Akhil Bhartiya Kutch Kadva Patidar Samaj
A central organisation of Kutch Kadva Patidar Sanatan community
Akhil Bhartiya Kutch Kadva Patidar Samaj
A central organisation of Kutch Kadva Patidar Sanatan community
કચ્છ કડવા પાટીદાર ભાઈઓને કરાંચી કડવા પાટીદાર ભાઈઓ તરફથી
મોકલવામાં આવેલા
ખુલ્લા પત્રનું અવલોકન
(મરાઠી સાખી)
ધર્મ કર્મને ધોઈ નાંખ્યા,
ગાડર સમ ઝુકાવી,
ઉપરથી ઉપહાસ્ય કરાવી,
ગાંઠનું ગરથ ગુમાવી
આવી, રસમ થકી ભાવી
ભુંસ્યુ શર્મ જરી ના’વી—આવી.
લેખક : નારાયણજી રામજીભાઈ મીસ્ત્રી
ઘાટકોપર (Thana)
સંવત ૧૯૭૮
સને ૧૯૨૨
અમદાવાદ
ઢાલગરવાડમાં આવેલા શ્રી અંબિકા વિજય પ્રિન્ટીંગ પ્રેસમાં
પટેલ લક્ષ્મીચંદ હીરાચંદે છાપ્યો.
જ્ઞાતિ ભાઈઓના હિતાર્થે બહાર પડે છે ! હિન્દુધર્મના નામે ચાલતા
પીરાણા ધર્મની પોલ
એ નામનું પુસ્તક અમારા તરફથી બહાર પાડવામાં આવનાર છે. સનાતન હિન્દુ પ્રજાને
પોતાનો ધર્મ તજી દેવરાવી પીરાણા ધર્મમાં વાળવા માટે અને પીરાણા ધર્મ મુસલમાની ધર્મ
જેવો નથી એવું દેખાડવા માટે તે ધર્મના અધ્યાપકો,
ધર્મગુરૂઓ, કાકાઓ અને નેતાઓએ હિન્દુ ધર્મમાં પ્રસિદ્ધ રીતે મનાતા
અવતારો, મહાપુરૂષો અને દેવદેવીઓને પોતાના પંથમાં ઘુસાડી તેમના નામે
અનેક પ્રકારના ગપગોળા અને ખોટી વાતો ફેલાવી છે અને તેમ કરીને સદરહુ ધર્મના
પ્રસિદ્ધ અપ્રસિદ્ધ પુસ્તકો, પાઠો અને વ્યાખ્યાનોમાં હિન્દુ ધર્મમાં મનાતી,
પવિત્ર વ્યક્તિઓને ઉદ્દેશીને એવી તો અપવિત્ર અને અઘટિત રીતે
વર્ણવામાં આવી છે કે જે સાંભળીને કોઈપણ હિન્દુ ભાઈનું હૃદય દ્રવિત થયા સિવાય રહે જ
નહિ.
કચ્છ દેશમાં અને તેમાં પણ જે જ્ઞાતિમાં મારો જન્મ થયો છે ત્યાં આ ધર્મની પોલ
ચલાવી પીરાણા ધર્મના ઉપાધ્યાયો સેંકડો વર્ષોથી દર વર્ષે હજારો રૂપિયા લુંટી ખાય છે
એટલું જ નહિ પણ આડકતરી રીતે આગેવાનો મારફત જ્ઞાતિમાં ત્રાસ વર્તાવી ગરીબ વર્ગ
પાસેથી પણ દર વર્ષે પૈસા કઢાવાનો ઉદ્યોગ ચલાવતા આવ્યા છે અને અમારી શુદ્ધ ક્ષત્રિય
વર્ણને ન તો હિન્દુ ન મુસલમાન એવી તો ભ્રષ્ટ તતો ભ્રષ્ટ સ્થિતિમાં ડુબાવી રાખવાનો
પ્રયાસ કરે છે જેના ભયંકર પરિણામોએ અમારા જીવન ઉપર અસર કરી અમારી જ્ઞાતિને
દુઃખદાયક સ્થિતિમાં લાવી મુકી છે. અનેક જગ્યાએ અમારી માફક જ અન્ય જ્ઞાતિઓની સ્થિતિ
પણ આ પીરાણા ધર્મે કરી મુકી છે જે ઉપરથી આવું પુસ્તક બહાર પાડવાની કેટલી આવશ્યકતા
છે તે તો જેમણે પીરાણા ધર્મ સંબંધે કાંઈપણ જાણ્યું હશે તેને સમજાયા સિવાય રહેશે
નહિ.
આ પુસ્તકમાં પીરાણા ધર્મની ઉત્પત્તિ તથા તે ધર્મની રીતે જન્મથી મરણ પર્યંત
તેના અનુયાયીઓ માટે કરવામાં આવતી ક્રિયાઓ,
ઈમામશાહનો વંશ, ઘટપાટની ક્રિયાઓ અને એલમો તેમજ કલમાઓમાં આર્ય વ્યક્તિઓને
ઘુસેડી હિન્દુ ભાઈઓને ઉંધે રસ્તે દોરી પોતાના પંથમાં વટલાવવા માટે તેના અધ્યાપકોએ
જે જે નીચ યુક્તિઓ રચી છે તેનું યથાર્થ વર્ણન આપી અમારા હિન્દુ ભાઈઓને તેની પોલ
સ્પષ્ટ રીતે સમજાય તેવા દરેક પ્રયત્ન કરવામાં આવ્યાથી આ પુસ્તક એક અત્યુપયોગી થઈ
પડવાનો સંભવ છે.
કચ્છ દેશમાં નેત્રા ગામના એક કેશરા પટેલ કે જેમણે પીરાણા ધર્મને છોડી
સ્વામીનારાયણ પંથનો સ્વીકાર કર્યો હતો તેમને વટલાવી પોતાના ધર્મમાં જ રાખવા ખાતર
પીરાણા ધર્મને માનનારા વર્ગે જે જુલમ અને ત્રાસ વર્તાવ્યો હતો તેનો હૃદયભેદક
પ્રસિદ્ધ બનાવ પણ આ પુસ્તકમાં યોગ્ય સ્થળે આવશે. પુસ્તક સંબંધી બીજી માહિતી નીચેના
ઠેકાણેથી મળશે.
સેક્રેટરી “શ્રી કચ્છ કડવા પાટીદાર યુવક મંડળ” રણછોડ લાઈન — કરાંચી.
લેખક — નારાયણજી રામજીભાઈ કોન્ટ્રાક્ટર |
ઠે. ઉંમરશી રાયશીના કમ્પાઉન્ડમાં, |
ઘાટકોપર (Thana) |
શ્રી કચ્છ કડવા પાટીદાર ભાઈઓને — કચ્છના કરાંચી નિવાસી
કડવા પાટીદાર ભાઈઓની સભા તરફથી મોકલવામાં આવેલા
ખુલ્લા પત્રનું અવલોકન
યુવક મંડળની સહીવાળો ખુલ્લો પત્ર મારા વાંચવામાં આવ્યા પછી મારા હૃદયમાં અનેક
જાતના અવનવા વિચારો આવ્યા કરે છે. હું નથી સમજી શકતો કે કરાંચી નિવાસી મારી
જ્ઞાતિના વિદ્વાન મિત્રો કઈ દિશા તરફ ઘસડાઈ ગયા છે તેનું તેઓને કશું ભાન રહ્યું છે
કે નહીં તે કંઈ સમજી શકાતું નથી.
યુવક બંધુઓના ખુલ્લા પત્રમાં જણાવેલું છે કે : જ્ઞાતિના આગેવાનોએ સૈયદ કોમને
આપણી જ્ઞાતિ પાસે આવતા બંધ કર્યા છે છતાં અજ્ઞાન અને ભોળા લોકો હજુ શ્રદ્ધાથી
સૈયદોને તેડાવે છે. એ પ્રમાણે કરાંચીમાં દશથી બાર સૈયદો છ મહિનાની મુદ્દતમાં આવી
ગયા છે. તેથી સુધારક ભાઈઓને ઘણું માઠું લાગ્યું છે અને આગેવાનો સાથે કરેલી શરત
પ્રમાણે પીરાણા ધર્મ તેમજ આગેવાનોની ટીકા કરવાનું યુવક મંડળે મોકુફ રાખેલ છે. હજુ
સુધી આગેવાનોએ સુધારો કર્યાનું કંઈ સંભળાતું નથી. સુધારો કર્યામાં ફક્ત ગઈ સાલમાં
જે ભાઈઓએ પોતાના છોકરાઓના લગ્ન વેદવિધિથી કરેલ છે તેઓને નાતબાર કર્યા છે અને દંડ
લીધા છે તે સિવાય બીજો કશો સુધારો આગેવાનોએ કર્યો નથી. કરાંચી મંડળના ભાઈઓએ મમત
કર્યાથી વેદ વિધિ પ્રમાણે લગ્ન કરવાના હઠાગ્રહથી કેટલાક ભાઈઓના છોકરાંઓના લગ્ન થતા
અટક્યા છે અને સૈયદોને જાણે છુટ મળી હોય તેમ દેશમાં અને કરાંચીમાં કણબી ભાઈઓની
સાથે પીરાણા ધર્મનો બોધ કરવાનું સૈયદોએ ચાલુ રાખવાથી સુધારક ભાઈઓને છાપુ છપાવવાની
પરાણે ફરજ પડી છે. જેથી આગેવાનોને વિનંતી કરે છે કે ખુલ્લો પત્ર વાંચ્યા પછી
વિચારીને આગેવાનો સુધારો કરવાની કોશીશ કરશે એવી ખાસ ભલામણ કરાંચીનું યુવક મંડળ કરે
છે.
લેખની શરૂઆતમાં સુધારક ભાઈઓ જણાવે છે કે શું હજી આપણી જ્ઞાતિમાં સૈયદોની જરૂર
છે? હું મારા વિદ્વાન મિત્રોને પૂછું છું કે શું પ્રથમ આપણી જ્ઞાતિને સૈયદોની જરૂર
હતી? મારા ધારવા પ્રમાણે અને સમજવા પ્રમાણે તો પ્રથમ તેમજ હમણાં કોઈ વખતે પણ
સૈયદોની જરૂર નહોતી. ફક્ત એક જ વાતે સૈયદોની જરૂર હતી અને તે એ કે જ્યાં સુધી તેઓ
પાકા મુમના અથવા મુસલમાની અર્ધદગ્ધ ધર્મની રાહત ઉપર ન આવી જાય ત્યાં સુધી જેને
પીરાણા કબ્રસ્તાની ધર્મ ઉપર શ્રદ્ધા છે તેને તો સૈયદોની ખાસ જરૂર હતી અને છે.
પરંતુ કરાંચીવાસી ભાઈઓને હવે સાફ જ જણાયું છે કે આપણી જ્ઞાતિ હવે બરોબર પીરાણા
અર્ધદગ્ધ કબ્રસ્તાની ધર્મની અનુયાયી થઈ રહી છે જેથી તેઓને હવે સૈયદોની જરૂર જણાતી
નથી તેથી જ તેને આપણી જ્ઞાતિ સાથેના સંબંધમાંથી કાઢી નાંખવાની ભારે જહેમત ઉઠાવી
રહ્યા છે. પીરાણા અર્ધદગ્ધ ધર્મની જાણે આપણી જ્ઞાતિને ઘણી જ જરૂરિયાત ન હોય તેવી
રીતે તેના માટે પીરાણાની ગાદીના અધ્યક્ષ લક્ષ્મણ કાકા આચાર્યશ્રી સર્વે ઉપમા લાયક
હોય તો પણ તેનો બચાવ કરવા તેમજ પીરાણા કબ્રસ્તાની ધર્મ અને પીરાણા ધર્મની જાગીરનો
કબજો લક્ષ્મણ કાકા પાસે રહે તેના માટે આગેવાનોને સમજાવે છે કે ત્રણસો ચારસો વર્ષથી
પીરાણાની ગાદી ઉપર આપણી જ્ઞાતિનો નિમાયેલ અધ્યક્ષ થઇને બેસે છે,
તેજ પ્રમાણે હમણાં જે ગાદી ઉપર લક્ષ્મણ કાકો બીરાજે છે તે
પણ આપણી જ્ઞાતિએ જ નિમેલ છે. એવો પુરાવો આપીને કાકો ગમે તેવો પ્રપંચી હોય,
સ્વાર્થી હોય પૈસાનો ગમે તેવો ખોટે રસ્તે વ્યય કરતો હોય તો
પણ તેને ટકાવી રાખવા આગેવાનોને મજબૂત રીતે કરાંચીના સુધારક ભાઈઓ ખાસ અપીલ કરે છે.
વિશેષમાં કણબી આગેવાનોને સુધારક ભાઈઓ જણાવે છે કે સૈયદોએ કાકાશ્રીને નોટીસ આપીને
જણાવ્યું છે કે પીરાણાની મિલકત સૈયદોની છે જેમાં કાકાઓનું કંઈ પણ લાગતું વળગતું
નથી એટલું જ નહીં પણ કચ્છના કણબી આગેવાનોને પીરાણામાંથી અપમાન કરી કાઢી મેલવાની
વાત જે બની હતી, તે વાત તાજી કરી યાદ કરી આપીને આગેવાનોને ખાસ જણાવે છે.
સુધારક ભાઈઓની મતલબ એવી જણાય છે કે સૈયદો ઉપર કોઈપણ પ્રકારે કચ્છના આગેવાન કણબીઓને
ક્રોધ આવે. વિશેષમાં આગેવાનોને સુધારક ભાઈઓ જણાવે છે કે તમો ઢીલા થશો તો કચ્છમાં
જે ગામોગામ કણબીઓના ખાનાં છે તેનો પણ સૈયદો કબજો લેવાની કોશીશો કરી રહ્યા છે. આખી
જ્ઞાતિને સંબોધીને સુધારક ભાઈઓ જણાવે છે કે ભાઈઓ ચેતો આવા ધર્મભ્રષ્ટ લોકોના હાથે
આપણા આગેવાનો અને આચાર્યશ્રી કાકાઓનું અપમાન થાય તે આપણાથી હવે કેમ સહન થાય !
