Book: Abhilekh -2, 2024 (અભિલેખ -2, 2024)

Index

4. સતપંથીઓનો ૭૮૬ વિનંતી પત્ર અને તેનો સનતાનીઓનો જવાબ - દિનાંક 14-Jan-1921

૭૮૬ વિનંતી પત્ર

          શ્રી ઈમામશાહ સુત નુરઅલી મમદશા બાવાના સતપંથ સમાજના મહાન આચારીઓ તથા મહાન મુજાવરો તથા મુસાફરો તથા મહાન મુખીઓ તથા સતપંથ સમાજ જે કચ્છ દેશમાં વસતા કચ્છી લેવા પાટીદારો જ્ઞાતિ સમસ્ત તથા જ્ઞાતિના આગેવાન નાતીલાઓની પવિત્ર સેવામાં. અરજદાર મોજે કરાંચીમાં વસતા કચ્છી લેવા પાટીદારો સતપંથ સમાજની  અરજ એ છે કે હાલના કળીકાળના સમયમાં આપણી જ્ઞાતિ પૈકીના કેટલાક માણસો આપણો અનાદીનો સતપંથ ધર્મ મુકી મુકરી ગયા છે ને ધર્મ તથા અનાદિથી જ્ઞાતિના ચાલતા આવતા રીત—રિવાજોથી પણ વિમુખ થયેલા જણાય છે તે ખુલ્લી રીતે ધર્મમાંથી મુકરીને એક યુવક મંડળ નામનું મંડળ સ્થાપી આપણે પાળીએ છીએ તે ધર્મ ઉપર કેટલીકવાર ખોટા આક્ષેપો કરાંચીના તથા મુંબઈમાંના તથા વિરાણીમાંના જે યુવક મંડળ સ્થાપી બેઠા છે તેઓ કરે છે ને આપણા ધર્મના વેદ વાયેકો શાસ્ત્રો તથા સતપંથની ક્રિયા, આચારો તથા મંત્રો તથા શબ્દો વિગેરેને ખોટા કહે છે તેમ આપણા પૂજનીકો સૈયદ બાવાઓ તથા મુજાવર કાકાઓ તથા આપણી જ્ઞાતિના મુખીઓ તથા નાતીલાઓ વગેરેને ખોટા કહી નિંદા કરે છે તેમ કરી આપણી જ્ઞાતિ પૈકીના કેટલાક લોકોને બલગલાવી સતપંથ ધર્મ ઉપરથી આસ્થા રહિત બનાવ્યા છે ને તે વિશે ખોટાં આર્ટીકલો તથા છાપા દ્વારા ખોટી વગર પતાની વાતો છાપી છાપી આપણી જ્ઞાતિના કેટલાક અજ્ઞાની માણસોના મન ઉશ્કેરી ધર્મ ઉપરથી ઉચિત બનાવી દીધા છે. ને આ સબળ સતપંથ ધર્મ ઉપર નબળા શત્રુઓ ચડી આવે છે તેનું મુખ્ય કારણ એ જ છે કે આપણે આપણા મહાન સતપંથ ધર્મના વેદવચન કે જપ તપ શ્રી સતગોર ઇમામશાહ બાવાના વેદ વચન આપણે આપણા ધંધાના અંગે જાણી શકતા નથી તેથી જ આ વખતની ઉત્પન્ન થતી નવી પ્રજાના મન ઉચિત થાય છે તેનું મુખ્ય કારણ એ છે કે આપણા પૂજનીકો જે આપણાના વંશના સૈયદો ઉપર આપણે અભાવ રાખીએ છે તે જ છે એવું અમો અરજદારોને સંવત ૧૯૭૭ના કારતક વદી ૧૧ને વાર રવિ {VSAK: 05-Dec-1920} ના રોજ અવાલખના સૈયદ મીરૂ બાવા ડોસુ બાવા પોતાના ખર્ચે હવા બદલ માટે કરાંચીમાં આવી પોતે અલગ જગામાં ઉતર્યા હતા. તેઓ સાહેબના કરાંચીમાં આવ્યાના સમાચાર અમોને મળવાથી તેઓ સાહેબના દર્શન અર્થે અમો