Akhil Bhartiya Kutch Kadva Patidar Samaj
A central organisation of Kutch Kadva Patidar Sanatan community
Akhil Bhartiya Kutch Kadva Patidar Samaj
A central organisation of Kutch Kadva Patidar Sanatan community
“सत्याननास्ति परो धर्मः।”
પવિત્ર વેદધર્મનો પ્રકાશ
અને
પીરાણા સતપંથનાં પાખંડ !
સૈયદ બાવાસાહેબ અહેમદઅલી ખાકીના
પ્રેમોદ્ગારનો સ્નેહ સત્કાર !
તથા
સત્યશોધક ધર્મબંધુઓને વિજયમાળ !
“धर्मस्य त्वरिता गतिः॥”
લેખક અને પ્રકાશક
પટેલ નારાયણજી રામજીભાઈ કોન્ટ્રાકટર
(કચ્છ વીરાણીવાળા) હાલ ઘાટકોપર (થાણા)
મુલ્ય —
નિષ્પક્ષપાત ન્યાય અને સત્યનું શોધન
સુરત બરાનપુરી ભાગળ ઉપર આવેલા
શ્રી અનાવિલબંધુ પ્રિન્ટીંગ પ્રેસમાં ગોવિંદજી ડાહ્યાભાઈ
નાયકે છાપ્યું.
સઘળા સત્યશોધક અને સત્યપ્રેમી સજ્જનોને
આ ઉલ્લેખનું ઉદ્દેશદર્શક નિવેદન
પૂજ્ય સ્વધર્માભિમાની આર્યબંધુઓ ! ઈશ્વરી ‘સત્ય’ ને ચાહનારા સજ્જનો તથા વ્હાલા
કચ્છી કડવા પાટીદાર ભાઈઓ,
આ ચર્ચાત્મક લેખ આપની સેવામાં હાજર કરતી વખતે આપ સર્વને સવિનય નિવેદન કરવાનું
કે પરમકૃપાળુ પરમાત્મા અને પવિત્ર માતાજી ગંગાજીને પ્રતાપે જ આ બરાબર વખતસરની
ચર્ચા ઉભી થઈ ગઈ છે. માતા ગંગાજીની કૃપાથીજ બનાવટી ગંગાનું નવું પાખંડ ઉભુ કરવાનો
પીરાણા સતપંથી કાર્યવાહકોને પ્હાનો ચ્હડી આવ્યો છે. કહેવત છે કે જ્યારે ઘો મરવાની
થાય ત્યારે જ વાઘરી વાડે જાય છે. અને માણસ જ્યારે મોતની નજીક આવે ત્યારે જ બુદ્ધિ
બગડી જાય છે. બીજી કહેવત છે કે “વિનાશકાળે વિપરીત બુદ્ધિ” એ ન્યાયે
પીરાણાના પુન્યો પરવારેલાં હોવાથી તેમને આવું એક હડહડતું પાખંડ ઉભુ કરવાનો હાલ
ઉભરો ચડી આવ્યો છે. એ પાખંડી પીરાણા સતપંથની જાળમાં અજ્ઞાન કે અંધશ્રધ્ધાથીજ
પૂર્વના પાપે ફસાઈ ગયેલા બિચારા ભોળા હિન્દુભાઈઓને જાગુત કરવા માટે અને પવિત્ર
હિન્દુજનતાને એ જીદ—પાશમાંથી છોડાવવા માટેજ કલિમહારાજે એ પાખંડીઓને કુબુદ્ધિ
સૂઝાડેલી જણાય છે. એથી જ આજે સત્યધર્મ તેમજ સત્ય કર્મને શોધવા તેમજ ઓળખી લેવાનો,
લાગતા વળગતા સર્વ ભાઈઓને આ ઉત્તમ પ્રસંગ અને સોનેરી સમય
પ્રાપ્ત થયો છે. પરમાત્મા આપણ સર્વને તેનો લાભ લઈ લેવાની સુબુદ્ધિ આપો.
વિશેષ અમારી ખાત્રી છે કે આ મહત્વની ચર્ચાથી પ્રપંચીઓના પાપ અને પીરાણાના પોગળ
પ્રકાશમાં આવશે અને કાવત્રાબાજોની કપટજાળમાંથી અમારા ઉદાર અને ભલા—ભોળા કડવા
પાટીદાર બંધુઓ હંમેશને માટે છુટા થશે. અમારી એ માન્યતા પ્રમાણે જો આ પ્રયત્નથી અમારી જ્ઞાતિ એ મહાપાતકમાંથી મુકત થશે. તો આપણ
સૌને હજારો ગાય છોડાવ્યાનું અને પવિત્ર હિન્દુ ધર્મનું વખતસર રક્ષણ કરવાનું મહાન
પૂણ્ય પ્રાપ્ત થશે.
આ વખતે મારે તો એ પ્રપંચી લોકોનો પણ ખાસ આભાર માનવો જોઈએ. કે જેમણે પીરાણામાં
ગંગાજી પ્રગટ થવાની ગપથી આ અમૂલ્ય પ્રસંગ અમને મેળવી દીધો છે અને દયાળુ પરમાત્મા
પણ જે કાંઈ કરે છે તે જગતના કલ્યાણ માટે તેમજ અજ્ઞાન લોકોને સત્ય સમજાવવા માટે જ
કરે છે. એટલે આ ચર્ચાનો વિષય અમને આજે અહોભાગ્યથી જ પ્રાપ્ત થયો હોય તેમ લાગે છે.
અને આપ સર્વ આત્મબંધુઓને પણ શરૂઆતમાં મારી નમ્રતાપૂર્વક ખાસ વિનંતી છે કે
હિન્દુ જાતિની આ મહાન સેવાના તેમજ અમારી વિશાળ કડવા પાટીદાર જ્ઞાતિના ઉધ્ધારના આ
મહત્વના સવાલની રસભરી ચર્ચામાં આપ સર્વભાઈઓ પણ રસપૂર્વક ભાગ લઈને ધર્મ—સેવાનો અને
આત્મકલ્યાણનો મહાન લાભ ઉઠાવો, તેમજ આ ચર્ચા સબંધી આપમાંથી કોઈને જે કંઈ શંકા રહેતી હોય કે
સૂચના આપવી યોગ્ય જણાતી હોય તે શુદ્ધ હૃદયથી મને આપીને આ ધર્મ અને જ્ઞાતિ સેવાને
આભારી કરશોજી.
હું છુ આપ સર્વનો શુભચિન્તક સેવક |
પટેલ નારાયણજી રામજીભાઈ કોન્ટ્રાકટર |
(કચ્છવીરાણીવાળા)
— ઘાટકોપર |
પવિત્ર વેદધર્મના ખરા વિરોધી કોણ ?
અને
“સતપંથ” નામધારી બનાવટી વેદધર્મનો પોગળપ્રકાશ !
પીરાણા “ સતપંથ ” માં છુપાયેલુ હળાહળ ઝેર !
આ લેખ બરાબર ધ્યાનપૂર્વક વાંચવાથી આપને સ્પષ્ટ સમજાશે કે બાવા ઈમામશાહે
ચલાવેલો, પીરાણા સતપંથ, એજ સાચો વેદ ધર્મ હોય એવો ખોટો ડોળ ઘાલીને કબ્રસ્તાની મામદા
હિન્દુ પંથવાળા કેટલાક સૈયદો અને કાકાઓ વગેરે અર્ધદગ્ધ લોકો ભોળા હિન્દુઓને કેવી
રીતે ઠગે છે,વટલાવે છે અને ઉંધે માર્ગે દોરી જાય છે. તેની અનેક વખત
વિસ્તારથી પ્રપંચ પોલો ઉઘાડીને અમે કેટલાક લેખો અને પુસ્તકો આજ સુધી પ્રગટ કર્યા
છે. માત્ર એટલુંજ નહીં પણ એ પ્રપંચી પંથ જો ખરો વેદધર્મ કે હિન્દુધર્મ છે એવું
તેઓમાંનો કોઈ સાબિત કરી આપે તો તેને રૂ. ૧૦૦૦૦/ દશ હજારનું ઈનામ આપવાની અમે જાહેર
પત્રોમાં ચેલેન્જ કરેલી છે. છતાં પણ એ પંથનો કોઈ પણ કાંધીયો પોતાની સચ્ચાઈ પૂરવાર
કરવાને આજસુધી બહાર આવ્યો નથી. એજ સાબિત કરી આપે છે કે ખોટા ડોળઘાલુના જુઠાણા તેમજ
ભોળા લોકોને ઠગવાની ઉંડી લુચ્ચાઈ ભરેલા ધતિંગો સિવાય એ ખીચડીયા પંથમાં બીજું કંઈજ
સત્ય તત્વ નથી.
કચ્છી કડવા પાટીદાર જ્ઞાતિ બંધુઓને એક નમ્ર અરજ
આ બધી હકીકત જગજાહેર હોવા છતાં હજુ પણ મારા કેટલાંક કચ્છી કડવા પાટીદાર
બંધુઓની આંખો ઉઘડતી નથી અને એ પાખંડી પંથના પાપી પાસલાઓમાંથી તેઓ છેકજ છૂટા થઈ
શકતા નથી. એ જોઈને મારા જેવા એક જ્ઞાતિ—માતાની લાગણીવાળાના હૃદયમાં કેવો દાહ થતો
હશે, તે એક પરમાત્મા જ જાણે છે. મને અફસોસ તો એટલો જ થાય છે કે અમારા ઘણાં સમજુ
કડવા પાટીદાર બંધુઓ જેઓ કચ્છ બહાર વસે છે. સુધરેલી સમાજના જાહેર જીવનમાં પણ પોતાની
ફરજ સમજી રસપૂર્વક ભાગ લે છે અને એ પ્રપંચી પાપી પંથની કપટકળાને પૂરેપુરી જાણી ગયા
છે. તેઓમાંના કેટલાક પણ હજુ સુધી પોતાની જાહેર હિંમત બતાવીને એ મેલડીના વળગાડમાંથી
મુક્તિ મેળવી શકતા નથી. તેઓ એમ માને છે કે નાત સાથેજ રહીને અમે ધીરે ધીરે સુધારો
કરતા જઈશુ અને ક્રમે ક્રમે આપણા પવિત્ર ધર્મક્ષેત્રમાં પ્રવેશ કરશું. પણ તેમને ભાન
નથી કે આવી શિથિલતા અને મોળાપણાથી તો આપણા હૃદયનો ધાર્મિક જુસ્સો કાળે કરીને મરી
જાય છે અને આપણી સંખ્યામાંથી પણ આશાભર્યા અનેક જીવડાઓ ખપી જતાં,
કળકળતાં
કાળજાની ખરી દાઝ અને કાળજીવાળા સમજુ કાર્યકર્તાઓ દિવસે દિવસે ઓછા થતા જાય છે. માત્ર એટલુંજ નહીં પણ આપણી બેદરકારી અને ઢીલનો લાભ લઈને એ
પ્રપંચી સતપંથના કુટિલ કાંધીયાઓ પોતાના દાવપેચ અને કાવાદાવા આગળ વધારતાજ જાય છે
અને પોતાની જાળમાં ભોળા હિન્દુ સેવકોને વધારે મજબુત રીતે જકડી રાખવાની અનેક
છળભેદભરી યુક્તિઓ કરતા જ રહ્યા છે. બનાવટી ચમત્કારો બતાવીને,
બેહેસ્તની ખોટી લાલચો આપીને તેમજ જાહેર કે આડકતરી રીતે
લાંચ—રૂશ્વત વડે દેશના ગઢેરા અને મુખી લોકોની મારફતે દબાણ ચલાવીને તેઓ પોતાના હાલ
દિવસે દિવસે તુટવા લાગેલા આકડાના માંડવાને — સડેલા વાંસના તકલાદી ટેકાઓ આપી રહ્યા
છે.
“સતપંથ”નો શયતાની જુલમ
એ બધું ઉપર જણાવેલા સમજુ અને સુધરેલા કડવા પાટીદારો હજી સુધી આંખો સામે જોઈ
અને સહી રહ્યા છે. એ કેટલી અફસોસની વાત છે ?
અરે! બંધુઓ ! તમારી ધર્મભાવના,
તમારી લાગણી, તમારા વચનો અને તમારા નિશ્ચયનું બળ કયાં ગયું ?
તમે આ ઠગાઈ અને જુલમ હજી કેમ સહન કરી રહ્યા છો ?
તમે દેશમાં જાઓ ત્યારે એ ઢોંગી અને પાખંડીઓ તમારી પાસેથી
ટેકસ અને લાગાનો દંડ લીધા વિના તેમજ તમને તન—મનથી ભ્રષ્ટ કરનારી ગટરના ગંદવાડ જેવી
મલીન અને ગંધાતી અમીની ગોળી પીવરાવ્યા વિના,
સગા—કુટુંબ, મા—બાપ, ભાઈ—બહેન કે ઘરની સ્ત્રી અને બાળબચ્ચાઓ સાથે પણ તમને મળવા
દેતા નથી. આવો પશુઓ પણ ન વેઠી શકે, એવો ત્રાસ તેઓ વરતાવી રહ્યા છે અને તમે તે મુંગે મોંઢે વેઠી
રહ્યાછો ! એ કેવી દુઃખની વાત છે.
એટલું જ નહીં પણ જે પવિત્ર વેદનું નામ દેવાનો શુદ્રોને સુધ્ધા અધિકાર નથી,
એ વેદની જગજાહેર રીતે ઠઠ્ઠા મશ્કરીઓ કરીને,
વેદને નામે મુસલમાની કલમા અને દુવાનું કલ્પિત કચુંબર પઢાવે
છે. સતપંથની સંધ્યા, સતપંથના યજ્ઞ, હોમ, ગાયત્રી જપ વગેરે વગેર હડહડતા જુઠાણાં ચિતરી કહાડી,
તેમને ધર્મવિધિ અને ધર્મ પુસ્તકો તરીકે ઘુસાડી દે છે. અને
ઘટ પાટ તેમજ એવીજ બીજી કપોળકલ્પિત કુટિલ ક્રિયાઓ કરાવી નિર્લજ નફટાઈથી આપણને પણ
નકટા બનાવીને જગતની હાંસી અને નિંદાને પાત્ર ઠરાવે છે;
જેથી એ પ્રપંચી સતપંથ પાળવા માટે આપણા સુધારક ભાઈઓ પણ ઠામ
ઠામ હડધુત થાય છે અને બીજી બધી હિન્દુકોમોના અપમાન અને તિરસ્કારની જયાં જયાં જાય
ત્યાં પડતાલ સહન કરી રહ્યા છે. એ શું ઓછી શરમની કે અફસોસની વાત છે ?
ચેતો, ચેતો, વ્હાલા બંધુઓ ! એ મહાપાપની ફાંસીમાંથી હવે તો પ્રભુની ખાતર
અને જ્ઞાતિમાતા તથા દેશના હિતની ખાતર છૂટા થાઓ.
આપેલ પવિત્ર વચનોની યાદી
બંધુ, પરિષદ વચ્ચે તેમજ અનેક મિત્રો અને ભાઈઓની સામે તમે કરેલી
પ્રતિજ્ઞાઓ પાળી બતાવી. પવિત્ર પાટીદાર જ્ઞાતિનું હવે તો પાણી રાખો. વ્હાલા ભાઈઓ !
એકવાર યાદ કરો, સભાસદ થતી વખતે તેમજ જાહેરમાં ભાષણો કરતી વખતે,
તમે હૃદયની ખરી લાગણી બતાવીને,
અમુક દિવસોમાં કે અમુક મહિનાઓમાંજ નાત અને સગાઓને મળ્યા પછી
તરત જ એ મહાપાતકમાંથી મુકત થવાનો ધર્મપૂર્વક તમે નિશ્ચય કર્યો હતો અને પરિષદના
પીરાણા સતપંથને જડમૂળથી ઉખેડી નાખવાનો ઠરાવ,
તમે એ ઠરાવપત્રક ઉપર સહી કરીને સ્વીકાર્યો હતો. એ વાતને આજે
લગભગ પંદર પંદર મહિના વીતી ગયા છે, છતાં આળસ અને બેદરકારીથી અથવા શરમ કે દબાણથી,
તમો એ પવિત્ર વચન, ફરજ અને પ્રતિજ્ઞાઓને હજી પાળી શકયા નથી. ત્યારે વિરોધીઓ તો
પોતાની કપટની કરવત અંદર ને અંદર ચલાવતા રહી મકકમ પગલે આપણી સુધારક હિલચાલના મૂળો
કાપવાને મહાભારત માથાફોડ કરી રહ્યા છે. અરે,
આપણા પવિત્ર વેદ, દેવ દેવીઓ અને ધર્મશાસ્ત્રોનો તેઓ ભયંકર દ્રોહ કરી રહ્યા છે
અને પૂજ્ય રૂષિ—મુનીઓ, દેવો, બ્રાહ્મણો તેમજ હિન્દુ ધર્મ પાળનારા આપણા સર્વ ભાઈઓને પણ
છડેચોક ગાળો સંભળાવી રહ્યા છે. તે તમે કયા હૃદયથી સાંભળી શકો છો ?
શાસ્ત્રો તો કહે છે કે વેદ અથવા દેવતાઓને ગાળો દેનાર અથવા
તેમનું અપમાન કરનાર પાખંડીની જીભ જ ખેંચી કાઢવી જોઈએ. એ જાણવા છતાં કેમ જાગતા નથી ?
અરે ! આપણને તેમજ સતપંથી સિવાયના બધા હિન્દુ અને અન્ય
ધર્મીઓને “વર્ણશંકર” કહી ગાળો દે, તે છતાં તમો હજી જાગતા નથી અને એવા પાપીઓના ખોટા દબાણથી
હતાશ થઈને તમારા પવિત્ર વચનોને કેમ વિસારી બેઠા છો ?
વ્હાલા આત્મબંધુઓ, જાગો, જાગો, એ માંસાહારી, દુરાચારી, પરધર્મ અને પરધનને હરનારા,
મુસલમાની સૈયદો તેમજ વટલીને વંઠી ગયેલા સતપંથના કાકાઓ તથા
આપણી જ્ઞાતિના આપ મતલબી, દુરાચારી તેમજ જુલ્મગાર આગેવાનોની ગોઝારી ગુલામી—અરે ! રૌ
રૌ નરકમાં નાખનારી એ મહાપાપની અધર્મી ઝુંસરીમાંથી હવે તો છૂટા થાઓ. જે ગુમાની અને
અર્ધમુસલમાની ગઢેરાઓ પોતે ધર્મ ગુમાવી, જેમને અડકીને પણ ન્હાઈ નાખવું જોઈએ,
એવા મ્લેચ્છ સૈયદોના ચરણામૃત પીએ અને પીવરાવે છે. તથા તેમની
ગટરમાં ફેંકવા જેવી એંઠ અને જુઠણનો પવિત્ર પ્રસાદ મનાવી પોતે ખાઈને બીજાને ખવરાવી
હિન્દુજાતિનું સત્યનાશ કાઢી રહ્યા છે અને ફરજીયાત તરીકે મુડદા દાટવાના મસાણ અને
કબ્રસ્તાન જેવા અપવિત્ર સ્થાનોમાં ઉજાણીઓ,
જમાડવા જેવા ભૂંડા કામો કરાવે છે. આપણી જાતિના મુડદાઓને
જમીનમાં દફનાવી હિન્દુના પવિત્ર શરીરોને માટીના કીડાનો ભોગ ધરાવવાનો મહાન અધર્મ
ચલાવે છે. લગ્ન જેવી પવિત્ર ક્રિયામાં પણ ધર્મશાસ્ત્રની વિધિને બદલે બનાવટી
મુસલમાની દુવાઓ પઢાવે છે અને ગાય—પીપળાની
તેમજ વેદ દેવતાઓની પૂજાઓ તજાવી દઈ દુવા અને કલમા પઢાવી આપણને મામદા હિન્દુ — છુપા
મુસલમાનો બનાવે છે. એવા ધર્મનાશના ઈજારદારોની સાથે હે પવિત્ર ભાઈઓ,
તમારા જેવા સદાચારી,
સમજુ અને સુધરેલા ભાઈઓને કોઈપણ જાતનો સબંધ કે સહકાર એક
પળવાર પણ ન શોભે તે નજ શોભે.
વ્હાલા ભાઈઓ, આપણે તો આજ સુધી બેદરકારી અને આળસની પાપ પથારીમાં આખો
મીચીને ઉંઘીએ છીએ. ત્યારે પેલી તરફ સામો પક્ષ પોતાની પાખંડ જાળ નિભાવી રાખવા આકાશ
પાતાળ એક કરી રહ્યો છે. પરંતુ હજારો પ્રયત્નો કરવા છતાં પાપ અને અસત્ય ફાવી નજ
શકે. એ કુદરતી નિયમ પ્રમાણે તેમની લુચ્ચાઈમાં જોકે તેઓ ફાવી શકતા નથી અને કેટલાંક
સુધારકો તેમનો પીછો પકડી તેમના પાપપ્રપંચો ઉઘાડા પાડી,
તેમને હરાવી—હંફાવી—જગતમાં ફજેત ફજેત કરી રહ્યા છે. તો પણ
હરામનો ચસરકો લાગેલો, એટલે હરામખોરી કરવાની પરંપરા પડેલી તેમની ટેવ ટળતી નથી અને
એની પૂંછડી સેંકડોવાર મરડીને સીધી કરવા છતાં હજી સીધે રસ્તે વળતી નથી.
મુસલમાન સૈયદ બાવાસાહેબ અહમદઅલી “ખાકી”નાં તરફડીયાં !
એ પીરાણા સતપંથને નામે હિન્દુઓને ધૂતી ખાનારા અને ધર્મભ્રષ્ટ કરનારા પ્રપંચી એ
કબ્રસ્તાની અને ખીચડીયા પંથના કેટલાક મુખ્ય ખટપટીયા ખેલાડીઓમાંના ખાસ એક મુસલમાની
સૈયદ બાવામીયાં અહેમદઅલી ખાકી હાલમાં એ સડેલા સતપંથનો બચાવ કરવાને બહાર પડયા છે. એ
ખરૂં જ છે કે હરાયા ઢોરની પેઠે પારકી વાડીઓમાં ઘુસી જઈને જેમને હરામનું જ ખાવાની
વંશ પરંપરાથી બુરી આદત પડી ગઈ હોય તેને સત્ય અને પ્રમાણિક માર્ગ તે શી રીતે સુઝે
કે સાચી સલાહ તે શી રીતે રૂચે ?
ગંગવો કુવો અને ગંગાજીનો ગપગોળો
અમારા વિચારવાન વાચકો તો જાણે જ છે કે થોડા જ મહિના અગાઉ એવા કેટલાક હરામખાઉ
અને પરવારતા સતપંથી પ્રપંચી જીવડાઓએ જગતની આંખમાં ધૂળ નાખવા માટે એક વિચિત્ર નવી
બાજી ગોઠવી હતી અને પીરાણામાં ગંગાજી ફુટી નીકળવાનો બનાવટી ચમત્કાર ઉભો કરી પોતાના
વિખરાઈ જતા સેવકોરૂપી ઘેટાના ટોળાને એ કબ્રસ્તાની વાડામાં પાછા પુરવાને એક નવો
નાટક ઉભો કીધો હતો. પણ એ લુચ્ચાઈ અમારા જાણવામાં આવતા તરત જ અમે જાહેરપત્રોમાં
તેમજ છૂટા લેખો દ્વારા તેમનો એ કુટિલ પાપનો ઘડો તડકાભેર ફોડી નાખ્યો હતો. એથી પેલા
દલદલ ઘોડાની લાદ ઉઠાવનારા અને પીરાણાનો ધર્માદા ખીચડો ચાટનારા સૈયદ મી ખાકીના
કાળજામાં તો ખળભળાટનો એક મહાન હિમાલય ખળભળી ઉઠયો.
શિવજીભાઈનો સપાટો
મી.ખાકીએ જ્યારે જાણ્યું કે પ્રપંચી ચમત્કારનું આ ધતીંગ ઉઘાડુ પડતા પોગળ ફુટી
જવાથી અમારા ખીચડીયા ખાનાઓને કે કુકર્મના કારખાનાઓને હવે તો જરૂર તાળા જ દેવાઈ જશે
અને અમારા પેટનો પાપી ખાડો પુરવાનો રસ્તો પણ હંમેશને માટે બંધ થઈ જશે. તો અમારા
પીરાણાપંથી સૈયદોના તો જરૂર બાર જ વાગી જશે. કેમકે મુલમજુરી કરવા જતા પણ કોઈ ચાર
આના દેવાનું નથી અને હરામના માલ મલીદા ખાધેલા એટલે મહેનતનું કંઈ કામ થવાનું નથી.
માટે સાચો ખોટો કંઈક જવાબ તો ગોઠવી દેવો જ જોઈએ. વળી બીજા સૈયદો અને સેવકોએ પણ
કંઈક ખુલાસો છપાવવા માટે દબાણ ચલાવ્યું. એટલે આજે સત્તર વરસે પીરાણાની પાપ
જાળમાંથી ભોડુ બહાર કાઢી “મહાન ધૂર્તબાજની પોલ” એવા નામનું એક પંદર વીસ લીટીનું
પતાકડા જેવું હેન્ડબીલનું ચીથરીયુ બહાર પાડયું. તેને અમે ઘટતી રીતે માન—પાન આપીને
તરત જ વધાવી લીધું. અને ગયા મહીનામાં જ તેના એક્કે એક શબ્દનો સચોટ જવાબ અને ખુલાસો
અમે પ્રસિદ્ધ કર્યો છે. અમારો એ જવાબ છપાઈને બહાર પાડવામાં થોડાક દિવસોની ઢીલ થઈ.
એથી કરાંચી યુવક મંડળ તરફથી તેના સેક્રેટરી સ્નેહી ભાઈ શ્રી શિવજી કાનજીએ પણ સૈયદ
મી.ખાકીના એ હેન્ડબીલનો દાંડીઠોક જવાબ છપાવીને પ્રકટ કર્યો. એથી તો ખાકીમીયાંના
કાનના પડદાજ ઉઘડી ગયા જણાય છે. ત્યાર પછીના અમારા ખુલાસાથી તો એ સટરપટરીયા સૈયદ
સાહેબનુ કાળજુ જ બંધ થઈ ગયું હોય એમ જણાય છે. એટલે ‘સતપંથ’ ની સત્યતા જાહેર કરવાનુ
તેમનું લખાણ અમારે પૈસે છપાવી આપવાનું જણાવ્યું છતાં પણ મીંયાજીના મોઢા પર લાગેલું
સીલ હજી સુધી ઉઘડયું નથી. બોલો મીયાં બોલો,
જમાનો તમારા મોંમા આગળી ઘાલી પડખામાં ગોદા મારી મારીને
બોલાવે છે. છતાંય તમે કેમ મિંયાજીની મીંદડી બનીને,
પેલા તમારા ગંધાતા ગંગવા કુવાની બખોલના કબુતરો ભેગા
પારેવડું બનીને મુંગામંતર બેસી રહ્યા છો ?
બીજાને જવાબ આપવાને તો તરત જ મોઢું બહાર કાઢો છો. ત્યારે અમને
જવાબ કેમ દેતા નથી ? સદરહુ શિવજીભાઈએ લગાવેલા સપાટાના જવાબમાં એ સૈયદ બાવાસાહેબ
ખાકીએ હાલ એક નવું ખુલાસાપત્ર છપાવ્યું છે. તેમા અમારા નામનો પણ ઉલ્લેખ કરીને
આડકતરા આક્ષેપો કરવાના તરફડીયા માર્યા છે. એથી જ આ લેખમાં ખાસ અમારે વિસ્તારથી
તેનો જવાબ લેવો પડે છે. ખાકીએ પોતાના ખુલાસા પત્રનું નામ રાખ્યું છે “વેદના વિરોધી
પ્રતે પ્રેમોદ્ગાર” એટલે એ નામ ઉપરથી જ સહજ સૂચિત થાય છે કે તે પોતાના ખીચડીયા
પંથને વેદમાર્ગ જણાવવાની સીફતથી હુલડાઈ કરે છે. અને પીરાણાની પોલો ઉઘાડનારાઓ માટે
વેદના વિરોધીઓનું વિશેષણ વાપરે છે! કેટલી બધી તુમાખી ! કેવો ધર્મ ઢોંગ ?
કેવી બદમાશી ? ઓ સૈયદમીયાં ! બસ કરો હવે બસ કરો. વેદનું પવિત્ર નામ લેવાનો
પણ માંસાહારી વિધર્મીઓને હકક નથી. તમારા પાખંડી પંથ સાથે અને તમારા જેવા
પરન્યાત—જાતને ભોળવી ભીખી ખાનારા ફકીરો સાથે પવિત્ર વેદ કે વેદ ધર્મને કશું લાગતુ
વળગતુ કે સ્નાન—સુતક જ નથી.
હાસમી વંશ કે હરિ વંશ ?
સૈયદ બહાદુર ! તમે અને તમારા પૂર્વજો,
બાપદાદે ઈસ્લામી થઈને પારકે ખોળે બેસી જઈ પોતાને હરિ વંશના
કહેવરાવતા અને હરિની ઓલાદમાં પોતાનું નામ ગણાવી,પોતાની જ માતાને પોતાને હાથે ગાળ લગાડતાં પણ તમે શું શરમાતા
નથી ? કોઈ શુદ્ધ મુસલમાન બચ્ચો તો મરતા પણ પોતાને હિન્દુ વંશમાં
પેદા થયેલા તરીકે નહીં જ ઓળખાવે. અરેરે ! પાપી પેટ ભરવા માટે તો આ જગતમાં તમારા
સતપંથ પ્રવર્તકો સિવાય બીજા કોઈ પણ છેક છેલ્લે પાટલે બેઠેલા હશે,
તે પણ પોતાના બાપ—દાદા બદલાવીને પરધર્મી પરકોમના પુત્ર થઈ
બેસવાનું સાહસ નહીં જ કરે. કહો તો ખરા, હરિના વંશમાં કયા પુરૂષનું પુત્રપદ તમારા પૂર્વજોએ શોભાવ્યું હતુ કે તમે
પોતાને હરિવંશના કહેવરાવો છો ? કોઈ ઈતિહાસ કે દંતકથાનું કંઈ પણ પ્રમાણ બતાવશો કે ?
વળી મી. ખાકી ! તમારા બાપદાદાઓએ હરિવંશની અટક કયા દહાડાથી
ધારણ કરી ? હરિવંશ સાથે તમારો કેવો સબંધ ?
તમારા પૂર્વજોમાં હરિવંશનો પહેલો છોકરો કોણ થયો ?
તેનો કોઈ જાહેર ઈતિહાસ બતાવી શકશો ?
અરેરે ! આવી રીતે પરધર્મ અને પરકોમનું નામ પચાવી,
પરાણે પારકાં છોકરા બની જવાથી કંઈ પેટ નહીં જ ભરાય. મી.ખાકી
કંઈક શરમ રાખો શરમ રાખો. માતા—પિતાની તો કંઈક આબરૂ જાળવો. હાથે કરીને હરિવંશના
કહેવરાવવાથી તમને કેવી ભૂંડી ગાળ બેસે છે. તેનો કંઈ ખ્યાલ કર્યો છે ?
વારૂ, તેનો તમે નિરાંતે વિચારીને ખુલાસો લખજો. હવે તમારા
“પ્રેમોદ્ગારની” શરૂઆત કરતા જ તમે લખો છો કે “વીરા! એની અદેખાઈ ના કરો. સતપંથનો
નાશ નહીં કરી શકો. સૂર્ય ઉપર ધૂળ નાખી મોઢું ભ્રષ્ટ કર્યું છે ” ઓ મીયાંજી ! આ
પ્રેમવચનોની શરૂઆત કે તમારા કુલના પ્રેમોદ્ગાર આવા પ્રકારના જ થતા હશે. મી.ખાકી
ઘેર ઘેર ભીખ માગી, પાપ પ્રપંચથી પેટ ભરનારની તે અદેખાઈ કોણ કરે ?
અને શા માટે કરે ? તમને એવી તે કઈ બાદશાહી કે નામના મળી ગઈ છે કે બીજા તમારી
અદેખાઈ કરે ? ફકીર બહાદુર ! જરા જાત સંભાળો પછી બીજાને ઘટતા અણઘટતા વચનો
ઓચરો.
શિવજીભાઈને બદલે પોતાના જ પૂર્વજોને ભાંડયા
ઉપરનું મંગલાચરણ કરીને ત્યાર પછી એ ઉસ્તાદ સાંઈમૌલા પોતાનું ડહાપણ આગળ ચલાવતાં
લખે છે કે “કચ્છી કડવા પાટીદાર યુવક મંડળના સેક્રેટરી શીવજી કાનજીની કુટિલતાની
સર્ચલાઈટ નામના હેન્ડબીલ વિષે ” ‘પીરાણા પંથ ’ એ નામ યોજનારાઓના પડળો જ્યાં સુધી
ઉતર્યા ના હોય ત્યાં સુધી એવાઓ સત્ય જોવા ભાગ્યશાળી કેમ નીવડે ?
મીયાજી ! વાત તો સાવ સાચી છે. આ વખતે તો કુદરત તમારે મોઢે
સાચું જ કહેવડાવે છે. પીરાણા ‘સતપંથ’ એ નામ યોજનાર ઈમામશાહ અને તમારા પૂર્વજો
તેમની આંખે પ્રપંચના પડળો ચડેલા તે તમારા જેવા કોઈ સપુતે આજ સુધી ઉતાર્યા નથી.
એટલે એઓ બિચારા સત્ય જોવાને ભાગ્યશાળી કેમ નીવડી શકે ?
બનાવટી ગંગાજીનો બનાવટી બચાવ
ત્યારપછી મી.ખાકી લખે છે કે “ગંગાજીના નામથી આકળ વિકળ બની જનારાઓએ શઠતામા
ગુંગળાઈ સ્વપાત્રતાનો પડઘો પાડી સ્વપોત પ્રકાશી દીધું છે ” આ વાકય પણ તમારી પાસે
કુદરતે છેક સાચું જ લખાવ્યું છે. પવિત્ર વેદધર્મી હિન્દુઓ તો આજે અનેક યુગો થયા
ગંગાજીના નામથી અને સ્નાનથી સદાય પરમ શાંતિ જ ભોગવે છે. પણ ગંગાજીના નામથી આકળવિકળ
બનેલાઓએ જ તમારા પાખંડ ધર્મનો પ્રચાર કરી,
મુડદાના હાડકાવાળી કબ્રસ્તાની અપવિત્ર ભૂમિના એક ગંધાતા
ગટરીયા કુવાને ગંગવા— કુવાનું નામ આપ્યું છે. અને પોતાની શઠતામા ગુંગળાઈ તેમણે જ
પોતાની જાતમાતનું પોત પરખાવ્યું છે. બાકી કથીરમાં કનક,
થોરના છીરમા દૂધ, કાક વિષ્ટામાં પ્રસાદ અને લીંમડાના પાનમાં કદાચ સાકરની
મીઠાશ હોય તો પણ પીરાણાની કબ્રસ્તાની ભૂમિમાં કે ગંગવા—કુવામાં તો ગંગાજીનો એક લેશ
પણ ન હોઈ શકે.
મી.ખાકી કહે છે કે “બુદ્ધાવતારનો સમય પૂર્ણ થતાંજ શ્રી ગંગાજી પીરાણે પધારેલા
છે. દાભડાવાળા પ્રદેશમાં ગંગાજી પધારશે તેવું વૈદિકશાસ્ત્રો કહે છે. તેને સાચુ
માનવુ, તે વેદ માનનારાઓ માટે છે ”
મી.ખાકી આ વાત કયા ઈતિહાસમાં કે વૈદિક શાસ્ત્રોમાં વાંચી આવ્યા છો ?
તમે તમારી હંમેશની ટેવ મુજબ કોઈ નવો ગંર્ધવ વેદ તો નથી
લખ્યો ? જેમ તમારા બનાવટી અને તરકટી ખોટા બુદ્ધાવતારમાં તમે ધોળે દહાડે રાત બતાવી,
પાંડવોને ગોહત્યા કરનારા જણાવી જે નીચ વાતો ઠોકી ઘાલીને,
હિન્દુ ધર્મનું હડહડતુ અપમાન કર્યું છે. તેવો એ કોઈ નવો વેદ
તો નથી અડાવ્યો ? એ બુદ્ધાવતારમાં તમારા ગંગવા કુવાની ગટરને ગંગા તો શું પણ
ક્ષીરસાગરનો વડદાદો કહો તો પણ તમને કોણ રોકી શકે તેમ છે ?
એમ તો કુંભાર પણ કહે છે કે મારો ગધેડો રાજાના હાથી કરતાંએ
વધારે પરાક્રમી છે. પણ એથી જગત કંઈ એ માની લેશે ?
હિન્દુના કોઈ પણ પવિત્ર ધર્મગ્રન્થમાં તમારા કબ્રસ્તાની
પીરાણાનું નામ પણ લખાયેલું નથી. પરંતુ એ તો બધી તમારી અને તમારા મતલબી પૂર્વજોનીજ
પ્રપંચી બનાવટ છે.
આખા કાશી સાથે ગંગાજી પીરાણે આવ્યાં ! માર તોપ !
ઉપરના ફકરાની નીચે જ ગંગાજી પ્રગટ થવા બાબત મી.ખાકી લખે છે કે —
‘શ્રી સદ્ગોર પીર ઈમામશાહ બાવાના સમયે પીરાણામાં ગંગાજી
કાશી જેવા પવિત્ર ક્ષેત્ર સહિત પધારી હજારો માણસોને પવિત્ર કરી પ્રખ્યાતિ પામેલ
છે. આજ કાંઈ નવાઈની વાત નથી.” સંવત ૧૯૮૦ ના ભાદરવા માસમાં {VSK: Sep-1984} મહિજડા ગામે શ્રી ગંગાજીએ એક વિચિત્ર સ્થળે પ્રગટ થઈ
સાક્ષાત એક બાળકન્યા રૂપે ત્યાંના સામયિક યાત્રાળુઓને દર્શન આપી સૂચના કરી હતી કે
“(૬) છઠ્ઠ માસે હું પીરાણે પ્રગટ થઈશ ” એ કથા દર્શને આવનારા મહિજડાના યાત્રીઓ
કહેતા હતા — હજુ કહે છે ને કહેશે. ખાત્રી કરવી હોય તો ત્યાં પધારી ખાત્રી કરી જુઓ.
શાબાશ સૈયદ ખાકી ! આ તો ઘણી આબાદ તોપ ફેકી. પણ ટાઢા જ પ્હોરની હો ! ઈમામશાહની સાથે
કાશી જેવા પવિત્ર ક્ષેત્ર સહિત ગંગાજી પીરાણે પધાર્યા ત્યારે તે એવડું મોટુ
કાશીક્ષેત્ર અને એવડા અનંત જલભર્યા ગંગાજી પીરાણાની કઈ કબરમાં છૂપાઈ બેઠા ?
ગંગાજી આવ્યા તો પીરાણા તેમાં ડૂબી કેમ ન ગયું ?
શુ ઈમામશાહ બાજીગર હતા કે તેણે ગંગાજીને તથા કાશી જેવા
વિશાળ ક્ષેત્રને પણ કોઈ બીજુ જ નાનું રૂપ આપી દીધું. કાશીજીનો પોપટ બનાવ્યો કે
કબુતર ? અરે ખાકીજી ! તમે તો ખાકીને તમારી બધી વાતોય ખાકી. એટલે તમે
તોપ હાંકવામાં કંઈ ના રાખ્યું બાકી ! ફકીર મૌલા ! આવી લાલ બુજરંગ જેવી વાતો કોઈ
જંગલના ભીલોને સંભળાવી હોત તો આજે તે પણ ખોટી કહીને હસી કહાડત. ત્યારે આ વિજ્ઞાન
અને સભ્યતાના પ્રકાશિત જમાનામાં એવી અરેબીયન નાઈટસ જેવી તોપોને તે કોણ માનવાનું છે
?
ત્યારે બોલ્યા બાવા ઈમામશાહ
વળી તમારા ધૂર્તશિરોમણી ઈમામશાહ તો લખે છે કે ભારતના અડસઠે તીર્થો પીરાણાના
ગંગવા કુવામાં આવીને રહ્યા છે. એથી તમારી એકવીસે પેઢી તરી ગઈ અને બેહેસ્તની
બાદશાહી પણ તમને જ મળી ગઈ. ત્યારે પછી બિચારા ગરીબ,
નિર્ધન, મજુરી કરી પેટ ભરનારા,
કણબી, કોળી, કાછીયા, ગોલા જેવા અભણ સેવકોને લૂંટીને અંધશ્રધ્ધાળુ જનોની પાસેથી
લડી વઢી શા માટે પૈસા નીચોવી કાઢો છો. બેહેસ્તનો ખજાનો મળ્યો છે,
છતાંય ભીખ ન છુટી? વળી મી.ખાકી ! જો ઈમામશાહ બાવા પોતાની હૈયાતીમાં જ કાશી અને
ગંગાજીને પીરાણે લાવ્યા તો પછી ત્યાંથી નાસી જઈને મહિજડા ગામમાં એક વિચિત્ર સ્થળે
સાક્ષાત્ એક બાળ કન્યારૂપે તે કેવીરીતે પ્રગટ થયા ?
અને તે વળી કોઈ વિચિત્ર સ્થળે ! વિચિત્ર સ્થળ તો સંડાસ કે
મુતરડીજ હોય. તો મહિજડાના કયા વિચિત્ર સ્થળે તે પ્રગટ થયા એ જણાવશો કે અને એ
કન્યારૂપ ગંગાજીએ કહ્યું કે “ હું છઠ્ઠે માસે પીરાણે પ્રગટ થઈશ ” ત્યારે એ છ મહિના
સુધી તેઓ કયાં ભટકતા હતા ? અરે મી.ખાકી ! આ જ્ઞાનભૂષિત જમાનામાં આવી નમાલી,
બનાવટી, કુદરત વિરૂધ્ધ વાહિયાત વાતોથી તમે કોને બનાવવા માગો છો. હવે
તો તમારા મેંઢા જેવા સેવકો પણ સમજીને ચેતી ગયા છે. એટલે એવા કોઈ ભાડુતી
યાત્રાળુઓને ભણાવી રાખીને બનાવટી ચમત્કારોની બાંગ પોકારશો,
એટલા તમે જ જગતમાં વધારે બની જશો એ નકકી જાણજો. વધારામાં
ભોઠાં પડશો અને ભૂંડા ગણાશો. માટે હવે તો એવા પાખંડો અને ધતીંગો તમે જવા જ દેજો.
વળી ખાકીજી ! જો ગંગાજી છ મહિને પીરાણે પ્રગટ થવાના હતા તો એટલો વખત તમારો ગંગવો
કુવો અને પાપધામ પીરાણુ તો ગંગાજી વગરના જ બની રહ્યા હશે. એ તમારા પોતાના શબ્દોથી
જ સિધ્ધ થાય છે, ખરૂં ને .
મી.ખાકી ખરૂં પૂછો તો જ્યાં માંસાહારી મ્લેચ્છો જ મુખ્ય ભાગે વસતા હોય,
જ્યાં કબ્રસ્તાનમાં દાટેલા મુડદાઓથી જમીન અપવિત્ર બની રહી
હોય, જ્યાં પવિત્ર આર્યોને ઠગીને વટલાવવામાં આવતા હોય એવા પ્રપંચી પાપધામમાં ગંગાજી
પ્રગટ થવાની વાતો તો સસલાને શીંગડા ઉગાડવા જેવી અને વાંઝણીના છોકરા રમાડવા જેવીજ
બનાવટી જાણવી.
હિન્દુજાતિ ઉપર ભયંકર આરોપ
સૈયદ બાવાસાહેબ ખાકીનું ખાકી પુતલું આગળ જતા જણાવે છે કે “ ગંગાજી પોતાને
સ્થળેથી જીવહત્યાના મહાદોષોએ કંટાળી ગુજરાતમાં આવ્યા છે. ગંગાતટવાસીઓની ઘણી કોમો
તેમજ તમારા ગુરૂજનો બ્રાહ્મણાદિ સર્વ માંસ માછલાના ભોગી બનેલા જોઈ શ્રી ગંગાજી
પીરાણે આવતા રહ્યા. ગુરૂ માંસાહારી તેના યજમાનો કાંઈ તેથી ઓછા ન હોય. ”
મી.ખાકી ! જેવું અન્ન તેવો જ ઓડકાર. તમે જેવા છો તેવા જ બીજાને કહો છો અને નીચ
યુક્તિઓથી હિન્દુઓના પવિત્ર ક્ષેત્રોને બદનામ કરી તમારા કબ્રસ્તાનનો ખોટો જ મહિમા
વધારી રહ્યા છો. ગંગાતટવાસી પવિત્ર આર્યજાતિને તેમજ બ્રાહ્મણો,
ગુરૂઓ અને યજમાનોને બધાને માંસાહારી કરી તમે અખિલ
હિન્દુજાતિની ભયંકર બદનક્ષી કરો છો. જો ન્યાયાસન સમક્ષ તમારી આ નીચ હરામખોરીનો જવાબ લેવાને કોઈ પણ
ધર્માભિમાની હિન્દુ તૈયાર થશે તો જરૂર તમને ભારી પડશે. તમારી બડાઈની ડાકલી તમે ભલે
તેમ વગાડો પણ પારકા ધર્મની નિંદા કરવા જતાં સંભાળજો. વખતે તમને ભોંય પણ ભારી થઈ ન
પડે. વળી મી.ખાકી પોતાના હેન્ડબીલને છઠે પાને નવી તોપ ગોઠવે છે કે “ પીરાણે ગંગાજી
પ્રગટ થાશે તેવી ભવિષ્યવાણી ભવિષ્યપુરાણાદિ પુસ્તકોમાં છે. જુઓ પછી પૂછવા આવો.
શ્રી સદ્ગોર ઈમામશાહ તો ઘણી વાર લખી ગયા છે કે ગંગાજી પીરાણામાં આવશે. ” મી.ખાકી
! આવું હડહડતું જુઠું તમે કયા ભવને માટે લખો છો ?
કોઈ પણ વ્યાસકૃત પુરાણમાં જો તમે પીરાણાનું નામ પણ બતાવો તો
તમને અમારૂં આગળ જણાવેલું ઈનામ આપવાને અમો તૈયાર છીએ,
નહીં તો તમે પીરાણાના પાખંડો છોડી તમારા મૂળ ઈસ્લામી ધર્મને
પકડી જરા નીતિ અને નેકીનો માર્ગ ગ્રહણ કરતા શીખો.
વંઠેલાઓની વેદ સેવા
તમારી ભીખના ખુલાસાઓમાં એ છઠ્ઠે પાનેજ તમે લખો છો કે “વેદની સેવા માટે પૈસા
માંગવા અતિ ઉત્તમ છે” ખાકી ! તમે વેદની કેવી સેવા કરો છો,
એ શું જગત નથી જાણતું ?
વેદધર્મીઓને વટલાવી,
મુમના બનાવી, કલમા પઢાવવા અને નુરની ભ્રષ્ટ ગોળીઓ ચટાડવી એજ તમારી વેદની
સેવા કે? વાહરે કલિયુગી વેદસેવક,
તમારી આ વેદ સેવાનો અલ્લાહ તાલા કેવો જવાબ લેશે એનો તમે કંઈ
ખ્યાલ કર્યો છે ? તમારા ઈમામશાહે તો એક ગંગાજી જ નહીં પણ અડસઠ તીર્થ પીરાણે
આવ્યાનું અનેક વાર જણાવ્યું છે અને એ પ્રપંચી જુઠાણું આખું જગત જાણી પણ ચુકયું છે.
ઈમામશાહે દાઇ તરીકે કરેલી નિઝારીઓની દલાલીથી હવે કોણ અજાણ્યું છે.
શ્રી રામચંદ્ર અને કૃષ્ણચંદ્રની નિંદા
મી.ખાકી વળી આગળ લખે છે કે —
“ શ્રી રામચંદ્ર શત્રુવટમાં બ્રાહ્મણ કોમ ઉભરાઈ નીકળી. આખી
જગતને વેદથી વિમુખ કરી દીધી ત્યાં સુધી કે શ્રી રામચંદ્રજીના જીવના શત્રુ અઢાર
ક્ષોણી બ્રાહ્મણો થઈ પડયા ” શ્રી કૃષ્ણનો નાશ કરવા ઘણી યુક્તિઓ સમાજ કરતો હતો.
શ્રીજીને ચોર, પીંઢારો, છીનાળવો, વર્ણશંકરાદિ પદવીઓથી પ્રસિદ્ધ કરતા હતા. સૈયદ ખાકી આવા
હડહડતા જુઠાણાથી અતિ નીચ નાપાક શબ્દો બોલી હિન્દુજાતિનો ભયંકર દ્રોહ કરતી વખતે
તમારી જીભમાં કાંટા કેમ નથી ઉગતા ? આ બધો ખોટો બકવાશ તમે કોની સામે કરો છો ?
આ વાતો તમે કયા ઈતિહાસમાં વાંચી આવ્યા છો. તે સ્પષ્ટ જણાવી
તમારી સચ્ચાઈને સિધ્ધ કરી બતાવો. નહીં તો ખબરદાર કોઈ કમજાત ગોલાને પણ ન છાજે એવી
રીતે તમે અમારા પરમ પૂજ્ય ઈશ્વરાવતારોને આવા શબ્દો લખો છો તેનું પરિણામ તમારે ઘણું
જ સખત વેઠવું પડશે. બીજાનો ધર્મ અને
જાતિદ્રોહ કરનારને બ્રિટીશ ન્યાયથી શિક્ષા કરે છે તે તમે જાણો છો કે ?
જરા પીનલકોડ ધ્યાનથી વાંચી જજો.
ઈમામશાહનું રગસીયું ગાડું
વળી પોતાના પ્રપંચી પૂર્વજોની બહાદુરી બતાવવા મી. ખાકી લખે છે કે “ શ્રી સદ્ગોર
ઈમામશાહ બાવાનું વેદનું ગાડુ અસંખ્ય વરસથી રગસ રગસ ચાલતું જ આવ્યું છે. ” મી. ખાકી
! તમારા પૂર્વજોનું એ વેદનું નહીં, પણ ઠગાઈ અને પાખંડનું ગાડુ અને તે પણ એક દાઈ એટલે દલાલ થઈને
પોતાના શેઠ ઈસમાઈલી નિઝારી ઈમામોનુ હરામખોરીથી પચાવી પાડેલુ,
કલજુગના અંધારાને પ્રતાપે જરૂર રગસ રગસ એટલે પડતું આખડતું જ
આજ સુધી તો ચાલ્યું. પણ હવે તો એ પાપનો ઘડો પૂરેપૂરો ભરાઈ ગયો છે. રાઈના પાડ રાતે
વહી ગયા. તમારી ઠગબજારનું મુખ્ય થાણું કચ્છ,
જ્યાંથી તમને લાખ લાખ રૂપીયાની દર વરસે દશોદ મળતી. ત્યાંથી
આજે ફકત દશમો હિસ્સો જ માંડમાડ મળે છે. અનેક ગામોએ તો દશોંદ મોકલવી બિલકુલ બંધ કરી
દીધી છે. અને હજારો સેવકો તમારી ઘોર કુકર્મી પ્રપંચજાળની પાપ દોરીઓને તોડી નાખી,
દરરોજ તમારાથી છૂટા થતાં જાય છે એ બધું તમારા જાણવામાં તો
છે, પણ શું કરો ? પાપી પેટની વેઠ ખાતર ખોટા બણગાં પણ તમારે ફુંકવા જ પડે.
સૈયદ ખાકી વળી ત્રીજે પાને લખે છે કે “દુધ અમૃત છે પણ રોગીને ઝેર થાય,
તેમાં દુધનો કેવો દોષ ?”
મી.ખાકી ! એ ખરી વાત છે. અમારી દૂધ જેવી,
અમૃત જેવી, સલાહ તમને હજી પણ ઝેર જેવી જ લાગે છે અને તમે તમારા પાખંડ
છોડતા જ નથી. એમાં અમારી શિખામણનો તેમ જ તમારો પણ કંઈ દોષ નથી. પણ ઠગાઈથી હરામનું
ચાટવાનો જે તમને લાંબા વખતથી ભયંકર રોગ લાગુ પડયો છે તેનોજ બધો દોષ છે. મી.ખાકી
પોકારે કે કોણ કહે છે રાપીનો ઘા ? તેનો એજ ખુલાસો હોઈ શકે કે ભવિષ્યના અરીસામાં તમારા પોતાના
કર્મોનો ચ્હોરો જુઓ, હાથ કંકણને આરસીની શી જરૂર છે. તમે બેહેસ્તના ઈજારાદાર પોતે
ભીખ માંગતા જ રહ્યા છો અને તમે પોતે લખો છો અને કબુલ કરો છો તેમ “ હડધુત કેવા થયા
છો , તે આખા દેશમાં પ્રગટ થઈ ગયું છે.”
અમારા ઉપર આક્ષેપનો ઘા !
એ હેન્ડબીલને ત્રીજે પાને છેલ્લા ફકરામાં મી.ખાકી સૂર્ય સામે ખાક ઉરાડવાનો
યત્ન કરી જાતે જ આંધળા બનવા માટે છાતી ફુલાવીને લખે છે કે
“તમારા જ્ઞાતિસુધારક (દઝાડક) મી. નારાણજી રામજીભાઈ પોતાના
લેખમાં યુક્તિએ હમારી શાન્તિનો ભંગ કરવા ને કાકા સૈયદો સાથે વઢાડવા પ્રપંચ કર્યો
હતો તે પૂરતો જ મારે જવાબ દેવો પડયો. તે સત્યતાએ આપ્યો. તેમાં કંઈ વાત હમારી ખોટી
છે તે લખવું હતુ કા પ્રાસંગિક ચર્ચા સહવિવેકે કરવી હતી. આમ અવળુ બોલી ગાળો
ભાંડવામાં બહાદુરી નહીં ગણાય. તમે મારા લેખનો જવાબ આપ્યોએ નહીં ગણાય. મારા લેખનું
ખંડન પ્રમાણસહ કરી ખોટું કરી દેખાડવુ હતુ. આમ ગાળો ન ભડાય. હમારા લેખમાં બિભસ્તતા
ને નિંદા કયાં છે, આતો તમો તમારૂં સ્વરૂપ જોઈ ભડકી પોકાર પાડો છો. ”
ખાકીની બેધારી બાજી
મી.ખાકી ! તમને કાકા અને સૈયદો સાથે વઢાડવાનો મેં પ્રપંચ કર્યો કે તમારી
નીચતાએ તમે સામૈયુ અને વરઘોડો કાઢીને ખેરીયાતની દોલતનું નખોદ વાળવા માટે કોર્ટે
ચઢયા હતા. તે મેં ચડાવ્યા કે તમારી અને સૈયદોની નીચ આપ મતલબે ?
તમારી કઈ વાત સાચી છે. તમે બાલેબાલ જુઠાઈથી જ ભરેલા છો.
લખવુ, બોલવુ, ચાટવું બધુ જુઠુ અને બધુ જગતને ધૂતી ખાવા માટેનું જ છે. વળી
તમે લખો છો કે “મારા લેખનો જવાબ આપ્યો એ નહીં” પણ તમારો લેખ જ કયાં હતો. લેખ માટે
તો તમે પૈસાની તેમાં ભીખ માગી હતી અને વધારામાં પોતાનું થુકેલુ ચાટીને,
પોતે જ લખેલા જે લેખને અમે ટાંકી બતાવી તમને માન આપ્યુ,
તેનો પણ ઈન્કાર કરી કુટિલ કાકા અને પાખંડી સૈયદોને
પુણ્યશાળી કહી તેમને પગે પડયા. રડી કકળીને માફી માગી. પોતે લખેલું પોતે જ રદ કરીને
નાલાયકી અને નામર્દાઈ બતાવી. એજ તમારા લેખનો મહિમા અને એજ તમારી પોપલીલા કે ?
જે કાકાને ભર કોર્ટમાં ન્યાયાસનની સામે,
ખુદાને નામે, સાચું બોલવાની ગંભીર પ્રતિજ્ઞા લઈને,
ઘણા અપકૃત્યો કરનારા,
સ્વાર્થી, પૈસાનો ગેરઉપયોગ કરનારા,
વ્યભિચારી, અપ્રમાણિક, પારકી મિલ્કત ખાઈ જનારા અને બદચાલના કહ્યા હતા તેમને જ પાછા
તમે પૂણ્યશાળી કહેવાને બહાર પડયા છો. ત્યારે એમાં સાચુ શું અને ખોટુ શુ?
કોર્ટમાં સોગન પર આપેલી જુબાની ખોટી કે હાલમાં માલપાણી
ચાટવાને માટે તમે કરેલી ખુશામત ખોટી. એ બન્ને ઉલટી સુલટી વાતોમાં કઈ ખરી. એ કયે
મોઢે બોલ્યા હતા.
મી.ખાકી ! તમારા વર્તનનો વિચાર કરતાં તો કલમ પણ કંપીને કમીકમી ઉઠે છે. મી.ખાકી
! તમે તો ખરેખરા ખાકી જ, એટલે બધુ છેક ખાક જેવું જ કરશો. વળી મી.ખાકી પોતાના
હેન્ડબીલમાં બડાઈ ગાઈને મોટે ઉપાડે લખે છે કે હમારા લેખમાં બિભસ્તતા ને નિંદા કયાં
છે. એજ ખાકી એજ લીટીની નીચેના પેરામાં લખે છે કે તમો પારસીયા કહેવાવ છો તો તે અટક
કયાંથી પડી. પારસી જ્ઞાતિને અને તમારે કેવો સબંધ ?
ભાઈ જાત ઉપર ભાત ત્યારે દેખાઈ રહેશે. આ તો જરાપણ બિભસ્ત
નિંદા નહીં પણ મીયાં ખાકીના મત પ્રમાણે તો એ ફુલના હાર તોરા કહેવાતા હશે.
ખાકીના પિત્રાઈ ભાઈ જુમ્માની બહાદુરી
વળી તેની નીચેના પેરામાં ખાકી લખે છે કે “નોતીયાર જુમ્મા
ગુરૂને પોખણાના દિવસોમાં ઘરે જવાન છોકરીની સાથે રાખી મા—બાપો છ છ સાત સાત રાત્રી
દિવસ જંગલમાં જ રહે. રખડેલ પાખંડી લુચ્ચો માણસ પાખંડ કરીને પોષાય” આ પણ બિભત્સ
નિંદા નહીં હોય. પણ ખાકીના સતપંથનાં જ્ઞાન. વળી બીજા પાનામાં મી.ખાકી લખે છે કે
“હમારી ગંગા સાચી, માત્ર તેના વિરોધી વર્ણસંકરો જ જુઠા” આ સુંદર વાણી તો
બિભત્સ નિંદા નહી, પણ ખાકીની પવિત્ર વેદવાણી હશે. ધન્ય છે ! બનાવટી હરિવંશમાં
અવતરેલા વર્ણસંકર, ઠગારાઓના વંશધરને ! ખરી રીતે તો પીરાણા સતપંથ વર્ણસંકર,
તેણે ગોઠવેલી ચારે યુગની વંશાવલી વર્ણસંકર,
તેમનું સાહિત્ય વર્ણસંકર,
હરિવંશના ગોઠવેલાં ખટપટી ખોટાં પાટીયાં વર્ણસંકર અને તેના
સ્થાપકે રજુ કરેલી પોતાના પરિવારની આલઓલાદ પણ તેને પોતાને હિસાબે અને જોખમે
વર્ણસંકરજ ! અને વળી પાપી પીરાણા સાથે પવિત્ર ગંગાજીનું નામ જોડવું એ પણ બદમાશોની
વર્ણસંકરતા સિવાય બીજુ શું હોઈ શકે. મચ્છ,
કચ્છ, વારાહ, બુધ્ધ વગેરેના કુળમાં પેદા થયેલા પીર અને સૈયદો ! એમનો કયો
વર્ણ હોય. એ તે સંકર કે કંકર ? મી.ખાકી કંઈ છે આનો ખુલાસો કરવાનુ તમારામાં પાણી ?
હોય તો મેદાનમાં જાતે જણાવો. પોતે જાતે ધર્મે અને ધંધે જો વર્ણસંકર
હોય, તેમ છતાં પોતાના પાખંડ ધર્મનો વિરોધ કરનારી સમગ્ર પવિત્ર પ્રજાને વર્ણસંકર
કહેવાની ધૃષ્ટતા કરે તે આગળ તો અધમતાની અવધી જ સમજવી. કહો,
હવે તમારી બિભત્સ નિંદાની વધારે લીલા શું બતાવુ ?
જ્ઞાતિસેવક અને સુધારકને “દઝાડક” કહેવા નીકળેલા,
દાભડા દેશવાસી દગાબાજ અંગારિયાને તે બીજી કઈ ઉપમા આપવી એજ
કંઈ નથી સુઝતુ. મી.ખાકી તમે તો શું પણ તમારા બડાદાદા ઈમામશાહથી આરંભીને આજ સુધીના
તમારા બધા સતપંથ પ્રર્વતકોએ દુનિયાના બધા ધર્મોની બિભત્સ રીતે ઘોર નિંદા કરવામાં જ
જીંદગી ગુમાવી છે. અને એ બધા સોનેરી ફાગ—ફટાણાની હોળી,
તમારા છુપા ધર્મશાસ્ત્રો અને ગીનાનોમા ઠામઠામ ભરેલી છે. જે
જાહેર આલમને જણાવવામાં આવતાં જ આખી દુનિયા તમારી દુશ્મન થઈ બેસે એવા તેમના કુકર્મો
છે અને થોડી સબુર કરો, હવે તો થોડા જ વખતમાં એ બધી તમારી પોપલીલા અમે “પીરાણા
સતપંથની પોલ” નામના મહાન ઈતિહાસીક ગ્રંથમાં ઢોલ નગારાં વગાડીને જગજાહેર ઉઘાડી
પાડીએ છીએ. પછી જગત તમારો કેવો સત્કાર કરે છે તે ઠંડો જીવ રાખીને આરામથી અનુભવી
લેજો અને ત્યારે જ તમે કહો છો કે “સતપંથમાં સપુતો જ હોય છે. ત્યાં વર્ણસંકરતા ના
હોય, એતો આપનું આપને સદા અખ્યાતુ રહે !” એ હડહડતી ગાળનો ઘટસ્ફોટ થશે અને ખરા વર્ણસંકરો
કોણ છે તે જગતને ચોખેચોખું દેખાઈ જશે. માટે અહીં તમારી ઢગલાબંધ બિભત્સ નિંદાનું
હું વધારે પીષ્ટપેષણ કરવા ચાહતો નથી.
સૈયદો અને કાકાઓને શિરપાવ
મી.ખાકી તમે આ હેન્ડબીલમાં સતપંથી કાકાઓ તથા તમારા સૈયદ ભાઈઓની પણ બહુ સારી
ઈજજત વધારો છો. તમે લખો છો કે “નથુકાકા અને પૂંજામીયા વિષયનો જે તમારો લેખ છે તેજ
ભ્રમ તમને ભૂલાવે છે. ધર્મની શોધ પોતાની બુદ્ધિને સદ્ગુણો ઉપર છે. ધર્મના ભોમિયા
ધર્મનું શુદ્ધ સ્વરૂપ સમજીને સમજાવી શકે છે. તેમાં બીજાઓના આરોપો મારા માટે રાખી
મુકવા. ” એ તમારી મૂર્ખાઈ છે. વાહરે, મહાજ્ઞાની ખાકી, તમે તો જાણે બીજો ઈમામશાહનો અવતાર હો એવો ડોળ ઘાલીને પોતાને
મહાન બૃદ્ધિમાન અને સદ્ગુણી બતાવી, નથુકાકા, પૂંજામીયા વગેરે ધર્મનું શુદ્ધ સ્વરૂપ ન સમજનારા છેક જ
મૂર્ખા અને નમાલા બતાવો છો કેમ ? એ લોકો કહે છે કે “ સૈયદ બાવામીયા બડો ઢોંગી છે. અને કલ્પિત
ઓગણીસમુ પુરાણ બનાવી મુસલમાન થઈ હિન્દુધર્મીનો ડોળ ઘાલી દુનિયાને ઠગે છે તે કંઈ
ખોટુ નથી. સૈયદોમાં હડહડતા જુઠાણાંના ઈજારદાર નંબર વન તો તમે જ છો અને ઠગપોથીઓ તમે
જ રચો છો. બીજા સૈયદો તો બિચારા જાહેર રીતે જણાવે છે અને કબુલ કરે છે કે અમારો
સતપંથ દીને મહમ્મદી એટલે ઈસલામી ધર્મ જ છે. આટલું પણ સાચું બોલી ખેરિયાતના ખીચડા
ઉપર તે લોકો તો સંતોષ ગુજારે છે. પણ તમારી પાખંડલીલા તો આંદામાનની સફરે મોકલી દેવા
જેવી જ છે. છતાં તમે એ બિચારા અજ્ઞાન અને ભોળા કાકા તેમજ સૈયદોને વગોવીને ધર્મનું
શુદ્ધ સ્વરૂપ ન સમજનારા, અભણ બુડથલ જણાવી છેક ઉતારી પાડીને પોતાની બડાઈનું એ
ભેંસાસુરી ભુંગળુ વગાડી શા માટે ભાડભાઈની પેઠે ભવાઈ ભજવો છો.
વર્ણસંકરની વંઠેલી વાણી
મી.ખાકી ઈમામશાહે તો છેવટ અઢી સતપંથીઓ જ રહેશે એવું લખ્યું છે તે તો તમે કબુલ
રાખો છો અને પાછા પડયા પડયા પણ ટંગડી ઉંચી કરીને નફટાઈ લખો છો કે “ સ્ત્રી જારિણી
બને છે ત્યારે જ પાટીદાર કે કોઈપણ જ્ઞાતિમાં કોળી—ભીલ,
લુહાર, સુથાર, મેઘવાળ, ભવૈયા, ભાડ, કાઠોડિયા ગમે તે વર્ણના પુરૂષથી પ્રજા ઉત્પન્ન કરી દે છે. એ
વર્ણસંકર પુત્ર સતજ્ઞાની (સતપંથનો) ન થાતા જારી પુરૂષના ગુણવાળો થાય છે. એવી
વર્ણસંકરતા વધી પડેથી ફકત અઢી ધર્મી જ રહેશે.” એટલે તમારા નાશકારક પાખંડ પંજામાંથી
છુટા થઈને સત્ય અને નીતિના પવિત્ર ધર્મમાં જે કોઈ જાય તે બધાને તમે આવી મા સામી
નાગી ગાળ દેતા લજાઈને બુડી મરતા નથી. પણ વર્ણસંકર કોણ છે એ તો ઉપર અમે તમને બરાબર
પ્રમાણોસહિત સ્પષ્ટ બતાવીજ દીધુ છે. તે જોઈએ તો ફરીથી જોઈ લેજો.
રાક્ષસોની ઓળખાણ
મી.ખાકી તમે કહો છો તેમ આગલા જમાનાના દ્વાપરયુગમાં રાક્ષસોની ઓળખાણ મુખની
દુર્ગંધથી થતી હશે. પણ આ યુગમાં તો મુખની અને કલમની વાણી ઉપરથી જ થાય છે. તમે અને
તમારા સતપંથે (સતપંથના શાસ્ત્રોએ) જે નીચ વાણી અને નીચ નીતિરીતિ ધારણ કરી રાખેલી
છે, તેજ ચોખુ બતાવી આપે છે કે ખરા રાક્ષસ કોણ છે ?
મિયાભાઈ લાંબો વિચાર કર્યા પહેલા પોતે હોઈએ તેવા જ બીજાને ન
જાણીએ અને ન કહીએ.
ખાલી બંદુકનો ખાલી ધડાકો
મી.ખાકી વળી તમે લખો છો કે “કુટણમુઠી ખૂણે રૂવે” એ વાત તમારા આગલા ઈમામોનો બધો
ઈતિહાસ વાંચો એટલે તરત તમને દીવા જેવી સમજાઈ જશે કે કેટલી કુટણમુઠીઓને રડવાનો વખત
આવ્યો હતો. બાકી ખાલી બંદુક પોતાની મેળે ફુટી જેથી અગ્નિ થઈ ચાર પાંચ માણસો બળીને
ભસ્મ થઈ ગયા. એવા હડહડતા ગપગોળા તો બાળકોને સંભળાવજો. આ જમાનામાં તમારી એવી નીચ
બનાવટોને કોઈ નહીં માને. તમે જ ખાલી બંદુક ફોડી બતાવો અથવા તમારા પૂર્વજોની
ટહાડાપોરે ચલાવેલી તોપોની પેઠે, લોખંડના તપાવેલા તવા ઉપર ચડીને તમારી સત્યતાનો પરચો દેખાડી
ખાત્રી આપો તો જ અમે માનીએ કે ખાલી બંદુક ફુટી ખરી.
રાંડીરાંડના છાજીયા
મી.ખાકી વળી આગળ પોતાની જાત જણાવવાને લખે છે કે વગર ભરેલી બંદુક ખુણે ઉભી ઉભી
જ ફુટે. તેથી આગ લાગી ૪—પ માણસોનો ભોગ લે. એ શું ઓછુ પ્રમાણ છે. તેમજ તમો મુવા,
તમારા બળ્યાં—કાળાં મોઢાં થયાં અને વાયરો નીકળી ગયો. કોઈ
રખડું રાંડીરાંડની કે વંઠેલી પાતરની પેઠે આવી બાયલી ગાળો બોલવામાં જ બાવામીયા
ખાકીનું જ્ઞાન અને ડહાપણ પગલે પગલે ઉભરાઈ રહ્યું છે. ધન્ય છે,
ધર્મઢોંગીઓના કમનસીબ માતા પિતાને કે છેવટે તેમણે આવા જ
રત્નો આ જગતમાં ઉત્પન્ન કર્યા.
બરાબર જાત જણાવી
છેવટે સતપંથનો ઢોલ પીટીને મી.ખાકી લખે છે કે “બિચારાને જવાબ દેતા ના આવડયો,
જેથી ગાળો ભાડીને પોતાનું ડોળ દેખાડી દીધું છે.” બરાબર આ
લખવા જેવું જ ઉપર જણાવ્યા પ્રમાણે એ ખુટેલ ખટપટીયા ખાકીએ કરી બતાવી જેનુ ખાધુ તેનુ
ખોદીને, ખાઈ બગાડયું છે. અમારા લાંબા લેખોમાંના એકેનો ઉત્તર તો
આજસુધી હજુ નથી અપાયો. છતાં રાંડની પેઠે છાજીયા લઈને ફોકટ છાતી તોડી નાખી છે. એનો
જ અમને વધારે અફસોસ થાય છે.
ખાકીનો ખરો ખુલાસો
અંધશ્રદ્ધાળુઓને યુક્તિબાજો અને ધૂર્તો મળે છે,
તેથી બેભાન બની સ્વધર્મનું ભાન ભુલી ધૂર્તના નાદ ઉપર મોહી
પડી પોતાનું સર્વસ્વ ગુમાવી દે છે ત્યાં સુધી કે ધર્મના અગ્રગણ્ય મહાપુરૂષોનાં
વચનો ઉપરનો પ્રેમ ફેરવી ધૂર્તોએ રમાડેલી રમત ઉપર દોરાઈ જાય છે. ખજાનયે ખુબી મી.
ખાકી ઉપરના સોનેરી વચનો તો આબાદ તમારા સઘળા સતપંથ પ્રર્વતકોને,
સતપંથી કાકાઓ તેમજ સૈયદોને ઈંચે ઈંચ લાગુ પડે છે. આવા
અંતરના સાચા ઉદ્ગારો બહાર કાઢી પોતાના પાપોને ઉઘાડા પાડવા અને કબુલ કરવા માટે
તમને ખરેખર ધન્યવાદ ઘટે છે. ઘણું જીવો અને કુટિલતા કબુલ કરતા રહો. બીજુ તમને અમે
શું કહીએ.
છેવટની અરજ
અંતમાં લખવાનું કે બાવા ઈમામશાહના નવા અવતારના ઢોંગધારી સૈયદ ખાકી મને તો
તમારી ગાળો વાંચી—સાંભળીને હસવુ જ આવે છે કે એ રીતે પણ તમારી ગલીચ વાણીથી તમે તો
અમારા પાપ જ ધોઈ રહ્યા છો. પણ મને એટલો જ ભય રહે છે કે એ ગલીચ ગાળો ન સહન થવાથી જો
કોઈ બીજો ધર્મચુસ્ત હિન્દુ તમારી બરાબર ખબર લેવાને બહાર પડશે તો તમારા પીરાણાના
પ્રપંચી પરચાઓનો મોટો પહાડ પણ તમને બચાવી કે સંઘરી નહીં જ શકે. માટે ગુન્હાની
તોજેશ કરી, કરેલા કુકર્મોની માફી માગી હજુ પણ બાકી રહેલી જીંદગીના
મેલ—પાપ ધોઈ નાખીને માલીકના વ્હાલા થાઓ. અમે ઈચ્છીએ છીએ કે ઈશ્વર તમને છેવટે સદ્બુદ્ધિ
આપે
લી. શત્રુમિત્ર સર્વનો હિતચિન્તક,
સ્વધર્મ અને સ્વજ્ઞાતિને
સમર્પિત
સેવક નારાયણજી રામજીભાઈ કોન્ટ્રાકટર
(કચ્છવીરાણીવાળા) હાલ ઘાટકોપર (જીલ્લો થાણા)
પીરાણા “ સતપંથ” નો રસીક અને રહસ્યભર્યો
મહાભારત ભેદી ઈતિહાસ !
હિન્દુભાઈઓને છળવા તેમજ વટલાવવાનું એક મહાન પ્રપંચી અને
ભયંકર કારસ્તાન
પ્રિય
હિન્દુભાઈઓ ! આ વાંચો,
ચેતો અને જાગ્રત થાઓ !
પીરાણા સતપંથની પોલ !
કહેવાતા પીરાણા ઈમામશાહી કબ્રસ્તાની અર્ધદગ્ધ ખીચડીયા સતપંથનો છુપો ઈતિહાસ !
અનેક વરસોની મહેનત અને શોધખોળ, છુપા ગુપ્તપંથી પુસ્તકોના સાધન અને હજારોના ખર્ચે તૈયાર
કરેલો એક અમૂલ્ય ભેદભરેલો મહાન ગ્રંથ! અદ્ભૂત વારતા,
નવલકથા, નાટક, કાવ્ય કે ઈતિહાસના રસિક વૃતાંતો કરતા પણ વધારે રસીક,
અદ્ભૂત અને ભેદી બનાવોથી ભરપૂર,
સત્યઘટના, લિખિત પુરાવા, શાસ્ત્રો અને કોર્ટના અનેક પ્રમાણો તેમજ જાતિ અનુભવથી તૈયાર
કરલું સુંદર સચિત્ર—નવું જ પુસ્તક
પીરાણા સતપંથનું વિચિત્ર પુરાણ !
જ્યારથી મહંમદ ગીઝનીએ હિંદ ઉપર ચડાઈ કરીને,
હિન્દુ મંદિરો, મૂર્તિઓ તેમજ આર્ય ધર્મના નાશને માટે અત્યાચારની તલવાર
ઉઠાવી ત્યારથી આજ સુધી એટલે લગભગ એક હજાર વરસો થયા. હિન્દુધર્મના અંતરજગતમાં
કેટલાક મતલબી સૈયદો, ફકીરો અને નામધારી પીરોએ કેવા કેવા પ્રપંચ,
યુક્તિ—પ્રયુક્તિ અને દાવ—પેચથી,
શામ—દામ—દંડ ભેદની—ચારધારી,
છલ—નીતિથી, હિન્દુધર્મ અને હિન્દુ જાતિને નષ્ટ કરી,
પોતાનો બનાવટી કપોળકલ્પિત પોકળ પંથ ફેલાવવાના ચમત્કારોની
વાતો ગોઠવી છે. તેમજ સ્વર્ગ—ભેસ્તની લાલચો આપી ભોળા લોકોને લૂંટી ખાવાને ઠામ ઠામ
કેવા ઠગાઇના થાણા જમાવી પોતાનો પાપી પેશો ચલાવવાના ગજબ જેવા મહાન ષડયંત્રો ગોઠવ્યા
છે. તેનો રોમાંચક અને શબ્દે શબ્દ સાચો ભેદી ઈતિહાસ જો વાંચવો હોય તો આ એક જ પુસ્તક
ખરીદો.
ઈશ્વરી અવતારોની બનાવટી કથા !
એ નવીન હિન્દુધર્મને નામે, વૈદિક ધર્મનું એક કપોળકલ્પિત નામ ધારણ કરી,
અરેબિયન નાઈટસના કિસ્સા જેવું ગપગોળાનું બનાવટી ખોખુ ઉભુ
કરીને, તેમાં હિન્દુ દેવદેવીઓ તથા બુદ્ધદેવને અને ઈસલામી ઈમામોને
એક સાથે ગોઠવી દઈને નુરસતગોર, પીરશમ્સ, પીર સદરદીન, કબી દીન, ઈમામશાહ વગેરે પ્રપંચી પાત્રોએ રચેલી અદ્ભૂત
ઈંદ્રજાળ ! અમીની ગોળી, બાવાનો પ્રસાદ, પાવન કરનાર છાંટો, ભેસ્તની હુંડી— સ્વર્ગની રજાચીઠ્ઠી— પીરાણાની જાત્રા,
ગંગવો કુવો અને કાકા તેમજ મુખીઓની રસભરી અલબેલી રાસલીલા
વગેરે વાંચી વાંચીને હસો.
નકલંકી અવતારની એક અદ્ભૂત નવી રચના
“ હિન્દુ પુરાણોમાં જણાવેલો ઈશ્વરનો દશમો અવતાર,
જે કલિયુગ પુરો થયેથી થવાનો જણાવેલો છે. એતો અરબસ્તાનમાં
ઈમામ રૂપે પેદા થઈ પણ ચુકયો છે. બ્રહ્મા, વિષ્ણુ અને શંકરે તો આ વખતે મ્લેચ્છના ઘરમાં અવતારો લઈને
નવી લીલા કરેલી છે ” એવી ઠગાઈનો રસીલો અહેવાલ
સતપંથી સૈયદો અને કાકાઓની જાદુઈ કપટજાળ
પંજાબ, સિંધ, કચ્છ, ગુજરાત, ઉત્તર હિંદમાં ઠેકઠેકાણે ખાના અને જમાતો સ્થાપીને જાહેર અને
ગુપ્ત રીતે સેવકોની ગતગંગા વહેવરાવી, ઘટ—પાટ—ગાયત્રી અને કલમા—નિમાજ તથા હેજંદાના નવરંગી
કચુંબરનો ખીચડો બનાવી લાખો હિન્દુભાઈઓની આંખે પ્રપંચના પાટાઓ લગાવીને કેવી રીતે
વટલાવવા તેમજ ઠગવામાં આવે છે અને દશોંદ, વીશોંદ, ખુમ્સ, ખેરિયાત વગેરે બહાને,
લાગા—લગવા—કર અને જગાતનાં લાકડાંઓ ઘુસાડી તેમને ખોટી લાલચે
કેવી રીતે નીચોવી નીચોવીને પાયમાલ કરવામાં આવે છે તેના અદ્ભૂત પ્રસંગો,
પ્રમાણો અને પરચાઓ વાંચો.
સૈકાઓથી રાત્રે પાટ બીછાવી ભજવાતા આ નાટકનું અંધારી દીવાલો વચ્ચે દટાઈ રહેલું
સતપંથનું હજારો રૂપિયા ખર્ચતા પણ મળી ન શકે એવું સંપૂર્ણ સાહિત્ય. મહોર,
નબુવત, રોજા અને દલદલ ઘોડાના સુંદર સપ્તરંગી ચિત્રો અને તેમનો ભેદી
ઈતિહાસ. નુરનામુ, બાજનામુ, રતનનામુ, નાદેઅલી, પીરશાહનો પાઠ, તૈયબનો કલમો, દશ અવતાર, ક્રિયાઓ, ઘટ પાટ, બુદ્ધાવતાર, મૂલબંધ, દશતરી ગાયત્રી, બનાવટી સંધ્યા વગેરે અનેક ગોઠવી કહાડેલાં વિચિત્ર ગ્રંથોના
ચોકઠાથી ઉભા કરેલા પીરાણા સતપંથ, નકલંકી, ગુપ્તપંથ વગેરે અનેક છુપા ધર્મોનો સીલસીલાબંધ મહત્વનો
મહાભારત ઐતિહાસિક ભેદી ગ્રંથ !
આ એક જ ગ્રંથ વાંચવાથી હિન્દુધર્મને અનેક રીતે હાનિ પહોંચાડનારા અને ભોળા
હિન્દુભાઈઓને મહાન પ્રપંચોથી ફોસલાવી, લલચાવી પ્રપંચજાળમાં પકડી,
વટાળીને ભ્રષ્ટ કરી ધન—ધર્મ જાતિ તેમજ સન્માનનું હરણ કરી,
હિન્દુ ધર્મના દુશ્મન બનાવનારા,
કરપીણ કારખાનાઓની કુટિલ કળાઓનો તાદ્દશ્ય ચિતાર આંખો સામે
ખડો થશે.
દુનિયાની સપાટી ઉપર અનેક ધર્મીઓને ઠગાઈથી વટલાવવા માટે કેટલાક મહાન ભેજામાંથી
ઉપજાવેલું એક પ્રત્યક્ષ બહેસ્ત (ભેસ્ત), તેના ભેદ—ભરમો અને ભોગવિલાસના પ્રપંચ પડદાઓ !
ઉપરના બધા ધર્મોની ઉત્પત્તિ અને આજસુધીની સ્થિતિ તથા જન્મથી મરણપર્યત એ ધર્મના
સેવકો અને અનુયાયીઓને કરવાની ક્રિયાઓ તેમજ જગતને ઉંધે રસ્તે ચડાવવાની યુક્તિઓ,
હિન્દુઓને ધર્મદ્રોહી,
દેવદ્રોહી, જ્ઞાતિ અને દેશદ્રોહી બનાવનારી એક ભીષણ જાળ. ખાના કે રૂહની
કત્લગાહ. તેના અદ્ભૂત પરચાઓના રદીયા અને સતપંથની ખામીઓ વિગેરે અનેક કલિલીલાઓનો
અદ્ભૂત ચિત્રપટ. તેમજ કાકા અને મુખીઓના જુલમ—દુરાચાર તેમજ પ્રપંચોનું પોગળ વાંચી
વાંચીને તમો જરૂર અજબ બની જશો. આ પુસ્તકનું કદ રોયલ આઠ પેજી (મોટા પાના) લગભગ
ચારસો થશે. ગ્લેઝડ ચીકણા કાગળ,સુંદર ચિત્રો,જંતર મંતર અને વંશવાળીના કોઠાઓ,
પ સોનેરી પૂઠું અને સવિસ્તર ભૂમિકા તેમજ અનુક્રમણિકા. આ
મહાન ગ્રંથ હજારોના ખર્ચે તૈયાર કરેલો હોવા છતાં ધર્મસેવા અને જાતિસેવાના હેતુથી
તેની પડતર કિંમત ફકત રૂા. ૩/ ત્રણ જ રાખવામાં આવી છે. થોડા જ વખતમાં બહાર પડશે.
અગાઉથી ગ્રાહકો થઈ પૈસા ભરનારને પોસ્ટ વી.પી. ખર્ચ માફ. જલ્દી નામો નોંધાવો.
ગ્રાહક પુરતા જ પુસ્તકો છપાતા હોવાથી પછી વખત નહીં મળી શકે તો પસ્તાવું પડશે.
લખો : પટેલ નારાયણજી
રામજીભાઈ કોન્ટ્રાકટર |
કચ્છ વીરાણીવાળા — હાલ ઘાટકોપર (જીલ્લો થાણા) |