ધન્ય છે કરાંચી નિવાસી જ્ઞાતિ સુધારક ભાઈઓ ! તમે પણ ખુબ કરી. તમારા જેવા આદર્શ
સુધારકો ન હોત તો પીરાણા અર્ધદગ્ધ કબ્રસ્તાની ધર્મ આપણી જ્ઞાતિના માટે તો જરૂર પડી
ભાંગત. તેમજ પરમ દયાળુ ગેઢેરાઓનું અને પીરાણાના કાકાઓનું માન પણ ન જ જળવાત. પીરાણા
ધર્મ આપણો છે, કાકાઓ પીરાણા ધર્મના રક્ષક છે અને કચ્છના કણબી આગેવાનો એ
પ્રપંચી ધર્મના અને કાકાશ્રીના સીમેન્ટ કોંક્રિટના લોખંડી કામ જેવા મજબુત પગ છે,
તેનો ખરેખરો બચાવ કરવા જતાં તમોને સૈયદો સાથે ભારે રસાકસી
જાગી છે અને સૈયદો તરફ જે તમોને અણગમો ઉત્પન્ન થયો છે તે પણ ખાસ કરીને પીરાણા
અર્ધદગ્ધ કબ્રસ્તાની ધર્મ જે ન હિન્દુ ન મુસલમાન એવો ખીચડીયો પંથ હાથમાંથી છુટી ન
જાય અને આગેવાનો નબળા ન પડે એના માટે તેમને અસહ્ય સંકટ વોરવું પડ્યું છે એમ કરાંચી
યુવક મંડળના સુધારક ભાઈઓના લેખ ઉપરથી સ્પષ્ટ સમજાય છે. લેખમાં આગળ લખતાં સુધારક
ભાઈઓ લખી જણાવે છે, કે કરાંચીમાં અવારનવાર સૈયદ લોકો આવે છે અને જે સૈયદોના
શિષ્યો છે તેના ઘેર ઉતરે છે. પરંતુ ત્યાં પીરાણા ધર્મનો બોધ કરે છે અને તેને
મુસલમાન થવાનું સૈયદો કહેતા હશે તેની વાત કરતાં સુધારક ભાઈઓને શરમ થાય છે ! જેથી
વિનંતી પર વિનંતી અને અપીલો પર અપીલ કરી આગેવાનોને સુધારક ભાઈઓ વિનંતીઓ કરે છે કે
કરાંચી નિવાસી અજ્ઞાન ભાઈઓને સૈયદોના સંગથી બચાવો. નહીં તો હવે તેઓમાં થોડો માત્ર
નામનો હિન્દુ અંશ રહ્યો છે તે પણ રહેવો બિલકુલ મુશ્કેલ છે. કારણમાં સુધારક ભાઈઓ
જણાવે છે કે, સૈયદો કણબીઓને છડેચોક અભડાવવાની કોશીશો કરે છે તેથી અન્ય
હિન્દુ જ્ઞાતિઓ ટીકા કરે છે. માટે હવે માંસાહારી સૈયદને આપણી જ્ઞાતિમાંથી આવતા બંધ
કરો અને જો તમો કહેવાતા આગેવાનો સૈયદોને
આવતા બંધ નહીં કરો તો કરાંચીમાંના જ્ઞાતિ સુધારક વીર બન્ધુઓ—આગેવાનો તેમજ પીરાણા
ધર્મના માટે લેખ લખશે એવી અલ્ટીમેટમ રૂપે ધમકી આપી લેખ સમાપ્ત કરતાં,
આગેવાનો સુધારો નહી કરે તો તેમને જવાબદાર ગણી લેખ સમાપ્ત
કર્યો છે.
ઉપર પ્રમાણેની હકીકતનો જાહેર ખુલ્લો પત્ર કરી કરાંચી—નિવાસી ભાઈઓની ખેડોઈથી તે
લખપત સુધીના તમામ ગામોના ઓછા વધતા સર્વે ભાઈઓની—સભા તરફથી સભાના વિદ્વાન નેતાઓના
ઉંચા મગજથી લખીને કરાંચી સુધારક ભાઈઓએ જે પોતાની ફરજ અદા કરી છે તેના માટે તો હું
તે વિદ્વાન ભાઈઓને ધન્યવાદ આપું છું પરંતુ એ લેખ સભાના તેમજ યુવકમંડળના નિયમો તેમજ
ધારા ધોરણથી ઘણો જ વિરુદ્ધ હોવાથી મંડળના મુખ્ય સિદ્ધાંતોના મુદ્દાઓની વાતોમાં
મેરૂ અને હિમાલય પર્વત જેવડી ભુલો કરી આજ દિવસ સુધીની કચ્છ વીરાણી મુંબઈ તેમજ
કરાંચીના યુવક મંડળની તનતોડ જ્ઞાતિસેવા અને સ્વધર્મની હિલચાલની કફોડી સ્થિતિ
કરાંચીના સુધારક ભાઈઓએ કરી મુકી છે, તેના માટે મારે કરાંચી સુધારક ભાઈઓને તેમજ જ્ઞાતિ બન્ધુઓના
જાણવા માટે જાહેરમાં કરાંચી સુધારક ભાઈઓની જે ભુલો થઈ છે,
તેમાં સત્ય નિષ્ઠાથી સાચું નગ્ન સત્ય શું છે તે કહી
બતાવવાનો મારો ધર્મ મને ખુલ્લો જવાબ આપવાની પ્રેરણા કરે છે. જેથી આ લેખ લખવાની મને
અનિવાર્ય ફરજ ઉભી થાય છે. હું આશા રાખું છું કે મારી જ્ઞાતિના વિદ્વાન જ્ઞાતિ
સુધારક મિત્રો તેમજ જ્ઞાતિના ભાઈઓ સાર ગ્રહણ કરી યોગ્ય ન્યાય આપી જ્ઞાતિમાં યોગ્ય
સુધારો કરવાની યોગ્ય હિંમત કરશે.
શરૂઆતમાં હું જણાવીશ કે, કરાંચી મુકામે તા.૮—૮—૧૯૨૦ની સાલમાં શ્રી કચ્છ કડવા પાટીદાર
ભાઈઓની પરિષદ હજારોની સંખ્યામાં જ્ઞાતિ બંધુઓની મળી હતી. સભાના પ્રમુખ
રા.રા.રાજાભાઈ શામજી ધોળુ ગામ માનકુવાવાળા તેમજ કરાંચી નિવાસી રિસેપ્શન કમિટિના
પ્રમુખ ભાઈ નાનજી પચાણ ગામ—નખત્રાણાવાળાએ
પીરાણા ધર્મ સંબંધે યોગ્ય ખુલાસો કર્યો છે કે પીરાણા ધર્મ ન હિન્દુ ન
મુસલમાન એવો પંથ અર્ધદગ્ધ ધર્મ છે જેને લોકો ખીચડીયો પંથ પણ કહે છે. બંને
પ્રમુખોના ભાષણમાં એક જ મતલબના એવા ફકરાઓ બોલાયા છે કે પીરાણા ધર્મ આપણી જ્ઞાતિને
શરમાવનારો નીચું જોવડાવનારો છે અને એ પીરાણા ધર્મ આપણી હિન્દુ જ્ઞાતિને કલંકરૂપ છે
એવું મેં અનેક વખત કરાંચી તેમજ મુંબઈ અને કચ્છ વીરાણીના યુવક મંડળના સુધારક ભાઈઓના
મોઢાથી સાંભળ્યું છે. તે સિવાય મારા સાંભળવા પ્રમાણે અને કરાંચીમાંના જ્ઞાતિ
સુધારક ભાઈઓના એક ખાસ આગેવાન ભાઈના મોઢાના ખુલાસાથી પણ જાણ્યું છે કે કરાંચીમાં
કણબી જ્ઞાતિના સુધારક યુવક મંડળે પીરાણા ધર્મને તીલાંજલી આપી દીધી છે અને હંમેશના
માટે એ કલંકરૂપ પીરાણા ધર્મનો ત્યાગ કર્યો છે. એટલું જ નહીં પણ પીરાણાના ધર્મનો,
બાવા ઈમામ શાહના પાટનો તેના ધર્મ અને કર્મના પુસ્તકોને કાઢી
નાખી ત્યાં આગળ સિંહાસન ઉપર ભાગવત અને રામાયણના પુસ્તકો પધરાવી તેની સેવા પુજા અને
આરતી ધૂપ દીપ કરે છે. આ વાત સાંભળી મુંબઈવાસી જ્ઞાતિ ભાઈઓ તેમજ હું,
કરાંચી નિવાસી જ્ઞાતિ સુધારક ભાઈઓની જાહેર હિંમતના માટે ઘણા
જ ખુશી થયા હતા. પરંતુ દિલગીરીની વાત એ છે કે,
તા.૧૩—૧૧—૧૯૨૧ના કરાંચી સભાના ખુલ્લા પત્રથી જણાય છે કે
સુધારક ભાઈઓએ સુધારાની બાબતમાં ફક્ત સૈયદો ઉપર જ પોતાનો ગુસ્સો બહાર પાડી બાકીના
જે સુધારાઓ કરવાની જરૂર હતી તે વાતની તદ્દન ચુપકીદી પકડીને ઉલટી રીતે કાકાઓનો તેમજ
કણબીની જ્ઞાતિના જુલ્મી આગેવાનોનો ખોટો બચાવ કર્યો છે. ખરી રીતે પીરાણાના કાકાઓના
માટે મુંબઈના યુવક મંડળે ઘણું અજવાળું બહાર પાડ્યું છે,
તેમજ કરાંચીવાસી ભાઈઓના મોઢાથી પણ કાકાશ્રીના ચારિત્રો
સાંભળ્યા છે. વળી આગેવાનોના જુલ્મ સંબંધે કરાંચી મુકામે મળેલી સભામાં તેમજ અનેક
વખતોની સભામાં આગેવાનોના જુલ્મ સંબંધી તેઓની પાસેથી પંચના પૈસાનો વહીવટ અને આપણા
જ્ઞાતિ ભાઈઓના તેમજ બહેનોના ઉપર જે નિર્દયપણે આગેવાનો જુલ્મ અને ત્રાસ વર્તાવે છે
તેને તોડી પાડવાના અનેક વખતે સભાઓમાં સર્વાનુમતે ઠરાવ પસાર થયા છે એ વાત આપ સારી
પેઠે જાણો છો તેમજ આગેવાનો ચોખ્ખું સમજે છે કે,
પીરાણા ધર્મ મુસલમાની છે છતાં પણ તેને બળજોરીથી આપણી
જ્ઞાતિને પળાવવામાં આગેવાનોનો પાકો સ્વાર્થ સમાયેલો છે એ વાતો કરાંચી તેમજ અન્ય
સભાઓમાં કરાંચી ભાઈઓની હાજરીમાં ઘણી વખત ચર્ચાઈ ગઈ છે. તેમજ તમો કરાંચી મંડળના
સુધારક ભાઈઓને કચ્છી કણબી જ્ઞાતિના આગેવાનોનો ઘણો જ કડવો અનુભવ પણ થયેલો છે છતાં
પણ જાણે કાંઈ ન જાણતા હોઈએ તેવી રીતે કાકાશ્રી તથા આગેવાનો માટે ઉંચો અભિપ્રાય
દર્શાવી તેઓની ભુલો જતી કરી, પીરાણા ધર્મ, લક્ષ્મણ કાકાના હાથમાં રહે,
જુલ્મી આગેવાનોની સત્તા કાયમ રહે એટલા માટે તમો જ્ઞાતિનું
સત્યાનાશ વાળનાર પીરાણા ધર્મના ખાં કણબી આગેવાનો પાસે કગરી વગરીને સૈયદોને કાઢવા
માટે અને પીરાણા ધર્મ આપણા કબજામાં રહે ! તેના માટે દીન મુખે આજીજીઓ કરી રહ્યા છો
! મને તો ચોખ્ખું જણાય છે કે તમારામાંના ઘણા ભાઈઓ ડરપોક છે,
તેથી આગેવાનોથી ડરી ગયા છો અને તેથી જ તમો સુધારક તરીકેના
સત્ય રસ્તાથી પાછા હઠી જઈ તમે જ્ઞાતિ સુધારાનું નિર્દય રીતે ખુન કર્યું છે. આવો
આક્ષેપ મુકવાની મને તમારો લેખ ફરજ પાડે છે. આગેવાનો સૈયદોને આવતા બંધ કરે એ આકાશ
કુસુમવત વાત છે. આગેવાનો પોતાનો કક્કો તેમજ
સ્વાર્થ સારી પેઠે સમજે છે. પીરાણાધર્મ તેમજ કાકાને અને સૈયદોને આગેવાનો
છોડી દે તો તેઓની હરામી જ્ઞાતિનું લોહી ચુસવાની — વગર મહેનતની આવક બંધ પડે તેથી
જોઈએ તો સૈયદ કાકાઓનું કે કણબી આગેવાનોનું ભારે અપમાન કરે કે પીરાણામાંથી કાઢી
મુકે અથવા ગાદીપતિ લક્ષ્મણ કાકાનો અર્થ ગુલામ તરીકે કહી બતાવે અથવા કાકાનો દરજજો
ઝાડુ કાઢવાનો અને દરગાહમાં દીવાબત્તી કરવાનો કહે તો પણ લક્ષ્મણ કાકો એવો લોભી માણસ
છે કે એને ગાદીપતિની સત્તાનો ત્યાગ કરતાં જીવ ચાલી શકતો નથી. લક્ષ્મણ કાકો તેમજ
અન્ય કાકાઓ સારી રીતે સમજે છે કે પીરાણા ધર્મ મુસલમાની છે અને કાકાશ્રીની જ્ઞાતિ
હિન્દુ છે છતાં પણ સત્તાનો અને ધર્મ ગુરૂ તરીકે પુજાવાનો અને પૈસાનો સ્વાર્થ તેનાથી
છોડી શકાતો નથી જેથી પોતે તેમજ પોતાની જ્ઞાતિ હિન્દુ હોવા છતાં મુસલમાની ધર્મમાં
દટાઈ રહે, પોતાનું ગમે તેવું અપમાન થાય તો પણ અધ્યક્ષપણાનો મોભો ગમે
તે હાલતમાં જળવાઈ રહે અને કણબીઓ તેને પૈસા આપતા રહે એથી વધારે કાકાને કંઈ લોભ નથી.