અનુક્રમે તેમની પાસે જતા ને તેઓ સાહેબ મહાન સતપંથ ધર્મના વેદવચન શાસ્ત્ર વાણી અમોને સમજાવતા તેઓ અમો શ્રોતાઓને સાચા શબ્દો સાંભળવાથી ઘણો આનંદ પ્રાપ્ત થતો તેમજ હંમેમાં સતપંથ સમાજની મજલીસમાં તેઓ સાહેબની મુખ વાણીથી મહાન વેદોના તેમજ પુરાણોના તેમજ મહાન ગીતાજીના તથા ભાગવત તથા રામાયણ તથા મહાભારત વગેરે ગ્રંથોથી જે આપણે દસમો અવતાર નકલંકી અરબી રૂપે અરબસ્તાનમાં અવતાર લીધો છે તેને સાબિત સાચા ઠરાવી આપતા તેમજ ઉપર બતાવેલા શાસ્ત્ર અર્થના એટલે શ્લોકો, શ્રુતિ, સ્મૃતિ સાથે ચારે યુગના પ્રમાણે ભોમ દાગ તેમજ ઘટપાટ ચોરી તેમજ કલમા કાડી વિગેરે ઉપર બતાવેલા વેદ વચનોથી તેમજ હિન્દ માતાના મહાન પુત્રો જેઓ ભક્તી પદને પામી પોતાના આત્માને અમર કરે છે તેઓના વખાણ વાણીથી સતપંથ ધર્મના ક્રિયા, મંત્ર, જપ, તપ, ક્ષેત્ર, તીર્થ, વ્રત, દાન, દાગ વગેરેને સાબિત કરી દેખાડતા ને તેઓના સત વચન સતપંથ સમાજની મજલીસમાં હંમેશાં સતપંથી તેમજ સનાતની ધર્મના મળી આશરે આઠસો હજાર માણસો મજલીસમાં ભાગ લેતા તે સર્વે બાવા સાહેબ મીરૂ બાવાના વચન વેદ અનુસાર સત અને સાચા છે તેમ કબુલ કરતા ને જેવો સતપંથ ધર્મના નબળા શત્રુઓને ખોટાં અને દુવેસી ઠરાવતાં ઉપર પ્રમાણે એકંદરે દિવસ ૧૧ સુધી બાવાજી સાહેબે મજલીસ ભરી મહાન વાક્યો સંભળાવા ને પોતે કેતા કે જો આ વચનો જેને ખોટા કે શંકાશીલ જણાતા હોય તો પ્રશ્ન કરી પુછો ને તેનો ખુલાસો વિશેષ વાક્યોથી કરવામાં આવશે એવું કેવા છતાં પણ કોઇ સતપંથનો શત્રુ પૈકીનો કોઈ શત્રુ ઉભો થઈ પ્રશ્ન કરી શકે નહીં. તેથી અમો સતપંથીઓ પૈકીના ઘણા ખરાના મન એ લોકોના ઉશ્કેરવાથી સતપંથ ધર્મના આચાર વિચાર ઉપરથી ઉઠી ગયા હતા તે પણ બાવાજી મીરૂબાના મુખથી વેદ શાસ્ત્ર પુરાણો વિગેરેના દૃૃષ્ટાંત, સિદ્ધાંતથી મન સ્થિર થઈ ગયા ને માની લીધું કે સતપંથ ધર્મ તથા ધર્મના મુખ્ય આચાર્યઓ સાચાને સુપાત્ર છે એવું અમો મુરતાવોને નિશ્ચય થયું છે. ઉપર થયેલી મજલીસો દરમિયાન બાવાજી મીરૂ બાવા સાહેબે એક દરખાસ્ત સતપંથ સમાજીઓ સમક્ષ રજૂ કરી તે દરખાસ્ત એવી છે કે કરાંચીમાં વસતા કચ્છી લેવા પાટીદારો જે સતપંથ પીરાણા ધર્મ પાળે છે. પરંતુ કરાંચીમાં વસતા સતપંથી ધર્મી ભાઈઓ માટે સતપંથી અનુયાયીઓની સંખ્યાના પ્રમાણમાં ધર્મની જગા જો કે સતગોર ઈમામશાહ બાવાના જોતપાટ પધરાવાની જગા