટી બધ
પ્રયત્નો કરે છે અને અનેક આપત્તિઓની સામે ટક્કર ઝીલીને પણ તે સંસાર સાગરની દૃષ્ટિ
મર્યાદામાં ખડા કરી દે છે. છતાં તેજ મહાન સિદ્ધાંત અજ્ઞાન દશામાં રહેનાર માણસને પણ
તે સિદ્ધાંતનું નામ નિશાન જાણ્યા સિવાય મુળ દિશામાં જ્ઞાન હોય છે. વિજ્ઞાન
શાસ્ત્રીઓ ખેતીના માટે અમુક પ્રકારની ખેડ કરવી જોઈએ,
આટલી ઊંડી કરવી જોઈએ કારણ જ્યાં સુધી પૃથ્વી પરની સપાટીનું
પડ ભાંગવામાં ન આવે ત્યાં સુધી તે જળને ધારણ કરી શકે નહિ અને તેથી જ સૂર્યની
ગરમીને લીધે પાણી વરાળ થઈ ઊડી જાય છે ને પાક સારો આવતો નથી. આવો સિદ્ધાંત સામાન્ય
ખેડૂતને અપરીચીત હોવા છતાં અમુક ટેવને લઈને અને તે સિદ્ધાંતના જ્ઞાન સિવાય પણ તેવી
જ ખેતી પ્રાચીન સમયના ખેડૂત કરતા હતા અને હજુ પણ કરે છે,
તદનુસાર કેટલાક સૃષ્ટિ ઉત્પત્તિ તત્ત્વને અનુસરી જ્ઞાતિઓની
યોજના લગભગ વેદ ના સમયથી ચાલી આવે છે, પરંતુ જુના જમાનામાં જે જ્ઞાતિ સેવા ગણાતી હતી તે આજે પણ
ગણાતી હોય, પ્રાચીન સમયમાં જે આચાર વિચારને રીત રીવાજોનું પાલન થતું
હતું તે આ જમાનાને અનુસરી સુધર્યા હોય તે ધોરણે જ્ઞાતિ સેવાના માર્ગમાં પણ
પરિવર્તન થયું હોય તો, તે સ્વાભાવિક છે.
જુના વખતમાં જે અન્ય સામગ્રી વપરાશમાં આવતી હતી,
તે અત્યારે ઉપયોગી નથી,
પ્રાચીન વખતની કેળવણીની દિશા પણ બદલાઈ ગઈ છે. અરે ! એટલું જ
નહિ પણ જુના જમાનાને હાલના માણસોના રીતરિવાજોમાં રહેણી કરણીમાં અને આચાર વિચારમાં
ઘણો જ તફાવત જણાય છે. ગીતાના સમયમાં પરીષદો ભરાતી હતી,
પણ તે જુદા રૂપમાં,
તેની કામ કરવાની ઢબ જ કંઈ જુદી હતી. પણ વખતના બદલવા સાથે
બધું બદલ્યું છે. સમયના બદલવા સાથે પ્રાચીન આચાર ફેરવાઈ જઈને રૂપાંતર પામ્યા છે.
પરંતુ આશ્ચર્યકારક ઘટના તો એ છે કે, બીજા દેશો અને જ્ઞાતિમાં સમયને અનુકૂળ થવા મહેનત કરે છે
ત્યારે આપણી કણબી જ્ઞાતિમાં ફક્ત ગણ્યા ગાંઠ્યા પુરૂષો જ એવી દીશામાં દેખાય છે.
નવા અને જુનાનું યુદ્ધ તો દરેક જગ્યાએ માલુમ પડ્યું છે,
સાંજ અને સવાર દિવસ અને રાત્રી આર્ય અને અનાર્ય યુવાન અને
વૃદ્ધ પરંતુ તે યુદ્ધમાં હંમેશાં નુતન (નવું) જ ફતેહ પામે છે. કહેવાનો મતલબ એવો
નથી પરદેશી કેળવણી યુક્ત અથવા કહેવાતા સુધારાના ભક્ત તેજ નુતન (નવા) નહિ જ નુતનનો
અર્થ સમજવામાં જ ભુલ થાય છે, નુતન એટલે સમયના પ્રવાહને ઓળખી તેને અનુકૂળ વર્તન કરવું તે,
આ વ્યાખ્યાની અંદર પ્રાચીન અને જુના જમાનાના લોકો કે જેઓએ
સમયની સાથે જ મૈત્રી બાંધી છે, તે નુતનની પ્રથમ પંક્તિમાં આવે છે. પરંતુ કેટલાક એવા છે કે
“તાતસ્ય કુપોઇથી બ્રુવંન્ત ક્ષારજલ મુખે નરાપિ બન્તી” એટલે કે,
ખારું પાણી હોય પણ જો બાપના કુવાનું હોય તો તે પીવામાં જ તે
લોકો હઠ કરે છે. અલબત શાસ્ત્રોમાં સનાતન ધર્મની વ્યાખ્યામાં કહ્યું છે કે :
યેનતે
પિતરો યાતા યેન યાતા પીતા મહાઃ
તેન
માર્ગેણ ગન્તવ્યં ઓષ ધર્મ સનાતનઃ
એટલે બાપ
દાદા જે માર્ગે ગયા હોય તે માર્ગનું અનુસરણ કરવું એજ સનાતન ધર્મ છે. પરંતુ આમાં
ભાવાર્થ સમજવામાં જ ભુલ થાય છે. કારણ કે, જે માતા, પિતા અને પિતામહ (બાપદાદા) ગયા હોય તે માર્ગ તે લોકોએ શા
આધારે યોજી કાઢેલ હતો, યા તો તેઓ તેના વડીલના માર્ગમાં સમય સાથે કંઈ પણ ફેરફાર
કરતાં કે નહિ એ તેઓ જોતા જ નથી અને સ્વચ્છંદ પણે સ્વાર્થ પુરતી અનુકૂળતા કરી લે છે,
ને તે સિવાયની વાત બાજુએ મુકે છે.
માટે ભાઈઓ !
જેટલું જુનું તે જ સારું ને નવું તેજ ખોટું એવી માન્યતા ભુલ ભરેલી છે,
સતપુરુષો (બુદ્ધિમાન પુરુષો) તો સારા સારનો વિચાર કરીને
સત્ય વાત ગ્રહણ કરે છે. આટલી નાની વાત પરથી આપ આ નવા આરંભના મહીનામાં પોતાથી બનતી
પ્રતિજ્ઞા લો કે બનશે ત્યાં સુધી જ્ઞાતિ હિતના મેદાનમાં નાતના ભલામાં જ્ઞાતિ
હિતાર્થે પ્રયત્ન કરીશું. અને જે જે મનુષ્યો તેવા પ્રયત્ન કરતા હશે તેવાઓને બનતી
સહાય કરીશું. તથાસ્તુ.
દિલ શાદ રહો, આબાદ રહો,
યશ લક્ષ્મી વરો, બહુ માન મળો.
દિલ દાઝ ધરો, કોમી કાર્ય કરો.
નહિ કોથી ડરો, આશીષ ફળો.
હિંદુ સમાજ અને પાટીદાર જ્ઞાતિ
પ્રિય
વાચક ! કાળના પરિવર્તનમાં અનેક ફેરફાર
હંમેશા થયા કરે છે તેમ જ્ઞાતિ કે સમાજના ધારાધોરણ કે નિયમોમાં પણ ફેરફાર થાય એ
બનવા જોગ છે. સેંકડો કે હજારો વર્ષોથી આર્યાવર્તમાં ઘણી જ્ઞાતિઓ થઈ ગઈ છે. તેમાં
હિંદુ જ્ઞાતિની એક પેટા શાખા, પાટીદાર જ્ઞાતિ પણ મુખ્ય જ્ઞાતિઓમાં ગણી શકાય. ખેતી વાડીનો
ધંધો કરનાર આ જાણીતી કોમ કોઈનાથી હાલે અજાણી નથી હાલમાં પાટીદાર જ્ઞાતિમાં પણ બે
ભાગ થઈ ગયા છે. જેમાંના એક ભાગ લેઉઆ પાટીદાર બીજો કડવા પાટીદાર,
આ કડવા પાટીદાર, જેને કણબી એવા નામથી કે પટેલ એવા નામથી આપણે ઓળખીએ છીએ,
આ જ્ઞાતિ હાલમાં નહિ હિંદુ કે નહિ મુસલમાન એવી અર્ધદગ્ધ
રીતે ફસાઇ પડી છે આમ થવાનું કારણ ઢોંગી ધર્મ ગુરૂઓનું તેમને અવળે રસ્તે લઈ જવું એ
મુખ્ય છે. હજી પણ એ જ્ઞાતિ રીતરિવાજ હિંદુના જ પાળે છે. તથાપિ તેમનો ધર્મ તો
મુસલમાની જ છે. એમાં કશી પણ શંકા નથી, હિંદુ હોઈ શા માટે તેઓ મુસલમાની ધર્મ પાળે છે ! એ આપણે
જોશું તો જણાઈ આવે છે કે તેમની જ્ઞાતિમાં થોડાક વર્ષો પહેલાં એક મુસલમાન ધર્મગુરૂએ
તેમને અવળું સવળું સમજાવી પોતાના ધર્મમાં
ઘણા જ ચમત્કાર તથા સ્વર્ગ છે એવું ખોટું સમજાવી ભોળા આગેવાનોને તે રસ્તામાં દોરી
પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માટે આમ કરેલું છે. પણ હવે તો તે જ્ઞાતિમાં કેળવણી તથા
સમજ શક્તિ પૂરતી થવાથી તેઓ જાણતા થયા છે કે અત્યારે આપણી હાલત ઘણી જ ભયંકર છે. આવી
કફોડી સ્થિતિમાં છીએ એવું જ્યારે એમને લાગ્યું ત્યારે તેમણે હિંદુ ધર્મના રસ્તા
જોઈ અને એ ખરા તથા પોતાના જુને રસ્તે ચડ્યા અત્યારે એ જ્ઞાતિમાંથી ઘણાઓ મહેનત કરી
રહ્યા છે, અને તે ખરેખર ઇચ્છવા જોગ છે. હમણાં જેવો એમને એ સદ વિચાર
સ્ફુર્યો છે અને જો તેઓ તેનો લાભ લઈ ઢોંગી ધર્મગુરૂઓથી મુક્ત થઈ સત્ય સનાતન રસ્તો
સમજશે તો તેઓ થોડા વખતમાં શુદ્ધ આર્ય (હિંદુ ધર્મી) થઈ જશે ખરા. એમાં શંકા જેવું
નથી.
પાટીદાર જ્ઞાતિમાં મુસલમાન ધર્મગુરૂઓ ધર્મને નામે પાપનો ફેલાવો કરી તે
જ્ઞાતિમાંથી દર વર્ષે હજારો રૂપિયા લુંટી જાય છે અને તેનો ઘણો જ દુરપયોગ કરી પોતે
જ મોજ કરે છે તથા એ જ્ઞાતિને અજ્ઞાનતાના અંધારામાં રાખી તદ્દન મુસલમાન તથા અંધ
શિષ્ય જેવા ગુલામ બનાવી મુકવા હંમેશ પ્રયત્ન કરતા જણાય છે. આવા સ્વાર્થી ધર્મ
ગુરુઓના ફંદામાં ન ફસાતા હવે સમયના ફેરફાર પ્રમાણે વિચારોમાં ફેરફાર કરી સારૂં શું
છે તેની કદર કરી અંધારાના ખાડામાંથી બહાર આવી સત્ય રસ્તો ગ્રહણ કરવાની ખાસ જરૂર
છે. અમારા ધારવા પ્રમાણે આ જ્ઞાતિ હવે તો એ પીરાણા ધર્મનો ત્યાગ ઘણા જોરથી થતો જાય
છે અને અમો તો એજ ઇચ્છીએ છીએ કે તેઓ શુદ્ધ ખરાનું હિંદુ ધર્મી બની પોતાની સમાજ તથા
દેશનું કલ્યાણ કરવા તૈયાર થાય.
હાલમાં મુંબઇ તથા કરાંચી તેમજ કચ્છના કેટલાક ભાગોમાં સુધારવાળાને નામે આ
જ્ઞાતિના કેટલાક મુખ્ય પુરૂષોએ બહુ જ શ્રમ કરી પીરાણા ધર્મનો ત્યાગ કરી હિંદુ ધર્મ
અખત્યાર કરવા માંડયો છે. તેની સંખ્યા દરરોજ વધતી જાય છે. હાલમાં પણ એવા સુધારાવાળા
શુદ્ધ હિંદુ પાટીદારોની સંખ્યા હજારોની થઇ છે અને કેટલાક તો આખા ગામો પણ એજ
વિચારોનું પાલન કરે છે એ જાણી આપણને આનંદ થવો જોઇએ.
કરાંચીમાં કેટલાક ઉત્સાહી યુવકોએ પોતાના તન મનઅને ધનના ભોગે આ જ્ઞાતિને ખરે
રસ્તે ચડાવવા ઘણા શ્રમથી અનેક વખત ઘણા જ ભોગ આપેલ છે,
તે અમારી જાણ બહાર નથી. અમો તો આવા ઉત્સાહી યુવકોનો
વિજય જ જોઇએ છીએ. તેમણે સત્ય રસ્તે હંમેશા છાતી ઠોકીને તથા કમર કસીને કામ
કર્યે જવું અજ્ઞાનતા દુર થતાં સમાજ આખી તેમજ પોતાની જ થઇ જશે. અત્યારે તેમને જે
ગાળો આપતા હશે અથવા તો જેઓ મુસલમાન રહેવા ખુશી હશે,
તેવા ભાઇઓ પણ સમજણ થતાં તે તેમના ખરા ભાઇ બની તેમના મદદગાર
થઇ પડશે. માટે તેમણે ખાસ કાળજી રાખી કોઇનું પણ દિલ ન દુઃખાવતા પ્રેમથી અને સત્યના
બળ વડે સમયને ઓળખીને કામ કરવા હંમેશા તત્પર રહેવું. પ્રભુ તેમની મદદમાં છે એમ જાણી
અન્યાયને તોડવા હંમેશા સત્ય ધર્મનો પ્રચાર કરવા તૈયાર રહેવાની ખાસ જરૂર છે. આમ
જયારે કાર્ય કરનારા તૈયાર થશે, ત્યારે અત્યારની અર્ધદગ્ધ થયેલી પાટીદાર જ્ઞાતિ શુદ્ધ હિંદુ
બની પોતાનું અસલ સ્થાન પ્રાપ્ત કરશે. પ્રભુ તે સમય એ જ્ઞાતિને જલ્દી આપ એજ અમારી
પ્રાર્થના છે.
સુધારાની આવશ્યક્તા
(લેખક : રા. તંત્રી)
પ્રિય બન્ધુઓ ! જમાનો જાગૃતિનો આવી પહોંચ્યો છે. ઠામ ઠામ સર્વ જ્ઞાતિઓ પોત
પોતામાં યોગ્ય વિચાર કરી અગવડ કરતા રીતરિવાજોને તિલાંજલિ આપી રહી છે,
ત્યારે આપણી જ્ઞાતિ
હજુ સુધી પોતાની નિંદ્રામાંથી જાગૃત થવાનો વખત વિચારતી નથી છતાં પણ પરમ
કૃપાળુ પરમાત્માની અસીમ કૃપા વડે જ્ઞાતિના કેટલાક સ્થળોમાં સુધારકો પોતાનું
પરાક્રમ પ્રકાશતા જણાય છે ખરા,પરંતુ જ્યાં સુધી આવા જ્ઞાતિ હિતેચ્છુ વિરલાઓ એકત્ર મળી
પરસ્પર જ્ઞાતિ હિતના વિચારોનું વારંવાર મંથન કરી તેને અમલમાં મૂકવા તૈયાર નથી
ત્યાં સુધી.
उध्मेन ही सिद्ध्यन्ति कार्याणि न मनोरथै:
नही सुप्तस्य सिंहस्य प्रबिशन्ति मुखे मृगा:
(માત્ર મનોરથ કરવાથી જ કાર્ય સિદ્ધ થતાં નથી પણ ઉદ્યમથી
સિદ્ધ થાય છે, સુતેલા સિંહના મુખમાં મૃગલાઓ આવીને પડતા નથી) માત્ર વિચારથી
જ કાંઈ ફળ પ્રાપ્તિ થતી નથી, માટે મારા સુધારક વીરાઓ ! તમારા વિચારો હૃદયમાં જ રોકી રાખી
જ્ઞાતિની અધમ દશા દેખી નાહક દુભાઓ નહિ પણ યોગ્ય ઉપચાર કરવા તત્પર થાઓ અને પ્રારબ્ધ
જે પુરૂષાર્થ હિન, પામર પુરૂષોનું આશ્રમ સ્થાન છે તેને બાજુ મુકી પુરૂષાર્થને
વળગી મહા ભગીરથ પ્રયત્ન કરવા તત્પર થાઓ :—
અર્થમ્ સાધ્યામિ, વા, દેહંમ પાત્તયામિ
આ સુત્રને તમારા, હૃદય મંદિરમાં મુદ્રિત
કરી તમારા વિચારોને વહન આપવા માંડો. મુંગા બેસી રહી “હાય,
હાય” કરવાથી કાંઈ પણ બનવાનું નથી. પ્રતિદિન આયુષ ક્ષીણ થતું
જાય છે. તમારો મનુષ્ય જન્મ ધારેલો સફળ કરવા અને તમારો વ્યવહાર ધર્મ બજાવવા પાછા ન
પડો. વિરાઓ ! જન્મવું, જીવવું અને મરવું એ તો વારંવાર છે જ. પરંતુ જે પુરુષ
પોતાનું સારું નામ ઇતિહાસના પાના પર મૂકી
જતો નથી તે જેમ અનેક કીટ પતંગાદિ જન્મ મરણ પામે છે. તેમ એક પામરની માફક પૃથ્વીના
ક્યા ખૂણામાં મરી જાય છે, તેની કોઈને ખબર પણ પડતી નથી. તેને કોઈ યાદ પણ કરતું નથી.
પરમાર્થી પુરૂષો ! તમારી જ્ઞાતિની દશા તરફ દૃષ્ટિ કરો. ઠામ ઠામ શું જણાય છે ?
તમારા જ્ઞાતિ બન્ધુઓ :—
હરિગીત છંદ
ઠામ ઠામ, વિરામ ના કયંઈ,
જ્ઞાતિ બાળક રડવડે
કણના અમે “બની” બીજ,
બાળક અન્ન વિના ટળવળે,
દહીં દૂધ થી નીપજાવનાર,
રતાધ બનીને આથડે,
દાનેશ્વરી બની દાન દેતા,
આજ પર ઘર કર ધરે.
બીચારા ખેડૂત ભાઈઓ ! ટાઢ, તાપ અને વરસાદના મહા દુઃખના દીવસોમાં મહેનત કરી ટુટી જાય છે
અને મરી જાય છે છતાં પણ તેમને તથા તેમનાં પત્નિ પુત્ર પુત્રાદીને પૂરા વસ્ત્રો પણ
પહેરવાનો વારો આવતો નથી, તેમનું રળેલું કોણ જાણે ક્યાંઈ તણાઈ જાય છે,
તેની તેમને ખબર પણ પડતી નથી. અરેરે ! ખબર શાની પડે ?
વિદ્યારૂપી દિવ્ય ચક્ષુને માટે તો તે બીચારા કુટુંબ પરિવાર
સહીત બે નસીબ જ રહે છે. ખેતીવાડીના ધંધામાં,
મજૂરીમાં, ઘાસ લાવવામાં, ઢોર ચારવામાં, અને સીમમાં ખેતરોમાં જવામાં તેમના વિદ્યા અભ્યાસ કરવા યોગ્ય
બાળકો ગુંથાઈ રહે છે. તેથી ભણવાની નવરાશ મળતી નથી,
તેમજ પૂરા સાધનો પણ હોતા નથી. આપણી જ્ઞાતિની બીજી બાજુ
દૃષ્ટિ કરીશું તો ત્યાં પણ અન્ય પ્રકારની અંધાધુંધિ પ્રવૃત્તિ થઈ રહી છે. બાળાઓના,
બળાપા અને કુલીનોના કઢાપા,
(અનેક અબળાઓના કુલીન ગણાતા
આગેવાનો ઇચ્છા નહીં છતાં છુટાછેડા કરી રહ્યા છે) ઠામ ઠામ ત્રાસ વર્તાઈ રહેલો જોવાય
છે, અનેક રીતે ગરીબોના ગળા રેંસાય છે અને નિરૂદ્યમી લોકો અનેકાનેક પ્રકારે જુલમો
વરતાવી રહ્યા છે. પ્યારા વાચક ! આવી દુરદશા દેખી શું તમારા હૃદયો રૂદન કરતા નથી ?
કેમ નહિ ? કરે જ. પરંતુ પુરૂષાર્થ કર્યા વિના “હાય,
હું એકલો શું કરું” આમ ઉચ્ચારી પછી પ્રારબ્ધ પર પોતાના
વિચારને આધાર આપી પડ્યા પડ્યા પોકાર કરો છો ત્યારે તમો સમજુ અને અણસમજુમાં જે
તફાવત પડવો જોઈએ તે ક્યાં છે ? જ્ઞાતિની દાઝ અને દૂરદશા જાણનાર તમો અને બીજા અજ્ઞાની મુઢ
ભ્રાતાઓમાં તફાવત શો ?
અરે આ દશા જાણી જોઈ પુરૂષાર્થ કર્યા વિના માત્ર પડી રહેનાર કરતાં ન જાણનાર
સારો છે કારણ કે તે આવી ઊંડી દશાનું ભાન ન હોવાથી તે બીચારો છાણનો કીડો છાણમાં
મસ્ત હોય છે પરંતુ તમો તમારા બન્ધુઓની અને જ્ઞાતિની દુઃખદ,
દશા દેખી દુબળા થાઓ છો છતાં પણ પુરૂષાર્થ કરવા તત્પર થતા
નથી કે મેદાન પડતા નથી અને “હું એકલો શું કરું ?
આવડી મોટી નાતમાં મારાથી શું થાય ?”
વગેરે નિર્માલ્ય વિચારોથી નિયતાને પ્રાપ્ત કરો છો :—
नचेवात्मा वमन्तव्यः पुरुषेण कदाचन।
नहयात्म परिभूतस्यभूतिरर्भवति शोभना॥
(महाभारत.)
નચેવાત્મા વમનન્તવયઃ પુરૂષેણ કદાચના
નહ્યાત્મ પરિભૂતસ્યભૂતિર્ભવતિ શોભના (મહાભારત)
પુરૂષે પોતાનો કદી પણ ધિક્કાર નહિ કરવો તેમ કરવાથી મનુષ્ય કદી ઐશ્વર્ય પ્રાપ્ત
કરી શકતો નથી. માટે એવા નીચ વિચારો તજી તમારા સ્વાત્મ બળમાં જેટલી શ્રદ્ધા રખાય
તેટલી રાખો તમે સાક્ષાત્ પરમાત્મા થવા
ઇચ્છશો તો પણ થઈ શકશો તમો તમારી જાતને પામર પ્રાણી માની કંગાલીયતના કાળા ગ્રહમાં
શા માટે હાય મારો છો ?
उचिष्टत, जागृत, प्राप्य, वरान्नि
बोधत।
(उपनिषद)
ઉઠો,
જાગ્રત થાઓ અને મેળવવા લાયક ઉત્તમ વસ્તુને સમજો,
ઊંચા વિચારોને એવી ઉચ્ચ ભાવના રાખો ઉચ્ચ આશયો રાખી ઉચ્ચ
પુરૂષાર્થ દૃઢ અને ઉત્સાહી મનથી કરો પછી જુઓ કે સર્વવ્યાપક પરમાત્મા તમને તમારા
હૃદય મંદિરમાં કેવો પ્રાદુર્ભાવ જણાવી “સર્વ પ્રાણી માત્રના સુખમાં જ તમારું સુખ
સમાયલું છે.” આ મહા મંત્રથી તમને દિક્ષીત કરી કેવો ધર્મ સુજાડે છે ?
કેવો પરમાર્થ બતાવે છે :—
“વિકલવો વીર્યહીનોયઃ સદૈવ મનુવરતતે ।
ધીરા સંભાવિતાત્માનો નદૈવઃ પર્યુ પાસતે ॥
(રામાયણ)
વીર્યહીન અને વૈક્લવ દૈવને અનુસરીને ચાલે છે પ્રતિષ્ઠિત વીર પુરૂષો દૈવને
સેવતા નથી, જમાનો એવો આવ્યો છે કે પ્રથમ જે કામ કરવા મહા ભગીરથ
પ્રયત્નની જરૂરત હતી તેવા મહદ કાર્યો માત્ર સ્વલપ પ્રયત્નથી સિદ્ધ થાય તેમ છે.
માટે સમજુ પુરૂષો ! હવે તો હદ થઈ છે. તમો અત્યારે પણ વખત વખતનું કામ કરશે “કુદરત
પોતે જ સુધારા કરશે” કહી મન વાળી બેસી રહી ટગરટગર દયાજનક દશાને દેખી દુબળા થયા
કરશો ત્યારે વખત અને કુદરત ક્યારે અનુકૂળ થશે,
સૌભાગ્ય દેવી સાહસિકને જ વળમાળા આરોપે છે. જુઓ ?!
જુઓ ?! આપણી આસપાસની અન્ય જ્ઞાતિઓ આજ શા કાર્યમાં મચી રહી છે ?
આપણે પાટીદાર છીએ તેથી ઉચ્ચ ગણાતી અન્ય જ્ઞાતિઓનાં પ્રબળ
પ્રયત્નને દુર મૂકી આપણાથી હલકી જ્ઞાતિઓ જે શુદ્ર ગણાય છે તેઓ તરફ નજર કરશો તો
સહેજ જણાશે કે તેઓ પણ જ્ઞાતિના રૂડા વખતનો લાભ લઈ પોતાની ઉન્નતિ કરવા પ્રબળ
પ્રયત્નશાળી બની રહ્યા છે. જ્યારે વસવાયા અને શુદ્ર જેવી હલકી જ્ઞાતિઓ આમ
પુરૂષાર્થ કરી ઉન્નતિ કરવા આગળ પડી છે. ત્યારે તમો તમારા શિષ્ટ પુરૂષો અને આગેવાનો
ઊંઘે છે. અરે કેવી દશા ! કેટલાક આપણા ગેઢેરા ગણાતા આગેવાનો તો કહે છે કે જ્ઞાતિમાં
શું સુધારવાનું છે ? જ્ઞાતિને શું થયું છે ?
શું બગડી ગયું છે ?
નાહક રાડો પાડી પાડીને લખી,
લખીને, અને બોલી બોલીને જ્ઞાતિને ફજેત કરી નાખી. પરંતુ તે બીચારા
ભોળા પટેલ બાપા, તેમ કહે તો શું થયું ?
તેમને સૈયદો અને કાકાઓ અને નાતના મેળાઓમાં શીરા અને લાપસીઓ
નામની મુકી ક્યાં માથું ઊંચું કરી જોવું છે કે અમારી જ્ઞાતિની શી વલે થઈ છે.
છતાં પણ તેઓને એવું બોલતા તો વારંવાર સાંભળીએ છીએ કે હવે તો કમીઓ (હજામ,
કુંભાર, મેગવાર ફાટા છે. શું કરીએ વખત બળી ગયો હવે દિવસા દિવસ વખત
બળતો જશે અરે ! આગેવાન બાપાઓ ! ઝોકામાને ઝોકામાં વખત તો બળી જશે પણ હજી તો તમારે
ને આખી જ્ઞાતિને લુગડે લાય લાગીને બળી જશે અને આપણે દાઝશું ત્યારે ભાન આવશે જે
કમીઓ અને તમારાથી ઉતરતી જ્ઞાતિનાં માણસો આજે આવા બળી ગયેલા વખતમાં પણ “પટેલ” કહી
પરા ખસી તમોને માન આપે છે તે જ્યારે પોતાની જ્ઞાતિઓમાં ભણી ગણી સુધારા કરી તેમનાં
બાળકોને ભણાવી તમારા બાળકોથી વધારે કેળવાયેલા બનાવી તમારા બાળકોના વિદ્યા ગુરૂ
બનશે—મહેતાજી—માસ્તર બનશે. પછી કોણ કોને બાપા કહેશે ?
તમોને કોણ માન આપશે ?
તમારા કામ કોણ કરશે ?અરે! હજામતો સુદ્ધાં કોણ કરશે ? વિચારો ? વિચારો ? અને જલદી સેવા કરવા મેદાને પડો.
રૂડી પટલાણી*
(લેખક : મહિદાસ પ્રેમજી પટેલ)
આજ અમાવાસ્યા છે. અંધકારે પોતાનું સામ્રાજ્ય ચોતરફ જમાવી દીધું છે. આકાશ ઘનઘોર
છવાઈ રહ્યું છે. વીજળી તાંડવનૃત કરી રહી છે માતા ઉમિયાનું મંદિર આજ તદન સુનું
સુનું લાગે છે. ઘાઢ અંધકાર ફીટાડવા ખૂણામાં પ્રજવલ્લતો ચાંદીના કોડીઆમાંનો ઘીનો
દીવો સંપૂર્ણ યત્ન કરી રહ્યો છે, પણ માતાની દિવ્ય મૂર્તિની સન્મુખ એક બાળાના ઉના નિશ્વાસથી
અંધકાર ગાઢ થતો જાય છે. સ્વર્ગની અપ્સરાઓ ચકિત નેત્રે આ દુઃખી અબળાનું મુખ નિહાળે
છે. સ્વર્ગની ગોદમાં ખેલતી અપ્સરાઓએ આવું દીન મુખ સ્વપ્ને પણ નહિ જોયું હોય.
અબળાના બંને નેત્રો બંધ છે. દર્શન પ્રિય ભક્ત દોડતો આવે,
તે વખતે મંદિરના દ્વાર એકાએક બંધ થતાં ભક્તના મનમાં જેવી
નિરાશા છવાઈ રહે છે, તેવી જ રીતે તે દુઃખીયારી અબળાનાં નેત્ર દર્શન કરવા ઇચ્છતી
અપ્સરાઓ બંને લોચન બંધ હોવાથી નિરાશ થાય છે. માથાનો અંબોડો છુટો મુકાઈ ગયો છે
સુંદરીનો કૃષ્ણવર્ણ કલાપ સેષ નાગનાં માન મુકાવે છે. અબળાની ડોકમાં કાંઈ પણ આભરણ
નથી, પણ તે ખુલ્લી ડોકના વાંટા ઈન્દ્રાણીને પણ છક કરી નાખતા હતાં.
અબળા ઘુંટણ ઉપર બેઠી હતી. આ બેઠક જોઈ શંકર સામેની બેઠક ધરાવનાર પોઠીઓ શરમાતો
હતો. આજુબાજુ ગગનભેદી અંધકાર સામે માતા ઉમીયાની ઓજસ્વી પણ ગંભીર લાગતી મૂર્તિ,
તેના ખૂણામાં ટગમગતો ઘીનો દીવો અને ઉપર ચકિત થયેલી અપ્સરાઓ
સિવાય આ મંદિરમાં કોઈ હતું નહિ. સર્વત્ર ગાઢ શાંતિ વ્યાપી રહી હતી. આ વખતે સૂર્ય
ઉગતાં જેમ કમળની પાંદડી ખુલતી જાય, તેમ અબળાનાં પોપચાં ધીમે ધીમે ખુલવા લાગ્યાં,
કંઠમાંથી ઝીણો ઝીણો મધુરો પણ હૃદયભેદક સ્વર નીકળવા લાગ્યો.
અવાજ તીણો હતો પણ દુઃખથી ખોખરો થઈ જતો હતો. આ અવાજથી અચરજ પામતી અપ્સરાઓ નીચે ઉતરી
અબળાની સન્મુખ આવી ઉભી રહી. આગળ આવી મેનકા પૂછવા લાગી : “દુઃખીયારી બાળા ! આ
અવનીમાં શા માટે દુઃખની હોળીમાં સળગ્યા કરે છે ?
અંધારી રાત્રે દેવીના મંદિરમાં આવવાની કેમ જરૂર પડી બાળા ?
દેવ દેવીઓને વિનવવા ભારત વર્ષની અબળાઓ શું રાતના પણ ભટકતી
હશે ? અમે સ્વર્ગના સુખમાં ગુલતાન રહેનારી અપ્સરાઓ આ દુઃખ જોઈ બળી
મરીએ છીએ. અમારા દુઃખના ઘા રૂઝવવા બાળા તારી આત્મકથા અમને કહે.”
“અહો સ્વર્ગના સુખમાં રમનારી સ્વર્ગની દેવીઓ ?
અમારાં દુઃખો નિહાળી રાક્ષસો પણ ઊભી પૂંછડીએ નાસે છે.
એવામાં તમને આ શું સુઝયું ? અમે તો મૃત્યુ લોકનાં કાળા માથાનાં માનવી. અમે દુઃખી,
અમારો સંસાર દુઃખી,
દુઃખમાં અમારો જન્મ,
દુઃખ એજ અમારું ત્રિકાળનું અખૂટ ઝરણું ! એ દુઃખમાં ભાગ
લેવાથી આપને શો લાભ દેવીઓ ?”
“મૃત્યુ લોકનાં દુઃખોના માપથી અમારા સ્વર્ગના સુખ મપાય છે
બેની ! દુઃખ સાંભળી તને વધુ દુઃખી નહિ કરીએ. દુઃખીયાનાં દુઃખ કાપવાં એજ અમારો ધર્મ !?!”
“નથી” નથી સ્વર્ગનાં રાજાધિરાજ પણ અમારાં દુઃખ ફીટાડવા સમર્થ,
તો ફુલની પાંખડી જેવી કોમળ દેવીઓ,
આપના શા ભાર ?”
“દીકરી ! દેવની શોભા દેવમાં નથી. જેવા પુજારી એવા દેવ ! અને
અમે તો સ્વર્ગના સુખની વાદળીઓ જેટલું સુખ વરસાવીએ તેટલું દેવાધિરાજને મળે. સમજી
બેન ? વિશ્વામિત્ર જેવાના તપના ચૂરા કરવામાં પણ અમારો જ હાથ હતો.
આજ એજ હાથ તારાં દુઃખો ટાળશે બેની ?”
“દુઃખીઓનાં દુઃખો કાપવાં એજ આપનો ધર્મ હોય તો,
બેની સાંભળો. મારી આત્મકથા. તે જરા લાંબી છે ખરી,
પણ દુઃખના દારૂણ રસથી રસ બસતી છે,
કુમળાં કાળજા કોરનારી છે. પણ સ્વર્ગના શોખીનોનાં હૈડાં તો
કઠણ કહેવાય છે ? હું પૃથ્વીના પ્રથમ ખંડમાં ગણાતા ભરતખંડમાં જન્મી છું.
ખેતીનો ઉજળો ધંધો કરનાર કણબી કોમમાં મારો જન્મ થયો છે. મારું નામ રૂડી ! મારું
કેવું સાદું નામ ? અમારા દેશમાં તો દીકરીઓનાં નામ પાડવાં કોઈ પાછી પાની કરતું
જ નથી. દીકરીનાં નામ પાડવામાં અમારા દેશનાં દેવ દેવી,
નદીઓ સદા રોકાયલાં જ છે,
જીભને બેવડી ચોવડી વાળીએ ત્યારે જ અમારા દેશની કન્યાઓનાં
નામ બોલાય ! પણ મારું નામ સાદું ! અમારા માંતો રૂડી રામુ,
કડવી, મીઠી, લાડુ, પુરી, દુધી ધોળી એવા બબે અક્ષરનાં જ નામ ! મારો જન્મ થયો,
મારું નામ પડ્યું, કે તરત જ મારું વેવિશાળ થયું.
“શું બેન ? વેવિશાળ ? સ્વર્ગના પહેલા પગથીઆ જેવું વેવિશાળ જન્મ થતા જ થઈ ચુક્યું ?”
“આપ તો જન્મ થતાંની વાત કરો છો,
પણ મારી કેટલીએક બેનોનાં વેવિશાળ તો માતાના ગર્ભમાંથી જ થાય છે ?
બે જીવવાળી માતાને પેટે ચાલ્લો કરવામાં આવે છે. નસીબ જોગે
દીકરો આવે તો ભલે સગાઈ તૂટે, પણ પેટે ચાંલ્લો કરવાનો રીવાજ તો ખરો ! હું મોટી અને
રમતી ભમતી થઈ ત્યારે મારો સંસારનો નાવી,
મારો ભાવી ભરથાર મારે ઘેર મેમાન થઈ આવ્યા ?
હું અને એ બંને તેવ તેવડાં ! હું પાંચ વર્ષની અને “એ” ચારના
? અમને જોઈ બધાં હસતાં, શા માટે હસતાં તે હું જાણતી નથી. મારા ઉપર પ્રભુની મહેર હતી
જેથી એક દી પણ માંદી પડી નહિ ! પણ “એ” તો મોઢાં જોયાં તેથી છ મહિના માંદા અને છ
મહિના સાજા ? આજકાલ કરતાં પદર વરસ ચાલ્યા ગયાં. મારા માબાપ આબરૂદાર ખેડૂત
હતાં ઘેર બે ચાર ભેંસનું દુઝાણું હતું. હું ઘરનું કામકાજ કરતી. ઢોર દોતી,
છાશ ફેરવતી અને પાંચ પાલી દળણું પણ દળતી. આમ કરતાં મારા
સસરા ગાડું લઈ આવ્યા ? પડોશણની કઠણ જીભ બોલી કે રૂડી તું તો હાહરે (સાસરે) જવાનીને
? આ બોલે તો મારા ઉપર વીજળી પાડી ! અમારા પાડોશની બ્રાહ્મણની રંભા તો પંદર વરસે
પરણી ! શું મારે ઈમ પરણવાનું નહિ હોય ? પણ મારી આ ભૂલ મારી પાડોશણે તરત જ ભાંગી. “મુઈ”,
તારાં લગ્ન તો ક્યારનાયે થઈ ગયાં. તું વરસદીની હતી ત્યારે
પરણી ?” પાકી ખાત્રી કરવા મેં માને પૂછી જોયું,
તો જવાબમાં ગાલ ઉપર એક તમાચો પડ્યો. શું કણબીની દીકરીઓથી
પરણવાનું નામ પણ ન લેવાય ? આ સન્મુખ બીરાજતાં ઉમિયા દેવીને નામે દસ દસ વરસે અમારા
લગનની ચીઠીઓ નીકળે ? એક જ લગને અમારી નવ લાખ બેનો ઢીગલાની માફક પરણે ?
આવું કૌતુક કોઈ દેશમાં હશે બેન ?
તેમાં કોઈ આઠની તો કોઈ પાંચ વરસની ?
કોઇ ત્રણની તો કોઇ વરસ દોઢ વરસની ?
મહીના છ મહીનાની કન્યાઓનો તો પાર જ નહિ. આવડા વર્ષની
ભરજુવાનીમાં અમે પરણી ઉતરીએ ? અમારા સ્વામીનાથનું તો પૂછવું જ શું ?
જેવડી અમે તેવડા તે ?
કુળવાન હોય તો અમારાથી નાના જ હોય ?
એક કોર ગોરબાપો ? (અમારા કચ્છમાં તો પીરાણાનો થાપેલ મુખી બાપો લગનનો વિધી ભણે,
બીજી મેર વર ઊંઘે અને કન્યા રૂવે ?
અમારાં આંસુ લુવા અમારા માબાપ તૈયાર ?
શું દીકરા દીકરીને પરણાવવાનો લાવો અમારા માબાપ આમ જ લેતા
હશે ! અમારાં ભાગ્ય કાજળથી લખાયા હશે ? એ વાત પડતી મુકો બેન,
કોઠી ધોવાથી કાદવ જ ઉખડે ?
મારી બનેલી વાત સાંભળી લો બીજે દિવસે ગાડીમાં બેસી હું મારે
સાસરે ગઈ. હું હતી પંદર વરસની, પણ ગામની બધી બાયડીઓ કહેવા લાગી કે વહુ તો વીસ વરસની છે ?
અજાણ્યા ઘરમાં આવી,
ટોળાં વિખુટી હરણીની જેવી હું ચક્કર વક્કર ચોતરફ જોઈ રહી,
રાક્ષસીને ભુલાવે એવી ખુણામાંથી એક ડોશી નીકળી ! પગે પડો
વડસાસુ (દાદીજી) ને !” આવો એક અવાજ પાછળથી આવ્યો. તરત જ એ હુકમને હું તાબે થઈ.
વડસાસુએ આશીશ આપી. રાતના વાળું થયાં, કોને હું પરણી એ હજી હું જાણતી નથી. વાળું કરી બહાર નીકળવા
જાઉં છું એવામાં મારા કેડના રમકડા જેવડો, ગણપતિના જેવા પેટવાળો એક છોકરો ડરતો રડતો કારમી ચીસ પાડી
નાઠો. એ ચીસ સાંભળી અમારો સાથી દોડી આવ્યો. કેમ ડર્યો ?
એમાં બીવાનું સે શું ?
ઈ તો તારી વહુ સે. એમ કહી સાથીએ ટાઢા ટોળ્યાં !!! મારા
ધણીને સમજાવી ઓસરીમાં આણ્યો. મેં મારી લાજમાંથી આ બધું જોઈ લીધું. ઉડો નીસાસો
નાખ્યો, આંખમાં આંસુડાં
ભરાઇ આવ્યા આંસુ રોકવા મેં ઘણી મહેનત કરી પણ કોણ જાણે શાથી આ આંસુડા
રોકાયાં નહિં મેં લાજ કાઢેલી હતી જેથી મારા આંસુડા કોઈ જોઈ ન શક્યું. આ મારા
સાસરવાસાનો અનુપમ ઉત્સવ બેની ? હાથણીની ચાલે મલપતી કણબણ બાળાનો સાસરવાસો આમ ઉજવવો વિધાતાને
ગમતો હશે ? એથી વધુ બોલતાં મારી જીભ ઉપડતી નથી. મારું હૃદય ફાટી જાય
છે. સોપો પડ્યો, એટલે ઘરના કામકાજથી પરવારી,
મારો સુવાનો વારો આવ્યો,
હું નવી નવી આવેલી એટલે મારી નણંદને પૂછી જોયું કે મારું
સુવાનું ક્યાં છે ? નણંદે સાસુને પૂછ્યું,
સાસુ વડસાસુના કાનમાં ગગણ્યાં અને છેવટે પાડોશમાં આવેલી બળદ
બાંધવાની કોઢમાં (ડેલામાં) મને ખાટલો પાથરી સુવાનો હુકમ થયો. અરધા ઘરમાં બળદો
સારું ચારો રાખેલો અને વખતે બળદો પણ બંધાતા અને અરધામાં મારું સુવાનું થયું ?
એના ખુણામાં સરસામાન ભરેલો હતો હું આ ડેલામાં સુતી. થોડી
વારે મારા ઘરનું બારણું હડસેલાયું મારો પતિ એકાએક મારા ઘરમાં !!! પણ મને તરત જ સમજ
પડી કે બહારથી કોઈએ જોર કરી ધકેલ્યાં હશે ?
આ અમારું મધુરું મીલન ?
મારો ધણી કમાડ પાસે જ ઉભો રહી મરેલા ઘેટાના જેવી આંખે
ટગરટગર મારા સામે જોઈ રહ્યો. છેવટે મારી ધીરજ ખુટી. પાસે જઈ મારા ધણીનો હાથ ઝાલ્યો
? તરત જ “ઓ……મા….ની બુમ પડી. હું ગભરાઈ પણ ધીરજ આણી જેમ તેમ કરી મેં ઈને
ટાઢા પાડ્યા. ખાટલા ઉપર સુવા વિનંતી કરી. પણ મારી એ મહેનત ફોકટ. મારા ધણીએ તો નીચે જ સુઈ જવાનો મક્કમ ઠરાવ કર્યો હશે.
એમાં હું હારી આથી વધારે કહેતા કેમ જીભ ઉપડે ?
આવી સ્થિતિમાં મુકાયેલી કોઈ બાળાને પૂછી જુઓ ?
આજથી મારાં લગન ઘંટી સાથે થયાં ગણોને બેન ?
મોટે મળસકે વડસાસુ — “વહુ—વઉ” એમ બૂમો પાડી મને ઉઠાડતાં.
અને સાત પાલી જુવારનો સુંડલો મારી આગળ મૂકતાં. હું અજવાળું થતામાં લોટનો સુંડલો
તૈયાર કરવા લાગી. પંદર ઢોરનું વાસીદું કરવા લાગી.
પાંચ ભેંસોનું દુઝાણું હતું પણ દૂધના ટીપાની મને બાધા હતી. એટલા દહીંની છાશ
મારી પાસે જ ઢસડાવવામાં આવતી. કોઈ વખતે થાકી પાકી આમાં જરા આળસ કરતી. તો સાસુઓની
જીભ મારા પર તુટી પડતી. સસરા આગળ ફરીયાદ જતી. કણબીની એક તો (જીભ) જાડી હોય. એમાં
આવતી વહુ ઉપર એ જાતી વળે ત્યારે પુછવું જ શું ?
આવી રીતે ઘરના કામથી પરવારતી તેવામાં ભાણ (સુરજ) ઉગતો. ટાઢા
રોટલાં અને છાશ શીરાવી હું ખેતરે જતી (વાડી) ખેતરમાં મજુર અને દાડીઆની હારે સવારથી
સાંજ સુધી હું કામ કરતી. મજુરોને રજા આપ્યા પછી હું ખેતર (પોડા)માંથી લીલું ખડ
(ચારો) લેતી. એ ખડની ભારી બે માણસ મારે માથે મુકતા એ ઉપાડી હું ઘેર આવતી. મઠ
(કોરડ) જુવારનો ખીચડો અને ખાટી છાશનું વાળું કરી ઘરનો સંજોરો કરતી બધાને સુવાડી
હું મારી કોઢમાં સુઈ જતી. માંકડ, મચ્છરનું તો પુછવું જ શું ?
છતાં મને ઘસઘસાટ ઊંઘ આવતી. માત્ર કોઈ કોઈ વાર જ સ્વપ્નાં
આવતાં એ સ્વપ્નમાં હું બીજું કાંઈ દેખતી નહિ. માત્ર તમારા જેવી બાઈઓ આવી મને ઠપકો
દેતી. બાળા ? આ દુઃખ શા માટે સહન કરે છે ?
આ દુઃખને ઠોકરે મારી દુર ખસી જા ? આ ઘરના સુખમાં પુળો મૂક ? નથી ઘરનું સુખ તેમ નથી ધણીનું ?
નકામી મજુરી કરી જન્મારો નકામો કેમ કાઢે છે.
આવો આવો ઠપકો તે બાઈઓ મને આપતી, હું એને એટલો જ ઉત્તર આપતી. એમ તે કેમ થાય ! હું આબરૂદારની
દીકરી “દીકરીને ગાય જ્યાં દોરો ત્યાં જાય” મારા માબાપે મને આ ઘેર સોંપી. આ મારું
સોનાનું ઘર બાઇઓ ? સીતાનાં જેવાં તો મારે દુઃખ નથીને એમ કહી હું ટાઢાં ઢોળતી. આમ કરતાં ત્રણ વરસ
તો વીતી ગયાં.”
“ત્રણ વર્ષ ?? ત્રણ વર્ષ તો શું પણ ત્રણ દિવસ પણ કાઢવા સ્વર્ગની દેવીઓને
દોહેલાં થઈ પડે. બેની ? આવાં દુઃખો તારે લલાટે ત્રણ વર્ષ લખાયાં. બેની નથી રહેવાતું
અમારાથી આ દુઃખ સાંભળવા અહીં.”
“ધીરજ ધરો બેની ! ધીરજના ફળ મીઠાં છે. આ તો મારા દુઃખની શરૂઆત જ હતી. ખરાં દુઃખ તો સાંભળો દેવી ?
આમ કરતાં મારા નસીબ ફુટ્યાં,
મારા ધણી એકાએક માંદા પડ્યા,
ગામમાં કોલેરા ચાલતો હતો. એ રોગે મારા નસીબ ફોડ્યાં ?
ત્રણ દિવસના મંદવાડમાં તો “એ” દેવલોકમાં સીધાવ્યા. દુઃખી આવી બેનસીબ રાંડીરાડ
હું પડી રહી અને “ઈ” તો ગયા. મેં મારાથી બની એટલી ચાકરી કરી. બન્યા એટલાં ઓસડીયા
પાયાં પણ વિધાતાએ મારાં નસીબમાં રંડાપો માંયો હસે. એમાં મારો શો ઉપાય ?
ધણી મુવા પછી હું કાળમુખી ગણાઈ. રાંડ હોળાયો,
સુડકઢી, ભુંડા મોંઢાવાળી, એવું જેવું મોંઢે આવ્યું તેવું મારી સાસુ બોલવા લાગી. ધણીને
દેવતુલ્ય ગણનારી ભારતની સ્ત્રીઓને આવો દિવસ આવે ?
તો ઘણી માર્યાનું આળ પણ અમારા ઉપર જ આવે ?
તો ઘણી માર્યાનું આળ પર અમારા ઉપર જ આવે રાંડે કામણ
કરાવ્યાં હશે. વાલાંમુઈએ મુઠ મરાવી. દોરા ધાગા કરાવ્યા, મારા મોતીઆનો જીવ લીધો. એવું એવું બોલી મારું ઘુંટડે ઘુંટડે લોહી પીધું. આથી
પણ મારી સાસુ ધરાયા નહિ સસરાને શીખવી, મને વિદાય કરવાની પેરવી કરી ઘરમાં પેસવાનો હુકમ તો ન હતો.
મારી માએ આપેલા લુગડાંને અડકવાનો મારો હક નહોતો,
ઘરેણું તો મારી સાસુએ જમીનમાં દાટ્યું હતું. મને નોંધારીને
ઉભી નીસરણી જેવીને પિયર તરફ રવાના કરી. અફળાતી,
કુટાતી, રખડતી, રવડતી હું પિયર પહોંચી. પિયરમાં પણ રમણનું ભમણ થઈ ગયું છે,
માબાપે ઘરનો ભાર ઓછો કરી ભાઈ ભોજાઈને કારબાર સોંપ્યો છે,
રાંડેલી નણંદને જીવતી ડાકણ ઘેર આવી બરોબર ગણવાનો અમારામાં
સનાતન રીવાજ હશે કે કેમ તે હું જાણતી નથી. પણ હું નવે અવતાર માવતરને ઘેર આવી. મારા
નસીબમાં ટાઢા ટુકડા તો ખાવા જ સરજાયા છે. મારી ભાભી મારી આગળ રાતના ટાઢા ટુકડાની
થાળી મુકતી બધાને માથે ચડાવી હું મારું પેટ ભરતી. ખાવાના તો ટાઢા ટુકડા મળતાં પણ
રોયું મારું શરીર ? મારું શરીર દેખી ભાભી મોઢું મરડતી એ હું ખુલ્લે ખુલું
દેખતી. જેમ તેમ કરી સોગનું વરસ પૂરું કર્યું અમારામાં નાતરા (ઘરધેણાં)નો રીવાજ છે.
ગામ ગામથી મારાં માગાં આવવા લાગ્યાં. કોઈ બાળકની ખોટે,તો કોઇ રોટલા ઘડવાની ખોટે
તો કો શોખ ના માર્યા. બે ત્રણ બાયડીઓ કરે તોજ બાપની આબરૂ વધે એવા ખોટા ડોળ
ઘાલું બડેખાંઓ મારું માગું કરવા લાગ્યા. રોજ રોજ નવા માંગા આવ્યા લાગ્યા આમાં
પસંદગી કરવાનો પણ મારો હક નહિ ? મારા માબાપ અને ભાઈ,
ભોજાઈ, મરજીમાં આવે તેવા જવાબ આપવા લાગ્યાં. આમ કરતાં ગઈ કાલે મારા
ભાઈ, ભોજાઈએ નક્કી કર્યું કે, પાંચ છોકરાના બાપ પાંસા (પાચા) પટેલ વેરે રૂડીને ઘરઘાવવી !?
પટેલનો વાન ભીનો છે,
પણ પણ આબરૂદાર કણબી
છે. મોંઢે શીળીના ડાઘ છે, પણ એ તો ભગવાનની માયા છે. આંખે જરા અપંગ છે,
પણ જુનો સગો છે
મારા ભાભી નો મામો એટલે જુનો સગો તો ખરોજ તો ?
આ આ મારો બીજી વારનો ધણી બની ?
પ્રભુ ? માતા ઉમિયા ? હિંદુ વિધવાનો આવો અવતાર ખરેખર પ્રભુએ સધવા ન રાખી એજ વિધવા
?! મારા એક ભવમાં બે ભવ ! બે બે ધણીએ જન્મની દુઃખયારી ?”
આટલું બોલતાં બોલતાં રૂડીની આંખો ધગધગતા અંગારાની માફક લાલ
ઘુમ થઈ ગઈ. તેમાં ઝળઝળીયાં ભરાઈ આવ્યાં. શરીર કંપવા લાગ્યું. વધારે બોલવા યત્ન
કરવા લાગી, પણ કાંઈ બોલાયું નહિ ?
માત્ર ઉમિયા દેવી સામે દૃષ્ટિએ જોઈ રહી.
સ્વર્ગની અપ્સરાઓ તરત જ સમજી ગઈ. રૂડીનું દુઃખ નિવારવા તેઓ ટમ ટમી રહી. પણ આ
બાળા ઉમીયા દેવી ઉપર શા માટે કોપ કરે છે, તે જાણવા અપ્સરાઓ તત્પર થઈ. અને દેવી પ્રત્યે બોલવા લાગી.
“દેવી ! આવાં દુઃખો અહીંની અબળાઓ ઉપર ?
નથી સમજતાં આ ભેદ ?
આશરે આવેલી બાળા આપ તરફ ઉના નિઃસાસા નાંખે છે. કારણ દાખવી
કૃતાર્થ કરો દેવી ! આવાં દુઃખોથી આપનું હૃદય નથી દ્રવતું ?
કાં તો છોડાવો કણબી બાળાને અગર છોડો સ્વર્ગને ભુલાવતો
મૃત્યુલોકનો તપ રાજવૈભવ !”
સ્વર્ગની દેવીઓ ! ધીરજ ધરો. આ અબળાનાં દુઃખથી કોનો આત્મા નહીં બળતો હોય ?
નથી ખમાતા અબળાનાં આવા દુઃખ ?
પણ શું કરું દેવીઓ ?
કાળા માથાનાં માનવીઓએ તોબા પોકરાવ્યાં છે. દેવ દેવીની નામે
હજારો કે લાખો બાળાઓને આવા જ દુઃખોમાં તેઓ નાખે છે. બાપડા ભોળા કણબીઓને ફસાવી
ઊંઝાના પટેલીયાઓ અને કામ ધંધા વિનાના નિરક્ષર બ્રાહ્મણો મારે મંદિરે આવી,
લગ્નની ચિઠ્ઠીઓ કઢાવે છે અને દેવીએ લગ્ન દીધાં એવું ખોટું
બણગું ફુંકાવી એક જ દિવસે લાખો બાળાઓને બાળ લગ્નની બેડીઓ પહેરાવે છે. (પણ
અમારા કચ્છ દેશમાં તો પાંચ પંદર ગેઢેરા
ગણાતા બડેખાંઓ ભેગા થઈ પીરાણાના ખાનાના પાટ આગળ બેસીને દિવસ નક્કી કરે તેજ ખરો
અમારાં દેવ અને દેવીઓ તો એજ ગઢેરા જે ઘણું હરામનું ખાય તે નાતનો મોટો પટેલ કહેવાય) વયનાં,
રૂપનાં, સ્વભાવનાં, એવા એવા અનેક, અનેક કજોડાં જન્માવી કણબીની બાળાઓને ધગધગતા અંગારા પર ચલાવે
છે. એ મુઆ બડેખાંઓનાં લોહી ચુસતા પણ મારો આત્મા સંતોષાય તેમ નથી.
પણ શું કરું બેન મારા સેવક તદન ભોળા, તદન અભણ—અજાણ અને અક્કલનો ઈજારો રાખનાર નીવડ્યા.નથી કરતાં
એની તપાસ ? ખરું શું અને ખોટું સું તેની તપાસ કરતા શી વાર ?
સત્ય કરતાં વાર લાગતી નથી માતાને નામે દીકરીઓને દુઃખ
આપનારાઓનું આ ભવમાં તો સારું નહિ થાય ? શંકરને પરણવા મેં બાર બાર વર્ષ તપ કર્યું,
અને છેવટે સ્વયંવરથી શંકરને જ પરણી. એ જ દેવીના ઓઠા તળે છ
મહીનાની છોકરીઓ પરણાવાય ? આ દુઃખ મારી દીકરીઓનાં નિહાળી હું તો પાષાણવત્ બની અહીં
બેઠી છું. પણ સ્વર્ગની દેવીઓ એક કામ કરો. અમારો રાજા વડોદરામાં રહે છે,
પહોંચાડો આ વાત એને કાને અને અમારી દીકરીઓના દુઃખો વર્ણવી
કસાઈવાડેથી છોડાવો ગરીબડી ગાયોને ?”
ઉમિયાદેવી ! ધન્ય ધન્ય ! આ ભેદ ભાંગેલો જોઈ અમો રાજી છીએ ઉઠ બાળા તારાં દુઃખો
આજથી નાશ પામ્યાં છે. જઈશું વડોદરાને વડલે અને વીનવીશું ધર્મવીર નૃપરાય સયાજી
મહારાજને ? એક છળકડે બંધ કરાવીશું એક લગ્ને પરણતી કણબીની દીકરીઓની
રાક્ષસી રૂઢીને ?”
અંતરીક્ષમાંથી ફુલ વરસે છે, દુઃખીયારી બાળાને લઈ અપ્સરાઓ વડોદરા આવે છે. મહારાજાધિરાજ આ
વાત સાંભળી ઊંઝાની દેવીને નામે થતાં
ઢીગલાં ઢીગલીનાં લગ્ન બંધ કરાવે છે. અપ્સરાઓ રૂડીને લઈ મહારાજાને આશીષ આપતી
સ્વર્ગે સિધાવે છે.
ૐ
શાન્તિંઃ શાન્તિઃ ॥
* હિંદુસ્તાનના દિવાળીના ખાસ અંક ઉપરથી
જ્ઞાતિ સમાચાર
પીરાણા
પંથનો ત્યાગ
અમોને
ખબર મળ્યાં છે કે પેલા જેઠ સુદી ૫ ને રોજ ગામ દયાપરના પીરાણા પંથી ભાઈઓમાંથી લગભગ
ત્રીસ કુટુંબોએ “ન હિંદુ ન મુસલમાન” એવા અર્ધદગ્ધ પીરાણા પંથનો ત્યાગ કર્યો છે
(જેનું સવિસ્તાર વર્ણન આવતા અંકમાં આવશે) તેને ગઢશીશાનાં પંડીત પારાશર શર્માએ દેહ શુદ્ધિ પ્રાયશ્ચિત કરાવીને” શ્રી
સત્યનારાયણનું મંદિર બનાવી તે હવેથી તેની ઉપાસના કરે છે.
તેમજ વળી હમણા અમોને ખબર મળ્યા છે કે ઘાટકોપરમાં વસતા ભાઈઓમાંથી ત્રીસ
પાંત્રીસ ભાઈઓએ અષાઢ સુદી ૨ ને રોજ દેહ શુદ્ધિ પ્રાયશ્ચિત કરાવીને યજ્ઞોપવિત ધારણ
કરી છે અને પીરાણા પંથનો હંમેશના માટે ત્યાગ કર્યો છે. પ્રભુ અમારા પીરાણા પંથી
ભાઈઓને જલદી સદ્બુદ્ધિ આપ કે જેથી તેઓને પીરાણાનો પંથ ત્યાગ કરવાની હિંમત આવે.
ન્યાય વૃત્તિનો નમૂનો
થોડા
દિવસ ઉપર આગેવાનો ગામ ખોંભડીમાં ભેગા થયા હતા.ત્યાં આગળ કોઈ કેસ નહિ મળવાથી પોતાના
ખીસાં ભરાણા નહિ તેમ પોતે શીરો લાપસી ખાધા તેના ટકા પણ પેદા થયા નહિ તેથી ગામ
ઉખેડાના એક ભાઈને કોણ જાણે કેવા ગુનાહથી તેની બાયડીના છુટકા (છુટાછેડા)ની ફારગતી
દેવડાવી અને તેની પાસેથી કોરી ૮૦૦) આઠસો દંડ પણ લીધો. “જોયુંને આ ન્યાય
વૃત્તિનો નમૂનો ?”
પેલા ગરીબ ભાઈની બાયડી તો ગઈ પણ સાથે બીચારાને લુંટી
(દંડી)ને ફકીર પણ કરી મુક્યો ! ધિક્કાર છે એવા આગેવાનોને ! જેઓ આવો ન્યાય આપે છે
!!!
સાધુના વેશમાં સ્ત્રીનો ઉઠાવગીર :
નેત્રાના રહીશ કણબી શીવજી લધા નુખે માકાણી સિંધમાં ગામ જમડાઉમાં રહે છે. ત્યાં
તે પીરાણાના પીરના નામે કે બીજા કોઈ પીરના નામે દોરા ધાગા કરીને અનેક માણસોને
લુંટે છે અને અનેક બાયડીઓને ભોળવીને અત્યાચાર પણ કરે છે. તેમાં પણ તેને સંતોષ નહિ
થવાથી હમણાં તેજ ગામના એક ગરીબ ભાઈ અખઈ……ની સ્ત્રીને ભોળવીને ઉપાડી ગયો છે
(કોણ જાણે કેવા મતલબથી ઉપાડી ગયો છે) તેથી ભાઈ અખઈ બહુ જ મુશ્કેલીમાં આવી પડ્યો છે,
કારણ કે તેના બે
નાના બાળકો છે. તેને કેવી રીતે સાચવવા તેની મા વિના તે બાળકો રોયા કરે છે. તેની
દયા ખાઈને બીજા ભાઈઓએ ઘણી તપાસ કરી, પણ પત્તો લાગ્યો નહિ. તેથી મુંઝાઈને બેસી રહ્યા છે.
વળી અમોને હમણાં ખબર મળ્યા છે કે ગામ નેત્રાવાળા ભાઈ નાનજી વિશ્રામ નાકરાણીએ
તેની શોધ કરવા એક સાધુને મોકલ્યો હતો તે ફરી ફરીને સિંધના એક ગામમાં ગયો,
ત્યાં ખુબ તપાસ કરી તો ત્યાં ધર્મશાળામાં એક સાધુ અને એક
સાધુડીને જોયાં, તો તેના પાસે ગયો અને તપાસ કરી તો તે જ ભાગી ગયેલા કણબી તથા
કણબીઆણી જણાયાં, તેના પાસે જઈને પૂછી જોતાં,
“ચોરના પગ કાચા” એ કહેવત
મુજબ કણબી શીવજી ગભરાણો ને કહેવા લાગ્યો કે,
“અમે બાવા હૈ” ત્યારે સાધુએ
પૂછ્યું કે કેવા બાવા છો ? તે સાંભળીને તે વિશેષ ગભરાણો અને બાવા કેવા કહેવા તે
વિચારવા લાગ્યો, પણ તેને બાવાની જાતો બીચારાને ક્યાંથી યાદ હોય ?
કારણ કે તેણે તો જન્મ ભરથી જ બાવા એટલે પીરાણાના નામે લુંટી
ખાનારા સૈયદો આટલું જ અનુભવેલું. તેથી જવાબ આપી શક્યો નહિ. તેથી બાવાએ કહ્યું કે તને હું ઓળખું છું. તું ગામ નેત્રાનો
શીવજી ભગત છે કે નહિ ? અને આ બાવીના વેષમાં બેઠેલ બાઈ અખઈની વહુ છે કે નહિ ?
તે બીચારો અંતે કણબી તો ખરો તેથી તેણે કબુલ કરી લીધું અને
સાધુને પગે લાગી કહેવા માંડ્યો કે મહેરબાની કરી મહારાજ અમોને હવે બચાવો,
તે સાંભળી સાધુને દયા આવી અને તેને પોલીસને સ્વાધીન નહિ
કરતાં, બીજા પાડોશમાં રહેતા આપણા દેશી માણસની પાસે રાખી પોતે પાછો
સીધાતપુર આવ્યો અને ત્યાંથી બીજા ભાઈઓને તેડી ગયો આ વરઘોડાને પાછો જમડાઉ લઈ આવ્યો
છે, ત્યાં આગળ અમારા સાંભળવા મુજબ તે બાઈ પાછી તેના ધણીને સોંપી છે. અને ભગતને
તેના કુટુંબ સહીત ગામમાંથી કાઢી મુક્યો છે. તે બીજે કોઈ ગામ હવેથી રહે છે. કહો
ભાઈઓ ! આપણામાં ભગત સાધુઓ કેવા પાકે છે ? એ સર્વ પ્રતાપ પીરાણા ધર્મના ગુરૂઓનો છે કે નહિ ?!!?!
શોકજનક અવસાન
થોડા
દિવસ ઉપર ગામ ઘડાણીના પીરાણા પંથી ભાઈ કરશન મુલજી લીંબાણીનો એકનો એક પુત્ર રામશરણ
પામ્યો છે. તેને પીરાણાપંથી ધર્મગુરૂઓના ફરમાન મુજબ દફનાવવામાં આવ્યો છે અને તેની
પાછળ લાપસીનું જમણ કરેલ છે ! હજી આવી
લાપસી ખાનારા જ્ઞાતિમાં રત્નો છે ખરા પ્રભુ ! આવાઓનો અંત ક્યારે આવશે ?
હમણા ગત જેઠ માસમાં ગામ નખત્રાણા વાળા ભાઈ ખેતા ડોસા પોકારના ધર્મપત્ની લાંબા
વખતની બીમારી ભોગવી રામશરણ પામ્યાં છે. સનાતન ધર્મ મુજબ તેમના શબને અગ્નિ સંસ્કાર
કરવામાં આવ્યો છે. અને તેમની પાછળ પ્રેત ભોજન ન કરતાં જુદે જુદે સ્થળે તેમના કહેવા
મુજબ નાણાં મોકલાવી આપ્યા છે. આવું દાન બધા પાટીદારોમાં ક્યારે થશે ?!!
થતા સુધારકોને બે બોલ
બન્ધુઓ !
જગતની અંદર જેમ જમાનો બદલાય છે, તેમ ચાલુ જમાનાને માન આપી દરેક કોમ સુધરતી આગળ ચઢવા પ્રયત્ન
કરે છે. ત્યારે આપણી જ્ઞાતિ પહાતિમીરમાં એવી તો સુસ્ત થઈને સુતી છે કે તેને ચાલુ
જમાનામાં આપણાથી ઉતરતી જ્ઞાતિઓ શું કરે છે
અને તે કેમ આગળ વધે છે ? તેનો સ્વપ્ને પણ ખ્યાલ કરતી નથી. પરંતુ આપણી પરિષદે હવે કાંઈક પ્રયાસ કરી તેને જાગૃતિમાં
આણવા સારું જ્યોતિ પ્રગટાવી છે અને તે જ્યોતિ
જોકે વીજળીની નથી, પરંતુ દિવેલની ઝાંખી જ્યોતિ પ્રગટી છે. જેથી કેટલાક આળસ અને
સુસ્ત બની ગાઢ નિંદ્રામાં ઉછરતા આપણા બંધુઓના હૃદયને કંઈક સતેજ કરવા પ્રયત્ન કરે
છે.
પરંતુ પરિષદ બીચારી શું કરે ? કારણ કે ઘણા દિવસની નિંદ્રાથી ઘણા પ્રયત્ને કંઈક આગળ પડવાના
ઈરાદાથી ટટ્ટાર થયેલા કુમળા સુધારકોને પાછા હટાવનાર અને લોકોમાં મહાન સુધારક આપણા
બન્ધુઓ તપશ્ચર્યાથી ભ્રષ્ટ થતા જાય છે. જેથી નવા થતા સુધારકોના મન ડગુમગુ થાય છે.
પરંતુ બંધુઓ ! યાદ રાખજો કે સુધારાની મહાન કઠિન તપશ્ચર્યામાં ફતેહ મેળવવી એ નાના
છોકરાંની રમત નથી કારણ કે એ તપશ્ચર્યા એવી છે કે મોટા મોટા મુની મહાત્માઓના પણ મન
ડગુમગુ બનાવી નાંખે છે. પરંતુ પ્રથમ આપણે જેટલું દુઃખ સહન કરીશું તેટલું જ અને
તેથી ઘણું વધારે આપણે તથા આપણાં બાળકો તથા
આપણી તમામ જ્ઞાતિને સુખ થવાનું છે.
તમો યાદ રાખજો કે પ્રથમ દુઃખ અને તેની પાછળ જ સુખ સમાયેલું છે. આપણા મનમાં એમ
નથી લાવવાનું કે ભાઈ રાજારામ શામજી જેવા મહાન સુધારક તેવી તપશ્ચર્યાથી ડગી ગયા તો
આપણું શું ગજું.
પરંતુ તમો એમ વિચારો કે હિરણ્યક સિંધુ જેવા રાક્ષસ આગળ એક પ્રહલાદે અડગ ટેક
રાખી હતી, તો તેને અંતે સુખ જ ઉત્પન્ન થયું હતું. તો મારા ઉછરતા
બન્ધુઓ આવા બનાવથી આપણે કંઈ પણ પાછી પાની કરવાની નથી,
જ્યાં સુધી તમારા હૃદયમાં મનોબળનો જુસ્સો ઉત્પન્ન નહિ કરો,
ત્યાં સુધી તમો કાંઈ પણ કામ આગળ વધારી શકવાના નથી. આપણે જે
જ્ઞાતિની ખરી સેવા કરવાનો પ્રયત્ન આરંભેલો છે. તેને માટે તમારા હૃદયને બળવાન બનાવી
એક નિષ્ઠાથી તમારું પોતાનું કામ ચલાવશો તો અંતે તમારો વિજય થશે. કદાચ થોડા વખતને
માટે આપણને કદી મુશ્કેલીઓ પણ નડે. પણ અંતે તો :—
सत्यमेव जयते
બન્ધુઓ !
આપણે હવે બોલીને કે લખીને જણાવવાની કંઈ પણ જરૂર નથી પરંતુ તેના દાખલા રૂપે આપણે
મેદાનમાં આગળ આવી ઘણું કામ કરી બતાવવું તે હજાર દરજ્જે ઉત્તમ છે. તો મારા વહાલા
ભાઈઓ કમર કસીને તૈયાર થાઓ અને આગેવાનો ગેઢેરાઓને બતાવો કે સુધારો પડી ભાગ્યો નથી
સુધારકો હજી ખુટ્યા નથી પણ ઉલટા ખરા તેજમાં છે,
કે જેથી આપણી જ જ્ઞાતિના આળસુ અને સુસ્ત બનેલા બંધુઓ
સુધારવાની પાછળ કોદાળી અને પાવડો લઈ સુધારાને તોડી પાડવા ધારે છે,
તેમના મનને એમ થાય કે હજી સુધારકો થાક્યા નથી પણ ઉલટા ખરા
જીગરથી પોતાની પૂર્ણ હિંમતમાં છે. તેથી તેમની આગળ આપણે કોઈ શરમાઈને તેમની પાછળ
પાછળ જવા કરતાં પ્રથમ જ જઈએ. તો વધુ
સારું.
એમ તેમના હૃદયમાં થાય ત્યારે જ આપણે ખરા અને ત્યારે જ આપણા કામમાં ફતેહ મળી
છે. માટે વીરાઓ ! આપણે હવે આપણી ટેકને અડગ કરી આગળ વધવાનો પ્રયત્ન કરવો જોઈએ કે
જેથી પરમાત્મા આપણને સહાય કરશે જ.
લી. લાલજી સોમજી પટેલ
(કચ્છ રવાપરવાળા)
શ્રી કચ્છી
કડવા પાટીદાર જ્ઞાતિ સુધારક યુવક મંડળ તરફથી જ્ઞાતિના લાભાર્થે પ્રગટ થતું
પાટીદાર ઉદય
તંત્રી
તથા પ્રકાશક : રતનશી શીવજી પટેલ
પાટીદાર
ઉદય ઓફીસ,
રણછોડ લાઇન, કરાંચી
વર્ષ ૧લું | અષાઢ શા.૧૯૮૦ {JULY-1923} | અંક૧ લો |
વિષય | લેખક | પૃષ્ઠ |
પ્રભુ પ્રાર્થના | … | ૧ {194} |
અમારી કોમમાં | “શયદા” | ૨ {195} |
“ઉદય” | … | ૨ {195} |
ખાવા છે ખાંડ ચોખા ?(હાસ્ય) | નાઠી | ૫ {198} |
અમારો ઉદ્દેશ | તંત્રી | ૭ {199} |
જ્ઞાતિ સેવાની પ્રતિજ્ઞા | કે. એન. પટેલ | ૯ {201} |
હિંદુ સમાજ અને પાટીદાર જ્ઞાતિ | … | ૧૦ {203} |
સુધારાની આવશ્યક્તા | તંત્રી | ૧૨ {204} |
રૂડી પટલાણી (વાર્તા) | મહિદાસ પ્રેમજી પટેલ | ૧૫ {207} |
થતા સુધારકોને બે બોલ | … | ૨૨ {214} |
જ્ઞાતિ સમાચાર | … | ૨૧ {212} |
ઉપયોગી સૂત્રો | વૈદ્ય ગો. કું. ઠક્કર | કવર પેજ ઉપર |
એ સિવાય સુચનના નિયમો, જાહેર ખબર ઇત્યાદિ વાર્ષિક લવાજમ રૂ. બે અગાઉથી.
છુટક નકલ ચાર આના પોસ્ટ સાથે
તમામ
પત્ર—વ્યવહાર નીચે પ્રમાણે કરવો.
વ્યવસ્થાપક.
પાટીદાર ઉદય ઓફીસ
રણછોડ લાઇન્સ,
કરાંચી,
નોંધ : આ પત્રમાં યોગ્ય ભાવથી જાહેરખબરો લેવામાં આવે છે. ખુલાસા માટે પુછાવી
લેવું.
જીંદગીને લાભના અમૂલ્ય સૂત્રો
૦૧.
હંમેશાં આનંદમાં રહો, ખુશમિજાજ ચહેરો એ એક આરોગ્યતાનું અપૂર્વ ચિહ્ન છે.
૦૨. નવરા કદી બેસો નહિ. વખતની કિંમત સમજી લ્યો. જો આળસુ કે એદી બનશો તો જરૂર
બીમાર પડવાના જ. કંઈ પણ ઉદ્યમ કરતા રહેશો તો બીમારી પાસે આવશે પણ નહિ.
૦૩. સદા ઉત્તમ વિચારો લાવો, મનની વિશાળતા અને ઉચ્ચ વિચારો એ જીવનને ઉત્તમ માર્ગમાં લઈ
જવાનાં ઉત્તમ સાધનો છે. માટે કદી પણ સંકોચ દૃષ્ટિ કે ક્ષુલ્લક વિચારો લાવતા નહિ.
૦૪. ચિંતવન કરવાથી દરેક કાર્ય થાય છે. તેમ કદી બીમારીનું ચિંતવન કરશો તો તમે
જરૂર માંદા પડવાના, પણ હંમેશાં એવા ઉદ્ગારો કાઢો કે હું નિરોગી છું, તો તમે જરૂર નિરોગી રહેવાના.
૦૫. સાદા જીવનથી આયુષ્ય વધે છે, માટે નકામા ડખલ ઉભા નહિ કરતાં સાદાઈનું વર્તન રાખો.
૦૬. ક્રોધી મનુષ્યનું મોત તરતમાં થાય છે. માટે ક્રોધનો સદંતર ત્યાગ કરો.
૦૭. હંમેશાં હસતાં રહો તો તમારું આયુષ્ય જરૂર વધશે.
૦૮. ખાનપાનની સાદાઈ તથા નિયમિતતા હોય
તો મનુષ્ય જરૂર નિરોગી રહી શકે છે.
૦૯. સર્વ બીમારીનું કારણ ઘણે ભાગે ચિંતા હોય છે. માટે તેનાથી હંમેશાં દૂર
રહેવા પ્રયત્ન કરી દૂર રહો.
૧૦. ખુલ્લી હવા એ સૌથી ઉત્તમ દવા યાને એક કીમીઓ છે. તેનો અનુભવ લેવા કુદરતની
વિશાળ સૃષ્ટિમાં વિચરો. ઘરમાં કે કોટડીમાં ગોંધાઈ રહી જીવન શા માટે બગાડો છો ?
૧૧. શહેરી જીવન કરતાં ગ્રામ્ય જીવન ઉત્તમ છે,
તેનું ખરું રહસ્ય એ છે કે ત્યાં કુદરતના નિયમોનું
જાણે—અજાણે પાલન થાય છે, માટે તમે કુદરતના નિયમોનું પાલન કરવા હંમેશાં તત્પર રહો.
૧૨. સંસારનો ખરો લાભ પ્રભુ ભક્તિમાં છે,
એ લાભ લેતાં જો કોઈ રહી ગયો હોય તો તેનું જીવવું નકામું છે.
૧૩. હૃદયને કોમળ રાખો, હંમેશાં દયાવાન બનો,
પ્રભુમાં શ્રદ્ધા રાખો,
કુદરતને માન આપતાં શીખો,
તો પ્રભુ તમોને હંમેશા આરોગ્યવાન અને વિજયી બનાવશે.
લી. વૈદ્ય ગોપાળજી કુંવરજી ઠક્કર
તંત્રી : આરોગ્ય સિન્ધુ,
કરાંચી
બિલ્ડીંગ બાંધનારાઓ માટે
લાકડો
ચૂનો, રેતી, પથ્થર, કાંકરી વગેરે દરેક
જાતનો માલ અમો કીફાયતી ભાવે પૂરો પાડીએ છીએ તે સિવાય જો તમો અમોને બિલ્ડીંગ
બાંધવાનું કામ આપશો તો તે ઘણું જ સારું, સફાઈદાર તથા કીફાયતી ભાવથી ટૂંકી મુદતમાં તૈયાર કરી આપશું.
અમારા ભાવ ઘણા જ મધ્યમ છે.
એક વાર
ખાત્રી કરો :
મીસ્ત્રી ખીમજી શીવજી પટેલ
કોન્ટ્રાકટર્સ એન્ડ સપ્લાયર્સ
રણછોડ લાઇન, કરાંચી
ખાસ તમારા લાભનું ?
૦૧. તમામ રોગોની દવા અમારે ત્યાં
કરવામાં આવે છે.
૦૨. કોઈ પણ પ્રકારની દેશી દવાઓ
અમારે ત્યાં હંમેશાં તૈયાર મળી શકે છે.
૦૩. કોઈ પણ પ્રકારની વૈદ્યની સલાહ
અમો મફતમાં આપીએ છીએ.
૦૪. આરોગ્યના જ્ઞાન માટે આરોગ્ય
સિન્ધુ નામનું પત્ર રૂ. એક લવાજમ
ભરવાથી અમારે ત્યાંથી મળે છે.
૦૫. નાના બાળકોની દવા અમારે ત્યાં
ખાસ કાળજીપૂર્વક કરવામાં આવશે.
૦૬. ઘરમાં વાપરવાની ચાલુ દવાઓ અમારે
ત્યાં તૈયાર મળી શકે છે. આમાંથી કોઈ પણ પ્રકારનું કામ હોય તો મળો :
વૈદ્ય ગોપાલજી કુંવરજી ઠક્કુર
આયુર્વેદ વેદ્યકની પરીક્ષામાં પાસ થયેલા.
હેડ ઓફીસ : રણછોડ લાઇન, કરાચી,
બ્રાન્ચ ઓફીસ : નાનકવાડા,
જૂની જેલ રોડ, કરાચી.
તરૂણ સાગર પ્રેસમાં ગિરિશંકર,
ગી.ત્રિવેદીએ છાપ્યું,
કેમ્પબેલ સ્ટ્રીટ, કરાચી
……..……………………………………………………………………………………………………………………………………