ત્યારે એક સવાલ એ ઉભો થાય છે કે, પીરાણા ધર્મ મુસલમાની છતાં એ ધર્મ ચલાવનાર મુસલમાન સૈયદોએ
આજ દિવસ સુધી પીરાણાધર્મનો વહીવટ કાકાઓ મારફતે કેમ ચલાવ્યો અને હજુ સુધી કેમ ચલાવે
છે? તેના જવાબમાં માત્ર એટલું જ કે, સૈયદોએ એના વડીલના પગલે ચાલી પોતાની બીજા પ્રકારની સત્તા
ઢીલી રાખવામાં ડહાપણ માનેલું છે. ઈમામશાહની ગાદીના અધ્યક્ષ તરીકે કચ્છના કણબીઓને
નિમવામાં તેનો મોટો સ્વાર્થ સમાયેલો છે. સૈયદોના મૂળ પુરૂષ ઈમામશાહ ઘણા જ કાબેલ
માણસ હતા, તેઓ જાણતા હતા કે પીરાણા સતપંથ ધર્મ એ અર્ધદગ્ધ ધર્મ છે. એ
ધર્મનું આચાર્ય પદ અથવા ધર્મનું ગુરૂપણું તેના વંશના સૈયદોને સોંપે તો પાછળથી એ
ધર્મના હિન્દુ સેવકો મુસલમાન ગુરૂને લઈ એ ધર્મ પાળે નહીં,
તેથી જ કચ્છ દેશમાંની અજ્ઞાન અને ભોળી કોમના મુખી કણબીઓની જ
વધુ પસંદગી કરી તેને પીરાણાની ગાદીના અધ્યક્ષ બનાવી ભગવાં લુગડાંનો વેશ પહેરાવે
છે. તેથી ભોળા અને મૂર્ખ લોકો એમ માને છે કે આ મહાન બ્રહ્મચારી સાધુઓના રૂપમાં
હિન્દુ જેવા દેખાતા ભગવાધારીઓ હિન્દુ છે અને પીરાણા ધર્મ પણ બહારથી હિન્દુધર્મ
જેવો છે એવો ડોળ વેશધારી કાકા સાધુઓ બતાવે છે. જેથી હિન્દુ જ્ઞાતિ હિન્દુ ભાઈઓના
હાથે જ પીરાણા કબ્રસ્તાની ન હિન્દુ ન મુસલમાન ધર્મમાં દટાઈ રહે છે. એ ફીલસુફી સૈયદોની
અત્યાર સુધી તો નભી રહી. પરંતુ ગાદીપતિ લક્ષ્મણ કાકાના વહીવટમાં અનેક પ્રકારના
ગોટાળા અને ધર્મ ગુરૂને ન છાજતાં કામો—મીલોના એજન્ટ વગેરે થવાનું તેમજ મોટર કારો
રાખી પૈસા કમાવાનું વગેરેની લાલચમાં કાકો પોતે ગાદીપતિ તેમજ ધર્મગુરૂ છે એ વાત
ભુલી જવાથી તેમજ સૈયદો સાથે અનેક પ્રકારની તકરારો થવાથી પીરાણા ધર્મની હયાતી ભયમાં
આવી પડી છે એના કારણમાં આપ સમજી શકો તેવી રીતે આગેવાનો એક વર્ષના દહાડામાં ચાર વખત
પીરાણે કાકાઓનો બચાવ કરવા અને પીરાણા ધર્મનો કબજો લેવા આવ્યા પરંતુ છેવટે સૈયદોથી
અપમાન પામી પાછા દેશમાં જવું પડ્યું છે. પીરાણાના કાકાની તેમજ કણબી આગેવાનોની
મૂર્ખાઈ ઉપર મને હસવું આવે છે. આટ આટલા હડધૂત થાય છે તો પણ આગેવાનો પીરાણા ધર્મને
છોડે અને જ્ઞાતિને સૈયદોના દોષથી જે શરમાવાપણું દેખાય છે તેમાંથી આગેવાનો બચાવે
એવો એક પણ ઉપાય સુજતો નથી કારણ કે, કચ્છની કણબી જ્ઞાતિના મુખ્ય આગેવાન મંગવાણાનો હીરો પટેલ,
કુરબઈનો જસો પટેલ, કોટડા જડોદર વાળાનો સામો પટેલ અને નેત્રાનો કરમશી ગેઢેરો આ
ચાર આગેવાનોની ઈચ્છા જ્ઞાતિને મુસલમાન બનાવવાની છે. બાકીના જે આગેવાનો છે,
તે આ ચાર મહાવીર ! યોદ્ધાઓના હાથના રમકડાં છે અથવા તેઓના
ગુલામ જેવા વેચાણ છે ત્યાં સુધી બીજા આગેવાનો પણ તમારું દુઃખ અથવા સૈયદોના
ત્રાસમાંથી છોડાવે તેમ નથી. કરાંચી સુધારક ભાઈઓના છેલ્લા લેખના છેલ્લા
પેરેગ્રાફમાં લખ્યું છે કે — નીચ મ્લેચ્છ લોકો પણ આપણી જ્ઞાતિમાં પૂજ્ય મનાય,
ગુરૂ થવાનો દાવો કરે. અફસોસ પાટીદારો ! તમને અન્ન ખાવા
ક્યાંથી મળે ? તમને સુખ ક્યાંથી મળે ?
તમો જે એ અહિંસા પરમોધર્મના પાળક તે આજે નીચ માંસાહારી
લોકોને ગુરૂ કરી હિંસા કરનારને ઉત્તેજન આપો છો. આ પ્રમાણેનું તમારું લખાણ તદ્દન
ગેરવ્યાજબી તેમજ સમજ ફેરનું છે. હું ખાત્રીપૂર્વક માનું છું કે પીરાણા ધર્મ એ
અહિંસા પરમોધર્મ છે જ નહીં, હતું જ નહીં અને હવે પછી પણ હોવાનું જ નથી. કારણ કે,
એ ધર્મના અંગ રૂપે મુસલમાન સૈયદો માંસાહારી હોય જ અને છે જ
તે વાત કચ્છની કણબીની આખી જ્ઞાતિ સારી રીતે જાણે છે,
તમો પણ સારી પેઠે જાણો છો તો પછી તમારે માનવું જોઈએ કે
પીરાણા ધર્મ જ આપણી જ્ઞાતિના માટે યોગ્ય નથી અને એ અર્ધદગ્ધ ધર્મનો જ્યાં સુધી
આપણી જ્ઞાતિ ત્યાગ કરે નહીં ત્યાં સુધી આપણે અહિંસા પરમોધર્મના માનનારા પણ કહેવાઈએ
નહીં. જ્ઞાતિ સુધારક ભાઈઓને મારી વિનંતી છે કે આપ જ્યાં સુધી આત્મભોગ આપી શકો નહીં
તેમજ હૃદયમાં સત્ય સંકલ્પ કરી શકો નહીં ત્યાં સુધી કરાંચીમાં અને કચ્છમાં સૈયદો
આવવાના જ. તમો બીકણ બાયલા થઈ આગેવાનોને વહાલા થવાની ખાતર તેમને કરગરો તેથી એ
આગેવાનો અથવા પીરાણાના કાકાઓ તમને માંસાહારી સૈયદોથી બચાવી શકે જ નહીં. કાકાઓની
તેમજ કણબી આગેવાનોની તાકાત નથી કે તેઓ પીરાણામાં ઈમામશાહની દરગાહનો કબજો લઈ
પીરાણાની મિલકતના માલિક થઈ શકે. ન્યાય બુદ્ધિથી પણ આપણે સમજી શકીએ એવી સીધી અને
સરળ વાત તો એ છે કે પીરાણું તેમજ પીરાણાધર્મ અને પીરાણાની જાગીરના ખરા હકદાર માલિક
ઈમામશાહના વંશના સૈયદો જ છે. કારણ કે એ
મુડી અને મિલકત ઈમામશાહની છે. તેમાં બીજો કોઈ પણ હકદાર માલિક થઈ શકે જ નહીં. તેના
કારણમાં હું જણાવીશ કે ગાદીપતિ લક્ષમણ કાકાનો મુખ્ય કારભારી રામજી કાકો પણ ટીલાયત
કાકાની માફક જ કાકાશ્રી કરતાં પણ સારી સત્તાથી પીરાણામાં રહેતો હતો પરંતુ તેના
ગુજરી જવા ટાણે કચ્છના કણબી આગેવાનોની ત્યાં હાજરી હતી છતાં પણ સૈયદોએ પીરાણા
કબ્રસ્તાનમાં દાટવા માટે જબરો વાંધો ઉઠાવ્યો હતો અને કચ્છના આગેવાનોના કાલાવાલાથી
સૈયદોએ રૂા.૫૦૦ લઈને પછી દાટવા દીધો હતો. આ વાત તદ્દન ખુલ્લી છે. સમજો તો સમજાઈ
શકે તેવી સીધી છે. કહો જોઈએ, હવે લક્ષમણ કાકો તેમજ કચ્છના આગેવાન કણબીઓ શી રીતે પીરાણા
ધર્મના માલિક થઈ શકે? સૈયદોએ એક નોટીસમાં કાકાશ્રીને જણાવ્યું છે કે ગાદપતિ
લક્ષમણ કાકો પેટીએ ખાવા પીવાનો વગર પગારનો—સૈયદોનો નોકર છે. આ વાત તદ્દન જગત જાહેર
છે છતાં પીરાણાના હકની વાત કરવી એ કેટલી મૂર્ખાઈ છે ! પીરાણાના કાકાઓ તેમજ કચ્છના
કણબીઓ બહુ બહુ વાતે જોર કરો તો તમો એ પીરાણાના અર્ધદગ્ધ ધર્મ પાળો નહીં,
ત્યાં જાઓ નહિ, તેમજ તમો એ ધર્મ પાળો છો તેના અંગે રાજીખુશીથી અથવા ફરજિયાત
પીરાણે હુંડી મોકલો છો તે મોકલો નહીં એ રીતે જ તમો સૈયદોથી તેમજ પીરાણા અર્ધદગ્ધ
ધર્મથી છુટાછેડા કરી શકો છો. બાકી તમારાથી બીજું કશું બની જ શકે નહીં. પીરાણા ધર્મ,
તેની જાગીર, મિલકત એ સર્વ ઈમામશાહના વંશના બની બેઠેલા મુસલમાન સૈયદોની જ
છે અને અંતે પણ તેની જ રહેવાની એ વાતમાં કંઈપણ શંકા છે જ નહીં. આટલો ખુલાસો કરાંચી
ભાઈઓના ખુલ્લા પત્રનો કર્યા પછી હું ફરી ફરીને જણાવીશ કે,
કચ્છના કણબી આગેવાનો તેમજ પીરાણાના કાકાઓ ગમે એટલીવાર
સૈયદોથી રિસાય આગેવાનોને પીરાણામાં ખાવા ન મળે તો પણ કોઈ કાળે પણ કોઈ કોઈને છોડે
તેમ નથી. સૌને અરસપરસ પાકો સ્વાર્થ સમાયેલો છે એ વાત જ્યારે હૃદયથી સમજાય ત્યારે જ
જ્ઞાતિના સુખ દુઃખનું અને ઉજળા આર્ય ધર્મનું ભાવી ઘડવાનું ડહાપણ તમારામાં આવશે.
હું ફરીથી પણ તમને કહું છું કે, કચ્છના કણબીની જ્ઞાતિના દુઃખનું,
જુલ્મનું અને ગુલામીપણાનું જે અસહ્ય દુઃખ જ્ઞાતિ ભોગવી રહી
છે તેની મુક્તિનો માર્ગ ફક્ત એક જ છે અને તે એ કે પીરાણા કબ્રસ્તાની અર્ધદગ્ધ
ધર્મનો જ્યાં સુધી ત્યાગ થાય નહીં ત્યાં સુધી કચ્છની કણબીની જ્ઞાતિ ભયમાં છે —
મોતના પંજામાં છે. આગેવાનો પાસે દયા માગવાની કે જ્ઞાતિને સુધારવાની ભીખ માગવાનો
જમાનો હવે રહ્યો નથી. આગેવાનો પાસે દયા માગવી એનો અર્થ એટલો જ છે કે ફાડી ખાનારાં
જાનવરો માંહેલા વાઘઅને વરૂ પાસે એક બકરું પોતાના જીવનની ભીક્ષા માગે ! તેને વાઘ
અને વરૂ જીવતો છોડે કે નહીં? એ રાહે તમો જ્ઞાતિના આગેવાનો પાસે દાદ મેળવી શકો છો. સાદી
અને સરળ બુદ્ધિથી પણ માની શકાય એવી સીધી વાત તો એ છે કે,
મુળો નાસ્તી કુત્તો સાખા ! એ ન્યાયે જો તમારે પાપનું,
દુઃખનું અને જુલમીપણામાંથી છુટવાનું હોય તો ફક્ત એક જ બારૂ
છે અને તે એ છે કે પીરાણા કબ્રસ્તાની ધર્મનો હંમેશના માટે ત્યાગ. જો તમે પીરાણા
અર્ધદગ્ધ ધર્મ ન પાળતા હો તો સૈયદો તમારી પાસે આવે જ નહીં. પીરાણા ધર્મને લઈને
અન્ય કોમોમાં જે શરમાવવું પડે છે તેથી બચી જાઓ અને બીજા હિન્દુભાઈઓની સાથે તમો
છુટથી બધી વાતના લાભ મેળવી શકો અને પીરાણા ધર્મ પાળવાથી આગેવાનોને ધર્મના બહાને જે
તમોને તમારી કમાઈનો દસમો ભાગ એટલે દશોંદ આપવી પડે છે તે તમો પીરાણા ધર્મ પાળતા ન
હો તો આપવી પડે નહીં તેથી એની મેળે જ આગેવાનો પણ તમારા જેવા જ થઈ રહે. વર્તમાન
સ્થિતિમાં લગભગ પચાસથી સાઠ હજાર કોરી ! દર વર્ષે ! તમો ગરીબ ભાઈઓ પાસેથી જોર
જબરીથી આગેવાનો પીરાણા ધર્મના બહાને ઉઘરાવે છે. તેમાંથી લગભગ અડધો અરધ આગેવાનો પોત
પોતામાં વહેંચી ખાઈ જાય છે એ ખાવાનું બંધ પડે એટલે તેઓને પણ તમારી જ માફક કામ ધંધો
કરવો જ પડે એટલે તે તમારા ઉપરી અથવા આગેવાન બની શકે જ નહીં જેથી તમારા ઉપર જુલ્મ
કરવાનું અશક્ય થઈ પડે અને જ્ઞાતિ આખી સુખી થઈ શકે. પરંતુ એ સઘળું હૃદયથી સમજાય અને
સમજીને તેનું પાલન કરવામાં આવે તો જ તે બની શકે તેમ છે. મારા ઘણા દિવસના અનુભવથી
હું કહી શકું છું કે જ્ઞાતિ સુધારાનું કામ કરનારા ભાઈઓમાં મેં ઘણા ભાઈઓને બીકણ
બાયલા સરખા વિચારો દર્શાવતા જોયા છે. ઘણા ભાઈઓની હિંમતની કસોટીઓ થઈ ગઈ છે અને એ
કસોટીની પરીક્ષામાં નપાસ થયેલા ભાઈઓ પોતાની ભુલ સુધારવાને બદલે અવળે માર્ગે કામ
કરતા હાલમાં માલુમ પડે છે. જ્ઞાતિ સુધારાનું કામ કરનારા ભાઈઓ માટે મને માન છે.
સુધારક ભાઈઓ માંહેના થોડા ભાઈઓએ પોતાના અંગત સ્વાર્થનો ત્યાગ કરી યા હોમ જ્ઞાતિ
સેવામાં ઝંપલાવ્યું છે અને તેના સંબંધમાં આગેવાનોએ કરેલા જુલ્મ સામે શાંતિથી
આગેવાનોના જુલ્મને તોડી નાખ્યાના દાખલા પણ જ્ઞાતિમાં બનેલા છે. પરંતુ એટલા થોડા
દાખલાથી અજ્ઞાન અને અંધકારમાં જ્ઞાતિ ડુબેલી હોય તેને એટલા નાના પ્રકાશથી દેખતી
કરી શકાય નહીં. એકાદ વર્ષ પહેલાં અથવા તો પહેલી કરાંચીની જ્ઞાતિ પરિષદ સુધી સુધારક
ભાઈઓમાં જે બળ, પ્રતાપ અને સત્યતા ભરેલી તીવ્ર લાગણીઓ પ્રકાશી રહી હતી અને
એ પ્રકાશથી આગેવાનો તેમજ પીરાણાના કાકાઓ અને સૈયદો જે થરથરી રહ્યા હતા તે પ્રકાશ
કોણ જાણે કોઈ કારણસર એકદમ અંધકારમાં અદૃશ્ય થઈ ગયો હોય તેમ લગભગ સોળ મહિનાથી એ
પ્રકાશની ઝાંખી સરખી પણ થતી નથી. કરાંચી તેમજ મુંબઈના યુવકમંડળના સુકાનીઓ તેમજ
કચ્છ વીરાણીના કેટલાક યુવાન ભાઈઓ ગમે તેવી અગવડ હોય તો પણ દુઃખ વેઠી અતિશય આકરા
ભોગો આપીને જ્ઞાતિને જાગૃત કરવામાં જે જહેમત ઉઠાવી રહ્યા હતા તે વાતાવરણ હાલમાં
દેખાતું નથી એ કચ્છની કણબી જ્ઞાતિના કમભાગ્ય છે. આ ટાણું,
આ વખત, આ જમાનો વીજળીના વેગે પ્રયત્ન કરવાનો છે. એટલું જ નહીં પણ
પીરાણામાં કાકાઓ અને સૈયદો વચ્ચે જીવ સટોસટની તકરારો ઉભી થઈ છે,
કચ્છના કણબી આગેવાનોના પીરાણામાં જોશભેર તિરસ્કાર થઈ રહ્યો
છે, ઈમામશાહના હૃદયના ઉંડા ભાગની પીરાણા ધર્મની રચનાનો પાયો પડુંપડું થઈ રહ્યો છે
એવા યોગ્ય પ્રસંગે મારા વીર અને બહાદુર મિત્રો જેમણે જ્ઞાતિ સુધારાનું કામ કરતાં
ઘણાં જોખમો વોર્યા છે તે બહાદુર ભાઈઓને જાણે થાક લાગ્યો હોય તેમ અત્યારે ઘોર
નિંદ્રામાં ઉંઘતા હોય એમ ચોખ્ખું જણાય છે ! મહા પ્રતાપશાળી નરયુવાન જ્ઞાતિના
યુવકોમાં પૂજ્ય મનાયેલો વીર કેસરી, અનેક વખતે સભાઓને ગજાવનાર વીરાણી નિવાસી ભાઈ રતનશી ખીમજી
ક્યાં છે? કરાંચી પરિષદના પ્રમુખ સાહેબ રા.રા.રાજાભાઈ શામજી ધોળુ ગામ
માનકુવાવાળા જેઓએ જ્ઞાતિના મુંબઈ, કચ્છ, ગુજરાત અને છેક નિમાડ માળવા સુધીના બંધુઓને અનેક વખત
દિલાસાઓ આપીને શાંત કર્યા હતા અને કચ્છની કણબી જ્ઞાતિને નીચું જોવડાવનારા ન હિન્દુ
ન મુસલમાન એવા અર્ધદગ્ધ અધર્મયુક્ત પંથે જતી અટકાવા પોતે સર્વસ્વનો ભોગ આપવા તૈયાર
છે એવું અનેકવાર અનેક પ્રસંગે જણાવેલું. તે માટે છેવટે ફકીર થઈ જવાય તો પણ પરવાહ
નથી એવી ઉમેદ બતાવેલી તે રાજાભાઈ પણ ક્યાં છે?
શું એ ડોળ હતો કે અન્ય મિત્રો તેમને મુસલમાન જેવા ન ગણી
કહાડે તે પ્રસંગમાંથી બચી જવાની તેમની પ્રસંગને ટાળી દેવાની યુક્તિઓ હતી,
કે પછી પ્રમુખની ખુરશીએ ચઢેલા પોતે એક ગૃહસ્થ જેવા
જ્ઞાતિમાં ઘેર ઘેર દેખાય તે બતાવવાનો લોભ હતો ?
વળી કરાંચીના યુવક મંડળમાંના વિદ્વાન નેતાભાઈ રતનશી શીવજી
તથા સેક્રેટરી શીવજી કાનજી તથા મહાન પ્રતાપી કરાંચીના યુવક મંડળના પ્રમુખ ભાઈ
નાનજી પચાણ કે જેમણે કરાંચી પરિષદમાં તેમજ મુંબઈની સભામાં જ્ઞાતિના ભાઈઓને જાગૃત
કરવા આગેવાનોની સાથે દ્વંદ્વ યુદ્ધની માફક જ્ઞાતિ બંધુઓને સંબોધીને જણાવ્યું હતું
કે આપણે ચુડીઓ પહેરી નથી તેમ ઘાઘરા પહેર્યા નથી અને આપણે જાનવર નથી કે ઘાસ ખાતા
નથી પણ આપણે મનુષ્ય છીએ, એક મનુષ્ય તરીકેની સ્વતંત્રતા સમજી શકીએ છીએ વિગેરે બોધ
વચનોથી જ્ઞાતિ ભાઈઓને જેણે નવું જીવન આપ્યું હતું તે અને તે સિવાયના અનેક આપણી
જ્ઞાતિના અમૂલ્ય રત્નો સમાન ભાઈઓ જે એક વર્ષ દહાડા અગાઉ પોતાના બુદ્ધિ બળથી
જ્ઞાતિની દાઝ હૃદયમાં ધરી પોતાના સ્વતંત્ર વિચારોનો પ્રકાશ જ્ઞાતિ બંધુઓમાં ફેલાવી
રહ્યા હતા તેઓ કોણ જાણે કઈ દિશામાં કઈ પ્રવૃત્તિમાં રોકાયા છે તે કંઈ સમજી શકાતું
નથી. જ્ઞાતિના ગરીબ ભાઈઓ એમના લેખની એમના જ્ઞાતિ હિતના માયાળુ અને લાગણીવાળા ભાષણો
સાંભળવાની કેટલી મમતા રાખે છે કેટલીએ વિનંતીઓ કરી રહ્યા છે,
છતાં જ્ઞાતિ સુધારક ભાઈઓ કેમ પ્રસન્ન થતા નથી?
જ્ઞાતિના દુઃખી ભાઈઓના દુઃખમાં કેમ ભાગ લેતા નથી?
તેના માટે કણબી જ્ઞાતિનો જનસમાજ આકુળ વ્યાકુળ થઈ રહ્યો છે.
જ્ઞાતિના મોંઘેરા રત્નો સમાન જેની જિંદગીની કિંમત અમૂલ્ય અને કિંમતી જે જ્ઞાતિ
હિતના માટે જ સર્જાયેલા છે એવા વીર બંધુઓને મારો સંદેશો છે કે તમો ગમે તેવા પોતાના
ખાનગી કામમાં રોકાયેલા હો તો પણ તે કામ છોડી દઈને તમારા માથે સર્જાયેલું જ્ઞાતિ
હિતનું ઋણ અદા કરવાને સત્વર બહાર આવો. આપણે કંઈ રાજકીય સુધારા તેમજ પોલીટિકલ
બાબતોમાં કામ કરવા માગતા નથી આપણે તો આપણી જ્ઞાતિનું ભલું થાય,
આપણી જ્ઞાતિ, જે ઘાતકી માણસોની ભોગ થઈ પડી છે તેમજ જોર જુલ્મથી આગેવાનો
પીરાણા ધર્મમાં આપણા ભાઈઓને સબડતા ન રાખે તેની સંભાળ લેવામાં ભાગ લેવાનો છે. નેક
નામદાર મહારાજા ધીરાજ મહારાવ શ્રી ખેંગારજી બહાદુર,
કણબી જ્ઞાતિ સુધરે અને પોતાના સ્વધર્મની ઉન્નતિ સાધી શકે
તેના માટે સંપૂર્ણ કાળજી ધરાવે છે. અન્ય દેશવાસી આપણા જ્ઞાતિભાઈઓની આપણા પ્રત્યે
સંપૂર્ણ દિલશોજી છે તો પછી તમને તમારો ધર્મ અદા કરતાં ક્યા પ્રકારનો વાંધો આવે છે,
તે કંઈ સમજી શકાતું નથી. હાલના કટોકટીના પ્રસંગે,
તમો સુધારક ભાઈઓ—તમારામાં આશા અને ઉન્નતિની ઈચ્છા રાખનાર
ભાઈઓને નિરાશ કરવાનું સાહસ કરવા પહેલાં તમોએ અનેક વખત જ્ઞાતિના નિર્દોષ અને ગરીબ
ભાઈઓને આપેલા સધિયારા અને તમારા સ્વમુખના વચનો યાદ કરશો. હું આશા રાખું છું કે ગમે
તે કારણસર સુધારક ભાઈઓમાં ન છાજતી સુસ્તી અને બેદરકારી આવી ગઈ છે તેનો સત્વર ત્યાગ
કરી જ્ઞાતિ સેવામાં યા હોમ કરી પોતાના ગરીબ જ્ઞાતિભાઈઓના દુઃખની દાઝ હૃદય ધરશો એવી
હું આશા રાખું છું. કરાંચી નિવાસી સુધારક ભાઈઓનો ખુલ્લા પત્રનો જવાબ આપ્યા પછી મેં
બધા સુધારકો વિશે ઘણી બાબતોની ચોખવટ કરી છે. મારા ધારવા કરતાં લેખ ઘણો લંબાયો છે
તો પણ છેવટે કણબી જ્ઞાતિના સ્વભાવની મને જાણ હોવાથી છેવટે ચોખ્ખે ચોખ્ખું કહી દઉં
છું કે જેના હૃદયમાં હિંમત નથી, વાણીમાં તાકાત નથી,
સારું ખોટું સમજી શકવાની શક્તિ નથી,
વર્તનમાં માનુષી ભાવ નથી,
તેમજ જેને પોતાના હિતનું પણ જ્ઞાન નથી તેવા માણસોની આ
જનસમાજમાં હયાતીની કિંવા તેમના સુખ દુઃખની આ દુનિયાને શી ગરજ છે ?
પ્રભુને તેની શી કિંમત છે ?
દુનિયામાં માણસ તરીકે રહેવું હોય તો હિંમત બતાવીને
મનુષ્યપણું ખીલવીને, મનુષ્યની મેદનીમાં ફરવું હોય તો હિંમત દાખવીને અને જગતમાં
જીવવું હોય તો બહાદુર તરીકે વીરપુરૂષ તરીકે જ. માનુષિક ગુણોથી રહિત જીવન ધારણ
કરનારને આ જગત ઉપર જીવવાનો અને પૃથ્વીને ભારે મારવાનો શો અધિકાર છે ?
નપુંસકને પણ વીરત્વ પ્રાપ્ત થાય એવા બોધ સાંભળ્યા છતાં પણ
તમોએ જો માની જ લીધેલું હોય કે, અમારું જીવન અમારી જ્ઞાતિના આગેવાનોના હાથમાં જ છે અને અમો
આગેવાનોના ગુલામ જેવા છીએ તો તમે ગુલામીને લાયક બનશો જ. તમારા આગેવાનો ધર્મગુરૂ
કાકાઓ અને સૈયદો, જો ક્રૂર અને જાલીમ રહે જ તો તે યોગ્ય છે. નાલાયકોને અને
ગુલામોને સુખ અને સ્વતંત્રતાની છુટ શાની, સુખ સગવડ કેવી ? આજે તો નામર્દ તેમજ બીકણ બાયલાઓના માટે આ દુનિયામાં સ્થાન
નથી, કોઈ પણ પ્રકારની માંગણી કરવાનો તેને અધિકાર નથી. કોઈ પણ પ્રકારની યાચના અને
અર્જ કરવાની તેને જરૂરિયાત નથી. અમારા દેશના જ્ઞાતિ બંધુઓ તથા મુંબઈ કરાંચી અને
અન્ય સ્થળે વસતા સુધારક ભાઈઓના મનની કંગાલતા પણ કેટલી ! નફ્ફટ અને જુલ્મગાર
આગેવાનોના જુલ્મને નફ્ફટાઈથી તાબે થવું, તેના ગમે તેવા ગેરવ્યાજબી ગેરકાયદેસર હુકમો સામે શીર
ઝુકાવવું કોઈબી અન્યાય કે અત્યાચાર સામે જીભ હલાવતા પહેલાં તપાસી લેવું,
ડરી મરવું વિગેરે અમારા કચ્છી કણબીભાઈઓની આ ખાસીયત જોઈને
અમારી જ્ઞાતિની આ અધમ દશા માટે મને ઘણો જ ખેદ થાય છે. જ્ઞાતિના ભાવિ માટે અનેક
પ્રકારની ચિંતાઓ થાય છે. આખી દુનિયા જાગી ઉઠી છે,
પ્રજા હકના હતાશ સ્થળે સ્થળે સળગી ઉઠ્યા છે,
જુલ્મો અને અન્યાયો સામે પ્રચંડ યુદ્ધ શરૂ થઈ ચૂક્યા છે એવા
જાગતા જમાનામાં જ્ઞાતિને અધોગતિની ઉંડી ખીણમાંથી બહાર કાઢવા હું મારા દેશબંધુઓને
વિનંતી કરું છું. હું છેલ્લે છેલ્લું જણાવીશ કે,
મારા આત્માની સંપૂર્ણ અને શુદ્ધ નિષ્ઠાવાળી લાગણી,
મારા જ્ઞાતિ બંધુઓને દુઃખના દાવાનળમાંથી છુટવાની મુક્તિ
આપવાની માંગણી, તેમજ સલાહ આપવામાં જો પાપ ગણાતું હોય તો તે પાપ મેં કર્યું
છે. તેના માટે કોઈ પણ પ્રકારની ક્ષમા યાચના કે પશ્ચાતાપ કરવાની મને જરૂર નથી. તે
પાપમાં હું આનંદ માનું છું, અમારી પાટીદાર જ્ઞાતિની આર્ય જનતાને હલકી પાડનારી નીચું
જોવડાવનારી અને મારા જ્ઞાતિ બંધુઓને સ્વધર્મથી રહિત કરનારી પીરાણાધર્મની પ્રપંચી
જાળ તેમજ પીરાણાના કાકાઓ સૈયદો અને કચ્છના કણબી આગેવાનોની ગુલામીની જંજીરો તોડી,
ફોડીને ફેંકી દેવાની ભલામણ કરવામાં જો હું ગુન્હો કરતો હોઉં
તો મારા જેવો અઠંગ ગુનેહગાર પૃથ્વીની સપાટી ઉપર મળવો મુશ્કેલ છે. ઈશ્વરનો હું પાડ
માનું છું કે મારી નિર્દોષ જ્ઞાતિનો ઉદ્ધાર કરવાના એવા ગુન્હાઓ કરવાની મને તેણે
પ્રેરણા કરી છે, આ જીવનમાં મને શક્તિ અને હિંમત આપ્યા છે. તે જ મહાન પ્રભુ
દયા કરીને મારી કણબી જ્ઞાતિને સત્ય રસ્તો બતાવી નીચ આગેવાનોની અનાચાર ભરી સતામણીની
વેદના, ગુલામી ધર્મમાંથી છુટવાની ખાતર,
સહી લેવાની જ્ઞાતિના ભાઈઓને હિંમત આપશે જ. જનની કુળદેવી
ઉમિયા માતા મારી જ્ઞાતિનો જલદીથી ઉદ્ધાર કરે અને મારી જ્ઞાતિના સુધારક ભાઈઓ જે
પોતાની ફરજ વિસરી ગયા છે તે યાદ કરીને જાગૃત થાય અને જ્ઞાતિમાં સુલેહ સંપ વધારીને
જ્ઞાતિનો ઉદ્ધાર કરે એજ અંતિમ ઈચ્છા અને આશા રાખી આ લેખ હાલ તો સમાપ્ત કરું છું.
લી. જ્ઞાતિ સેવક |
નારાયણજી રામજી મીસ્ત્રી કચ્છ વીરાણી નિવાસી |
તા.૩૦—૧૨—૧૯૨૧ |
શ્રી કચ્છ કડવા પાટીદાર ભાઈઓને — કચ્છના કરાંચી નિવાસી
કડવા પાટીદાર ભાઈઓની સભા તરફથી મોકલવામાં આવેલા
ખુલ્લા પત્રનું અવલોકન
યુવક મંડળની સહીવાળો ખુલ્લો પત્ર મારા વાંચવામાં આવ્યા પછી મારા હૃદયમાં અનેક જાતના અવનવા વિચારો આવ્યા કરે છે. હું નથી સમજી શકતો કે કરાંચી નિવાસી મારી જ્ઞાતિના વિદ્વાન મિત્રો કઈ દિશા તરફ ઘસડાઈ ગયા છે તેનું તેઓને કશું ભાન રહ્યું છે કે નહીં તે કંઈ સમજી શકાતું નથી.
યુવક બંધુઓના ખુલ્લા પત્રમાં જણાવેલું છે કે : જ્ઞાતિના આગેવાનોએ સૈયદ કોમને આપણી જ્ઞાતિ પાસે આવતા બંધ કર્યા છે છતાં અજ્ઞાન અને ભોળા લોકો હજુ શ્રદ્ધાથી સૈયદોને તેડાવે છે. એ પ્રમાણે કરાંચીમાં દશથી બાર સૈયદો છ મહિનાની મુદ્દતમાં આવી ગયા છે. તેથી સુધારક ભાઈઓને ઘણું માઠું લાગ્યું છે અને આગેવાનો સાથે કરેલી શરત પ્રમાણે પીરાણા ધર્મ તેમજ આગેવાનોની ટીકા કરવાનું યુવક મંડળે મોકુફ રાખેલ છે. હજુ સુધી આગેવાનોએ સુધારો કર્યાનું કંઈ સંભળાતું નથી. સુધારો કર્યામાં ફક્ત ગઈ સાલમાં જે ભાઈઓએ પોતાના છોકરાઓના લગ્ન વેદવિધિથી કરેલ છે તેઓને નાતબાર કર્યા છે અને દંડ લીધા છે તે સિવાય બીજો કશો સુધારો આગેવાનોએ કર્યો નથી. કરાંચી મંડળના ભાઈઓએ મમત કર્યાથી વેદ વિધિ પ્રમાણે લગ્ન કરવાના હઠાગ્રહથી કેટલાક ભાઈઓના છોકરાંઓના લગ્ન થતા અટક્યા છે અને સૈયદોને જાણે છુટ મળી હોય તેમ દેશમાં અને કરાંચીમાં કણબી ભાઈઓની સાથે પીરાણા ધર્મનો બોધ કરવાનું સૈયદોએ ચાલુ રાખવાથી સુધારક ભાઈઓને છાપુ છપાવવાની પરાણે ફરજ પડી છે. જેથી આગેવાનોને વિનંતી કરે છે કે ખુલ્લો પત્ર વાંચ્યા પછી વિચારીને આગેવાનો સુધારો કરવાની કોશીશ કરશે એવી ખાસ ભલામણ કરાંચીનું યુવક મંડળ કરે છે.
લેખની શરૂઆતમાં સુધારક ભાઈઓ જણાવે છે કે શું હજી આપણી જ્ઞાતિમાં સૈયદોની જરૂર છે? હું મારા વિદ્વાન મિત્રોને પૂછું છું કે શું પ્રથમ આપણી જ્ઞાતિને સૈયદોની જરૂર હતી? મારા ધારવા પ્રમાણે અને સમજવા પ્રમાણે તો પ્રથમ તેમજ હમણાં કોઈ વખતે પણ સૈયદોની જરૂર નહોતી. ફક્ત એક જ વાતે સૈયદોની જરૂર હતી અને તે એ કે જ્યાં સુધી તેઓ પાકા મુમના અથવા મુસલમાની અર્ધદગ્ધ ધર્મની રાહત ઉપર ન આવી જાય ત્યાં સુધી જેને પીરાણા કબ્રસ્તાની ધર્મ ઉપર શ્રદ્ધા છે તેને તો સૈયદોની ખાસ જરૂર હતી અને છે. પરંતુ કરાંચીવાસી ભાઈઓને હવે સાફ જ જણાયું છે કે આપણી જ્ઞાતિ હવે બરોબર પીરાણા અર્ધદગ્ધ કબ્રસ્તાની ધર્મની અનુયાયી થઈ રહી છે જેથી તેઓને હવે સૈયદોની જરૂર જણાતી નથી તેથી જ તેને આપણી જ્ઞાતિ સાથેના સંબંધમાંથી કાઢી નાંખવાની ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. પીરાણા અર્ધદગ્ધ ધર્મની જાણે આપણી જ્ઞાતિને ઘણી જ જરૂરિયાત ન હોય તેવી રીતે તેના માટે પીરાણાની ગાદીના અધ્યક્ષ લક્ષ્મણ કાકા આચાર્યશ્રી સર્વે ઉપમા લાયક હોય તો પણ તેનો બચાવ કરવા તેમજ પીરાણા કબ્રસ્તાની ધર્મ અને પીરાણા ધર્મની જાગીરનો કબજો લક્ષ્મણ કાકા પાસે રહે તેના માટે આગેવાનોને સમજાવે છે કે ત્રણસો ચારસો વર્ષથી પીરાણાની ગાદી ઉપર આપણી જ્ઞાતિનો નિમાયેલ અધ્યક્ષ થઇને બેસે છે, તેજ પ્રમાણે હમણાં જે ગાદી ઉપર લક્ષ્મણ કાકો બીરાજે છે તે પણ આપણી જ્ઞાતિએ જ નિમેલ છે. એવો પુરાવો આપીને કાકો ગમે તેવો પ્રપંચી હોય, સ્વાર્થી હોય પૈસાનો ગમે તેવો ખોટે રસ્તે વ્યય કરતો હોય તો પણ તેને ટકાવી રાખવા આગેવાનોને મજબૂત રીતે કરાંચીના સુધારક ભાઈઓ ખાસ અપીલ કરે છે. વિશેષમાં કણબી આગેવાનોને સુધારક ભાઈઓ જણાવે છે કે સૈયદોએ કાકાશ્રીને નોટીસ આપીને જણાવ્યું છે કે પીરાણાની મિલકત સૈયદોની છે જેમાં કાકાઓનું કંઈ પણ લાગતું વળગતું નથી એટલું જ નહીં પણ કચ્છના કણબી આગેવાનોને પીરાણામાંથી અપમાન કરી કાઢી મેલવાની વાત જે બની હતી, તે વાત તાજી કરી યાદ કરી આપીને આગેવાનોને ખાસ જણાવે છે. સુધારક ભાઈઓની મતલબ એવી જણાય છે કે સૈયદો ઉપર કોઈપણ પ્રકારે કચ્છના આગેવાન કણબીઓને ક્રોધ આવે. વિશેષમાં આગેવાનોને સુધારક ભાઈઓ જણાવે છે કે તમો ઢીલા થશો તો કચ્છમાં જે ગામોગામ કણબીઓના ખાનાં છે તેનો પણ સૈયદો કબજો લેવાની કોશીશો કરી રહ્યા છે. આખી જ્ઞાતિને સંબોધીને સુધારક ભાઈઓ જણાવે છે કે ભાઈઓ ચેતો આવા ધર્મભ્રષ્ટ લોકોના હાથે આપણા આગેવાનો અને આચાર્યશ્રી કાકાઓનું અપમાન થાય તે આપણાથી હવે કેમ સહન થાય !
ધન્ય છે કરાંચી નિવાસી જ્ઞાતિ સુધારક ભાઈઓ ! તમે પણ ખુબ કરી. તમારા જેવા આદર્શ સુધારકો ન હોત તો પીરાણા અર્ધદગ્ધ કબ્રસ્તાની ધર્મ આપણી જ્ઞાતિના માટે તો જરૂર પડી ભાંગત. તેમજ પરમ દયાળુ ગેઢેરાઓનું અને પીરાણાના કાકાઓનું માન પણ ન જ જળવાત. પીરાણા ધર્મ આપણો છે, કાકાઓ પીરાણા ધર્મના રક્ષક છે અને કચ્છના કણબી આગેવાનો એ પ્રપંચી ધર્મના અને કાકાશ્રીના સીમેન્ટ કોંક્રિટના લોખંડી કામ જેવા મજબુત પગ છે, તેનો ખરેખરો બચાવ કરવા જતાં તમોને સૈયદો સાથે ભારે રસાકસી જાગી છે અને સૈયદો તરફ જે તમોને અણગમો ઉત્પન્ન થયો છે તે પણ ખાસ કરીને પીરાણા અર્ધદગ્ધ કબ્રસ્તાની ધર્મ જે ન હિન્દુ ન મુસલમાન એવો ખીચડીયો પંથ હાથમાંથી છુટી ન જાય અને આગેવાનો નબળા ન પડે એના માટે તેમને અસહ્ય સંકટ વોરવું પડ્યું છે એમ કરાંચી યુવક મંડળના સુધારક ભાઈઓના લેખ ઉપરથી સ્પષ્ટ સમજાય છે. લેખમાં આગળ લખતાં સુધારક ભાઈઓ લખી જણાવે છે, કે કરાંચીમાં અવારનવાર સૈયદ લોકો આવે છે અને જે સૈયદોના શિષ્યો છે તેના ઘેર ઉતરે છે. પરંતુ ત્યાં પીરાણા ધર્મનો બોધ કરે છે અને તેને મુસલમાન થવાનું સૈયદો કહેતા હશે તેની વાત કરતાં સુધારક ભાઈઓને શરમ થાય છે ! જેથી વિનંતી પર વિનંતી અને અપીલો પર અપીલ કરી આગેવાનોને સુધારક ભાઈઓ વિનંતીઓ કરે છે કે કરાંચી નિવાસી અજ્ઞાન ભાઈઓને સૈયદોના સંગથી બચાવો. નહીં તો હવે તેઓમાં થોડો માત્ર નામનો હિન્દુ અંશ રહ્યો છે તે પણ રહેવો બિલકુલ મુશ્કેલ છે. કારણમાં સુધારક ભાઈઓ જણાવે છે કે, સૈયદો કણબીઓને છડેચોક અભડાવવાની કોશીશો કરે છે તેથી અન્ય હિન્દુ જ્ઞાતિઓ ટીકા કરે છે. માટે હવે માંસાહારી સૈયદને આપણી જ્ઞાતિમાંથી આવતા બંધ કરો અને જો તમો કહેવાતા આગેવાનો સૈયદોને આવતા બંધ નહીં કરો તો કરાંચીમાંના જ્ઞાતિ સુધારક વીર બન્ધુઓ—આગેવાનો તેમજ પીરાણા ધર્મના માટે લેખ લખશે એવી અલ્ટીમેટમ રૂપે ધમકી આપી લેખ સમાપ્ત કરતાં, આગેવાનો સુધારો નહી કરે તો તેમને જવાબદાર ગણી લેખ સમાપ્ત કર્યો છે.
ઉપર પ્રમાણેની હકીકતનો જાહેર ખુલ્લો પત્ર કરી કરાંચી—નિવાસી ભાઈઓની ખેડોઈથી તે લખપત સુધીના તમામ ગામોના ઓછા વધતા સર્વે ભાઈઓની—સભા તરફથી સભાના વિદ્વાન નેતાઓના ઉંચા મગજથી લખીને કરાંચી સુધારક ભાઈઓએ જે પોતાની ફરજ અદા કરી છે તેના માટે તો હું તે વિદ્વાન ભાઈઓને ધન્યવાદ આપું છું પરંતુ એ લેખ સભાના તેમજ યુવકમંડળના નિયમો તેમજ ધારા ધોરણથી ઘણો જ વિરુદ્ધ હોવાથી મંડળના મુખ્ય સિદ્ધાંતોના મુદ્દાઓની વાતોમાં મેરૂ અને હિમાલય પર્વત જેવડી ભુલો કરી આજ દિવસ સુધીની કચ્છ વીરાણી મુંબઈ તેમજ કરાંચીના યુવક મંડળની તનતોડ જ્ઞાતિસેવા અને સ્વધર્મની હિલચાલની કફોડી સ્થિતિ કરાંચીના સુધારક ભાઈઓએ કરી મુકી છે, તેના માટે મારે કરાંચી સુધારક ભાઈઓને તેમજ જ્ઞાતિ બન્ધુઓના જાણવા માટે જાહેરમાં કરાંચી સુધારક ભાઈઓની જે ભુલો થઈ છે, તેમાં સત્ય નિષ્ઠાથી સાચું નગ્ન સત્ય શું છે તે કહી બતાવવાનો મારો ધર્મ મને ખુલ્લો જવાબ આપવાની પ્રેરણા કરે છે. જેથી આ લેખ લખવાની મને અનિવાર્ય ફરજ ઉભી થાય છે. હું આશા રાખું છું કે મારી જ્ઞાતિના વિદ્વાન જ્ઞાતિ સુધારક મિત્રો તેમજ જ્ઞાતિના ભાઈઓ સાર ગ્રહણ કરી યોગ્ય ન્યાય આપી જ્ઞાતિમાં યોગ્ય સુધારો કરવાની યોગ્ય હિંમત કરશે.
શરૂઆતમાં હું જણાવીશ કે, કરાંચી મુકામે તા.૮—૮—૧૯૨૦ની સાલમાં શ્રી કચ્છ કડવા પાટીદાર ભાઈઓની પરિષદ હજારોની સંખ્યામાં જ્ઞાતિ બંધુઓની મળી હતી. સભાના પ્રમુખ રા.રા.રાજાભાઈ શામજી ધોળુ ગામ માનકુવાવાળા તેમજ કરાંચી નિવાસી રિસેપ્શન કમિટિના પ્રમુખ ભાઈ નાનજી પચાણ ગામ—નખત્રાણાવાળાએ પીરાણા ધર્મ સંબંધે યોગ્ય ખુલાસો કર્યો છે કે પીરાણા ધર્મ ન હિન્દુ ન મુસલમાન એવો પંથ અર્ધદગ્ધ ધર્મ છે જેને લોકો ખીચડીયો પંથ પણ કહે છે. બંને પ્રમુખોના ભાષણમાં એક જ મતલબના એવા ફકરાઓ બોલાયા છે કે પીરાણા ધર્મ આપણી જ્ઞાતિને શરમાવનારો નીચું જોવડાવનારો છે અને એ પીરાણા ધર્મ આપણી હિન્દુ જ્ઞાતિને કલંકરૂપ છે એવું મેં અનેક વખત કરાંચી તેમજ મુંબઈ અને કચ્છ વીરાણીના યુવક મંડળના સુધારક ભાઈઓના મોઢાથી સાંભળ્યું છે. તે સિવાય મારા સાંભળવા પ્રમાણે અને કરાંચીમાંના જ્ઞાતિ સુધારક ભાઈઓના એક ખાસ આગેવાન ભાઈના મોઢાના ખુલાસાથી પણ જાણ્યું છે કે કરાંચીમાં કણબી જ્ઞાતિના સુધારક યુવક મંડળે પીરાણા ધર્મને તીલાંજલી આપી દીધી છે અને હંમેશના માટે એ કલંકરૂપ પીરાણા ધર્મનો ત્યાગ કર્યો છે. એટલું જ નહીં પણ પીરાણાના ધર્મનો, બાવા ઈમામ શાહના પાટનો તેના ધર્મ અને કર્મના પુસ્તકોને કાઢી નાખી ત્યાં આગળ સિંહાસન ઉપર ભાગવત અને રામાયણના પુસ્તકો પધરાવી તેની સેવા પુજા અને આરતી ધૂપ દીપ કરે છે. આ વાત સાંભળી મુંબઈવાસી જ્ઞાતિ ભાઈઓ તેમજ હું, કરાંચી નિવાસી જ્ઞાતિ સુધારક ભાઈઓની જાહેર હિંમતના માટે ઘણા જ ખુશી થયા હતા. પરંતુ દિલગીરીની વાત એ છે કે, તા.૧૩—૧૧—૧૯૨૧ના કરાંચી સભાના ખુલ્લા પત્રથી જણાય છે કે સુધારક ભાઈઓએ સુધારાની બાબતમાં ફક્ત સૈયદો ઉપર જ પોતાનો ગુસ્સો બહાર પાડી બાકીના જે સુધારાઓ કરવાની જરૂર હતી તે વાતની તદ્દન ચુપકીદી પકડીને ઉલટી રીતે કાકાઓનો તેમજ કણબીની જ્ઞાતિના જુલ્મી આગેવાનોનો ખોટો બચાવ કર્યો છે. ખરી રીતે પીરાણાના કાકાઓના માટે મુંબઈના યુવક મંડળે ઘણું અજવાળું બહાર પાડ્યું છે, તેમજ કરાંચીવાસી ભાઈઓના મોઢાથી પણ કાકાશ્રીના ચારિત્રો સાંભળ્યા છે. વળી આગેવાનોના જુલ્મ સંબંધે કરાંચી મુકામે મળેલી સભામાં તેમજ અનેક વખતોની સભામાં આગેવાનોના જુલ્મ સંબંધી તેઓની પાસેથી પંચના પૈસાનો વહીવટ અને આપણા જ્ઞાતિ ભાઈઓના તેમજ બહેનોના ઉપર જે નિર્દયપણે આગેવાનો જુલ્મ અને ત્રાસ વર્તાવે છે તેને તોડી પાડવાના અનેક વખતે સભાઓમાં સર્વાનુમતે ઠરાવ પસાર થયા છે એ વાત આપ સારી પેઠે જાણો છો તેમજ આગેવાનો ચોખ્ખું સમજે છે કે, પીરાણા ધર્મ મુસલમાની છે છતાં પણ તેને બળજોરીથી આપણી જ્ઞાતિને પળાવવામાં આગેવાનોનો પાકો સ્વાર્થ સમાયેલો છે એ વાતો કરાંચી તેમજ અન્ય સભાઓમાં કરાંચી ભાઈઓની હાજરીમાં ઘણી વખત ચર્ચાઈ ગઈ છે. તેમજ તમો કરાંચી મંડળના સુધારક ભાઈઓને કચ્છી કણબી જ્ઞાતિના આગેવાનોનો ઘણો જ કડવો અનુભવ પણ થયેલો છે છતાં પણ જાણે કાંઈ ન જાણતા હોઈએ તેવી રીતે કાકાશ્રી તથા આગેવાનો માટે ઉંચો અભિપ્રાય દર્શાવી તેઓની ભુલો જતી કરી, પીરાણા ધર્મ, લક્ષ્મણ કાકાના હાથમાં રહે, જુલ્મી આગેવાનોની સત્તા કાયમ રહે એટલા માટે તમો જ્ઞાતિનું સત્યાનાશ વાળનાર પીરાણા ધર્મના ખાં કણબી આગેવાનો પાસે કગરી વગરીને સૈયદોને કાઢવા માટે અને પીરાણા ધર્મ આપણા કબજામાં રહે ! તેના માટે દીન મુખે આજીજીઓ કરી રહ્યા છો ! મને તો ચોખ્ખું જણાય છે કે તમારામાંના ઘણા ભાઈઓ ડરપોક છે, તેથી આગેવાનોથી ડરી ગયા છો અને તેથી જ તમો સુધારક તરીકેના સત્ય રસ્તાથી પાછા હઠી જઈ તમે જ્ઞાતિ સુધારાનું નિર્દય રીતે ખુન કર્યું છે. આવો આક્ષેપ મુકવાની મને તમારો લેખ ફરજ પાડે છે. આગેવાનો સૈયદોને આવતા બંધ કરે એ આકાશ કુસુમવત વાત છે. આગેવાનો પોતાનો કક્કો તેમજ સ્વાર્થ સારી પેઠે સમજે છે. પીરાણાધર્મ તેમજ કાકાને અને સૈયદોને આગેવાનો છોડી દે તો તેઓની હરામી જ્ઞાતિનું લોહી ચુસવાની — વગર મહેનતની આવક બંધ પડે તેથી જોઈએ તો સૈયદ કાકાઓનું કે કણબી આગેવાનોનું ભારે અપમાન કરે કે પીરાણામાંથી કાઢી મુકે અથવા ગાદીપતિ લક્ષ્મણ કાકાનો અર્થ ગુલામ તરીકે કહી બતાવે અથવા કાકાનો દરજજો ઝાડુ કાઢવાનો અને દરગાહમાં દીવાબત્તી કરવાનો કહે તો પણ લક્ષ્મણ કાકો એવો લોભી માણસ છે કે એને ગાદીપતિની સત્તાનો ત્યાગ કરતાં જીવ ચાલી શકતો નથી. લક્ષ્મણ કાકો તેમજ અન્ય કાકાઓ સારી રીતે સમજે છે કે પીરાણા ધર્મ મુસલમાની છે અને કાકાશ્રીની જ્ઞાતિ હિન્દુ છે છતાં પણ સત્તાનો અને ધર્મ ગુરૂ તરીકે પુજાવાનો અને પૈસાનો સ્વાર્થ તેનાથી છોડી શકાતો નથી જેથી પોતે તેમજ પોતાની જ્ઞાતિ હિન્દુ હોવા છતાં મુસલમાની ધર્મમાં દટાઈ રહે, પોતાનું ગમે તેવું અપમાન થાય તો પણ અધ્યક્ષપણાનો મોભો ગમે તે હાલતમાં જળવાઈ રહે અને કણબીઓ તેને પૈસા આપતા રહે એથી વધારે કાકાને કંઈ લોભ નથી. ત્યારે એક સવાલ એ ઉભો થાય છે કે, પીરાણા ધર્મ મુસલમાની છતાં એ ધર્મ ચલાવનાર મુસલમાન સૈયદોએ આજ દિવસ સુધી પીરાણાધર્મનો વહીવટ કાકાઓ મારફતે કેમ ચલાવ્યો અને હજુ સુધી કેમ ચલાવે છે? તેના જવાબમાં માત્ર એટલું જ કે, સૈયદોએ એના વડીલના પગલે ચાલી પોતાની બીજા પ્રકારની સત્તા ઢીલી રાખવામાં ડહાપણ માનેલું છે. ઈમામશાહની ગાદીના અધ્યક્ષ તરીકે કચ્છના કણબીઓને નિમવામાં તેનો મોટો સ્વાર્થ સમાયેલો છે. સૈયદોના મૂળ પુરૂષ ઈમામશાહ ઘણા જ કાબેલ માણસ હતા, તેઓ જાણતા હતા કે પીરાણા સતપંથ ધર્મ એ અર્ધદગ્ધ ધર્મ છે. એ ધર્મનું આચાર્ય પદ અથવા ધર્મનું ગુરૂપણું તેના વંશના સૈયદોને સોંપે તો પાછળથી એ ધર્મના હિન્દુ સેવકો મુસલમાન ગુરૂને લઈ એ ધર્મ પાળે નહીં, તેથી જ કચ્છ દેશમાંની અજ્ઞાન અને ભોળી કોમના મુખી કણબીઓની જ વધુ પસંદગી કરી તેને પીરાણાની ગાદીના અધ્યક્ષ બનાવી ભગવાં લુગડાંનો વેશ પહેરાવે છે. તેથી ભોળા અને મૂર્ખ લોકો એમ માને છે કે આ મહાન બ્રહ્મચારી સાધુઓના રૂપમાં હિન્દુ જેવા દેખાતા ભગવાધારીઓ હિન્દુ છે અને પીરાણા ધર્મ પણ બહારથી હિન્દુધર્મ જેવો છે એવો ડોળ વેશધારી કાકા સાધુઓ બતાવે છે. જેથી હિન્દુ જ્ઞાતિ હિન્દુ ભાઈઓના હાથે જ પીરાણા કબ્રસ્તાની ન હિન્દુ ન મુસલમાન ધર્મમાં દટાઈ રહે છે. એ ફીલસુફી સૈયદોની અત્યાર સુધી તો નભી રહી. પરંતુ ગાદીપતિ લક્ષ્મણ કાકાના વહીવટમાં અનેક પ્રકારના ગોટાળા અને ધર્મ ગુરૂને ન છાજતાં કામો—મીલોના એજન્ટ વગેરે થવાનું તેમજ મોટર કારો રાખી પૈસા કમાવાનું વગેરેની લાલચમાં કાકો પોતે ગાદીપતિ તેમજ ધર્મગુરૂ છે એ વાત ભુલી જવાથી તેમજ સૈયદો સાથે અનેક પ્રકારની તકરારો થવાથી પીરાણા ધર્મની હયાતી ભયમાં આવી પડી છે એના કારણમાં આપ સમજી શકો તેવી રીતે આગેવાનો એક વર્ષના દહાડામાં ચાર વખત પીરાણે કાકાઓનો બચાવ કરવા અને પીરાણા ધર્મનો કબજો લેવા આવ્યા પરંતુ છેવટે સૈયદોથી અપમાન પામી પાછા દેશમાં જવું પડ્યું છે. પીરાણાના કાકાની તેમજ કણબી આગેવાનોની મૂર્ખાઈ ઉપર મને હસવું આવે છે. આટ આટલા હડધૂત થાય છે તો પણ આગેવાનો પીરાણા ધર્મને છોડે અને જ્ઞાતિને સૈયદોના દોષથી જે શરમાવાપણું દેખાય છે તેમાંથી આગેવાનો બચાવે એવો એક પણ ઉપાય સુજતો નથી કારણ કે, કચ્છની કણબી જ્ઞાતિના મુખ્ય આગેવાન મંગવાણાનો હીરો પટેલ, કુરબઈનો જસો પટેલ, કોટડા જડોદર વાળાનો સામો પટેલ અને નેત્રાનો કરમશી ગેઢેરો આ ચાર આગેવાનોની ઈચ્છા જ્ઞાતિને મુસલમાન બનાવવાની છે. બાકીના જે આગેવાનો છે, તે આ ચાર મહાવીર ! યોદ્ધાઓના હાથના રમકડાં છે અથવા તેઓના ગુલામ જેવા વેચાણ છે ત્યાં સુધી બીજા આગેવાનો પણ તમારું દુઃખ અથવા સૈયદોના ત્રાસમાંથી છોડાવે તેમ નથી. કરાંચી સુધારક ભાઈઓના છેલ્લા લેખના છેલ્લા પેરેગ્રાફમાં લખ્યું છે કે — નીચ મ્લેચ્છ લોકો પણ આપણી જ્ઞાતિમાં પૂજ્ય મનાય, ગુરૂ થવાનો દાવો કરે. અફસોસ પાટીદારો ! તમને અન્ન ખાવા ક્યાંથી મળે ? તમને સુખ ક્યાંથી મળે ? તમો જે એ અહિંસા પરમોધર્મના પાળક તે આજે નીચ માંસાહારી લોકોને ગુરૂ કરી હિંસા કરનારને ઉત્તેજન આપો છો. આ પ્રમાણેનું તમારું લખાણ તદ્દન ગેરવ્યાજબી તેમજ સમજ ફેરનું છે. હું ખાત્રીપૂર્વક માનું છું કે પીરાણા ધર્મ એ અહિંસા પરમોધર્મ છે જ નહીં, હતું જ નહીં અને હવે પછી પણ હોવાનું જ નથી. કારણ કે, એ ધર્મના અંગ રૂપે મુસલમાન સૈયદો માંસાહારી હોય જ અને છે જ તે વાત કચ્છની કણબીની આખી જ્ઞાતિ સારી રીતે જાણે છે, તમો પણ સારી પેઠે જાણો છો તો પછી તમારે માનવું જોઈએ કે પીરાણા ધર્મ જ આપણી જ્ઞાતિના માટે યોગ્ય નથી અને એ અર્ધદગ્ધ ધર્મનો જ્યાં સુધી આપણી જ્ઞાતિ ત્યાગ કરે નહીં ત્યાં સુધી આપણે અહિંસા પરમોધર્મના માનનારા પણ કહેવાઈએ નહીં. જ્ઞાતિ સુધારક ભાઈઓને મારી વિનંતી છે કે આપ જ્યાં સુધી આત્મભોગ આપી શકો નહીં તેમજ હૃદયમાં સત્ય સંકલ્પ કરી શકો નહીં ત્યાં સુધી કરાંચીમાં અને કચ્છમાં સૈયદો આવવાના જ. તમો બીકણ બાયલા થઈ આગેવાનોને વહાલા થવાની ખાતર તેમને કરગરો તેથી એ આગેવાનો અથવા પીરાણાના કાકાઓ તમને માંસાહારી સૈયદોથી બચાવી શકે જ નહીં. કાકાઓની તેમજ કણબી આગેવાનોની તાકાત નથી કે તેઓ પીરાણામાં ઈમામશાહની દરગાહનો કબજો લઈ પીરાણાની મિલકતના માલિક થઈ શકે. ન્યાય બુદ્ધિથી પણ આપણે સમજી શકીએ એવી સીધી અને સરળ વાત તો એ છે કે પીરાણું તેમજ પીરાણાધર્મ અને પીરાણાની જાગીરના ખરા હકદાર માલિક ઈમામશાહના વંશના સૈયદો જ છે. કારણ કે એ મુડી અને મિલકત ઈમામશાહની છે. તેમાં બીજો કોઈ પણ હકદાર માલિક થઈ શકે જ નહીં. તેના કારણમાં હું જણાવીશ કે ગાદીપતિ લક્ષમણ કાકાનો મુખ્ય કારભારી રામજી કાકો પણ ટીલાયત કાકાની માફક જ કાકાશ્રી કરતાં પણ સારી સત્તાથી પીરાણામાં રહેતો હતો પરંતુ તેના ગુજરી જવા ટાણે કચ્છના કણબી આગેવાનોની ત્યાં હાજરી હતી છતાં પણ સૈયદોએ પીરાણા કબ્રસ્તાનમાં દાટવા માટે જબરો વાંધો ઉઠાવ્યો હતો અને કચ્છના આગેવાનોના કાલાવાલાથી સૈયદોએ રૂા.૫૦૦ લઈને પછી દાટવા દીધો હતો. આ વાત તદ્દન ખુલ્લી છે. સમજો તો સમજાઈ શકે તેવી સીધી છે. કહો જોઈએ, હવે લક્ષમણ કાકો તેમજ કચ્છના આગેવાન કણબીઓ શી રીતે પીરાણા ધર્મના માલિક થઈ શકે? સૈયદોએ એક નોટીસમાં કાકાશ્રીને જણાવ્યું છે કે ગાદપતિ લક્ષમણ કાકો પેટીએ ખાવા પીવાનો વગર પગારનો—સૈયદોનો નોકર છે. આ વાત તદ્દન જગત જાહેર છે છતાં પીરાણાના હકની વાત કરવી એ કેટલી મૂર્ખાઈ છે ! પીરાણાના કાકાઓ તેમજ કચ્છના કણબીઓ બહુ બહુ વાતે જોર કરો તો તમો એ પીરાણાના અર્ધદગ્ધ ધર્મ પાળો નહીં, ત્યાં જાઓ નહિ, તેમજ તમો એ ધર્મ પાળો છો તેના અંગે રાજીખુશીથી અથવા ફરજિયાત પીરાણે હુંડી મોકલો છો તે મોકલો નહીં એ રીતે જ તમો સૈયદોથી તેમજ પીરાણા અર્ધદગ્ધ ધર્મથી છુટાછેડા કરી શકો છો. બાકી તમારાથી બીજું કશું બની જ શકે નહીં. પીરાણા ધર્મ, તેની જાગીર, મિલકત એ સર્વ ઈમામશાહના વંશના બની બેઠેલા મુસલમાન સૈયદોની જ છે અને અંતે પણ તેની જ રહેવાની એ વાતમાં કંઈપણ શંકા છે જ નહીં. આટલો ખુલાસો કરાંચી ભાઈઓના ખુલ્લા પત્રનો કર્યા પછી હું ફરી ફરીને જણાવીશ કે, કચ્છના કણબી આગેવાનો તેમજ પીરાણાના કાકાઓ ગમે એટલીવાર સૈયદોથી રિસાય આગેવાનોને પીરાણામાં ખાવા ન મળે તો પણ કોઈ કાળે પણ કોઈ કોઈને છોડે તેમ નથી. સૌને અરસપરસ પાકો સ્વાર્થ સમાયેલો છે એ વાત જ્યારે હૃદયથી સમજાય ત્યારે જ જ્ઞાતિના સુખ દુઃખનું અને ઉજળા આર્ય ધર્મનું ભાવી ઘડવાનું ડહાપણ તમારામાં આવશે. હું ફરીથી પણ તમને કહું છું કે, કચ્છના કણબીની જ્ઞાતિના દુઃખનું, જુલ્મનું અને ગુલામીપણાનું જે અસહ્ય દુઃખ જ્ઞાતિ ભોગવી રહી છે તેની મુક્તિનો માર્ગ ફક્ત એક જ છે અને તે એ કે પીરાણા કબ્રસ્તાની અર્ધદગ્ધ ધર્મનો જ્યાં સુધી ત્યાગ થાય નહીં ત્યાં સુધી કચ્છની કણબીની જ્ઞાતિ ભયમાં છે — મોતના પંજામાં છે. આગેવાનો પાસે દયા માગવાની કે જ્ઞાતિને સુધારવાની ભીખ માગવાનો જમાનો હવે રહ્યો નથી. આગેવાનો પાસે દયા માગવી એનો અર્થ એટલો જ છે કે ફાડી ખાનારાં જાનવરો માંહેલા વાઘઅને વરૂ પાસે એક બકરું પોતાના જીવનની ભીક્ષા માગે ! તેને વાઘ અને વરૂ જીવતો છોડે કે નહીં? એ રાહે તમો જ્ઞાતિના આગેવાનો પાસે દાદ મેળવી શકો છો. સાદી અને સરળ બુદ્ધિથી પણ માની શકાય એવી સીધી વાત તો એ છે કે, મુળો નાસ્તી કુત્તો સાખા ! એ ન્યાયે જો તમારે પાપનું, દુઃખનું અને જુલમીપણામાંથી છુટવાનું હોય તો ફક્ત એક જ બારૂ છે અને તે એ છે કે પીરાણા કબ્રસ્તાની ધર્મનો હંમેશના માટે ત્યાગ. જો તમે પીરાણા અર્ધદગ્ધ ધર્મ ન પાળતા હો તો સૈયદો તમારી પાસે આવે જ નહીં. પીરાણા ધર્મને લઈને અન્ય કોમોમાં જે શરમાવવું પડે છે તેથી બચી જાઓ અને બીજા હિન્દુભાઈઓની સાથે તમો છુટથી બધી વાતના લાભ મેળવી શકો અને પીરાણા ધર્મ પાળવાથી આગેવાનોને ધર્મના બહાને જે તમોને તમારી કમાઈનો દસમો ભાગ એટલે દશોંદ આપવી પડે છે તે તમો પીરાણા ધર્મ પાળતા ન હો તો આપવી પડે નહીં તેથી એની મેળે જ આગેવાનો પણ તમારા જેવા જ થઈ રહે. વર્તમાન સ્થિતિમાં લગભગ પચાસથી સાઠ હજાર કોરી ! દર વર્ષે ! તમો ગરીબ ભાઈઓ પાસેથી જોર જબરીથી આગેવાનો પીરાણા ધર્મના બહાને ઉઘરાવે છે. તેમાંથી લગભગ અડધો અરધ આગેવાનો પોત પોતામાં વહેંચી ખાઈ જાય છે એ ખાવાનું બંધ પડે એટલે તેઓને પણ તમારી જ માફક કામ ધંધો કરવો જ પડે એટલે તે તમારા ઉપરી અથવા આગેવાન બની શકે જ નહીં જેથી તમારા ઉપર જુલ્મ કરવાનું અશક્ય થઈ પડે અને જ્ઞાતિ આખી સુખી થઈ શકે. પરંતુ એ સઘળું હૃદયથી સમજાય અને સમજીને તેનું પાલન કરવામાં આવે તો જ તે બની શકે તેમ છે. મારા ઘણા દિવસના અનુભવથી હું કહી શકું છું કે જ્ઞાતિ સુધારાનું કામ કરનારા ભાઈઓમાં મેં ઘણા ભાઈઓને બીકણ બાયલા સરખા વિચારો દર્શાવતા જોયા છે. ઘણા ભાઈઓની હિંમતની કસોટીઓ થઈ ગઈ છે અને એ કસોટીની પરીક્ષામાં નપાસ થયેલા ભાઈઓ પોતાની ભુલ સુધારવાને બદલે અવળે માર્ગે કામ કરતા હાલમાં માલુમ પડે છે. જ્ઞાતિ સુધારાનું કામ કરનારા ભાઈઓ માટે મને માન છે. સુધારક ભાઈઓ માંહેના થોડા ભાઈઓએ પોતાના અંગત સ્વાર્થનો ત્યાગ કરી યા હોમ જ્ઞાતિ સેવામાં ઝંપલાવ્યું છે અને તેના સંબંધમાં આગેવાનોએ કરેલા જુલ્મ સામે શાંતિથી આગેવાનોના જુલ્મને તોડી નાખ્યાના દાખલા પણ જ્ઞાતિમાં બનેલા છે. પરંતુ એટલા થોડા દાખલાથી અજ્ઞાન અને અંધકારમાં જ્ઞાતિ ડુબેલી હોય તેને એટલા નાના પ્રકાશથી દેખતી કરી શકાય નહીં. એકાદ વર્ષ પહેલાં અથવા તો પહેલી કરાંચીની જ્ઞાતિ પરિષદ સુધી સુધારક ભાઈઓમાં જે બળ, પ્રતાપ અને સત્યતા ભરેલી તીવ્ર લાગણીઓ પ્રકાશી રહી હતી અને એ પ્રકાશથી આગેવાનો તેમજ પીરાણાના કાકાઓ અને સૈયદો જે થરથરી રહ્યા હતા તે પ્રકાશ કોણ જાણે કોઈ કારણસર એકદમ અંધકારમાં અદૃશ્ય થઈ ગયો હોય તેમ લગભગ સોળ મહિનાથી એ પ્રકાશની ઝાંખી સરખી પણ થતી નથી. કરાંચી તેમજ મુંબઈના યુવકમંડળના સુકાનીઓ તેમજ કચ્છ વીરાણીના કેટલાક યુવાન ભાઈઓ ગમે તેવી અગવડ હોય તો પણ દુઃખ વેઠી અતિશય આકરા ભોગો આપીને જ્ઞાતિને જાગૃત કરવામાં જે જહેમત ઉઠાવી રહ્યા હતા તે વાતાવરણ હાલમાં દેખાતું નથી એ કચ્છની કણબી જ્ઞાતિના કમભાગ્ય છે. આ ટાણું, આ વખત, આ જમાનો વીજળીના વેગે પ્રયત્ન કરવાનો છે. એટલું જ નહીં પણ પીરાણામાં કાકાઓ અને સૈયદો વચ્ચે જીવ સટોસટની તકરારો ઉભી થઈ છે, કચ્છના કણબી આગેવાનોના પીરાણામાં જોશભેર તિરસ્કાર થઈ રહ્યો છે, ઈમામશાહના હૃદયના ઉંડા ભાગની પીરાણા ધર્મની રચનાનો પાયો પડુંપડું થઈ રહ્યો છે એવા યોગ્ય પ્રસંગે મારા વીર અને બહાદુર મિત્રો જેમણે જ્ઞાતિ સુધારાનું કામ કરતાં ઘણાં જોખમો વોર્યા છે તે બહાદુર ભાઈઓને જાણે થાક લાગ્યો હોય તેમ અત્યારે ઘોર નિંદ્રામાં ઉંઘતા હોય એમ ચોખ્ખું જણાય છે ! મહા પ્રતાપશાળી નરયુવાન જ્ઞાતિના યુવકોમાં પૂજ્ય મનાયેલો વીર કેસરી, અનેક વખતે સભાઓને ગજાવનાર વીરાણી નિવાસી ભાઈ રતનશી ખીમજી ક્યાં છે? કરાંચી પરિષદના પ્રમુખ સાહેબ રા.રા.રાજાભાઈ શામજી ધોળુ ગામ માનકુવાવાળા જેઓએ જ્ઞાતિના મુંબઈ, કચ્છ, ગુજરાત અને છેક નિમાડ માળવા સુધીના બંધુઓને અનેક વખત દિલાસાઓ આપીને શાંત કર્યા હતા અને કચ્છની કણબી જ્ઞાતિને નીચું જોવડાવનારા ન હિન્દુ ન મુસલમાન એવા અર્ધદગ્ધ અધર્મયુક્ત પંથે જતી અટકાવા પોતે સર્વસ્વનો ભોગ આપવા તૈયાર છે એવું અનેકવાર અનેક પ્રસંગે જણાવેલું. તે માટે છેવટે ફકીર થઈ જવાય તો પણ પરવાહ નથી એવી ઉમેદ બતાવેલી તે રાજાભાઈ પણ ક્યાં છે? શું એ ડોળ હતો કે અન્ય મિત્રો તેમને મુસલમાન જેવા ન ગણી કહાડે તે પ્રસંગમાંથી બચી જવાની તેમની પ્રસંગને ટાળી દેવાની યુક્તિઓ હતી, કે પછી પ્રમુખની ખુરશીએ ચઢેલા પોતે એક ગૃહસ્થ જેવા જ્ઞાતિમાં ઘેર ઘેર દેખાય તે બતાવવાનો લોભ હતો ? વળી કરાંચીના યુવક મંડળમાંના વિદ્વાન નેતાભાઈ રતનશી શીવજી તથા સેક્રેટરી શીવજી કાનજી તથા મહાન પ્રતાપી કરાંચીના યુવક મંડળના પ્રમુખ ભાઈ નાનજી પચાણ કે જેમણે કરાંચી પરિષદમાં તેમજ મુંબઈની સભામાં જ્ઞાતિના ભાઈઓને જાગૃત કરવા આગેવાનોની સાથે દ્વંદ્વ યુદ્ધની માફક જ્ઞાતિ બંધુઓને સંબોધીને જણાવ્યું હતું કે આપણે ચુડીઓ પહેરી નથી તેમ ઘાઘરા પહેર્યા નથી અને આપણે જાનવર નથી કે ઘાસ ખાતા નથી પણ આપણે મનુષ્ય છીએ, એક મનુષ્ય તરીકેની સ્વતંત્રતા સમજી શકીએ છીએ વિગેરે બોધ વચનોથી જ્ઞાતિ ભાઈઓને જેણે નવું જીવન આપ્યું હતું તે અને તે સિવાયના અનેક આપણી જ્ઞાતિના અમૂલ્ય રત્નો સમાન ભાઈઓ જે એક વર્ષ દહાડા અગાઉ પોતાના બુદ્ધિ બળથી જ્ઞાતિની દાઝ હૃદયમાં ધરી પોતાના સ્વતંત્ર વિચારોનો પ્રકાશ જ્ઞાતિ બંધુઓમાં ફેલાવી રહ્યા હતા તેઓ કોણ જાણે કઈ દિશામાં કઈ પ્રવૃત્તિમાં રોકાયા છે તે કંઈ સમજી શકાતું નથી. જ્ઞાતિના ગરીબ ભાઈઓ એમના લેખની એમના જ્ઞાતિ હિતના માયાળુ અને લાગણીવાળા ભાષણો સાંભળવાની કેટલી મમતા રાખે છે કેટલીએ વિનંતીઓ કરી રહ્યા છે, છતાં જ્ઞાતિ સુધારક ભાઈઓ કેમ પ્રસન્ન થતા નથી? જ્ઞાતિના દુઃખી ભાઈઓના દુઃખમાં કેમ ભાગ લેતા નથી? તેના માટે કણબી જ્ઞાતિનો જનસમાજ આકુળ વ્યાકુળ થઈ રહ્યો છે. જ્ઞાતિના મોંઘેરા રત્નો સમાન જેની જિંદગીની કિંમત અમૂલ્ય અને કિંમતી જે જ્ઞાતિ હિતના માટે જ સર્જાયેલા છે એવા વીર બંધુઓને મારો સંદેશો છે કે તમો ગમે તેવા પોતાના ખાનગી કામમાં રોકાયેલા હો તો પણ તે કામ છોડી દઈને તમારા માથે સર્જાયેલું જ્ઞાતિ હિતનું ઋણ અદા કરવાને સત્વર બહાર આવો. આપણે કંઈ રાજકીય સુધારા તેમજ પોલીટિકલ બાબતોમાં કામ કરવા માગતા નથી આપણે તો આપણી જ્ઞાતિનું ભલું થાય, આપણી જ્ઞાતિ, જે ઘાતકી માણસોની ભોગ થઈ પડી છે તેમજ જોર જુલ્મથી આગેવાનો પીરાણા ધર્મમાં આપણા ભાઈઓને સબડતા ન રાખે તેની સંભાળ લેવામાં ભાગ લેવાનો છે. નેક નામદાર મહારાજા ધીરાજ મહારાવ શ્રી ખેંગારજી બહાદુર, કણબી જ્ઞાતિ સુધરે અને પોતાના સ્વધર્મની ઉન્નતિ સાધી શકે તેના માટે સંપૂર્ણ કાળજી ધરાવે છે. અન્ય દેશવાસી આપણા જ્ઞાતિભાઈઓની આપણા પ્રત્યે સંપૂર્ણ દિલશોજી છે તો પછી તમને તમારો ધર્મ અદા કરતાં ક્યા પ્રકારનો વાંધો આવે છે, તે કંઈ સમજી શકાતું નથી. હાલના કટોકટીના પ્રસંગે, તમો સુધારક ભાઈઓ—તમારામાં આશા અને ઉન્નતિની ઈચ્છા રાખનાર ભાઈઓને નિરાશ કરવાનું સાહસ કરવા પહેલાં તમોએ અનેક વખત જ્ઞાતિના નિર્દોષ અને ગરીબ ભાઈઓને આપેલા સધિયારા અને તમારા સ્વમુખના વચનો યાદ કરશો. હું આશા રાખું છું કે ગમે તે કારણસર સુધારક ભાઈઓમાં ન છાજતી સુસ્તી અને બેદરકારી આવી ગઈ છે તેનો સત્વર ત્યાગ કરી જ્ઞાતિ સેવામાં યા હોમ કરી પોતાના ગરીબ જ્ઞાતિભાઈઓના દુઃખની દાઝ હૃદય ધરશો એવી હું આશા રાખું છું. કરાંચી નિવાસી સુધારક ભાઈઓનો ખુલ્લા પત્રનો જવાબ આપ્યા પછી મેં બધા સુધારકો વિશે ઘણી બાબતોની ચોખવટ કરી છે. મારા ધારવા કરતાં લેખ ઘણો લંબાયો છે તો પણ છેવટે કણબી જ્ઞાતિના સ્વભાવની મને જાણ હોવાથી છેવટે ચોખ્ખે ચોખ્ખું કહી દઉં છું કે જેના હૃદયમાં હિંમત નથી, વાણીમાં તાકાત નથી, સારું ખોટું સમજી શકવાની શક્તિ નથી, વર્તનમાં માનુષી ભાવ નથી, તેમજ જેને પોતાના હિતનું પણ જ્ઞાન નથી તેવા માણસોની આ જનસમાજમાં હયાતીની કિંવા તેમના સુખ દુઃખની આ દુનિયાને શી ગરજ છે ? પ્રભુને તેની શી કિંમત છે ? દુનિયામાં માણસ તરીકે રહેવું હોય તો હિંમત બતાવીને મનુષ્યપણું ખીલવીને, મનુષ્યની મેદનીમાં ફરવું હોય તો હિંમત દાખવીને અને જગતમાં જીવવું હોય તો બહાદુર તરીકે વીરપુરૂષ તરીકે જ. માનુષિક ગુણોથી રહિત જીવન ધારણ કરનારને આ જગત ઉપર જીવવાનો અને પૃથ્વીને ભારે મારવાનો શો અધિકાર છે ? નપુંસકને પણ વીરત્વ પ્રાપ્ત થાય એવા બોધ સાંભળ્યા છતાં પણ તમોએ જો માની જ લીધેલું હોય કે, અમારું જીવન અમારી જ્ઞાતિના આગેવાનોના હાથમાં જ છે અને અમો આગેવાનોના ગુલામ જેવા છીએ તો તમે ગુલામીને લાયક બનશો જ. તમારા આગેવાનો ધર્મગુરૂ કાકાઓ અને સૈયદો, જો ક્રૂર અને જાલીમ રહે જ તો તે યોગ્ય છે. નાલાયકોને અને ગુલામોને સુખ અને સ્વતંત્રતાની છુટ શાની, સુખ સગવડ કેવી ? આજે તો નામર્દ તેમજ બીકણ બાયલાઓના માટે આ દુનિયામાં સ્થાન નથી, કોઈ પણ પ્રકારની માંગણી કરવાનો તેને અધિકાર નથી. કોઈ પણ પ્રકારની યાચના અને અર્જ કરવાની તેને જરૂરિયાત નથી. અમારા દેશના જ્ઞાતિ બંધુઓ તથા મુંબઈ કરાંચી અને અન્ય સ્થળે વસતા સુધારક ભાઈઓના મનની કંગાલતા પણ કેટલી ! નફ્ફટ અને જુલ્મગાર આગેવાનોના જુલ્મને નફ્ફટાઈથી તાબે થવું, તેના ગમે તેવા ગેરવ્યાજબી ગેરકાયદેસર હુકમો સામે શીર ઝુકાવવું કોઈબી અન્યાય કે અત્યાચાર સામે જીભ હલાવતા પહેલાં તપાસી લેવું, ડરી મરવું વિગેરે અમારા કચ્છી કણબીભાઈઓની આ ખાસીયત જોઈને અમારી જ્ઞાતિની આ અધમ દશા માટે મને ઘણો જ ખેદ થાય છે. જ્ઞાતિના ભાવિ માટે અનેક પ્રકારની ચિંતાઓ થાય છે. આખી દુનિયા જાગી ઉઠી છે, પ્રજા હકના હતાશ સ્થળે સ્થળે સળગી ઉઠ્યા છે, જુલ્મો અને અન્યાયો સામે પ્રચંડ યુદ્ધ શરૂ થઈ ચૂક્યા છે એવા જાગતા જમાનામાં જ્ઞાતિને અધોગતિની ઉંડી ખીણમાંથી બહાર કાઢવા હું મારા દેશબંધુઓને વિનંતી કરું છું. હું છેલ્લે છેલ્લું જણાવીશ કે, મારા આત્માની સંપૂર્ણ અને શુદ્ધ નિષ્ઠાવાળી લાગણી, મારા જ્ઞાતિ બંધુઓને દુઃખના દાવાનળમાંથી છુટવાની મુક્તિ આપવાની માંગણી, તેમજ સલાહ આપવામાં જો પાપ ગણાતું હોય તો તે પાપ મેં કર્યું છે. તેના માટે કોઈ પણ પ્રકારની ક્ષમા યાચના કે પશ્ચાતાપ કરવાની મને જરૂર નથી. તે પાપમાં હું આનંદ માનું છું, અમારી પાટીદાર જ્ઞાતિની આર્ય જનતાને હલકી પાડનારી નીચું જોવડાવનારી અને મારા જ્ઞાતિ બંધુઓને સ્વધર્મથી રહિત કરનારી પીરાણાધર્મની પ્રપંચી જાળ તેમજ પીરાણાના કાકાઓ સૈયદો અને કચ્છના કણબી આગેવાનોની ગુલામીની જંજીરો તોડી, ફોડીને ફેંકી દેવાની ભલામણ કરવામાં જો હું ગુન્હો કરતો હોઉં તો મારા જેવો અઠંગ ગુનેહગાર પૃથ્વીની સપાટી ઉપર મળવો મુશ્કેલ છે. ઈશ્વરનો હું પાડ માનું છું કે મારી નિર્દોષ જ્ઞાતિનો ઉદ્ધાર કરવાના એવા ગુન્હાઓ કરવાની મને તેણે પ્રેરણા કરી છે, આ જીવનમાં મને શક્તિ અને હિંમત આપ્યા છે. તે જ મહાન પ્રભુ દયા કરીને મારી કણબી જ્ઞાતિને સત્ય રસ્તો બતાવી નીચ આગેવાનોની અનાચાર ભરી સતામણીની વેદના, ગુલામી ધર્મમાંથી છુટવાની ખાતર, સહી લેવાની જ્ઞાતિના ભાઈઓને હિંમત આપશે જ. જનની કુળદેવી ઉમિયા માતા મારી જ્ઞાતિનો જલદીથી ઉદ્ધાર કરે અને મારી જ્ઞાતિના સુધારક ભાઈઓ જે પોતાની ફરજ વિસરી ગયા છે તે યાદ કરીને જાગૃત થાય અને જ્ઞાતિમાં સુલેહ સંપ વધારીને જ્ઞાતિનો ઉદ્ધાર કરે એજ અંતિમ ઈચ્છા અને આશા રાખી આ લેખ હાલ તો સમાપ્ત કરું છું.
લી. જ્ઞાતિ સેવક |
નારાયણજી રામજી મીસ્ત્રી કચ્છ વીરાણી નિવાસી |
તા.૩૦—૧૨—૧૯૨૧ |