Akhil Bhartiya Kutch Kadva Patidar Samaj
A central organisation of Kutch Kadva Patidar Sanatan community
Akhil Bhartiya Kutch Kadva Patidar Samaj
A central organisation of Kutch Kadva Patidar Sanatan community
લેખક :
મગનલાલ
ગોવિંદલાલ એન્જીનીયર
અમદાવાદ
પીરાણાપંથી કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિવર્ગ
અને
કરાંચી પરિષદના રિપોર્ટનું અવલોકન
જ્ઞાતિ હિતાર્થે છપાવી પ્રસિદ્ધ કરનાર
“જ્ઞાતિ હિતચિંતક સ્વધર્મ વર્ધક મંડળ” તરફથી
કાર્યવાહક : નારાયણજી રામજીભાઈ મીસ્ત્રી
જૈન દેરાસર પાસે, ઘાટકોપર — મુંબઈ
સંવત ૧૯૭૮ની શ્રાવણી
સને ૧૯૨૨
ઉપોદ્ઘાત
આપણી કચ્છ જ્ઞાતિનો એક વિભાગ પીરાણાના અર્ધદગ્ધ પંથે ચઢી અધોગતિ પ્રાપ્ત કરતો
જાય છે એ વાત અમને સમજાયા પછી તેને સનાતન ધર્મ તરફ વાળવાનો ઉદ્દેશ રાખી એક મંડળની
અમે સ્થાપના કરેલી જે આજે “જ્ઞાતિ હિત ચિંતક સ્વધર્મ વર્ધક મંડળ”ના નામથી
જ્ઞાતિમાં લગભગ ૧૫—૧૬ વર્ષથી પ્રસિદ્ધ છે. સમસ્ત જ્ઞાતિની બેઠકો પ્રસંગે આજ સુધી
જોકે આ મંડળ જ્ઞાતિ હિત સાધવાના કાર્યમાં ભાગ લેતું આવ્યું છે. પરંતુ ધાર્મિક
અંતરાયને લઈ કચ્છનો જે વિભાગ કોમથી અલગ પડી જવાનો ભય ખડો છે તે ક્ષેત્રમાં આ મંડળ
શરૂઆતથી જ અનેક પ્રકારના ભોગ આપતું આવ્યું છે. જ્ઞાતિના યુવકવર્ગને ઉત્તેજિત
કરવાનું અને તેમના યોગ્ય પુરૂષાર્થને સજીવન રાખવાનું મહદ્ કાર્ય અતિ મુશ્કેલ છે
પરંતુ જેમ જેમ જ્ઞાતિના બુદ્ધિશાળી બંધુઓ અમારા મંડળના કાર્યની કદર કરતા જાય છે
તેમ તેમ મંડળને મદદ મળવાની આશા પણ બંધાતી જાય છે અને એ આશા તેમજ અમારા વિભાગના
સમજુ વર્ગના પ્રમાદથી ઉત્પન્ન થતી નિરાશા વચ્ચે આ મંડળનો ઉદ્દેશ જીવતો રહ્યો છે. કેટલાક
બુદ્ધિશાળી યુવકો જ્ઞાતિ સેવાના કાર્યમાં જોડાયા પછી મંડળનો ઉદ્દેશ બર આવવાની આશા
વધારે સતેજ થઈ છે એ વાત અમે ખુલ્લા દિલથી સ્વીકારીએ છીએ. કરાંચી પરિષદ એ કેટલાક
યુવકોના ધાર્મિક સેવા ભાવનો જ પ્રભાવ હતો અને એ પરિષદના કાર્યનું આ અવલોકન પણ
તેમની શુદ્ધ ભાવનાનું જ પ્રતિબિંબ છે, એમ સમજી લઈ જ્ઞાતિ બંધુઓ તેમાંથી બોધ ગ્રહણ કરશે એવી મંડળ
આશા રાખે છે.
કેટલાકને બિલ્ડીંગ નજરે જોયા સિવાય જેમ તેમની રચના સમજાતી નથી,
પરંતુ પ્લાન સમજનારના મગજમાં તે મકાનનો ખૂણે ખૂણો ખડો થાય
છે, તેમ પીરાણા પંથની રચના અને ક્રિયાઓ—શુદ્ધ હિન્દુ ધર્મની ભાવના,
સ્વાર્થ ત્યાગ અને સત્યાસત્ય સમજવાની જેનામાં બુદ્ધિ ન હોય
તેને સમજાય નહિ, એટલે પીરાણા ધર્મ એ હિન્દુ ધર્મ નથી અને નથી જ તેનું
સ્વબંધુઓને જ્ઞાન કરાવા અનેક રીતે એ વિષયને ચર્ચવો પડે તે સમજી શકાય તેવું છે.
સમગ્ર દેશમાં જ્યારે ઐક્ય સાધવાની યોજનાઓ ઘડાતી હોય તે પ્રસંગે કદાચ આવી હિલચાલ
રૂચીકર થઈ પડે નહિ પરંતુ આ હિલચાલના ગર્ભમાં ઐક્ય અને પ્રેમને મુખ્યસ્થાન અપાયેલું
છે જ એમ અમારું માનવું છે. અમારી કચ્છ જ્ઞાતિ ઉપર તાગડધિન્ના કરતા પીરાણા પંથ ઉપર
આજીવિકા ચલાવનારા ને તે અપ્રિય થઈ પડે તો પણ સ્વાર્થી અને મૂર્ખ ધર્મ ગુરૂઓને
અંધશ્રદ્ધાળુ કે ભોળા ભક્તો ઉપર આજીવિકા ચલાવવાનો બિલકુલ હક્ક નથી એમ સમજુ વર્ગનું
માનવું છે. તે સાથે અમારા જ્ઞાતિ બંધુઓનું હિત સાચવવાનો અમને જે પ્રથમ ધર્મ
પ્રાપ્ત થાય છે તેને અમે તજી શકીએ નહિ. જ્ઞાતિ સેવાના પ્રદેશમાં કંઈક વિશેષ અજવાળુ
પડે અને યુવકોને રિપોર્ટનું અવલોકન માર્ગદર્શક થાય એ પ્રકારની મંડળની ઈચ્છા
ધ્યાનમાં લઈ રા. મગનભાઈ એ તસ્દી લઈ અવલોકન લખ્યું છે તે ખાતે અમારું મંડળ તેમનો
સપ્રેમ આભાર માને છે.
નારાયણજી રામજી મીસ્ત્રી, |
કાર્યવાહક |
પીરાણાપંથી કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિવર્ગ
અને
કરાંચી પરિષદના રિપોર્ટનું અવલોકન
(લેખક — મગનભાઈ ગોવિંદલાલ એન્જીનીયર — અમદાવાદ)
વિષય અને સંબંધ
કચ્છના પીરાણાપંથી ભાઈઓની જે સભા કરાંચીમાં થયેલી તેના કામકાજનો અહેવાલ કરાંચી
યુવક મંડળ તરફથી બહાર પાડવામાં આવ્યો છે તે વાતને આજે ઘણો વખત થયો છે એ રિપોર્ટ
જ્યારે બહાર પડ્યો તે પ્રસંગે તેનું અવલોકન લખવાની “સ્વધમર્ વર્ધક” મંડળના ભાઈઓ
તરફથી સુચના કરવામાં આવેલી, સભાના પ્રમુખ રાજાભાઈ ધોળુએ પણ ભલામણ કરેલી અને મુંબઈના
યુવક મંડળ તરફથી પણ પત્ર દ્વારા સુચનાઓ મળેલી. મારા જેવા એક ગુજરાતી ભાઈને તેઓ શા
માટે એ માટે આગ્રહ કરે છે તે હું સમજી પણ ગયેલો. પીરાણાપંથી યુવકોની મુંબઈમાં થતી
સભાઓમાં મેં કેટલીક વખત ભાગ લીધેલો, તેમજ સમસ્ત કડવા પાટીદાર જ્ઞાતિની મહાન પરિષદની એક બેઠક
જ્યારે મુંબઈ ખાતે થયેલી તે પ્રસંગે પીરાણાપંથી કચ્છી આગેવાનોને ખાસ આગ્રહપૂર્વક
ભાગ લેવા માટે આમંત્રણો કરેલા અને તેઓ પૈકી કેટલાક આવેલા પણ ખરા,
તે પ્રસંગનો લાભ લઈ તેમની સાથે ખાનગીમાં પીરાણાપંથ આપણે તજી
દેવો જોઈએ એ વિષય ઉપર મારે તેમની સાથે સારી વાટાઘાટ થયેલી અને તેમની તરફથી મને
સારો સધિયારો મળેલો. તે પ્રસંગે જ્ઞાતિ હિતના કાર્યમાં હું કંઈક ભાગ લેતો હોવાથી એ
વિષય તરફ મારી મમતા બંધાયેલી અને તે કાયમ રાખવા માટે “સ્વધર્મવર્ધક મંડળ”ના ભાઈઓ
તરફથી મને ખાસ આગ્રહ ચાલુ રહેતો. પરંતુ જ્યારે કરાંચીમાં પરિષદ થઈ અને તેના
કામકાજનો રિપોર્ટ બહાર પડ્યો ત્યારે કેટલાક વખત પછી અવલોકન થાય તો સારું એવું મને
જણાયેલું અને એજ ભ્રમણામાં, એ તરફથી મારી મમતામાં ત્રૂટી આવવાને લીધે મારાથી એ કાર્ય
બની શકેલું નહિ, કરાંચીના યુવકો પણ કંઈક નિંદ્રાધીન દેખાયા,
મુંબઈના યુવકોમાં સુસ્તી દેખાઈ અને એ કારણોએ પણ મારી આળસને
સારો ટેકો આપ્યો.
હમણાં વળી જાગૃતિ આવી છે અને મારાથી બની શકે તો કચ્છ જ્ઞાતિ હિતાર્થે
પુરૂષાર્થ કરવો એવી સુચના રા.રતનશીભાઈ, રામજીભાઈ તથા ભાઈ નારણજીએ કરી અને પ્રથમનો જ વિષય એટલે
કરાંચી પરિષદનું અવલોકન, તે સાથે પીરાણાપંથ અને કચ્છ દેશના આગેવાનોના જુલ્મ અને
ત્રાસદાયક તેમના કૃત્યો વગેરે ઉપર પણ મારા વિચારો હું પ્રદર્શિત કરી શકું એવું
તેમને જણાયાથી તે માટે આગ્રહપૂર્વક ભલામણ કરી છે.
આપણી કડવા પાટીદાર જ્ઞાતિ દેશના જુદા જુદા ભાગોમાં વિસ્તાર પામી છે અને દરેક
ઠેકાણે નાતજાતને લગતી તકરારો જ્ઞાતિના સમજુ પુરૂષો મારફત પતાવાનો રિવાજ ઘણો
પ્રાચીન થઈ ગયો છે તે જેટલો ઈષ્ટ છે તેટલો જ હાલમાં તો ખાસ કરીને કચ્છ દેશમાં
આગેવાનોના સ્વાર્થી અને અન્યાયી દોરનો ભોગ થઈ પડ્યો છે. કચ્છના આગેવાનોની જુલ્મી
સત્તા અને અધમતાના ઈતિહાસ લખવા બેસીએ તો કેટલાંય “કરમશીનામાં,
અખઈનામાં” અને એવા બીજા નામાંને નામાં લખાય એટલી હકીકત મારી
પાસે પડી છે, પરંતુ એ નામાંઓ ઉપર વાર્તિક લખી યુવકોને રિઝવવા કરતાં એ
નામાંઓને ભુલાવી દઈ યુવકો તેમજ ગેઢેરાઓને પોતાનો ધર્મ અદા કરવાનો માર્ગ દેખાડી
આપવો એજ ઈષ્ટ છે. તો પણ કોઈ ગેઢેરાએ એવું તો નહીં જ માનવું જોઈએ કે તેમના જુલ્મી
દોર અને જ્ઞાતિના રીતરિવાજ, પીરાણાપંથની અધમ ભાવનાઓ અને તેના અંગે જ્ઞાતિમાં પેસી ગયેલા
સડાની કોઈ ટીકા જ ન કરી શકે. એવી માન્યતા રાખવી એજ એક જાતની અધમતા અને દીવાનાપણું
છે, આગેવાનોના અંધસ્વાર્થ અને જુલ્મની એ ખાત્રી આપનારું થઈ પડે છે. સાથે સાથે હું
એ પણ કહી લઉં કે જેનામાં વિચારશક્તિ અને બુદ્ધિ છે,
જેને પોતાના ભોળા અને અંધશ્રદ્ધાળુ ભાઈઓ પ્રત્યે લાગણી છે
તે તો જરૂર તેમની સ્થિતિ સુધારવામાં જ પોતાનો લાભ પણ જુએ અને તેને તેમ કરતો કોણ
રોકી શકે? એટલે એવા પ્રકારનો કંઈક લાભ કિંવા લોભ ગમે તે કહો તે આ લેખક
પ્રત્યે પ્રાપ્ત થાય છે. જ્યારે “સ્વધર્મ વર્ધક મંડળ”નો જ્ઞાતિ હિતાર્થે લેખો
પ્રસિદ્ધ કરવાનો શિષ્ટાચાર અને પીરાણાપંથ જેવા અધમ અધર્મમાંથી જ્ઞાતિને બહાર
કહાડવાનો સતત પુરૂષાર્થ તો ઘેર ઘેર જાણીતો છે જ. તે મંડળની જ્ઞાતિ સેવાની કદર
તરીકે હું શું કરી શકું ! એ ભાગ્ય તો ભવિષ્યની પ્રજાના ભાગે નિર્માણ થયેલું સમજાય
છે.
પાટીદારનું પતન અને પશ્ચાતાપ
આપણા ભાઈઓ સ્વધર્મને સંભાળી પહેલાં હતા તેવા એકબીજા સાથેના સંબંધમાં આવી જઈએ
તો જગતની દૃષ્ટિએ આપણે સાવ હલકી જ્ઞાતિના અને બીગારી જેવા થઈ પડ્યા છીએ તે જરૂર
મટી જાય. વળી સનાતન ધર્મને અવલંબી એક ભાઈ બીજા જ્ઞાતિભાઈ પ્રત્યેનો ધર્મ કિંવા ફરજ
બજાવતાં શીખે તો આપણી જ્ઞાતિ દેશમાં પુજાતી,
મનાતી અને દેશની પાલનહાર ગણાતી તે મહત્તા અને સુખ ભોગવતી
આપણે જરૂર જોઈ શકીએ એ વાતમાં મને તો પૂર્ણ શ્રદ્ધા છે. કોઈ ભાઈને એવી કદાચ શંકા
થાય કે આપણી જ્ઞાતિ કેવી અને વળી તેને દેશમાં પુજાવાનું કે મનાવાનું કેમ સંભવે !
આપણા માટે તે વળી મોટાઈ હોય? હા. આ માયાવાદના જમાનામાં અને તે પણ આપણા જેવી પછાત રહેલી,
દરેક પ્રકારે અજ્ઞાનમાં જ ડૂબેલી જ્ઞાતિમાં આવી અનેક શંકાઓ
ઉદ્ભવે જ. એ વાતનું એક જ ટુંકું સમાધાન છે. આ દેશમાં જે સંપત્તિ દેખાય છે તે કોઈ
શેઠ શાહુકારો કિંવા રાજા મહારાજાઓ પરદેશમાં જઈને કમાઈ લાવ્યા નથી કે કોઈના બાગ
બગીચામાંથી ઊગી નીકળેલી નથી પરંતુ આ દેશની ખેતીની ઉત્પન્ન ઉપર જ માત્ર અત્યાર સુધી
આ દેશના રાજા અને શેઠ શાહુકારોનો વૈભવ અને પ્રજાનું જીવન પણ ટકી રહ્યું છે. ત્યારે
એ ઉત્પન્ન કરનાર આપણા ભાઈઓ જ છે કે બીજા કોઈ?
પરંતુ કાળે કરી આપણી ધાર્મિક અને ઉચ્ચ ભાવનાઓ નષ્ટ થતી ગઈ
તેમ તેમ આપણી રહેણીકરણી પણ ઉતરતા પ્રકારની થતી આવી. સ્વધર્મના ત્યાગથી જગતને
પોષવાની ધાર્મિક ભાવના ઘટતી ગઈ તેમ તેમ આપણી મહત્તા અને ગૌરવ પણ ઘટતું ગયું અને
પરિણામે આજે દેખાય છે તેવી માત્ર ખેતી કરવાની મજુરીજ આપણા કર્મે ચોંટી રહી. ખેતી
કરવા સાથે પોતાના વિભાગનું રક્ષણ કરવાનો જે ક્ષત્રિ ગુણ એટલે ગામની પ્રજાની સંભાળ
રાખવાની આપણી શક્તિ અને સ્થિતિનું રૂપાંતર થતું આવ્યું. આટલો મોટો પલટો કેમ થઈ ગયો
અને આ દેશમાં આજે આપણી જગ્યા ક્યાં છે એ વાતનો જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે આપણી
પોતાની જ અજ્ઞાનતા અને ઝાલ્યું ન છોડવાની હઠીલાઈ ઉપર પારાવાર ખેદ થઈ આવે છે.
આંખમાંથી આંસુ પડ્યા સિવાય રહેતાં નથી. એટલે અત્યારે આપણને જે ફરજ પ્રાપ્ત થાય છે
તે એ છે કે આપણી પ્રાચીન પ્રતિષ્ઠા અને ઈજ્જત દેશમાં વહેલી જામે એવા પગલાં સત્વર
ભરવાં અને તે માટે દેશકાળને અનુસરતા ન હોય તેવા રીતરિવાજો અને અધર્મ યુક્ત ભાવનાઓને જડમૂળથી ઉખેડી નાંખવી
અને તેમ કરતાં કરાવતાં જે જે મુશ્કેલીઓ ખડી થાય તેને પહોંચી વળી પોતાના બંધુઓનું
હિત સાધવામાં માત્ર પ્રભુની જ બીક રાખવી અને બીજા કોઈ સહાયક પણ ન હોય ત્યારે સહાય
પણ તેની જ માગવી. વળી એ પણ જોવાનું તો છે જ કે દેશની બીજી કોમો પોતપોતાના વર્ગનું
શ્રેય સાધવામાં અહોરાત પ્રયત્ન કરી રહી છે ત્યારે એ હરીફાઈમાં આપણે મુળે પછાત છીએ
છતાં પછાત રાખે એવી ગતિએ ચાલીએ તો જરૂર પછાત જ રહેવાના. આગેવાન કે ગેઢેરાના અયુક્ત
અને અયોગ્ય વર્તન ઉપર આજે તે યુવકોને ખેદ પ્રદર્શિત કરવાની વારી આવી છે તેજ
યુવકોની વૃદ્ધાવસ્થા થતાં તે સમયના—ભવિષ્યના—યુવકો તેમનો જમાનો જોઈ આજના યુવકો
પ્રત્યે કેવું માન ધરાવશે અથવા કેટલો સંતોષ દર્શાવશે એ વિચાર કરવાનો છે અને તે
વિચાર આજના મનુષ્ય જેવા હૃદયના યુવકો જો કરી શકે તો જરૂર તેમને જ્ઞાતિહિત સાધવાનો
ધર્મ સમજાયા સિવાય રહે નહિ. એક પ્રકારનો આ એક ઈશ્વરી સંકેત છે. તેને આજના યુવકો
સમજી જાય એ ખાસ જરૂરનું છે, પછી તેને ફરજ સમજે,
ધર્મ માને કિંવા કર્મમાં ઘટાવે તો પણ એ જ તેમને પ્રાપ્ત થાય
છે. એટલા માટે જ જો મુંબઈ, કરાંચી કે વીરાણી જેવા સ્થળે યુવક મંડળો સ્થપાયાં હોય તો
આપણા ગેઢેરા કે આગેવાનોએ શરમાવાનું કે તેમના પ્રત્યે તિરસ્કાર દર્શાવાનું કંઈ
પ્રયોજન નથી. યુવકોના સેવા ધર્મની સાધના વડે જ જ્યારે ત્યારે જ્ઞાતિનો ઉદ્ધાર
થવાનો છે એ વાત જેને જ્ઞાતિહિતની જરૂર સમજાય તેણે અવશ્યે માનવી ઘટે છે. આગેવાનોએ
તો યુવકોની એ પ્રકારની સાધના તરફ અવશ્યે પોતાનો વિરોધ છોડી દેવો ઘટે. છતાં કોઈ
હડૂડ પીરાણા પંથી હોય અને સૈયદોના ભાઈના હાથના સમોસા ખાવાનો જેને સ્વાદ છોડી શકાતો
નહિ હોય તેણે પોતાની જીભ કાપી નાંખવી જોઈએ અથવા પોતાની જાતને સૈયદોની જમાતમાં
હાજરી આપતી કરી દેવી જોઈએ. કારણ આ જમાનામાં કડવા પાટીદાર કે લેવા પાટીદાર બની
રહીને પીરાણાપંથના ગુપ્ત માર્ગમાં ચાલવું એ ભાગ્યે જ બની શકશે.
વડીલો પાસેથી આપણે શીખતા આવ્યા કે “કરણી તેવી પાર ઉતરણી” છતાં એવા ઘણાય
ગેઢેરાઓને આપણએ રીબાઈ રીબાઈને પ્રાણ છોડતા જોયા,
છતાં એવી અધમ કરણી તજી દેવામાં આપણે વિલંબ કરીએ તો આપણા
જેવા મૂર્ખ બીજો કોણ? અધર્મયુક્ત અધમ પંથે ચાલીને આજે આપણી કેવી દશાઓ થઈ છે?
“કણબી પશુ ન માનવી.”
ઈમામસેની પંથના માર્ગે ચઢવાથી આપણી ભાવનાઓ નષ્ટ ભ્રષ્ટ થઈ ગઈ,
રીતરિવાજોમાં પણ અધમતાએ વાસ કર્યો,
દેશ છોડાવ્યો અને વેષમાં મુમના જેવા કરી મુક્યા ! વળી એણે
કરીને અને એજ વાત કાયમ રાખવાની ખાતર નીચ કર્મો કરવા તરફનો તિરસ્કાર પણ છુટી ગયો
અને અધર્મયુક્ત અધમ પંથને વળગી રહેવાની લાલસા વધતી ગઈ પરિણામે જીવન ખારાં ઝેર
જેવાં થઈ ગયાં. ધન ગયું, માન ગયું, વિદ્યા ગઈ જેના લીધે બુદ્ધિ નાઠી અને સારું માઠું સમજવાની
સાધારણ અક્કલનો પણ લોપ થઈ ગયો. અધર્મ રૂપી ઝેરી ભાવનાઓ પેઢી દર પેઢી ઉતરી આવી.
અફસોસ ! બંધુઓ એ સ્થિતિનું જેને ભાન થાય તે તો જરૂર પોતાના ભાઈઓની દયાજનક સ્થિતિ
ઉપર આંસુ પાડ્યા સિવાય રહેજ નહિ. પરંતુ તે આંસુ અને હૃદયના ઉભરા ક્યા ધર્મથી
પોષાતા હૃદયોમાં આવે? એ વાત કોણ સમજી શકે,
અરે, સમજાવવી પણ કોને? સમજવા માટેની વિચાર શક્તિ અને બુદ્ધિ જોઈએ તે ક્યાંથી લાવવી?
તે શક્તિ બક્ષનારી વિદ્યાદેવી અને આપણે કેટલી પેઢીઓનું અંતર
! તે મહાદેવી સરસ્વતી આપણા ઉપર પ્રસન્ન પણ કેમ થાય?
આપણે તો :—
ધર્મ કર્મને ધોઈ નાખ્યાં,
ગાડર સમ
ઝુકાવી.
ઉપરથી ઉપહાસ્ય કરાવી,
ગાંઠનું ગરથ
ગુમાવી
આવી, રસમ થકી ભાવી
ભૂંસ્યું શર્મ જરી ના’વી… આવી.
આંખે પાટા બાંધી ઈમામશાહને ઈન્દ્ર માની લીધો ! અમારા પર મહાલવાની અજ્ઞાન
લાલસાએ પાંચે પાંડવોએ મળી ગૌવધ કીધાની અને સતીએ (દેવી પંચાળીએ) મસ્તક ચામડાં
લીધાની વાત પણ સાચી માની લીધી અને ફરમાનજી બિસમલ્લાના કલમા પઢતાં પણ શરમાયા નહિ !
સતનો કલમો પઢતાં દશોંદના દોકડા ભરી ભરીને ટુટી ગયા અને બેહસ્ત મુકામે પહોંચવા
પહેલાં તો પરદેશના ઝાડ જોવા પડ્યાં અને કરવત ખેંચવાની સ્થિતિ પ્રાપ્ત થઈ. બીજું
શું થાય ! જ્યારે સગાં, કુટુંબ બેની બાંધવા વગેરે કોઈના હિતનો વિચાર આવે નહિ અને
અમરાપર પહોંચવાના ખોટા લોભે લોક લજ્યાનો ખ્યાલ પણ મટી જાય અને એજ ઉપદેશની ગોળીઓ
જેમને ગળી લાગે તેમની સ્થિતિ બીજી કઈ રીતે વધારે સારી હોવાનું સંભવે?
પરંતુ એ અધર્મને પોષવાના લાગાઓ ભરવા ઉપરાંત જગતની દૃષ્ટિએ
હલકા દેખાવાનું અને નાક કપાવાનું દુઃખ જે ભાઈઓના કરમે આવી પડે અને તે પણ જ્યારે
ફરજિયાત જેવું તેને થઈ પડવાનું દુઃખ પ્રાપ્ત થાય તેની કઈ દશા?
પાટીદારનું જેનામાં પાણી હોય તે તો જરૂર પોતે જાતે તેમાંથી
છુટવા અને બીજાઓને પણ છોડાવા પ્રયત્ન કરે જ. તેમ કરવાનો એને જન્મસિદ્ધ હક્ક
પ્રાપ્ત થયેલો હોય છે અને એ વાતનો કોઈથી ઈનકાર પણ થઈ શકે તેમ નથી.
જાગૃતિ કેમ આવી
જે ભાઈઓ ધંધાર્થે દેશ છોડી અન્ય સ્થળે ગયા અને સુખી થયા તેમાં પ્રથમ મુંબઈ અને
બીજે નંબરે કરાંચી આવે છે. મુંબઈ દરિયા કિનારે આવેલું છે અને આખા જગતની હવા અને
વિચારોનું ત્યાં સંમેલન થાય છે. આળસુ માણસની ત્યાં સુસ્તી ઊડી જાય છે,
બુદ્ધિ વગરના હોય છતાં માણસ જેવા હૃદયના માણસનું મગજ પણ
ત્યાંની હવા લાગતાં જ વિકાસ પામે છે, એટલે દેશમાંથી આવેલી જડતા અને દરિદ્રતા સહેજે ભાગવા માંડે
છે. વળી દરેક જ્ઞાતિના લોકો માટે સ્વધર્મ પાળવાનું મુંબઈમાં ફરજિયાત થઈ પડે છે.
ત્યાંની પ્રજા પોતે અમુક ધર્મના અનુયાયી છીએ એવું દેખાડવામાં પોતાનું ગૌરવ અને
ઈજ્જત માને છે એટલે એ ચેપ દરેકને ફરજિયાત લાગી જાય છે. જ્યાં સ્વધર્મ પાળવાનું
ફરજિયાત જેવું થઈ પડે એ શહેરની પ્રભુતા કેટલી મહાન હોવી જોઈએ ! મુંબઈમાં એ પ્રભુતા
સર્વાંશે વ્યાપ્ત થયેલી છે અને તેથી જ
ત્યાં કોઈ નાગુ ભૂખ્યું રહેતું નથી. “મુંબઈ શહેરમાં ભીખારીઓ પણ પોતાનો ધર્મ કે પંથ
છુપાવતા નથી.” જે જાતના ભીખારી જે દેવ કે દેવીને માનતા હોય તેના જ પાળે ભીખ માગવા
બેસે છે ત્યાં જતા આવતા લોકો પણ પોતાના મંદિરે ભીખ માગવા બેસનારને ઓળખે છે અને
બીજા ભીખારીઓ કરતાં એવાને ઝટ ડોઢીઉ કાઢીને આપે છે. કામ ધંધે કે હરવા ફરવા જતાં
આવતાં પણ મુંબઈની ભૂમિ ઉપર વિચરતો માણસ ક્યા ધર્મનો અનુયાયી છે એ વાત તો એના ચહેરા
ઉપરથી જ જણાઈ આવે છે પછી કર્મમાં દેખાઈ જાય તેની તો નવાઈ જ શું?
કોઈ જ્ઞાતિમાં ત્યાં “ગુપ્ત ધર્મ” જેવું કંઈ છે જ નહિ અને
અમારો ધર્મ તો ગુપ્ત છે એવું કોઈ કહે તો ત્યાંના લોકો એેને દીવાનામાં જ ગણી કહાડે,
ત્યાં આપણા ગુપ્ત ધર્મી ભાઈઓની કઈ દશા?
કડવા પાટીદાર તરીકે ઓળખાવાનો લોભ કદી છુટી શકે અને છોડાય પણ
ખરો ! જ્ઞાતિના નામ સાથે જ જ્યાં ધર્મનો પંથ સમજાઈ આવે ત્યાં ગુપ્ત ધર્મને
પ્રસિદ્ધ કરીને ક્યા વર્ગમાં બેસવું ઉઠવું ! એ ગુપ્ત ધર્મને કોઈ હિન્દુ અથવા સાચો
કડવો કે લેવો પાટીદાર જાણી જાય તો દશા એ થાય કે પાણી પીવાનું ઠામ પણ સાથે જ લઈને
ફરવું પડે. ગુપ્ત ધર્મનો આ અનુભવ કરાંચી કરતાં મુંબઈ શહેરમાં વહેલો થાય એટલે
મુંબઈના યુવકોમાં જાગૃતિ પણ વહેલી જ આવવી જોઈએ અને જાગ્યા તેમને બેશક ધન્યવાદ ઘટે
છે. વળી તેમના પગલે ચાલવાનો પ્રયાસ કરાંચીના યુવકોએ પણ કર્યો અને કરાંચીમાં જ
પરિષદ બોલાવી તેમના હૃદય બળ અને ઉચ્ચ ધાર્મિક ભાવવાળી અભિલાષા માટે દરેક કડવા
પાટીદારે બેશક ખુશી થવાનું છે.
યુવકવર્ગ અને જ્ઞાતિ સેવા
આપણા દેશની પ્રજા જગતમાં બહુ પ્રાચીન ગણાય છે તેમજ આખી દુનિયાને વ્યવહારિક અને
ધાર્મિક જ્ઞાન આપવાનું માન પણ તેને જ ઘટે છે. જ્યારે ધાર્મિક આફતો આવી છે ત્યારે
ત્યારે કોઈ ગેઢેરાએ તેમાંથી પ્રજાને બચાવી નથી પરંતુ તેનો ઉદ્ધાર દરેક યુગે અને
પ્રસંગે તે સમયના યુવકે જ કર્યો છે એમ ઈતિહાસના પાનાં સાક્ષી આપે છે. આજે પણ શું
છે? કડવા પાટીદાર જ્ઞાતિનો જ દાખલો લઈએ. ક્યા સ્થળે આગેવાન કે ગેઢેરાઓ જ્ઞાતિના
સુખ દુઃખનો વિચાર કરે છે? દરેક કાળે અને સ્થળે એ કાર્ય તો યુવક વર્ગ માટે જ નિર્માણ
થયેલું સંભવે. શારીરિક અને માનસિક શક્તિનો વિચાર કરતાં પણ જ્ઞાતિના સુખ દુઃખનો
આધાર યુવકવર્ગની ભાવનાઓ અને શક્તિ ઉપર જ લટકી રહેલો જણાશે એટલે આગેવાનો કરતાં
યુવકોનો જ્ઞાતિ પ્રત્યેનો ધર્મ બહુ વિકટ જ હોય તેમાં નવાઈ શું ?
આપણી પ્રાચીન મહત્તા અને સુખ સાધન વહેલાં પ્રાપ્ત થાય એવા
ઉપાયો સત્વરે લેવા તેમજ દેશકાળને અનુસરતા ન હોય,
અધર્મયુક્ત હોય, આપણી નાલાશી કરનારા હોય અને નીચું જોવડાવનારા ઉપરાંત નુકશાન
કરનારા હોય તેવા રીતરિવાજોનો ત્યાગ કરી સ્વધર્મે ચાલવામાં જે જે મુશ્કેલીઓ ખડી થાય
તે સહન કરી પોતાના ભાઈઓનું હિત સાધવામાં માત્ર પરમાત્માની જ પરવા રાખી જ્ઞાતિ
સુધારાના કાર્યમાં અડગ રહેવું એ આજના યુવકોનો ધર્મ છે તેમની એ ફરજ છે અને તેમાં જ
એમની કીર્તિ અને માન સમાયેલાં છે. એ વસ્તુ જેને સમજાય છે તે તો જરૂર અન્ય યુવકોની
હરીફાઈમાં જ્ઞાતિ સેવા કરવા તત્પર થઈ જાય છે,
યુવકોના મંડળ કિંવા સંઘ બનાવે છે અને પોતાનો ઉદ્દેશ બર
લાવવા સઘળી તૈયારીઓ કરી જ્ઞાતિ પરિષદ બોલાવી પોતાના વિચારો જાહેર કરે છે અને ઠરાવો
પસાર કરી કરાવી તેને સર્વાંશે અનુસરે છે.
પરિષદની બેઠક કરવાનું કાર્ય કંઈ સહેલું નથી. એમાં ક્યારે ગામ કે પાંચાડાની
પટલાઈ કરવાની હોય છે ! ત્યાં તો માત્ર જ્ઞાતિ સેવા જ ઉઠાવવાની. દુર દુરથી જે
પોતાના જ્ઞાતિ બંધુઓ આવ્યા હોય તેમના માટે સુવા બેસવાની તેમજ નહાવા ધોવા અને જમવા
સુદ્ધાંની સગવડ તો કરવી જ પડે અને તે પણ ગામ કે પાંચાડાના આગેવાનોની માફક સત્તા
બજાવીને નહિ પરંતુ નિયમપૂર્વક અને સેવાભાવથી દરેક ભાઈઓનું મન સાચવવાનું. આ
સ્થિતિમાં નાતના આગેવાનોની માફક કોઈના પ્રત્યે વેર વાળવાનું તો સંભવે જ ક્યાંથી !
પરિષદ બોલાવનારાઓને તો ઉલટી પોતાની સેવામાં ત્રુટી ન આવી જાય એની તો મોટી ભીતી જ
હોય એટલે તેઓ નિરંકુશ આગેવાનોની માફક કોઈના ઉપર હુકમ કરી શકે નહિ પરંતુ પધારેલા
ભાઈઓના બોલ ઉઠાવવા તેમને તૈયાર રહેવું પડે છે. કોઈના દંડ કરીને કે રંજાડીને
આગેવાનોની માફક તેમને પોતાનો ખાનગી સ્વાર્થ સાધી લેવાનો તો સ્વપ્ને પણ ખ્યાલ ન હોય
પરંતુ એ સેવકોને તો પોતાના જાત ભાઈઓ માટે વખત,
જાતમહેનત અને પોતાના ખાનગી પૈસાનો પણ ભોગ આપવો પડે છે તે
ઉપરાંત એકાદ ગેઢેરા કે આગેવાનોનું તે પ્રસંગે મન સાચવી શકાયું ન હોય તો તેમને માથે
દુઃખ ઉભું થાય છે તે એકે સગાંવહાલાં અથવા નાત જાતમાં પ્રસંગ પાડી નાતના પટેલો એ
સેવક ઉપર વેર વાળવાનો અવશ્યે પ્રયત્ન કરી ચુકે છે. દાખલા ક્યાં નથી?
આવા પ્રસંગો પરિષદના અંગે બનવાનું બહુ સંભવિત હોય છે અને
પરિષદ બોલાવનારા યુવકોના માંથે એ મોટો ભય છે અને ત્યાં જ યુવકોની કસોટી પણ છે અને
સાચા જ્ઞાતિ સેવકો એ વાતનો ભાગ્યે જ ડર રાખે છે.
વળી નાતના આગેવાનો પાંચાડામાં જે દૃષ્ટિ રાખે છે તેના કરતાં સેવકોએ પરિષદના
અંગે હજારગણી વિશાળ દૃષ્ટિ અને ઉચ્ચ ભાવના રાખવી પડે છે. અંગત સ્વાર્થ કે વેર
વાળવાપણું અથવા પક્ષાપક્ષને બાજુએ રાખી સમસ્ત જ્ઞાતિનું હિત સધાય એવી જ પદ્ધતિ અને
દૃષ્ટિ રાખવી પડે છે, ત્યાં સમાન ભાવે દરેક ભાઈ સાથે વર્તવું પડે છે,
મારું તારું કરી લાગવગ સાધવામાં તો પાપ જ મનાય છે. પધારેલા
દરેક ભાઈઓ એક જ કુટુંબના હોય એવો ભાવ રાખવો પડે છે અને એજ વાતાવરણ સર્વત્ર વ્યાપી
રહેલું હોય છે. રાત દિવસ ઉજાગરા વેઠી, મહેનત કરી ગાંઠની ખીચડી ખાઈને શુદ્ધ સેવાભાવથી જે ભાઈઓ આવા
પ્રકારની સેવા બજાવે છે તેમાં સેવાધર્મ રહેલો છે અને એજ સેવાધર્મ યોગીઓ માટે પણ
અગમ્ય છે એવું શાસ્ત્રમાં કહ્યું છે. એ સેવાભાવનું શુદ્ધ સ્વરૂપ જે સંમેલનોમાં
ઓતપ્રોત થયેલું હોય એવા સંમેલનો કોઈ અમુક જ્ઞાતિના જ હોય તો તેને લોકો નાત અથવા
ગંગા સ્વરૂપે પતિત્ પાવની માને છે અને એવી જ નાત કે નાતમેળામાં જ્ઞાતિના
હિતાહિતના વિચારો થઈ શકે અને ઉદ્દેશ પણ બર આવી શકે. પરંતુ જ્યાં પખે પંચાત અને પખે
ન્યાય થતા હોય, ગુન્હાઓની તપાસ કર્યા સિવાય માત્ર સજાઓ જ ફરમાવાતી હોય અને
જ્યાં મૂંગે મોઢે આગેવાનો કે ગેઢેરાઓના હુકમ જ ઉઠાવાના હોય એને નાત નહિ,
ગંગા નહિ પરંતુ લુંટારાઓનો દરબાર જ કહી શકાય ! કોઈ ગામ કે
પાંચાડાના પટેલો એમ કહી શકશે કે જે ભાવથી કરાંચીના યુવકોએ પરિષદ બોલાવી તે ભાવથી જ
અમે પણ પાંચાડા એકઠા કરીએ છીએ? દાખલાઓ અને અનુભવ એમ કહે છે કે આગેવાનો સામે ન્યાયની દલીલ
કરનારને તેઓ બમણી સજા ફરમાવે છે ! અફસોસ. નાતની પટલાઈ કરનારના ભાગ્યે બેહસ્ત નહિ
પરંતુ દોજખ લખાયેલું હોય છે તેનું એજ કારણ છે. તેઓ પોતાને સત્તાધારી કિંવા હુકમદાર
માની પોતાનો અન્યાયી દોર સમસ્ત જ્ઞાતિ ઉપર ચાલુ રાખવા પ્રયત્ન કરી છુટે છે તેનું
તેમને એ ફળ મળે છે. જ્યારે સેવા ભાવને અંતરમાં રાખી કોઈથી પણ નહીં દબાતાં અંતરના
અવાજ પ્રમાણે જ્ઞાતિ હિતના કાર્યમાં અનુસરે છે તે પોતે તરી જાય છે અને બીજાને પણ
તારે છે એ સેવા ધર્મની પ્રભુતા છે, પ્રસાદી કિંવા કર્મનું ફળ છે એમ સ્વીકારવું જ જોઈએ.
મુંબઈના યુવકો તેમજ અન્ય નેતાઓની વાત ધ્યાનમાં લઈ કરાંચીના યુવકોએ એ
સેવાધર્મનું બીડું ઝડપ્યું. પરિષદ ભરવાની ખબર અને તે સાથે પધારવાના આમંત્રણો પણ
યોગ્ય ઠેકાણે મોકલાવી દીધા અને તેમને ઘણી જગ્યાએથી સધિયારો પણ મળી ચુક્યો. ઉતારાની
જગ્યાઓ, મંડપ અને રસોડાનું કાર્ય હાથ ધર્યું અને સ્વાગતમાં ખામી ન
આવે તેમજ કરાંચી યુવક મંડળ તરફથી પોતાના વિચારો પ્રદર્શિત કરે એવો એક આગેવાન જોઈએ
તે માટે “ભાઈ નાનજી પચાણને” મુકરર કરી દીધા. સભાના આગેવાન બની ઉદ્દેશ બર લાવવાની
લાયકાત ધરાવનાર તેમજ જ્ઞાતિ સુધારાની નાવ પાર ઉતારવાની લાયકાત ધરાવનાર સભાનો
પ્રમુખ જોઈએ તે માટે “માનકુવાના રાજાભાઈ ધોળુ”ને યુવકમંડળે પસંદ કર્યો. એ બંને
ભાઈઓએ પોતાનો ધર્મ કેવા પ્રકારે બજાવ્યો તેની સાક્ષી રિપોર્ટના પાના આપી રહ્યા છે.
એટલે આપણે તેમના હૃદયબળ, જ્ઞાતિ પ્રત્યેની લાગણી અને સેવાભાવનું અવલોકન કરી લઈએ.
સ્વાગત મંડળના પ્રમુખ?
ભાઈ નાનજી પચાણનું કહેવું યથાર્થ છે કે જ્ઞાતિહિતનો વિચાર કરવા કરાંચી જેવી
સભા પહેલાં કદી મળેલી જ નહિ. જગતની પ્રજામાં જાગૃતિ આવવાની અને વેગથી પ્રવૃત્તિ
ચાલી રહેલી હોવાની તેમણે વાત કરી અને આપણે તો ઊંઘીએ છીએ એ પણ તેમણે કહી દીધું
પરંતુ કઈ પ્રજા જાગે છે કે ઉંઘે છે, કિંવા જાગતું ને ઊંઘતું કોણ કેવી રીતે કહેવાય એ વાત
સમજાવવાની જરૂર હતી. કારણ આપણને તે તે વાતનું જ્ઞાન જ નથી. વિદ્યામાં કચ્છ દેશના
બંધુઓ ઘણા પછાત છે અને તેથી એ ભાઈએ સભાને પ્રશ્ન કરેલો કે “કણબી પશુ ન માનવી” તે
શું ખોટું છે ? વિદ્યા વગરના માણસ પશુ જેવા ગણાય એ સાચી વાત પરંતુ વિદ્યા
પ્રાપ્ત ન કરી હોય તેવા દરેક માણસ કંઈ પશુ જ હોતા નથી. ગાય,
ભેંસ અને બળદો જેવા પશુઓ આપણે ભલે રાખીએ અને તેમના સહવાસમાં
રહીએ તો પણ પશુ જેવા માણસ કેમ થઈ જાય ! થઇ જાય ખરા પણ ક્યારે ?
પોતાનો ધર્મ તજી અધર્મને રસ્તે ચડી જવાય ત્યારે. એ
સ્થિતિમાં પોતે સ્વીકારેલો અધમ કિંવા અધર્મયુક્ત પંથ પણ એક સતપંથ છે,
એક સાચો ધર્મ છે એવો ખોટો ડોળ જગતની આગળ પશુ જેવા માણસો ખડો
કરે છે અને જેમ જેમ તેમનો એ ડોળ વધતો જાય છે તેમ તેમ માણસાઈ ઘટતી જાય છે અને
પશુત્વ આવતું જાય છે. એટલે બુદ્ધિ વગરના અને વિચારશક્તિની ખામીવાળા ભાઈઓ ખરેખર
માની લે છે કે ઈમામશાહ તો આપણો બાવો હતો ! એના પાટ આગળ પૈસા મુકવાથી અને ક્રિયા
કરવાથી પાપ ધોવાઈ જતાં હશે અને બાવની ક્રિયા કરવાથી ગુનાહ પણ છુટી જતા હશે ! આવી
તદ્દન ગલત વાતો અને અધર્મયુક્ત ભાવનાઓ
મગજમાં બેસી જવાનું કારણ માત્ર બુદ્ધિની જ ખામી છે. મરણ પાછળના જમણોથી જે દુર્દશા
થાય એના કરતાં કાકાઓને મોજ મજાહ ઉડાડવા અને સૈયદોને કુકડાં કાપવાના કર ભરવાથી તો
પેઢી ઉતાર ચાલી જાય એવી અધમ દશા જ પ્રાપ્ત થાય. દશોંદ અને લાગાઓ જો લોક લજ્યા
તજીને પણ એવા કાર્યો માટે ભરે જઈએ તો એ પાપનું પ્રાયશ્ચિત કેટલી પેઢી સુધી કરવું
પડે? અને કદાચ આપણી કૂર્મિ ક્ષત્રિય કોમને ગીરાસ ચાસ છોડી પરદેશના ઝાડ જોવા પડ્યાં
હોય કે લાકડાં વેરી પેટ ભરવાની અધમ દશા પ્રાપ્ત થઈ હોય તો એ દશોંદ અને લાગાઓ
ભરવાનો જ પ્રભાવ છે. મરણ પાછળના જમણો, કેળવણીની ખામી અને બાળલગ્નનો રિવાજ એ બાબતો પણ કારણરૂપ હોવા
છતાં જ્ઞાતિની પાયમાલી કરનારી જે મુખ્ય વાત તેમણે કહી છે તે એ છે કે :— “આગેવાનોના
જુલમને લીધે નઠારા રીતરિવાજો ત્યાગી શકાય નહિ તેવું જ્ઞાતિ બંધન.” તે ભાઈના સમજવા
પ્રમાણે વાત સાવ સાચી છે પરંતુ ઝાલીમ કૃત્યોના જુલ્મી અને તેમણે કહ્યા છે તેવા
જ્ઞાતિના પૈસા ઉપર તાગડધિન્ના કરનારા આગેવાનો કોઈના ઉપર નાત બહાર કરવાના શસ્ત્રનો
પ્રયોગ કરે તો તેમની ખબર ન લઈ શકાય એવું તો કંઈ છે જ નહિ. જે ભાઈઓને પીરાણા પંથના
લીધે શરમાવું પડતું હોય અને મુસલમાન સૈયદોને ગુરૂ માનવા પડતા હોય તેમના મોક્ષનો
માર્ગ તો બહુ જ સીધો છે. એ રસ્તે જ ન જવું એ માર્ગને તજી દેવો એટલે પત્યું.
હિન્દુપણામાંથી ટળી જવાના પાપમાંથી છુટાય અને સ્વધર્મ સચવાય. કદાચ તેમ કરતાં
આગેવાનો નાતજાતની રાહે કનડગત ઉભી કરે તો તેમની કોર્ટની રાહે ખબર લઈ શકાય. પરંતુ
જેને પીરાણાની મિલ્કત કે ગાદીના વારસોનો લોભ હોય અને કડવા પાટીદારમાંથી ટળી જવાની
ઈચ્છા જ હોય તેમના માટે બીજો એકે માર્ગ નથી. એટલે તેમણે તો દશોંદો અને લાગા મુંગે
મોંઢે ભરે જવા અને કાકાઓને ઉડાવવાને મોજ મજાહ કરવા અજ્ઞાન ગરીબ ભાઈઓની ખરી મહેનતે
કરેલી કમાણીમાંથી ભાગ પાડવાના રાક્ષસી કૃત્યને ઉત્તેજન આપનારા રાક્ષસ તરીકે
ઓળખાવું.
નાનજીભાઈ જેવા બુદ્ધિશાળી અને જ્ઞાતિ હિતેચ્છુ માટે ઉપરોક્ત વાત સમજવી મુશ્કેલ
હોય એવું કેમ મનાય ? શું એ સમજી શકાય તેવું નથી કે એક કડવા પાટીદાર બંધુને
પીરાણાપંથના અધર્મયુક્ત રીતરિવાજો વડે અધર્મમાં જ તેને ડુબતો રાખવાનો કોઈને અધિકાર
હોઈ શકે નહિ. ગરીબ ભાઈઓ પાસેથી લાગા અને દશોંદ ઉઘરાવી હુંડીઓ મોકલવામાં અને બીજી
રીતે નાણાં હોઈયાં કરી જતાં એ આગેવાનોનું ભાન ઠેકાણે લાવતાં શી વાર ?
સ્વધર્મને પંથે જવા ઈચ્છનાર માટે સહાયતાની શી ખોટ ?
પરંતુ જ્યાં બુદ્ધિની ખામી અને પશુતાનો વાસ ત્યાં બધી વાતે
ખોટ જ હોય. એક ભણ્યા ગણ્યા કાબેલમાં ખપતા અને બુદ્ધિશાળી જેવા દેખાતા વળી
કોન્ટ્રાક્ટરના ધંધામાં ભાગીદારી ધરાવતા બંધુ સાથે મારે વાતચીતનો પ્રસંગ નીકળતા
પીરાણાની જગ્યા ઉપર પોતાનો હક્ક છે અને એ આપણી મિલ્કત છે એવો દાવો કરતાં મેં
સાંભળ્યા ! ક્યાં એક કડવા પાટીદાર અને ક્યાં ઈમામશાના વંશ જ સૈયદો અને પીરાણાના
રોજાની મિલકત ! કેટલી ભિન્નતા ! ક્યા પ્રકારની ભાવના અને બુદ્ધિમાં એ વાત ઉતરી શકે
અને ઉતરે તો સૈયદોની જમાત અને પીરાણાપંથી પાટીદારોમાં તફાવત શું?
વળી તે ભાઈને “કાકા” કે “સૈયદ” શબ્દ બોલવાનો આવતો ત્યાં
ગાદી, આચાર્ય, ગોર વગેરે જાતના શબ્દોનો પ્રયોગ કરવાના વલખાં મારવાં પડતાં
પરંતુ તેમના નસીબે બીજા ભાઈઓની હાજરી હોવાથી મેં તે પ્રસંગે તેમને કલમાના શબ્દો
યાદ કરી આપ્યા નહિ તો પણ તેમના એ મિથ્યા પ્રયત્નમાં જ્યારે જ્યારે તેમને “પીરાણા
શબ્દ બોલવો પડતો ત્યારે તેમની મુખમુદ્રા ઉપર કંઈક શ્યામ રંગનો દેખાવ થતો અને તે
પાસે બેઠેલા ભાઈઓ પણ સમજી શકતા. પીરાણાની ગાદી,
રોજો અને મિલ્કત ઉપર હક્ક ક્યા પ્રકારે કરી શકાય એનું
પ્રતિપાદન જ્યારે તે કરતા ત્યારે વાત વાતમાં જાણે તેમના ગળામાં કોઈ છૂપાઈ રહેલો
દૈવી દૂત તેમની જીભને ટુંકાવી નાંખતો હોય એવું સ્પષ્ટ રીતે જણાઈ આવતું. કેટલી
પરાધીનતા ! પોતાના અને પરાયા આત્માને
ઠગવાની એ કેટલી ધૃષ્ટતા ! પીરાણાપંથ અને તેના અંગે પોતે સ્વીકારેલા રીતરિવાજોને
હિન્દુ ધર્મમાં ઘટાવવાની એ કેટલી નીચતા! ભાઈ નાનજી શું કહે છે?
એ તે કેળવણીની ખામી કે અધમતાની પરાકાષ્ટા?
જ્યાં સુધી પરિષદના રીપોર્ટવાળા ભાષણ દ્વારા નાનજીભાઈના
હૃદયમાં પ્રવેશ કરી શકાય છે ત્યાં સુધી તો આવા પ્રકારના જ માણસો જ્ઞાતિહિત
સાધવામાં વિઘ્ન અને પાપના પુંજ રૂપે આડા પડ્યા હોય એવો તેમનો પણ અભિપ્રાય હોવો
જોઈએ અને નહીં કે માત્ર ગેઢેરા કે આગેવાનો એકલા જ એ પાપના ભાગી છે. “પીરાણા ધર્મ
જ્ઞાતિને શોભતો નથી” એમ કહેવા કરતાં ભાઈ નાનજીએ જો સ્પષ્ટ રીતે તે જ્ઞાતિના શીરે
કલંકરૂપ છે એમ કહી દીધું હોત તો તેમની નિખાલસતા અને સેવાભાવની વિશેષ કદર થઈ શકત.
તો પણ ટુંકામાં પોતાના ભાગે આવેલી ફરજ બજાવવામાં ભાઈ નાનજીએ બુદ્ધિનો કંઈક ઉપયોગ
કરી હૃદયના સાચા ઉદ્ગારો સભા સમક્ષ કહાડ્યા છે એમ કહેવું જોઈએ. જ્ઞાતિ સેવાનો
ઝંડો ઉઠાવનારે સમયને અનુસરી પોતાના અધિકાર પરત્વે સત્ય હકીકત કહેવી જ જોઈએ અને તે
એમણે ઘણે અંશે ગોળ ગોળ પણ સર્વ કહી દીધું છે એ ખાતે ભાઈ નાનજીની આપણે પ્રશંસા જ
કરવી જોઈએ. વળી સ્ત્રી વર્ગને ઉદ્દેશી તેમણે જે માનપ્રદ શબ્દોમાં વિવેકભર્યો પણ
ટુંકો — સ્ત્રી વર્ગથી ન સમજી શકાય તેવો બોધ કર્યો છે તેની પણ સ્ત્રી વર્ગ ઉપર અસર
થયા સિવાય રહી નથી અને તે આગળ જતાં ફંડની રકમો અને નામ ઉપરથી સમજાઈ આવે છે. જ્ઞાતિ
હિતમાં પછાત નહી રહેવાની તેમણે જે કબુલાત આપી છે તે કેટલે અંશે સાચી હતી તે તો
યુવક મંડળના ઈતિહાસના પાના ચિતરાય ત્યારે જ સમજાય. ભાઈ નાનજીની જાણ બહાર તો નહીં જ
હોય કે શિવાજી મહારાજ અને અર્જુન જેવા આર્ય રત્નો માતાઓના કૂખે જ ઉત્પન્ન થયેલા પણ
તેમને શિક્ષણ આપનાર આર્ય ધર્મ ઉદ્ધારક સમર્થ રામદાસજી અને શ્રીકૃષ્ણ પરમાત્મા જેવા
સર્વજ્ઞ દૈવી પુરુષો હતા, એટલે સ્ત્રીઓ કરતાં પુરૂષવર્ગે એમના જીવનમાંથી ઘણું
શીખવાનું અને કરવાનું છે. એ મહાન ગુરૂઓએ પોતાના આપ્ત વર્ગને જે કર્મયોગનું શિક્ષણ
આપેલું તેજ યોગનો યથાશક્તિ બોધ આપી મંડળના યુવકોને તૈયાર કરવાની ફરજ તેના
અધિષ્ઠાતાઓ — સેક્રેટરી કે પ્રમુખો ઉપર રહે છે. ગુરૂઓની જગ્યા મંડળમાં તેમની ગણાય
છે અને મંડળનો ઉદ્દેશ કે સિદ્ધાંત અમલમાં લાવવાની કેળવણી યુવકોને આપવાની અને તેમને
જ્ઞાતિ સેવાના કાર્યમાં તૈયાર કરવાનું જરૂરી કાર્ય ભાઈ નાનજી પચાણ જેવા આગેવાનોનું
જ છે એ વાત તે વિસારી દેશે નહીં એવી યાદ આપવા સાથે યુવક મંડળના નેતાને ધન્યવાદ આપી
આપણે વિષયમાં આગળ વધીએ.
પ્રમુખ કિંવા નેતા એટલે શું ?
પરિષદ ક્યા કારણને લઈને બોલાવવામાં આવી છે અને જ્ઞાતિ હિત સાધવા માટે કેવા
પગલાં ભરવાની જરૂર છે તેમજ તે માટે પરિષદ બોલાવનારા વર્ગ તરફથી કેટલી અને કેવા
પ્રકારની જ્ઞાતિને મદદ મળી શકે તેમ છે એ સઘળી વસ્તુ સ્વાગત મંડળના પ્રમુખ પોતાના
ભાષણમાં સઘળા ભાઈઓને સમજાવી દે છે અને ત્યાર બાદ પરિષદનું કાર્ય નિર્વિધ્ને પાર
ઉતરે અને સભાનો ઉદ્દેશ બર આવે એનો વિચાર પરિષદમાં ભાગ લેનારા સર્વ ભાઈઓ સાથે મળીને
કરે છે. પરંતુ દરેક કાર્યમાં દરેક માણસો તેમજ એક જ પ્રકારનો અભિપ્રાય ધરાવતા હોય
એવું કોઈ કાળે સંભવતું જ નથી. દરેક માણસમાં બુદ્ધિ અને સારા ખોટાનો વિચાર કરી
લેવાની શક્તિ એક જ સરખી હોઈ શકે જ નહિ એટલે દરેક ભાઈઓ ઉદ્દેશ બર લાવવા માટે જુદા
જુદા પ્રકારનો મત ધરાવતા હોય એ સંભવિત છે. છતાં ઉદ્દેશ વિરુદ્ધ ન જવાય અને ઉદ્દેશ
વહેલો ક્યા પ્રકારે બર આવે તેની તુલના કરવામાં બુદ્ધિશાળી અને અનુભવી માણસની જરૂર
પડે છે. જ્યારે મતભેદ વધી પડે કિંવા ઉદ્દેશ વિરુદ્ધ જઈ પડવાનો સંભવ હોય તે પ્રસંગે
સઘળા ભાઈઓને સીધે રસ્તે દોરી જાય અને જ્ઞાતિ હિત સાધવાનું સરળ થઈ પડે એવી
વ્યક્તિની પસંદગી પ્રથમથી જ કરવામાં આવે છે અને તે સભા બોલાવનાર કરી લે છે,
વળી સઘળા ભાઈઓની જાણ માટે સભાની તારીખ બહાર પાડવા ઉપરાંત
તેનું પ્રમુખસ્થાન ક્યા ભાઈને આપવાનું છે એ વાત પણ તેમને સાથે સાથે જ જણાવવી પડે
છે. સભામાં ભાગ લેવા આવનાર બંધુને સભાનો ઉદ્દેશ બર લાવવાની એ ઉપરથી કંઈક અટકળ પડે
છે અને દરેક મેમ્બર પોતા તરફનો જ્ઞાતિ હિતમાં ફાળો આપવા પરિષદમાં હાજરી આપે છે. આ
પ્રકારે જ્ઞાતિ હિત સાધવાના કાર્યની મુખ્ય જવાબદારી સભાના પ્રમુખના શીરે આવે છે.
મતલબ કે વખત અને પૈસાનો ભોગ આપી દુર દુરથી અગવડો વેઠી જ્ઞાતિ હિત સાધવાના ઈરાદે પોતાની ફરજ કિંવા
ધર્મ સમજી જે ભાઈઓ આવે છે તેમની આશા અને નિરાશાનો આધાર પ્રમુખની કાર્ય શક્તિ,
તેની જ્ઞાતિ ભક્તિ અને ભાઈઓ પ્રત્યેની લાગણી ઉપર રહે છે,
એટલે જે ભાઈને કાર્યવાહકો તરફથી પ્રમુખ થવાનું આમંત્રણ
કરવામાં આવે તે પ્રમુખ પોતાની જ્ઞાતિ હિત સાધવાની શક્તિ વિશે પ્રથમ વિચાર કરી લે
છે. સભાના ઉદ્દેશ અને જ્ઞાતિના વાતાવરણનો તેને સ્વાભાવિક ખ્યાલ તો હોય જ એટલે
જ્ઞાતિ હિત સાધવાનું સુકાન હાથમાં લે તે પહેલાં સમજી શકે છે કે પોતે એક પવિત્ર
નાવમાં બેસીને અન્ય ભાઈઓને પાર ઉતારવાનું કાર્ય સાધવાનું માંથે લે છે કિંવા ઈશ્વર
સાક્ષીએ જ્ઞાતિને વચન આપે છે, ફરજ સ્વીકારે છે અને નેતા તરીકે બહાર આવવાનું સાહસ ખેડે છે.
પોતાની ફરજ અદા કરવાનો માર્ગ કેટલો સહેલો કિંવા વિકટ છે એનું તો પ્રમુખને જ્ઞાન
હોય જ છતાં એક પવિત્ર કાર્ય સાધવામાં ॥ कार्य साधयामि वा देहं पतयामि ॥ એવો પાકો નિશ્ચય કરી લઈને પોતાના જ્ઞાતિ બંધુઓ માટે
સર્વસ્વનો ભોગ આપવા તૈયાર થાય છે એટલે તેનામાં જ્ઞાતિબંધુઓ દરેક પ્રકારની શ્રદ્ધા
મુકે છે, તે માગે તે પહેલાં જ પોતા તરફના શુભ આશીર્વાદ અર્પે છે,
તેના માન અને પ્રતિષ્ઠા સાચવવાની દરેક સમજુભાઈ પુરતી કાળજી
રાખે છે અને સભાના શિષ્ટાચાર મુજબ તે ભાઈ જ્યારે પરિષદના મંડપમાં પધારે ત્યારે
પોતાની પસંદગી તેમની જય બોલીને તાળીઓના અવાજથી દર્શાવે છે. છતાં એટલેથી જ પતી જતું
નથી. એ શિષ્ટાચાર સ્વાગત મંડળના પ્રમુખનું ભાષણ ખતમ થતાં બીજું સ્વરૂપ ધારણ કરે
છે. જુદા જુદા ભાગમાંથી પધારેલા ભાઈઓ પોતા તરફની પસંદગી ઠરાવ કરીને દર્શાવે છે
એટલે એક ભાઈ અમુક માણસને આપણે આ સભાના પ્રમુખ ઠરાવીએ છીએ એવી દરખાસ્ત લાવે છે અને
બીજા એ વાતને ટેકો આપે છે, એટલે પ્રમુખને સભાનું કાર્ય ઈશ્વર સાક્ષિએ પદ્ધતિ અને
ન્યાયી રીતે ચલાવવાની સત્તા આપે છે એ વાતની પ્રમુખને ખાત્રી થાય છે અને ત્યાર બાદ
પ્રમુખને કાયદેસર સભાનો ઉદ્દેશ બર લાવવાની સત્તા મળે છે. પ્રસંગોપાત પ્રમુખ પણ
પોતા તરફની ફરજ અદા કરવા બંધાય છે એવા ઉલ્લેખ સાથે દરેક ભાઈઓની મદદ પણ માગી લેવાનો
વિવેક દર્શાવે છે. ઉપર જણાવેલી સઘળી વસ્તુસ્થિતિ સભા કિંવા પરિષદ અને પ્રમુખ કિંવા
આગેવાન નેતાના અંગે ખડી થાય છે અને તે સઘળી પદ્ધતિસર કરાંચી પરિષદમાં થયેલી જોઈ
આપણા સમજુ ભાઈઓને આપણી સ્થિતિ સુધારવા તરફની જ્ઞાતિની જીજ્ઞાસા કેટલી પ્રદિપ્ત
થયેલી છે એ સમજાયા સિવાય રહેતું નથી.
પદ્ધતિસર સભાના પ્રમુખ તરીકે :—
રાજાભાઈ શામજીભાઈ ધોળુ પ્રમુખ
ગામ માનકુવાવાળાએ પોતાની ખુરશી લીધા બાદ જ્ઞાતિ પરિષદને ઉદ્દેશી જે ભાષણ
આપેલું છે તેમાં ઘણું જાણવા જેવું છે. પ્રથમ તો માનકુવા જેવા ગામના રહીશ પ્રમુખ
મેળવવા માટે કરાંચી યુવક મંડળને ધન્યવાદ ઘટે છે એમ કહેવું જોઈએ. આપણી જ્ઞાતિ પશુ
સમાન ગણાતી હતી તે થોડા વખતે અમુક દરજ્જે પહોંચી છે એવો ભાવ દર્શાવીને જ્ઞાતિમાં
પેઠેલો સડો દૂર કરવાનો જનોઈવાળા ભાઈઓ (સ્વધર્મ વર્ધક મંડળના) એ પાયો રચવાની
રાજાભાઈએ સભાને યાદ આપી છે. મતલબ કે એ પાયા ઉપર હવે ઈમારત ખડી કરવાનું કાર્ય તેમના
અને પરિષદના માથે ખડુ થાય છે. મુંબઈ, વિરાણી અને કરાંચીના યુવક મંડળોએ જે કાર્ય કર્યું છે તે
માત્ર બેજ શબ્દોમાં તેમણે કહી બતાવી યુવક મંડળોને ખાસ અન્યાય તો નહિ પરંતુ તેમની
તે યોગ્ય કદર કરી શક્યા નથી એમ કહેવું જોઈએ. વિરાણી યુવક મંડળે આગેવાનોની ઉંઘ
ઉડાડવા પ્રયત્ન કર્યો તેમાં રાજાભાઈને એ જણાયું છે કે “આગેવાનોના કુકર્મી કર્મોનો
શ્યામ પડદો ઉંચકાય છે.” યુવકોના કાર્યની તે બરાબર કદર કરી શક્યા નથી તેનું કારણ
માત્ર એટલું જ હોઈ શકે કે પીરાણા ધર્મને તેઓ વગોવતા તે પોતાથી સહન થતું નહોતું
છતાં સભા સમક્ષ પોતે એ વાતની કબુલાત આપવાની જે હિંમત કરી છે તે એમના પ્રસંગોપાતની
સમય સુચકતા પુરવાર કરવા માટે પુરતી છે. વિષયમાં પોતે જેમ ઊંડા ઉતરતા ગયેલા તેમ તેમ
પીરાણાના કાકાઓની રહેણી કરણી, સૈયદોની ડોળ અને ખુદ પીરાણા ધર્મનાં પોકળ તેમને જણાયેલા
એટલે સુધારાવાળાઓએ હૃદયબળ વાપરી સત્ય હકીકત પ્રસિદ્ધ કરી છે એવી તેમને ખાત્રી
થયાની પોતે સભાને કબુલાત આપી છે અને પીરાણા ધર્મ ખરું કહીએ તો મુસલમાની કર્મકાંડ
જેવો છે એમ પોતે જણાવી દીધું છે. પોતાના માનવા પ્રમાણે રાજાભાઈ કહે છે કે “પીરાણા
ધર્મ હિન્દુ ધર્મ તો નથી જ !” એટલે તેને માનવો કે નહિ એ વિશે પોતે તટસ્થપણું બતાવે
છે. પરંતુ અહીં અનેક શંકાઓ ઉદ્ભવે છે કે,
પીરાણા ધર્મ હિન્દુ ધર્મ શા માટે નથી એના જે કારણો પ્રમુખે
દેખાડવા જોઈએ તે વિશે રાજાભાઈએ શું કર્યું છે?
તે હિન્દુ ધર્મ નથી અને આપણી કુર્મી ક્ષત્રિય કોમને પુજવા
યોગ્ય નથી એના કારણો વિશે તેમણે ક્યાં પ્રમાણ આપ્યાં છે?
અન્ય જ્ઞાતિઓમાં આપણી જ્ઞાતિ સારું સ્થાન પામે એ જોવાની સભા
અને પોતા તરફની આતુરતા દર્શાવનાર પ્રમુખ સાહેબે જ્ઞાતિ ક્યાં કારણોને લઈ સારાથી
ઉલટું એવું નઠારું સ્થાન પામી છે એ ક્યાં દર્શાવ્યું છે?
અધમ રીતરિવાજો અને કલંકરૂપ કારણો દૂર કરવાં જોઇએ એમ પોતે
જણાવે છે પણ કયા રીતરિવાજ અધમ છે અને કલંકરૂપ કારણો ક્યાં છે તેનું દિગ્દર્શન નહીં
કરાવામાં પ્રમુખે પોતાની નબળાઈ અને ભીરૂતા બતાવી આપી છે. ગુજરાત વગેરે સ્થળે
જ્ઞાતિની સભાઓ થાય છે ત્યાં તેમણે કેળવણીની ખામી,
બાળલગ્નનો રિવાજ અને મરણ પાછળના જમણો વિશે જે સાંભળેલું તેજ
વાત ડીટેડીટો પોતાની યાદ પ્રમાણે કહી દીધી છે.
કેળવણીની ખામી એટલે માત્ર તેમના મનથી અક્ષરજ્ઞાન જ હોય એમ કહેતા સમજાય છે,
કામ ધંધાની મહેનત જોતાં આપણે દુઃખી છીએ એમ કહેવામાં આપણે
ભણ્યા નથી એટલે ધનહીન રહ્યા છીએ એવો ભાવ દેખાડે છે. પરંતુ કલેશ અને ઈર્ષ્યા તજી
નિષ્કલંક જીવન ક્યારે ગાળી શકાય? માણસમાં ઉદારતા, સજ્જનતા, આત્મૈક્ય એટલે બંધુભાવ,
નિખાલસતા, સત્યતા, નિર્વેરપણુ, સારા પ્રકારની રહેણીકરણી,
આચાર વિચાર અને સારા લક્ષણ કે સદ્ગુણ જેવા મનુષ્યને માટે
જરૂરી ગુણો માત્ર અક્ષર જ્ઞાનથી જ આવતા નથી તે તો પેઢી દર પેઢીના ધાર્મિક સંસ્કારો
અને મનુષ્યની ધાર્મિક ભાવનાઓ અને શિક્ષણ વડે જ ઉત્પન્ન થાય છે અને એજ તેને પોષે
છે.
“કુણમી મીણી ગાલીએ સારા અને ઉત્તમ અયો પણ અજો ધર્મ ન હિંદુ
તીંન મુસલમાન, મરે તડે દટાજો અને પેણે તડે ધોવા પડો.”
આ વ્યવહારિક કલમો તો રાજાભાઈના કાન ઉપર જ રોજ પડતો હશે અને એજ કારણને લઈ કદાચ
પોતાને “પીરાણા ધર્મ એ હિન્દુ ધર્મ નથી” એમ કહેવાની ટેવ પણ પડી ગઈ હશે. જોડા પડે
તો પણ ધોઆ પડે ત્યાં સુધી કલંક કેમ દૂર થાય ! અને કલંક દૂર ન થાય ત્યાં સુધી ‘કણબી
પશુ ન માનવી’ એ ઈલ્કાબ તો કાયમ જ રહે જ ! એક પણ સદ્ગુણ આવે ખરો?
કદાચ મહેનતુ ધંધાને અંગે અક્ષર જ્ઞાનથી વિશેષ લાભ થાય પરંતુ
જ્યાં સુધી ગજ કે ટેપની ડબી હાથમાં લઈ દશોંદના દોકડા ભરવાના ખાડા કેટલા ઉંડા છે
તેનું માપ કહાડી શકાય નહિ ત્યાં સુધી એ અક્ષર જ્ઞાન પણ શા કામનું?
પેથાભાઈ જેવા ઘણા ભાઈઓ ભણી ગણીને હાથમાં ટેપની ડાબડી પકડતા
થયા છે તેમાંથી એ ખાડાનું માપ કેટલાએ કહાડ્યું?
અક્ષરજ્ઞાન પ્રાપ્ત કરીને પણ પીરાણાના રોજા અને ઈમામશાની
કબરને પુજીએ, એટલે ઈમામસેની સેવીએ,
મડદાંને દાટીએ અને ધોઆ પડીએ છતાં અમે કડવા પાટીદાર અને
ઉપરથી વળી કૂર્મી ક્ષત્રિય છીએ એવો ડોળ રાખીએ એ ક્યાં સુધી નભે ! શું આ જમાનાના
લોક આંખે પાટા બાંધીને ફરતા હશે? ક્યા પ્રકારની કેળવણીની ખામી છે એ વાતથી રાજાભાઈ કદાચ
અજ્ઞાન હોય કિંવા કહી બતાવવાની તેમનામાં હિંમત ન હોય એ વાત તેમના ભાષણ ઉપરથી તરત જ
સમજાઈ આવે છે. બાળલગ્નની રૂઢી નુકસાન કારક છે એ વાતની કોઈથી ના કહી શકાય તેમ નથી
પરંતુ કચ્છ દેશના હવા પાણી અને સ્ત્રી પુરૂષોને સંસારમાં જોડાવાની હદ વગેરે જોતાં
ગુજરાત કરતાં કચ્છ દેશની જ્ઞાતિને ઓછું નુકસાન થાય છે. જે વાત ગુજરાતને લાગુ પડે
છે એટલી જ તેમણે કચ્છના અંગે પણ કરી છે પરંતુ લગ્નક્રિયાની પદ્ધતિ કેવા પ્રકારની
છે અને આગેવાનો કિંવા ગેઢેરાઓની પરાયા સ્ત્રી પુરૂષો ઉપર કેવા પ્રકાર સત્તા ચાલે
છે અને પાંચાડામાં તેના અંગે કેવા અન્યાય થાય છે એ વાત ગેઢેરાપણું કરી આવેલા
કરાંચી સભાના પ્રમુખની જાણ બહાર હોય એવું માની શકાય જ નહી અને એનો તેમણે લેશ પણ
ઉલ્લેખ કર્યો નથી એ સભાના પ્રમુખ માટે થોડું અજાયબી ભરેલું નથી ! પ્રમુખનું હૃદયબળ
અને જ્ઞાતિ ભક્તિની ત્યાં પણ એક પ્રકારની કિંમત અંકાય છે. કલંકીત અને નિષ્કલંકીત
જ્ઞાતિ સેવા બજાવાની એ સહેજે તક મળે છે જેનો રાજાભાઈએ ઈરાદાપૂર્વક ત્યાગ કરી તેમની
જય બોલનારા ભોળા ભાઈઓને ઠગવાનો જ પ્રયત્ન કર્યો સમજાય છે. મનુષ્ય જિંદગીનો પાયો
ધાર્મિક લગ્ન ક્રિયાથી નંખાય છે અને તેના ઉપર સ્ત્રી અને પુરૂષ બંને સાથે મળી
પોતાના ગૃહસ્થાશ્રમની ઈમારત ચણે છે. તેમનો એ પાયો કિંવા ઈમારત ગેઢેરાઓની એક ફુંકથી
તુટી પડે છે એ કચ્છ દેશની કડવા પાટીદાર જ્ઞાતિની સ્થિતિ છે ! તેનું કારણ શું?
એ પાયો જ મૂળે અધર્મ રૂપી રેતથી પુરાય છે એટલે કોઈ કોઈ વાર
તો ધોઆ પડતાં જ ધોવાઈ જાય છે. વળી ઈમારત પણ એવા જ પ્રકારની માટી જેવી ભાવનાથી ચણાય
છે. એટલે હળાહળ વિષથી ભરેલા નર્કાસુરોના મુખાર્વિંદની એક લહેરી આવતાં તે ઈમારત
તુટી પડે છે. શું એ વસ્તુસ્થિતિ કોઈથી અજાણી રહી છે કે રાજાભાઈના અનુભવ કે અભ્યાસ
બહારની એ વાત છે?
મરણ પાછળના જમણો કરવાથી પૈસાદાર થવાય છે એવું અમારા ગુજરાતમાં એક ગેઢેરો વાત
વાતમાં કહેતો, તે એક વેપારી હતો અને વેપારી દૃષ્ટિએ તે વાતનું સારું
પ્રતિપાદન કરતો પરંતુ આપણો મુખ્ય ધંધો તો ખેતીવાડીનો છે એ વાત જ્યારે તેને કોઈ
કહેતું ત્યારે એની તમામ દલીલો તૂટી પડતી ! કારજ કરવાથી ઘર તડકે થાય છે એ વાત સાચી
પરંતુ જે કોઈ કારજ કરીને ખર્ચ કરે તેનું ઘર જ તડકે થવા કિંવા ગજા ઉપરાંત ખર્ચ
કરનારનું થાય. એ રિવાજ કેમ દાખલ થયો તે વિશે તો અનેક અટકળો થઈ શકે છે પરંતુ એકંદરે
તે રિવાજ હાનિકારક છે એમાં કાંઈ શક નથી. કચ્છ દેશમાં આગેવાનો ફરજિયાત રીતે ગરીબોના
ઘર તડકે કરાવે છે એવું અન્ય સ્થળે બનતું નથી. આપણે જે જમીન જાગીરદાર હતા. ગરાસ ચાસ
હતો તે આપણી પાસેથી કેમ જતો રહ્યો? એવો પ્રશ્ન કરી રાજાભાઈ પુછે છે કે શું આપણે મહાન યજ્ઞ
કર્યો હતો કે તેમાં એ પૈસા ખર્ચાયા છે? રાજાભાઈના મુખમાંથી યજ્ઞ કરવાના શબ્દો સાંભળી એક જાતનું
આશ્ચર્ય થાય છે. ખાનાંમાં બેસી જારત જમનાર કચ્છ દેશની પીરાણાપંથી જ્ઞાતિને યજ્ઞ
સાથે શું લાગે વળગે છે? રાજાભાઈના સ્વપ્નામાં પણ જે શબ્દનો પ્રવેશ સંભવતો નથી તે
જાગૃત સ્થિતિમાં અને વળી સભા સમક્ષ ભાષણ દ્વારા ! કદાચ કોઈએ લખવા કે છાપવા
છપાવામાં ટાયલુ તો નહીં કર્યું હોય? ગમે તે હોય આપણે તો તેમના એ હૃદયના જ ઉદ્ગાર માની લેવાના
છે. ઘરડાઓએ મિજલસ કરવાનો શંકાસ્પદ પ્રશ્ન કદાચ યોગ્ય ગણી શકાય અને ખાનાંઓમાં
મિજલસો કરવાની કલ્પના ઘટી શકે છે. ઘરડાઓના અંગે તેમણે કહ્યો છે તેવો ગોહરજાનનો
જલસો ઘટાવાની વાત સુપુત્રો માટે યોગ્ય નથી. ત્યાર યજ્ઞ કે મિજલસોને જ ઘટાવીએ. દેવ
દેવીઓની તૃપ્તિ અર્થે અનેક પ્રકારના યજ્ઞો કરવાનું હિન્દુ શાસ્ત્રોમાં કહ્યું છે.
જેવા પ્રકારનો યજ્ઞ કરવામાં આવે તેવા પ્રકારનું ફળ પ્રાપ્ત થાય છે. પરંતુ દરેક
ગૃહસ્થાશ્રમીઓ માટે જે યજ્ઞ ઠરાવ્યો છે તે એ છે કે પોતે કરેલી પેદાશમાંથી દરેક
માણસ ગુજરાન ચલાવે અને તેના રસોડે જે રસોઈ થાય તેમાંથી ગાય,
કુતરુ, સાધુ સન્યાસી વગેરે માટે પંચ ભાગ કાઢીને પછી જમે. એજ સાચો
યજ્ઞ છે. પીરાણાપંથીઓ પોતાની પેદાશમાંથી દશોંદ કે વિશોંદ ભાગ આપે એ પણ એક જાતનો
યજ્ઞ માનીએ પણ તે ભાગ કોરીઓ જે માર્ગે વપરાય તેવું ફળ તેમને મળે. જો આગેવાનો અને
કાકાઓને એ કોરીઓના પ્રભાવે તાગડધિન્ના કરવાનો લાભ પ્રાપ્ત થાય તો એમના કર્મના અને
સૈયદોને કુકડાં કાપવા કે બીજા પ્રકારની હિંસા કરવાનું એ કોરીઓ વડે ઉત્તેજન મળે તો
તેનું ફળ અથવા એજ કોરીઓ સીધી કિંવા આડકતરી રીતે પણ જ્ઞાતિના પુત્ર પુત્રીઓ ઉપર
ત્રાસ વર્તાવનાર કિંવા જ્ઞાતિની અધોગતિ અને પાયમાલી કરનારા અને મનુષ્યમાંથી પશુત્વ
પ્રાપ્ત કરાવનારા પીરાણા પંથમાં તેમને ડૂબતા રાખવાના કાર્યને ઉત્તેજન આપવામાં
વપરાય તો એનું ફળ પણ લાગા કે દશોંદ ભરનારાઓને પ્રાપ્ત થાય જ. રાજાભાઈ કહે છે કે
જમણવારો કરવાથી આપણું ઉઠમણું થઈ ગયું છે, ખોટી લાજુ રાખવા જતાં ઈજ્જતનું લીલામ થઈ ગયું ! પીરાણા
પંથમાં વળી લોક લજ્યા કેવી? “ભાઈ લોક લજ્યા નવ રાખીએ લાજે વણસે જીવોના કામ” એ ઉપદેશની
ગોળીઓ તો રોજાના અંધારામાં ગળી ગળી ગણીને ગળી જનારને લોક લજ્યાનો ખ્યાલ સરખો પણ
ક્યાંથી સંભવે? ઉધાં જ ખેતર ખેડનાર અને ખેડાવનારને કલકત્તા,
કરાંચી કે મુંબઈના ઝાડ નહીં પણ દરિયાના ખારાં પાણીની હવા
લેવાનું પ્રાપ્ત થાય અને લાકડાં વેરવાં પડે કે પથ્થર સાથે માથાં ફોડવાં પડે તેની
નવાઈ શું? એમાં દિલગિરી શાની?
ખારાં પાણી જંગીને લોહીને ટીંપે જે પૈસા કમાયા તેમાંથી
વિશોંદ આપીએ છીએ તેનો સદુપયોગ આપણી જ્ઞાતિ હિતમાં થાય એવા ભરોસે આગેવાનોમાં
શ્રદ્ધા રાખીને આપીએ છીએ એવું રાજાભાઈએ સભાને કહ્યું છે. પરંતુ સદુપયોગ અને જ્ઞાતિ
હિત એ શબ્દોના ભાવાર્થ તરફ દૃષ્ટિ ફેરવીએ તો એ વાત સહેજે પ્રતિપાદન થઈ જાય તેવી છે
કે આપણે દૂરઉપયોગ કરવા અને જ્ઞાતિનું અહિત સાધવાના કાર્યમાં મદદ કરવા જ જાણી
બુઝીને આગેવાનોને પૈસા આપીએ છીએ. સૈયદો માંસાહારી છે એમ કબુલ કરવા છતાં તેમને પૈસા
આપવા જ નહિ એવું કહેતાં તેમને ડર લાગ્યો છે. ધન્ય છે એમની હિંમતને ! “ઈમામશા
બાવાની રહેણીકરણી જુદી હતી એટલે કદી તેમને માન આપીએ !” આ શબ્દો કરાંચી પરિષદના
પ્રમુખના હૃદય અને ભાવનો પડઘો પાડે છે. પીરાણાના રોજા ઉપરની મમતા એ સાહેબને કેટલી
બધી હશે? ઈમામશાહ એક સૈયદ અને તે વળી એમનો બાવો ! તેને માન આપીએ એટલે
પીરાણાના રોજામાં તેની કબર છે એના દર્શને જઈએ?
એવું ઠસાવાનો ભાવ જણાય છે. કાજળની કોટડીમાં પેસીએ પણ લૂગડે
કે શરીરે કાંઈ કાળાશ લાગવા દઈએ નહિ એ વાત જેવો એમનો ઉપદેશ છે. ઈમામશા દૈવી પુરુષ
હતા એમ રાજાભાઈ કહે છે. હિન્દુઓને પોતાના પંથમાં લાવવા માટે હિન્દુ ધર્મના
દેવદેવીઓ અને આર્ય રત્નોને ફાવતી રીતે વખોડી અજ્ઞાનવર્ગ પાસેથી પૈસા કઢાવી ભોળા
વર્ગને છેતરવામાં જ તેમનું દૈવીપણું હતું કે બીજું કંઈ ! જ્યારે તેના વંશ જ
સૈયદોને પીરાણા ધર્મ સાથે કંઈ લાગતું વળગતું નથી ત્યારે ઈમામશાના બનાવેલા સતપંથ (?)
સાથે કડવા પાટીદારને શું લાગે વળગે છે ! રાજાભાઈ પાસે એ
વાતનો કંઈ આધાર છે? કડવા પાટીદારની જાણ માટે ઈમામશાના દૈવીપણાની અને તેણે
સ્થાપેલા સતપંથની સત્યતા કિંવા અસત્યતાને કંઈ પોતે જાણતા હોય તે પ્રસિદ્ધ કરશે તો
કચ્છ જ્ઞાતિ ઉપર તેમનો ઉપકાર થશે. છેવટે “આ બધી હકીકતો કણબી જ્ઞાતિને શોભતી નથી”
એવું તેમણે કહ્યું છે, પણ એ હકીકતો કઈ કઈ તે એમણે જણાવી નથી. ગુજરાત માળવા ખાનદેશ,
કાઠીયાવાડ વગેરે સ્થળે તેમના કહેવા પ્રમાણે કડવા પાટીદાર
ભાઈઓ વસે છે પરંતુ તેમના અને કચ્છના પીરાણાપંથીઓ વચ્ચે જે મોટો ધાર્મિક અંતરાય છે
એ વાતનું સ્વરૂપ સભા સમક્ષ ખડુ કરતાં તેમને કદાચ ઉતરી જવા પણું દેખાયું હશે એટલે
પોતે એ વિષયને યોગ્ય રીતે ચર્ચાવી શક્યા નથી. પરંતુ એ વાત તો રાજાભાઈ જાણતા જ હોવા
જોઈએ કે જ્યાં સુધી પીરાણા પંથને તિલાંજલી આપી તે પોતે અને તેમના ભાઈઓ અધર્મયુક્ત
કર્મોના પ્રાયશ્ચિત કરી પોતાની જાતને પવિત્ર કરે નહિ ત્યાં સુધી કડવા પાટીદાર
જ્ઞાતિમાં તેમને ભેળાવું એ કેવળ અશક્ય વસ્તુ છે. પોતે જ્ઞાતિ વિસ્તારના બીજા
ભાગોમાં ભાગ લીધેલો છે અને જાણે અનુભવ મેળવ્યો છે એવો ડોળ કરતાં કહે છે કે
“પીરાણાધર્મની છાપ આપણા ઉપર ન હોય તો વખતે એવું પણ બને કે આપણી કચ્છની જ્ઞાતિ આપણા
દેશના બીજા ભાઈઓ કરતાં ઓછે દરજ્જે ગણાય નહિ.” પોતાની જ્ઞાતિને ઉંચે દરજ્જે ગણાવાનો
લોભ દરેક સાચા જ્ઞાતિ પુત્રને હોવો જ જોઇએ અને તે લોભ રાજાભાઇમાં હોય તો બેશક ખુશી
થવા જેવું છે. પરંતુ એમના એ શબ્દો કેટલા વિચિત્ર છે ! વળી તે કહે છે કે “ગુજરાત
ઈત્યાદિ દેશોમાં આપણી જ્ઞાતિમાં કદાચ કુધારા હશે તેવા આપણી કચ્છની જ્ઞાતિમાં નહિ
પણ હોય?” આ શબ્દો ઉચ્ચારીને તો પોતે જે ગેઢેરાપણું કરતા તેની સભાને
યાદી આપી હોય એવું જ દેખાય છે. એ શબ્દો સખત ટીકાને પાત્ર છે પરંતુ તેમ કરવાથી કંઈ
લાભ સાધી શકાય નહિ એટલે એ શબ્દોમાં રાજાભાઈ પ્રસંગોપાત સુધારો કરી લઈ પોતાની જાત
અને જ્ઞાતિભાઈઓને કડવા પાટીદારની હરોલમાં મુકવાને શક્તિમાન થાય એટલી જ આશા રાખીએ એ
જ ઈષ્ટ છે. છેવટે પોતે આપણા ઉપર કાળુ કલંક છે એમ કહી તે મટાડી દેવા સભાને વિનંતી
કરી ભાષણ ખતમ કરે છે.
એકંદરે જોતાં તેમના ભાષણમાંથી એટલો જ સાર નીકળે છે કે પીરાણાપંથ કિંવા ધર્મ
આપણા ઉપર કલંકરૂપ છે એટલે તેને તજી દેવો જોઈએ. પરંતુ એ વાત અજ્ઞાન વર્ગથી સમજી
શકાય એવી તેમણે ભાવના જ રાખી નથી. સ્પષ્ટ રીતે અને ખુલ્લા હૃદયે સભાના પ્રમુખે જે
હકીકત સભા સમક્ષ કહેવી જોઈએ અને જ્ઞાતિની પરિસ્થિતિ પણ સમજાવવી જોઈએ તે
કાર્યશક્તિની ખામી તેમનામાં આરપાર જણાઈ આવે છે. કદાચ ઈરાદાપૂર્વક પણ તેમણે એવી વલણ
અખત્યાર કરી હોય અને જો એ સત્ય ઠરે તો ભવિષ્યમાં તેમના નામ સાથે ક્યું વિશેષણ
જ્ઞાતિવર્ગ લગાડશે એનો વિચાર રાજાભાઈએ જ કરી લેવાનો છે. જ્ઞાતિ સેવાના કાર્યમાં
આગળ પડનાર વ્યક્તિ માટે તેની જિંદગી પર્યંત આશા રાખી શકાય એટલે તેમના પ્રત્યે
માનભરી દૃષ્ટિથી જોવું જોઈએ. માનકુવા જેવા સ્થળે રહી ગેઢેરાઈ કરી આવેલા હોવા છતાં
સભાના પ્રમુખ થવાની તેમણે જે વાત સ્વીકારી છે એજ સંતોષ માનવા જેવું છે અને તે વાત
ભુલી જવાય તો સભાએ કિંવા જ્ઞાતિએ રાજાભાઈને અન્યાય કર્યો લેખાય. ઈમામશા પ્રત્યે
તેમને માન ભલે હોય પરંતુ જ્યાં સુધી પીરાણાના રોજા અને કબર કે પીરાણાપંથી ખાનાંઓથી
અલગ રહી પોતે જ્ઞાતિ હિતનું કાર્ય સાધે જાય ત્યાં સુધી એમના પ્રત્યે દરેક ડાહ્યા
પુરૂષે માનભરી દૃષ્ટિથી જોવું જોઈએ અને પરિષદની ઉંચી બેઠકેથી તેમણે જે આશા આપી હોય
તેમાં શ્રદ્ધા રાખી તેમની પાસેથી કામ લેવું જોઈએ.
પરિષદનું શુદ્ધ સ્વરૂપ
પરિષદમાં ભાગ લેનાર દરેક ભાઈઓ પોતે શા માટે આવ્યા છે અને જ્ઞાતિ હિત સાધવા
માટે શું શું કરવાની જરૂર છે, તે સ્વાગતમંડળ અને પ્રમુખના ભાષણ ઉપરથી સમજી જાય છે. બંને
ભાઈઓના ભાષણ ઉપરથી જણાય છે કે જ્ઞાતિની જરૂરિયાત મેમ્બર વર્ગને સમજવામાં આવે એવું
તેમણે કંઈ કહ્યું નથી, જ્ઞાતિની દુઃખદ સ્થિતિનો ચિતાર મેમ્બર વર્ગ સમક્ષ રજુ
કરવામાં બંને ભાઈઓ નિષ્ફળ ગયા છે અને શ્રોતાવર્ગના હૃદય ઉપર જ્ઞાતિ હિત સાધવાની
અસર ઉત્પન્ન કરે એવું તેઓ કંઈ કરી શક્યા નથી. બુદ્ધિપૂર્વક વસ્તુસ્થિતિ શ્રોતાઓને
સમજવામાં આવે ત્યારે જ જ્ઞાતિહિત સાધવાની જરૂર સમજાય અને તે સાધવાનું પણ સરળ થઈ
જાય. બંને ભાઈઓએ જ્ઞાતિહિત સાધવાની જરૂર છે,
એટલું તો કહી દીધું છે અને એટલા પુરતો જ સંતોષ માનવાનો છે.
સભા બોલાવનાર વર્ગ અને સભાને સીધે રસ્તે ઉદ્દેશ તરફ લઈ જનાર પ્રમુખનું બોલવું
સાંભળી લઈ જુદા જુદા વિભાગમાંથી આવેલા બંધુઓ પણ પોતા તરફની વસ્તુસ્થિતિ સમજાવી શકે
એટલા માટે સભામાંથી પસંદ કરેલા મેમ્બરોની એક કમિટિ નિમવામાં આવે છે. જેને સબજેક્ટ
કમિટિ કહે છે. તે કમિટિ સભાનો ઉદ્દેશ બર લાવવા માટે જે જે જરૂરી પગલાં ભરવાના હોય
તેની ચર્ચા ચલાવી સભા સમક્ષ પોતાના વિચારો ઠરાવના રૂપમાં રજુ કરે છે.
પરિષદ અથવા જ્ઞાતિ સમાજની કાર્ય પદ્ધતિ એજ નિયમે રચાય છે અને કરાંચી પરિષદના
કાર્યવાહકોએ પણ એજ પદ્ધતિ અંગીકાર કરી સભાના કાર્યને શોભાવી તેના ગૌરવમાં વધારો
કર્યો છે. મેમ્બરની સંખ્યાના પ્રમાણમાં જોતાં સબજેક્ટ કમિટિમાં નિમાયેલા ભાઈઓની
સંખ્યા વિશેષ દેખાય છે એટલે ૬૮ ભાઈઓની એક કમિટિ નીમવામાં આવી છે અને કચ્છ દેશના
તમામ આગેવાન ગામોના ભાઈઓ તેમાં આવી ગયા છે. એટલું તો ચોક્કસ છે કે જેમ બને તેમ
વધારે ભાઈઓ કમિટિમાં આવે તેમ વધારે સારું પરંતુ તેમ કરતાં સભાના અંગે મુશ્કેલી ઉભી
થવાનો પણ સંભવ રહે છે. મતમતાંતર વધી જાય તો પક્ષા પક્ષ બંધાય અને સભાનો વખત અને
કદાચ ઉદ્દેશ પણ અફળ જાય. એવું કંઈ બન્યું નથી અને સર્વ કાર્ય સર્વાનુમતે પસાર થયું
છે એ ખુશી થવા જેવું છે. પ્રમુખ સાહેબે ઉપસંહાર કરતાં તે માટે જે ઉદ્ગાર કાઢ્યા
છે તે આપણા જેવી જ્ઞાતિ માટે શુભ આશાજનક અને ઉન્નતિની વધારે નજીક લઈ જવાની ખાત્રી
આપનારા લેખી શકાય.
ઠરાવો ઘડનારી કમિટિના કામકાજ પ્રસંગે તેમાં ચુંટાયેલા મેમ્બરો સિવાય દાખલ
કરવામાં આવતાં નથી છતાં સભાનું વાતાવરણ નિર્મળ અને શાંત દેખાયાથી પ્રમુખ અને
કાર્યવાહકોએ ઠરાવો ઘડવાના કાર્ય પ્રસંગે અન્ય બંધુઓને પણ તેમાં દાખલ કરેલા જણાય છે
એટલે લગભગ કમિટિના મેમ્બરો જેટલી સંખ્યામાં બીજા નહીં ચુંટાયેલા ભાઈઓએ પણ ભાગ લીધો
હતો. આ બનાવથી સભાનું કાર્ય ઘણું સુધરી ગયેલું સમજાય છે. ઠરાવો ઘડ્યા પછી તેને સભા
સમક્ષ રજુ કરી શકે અને તેનો હેતુ બરાબર સમજાવી શકે તેવા લાયક મેમ્બરને પસંદ કરી
તેને યોગ્ય ઠરાવ તેને રજુ કરવાનું કહેવામાં આવે છે. અને તેજ ઠરાવને અનુમોદન આપનાર
ભાઈની પણ તે કમિટિ જ પસંદગી કરી લે છે. પરંતુ જે ઠરાવો વિશે મતભેદ જ સંભવતો ન હોય
તેવા ઠરાવો પ્રમુખ તરફથી રજુ કરવામાં આવે છે અને તેમને જરૂર જણાય તો તે વિશે
વિવેચન કરે છે અને સભામાં પસાર થાય છે.
પરિષદનો ઉદ્દેશ અને કાર્ય
દરેક સભાઓના ઉદ્દેશ ઘણા મહાન હોય છે પરંતુ સંયોગો અને સમયનો વિચાર કરી જે જે
પ્રસંગે જેટલું જરૂરી અને બની શકે તેવું હોય તેટલા પ્રમાણમાં આગળ વધવાના ઠરાવો
પસાર કરવામાં આવે છે, પરંતુ એટલી વાત તો ચોક્કસ કે જ્ઞાતિહિત સાધવાનો જે ઉદ્દેશ
અને નેમ હોય તેને અનુસરતા જ ઠરાવો હોઈ શકે એટલે પરિષદનો ઉદ્દેશ સભાના ઠરાવો ઉપરથી
સમજાય છે.
૧ લો ઠરાવ — પ્રમુખ તરફથી મહારાવશ્રીનું
સહકુટુંબ દીર્ઘાયુષ્ય ઈચ્છવાને લગતો રજુ કરવામાં આવેલો તાળીઓનો અવાજ વચ્ચે પસાર
કરી સભાએ રાજભક્તિ પ્રદર્શિત કરી છે. સભાના અંગે એ ઠરાવ જરૂરી હોવાથી તે પસાર
કરવાનું વિસરી જવામાં આવ્યું નથી એ ખુશી થવા જેવું છે.
૨ જો ઠરાવ — ભાઈ રતનશી કરસન ગઢશીશાવાળાએ રજુ
કરેલો જેની મતલબ બાળલગ્નનો અધર્મયુક્ત અને હાનિકારક રિવાજ નાબુદ કરવા વિગેરે
પ્રકારની છે. બાળલગ્નથી જ્ઞાતિની કેવા પ્રકારે ખરાબી થાય છે તેનો ચિતાર રતનશીભાઈએ
એક દાખલાથી બતાવી આપ્યો છે, પરંતુ પીરાણા પંથને અંગે જે અધર્મ યુક્ત ક્રિયાઓ ખાનાના
મુખીઓના હાથે થાય છે તે સંબંધી તેમણે કંઈ કહ્યું નથી. એકંદરે જોતાં તેમણે આપેલું
દૃષ્ટાંત શ્રોતા વર્ગને બાળલગ્ન નાબુદ કરવાની જરૂર સમજાવે તેવું છે.
ભાઈ ખેતા ડોસા પોકારે એ ઠરાવને અનુમોદન આપતા લગ્ન કેવા પ્રકારના હોવા જોઈએ એ
તરફ સભાનું ધ્યાન ખેંચ્યું છે. તેમની શરૂઆતની યુક્તિ ઠીક છે પરંતુ સમર્થન જોઈએ
તેવું કરી શક્યા નથી. તેમણે શાસ્ત્રો અને વિદ્વાનોના અભિપ્રાયને માન આપવાની જરૂર
બતાવી છે, છતાં અભિપ્રાય કેવા છે તે તો કહ્યું જ નથી પરંતુ લગ્ન
સંબંધી સર્વ દેશી વિચારો સ્વીકારવાનો તેમણે જે આગ્રહ બતાવ્યો છે તે યોગ્ય જ છે.
ભાઈ શીવદાસ કાનજી સોમજીયાણીએ એ રિવાજના અંગે અંધાધુની ચાલે છે તે દર્શાવનાર એક
સચોટ દૃષ્ટાંત આપી જ્ઞાતિની પરિસ્થિતિ બરાબર સમજાવી છે અને લગ્ન જેવા શુભ ટાણે અને
ખાનગી બાબતમાં પણ ગેઢેરાઓ હાથ ઘાલવાની સત્તા ધરાવે છે અને નિચતા બતાવે છે તે પણ
એમણે ટુંકામાં સમજાવી દીધી છે અને એકંદરે જોતાં ઠરાવ પસાર કરવાની જરૂર તેમણે યોગ્ય
રીતે દર્શાવી છે એમ કહેવું જોઈએ.
ભાઈ ભાણજી ડાહ્યાએ ગાયેલી કવિતા ઠરાવને બરાબર ટેકો આપે છે. નાતની અંદર અધર્મ
રૂપી સડો પેસવાથી કુધારે ચઢી ગયા છીએ અને એ કુધારા સાચા ધર્મને પ્રવેશ થવા દેતા
નથી એ વાતથી કવિતાની શરૂઆત થાય છે. અધર્મ જો પોષાય તો જ પોતાનો સ્વાર્થ સધાય એવી
નીચ વૃત્તિના માણસો અધર્મને ધર્મના રૂપમાં ખડો કરી બાળલગ્નનું લાકડું ઘુસાડી રાખે
છે, સાચા લગ્નો કરવા દેતા નથી અને વરકન્યાની યોગ્યતાનો વિચાર કરવાની જે મુખ્ય જરૂર
તેનો તો ભોળા જ્ઞાતિભાઈઓને ખ્યાલ પણ આવવા દેતા નથી એ વાત તેમણે કવિતાની કડીઓમાં
સમાવી પટલાઈ કરનારનો દોર જ્ઞાતિ ઉપર કેવો ચાલે છે તેનું અર્થસુચક ભાન કરાવ્યું છે.
સારાસારનો વિચાર નહીં થઈ શકવાના પરિણામે કન્યાઓ દુઃખી થાય છે અને તેમને દુઃખ ઉભું
કરનાર માબાપો નર્કે જાય છે એ વાત કવિતામાં સારી રીતે ઘટાવી છે. એકંદરે ભાઈ શીવજી
અને ભાણજીએ લીધેલો પરિશ્રમ પ્રશંસાયુક્ત અને ઉત્તેજનને પાત્ર છે.
૩ જો ઠરાવ — નાયાભાઈ શીવજી વિરાણીવાળાએ,
મરણ પાછળના જમણો બંધ કરવાનો રજુ કરતાં તે રિવાજ કેટલો
ખર્ચાળ, દુર્દશા કરાવનાર, અયુક્ત અને શાસ્ત્ર વિરુદ્ધ છે એનો ચિતાર ખડો કરી ઠરાવ પસાર
કરવાની આવશ્યકતા તેમણે બતાવી આપી છે. ઠરાવના દરેક શબ્દો યોગ્ય રીતે સભા સમક્ષ રજુ
કરી, વસ્તુ સ્થિતિ સમજાવાનો તેમણે યોગ્ય માર્ગ ગ્રહણ કર્યો છે પરંતુ એ પદ્ધતિસરની
અને ખપ પુરતું જ ટુંકું ને ટચ કહી દેવાની પદ્ધતિની એ સ્થાને તો ભાગ્યે જ કદર થાય.
ઠરાવનું સમર્થન કરનારી તેમની ભાષા ગૌરવશાળી અને વિદ્વતા ભરેલી છે અને એક
જ્ઞાતિબંધુના મરણ નિમિત્તે બીજો જ્ઞાતિભાઈ જમે એ વાત કેટલી અયુક્ત અને નીચુ
જોવડાવનારી છે એ તેમણે અસરકારક રીતે સમજાવીને ઠરાવને સારી પુષ્ટી આપી છે.
રતનશીભાઈએ ઠરાવને ટેકો આપતાં એક પ્રસિદ્ધ દૃષ્ટાંત આપ્યું છે અને જ્ઞાતિમાં
ગરીબાઈ કેમ આવી ગઈ અને ઘણા ભાઈઓની ઉઠાંતરી કેમ થઈ ગઈ એ સભાને બરાબર સમજાવી દીધું
છે. આ દુર્દશાએ પહોંચાડનાર રિવાજના પ્રથમ તો પોતે જ કેવી રીતે ભોગ થઈ પડેલા અને
કેટલી મુસીબતોએ તેમાંથી છૂટેલા એ નિખાલસ દિલથી તેમણે સભાને બતાવી આપ્યું છે.
સન્માર્ગે અનુસરવાનું બીજાને કહેતાં સત્ય હકીકત છુપાવી નહીં રાખવાની ભેદભાવ વગરની
તેમની વૃત્તિ બેશક ધન્યવાદને પાત્ર લેખાય. ઠરાવ પસાર કરીને જ બેસી રહેવું નહિ
પરંતુ એવા ખરચો કરવા નહિ અને જમવા પણ જવું નહિ એ વાત તેમણે સભા સમક્ષ કહી દેવામાં
બહુ જ દીર્ઘ દૃષ્ટિ વાપરી છે અને ત્યારે જ એવાં જમણો બંધ થઈ જશે એવું તેમણે જે
કહ્યું છે ને તદ્દન સત્ય અને અનુભવસિદ્ધ કહ્યું છે. આગેવાનોનો સત્તાધારી દોર ચાલુ
હોય કિંવા નહોય તો પણ એ ઉઠાંતરી કરાવનારો રિવાજ નાબુદ કરવાની જેની શુદ્ધ નેમ હોય
તેમણે રતનશીભાઈના શબ્દોનું ખાસ મનન કરવાની જરૂર છે. કાળમિંઢ જેવા પાષાણ હૃદયના
પોતે નથી અને પોતામાં માણસપણું તો જરૂર છે એ વાત જો કોઈને બતાવી આપવી હોય તો પ્રથમ
મરણ પાછળના જમણોનો ત્યાગ કરીને જ સારી રીતે બતાવી શકાય છે.
૪ થો ઠરાવ — વિશ્રામભાઈ પાંચા વિરાણીવાળાએ
વિદ્યા પ્રાપ્ત કરવા કરાવવા સંબંધી રજુ કરતાં વગર ઈચ્છાએ આપણામાં ઈર્ષ્યા રૂપી
કેવણી આવી ગઈ છે એ જણાવ્યું છે. ઈર્ષ્યારૂપી દોષ અથવા અવગુણ કહી શકાય. કેળવણી
શબ્દની ઈર્ષ્યા સાથે સંધી કરી દેવાનો પ્રયોગ એ સ્થળે ભાષાજ્ઞાનની જો કે ખામી બતાવે
છે પરંતુ તેમ કરીને તેમણે કંઈ અનર્થ તો ઉભો કર્યો નથી. પોતાની શક્તિ અને જ્ઞાન
પ્રમાણે તેમણે વિષયનું ગાંભિર્ય બતાવાનો પ્રયત્ન કર્યો છે. એ ઈર્ષ્યારૂપી ઝેરે
પોતાનામાં કેટલેક અંશે પ્રવેશ કરેલો તેની સભા સમક્ષ કબુલાત આપી પોતાની જાતને તેમણે
નિર્દોષ કરી છે. એટલે પોતાને જે વાતનું જ્ઞાન ન હોય તે બીજા પાસેથી ગ્રહણ કરવાની
અથવા તેમના એજ આશયમાં કહીએ તો સારો માણસ એજ કહેવાય કે જેને બોલતાં આવડતું ન હોય તે
બીજાનું સાંભળવાની જરૂર સમજે તેમના એ વિચારો ઘણા ઉત્તમ છે,
વિદ્યારૂપી કેળવણી લેવાથી આપણને ક્યા પ્રકારના લાભ થાત એ
તેમણે ઠીક સમજાવ્યું છે અને તે સમજાવતાં વિષયને વ્યાવહારિક દાખલામાં ઘટાવ્યો છે.
કેળવણીના ભેદ તેમણે જુદા જુદા ગણાવ્યા છે. પરંતુ અક્ષરજ્ઞાન પુરતી જ તેમણે ચર્ચા
કરી છે છતાં એ વાત કહેવાનું તે ભુલી ગયા નથી કે મુંબઈવાળા ભાઈઓ ભણ્યા છે થોડું પણ
તેઓએ બીજા પ્રકારની કેળવણીઓ ઘણી લીધી છે. મતલબ કે મુંબઈવાળા ભાઈઓ તેમના કરતા
વિચારશ્રેણી અને બુદ્ધિમત્તામાં શ્રેષ્ઠ છે તેનું કારણ કંઈ અક્ષરજ્ઞાન જ નથી.
સભાના પ્રમુખ અને મુંબઈવાસી ભાઈઓ વિશ્રામભાઈના એ શબ્દોથી ખુશી થયા હશે પરંતુ તેમને
એ ખ્યાલ તો ભાગ્યે જ આવ્યો હશે કે કેળવણી એટલે માત્ર અક્ષર જ્ઞાન જ સમજવાનું નથી.
જેનામાં જે પ્રકારની ધાર્મિક ભાવના અને જેના જેવા સંસ્કાર તેવી તેની વિચારશ્રેણી
અને બુદ્ધિમત્તા. મુંબઈના યુવકોએ પીરાણા ધર્મને તિલાંજલી આપી દેવાનો ઠરાવ સને
૧૯૧૮માં કરેલો જ્યારે એજ મુંબઈ શહેરની હવામાં હરતા ફરતા પ્રમુખ સાહેબ સને ૧૯૨૦માં
કરાંચી પરિષદના સભ્યોને કહે છે “ઈમામશા બાવાને આપણે માન આપીએ કેમકે તેમની
રહેણીકરણી જુદી હતી, તેઓ દૈવી પુરૂષ હતા.” જાણે પોતાના એ બાવાનો રાજાભાઈને જાત
અનુભવ જ હોય ! ધાર્મિક ભાવના અને સંસ્કાર વડે જ માણસની બુદ્ધિ અને વિચારો પણ ઘડાય
છે એ વાત અહીં જ સમજાઈ આવે છે.
ખેતાભાઈએ ઠરાવને ટેકો આપતાં બીજું કંઈ બોલ્યા નથી પણ વિદ્યા ભણાવા તરફ આગેવાનો
કે ગેઢેરાઓને કેમ અરૂચિ આવે છે તે કહ્યું છે. પોતે કહે છે આગેવાનો જ્યારે ભેગા થાય
ત્યારે એવું કહે છે કે, છોકરાને ભણાવવા નહી નહી તો વિરાણીવાળા નારણની ગોડે ઉતરી જશે
અને નાતને વગોવશે ! ભાઈ વિશ્રામના એ શબ્દો સાચા જ હશે. કારણ ગધેડાના ગળામાં સાકરનો
કાંકરો ખૂંચે તેમ પીરાણાના હડુડ ભક્તો અને પંચાત કરનારા સ્વાર્થી ગેઢેરાઓની આંખમાં
એ વીરપુરૂષ ગજવેલની રજ માફક ખુંચે છે. જ્ઞાતિના લોહી ઉપર જ જીવન વિતાડનારા અધમ પુરૂષોને
ક્યાંથી ભાન હોય કે કચ્છ દેશમાં પણ આપણી જ્ઞાતિ વસે છે એવો સંદેશો તો એ વીર જ્ઞાતિ
ભક્તે જ કડવા પાટીદાર આલમને પહોંચાડ્યો છે ! એવાઓની દૃષ્ટિએ સ્વધર્મવર્ધક મંડળના
જનોઈઓવાળા ઉતરી ગયેલા જ દેખાય ! કારણ અધર્મને રસ્તે જતી જ્ઞાતિને રોકનાર બીજા કોણ?
અને એ જ્ઞાતિમાં ચરી ખાનારાઓ પશુઓના માર્ગમાં સ્થાઈ
પથરાયેલા વિધ્યાંચળ જેવા અચળ બીજા કોણ દેખાય ઉતરી જવાપણું જેના રૂંવે રૂંવે
ફરફરતું હોય, જેના મગજમાં રાતદિન અધર્મયુક્ત ભાવનાઓ જ રમી રહી હોય,
જે રહેણી—કરણીમાં છેલ્લી હદે ઉતરી જ ગયેલા હોય એને એજ દેખાય
કે જ્ઞાતિ હિતનો વિચાર કરનારા પણ સઘળા ઉતરી જ ગયેલા છે ! ખેતાભાઈ તેમજ સભાની
દૃષ્ટિએ એ વીર પુરુષ અને મુંબઈવાળા બીજા સુધારકો,
જ્ઞાતિ ઉદ્ધારક જણાય છે અને તેમણે બતાવેલા માર્ગે જવા સભાએ
ઠરાવો પસાર કર્યા છે એ થોડા સંતોષની વાત નથી.
ભાઈ રતનશી શીવજીએ ઠરાવને અનુમોદન આપતાં ખેતી જેવી સખત મજુરી કરવા છતાં પણ
જ્ઞાતિની અધમ દશા કેમ થઈ છે એ સમજાવતાં સારું નરસું નહીં સમજી શકવાનો દૃષ્ટિમાં જે
અંધકાર છવાયો છે એને કારણરૂપ લીધો છે. ભીરૂતાનો અડગ પડદો ચીરી નાંખવાની ઈશારત
કરતાં તેમણે જે કહ્યું છે તેનો એ સાર છે કે,
તેમની દૃષ્ટિએ પડતા સભાના વીર પુરૂષો ઝુંઝે તો ઉદય જલદી
થાય. કેળવણી લેવાના ઠરાવમાં કૃષિ વિષય ઘુસેડવા છતાં વિદ્યા પ્રાપ્ત કરવાની જરૂર
ભાઈ રતનશીએ ઠીક બતાવી છે.
ભાણજી ડાહ્યા રૂડાણીએ વિદ્યાના ગુણાનુવાદ કવિતાના રૂપમાં ગાઈને સભા પાસે તે
માટે મદદ માગનારી અપીલ ગુજારી છે. વિષયનું ખરું પ્રતિપાદન તો એજ કવિતામાં થયેલું
છે અને તેની પાદપૂર્તિ પણ એજ કવિતા વડે થઈ છે પરંતુ તેનું જોઈએ તેવું પરિણામ આવી
શક્યું નથી એમ સખેદ કહેવું પડે છે. કવિતાનો અંત નીચેની કડીઓથી આવે છે :—
અમે જ્ઞાતિ તણા બાળે,
દીઠી ના અન્ય
કો બારી,
તમારા ચર્ણમાં આવી,
અમે આ અર્જ ઉર
ધારી.
કવિતાના દરેક શબ્દો મનન કરવા યોગ્ય છે,
હૃદયને પીગળાવી નાંખનારી સાદી અને સરળ અરજનો ધ્વનિ જ્યારે
શ્રોતાઓના હૃદયને સ્પર્શ કરતો સભા મંડપમાંથી પસાર થતો હશે તે પ્રસંગે તેમના મનની
કેવી સ્થિતિ થઈ હશે ! વિદ્યાર્થી વર્ગની અપીલનો જવાબ દશોંદ અને લાગા ભરી ભરીને
તુટી જવાના અનુભવે ચઢેલી સભાએ કેવો આપ્યો એનો વિચાર કરીએ તો સહેજે એ વાત યાદ આવે
છે કે, વિદ્યાર્થીઓની દિલ પીગળાવનારી અપીલ તો સાચી પરંતુ પીરાણાપંથ
અને વિદ્યાને શી સગાઈ ! ગરીબ ભાઈઓના લોહી ચૂસવાના અને સૈયદોને કૂકડાં કાપવાના
અર્થે ઉત્પન્ન થતી લાખો કોરીઓનો એ માર્ગે વ્યય ક્યાંથી સંભવે?
રોજાની ગોળીઓ વડે ઠસાયેલાં ગળામાંથી વિદ્યાર્થીઓને મદદ
કરવાના ઉદ્ગાર નિકળવા કેવા ! અફસોસ બંધુઓ ! આલ ઈમામસેનીના સૈન્યમાં વિદ્યાર્થીઓનો
પોકાર કેવળ અસ્થાને નિવડેલો જોઈ સાચા કડવા પાટીદારને ખેદ થયા સિવાય રહેશે નહિ.
૫ મો ઠરાવ — ભાઈ નારણજીએ રજુ કરેલો તેની મતલબ
છુટાછેડાનો રિવાજ સદંતર નાબુદ કરવાને લગતો છે. એ ઠરાવ વાંચતાં જ તે ભાઈને તો
કમકમાટી છુટેલી તો પછી એ રિવાજનું તો પુછવું જ શું?
એ રિવાજનું કારણ જ્ઞાતિમાં બાળલગ્નો થતાં હોવાનું તેમણે
કહ્યું છે અને કજોડાં થવાના કારણે છુટાછેડા થાય છે અને એ ભાઈના કહેવા મુજબ
ગુજરાતમાં પણ એ રિવાજ છે જ. પરંતુ કચ્છ દેશમાં છુટાછેડાનો રિવાજ માત્ર બાળલગ્નના
લીધે જ અસ્તિત્વમાં હોય એવું કંઈ નથી. ગુજરાતમાં તો માત્ર કજોડાંના કારણે જ
છુટાછેડા થાય છે જ્યારે કચ્છ દેશની જ્ઞાતિમાં વર કન્યા એકબીજાનો સંબંધ કાયમ રાખવા
ઈચ્છતાં હોય છતાં જબરાઈએ તેમના છુટકા થાય છે અને તેને જ શરમાવનારું,
નિર્લજ અને અધમ કૃત્ય કહી શકાય અને એવા નિર્લજ અને ઘોર
કૃત્યો ભાઈ નારણજીની દૃષ્ટિએ આવવા માંડ્યા છે અને તેના દાખલા પણ એ ભાઈએ આપી દીધા
છે. સામા પટેલ અને મનજી પટેલ જેવા ફરિયાદી ગુજરાતમાં હોતા જ નથી,
તેમ ગુજરાતમાં કોઈ પણ ઠેકાણે નાતના આગેવાનો કે નાત મળીને
છુટાછેડા કરી શકતી જ નથી. વર કન્યા પોતે જ સમજીને કરી લે છે અને તે પણ બંનેમાંથી
કોઈને બીજો ઉપાય દેખાતો ન હોય અને વડીલોની તેમાં સંમતિ હોય ત્યારે જ ગુજરાતમાં કોઈ
ઠેકાણે કેલો નિવેડવામાં કે નાત જાતની પટલાઈ કરવામાં કોઈના ખીસ્સા ભરાતાં જ નથી,
કારણ કે કોઈની ખાનગી બાબતમાં ગુજરાતના કોઈ ગામની નાત હાથ
ઘાલી શકતી નથી. એટલે ગામ કે નાત ઉપર દોર ચલાવનારા આગેવાનો ગુજરાતમાં નથી એ વાત ભાઈ
નારણજીની જાણ બહાર ભાગ્યે જ હોઈ શકે.
આ નિર્લજ રૂઢી પ્રત્યે ભાઈ નારણજીએ જે સભા સમક્ષ તિરસ્કાર દર્શાવ્યો છે એ કાંઈ
રિવાજના જડ શબ્દોને લાગુ પડતો નથી,
પરંતુ કોને લાગુ પડે છે એ વાત ભાઈ નારણજીએ ખુલ્લે ખુલ્લી
સમજાવી હોત તો ઠીક દેખાત. લગ્નની ગાંઠને પવિત્ર શા માટે કહી શકાય,
એ વાતનું સ્પષ્ટીકરણ કરી મનુષ્ય જીવન,
પશુ જીવન કરતાં ક્યા પ્રકારે શ્રેષ્ઠ છે તે શ્રોતાઓને
સમજાવતાં બાળલગ્ન અને તેના અંગે ઉભા થતા આ નઠારા રિવાજ વગેરેથી થતી જ્ઞાતિની
પાયમાલીનો ચિતાર ખડો કરવાની ભાઈ નારણજી જેવા સંસ્કારી અને અનુભવી માણસે જરૂર હતી.
ત્યારે જ પોતાની સ્ત્રી એટલે અર્ધાંગના, અને ગૃહલક્ષ્મી એટલે શું એ વાત શ્રોતાઓના મગજમાં ઉતરી શકે.
ભાઈ નારણજીએ પોતાના એક વિદ્વાન મિત્રોના શબ્દોમાં રિવાજ પ્રત્યે જે તિરસ્કાર
બતાવનારી ભાષા વાપરી છે અને તેને વિશેષ તિરસ્કારયુક્ત બનાવવા પોતા તરફના શબ્દોનો
પણ ઉમેરો કરી પોતાનું હૈયું હળવું કરવા મથ્યા છે તે શબ્દો સર્વાંશે એ રિવાજનો
ગેરઉપયોગ કરનારા વર્ગને લાગુ પડે છે એવું શ્રોતાઓના સમજવામાં આવી ગયું હોય ત્યારે
જ એમણે લીધેલો પરિશ્રમ સફળ નીવડ્યો લેખાય,
એવા અનેક દાખલાઓ કલ્પી શકાય અને બને છે પણ ખરા કે જે
પ્રસંગે એ રિવાજ નિર્લજ અને નઠારો હોવા છતાં પરિસ્થિતિના અંગે તેને આવકાર દાયક
લેખવો પડે છે. કેટલાક પદાર્થો એવા છે કે જેનું પચન થઈ શકે નહિ અને તે ખાવાથી
પ્રાણી માત્રનું મૃત્યુ થાય. છતાં તે પદાર્થોની યોગ્ય પ્રસંગે જરૂર તો દેખાય છે જ.
પુરુષ વર્ગમાંથી જેમ કોઈ નિર્લજ પાકે છે તેમ સ્ત્રી વર્ગમાંથી પણ નિર્લજ પાકે જ
અને એ વાતને ભાઈ નારણજીની રજુઆતમાં જ ટેકો મળે છે. કુળની પ્રતિષ્ઠા બેશક સાચવવી જ
જોઈએ અને તેનું જેને ભાન હોય તે જ માણસ ગણાય પછી ભલે તે સ્ત્રી હોય કે પુરૂષ પરંતુ
એ કુળનું ભાન કોને હોય અને કુળની ભાવના ક્યારે ટકી રહે છે એ વાત ભાઈ નારણજી જેવા
વિદ્વાન પુરૂષે શ્રોતાઓને સમજાવાની ખાસ જરૂર હતી. તેમના જેવા અગ્રગણ્ય અને મુખ્ય
શિક્ષકે જ્ઞાતિના યુવક વર્ગને એ શિક્ષણ તો કક્કાની બારાક્ષરીની પેરે જ આપવું ઘટે.
સ્વધર્મ વર્ધકના એ કાર્યવાહક અને કડવા પાટીદાર કોમના અમૂલ્ય રત્નના ભાષણનું આટલું
અવલોકન કરતાં તે ભાઈને યાદ આપીશું કે :—
હતાં જે બંધનો જુઠ્ઠાં, ક્યાં તે તો તમે બુઠ્ઠાં, |
જલાવો જે રહ્યાં ઠુઠ્ઠાં, નથી જાગ્યા તમે સૂવા. |
વડાઈ વીર છે લીધી, નથી તેમાં ખરી સિદ્ધિ, |
બતાવો ટેક જે કીધી, નથી જાગ્યા તમે સૂવા. |
સજો સહુ શસ્ત્ર પ્રિતિનાં, ફુટે જો વૃક્ષ ભીતીના, |
કરાવો કાર્ય નીતિનાં, નથી જાગ્યા તમે સૂવા. |
જનેતા જાગતી જ્યોતિ, સકળના પાપ જે ધોતી, |
તમારા આંસુ એ લહોતી, નથી જાગ્યા તમે સૂવા. |
૬ ઠો ઠરાવ — કરાંચી યુવક મંડળના સેક્રેટરી ભાઈ
શીવજીએ રજુ કરેલો જેનો સાર એ છે કે આગેવાનોના જુલમને અટકાવવો અને તેનો બંદોબસ્ત
કરવો. ઠરાવ ઠીક છે પણ તે બંદોબસ્ત કરે કોણ એ પ્રશ્ન સ્વાભાવિક રીતે ખડો થાય છે.
ઠરાવમાં જણાવ્યા પ્રમાણે જ્ઞાતિ બંધુઓને આગ્રહ કરવાનો ઈરાદો અર્થ વગરનો છે,
તે માટે એક કમિટિ નિમવાની જરૂર હતી. ફંડની યોજના કરી છે એ
ડહાપણ વાપર્યું છે, તે સાથે એવા કાર્યો કરવા માટે પ્રમુખ તથા બીજાઓને બારમા
ઠરાવની રૂએ સત્તા આપી છે અને પરિષદનો ઉદ્દેશ બર લાવવાની તેમના શીરે જવાબદારી મુકી
છે, જે ભાઈઓએ એ સ્વીકારી છે તેઓ ઠરાવોનો કેવી રીતે અમલ કરી પોતાની ફરજ બજાવે છે એ
તરફ દૃષ્ટિ રાખીને જ અન્ય બંધુઓ બેસી નહીં રહેતા તેમનામાં સુસ્તી જણાય તો તે
ઉડાડવા પણ બનતું કરશે તો જ પરિષદ ભરવાનો હેતુ અને પરિશ્રમ બર આવ્યો લેખાશે.
ભાઈ શીવજીએ આગેવાનો જ્ઞાતિ સાથે કેવો વહેવાર રાખે છે એ બરાબર સમજાવ્યું છે.
વીરાણી ગામના આગેવાનો અને યુવકો તેમનું ભાન ઠેકાણે લાવવા જે પ્રયત્ન કરે છે તેની
પ્રશંસા કરી વસ્તુસ્થિતિ બરાબર સમજાવી છે,
તેમ કરવાની ખાસ જરૂર હતી. તે ઉપરાંત અધર્મો અને પાપી કૃત્યો
ઉપર ધાર્મિક ભાવનાઓ કેટલી સહેલાઈથી અને ત્વરાએ વિજય મેળવી શકે છે એ વાત શ્રોતાઓને
તેમણે સમજાવવામાં પણ ઠીક ડહાપણ વાપર્યું છે. વળી જ્ઞાતિના પુત્ર પુત્રીઓને જે જુજ
આગેવાનો સતાવીને ત્રાસ આપી રહ્યા છે તેમને કોર્ટમાં ઘસડીને સિધ્ધા કરવાની વાત
સ્પષ્ટ રીતે કહી દેવામાં કરાંચી યુવક મંડળના સેક્રેટરીની માનપ્રદ જગ્યાનું એમણે
ગૌરવ વધાર્યું છે એમ કહેવું જોઈએ. જો તેમના ભાષણ ઉપરથી જ આપણે અટકળ બાંધીએ તો ભાઈ
શીવજી એક વાર જ્ઞાતિ સુધારક અને દિલસોજ જ્ઞાતિ સેવક નીવડશે એમ કહી શકાય. જેને
કાર્યવાહકો કહેવામાં આવે છે તેમાં પણ હંમેશા સેક્રેટરીઓ જ વિશેષ લાયકાતવાળા હોય છે
અને એ વાતની સાક્ષી ભાઈ શીવજીનું ભાષણ આપે છે. જ્ઞાતિને નિષ્કલંક બનાવાનું તેમણે
બીડું ઝડપ્યું છે એટલે ઝાડની ડાળે ઉંધા માથે ટટળતી વાગોળના મનસુબા જુઠ્ઠા પાડી
બાળક બુદ્ધિ અને નાદાનીઅત અમારામાં તો નથી જ એ વાત ખાસ કરીને કરાંચી યુવક મંડળના
સેક્રેટરીએ જ્ઞાતિને દેખાડી આપવી જોઈએ. એ ભાઈના કહેવા પ્રમાણે સત્ય અને પ્રભુ
સુધારાવાળાની તરફેણમાં છે જ. પણ તે ક્યારે?
સુધારાવાળા પોતાનો ધર્મ સમજે તોજ અને ત્યારે જ પાંડવોની
સહાય જેમ શ્રીકૃષ્ણે કરી તેમ સુધારાવાળા કરાંચી યુવક મંડળની સહાયે પણ પ્રભુ આવે.
ભાઈ શીવજી અને યુવક બંધુઓએ એ વાત પણ ભુલવી
જોઈએ નહિ કે સત્યને ઓળખી પોતાના ભાગે આવેલું કર્મ બજાવા જે ભાઈઓ તૈયાર થાય
તેમને જ તે પ્રભુ સહાય કરે છે. કર્મવીર ધર્મનિષ્ટ અર્જુને શું કર્યું હતું?
તેના ભાગે ધર્મ અને કર્મનો લોપ થઈ જતો અટકાવવાની ફરજ આવેલી
અને તે ધર્મ બજાવામાં તેને પોતાના સ્નેહી સંબંધી,
ગુરૂ બાંધવ અને આર્યભૂમિના સંતોને પણ હણવાનો વિચાર કરવો
પડ્યો અને ત્યારે જ તે અમર થઈ શક્યો. વાતો કરીને બેસી રહેવાથી જ જ્ઞાતિ નિષ્કલંક
થઈ શકતી નથી એ વાત જ્ઞાતિના જે યુવકોના હૃદયમાં ઉતરશે અને એ બુદ્ધિ પૂર્વકની
માન્યતા ધરાવી જ્ઞાતિ હિતાર્થે જે બંધુ પોતાનો ધર્મ અદા કરવા અને પોતે ગ્રહણ કરેલી
સત્ય ધર્મને વળગી રહેવાની નિષ્ઠાને જો વળગી રહેશે તો તેમના જેવા સંતાન ધરાવા માટે
આ ભોળી અને વિશ્વાસુ જ્ઞાતિ બેશક મગરૂર થશે અને પ્રભુ તેમને સહાય કરશે જ.
નેત્રાવાળા ભાઈ નાનજી વિશ્રામે ઠરાવને ટેકો આપતાં જણાવ્યું છે કે આજે સભામાં
સહુ બોલે છે તેવું પહેલાં કોઈ બોલતું નહોતું. એ વાત સાચી હશે પરંતુ પરિષદના
કાર્યવાહકોએ સભાની એ વસ્તુસ્થિતિ સમજીને શું કર્યું?
તે સ્થિતિને પોષવાના કાર્યમાં સભાના પ્રમુખ અને આગેવાનો
નિષ્ફળ નિવડ્યા છે એમ ખાસ ભાર દઈને કહેવું પડે છે,
કારણ હાલની પરિસ્થિતિ એવા પ્રકારની છે કે જાણે કંઈ બન્યું જ
નથી ! પ્રમુખ અને સેક્રેટરીઓ એટલે શોભાના ગાંગડા ! તે ભાઈ કહે છે કે હવે નાત એક થઈ
છે એટલે આગેવાનો જ નાત બહાર રહેનારા છે. પરંતુ જ્યારે એ શબ્દો તે ભાઈએ ઉચાર્યા હશે
ત્યારે એમને ભાગ્યે જ ખ્યાલ હશે કે ત્યાં તો સુધારાવાળાના પુરૂષાર્થનો પણ અંત આવી
જાય છે. જોહુકમીનો દોર ક્યારે નરમ પડે? સર્વ ભાઈઓને પોતાનો ધર્મ સમજાય ત્યારે જ અને તે સમજવા
સમજાવવાની તો આ લડત જ છે, એમાં ક્યાં કોઈના ગરાસ ચાસ પડાવી લેવા છે ! એક ભાઈને પોતાનો
ધર્મ સંભાળી અધર્મને તજી દેવાનું કહેવું એમાં મુશ્કેલી કઈ ! અને જેને એમાં
મુશ્કેલી દેખાતી હોય તેણે શોભાનો ગાંગડો શા માટે બનવું જોઈએ ! ઉપર કી અચ્છી બની
ભીતરકી શાહપીર જાણે ! એના જેવો ડોળ કરી બીજાઓને છેતરવાનું પાપ તેણે શા માટે વહોરી
લેવું જોઈએ એ વાતનો દરેક કાર્યવાહકોએ વિચાર કરવો ઘટે છે.
ભાઈ કાનજી વિરાણીવાળાએ જણાવ્યું છે કે નાતમાં આગેવાનો માત્ર કોંટણપાજ કરવા
ભેગા થાય છે, સુધારાવાળાભાઈઓ ખાઈ પીને ગેઢેરાઓની વાંસે પડ્યા છે એટલે
ગેઢેરા હવે જરૂર ડાહ્યા થશે. આ ભાઈ હજી ગેઢેરાના સ્વભાવથી કંઈક અજાણ્યા દેખાય છે.
અમીની ગોળીઓ ગળવાનો સ્વાદ છુટે, નાક કપાવાની બીકે મુડદાને દાટવાને બદલે બાળવાની પ્રથા પાછી
ચાલુ કરાય, સમોસા ખાય ને જીભ કહોવાઈ જાય એટલે એ પણ છુટે અને
પીરાણામાંથી સૈયદોના હાથના ધોકા પડે એટલે કદાચ કલંકમાંથી પશુત્વમાંથી પણ છુટાય
પરંતુ નાતની પટલાઈ અને જોહુકમી ચલાવાનો મદીરામસ્ત મદ તો ત્યારે જ ઉતરે કે
ગેઢેરાઓને પેટ ભરીને પશ્ચાતાપ કરાવનારા જ્ઞાતિના વીર કર્મયોગીઓ સાથે ભેટો થાય અને
ત્યારે જ તે ડાહ્યા થાય. તે સિવાય તેમને ડાહ્યા થવાની કે કરાવાની વાત પાણી વલોવીને
માખણ ખાવાની આશા રાખવા જેવી છે એ વાત ભાઈ નાનજી અને કાનજીની કંપનીએ યાદ રાખવાની
જરૂર છે.
સુપ્રસિદ્ધ જ્ઞાતિ સુધારક ભાઈ રતનશી ખીમજીએ આ ઠરાવને ટેકો આપતા આગેવાનોની
મુખત્યારી અને સત્તા અને તે આગેવાનોમાં પણ ફક્ત ચાર જ જણા નાતને રાંકડી બનાવી એક
લાકડીએ હાંકે છે તેનો સચોટ રદીઓ આપ્યો છે. આગેવાનોના કૃત્યો ઉપર દેખરેખ રાખી
જ્ઞાતિ બંધુઓની સ્થિતિ તપાસતા રહેવાની, જ્ઞાતિ સંબંધી હિલચાલની દરેક હકીકત મેળવી તેના ઉપર સમય
પરત્વે જ્ઞાતિ બંધુઓનું ધ્યાન ખેંચવાની અને સ્વાર્થી આગેવાનો લાભ ન લઈ જાય તે માટે
જ્ઞાતિને વાકેફ રાખવાની જીજ્ઞાસા એ ભાઈમાં ઓતપ્રોત થયેલી જણાય છે. યુવક વર્ગમાં
અધ્યક્ષ પદ શોભાવાની, કિંવા તેમના નેતા બની જ્ઞાતિ હિત સાધવાની શક્તિ તેમના શબ્દે
શબ્દે ઝળકી ઊઠે છે. જ્ઞાતિ સ્વભાવના એ અભ્યાસકની વસ્તુ સ્થિતિ સમજાવનારી મીઠી ભાષા
તેના મગજની શાંતી અને સ્વબંધુઓને સુધારાના શિખરે લઈ જવાનો તનમનાટ એના રૂંવે રૂંવે
ઝળકી રહેલો દેખાય છે. શ્રોતાઓના હૃદયને જીતી લેનારી અનુભવ અને સમયોચિત દૃષ્ટાંતથી
ભરપુર વાક્ધારા એક સારા વિદ્વાનને પણ હઠાવી દેનારી જણાય છે. કચ્છ દેશની અને તેમાં
પણ અધર્મ પંથે ચડેલી અજડ સ્વભાવની જ્ઞાતિને આવા એક સંસ્કારી પુત્રની ભેટ કરવામાં
કુળદેવીનો કંઈક સંકેત હોવાનું ભાન થઈ આવે છે. અસ્તુ. તે ભાઈને હાલતો એટલું જ કહીશું
કે :—
કરો જ્ઞાતિ તણી સેવા, સુધા સમ મિષ્ટ એ મેવા, |
પડે તેવા સહી લેવા, નથી જાગ્યા તમે સૂવા. |
ભલે ખોટા કહે મોટા, વળી મોટા બને ખોટા, |
તમે છોટા થતાં મોટા, નથી જાગ્યા હવે સૂવા. |
ભાણજીભાઈ ડાહ્યાએ ઠરાવની પૂર્ણાહુતિ કરતાં એક કવિતા ગાઈ છે
તેમાં આગેવાનોના કૃત્યો અને સૈયદો તેમજ કાકાઓને જે પૈસા આપવામાં આવે છે તેનો કેવો
દુરુપયોગ થાય છે એ બતાવ્યું છે. ઠરાવ પસાર કરવાની મતલબ એ એક જ કવિતામાં સમાઈ જાય
છે, તે પદ્યમાં ઉતારી શ્રોતાઓનું ઠરાવ તરફ ધ્યાન ખેંચવાથી મુખપાઠ થઈ જતાં હંમેશા
આગેવાનોના કાર્યો તરફ દૃષ્ટિ રહ્યા જ કરે એ સ્વાભાવિક છે. એકંદરે જોતાં ભાઈ ભાણજીએ
લીધેલો પરિશ્રમ ઘણે અંશે કાર્ય સાધક લેખાય.
સ્વામી રેવાનંદજીએ છેલ્લા દિવસે શરૂઆતમાં પરમાત્માને નમસ્કાર કરી પોતાના થયેલા
કચ્છ કડવા પાટીદારોના સ્વભાવનું બ્યાન આપી તે વિશે જે જે વાતો સભામાં ચર્ચાઈ ગયેલી
અને સઘળાના અનુભવની હતી તેજ કહી દીધી છે એટલે સ્વામીજીએ પોતા તરફથી કંઈ નવીન જાણવા
જેવી હકીકત શ્રોતાઓને કહી નથી. ઉપદેશના રૂપમાં આંધળા અને ઠગની વાર્તા કહી
સંભળાવેલી અને તે કેટલે અંશે જ્ઞાતિના ભોળા પુરૂષો અને સૈયદો તેમજ કાકાઓ સાથે બંધ
બેસતી આવે છે તે બતાવ્યું છે. દૃષ્ટાંત ઠીક છે વસ્તુસ્થિતિ સાથે ઉપમા અને ઉપમેય
વધારે સ્પષ્ટ રીતે સમજાવ્યા હોત તો વધારે સારી અસર થાત. સ્વામીજી લાંબા વખતથી આ
જ્ઞાતિની ઉન્નતિ અર્થે પ્રયાસ કરે છે અને હંમેશા કરે જ જશે એ પ્રકારનું અભય આપી
તેમણે જ્ઞાતિને આભારી બનાવી છે એનો કાર્યવાહકોએ ખાસ વિચાર કરવો ઘટે છે. સ્વધર્મ
એટલે શું અને તેના સિવાય મનુષ્ય જીવનનો કંઈ અર્થ જ નથી એ વાત સ્વામીજીએ શ્રોતાઓને
જણાવાની જરૂર હતી, ધાર્મિક દૃષ્ટિએ મનુષ્ય અને પશુજીવનના ભેદ દર્શાવાની અગત્ય
સ્વામીજીની ધ્યાન બહાર જ રહી છે એ ખેદયુક્ત છે. કદાચ વિષયને ચર્ચવાનો તેમને પુરતો
સમય નહીં મળ્યો હોય એવી કલ્પના કરી શકાય છે. અધુરાં કાર્યો ઉકેલી લેવાની ધમાલમાં
સ્વામીજીના જ્ઞાનોપદેશનો લાભ લેવાની તક પ્રમુખ સાહેબે જતી કરી છે એ તેમની
કાર્યદક્ષતામાં ખામી બતાવે છે. ફંડ એકઠું કરવાની જરૂર અનિવાર્ય જ લેખાય અને તે તક
સાધવામાં આવી છે. સ્ત્રી વર્ગનું એ તરફ ખાસ ધ્યાન ખેંચવા માટે જમના બહેનને ખાસ
ધન્યવાદ ઘટે છે, શુભ સંસ્કાર અને ધાર્મિક ભાવનાઓ શું નથી કરી શકતી !
૭ મો ઠરાવ — મુડદાંને દાટવાને બદલે બાળવાનો અને
૮મો ઠરાવ — કડવા પાટીદાર પરિષદના પગલે ચાલવાનો
પ્રમુખ તરફથી રજુ કરવામાં આવ્યા છે બંને ઠરાવો ઉપર વિવેચન કરવાની જરૂર હતી.
૯મો ઠરાવ — શ્રીમંત મહારાજા ગાયકવાડનું
દીર્ઘાયુષ્ય ઈચ્છવાનો અને
૧૦મો ઠરાવ — જ્ઞાતિ ભક્ત સ્વ.કર્મવીર પુરૂષોતમભાઈ
તંત્રીએ બજાવેલી જ્ઞાતિ સેવાની નોંધ લેવાનો,
તેમના સ્મારક માટે કડવા પાટીદાર કોમે ઠરાવો પસાર કરવા છતાં
કાંઈ કાર્યસાધક પગલાં લેવાયાં નથી તે માટે ખેદ પ્રદર્શિત કરવાનો અને મહાન જ્ઞાતિ
સંસ્થાના મેમ્બરોને તે માટે ભલામણ કરી યથાશક્તિ કચ્છ જ્ઞાતિએ પણ મદદ કરવાનો ઠરાવ
પસાર થયો છે. આ છેલ્લો ઠરાવ નાયાભાઈ શીવજીએ રજુ કરેલો જેને રતનશીભાઈએ તથા યુવક
મંડળના સેક્રેટરીએ ટેકો આપેલો છે. ઠરાવની આવશ્યકતા સમજાવાની ભાગ્યે જ જરૂર છે કારણ
કે વીર જ્ઞાતિબંધુની જ્ઞાતિસેવાથી કોણ અજાણ્યું છે?
પરંતુ કડવા પાટીદાર જ્ઞાતિના આગેવાનોને એ ઋણ અદા કરવાની ફરજ
ક્યાંથી સમજાય ! એની સુપ્રસિદ્ધ ચારે દિશાની અડગ જ્ઞાતિ સેવા એજ તેનું સ્મારક
દેખાય છે ! બાળલગ્નનો અધર્મયુક્ત રિવાજ જ્ઞાતિમાં જડ ઘાલી બેઠેલો તેને જડમૂળથી
ઉખેડી નાંખવાનો એ ભાઈનો સતત પુરુષાર્થ અને તેના અંગે ઉપસ્થિત થતી પરિસ્થિતિને
પહોંચી વળવાનો ખંત, અનુભવ, જ્ઞાન અને સારાસારનો વિચાર કરી કાર્ય સાધવાની વિવેક બુદ્ધિ
અને શક્તિ તેમજ જ્ઞાતિ હિતમાં તદાકાર થઈ જવાની અને પોતાના સર્વસ્વનો ભોગ આપવાનો
સેવાભાવ આજે બીજે ક્યાં દેખાય છે? જ્ઞાતિએ બીજા ક્યા પુરૂષમાં અને ક્યા કાળે અનુભવ્યો છે?
એ મહાપુરૂષના કર્મયોગની ઝાંખી કડવા પાટીદાર જ્ઞાતિને બીજા
ક્યા સંતાનમાં અને ક્યારે થશે એની તો અત્યારે કલ્પના પણ થઈ શકતી નથી. સમસ્ત કડવા
પાટીદારની પરિષદે એ ભાઈની જ્ઞાતિસેવાના ઋણમાંથી મુક્ત થવા અને તેની સેવાની યાદગીરી
કાયમ રાખવા માટે એક સ્મારક ઉભું કરવાના ઠરાવો કર્યા છે,
પરંતુ કાર્યસાધક પગલાં ભરવામાં આવ્યાં નથી એ માટે કરાંચી
પરિષદે જે ખેદ જાહેર કર્યો છે તે વિચારવા યોગ્ય છે જ. એવી જ રીતે વળી કોઈ મુંબઈ કે
અમદાવાદી પરિષદ, કરાંચી પરિષદ માટે પણ ખેદ જાહેર કરે અને એજ વંશ પરંપરા
ચલાવી આપણી કોમ પાટીદારીનું પદ જાળવી રાખે તો નવાઈ જેવું નથી ! મોટી પરિષદના પગલે
ચાલવા પુરતા આશયથી જ કરાંચી પરિષદે એ ઠરાવ કર્યો નથી એવું જ્ઞાતિને દેખાડી આપવું
હોય અને સદ્ગતની જ્ઞાતિ સેવાનું ઋણ અદા કરવાની જરૂર કચ્છ જ્ઞાતિને ગળે ઉતરતી હોય
તો એ કાર્યના કાર્યસાધક પગલાં તેણે જ ભરી દેવાની પહેલ કરી અન્ય વિભાગના સમજુ અને
ગૃહસ્થ જ્ઞાતિબંધુઓને બતાવી આપવા જોઈએ કે કરાંચી પરિષદે કરેલો ઠરાવ અંતઃકરણ
પૂર્વકની લાગણીથી પસાર કરવામાં આવ્યો છે. અસ્તુ.
૧૧મો ઠરાવ — આગેવાનો જ્ઞાતિ પંચના પૈસાનો વહીવટ
કરે છે. તેનો હિસાબ બહાર પાડવાની તેમને વિનંતી કરવાનો અને તેઓ તેમ કરે નહીં તો
તેમની ન્યાયની કોર્ટમાં ખબર લેવાનો ઠરાવ સ્વાગત કમિટિના પ્રમુખ ભાઈ નાનજી પચાણે
રજુ કરેલો પસાર થયો છે. આ ઠરાવનો અમલ કરવા માટે જોઈતા નાણાં અને માણસોની કાર્ય
સાધક ગોઠવણ પરિષદે કરી છે. ઠરાવ તદ્દન સિધ્ધો અને ખાસ જરૂરી છે અને બિનતકરારી હોવા
છતાં પણ જેના અંગે એ કાર્ય બજાવાનું આવે છે તેમણે શું કર્યું એ તરફ ધ્યાન ખેંચાય એ
સ્વાભાવિક જ છે અને જ્ઞાતિ હિતેચ્છુઓ તેનો વિચાર કરશે જ.
૧૨મો ઠરાવ — પરિષદનો હેતુ બર લાવવા અને ઠરાવોનો
અમલ કરવાની સત્તા કરાંચી યુવક મંડળના વ્યવસ્થાપકો અને પ્રમુખને આપવાનો ઠરાવ પસાર
થયો છે એટલે તેમના માંથે એ ફરજ આવી છે તેનો જવાબ એ ભાઈઓ કેવા પ્રકારે આપે છે અને
જ્ઞાતિ ઋણમાંથી મુક્ત થાય છે એ જોવાનું છે. પરિષદે જે ભાઈઓને સત્તા આપી છે તેનો એ
અર્થ થાય છે કે પરિષદે તેમને પોતાના વિશ્વાસપાત્ર કિંવા ટ્રસ્ટીઓ ઠરાવ્યા છે. એ
જવાબદારી કઈ રીતે ઓછી ગણાય?
છેલ્લા બે ઠરાવો સભાના અંગે જેમણે મદદ કરી હોય તેમનો આભાર માનવાના છે અને એ
વિશે દર્શાવાની જરૂર હતી જ. પરિષદની બેઠકના કાર્યની પૂર્ણાહુતિ પ્રમુખ સાહેબે
કરતાં ઉપસંહારમાં જે કહ્યું છે તેનો એ સાર છે કે “જ્ઞાતિનું કાર્ય નિર્વિધ્ને પાર
પડ્યું છે એ ભગવતી ઉમિયાદેવીની કૃપા સમજું છું. સભામાં બોલનારે જાહેરમાં જે વિચારો
દર્શાવ્યા છે તેમને ધન્યવાદ આપું છું. ઢેડ ભંગીની જ્ઞાતિમાં પણ સુધારા થવા માંડ્યા
છે. જુવાનીઆઓના હૃદયમાં જ્ઞાતિ ભક્તિના અંકુરો ફુટ્યાં છે તેનું રૂડું પરિણામ આ
પરિષદમાં દેખાય છે. હવે સૈયદો ઠગીને ખાઈ જાય એમ બનશે નહિ,
આગેવાનો સાથે રહીને મેં ગેઢેરાપણું કર્યું છે,
મારા અનુભવ પ્રમાણે હું કહી શકું છું કે જ્ઞાતિમાં શુદ્ધ
ન્યાય નથી, થોડા જ આગેવાનો કલંક વગરના છે. પક્ષાપક્ષનું બંધારણ જબરજસ્ત
છે. માતાઓ અને બહેનોએ ભાગ લેવાથી આપણો વિજય થયો છે અને એવી આ અપૂર્વ ગંજાવર સભા તો
પહેલી જ છે, એક સંપ અને શુદ્ધ હૃદયના સંકલ્પો ધારેલું કાર્ય સાધી શકે
છે.” વગેરે.
પ્રમુખના છેલ્લા ઉદ્ગાર એટલે સભાજનોના મનનું સાંત્વન. પ્રમુખ સાહેબના ઉદ્ગાર
મુજબ સભાનું કાર્ય નિર્વિધ્ને પાર પડ્યું તે ખુશી થવા જેવું છે અને તે માટે
કાર્યવાહકોને ધન્યવાદ ઘટે છે. ઉમિયાદેવીની કૃપા તો બેશક ખરી જ,
કારણ માતા ઓછી જ પોતાના કોઈ ગંદા કે મેલા અને પાપી પુત્રને
ખોળામાંથી ફેંકી દે છે ! એમ કરતાં માતાને તો પોતાના માતૃધર્મ કિંવા સંતાનો
પ્રત્યેની મમતામાં ખામી આવતી દેખાય છે. જ્યારે તેના સંતાનો દુઃખથી પીડાય છે અને
તેની સ્તુતિ કરે છે ત્યારે પોતાના દીન સંતાનોનું દુઃખ જોઈ સેંકડો બલ્કે હજારો
હૃદયો, ભુજાઓ અને મસ્તકોમાં પ્રવેશ કરી તેમાં ઉન્નતિ સાધક બળ અને
બુદ્ધિ પ્રેરે છે, કૃપા કરે છે, કષ્ટો દુર કરે છે અને તેમને અવળે માર્ગે જતા અટકાવી ધર્મ
પંથે વાળે છે. દીન સંતાનોની કાકલુદી ભરેલી વાણી સાંભળી એ કુળદેવી સભાના દરેક
કાર્યવાહકોમાં અદૃશ્યરૂપે પ્રવેશ કરે છે, જ્યાં તેમની ભુલ થવાનો સંભવ હોય ત્યાંથી પાછા વાળી
સન્માર્ગે જવાની વિચાર શક્તિ બક્ષે છે, માત્ર હૃદયની શુદ્ધતા જ એ જુએ છે અને જ્યાં એ દેખાય ત્યાં
કૃપા કરી પધારે છે જ, પરંતુ સંતાનો પોતાના ધર્મમાંથી ક્યારે મુક્ત થાય છે?
સભા સમક્ષ ઉચ્ચારેલા શબ્દોને વળગી રહી પોતાના ભાગે આવેલી ફરજ
અને ધર્મ બજાવે ત્યારે જ, નહીં તો એવા માતૃદ્રોહી—જ્ઞાતિદ્રોહી સંતાનોની અધોગતિ થાય
છે, અતોત તો ભ્રષ્ટ સ્થિતિમાં કલંકિત જીવન પુરું થતાં અંતે નરકે જાય છે. તેમાં સત્ગોર
ઈમામશા કે નરઅલી મહમદશાના ગજ વાગતા નથી. અધર્મના પૂંજ પાખંડી પીરાણા પંથના
કલંકમાંથી અને તેના પોષક ગેઢેરાઓની જાળમાંથી છુટી જવાની સત્ય હકીકત પોતાના ભાઈઓની
સમક્ષ કહેવામાં ઘણાઓને જોખમ સમાયેલું દેખાય છે અને તેથી જ પોતે જ્ઞાતિના સપુત
પુત્રોને સાચી હકીકત બોલવા માટે ધન્યવાદ આપતા જણાય છે,
ઢેડ ભંગીની નાતમાં પણ સુધારા થયા છે એ વાત તેમણે ઉચ્ચારી છે
છતાં કડવા પાટીદાર જ્ઞાતિમાં સુધારા થઈ શકશે તેની ખાતરી એમનું હૃદય આપી શક્યું નથી
એ કેટલા અફસોસની વાત છે ! ઈમામસેની સૈન્યના એ એક વખતના અનુભવી નાયકને પોતાના
પુરાણા દોસ્તોના પરાક્રમ યાદ આવવાથી સત્ય હકીકત પ્રદર્શિત કરતાં ધ્રુજ વછુટી હશે?
ખૂબી એ થઈ છે કે એક તરફથી એ પરાક્રમના તાજાં સ્વપ્નાં અને
બીજી તરફથી પોતાને પ્રત્યક્ષ થતી જ્ઞાતિના સપુત યુવકોની તે સ્વપ્નાની સૃષ્ટિને
જડમુળથી ઉખેડી નાખવાની શુદ્ધ ભાવના અને પુરૂષાર્થે તેમના મનને હાલક ડોલક સ્થિતિમાં
લાવી મૂક્યું છે, એટલે તેમણે કરેલા ગેઢેરાપણાની સભા પાસે માફી માગી લેવાની
જાગૃતિ આવેલી દેખાય છે. સૈયદો જ્ઞાતિને ઠગીને ખાઈ જાય એમ બનશે જ નહિ એવું કહેવાનો
એ અર્થ છે કે જ્ઞાતિમાં જોઈએ તેવી જાગૃતિ છે,
તેમના માનવા પ્રમાણે યુવકોએ પુરૂષાર્થ પણ સારો કર્યો છે
પરંતુ તે કહેવા કરતાં તેને પોષવાનું કાર્ય કેટલું મહત્ત્વનું છે એ જણાવવું પ્રમુખ
વિસરી ગયા છે, માતાઓ અને બહેનોએ પરિષદમાં ભાગ લેવાથી કોઈને સભાનું
ગંજાવરપણું દેખાયું હોય અને વિજય પ્રાપ્ત થયેલો જણાતો હોય તો એ વાત પણ માલ વગરની જ
છે. સ્ત્રી વર્ગની મદદ જ્ઞાતિ હિતના કાર્યોમાં જરૂરની ખરી પરંતુ તે વર્ગને ઉન્નત
કરવા તેમના હિતાર્થે પરિષદે શું કર્યું છે?
પૈસા કઢાવવાનું જ કે બીજું કંઈ ! જ્ઞાતિમાં સ્ત્રી વર્ગની
કેવી કફોડી સ્થિતિ છે એનો ખ્યાલ ગેઢેરાપણું કરી આવેલા પ્રમુખ સાહેબ અને શ્રોતાઓને
હોવો જ જોઈએ. એક સંપ અને શુદ્ધ હૃદયના સંકલ્પો ધારેલું કાર્ય સાધી શકે એ વાત ઠીક
છે, પરંતુ માત્ર વાતો કરવાથી જ કે ભાષણો કરીને બેસી રહેવાથી એક સંપ થઈ જતો નથી અને
ધારેલા કાર્ય સાધી શકાતા નથી. પ્રમુખ સાહેબ એ વાત તો જાણતા જ હશે કે જ્યાં સુધી મન,
વચન અને કર્મે કરી પીરાણા ધર્મ કે પંથને ઉત્તેજન આપવાના
કાર્યથી અલગ રહેવાય ત્યાં સુધી એક માણસની ભક્તિ નિષ્કલંક ગણાય અને તે પંથને
જ્ઞાતિબંધુઓ કોઈ પણ પ્રકારે વળગી રહે એવી ભાવના પણ જેનામાં હોય તેની જ્ઞાતિ સેવા
જુઠ્ઠી, બુઠ્ઠી અધમ અને માન ખાટવા પુરતી જ એટલે કૃત્રિમ લેખાય.
જ્ઞાતિ સુધારાના કાર્યમાં આગળ પડતો ભાગ લઈ પોતે જ્ઞાતિ સેવા કરવાની જે તક સાધી
છે એ લાભ કોઈ પણ રીતે પોતે જવા દેશે નહિ. યુવક વર્ગ અને જ્ઞાતિએ તેમનામાં શ્રદ્ધા
રાખી જે માન ભરી દૃષ્ટિએ તેમના પ્રત્યે પૂજ્યભાવ દર્શાવ્યો છે એનો બદલો પોતે યોગ્ય
રીતે આપી જ્ઞાતિને અન્યાય કરવાના અઘોર પાપમાંથી મુક્ત થશે અને સભાએ જે જે ઠરાવો
કર્યા હોય તેને અમલમાં મુકવા પોતાના હિતનો કદાચ ભોગ આપવો પડે તેમ હોય તો તે આપીને
પણ એક પવિત્ર ફરજ અદા કરવાની માણસાઈ જરૂર બતાવી આપશે. અસ્તુ
ઉપસંહાર
પરિષદમાં ચાલેલા કામકાજ તેમજ પસાર થયેલા ઠરાવો અને ભાષણોનું અવલોકન કરી ગયા.
આપણી કોમ મોટે ભાગે અજ્ઞાન હોવાથી કેટલીક જગ્યાએ વિષય અને હેતુઓ સમજાવા માટે લેખને
અનુવાદનું રૂપ આપવું પડ્યું છે અને તેમ કરતાં જ્ઞાતિહિત સાધવાનો હેતુ જલદી બર આવે
એ ખાતર શુદ્ધ ભાવના રાખી ટકોર કરવાની પણ છુટ લીધી છે. ભાષણ કર્તાના વિચારો તરફ
માત્ર સંમતિ દર્શાવીને જ બેસી રહેવું, કિંવા તેની હાએ હા કરવી એ એક પ્રકારનું જેમ દૌર્બલ્ય છે તેમ
કોઈને ઉતારી પાડવા કે ચડાવી દેવાની ભાવના પોષવા,
તાણી તોષીને પણ કોઈની ખોટી પ્રશંસા કે નિંદાયુક્ત ટીકા કરવી
એ પણ દ્વેષ, ઈર્ષ્યા અને કુસંપના જ્ઞાતિમાં બીજ રોપવા સમાન છે અને તેના
જેવું બીજું કોઈ પાપ નથી, તેમ છતાં પીરાણાપંથના કલંકમાંથી મુક્ત થવું એ પરિષદનો મુખ્ય
ઉદ્દેશ હોવા છતાં જરૂર પુરતી જ પીરાણાધર્મની છેડ કરી છે. જે ધર્મમાં પવિત્ર દેવ
દેવીઓ અને આર્યસંતાનોની નિંદા જ કરી હોય, બિસમિલ્લા નર રહીમના કલમા પઢાતા હોય,
ખુદ જેના આચાર્યો જ માંસાહારી સૈયદો હોય,
રોજા અને કબરોને પગે લાગવાનું હોય,
ઘટપાટના ષડયંત્રોમાં માત્ર હિન્દુઓને પોતાના ધર્મથી વંચિત
કરી દેવાના જ ઘાટ ઘડાયા હોય તેને કોઈ હિન્દુધર્મ તરીકે ઓળખાવા માગે તો લેખકો કેટલી
છુટથી તેની ટીકા કરી શકે એ વાતનો જેને પાકો ખ્યાલ હશે તેને તો આ અવલોકનમાં ટીકા
કર્યા જેવું કંઈ લાગશે જ નહિ. આ પ્રસંગ પીરાણાધર્મ એ હિન્દુધર્મ નથી એ વાતની પોલ
બતાવાનો નથી પરંતુ આપણી જ્ઞાતિમાંથી એ સત્વર દૂર થાય એ ખાતર વ્યક્તિગત ભાષણનું
અવલોકન કરવામાં આવ્યું છે અને તેમાં પણ યોગ્ય કાળજી રાખી છે. વળી આપણે એકબીજાના
દોષ શોધ્યા કરીશું ત્યાં સુધી ઐક્ય અને પ્રેમની વૃદ્ધિ કરી શકીશું નહિ. એ વાત પણ
મારી સમજમાં બહુ અગત્યની દેખાય છે. છતાં દૌર્બલ્ય કિંવા ભીરૂતાને વશ થઈ સત્ય હકીકત
છુપાવી રાખવાની કોઈ બુદ્ધિવાન પુરૂષ ઈચ્છા રાખે જ નહિ એ તો સ્પષ્ટ છે જ.
વસ્તુ સ્થિતિનું યોગ્ય સ્વરૂપ આપણને જ્યાં સુધી સમજાય નહિ ત્યાં સુધી મતભેદ
મટી શકતો નથી એટલે પ્રમાણિક મતભેદ હંમેશા રહેવાનો જ. પરંતુ જાણી જોઈને સત્ય વસ્તુ
સમજાયા છતાં માત્ર પોતાના જ વિચારો પ્રદર્શિત કરાવા અને તે અમલમાં મુકાયેલા જોવાની
ગેઢેરા તરફની અપ્રમાણિક ખેંચતાણ થાય છે તે કેવળ અનિષ્ટ કાર્ય છે એટલા માટે ડાહ્યા
પુરૂષોએ જ્ઞાતિ હિત સાધવાના પુરૂષાર્થમાં જ હંમેશાં વળગી રહેવું જોઈએ અને જે યોજના
કિંવા કાર્ય વિશેષ ફળદાઈ દેખાય તેનો સત્વર અમલ કરવા અને કરાવા તરફ પોતાની
સહાનુભૂતિ રાખવી જોઈએ. પીરાણાના અર્ધદગ્ધ પંથે ચઢી હાથે કરીને આપણે જે અધોગતિ માગી
લીધેલી તેનો આજે આપણને પેટ ભરીને પસ્તાવો થાય છે. આપણે મુમના જેવા દેખાઈએ છીએ
કિંવા બીજી હિન્દુ જ્ઞાતિઓ આપણું નાક કાપે છે એટલા જ ખાતર જો આપણને પસ્તાવો થતો
હોય તો આજે પણ આપણી જડતા મટી નથી એમ માનવું જોઈએ અને તે મટાડવા બુદ્ધિના વિકાસ
અર્થે પુષ્કળ માનસિક ઉદ્યોગ કરવાની જરૂર છે એમ આપણે સમજવું જોઈએ. પશુ જેવી અજ્ઞાન
દશામાંથી નીકળી બુદ્ધિનો ઉપયોગ કરતાં જ્યારે આપણે શીખીશું ત્યારે જ પીરાણા ધર્મ એ હિન્દુધર્મ નથી એવું સમજાયા
ઉપરાંત પાપ અને પુણ્ય, ધર્મ અને અધર્મ, ઉંચતા અને નીચતાના ભેદ આપણા સમજવામાં આવ્યા હશે પરંતુ જ્યાં
સુધી મનુષ્ય અને પશુ જેવા વહેવારના ભેદ આપણા સમજવામાં નહિ આવ્યા હોય ત્યાં સુધી
કોઈ કાળે આપણી દુઃખદ અધોગતિ મટનારી નથી, પછી ભલે આપણે મોટા મોટા કોન્ટ્રાક્ટરના બિઝનેસ કરતા હોઈએ
કિંવા લાકડાં વહેરીને પેટ ભરતા હોઈએ. કેટલાક બુદ્ધિશાળી ભાઈઓને આજે જે ખેદ થાય છે
તે એ છે કે આપણા ભોળા ભાઈઓ અત્યાર સુધી જ્ઞાતિને પીરાણાના ગુપ્ત માર્ગમાં ઘસડી
જવાની દુષ્ટ અભિલાષા અને યોજનાને પુરેપુરી સમજ્યા નથી અને જે કોઈ સમજવા પ્રયત્ન
કરે તેના ઉપર ગેઢેરાઓનું એટલું દબાણ હોય છે કે તેઓ પોતાના મત પણ દર્શાવી શકતા નથી
! અન્ય જ્ઞાતિના સહૃદય ગૃહસ્થોને આ માન્યતા કંઈક અતિશયોક્તિ ભરેલી લાગશે પરંતુ
મારી તેમને વિનંતી છે કે :—
તેમના પ્રસંગમાં જે જે પીરાણા પંથી કોન્ટ્રાક્ટર કિંવા મજુર આવે તેને પુછીને જ
ખુલાસો કરી લેવો. હિન્દુપણાના સંસ્કાર તેમનામાં કેટલા છે એ તો વાત કરતાં જ સમજાશે
અને કોઈ પણ હિન્દુધર્મના અનુયાયીના હૃદયને ચીરી નાંખનારી ઘટપાટની ક્રિયા અને કલમા
પઢતાં એ અર્ધદગ્ધ કડવા પાટીદારની કરોડરજ્જૂ દશોંદના લાગા ભરી ભરીને કેટલી લચી ગઈ
છે એનો તરત જ ખ્યાલ આવશે. વળી એક શુદ્ધ કડવા પાટીદાર જ્ઞાતિમાંથી ટળી જઈ ન હિન્દુ
ન મુસલમાન જેવી દશા પ્રાપ્ત કરવાનો સત્ગોર ! સૈયદ ! પાસેથી ચાંદ મેળવવાની અને
પીરાણાના રોજાની મિલ્કત ઉપર હક્ક ધરાવાની તેની લાલસા કેટલી જીવતી જાગતી છે એ પણ
જણાઈ આવશે. છેવટે આપને સંતોષ પણ થશે કે એ દુઃખદાયક સ્થિતિ કેટલા ડાહ્યા પુરૂષો
સમજ્યા છે અને તેમાંથી બહાર નીકળી પોતાની કોમને નિષ્કલંક કરવા પુરૂષાર્થ પણ કરી
રહ્યા છે. અસ્તુ.
એ પુરૂષાર્થ એટલે શું? માનસિક ઉદ્યોગ મુંબઈના યુવક મંડળે મુંબઈ અને વિરાણીમાં અને
કરાંચીના યુવકોએ કરાંચી સ્થળે એ ઉદ્યોગ આરંભ્યો તેના પરિણામે અનેક સભાઓ થઈ અને
રિપોર્ટો છપાયા, આ લેખ પણ એજ ઉદ્યોગના પરિણામનું રૂપક છે. મન,
વચન અને કર્મે કરી કચ્છ દેશના કડવા પાટીદારો રાજભક્તિ
દર્શાવતા આવ્યા છે એ વાત મહારાવશ્રીની જાણ બહાર હોઈ શકે નહિ,
પરંતુ આપણા જેવી મહેનતુ અને તેમની ભોળી અજ્ઞાન પ્રજાના
સુખાર્થે મહારાજા શું કરી શકે એ વાત જો ઠરાવ દ્વારા આપણે તે નામદારના લક્ષ ઉપર
મુકી હોત તો કંઈ અયોગ્ય લેખાત નહિ. વિરાણી સભામાં ભાઈ લધા વિશ્રામે ખુદાવિંદની
હજુરમાં આપણા દુઃખો જણાવી કંઈક મુક્તિ મેળવી શકાય તેમ છે એવા વિચારો દર્શાવેલા છે
તે કરાંચી પરિષદ ગ્રહણ કરી શકી નથી, કાર્યવાહકોની જાણ બહાર એ વાત રહી ગઈ છે જે ભવિષ્યમાં સુધારી
લેવાની જરૂર છે. બાળલગ્નો હાનીકારક છે એટલે દરેક કોમ તેને તજી દેવાને આગ્રહ ધરાવે
છે પરંતુ તેનું બુરામાં બુરું પરિણામ તો કડવા પાટીદાર કોમ જ આખા જગતમાં ભોગવી રહી
છે. જે વાત તદ્દન સાચી છે. આપણે સમજ્યા છીએ છતાં એ પ્રકારના રીતરિવાજમાં ફેરફાર
કરી શકતા નથી અને દીકરા દીકરીઓના અંતઃકરણના શ્રાપ લીધે જ જઈએ છીએ એ શું આપણા મનની
ઓછી કંગાલિયત દર્શાવે છે? વરકન્યાની યોગ્યતા આપણે વિચાર્યા સિવાય વડીલો કિંવા
ગેઢેરાના બોલ ઉપાડી લેવાની ખાતર જ અયોગ્ય જોડાં જોડી કજોડાં કરીએ છીએ એ શું આપણા
મનની ઓછી નબળાઈ છે? એ તે ધર્મ છે કે અધર્મ?
આપણે પેદા કરેલા ધન કિંવા રાચરચીલા જેવી જડ વસ્તુઓનો આપણે
જેમ ભાવતો ઉપયોગ કરીએ છીએ તેમ પુત્ર પુત્રીઓના સંબંધમાં કરતા બંધ થઈએ ત્યારે જ,
“કણબી પશુ મટી માનવી ગણાય.”
ખોટી લાજુ રાખવા જતાં માબાપ પોતાના સંતાનો પ્રત્યેનો ધર્મ ભુલી જાય છે અને મુંગા
મોંઢાથી પણ બીકણ બની એકબીજાની પાછળ જ જવાની નબળાઈ બતાવે છે ! કેટલાક રિવાજનું કારણ
માની લે છે ! પરંતુ રિવાજ આપણા માટે છે. આપણે નઠારા રિવાજને જીવતો રાખવા જન્મ્યા
નથી. જે કાળે જે વર્તન આપણને યોગ્ય લાગે તેનું નામ જ રિવાજ રિવાજને જન્મ આપવો
કિંવા તેને દફે કરવો એ આપણી મનસુફીની વાત છે. આપણે કંઈ રિવાજના ગુલામ નથી તેમજ કોઈ
રિવાજ ઉપર આજીવિકા ચલાવનારાના આપણે કંઈ વેચાણ નથી,
એટલે દેશકાળને યોગ્ય આપણને હિતકર્તા રિવાજો બાંધીએ કિંવા
અહિતકર્તા રિવાજોને દફે કરીએ તેમાં કંઈ પાપ નથી પરંતુ એજ ધર્મ છે. બાળલગ્નની પ્રથા
ચાલુ રહી તેમ મરણ પાછળ માબાપનો દાડો કરવાના રિવાજનું પુંછડું પણ આપણે એટલા જ જોરથી
પકડી રાખ્યું ! ગીરાસ ચાસ ગીરો મુકાય ! ઘર તડકે થાય ! અને તેથી ખારાં પાણી જંગવાં
પડે તો પણ માબાપનો દાડો તો કરવો જ પડે અને ત્યારે જ ઈજ્જતુ રહે ! કેટલી ગજબ
મૂર્ખાઈ ભરેલી આ માન્યતા લેખાય ! અનુભવસિદ્ધ એ મૂર્ખાઈ ઘસારે ઘસારે ઓછી થતી આવે છે
પરંતુ આગેવાનો જબરાઈએ દાડો કરાવતા બંધ થઈ જાય એ ઉપાય યોજવાની તત્કાળ જરૂર છે. એક
ભાઈએ એમ કહ્યું છે કે જમાડનારને જો પુન્ય થતું હોય તો જમનાર મરનારનું પાપ ખાય છે !
વળી બીજું એવું જ સત્ય એ છે કે મરણ પાછળના શાસ્ત્રવિરુદ્ધ અને ઘર તડકે કરાવનારા
જમણ જમનાર—મરનાર અને તેના વારસોના લોહીના લાડુ જમે છે એટલે મરણ પાછળના જમણ નહીં
જમવાની પ્રતિજ્ઞા તો દરેક સમજુ ભાઈએ લેવી જ જોઈએ. ઘણા ભાઈઓ આ વાત સમજ્યા છે અને
સાથે પ્રતિજ્ઞા પણ કરી લેશે તો જ્ઞાતિનું વહેલું શ્રેય થશે.
વિદ્યા પ્રાપ્ત કરવાની જરૂર જ્ઞાતિને સમજાઈ ચૂકી છે “ભણાવીએ તો ઉતરી જાય” એવી
માન્યતાવાળા તો બાજરામાં કાંકરા જેટલા પણ
નથી એટલે એ વાતની આપણે ભીતી રાખવાની નથી. વિદ્યા પ્રાપ્ત નહીં થઈ શકવાનું સત્ય
કારણ આપણી ગરીબાઈ છે. કામ ધંધો કરવાને યોગ્ય ઉંમરે પહોંચ્યા પહેલાં બાળકો પાસેથી
કામ લેવાની જરૂર ઉભી થાય છે? આ વાત જેટલી દયા અને કરૂણાજનક સ્થિતિ બીજી કઈ હોઈ શકે?
રાજા અને પ્રજાને પોષનારી મહેનતુ પણ ઘેટાં જેવી મુંગી
પ્રજાની કોણ દયા ખાય ! આપણી મુક્તિના બે માર્ગ છે. કાં તો આપણે જમાનાને યોગ થવું
કિંવા આપણે માટે યોગ્ય જમાનો બનાવવો. જમાનો ઘડવાની શક્તિ આજે આપણામાં રહી નથી એટલે
જમાનાને યોગ્ય આપણે બનવાનું છે અને એટલા માટે જ વિદ્યા અવશ્યે પ્રાપ્ત કરવી જોઈએ.
અયોગ્ય ખર્ચો બંધ કરી આપણે યોગ્ય કરકસર કરી આપણી આર્થિક સ્થિતિ સુધારવી અને કાકા,
સૈયદો કે આગેવાનોના અર્થે લાગા અને દશોંદના દોકડા ગંગવા
કૂવામાં નહીં નાખતા પોતાની કોમના પુત્ર પુત્રીઓના હિતાર્થે વાપરવાની બુદ્ધિપૂર્વક
યોજનાઓ ઘડવી અને વળી બાળકો પાસેથી કામ લેવાના સંયોગો જે માબાપને ખડા થતા હોય તેમનો
પણ તેમાં વિચાર કરી લેવો આ કાર્ય અજ્ઞાન દશાવાળાને પહાડ જેવું મોટુ દેખાશે પરંતુ
સહૃદય બુધ્ધિવાન પુરુષો તેને સામાન્ય જ લેખશે નાતજાતની પટલાઈ કરનારા આગેવાનો તો
દરેક ઠેકાણે હોય જ છે પરંતુ અખઇ મુખી અને કરમશી જેવા ગેઢેરાઓ ભાગ્યે જ બીજે હશે !
કચ્છ જ્ઞાતિ માટે એટલું તો ચોક્કસ છે કે છઠ્ઠા ઠરાવનો જો યોગ્ય અમલ થાય તો ઘણું
ખરું દુઃખ ઓછું થઈ જાય. મડદાંને દાટવાને બદલે બાળવાના ઠરાવ સાથે પીરાણા પંથનું
કલંક ટાળી દેવાનો ઠરાવ જોઈએ તે પરિષદ કરી શકી નથી એ ઉપરથી સમજાય છે કે નામચિન્હ
ગેઢેરાઓની જ્વાળામુખી ફુંક મુંબઈ જેટલે દુર તો નહિ પરંતુ કચ્છથી કરાંચી સુધી તો
પહોંચી શકી છે. સ્વાગત મંડળથી માંડીને સ્વામી રેવાનંદજી સુધીના વક્તા પૈકી કોઈ
પીરાણા પંથને લીધે થતી અધોગતિનું ભાન કરાવાની હિંમત કરી શક્યા નથી એના જેવું
ખેદયુક્ત બીજું એક પણ નથી, પછી ભલે તે વક્તાઓની ખામી હોય કે શ્રોતાઓની સાંભળવા તરફ
નારાજી હોય પરંતુ રિપોર્ટ ઉપરથી એટલું તો સહેજે પ્રતિપાદન થઈ શકે છે કે કરાંચી
પરિષદનો ઉદ્દેશ ગર્ભમાં જ રહ્યો છે.
બંધુઓ ! પીરાણાના પાખંડી કલમા પઢતા રહી આપણાં બાળ બચ્ચાંને દેશી ખ્રિસ્તીઓની
જાત નાતમાં ભળવાનો વારસો આપતા જઈશું કે કડવા પાટીદાર કોમને યોગ્ય સન્માન મળે તેવા
સંસ્કારોથી આપણે તેમને વિભુષિત કરી ઉતરી જવાના રસ્તામાંથી મુક્ત કરતા જઈશું?
આપનું અંતઃકરણ શું કહે છે?
અંતરનો અવાજ ખોલો અને તમારી પ્રબળ ઈચ્છા શક્તિને એટલી છુટથી
વહેવા દો કે જેથી પીરાણા પાખંડની જ્ઞાતિમાંથી જડ ઉખડી જાય અને ખાનાંઓના ભુતને દફે
કરી નાખે ! સ્વાર્થમુલક ખળભળાટના પડદા નીચે છુપાઈ રહેલા તમારા પુરૂષાર્થને વધારે
જોશથી પ્રદિપ્ત કરો અને જુઓ કે તેના એક જ સપાટે ગેઢેરાઓના અંધ સ્વાર્થ અને
કુકર્મોનો અંત આવી જાય છે ! પરંતુ એટલું યાદ રાખજો કે તમારે કાર્યવાહકોમાં તો ઐક્ય
અને પ્રેમની જ્યોત બુઝાવા દેવાની નથી, એના વગરની તમારી સાધના કોઈ દિવસ ફળીભૂત થશે નહિ. બીજું પણ
કહી લઉં કે ઘણીવાર તમારા કાર્યો અને વિચારોના અજ્ઞાન બંધુઓ ભાવતા અર્થ કરશે,
કદાચ થાકી જવાશે, ખુણે પડ્યું રહેવું પડશે કિંવા નાત બહાર થઈ રહેવાના સંયોગો
પણ ખડા થશે પરંતુ તમે મનશા, વાચા અને કર્મણામાં બની શકે તેટલું ઐક્ય જ બતાવજો. પવિત્ર
ભાવનાનો કદી નાશ થતો જ નથી એ વાત તમે જરૂર સત્ય માનજો,
કેટલીયે પેઢીઓના મહાપાપ તમારે ભષ્મ કરવાના છે તેનો વિચાર
કરી જોજો, પરોપકાર બુદ્ધિ અને સત્યનિષ્ઠાથી આદરેલો પુરૂષાર્થ હંમેશા
વિજયી નીવડે છે એ વાતમાં શ્રદ્ધા રાખજો, તમારી ઉન્નતિને અંતરાયરૂપ રિવાજો કિંવા વિચારોને દફે કરવા
તમે જાતે તમારી રહેણીકરણીમાં ફેરફાર કરજો.
સ્વામી રામતીર્થજી કહે છે કે :—
“પરિવર્તન એટલે ફેરફાર એ સૃષ્ટિનો ઉગ્ર મંત્ર છે એટલે
પરિવર્તન કરો નહિ તો મરો. તમારા નસીબના સ્વામી તમે જ છો,
તમારે જોઈએ તો ભય અને નરકની અંદર અથડાતા નીચ ગુલામો રહો અને
જોઈએ તો જન્મ સિદ્ધ હક્કનો વૈભવશાળી મુકુટ ધારણ કરો તમારે ફાવે તે તમારી યોગ્યતા
પ્રમાણે પસંદગી કરો.”
ૐ શાંતિ ૐ
શાંતિ ૐ શાંતિ
અમદાવાદ
ઢાલગરવાડમાં આવેલા શ્રી અંબિકા વિજય પ્રીન્ટિંગ પ્રેસમાં
પટેલ લક્ષ્મીચંદ હીરાચંદે છાપ્યો