નથી તે માટે ભાઈઓ તમો સુખાકીયા વરતીથી અને દીર્ઘ દૃષ્ટિથી વિચાર કરી એક સંપ થઈ જગા ખરીદી ધર્માઉ જગો બાંધી બાવાના જોતપાટ પધરાવવા જોઈએ. તેમજ આપણા પૂજનીકોને ઉતારો પણ ત્યાં જ થવો જોઈએ જેથી પાપા વરતીના લોકો આપણા પૂજનીકોનું અપમાન કરે છે તે પણ કરી શકે નહીં. ઉપર પ્રમાણે બાવાજી સાહેબે દરખાસ્ત ઘણાં દ્રષ્ટાંત સિદ્ધાંતથી સમજુતી આપી કરી તે દરખાસ્ત સતપંથ સમાજે મોટા ઉત્સાહથી ઉંચા હાથ કરી બાવા ઈમામશાહના નામની જય બોલાવી વધાવી લીધી ને તે જ વખતે બક્ષીસ ખરડો બાવા ઈમામશાહના નામનો શરૂ કરો જેમાં આશરે રૂા.ત્રણેક હજારની રકમ લખાઈ છે ને વળી પણ એ ખરડામાં વધારો થશે એવી આશા છે તેમજ સતપંથ સમાજની છેલ્લી મજલીસમાં બાવા સાહેબે કરાંચીમાં વસતા સતપંથ સમાજ સન્મુખ બીજી દરખાસ્ત દર માસે અરધું રોજ જગો માટે બાવાના નામે ધર્માદા કૃષ્ણા અર્પણ આપવા કહ્યું તે પણ સતપંથ સમાજીઓએ બાવા ઈમામશાના નામની જય બોલાવી ઉંચા હાથ કરી વધાવી લીધી ને તે દરખાસ્ત પસાર થઈ છે ને તેમ કરવાને સમાજે કબુલાત આપી છે. ઉપર લખી વગેરે બાવા સાહેબ મીરૂ બાવાના સતસંગ સમાગમ થવાથી થયું ને ઘણા ખરા સમાજીઓ ઉશ્કેરાયેલાઓના મનને સંતોષ પામો ને સ્થિર થઈ સતપંથ તો સાચો છે એમ માનું માટે ઉપર બતાવેલા અમારા મહાન પુજનીકો તથા મુજાવરો તથા કાકાઓ તથા સુજ્ઞ જ્ઞાતિ બંધુઓ તેમજ જ્ઞાતિના આગેવાનો નાતીલા વિગેરે સાહેબોની પવિત્ર સેવામાં અમો કરાંચીમાં વસતા કચ્છી લેવા પાટીદારો જેઓ સતપંથ સમાજી છે તેઓ સર્વે અરજ ગુજારીએ છીએ કે આપણા સતગોરની આલમાં જે પાકા સાદાતો જેમકે મીરૂ બાવા જેવા વક્તા ગીનાન, વેદ, પુરાણ, કુરાન, કીતાબ વગેરે બાબતોથી સભામાં ઉભા થઈ હિંમત સાથે ગીનાન ધીયાંનની વૃષ્ટી કરી સતપંથ સમાજને સમજણ આપશે તો જ ધર્મમાં ધીંગાણા થતાં બંધ થશે માટે આપ મહેરબાનો આ અરજ ધ્યાનમાં લઈ સારા વિદ્વાન માણસો હોય તેવા સાહેબોને સમાજ બોલાવે ને મહાન પુજનીકો પણ સંપ સલાહ જાળવવા ખાતર દ્વેષ નહીં ધરાવતાં સંતોષ રાખી આપનામાં કોઈ ચાર મુરતી જમાતમાં જઈ સંતોષ ઉપજાવે તેવા તમારા ભાઈઓ પૈકીના પ્રશ્ન કરી ફરવા મોકલશો તો જ તમારા ધર્મની તેમ તમારા ધર્મના પાળનારાઓની શ્રધ્ધા ઠામ રહેશે ને ધર્મમાં પણ વૃધિ થશે જો તેમ નહીં થાય તો આ સમયમાં ઘણા લોકો નિંદા કરનારાના પંજામાં વગર ખબરે ફસાતા જશે એજ અરજ.

 

કરાંચી સતપંથ સમાજીઓ તરફથી

મુખી દેવશી હરભમ કચ્છ ખીરસરા હાલ—કરાંચી      પટેલ વીરજી પંચાણ કચ્છ નખત્રાણા હાલ—કરાંચી

પટેલ કચરા કાનજી કચ્છ ઘડાણી હાલ—કરાંચી          પટેલ કાનજી પંચાણ કચ્છ ઉખેડા હાલ—કરાંચી

 

 

 

પ્રિય જ્ઞાતિ બંધુઓ,

          પીરાણા સતપંથી સૈયદોને માનનારા કરાંચીવાળા ભાઈઓએ ઉપરનો વિનંતી પત્ર છપાવેલ છે તે આપણા સનાતની ધર્મથી તેમજ આપણી જ્ઞાતિના રીત—રિવાજોથી તદ્દન ઉલટું છે. આપણો ખરો ધર્મ સનાતની છે તે આપણે સર્વે જાણીએ છીએ છતાં સૈયદોને માનનારા આપણા અજ્ઞાન ભાઈઓએ પોતાનો કક્કો સાચો માનીને તે ચાર પટેલીયાઓએ હમણા ઉપરનો પત્ર છપાવીને બહાર પાડ્યો છે તેનો જવાબ અમો શ્રી કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિ સુધારક યુવક મંડળ તરફથી છપાવી આ પત્ર સાથે બહાર પાડ્યો છે તે વાંચવા ખાસ વિજ્ઞપ્તી છે.

 

         શ્રી કરાંચીવાસી પીરાણા સતપંથી લેવા પાટીદાર મુખી દેવશી હરભમ તથા વીરજી પચાણ નખત્રાણાવાળા તથા કચરા કાનજી ઘડાણીવાળા તથા કાનજી પચાણ ઉખેડાવાળા વિગેરેને વિદિત હજો.

          અમો કરાંચીના યુવક મંડળ તરફથી તમો ચાર ભાઈઓ વિગેરેને જાહેર કરીએ છીએ કે તમારો છપાવેલ કાગળ (વિનંતી પત્ર) અમારા વાંચવામાં આવ્યો તેનો જવાબ આપવાની અમારે કાંઈ જરૂર નહોતી. પરંતુ યુવક મંડળને વાંચીને બેસી રહેવાથી અને તમારા અસત્ય વાક્યોનો કોઈ વખતે ગેરઅર્થ થાય તેટલા જ કારણથી જવાબ આપવો જરૂરનો ધારી આ જવાબ આપ્યો છે.

          જો કે તમારો પત્ર છપાવવાથી તમારે એમ તો જરૂર કબુલ કરવું પડશે જ કે અમો મુસલમાની ધર્મ પાળીએ છીએ અને સૈયદોને પુજનીક તરીકે માની અને કલમાંઓ પઢીએ છીએ તો તમારે અવશ્ય મુમના કણબી લખવું જ હતું કારણ કે જે તમારા માફક પીરાણાના સૈયદોને પુજનીક તરીકે માને છે તે ખાસ મુમના મતીઆ વિગેરે કહેવાય છે. તો તે તમોએ પોતાનો અસલ લકબ મુકીને લેવા પાટીદાર લખો છો તે તમારું લખવું બિલકુલ બિનપાયાદાર છે. કારણ કે તમોને મુમના મતીઆ લખતાં શરમ થાય છે એમ અમોને તો પાક્કી ખાતરી છે કે તે ઉપરોક્ત નામથી તમો કદી પણ શરમાઓ નહીં કારણ કે જો શરમ થતી હોય તો તમારા છપાવેલ પત્રને મથાળે જે ૭૮૬ (બીસમીલા હરરહેમાનનરરહીમ)નો આંક લખેલો છેં તે લખતે જ નહીં. તેમ વળી અમારા પુજનીક સૈયદો છે એમ કબુલ કરતે જ નહીં. અરે ભાઈઓ અમોને તો લખતાં દિલગીરી થાય છે પણ સત્યતાને ખાતર લખવું પડે છે કે તમો પોતાનો મતલબ (હુરાઓ વરવાનો) સાધવાને ખાતર બિચારા નિર્દોષ અન્ય ભાઈઓને કાં ફસાવો છો. તમો એ તો નિશ્ચય માનજો કે આખા કચ્છ દેશમાં વસતા આપણા પાટીદાર ભાઈ (પીરાણા પંથી)ઓ કોઈ વખતે પણ મુમના મતીઆ વિગેરે છીએ એમ તો કબુલ નહીં જ કરે. (તમારી માફક ભર સભાની વચ્ચમાં મુમના છીએ તેમ) સૈયદોની બતાવેલી લાલચ (હુરાઓ વરવાની) નહી લે તેથી ભાઈઓ નાહક પોતાના લુગડાં ઉંચા કરવા રહેવા દયો (તમારી બાવાજીની બતાવેલી રાંડો (હુરાઓ) તમોને મુબારક હો)

          વળી તમો તમારા પત્રની શરૂઆતની પેલી લાઈનમાં લખો છો કે સતપંથ સમાજના મહાન આચારીઓ તથા મહાન મુજાવરો તથા મુસાફરો વિગેરે.

          તો તેમાં પણ તમોએ કાંઈ પણ ખુલાસો નહી કરતાં “મહાન આચારીઓ” લખ્યું છે તે પણ બિલકુલ ખોટું છે કારણ કે દરેક સંપ્રદાય (પંથ)માં એક જ આચાર્ય હોય છે તો તમારા ઘર કુકડા સતપંથમાં (પીરાણા પંથમાં) અનેક આચાર્યો છે કે જેનો કાંઈ પાર જ નહીં કે જેટલા સૈયદો તેટલા આચાર્ય?

          તેમ વળી તમો તમારા છપાવેલ કાગળની ચોથી લાઈનમાં લખો છો કે આપણા અનાદિનો સતપંથ ધર્મ મુકીને મુકરી ગયા છે. તો તેમ આપે કેમ જાણ્યું કે આપણો અનાદિનો આ પીરાણા સતપંથ ધર્મ છે. પીરાણા ધર્મનો ચલાવનાર પીર ઈમામશાહ તો સંવત ૧૪૪૯ {Year: 1392-93} માં જ આવેલ હતા. (ઈતિહાસ મુજબ) અને આપણી પાટીદાર જ્ઞાતિતો તેથી આગળની છે તો તમોએ કેમ માન્યું કે આપણો અનાદિનો (પીરાણા) સતપંથ છે.

          ને વળી પણ આગળ લખો છો કે આપણા ધર્મના વેદ વાયકો શાસ્ત્રો તથા સતપંથની ક્રિયા આચારો તથા મંત્રો તથા શબ્દો વિગેરેને ખોટાં કહી નિંદા કરે છે. તો ભાઈઓ આ લખવું તમારું તદ્દન ખોટું છે. કારણ કે તમારા માનેલા પીરાણા સતપંથમાં ક્યું પુસ્તક વેદ વાક્યનું છે તેમ તમો પીરાણાના ક્યા શાસ્ત્રના ક્યા વાક્યને મંત્ર તરીકે માનો છો અને તે મંત્ર સનાતની ક્યા વેદના ક્યા પાનામાં લખેલ છે તે જણાવવાની કૃપા કરશો.

          અને તેથી પણ આગળ તમારી કલમ ચલાવો છો કે સંવત ૧૯૭૭ના કારતક વદ ૧૧ને વાર રવિ {VSAK: 05-Dec-1920} ના રોજે અવાખલના સૈયદ મીરૂબાવા ડોસુબાવા પોતાના ખર્ચે હવા બદલ માટે કરાંચીમાં આવી પોતે અલગ જગોમાં ઉતર્યા હતા — “મુળોનાસ્તિક કુતોશાખા” એ વાક્ય અનુસારે તમો તમારું છેક ભાન ભુલીને લખો છો કે સા.૧૯૭૭ના કારતક વદ ૧૧ને રવિવાર {VSAK: 05-Dec-1920} ના રોજે સૈયદ મીરૂબાવો પોતાના ખર્ચે હવા બદલ માટે કરાંચીમાં પોતે અલગ જગામાં ઉતર્યા હતા.

          તે ભાઈઓ આવું છેક હડહડતું જુઠાણું કે મજકુર સૈયદ આવ્યો ત્યારે તમો વરઘોડો લઈને તમે સ્ટેશન ઉપર લેવા ગયા હતા અને ત્રણ દિવસ હેરાન થઈને લાકડાં લુગડાં માગીને ભંગીના પાડામાં છાપરું બાંધ્યું હતું તે કોના સારું તેમ તમો કારતક વદ ૧૧ને રવિવાર {VSAK: 05-Dec-1920} લખો છો તે પણ ખોટું છે કારણ કે સૈયદ મીરૂ કારતક વદ ૮ને શુક્રવારે {VSAK: 03-Dec-1920} દ્ધકરાંચીમાંથી તમારી આંખોમાં ધુળ નાખી છડેચોક તમોને મુમના મુસલમાન કબુલ કરાવીને પલાયન (કરી) ભાગી ગયો હતો તો પછી તમારી લખેલી કારતક વદ ૧૧ {VSAK: 05-Dec-1920} ક્યાંથી આવી તે જણાવશો. ભાઈઓ જેને તારીખનું પણ ભાન નથી તે બીજું ખરું ખોટું કેટલું જાણી શકે તે વિચારવાનું અમો વાંચક વર્ગને સોંપીએ છીએ.

          વળી તમો તમારા પત્રની વિસમી લાઈનમાં લખો છો કે તેઓ સાહેબની મુખવાણીથી મહાન વેદોના તેમજ પુરાણોના તેમજ મહાન ગીતાજીના તથા ભાગવત તથા રામાણય તથા મહાભારત વિગેરે ગ્રંથોથી આપણે જે દસમો અવતાર અરબી રૂપે અરબસ્તાનમાં અવતાર લીધો છે તે સાબિત સાચો ઠેરાવી આપતા.

          તો ભાઈઓ હવે જણાવવાની મહેરબાની કરશો કે તમો ચારે ભાઈઓમાંથી ક્યા ભાઈએ અરબી રૂપે અરબસ્તાનમાં અવતાર લીધો છે કે જેથી તમો લખો છો કે “આપણે જે અરબી રૂપે અરબસ્તાનમાં અવતાર લીધો છે” વહારે ચતુર શિરોમણી ભાઈઓ ધન્ય છે તમારી ચતુરાઈને કે પીરાણા સતપંથના આચાર્ય તો શું પણ ભગવાન પણ તમો પોતે જ બન્યા છો તો બતાવવાની મહેરબાની કરશો કે તમો અવતારી ભગવાનોની કઈ રીતે પૂજા કરવી જોઈએ? શું કરાંચીના અને કચ્છના જ્ઞાતિ ભાઈઓ અને જનસમાજને ખબર નથી કે તમો ચારે વીર આગેવાનો કેવા વિદ્વાન છો કે જે મહાન પુરાણ ગીતાજી, ભાગવત, રામાયણ, મહાભારત આદિ શાસ્ત્રોના પ્રમાણથી સૈયદ મીર ભાષણ કરે તે સત્ય કે ખોટું છે તે જાણી શકો. તમો કાળા અક્ષરને કુટીમારી પોતાની આંખો બંધ કરી “બાવો કહે તે સત”ને માનનારા તેણે વળી વેદ શાસ્ત્રો ક્યાંથી જોયા હોય ! અને કદી તમોએ જોયેલા હોય તો બતાવવાની મહેરબાની કરશો કે ઉપરોક્ત ક્યા ગ્રંથના ક્યા પાનામાં તમારું માનેલું અરબી રૂપે (દસમો અવતાર) લખેલું છે તે જણાવશો. વળી તમો લખો છો કે સતપંથ સમાજની મીજલસમાં હંમેશાં સતપંથી તેમજ સનાતન ધર્મના મળી આશરે આઠસો હજાર માણસો મીજલીસમાં ભાગ લેતા હતા તે સર્વે બાવા સાહેબ મીરૂ બાવાના વચન વેદ અનુસાર સત અને સાચા છે તે કબુલ કરતા.

          તો હવે જણાવવાની કૃપા કરશો કે તમારી ઘર કુકડી મીજલસમાં આઠસો હજાર તો શું પણ એકાદ સનાતની આવ્યો હોય અને તેણે તમારું લખેલું અરબી રૂપ કે જે ઉપરોક્ત શાસ્ત્ર (વેદ, પુરાણ, ગીતાજી, શ્રીમદ ભાગવત, રામાયણ, મહાભારત) માંથી કબુલ કર્યું હોય તો તેઓનું નામ ઠામ ગામ ને તારીખ લખી જણાવશો.

          અમોને પુરી ખાતરી છે કે આઠસો હજાર તો શું પણ એકાદ વ્યક્તિ જેને સનાતન ધર્મ શાસ્ત્રનું જ્ઞાન હશે અને પોતાની જ્ઞાતિનું અભિમાન હશે તે કદી પણ તમારો લખેલો અને તમારા બાવાનો કહેલ આપણે અરબી રૂપે અરબસ્તાનમાં અવતાર લીધો છે તે કબુલ કરશે જ નહીં અને કદાચ કરશે તો ફક્ત તમારા જેવા અંધશ્રધ્ધાળુ અને કાળા અક્ષરને કુટી મારનાર જ હશે.

          આગળ જતાં તમો વળી લખો છો કે પીરાણા સતપંથ ધર્મ તથા ધર્મના મુખ્ય આચાર્યો સાચા અને સુપાત્ર છે એવું અમો મૂરતાઓ (સુરતાઓ) ને નિશ્ચય થયું છે બંધુઓ ! આ લખવું તમારું સત્ય છે? અને કચ્છના આપણી જ્ઞાતિના આગેવાનો અને જ્ઞાતિ ભાઈઓ શું મુર્ખ છે? કે જેણે આપણી જ્ઞાતિમાં તમારા માનેલા આચાર્યો (સૈયદો)ને આવતા બંધ કરેલા છે તો પછી તમે એકલા જ આખી જ્ઞાતિની પાસે તે યવનોને આવવાની રજા લ્યો છો અને આખી જ્ઞાતિને તમારી માફક યવન પૂજક બનાવો છો તેમ ન કરતા તમો એકલા જ (ચાર જણાઓ) યવનના સેવક થઈ જાઓ તો શું.

