Book: Abhilekh -2, 2024 (અભિલેખ -2, 2024)

Index

2. શું સદગોર નહીં જાગે? - દિનાંક 01-Jul-1920

શું સદગોર નહીં જાગે ?

પીરાણાની ગાદીના અધ્યક્ષ કાકા લક્ષ્મણ કરમશીને કચ્છના કડવા કણબી જ્ઞાતિના આગેવાન ગેઢેરાઓ અને પીરાણાના કહેવાતા હરિવંશી સૈયદો જોગ :—

          જત લખવાનું કે આપ મહાત્માઓ આજે આખા કચ્છ દેશને કાનમાં જાલી જુલાવી રહ્યા છો અને મોજ મજા ઉડાવી રહ્યા છો તેને જોઈને “દે દાતાર ને પેટ કુટે ભંડારી” તે મુજબ આપણા મુંબઈવાસી અને કચ્છ વિરાણીવાસી યુવક બંધુઓ આપની સત્તાને તોડવા પ્રયત્નો કરી રહ્યા છે તે એટલે સુધી કે તેનું વર્ણન કરતાં અમારી કલમ કંપે છે. પણ કહેવા વગર અમારાથી રહી નહિ શકાવાથી આપ મહાશયોને જણાવીએ છીએ કે :—

          પ્રથમ તો અમારે પીરાણાના હરિવંશી સૈયદોને કહેવું જોઈએ કે તમો તો હવે એકદમ મુન ગ્રહણ કરીને બેસી રહ્યા છો તેનું કારણ શું? અમને તો તેનું કારણ કંઈ વિચિત્ર લાગે છે. કહ્યું છે કે “સાચતો ઉભી નાચ” તેથી તમો જો ખરા હરિવંશી બ્રાહ્મણ હો ને માંસ આહાર ન કરતા હો ને શુદ્ધ સનાતની અર્થવ વેદ મુજબ વરતતા હો તો તમારી સત્યતા બતાવો અને જાહેરમાં આવીને અમારી જ્ઞાતિના આગેવાન ગેઢેરાઓ જેઓ આપના શિષ્યો છે અને જેણે આટલા દિવસ તમારા વચનો ઉપર વિશ્વાસ રાખીને જે નીચ કૃત્યો કરી રહ્યા છે અને તમારા પેટો ભરી રહ્યા છે તેની આબરૂની ફજેતી ઘરો ઘર ગવાઈ રહી છે તેને બચાવો અને બચાવવા મદદ કરો. કાં સંતાઈને બેઠા છો? જો કદી તમો હરિવંશી બ્રાહ્મણો ન હો ને સનાતની અર્થવ વેદ મુજબ ન વરતતા હો અને માંસાહાર કરતા હો તો (કરો છો જ) કહો કે અમો હરિવંશી તો શું પણ એક શુદ્ધ હિન્દુ પણ નથી. અમો તો ચોખ્ખા મુસલમાન (યવન) છીએ અને વેદ તેમ કુરાનથી વિમુખ વર્તનારા છીએ. તેથી તમોએ અમારી વાત ઉપર આટલા દિવસ વિશ્વાસ રાખ્યો પણ હવેથી અમારા ઉપર આધાર રાખવો મુકી દીધો. કારણ કે અમો કોઈ પણ માણસ અને તમારા સુધરેલા ભાઈઓને કાંઈ પણ જવાબ આપી શકીશું નહિ એવી ખુલાસાવાર છાપા દ્વારા ખબર ફેલાવો કે જેથી તેઓ તો બિચારા પોતાનું સંભાળે અને સુધારાવાળાની પાછળ કોદાળી અને પાવડા ઉપાડેલ છે તે તો મુકી દે અને પોતાનો જે ધર્મ (વેદધર્મ) તે પાળીને શુદ્ધ કડવા કણબી તો થાય તેથી અમો તમોને વિનંતી કરીને કહીએ છીએ કે તમારાથી તો અમારા સુધરેલા ભાઈઓને કંઈ પણ જવાબ આપી શકાશે નહિ એવી અમોને ખાત્રી છે માટે નાહક અમારા ભોળા હૃદયના વડીલોને આંધળા બનાવી ખાડામાં કાં નાખો? ને તેની પવિત્ર ઈજ્જતને ઘરોઘર કાં વગોવાવો છો ? હવે તેનો કેડો મુકી દીઓ ને જો નહીં મુકો તો અમારા વિશ્વાસુ વડીલોએ જે આટલા દિવસ સુધી તમારા વચનો ઉપર વિશ્વાસ રાખ્યો છે તેનું વિશ્વાસઘાતનું પાપ થાશે તેનું ફળ ને આજ દિવસ સુધી તેઓ પોતાના ખરા ઈષ્ટદેવથી વિમુખ ચાલ્યા છે તેનું ફળ અને પોતાના ગરીબ ભાઈઓ ઉપર જુલ્મ ગુજાર્યો તેના પાપનું ફળ તમોને ભોગવવું પડશે.

          અમારા વહાલા આગેવાન ગેઢેરાઓ અને પીરાણાના કહેવાતા ભક્તરાજો હવે તો તમારા ગોરને જગાડો અને પીરાણા પંથનો બચાવ કરાવો નહી તો પછી પસ્તાવું પડશે. કદી આપ તે સતગોરને જગાડી ન શકતા હો તો તેના ગાદીપતિ કાકા લક્ષ્મણને કહો કે તે જગાડે. અરે કાકા શ્રી તો ધન ભેગું કરવાના કામમાં રોકાણા છે કેમકે કહ્યું છે કે :—

ઘર ઘરમેં જર હય તો, તો દુનિયામેં લહર હય,

વિના જરકી જિંદગાની, કાતીલ ઝહર હય.

          તેથી તેઓ મિલોના શેર સટ્ટામાં, લીમીટેડ કંપનીઓના ડાયરેક્ટર (ભાગીદાર) થવામાં, બેંકોમાં હિસાબ કરવામાં અને મોટરોની ખરીદી કરવામાં રોકાણા છે તેથી તેઓ પણ જગાડી શકે તેમ નથી. કદી પીરાણાના ભક્ત મંડળ જગાડે તો તે પણ પોતાના શિષ્યોને આડું ઉંધું સમજાવવામાં રોકાઈ ગયા છે તેથી તેને પણ કહી શકાય તેમ નથી. તો પછી આપ જ્ઞાતિ આગેવાન ગેઢેરાઓ જગાડો પણ આપને પણ ફુરસદ મળતી નહી હોય કારણ કે આપના ઉપર પણ એક મહા મુશ્કેલીનો ધંધો ખડો છે. તે એક બિચારા ગરીબ જ્ઞાતિ બંધુઓને મારીઝુડી દંડ કરી, નાણાં ભેગાં કરીને કાકાશ્રીને આપવા અને સાથે પોતાના પાપી પેટ ભરવા તેથી તમો પણ જગાડી શકો તેમ નથી. તો શું થયું? પીરાણા પંથી ગોર પોતે તો અંતરયામી છે તો તે શું નહિ જાણતા હોય ને તે જો જાણતા હોય તો પોતે કાં ન જાગે ને પોતાના ભક્તોને સહાય કાં ન કરે. અરે તે પણ બિચારો કરે શું કે તેનો કાંઈ ઉપાય નથી કારણ કે તેના પુજારીઓ અને ભક્તો તો ખાલી જગતને ધુતવામાં જ પુરા છે. બિચારા પીરાણાપંથી ગોરને તો કોઈ પુછતુંય નથી કે તમો ક્યાં પડ્યા છો તેથી તે બિચારા પોતે એવી કુંભકરણની અઘોર નિંદ્રા લઈ સુતા છે કે તે કોઈ પણ ઉપાય કરે પણ જાગે તેમ નથી. અરે હોય ! ત્યારે શું સદગોર નહિ જાગે ! ના, જાગશે તો ખરા પણ જ્યારે પીરાણાના અધ્યક્ષ કાકા લખમણ અને જ્ઞાતિ આગેવાનો સત રસ્તે ચાલીને પોતાના અનુયાયીઓને તેના ખરા ઈષ્ટ દેવની ઓળખાણ કરાવશે અને પીરાણા પંથના સતશાસ્ત્રોનો સત બોધ કરશે ત્યારે હાલ તો ભલે કાકાઓ સૈયદો અને પેલા પીરાણાના અંધશ્રદ્ધાળુ ભક્તો માથા કુટી કુટીને મરે અને આખી રાત અને દિવસ નુર પીધા કરે અને નુરનામા, બાજનામા પડ્યા કરે પણ કશું વળવાનું નથી અને ખાલી જગતની નજરે ચડીને ફજેત થવાનું છે. તેથી બંધુઓ તમો પીરાણા પંથ ધર્મ અનુયાયી થયા છો તો તેના મુળ સિદ્ધાંત સમજ્યા વગર જેટલી બકવાદ કરશો તેટલી સર્વે નકામી છે તો ખાલી અંધશ્રદ્ધા રાખવી મુકી દીયો અને તમો શુદ્ધ કડવા કણબી હો તો પોતાના ખરા ઈષ્ટ દેવની શોધ કરો અને કમર કસો. પોતાના સ્વરૂપો ઓળખો અને મુસલમાન યુવનોનો સંગ મુકો અને પોતાના ખરા ધર્મને ઓળખો કે જેથી તમારા કામની અંદર વિઘ્ન આવતા અટકે અને નિર્વિઘ્ને તમારું કામ પુરણ થાય…. અસ્તુ.

                                               

 

તા.૧—૭—૧૯૨૦

 

લી.શ્રી કચ્છી કડવા પાટીદાર જ્ઞાતિ સુધારક યુવક મંડળ

 

હિતેચ્છુ પ્રેસ — કરાંચી

 

ઠે.રણછોડ લાઈન દેશલ બજાર — કરાંચી.

 

 

Leave a Reply

Share this:

Like this: