Akhil Bhartiya Kutch Kadva Patidar Samaj
A central organisation of Kutch Kadva Patidar Sanatan community
Akhil Bhartiya Kutch Kadva Patidar Samaj
A central organisation of Kutch Kadva Patidar Sanatan community
પાટીદાર પ્રકાશના તકલેદી લેખનું ખંડન
ભાગ ૧ લાના લખનાર
પટેલ ફકીરદાસ ગોપાલદાસને
જવાબ
છપાવી પ્રસિદ્ધ કરનાર
મી. નારાણજી રામજી કોન્ટ્રાકટર
કચ્છ વીરાણીવાળા
નવસારી — “આર્ય વિજય પ્રેસ” માં
શા. હરીવલ્લભદાસ પ્રા. પારેખે છાપ્યો તા. ૧૧—૭—૧૮
પટેલ ફકીરદાસ ગોપાલદાસ પીરસદગોરનુરની
દરગાહ સરીફમાં ઉપદેશકની સેવામાં
સ્વસ્થાન નવસારી
આપના તરફથી પાટીદાર પ્રકાશના તકલેદી લેખનું ખંડન ભાગ ૧ લો છપાયેલ છે. તે થોડા
દિવસ થયાં મારા એક સ્નેહી તરફથી વાંચવા મળેલ છે. તેમાં કચ્છના કણબીઓનો વિસ્તાર એ
લેખ ઉપર તેમજ કુર્મી ક્ષત્રિય ઉત્પત્તિ અને ઈતિહાસ નામના પુસ્તક ઉપર આપે કરેલી
ટીકા વાંચ્યા પછી વિચાર કરતાં આપને વ્યાજબી જવાબ આપવાની થોડી જવાબદારી મારા ઉપર પણ
રહે છે. કુર્મી ક્ષત્રિય ઉત્પત્તિ અને ઈતિહાસની ટીકાનો જવાબ તેના કર્તા તરફથી થવો
જોઈએ. પાટીદાર પ્રકાશ નામના માસીકની ટીકાનો જવાબ તેના તંત્રી તરફથી થોડો અપાયો છે
એમ સાંભળ્યું છે. પરંતુ મારા તરફથી અંગત ટીકાનો જવાબ મારેજ આપવો જોઈએ એમ ધારી
વ્યાજબી હકીકત આપની જાણ માટે અને અમારા પીરાણાપંથી ભાઈઓને વિશેષ ઉપયોગી થઈ પડશે
એવું જાણી શુદ્ધ હૃદયથી લખી છે અને તે બીના ઉપર આપનું ધ્યાન ખેંચુ છું.
પાટીદાર પ્રકાશના અંક ૧ર મા સંબંધી તમારા તરફથી જે બુક પ્રગટ થઈ છે તે બુક
પાને ૩૪ ની ચોખવટ નંબર ર૩ નો જવાબ પોતાનું કુટુંબ પીરાણા ધર્મને અનુસરનારૂં હોવાથી
ન હિન્દુ કે ન મુસલમાન. આએ હકીકતથી સતપંથની મોટી સંખ્યાને હાનિ,
સંતાપ, અણગમો અને કડવાશની લાગણી ઉત્પન્ન કરનારૂં છે એમ આપ લખો છો.
તેના જવાબમાં લખવાનું કે આપનું લખવું સતપંથને નુકશાનકારક જણાય છે. તેવીજ રીતે
શુદ્ધ કણબીઓ ક્ષત્રિય હોવા છતાં પીરાણાના અર્ધદગ્ધ પંથનો સ્વીકાર કરવાથી ન
હિન્દુમાં કે ન મુસલમાનપણાની ગણત્રીમાં આવી ગયા છે અને તે જગત જાહેર વાત છે એમાં
આપ શું કહી શકો તેમ છો. પીરાણા ધર્મ અથવા સતપંથ ધર્મ એ હિન્દુ ધર્મ તો નથી જ.
કારણકે જે ધર્મોમાં કલમો પઢાય અને લગ્ન વિધિ ચોરી ઈત્યાદી આર્યોના પવિત્ર
સંસ્કારના બદલે જુદી જ રીતે લગ્ન વિધિ બ્રાહ્મણો સિવાય ચલાવી લેવાય. મરણ વખતની
ક્રિયા ધરોદ કલમાને આધાર રૂપ ગણી દફનાવી દેવાની જે રીત અથવા પીરાણાના ધર્મની
માન્યતા તે કોઈ કાળે પણ હિન્દુ ધર્મને માન્ય છે જ નહીં. ત્યારે પીરાણા પંથીઓ
મુસલમાન શા માટે નથી ગણાતા તેનું એટલુંજ કારણ છે કે કચ્છના પીરાણા પંથી કણબીઓ
સુન્નત કરાવતા નથી, દાઢી રખાવતા નથી, તાબુત કાઢતા નથી તેમજ મુસલમાનોનું ખાતા નથી. માત્ર એટલા જ
પુરતા તેઓ હિન્દુ છે એમાં જરા પણ શક નથી. એ ઉપરથી એમ નક્કી સિધ્ધ થાય છે કે
પીરાણાનું ધર્મ ન હિન્દુ ધર્મ છે તેમજ ન મુસલમાની ધર્મ છે. કચ્છ દેશના અંજાર ગામના
રહીશ ર્ડાકટર આત્મારામભાઈએ પોતાના બનાવેલા આત્મારામ અનુભવ નામના ગ્રંથમાં પીરાણા
ધર્મને અર્ધદગ્ધ પંથ તરીકે માનેલ છે અને હું તે વાતનો સ્વીકાર કરૂં છું અને ઉપર
લખી બીનાથી એ વાત સિધ્ધ થાય છે.
આપના લખેલા પુસ્તકના પાને ૩૮નો જવાબ :— પીરાણા પંથનો અભ્યાસ કર્યો તેમાં તદ્ન પોલ માલુમ પડી. એના
જવાબમાં લખવાનું કે થોડાં વર્ષો થયાં પીરાણા ધર્મ સબંધે ઘણી ટીકાઓ થઈ છે એ ગુપ્ત
ધર્મને જ્યાં સુધી લોકો જાણતાં નોતા ત્યાં સુધીજ એ ધર્મની મહત્તા જળવાઈ રહી હતી.
પરંતુ દુનિયાની નજર આગળ જ્યારે દશમો કલંકી અવતાર,
મુખીની તમામ ક્રિયા,
મુળ બંધનો ચોપડો, શ્રાધાદી કર્મ વખતે રાંધેલું અનાજ ખાનામાં લઈ તેની ક્રિયા,
બાવની ક્રિયા વિગેરે હકીકતો મારા વાંચવામાં આવી ત્યારથી
પાકી ખાત્રી થઈ છે કે પીરાણા ધર્મની જે માન્યતા છે તે સાચી હોય કે ખોટી હોય તેની
સાથે મારે કાંઈ લેવાદેવા નથી. પરંતુ તે હિન્દુ ધર્મને શરમાવે તેવી રીતે આર્ય
ધર્મનું અપમાન કરનારી તો ચોક્કસ છે. એ ગ્રંથો વાંચવાથી વાંચનારને ખાત્રી થશે.
પીરાણા ધર્મના રહસ્યનો મુળ ગ્રંથ દશમો નકલંકી અવતારનો મેં જ્યારે અભ્યાસ કર્યો
ત્યારથી મારી પીરાણા ધર્મ પ્રત્યે આસ્થા ઉઠી ગઈ અને તેમાં તદ્ન કલપીત અને અસંભવીત
ખોટી વાતોની ગપ્પો મારી છે. ભોળા લોકોને ભરમાવવાને તેમાં કાળીંગા દૈત્યનું આખ્યાન
લખ્યું છે તે પણ તદ્ન ખોટી રીતે દૈત્ય કાળીંગાનો પુત્ર કમળાકુંવરને પિતાદ્રોહી
તેમજ સુંરજા રાણીને પતિભક્તિથી વિમુખ એક નીચ અને હલકી સ્ત્રીના જેવા કૃત્યવાળી
આલેખી છે. રાક્ષસ રાજાની સ્ત્રીઓએ પણ પતિવ્રતા ધર્મ પાળ્યાનું શાસ્ત્રોમાં લખ્યું
છે. જાલંધર રાક્ષસ હતો અને તે દેવોને દુઃખ દેતો હતો છતાં તેની સ્ત્રી વૃંદાના
પતિવ્રતાના પ્રભાવથી ભગવાન શંકર અને વિષ્ણુએ પણ સખ્ત હાર ખાધી હતી. લંકાધીપતિ
રાવણની સ્ત્રી મંદોદરી જ્ઞાની હતી તો પણ પતિની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું નથી અને તે
પણ સતી તરીકે શાસ્ત્રોમાં તેની ગણના છે ત્યારે કાળીંગા દૈત્યની સ્ત્રી કાળીંગા
દૈત્યનું મૃત્યુ કરે છે. પતિવ્રતા ધર્મથી ભ્રષ્ટ થાય છે. તે સિવાય પણ અનેક એવાં
દ્રષ્ટાંતો લખવામાં આવ્યા છે કે સત યુગમાં સતપંથ ધર્મના મુખી રાજા હરીશચંદ્ર,
રાણી તારામતી અને કુંવર રોહીદાસ હતા. હીરણ્યાકષ્યપના પુત્ર
પ્રહલાદજી પણ સતપંથ ધર્મના મુખી હતા. દ્વાપર યુગમાં ભગવાન વેદવ્યાસ પણ એજ ધર્મને
માનતા હતા. પાંડવો પણ એજ ધર્મ પાળતા હતા. ધર્માત્મા મહારાજા યુધિષ્ઠર એ ધર્મના
મુખી હતા. આવી અનેક ગપ કથાઓ લખી ભોળા માણસોને ભુલ થાપ ખવરાવવાની અનેક હકીકત દશમા
નકલંકી અવતાર નામના હસ્તલિખિત ગ્રંથમાં છે. તે વાંચવાથી પીરાણા ધર્મની હિન્દુપણાની
પોલ જણાઈ આવશે.
આપના પુસ્તકના પાને ૪૧ માં પોતાના પુરાણા પીરાણા પંથ પ્રતિ
પુષ્કળ તિરસ્કાર આવવા લાગ્યો. એના જવાબમાં લખવાનું કે —— મહા પ્રતાપી સૂર્યવંશ કુળ ભુષણ સત્યવાદી મહારાજા
હરીશચંદ્રના ઈતિહાસથી જેમના વંશમાં સોળેકળા ગુણ સંપન્ન પુરણ પુરૂષોત્તમ મર્યાદા
ભગવાન પ્રભુ રામચંદ્રજીનો જન્મ થયો છે એવા ઉત્તમ કુળ દીપક વશીષ્ટ મુનિના શિષ્ય
મહારાજા હરીશચંદ્રના ઈતિહાસથી અથવા મહાભારત અને ભાગવતના કર્તા ભગવાન વેદ વ્યાસજીએ
પાંડવોના ઈતિહાસમાં તેમજ પાંડવોના સખા કૃષ્ણ પરમાત્માના ગીતાના બોધમાં ફરમાનજી
બીસમીલા હર રહેમાન નર રહીમ સતગોર પાત્ર બ્રહ્મા ઈંર ઈમામશાહ નરઅલી તે માહમદશાહ
નબીનુર સતગોર તમારી દુવા આવા અર્ધદગ્ધ ફકરાઓને પૂજતા તેમજ તેનો જાપ કરતાં કોઈપણ
હિન્દુઓએ સાંભળ્યું નથી તેમજ શાસ્ત્રોમાં તેમજ પુરાણોમાં કોઈ ઠેકાણે છે જ નહીં.
પવિત્ર મહાત્માઓના ઉજ્જવળ ચારીત્રને કલંક લગાડી હોલ હિન્દુ ધર્મનું સતપંથ કહો કે
પીરાણા પંથ કહો તેમાં ખાસ અપમાન કરવામાં આવ્યું છે. તે જ્યાં સુધી સનાતન ધર્મના
ધર્મગુરૂઓ આ વાત જાણતાં નથી ત્યાં સુધીજ આ પોલ અંધારામાં રહી છે અને તેનું કારણ એ
છે કે સતપંથ કહો કે પીરાણા પંથ કહો તેનાં દરેક પુસ્તક હસ્તલિખીત છે અને તે તેનાં
અનુયાયીઓ સિવાય બીજાને વાંચવા મળતાં નથી. તેથી જ આ વાત આજ દિવસ સુધી અંધારામાં રહી
છે. કચ્છના કણબીઓએ પીરાણાનું ધર્મ અંગીકાર કર્યા પછી અને હમણાંના જાગૃતીના સમયમાં
દુનિયાના લોકો જ્યારથી એમ સમજતા થયા છે કે પીરાણા ધર્મને અર્ધ દગ્ધ પંથ તરીકે કોઈ
રીતમાં નથી ત્યારથી પીરાણાના ધર્મને માનનાર કચ્છના કણબીઓને મુમના કણબીના ઉપનામથી
બોલાવે છે. તેઓ શરમના માર્યા કણબીઓ કશો પણ વાદવિવાદ કર્યા વગર નીચી મુંડીએ તેનો
સ્વીકાર પરાણે પણ કરે જાય છે. કણબી પટેલ મટી મુમના કણબી કહેવાય છે એ આપના પીરાણા
ધર્મનો પ્રતાપ છે અને તે ધર્મમાં ભોળા લોકોને ભરમાવીને એવી એવી લાલચો ધર્મની
કહેવામાં આવે છે કે પીરાણા ધર્મ જેવું કોઈ ધર્મ નથી અને જે સતપંથ ધર્મ પાળશે તેજ
તરી પાર ઉતરશે. ભગવાનના દશ અવતાર થઈ ગયા તેને માનવાની જરૂર નથી. નકલંકી અવતારને
માનવું અને કમાઈમાંથી દસોદ ધર્માદા તરીકે આપવાથી જનમ મરણના ફેરા ટળે છે વિગેરે
અનેક પ્રકારની હકીકતો લખી છે. સતપંથ ધર્મની એક એવી પણ માન્યતા છે કે તેમના સેવકોએ
પોતાના ધર્મની વાત કયાંય પણ બહાર કરવી નહીં. પોતાના ધર્મના સેવકોને ધર્મ ઉપર વધુ
આસ્થા બેસે તેવો જ હંમેશા બોધ થાય છે વિગેરે હકીકતોનો સાર ફકીરભાઈને ટુંકામાં
જણાવું છું અને આએ હકીકતથી દુનિયા જાણી શકશે કે પીરાણા ધર્મ પણ એક અજબ પંથ છે.
. કુર્મીય ક્ષત્રિય ઉત્પત્તિના પ્રગટ કર્તાને પટેલ ફકીરભાઈ ધમકી આપે છે કે
મીસ્ત્રી નારાણજી રામજીભાઈની એકતરફી હકીકત સાંભળી પોતાના લખેલા ઈતિહાસમા ખોટી
હકીકતના ભોગ થઈ પડયા છે અને તે બાબતે ફકીરભાઈ સુચના કરે છે કે મજકુર ઈતિહાસિક
બુકમાં સુધારો કરી પીરાણા ધર્મ સબંધી જે હકીકત લખવામાં આવી છે તે કાઢી નાખવા ભલામણ
કરે છે.
આપની બુકના પાને ૪ર માં આપ લખો છો કે દેશમાંથી કણબીઓ લાખો
કોરીઓ દર વર્ષે પીરાણે મોકલે છે તે ન મોકલતાં ગરીબોને ઓછે વ્યાજે ધીરે તો તેમને
સાચા ખોટા દેવામાં વંશ પરંપરા દટાઈ મરવું ન પડે :——— આએ તમારા લખેલા શબ્દો ઉપર જો હું લખવા બેસું તો ઘણું લખાય
એમ છે. તો પણ ટુંકામાં જણાવીશ કે ફકીરભાઈ આપ પણ એક પાટીદાર કણબી છો અને હું પણ
કણબી છું. તમને સતપંથ ધર્મની લાગણી છે ત્યારે મને મારા ગરીબ કણબીભાઈ પ્રત્યે લાગણી
છે. હું મારા પીરાણા પંથી ભાઈઓથી દશેક વર્ષ થયાં છુટો પડયો છું,
છતાં મારું હૃદય તેમના તરફ ભાતૃભાવથી જુવે છે. તેમના સુખ
દુઃખના માટે મને ઘણું લાગી આવે છે અને એટલા જ માટે હું પીરાણાપંથી મારા
જ્ઞાતિબંધુઓમાં સુધારો કરવા ચાહું છું. દર સાલ લાખો કોરીઓ પીરાણા જાય છે તે જાણે
મારી પોતાનીજ જાય છે એવું મને દુઃખ લાગે છે. કારણકે તે કોરીઓમાંથી જેવું જોઈએ
તેવું હિન્દુઓને શોભે તેવું અમારી જ્ઞાતિને પુન્યવાન બનાવવાનું કાર્ય થતું હોય તેમ
જણાયું નથી. એટલા જ માટે એ કોરીઓ ઓછા વ્યાજે ગરીબ કણબી ખેડુતો કે જેઓ કરજમાં દટાઈ
ગયા છે તેમને ધીરવી અથવા તો ખેતીવાડીના સુધારામાં અને કેળવણીમાં વાપરવી કે જેથી
ભવિષ્યમાં કણબીની પ્રજા જે તદ્ન અભણ અને અજ્ઞાન છે તે વિદ્યા અભ્યાસ કરવાથી
પોતાની ઉન્નતિ જોઈ શકે. અને તે પુન્ય પ્રતાપથી ધર્મ,
અર્થ, કામ અને મોક્ષના માટે સત્યાસત્યનો નિર્ણય કરી શકે. વિશેષમાં
ફકીરભાઈ જણાવે છે કે પીરાણા પંથ અથવા સતપંથમાં વ્યાજ ખાવાની મનાઈ છે. એટલુંજ નહીં
પણ તેમાં પાપ છે જેના માટે લાંબુ વિવેચન કરવાની ફકીરભાઈએ ખાસ તસ્દી લીધી છે. મારે
દિલગીરી સાથે જણાવવું પડે છે કે પીરાણા ધર્મના ધર્મગુરૂ આચાર્યશ્રી ગાદીપતિ
લક્ષ્મણકાકા કચ્છમાંથી તેમજ પીરાણા ધર્મના અન્ય સેવકો પાસેથી જે પૈસા આવે તે
પીરાણા જાગીરનું ખર્ચ બાદ કરતાં બાકીના પૈસા અમદાવાદની મીલોના શેરની ખરીદીમાં
વ્યાજ તથા નફો મેળવવામાં વપરાય છે જે વાત જગત જાહેર છે અને કચ્છના કણબીઓએ તે બાબતે
વાંધો લીધો હતો. તે આપ જાણતા હશો તો પછી જે ધર્મમાં વ્યાજ ખાવાની મનાઈ છે,
જેને પાપ સમજવામાં આવે છે તેવું હલકું અને ધર્મગુરૂને ન
શોભતું કાર્ય લક્ષ્મણકાકા કેમ કરે છે તેનો કંઈ જવાબ હોય તો જણાવશો. આપની બુક પાને
૪૪ નારણભાઈ પોતે ગુજરાતમાં આવ્યા ને ગુપ્તવેશે પીરાણે ગયા અને ત્યાંની હૃદયભંગ
સ્થિતિ જોઈ આવ્યા. આ હકીકત આપને કનીષ્ટ, લુલી, લંગડી, સ્વબળ ભાંજક અને અસત્ય ઉઘાડું પાડે છે. નારાણજીભાઈએ
પીરાણામાં હૃદયભંગ સ્થિતિ જોઈ તે શું કેવી અને કેમ તેનું કંઈ નામ નિશાનનો કંચીત
ઈશારો પણ મળે નહીં. આએ હકીકતનો જવાબ કુર્મી ક્ષત્રિય ઉત્પત્તિમાં લખાયો નથી એ એક
દિલગીરી ભરી વાત છે. જેના માટે મને પણ દિલગીરી થાય છે. મારૂં હૃદયભંગ થયાની હકીકત
ઈતિહાસમાં ન લખાઈ એ ઠીક જ હતું. પરંતુ એનો આપ જવાબ માગો છો તો સાંભળો.
પ્રથમ તો હું જ્યારે પીરાણા ધર્મનો અભ્યાસ કરતો હતો ત્યારે પીરાણા ધર્મનું
પીરાણા ગામનું પીરાણાના રોજાનું ગંગુઆકુવા,
નગીનાગોમતી નામની બાવાની બેઠકનું અને બ્રાહ્મણો તથા અન્ય
જ્ઞાતિઓની જનોઈઉતરાવી સતપંથની દીક્ષા દેતી વખતે સવા મણજનોઇઓ ઉતારી છે તેનું,
લોખંડની બેડીઓ પોતાની મેળે ઉઘડી જાય છે વિગેરે હકીકતોનો
અભ્યાસ ચાલતો હતો. ત્યારે એ દૈવભૂમિમાં પગ મુકતાંજ જાણે વૈકુંઠનો ભાસ થશે કે
સ્વર્ગની છાયા દેખાશે, આવી જે હૃદયની માન્યતા હતી તે નજરે જોતાં સાંભળેલી હકીકત
જેવું કશું નથી. મકાનો અને દેવાલયો બાંધવાનું શિલ્પી કામ હું કરૂં છું. મોહમયી
મુંબઈ નગરીમાં એવાં એવાં અનેક મકાનો છે કે જેની તુલના રોજા કરતાં ચઢી જાય તેમ છે.
નગીનાગોમતી નામની બેઠક તો તદ્ન એક સાદી બેઠક છે. ગંગુઓકુવાના માટે અમારૂં ગામ
વીરાણીના મુખી કેશરા ભાણાજી જેવોનો સ્વર્ગવાસ થયો છે તેઓની પાસેથી સાંભળ્યું હતું
કે ચીનમાં ચીરના નગરી છે જ્યાં કાળીંગો દૈત્ય રાજ્ય કરતો હતો. ત્યાંથી એક પાણીની
નહેર છે અને તે નહેર ગંગુઆકુવામાં મળે છે. કાશીની ગંગા પણ આ કુવામાં આવે છે તેવા
પવિત્ર ગંગુઆકુવાની જ્યારે ઝાંખી કરી ત્યારે તે કુવા ઉપર ઘાસ ઉગી ગયું હતું.
કુવામાં સમારકામની જરૂર જણાતી હતી અને પાણીનો એક છાંટો સરખો પણ દેખાતો નો’તો. મને
નવાઈ લાગી કે જેમાં ગંગાનો પ્રવાહ આવતો હોય અને તે કુવામાં પાણી ન મળે. ઘણીજ
નવાઈની વાત છતાં મનને સમાધાન કર્યું કે ઉનાળાનો દિવસ છે તેથી પાણી ખુટી ગયું હશે.
ગંગુઆકુવાના માટે બીજી પણ અનેક હકીકતો સાંભળી છે પરંતુ તે બધી અતિશયોક્તિ ભરેલી
છે. ઘણા કાળ પુર્વે જનોઈઓ ઉતારેલી હજુ કાયમ છે તેમાં પણ થોડી જનોઈઓ દેખાડવા માટે
રાખી છે. પગમાં બેડીઓ પેરે છે અને સાચા ખોટાની ખાત્રી માટે તે પોતાની મેળે ઉઘડી
જાય છે તેમાં પણ કંઈ સાર નથી. ખુદ બાવા ઈમામશાહનાં જેને દર્શન કરવા હોય તેને નાભી
કમળમાંથી અમી નીકળે છે અને તેની ગોળીઓ દરેક ઠેકાણે મોકલવામાં આવે છે તે પણ કંઈ
પરચા જેવું કશું નથી અને વિશેષમાં ક્ષોભ તો એ થયો કે પીરાણા ધર્મના ધર્મગુરૂઓ ફકત
લખી વાંચી શકે એટલું ગુજરાતી ભણેલા છે. અન્ય કાકાઓ પણ કાંઈ વિશેષ ભણ્યા હોય તેમ
જણાતું નથી. આટલી હકીકત જાણ્યા પછી મારા હૃદયની હૃદયભંગતા આપે જોઈ લીધી હશે અને
હું આશા રાખું છું કે સાથે સાથે આ હકીકત જાણ્યા પછી આપના હૃદયની પણ ગંભીર સ્થિતિ
થઈ ન જાય તો સારૂં. તે સિવાય ગુપ્તવેશે જવાના કારણ માટે આપ ટીકા કરો છો તેના
જવાબમાં લખવાનું કે જ્યારે મેં પીરાણા ધર્મને તજી દઈ એક લેખ કચ્છ કેશરી નામના
પેપરમાં લખેલ. તે વખતે પીરાણા ધર્મના અનુયાયીઓએ મને તેમજ મારા માતાપિતાને એવી
ધમકીના કાગળો અને હકીકતો પહોંચાડી છે કે પીરાણા ધર્મની હકીકત બહાર પાડી છે માટે
નારાણને કોઈ જાનથી મારી નાંખશે. એવી પહેલી ખબર મારા મુરબ્બી મામા ડાહ્યા ભાણજી
ઘોળુએ મારા પિતાશ્રીને પહોંચાડી હતી પરંતુ તેથી ડરવાનું કંઈ કામ નો’તું. સત્ય
હકીકત દુનિયાની જાણ માટે ખુલ્લી પાડવી એ કંઈ ગુનોહ નથી. અને મારૂં મૃત્યુ કોઈ
સતપંથી કે પીરાણા પંથીના હાથે જ હશે તો તે કંઈ ટળવાનું નથી. પોતાના જ્ઞાતિબંધુઓને
હિન્દુ ધર્મ સમજાવવાના પ્રયત્નમાં પ્રાણની આહુતિ આપવી પડે તો તેની દિલગીરી મને
તેમજ મારા કુટુંબને થશે નહીં. તો પણ પતંગીયાની પેઠે દિવામાં જંપલાવવામાં ડહાપણ નથી
એવા હેતુથી હું કચ્છના વીરાણી ગામનો ફલાણા નામનો કણબી છું એવું પીરાણામાં જાહેર
કર્યું નો’તું. ઈતિહાસકર્તાએ ગુપ્ત રીતે ગયાનું જે લખ્યું છે તેના માટે ફકીરભાઈને
ટીકા કરતાં આનંદ થાય છે અને ગુપ્તવેશનો ચીતાર પારસી,
મુસલમાન, ખ્રીસ્તી, પુરૂષ, સ્ત્રી કે છાણના પુતળાં કે રમકડાંનો આપી ફકીરભાઈ પોતાના
હૃદયમાં ઘણાં દિવસની ભરાઈ રહેલી ઉંડી દાઝની લાગણીનો પ્રસંગ નાનકડી બુકમાં આપ લાવી
શકયા છો તેના માટે હું આપને ધન્યવાદ આપું છું.
કચ્છના કણબીઓનો વિસ્તાર બુક પાને ૪પ માં આપ લખો છો કે ડગલે પગલે ભુલો કરી છે.
જેને લગતી ચોખવટ કરવા ધારે તો મોટો ગ્રંથ લખાય પરંતુ કાગળની મોંઘવારી ધ્યાનમાં લઈ
કેટલીક બાબતો આપે હાથ ધરી નથી એ કેમ જાણે અમારા ઉપર મોટો ઉપકાર કર્યો ન હોય એમ
આપનું ધારવું છે. કણબી બંધુ ફકીરભાઈ મને આએ તમારા લખાણ ઉપર પુષ્કળ હસવું આવે છે.
અને જવાબમાં તમને શું લખવું એ મોટો વિચાર થાય છે. હૃદયને કાબુમાં રાખી તમને તમારા
લખાણનો જવાબ આપવાની જે ફરજ ઉભી થઈ છે તે કાગળની મોંઘવારી હોવા છતાંએ આપવો પડે છે.
કચ્છના કણબીઓનો વિસ્તાર એ ઉપર આપનાથી એક અક્ષર પણ લખાય એવો માર્ગ આપના માટે છે
નહીં અને તમે જે બુક લખી સતપંથ અથવા પીરાણા પંથને હિન્દુ ધર્મ છે એમ મારી મચડીને
ગીતા અને શ્રુતીઓના શ્લોકો ટાંકી બતાવવા જે પ્રયત્ન કર્યો છે તે માત્ર સ્વપ્નવત
છે. કેવળ વખતનો ભોગ અને થોડા પૈસાની બરબાદી કરવા સિવાય નફામાં તમે અમારો જવાબ
પ્રાપ્ત કર્યો છે. કાગળની મોંઘવારીની દલીલ આપની ખોટી છે. તમારો પક્ષ કરનાર તમારી
પાછળ પુષ્કળ પૈસા ખર્ચ કરનાર સતપંથ પ્રકાશક મહામંડળ છે. જે મોટાં મોટાં ઈનામો
જાહેર કરે છે. તેમને બે પાંચ રૂ. જો આપે વધુ લખ્યું હોત તો ખર્ચ થાય તેથી મંડળને
શું ટોટો આવી જતો હતો ? નામદાર પીરજાદા મીર પ્યારે સાહેબ પોતાના સતપંથના પુસ્તકો
લખાવવામાં અને છપાવવામાં સેંકડો રૂ. ખર્ચે છે તો આપના તરફથી પાંચ રૂ. વધુ ખર્ચ
કરવા પડત તો નામદાર પ્યારે સાહેબને ભારે પડત નહીં એવું મારૂં ખાસ માનવું છે. પરંતુ
ખરી રીતે આપ કંઈ લખી શકો એવું કશું આપના હાથમાં ન હોવાથી આપે લખવું બંધ કર્યું છે
અને લેખને અપૂર્ણ રાખ્યો છે. હું પણ મારો લેખ આટલેથી જ બંધ કરૂં છું. વળી આપ લખશો
અને જવાબ દેવા યોગ્ય હશે તો આપની સેવા ઉઠાવવા સેવક તત્પર રહેશે.
પટેલ ફકીરભાઈ ગોપાલદાસને છેવટની એક વિનંતી :—— આપ પીરાણા ધર્મનું અથવા સતપંથ ધર્મનું તે ધર્મ હિન્દુ ધર્મ
છે એવું રક્ષણ કરવા માંગો છો અને જેવી રીતે પોલંમપોલ ચાલે છે તેવીજ રીતે ચાલે તેમ
ઈચ્છો છો અને તેટલા જ માટે આપ સતપંથના ઉપદેશક તરીકેનું આપનું જીવન ગાળો છો. પરંતુ
બંધુ તે હવે અશકય છે. જમાનો આગળ વધતો જાય છે તેમજ દરેક જ્ઞાતિઓમાં દરેક ધર્મના
પંથોમાં સુધારાવધારા થતા જાય છે. તેવી જ રીતે પીરાણા ધર્મના માટે બને તો તે અયોગ્ય
નહીંજ ગણાય. કચ્છમાં પીરાણા ધર્મના માટે હવે લોકો સમજતા થઈ ગયા છે. શુદ્ધ કણબીઓ
સનાતન હિન્દુ ધર્મને સમજતા થતા જાય છે. પીરાણા ધર્મના ખાનામાં ભાગવત રામાયણ અને
મહાભારતના પ્રાચીન હિન્દુઓના ધર્મશાસ્ત્રો વંચાય છે. જ્યાં સૈયદોને ઉતારા આપવામાં
આવતા હતા તે સૈયદોને કચ્છમાં આવતા બંધ કરવામાં આવ્યા છે અને તે જગ્યામાં સાધુ
સન્યાસીઓ ઉતરે છે. ખાનું એવાં નામ સરનામા પીરાણા પંથીઓ હવે જ્યોતિધામ એવા નામના
પાટીયાં લગાડે છે.આટલું વાતાવરણ બદલ્યું છે. આપ હજુ અંધારામાં છો. પીરાણે દર સાલ
જે કોરીઓ જાય છે તેમાં પણ ઘણા ગામના લોકો તે પૈસા પીરાણે ન મોકલતાં ત્યાંજ તેની
યોગ્ય વ્યવસ્થા કરવા માગે છે. અને આપ વધુ કહેવા દેઓ તો કહીશ કે પીરાણા ધર્મના
રક્ષક કાકાઓએ ખાસ મારી રૂબરૂ તેમજ કચ્છના પીરાણા પંથી કણબીઓને હિન્દુ તરીકે ઓળખાય
તેટલા માટે મરણ વખતે અગ્નિસંસ્કાર અને લગ્ન વિધી બ્રાહ્મણોના હાથે ચોરી બાંધી
વૈદિક વિધિસર કરવા ભલામણ કરે છે. મારો પોતાનો ખાસ અભિપ્રાય તથા લાગણી બાવા ઈમામશાહ
તથા કબીરદીન—સદરદીન સાહેબ પ્રત્યે પૂજ્ય ભાવથી છે કારણકે તેઓ કરામતવાળા પીર હતા.
દરેક હિન્દુઓ મુસલમાની પીરને માનની લાગણીથી જુએ છે. તેમજ હું પણ તેઓને જોઉં છું.
પરંતુ મારે વાંધો એટલો જ છે કે તેઓ શક્તિવાળા હતા અને હિન્દુઓએ પૂજ્ય ભાવથી માન
આપ્યું તો પછી ધર્મ પળાવવામાં જો તેઓએ મુસલમાની ઉપદેશ કર્યો હોત તો કોઈપણ પ્રકારની
તકરાર નહોતી. આ અધવચમાં લટકાવી રાખ્યા છે. જેથી બીજી અન્ય જ્ઞાતિઓમાં જે શરમાવું
પડે છે અને નીચું જોવું પડે છે તે ન થાત. સતપંથ કે પીરાણા પંથના ધર્મગુરૂઓ અને આપ
જેવા ઉપદેશક પણ સત્ય વાત પોતાના સેવકોને જણાવતાં નથી. જેથીજ આ તકરાર ઉભી થાય છે.
થોડા દિવસો ઉપર નામદાર આગાખાને પોતાના હિન્દુ સેવકોને ખાસ કહી દીધું હતું કે
તમે દૂધમાં અને દહીંમાં પગ રાખો છો તે ઠીક નથી. જો તમારે આગાખાની ધર્મ ઠીક ન
લાગતું હોય તો તે છોડી દેવો અને જેને ધર્મ પ્રિય હોય તેમણે મુસલમાનીપણું અંગીકાર
કરવું. જે ઉપરથી ઘણા હિન્દુઓએ પોતાના નામ જે ગુલાબભાઈ હતું તે ગુલામઅલી ઈત્યાદી
ધારણ કરી શુદ્ધ ભાવથી આગાખાની ધર્મ પાળે છે
અને ઘણાં જણાઓએ પ્રાયશ્ચિત કરી હિન્દુ ધર્મમાં દાખલ થયા છે એ વાત આપના
ધ્યાન બહાર નહીં હોય. આતો ન હિન્દુપણામાં તેમ ન મુસલમાની પણામાં. અધવચ્ચે લટકવું,
હિન્દુ છતાં મુમના તરીકે ઓળખાવું એ બીલકુલ ઠીક નથી. કચ્છના
કણબીઓ હવે છડેચોક ખુલ્લા હૃદયથી કહે છે કે પીરાણા ધર્મ પાળવાથી તેમજ મુમના કણબી
તરીકે કોઈ કહે છે તો તેમને ગાળ દીધા બરાબર લાગે છે માટેજ હું સુધારો કરવા આપને
કહું છું. ઘણા દિવસો થયા મને પીરાણાના કાકા તરફથી સુચના રૂબરૂમાં કરવામાં આવી હતી.
તેમજ કચ્છના પીરાણા પંથી કણબી આગેવાનો તરફથી પણ લેખીત સુચના કરવામાં આવી હતી. અને
તે નમ્ર ભાવે કે પીરાણા ધર્મ તમને પ્રિય નથી તો તમે ભલે તેનો ત્યાગ કરો પરંતુ
વિશેષ કંઈ લખીને બહાર પાડવાથી અમારા ધર્મની નિંદા થાય છે. જેથી તમારે કશું લખવું
નહીં એટલી મહેરબાની કરશો. આ વિનંતીથી મેં ઘણા દિવસ થયાં લખવું બંધ કર્યું હતું.
પરંતુ દૈવયોગે આપના લખેલા પુસ્તકમાં મારી જાતની અંગત ટીકા કરવામાં આવી છે અને તે
દરગુજર કરીએ તો ચાલે. પરંતુ જવાબ ન આપવાથી દુનિયાની નજરમાં સત્યાસત્યનો નિર્ણય
લટકતો રહે. તેથી જવાબ આપવાની ઉભી થયેલી ફરજ હું અદા કરૂં છું અને સાથે સાથે આપને
પણ વિનંતી કરૂં છું કે ફરી આવી પંચાતમાં ન ઉતરાય તો સારૂં. આપ ખચીત માનજો કે
પીરાણા ધર્મને આપ હિન્દુ ધર્મ તરીકે કોઈપણ રીતે સિધ્ધ નહીંજ કરી શકો. છતાં આપની
આતુર ઈચ્છા હોય તો મારી કોઈ પ્રકારે મનાઈ નથી. હું વાદવિવાદ કરવા તૈયાર છું. આપ
કોઈપણ હિન્દુ આચાર્યમાંથી જેવા કે જગતગુરૂ શંકરાચાર્ય,
વલભી સંપ્રદાયના આચાર્ય,
સ્વામીનારાયણ ધર્મના આચાર્ય,
વૈદિક ધર્મ પ્રચારક આર્ય ધર્મના આચાર્ય કોઈનું પણ આપ
સર્ટીફીકેટ રજુ કરશો કે આએ સતપંથ ધર્મ હિન્દુ ધર્મ છે અને તે ધર્મના સેવકો હિન્દુ
કહી શકાય. તો મારે કોઈપણ પ્રકારે વાંધો નથી. હું જે હાલે વૈદિક ધર્મની રીતે ઉપવીત
અંગીકાર કરી સંધ્યા ગાયત્રી ઈત્યાદી કર્મ કરૂં છું તે છોડી દઈ ફરીથી સતપંથનો
સ્વીકાર કરીશ. આપની માફક ફકીર નામ ધારણ કરી જીંદગી પર્યત આપનો સેવક થઈ રહીશ.