          વળી તમો લખો છો કે આપણા પુજનીકોને ઉતારો પણ ત્યાં જ થવો જોઈએ જેથી પાપ વરતીના લોકો આપણા પુજનીકોનું અપમાન કરે છે તે પણ કરશે નહીં.

          અરે મુર્ખ ભાઈઓ ! (ચાર જણાઓ) અમોને ઘડી ઘડી કહેવું પડે છે કે આટલી બે હદ સુધીની પોતાની મૂર્ખાઈ શું ઉડાવી રહ્યા છો કે “પાપ વરતીના લોકો” ભાઈઓ ! શું પીરાણા પંથના સૈયદોને નહી માનનારા બધા પાપ વરતીના છે? ને તમો એકલા જ આંખો બંધ કરીને પાટીદાર જ્ઞાતિને ન છાજતાં એવા હલકા રીવાજોને વળગીને યવન કોમના કહેવા ઉપર નુરનામા બાજનામા અને કલમાઓ વિગેરે પઢો છો તેથી આખી દુનિયાની અંદર તમો ચાર ભાઈઓ ધર્મચાર્યો છો તેની અમોને પુરતી ખબર છે પણ તમો ભાઈઓ તમારા પોતાના કર્તવ્ય સંભારીને વિચાર કરી લેશો અમો આપ ધર્માચાર્યોને વધારે લખતા નથી.

          વળી આગળ પણ તમારી જાળ પાથરવી ભુલતા નથી કે મહાન પુજનીકો તથા મુજાવરો તથા કાકાઓ તથા સુજ્ઞ જ્ઞાતિ બંધુઓ તેમજ જ્ઞાતિના આગેવાન નાતીલા વિગેરે સાહેબોની પવિત્ર સેવામાં અમો કરાંચીમાં વસતા કચ્છી લેવા પાટીદારો અરજ ગુજારીએ છીએ કે આપણા સતગોરની આલમા જેપાકા સાદાતો હોય તેમને સમાજ બોલાવે.     

          તમે આપણા ભાઇઓને વઢાડી વઢાડી પાયમાલ કરી પણ તેટલેથી સંતોષ નહીં કરતા વળી હજી પણ આગળ વધી આખી કચ્છની આપણી જ્ઞાતિને વઢાડવાના સારા દાવપેચ કરો છો કે જેણે એક મત થઈ પીરાણાના સૈયદોને કે જેણે આપણને ભોળવીને મુસલમાન બનાવવાની પાયરીએ લઈ જવા માંડ્યા હતા તેને આખી જ્ઞાતિના નાના—મોટા સમસ્ત બંધુઓ મળીને તેને એકદમ આપણી જ્ઞાતિમાં આવતા બંધ કરેલા છે તેને તમો કરાંચીમાં તેડાવ્યા અને કલમો પઢ્યા તેથી પણ તમારા પેટ નહીં ભરાતા ને વળી કચ્છમાં જ્ઞાતિ ભાઈઓને વઢાડવાની કોશીશ કરી છે. તેથી આખી જ્ઞાતિના ભાઈઓ તમો ચાર જણાઓના કહેવા મુજબ તેને તેડાવશે નહી તે અમોને પુરી ખાત્રી છે. તેડાવવાનું બાકી રહ્યું પણ તમો સૈયદોને તેડાવો છો અને જમાડો છો તેનો જવાબ પણ જરૂર લેશે. અસ્તુ

                                                         

લી. કચ્છી કડવા પાટીદાર જ્ઞાતિ સુધારક યુવક મંડળ

                                                          રણછોડ લાઈન, દેશલ બજાર, કરાંચી

કરાંચી તા.૧૪—૧—૧૯૨૧

                                      પ્રવાસી પ્રેસમાં ઠા. હીરજી ગોવિંદજીએ છાપ્યુંકરાંચી

          

Leave a Reply

Share this:

Like this: