Akhil Bhartiya Kutch Kadva Patidar Samaj
A central organisation of Kutch Kadva Patidar Sanatan community
Akhil Bhartiya Kutch Kadva Patidar Samaj
A central organisation of Kutch Kadva Patidar Sanatan community
દેશ પરદેશમાં સ્થપાયેલાં
શ્રી કચ્છ કડવા પાટીદાર યુવકમંડળોના કામકાજનું
અવલોકન
શ્રી અંબિકા વિજય પ્રિન્ટીંગ પ્રેસમાં પટેલ લક્ષ્મીચંદ હીરાચંદે છાપ્યું.
ઢાલગરવાડ—અમદાવાદ
દેશ પરદેશમાં સ્થપાયેલાં
શ્રી કચ્છ કડવા પાટીદાર યુવકમંડળોના કામકાજનું
અવલોકન
કરાંચીના જ્ઞાતિ સુધારક ભાઈઓ તરફથી ખુલ્લો પત્ર છપાઈને બહાર પડ્યો અને તે ખુલ્લા પત્રનું અવલોકન મારા તરફથી છપાઈને બહાર પડ્યું છે. ત્યારબાદ મુંબઈ, કરાંચી અને વિરાણીવાળા યુવક મંડળો તરફથી જે પ્રવૃત્તિઓ ચાલી રહી છે તેની જાણવા જોગ હકીકતની આ સમાલોચના એટલા માટે કરવાની જરૂર છે કે દેશ વિદેશમાં રહેતા આપણા કડવા પાટીદાર જ્ઞાતિ ભાઈઓને જ્ઞાતિસુધારાની હિલચાલનું મહત્ત્વ અને જરૂરીયાત સમજાય અને જ્ઞાતિહિતના કાર્યમાં પોતાથી બનતો ફાળો પણ આપે એજ આ લેખનો હેતુ છે.
કચ્છ વિરાણીમાં આપણા યુવક મંડળના સાહસિક અને ઉત્સાહી વીરો પોતાથી બનતી જ્ઞાતિ સેવા શુદ્ધ હૃદયથી કરે જાય છે પરંતુ તે મંડળ પાસે લેખો અને હેવાલો પ્રસિદ્ધ કરવાનું — છપાવવાનું — સાધન નહીં હોવાથી તે મંડળના કેટલાક સ્તુતિપાત્ર કાર્યોની નોંધ જ્ઞાતિના ઘણા ભાઈઓ લઈ શકતા નથી. દેશમાં જ્ઞાતિના જુલમગાર આગેવાન ગેઢેરાઓના ત્રાસમાંથી ઘણા અજ્ઞાન જ્ઞાતિ ભાઈ—બહેનોને બચાવાનું કાર્ય વિરાણીના યુવકો કરી રહ્યા છે એ બીજા યુવક મંડળો કરતાં તેમની પ્રતિષ્ઠામાં વધારો કરનારું ગણી શકાય પરંતુ તે સાથે વિરાણી ગામના આગેવાન પટેલો અને જ્ઞાતિમાં પંચાત કરનારા વયોવૃદ્ધ વડીલોની પણ તે મંડળના યુવકોને સહાય છે એ વાત પણ કહેવી જોઈએ એટલે વિરાણી ગામના જ્ઞાતિના વડીલો સમજુ અને પોતાની ફરજ સમજનારા છે અને તે વખત આવે અદા પણ કરે છે અને વિરાણીના યુવક મંડળને પ્રસંગોપાત મદદ કરતા આવ્યા છે એ વાત સહુ કોઈની જાણમાં જ છે. વિરાણીના યુવક મંડળ અને ત્યાંના આગેવાનોની એક દીલી અને સ્વજ્ઞાતિના ભાઈબહેનો પ્રત્યેની લાગણીથી હમણાં બે એક માસ ઉપર એક નિર્દોષ બાળાનો ભવ બિગડતો અટકી ગયો છે. દેશમાં જે જુલમગાર આગેવાનો છે અને ગેઢેરા જેવા છે તેમના હાથે તે બગડવાનો પૂરો સંભવ હતો, આ બાઈને ફસામણ ઉભી કરાવામાં તેમને હરામના પૈસા મળવાના હતા તે યુવક મંડળના ઉત્સાહી ભાઈઓ અને તે બાઈના મામાના બળ પ્રતાપે અટકી ગયા છે અને તે નિર્દોષ ગાય જેવી બહેન કસાઈ જેવા કામ કરનાર ક્રુર કસાઈ આગેવાનોના ફંદામાંથી છુટી થઈ પોતાની ઈચ્છાપૂર્વક સુખી થઈ શકી છે. આ બનાવ માટે પ્રભુનો પાડ માનતાં તે બાઈનું હૃદયબળ અને યુવક મંડળની જાહેર હિંમત પણ ખરેખર સ્તુતિપાત્ર છે એ ભુલવું જોઈએ નહીં. ખરેખર તેમને ધન્યવાદ ઘટે છે. કચ્છ દેશમાં ત્રણે પાંચાડાના આગેવાન ગેઢેરાઓ વિરાણીના યુવક મંડળ અને જ્ઞાતિ આગેવાનોને તોડી પાડી પોતાનો માર્ગ ચોખો રાખવા એટલે કસાઈખાના જેવો પોતાનો ધંધો ચાલુ રાખવા અનેક પ્રયત્નો કરે છે. પોતાનો જુલ્મી દોર બન્યો રાખવા તનતોડ પ્રયાસ અનેક રીતે કરી ચુક્યા, વિરાણી ગામમાં આગેવાનો અને યુવક મંડળ વચ્ચે કુસંપ ઉભો કરાવવા પણ મથી ચૂક્યા પરંતુ તે બંનેની એક સંપી અને તેમનામાં જ્ઞાતિ પ્રત્યેની સાચી ભક્તિ હોવાથી ફાટફૂટ પડાવાનો પુરૂષાર્થ કરનારાઓ ફાવી શક્યા નથી. એટલું જ નહિ પરંતુ દેશના જુલ્મગાર આગેવાનોથી વિરાણીમાં હવે કોઇ ડરી જાય એવા નથી. પીરાણા પંથના નામે ચાલતો ખાનાનો સહુથી પહેલો ત્યાગ વિરાણી ગામે કર્યો છે અને જ્યોતિધામના મંદિરથી પ્રખ્યાત થયેલા વિરાણી ગામને આજે કચ્છ દેશની જ્ઞાતિ બરાબર જાણી ગઈ છે. જુલમગાર આગેવાનો હાથ ઘસતા રહ્યા છે એ બનાવ વિરાણી ગામ સમસ્તના ભાઈઓ માટે ઓછો કીર્તિવંત નથી. સૈયદોના કુટુંબને પીરાણામાં નભાવવા અને કાકાઓને મોજ મજાની સાહયબી ઉડાવા દેશના જુલ્મી આગેવાનો કચ્છ જ્ઞાતિમાં ઘેર ઘેર ફરી દંડ અને ધર્માદાના નામે કોરીઓ ઉઘરાવી ખાય છે તે કારમો દંડ વિરાણી ગામે આજે પાંચ છ વર્ષથી આપવો બંધ કર્યો છે એટલું જ નહિ પણ પીરાણા પંથની અધર્મયુક્ત પ્રણાલી તજી દઈ તે પંથના રીતરિવાજ મુજબ લગ્ન નહી કરતાં શુદ્ધ વૈદિક ધર્મ પ્રમાણે વિરાણી ગામના કણબી ભાઈઓએ ગયા વિવાહ પ્રસંગે લગ્નો કર્યાં છે. હિન્દુ જ્ઞાતિના રિવાજ મુજબ ચોરી અને વેદી બાંધી શાસ્ત્રોક્ત પદ્ધતિએ લગ્નવિધિ કરવાના તજી દેવાયેલા માર્ગનો પુનરોદ્ધાર કરી પોતે હિન્દુ છે અને હિન્દુશાસ્ત્રોને માનનારા છે એવું જ્ઞાતિના અન્ય વર્ગને બતાવી આપ્યું છે. વિરાણી ગામના પગલે ચાલવાની જાહેર હિંમત, નખત્રાણા, દેવીસર, કોટડા વગેરે મળી આઠેક ગામોએ પણ બતાવી છે અને પીરાણાના અર્ધદગ્ધ પંથમાં ડુબતી પોતાની જ્ઞાતિને બચાવી લઈ પોતે કડવા પાટીદાર હોવાનો શુદ્ધ દાખલો બેસાડ્યો છે. તેમનો આ ઉત્તમ અને ખાસ જરૂરી પ્રયાસ દેશ પરદેશમાં પણ પ્રશંસા પામ્યો છે અને વિરાણી ગામની જાહેર હિંમત અને હિન્દુપણામાંથી નહી ટળી જવાના શુભ પ્રયાસના ઘેર ઘેર વખાણ થાય છે. તે ગામના યુવકો, વડીલો અને બહેનોને પ્રભુ વિશેષ આત્મબળ અને બુદ્ધિ બક્ષો એવી દેશ પરદેશના જ્ઞાતિ ભાઈઓની સાથે આ લેખકની પણ પ્રાર્થના છે.
ખુલ્લા પત્રનું મારા તરફથી અવલોકન બહાર પડ્યા પછી વળી કરાંચીમાં એક શ્રી પાટીદાર ઉદય નામનું મંડળ સ્થપાયું છે. એ મંડળ તરફથી એક હેન્ડબીલ “સ્વધર્મને ત્યાગી પાપી પીરાણા ધર્મમાં ફસાયેલા પાટીદારોના ઉદ્ધાર માટે” વાળો લેખ લખાયો છે. તે વાંચ્યા પછી એ વીર મંડળ જ્ઞાતિના ભાઈઓને પીરાણા કબ્રસ્તાની ધર્મથી છોડાવવાને કેસરીયાં કરી ધર્મ યુદ્ધે બહાર પડ્યું હોય એવું લેખ વાંચતાં આપણને થાય છે. હિન્દુ ભાઈઓને સમજાવીને સનાતન ધર્મ તરફ દોરવાના વિચારથી પાટીદાર ઉદય મંડળ ઉભું થયું છે. તેજ વિચારમાં મંડળ મક્કમ પણે નીડરતાથી કામ કરી જ્ઞાતિ સેવા કરશે તો જરૂર જ્ઞાતિના ભાઈઓ અને તે સિવાયના હિન્દુ ભાઈઓ જે વગર સમજે પીરાણા કબ્રસ્તાની પંથમાં સંડોવાયા છે, તેનો ઉદ્ધાર આ મંડળના હાથે થાય એવો સંભવ છે. માટે જ્ઞાતિના દરેક ભાઈઓ તેમજ બહેનોને કરાંચીમાં જન્મ પામેલા ઉદય મંડળને દરેક રીતે ફતેહમંદ કરવા અને તે મંડળની જે ધારણા છે તેને સફળ કરવા પોતાથી બને તે મદદ કરવા મારી વિનંતી છે.
આ શ્રી પાટીદાર ઉદય મંડળના માટે જન સમાજના હિતને ખાતર એક ઉલ્લેખ કરવાની પણ જરૂર છે :— કરાંચીમાં શ્રી કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિ સુધારક યુવક મંડળ હયાત હોવા છતાં આવું બીજું મંડળ ઉભું કરવાની ખાસ જરૂર કેમ ઉભી થઈ? કડવા પાટીદાર યુવક મંડળે ગયા શ્રાવણ વદ ૮ {VSAK: 15-Aug-1922} ના રોજે તદ્દન પીરાણા ધર્મનો ત્યાગ કરી જ્ઞાતિ ભાઈઓને તેમાંથી મુક્ત કરવા અને શુદ્ધ સનાતન ધર્મ પ્રમાણે વર્તવા બાવીસ ભાઈઓની કાર્યવાહક કમિટિ નિમેલી તે કમિટિએ શું કર્યું? તેમનો પ્રયત્ન શું નિષ્ફળ ગયો છે? જરૂર કાંઈક દાળમાં કાળું દેખાય છે. કારણ કે કરાંચી જ્ઞાતિ સુધારક ભાઈઓની સભા તરફથી જે ખુલ્લો પત્ર બહાર પડેલ છે તે ઉપરથી સુધારક ભાઈઓની ઈચ્છા એવી જણાય છે કે પીરાણામાં આપણો કબજો રહે અને કાકાઓ ગાદિપતિ કાયમ રહે ! અને સૈયદોનો હક્ક તોડી પાડવાને તનતોડ મહેનત કરવી !! એ ઉપરથી એવું અનુમાન નીકળી શકે છે કે જ્ઞાતિ સુધારક યુવક મંડળના ભાઈઓ હજુ પીરાણાને છોડવા તદ્દન તૈયાર નથી તેથી જ આ નવીન શ્રી પાટીદાર ઉદય મંડળને જન્મ લેવાનું બન્યું હોય એ બનવા જોગ છે.
પત્રદ્વારા તપાસ કરાવી તો યુવક મંડળના મુખ્ય આગેવાનોથી મને ખબર મળ્યા કે પાટીદાર ઉદય મંડળમાં કોણ કોણ મેમ્બરો છે, તેની તેઓને ખબર નથી ! જ્યારે યુવક મંડળના સભ્યો ઉદય મંડળમાં જોડાયા નથી ત્યારે આ ઉદય મંડળ કોના તરફથી ઉભું કરવામાં આવ્યું છે? લેખના નીચે કોઈ ભાઈના નામની સહી નથી જેથી મારી માફક ઘણા ભાઈઓને એ શંકા થતી હશે અરે ખુદ કરાંચીમાં જ જ્ઞાતિ સુધારક ભાઈઓ જાણતા નથી તો પછી બીજા દેશના ભાઈઓ ઉદય મંડળના સભ્યોને કેવી રીતે જાણી શકે ! ઉદય મંડળે પણ કરાંચી યુવક મંડળની માફક કોઈનું નામ ન આપવામાં જ ડહાપણ માનેલું હોય તો મારે ખાસ કહેવું જોઈએ કે એ બીક નકામી છે. કરાંચીમાં કડવા પાટીદાર જ્ઞાતિ સુધારક યુવક મંડળ તરફથી કેટલાક લેખો બહાર પડ્યા છે પરંતુ કોઈ લેખની નીચે સેક્રેટરી અથવા પ્રમુખનું નામ બહાર પાડવામાં આવ્યું નથી ! આમ કરવાનું ખાસ અને ખુલ્લું કારણ એ જણાય છે કે, લેખના નીચે કોઈ ભાઈનું નામ છપાય તો દેશના આગેવાનો તે ભાઈ ઉપર જુલમ ગુજારે ! એવી જ મનની નબળાઈથી કોઈ નામ આપતા નથી. ઉદય મંડળે પણ યુવક મંડળની નકલ કરી જણાય છે. પોતે મહાન પ્રતાપી વીર મંડળ હોવા છતાં દેશના આગેવાનોથી ડરતા હોય એમ દેખાય છે. તેથી જ યુવક મંડળની માફક ગેરે ઘા કરવો સારો આમ ધારીને જો નામ ન આપ્યું હોય તો મહાન પ્રતાપી ઉદય મંડળની શરૂઆતમાં જ નબળાઈ પુરવાર થાય છે. માટે શ્રી પાટીદાર ઉદય મંડળના કાર્યવાહકો પોતા તરફનો યોગ્ય ખુલાસો કરશે એવી આશા છે.
અસલનું જુનું કરાંચીમાં શ્રી કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિ સુધારક યુવક મંડળ હાલમાં ખુલ્લો પત્ર બહાર પાડ્યા પછી તદ્દન શાંત છે. નવીન હિલચાલની કંઈ ખબર મળી નથી. યુવક મંડળના સેક્રેટરી ભાઈ શીવજી કાનજી પારસીયા તથા કરાંચી મંડળના મુખ્ય લેખક ભાઈ રતનશી શીવજી નાકરાણી ગામ—રવાપરવાળાના અંતિમ પ્રયાસથી કરાંચીમાં પરિષદ વખતે અગ્નિ સંસ્કાર કરાવવાનો ઠરાવ પસાર થયો હતો તેને અમલમાં મુકવાને આ બે યુવકોની તનતોડ મહેનત અંતે ફળીભુત થઈ છે. પરદેશમાં બધે ઠેકાણે જ્યાં જ્યાં આપણી જ્ઞાતિના ભાઈઓ વસે છે ત્યાં મરણ વખતે અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે તેજ પ્રમાણે કરાંચીમાં યુવક મંડળના સભ્યોની હિંમતથી અગ્નિ સંસ્કાર ચાલુ થયો છે. એ જાણીને જ્ઞાતિના ભાઈઓ ઘણા જ ખુશી થશે. કરાંચીમાં જુના વિચારના ભાઈઓ પણ ઘણા છે છતાં હિંમતથી. અગ્નિસંસ્કારની શરૂઆત કરવાની પહેલ કરવા માટે ભાઈ રતનશી શીવજી તથા ભાઈ શીવજી કાનજી પારસીયાને તેમના સ્તુતિપાત્ર કાર્યોના માટે ધન્યવાદ ઘટે છે. તે સિવાય ભાઈ રતનશી શીવજી નાકરાણી ગામ રવાપરવાળાના પત્રથી એવા પણ શુભ સમાચાર જાણ્યા છે કે કરાંચીમાંથી ભાઈ શીવજી કાનજી પારસીયા તથા ભાઈ રતનશી શીવજી નાકરાણીના પ્રયાસથી કરાંચીમાં શ્રી પાટીદાર ઉદય નામનું માસિક પેપર થોડા દિવસમાં બહાર પડશે. બંને ભાઈઓના લખવા પ્રમાણે માસિકનું ડેકલેરેશન કરાવવાનું હતું તે થઈ ગયું હશે. ખચીત આ શુભ સમાચાર અને માસિક કાઢવાના સાહસને જ્ઞાતિના દરેક ભાઈઓએ પોતા તરફની ફરજ સમજી મદદ કરવી જ જોઈએ. માસિક જેવું વાજીંત્ર હાથમાં હોય તો આખી જ્ઞાતિના નવા જુના ખબરો દરેક ભાઈઓને મળી શકે જેથી આવું જ્ઞાતિને ઉત્તેજન આપનારું માસિક નિકળવાથી આપણે જ્ઞાતિસેવાના ઘણા જરૂરી કામો કરી શકીશું. એના માટે ભાઈ શીવજી કાનજી પારસીયા તથા ભાઈ રતનશી શીવજી નાકરાણી ગામ રવાપરવાળાને જ્ઞાતિમાં ઘણું માન પ્રાપ્ત થશે. જગનીયંતા પ્રભુ એમને જ્ઞાતિસેવા કરવાની અનુપમ શક્તિ આપે, એજ અંતિમ ઈચ્છા અને પ્રાર્થના છે.
મુંબઈ ઘાટકોપર મધ્યે કરાંચીના ખુલ્લા પત્રનું અવલોકન છપાઈ બહાર પડ્યા પછી ઘણા જ અવનવા ફેરફારો થવા પામ્યા છે. રા. રા.રાજાભાઈ શામજી ધોળુ ગામ માનકુવાવાળાને અવલોકનથી ખોટું લાગ્યું છે. એમ તેઓના ઉદ્ગારથી મેં જાણ્યું છે. ભાઈશ્રી રાજાભાઈ શામજીને અંગ ખોટું લાગે તેવું જુઠું લખાણ મેં કંઈ કર્યું નથી. દરેક મંડળોમાં સુસ્તી અને બેદરકારી આવી ગઈ હતી તે સુસ્તી ઉડાવાના માટે મેં નમ્રભાવે સુચનાઓ કરી હતી તેમજ કરાંચીમાંના જ્ઞાતિ સુધારક ભાઈઓએ સભા તરફથી જે ખુલ્લો પત્ર બહાર પાડી અનર્થ ઉભો કર્યો હતો તેથી જ જાહેર પત્રનો જાહેર જવાબ વાળવામાં મેં કોઈ પ્રકારની ભુલ કરી નથી. જ્ઞાતિ સેવાનો ધર્મ અંગીકાર કર્યા પછી સારું અથવા ખોટું લગાડવાને અવકાશ જ ક્યાં છે?
રાજાભાઈ શામજી જેવા બાહોશ જ્ઞાતિ સુધારક ભાઈ પોતાને કોઈક વાતનું વચકલું પડવાથી કરાંચી મંડળને અવળે રસ્તે દોરવાનો પ્રયત્ન કરે એના જેવું બીજું દુઃખદાઈ શું કહેવાય? ઘાટકોપરની અંદર કોઈ ભાઈ જ્ઞાતિ સુધારામાં આગળ પડતો ભાગ લઈ પીરાણા ધર્મ હિન્દુધર્મ નથી એમ બોલે તેને બોલતાં બંધ કરે અથવા તો એ ભાઈ પ્રત્યે રાજાભાઈના પક્ષવાળા પીરાણા વિરુદ્ધ બોલવાવાળા ભાઈ ઉપર ગુસ્સો કરી ન છાજતો હુમલો કરે છતાં પણ રાજાભાઈ છાનામાના બેસી રહે એ વાત રાજાભાઈ શામજીને બિલકુલ શોભતી નથી. સમયની પણ બલિહારી છે. એક વખત એવો પણ હતો કે રાજાભાઈ શામજીના હાથે કચ્છના કણબી જ્ઞાતિમાના જુલ્મગાર આગેવાન ગેઢેરાઓના પાટનગર માનકુવા ગામમાં જ મગવાણાનો હીરો પટેલ, કુરબઈનો જશો પટેલ, દેશલપરનો મનજી પટેલ અને લુડવા ગામનો રવજી પટેલ. આ મુખ્ય આગેવાનોની સામે શતરૂવટ કરી. પીરાણા પંથના ધર્મ કર્મને ઘસી નાંખી ખુદ માનકુવા ગામના સોમજી પટેલ તથા રામજી પટેલ તથા ગામ માનકુવાના આગેવાન પટેલોની છાતી ઉપર પીરાણાધર્મની વિરુદ્ધ પોતાની સાળીની દીકરીને દીકરી કરી રાખેલ. બેન વેલબાઈના લગ્ન વેદ વિધિ અનુસાર મોટો વરઘોડો ચઢાવીને જ્ઞાતિ સુધારક ભાઈઓમાં જાહેર હિંમત ફેલાવવા અને પીરાણા અર્ધદગ્ધ પંથના મુસલમાની ક્રિયા કર્મને તુચ્છકારીને વેદ વિધિ અનુસાર મોટા માંગલિક મંડપો બાંધીને પોતાની કરી રાખેલ દીકરીના ધામધુમથી છુટા લગ્ન કરેલ તે રાજાભાઈના વિચારોમાં આજે ગજબ પરિવર્તન થઈ ગયું છે. ઘણી જ અજાયબીની વાત છે કે બેન વેલબાઈના લગ્નપ્રસંગે રાજાભાઈના સ્નેહી વર્ગને આમંત્રણથી માનકુવા ગામમાં રાજાભાઈએ બોલાવેલ અને મોટા ઉત્સાહપૂર્વક માનકુવા ગામના દરબારશ્રી ઠાકોર સાહેબ સામતજી બાવાની અનુમતિથી વેપારી વર્ગ અને મહાજનના સમુદાય સમક્ષ બેન વેલબાઈના લગ્નપ્રસંગે પીરાણા ધર્મના ખંડનની સભા રાજાભાઈ શામજીના ઘર આગળ થયેલી એ રાજાભાઈના આત્મબળનું પરિણામ હતું એ પણ એક કણબીની જ્ઞાતિમાં યાદગાર દિવસે સોનેરી અક્ષરે કોતરાઈ ગયો છે. એ વખતના રાજાભાઈના વિચારોને લઈ તેમના આત્મબળની સૌ કોઈ યુવક શુદ્ધ હૃદયથી રાજાભાઈના વિચારોનું હૃદયમાં પુજન કરતા હતા અને અત્યારના રાજાભાઈના પીરાણા ધર્મનું રક્ષણ કરવાના વિચારથી ઘાટકોપરના યુવક મંડળમાં મોટી ઉથલપાથલ કરી નાખી છે. ખરેખર જગનીયંતા પ્રભુનો કોપ કચ્છની યુવકોની કસોટી કરવાનો વખત આવી ગયો હોય ગમે તે હોય. પરંતુ ઘાટકોપરમાં જે હાલમાં મતભેદ ઉભો થયો છે. એ તો જરૂર જ્ઞાતિના કમભાગ્યની નિશાની જ ગણાય. જગનીયંતા પ્રભુ સૌને સદ્બુદ્ધિ આપે.
કચ્છના કડવા પાટીદારોમાં જ્ઞાતિ સુધારાનું કામ કરવા માટે ઘાટકોપરનું યુવક મંડળ, અગ્રેસર પણે કામ કરતું હતું. ઘાટકોપરનું યુવક મંડળ આજ દિવસ સુધી એક ગુજરાતના કડવા પાટીદાર યુવક મંડળની એક શાખા તરીકે ઓળખાતું હતું. એ મંડળના પ્રતાપે જ્ઞાતિમાં અનેક સભાઓ થઈ છે. જ્ઞાતિમાં ઘણા સુધારા વધારા થયા છે. એટલું જ નહીં પણ કરાંચીમાં તેમજ મુંબઈમાં હોલ કડવા પાટીદાર પરિષદ મેળવવાને પણ ભાગ્યશાળી થયું છે. પરંતુ કરાંચીવાળા ખુલ્લા પત્રના અવલોકન છપાયા પછી રા.રા.રાજાભાઈ શામજી ધોળુ ગામ માનકુવાવાળા તથા ભાઈશ્રી માવજી શામજી લીંબાણી ગામ દેશલપરવાળાના અભિપ્રાયથી છેવટે એમ ચોક્કસ થયું કે ગુજરાતના કડવા પાટીદારોના મંડળની શાખા તરીકે ઘાટકોપરના મંડળને જોડેલું રાખવામાં હવે કંઈ જરૂર નથી. જેથી સ્વતંત્ર ફક્ત કચ્છના જ કડવા પાટીદારોનું આગવું મંડળ સ્થાપન કરવું. ઘાટકોપરના કડવા પાટીદાર યુવક મંડળમાં જ્ઞાતિના ભાઈઓને દોરવવાને ત્રણ ભાઈઓ લાગવગ ધરાવે છે. એક તો વિરાણીવાળા ભાઈ રતનશી ખીમજી તથા બીજા ભાઈ રાજાભાઈ શામજી અને મોટામાં મોટી લાગવગવાળા અને ઘણા ભાઈઓ ઉપર કાબુ ધરાવનારા ભાઈ માવજી શામજી લીંબાણી ગામ દેશલપરવાળા છે. જેથી સ્વતંત્ર મંડળ સ્થાપવાને ભાઈશ્રી રાજાભાઈ શામજી અને ભાઈ માવજી શામજીના વિચારોથી એમ નક્કી થયું કે ગુજરાતના કડવા પાટીદાર ભાઈઓ પીરાણા ધર્મને માનતા નથી તેમજ કચ્છના જનોઈવાળા તથા સ્વામીનારાયણ સંપ્રદાયનો ધર્મ પાળવાવાળા પણ પીરાણા ધર્મને માનતા નથી જેથી તે અને ગુજરાત કાઠીયાવાડના જુદા જુદા ગામના ઘાટકોપરમાં વસતા ભાઈઓ જે પ્રથમ યુવક મંડળમાં સામેલ હતા અને મેમ્બરો હતા તેથી છુટાછેડા કરી ફક્ત પીરાણા ધર્મમાં જ જે રહેલા હોય તેવા ભાઈઓના સમુહનું એક નવું મંડળ ભાઈ રાજાભાઈ શામજી ધોળુ તથા ભાઈ માવજી શામજી લીંબાણી ગામ દેશલપરવાળાની લાગવાગ નીચે શરૂઆતમાં તા.૩૧—૧—૧૯૨૨ના રોજે ભાઈશ્રી રાજાભાઈ શામજીના ઘર આગળ એટલે ઘાટકોપરમાં શેઠ ઘેલાભાઈ લખમશીના બંગલાની કંપાનમાં ઘાટકોપરમાં વસ્તા પીરાણા પંથી ભાઈઓની સભા મેળવી અને નક્કી કર્યું કે આપણે ગુજરાતમાંના પાટીદાર ભાઈઓના જોડાયેલા મંડળથી જુદું ફક્ત કચ્છના જ પીરાણાપંથી કડવા પાટીદારોનું નવું મંડળ સ્થાપવું છે તેથી મુંબઈમાં વસ્તા ઘાટકોપર અને બીજા પરાઓમાં જ્યાં જ્યાં આપણા પીરાણા પંથી ભાઈઓ હોય તેને પત્ર લખી સુચના આપવી કે મહાશિવરાત્રીના દિવસે રાજાભાઈ શામજીના ઘર આગળ સૌ ભાઈઓએ ભેગા થવું. એ પ્રમાણેની દરેક ઠેકાણે સુચના અપાઈ અને પત્ર લખાયા. નિમેલી તારીખે એટલે મહા વદી ૧૪ને શનિવારે {VSAK: 25-Feb-1922} સવારના નવ વાગે રા.રા.રાજાભાઈ શામજીના રહેવાના ઘર આગળ એક સભા મંડપમાં કચ્છના કડવા પાટીદાર પીરાણા પંથની ઘાટકોપરમાંના તથા મુંબઈના અડખા પડખાંમાં વસ્તા પીરાણાપંથી ભાઈઓની એક સભા મળી હતી. એ સભાનું મુહૂર્ત રા.રા.ભાઈશ્રી વીરજી ખીમજી છભાણી ગામ મહુવાળાના પ્રમુખપદે કર્યું છે. મંડળનું નામ શ્રી કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિ સુધારક યુવક મંડળ એવું ઠેરવ્યું છે, મંડળનો મુખ્ય ઉદ્દેશ કચ્છમાંના જુલ્મી કણબી જ્ઞાતિના આગેવાન ગેઢેરાઓની અણછાજતી જુલ્મી સત્તા નિર્મુળ કરવા અને જ્ઞાતિના રીતરિવાજોમાં યોગ્ય સુધારાં વધારા કરવા માટે નિર્માણ થયેલું છે. ઘાટકોપરમાં ઉપર જણાવેલી તારીખે કચ્છના કડવા પાટીદારોનું નવું મંડળ સ્થપાયું છે. શરૂઆતમાં ૬૯ મેમ્બરોએ મંડળમાં નામ નોંધાવ્યા છે. મંડળના સભાસદ થવાની મેમ્બર ફી મહિને દહાડે ચાર આના ઠરાવી છે. મંડળના ધારા ધોરણ તથા ખાસ નિયમો હવે પછીની સભામાં જાહેર થશે. મંડળના કાયમના પ્રમુખ અથવા સેક્રેટરી પણ હજુ નિમાયા નથી. સેક્રેટરી તરીકે ગામ વિરાણીવાળા લોકપ્રિય ભાઈ રતનશી ખીમજીનું નામ ઘણા ભાઈઓએ સૂચવ્યું હતું પરંતુ ભાઈશ્રી રતનશી ખીમજીએ એવા કારણસર સેક્રેટરી થવાની ના પાડી કે મેં પ્રથમ ઘણી સભાઓમાં પીરાણા ધર્મ વિરુદ્ધ ઘણી જ હિલચાલ કરી છે અને હજુ કરું છું અને ભવિષ્યમાં મારાથી બની શકશે તેટલી પીરાણા ધર્મ હિન્દુ ધર્મ નથી એવું જ્ઞાતિના ભાઈઓને તેમજ પીરાણા ધર્મમાં બીજી અન્ય હિન્દુ જ્ઞાતિઓ ફસાયેલી હશે તેને પીરાણા ધર્મ તજી દેવાનો બોધ હું જીવન પર્યંત કરે જ રાખીશ જેથી આ મંડળનો હું સેક્રેટરી તરીકે રહી શકું નહીં. ત્યારબાદ ભાઈશ્રી રાજાભાઈ શામજી તથા ભાઈ માવજી શામજીએ સભાના કાયમ પ્રમુખ તરીકે ગામ માનકુવાવાળા સુપ્રસિદ્ધ કોન્ટ્રાક્ટર ભાઈ જીવરાજ વસ્તાની દરખાસ્ત કરેલ અને તેને ઘણા ભાઈઓએ ટેકો આપેલ પરંતુ ભાઈ જીવરાજ વસ્તાએ એવા મતલબથી પ્રમુખ થવાની ના પાડી કે હું ઘાટકોપરનો સ્થાઈ રહેવાવાળો નથી જેથી હું મંડળનો પ્રમુખ થઈ શકું નહીં. બીજા કોઈ યોગ્ય ભાઈની નિમણુંક કરો તો સારું. આ પ્રમાણેની વાટાઘાટમાં સેક્રેટરી અને પ્રમુખના માટે કોઈ પ્રકારની ચોખવટ થઈ નથી જેથી આગળ ઉપર ચોક્કસ નિર્ણય થશે. હાલમાં કામ ચલાઉ પ્રમુખ અને સેક્રેટરી તરીકે રા.રા.રાજાભાઈ શામજી ધોળુ પોતે (નિમાયા સિવાય) પોતાના નામથી સેક્રેટરી તરીકે મેમ્બર ફીના ચાર આના ઉઘરાવે છે અને મંડળના કામકાજની કાળજીપૂર્વક દેખરેખ રાખે છે. ભાઈ શ્રી માવજી શામજી પોતાના કામકાજના વખતનો ભોગ આપી જ્યાં જ્યાં આપણા કચ્છના પાટીદારો કામકાજ કરે છે, ત્યાં જઈ તેમને સમજાવી જ્ઞાતિ સેવાના કામમાં જોડાવાને વિનંતીઓ કરી તનતોડ મહેનત કરે છે. ભાઈશ્રી રાજાભાઈ શામજી તથા ભાઈશ્રી માવજી શામજીની જ્ઞાતિ સેવા જોઈ દરેકના મનમાં તેઓ પ્રત્યે માન ઉત્પન્ન થાય એવા પ્રકારે કાર્ય કરી રહ્યા છે. એના માટે કોઈથી ના થાય તેમ નથી તો પણ હું હિંમતપૂર્વક ખાતરીથી ભાઈશ્રી રાજાભાઈ શામજીને વિનંતી કરું છું કે આપ ભલે મુંબઈમાં વસતા મહાલક્ષ્મી પરેલ દાદર માટુંગા વિગેરે ઠેકાણે લાકડાં વેરવાવાળા જ્ઞાતિના અજ્ઞાન ભાઈઓને કચ્છની કણબી જ્ઞાતિના જુલ્મગાર આગેવાનોના નફટાઈ ભરેલા ત્રાસદાયક જુલ્મને એક સંપથી સામે થવા સમજાવો પરંતુ તેથી એ ભાઈઓનો કંઈ ઉદ્ધાર થશે નહીં જ્યાં સુધી તમે પોતે પ્રથમ અંગીકાર કરેલા કરાંચી સભાના પ્રમુખપદેથી જે શબ્દો ઉચ્ચારેલા તેજ પ્રમાણે પીરાણા પંથની જ્ઞાતિના ભાઈઓ અને બહેનોને છોડાવો નહીં ત્યાં સુધી આગેવાનોના કૃત્યોને સામે થવાથી જ્ઞાતિના ભાઈઓનો ઉદ્ધાર થશે નહીં તે સિવાય કેટલાક જુના ઘાટકોપરમાં કચ્છના યુવક મંડળના ભાઈઓ કે જે પીરાણા ધર્મના કટર વિરોધી છે. તેઓના અંતઃકરણને દુઃખાવાનું પાપ વોરવા કરતાં એકવાર ફરીથી વિચાર કરી લેવા હું આપને વિનંતી કરું છું. કચ્છ દેશમાં માનકુવા ગામમાં આપશ્રીએ જ્ઞાતિ આગેવાનોની વિરુદ્ધ તમારી દીકરીના હિન્દુ ધર્મ પ્રમાણે વેદ વિધિ અનુસાર આપે લગ્ન કર્યાં તે વખતે જે જ્ઞાતિ સુધારક યુવક મંડળના ભાઈઓએ તમને અણીના પ્રસંગે ઘણી જ કિંમતી મદદ કરી છે અને આપની જતી આબરૂ બચાવી છે. એવા વીર અને બહાદુર ભાઈઓને નિરાશ કરો તે પહેલાં એકવાર આપના હૃદયને પુછી જુઓ કે પીરાણા ધર્મ જ્ઞાતિના અને તમારા માટે ઠીક છે કે કેમ ? પીરાણા પંથના વિરોધી ઘાટકોપરવાળા યુવક મંડળના ભાઈઓએ તમારા સ્નેહને લઈ તમારી આગળની જ્ઞાતિ સેવાઓ યાદ કરી તમને માનકુવા ગામના કણબી આગેવાનોએ નાત બહાર કરેલ છે, છતાં પણ ઘાટકોપરમાં સૌ ભાઈઓ તમારાથી કંઈ પણ જુદાઈ રાખ્યા સિવાય આગેવાનોના હુકમને ઘસી પી ગયા છે અને તમને એક જ્ઞાતિભક્ત અથવા તો મુરબ્બી તરીકે માને છે. એ વાત યાદ કરીને પણ તમે પીરાણા ધર્મ પાળી શકો નહીં. તમારા મનમાં સુધારા માટે ગમે તે પ્રકારની આંટી પડી ગઈ હોય અથવા તો કોઈ વ્યક્તિ પરત્વે અણગમો ઉત્પન્ન થયો હોય તેથી જન સમાજને નુકસાન થાય એવું કામ પણ આપ કરી શકો નહીં. તમે જ્ઞાતિ હિતના માટે આગેવાનો તેમજ પીરાણાના લક્ષ્મણકાકા સાથે તકરારોમાં ઉતરી વ્યાજબી ન્યાય જ્ઞાતિને અપાવવા હજારો રૂપિયા જ્ઞાતિ સેવામાં આપે આપ્યા છે. તે સિવાય પણ આપશ્રીની અનેક પ્રકારની જ્ઞાતિ સેવાઓ જગ જાહેર છે. જગનીયંતા પ્રભુ એક બીજાના મતભેદો દૂર કરી સરળ રસ્તે જ્ઞાતિ સેવા એક સંપથી થાય એવી સૌને દયાળુ પ્રભુ સદ્બુદ્ધિ આપે એજ ઈચ્છા.
લી. જ્ઞાતિ સેવક |
નારાયણજીરામજી ગામ—વિરાણીવાળાના પ્રણામ |